Swapn Mara Sakar Aapne books and stories free download online pdf in Gujarati

Swapn Mara Sakar Aapne

સ્વપ્ન મારા સાકાર આપને

ઃ લેખક :

રામેન ચુનારા

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.

Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.આભારદર્શન

૨.આત્મિવેદન

૩.પ્રાસ્તાવિક

૪.પ્રાથમિક વ્યવસ્થા

૫.શિક્ષણ

૬.જન-જાગરણ : માનવીય વાતાવરણનું સર્જન

૭.સ્વાસ્થ્ય

૮.સ્વચ્છતા

૯.વ્યક્તિગત કર્તવ્ય

૧૦.સામાજિક સમભાવ

૧૧.કૌટુંબિક જીવન

૧૨.સામાજિક વયવસ્થામાં સ્ત્રીનું મહત્ત્વ

૧૩.આયોજન માટેનાં આધારસ્થંભ પરિબળો

૧૪.આર્થિક વ્યવસ્થા :

૧૫.આર્થિક વ્યવસ્થાની બીજું માધ્યમ સેવા

૧૬.માનવશક્તિનું વ્યવસ્થાપન

૧૭.પરિણામોને લોકભોગ્ય બનાવવાની વ્યવસ્થા

૧૮.કાર્યો અને તેનું આયોજન

૧૯.માનસિક મુક્તતા

૨૦.અર્થ : એક જીવનશક્તિના સ્વરૂપમાં

૨૧.આર્થિક ઉપાર્જનનું પ્રથમ સોપાન સામાન્ય જીવનવ્યવહારની જરૂરિયાત મુજબી દૈનિક સેવાનું આયોજન

૨૨.શહેરી કક્ષાનાં આયોજન

૨૩.ગ્રામીણ વિકાસ

૨૪.ખેતીનું ઉદ્યોગ તરીકે વ્યવસ્થાપન

૨૫.પશુપાલન તેમ જ ડેરી વ્યવસાયનો સહાયક ઉદ્યોગ તરીકે વિકાસ

૨૬.વન્ય-વિકાસ

૨૭.સાર્થકતા અંગેનો વિશ્વાસ

૨૮.જનમિત્રનો જીવન-નિર્વાહ

૨૯.જનમિત્રની પસંદગી અને પ્રશિક્ષણ

૩૦.સામાજિક ઊર્ધ્વીકરણ

૩૧.ઉત્સાહનો અહાલેક જગાવીએ

૩૨.ઉપસંહાર

૩૩.જોડાણ - આંકડાકીય અનુમાનોનું પૃથક્કરણ

૧. આભારદર્શન

માનવસમાજ તેની બુદ્ધિની હયાતીનું પ્રમાણ તેની સભાનતાથી કરાવે છે. જીવનમાં જ્યારથી સભાનતા કેળવાય છે, ત્યારથી સાચા જીવનની શરૂઆત થાય છે. સભાનતા વગરનો સમય અવળ હોય છે. અવળ બાદ વેરાન બનતો જાય છે. આવા વેરાનના પણ બે પ્રકાર છે : એક સભાનતા સાથેનું જ્યારે બીજું સભાનતા વગરનું.

સભાનતા વગરનું અવળ જીવન એટલે બાલ્ય-અવસ્થાનો ના-સમજણવાળો સમયગાળો, તેમ જ જીવનની અન્ય અવસ્થામાં પણ બાળસહજ મનોભૂમિ. આવો ઘટનાક્રમ પ્રાકૃતિક હોય છે એટલે તે દોષપાત્ર નથી, પરંતુ આપણે જ્યારે આવા ઘટનાક્રમની મર્યાદા બહાર હોઈએ અને જીવનનો નિષ્કર્ષ શૂન્યમય અનુભવાય તો અવશ્ય જીવન વેરાન હશે, તેવું માનવું રહ્યું. આપણે જ્યારે જીવનના સંદર્ભમાં અવળ અને વેરાનનો શબ્દ પ્રયોગ કરતા હોઈએ ત્યારે બન્ને વચ્ચેનો તાત્ત્વિક ભેદ સમજવો રહ્યો. અવળ એટલે ખેડ્યા વગરનું જીવન, જો તેને ખેડવામાં આવે તો અમૂલ્ય રત્નો પાકે, અન્યથા વ્યથારૂપી અનેક ઝાંખરાં ઊગી નીકળે છે, જ્યારે વેરાન જીવનમાં ખેડાણ કરો કે અમૃતનો છંટકાવ કરો બધું વ્યર્થ જાય છે.

સામાન્યતઃ પ્રાથમિક તબક્કાનું જીવન અવળ હોય છે, જેને સભાનતાપૂર્વકના પ્રયત્નોથી ઉપજાઉ બનાવી શકાય છે, અને જો તેમ ન કરવામાં આવે તો તે વેરાન બની જાય છે, તેનો અહેસાસ જીવનના અંતિમ સમયમાં થતો હોય છે. આવા જીવન પ્રત્યે સહાનુભૂતિ સિવાય કોઈ સહાય કામમાં નથી આવતી. એટલે અવળ જીવનનું વેરાનમાં પરિવર્તન થાય તે પહેલાં સભાનતાપૂર્વકની ખેડ કરવી રહી.

સભાનતા સાથેના અવળ જીવનમાં કલ્પનાઓ, સ્વપ્નો, અપેક્ષાઓ, ધ્યેયરૂપી હળથી ખેડીને ઉથલ - પાથલ કરી નાખીને બીજનું વાવેતર કરીએ તો પણ માવજત અને માર્ગદર્શન ન મળે તો ઈચ્છિત પાકના બદલે નિંદામણનું ઘાસ પ્રાપ્ત થાય છે. તેના પરિણામ સ્વરૂપનું જીવન પણ નિરર્થક અનુભવાય છે. સભાનતા વગરના અવળ અને વેરાન-જીવન માટે તો સમાજની સહાનુભૂતિ અને સાંનિધ્ય મળતાં જીવન પૂર્ણ કરી શકાય છે, પરંતુ સભાનતા સાથેના ખેડાણ અને બીજના વાવેતરના અથાગ પ્રયત્ન કરવા છતાં જીવન વ્યર્થ અનુભવાય ત્યારે તેની વ્યથા અસહ્ય હોય છે.

અને તેમાંય જ્યારે તેના પરિણામની અસર માનવસમાજના કલ્યાણ અને મંગલમય જીવન ઉપર પડવાની અનુભૂતિ થતી હોય ત્યારે હૃદય દ્રવી ઊઠતું હોય છે. કદાચ પ્રસ્તુત ભાવ ભાવનાત્મક સ્વરૂપનો હોઈ શકે, પરંતુ તેની વાસ્તવિકતા સ્પંદનશીલ હૃદયથી અવશ્ય અનુભવી શકાય તેમ છે.

કેમ જાણે જ્યારથી સભાનતા કેળવાઈ છે ત્યારથી સામાજિક જીવનની વાસ્તવિક કરુણા સમજાઈ છે, અને તેમાંનો એક અંશ હતો, છું અને રહીશ, તેમાંથી મુક્ત થવા માટે જેટલાં તરફડિયાં મારું છું એટલો વ્યાપ વધતો જાય છે. તેનાં અનેક કારણોમાં સ્થાનિક રાષ્ટ્ર અને વૈશ્વિક કક્ષાએ માનવસમાજની અભિવ્યક્તિમાંથી ઉત્પન્ન થતી અશાંતિ, અરાજકતા, અજંપો અને ભયગ્રસ્ત સ્થિતિના સૂરનું એક કારણ હોય, માનવી એક યા બીજા કારણોસર અસલામતી અને માનવીય જીવનનાં સાચા સુખોના ઉણપથી પીડાતો હોય, તેનું બીજું કારણ એવું પણ હોઈ શકે કે વધુ પડતી સ્પંદનશીલતાના કારણે માનસિક સ્થિતિ તરલ સ્વરૂપની બની ગઈ હોય અથવા તો આદર્શવાદી વિચારધારા ધરાવતો હોઉં.

કારણો જે પણ હોય, પરંતુ તેના સકારાત્મક પરિણામ માટેનું મનોમંથન ચાલતું હોય ત્યારે તેની અનુભૂતિ આનંદદાયક હોય છે. આવા મનોમંથન દ્વારા આનંદની અનુભૂતિના પ્રયાસમાંથી એક તથ્ય દૃષ્ટિ સમક્ષ આવે છે કે માનવજીવનની પૂર્ણતા પ્રાપ્ત કરવી હોય તો જેવી દૃષ્ટિ માનવીય-જીવનની જરૂરિયાત અને વૈભવ પ્રાપ્ત કરવા માટે રાખીએ છીએ, તેવી જ દૃષ્ટિ પ્રાકૃતિક સર્જનના લાલન-પાલન માટેની હોવી જોઈએ. એટલે કે ભૌતિક વિકાસની સાથે પ્રાકૃતિક સમતુલન જળવાય તેવી સમાન દૃષ્ટિ પણ હોવી જોઈએ, જે સામાન્ય જીવનવ્યવહારમાં વાસ્તવિક રીતે એકબીજાની આમને-સામને છે. ખરેખર તો જીવનની પૂર્ણતા બંન્નેના સમનવયમાંથી જ્યાં સમાનતા કેન્દ્રિત થાય ત્યાં અનુભવાય છે.

પ્રસ્તુત પ્રસ્તુતિકરણમાં જીવનમાં ઉદ્‌ભવતા વિચારો, સ્વપ્ન, ધ્યેય અને જીવનની અનુભૂતિ અને અનુભવ વણાયેલ છે, એટલે ક્યારેક તેને રજુ કરવા જ્યારે મનોમંથનમાંથી શાબ્દિક દેહ આપવાનો થાય ત્યારે તેની રજૂઆતમાં વાવાઝોડા જેવા પ્રવાહ હોય છે. એટલે આવી રજૂઆતમાં ક્યારેક વાસ્તવિક તથ્ય ગુચવાઈ જવાની સંભાવના હોય છે, તેમ જ કોઈને પણ ન સમજાય તેવી રજૂઆત બની કે. પરંતુ, રચયિતાને શબ્દોના સમૂહમાંથી રચાયેલ હસ્તપ્રતમાંથી આનંદ અવશ્ય મળતો હોય છે. આવા સમયમાં સર્જકની સ્થિતિ ક્યારેક સભાનતા સાથેના અવળ જીવન જેવી, તો ક્યારેક માનસિક વિકલાંગ, તો ક્યારેક દિવાસ્વપ્નો જોતો હોય તેવી સ્થિતિ અનુભવાતી હોય છે. એટલે માનસિક સમતુલા અસમતુલિત થાય તે પહેલાં તેનાથી છુટકારો મેળવવા પ્રયત્નો કરવા રહ્યા. આવા પ્રયત્નો સફળ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.

પ્રાર્થના ફળે કે ન ફળે પરંતુ સર્જકના પ્રયત્નો ચાલુ છે. આવા પ્રયત્નોની સભાનતામાં શુભત્વ ભળતાં એવો સંકેત મળ્યો કે કોઈ માર્ગદર્શક શોધ, અને વિચારોના હાર્દને સમજી અને સમજાવી શકે તેવી વ્યક્તિનું માર્ગદર્શન પ્રાપ્ત કર. જીવનનું સ્વપ્ન સાકાર કરવાનો સંકેત મળે તેનાથી વિશેષ આનંદ શું હોઈ શકે ? આપણી મનોભૂમિમાં કર્મનો જે વ્યાપ છે, તેના કાર્ય અને કારણો સ્પષ્ટ છે, પરંતુ દુન્વયી રીતે તેમાં સ્વાર્થ અને મહત્ત્વાકાંક્ષા છલકાતી હોય તેવો અહેસાસ થાય તેમ છે. જો કોઈ માનવ હિતેચ્છુને તેનો વ્યાપ સમજાવી શકાય તો પણ તેના પરિણામ અંગે શંકાસ્પદ બને તેવું અનુમાન કરવા પ્રેરાવું પડે અથવા તો આવું કાર્ય અસંભવ છે તેવું મંતવ્ય આપીને પોતાની ફરજ પૂરી કરે, અથવા તો કોઈ આર્થિક મદદની અપેક્ષાથી તેમની મદદ ઇચ્છતા હોઈએ તેવું અનુભવાય.

જે વ્યક્તિઓ સમક્ષ સહકારની રજૂઆત કરવામાં આવતી તે વ્યક્તિઓ આર્થિક રીતે સક્ષમ હોવા ઉપરાંત, તેઓ સમાજજીવનના શુભચિંતકો તરીકે પ્રતિષ્ઠા ધરાવતા હોય તેથી સહજ રીતે તેમનું સાંનિધ્ય અને સહકાર પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય, તે સહજ રીતે માની શકાય. ખેર, જેમાં નકારાત્મક ભાવ હોય તેવી ચર્ચાને લંબાવવાનો કોઈ અર્થ નથી. પરંતુ મનમાં એવો દૃઢ નિશ્ચય કર્યો કે જેઓ આપણા કર્મ, કાર્ય અને કારણને સમજી કે, તેવા મહાનુભાવની શોધ કરવી કે જેઓ ભૌતિક તેમ જ આધ્યાત્મિક નિયમનોના સમન્વયમાંથી સમતુલન કેળવીને જીવન જીવતા હોય.

પ્રવર્તમાન પ્રતિષ્ઠાના અનુસંધાનમાં આવા મહાનુભાવ મળવા તેમ જ વિશ્વાસ સંપાદન કરવાનું કામ કઠિન હોય તેમ અવશ્ય માની શકાય, પરંતુ કઠિનતો બાજુમાં રાખીને પ્રયત્ન શરૂ કર્યા. આવા પ્રયત્નોમાં પરિચિત અને અપરિચિત મહાનુભાવની અનેક આભાઓ નજર સમક્ષ આવી. આવી આભાઓની સમાજ પ્રત્યે સહાનુભૂતિ અને સહાયક બનવાના પ્રયત્નો થકી મેળવેલ પ્રતિષ્ઠાના માપદંડની મદદ લેતાં જૂજ અને લબ્ધપ્રતિષ્ઠિત મહાનુભાવોની યાદી બનાવી અને પ્રત્યક્ષ અને પત્રવ્યવહાર દ્વારા સંપર્ક કરવાની શરૂઆત કરી.

પ્રત્યક્ષ સંપર્કની યાદીમાં પ્રથમ નામ એવા મહાનુભાવનું હતું કે વર્ષો પહેલાંની મુલાકાતમાં મારી પ્રામાણિકતા અને તેમની નૈતિકતાની કસોટી હતી. સામાન્યતઃ વ્યક્તિઓની પ્રથમ મુલાકાત એવી હોય છે કે જેમાં સ્વાર્થપ્રેરિત પ્રતિષ્ઠાનું સ્થાપન કરીને તેમાંથી જે લાભ મળી શકે તેમ હોય તે મેળવી લેવા અથવા પોતાની શક્તિઓનું પ્રદર્શન કરીને ગર્ભિત અર્થઘટન માટે વિમાસણમાં મૂકવા. પરંતુ જ્યારે વ્યક્તિનું જીવન ખુલ્લા પુસ્તક જેવું હોય, ત્યારે વાસ્તવિકતાનો કોઈ જુદો જ અનુભવ થાય છે.

