Navrang - Review books and stories free download online pdf in Gujarati

નવરંગ (૧૯૫૯) – રીવ્યૂ

ફિલ્મનું નામ : નવરંગ      

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : વી. શાંતારામ  

ડાયરેકટર : વી. શાંતારામ   

કલાકાર : મહિપાલ, સંધ્યા, કેશવરાવ દાતે, ચંદ્રકાંત માંડરે, બાબુરાવ પેંઢારકર, આગા, વત્સલા દેશમુખ, વંદના સાવંત  અને જીતેન્દ્ર (જુનિયર આર્ટીસ્ટ)

રીલીઝ ડેટ : ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૯

        શાંતારામ રાજારામ વાનકુદ્રે ઉર્ફ વી. શાંતારામ જે અન્નાસાહેબના નામથી જાણીતા હતા, એક નોખી માટીના કલાકાર અને દિગ્દર્શક હતા. તેમની કળાનું સામર્થ્ય એ હતું કે તેમની મરાઠી ફિલ્મ ‘માણુસ’ ની તારીફ ખુદ ધ ગ્રેટ ચાર્લી ચેપ્લિને કરી હતી.

        તેમણે શરૂઆત મુક ફિલ્મોમાં અભિનયથી કરી હતી, પણ તેમની અંદર એક પ્રતિભાશાળી દિગ્દર્શક છુપાયેલો હતો. ‘નેતાજી પાલકર’ નામની ફિલ્મ દિગ્દર્શિત કર્યા પછી તેમણે મિત્રો સાથે મળીને કોલ્હાપુરમાં ‘પ્રભાત ફિલ્મ કંપની’ શરૂઆત કરી. ૧૯૩૩માં કંપની જ્ઞાનનગરી પુણેમાં શિફ્ટ કરી. પ્રભાત ફિલ્મ્સના નેજા તળે તેમણે ૨૭ વર્ષમાં કુળ ૪૫ ફિલ્મો મરાઠી અને હિન્દીમાં બનાવી. તેમની ફિલ્મોમાં સામાજિક જાગૃતિની વાત ચોક્કસ પ્રગટ થતી. દેવ આનંદે પોતાના કેરિયરની શરૂઆત આ જ પ્રભાત ફિલ્મ્સથી શરૂ કરી હતી અને ગુરુદત્ત પણ એક સમયે પ્રભાત ફિલ્મ્સ સાથે જોડાયેલા હતા.

        ૧૯૪૨ માં વી. શાંતારામ પ્રભાત ફિલ્મ્સમાંથી છુટ્ટા પડ્યા અને રાજકમલ કલામંદિરની સ્થાપના મુંબઈમાં કરી. નવરંગ પણ રાજકમલ કલામંદિરના નેજા હેઠળ બની છે. તે સમયે તેમણે બનાવેલો સ્ટુડીઓ દેશનો સૌથી અત્યાધુનિક સ્ટુડિયો ગણાતો. આ બેનર હેઠળ પણ તેમણે એકથી એક ચડિયાતી ફિલ્મો બનાવી જે કલાક્ષેત્રે શિરમોર ગણાય છે. ડોક્ટર કોટનીસ કી અમર કહાની, અમર ભુપાળી (મરાઠી ફિલ્મ, સંધ્યાનો ઉદય), ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારહ હાથ, સેહરા , ગીત ગયા પત્થરો ને (જીતેન્દ્રની હીરો તરીકે પહેલી ફિલ્મ), પીંજરા (મરાઠી, સંધ્યાનો અસ્ત અથવા તો છેલ્લી ફિલ્મ). આ સિવાય પણ અનેક ઉલ્લેખનીય ફિલ્મો તેમણે બનાવી હતી જેમાં દેશભક્તિ અને લોકજાગૃતિના મુદ્દા સમાયેલા હોતા. દો આંખે બારહ હાથની નોંધ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ. ૧૯૮૫માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ૧૯૯૨ માં તેમને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા (પોલીસની જેમ સરકાર પણ મોડી પડી.)

        અપાર લોકચાહના મેળવનાર આ એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરે પોતાના જીવનકાળ દરમ્યાન ત્રણ લગ્ન કર્યાં હતાં. તેમની પહેલી પત્નીથી ચાર સંતાનો થયાં. પ્રભાત, સરોજ, મધુરા અને ચરુશીલા. મધુરાનાં લગ્ન સુપ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજ સાથે થયાં. નાની દીકરી ચારુશીલા એ સિદ્ધાર્થ (બાઝીગરનો ઇન્સ્પેકટર) ની માતા. બીજાં લગ્ન તેમણે જયશ્રી સાથે કર્યાં. તેનાથી ત્રણ સંતાનો થયાં કિરણ શાંતારામ, રાજશ્રી અને તેજશ્રી. રાજશ્રીએ ઘણીબધી ફિલ્મોમાં હિરોઈન તરીકે આવી હતી. ત્રીજાં લગ્ન સંધ્યા સાથે કર્યાં. નવરંગમાં મહિપાલની બહેનની ભૂમિકા ભજવનાર વત્સલા દેશમુખ એ સંધ્યાની સગી બહેન. સંધ્યાનું મૂળ નામ વિજયા દેશમુખ.

