Take it! books and stories free download online pdf in Gujarati

પેલું!


પેલું!

*******
*******


અમે બંને પોતપોતાનો લોટો લઈને ચાલ્યા જતા હતા. ઉતાવળમાં હતા. ઉંમરમાં હું ભરતથી ત્રણેક વર્ષ નાનો હોઈશ. બંનેની ઝડપ સરખી હતી. લોટાની કિનારી હવે આંગળીઓમાં ખૂંચતી હતી. મેં હાથ બદલી નાંખ્યો. હાથની આંગળીઓના વેઢામાં લોટાની કિનારી ફસાવીને લોટો લટકતો રાખવાથી ચાલવામાં સરળતા રહે. ગામમાં જ રહેતા પિતરાઈ ભાઈ ભરતે આ જ્ઞાન ખાસ અંદાજમાં મને ગોખવેલું. બીજી કોઈ રીતે કાં પાણી છલકે કાં ચાલ ધીમી પડે. આવા કામમાં લગીર મોડું પહોંચાય એ ચાલે પણ પાણી ઓછું થાય એ ના ચાલે.
વેકેશન સિવાય મારે શહેરથી ગામમાં ખાસ આવવાનું થતું નહીં. અગાઉ ઘણીવાર ગામમાં રોકાયો તો હતો પણ એ દિવસનો અનુભવ મારા માટે પ્રથમ વખતનો હતો. ઘણી નવાઈ લાગી હતી. પાણીની કિંમત અને લોકોની વ્યથા, મજબૂરી, વ્યવસ્થા, સમજણ વગેરે સમજાયું હતું. ગામમાં પાણીની પાઇપલાઇન હજુ નહોતી આવી. લોકો નાહવા માટે સરકારે ગામમાં બનાવેલ જાહેર બોરિંગ અને તળાવે જતાં હતાં. ગામની બાયું પણ તળાવે કાં બોરિંગે પથારો પાથરીને જ કપડાં ધોકાવતી. અમુકના ઘરે ડંકી હોય, તે આજુબાજુના કેટલાંક સારા સંબંધવાળા લોકો થોડુંક વાપરવા જોગું પાણી ઉલેચતાં. બાકી પીવાનું પાણી તો સૌ ગામવાસીઓ કૂવેથી જ લાવતાં. ગામની કઠણાઈ ગામના જ જાણે. શહેરમાં તો નળ ખોલો ને પાણી હાજર.

એ દિવસે મારે પણ આ એક લોટા પાણીથી ખાસ કામ પતાવવાનું હતું. મેં તાંબાનો ચકચકાટ વજનદાર નવો લોટો પસંદ કર્યો હતો. અમે હાથ બદલો કરતાં કરતાં આગળ વધી રહ્યા હતા. રસ્તે આબિદ ભટકાણો, "લે, તી શેરના'ને તો પેલી વારનું પાણી ઉચકવાનું થ્યું લાગે. ભૈ.. ભૈ... ઝગાંમગાં લોટો તો જો...!" બોલતાં બોલતાં તે અમારા બંનેની ઉપર જાણે પડવા લાગ્યો.
ભરતે તેને ધક્કો મારીને એક વાક્યમાં કેસ પૂરો કર્યો, "અલ્યા સીધો હેંડને, નૈ'તો હમણાં એક અડબોથ દૈશ તે ઊંધો થઈ જઈશ. હુશિયારીવારી ના જોઈ હોય તો મોટી."
આબિદ સરકી ગયો અને અમે રવાના થયા. રસ્તામાં એક શેરીએથી નીકળેલા એક ભાઈ પાસે મેં બે લોટાં જોયા.
મેં ભરતને પૂછ્યું, "આટલું બધું પાણી કેમ લીધું હશે ?"
"એ તો જીવા મંછા શે. ઈ કાયમના ઘણી વાતે નંગ જ શે.”
“હા, પણ બે લોટાં?”
“અલ્યા કોકની વરી ખાવાની રીતું નોંખી હોય. પેટ ઢોલ જેવરું હોય ને હમજનો હાંધો જ ના હોયને... તીમાં."
મને થોડું હસવું આવ્યું. એક નવાઈ પણ લાગી કે ગામમાં નાની ઉંમરના પણ મોટેરાંને નામ અને બાપાના નામના જોડકાંથી ઓળખતાં હતાં. છેવટે અમે ગંતવ્ય સ્થળે પહોંચી ગયા. અમારી અગાઉ પહોંચેલાં અન્ય ઘણાં હાજર હતાં. બહાર બધાં પુરૂષો રાહ જોઈને ટોળે વળેલા હતા. સ્ત્રીઓ માટે અંદરની બાજુ અલગ વ્યવસ્થા હતી. તે બધી કદાચ ગોઠવાઈ પણ ગઈ હતી. એક ભાભાએ ઓટા પર ચડીને સાદ પાડ્યો અને ગોળની ગંધ સૂંઘીને કીડીઓ હડી કાઢે એમ સૌ લગભગ દોડ્યા. મને ઘણું હસવું આવ્યું કે અહીં સુધી સમયસર આવી જ ગયા છો તો હવે શેની ઉતાવળ!