અમારી પ્રથમ મુલાકાત જે હેતુ અનુસાર થયેલ તે પૂર્ણ થતાં એકબીજાએ અંગત પરિચય પ્રદર્શિત કર્યો. આ પરિચય જે હેતુસર મળેલા તેનાથી અલગ હતો અને લગભગ સમાન હતો. જે સાહિત્ય અને અધ્યાત્મની જાણકારીના સંદર્ભમાં હતો. અમારી પ્રથમ મુલાકાતની અંતિમ ક્ષણો અને પુનઃ મુલાકાતની શરૂઆતની ક્ષણ વચ્ચેનું અંતર લગભગ છ વર્ષનું હતું તેમ છતાં પુનઃ મુલાકાત એટલી જીવંત હતી કે અમે ક્યારેય જુદા પડ્યા જ નથી, અને આવી જીવંતતા એ જ એકબીજાને સમજવા અને વિશ્વાસ કરવા માટેનું પ્રેરક બળ બન્યું. તેથી તેમને માર્ગદર્શન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જે સહર્ષ સ્વીકારી લીધો.

તેમના માર્ગદર્શન માટેની વારંવારની મુલાકાતોમાં એવું અનુભવ્યું કે તેઓ તેમના વ્યવસાયમાં અતિ વ્યસ્ત છે અને ક્યારેક એવું પણ લાગતું કે હું તેમના ઉપર વધારાનો બોજ નાંખું છું. એટલે ક્યારેક વિહવળ સ્થિતિનો અનુભવ કરતો અને તેઓ પામી જતા, એટલે તેમની ચેમ્બરના દરવાજા બંધ કરાવીને ઑપરેટરને સૂચના આપતા કે અમને કોઈ ખલેલ ન પહોંચાડે, ત્યારે શરમ અનુભવતો, એટલે તરત જ ચાનો ઑર્ડર આપતા.

અમારી પ્રથમ ચર્ચા કર્મ, કાર્ય અને કારણ અંગેની હતી. તેમાં સમજણ કેળવાતાં તેઓ શબ્દો સમૂહની હસ્તપ્રતમાંથી પસાર થયા. તેમાં તેના હાર્દને સ્પર્શી શક્યા, પરંતુ આ હાર્દને લોકભોગ્ય બનાવવા માટેનું માર્ગદર્શન આપ્યું, ત્યારે સમજાયું કે હું ક્યાં છું. મારું એવું અનુમાન છે કે અન્ય કોઈ મહાનુભાવ હોત તો હસ્તપ્રતને બકવાસ સમજીને અવશ્ય પરત કરત. પરંતુ તેમણે માર્ગદર્શન મુજબ સુધારા-વધારા કરી હસ્તપ્રત પરત કરવા જણાવ્યું. કાર્યસિદ્ધિના અતિરેકમાં જે સુધારા-વધારા થયા તે પણ અસંદિગ્ધ હતા. તેમ છતાં પુનઃ તેમાંથી પસાર થયા. ખરેખર આ કંટાળાજનક કાર્ય હતું. જેનો અનુભવ હું વાંચન દ્વારા તેમને સમજાવતો હતો, ત્યારે થયો અને તેમ છતાં તેઓ સ્થિતપ્રજ્ઞ હતા, તેમના ચહેરા ઉપર અણગમાની લકીરના બદલે પ્રસન્નતાથી ભૂરપૂર રહેતા. આવી પ્રસન્નતામાંથી પ્રેરણા લઈને સમગ્ર પ્રસ્તુતિકરણને પુનઃ લખવાનું શરૂ કર્યું. પુનઃ લખાણમાં પણ વિષયનું સાતત્ય જળવાય તેમ જ સહજ રીતે સમજાય તેવું લોકભોગ્ય પ્રસ્તુતિકરણનું માર્ગદર્શન આપતા રહ્યા. આવા માર્ગદર્શનમાં મહત્ત્વની એ બાબત છે કે પ્રસ્તુતિકરણના કોઈ પણ શબ્દ કે વાક્યમાં પોતાની રીતે સુધારોવધારો કરવાના બદલે યોગ્ય શબ્દ અને વાક્યરચનાની સમજૂતી આપીને યોગ્ય લાગે તો જ તેનો ઉપયોગ કરવાનો આગ્રહ કરતા. આવી નિખાલસતા મારા જીવનમાં ક્યાંય જોઈ, સાંભળી કે અનુભવી નથી.

સામાન્યતઃ કોઈ પણ પ્રસ્તુતિકરણ કોઈ એક વિષય આધારિત હોય છે, પરંતુ અત્રે રજૂ થતા નિરૂપણમાં અનેક ક્ષેત્રો અને વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પર્યાવરણ, ધર્મો અને માનવીય આચારસંહિતાને સમજવાનો પ્રયત્ન કરેલ છે. માનવજીવનને સાચી રીતે સમજવું અને તેનો અનુભવ કરવા માટે, આવા વિષયોના મંથન જરૂરી હોવાથી દરેક વિષયોનું ચિંતનાત્મક સ્વરૂપે નિરૂપણ કરેલ છે, તેથી તે ભાવનાત્મક સ્વરૂપ છે, પરંતુ તેનું પરિણામ પ્રમાણ આધારિત હોય તેવી અનુભૂતિ કરાવે છે અને આવા અનુભવ ત્યારે જ શક્ય બને કે તેના સબળ પુરાવા હોય. આથી જ્યારે તેઓ માર્ગદર્શકની ભૂમિકામાં હોય એટલે તેમની જવાબદારી સમજવી રહી. જાણે અજાણે કોઈ પણ અસંદિગ્ધ હકીકત પ્રકાશિત થાય તો તેની જવાબદારી લેખકની તો હોય છે જ, પરંતુ માર્ગદર્શકે વિનાકારણે ક્ષોભ અનુભવવાનો થાય. આવી પરિસ્થિતિના નિરાકરણ અર્થે જે તે વિષયના જ્ઞાતાઓનો અભિપ્રાય લેવો અને માર્ગદર્શન કરવું તે નાનીસૂની બાબત નથી. આવા સહકારમાં સમાજ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની શુભ અને શુદ્ધ ભાવના વ્યક્ત થાય છે.

પ્રસ્તુત પ્રસ્તુતિકરણ ફક્ત ભાવનાત્મક સ્વરૂપે અનુભવવા જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં રચનાત્મક સ્વરૂપ આપવાનું પણ છે.. આવા અમલીકરણમાં લેખક કે આયોજકની નકારાત્મક માનસિકતા પ્રદર્શિત થાય તો તેનાં ગંભીર પરિણામો સમાજે ભોગવવાં પડે, તેથી તેની સ્પંદનશીલતા વધી જાય છે. આવા સમયમાં નફ્ફટ વ્યક્તી સામે આંગળી ચિંધવાના બદલે સ્પંદનશીલ વ્યક્તિ પ્રત્યે આંગળી નહીં, પંજો કરવામાં આવતો હોય છે. આવાં બધાં ભયસ્થાનોમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો તે સામાન્ય વ્યક્તિનું કામ નહીં, પરંતુ આત્મશક્તિથી ભરપૂર વ્યક્તિ જ નિભાવી શકે છે.

વ્યક્ત કરવામાં આવેલ અભિવ્યક્તિને ક્ષતિરહિત સમાજ સમક્ષ રજૂ કરવાનું શ્રેય લેખકના માર્ગદર્શક અને પ્રસ્તુતિની માવજત કરનાર મહાનુભાવને આધિન છે. લેખકની મનસા તો ફક્ત એટલી જ છે કે જે સ્વપ્ન જુએ છે તે માનવસમાજને સાકાર થાય, સાકાર સ્વપ્નોના આનંદ અને અનુભૂતિમાંથી એવા વાતાવરણનું સર્જન થાય કે જેમાં સર્જક મુક્ત રીતે ઉડ્ડયન કરી શકે.

આભારદર્શનના પ્રથમ અક્ષરથી છેલ્લા અક્ષર સુધી માર્ગદર્શકનો પરિચય રહસ્યમય રીતે અધ્યાહાર એટલ માટે રાખ્યો છે કે આપ પણ આભાર વ્યક્ત કરવામાં સાથે રહો. આપ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મારી સાથે હોય તો તેમનો પરિચય કરાવું. આપણા માનનીયશ્રીનું નામ રાજેન્દ્રભાઈ પટેલ છે. તેમને હુલામણા નામથી રાજુભાઈ તરીકે સંબોધું છું. તેઓ વ્યવસાયે બિઝનેસમૅન અને ઉદ્યોગપતિ તરીકેની બેવડી જવાબદારી નિભાવે છે.

બિઝનેસમેન અને ઉદ્યોગપતિ એટલા માટે કે તેઓ બન્ને વ્યવસાયથી સંકળાયેલ છે, અને બેવડી જવાબદારી તેમના કર્મચારીઓ ઉપર વિશ્વાસ મૂકીને પૂર્ણ કરે છે. તેનું પ્રમાણ તેમના સ્ટાફની કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતાનું પ્રતિબિંબ કંપનીના વાર્ષિક નફા-નુકશાનમાં પ્રદર્શિત થાય છે. તે પછી સ્થાનિક વિસ્તારનું એકમ હોય કે દેશના કોઈપણ રાજ્યમાં હોય, તેમાં કોઈ ફેર પડતો નથી. આ તેમનો ભૌતિક વિકાસ અંગેનો જીવનવ્યવહાર છે.

વિશ્વાસ અને પ્રામાણિકતા ઉપર નભતા વ્યવસાયનો મતલબ એવો નથી કે તેઓ વ્યસ્ત નથી. વ્યસ્તતા અંગે એવી માન્યતા પ્રચલિત હોય છે, કે કોઈ પોતાને આઠ, બાર, સોળ કલાક વ્યસ્ત માનીને દુનિયાથી અલિપ્ત હોવાનું પ્રદર્શન કરતા હોય છે, અને ગર્વ પણ લેતા હોય છે, પરંતુ શ્રી રાજેન્દ્રભાઈ વીસ કલાક વ્યસ્ત હોવા છતાં દુનિયા સાથે જીવંત દાતાત્મ્ય અનુભવે છે. તેમના આવા સદ્‌ગુણોથી તેમનું માર્ગદર્શન સહજભાવે મળી શકે તે તેમના સદ્‌ગુણનો એક ભાગ છે.

તેઓ એક નિજાનંદી લેખક, તત્ત્વચિંતક અને સામાજિક કાર્યના પ્રણેતા છે. તેમ છતાં પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિથી અલિપ્ત રહે છે. ગુજરાતી સાહિય અને તેના વિકાસ માટે ચિંતિત હોવાથી નવા સાહિત્યકાર, કવિ અને વિવેચકોને સહાયરૂપ થવાનો અભિગમ ધરાવે છે અને સહાયક બને છે. તેનું જીવંત પ્રમાણ હું છું. તેમના આવા સદ્‌ગુણથી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે પણ સંકળાયેલ છે અને ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પ્રવૃત્ત છે. આ તેમના જીવનો બીજો વ્યવહાર છે.

બંને જીવનવ્યવહારના સમન્વયમાંથી પ્રસન્નમય જીવનની અનુભૂતિ કેવી હોય છે તે સમજવી હોય તો અવશ્ય તેમના સાંનિધ્યમાંથી અનુભવી શકાય.

શ્રી રાજેન્દ્રભાઈનો પરિચય ઉપરના એક એક વાક્યને વિષય બનાવીને પ્રસ્તુત કરવામાં આવે તો તેમના જીવનચરિત્રનું સ્વરૂપ ધારણ કરે તેમ છે, પરંતુ તે મારી મર્યાદાની બહાર છે. આવી મર્યાદા તેમના વ્યક્તિગત જીવનને વ્યક્ત કરવામાં પણ અનુભવાય છે, પરંતુ જે માનવ ઉપયોગી સત્યો છે તે વ્યક્ત કરવાની અનુમતિને અધીન રજૂ કરેલ છે.

અમારા સંબંધ નિઃસ્વાર્થ હોઈ, સંબંધોમાંથી મેં શું મેળવ્યું કે તેમણે શું મેળવ્યું તેવી ગણતરીનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પરંતુ જો તેમનું માર્ગદર્શન ન મળ્યું હોત તો મારું જોયેલું સ્વપ્ન અવશ્ય અધૂરું રહેત, આ સ્વપ્નના એક ભાગમાં પરમાત્મા અને તેના સર્જન પ્રત્યેની માનવીય ફરજ, અને બીજા ભાગમાં માનવસમાજને તેના સાચા સુખ પ્રાપ્ત થાય તેનો પ્રયત્ન છે. તેને સાકાર કરવા માટે ફક્ત ને ફક્ત ભાવનાત્મક સ્વરૂપની અભિવ્યક્તિ જ નહીં, પરંતુ તેને રચનાત્મક સ્વરૂપે રજૂ કરીને વાસ્તવિક રૂપ આપવું તે પણ અનિવાર્ય છે. આવી અનિવાર્ય મદદ શ્રી રાજેન્દ્રભાઈ પટેલે કરી છે. એટલે મારે અને સમાજે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

હું માનું છું કે આભાર-દર્શનથી તેઓ વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરીને પ્રકૃતિ અને તેના સર્જનના લાલન-પાલન માટે વધુ શક્તિશાળી બનીને સહાયક બનશે.

અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે પ્રસ્તુત અભિવ્યક્તિ ભાવનાત્મક છે, પરંતુ તેના પરિણામ પ્રમાણ અધીન છે, જે સામાન્ય સમજણથી અશક્ય લાગે. મારું ભાવનાત્મક નિરૂપણ કોઈ પણ ‘રોડલ મોડલ’ આધારિત નહીં પરંતુ પ્રાકૃતિક તેમ જ માનવીય નિયમોનું આચરણ કરવામાં આવે તો તેનાં પરિણામ આનંદમય જીવન જ હોય તેવું સમજાવવા પ્રયત્ન કરેલ છે.

શ્રી રાજેન્દ્રભાઈ પહેલાંથી જ જોયેલ સ્વપ્નના સ્ત્રોત મુજબનું જ જીવન માણે છે તે જોગાનુજોગ છે, પરંતુ તેનું પરિણામ પ્રત્યક્ષ સ્વરૂપે અનુભવાતાં મારું મનોમંથન વ્યર્થ નથી તેનું પ્રતિપાદન થતાં આનંદ અનુભવાય છે.

વૈશ્વિક સમાજમાં આવાં અનેક પ્રમાણો હશે, અને તે જાણ બહાર હોય, પરંતુ તેમના આનંદમય જીવનમાંથી ઉત્પન્ન થતા ભાવ, તરંગો ભૂમંડલમાં પ્રસારિત થતા હોઈ તેનાં સ્પંદનો અવશ્ય ઝીલી શકાય છે.

મારી માન્યતાઓનું પ્રમાણ જીવંત સ્વરૂપે જોવાય છે અને તેમાંથી જે પ્રસન્નતા અનુભવાય છે, તેના હક્કદાર શ્રી રાજેન્દ્રભાઈ છે, એટલે તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે મારી કલ્પના ફક્ત મૃગજળ જ નહીં, પરંતુ કલ્પવૃક્ષના બીજ સમાન છે તે પ્રતીત કરાવે છે.

