Pranay Parinay - 54 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 54

પ્રણય પરિણય ભાગ ૫૪


સાંજના છ વાગ્યા હતા. સમાઈરા અને કૃષ્ણકાંત હોસ્પિટલમાં કાવ્યા પાસે બેઠા હતા. કાવ્યાને આમ બેહોશ પડેલી જોઈને સમાઈરાને ખૂબ દુખ થતું હતું. એ તેનો હાથ પોતાના હાથમાં લઈને બેઠી હતી.


વિવાન અને રઘુ અંદર આવ્યા. સમાઈરા વિવાનને ભેટીને રડવા લાગી.


'આ બધું થઈ ગયું અને તે મને કીધું પણ નહીં..'


'સમાઈરા.. તું બધુ છોડીને અહીં દોડી આવશે એ ડરથી તને કહ્યુ નહોતું.' વિવાન તેને સમજાવતા બોલ્યો.


'શું ફરક પડી જાત? તમારી કરતા મારુ ભણતર વધુ મહત્વનું થોડું છે?' સમાઈરા રડતી રડતી બોલી.


'આઈ નો ધેટ, એમ પણ કાવ્યાના ઓપરેશન પછી હું તને બધું કહેવાનો જ હતો.'


'ઠીક છે, હવે હું આવી ગઈ છું. હવે હું તને અને કાવ્યાને છોડીને ક્યાંય જવાની નથી.' સમાઈરા આલિંગનની ભીંસ વધારતા બોલી. રઘુને તેની વાત ખટકી.


'સમાઈરા.. એવું ના કરાય બે ચાર મહિનાનો જ તો સવાલ છે, તારા આટલા વર્ષોની મહેનત પાણીમાં જાશે..' વિવાન તેને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો.


'એ જવા દે, હું મારુ એમ.એસ. અહીં પુરુ કરીશ પણ તમને છોડીને નહીં જ જઉં…' સમાઈરા હાઈપર થઈને બોલી.


'ઓકે, ઠીક છે..' આને સમજાવવાનો કોઈ મતલબ નથી એમ માનીને વિવાન બોલ્યો.


'વિવાન..' કૃષ્ણકાંતે તેની તરફ જોયું અને બોલ્યા: 'સમાઈરાએ સવારથી કંઈ ખાઘુ નથી. એને બહાર લઈ જઈ કંઈક ખવડાવ.'


'પણ ડેડી, તમે લોકો તો ઘરે જ જાઓ છોને?' રઘુ બોલ્યો.


'ના.. અહીં હું કાવ્યા પાસે જ બેસવાની છું.. મારે હજુ એની સાથે રહેવું છે.' સમાઈરા આંખો લૂછતાં બોલી.


'હાં, પણ પહેલાં થોડું જમી લો જાવ..' કૃષ્ણકાંત બોલ્યા.


'પણ સમાઈરા.. ડોક્ટર આચાર્ય તો છેને અહીં! એ ધ્યાન રાખશે કાવ્યાનું..' વિવાન અકળાઈને બોલ્યો.


'વિવાન, તેની ઈચ્છા છે તો ભલે રહેતી. એવું લાગે તો હું પણ રોકાઈ જઈશ.' કૃષ્ણકાંતે કહ્યુ.


હવે વિવાન પાસે કોઈ રસ્તો નહોતો.


'ઠીક છે..' વિવાન થોડો નિરાશ થઇને બોલ્યો.


'સમુ, જા બેટા, વિવાન સાથે જઈને થોડુ જમી આવ.' કૃષ્ણકાંતે કહ્યું.


'અને તમે?' સમાઈરાએ કૃષ્ણકાંતને પૂછ્યું.


'ના, મને બિલકુલ ભુખ નથી લાગી. એવું લાગશે તો કેન્ટીનમાંથી ગરમ દૂધ મંગાવી લઈશ.' કૃષ્ણકાંતે કહ્યું.


'ઓકે.' કહીને સમાઈરા વોશરૂમમાં ગઈ. તેણે પાણીથી ચહેરો ધોયો અને થોડી ટાપટીપ કરીને બહાર આવી.