સૌ બેવડ વાળીને પાથરેલાં ચલાખાં પર પંગતમાં પલાંઠી વાળીને ગોઠવાયા. ગામના જાતજાતના રિવાજ મુજબ દાનાકાકાના છોકરાના લગનના આગલા દા'ડે જમણવાર હતો. લાગતાં વળગતાં પરિવારોને સંબંધ મુજબ નિમંત્રણ હતું. ભરતના ઘરે 'પાઘડીબંધ' નો સાદ પડ્યો હતો. મોટાબાપાને બીજે ગામ કામે જવાનું થયું હતું. પાઘડીબંધ - એટલે કે પુરૂષ તરીકે અમે બે પધાર્યા હતા. દાનાકાકા રબારી હોવાથી તેમના સમાજના પુરૂષોની બહુમતી સ્પષ્ટ જણાતી હતી. મોટી ઉંમરના લગભગ બધા રબારીઓનો પહેરવેશ સરખો જણાતો હતો. સફેદ ધોતી, સફેદ કેડિયું ને માથે ફાળિયું. કેડિયાં નીચે બંડી કાં બુશકોટ જેવું. અમુક જવાનિયાઓના કસાયેલા ધડ પર ચસોચસ ટી-શર્ટ પણ શોભતું હતું. ઘણાં મોટેરાંઓની છાતીએ ચાંદીની સેર દેખાતી હતી. ઘણાંની કમરે ચાંદીનો કંદોરો લટકતો હતો. દરેક કંદોરા સાથે એક નાની છરી અચૂક હતી. જેની મને નવાઈ લાગી હતી. બધાં જ કંદોરાવાળાઓને છરીની શું જરૂર પડતી હશે!
ગામની મંડળીએથી ભાડે લવાયેલાં વજનદાર થાળી વાટકાં પથરાવા લાગ્યાં. પીરસવાની શરૂઆત મોહનથાળના ચોસલાંથી થઈ. જેના વિશે ભરતે અગાઉ વર્ણન કરેલું તેમ જ જણાયું. ચોસલાં મોટી સાઇઝના હતાં. ખબર નહીં કેમ પણ પોતાનો વારો આવતા સુધી લોકો ઊંચાનીચાં થતા હતા. મોટાભાગનાની નજર પીરસનારાના હાથમાં રહેલા તાસ ઉપર જ ચોંટેલી હતી. ઘણાંએ તો પોતાની થાળીમાં પડતા વેંત જ અડધું ચોસલું સ્વાહા પણ કરી નાંખેલું. તો અમુક સૌની સાથે શરૂઆતની શરમ ભરતા હતા; પણ ચોસલાં પરના મગજતરીના બીજ ખોતરીને ખાવાનો છોછ નહોતા રાખતા. ચોસલાંની પાછળ ફૂલવડી, શાક, દાળ અને પૂરીની લાઇન લાગી હતી. પૂરી જોઈને ઘણાંની આંખો પહોળી અને મોં ભીનું થઈ ગયું હતું. ભરતે ફોડ પાડ્યા મુજબ ગામમાં મોટેભાગે આ મેનુ જ હોય. ક્યારેક વળી ચોસલાંની જગ્યાએ લાડવા હોય કે વધીવધીને કોઈ બીજી મીઠાઈ તરીકે કોપરાપાક રાખે. પૂરી ફરજિયાત ના હોય. એ ઘરધણીની સ્થિતિ મુજબ ભાણામાં ક્યારેક આવે પણ ખરી. મેં ભાત જોયા નહીં એટલે ભરતને ધીમેથી પૂછ્યું, "ભાત અંદર જ ખૂટ્યાં કે શું?"
ભરતે હસીને કહ્યું, "ભાત ખૂટે તો તો આખું નોતરું કોરું જાય. તું ઘડીક ધાન ખમ. ઈનો વારો પસી આવસે. પેશ્યલ આઈટેમ કે'વાય. ઈનો તે આ બધાં ઘાણ કાઢવાના."
જોકે મને તો ફૂલવડી અને ચોસલાંનો ઉપાડ જોઈને ભરતની વાત પર શંકા જાગી હતી. જે લાંબી નહોતી ટકી. લોકોને ભાત પીરસનારા બે જવાનિયા આવ્યા. એક વાસણ પકડી રાખીને આગળ વધે. બીજો તાવેથો અને એક હાથના ઉપયોગથી થાળીમાં ભાતનો ઢગલો કરે. પાછળ દાળની ડોલ પણ સાથ પૂરાવતી હતી. અમુકની થાળીમાં તો ભાતના પહાડ વચ્ચે કરેલી જગ્યામાં જ પરબારી વરાળ કાઢતી ગરમ દાળ ઠલવાતી જોઈ. જાણે સફેદ જ્વાળામુખી ફાટ્યો હોય. મેં થોડાંક જ ભાત આપવાનું કીધું તો હસીને ઓછાં આપ્યાં; પણ એ ઓછાં એમની વ્યાખ્યા મુજબના હતાં. મેં સારી પેઠે ગરમ ફૂલવડીની મજા માણી હતી એટલે દાળભાત માંડ ઉતારતો હતો. ત્યાં જ ચોસલાંની તાણનો દોર પ્રારંભાયો. સમ દઈને ચોસલું સીધું મોઢામાં મૂકાતું હતું. જોકે મોટાભાગનાને તો સમ આપવાની જરૂર જ ના હોય તે સ્પષ્ટ હતું. મારી નજીક તાસ આવતો જોઈને હું અકળાયો.
ભરતે બાજી સંભાળી, "ઈને રે'વાદો. શેરથી આયેલો સે. કહટાઈ જાશે પાસો. ઈના ભાગનો મને દે'જો બસ! ઈ નૈ ખમે."