        ‘દો આંખે બારહ હાથ’ ના શુટિંગ સમયે તેમની આંખમાં ઈજા થઇ અને કેટલોક સમય તેમણે આંખો ઉપર પટ્ટી સાથે વિતાવ્યો. તે સમયે તેમની બંધ આંખોની આગળ જીવનના અનોખા રંગ પ્રગટ્યા અને સર્જન થયું નવરંગનું. ગ. દિ. માડગુલકર નામના મહાન મરાઠી સાહિત્યકાર જે ‘ગદીમા’ નામથી પ્રખ્યાત છે, તેમની લખેલી વાર્તાને આધારે ખુદ વી. શાંતારામે નવરંગનો સ્ક્રીનપ્લે લખ્યો.

        વાર્તા છે દિવાકર ‘નવરંગ’ (મહિપાલ)ના જીવનની. દિવાકરના પિતા જનાર્દન (કેશવરાવ દાતે) રાજવહીવટની નોકરી કરે છે. કવિહૃદય અને ધૂની દિવાકરને એવી નોકરી પસંદ નથી. તેની અંદરનો કવિ તેને લીલુ રંગબાજ (આગા મૂળ નામ આગાજાન બેગ)ની તમાશા મંડળી તરફ. એકતરફ દિવાકરનું હૃદય પ્રેમથી ભરેલું છે અને પત્ની જમુના (સંધ્યા) આગળ પ્રેમ વ્યક્ત કરે છે અને બીજી તરફ સંકુચિત વિચારસરણી ધરાવતી જમુનાને આવું આછકલું પ્રેમનું પ્રદર્શન ગમતું નથી. વિચલિત થયેલા દિવાકરના મનમાં પોતાની પત્ની જમુનાની પ્રતિકૃતિ મોહિનીનો જન્મ થાય છે અને તેની ઉપર કવિતાઓ રચે છે.

        પિતા જનાર્દનને દિવાકર કવિતાઓ રચે તે ગમતું નથી અને તેના માટે પોતે જ્યાં કામ કરે છે તે ઠાકુરસાહેબ પાસે નોકરી અપાવે છે. ઠાકુરસાહેબના દીવાન દૌલતરાય (બાબુરાવ પેંઢારકર) દિવાકરને પસંદ નથી કરતો. તે જાણે છે કે દિવાકર ગીતો લખે છે અને તેનાં ગીતોને હલકાં ગણીને તેની ઉપર વ્યંગ કરતો હોય છે.

        જમુનાના મનમાં એમ ઠસી ગયું છે કે દિવાકર કોઈ મોહિની નામની બજારુ સ્ત્રી સાથે રંગરેલી મનાવે છે. હોળીના તહેવાર વખતે લીલુ રંગબાજને ઠાકુર કરણ સિંઘ (ઉલ્હાસ) તરફથી મહેલમાં આમંત્રણ મળે છે. છેક છેલ્લી ઘડીએ દિવાકર એક ગીત રચીને આપે છે. લીલુ અને મંડળી તે ગીત ગાય છે અને ઠાકુર સાહેબ આનંદિત થાય છે. તે સમયે લીલુ ફોડ પાડે છે કે આ ગીતનો રચયિતા દિવાકર ઉર્ફ કવિ નવરંગ છે. ઠાકુર સાહેબ તેને રાજકવિ બનાવી દે છે, જેનાથી તેના પિતા જનાર્દન રાજી થઇ જાય છે.( જીવનનો આ પણ એક રંગ છે. આગલે દિવસે દિવાકરે લખેલી કવિતાઓના કાગળ ફાડનાર પિતા દીકરો રાજકવિ બનતાં હરખાઈ જાય છે.)

        અંગ્રેજોના આગમનને લીધે ઠકરાતની પડતી થાય છે અને ઠાકુર કરણસિંઘનો શરાબી દીકરો શરણ સિંઘ (ચંદ્રકાંત માંડરે) અંગ્રેજોની શરણ જાય છે અને ઠકરાત બચી જાય છે. નવરંગ અંગ્રેજો સામે ઝૂકતો નથી એટલે તેનું રાજકવિનું પદ છીનવાઈ જાય છે. નવરંગના  પરિવાર ઉપર ગરીબીની છાયા પડે છે. ઝગડાળુ સ્વભાવની જમુના તેને છોડીને જતી રહે છે. જમુના જવાની સાથે જ મોહિની પણ જતી રહે છે.