'ચલ..' તેણે વિવાનનો હાથ પકડીને કહ્યું.


વિવાને રઘુ સામે જોયુ. રઘુ ગુસ્સાથી તેને ઘુરી રહ્યો હતો. વિવાને ઉંડો નિસાસો નાખ્યો અને સમાઈરાને લઈને હોસ્પિટલની બહાર નીકળ્યો.


**


વિવાને પસંદ કરેલો ડ્રેસ ગઝલએ પહેર્યો હતો. ડ્રેસને અનુરૂપ સરસ મજાનો મેક અપ કરીને એ વિવાનની રાહ જોઈ રહી હતી.


'શું વાત છે! આજે મારી પ્રિન્સેસ ટાપટીપ કરીને તૈયાર છે.' મિહિર ઘરમાં આવતાં બોલ્યો.


'ભાઈ.. કેવી લાગુ છું?'


'એકદમ પરી જેવી..'


'તમારી પરી વિવાન સાથે રોમેન્ટિક ડિનર પર જઈ રહી છે.' કૃપાએ મોટી સ્માઈલ કરીને કહ્યું.


'ડિનર અને તે પણ ધ ગ્રેટ વિવાન શ્રોફ સાથે!! અરે વાહ!' મિહિર એક્શન કરતા બોલ્યો.


'ભાઈ.. એ તમારા માટે ધ ગ્રેટ હશે, મારો તો પતિ છે..'


'અરે હાં, લે..' મિહિર બોલ્યો. એ સાથે ત્રણેય હસી પડ્યા.


'એક વાત કહું ગઝલ?' મિહિર તેના માથે હાથ મૂકીને બોલ્યો: 'તે વિવાનને મનથી સ્વીકારી લીધો એટલે અમે ખૂબ ખુશ છીએ. એ તને ખરેખર ખૂબ પ્રેમ કરે છે. ક્યારેય તને દુખી નહીં થવા દે.'


'ચલો આપણે હવે જમી લઇએ, મેડમ તો આજે ડિનરમાં થાઈ કે ઈટાલિયન જમશે..' કૃપા મસ્તી કરતાં બોલી.


'હાસ્તો.. અમારા નસીબમાં ક્યાં થાઈ, ઈટાલિયન ફૂડ લખ્યું છે.' મિહિર ખોટેખોટું મોઢું વંકાવીને ધીરેથી બોલ્યો.


'પેટ જૂઓ પહેલાં તમારૂ.. નગારુ થઇ ગયું છે ને ઈટાલિયન ખાવું છે..' કૃપાએ ટોણો માર્યો.


'બાપરે.. સાંભળી ગઈ લાગે છે..' મિહિર દબાયેલા સૂરે બોલ્યો. પછી કૃપાની પાછળ જતાં મસ્કો માર્યો: 'એવુ નથી સ્વિટહાર્ટ.. સાંભળતો ખરી.. આ તારા હાથની સ્વાદિષ્ટ વાનગીઓ ખાઈને મારું પેટ વધ્યું છે.'


એ પતિ પત્નીની મીઠી નોકજોક જોઈને ગઝલ હસી રહી હતી..


'આ વિવાન ક્યાં રહી ગયા?' ગઝલ મોબાઈલમાં ટાઈમ જોતાં બબડી. આઠ વાગી ગયા હતા. તેણે એને ફોન લગાવ્યો પણ લાગ્યો નહીં.


આ બાજુ સમાઈરા વિવાનને બીચ પર લઇ આવી હતી. બંને જણ સમુદ્રને જોતાં બેંચ પર બેઠા હતાં. કાવ્યાની તકલીફ જોઈને તેને દુખ થતું હતું. સવારથી સમાઈરાને એક પછી એક આંચકા લાગી રહ્યા હતા. તે ખુબ ઉદાસ હતી એટલે જ વિવાન ચુપચાપ તેને કશું કહ્યા વગર તેની સાથે બીચના બાંકડા પર બેઠો હતો.