મને ઘડીક સમજાણું નહીં કે હું બચ્યો કે ભરતો ફાવ્યો! પેલાં બે લોટાંવાળા ભાયડાએ એક લોટો તો જમતાં જમતાં જ ખાલી કર્યો હતો. મારી જેમ ઘણાંનું જમવાનું પૂરું થયું હતું પણ કોઈ ઊભું થતું નહોતું. છેવટે બધાંનું ભોજન પૂર્ણ થયા બાદ સૌ સાગમટે જ ઊભા થયા. બહાર જઈને પોતપોતાના લોટાના પાણીથી હાથ ધોયા અને વધેલું પાણી પીધું. મને તુરંત સમજાણું કે આવા પ્રસંગે ભૂતકાળમાં પાણીની વ્યવસ્થામાં ઘણાંના વાહાં રહી ગયા હશે; એટલે જ આ વાજબી પ્રથા પડી હશે.
ભોજનાનંદ માણીને અમે પરત ફરતા હતા. રસ્તામાં એક દુકાનની બહારના ઓટલે છોકરાઓની મંડળી જામી હતી. બધાં ભરતના ગોઠિયા હતા. અમે ઊભા રહ્યા.
મયોદીને ભરતને પૂછ્યું, "મેમાણને જમણ ફાવેલું કે નૈ!"
"હૌવ રે... ઈની હેડ જોગુ ખાધું. હા, બાકી ઓલું ફૂલવડું ઝાઝુ ઉપાડ્યું હોં!"
"હા તે ફૂલવડું ઈના શેરમાં હોય નૈને પાસું! ને મલે તોય અસલ અસવાદ તો આંયાં જ મલવાનો."
"હકન... ઈ ઓલે જ તો મારાં બાપાની જીગાએ આને ભેગો લીધેલો."
મયોદીને મને પૂછ્યું, "મેમણ મોજ આઈને!"
મેં કહ્યું, "હા, ઘણી મોજ આવી હોં. ઘણું પહેલી વખત જોયું. લોટો, ચોસલાં, ભાતનો પહાડ ને ખાસ તો ચોસલાંની તાણ."
સૌ હસવા લાગ્યા. તુરંત જગલાએ ઉત્સાહથી કહ્યું, "તે હજુય તીયાર રે'જે હોં. પરમ દા'ડેય ઘણું નવું નકોર જોવા મલશે. ઘણી તાણું તણાવાની."
મેં નવાઈથી પૂછ્યું, "કેમ! શું છે પરમ દિવસે?"
"અકબર ટોલીના તાં દાવત સે ને!"
ભરતે નવાઈ વ્યક્ત કરી, "લગન લેવાણા, ઈ તો ખબર શે પણ હાદ.."
"અલા હજુ હમણેં જ મોમદ ટેકરાવાહ બાજુ હાદ પાડવા જ્યો. ને તમારે ઘીરે પાઘડીબંધનું જ નોતરું સે. મું જ તને કૈ દૌ લે!"
મેં જરા ભરત સામે જોયું ને ભરતે મને અકબર ટોલીનું ઘર યાદ દેવડાવ્યું. ગત વર્ષે વેકેશનમાં અમે એમના ઘર નજીક જ ક્રિકેટ રમવા જતા હતા. એમના ઘરેથી પાણી પણ પીતા એ યાદ આવી ગયું. અકબરચાચાનું ડેલાબંધ ઘર ગામમાં પાછળના ભાગે હતું. એમના ઘર પછી ખેતર બાજુ જવાનો રસ્તો પડતો. ડેલાની અંદર ઘણી જગ્યા હતી. જે એટલી બધી કે ગામના ઘણાં ખેડુ ટ્રેક્ટરની ટ્રોલી અહીં જ મૂકી રાખતા; તોય ડેલો ખાલી લાગતો. ગમે ત્યારે જુઓ ચાર પાંચ ટ્રોલી પડી જ હોય. કોઈ માટે ચાચાની ના નહોતી. ગામમાં અમુક રિવાજ કે વ્યવસ્થામાં શહેરી બુદ્ધિ તો હક, દબાણ, લાગણી, સમજ, સહકાર વગેરે શબ્દો વચ્ચે ગોથે જ ચડે. છોકરાઓ ઝાડના છાંયે પડેલી ટ્રોલીમાં પત્તે રમતા. જાણે સભાસ્થળ હોય એમ ઉપયોગ કરતા. ડેલા બહાર ક્રિકેટ રમવા લાયક થોડી ખુલ્લી જગ્યા હતી. જેમાં રસ્તો પણ વચમાં પથરાતો હતો. પેલી ટ્રોલીઓના કાયમી હઠયોગના લીધે પરગજુ અકબરચાચાની અટક જાણે 'ટ્રોલી' ને પછી ઉચ્ચારમાં તો 'ટોલી' જ પડી ગઈ હતી.
ડેલામાં એક ભેંસ અને ત્રણ બકરીઓ પણ બાંધેલી રહેતી. એક બકરીના લીસા કાળા તન પર હાથ ફેરવતા મને મોજ પડેલી. બહાર ક્યારે જાય, શું નામ છે, ગમે તેવું ઘાસ પણ ખાઈ જાય વગેરે ઘણાં સવાલો હું પૂછી બેઠેલો. થોડાં જવાબ મળ્યા જ હતાં અને જગલાએ ઠાવકાઈથી કહેલું, "બૌ ચંત્યા ના કર ઈ ટીલકીની. કાંય ભરુહો નૈ. આવતા વેકેશને કદાચન ઈ આંય નાય હોય."