        આગળ કવિ નવરંગ સાથે શું થાય છે તે માટે તો ફિલ્મ જોવી રહી. જો કે ફિલ્મ જોવા માટેનું સબળ કારણ તેનાં ગીતો અને તેમનું ચિત્રીકરણ છે. વી. શાંતારામે કલા દિગ્દર્શક કનુ દેસાઈ પાસેથી અદ્ભુત કામ લીધું છે. ફિલ્મનાં નૃત્યો પણ એટલાં જ અદ્ભુત છે. શામ કુમાર નામનો એક્ટર કોરિયોગ્રાફર છે જે મોટાભાગની ફિલ્મોમાં વિલનના બોડીગાર્ડની ભૂમિકાઓ ભજવતો.

        સંધ્યા કોઈ પ્રશિક્ષિત નર્તકી નહોતી, પણ ‘ઝનક ઝનક પાયલ બાજે’ ફિલ્મ માટે તે જ ફિલ્મના સહકલાકાર ગોપીકૃષ્ણ પાસે ક્લાસિકલ ડાન્સની ટ્રેનિંગ લીધી. બહુ જ થોડા સમયમાં તે નૃત્યમાં પારંગત બની. સંધ્યાની ખૂબી તેનો અવાજ હતો અને તેની આ જ ખૂબીને લીધે વી. શાંતારામે તેને બ્રેક આપ્યો હતો અને ૧૯૫૬માં વી. શાંતારામ સાથે લગ્ન કર્યાં પછી તે રાજકમલ કલામંદિરની હિરોઈન બની રહી. મરાઠીની શ્રેષ્ઠ ફિલ્મોમાં ગણના થાય છે તે પીંજરા પછી તેણે ફિલ્મોને અલવિદા કરી દીધી. તેણે રાજકમલ સિવાય અન્ય કોઈ બેનરની ફિલ્મો કરી નહોતી. આ ફિલ્મમાં જમુનાના રોલને બહુ બખૂબીથી ભજવ્યો છે. એક ઝગડાળુ સ્ત્રી, જે પોતાના પતિને ચાહે તો છે, પણ તેને જણાવી શકતી નથી. તેના ભાવ તેણે યોગ્ય સમયે અને યોગ્ય રીતે વ્યક્ત કર્યા છે. એક ચિત્રકાર જેમ જુદા જુદા રંગો ભરે તેમ વી. શાંતારામે મોહિનીમાં અનેક રંગ ભર્યા છે અને સંધ્યા તે પ્રદર્શિત કરી શકી છે. જો કે આ ફિલ્મના તેનાં નૃત્યોમાં એક વિચિત્ર પ્રકારની કૃત્રિમતા દેખાઈ આવે છે એ પણ એટલું જ સત્ય છે (આ મારું નિરીક્ષણ છે તેને અંતિમ સત્ય ન ગણવું.)

        ૧૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કરનાર મહિપાલ ક્યારેય સુપરસ્ટાર ન બન્યો કે એવોર્ડનો હકદાર ન બન્યો, પણ તેના સમયમાં તે સારી લોકચાહના ધરાવતો હતો. તેના માસુમ અને પવિત્ર દેખાવ ધરાવતા ચહેરાને લીધે તે રામ, કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનની ભૂમિકાઓ મળતી. તેણે મોટેભાગે કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મોમાં વધુ કામ કર્યું છે. તે ધાર્મિક અને ફેન્ટેસી ફિલ્મોનો હીરો હતો. આ ફિલ્મમાં તેણે પોતાની ભૂમિકાને ઉચિત ન્યાય આપ્યો છે, કેશવરાવ દાતે નીવડેલા કલાકાર હતા અને અગાઉ પણ વી. શાંતારામ સાથે કામ કરી ચુક્યા હતા. ઐયાશ શરણસિંઘની ભૂમિકામાં ચંદ્રકાંત પોતાનો પ્રભાવ પાથરવામાં સફળ થાય છે. ચંદ્રકાંત અને સૂર્યકાંત એ બંને ભાઈઓએ પોતાના સમયમાં મરાઠી ફિલ્મો ગજવી છે,