'પતિદેવ..' સમાઈરા વિવાનની સામે જોઈને બોલી. વિવાને તેની સામે જોયુ.


'ઓહ! સોરી, હવેથી તને પતિદેવ કહેવાનો મને અધિકાર નથી.' સમાઈરા દૂર ક્ષિતિજમાં જોતાં પોતાને સુધારીને બોલી.


'સમાઈરા.. પ્લીઝ ટ્રાઈ ટૂ અન્ડરસ્ટેન્ડ..' વિવાન તેની તરફ જોઈને બોલ્યો.


'હાં વિવાન.. બીજુ કોઈ તો સમજવાનું છે નહીં, એટલે બધુ મારે જ સમજવાનું છે. બધા મને જ સમજાવશે હવે.' સમાઈરા નિસાસો નાખીને બોલી.

શું જવાબ આપવો એ વિવાનને સમજાતું નહોતું એટલે એ ચુપ રહ્યો.


'એક વાત કહું વિવાન? મૃત્યુ ફકત જીવતા માણસનું જ થતું નથી, સંબંધનું પણ મૃત્યુ થાય છે. તમે કરેલો પ્રેમ, તમે લીધેલી કાળજીઓ, તમારા સ્પર્શ, તમારાં આલિંગનો, એકબીજામાં ભળી જતા તમારા શ્વાસોચ્છશ્વાસ... બધું જ એક પળમાં નાશ પામે છે. એ પણ એક મૃત્યુ છે. વિવાન, મૃત્યુથી પણ વધારે ભયાનક, વધારે એકાકી.' બોલીને સમાઈરા ક્ષિતિજ તરફ તાકી રહી.


વિવાને એક ઉંડો શ્વાસ લીધો અને બોલ્યો: 'જ્યારે તમે સાથે નથી હોતાં ત્યારે સાથે નથી જ હોતાં… જોડાણ જ્યાં હૃદયથી જોડાયેલુ ના હોય ત્યાં અનુસંધાન જેવું પણ કશું રહેતું નથી. તારી લાગણી, તારા ઈમોશન્શને મારાથી સમજી શકાય પરંતુ અનુભવી ના શકાય સમી..'


'સાંભળ, એક કામ કરીશ?' સમાઈરા તેના તરફ ફરીને બોલી.


વિવાને આંખોથી જ "શું?" એમ પૂછ્યું.


'મારા પ્રેમથી તો તે અંતર જાળવ્યું પણ મારી દોસ્તીને હડધૂત નહીં કરતો પ્લીઝ.' સમાઈરા એકદમ ભાવુક થઈને બોલી. તેની આંખો ભરાઈ આવી.


'સમી.. તું પણ શું આવી પાગલ જેવી વાત કરે છે! મેં હંમેશા તને મારી મિત્ર માની છે અને તું હંમેશાં મારી મિત્ર રહીશ. તને ક્યારેય મારી જરૂર પડે તો હું તારી પડખે જ હોઈશ.' વિવાન તેનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો.


'થેન્કસ્' કહીને સમાઈરા તેને ભેટી પડી.


વિવાનને ઘણું ઓડ ફીલ થતું હતું પણ અત્યારે સમાઈરા કેવી મનઃસ્થિતિમાંથી પસાર થઈ રહી હશે તેનો અંદાજ તેને હતો એટલે તેણે એની પીઠ પર હાથ ફેરવતાં દિલાસો આપ્યો. થોડી ક્ષણો બંને સુધી એમજ બેઠા.


'નીકળશું હવે?' વિવાને પૂછ્યું.


'હમ્મ..' સમાઈરા બોલી.


પછી બંને જણ રેસ્ટોરન્ટમાં ગયા. વિવાને સમાઈરાની પસંદગીનું જમવાનુ ઓર્ડર કર્યુ. તેની પસંદગી વિવાનને હજુ સુધી યાદ છે એમ વિચારીને સમાઈરા ખુશ થઈ.