મેં ભોળાભાવે શા માટે મુજબ પૂછેલા સવાલનો અટ્ટહાસ્ય સાથે જવાબ મળેલો, "એલા કદાકશન બકરીદે વધેરાઈ હોત જાય."
આખા શરીરે જાણે તેજાબ રેડાયા જેવો સબાકો અનુભવાયો હતો. પશુપ્રેમની કુણી લાગણી પર કાળાશ પથરાઈ ગઈ હતી. જગલો અપલખણો ખરો પણ સૂઝવાળોય ખરો. તે તુરંત બોલ્યો, "આ તો જોયા ને જાણ્યાનું ઝેર ભૈબંદ. બાકી તારા શેરમાંય બધી જાતું ને નાતું આવું બધું આંયાં કરતાંન વધકું ખાયશે કે નૈ!"
મને સહસા મારા શહેરના માર્કેટના પાછળના ભાગની એક ગલી યાદ આવી ગઈ હતી. જે તરફ મારાં પરિવારના સભ્યોની જેમ ઘણાં ક્યારેય જતાં જ નહોતાં; તો ઘણાં વિના સંકોચે જતાં હતાં. જેમાં બધી નાત, જાત, રંગ ને ધર્મનો સરવાળો થાતો. શહેરમાં એ પ્રકારની ખાસ હોટલોય ક્યાં નહોતી! મેં મન ખંખેર્યું અને ચળકતી કાળી કાયા અને સફેદ ડાઘવાળા કાન ધરાવતી બકરી સાથે ગમ્મત કરી. સફેદ ડાઘના કારણે જ એનું 'ટીલકી' નામ પડ્યું હતું.
મને ગત વર્ષની યાદો તાજી થઈ એની ચર્ચા મેં મંડળીમાં કરી અને "હા, ઇવડું ઇ જ ઘર." મુજબના હોંકારાં મળ્યાં હતાં. થોડી વાતું કરીને અમે ઘરભણી રવાના થયા ત્યાં જ "આંયા તો ચોસલાંને બદલે બીજી તાણું હશે હોં." જેવો અસ્પષ્ટ સંવાદ અને દબાતા સ્વરના પ્રતિભાવોના મંદ પડઘાં મારાં કાનની આસપાસ ફરી વળ્યાં. એ ભરતને પણ અનુભવાયા હોવા જ જોઈએ. ભરતનું મોં મલકાતું હતું. ઘરે પહોંચતા સુધીમાં મને જાતજાતના વિચારો આવી ગયેલાં. જેમાં ભરતના મલકાટ અંગે પણ કલ્પના સામેલ હતી.
અડધોઅડદથી પણ વધુ મુસ્લિમ વસતી ધરાવતા ગામમાં સારો સંપ હતો. ભરત અને મોટાબાપાને ગામ આખા સાથે ઊઠવા બેસવાનું ખરું. બંનેને દરેક ધર્મ, નાત, જાત ને વરણના ભેરુ હતા. એકબીજાના પ્રસંગમાં આવરો જાવરો પણ ખરો. એટલે જ વિચાર આવ્યો હતો કે નક્કી ભરત ભેરુઓના સંગે પેલું ખાવાના રવાડે ચડેલો. વિચાર વારંવાર હઠીલી માખીની જેમ મનમાં ગણગણી જતો હતો.
છેવટે સાંજે પૂછી જ લીધું. "ટોલીચાચાને ત્યાં જવું જ પડે?"
"હોવે, એ તો આપણાં બધે પ્રસંગે સાગમટે હાજર રહેલાં શે. આપણેય હાદ મુજબ પાઘડીબંધ તો જાવું જ જોયે. બાપા ના પાડતા'તા. ઇમને બીજે ગામ ઇમના ભૈબંદના સોકરાની જાનમાં જાવાનું સે. તય આપણે બે જઈ આવશું."
વાત ચાલતી જ હતીને મોટાબાપા બહારથી આવી પહોંચ્યા. લાગ જોઈને એમને પણ પૂછી લીધું. સરખો જ જવાબ મળ્યો. માંડ મૂળ મુદ્દે એટલું પૂછાણું કે, "ત્યાં ઘણી તાણ થાશે? જમણ પણ પાંચ સાત વચ્ચે એક જ વાસણમાં હશે?"
હસતા મોઢે જવાબ મળ્યો હતો.,"હા, ટોલીએ સૂટે હાથે પરસંગ લીધો શે. માણા બૌ હારો. કાયમ હૌની મદદ કરનારો. ઈને તાં નોતરાંનું માણાં વધી જ્યું હશે; બાકી આપણા ઘીરે હાગમટે જ કે'ત. ખવરાવવામાંય પાસો નૈ પડે. ઇનો પરસંગ આપણે શોભાબવો ર્યો. પાસું હાદ પાડતી વેરાએ મોમદે ખાસ કીધું સે ઈમ આલદાન તો લોટો પાણી લઈને નથી જાબાનું. તમે બેય જૈ આવજો ને હાથગૈણું લખાવતા'વજો."
અમે બેય વાળુ પતાવીને રાતે બસસ્ટેન્ડે પહોંચ્યા. આબિદ, મયોદીન, જગો, લવજી, નવઘણ વગેરે હાજર હતા. ગામના બસસ્ટેન્ડના ગલ્લે ગપાટાં મારવાનો અદ્ભુત લહાવો મળતો. અમે ત્રણેક જણાંએ સોડા પીધી. બાકીનાના મોઢામાં ગુટકા કે તમાકુના ડૂચાં હતાં. નાની ઉંમરે પણ વ્યસનની ગામમાં કોઈ નવાઈ નહોતી. અહીં પણ દાવતની વાત નીકળી અને એક જણ બોલ્યો, "આમને તે ચેવું હારુ. મોટે મોટાં તાસ ને તપેલાંની જોગવઈ કરે એટલે પત્યું. થારી વાટકાંની જરૂર જ નૈ."
