Nitu - 7 books and stories free download online pdf in Gujarati

નિતુ - પ્રકરણ 7

પ્રકરણ ૭ : પરિવાર

"ૐ સૂર્યાય નમઃ ||" મંત્રનો જાપ કરતા શારદા પોતાના ખેતરમાં અંદર પ્રવેશી. ખેતરમાં આવવાનો મુખ્ય માર્ગ ખેતરની પૂર્વ દિશામાં હતો, જેથી કોઈ અંદર પ્રવેશ કરે તો સવારના ઉગતા સૂર્યના દર્શન થતા. શારદા આ નિયમ રોજે પાળતી અને અંદર પ્રવેશ કરતા તેને સૂર્ય દર્શન થતા. તે આ મંત્રનો જાપ કરતી અને ખેતરમાં પાક સારો થાય તે માટે સૂર્યદેવની પ્રાર્થના કરતી.

આજે પણ રોજની જેમ મંત્રોચ્ચાર કરતી તે ખેતરના મુખ્ય માર્ગેથી અંદર પ્રવેશી. આજની વાત જુદી હતી. રોજે તેના ચેહરા પર જે ભાવ દેખાતો એમાં આજે ઓછપ હતી. શારદની આંખો થોડી ભીની હતી અને ખેતરમાં પ્રવેશતાની સાથે ચારેય બાજુ પક્ષીઓના ગુંજતા અવાજોને ધ્યાનથી સાંભળવા લાગી. ઝાંપાની થોડી અંદર આવતા ઓરડી હતી જેમાં તેની અનેક વસ્તુઓ પડેલી. ખેતરના ઓજારો અને બેસવા ઉઠવા માટે ખાટલો અને પાણીની નાનકડી માણ, જેના મથાળે એક ગ્લાસ ટાંગેલો રહેતો. ઓરડીની બગલમાં એક પીપળનું વૃક્ષ હતું જેનો છાંયો અડધી જેટલી ઓરડીને ઢાંકી દેતો અને બાકીનો છાંયો ઓરડીના સામેના ભાગમાં પડતો, જેથી ત્યાં બેસી ઉઠી શકાતું. ક્યારેક ખેતરમાં આવી ચડેલા કૂતરા - બિલાડાને તે થોડું ખાવા પીવાનું આપી દેતી. તેની આ ટેવે એક બિલાડી રોજે તેની પાસે આવવા લાગેલી.

તે અંદર ઓરડી પાસે આવી અને હાથમાં રહેલ થેલીને ખોલવા લાગી. તે ખોલે તે પહેલા જ તે બિલાડી તેના પગ પાસે આવી ગઈ અને "મ્યાવ... મ્યાવ... " કરતી તેના પગ ફરતે વીટળાવા લાગી. તેણે હાથમાં રહેલી થેલીમાંથી રોટલાનું એક બટકું કાઢીને તેને આપ્યું અને તે દાંતમાં દબાવીને થોડે દૂર જઈને ખાવા લાગી. શારદા અંદર ગઈ અને ખાટલો ઢાળીને ત્યાં બેઠી બેઠી ખેતરની ચારેય બાજુ નજર ફેરવવા લાગી.

તેના મનમાં ચાલતા વિચારે તેની અંદર ભેંકારો ભર્યો કે આખી જિંદગી જેની પાછળ ખર્ચી એને છોડી દૂર દેશમાં જવાનું છે. જે ખેતરમાં કામ કર્યું અને જે ખેતર થકી પોતાના બાળકોને ઉછેરી મોટા કર્યા, જેણે ભરણ પોષણ કર્યું એ ખેતરને કોઈ બીજાના હવાલે કરીને બાળકો માટે થઈને બીજા પ્રાંતને પોતાનો કહેવાનો છે. ખેતરના એક એક ભાગને અને એમાં રહેલા એક એક વૃક્ષ અને છોડને તે નીરખી નીરખીને દર્શન કરી રહી હતી.

એવામાં બેસરભાઈ ત્યાં આવી પહોંચ્યા. "એ જેયસીકીશના ભાભીને."

"લે! જેયસીકીશના, આવો આવો બેસરભાઈ. આજ આ દશ હૂ આવી ચઢ્યા?"

