Tere Ghar ke saamne books and stories free download online pdf in Gujarati

તેરે ઘર કે સામને – રીવ્યૂ

ફિલ્મનું નામ : તેરે ઘર કે સામને

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : દેવ આનંદ   

ડાયરેકટર : વિજય આનંદ

કલાકાર : દેવ આનંદ, નૂતન, ઓમપ્રકાશ, હરિન્દ્રનાથ ચટોપાધ્યાય, રાજેન્દ્ર નાથ, રાશીદ ખાન

રીલીઝ ડેટ : ૫ એપ્રિલ ૧૯૬૩

        દેવ આનંદ અને નૂતનને ચમકાવતી આ રોમેન્ટિક કોમેડી તે સમયે સુપરહીટ નીવડી હતી. દેવ અને વિજયની જોડી ફરી સુપરહીટ સાબિત થઇ હતી. આ અગાઉ તેઓ નૌ દો ગ્યારહ, કાલા બાઝાર અને હમ દોનો ફિલ્મો દ્વારા પોતાનો જાદુ બોક્સ ઓફીસ ઉપર પાથરી ચુક્યા હતા. નવકેતન બેનર હેઠળ વિજય આનંદ બહુ જ જબરદસ્ત ખીલતો હતો અને ભવિષ્યમાં તેણે ગાઈડ, જોની મેરા નામ તેમ જ જ્વેલથીફ જેવી ફિલ્મો આપીને સાબિત કર્યું કે દેવ આનંદને શ્રેષ્ઠ રીતે કોઈ પેશ કરી શકે તો તે વિજય આનંદ ઉર્ફ ગોલ્ડી જ હતો.

        ૨૬ સપ્ટેમ્બર ૧૯૨૩માં પંજાબના શંકરગઢમાં એડવોકેટના ઘરે જન્મેલ ધર્મદેવ પીશોરીમલ આનંદ આગળ જતાં દેવ આનંદના નામે પ્રખ્યાત થયો. લાહોરથી બી.એ. કર્યા પછી તેણે મુંબઈની રાહ લીધી. થોડો સમય કારકૂન તરીકે નોકરી પણ કરી, પછી મોટાભાઈ ચેતન આનંદના કહેવાથી ઇપ્ટા (પ્રખ્યાત નાટ્યસંસ્થા) સાથે જોડાયો. અશોક કુમારની અછૂત કન્યા અને કિસમત જેવી ફિલ્મો જોઇને તેને પણ થયું કે મારે અભિનય કરવો જોઈએ. પ્રભાત સ્ટુડીઓના માલિક બાબુરાવ પૈની નજર તેના ઉપર પડી અને તેનું સ્મિત અને આંખો જોઇને તેને હીરો તરીકે ચમકાવવાનું નક્કી કર્યું. દેવ આનંદને પહેલી ફિલ્મ મળી હતી ‘હમ એક હૈ’. તે ફિલ્મના શુટિંગ દરમ્યાન તેની મુલાકાત થઇ ગુરૂદત્ત સાથે. તેમની મિત્રતા એટલી ગાઢ બની કે તે બંનેએ નક્કી કર્યું કે જે સફળ થશે તે બીજાને મોકો આપશે. થયું પણ એવું જ દેવ આનંદ સફળ રહ્યો અને પોતાની જ પ્રોડક્શન કંપની સ્થાપી. નવકેતનની પહેલી ફિલ્મ અફસરનું નિર્દેશન ચેતન આનંદે કર્યું અને  બીજી ફિલ્મ બાઝીનું સુકાન વચન પ્રમાણે ગુરુદત્તને સોંપ્યું.