બીજાએ ઉમેર્યું, "હૌવ, ના પંગત હોય ને ના પીરસવાની ભાંજગડ. તાસકની કોરેમોર ગોઠવાય ને બિસ્મિલ્લા થાય એટલે એક હારે દાવત સાલુ."
ત્રીજાએ દબાતાં સ્વરે ઉમેર્યું, "હમમ... પસી તાણ તો હોય; પણ ઓલું આલવાની નૈ પણ ખેંસી લેવાની."
મયોદીને અનુભવી અંદાજમાં ઝીણી આંખે જ્ઞાન વહેતું મૂક્યું, "તાણ નૈ અલા, ઇને ટાંગની તાણમતાણી કે'વાય. ટાંગાખેંસમાં માણા ચાં પાસા પડેશ. આ કંઈ ચોહલાં થોડાં હતાં! આંય તો ગચ્ચે ગચ્-"
જગો બાકી હતો તે વાત કાપતાં બોલ્યો, "હા હોં. તને તો ઇનો અનુભવ ઘણોય હૈશે. રેવા'દે હવે વધારે નથી જાણવું."
"હા તી મારેય ચાં વધું બોલવુ શે! આ તો વાત નેકરી તો અમથું લગાર કીધું."
"પણે ચૂપ થાતાં આવડે કે નૈ કોડા! ટાંગ ને ફાંગની શું લેવાને જધોશ ટણપીના!"
જગાનો ચહેરો જોઈને મંડળીમાં એ મુદ્દે તત્કાળ ચર્ચા પૂરી થઈ ગઈ હતી. ઘરે પરત આવતી ફેર મેં ભરતને બિસ્મિલ્લાનું પૂછ્યું એટલે ખબર પડી. એ તો ખાલી શબ્દ. એક પ્રકારનો સાદ. વાનગી નહીં. 'કરો હરિહર' જેવું.
મગજમાં ઓલું અને પેલું શબ્દો રાસડાં લેતાં રહ્યાં. છેવટે ખુલ્લાં ફળિયામાં ઊંઘ આવી જ ગઈ હતી. મોડીરાતે અચાનક ભયંકર અવાજ અને એક સ્પર્શ - બંને એકસાથે અનુભવાતાં હું ઝબકીને જાગ્યો. ભરતે જ મને જગાડવા માટે હલબલાવ્યો હતો. "ઉઠ, હેંડ દુલ્હાની બારાત જોવી હોય તો."
અમે શેરીમાં પહોંચ્યા. ભરતે લગભગ મને ખેંચીને સટાસટ એક ઘરની વંડી પર ચડાવી દીધો હતો. ખરેખર એ જગ્યાએથી બારાત સરસ રીતે નિહાળી શકાતી હતી. બારાતમાં બેન્ડબાજાના ભૂંગળાં કાન ફાડી નાખતાં અવાજે ગર્જી રહ્યાં હતાં. જાનૈયાઓ લગભગ ગાંડાં થઈને નાચી રહ્યાં હતાં. પેટ્રોમેક્સ ખભે ઊંચકીને ડાબે-જમણે હરોળબંધ ચાલતા સેવકો, દુલ્હાની સફેદ નાચતી ઘોડી, ફૂલોના પહાડ સમાન સેહરાથી લગભગ દબાયેલો દુલ્હો, લોકોના થીરકતા પગથી ઊડતી ધૂળ, લેવાદેવા વગર વરઘોડાથી છેટે રહીને જાણે સમાંતર વિશ્વમાં પોતાની મસ્તીમાં નાચતાં અમુક બાળકો વગેરે જોવાની મજા પડી હતી.
વરઘોડો ધીમી ગતિએ આગળ વધતો હતો. હવે મારા કાન પાક્યાં હતાં. લોકોનો નાચવાનો ઉત્સાહ જોઈને અચાનક વિચાર આવ્યો. કલાકો સુધી નાચવાની શક્તિ ક્યાંથી મળતી હશે? “શું સાજે દાવતમાં બધાં પેલું..” બસ, વિચાર એક ઝાટકે અટકાવી જ દીધો અને ત્યાં જ દુલ્હો લગભગ ફસડાયો. તે ઘોડી પર એક બાજુ ઢળી પડ્યો હતો. તુરંત આસપાસના લોકોએ તેને સંભાળ્યો. નીચે ઉતારીને એક ઘરના ઓટલે બેસાડ્યો. ત્રાસ ગુજારતાં ભૂંગળાં બંધ થયાં અને અચાનક જાણે પરમશાંતિનો અનુભવ થયો. ઢગલો ફૂલથી બનાવેલ અત્તરથી લથપથ લાંબા સેહરા પાછળ દુલ્હો અકળાયો હતો. તે અત્તરની તીવ્ર અને સતત સુગંધના લીધે લગભગ બેહોશ જેવો થયો હતો. સહેરો હટાવાયો. પાણી છંટાયું. પાંચેક મિનિટ બાદ પાણી પીને સ્વસ્થ થયેલ દુલ્હાએ હસતા મોઢે ઇશારો કર્યો. સહેરાની બે ત્રણ લળી જ મોં આગળ રાખીને બાકીનો સહેરો માથા પાછળ ધકેલાયો. કાફલો ફરીથી કર્ણભેદી અવાજ સંગ આગળ વધ્યો.