ર. આત્મનિવેદન

સમસ્ત બ્રહ્માંડ સર્જનકર્તા સર્જનહારનું સાકાર ને નિરાકાર સ્વરૂપ છે. નિરાકાર સ્વરૂપને સમજવા તેમ જ અનુભૂતિ કરવામાં આપણી જ્ઞાનેન્દ્રિયો મર્યાદિત છે. નિરાકાર સ્વરૂપને પ્રત્યક્ષરૂપે અનુભવવા સાકાર સ્વરૂપ સક્ષમ નથી અને સક્ષમતા પ્રાપ્ત પણ નહીં કરી શકે. પણ જેઓના જીવ જાગૃત છે અને તે જ્યારે આત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે ત્યારે નિરાકાર સ્વરૂપની અનુભૂતિ કરી શકે છે. આ અનુભૂતિને સાકાર સ્વરૂપે પ્રસ્તુત કરવા જીવનું સાકાર સ્વરૂપ આવશ્યક છે. પરંતુ જીવ અને આત્મા એકાકાર થાય ત્યારે તેનું ચૈતન્યમય સ્વરૂપ નિરાકાર છે. એટલે નિરાકારને પામવું એ જીવની અનુભૂતિ છે. આવી અનુભૂતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે નિરાકાર બની ચૈતન્ય શક્તિને સમજે, આવી સમજણ કેળવાય છે ત્યારે જીવનો મોક્ષ થયો હોય છે. આ બ્રહ્માંડનું અદ્વૈત જીવન છે. તેને દ્વૈત જીવનની દિવ્યશક્તિથી સમજી શકાય પરંતુ સાકાર રૂપે પ્રમાણિક કરવા માટેની શક્તિ પ્રાપ્ત કરી શકે તેમ નથી.

સર્જનહારનું બીજું સ્વરૂપ સાકાર સ્વરૂપે તેનું સર્જન છે. આ સર્જન પ્રકૃતિ-સૃષ્ટિ છે. પ્રકૃતિ એટલે જડ અને ચેતનનું સાકાર સ્વરૂપ. સર્જનહારનું સહેતુક સર્જન, સાકાર અને નિરાકારના તાત્પર્યને સિદ્ધ કરવા માટેની પ્રક્રિયામાં સમન્વય સમતુલન અને ચેતનમય રહેતે માટે છે. તેથી સાકાર સ્વરૂપની મુક્તિની ગતિ ઉપર અનેક અવરોધક પડદાઓનું આયોજન (સર્જન) કરેલ છે. એટલે જન્મો-જન્મના સાતત્યપૂર્ણ જીવના પાવિત્ર્ય દ્વારા જ તેનું ભેદન શક્ય બને છે. પરંતુ જન્માન્તર સાથે જ સાતત્ય ભંગ થતાં તેની વિસ્મૃતિ થઈ જાય છે. આ વિસ્મૃતિ પૂર્વજન્મોના અનેક પ્રયત્નો દ્વારા પ્રાપ્ત કરેલ જીવનશક્તિના પ્રકાશ દ્વારા દૃશ્યમાન થાય છે. ત્યારે જીવાત્મા મોક્ષ (મુક્તિ) તરનું પ્રયાણ શરૂ કરે છે. આવા જીવાત્મા સાકાર સ્વરૂપના સર્જનની સમતુલા અને સુખાકારી માટે તેના મોક્ષ દ્વારા એટલે કે નિરાકાર સ્વરૂપ ધારણ ન કરે તે માટે સૃષ્ટિનું સર્જન કરેલું છે, જે ભવ્યતા ભવિત છે, તેમ છતાં સાકાર સ્વરૂપના જીવની મુક્તિ માટે પ્રતિબંધિત કરેલ નથી, કારણ કે મોક્ષ પ્રાપ્તિ જીવાત્માને પણ અતિપ્રિય હોય છે, જે નિરંજન છે પણ નિરાકાર નથી. નિરાકાર સ્વયં સર્જનહાર છે, જ્યારે નિરંજન તેમના સર્જનનું મોક્ષ સ્વરૂપ છે.

સર્જનહારનું સ્વરૂપ આપણામાંથી અદૃશ્ય છે, પરંતુ તેના સર્જનનું સાકાર સ્વરૂપ દર્શનીય છે. સાકાર સર્જનનું સ્વરૂપ સગુણ અને નિર્ગુણ છે. જે સાકાર છે તેનું નિર્ગુણ સ્વરૂપ જડચેતન સ્વરૂપ છે, અને સગુણ સ્વરૂપ ચેતનમય સ્વરૂપ છે. નિર્ગુણ સ્વરૂપ નિષ્કામ ભાવનાઓથી આ અનન્ય સર્જનને જીવંત રાખે છે, જ્યારે સગુણ સ્વરૂપ સકામ ભાવનાઓથી સર્જનને જીવંત અને ચેતનમય રાખે છે. નિર્ગુણ સ્વરૂપની નિષ્કામ ભાવનાઓ અને સગુણ સ્વરૂપની સકામ ભાવનાઓથી સાકાર સ્વરૂપના સર્જનના નિયમન અને પાલન-પોષણના ચક્રનું કુદરતી આયોજન ગોઠવાયેલ છે. સર્જનહારના સાકાર સ્વરૂપને જીવંત અને ચેતનમય રાખવા પ્રાકૃતિક નિયમન અનુસાર જરૂરિયાતનું સ્થાપન કરેલ છે. આ જરૂરિયાતની પ્રાપ્તિ અને તૃપ્તિ એટલે જીવન.

સજીવ, જડ અને ચેતનમય સ્વરૂપના સાકાર સ્વરૂપની જરૂરિયાત પ્રાકૃતિક નિયમન અનુસાર એકબીજાના પૂરક અને સહઅસ્તિત્વવાદને આભારી છે. આ જરૂરિયાતની પૂર્તિ સાકાર સ્વરૂપના જીવાત્માના પ્રયત્ન અને પ્રકૃતિની ક્રિયાશીલતામાં છે. સજીવ જીવનની જરૂરિયાત માટેની ક્રિયાશીલતા પ્રકૃતિના નિયમન અનુસારના વ્યવહાર મુજબ સાકાર સ્વરૂપે સ્વીકારવા અને આચરણમાં તેના સર્જનની સાર્થકતા છે.

પ્રાકૃતિક નિયમન અનુસાર સજીવોની ક્રિયાશીલતામાં તેના અસ્તિત્વની ઓળખ છે. આ ઓળખ પ્રાકૃતિક છે. પ્રાકૃતિક ઓળખની વિરુદ્ધની ક્રિયાશીલતા સજીવન માટેની આપત્તિ અને વિનાશ છે. સજીવોના પ્રાકૃતિક નિયમન અનુસારનો જીવન વ્યવહાર સનાતન છે. સનાતન વ્યવહારના આચરણમાંથી સનાતન ધર્મનો આવિષ્કાર થયો છે. માનવસમાજ સિવાયની સજીવ સૃષ્ટિ સનાતન ધર્મ પ્રમાણેના આચરણ મુજબ જીવન આજપર્યંત જીવે છે અને માનવ તેને વિક્ષેપ ના કરે તો અનાદિ કાળ સુધી જીવશે.

પ્રાકૃતિક વ્યવસ્થા અનુસાર સજીવ સૃષ્ટિની પોષણ અને રક્ષણની જે વ્યવસ્થા કરવામાં આવી તેમાં સજીવ સૃષ્ટિમાં જરૂરિયાત મુજબની શક્તિનો સંચાર કર્યો. આ શક્તિ અનુસાર માનવી પોતાની જરૂરિયાત સંતોષવામાં અસમર્થતા અનુભવે છે. જ્યારે માનવ સિવાયના સજીવ સમર્થતા પ્રાપ્ત કરી શક્યા છે.

પ્રકૃતિના મૂળભૂત સર્જન મુજબ સજીવ સૃષ્ટિના પોષણ અને રક્ષણની વ્યવસ્થામાં માનવસમાજની અસમર્થતામાં અવહેલનાનો ભાવ નહીં, પરંતુ સંકટ સમયમાં પ્રકૃતિના સર્જનની વ્યવસ્થાપનમાં સહાયક બને તેવી શક્તિ વિકસાવવાનો છે. આ શક્તિ સર્જનહારના સાકાર સ્વરૂપના સર્જનને સમતોલ અને સુંદરતા કાયમ રાખવાનો ગૂઢાર્થ છે. સર્જનહારના પ્રાથમિક સર્જનસમયથી સજીવોના પ્રાથમિક જીવનથી આજ દિન સુધીના જીવનકાળ દરમિયાન માનવ અને માનવ સિવાયના જીવનવ્યવહારના ક્રમમાં જોઈશું તો માનવ અને અન્ય જીવસૃષ્ટિમાં માનવ-જીવનનો વ્યવહાર આજનો વર્તમાન છે. જ્યારે અન્ય સજીવ સૃષ્ટિનો વ્યવહાર એ જ સનાતન સમયનો છે. આ વ્યવહારના અનુસંધાનમાં જ સજીવ સૃષ્ટિમાં માનવ અને પ્રાણી જગતનો ભેદ છે. આપણને પ્રશ્ન થશે કે આ સંભાવના અન્ય પ્રાણીજગતમાં કેમ નહીં ? તો કલ્પના કરી જુઓ કે કોઈ પક્ષી કે પશુને માનવ સમકક્ષ બનાવીને સ્વતંત્રતા આપો તો શું થાય છે ? આવા જ કારણસર માનવીને પાંખ, જાનવરની દોડવાની ઝડપ, નથી આપી. તેમ છતાં અન્ય જીવસૃષ્ટિ વિનાશના આરે આવીને ઊભી છે તે માનવીય વ્યવહારની વિકૃતિ છે.

સર્જનહારનાં ગૂઢ રહસ્યો પામીને મોક્ષની અપેક્ષા આપણા માટે વધુ પડતી હોઈ શકે, પરંતુ તેના સાકાર સ્વરૂપના સર્જનનાં સકામ રહસ્યો સમજીને આચરણમાં મૂકીને મુક્ત જીવનનો આનંદ તો અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે. માનવ સિવાયની સજીવસૃષ્ટિ મુક્ત જીવનનો આનંદ માણે જ છે. પરંતુ માનવ, માનવીય મૂલ્યો આધારિત મુક્ત-જીવનથી તૃપ્ત નથી તે આજની વાસ્તવિકતા છે.

સર્જનહારના સાકાર સ્વરૂપના સર્જનમાં તેને આપેલાં પ્રાકૃતિક જીવનને સમતોલ રાખીને વિક્ષેપિત ન થાય તે હેતુસર સજીવ સૃષ્ટિનાં મનુષ્યમાં અન્ય જીવો કરતાં તેના સર્જનને સમજી શકે તે માટે વિશેષ શક્તિ પ્રદાન કરેલ છે. આ શક્તિને આપણે બુદ્ધિ તરીકે સમજીએ છીએ. તે આપણી અમોઘ શક્તિ છે અને ઉન્નતિમાં મહત્ત્વનો ભાગ બની રહે છે. તેની કસોટી સર્જનના પ્રાકૃતિક આનંદના વિકાસના પરિપ્રેક્ષ્યમાં સમય, પ્રસંગ અને વ્યવહાર પ્રમાણે કરે છે. માનવસમાજે હંમેશાં આવી પ્રાકૃતિક કસોટીઓ પાર કરી છે અને એક પગલું આગળ ચાલ્યો છે, જેને આપણે માનવસમાજનો વિકાસ અને પ્રગતિ તરીકે સ્વીકારીએ છીએ. આ વિકાસ અને પ્રગતિનો વૈભવ માનવસમાજે પ્રકૃતિના પાલ્ય તરીકે ભોગવવો રહ્યો, જે સનાતન નિયમ અને ધર્મ છે.

માનવસમાજ જેમ જેમ પ્રકૃતિનાં રહસ્યોને પામતો ગયો અને વિકસતો ગયો, તેમ તેમ શક્તિશાળી બનતો ગયો. આ શક્તિ દ્વારા સુખવૈભવની પ્રાપ્તિનો ઉપભોગ વિવેકમાં પરિણમવાના બદલે વિલાસમાં પરિણમવા લાગ્યો. મનુષ્યની ઉત્પત્તિથી આજ દિન સુધીની સર દરમ્યાન વિવેકભાન અંતર્ધ્યાન થવા લાગ્યું, જ્યારે વિલાસે છાપરે ચડીને પોત પ્રકાશવા માંડ્યું છે.

પ્રાકૃતિક સંપદાઓના પાલ્ય તરીકે ભોગવવામાંથી વિવેકનું પ્રતિપાદન થાય છે, જ્યારે સ્વામી તરીકે ભોગવવામાંથી વિલાસનું પ્રતિપાદન થાય છે. સનાતન નિયમ મુજબ વિશ્વ તેનાથી ઊંધી ચાલે ચાલે છે, જે પ્રકૃતિથી વિમુખ છે. જેનું પરિણામ માનવ ઉત્પત્તિના મૂળભૂત સ્ત્રોત તરફનું પ્રયાણ હોઈ, જ્યાંથી ઉત્પત્તિ થઈ ત્યાં જ કદાચ સમાપ્ત થશે.

બ્રહ્માંડના સર્જનમાં સજીવ સૃષ્ટિનું સર્જન સહેતુક સ્વરૂપનું છે. દૃશ્યમાન બ્રહ્માંડ સાકાર સ્વરૂપે છે. સાકાર સ્વરૂપનું સમતુલન તેના મધ્યકેન્દ્ર ઉપર આધારિત હોય છે. આ મધ્યકેન્દ્રના સમતુલન માટે સજીવ સૃષ્ટિ પણ એક પરિબળ છે, જે બ્રહ્માંડનું મધ્યકેન્દ્ર છે. કેન્દ્રનું વિસ્થાપિત થવું એટલે તેનું સમતુલન જોખમાવું. આવી અસમતુલામાં સજીવ સૃષ્ટિનો વિનાશ છે. જેના માટે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, એ જ તેનો વિનાશક બને તેના જેવું બીજું કોઈ અધમ કૃત્ય નથી. આવા અધમ કૃત્યથી બ્રહ્માંડમાં અન્ય કોઈ સ્થળ ઉપર જીવનનું અસ્તિત્વ હોય તો ત્યાં પણ આવા સમુદાયનું કોઈ સ્થાન નથી.

આ ભયભીત કરવા માટેની કોઈ પરિકલ્પના નથી, પરંતુ સૃષ્ટિના સર્જનથી આજ દિન સુધી જ્યાં આપણી જ્ઞાનેન્દ્રિય અને પંચમહાભૂતોની મર્યાદા સ્પર્શી છે, ત્યારથી જે જાણકારી પ્રાપ્ય છે તેના ઉપર વિચારીશું તો વાસ્તવિકતા શું છે તેનો ખ્યાલ આવશે. જ્યાં સુધી માનવ અલ્પવિકસિત હતો ત્યાં સુધીનાં કર્મો ક્ષમ્ય છે, પરંતુ જ્યારે તે સંપૂર્ણ વિકસિત હોય અને કોઈ કર્મોનું વિપરિત ફળ ભોગવવાનું આવે ત્યારે તે અક્ષમ્ય બને છે. આ ક્ષમ્ય અને અક્ષમ્યના પરિપ્રેક્ષ્યમાં આપણી જાતને મૂલવવી રહી.

ઉપરોક્ત વિષયે મત-મતાન્તરના સંદર્ભમાં વિચારીએ તો માનવ-શક્તિઓના વિકાસ સાથે ભૌતિક સ્વરૂપના પ્રમાણ સાથેની માનસિકતા પ્રસ્થાપિત થયેલ છે, જેને આપણે વિજ્ઞાન તરીકે સમજીએ છીએ. ભૌતિક પ્રમાણ સાથેની વાસ્તવિકતા સ્વીકારવાની માનસિકતા અને અલૌકિક શક્તિઓમાં આસ્થા રાખીને વિશ્વાસના પ્રમાણ સાથેની વાસ્તવિકતા સ્વીકારવામાં માનવ-સમાજની કસોટી છે. આ સમજણ માનવીને આસ્તિક અને નાસ્તિક બનાવી દે છે. આસ્તિક બનવું અઘરું છે જ્યારે નાસ્તિક બનવું બહુ જ સરળ છે. પ્રાકૃતિક સ્પંદનો અનુભવવા માટેની સ્પંદનશીલતા બંધ કરો એટલે નાસ્તિકતા. અત્રે યાદ રહે કે સર્જનહાર અને તેના સર્જનની ઉટપટાંગ વાર્તા કરી હોય અને આવી વાર્તાઓ સાથે જે સહમત ન હોય તેમને નાસ્તિક તરીકે ચીતરવા તેમાં પણ નાસ્તિકતા જ છે.