'તારા માટે પણ કંઈ ઓર્ડર કર ને..' સમાઈરાએ કહ્યું.


'ના.. તારા માટે હજુ કંઇ મંગાવવું છે?' વિવાને પૂછ્યું.


'ના, ઓલરેડી તે વધારે ઓર્ડર કર્યું છે.' સમાઈરા બોલી.

વિવાને મોબાઈલમાં જોયું, બેટરી ખતમ થવાથી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો.

થોડીવારમાં વેઈટર જમવાનું લઈને આવ્યો.


'લે..' સમાઈરાએ પ્લેટમાંથી એક પીસ ઉપાડીને વિવાન સામે ધર્યું.


'સમાઈરા, મને ખરેખર નહીં ચાલે. તું જમી લે.' વિવાન મોબાઈલમાં જોતા બોલ્યો. તેણે મોબાઈલનું પાવર બટન દબાવીને ફોન ચાલુ કરવાની કોશિશ કરી પણ બેટરી સાવ ડાઉન હોવાથી ફોન ચાલુ જ ના થયો.


'થોડું તો લે.. હું એકલી આટલું બધું થોડી ખાઈ શકવાની છું.' સમાઈરા આગ્રહ કરતી બોલી.


'મને ખરેખર ભુખ નથી લાગી.'


'પ્લીઝ વિવાન, કડવાશોની ઉપર કશુંક મધુર હોવું તો જોઈએ. કશુંક મધુર, જેને વરસો પછી પણ યાદ રાખી શકાય.' બોલતી વખતે સમાઈરાની આંખો ભીની થઈ ગઈ.


વિવાને નાઈલાજે સમાઈરાના હાથે એક પીસ ખાધુ.


**


'અરે! ગઝલ આ વિવાન કેમ હજુ સુધી નથી આવ્યો?' કૃપાએ ગઝલને પુછ્યું. ઘણો સમય થઈ ગયો હતો. મિહિર અને કૃપાએ ડિનર પણ કરી લીધુ હતું.


'ખબર નહીં!' ગઝલ બોલી.


'અરે પણ તો ફોન કર ને એને.'


'ક્યારની ફોન ટ્રાઇ કરૂ છું પણ લાગતો જ નથી.'


'ઓહ!'


'કામમાં અટવાઈ ગયા હશે કદાચ.'


'રાતના આટલા મોડે સુધી કામ હશે?' કૃપાને નવાઈ લાગી.


'અરે કૃપા.. ઘણો બીઝી હોય છે એ.' પાછળથી મિહિર બોલ્યો.


'એક ફોન તો કરી દેવો જોઇએ ને? બે કલાકથી ગઝલ એની રાહ જુએ છે.' કૃપા બોલી.


'હમ્મ.. લાવ હું રઘુને ફોન કરીને પુછી લઉં.' મિહિરે ફોન હાથમાં લીધો.


'ના ભાઈ, તમે રહેવા દો, હું જ રઘુ ભાઈને ફોન કરૂ છું.' ગઝલએ કહ્યુ.


'ઠીક છે. ચલ કૃપા, આપણે વિવાન આવે ત્યાં સુધી લૉનમાં એકાદ રાઉન્ડ મારી લઈએ.' બોલીને મિહિર બહાર નીકળ્યો.


'હાં ચલો.' કહીને કૃપા એની સાથે ગઈ.


ગઝલએ રઘુને ફોન લગાવ્યો.


'હાં ભાભી, બોલો.' રઘુ ફોન ઉપાડીને બોલ્યો.


'વિવાન ક્યાં છે?'


'ભાઈ હજુ સુધી ત્યાં પહોંચ્યા નથી?' રઘુએ સામે સવાલ કર્યો.


"નહીં, અને એનો ફોન પણ નથી લાગતો.'


'ભાઈ હમણાં પહોંચતા જ હશે.'