આવતીકાલે ગામલોકોને દાવત આપ્યા બાદ અકબરચાચાના છોકરાની બારાત પણ બીજે ગામ જશે. એ પણ રાતે ઘોડી પર સવાર થશે વગેરે વિચારો સાથે અમે પરત ખાટલા ભેગા થયા. અમારા બંનેના ખાટલાં ફળિયામાં ખુલ્લાં આકાશ નીચે હતાં. સૂતા પહેલાં ભરતે જ્ઞાન આપ્યું. "ઇમનામાં કુબુલ-કુબુલ બોલવાની વિધિમાં બૌ વાર ના લાગે. એટલે લગનનો એક મૂર મુદ્દો તે આ વરઘોડો અને બીજો તે બિસ્મિલ્લા." શહેરથી વિપરીત ગામના સ્વચ્છ આકાશમાં નજરે પડતાં અસંખ્ય તારલાંઓ જોતાં જોતાં અને લીમડાનાં કડવા પાંદડાંઓથી ચળાઈને આવતાં શિતળ પવનના પ્રભાવે આંખ મીંચાઈ ગઈ હતી.
સવારથી એક જ વિચાર ઘુમરાતો હતો. હું ઘણો મૂંઝાતો હતો. છેવટે ભરતને પૂછી જ લીધું, "આપણે જવું જ પડશે? જઈએ ખરાં પણ જમ્યા વિના ચાંલ્લો લખાવીને આવતા રહીએ તો ના ચાલે?"
"શું થ્યું વરી? કાલના જમણના લીધે પેટમાં ગોરો ચડ્યો કે શું?"
"ના, પણ એ ખાય કે ઈ આપે - એ બધું આપણે ખાવું જરૂરી હોય? આપણે જો પેલું.."
ભરત સમજી ગયો હતો. તે ખંધુ હસીને બોલ્યો, "મું સુને જોડે. તું ચંત્યા શું લેવાં કરોશ! કોઈ મુઢામાં પરાણે ના ઠુંસી દે."
"પણ તાણ કરે તો ઇ વખતે પેલું-"
"અરે કાંય ફિકર ના કર. દાવતમાં ચોહલાં કને તાણું ના હોય અને ઓલું ને પેલું બધું અલગ હોય. તું હાલજેને બાપા મું શુંજ હાથે પસી શીનો પાસો પડોશ તું ? વેવાર હાચવવામાં મગસથી ઢીલો પડતો હોય તો રેવા'દે. મું એકલો જૈ આવીશ. આમેય તી શેરના પોચટ ને હુંવારા બૌ. એકદાન તું જ કેતો'તો કે તારા દોસ્તારના પરસંગમાં બધુંય મલતું હોય એવી હોટલે તું જ્યો'તો. તી તૈ બધું નોખું હતું એટલે તને લગારેય વચકો ન'તો પડ્યો. તો ભૈ આંયાં નોતરું દેનારને હમજ પડે હોં ભૈ! ભલે એક મંડપે પણ અલગ વાહણમાં છેટી છેટી વિવસ્થા હશે જ."
આખો દા'ડો ખેતરની મુલાકાત, મંદિરની મુલાકાત અને રમવામાં વખત ગયો. રાતે પાછા પેટમાં સોડા ઠાલવવા પહોંચી ગયા. પેલું ગપાટાગોષ્ઠિમંડળ હાજર જ હતું. આજે માંડ એકાદા'એ છેક છુટ્ટા પડતી વખતે બીજા દિવસની દાવતની વાત કાઢી. દાવતમાં આવવા માટે જગાને અને અમને નોખો ટાઇમ કીધેલો એ જાણીને નવાઈ લાગી. વચ્ચે કલાકનો ફરક હતો. નવઘણને પાછો અમારા જેટલો ટાઇમ દીધેલો.
બીજા દિવસે છેવટે દાવતનો સમય નજીક આવ્યો. અમે બંને ખાલી હાથે ઊપડ્યા. ભરતે ભૂલ્યા વિના હાથગૈણું ખિસ્સે કરેલું.
અકબરચાચાનો ડેલો જાણે સફેદ રંગના તળાવમાં ઝબોળીને કાઢ્યો હોય એમ ભાસતો હતો. ડેલાના પતરાંના દરવાજાનો ઉઘડતો વાદળી રંગ અને દીવાલોની સફેદ રંગની સફેદી સૌને આવકારતી હતી. બહાર દીવાલ પર દિલ આકારની ભાત પાડીને શરણાઈનું ચિત્ર અને રંગબેરંગી 'શાદી મુબારક' શબ્દો ચુંબકની જેમ ધ્યાન ખેંચી રહ્યાં હતાં. ડેલાની અંદર જતા જ એક બાજુ મંડપ દેખાણો. એમાં દાવત ચાલુ હતી. મંડપની ચારેકોર કપડાંની દીવાલ હતી. અંદરનું દૃશ્ય દેખાતું નહોતું પણ ગણગણાટ સંભળાતો હતો. એક ખૂણે લગીર જગ્યા હતી જ્યાં ખુરશી નાંખીને કોઈ બેઠું હતું. હાથમાં થાળી, પેન અને ચોપડો હતો. અમને જોઈને તેમણે તુરંત જગ્યા કપડાથી ઢાંકી દીધી. ભરતે હાથગૈણાનું કામ ભોજન પહેલાં જ પતાવી દીધું. મારી આંખો ચારેકોર ફરી વળી. મંડપ બહાર થોડી ચહલપહલ હતી. જે ખૂણે ઢોર બાંધતા હતા તે ભાગ આજે સ્વચ્છ હતો. ગમાણ પણ ધોળાવી નાંખી હતી. અચાનક એક ખીલો ખાલી જણાયો. મનમાં ફાળ પડી – એ ટીલકીનો જ ખીલો હતો. એક ધ્રુજાવી દેનાર વિચાર આવ્યો અને સાથે જ એક સાદ સંભળાયો. "એ ભરતા... આંય આવતો'રે મેમણને લઈને."