સર્જનહારે જે બ્રહ્માંડની રચના કરેલી છે તે સંપૂર્ણ સ્વરૂપથી પ્રવર્તમાન છે, એટલે કોઈ પણ સાકાર સ્વરૂપ તેના સર્જનની બહાર નથી. મનુષ્ય જે ભૌતિક સ્વરૂપનો આવિષ્કાર કરે છે, તે શું પહેલાં અસ્તિત્વમાં નહોતું ? આપણે જે ભૌતિક સ્વરૂપે પ્રાપ્ત કરીએ છીએ અને કરીશું, તે પ્રાકૃતિક સંપદાના અંશમાત્ર છે. જ્યારે જ્યારે માનવીય જીવનને પ્રકૃતિના વિકાસ અને સંરક્ષણની જરૂરત લાગશે ત્યારે તેને ભૌતિક સ્વરૂપે પ્રગટ કરશે. ઐશ્વરીય સુખ-સુવિધાઓ માટે પ્રાકૃતિક સંપદાઓનો મુક્તપણે વિવેકમય રીતે ઉપભોગ કરે તે માટે મનુષ્યને માધ્યમ બનાવીને બુદ્ધિ સ્વરૂપની શક્તિનું સિંચન કરીને અનિવાર્ય ફરજો અદા કરવા માટે સ્વતંત્રતા બક્ષેલ છે. મનુષ્ય આ સ્વતંત્રતાને પોતાના હક્ક સમજીને સર્જનહાર પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ અધ્યાહાર કરીને હક્ક ભોગવવાની વ્યવસ્થામાં વિનાસ તરફ સરકી રહ્યો છે, તેની સભાનતા નથી રહી, તેવી માનસિકતાથી પીડાઉં છું. દિન-પ્રતિદિન આવી માનસિકતા સર્જનહાર અને તેના સર્જન પ્રત્યેની અક્ષમ્ય બેદરકારીનો અનુભવ કરાવે છે. અનુભવિત સ્પંદનો સૃષ્ટિ અને સર્જનહારનો દોષિત હોઉં તેવું પ્રતીત કરાવે છે.

આ પ્રતીત થતી વ્યથામાંથી મુક્ત થવા માટે નિરંતર સ્વયં ચિંતન થયા કરે છે. આવા ચિંતનમાંથી જે ચિંતા અનુભવાય છે, તેવી ચિંતા અન્ય પ્રાકૃતિક સહોદરો અનુભવે તે માટે અન્ય માધ્યમોમાં સૌથી ઉત્તમ અને હાથવગું માધ્યમ હોય તો તે છે ‘સાહિત્ય.’ આવા પ્રયત્નોમાં અર્ધકષ્ટ દૂર થશે અને જ્યારે સ્વપ્ન સાકાર થશે ત્યારે સંપૂર્ણ મુક્તિ અનુભવાશે, તેવા અનુમાનથી રાહત અનુભવાય છે. મારી માનસિક સ્થિતિ માટે આપ મને પાગલોના દવાખાનામાં સમજો કે આપના સાનિધ્યમાં, તે આપની સ્પંદનશીલતા અને સમજણ ઉપર આધારિત છે.

ક્યારેક આવી વ્યથાની અનુભૂતિ, નવવધૂની સગર્ભા અવસ્થા દરમ્યાન જેવી છે. સગર્ભા અવસ્થાથી પ્રસૂતિ સુધીનો જે સમય છે તે સમયની હર પળ આશામય સ્વપ્ન હોય છે, કે મારું શિશુ સર્જનહારનું સર્વશ્રેષ્ઠ સર્જન હોય. આવી આશા ત્યારે જ ફળીભૂત થાય કે જ્યારે પ્રકૃતિ જેવું સર્જન કરવા ઈચ્છે છે તેવી જ કલ્પના તેની માતાની હોય. પ્રકૃતિ અને માતાના સમાન ભાવમાં સૃષ્ટિના સર્વશ્રેષ્ઠ સંતાનનો જન્મ થાય છે. આપણું જે પણ કાર્ય છે તે પ્રાકૃતિક તેમ જ માનવીય જીવનને આધીન છે. તેમાં સમાન ભાવ હોય તો તે જીવનનું કર્મ અને કારણ બને છે.

સાહિત્ય સ્વથી સૃષ્ટિ સુધીનું દર્પણ છે. દર્પણના ગુણધર્મ તેની સમક્ષ જે હોય તેને પ્રતિબિંબિત કરવાનો છે. દર્પણ સમક્ષ રજૂ થતી કૃતિ તે જેવી છે તે દર્શાવીને રજૂ થતી કૃતિને તેનામાં જે ભાવની અપેક્ષા હોય છે, તેને ફળીભૂત કરે છે. આ ભાવમાં એવી ભાવના હોય છે કે તે સર્વાંગ સુંદર હોય. પ્રકૃતિના ભાવને સ્પંદનાત્મક બનાવવા માટે શબ્દોના શણગાર વડે સજાવવામાં આવે છે. આ શબ્દોના શણગાર અનેક પ્રકારના હોય છે અને તે મુજબ તેનું નામાભિધાન થાય છે.

સૃષ્ટિના સર્જનની ઊર્મિઓ, કર્મ, કર્તવ્ય અને કાર્યોના જીવંત વ્યવહાર ને શબ્દોના સમૂહમાંથી શાબ્દીક રચના આકાર પામે છે. આ રચના વિશ્વમાનવ સમુદાયનો પ્રેરણાસ્ત્રોત હોય છે અને મનુષ્યને આદિથી વર્તમાન સુધી એકબીજાની સાથે જોડવાની ભાવનામય સાંકળ છે.

સાહિત્યની વિશાળતા, ગહનતા, અને પૂર્ણતા સમજવા માટે માત્ર જીવનનિર્વાહ માટે જીવન વ્યતિત કરનાર વ્યક્તિની સમજ શું હોઈ શકે ? વાસ્તવમાં આ મજબૂરીનું પરિણામ હોય છે. ખરેખર તો માનવ-સમાજ સાહિત્યના અનુભવ અને અનુભૂતિ માટે જ્યારે શક્તિહીન સમજે છે, ત્યારે ગ્લાનિ અનુભવતો હોય છે. જો તેમ ન હોય તો લોકસાહિત્ય, લોકગીતો, સંગીત અને ભક્તિકાવ્યો, ગીતોની રચનાઓ તેના રચયિતા વિહીન લોકમુખે ન હોય. શુભ પ્રસંગોનાં લગ્નગીતો અને મરણપ્રસંગના મરસિયામાં જે ઉમંગ અને વિરહની અનુભૂતિ થાય છે તે સ્પંદનહીન માનવીને પણ વાસ્તવિકતાની સભાનતા કરાવે છે.

ક્ષુધા જેમ શરીરની હોય છે, તેવી જ ક્ષુધા જીવની પણ હોય છે. જો તે પરિપૂર્ણ કરવામાં આવે તો આત્માની ક્ષુધા અનુભવાય છે. (શરીર-ભૌતિક દેહ, જીવ-મન, બુદ્ધિ અને હૃદયને સ્પંદિત કરતું ચેતન. આત્મા-જીવની અનુભૂતિત દિવ્યતાનું સ્વરૂપ) સામાન્યતઃ જીવ અને આત્માની તૃપ્તી પહેલાં શરીરની જરૂરિયાતને પ્રાથમિકતા અપાય છે, કારણકે શરીર એ જીવનું માધ્યમ છે અને જવ આત્માનું માધ્યમ છે. શરીરના પ્રમાણિક પ્રયત્નો દ્વારા આ માધ્યમોનું પોષણ અને જતન કરવામાં વિહવળતા અનુભવે છે, ત્યારે જીવ વ્યાકુળ બને છે. જીવની વ્યાકુળતામાંથી ચિંતનાત્મક સ્થિતિ ઉત્પન્ન થાય છે. ચિંતનાત્મક સ્થિતિની મૂળભૂત પ્રક્રિયા સૃષ્ટિના સર્જનની ક્રિયાશીલતાના મૂળભૂત હાર્દ અને પરિણામનું પૃથક્કરણ કરવું અને તેમાંથી ઉત્પન્ન થતાં સત્યો કે અસત્યોને સમજવામાં છે. સત્યોની સમજણ સ્વરૂપના મંથનમાંથી જે અમૃત પ્રાપ્ત થાય છે, તેનાથી આત્માની ક્ષુધા તૃપ્ત થાય છે. જ્યારે આત્માની ક્ષુધા તૃપ્ત થાય છે, ત્યારે આત્મા દિવ્યતાને પ્રગટ કરે છે. આ દિવ્યતાથી સૌથી પ્રથમ અસત્યો સ્વરૂપે અનુભવાયેલાં જીવનાં દુઃખ કે દર્દનૃં સમાપન કરીને સત્યસ્વરૂપે રૂપાન્તર કરે છે ત્યારે સચ્ચિદાનંદની અનુભૂતિ થાય છે.

ચિંતનમય સ્વરૂપમાંથી ઉત્પન્ન થતા ચિંતનરસના સાગરમાં મંથન દ્વારા જે અમૃત પ્રાપ્ત થાય છે, તેને જે પાત્રમાં સંગ્રહવામાં આવે તે સંગ્રહપાત્ર તે સાહિત્યની કૃતિ છે. આ કૃતિને જે ભાવથી નિરૂપણ કરવામાં આવી હોય તે નિરૂપણ સ્વરૂપને સાહિત્યના પ્રકાર સ્વરૂપે સ્વીકારવામાં આવે છે, એમ માની શકાય.

પરંપરાગત રીતે સાહિત્યના સર્જન માટે વ્યાકરણ, ભાષા શુદ્ધિકરણ ઉપર ભાર મૂકીને નવોદિત સર્જકને વ્યાકરણ અને ભાષા શુદ્ધીકરણના બે કિનારામાં વહેતી પાવન ધારાના વહેણમાં એકાદ બુંદને વહેતું કરવા માટે એવો ભય સેવતા હોય છે કે પોતાના બુંદ દ્વારા આ પાવન ધારા દૂષિત તો નહીં થાય ને ? તેવા ભયને ને સમજી શકાય તેમ છે, પરંતુ જ્યારે કથાબીજ હૃદયમાં સ્થાપિત થઈ જતુું હોય છે, ત્યારે તેવો ભય સેવવાનું કોઈ કારણ નથી હોતું, તેવું અંગત રીતે માનું છું.

આ બીજને પ્રકૃતિની જ કુમારી ભૂમિમાં નાખવાનું કર્મ કરીએ છીએ ત્યારે તેમાં ક્યાંય કચાશ હોય તો તેમાંથી મુક્તિ ત્યારે જ શક્ય બને જ્યારે ભૂલોને સ્વીકારવામાં આવે અને તેને યોગ્ય સાહિત્યનું સ્વરૂપ આપવામાં આવે.

આપણે જો સાહિત્યને વાણિજ્યનું સ્વરૂપ ન આપીએ તો તેનો હેતુ સમજાવવો પડે. સામાન્યતઃ સાહિત્યનું સર્જન માનવ-જગત તેમજ પ્રાકૃતિક સર્જનની ઊર્મિઓને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. આ પરાકાષ્ઠા માનવીના અજ્ઞાનતાના બંધ તોડવાનું અમોઘ શસ્ત્ર છે. બંધનોમાંથી મુક્ત જીવ સૃષ્ટિના સર્જનનું સાંનિધ્ય પ્રાપ્ત કરે છે અને આ સાનિધ્યમાં ઐશ્વરીય આનંદની અનુભૂતિમાં મસ્ત રહે છે, જેમાં જીવનનાં સાચાં સુખોની અનુભૂતિ હોય છે.

સામાન્ય જીવન-વ્યવહારમાં એવો અનુભવ થાય છે કે મહત્તમ ભોગે માનવી ઐશ્વરીય સુખોથી વંચિત રહે છે. મનુષ્ય ઇચ્છવા છતાં પણ આવું સુખ પ્રાપ્ત કરી શકતો નથી. તે માટેનાં અનેક કારણો હશે, પરંતુ આપણી દૃષ્ટિએ જે કારણો છે તે પોતાની પ્રાથમિક જવાબદારીઓ અને જરૂરિયાતો પૂર્ણ કરવાના પ્રયત્નોમાં ઉત્તરોત્તર શક્તિહીન બનતા જઈએ છીએ. જ્યારે બીજા ક્રમે જેમને પોતાની ઊભી કરેલી જવાબદારીઓ અને જરૂરિયાતના વ્યવસ્થાપન માટેના પ્રયત્નમાં ક્રમશઃ હીન થતા જતા હોય છે, તેમ જ પ્રવૃત્તિહીન સ્થિતિમાં પણ ઐશ્વરીય સાંનિધ્યથી વંચિત બનતા હોઈએ છીએ. જો કે દરેક માનવીએ ઐશ્વરીય સાંનિધ્ય પ્રાપ્ત કરીને ભવસાગર તો તરવો જ હોય છે.

આવી પરિસ્થિતિમાં આપણે શું સંકલ્પ કરવો જોઈએ ? આપે સાહિત્યનું સર્જન કરવું જોઈએ કે પછી જે માનવ સમુદાય સાહિત્યનાં ઐશ્વરીય સુખોથી વંચિત છે તેવાં સુખો તેમને પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ ? વિશ્વમાનવ પાસે અમૂલખ સાહિત્યનો ખજાનો છે, પરંતુ એ જ સમુદાય પાસે તેમાંથી સુખ પ્રાપ્ત કરવાનું નસીબ નથી. આ નસીબ ત્યારે જ જાગૃત થાય કે જ્યારે એમની વિડંબણાઓ દૂર થાય. આ વિડંબણા ત્યારે જ દૂર થાય કે, જ્યારે એમની પ્રાથમિક મુશ્કેલીઓ દૂર થાય.

ખરેખર સાહિત્યનું આચમન ત્યારે જ શક્ય બને કે જ્યારે માનવી પ્રસન્ન હોય, પ્રસન્નતા સિવાયનું આચમન ક્ષણિક આનંદ કે સમય વ્યતિતીનું સાધન બની જાય છે. એટલે પ્રસન્નતા સાહિત્ય આચમનની પૂર્વશરત સમાન છે અને પ્રસન્નતાની પૂર્વશરત જીવની મુક્તતામાં છે. જીવની મુક્તતા માનવીની સાહજિક જરૂરિયાતોની ઇચ્છાપૂર્તિમાં છે. આ ઇચ્છાપૂર્તિનો સંકલ્પ એટલે આ કૃતિની રચના.

મનુષ્યની અગ્રતાક્રમ અનુસારની જરૂરિયાતોમાં સૌથી પ્રથમ જરૂરિયાત શરીરની સ્વાસ્થમય સુખાકારી, ત્યારબાદ સ્વાસ્થ્યમય શરીરની પ્રસન્નતા આવે છે. પ્રસન્નતામય જીવન માટે અનંદમય અનુભૂતિની જરૂરિયાત હોય છે. આવી અનુભૂતિ જીવનને પ્રકાશમય બનાવે છે. પ્રકાશમય જીવન સૃષ્ટિની ઊર્જા છે. ઊર્જા સજીવ સૃષ્ટિના જીવન માટેનો સ્ત્રોત છે.