"એ... તમારે ઘેર ગ્યો 'તો. દીકરીએ કીધું કે તમી ખેતર આવ્યા છો તો થયું કે લાવને તમારી પાંહે થાતો જાઉં."

"તે બૌ હારું કર્યું બાપા. મને થાતું 'તું કે તમી આવશો જ."

"હા, હવેથી તો તમારું આ ખેતર મારે જ હાચવવાનું છે. તમી કાંઈ ચિન્તયા ન્હો કરતા અને દર વરહે હું હિશાબ મોકલી આલીશ."

"રે એની તો ક્યાં ઉપાદી કરવાની છે? તમારા ઉપર ભરોહો છે તઈ તો આ ખેતર તમને વાવી-ખાવા આઇપું છે!"

"હા ભાભી. ઈ હાટુ જ આંય આવો છું."

"હા હાલો, હું તમને બધું ચીંધી દઉં એટલે તમી હમ્ભાળી લ્યો. આજથી મારા ખેતરની આ ચાવી તમને સોંપું છું. હવે તમારી જવાબદારી છે."

"એમાં તમારે જોવા પણું નઈ રે."

શારદાએ પોતાની તમામ વસ્તુઓ તેને બતાવી અને ઓરડીની ચાવી તેને સોંપી. પોતે ઉદાસ મને ખેતર સામે જોતી રહી. તેની આ ઉદાસીને જોઈને બેસરભાઈએ તેમને હિંમત આપી. તે કહેવા લાગ્યો: "લે ભાભી! આમ મોં કાં લટકાવો? તમી આ બેસરને ખેતર આપ્યું છે. એમાંથી હું આમનું તેમ નય થાવા દઉં હો.."

"બેસરભાઈ, વાત તમારી હાચી અને તમને દીધું તો એમાં અમારે ક્યાં ઉપાદી? પણ મારે હવે એના દર્શન ક્યારે થાશે?"

" ઈ તો દેવની કૃપા થાહે તો ક્યાં આઘું છે. તમીય ક્યારકના આંટો મારી જાહો. પણ નિતુ આપણી દીકરી, આંયનું મેલવું પડે તો મેલીએ દેવાય. એની વાંહે કાંય આપડી દીકરીની જિંગદી થોડીને બગાડાતી હશે! આ શમો એવો આઇવો કે આપડે જાવું પડે હે!"

"હા બેસરભાઈ, વાત તમારી હાવ હાચી હો. આ ગામને શી ખબર હોય? ઈ તો મન ધારે એવી વાતો કરે. મેં મારી નિતુને પાછી બોલાવેલી, પણ ઈ નો આઇવી. આતો હારું કર્યું કે નો આઇવી. નકર તો ગામ હજુએ ભૂંડી વાતો કરત."

"લ્યો આ મારા તરફથી એને આશીર્વાદ પેટે આપજો." કહેતા બેસરભાઈએ પોતાના ખિસ્સામાંથી હજાર રૂપિયા કાઢીને શારદાની સામે ધર્યા.

ઇન્કાર કરતા તે બોલી; "આ હુ કરોસ? એમ તે થોડા લેવાતા હશે કાંય?"

"અરે શારદાભાભી, ઈ ક્યાં કોક છે! નિતુ એ મારીય દીકરી ખરી હો. આ તો આશીર્વાદ છે. એના લગન ટાણેથી એને નથી ભાળી. ભલે હું નો આવી હકુ. પણ તમી સદાને માટે જાઓ છો તો આ આપું. નહિતર તો કોણ જાણે ક્યારે હું પાછી મારી દીકરીને ભાળી હકુ?"

"વાત તમારી હાચી છે પણ આટલા બધા રૂપિયા ના હોય."

"શારદાભાભી હવે બૌ વધારે ભાવ તમી નો ખાતા. લ્યો.." કહી તેણે બેઠેલી શારદાના ખોળામાં પૈસાનો ઘા કર્યો. "હવે કાંય નો બોલતા હો. ના લ્યો તો તમને મારા સમ."

શારદાએ એનું માન રાખતા પૈસાનો સ્વીકાર કર્યો અને કમર પર ખોસેલી એની થેલીમાંથી એક પર્સ કાઢ્યું અને એમાં પૈસા મૂકી દીધા. બેસરે ફરી પાછું એને પૂછ્યું; "ધીરૂ તમારી હારે આવે છે, એમને?"