ગઝલ રઘુ સાથે વાત કરી જ રહી હતી ત્યાં એના ફોન પર અનનોન નંબર પરથી થોડા ફોટા આવ્યા. તેણે ફોન ચાલુ રાખીને જ ફોટા જોયાં. વિવાન અને સમાઈરા બંને જણા બીચ પર એકબીજાની આગોશમાં બેઠા હતા. પછી રેસ્ટોરન્ટના ફોટા હતાં જેમાં સમાઈરા વિવાનને પોતાના હાથે ખવડાવી રહી હતી.


'રઘુ ભાઈ, તમારા ભાઈ છે ક્યાં એ બોલો.' ગઝલ કડક અવાજે બોલી.


'એક્ચ્યુઅલી ભાભી.. એ સમાઈરા..' રઘુ બોલવા ગયો પણ ગઝલએ તેને વચ્ચે જ બોલતો અટકાવ્યો.


'સમાઈરાની સાથે છે રાઈટ?' ગઝલ ઉશ્કેરાટથી બોલી.


'એમાં એવુ થયુને ભાભી.. કે ભાઈ તમારી પાસે આવતા હતાં ત્યાં સમાઈરા મળી અને..' રઘુ લાળા ચાવતો વાતને ગોઠવવાની કોશિશ કરી રહ્યો હતો.


'ઇટસ્ ઓકે.. ચલો હું ફોન મૂકુ છું.' કહીને ગઝલએ અધુરી વાતે જ ફોન કાપી નાખ્યો. તેને ખૂબ રડવું આવી રહ્યું હતું. બહારથી મિહિર અને કૃપાનો હસવાનો અવાજ આવી રહ્યો હતો. કારણ વગર એ લોકોને ડિસ્ટર્બ કરવા નથી એમ વિચારીને તે ઉપર પોતાના રૂમમાં ગઈ અને બેડમાં પડતું મૂક્યું.


**


સમાઈરાએ જમી લીધુ પછી વિવાને તેને ફટાફટ હોસ્પિટલ છોડી અને પોતે ગઝલને લેવા મિહિરના ઘરે ગયો.

મિહિર અને કૃપા હજુ લોનમાં જ હતાં.


'અરે! વિવાન.. બહુ મોડું કર્યું!?' મિહિર બોલ્યો.

વિવાને વોચમા જોયું તો સાડા દસ વાગી ગયાં હતાં.


'સોરી ભાઈ, થોડું વધારે મોડું થઈ ગયું, હોસ્પિટલમાં હતો.' વિવાને બહાનું કાઢ્યું.


'ઈઝ એવરીથિંગ ઓકે?' કૃપાએ ચિંતાથી પૂછ્યું.


'હાં ભાભી.. એવરીથિંગ ઈઝ ઓલ રાઈટ.'


'ગઝલ અંદર વાટ જૂએ છે જા..' મિહિરે હસીને કહ્યું.


'થેન્ક યુ ભાઈ..' કહીને વિવાન અંદર ગયો.


'મેડમનો મૂડ કેવો હશે એ કોને ખબર!' વિવાનના અંદર જતાં જ કૃપા બોલી.


'એ સંભાળી લેશે.' મિહિરે કહ્યુ. અને બંને અંદર પોતાના રૂમમાં ગયા.


'ગઝલ..' વિવાને તેની રૂમની બહાર ઉભા રહીને હળવેથી અવાજ દીધો.


ગઝલએ કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. એટલે વિવાને દરવાજો ધકેલીને અંદર જોયું. રૂમની લાઇટ ચાલુ હતી. ગઝલ બેડ પર ઉંધી પડી હતી. એ ધીમેથી અંદર ગયો અને દરવાજો બંધ કર્યો. તેને ખબર હતી કે આજે ગઝલ ઝઘડવાની છે, એટલે રૂમની બહાર અવાજ ના જાય એ માટે તેણે હળવેથી દરવાજો બંધ કરી દીધો.


'ગઝલ..' તેની બાજુમાં જઈને વિવાન દબાતા અવાજે બોલ્યો. પણ તેણે કોઈ રિસ્પોન્સ આપ્યો જ નહીં.