આ સ્ત્રોતના સર્જન માટેની પ્રાથમિક આવશ્યકતા કઈ હોઈ શકે ? શું સાહિત્યનું સર્જન કરીને સાહિત્યકાર બનવાની કે પછી પ્રકૃતિનાં ગૂઢ રહસ્યો ઉજાગર કરીને આધ્યાત્મિકતા પ્રગટ કરવાની. જો આપણા સ્વયંના સંતોષ માટે આ કર્મને સ્વીકારીએ તો પ્રકૃતિ અને તેના સર્જન પ્રત્યેની નૈતિક જવાબદારીથી વિમુખ થઈને સ્વાર્થી બનીએ છીએ.

ઇચ્છિત પ્રસન્નતા અને અનુભૂતિ માટેનું માધ્યમ શરીર છે. જ્યાં શરીરરૂપી માધ્યમની જરૂરિયાત માટે જ ટળવળવાનું હોય ત્યાં પ્રસન્નતા અને અનુભૂતિની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આથી જો સજીવમાત્રની શારીરિક સ્વાસ્થ્યની જરૂરિયાતને પ્રાધાન્ય આપીને પૂર્ણ કરવામાં આવે તો બાકીનાં સુખોની ઉપલબ્ધિ સરળ બને. એટલે અનેક શૂન્યોના સર્જન કરતાં પહેલાં અંકનું સર્જન કરવું અતિ આવશ્યક છે. જો આ અંકનું સર્જન થાય તો અનેક શૂન્યનું મૂલ્ય સમજાય. આથી પ્રસન્નમય જીવનનું મૂલ્ય સમજાય અને નવસર્જનનો હેતુ સિદ્ધ થાય તે માટેનો આ વિનમ્ર પ્રયત્ન છે. આવા પ્રયત્નને નકારાત્મક દૃષ્ટિથી જોવામાં આવશે તો તેમાં મહત્વાકાંક્ષાનું અનુમાન થશે, પરંતુ જો સકરાત્મક દૃષ્ટિથી જોવામાં આવશે તો કલ્યાણ અને મંગલમય જીવનની અનુભૂતિ થશે.

આમાંનો પ્રથમ પ્રયત્ન માનવ સમાજની સ્વયંભૂ શક્તિને માનવ-વિકાસ તરફ વાળવાનો છે. વર્તમાન સમયમાં અપવાદરૂપ વાસ્તવિકતા સિવાય માનવ શક્તિનો ઉપયોગ સ્વાર્થી માનસિકતા ધરાવતો વર્ગ સ્વયં માટે એકત્રિત કરીને કરે છે. આ એકત્રિત થયેલ શક્તિનો મહત્તમ ઉપયોગ એ જ માનવસમાજનું શોષણ કરીને કષ્ટ આપવાના ઉપયોગમાં લેવાય છે. આવી પ્રવૃત્તિ જ્યાં સુધી તલમાંથી તેલ નીકળી શકે તેમ હતું. ત્યાં સુધી સહન કરી શકાય તેમ હતું. પરંતુ હવે તેના ભાઠામાંથી પણ તેલ કાઢવાના પ્રયત્નમાં સ્વાર્થી માનસિકતા પ્રયત્નશીલ છે. આવી માનસિકતા માનવીય જીવનને દોજખ સમાન જીવન તરફ ઢસડી રહી છે.

પ્રકૃતિની વિરુદ્ધની માનસિકતા અસુરો, રાક્ષસો અને દૈત્ય જેવાની માનસિકતા હોય તેવી પરંપરાગત માન્યતા છે. તેની સંહારકતામાં વિકૃતિ હોય છે. આ વિકૃતિમાં તેમનો કેફ હોય છે. આવી વિકૃતિ ધરાવી માનસિકતાના જૂથમાંથી છૂટવા માટે જો કોઈ ઐશ્વરીય શક્તિની રાહ જોઈને બેઠા હોય તો તેવા સમૂહનો ભ્રમ છે, કારણ કે પરંપરાઓ અનુસાર રાજા તેની રૈયતની સુખાકારી માટે જવાબદાર હતા એટલે આવા રાજાઓ ઐશ્વરીય શક્તિ ધારત કરીને પ્રજા-સમૂહને ત્રાસમાંથી મુક્ત કરતા હતા. પરંતુ વર્તમાન સમય બહુહિતાય લોકશાહીનો છે. એટલે સ્વયં પ્રજા લોકશાહીનો રાજા છે. તદ્‌અનુસાર પ્રજાસમૂહે જ સ્વયંના ઉદ્ધારક બનવું પડશે. સ્વયંના ઉદ્ધાર માટે માનવમૂલ્યો આધારિત જીવનવ્યવહારથી શક્તિશાળી સમાજરચના પ્રસ્થાપિત કરીએ તો જ લોકશાહીના વાસ્તવિક રાજા તરીકેનું મહત્ત્વ સમજાય.

માનવમૂલ્યો આધારિત સામાજિક રચના માટે સમાજને કલુષિત કરતાં પરિબળોનું માનવીય રાહે નિરાકરણ કરીને આવાં પરિબળો સમાજના સામાન્ય પ્રવાહમાં માનવીય સ્પંદન સાથે ભળે તેમાં જ સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ છે. અન્યથા એ જ યુદ્ધોનું પુનઃનિર્માણ થાય અને એમાં જ સમાજના હીરનો વિનાશ થાય. રાષ્ટ્રનો ગમે તેટલો શક્તિશાળી શાસક અને શાસન હોય, પરંતુ હીર વિહોણી પ્રજા હોય તો શાસક અને શાસન બંને શક્તિહીન પુરવાર થાય છે, જે વૈશ્વિક કક્ષાએ નપુંસકતાનો અહેસાસ કરાવે છે.

સમાજ અને રાષ્ટ્રનો વિકાસ શક્તિહીનતાથી શક્ય નથી. આથી મેધાવી શાસક અને શાસન પ્રસ્થાપિત કરવું હોય તો સૌથી પ્રથમ પ્રજામાં હીરનું સ્થાપન કરવું રહ્યું અને હીરનું સ્થાપન ત્યારે જ શક્ય બને કે જ્યારે તેનું શોષણ થતું અટકાવીને રોજગારીની તકો પૂરી પાડી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સહજ રીતે પ્રાપ્ત કરી શકાય તેવી વ્યવસ્થા હોય.

વર્તમાન સમયમાં આમ માનવી તેના જીવનમાં સર્વે સુખોના ભોગે જે કમાય છે, તેની સરેરાશ ૩૦થી ૪૦% ભાગની આવક શોષણ સ્વરૂપે વ્યર્થ જાય છે. આવું સામૂહિક શોષણ કરોડોમાં નહીં પરંતુ અબજોમાં છે. આપણા ત્યાં કેવા પ્રકારની કમાણી માટે કહેવત પ્રચલિત હશે કે ચોર ખાય, મોર ખાય અને બાકી વધે તે પોતે ખાય, તેની ખબર નથી. પરંતુ આ કહેવત વર્તમાન સમય પ્રમાણે લોહી-પસીનાની કમાણીને લાગુ પડે છે, તેમાં બે મત નથી.

સામાન્ય જીવનવ્યવહાર દરમ્યાનના અન્વેષણમાં જે અનુમાનિત સર્વેક્ષણ કર્યું છે, કે જે ચોક્કસ ધારા-ધોરણ પર આધારિત છે તે મુજબ ફક્ત ગુજરાત રાજ્યના પ્રજા-સમૂહનું વાર્ષિક શોષણ રૂ. ૧૪૮૩૭૦૦,૦૦,૦૦૦/- નું છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે રૂ. ૨,૯૮,૭૪૦,૦૦,૦૦,૦૦૦/- નું છે. આ આંકડા હવાઈ ઉડ્ડયન દ્વારા નથી આવ્યા, પરંતુ આ સાથે રજૂ કરેલ ગણતરી, કોષ્ટક અને પત્રક આધારિત છે. આ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના ભ્રષ્ટાચારમાં શોષણકર્તાઓની ફક્ત વિકૃત માનસિકતા જ નથી સંતોષાતી પરંતુ તે દ્વારા તે આમ પ્રજાને પણ બાનમાં રાખે છે. સામાન્ય સમજણ મુજબ આનાથી માનવભક્ષી રાક્ષસો સારા કે માનવીને મૃત્યુ સુધીનું પીડન સહન કરવું પડતું નથી. જ્યારે શોષણખોર આદમખોર માનવીને રિબાવી રિબાવીને મારે છે.

મારી વ્યથા માનવસમુદાયને ઉશ્કેરવાની નહીં, પરંતુ માનવસમુદાયને આ બોદી પકડમાંથી મુક્ત કરાવવાની છે. અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આ સમુદાય જાગૃત થાય અને સર્જનહારે જે પ્રાકૃતિક આનંદનું સર્જન કર્યું છે તે પ્રાપ્ત કરે.

ફક્તને ફક્ત જે રકમનો ભ્રષ્ટાચાર થાય છે તે જ રકમ માનવ-કલ્યાણ અને વિકાસ અર્થે વાપરે અને વાપરવા દે તો અડધા ઉપરાંતની મુશ્કેલીઓ દૂર થાય. આવી મુકેલીઓની વય-મર્યાદા મહત્તમ અંશે પાંચ વર્ષથી વધુ ન હોઈ શકે. માનવસમાજનો પ્રાકૃતિક તેમ જ ભૌતિક વિકાસ આપત્તિઓના અંતે જ શક્ય છે. આપત્તિઓના અંતમાંથી મુક્તતાનો અહેસાસ થાય છે. આવા અહેસાસમાંથી નવચેતન પ્રગટ થાય છે અને નવચેતનમાંથી નવસર્જનની પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયા જન્મ અને મૃત્યુ વચ્ચેનો જીવંત પ્રવાહ છે. આ પ્રવાહની શરૂઆત અને અંત નવસર્જનનું સાતત્ય છે.

માનવી ક્યારેક કલંકિત માનસિકતામાંથી ક્ષણભર માટે બહાર આવે તો ખબર પડે કે માનવીય આનંદ શું છે ? આ ક્ષણભરનો માનવીય આનંદ અને વર્ષોના કૃત્રિમ આનંદ વચ્ચેનો ભેદ એક વર સમજાય એટલે માનવીને વિશેષ કંઈ સમજાવવું પડતું નથી, આદ્યથી આજદિન સુધીનો માનવઇતિહાસ તેનો સાક્ષી છે.

આવી જ શુભકામનાઓ સાથે આપણે ઐશ્વરીય (કૃત) દત્ત ફરજોના પરિપ્રેક્ષ્યમાં પ્રયત્નશીલ થઈએ તો ફક્ત ગુજરાતમાં જ ઓછામાં ઓછી એક લાખ રોજગારીની તક ઊભી કરી શકાય, જ્યારે રાષ્ટ્રીય સ્તરે ઓછામાં ઓછી દસ લાખ રોજગારીની તક ઊભી કરી શકાય. આ રોજગારીના ધ્રુવીકરણમાં રાજ્ય કે રાષ્ટ્રમાં રોજગારવાંચ્છુઓને અવશ્ય શોધવા જવું પડે. આ જ ભાવનાં અનુસાર વિશ્વમાનવ તત્પર થાય તો વિશ્વકક્ષાએ બેરોજગારી નામશેષ કરી શકાય. આવા પ્રયત્નોનું મૂળભૂત હાર્દ ફક્ત બેરોજગારી દૂર કરવા પૂરતું નહીં, પરંતુ માનવીને તેના મૂળભૂત સ્વરૂપે સુખ અને આનંદની પ્રાપ્તિ થાય તેમાં સમાયેલ છે. રોજગારીની સંખ્યા અને તેના ધ્રુવીકરણમાં જે ઇચ્છિત પરિણામની અપેક્ષા રાખ વામાં આવી છે તે કલ્પિત નથી પરંતુ તેની સત્યતા માટે આ સાથે પત્રકો અને ગણતરી રજૂ કરવામાં આવી છે.

વ્યક્ત કરવામાં આવેલ હકીકતો જ્યારે શબ્દસમૂહસ્વરૂપે સ્વીકારીએ છીએ ત્યારે તેમાંથી મંતવ્યોની વણઝાર શરૂ થાય છે. આ વણઝાર જો નકારાત્મક સ્વરૂપની માનસિકતા ધરાવતી હોય તો અસત્યોની ધૂળ ઉડાડીને સત્યોને અદૃશ્ય કરે છે, જ્યારે હકારાત્મક માનસિકતાની વણજાર હોય તો અસત્યોની ધૂળને સાફ કરીને વાસ્તવિક સત્યોને પૂરક વાસ્તવિકતા છોડી જાય છે, ત્યારે કોઈ પણ ધ્યેયનું સાતત્ય જળવાય છે અને તે પરિપૂર્ણ થાય છે.

માનવકુળની ઉત્પત્તિ પ્રકૃતિના ચિદાનંદને માણવા તથા મહેકાવવા માટેની છે. માનવી જ્યારે સનાતન આનંદથી વિમુખ થાય છે, ત્યારે જે માનવી પ્રકૃતિના સાંનિધ્યમાં હોય તેને માનવી મૂળભૂત સુખોની સન્નમુખ થાય તેની જવાબદારી સોંપે છે અને જે માવી આ જવાબદારીનો નિભાવ કરે છે તે મહામાનવ બને છે. સમય અને સંજોગો અનુસાર જ્યારે આવા મહાત્માઓ હતા તે સમય દરમિયાન માનવસમુદાય સુખી અને સંપન્ન હતો, પરંતુ વર્તમાન સમયની વાસ્તવિકતા આપણી અનુભવમાં છે.

માનવીય સદાચાર અનુસાર વર્તમાન સ્થિતિનાં પરિણામોનો સહારો લઈને સત્યોને ભ્રમિત નથી કરવાં, પરંતુ અસત્યોને વાસ્તવિક સત્યોથી પ્રકાશિત કરીને નામશેષ કરવાનાં છે. અસત્યના આચરણ થકી ફેલાયેલ બદબૂને શબ્દો દ્વારા વર્ણવીને શબ્દોના પાવિત્ર્યનું ખંડન ન થાય તે માટે, અને આપણે જે ગંદકીથી ત્રસ્ત છીએ તેને વારંવાર યાદ કરીને દુઃખી ન થઈએ તે માટે ક્યાંય પ્રસંગોપાત આપવાના થતા પ્રસંગો, દૃષ્ટાંતો કે હકીકતોનો ઉલ્લેખ નથી કર્યો. તદ્‌ અનુસાર સત્યો માટે પણ સત્યનું જે પાવિત્ર્ય છે તેને પણ અભડાવવાનો પ્રયત્ન નથી કર્યો.

તંદુરસ્ત સમાજના આયોજન માટેની રૂપરેખા આલેખવા માટેની પ્રવૃત્તિ ફક્ત ભૌતિક પ્રવૃત્તિ જ ન બની રહે તે માટે જીવનમાં દરેક કાર્ય પાછળનું કારણ શું છે તેનું ચિંતન કરવામાં આવ્યું છે. જેમ કાર્યને કોઈ કારણ હોય છે, તેમ કારણને પણ કોઈ ધ્યેય હોય છે, અને જ્યાં ધ્યેય હોય છે ત્યાં સિદ્ધિ પણ હોય છે. સિદ્ધિ જીવનની રસધારા છે.