અકબરચાચાની દીકરી ઝુબેદાએ અમને ઘરની પરસાળની જેરે ઊભા રહીને રૂમ તરફ ઇશારો કર્યો. અમે ત્યાં પહોંચ્યા અને એ અમને હોલ જેવા રૂમમાં દોરી ગઈ. બાજુના રૂમમાં આજ માટેનું ખાસ રસોડું હતું. એનીય બાજુના રૂમમાં મહિલાઓની વ્યવસ્થા હતી. જ્યાં મહિલામંડળ હાજર હોવાનું કલબલાટથી સ્પષ્ટ હતું. અમારા રૂમમાં અગાઉથી દસેક જણા પંગતમાં બેસીને વાતોએ ચડેલા હતા. અમને જોતાં જ સૌએ ભરતનું નામ બોલીને આવકારો આપ્યો. સૌ ભરતને ઓળખતા હતા. હું બધાંને નહોતો ઓળખતો પણ ચહેરાથી બધા હિન્દુ હોવાનો અંદાજ સરળ હતો. ઝુબેદાએ કહ્યું તેમ શાકાહારી માટે અલગ વ્યવસ્થા કરાઈ હતી. ઉત્સાહમાં એવું પણ બોલી કે મંડપ નીચે તો રિવાજ મુજબ ભાત, ચણાંની દાળ અને બીજી એકાદી ચીજ જ હતી. જ્યારે અહીં વ્યવસ્થિત ભાણું હતું. પોતે પણ અહીં જ જમવાની હતી. વધુ સાતેક જણા આવ્યા. જેમાં આબિદ પણ હતો.
ફટાફટ થાળીઓ ગોઠવાઈ અને પીરસનારા કામે લાગ્યાં. રસોડેથી કોપરાપાક, ફૂલવડી, દાળ, ભાત, શાક, સલાડ અને પૂરીનું આગમન થયું. જે જોઈને ભરતે મને મજા આવી ગઈને, હવે ચિંતા નથીને વગેરે પૂછ્યું. જે મને સંભળાયું પણ સમજાયું નહોતું. મનમાં ટીલકીનો વિચાર ઘુમરાયે જતો હતો. હું અહીં જાફત માણું, કોપરાપાકના ટુકડાં ઝાપટું અને બહાર મંડપમાં ટીલકીના ટુ..! હવે મન કાબૂમાં નહોતું. ભરત કંઈક બોલ્યો પણ મને ખબર ના પડી. મેં સાંભળ્યું છતાં શબ્દો જાણે મનમાં વરાળ થઈ ગયાં હતાં. ભરતે મને હલબલાવીને કીધું, “અલા બધું આઈ જ્યું. હવે ખાવા મંડ નૈ તો તારી ડોહી માખીયું બોટી જાહે.”
મેં કોળિયા ગળે ઉતારવા માંડ્યાં. જાત સાથે સવાલ પણ કરવા લાગ્યો. એક વર્ષમાં કેટલી વાર ટીલકીને યાદ કરી? ત્રણ દા’ડાનો ગામમાં ગુડાણો છું પણ એકેય દાન ટીલકી જોડે ગયો? ખાલી એક વર્ષ પહેલાં રમાડી તે રમાડી; હવે અચાનક ઊભરો આવ્યો? તારી થોડી હતી? સૌ મોજથી જમી રહ્યા હતા. ગામવાળા લાગણીશીલ ઘણાં હોય. હું સરખું નહીં જમું તો પાછું યજમાનનું મન કચવાશે. આટલી સરસ અલગ વ્યવસ્થા કરી એનું માન નહીં રાખવાનું! મેં માપેમાપે પણ મૌન રહીને ભોજન ગ્રહણ કરે રાખ્યું. છતાં ઝુબેદાની નજરે મારી મૂંઝવણ જાણે માપી લીધી હતી. તે અચાનક મારી પાસે આવી અને પૂછ્યું, “મેમણને કંઈ જોવે શે!"
"ના."
"તો મૂંઝાય શે ચ્યમ! બોલ તો ખબર પડે."
"અરે ના ના. હું જરાય શરમાતો નથી."
"ભરતા... આ તારો નાનકો નક્કી કાંક અમૂઝણમાં શે. એકદાન તો પૂરી પાણીમાં ડબોરાઈ જતાં મેં જોયેલ."
મને અચાનક મારી સ્થિતિનું ભાન થયું. મેં હસતાં મોઢે નાટક કર્યું, "હું પાણીનું જ વિચારતો હતો એટલે એવું થયું હતું. મારે ખાતી વેરાએ જરીક પાણી પીવા જોવે. ને ભૂલથી વળી આ પૂરીએ પાણી તેલવાળું કર્યું. બીજું માંગું કે નહીં એ વિચારે ચડ્યો હતો. એક તો માંડ પાણીની સારી જોગવાઈ કરી હોય ને હું પાછો.."