        શરૂઆતમાં દેવ આનંદને મહિલા પ્રધાન ફિલ્મો મળી જેમાં તેણે સુરૈયા સાથે જોડી બનાવી, જે આગળ જતાં પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ. બંને પ્રેમી પંખીડા એકબીજામાં ઓતપ્રોત હતાં અને પ્રેમ પત્રોની આપલે પોતાના સહકલાકારો દુર્ગા ખોટે અને કામિની કૌશલના માધ્યમથી કરતાં. સુરૈયાની નાનીએ આ આંતરધર્મીય લગ્નનો વિરોધ કર્યો અને દેવ અને સુરૈયાની પ્રેમકહાની અધુરી રહી ગઈ. પાછળથી દેવ આનંદે પોતાની અન્ય એક સહકલાકાર કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધાં, પણ સુરૈયા સંપૂર્ણ જીવન અપરિણીત રહી.

        અનેક સફળ ફિલ્મો આપનાર દેવ આનંદ એવરગ્રીન સ્ટારના નામથી પણ પ્રખ્યાત છે, શરૂઆતમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપનાર દેવ આનંદે છેલ્લે છેલ્લે બહુ જ ભંગાર ફિલ્મો આપી એ પણ એટલું જ સત્ય છે. જો કે એક સમય હતો જયારે દેવ આનંદની ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર રાજ કરતી.

તેરે ઘર કે સામને પણ દેવ આનંદની સફળ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મની કથા એકદમ રોચક છે. સેઠ કરમચંદ (હરિન્દ્રનાથ ચટોપાધ્યાય) અને લાલા જગન્નાથ (ઓમપ્રકાશ) વચ્ચે પહેલેથી જ દુશ્મનાવટ છે અને એકબીજાને નીચું દેખાડવાનો એક પણ મોકો છોડતાં નથી. તેઓ જમીનની નીલામીમાંથી પ્લોટ ખરીદે છે જે સામસામે હોય છે. સેઠ કરમચંદ પોતાનું મકાન બનાવવા માટે આર્કિટેક્ટ શોધવાની કવાયત શરૂ કરે છે. રાકેશ (દેવ આનંદ) આર્કિટેક્ટ છે અને તેની કંપની તેને સેઠ કરમચંદને મળવા કહે છે. જયારે મળવા માટે જાય છે ત્યારે પ્લોટ પાસે તેનું ઘર્ષણ થાય છે સેઠ કરમચંદની દીકરી સુલેખા (નૂતન) સાથે જે તેને બદમાશ સમજી બેસે છે. રાકેશ અને મદન (રાશીદ ખાન) સલાહ પ્રમાણે સેઠ કરમચંદના ઘરે જાય છે અને સુલેખા ફરી રાકેશ અને મદનને ભગવી દે છે. ઓફિસમાં મળવા જાય છે ત્યારે સુલેખાને ખબર પડે છે કે રાકેશ એક પ્રખ્યાત આર્કિટેક્ટ છે. તે બંને વચ્ચે મિત્રતા થઇ જાય છે જે ધીમે ધીમે પ્રેમમાં પરિણમે છે.

રાકેશ લાલા જગન્નાથનો દીકરો છે અને તે વિષે સુલેખાને જાણકારી નથી. લાલા પણ રાકેશ પાસે જ મકાન બનાવવાનું નક્કી કરે છે. સેઠ કરમચંદ તેમ જ લાલા જગન્નાથ એક જ ડિઝાઈન પસંદ કરે છે. રાકેશ સુલેખા સાથે પ્રેમ કરે છે અને તેના માટે મકાન બનાવી રહ્યો છે અને પોતાના પિતા માટે પણ એવી જ મકાન બનાવી રહ્યો છે. સેઠ અને લાલાજીને એકબીજાથી દૂર રાખવામાં રાકેશની હાલત કફોડી થઇ જાય છે અને અનેક હાસ્યની ક્ષણો ઉભી થાય છે. એક સમય આવે છે જયારે સેઠ કરમચંદ અને લાલા જગન્નાથને હકીકતની ખબર પડી જાય છે અને દુશ્મન સાથે સંબંધ ન થઇ શકે એવો બંને આગ્રહ કરે છે.

તે બંનેને લાઈન ઉપર લાવવા રાકેશ અને સુલેખા એવી ચાલ ચાલે છે, જેના લીધે બંને ચિત થઇ જાય છે અને સુખદ અંત આવે છે.