ઘરઆંગણે તેમ જ વૈશ્વિક સ્તરે મહત્તમ માનવસમાજનું ધ્યેય રોટી-કપડા અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરવામાં પૂર્ણ થઈ જાય છે, એટલે તે સિવાયના ઐશ્વરીય આનંદ માટેનો ધ્યેય માટેની કલ્પના પણ કરી શકતો નથી અર્થાત્‌ આવા આનંદની કોઈ વાસ્તવિકતા છે કે કેમ ? તેનો જ ખ્યાલ ન હોય તો કલ્પના કેવી રીતે કરી શકાય ? વર્તમાન સમયની ધાર્મિકતા સ્વયંની પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરવા માટેની આજીજીમાં પૂર્ણ થતી હોય તેવો સંકુચિત અનુભવ થાય છે. આવા સંકુચિત અનુભવમાંથી બહાર આવવું રહ્યું. જો બહાર આવવું હોય તો મનુષ્યના સંપૂર્ણ સ્વરૂપને સમજવું રહ્યું.

માનવીની પૂર્ણતા ત્યારે જ પ્રગટ થાય કે જ્યારે પોતાના ભૌતિક શરીરના નિર્વાહ માટે સનાતન ધર્મ પ્રમાણે હક્ક અને ફરજ અદા કરે છે, તેવા જ સ્વરૂપમાં ઐશ્વરીય સર્જન પ્રત્યે હક્ક અને ફરજ અદા કરે. સામાન્યપણે કોઈ પણ આકારને તેની બાજુઓ હોય છે તેમ મનુષ્યની પણ બાજુઓ છે. તે સિવાયનો, આકાર વિકૃત હોય છે. આપણી રચનાની બે બાજુઓ પૈકી એક તરફ સ્વયંના જીવન-નિર્વાહના કર્મની મહોર, જ્યારે બીજી બાજુ પ્રાકૃતિક સર્જનનું જતન કરવાના કર્મની મહોર. આ બન્ને મ્હોરની હયાતીમાં મનુષ્ય પૂર્ણતા ધારણ કરે છે.

માનવી જ્યારે આવી પૂર્ણતા ધારણ કરે છે ત્યારે મુક્તપણે વિચારી શકે છે. આવી મુક્તતાથી પ્રાકૃતિક આનંદની પ્રાપ્તિ તરફ વળતાં અનેક અનિષ્ટ પ્રવૃત્તિ તેમ જ આભાસી આનંદનો પણ અંત આવશે. અનિષ્ટતા અને આભાસી આનંદ વર્તમાન માનવસમાજનું મોટામાં મોટું કલંક છે. આ કલંકને દૂર કરવામાં આપણે પ્રયત્નશીલ થઈએ તો સર્વ ધર્મના આચરણમાંથી પવિત્રતાનો જે સ્ત્રોત પ્રાપ્ત થાય તેથી પણ વિશેષ ઐશ્વરીય કૃપાથી પવિત્રતા પ્રાપ્ત થાય. પવિત્રતા, ઐશ્વરીય કૃપા અને શક્તિને અનુભવવા અને સ્થાપન માટેનો મુખ્ય સ્ત્રોત છે.

જે અક્ષરો અને અક્ષરોના સમૂહમાંથી શબ્દોનો સમૂહ બનાવ્યો છે, તેના સર્જકનો હૃદયપૂર્વક ઋણાનુબંધ સ્વીકારું છું, કારણ કે ભાવને વ્યક્ત કરવાનો તે પ્રાણ છે. આવો પ્રાણ માનવજીવના ભૂત-વર્તમાન અને ભવિષ્યને જીવંત રાખવા માટેનો પ્રાણપ્રતિષ્ઠાનકર્તા છે.

આ પ્રતિષ્ઠાન કરેલ શબ્દસમૂહ વ્યક્તિને તાદૃશ અનુભૂતિ કરાવે છે. સમગ્ર માનવસમાજ આ અનુભૂતિને હકદાર બને અને યાતનામય બંધનમાંથી મુક્ત થાય તો મુક્ત માનવીની અનુભૂતિ વીજળીના ઝબકારાની જેમ પ્રવાહિત થઈ જાય છે, ત્યારે તે ક્ષુબ્ધ બની જાય છે. ક્ષુબ્ધ વ્યક્તિ તેને થયેલ અનુભૂતિ વારંવાર મેળવવા પ્રયત્નશીલ હોય છે. આવા પ્રયત્નોનાં પરિણમ જ્યારે સફળતામાં ન પરિણમે ત્યારે માનવીય સમતુલન વિસ્થાપિત થાય છે. તેથી તેના નિરાકરણ સ્વરૂપનું પ્રયોજન આવશ્યક છે.

જો આ પ્રયોજન પરિપૂર્ણ ન થાય તો અક્ષરોનો શબ્દસમૂહ ક્ષણિક અનુભૂતિ અપાવીને નિર્જીવ બનીને બે પાનાંની કબરમાં સમાઈ જાય છે. વિસંવાદિત જીવનના કારણે અનેક જીવંત શબ્દોનું સર્જન કબરમાં દટાયેલ છે. આ સર્જન જીવનની મુક્તતાના અભાવે દર્દનાક પીડા સહન કરે છે. આ પીડાના શમન માટે શબ્દોને જીવંત અને ચેતનમય સ્વરૂપે વાસ્તવિક જીવનમાં ધારણ કરવા માટેનું આ સર્જન છે. જો શબ્દોને ચેતનમય સ્વરૂપે ધારણ કરવામાં નહીં આવે તો કોઈ પણ એક પ્રકારની કૃતિ બનીને કલ્પના અને સ્વપ્ન સમાનબનીને કબરમાં દટાઈ જશે. પરંતુ આપણે એવી ભાવનાઓથી જીવંત છીએ કે સાત્ત્વિક અને ઈશ્વર ઇચ્છા આધારિત સોંપેલ ફરજને આધીન કર્મ કરીશું તો ઈશ્વર અને માનવસમાજનું પ્રેમાળ સાંનિધ્ય અને સહાનુભૂતિથી સ્વપ્નને અવશ્ય સાકાર કરીશું.

આ સૃષ્ટિનો સર્જનહાર એ તેના સર્જનનાં માતા-પિતા છે. માનવસમાજ તેનું જ્યેષ્ઠ સંતાન છે. જ્યેષ્ઠ સંતાનની નિર્બળતા માતાપિતા અને સહોદર માટે અભિશાપ સમાન છે. આ અભિશાપની મુક્તિમાં જ માનવસમાજ અને સૃષ્ટિનું કલ્યાણ છે. આ ઐશ્વરીય જવાબદારી કોઈ એક માનવીની નથી, પરંતુ દરેક પ્રબુદ્ધ માનવસમાજની છે.

જ્યાં સભ્યતા, સંસ્કારિતા, સંસ્કૃતિ અને માનવમૂલ્યોનું મિલન થાય છે. જો આ નિર્મળ સ્ત્રોતનો પ્રવાહ જીવંત હોય તો તે વાસ્તવિક પ્રબુદ્ધતા છે. અન્યથા ઝાંઝવાનાં નીર સમાન છે અથવા તો આપણો દંભ છે. આપણે માનવતા ખાતર પણ વાસ્તવિકતા અને દંભ વચ્ચેનો તફાવત સમજવો રહ્યો અને તેમાંથી સત્ય સ્વીકારીને માનવતાસભર આચરણ કરીએ તેમાં જ આપણા સર્વેનું કલ્યાણ છે.

સામાન્યતઃ કોઈ પણ પટ ઉપર નવીન ભાત પાડવી હોય તો પટ ઉપર રહેલ અશુદ્ધિઓ દૂર કરવી રહી, અન્યથા પટ ઉપરની અસલ ભાત અને પટ બંને ગબડી જાય ને છેવટે ચીંથરાના ઢગમાં ફેંકી દેવાય છે.

આપણો માનસિક પટ એ કાપડ, કાગળ કે એવી કોઈ પૃષ્ઠભૂમિ નથી કે બગડી જાય એટલે કચરા-પેટી ભેગી કરાય. આ પટ અભ્યાસગૃહની પાટી (બ્લેકબોર્ડ) સમાન છે, જે સંજોગોવશાત્‌ ખરડાઈ હોય તો સ્વચ્છ કરીને નવીન ભાત પાડી શકાય છે.

સામાન્ય જનના માનસિક પટ ઉપર જન્મથી હયાતી સુધીના સમયમાં અનેક ચિતારાઓએ તેમને મનપસંદ ચિત્રણ કરેલ છે અને પોતાની વિકૃતિઓને સંતોષી છે. જે માનસપટ ઉપર ચિતરામણ કરીને ભ્રષ્ટ કરી લે છે, તે પટ આપણો છે. એટલે કચરા-પેટીમાં જાય કે ગટરમાં, એમને કોઈ ફેર પડતો નથી. ફેર એમને પડે છે કે જેઓએ આપણા માનસ-ટને પ્રાકૃતિક સૌન્દર્યને આનંદમય રીતે જીવંત બનાવવા જન્મો-જન્માન્તર તપશ્ચર્યા કરી હોય.

આપણે આપણા માનસ-પટને કોઈના હવાલે કરીને વિકૃત બનાવીએ તેથી ઉત્તમ તો એ છે કે આપણે જ આપણા પટ ઉપર ઇચ્છિત કલાકૃતિનું સર્જન કરીએ અને તેમ કરતાં જો ઇચ્છિત પરિણામ ન આવે તો ભૂંસી નાખીએ, પરંતુ તે માટેની પરખશક્તિ આપણામાં હોવી જોઈએ.

આ પરખશક્તિ કેળવાય તે માટેની જે આવશ્યકતાઓ છે તેને સ્વીકારવી રહી. આપણે તે માટેનો અલ્પ પ્રયત્ન કરવો રહ્યો. અલ્પતામાંથી જ પૂર્ણતાનું સર્જન થાય છે.

૩. પ્રાસ્તાવિક

આત્મનિવેદનમાં માનવીય જીવનને મુખ્યત્વે બે સ્ત્રોતમાં જણાવ્યું છે, જેમાં એક પ્રાકૃતિક પર્યાવરણનું સમતુલન અને બીજું માનવીય જીવનને આનંદમય રીતે અનુભવવું. પ્રાકૃતિક પર્યાવરણ પ્રકૃતિના નિયમ અને આચરણ દ્વારા આદ્યથી અનંત સુધી સમતુલન કેળવાય તે રીતે રચના પામેલ છે. આ રચના સર્જનહારની દીર્ઘદૃષ્ટિથી દીર્ઘકાલીન સમય માટેની પૂર્ણ સ્વરૂપની હોવાથી તેને પ્રકૃતિ તરીકે સમજીએ છીએ. આ પ્રકૃતિ સાકાર અને નિરાકાર એમ બંને રૂપની હોય છે. નિરાકાર સ્વરૂપની પ્રકૃતિ, પ્રકૃતિના આચરણ દ્વારા પ્રકાશિત થતી હોવાથી તેની અનુભૂતિ કરી શકાય છે, પરંતુ ભૌતિક સ્વરૂપે જોઈ શકાતી નથી. જ્યારે સાકાર સ્વરૂપની પ્રકૃતિ પ્રાકૃતિક સર્જનના આચરણમાંથી દૃશ્યમાન થતી હોવાથી પ્રમાણ આધીન હોય છે. એટલે તે જોઈ તેમ જ અનુભવી પણ શકાય છે.

જેમ કે જીવનું સર્જન અને વિસર્જન પ્રાકૃતિક નિયમન અનુસાર થતું હોય છે. તેને સમજી શકીએ છીએ, પરંતુ તેના સ્થાપન અને વિદાયને જોઈ શકતા નથી. તેમાં પ્રાકૃતિક સાકાર અને નિરાકારના રૂપ હોય છે. આપણે સ્થાપિત શરીરને જોઈ પણ શકીએ છીએ અને અનુભવી પણ શકીએ છીએ. પરંતુ જીવને અનુભવવામાં વિડંબણા અનુભવતા હોઈએ છીએ. આથી દિવ્ય સમજીએ છીએ, પ્રાકૃતિક દિવ્યતા સૂક્ષ્મ અને અનંત હોવાથી જ્યારે પણ સક્ષમતા ધારણ કરીએ ત્યારે તેની અનુભૂતિ કરી શકીએ છીએ, પરંતુ તેના સર્જનની દિવ્યતા અસ્થિર અને ખંડનાત્મક સમયની હોવાથી તેની સ્થિરતા, અને પૂર્ણ સમય માટેના સ્થાપન માટે સાતત્યપૂર્ણ આચરણની જરૂરિયાત રહે છે.

પ્રાકૃતિક નિયમન જીવન્ત, અનંત અને પૂર્ણ સ્વરૂપનું હોવાથી પરિવર્તનશીલ નથી પરંતુ તેના સર્જનનું નિયમન તેના વિકાસ અને પ્રાકૃતિક પર્યાવરણના પરિપ્રેક્ષ્યમાં પરિવર્તનશીલ હોય છે. આવા પરિવર્તનશીલ પ્રક્રિયાનો સમય સ્પંદનશીલ હોય છે. તેથી વિકાસ અને પરિવર્તન સમયમાં જીવાત્મા વિપરીત પરિણામ ન અનુભવે તે માટે સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર નવીનત્તમ આચારસંહિતાનું સર્જન થતું હોય છે. પરંપરાગત આચારસંહિતા અને નવીનત્તમ આચારસંહિતાના સંક્રાતિસમયમાં સમય-સંજોગ અનુસારનું વર્તન કેળવાય તો માનવીય જીવન તેની યતાર્થતાની અનુભૂતિ કરે છે.

પ્રાકૃતિક આચારસંહિતા અચલ અને અનંત હોવાથી પરિવર્તન ન થઈ શકે, પરંતુ માનવીય આચારસંહિતા પરિવર્તનશીલ હોવાથી પરિવર્તન સાથે સમાનતા કેળવીને ચાર પગલાં આગળ ચાલવું હોય તો તે મુજબની સક્ષમતા ધારણ કરવી રહી. આવી સક્ષમતાનો સ્ત્રોત માનવીય શક્તિઓમાંથી ઉત્પન્ન થતી દિવ્યતાઓમાંથી પ્રકાશિત થતો હોય છે. આ દિવ્યતાને પ્રકાશિત કરનાર જ્યોત એટલે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, રોજગારી, સ્વાભિમાન, અંતઃસ્ફુરણા અને પ્રસન્નતા છે. આ જ્યોતથી પ્રકાશિત હોઈશું તો અવશ્ય દિવ્યતા પ્રગટ થશે. અને તેના પરિણામ સ્વરૂપે માનવીય વિકાસ સર્વગુણસંપન્નતાથી ઊર્ધ્વગિ પ્રાપ્ત કરશે. જેમાં ભૌતિક વિકાસની નિષ્પત્તિ ગૌણ હોય છે, એટલે આવો વૈભવ પણ સહજ બની જાય છે. આપણને આવું સત્ય કપોળ કલ્પિત લાગતું હશે, પરંતુ વૈશ્વિક કક્ષાએ તેનાં અનેક પ્રમાણ જોવા મળશે. જેને અનુભવવા દિવ્ય દૃષ્ટિની જરૂરત હોય છે. આવો આપણે આવી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરીએ અને સ્વયંને આવા પ્રમાણથી સાબિત કરીને વાસ્તવિકતાનો અનુભવ કરીએ.