'સ્વીટ હાર્ટ..' વિવાન ધીરેથી તેની બાજુમાં બેઠો અને તેને સ્પર્શ કરીને બોલ્યો.


'ડોન્ટ ટચ મી..' ગઝલએ તેનો હાથ ઝટકી નાખ્યો.


'સોરી.. આઈ એમ વેરી સોરી..'


'તમારુ સોરી તમારી પાસે રાખો નથી જોઈતું મારે.. અને તમે અહીં આવ્યા શું કામ?' ગઝલ ગુસ્સાથી તેની સામે જોઈને બોલી.


'આ સમયે માણસ પોતાની પત્ની પાસે ના જાય તો ક્યાં જાય?'


'અહીં કોઈ તમારી પત્ની નથી ..' ગઝલ છણકો કરીને બોલી.


'અરે હાં.. યૂ આર રાઈટ. તું મારી પત્ની નથી..' વિવાન બોલ્યો. ગઝલ કતરાતી આંખે તેની સામે જોઈ રહી.


'તું તો મારી સ્વીટ હાર્ટ છે.. મારી રાણી છે.. આઈ લવ યૂ માય ક્વીન..' વિવાન તેને લાડ લડાવતો મનાવી રહ્યો હતો. પણ માનવાને બદલે ગઝલ વધારે છંછેડાઈ ગઈ.


'જૂઠ, બિલકુલ જૂઠ.. તમારો અસલી પ્રેમ તો પેલી સમાઈરા છે. હું તો ટાઈમપાસ છું. એ અહી નહોતી એટલે તમે મારી પાસે આવ્યા હતાં, તમે મને ક્યારેય પ્રેમ કરતા જ નહોતા.. એ આવી ગઈ એટલે ફરીથી તેની પાસે જતા રહ્યા. મારી મે'મ સાચું જ કહેતી હતી કે બધા પુરૂષો સરખા જ હોય..' ગઝલનો ગુસ્સો અકબંધ હતો.


'કોણ મે'મ? કઈ મે'મ?' વિવાને આશ્ચર્યથી પુછ્યું.


'જે હોય તે.. તમને શું ઈન્ટરેસ્ટ છે એમા?' ગઝલ ભડકી.


'અરે! એમ નહીં.. આ તો તું મે'મ બોલી એટલે મને..' વિવાન અટવાઈ ગયો. પછી વાત વાળતા બોલ્યો: 'એ વાત છોડ, તું સમજે છે એવું કશું નથી તને મેં સવારે તો સમજાવ્યું હતું ને ગઝલ..'


'એવું જ છે.. મને બધી ખબર છે.' ગઝલની આંખોમાં પાણી આવ્યાં.


'અરે! શું થયું?' ગઝલની આંખોમાં આંસુ જોઈને વિવાન તેની નજીક ગયો.


'શું થયું??? હજુ પણ મને જ પુછો છો કે શું થયું??' ગઝલ ઊઠીને ઉભી થઇ ગઇ.


'સોરી.. એ હોસ્પિટલમાં સમાઈરા..' વિવાન બોલવા જતો હતો ત્યાં ગઝલએ અટકાવ્યો.


'હાં, મને ખબર છે એ તમારો બચપણનો પ્રેમ છે.. તેની સાથે ડિનર કરવા અને બીચ પર ફરવા ગયા હતા..' ગઝલ આંસુ લૂછતા બોલી.


'તને કોણે કહ્યું?'


.

.

ક્રમશઃ


ગઝલને ફોટા કોણે મોકલ્યા હશે?


સમાઈરાના મનમાં શું ચાલતુ હશે?


શું સમાઈરા ઈમોશનલ થઈને વિવાનનો લાભ ઉઠાવશે?


શું સમાઈરા, ગઝલ અને વિવાન વચ્ચે ઝઘડો કરાવવામાં સફળ થશે?


શું સમાઈરા ગઝલનો કાંટો કાઢી નાખશે?


કે પછી વિવાન બાજી સંભાળી લેશે?❤ આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષામાં. ❤