ઓમપ્રકાશ તો કોમેડીનો બાદશાહ ગણાતો, પણ હરિન્દ્રનાથ ચટોપાધ્યાયે આ ફિલ્મમાં રંગ રાખ્યો છે. ચોસઠ વર્ષની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશ કરનાર સરોજીની નાયડુજીના ભાઈ હરિન્દ્રનાથની આ બીજી જ ફિલ્મ હતી, જેમાં તેમણે પોતાની બેનમૂન અભિનય પ્રતિભા દર્શાવી. હરિન્દ્રનાથ પહેલી લોકસભાના સદસ્ય હતા અને કવિ પણ હતાં. ૧૯ વર્ષની ઉંમરે તેમણે પોતાનો કાવ્યસંગ્રહ ‘ધ ફીસ્ટ ઓફ યુથ’ પ્રગટ કર્યો હતો. તેમણે લખેલી કવિતા ‘રેલગાડી, રેલગાડી’ ને આશીર્વાદમાં અશોકકુમારે ગાઈને અમર કરી દીધી. તેરે ઘર કે સામને પછી પણ અનેક કોમેડી તેમ જ ગંભીર રોલ તેમણે ભજવ્યા.

આ ફિલ્મમાં હીરો અને હિરોઈનની માતાના રોલ પ્રતિમા દેવી અને મુમતાઝ બેગમે યોગ્ય રીતે ભજવ્યા છે. નૂતનના ભાઈ રોનીના રોલમાં રાજેન્દ્રનાથ છે અને કદાચ ત્રીજી જ ફિલ્મ હોવાથી બહુ ઓછા વાનરવેડા કર્યા છે અને તેની અપોઝીટ રોલ કરનાર ઝરીન કટરાક એટલે સંજય ખાનની પત્ની અને ઝાયેદ ખાનની માતા. ઝરીન આ ફિલ્મમાં દેવ આનંદની ઓફિસમાં કામ કરતી છોકરીના રોલમાં દેખા દે છે. 

નૂતન પોતાના સાહજિક અભિનય માટે પ્રખ્યાત હતી. શોભના સમર્થની આ દીકરીએ ફિલ્મોમાં તે સમયે જબરદસ્ત સફળતા મેળવી હતી. ‘તેરે ઘર કે સામને’માં તેણે દેવ આનંદને બરાબરની ટક્કર આપી છે. તે જ વર્ષે નૂતનની અન્ય એક ફિલ્મ આવી હતી, ‘બંદિની’, જેના માટે તેને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મફેર એવોર્ડના ઈતિહાસમાં મુખ્ય અભિનેત્રી તરીકે એવોર્ડ મેળવનાર લીસ્ટમાં નૂતન અને તેની બહેન તનુજાની દીકરી કાજોલનું નામ મોખરે છે. બંનેએ પાંચ એવોર્ડ મેળવ્યા છે.

આ ફિલ્મની સફળતામાં તેનાં ગીતોનો ફાળો બહુ મોટો છે. સચિનદાએ આ ફિલ્મમાં એકથી એક ચડિયાતાં ગીતો આપ્યાં છે. ‘દિલ કા ભંવર કરે પુકાર’, ‘તેરે ઘર કે સામને, “તું કહાં યે બતા’, ‘દેખો રૂઠા ના કરો’, ‘દિલ કી મંઝીલ’, ‘યે તન્હાઈ હૈ’, ‘સુનલે તુ દિલ કી સદા’

‘દિલ કા ભંવર કરે પુકાર’ ગીતનું શૂટિંગ કુતુબમીનારમાં કરવામાં આવ્યું હતું. તેનું શૂટિંગ પૂર્ણ થયું અને એક વિદેશી નેતા શૂટિંગ જોવા આવ્યો હતો. વિદેશી નેતા માટે તે ગીતનું શૂટિંગ ફરી શરૂ કર્યું હતું.  

દેવ આનંદ અને નૂતનની આ રોમ કોમ બહુ જ સરસ અને માણવાલાયક છે. યુ ટ્યુબ ઉપર જોવા મળી રહેશે.

 

જ્યોતિન્દ્ર મહેતા