અત્રે રજૂ થતી દરેક પ્રસ્તુતિ માનવસમાજના સામાન્ય વ્યવહારમાંથી તારવેલ તથ્યોને આપણા કલ્યાણ અર્થે ઉપયોગ કરવામાં આવેલી છે, પરંતુ તેનો ઝોક આધ્યાત્મિક હોવાનું અનુભવાશે. તે અંગે ખુલાસો કરીએ તો, સામાન્ય જીવનવ્યવહારમાં સમાજ બે પ્રવાહથી પ્રવાહિત છે. જેમાં એક ભૌતિક અને બીજો આદ્યાત્મિક, વર્તમાન સમયમાં ભૌતિક વૈભવવાળા જીવનનું પ્રભુત્વ હોવાથી વિશેષ ટીપ્પણી અનઆવશ્યક છે, પરંતુ આધ્યાત્મિક જીવન અંગે અનેક પ્રકારની માન્યતા પ્રચલિત હોવાથી તેમ જ દરેક માન્યતાની આચરણ પદ્ધતિ અલગ અલગ હોવાથી માનસિક રીતે અસમતુલિત થતા હોઈએ છીએ, એટલે જો માન્યતાઓ સ્વીકારીએ તો સંકુચિત માનસ ધરાવતા થઈ જતા હોઈએ છીએ અથવા તો તેનાથી વિમુખ થતા હોઈએ છીએ, તેમ જ જો બંને પરિસ્થિતિઓમાંથી નિર્ણાયક સ્થિતિમાં ન આવી શકીએ તો ત્રીજી જીવન-પદ્ધતિ વિકસાવીએ છીએ, જેને આપણે સગવડિયા ધર્મ તરીકે સમજતા હોઈએ છીએ. પરિણામે જીવન ત્રિશંકુ બની જાય છે. આવી જીવન પદ્ધતિમાં કૃત્રિમતા હોય છે. કૃત્રિમ જીવન ભલે પુષ્પો જેવું લાગતું હોય, પરંતુ તેમાં સુગંધ નથી હોતી. સુગંધ જીવનનો પ્રાણ છે.

આધ્યાત્મિક જીવનનો જે પણ અર્થ થતો હોય તે, પરંતુ મારા મતે આદ્યથી વર્તમાન સમય દરમિયાન પ્રસ્થાપિત થયેલ સત્યો આધારિત જીવનપ્રણાલિકા અર્થાત્‌ આધ્યાત્મિક જીવન એટલે આદ્યથી વર્તમાન સમય દરમ્યાન માનવસમાજના ઉત્થાન અને કલ્યાણમય જીવન માટે જે સંત-મહાત્માઓએ જે તે સમયના સામાન્ય જીવનવ્યવહારમાંથી જે ઉત્તમ કોટિનાં સત્યોમાંથી જે તારણ કાઢેલ છે, આ તારણમાંથી તારવેલ સત્યો મુજબનો જીવનવ્યવહાર કે જેમાં મનુષ્યની ઓળખ થતી હોય છે.

સામાન્યતઃ આધ્યાત્મિક જીવન-પ્રણાલિકા અંગે એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે આવું જીવન ધર્માત્માઓ, સંત-મહાત્માઓનું હોય છે કે પ્રાચીનતમ પ્રણાલિકા અનુસારની આચરણ-પદ્ધતિ સમજતા હોઈએ છીએ, જેમાં સમજણ ભૂલ થતી હોય તેમ જણાવે છે, કેમ કે આદ્યને મર્યાદિત અર્થમાં સમજતા હોઈએ છીએ. જો વિસ્તૃત સ્વરૂપે સમજવા પ્રયત્ન કરીએ તો આદ્ય એટલે શરૂઆતથી, આદ્ય એટલે બ્રહ્માંડ, અને આદ્ય એટલે પરમેશ્વર પ્રથમ પુરુષ. જ્યારે આત્મિક એટલે અનંત, અંશ અને અદૃશ્ય જીવ (જંતુ, બેકટેરિયા). આમ, શરૂઆતથી અનંત, બ્રહ્માંડથી અંશ (નેનો), પરમેશ્વરથી અદૃશ્ય જીવ (જંતુ-બેકટેરિયા) સુધીના વ્યાપની સમજણ. આધ્યાત્મિકતાનો ખરેખર અર્થ સમજવો હોય તો તેનું હાર્દ સમજવું રહ્યું, અને હાર્દ સમજવા પ્રયત્ન કરીશું તો તેમાં “આધુનિકતા”નો અનુભવ થશે. આધુનિકતા એટલે વર્તમાનની ચરમસીમા, એટલે કે આપણે ૩૧-૧ર-૦૬ના રોજ રાત્રિના ૧૧-પ૯-પ૯ પલ્સ, એટલે કે ૧૧ કલાક પ૯ મિનિટ, પ૯ સેકન્ટ, પ૯-પલ્સ. મુજબની જીવનપદ્ધતિને આધુનિક ગણાવી શકાય. એટલે માનવ-જીવનની શરૂઆતથી વર્તમાનની અંતિમ ક્ષણો સુધીના સમયગાળા દરમ્યાન ઉચ્ચતમ જીવનપ્રણાલિકા માટે જે સત્યો પ્રસ્થાપિત થાય તે મુજબનું આચરણ કરવામાં આવે તો તે છેલ્લામાં છેલ્લી પ્રણાલિકા મુજબની જીવન-પદ્ધતિને આધુનિક જીવન તરીકે સમજી શકીએ.

ટૂંકમાં, આદ્ય એટલે સર્જનની શરૂઆત અને નિક એટલે નિકટત્તમ. આ સમયગાળા દરમ્યાનની જે આદર્શ જીવન પદ્ધતિ હોય તેને સ્વીકારવામાં આધુનિકતા સમજી શકાય. આધ્યાત્મિકતા અને આધુનિકતા એકબીજાના પર્યાયભાવમાં અનુભવાય છે.

ઉપરોક્ત પ્રસ્તુતિ મુજબ આધ્યાત્મિક અને આધુનિક અંગેની સાચી પરિભાષા સમજાય તો માનવીય જીવન પ્રણાલિકાનું હાર્દ સમજાશે. આવી સમજમાં જીવન સહજ અને સરળ અનુભવાય છે. જેને આપણે સુખી અને શાંત જીવન તરીકે સ્વીકારતા હોઈએ છીએ.

સામાન્યતઃ કોઈપણ ઉત્પત્તિ કાં તો પ્રકૃતિસર્જીત હોય અથવા માનવ-સર્જીત. માનવસર્જીત સર્જનમાં કૃત્રિમતા હોય છે. જ્યારે પ્રકૃતિસર્જીત સર્જન પ્રાકૃતિક હોય છે. કૃત્રિમ સર્જન સ્પંદનહીન હોય છે, જ્યારે પ્રાકૃતિક સર્જન સ્પંદનશીલ હોય છે. સ્પંદનહીન સર્જન ભૌતિક પ્રમાણ આધારિત હોય છે. જ્યારે સ્પંદનશીલ સર્જન, ભાવ આધારિત હોય છે, ભાવ આધારિત પ્રસ્તુતિ કરતાં હોઈએ ત્યારે તે ભાવનાત્મક સ્વરૂપ ધારણ કરે છે. એટલે અનાયાસે પણ પ્રસ્તુત નિરૂપણ ભાવનાત્મક પ્રવાહમાં પ્રવાહિત થતું અનુભવાશે, તેને જે રૂપ આપવું હોય તે આપી શકાય, પરંતુ તેનો મૂળ પ્રાણ સજીવ સૃષ્ટિનું જીવન છે.

ભાવનાત્મક પ્રક્રિયાનું પરિણામ અનુભૂતિ હોય છે અને તે અંતિમ હોય છે. પરંતુ આપણે જે નિરૂપણ કે પ્રસ્તુતિ કરીએ છીએ. તે અંતિમ અનુભૂતિ માટે નહીં પરંતુ અનંત અનુભૂતિ માટેની છે. એટલે આધ્યાત્મિકતા અને આધુનિકતાના વમળમાં ફસાયા વગર પ્રાકૃતિક અને માનવીય વૈભવને સંપૂર્ણ સ્વસ્થતા સાથે માણીએ, અને જીવનમાં પ્રસન્નતાની અનુભૂતિ કરીએ તેવો નમ્ર પ્રયાસ છે. જો આ પ્રયાસને તટસ્થ ભાવે સમજવામાં, સ્વીકારવામાં આવશે તો આપણે સચ્ચિદાનંદ અનુભવીશું.

૪. પ્રાથમિક વ્યવસ્થા

વાસ્તવિક જીવનમાં આપણે કલ્પના અને સ્વપ્નમાં બ્રહ્માંડના દરેક સુખ અને વૈભવને મહાલતા હોઈએ છીએ. તેને સાકાર સ્વરૂપ આપવું હોય તો તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત-પ્રક્રિયા કરવી રહી અને આવી જ પ્રવૃત્ત-પ્રક્રિયાથી જીવન-પ્રસન્ન બને છે. પ્રવૃતિહીન સ્થિતિમાં કલ્પના કલ્પનાના સ્વરૂપે અને સ્વપ્ન સૂન્ય બનીને અજંપાભરી સ્થિતિનો અનુભવ કરાવીને સમાપ્ત થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં આણી સમક્ષ બે વિકલ્પો હોય છે : (૧) સ્વપ્ન અને કલ્પનામાં જ રાચવું. (ર) તેને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું. આપણી સાથે જેઓ કલ્પનામં રાચે છે તેવા પણ છે અને જેઓ શૂન્યમાંથી સર્વોત્તમ સર્જન કર્યું હોય તેવા પણ છે. આપણો પ્રયત્ન કલ્પનામાં રાચવામાં નહીં : પરંતુ ઇચ્છિત ધ્યેયોનું સર્જન કરવાનો હોવો જોઈએ અને છે.

આપણા સામાન્ય વ્યવહારમાં વૈભવ અને સ્વર્ગ પ્રાપ્તિનું ધ્યેય દરેક ધર્મો, સંપ્રદાયો અને માનવીય આચારસંહિતામાં સામાન્ય અને મુખ્ય હોય છે, તે નવીનતમ તથ્ય નથી. પરંતુ રોજ-બરોજ આપણી આસ્થાઓને વિક્ષેપિત કરનાર સમાચાર અવશ્ય નવીનત્તમ હોય છે. આવા નવીનત્તમ પાપાચારના સર્જકો તો ભલે પાપકર્મનાં પરિણામ ભોગવે, પરંતુ પરોક્ષ રીતે આપણે પણ તેવા પાપકર્મના ભાગીદાર બનીએ છીએ, કેમ કે જેઓ પાપકર્મ કરે છે તેઓ આપણી શક્તિ દ્વારા જ શક્તિશાળી બનીને પાપકર્મ કરતા હોય છે. ખેર, તે વિશે વિશેષ ચર્ચા કરીને પાપના ભાગીદાર નથી બનવું, પરંતુ તેની ભીતરમાં જે સાત્વિક સાંનિધ્યના અભાવમાં અશાન્તિ અનુભવાય છે તેની અનુભૂતિ દુઃખદ હોય છે અને તે નજર-અંદાજ ન કરી શકાય. વિધિની વિડંબણા એ છે કે જેઓ પ્રાકૃતિક અને માનવીય ફરજોને સમજે છે, અને તેનું અમલીકરણ કરે છે તેઓએ જ શરમિંદગી અનુભવવી પડે તેનાથી વિશેષ કલુષિત વાતાવરણ શું હોઈ શકે ? આપણે આવી કલુષિત વિચારસરીને રજૂ કરીને ઔચિત્ય ભંગ નથી કરવા માગતા કે નથી પ્રવાહિત સુરુચિને અરુચિકર બનાવવી, પરંતુ એવા તાત્પર્યને પ્રકાશિત કરીએ કે આપણા ભાવમાં જે પાવિત્ર્ય હોય તેવા પાવિત્ર્યને પ્રવાહિત કરીને એક સમૂહ બનાવીએ.

મનુષ્ય શુભ અને અશુભ, પવિત્ર અને અપવિત્ર, ઊર્ધ્વગતિ કે અધોગતિના પ્રાણાયામને સમજે છે, જેમાં અશુદ્ધિઓનો નિગ્રહ કરીને શુદ્ધતાને સ્વીકારવાની સભાનતા ધરાવતો હોય છે, એટલે તેમને ઈજન આપવાની સક્ષમતા કેળવીએ તો દરેક કલ્પના અને સ્વપ્ન સાકાર કરી શકાય છે. જેની ઉભય શરત તેની સાત્વિકતા અને સકારાત્મક વર્તનના સ્વરૂપમાં હોય છે. સામાન્યતઃ આધ્યાત્મિક તેમ જ ભૌતિક-વિકાસ, આપણને સાધન બનાવીને વિકસાવવાની વૃતિ હોય ત્યારે અનિશ્ચિત વાતાવરણનું સર્જન થાય છે. આવી વૃત્તિ ત્યારે જ બદલાય કે જ્યારે સાધન અને સાધ્ય આપણા માટે હોય.

સામાન્યતઃ વૈશ્વિક માનવ-સમુદાય તેના ઉદ્ધારક અને પ્રેરણાસ્ત્રોતના સ્વરૂપને સાતત્યમય અને ચિરસ્મરણિય રાખવા તેમની મૂર્તિઓનું પ્રાણપ્રતિષ્ઠાન કરતાં હોય છે, જે આપણી યાદદાસ્ત અને પાવિત્ર્યને કાયમ રાખવાની પ્રવૃત્તિ હોય ત્યાં સુધી સ્તુત્ય છે. પરંતુ આવી પ્રવૃત્તિને ધંધો બનાવી દેવામાં આવે ત્યારે નિંદાત્મક બને છે. આવી નિંદાત્મક પ્રવૃત્તિના પાપમાંથી બહાર આવવા માટે જે ભાવ પાષાણપ્રતિમા સાથે રાખવામાં આવે છે, તેવો જ ભાવ સર્જનહારના સર્જન પ્રત્યે રાખવામાં આવે તો જગતનાં મહત્તમ કષ્ટો આપોઆપ અંત પામે છે. કારણકે મૂર્તિ પાષાણની હોય કે અમૂલ્ય ધાતુની, શ્રેષ્ઠત્તમ શિલ્પી જોડે તેને તરાશવામાં આવે અને સુન્દરતમ પ્રતિમાની રચના બનાવીને તેનું પ્રાણપ્રતિષ્ઠાન કરવામાં આવે, તો પણ તે ક્યારેય વૈભવ અને મુક્તિના દાતા નહીં બની શકે, પરંતુ જ્યારે અબુધ માનવ-પીડને સંસ્કરણ કરીને નવજીવન આપવામાં આવશે તો અવશ્ય અંતઃકરણના આશીર્વાદ દ્વારા વૈભવ અને મુક્તિ અપાવી શકશે. તેનાં પ્રમાણ વફાદાર પ્રાણી અને નમકહલાલ મનુષ્યમાં અવશ્ય જોવા મળશે. આ જ ભાવનાને વિસ્તૃત રીતે સમજવી હોય તો આપણા અનેક પ્રાકૃતિક સહોદરો નિઃસહાય બનીને પ્રકૃતિની વિસર્જન પ્રક્રિયાનો ભોગ બનીને જીવનરક્ષક અંગો હોવા છતાં પંચમહાભૂતમાં ભળતા હોય છે, જ્યારે કેટલાક પ્રાકૃતિક સહોદરો જીવનરક્ષક અંગોની નિર્બળતાના કારણે પંચમહાભૂતમાં ભળતા હોય છે, અપ્રાકૃતિક મૃત્યુ મુક્તિથી વંચિત રાખે છે. જીવનરક્ષક અંગો દુનિયાના દરેક વૈભવથી મૂલવી ન શકાય તેટલા અમૂલ્ય હોય છે. તેના દાનથી જીવન માણી શકાય છે. એટલે કે અસહાય સ્થિતિમાં જ્યારે સહાય કે હૂંફ મળસે ત્યારે નવજીવન અનુભવાતું હોય છે. આમાં ક્યાંય આપણી આસ્થા કે ધર્મભાવના દુભાતી હોય તો આપનું આચરણ જ્યારે પૂર્ણ, કલ્યાણી અને મંગલમય બને ત્યારબાદ મૃત્યુદંડ આપશો તો તે પણ સ્વીકારવા તૈયાર છું.

