Bevda mapdand in Gujarati Drama by Nayi Suchita books and stories PDF | ​બેવડા માપદંડ

Featured Books
Categories
Share

​બેવડા માપદંડ

હૉસ્પિટલના સ્પેશિયલ રૂમમાં ધીમો ગણગણાટ ચાલતો હતો. સુરેખાબહેન પોતાની દીકરી પિંકીના માથા પર હાથ ફેરવતાં વારંવાર બોલી રહ્યાં હતાં, "મારી દીકરી કેટલું બધું સહન કરી ગઈ! ભગવાન કોઈ સ્ત્રીને આવો અસહ્ય દુખાવો ન બતાવે. ડૉક્ટરે સી-સેક્શન કર્યું ત્યારે મારો તો જીવ અદ્ધર થઈ ગયો હતો."
બાજુમાં બેઠેલા જમાઈ હાથમાં ગરમ સૂપનો બાઉલ પકડીને ઊભા હતા, અને આખો પરિવાર પિંકીની એક-એક પળની સંભાળમાં પરોવાયેલો હતો. જરાક સરખી કણસ સંભળાતી તો સાસુ, નણંદ અને મા—બધાં દોડી આવતાં. "દીકરી, જરાય હલનચલન ન કરતી, ટાંકા ખેંચાશે. તારે બસ આરામ કરવાનો છે," સુરેખાબહેને ચાદર સરખી કરતાં વહાલથી કહ્યું. એ રૂમમાં દીકરી માટે અનહદ પ્રેમ, ચિંતા અને સંવેદનાની હૂંફ પ્રસરેલી હતી.
એ જ રૂમના ખૂણામાં ઊભેલી તેમની વહુ, રાધિકા, હાથમાં ગરમ પાણીનો થર્મોસ લઈને આ બધું જોઈ રહી હતી. તેને અચાનક આઠ મહિના પહેલાંનો પોતાનો એ જ દિવસ આંખો સામે તરવરી ઊઠ્યો.
રાધિકાની સુવાવડ પણ એ જ હૉસ્પિટલમાં થઈ હતી. નવ કલાકની અસહ્ય પ્રસવપીડા પછી જ્યારે તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો, ત્યારે શરીરમાં એક આંગળી પણ હલાવવાની શક્તિ નહોતી બચી.
જ્યારે રાધિકા વોર્ડમાં શિફ્ટ થઈ અને પીડાથી કણસતી હતી, ત્યારે આજ સાસુ સુરેખાબહેને પંખો ધીમો કરતાં સાવ ઠંડા અવાજે કહ્યું હતું, "આમાં આટલું બધું રોવાનું શું હોય રાધિકા? સ્ત્રીનો જન્મ લીધો છે એટલે આ બધું તો સહન કરવું જ પડે. અમે પણ ત્રણ-ત્રણ બાળકોને જન્મ આપ્યો છે, તે જમાનામાં તો આવી દવાઓ કે સુવિધાઓ પણ નહોતી. બીજા જ દિવસે ઊભા થઈને ઘરના કામ કરતાં. આજના જમાનાની છોકરીઓથી જરાય દુખાવો સહન નથી થતો."
એ સમયે રાધિકાના પિયરથી કોઈ તરત પહોંચી શક્યું નહોતું. રાધિકા આખી રાત પોતાના નવજાત શિશુને ખોળામાં રાખીને એકલી જાગતી રહી હતી. શરીર ટૂંકાઈ ગયું હતું, પીઠમાં અસહ્ય કળતર થતી હતી, પણ પાણીનો ઘૂંટડો આપવા માટે પણ કોઈ પાસે ઊભું નહોતું. જ્યારે તે થાકથી આંખો મીંચતી, ત્યારે વળી પાછો ટોણો સંભળાતો, "બાળક રડે છે, એનું ધ્યાન રાખ. મા બની ગઈ છે હવે, આળસ નહીં ચાલે."
એ રાત્રે રાધિકાની આંખોમાંથી વહેતાં આંસુ તેના ઓશિકાને ભીંજવતા રહ્યા, પણ કોઈએ એ લૂછવાની તસ્દી ન લીધી.
એક જ ઘર, બે સ્ત્રીઓ, અને માતૃત્વની એકસરખી વેદના. પણ બંને માટેના વ્યવહારમાં આભ-જમીનનો ફેર હતો.
દીકરી જ્યારે પીડાય ત્યારે તે 'બિચારી અને લાડકી' બની જતી, જેને આખા પરિવારના ટેકાની અને સેવાની જરૂર હતી. જ્યારે વહુ એ જ અગ્નિપરીક્ષામાંથી પસાર થાય ત્યારે તે માત્ર 'ફરજ' અને 'સામાન્ય વાત' બની જતી, જ્યાં સંવેદનાનો એક નાનો શબ્દ પણ અપેક્ષા બહારનો ગણાતો.
રાધિકાના વિચારોની તંદ્રા સુરેખાબહેનના અવાજથી તૂટી, "રાધિકા, જો તો ખરી પિંકી માટે દૂધ ગરમ થયું કે નહીં? મારી દીકરી સવારની ભૂખી છે, એનું શરીર તૂટે છે."
રાધિકાએ સુરેખાબહેન તરફ જોયું. તેના હોઠ પર એક ફીકું અને દર્દભર્યું સ્મિત આવી ગયું. તેના મનમાં એક જ વેધક સવાલ વારંવાર ગૂંજતો રહ્યો—"જે પીડા તમારી પોતાની દીકરીને કમજોર બનાવે છે, એ જ પીડા મને પથ્થર કેવી રીતે બનાવી શકે? શું સાસરે આવેલી વહુ કોઈની લાડકવાયી દીકરી નથી હોતી? શા માટે આ સમાજના માપદંડ લોહીના સંબંધ બદલાતાની સાથે જ આટલા નિર્દય અને સ્વાર્થી થઈ જાય છે?"
કોઈકે સાચું જ કહ્યું છે:
"દીકરી દુઃખી થાય તો કાળજું ચિરાય છે, અને વહુ પીડાય તો એ સંસારનો નિયમ ગણાય છે!"
"સાસરે આવેલી વહુ પણ કોઈના આંગણનું ગુલાબ હોય છે, એને માત્ર સુપરવુમન નહીં, પણ ક્યારેક એક વહાલભર્યા માણસ તરીકે સ્વીકારો."
એ સવાલનો કોઈ જવાબ નહોતો. રાધિકાએ આંખના ખૂણે આવેલું આંસુ લૂછ્યું અને પોતાના સવાલોના ભાર સાથે રસોડા તરફ ધીમા પગલે ચાલી નીકળી.