"એ મુ અબઘડી બીજો ગીલાસ લઈને આવુજ સવ. ને હા, જરાય ફકર નો કર. તોટો આવે ઈમ નથી. સેતરનો બોર સદ્ધર સે તે આજ રેલમસેલ સે. ખાતી વેરાયે પાણી ને પસીય બાર ડેલામાં ટોલીમાંય હાથ ધોવા ને આખો દા'ડો પીવા - બેય હાટુ વધકુ પાણી રાખ્યું સે."
ઝુબેદાએ બીજા ગ્લાસમાં પાણી આપ્યું. ભરત મારી પર ધીમું હસે જતો હતો. જમવાનું પૂરું થવાની અણિએ હતું ને રસોડામાંથી લાલ ગમછાથી પરસેવો લૂછતાં એક વડીલે આવીને જમવામાં કોઈ તકલીફ નથી પડી અંગે પૂછ્યું. સૌએ વખાણ સાથે સંતોષ વ્યક્ત કર્યો.
તેઓ ખુશ થઈને બોલ્યા, "લે લે, તૈ પસી તો બટકાં દેવા જ પડેને! અકબર ટોલીના પરસંગની યાદી રેવી જોઈને!"
ભરતે ઓળખાણ પાડતા માહિતી આપી. એ ગામના બામણ છોટાલાલ હતા. આમ તો ગોરપદું કરતા પણ અકબરચાચા સાથે ખાસ નાતો હતો એટલે આજે આ અલગ રસોઈ એમણે એમના ઘરનાની મદદથી બનાવી હતી. છોટાલાલ એક થાળીમાં કોપરાપાકના ચોસલાં લઈને સૌને મોઢામાં મૂકીને હરખ કરવા લાગ્યા. આબિદ છેલ્લે આવ્યો હતો તે છેલ્લે જ બેઠો હતો.
આબિદ પાસે જઈને છોટાલાલ બોલ્યા, "લો આબિદમિયાં, એક ટુકડો તો લેવો જ પડશે."
વાયડા આબિદે જવાબ વાળ્યો, "મા'રાજ... બે ટુકડાં તો દેવા જ પડશે."
બંનેએ હસતાં મોઢે સામસામે ટુકડાં ખવડાવતા જાણે આખો રૂમ દીપી ઊઠ્યો હતો. ઉંબરે ઊભેલી ઝુબેદા હરખાતી હતી. આખી પંગત એકસાથે ઊભી થઈને બહાર નીકળી ત્યાં બહાર અલગ ટાઇમવાળા દસેક જણા હાજર હતા. જગો પણ એમાં હતો. અમે ડેલાની દીવાલ લગત પડખાં ખોલીને ગોઠવેલી લાગઠ ચાર ટ્રોલીઓ પાસે ગયા. અહીં ત્રણ ટ્રોલીમાં હાથ ધોવા અને પીવાના પાણીની વ્યવસ્થા હતી. છેલ્લી ટ્રોલી ઠંડી છાશના વિતરણ માટે હતી.
મારી નજર ફરીથી પેલાં ખાલી ખીલા પર જઈ ચોંટી. એક નજર પેલાં બંધ દીવાલવાળા મંડપ પર પણ પડી. પાછું અચાનક મન ચકરાવે ચડ્યું. આ વખતે કંઈક અલગ જ મૂંઝારો થતો હતો. હું ક્યારે ઝડપથી ચાલવા લાગ્યો એનું મને ભાન ના રહ્યું. રસોડામાં ઝુબેદા પાસે જઈને એક ઝાટકે જોશપૂર્વક પૂછ્યું, "ટીલકી ક્યાં?"
એ થોડી હેબતાઈ. પછી બોલી, "ઈ તો દહેક દા'ડા મોર્ય વિયાણી શે. તે ઈના બચાં પરસંગમાં માણાં ભારીન ભડકે. ગોકીરાથીય અમુઝાય ને ધોડાધોડીમાં કોઈ મા-બચાંની હુધ લેવા નવરું નૈ રે. અટલે મું જ રૂખીકાચીના ડેલે મેલી આયી સુ. બે દા'ડા ભલી તાં રે'તાં. મા-બચાં હચવાય તો મનેય ધરપત રે. તારે રમાડવી શે?"
મેં નકારમાં માથું હલાવ્યું. હું એક પણ શબ્દ બોલ્યા વિના પાછો ફર્યો. ભરત કેડે હાથ દઈને ચહેરા પર સવાલ સાથે જ ઊભો હતો. મેં ‘ભોજન અને પાણીની સરસ વ્યવસ્થા બદલ છોટાલાલ અને ઝુબેદાનો આભાર માનવા ગયો હતો’ મુજબનું ગપ્પું ચલાવ્યું. ભરતે પણ હસીને કીધું કે, “સારું થયું કે તારાં મનમાં ગામની સારી છાપ રહી.” અમે બંને ટ્રોલીઓ નજીક ગયા. મેં પાણીથી ઘસીને હાથ સાથે મૂંઝારો ધોયો. થોડુંક પાણી પીધું અને ઉપર ઠંડી છાશ પીધી. ટાઢક થઈ ગઈ હતી. પરત ફરતી વખતે પગમાં જોમ હતું. મારાં આગ્રહને લીધે અમે અલગ રસ્તો પકડ્યો હતો - રૂખીકાકીના ડેલા બાજુનો.


***