        કોમેડિયન તરીકે આગા વધુ સક્ષમ હતો અને આ ફિલ્મમાં પણ તેણે સાબિત કર્યું છે. આ ફિલ્મથી બે કલાકારોએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. મહેન્દ્ર કપૂરે ગાયક તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. તેમણે સૌથી પહેલું ગીત ‘આધા હૈ ચંદ્રમાં, રાત આધી’ ગાયું (જો કે આંખો બંધ કરીને સાંભળો તો ધ્યાનમાં આવશે કે હેમંત કુમારની શૈલીમાં ગાયું છે.) તે ઉપરાંત આ ફિલ્મમાં જીતેન્દ્ર પણ છે, જો કે જુનિયર આર્ટીસ્ટ હોવાથી ટાઈટલમાં તેનું નામ નથી. તેના પિતા અમરનાથ કપૂર ફિલ્મો માટે આર્ટીફીસીયલ જ્વેલેરી સપ્લાય કરતાં અને તેની ડીલેવરી મોટેભાગે તેમનો દીકરો રવિ કરતો. તેને શુટિંગ જોવાનો શોખ હતો તેથી તેના પિતાએ વી. શાંતારામને વિનવણી કરી કે રવિને શુટિંગ જોવા સેટ ઉપર આવવા દો, પણ વી. શાંતારામ આ બાબત બહુ કડક ધોરણ અપનાવતા. તેથી વચલો રસ્તો તરીકે તેમણે કહ્યું શુટિંગ ત્યારે જ જોવા મળશે જયારે તે આ ફિલ્મનો ભાગ હશે. શુટિંગ જોવા માટે રવિ કપૂરે (ભવિષ્યનો જીતેન્દ્ર) જુનિયર આર્ટીસ્ટની ભૂમિકાનો સ્વીકાર કર્યો. આ ફિલ્મમાં તે સંધ્યાના બોડી ડબલ તરીકે છે. ‘જા રે હટ નટખટ, ના છું રે મેરા ઘૂંઘટ ગીત’ માં વડની એક તરફથી સ્ત્રીવેશમાં સંધ્યા નીકળે છે અને બીજી તારાથી પુરુષવેશમાં નીકળતી સંધ્યા એ આપણો જીતેન્દ્ર. ડાન્સ ધ્યાનથી જોતાં ખબર પડી છે યે તો અપના જીતુ હૈ.

        ફિલ્મોમાં એવું બનતું હોય છે કથાની અંદર ગીતો વણી લેવામાં આવતાં હોય છે, પણ ફિલ્મ જોયા પછી એવું લાગે છે કે ગીતોની આજુબાજુ કથા વણી લેવામાં આવી છે. વિવિધ ભાવ અને રસનાં ગીતો ભરત વ્યાસે લખ્યાં છે અને રામચંદ્ર ચિતલકરે સંગીત આપ્યું છે. આશા ભોંસલે એ ગાયેલું ‘આ દિલ સે દિલ મિલા લે’, ‘તુમ મેરે મૈ તેરી’, ‘તુમ સૈયાં ગુલાબ કે ફુલ’ આશા ભોંસલે અને મન્ના ડેનાં સૂરમાં સજેલાં ટાઈટલ ગીત ‘રંગ દે રે, જીવન કી ચુનરિયા’, ‘તુ છુપી હૈ કહાં’ આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરનાં ‘આધા હૈ ચંદ્રમા, રાત આધી’, “અરે જા રે હટ નટખટ’, આશા ભોંસલે અને સી. રામચંદ્રના અવાજમાં ‘કારી કારી અંધિયારી થી રાત’, તે ઉપરાંત બે ગીતો મહેન્દ્ર કપૂરને મળ્યાં હતાં ‘શ્યામલ શ્યામલ બરણ’ અને શૌર્ય રસથી અને દેશભક્તિથી  તરબતર ‘યે માટી સભી કી કહાની કહેગી’, દેશભક્તિનું વધુ એક ગીત સી. રામચંદ્રએ ગાયેલું ‘હમ પૂરબ હૈ તુમ પશ્ચિમ હો’ પણ એટલું જ સરસ છે. એક હાસ્ય રસનું ગીત પણ છે, જેને ખુદ ભરત વ્યાસે ખુદ ગાયું છે. ‘કવિરાજા કવિતા કે મત તુમ કાન મરોડો.’ તે સાંભળીને ચહેરા ઉપર સ્મિત ચોક્કસથી આવી જાય.

        અનેક રંગથી રંગાયેલી આ ફિલ્મનો અંત કેટલાક પ્રશ્નોનો જવાબ આપ્યા વગર જ કરી દેવામાં આવ્યો છે. કવિ નવરંગનો દીકરો ક્યાં? એવો પ્રશ્ન ચોક્કસથી દરેક દર્શકને પડશે એટલું નક્કી. ગીતોની કળાત્મક પ્રસ્તુતિ માટે આ ફિલ્મ ચોક્કસથી જોવા જેવી છે.

   

સમાપ્ત.