"હા ભાઈ. રિષભના બાપુ ગયા ત્યારના ધીરૂભાઇએ અમને બૌ હાંચવા છે. બિચારાને નથી કાંય લેવા દેવા તોય અમારી હારે આવે છે. ઈ કે રિષભ તો પેલા અમદાવાદ હાલ્યો ગયો છે. હવે અમી મા-દીકરી બે છઈ. એકલા જાઉં એના કરતા હું મૂકી જાઉં. બિચારા બૌ હારા માણહ છે. ને પાછું અમારી નાનીનું હગપણેય જોવાનું છે. રિષભના બાપુની હયાતી નય, એટલે ધીરૂભાઇએ કીધું કે હુંય આવું છું, તો બેય કામ થઈ જાય."

વાત કરતા કરતા બેસરે ખિસ્સામાંથી તંમાકુ અને ચૂનો કાઢી હથેળીમાં લીધું અને મિક્સ કરી ચોળતા ચોળતા બોલ્યો: "હા. એ ધીરૂની વાત તો હાચી. ને પાછો માણહેય હાચો છે. તમારું કાંય ખોટું ચોડે એવો નઈ. તમ- તમારે એની સલાહમાં મુંજાતા નઈ. ઈ સલાહ તો હાચી જ દેહે."

"હા ભાઈ. અમારે તો ઈ જ મોખરે છે. મારો દેર છે પણ એણે કોઈ દિ' એના ને મારા છોકરામાં તારવણી નથી કરી."

પોતાના કપાળ પર હાથ ટેકવી તડકો સંતાડતો બેસર દૂર નજર કરવા લાગ્યો. "મારે ખેતરેય કોક આઇવુ લાગે છે. લ્યો તારે ભાભી હું જાઉં. ને મેં કીધું એમ, ધીરુ છે ઈ તમારે હારું છે. જો ટેમ રે'શે તો ઘરે આવી જાશ."

"એ ભલે એમાં હુ? હારું પછી હાંજે પાછા મળ્યા નો મળ્યા, આવજો પાછા."

"એ ભલે બાપા ભલે." હાથ ઊંચા નીચી કરતો તે પોતાના ખેતર તરફ ચાલતો થયો. શારદા પણ પોતાનું નાનું મોટું કામ પતાવી અને બાકીની બધું વસ્તુને વ્યવસ્થિત મૂકી તાળું લગાવીને ઘર તરફ ચાલતી થઈ.

જ્યારથી નક્કી કર્યું કે હવે શહેરમાં ચાલ્યું જવું છે, ત્યારથી રોજે તે થોડી થોડી વ્યવસ્થા કરતી ગયેલી. લગભગ બધું જ કામ તેણે પાર પાડી દીધેલું. આજે થોડું વધેલું ઘટેલું અને કપડાં જે પેક કરવાના હતા એ કૃતિકાએ કરી દીધેલું. સાંજે આસપાસના તમામને મળી અને રજા લીધી. તેઓના જવાના સમયે દરેક લોકો તેને વિદાય આપવા આવ્યા. તેમનાથી વિદાય લઈને બંને મા-દીકરી ધીરુકાકા સાથે સ્ટેશન તરફ ચાલતા થયા.

બોલાવેલ વાહન પણ સમયસર આવી પહોંચ્યું. તેમાં બેસીને જતા જતા બંનેએ ગામના દર્શન કરી તેની વિદાય લીધી. રસ્તામાં આવેલા મહાદેવજીના મંદિર તરફ હાથ જોડી સંતાનોના નવા જીવનને શરુ કરવા જતી શારદાએ મંગલ થવાના આશીર્વાદ લીધા. આ એ મંદિર જેના દ્વારે શારદા રોજે માથું ટેકવી પોતાનું કામ કરતી. બીજા બધાની જેમ આ મંદિરના દર્શન પણ હવે તેને દુર્લભ થવાના હતા. એની રીત તો એવી જ હતી કે જાણે ફરી ક્યારે પાછી આ મંદિરના દરવાજે આવશે? તેને હાથ જોડતા જોઈને ધીરુએ પણ મંદિર તરફ હાથ જોડ્યા અને તેઓના શાંતિમય જીવન અંગે પ્રાર્થના કરી.