પ્રવર્તમાન સમયમાં દરેક ધર્મ, સંપ્રદાય કે માનવ-મૂલ્યોના વ્યવસ્થાપકોમાં અપવાદરૂપ મહાત્માઓ સિવાય તેના ભાવિક પાસેથી કંઈ મેળવવાની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ આપણે કલ્યાણમય ભાવનાથી પ્રેરાઈને જે ભાવ પ્રવૃત્ત થાય તેને કંઈ આપી શકાય તેવા આશયથી કાર્ય કરવામાં ઈચ્છીએ છીએ, જો માનવતાને સમજીએ તો અવશ્ય આવા ભાવ-સેવકોની ભીડ નહીં પડે.

સામાન્યતઃ મનુષ્યને તરાસવો હોય તો તેને શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, રોજગારી, અંતઃસ્ફુરણા અને પ્રસન્નતા જેવા ઘાટ આપીને સુન્દર સ્વરૂપ આપી શકાય. જો આવા ઘાટ આપવા હોય તો તે માટે કુશળ શિલ્પીઓની પણ જરૂર પડે. વર્તમાન સમયમાં આવા અનેક શિલ્પીઓ હયાત છે, પરંતુ તેમની શક્તિઓનો મંગલમય ઉપયોગ કરનાર નથી. જો આવો સમૂહ ન હોય તો દરેક ધર્મને સંપ્રદાય અબુધોથી ભરેલો હોત. એટલે કે મનુષ્ય શુભત્વ ઇચ્છે છે, પરંતુ વિવિધ પ્રકારનાં વસ્ત્રો અને ચિહ્નોથી કલ્યાણમય શાસનને પૂર્ણ સમજે છે. જો તેમ જ હોત તો આજનું વિશ્વ વિનાશની ટોચ ઉપર ન જીવતું હોત.

આપણે એવી કલ્પના કરી શકીએ ખરા કે માણસ વગરનું ગામ હોય અને સજ્જન વગરનો સમૂહ હોય. જો ન કરી શકાતા હોઈએ તો દરેક ગામ તાલુકા, જિલ્લા અને શહેરો સજ્જનોથી ભરેલાં છે. આવા સજ્જનોએ બહાર આવવું જોઈએ અને સમજાવવું જોઈએ કે લોહીનો લાલ રંગ ભગવાન નથી બનાવતો, પરંતુ સ્વયં લોહી જ લાલ હોય છે. કોઈ વિધર્મીને સ્વધર્મી બનાવો અથવા પતાવી દો તો સ્વર્ગની અપ્સરાઓ પાવનરથ લઈને સામૈયું કરવા આવશે. આવી ઉટપટાંગ વાતોમાં ધર્મ નહીં પરંતુ અધર્મનું આચરણ થતું હોય છે. તેના વિપરીત પરિણામમાં શહાદત નહીં, પરંતુ આપઘાત હોય છે. એટલે સામૈયામાં દેવો અને અપ્સરાઓ નહીં, પરંતુ ડાકાણ, ચૂડેલો અને ભૂત આવતાં હોય છે.

ખેર, આડ વાતની શરૂઆત થઈ. આપણી મૂળ ચર્ચા સ્વસ્થ સમાજ રચનાની છે. એટલે પ્રાથમિક જરૂરિયાત સજ્જનોના સહકાર અને સાંનિધ્ય પ્રાપ્તિની છે. તેમના સહકાર અને સાનિધ્યમાં સ્થાનિક સમાજના વિકાસનું મૂળભૂત માળખું તૈયાર કરી શકાય. આવા માળખાનું અમલીકરણ કરવા માટે સ્થાનિક તેમ જ જેઓ આવા કલ્યાણમય કાર્યના પુરસ્કર્તા બનવા ઇચ્છતા હોય તેવા સમૂહની મદદથી સર્વોદય સમાજનાં મંડાણ થાય, તેમાં બાહ્ય તેમજ આંતરિક વેદના પણ નવસર્જન પામીને બહાર આવે.

વૈચારિક દૃષ્ટિથી મને જે દેખાય છે તે સમજાવી શકવાની સક્ષમતા ન હોય, પરંતુ દુન્યવી રીતે પામર હોવા છતાં પ્રસન્ન સમાજની અનુભૂતિ કરાવે છે. પ્રસન્ન સમાજની અનુભૂતિનું મૂલ્યાંકન અન્ય માટે જે પણ હોય તે પરંતુ મારા માટે સમગ્ર સૃષ્ટિના ભૌતિક વૈભવથી જે પૂર્ણતા ન અનુભવી શકાય તેનાથી વિશેષ યથાર્થ જીવન અનુભવી શકાય તેમ છે.

પ. શિક્ષણ

દિવ્યતાનો પ્રથમ પુરસ્કર્તા શિક્ષણ છે. આપણા સામાન્ય જીવનવ્યવહારમાં શિક્ષણનું મહત્ત્વ આર્થિક ઉપાર્જન અને સામાજિક મોભાના સંદર્ભમાં મર્યાદિત હોય છે અને મર્યાદિત જીવન માટે અંશતઃ સત્ય પણ છે. સાચા જીવનના હાર્દમાં શિક્ષણનું મહત્ત્વ વ્યાપક સ્વરૂપનું છે. શિક્ષણના મહત્ત્વની વ્યાપકતા સમજાવવા માટે તો અલગ અધ્યાયનું સર્જન કરવું પડે તેમ છે છતાં તેનાથી અલિપ્ત રહીને કોઈ પણ આયોજન શક્ય નથી.

વર્તમાન સમયના શિક્ષણથી આપણે શું પ્રાપ્ત કરીએ છીએ તે અનુભવિત વ્યથા છે. એટલે આ વ્યથાનું વ્યગ્રતામાં પરિવર્તન નથી કરવું, પરંતુ તેમાંથી હળવાશ અનુભવીને સ્વયં અને સમાજને ઊર્ધ્વ ગતિએ લઈ જવા માટેના પ્રયત્ન અવશ્ય કરવા રહ્યા. સામાન્યતઃ શિક્ષણ, વ્યક્તિમાં રહેલ દરેક નબળાઈઓનો નિર્દેશ કરે અને તેના સમાપન મોટની કળા શીખવે, માનવીમાં રહેલ સુષુપ્ત શક્તિથી વાકેફ કરે અને તે કેવી રીતે જાગૃત કરી શકાય તે માટેનું માર્ગદર્શન કરે, પ્રાકૃતિક અને માનવીય આચારસંહિતાને સમજાવે અને કેવી રીતે તેનું આચરણ દ્વારા પાલન કરવું તેની શિખામણમાં, માનવીય જરૂરિયાતોને સમજવી અને તે કેવી રીતે પરિપૂર્ણ કરી શકાય, જીવનની વ્યતીત થતી દરેક ક્ષણનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરવો અને સ્વયં અને સમાજના વિકાસમાં કેવી રીતે સહભાગી બનાય, વ્યક્તિની સભાનતાની શરૂઆતથી અંતસમય દરમિયાન સચ્ચિદાનંદ શું છે અને તેની કેવી રીતે અનુભૂતિ કરી શકાય, સ્વથી સર્વેશ્વર સુધીની ઓળખ અને તેનું સાનિધ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, તેવી દરેક જાગૃતિ કેળવવી અને તે મુજબ આચરણ કરીને આ જન્મ અને પુનઃજન્મને આનંદમય બનાવે તે શિક્ષણ છે.

શિક્ષણનો કોઈ પણ પ્રવાહ હોય, પરંતુ તેના હાર્દમાં પ્રાકૃતિક તેમ જ માનવકલ્ય્ણ અને મંગલમય ભાવનાઓનું સિંચન અવશ્ય કરેલું હોવું જોઈએ. આજની શિક્ષણવ્યવસ્થામાં રજૂ થયેલ અપેક્ષાઓ કાલ્પનિક અને તથ્યહીન હોય તેવું અવશ્ય લાગતું હશે. વાસ્તવિકતાના અનુભવ બાદ પણ આપણે શંકાશીલ બનીએ તે આજના શિક્ષણનો પુરસ્કાર છે.

જે છે તેવો પુરસ્કાર આપણે પ્રાપ્ત કર્યો હોય તો તેની પાછળનું આપણું બલિદાન પણ સમજવું રહ્યું. આ બલિદાન પણ બકરી ઇદના બકરાની કુરબાની જેવું હોય છે. ફેર એટલો છે કે એક કુરબાની અલ્લાહને આધીન હોય છે, જ્યારે બીજી કુરબાની શૂન્યતાને અધીન હોય છે. જીવનની અમૂલ્ય અવસ્થાઓમાંથી બાલ્ય અવસ્થાનો નિર્મળ આનંદ, મા-બાપની યુવા અવસ્થાની કરકસર, પ્રૌઢ અવસ્થામાં બેકાર સંતાનોની વ્યથા અને વૃદ્ધાવસ્થાના સહારારૂપ પુંજીની ૧પ૦૦થી ૩૦૦૦ના મહેનતાણા માટેની લાંચ ! આ આજના શિક્ષણની ઉપલબ્ધિ છે, આવા શિક્ષણની અનેક આડ અસરોમાં ગંભીર આડ-અસર તે વ્યક્તિ ન તો ઘરનો કે ન તો ઘાટનો જેવું નિર્માણ થાય છે.

સામાન્યતઃ દરેક વ્યક્તિના જીવનમાં વંશપરંપરાગત વ્યવસાય હોય છે. જેમ કે ખેડૂત તો ખેતી, સુથાર તો સુથારીકામ અને લુહાર તો લુહારીકામ. આવા કુળનું સંતાન જ્યારે ગ્રૅજ્યુએટ કે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરે છે ત્યારે સહેજે પચ્ચીસી વટાવી ચૂક્યો હોય છે. પચ્ચીસીથી ત્રીસી સુધી શિક્ષણના આધારે રોજગારી મેળવવા આમથી તેમ વ્યતિત થઈ જાય છે. પરંતુ જ્યારે રોજગારી પ્રાપ્ત નથી કરી શકતો ત્યારે તેના વંશપરંપરાગત વ્યવસાય માટે પણ શક્તિહીન બની જતો હોય છે.

ખેર, અપવાદરૂપ શિક્ષણ સિવાય દરેક શિક્ષણની આડ-અસરો જોવા જઈશું તો ઘણું-બધું વિચારીશું પરંતુ આપણે તેમાંથી સકારાત્મક શિક્ષણનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય તે અંગે પ્રયત્ન કરવા રહ્યા. શિક્ષણની વાસ્તવિક સિદ્ધિ કોઈ પણ એક વ્યક્તિનથી નહીં, પરંતુ પ્રબુદ્ધ સમાજના સામૂહિક પ્રયત્ન દ્વારા સિદ્ધ કરી શકાય છે.

માનવતા, વ્યક્તિ, સમાજ, રાષ્ટર અને વિશ્વના એક છેડાથી બીજા છેડા સુધી વસનાર માનવીનાં સ્પંદન સ્વીકારતું ચેતાતંત્ર છે. માનવીય ચેતનાઓમાંથી ઉત્પન્ન થતાં સ્પંદનો, કલ્યાણમય આરોહ હોય તો મંગલમય અવરોહ પ્રવાહિત થતાં જે તાલ મળે તેમાં બ્રહ્મનાદ ઉત્પન્ન થાય છે. બ્રહ્મનાદથી સમગ્ર સૃષ્ટિનું ધ્રુવીકરણ થતાં જીવાત્મા આનંદમય બનીને આત્માને પ્રસન્ન કરશે. આવી પ્રસન્નતામાં શુભત્વ, સફળતા અને ચિનમય આનંદનો ત્રિવેણી સંગમ રચાય ત્યાં શિક્ષણનું ધામ હોય છે.

સામાન્ય જીવન-વ્યવહારમાં શિક્ષિત અને અશિક્ષિત સમાજ અનુક્રમે જાગૃત અને દૃષ્ટિવિહીન છે. ખરેખર તો ચક્ષુવિહીન સમૂહ પોતાનાં અંતઃચક્ષુ દ્વારા દુનિયાને અનુભવી શકે છે, જ્યારે જેને દૃષ્ટિ છે તેઓ જોઈ શકે છે, પરંતુ અનુભવી શકતા નથી. જો વિશ્વને અનુભવવું હોય તો શિક્ષણ દ્વારા પ્રાપ્ત થતી દૃષ્ટિ અવશ્ય મેળવવી રહી. સામાન્ય જીવન-વ્યવહાર શિક્ષણ આધારિત હોવાથી શબ્દો અને આંકડા દ્વારા પ્રાપ્ત થયેલ જ્ઞાનથી વ્યવહારમાં સરળતા પ્રાપ્ત કરી શકાય છે. અન્યથા એક જ કલરની બસ કે ટ્રેન હોય અને આવાગમન શહેરના નામ અથવા નંબર ન વાંચી શકાય તો કોઈ પણ બસ કે ટ્રેનમાં બેસી જઈને ભૂલા નહીં પડાય તેની કોઈ ખાતરી નથી.

શિક્ષણની વાસ્તવિક યથાર્થતા વ્યક્તિની નૈસર્ગિક શક્તિઓને ઉજાગર કરવામાં તથા આર્થિક ઉપાર્જન માટે સહાયક બને તેમાં છે. વ્યવહારિક જીવનમાં ક્યારેક એવું અનુભવાય છે કે કોઠાસૂઝવાળા, પ્રોફેસરને ઉલ્લુ બનાવી જતા હોય છે, જે આજના શિક્ષણની વિસંવાદિતા છે, આવી વિસંવાદિતા નિર્મૂળ કરવી હોય તો શિક્ષણ દ્વારા એવી દૃષ્ટિ કેળવાવી જોઈએ કે જે સામાજિક જીવનને સહાયરૂપ થાય, અને જીવનની યથાર્થતા અનુભવાય તેવા સ્વમાન-જનક વ્યવસાયનો સ્ત્રોત પણ પ્રાપ્ત થાય.

માનવકલ્યાણ માટે અનેક ક્ષેત્રો અને સંસ્થાઓ કાર્યરત હોય છે. ખરેખર તો મૂળભૂત જવાબદારી સરકારની છે. પછી ભલેને તે લોકશાહી, સમાજવાદ, સામ્યવાદ કે રાજાશાહીનું તંત્ર હોય. આપણું શાસન લોકતંત્ર આધારિત હોઈ કોઈ પણ એક પક્ષ કે તેની વિચારધારા મુજબનું પ્રશાસન અમલમાં આવતું હોય છે. આવું પ્રસાશન સ્થિતરતા ધાર કરે તે પહેલાં સરકારનો અંત થતો હોય છે.

લોકતંત્રની સફળતાનો મૂળભૂત શક્તિ સ્ત્રોત પરિપક્વ સમાજ છે. પરિપક્વ સમાજ વિનાની લોકશાહી નિર્બળ હોય છે અને આવી નિર્બળતાનો લાભ અપવાદરૂપ વ્યક્તિઓ સિવાય સ્વાર્થી સમૂહ લેતા હોય છે, તેનાથી આપણે પરિચિત છીએ એટલે વિશેષ ટીકા-ટિપ્પણી અસ્થાને છે.

નિર્બળ લોકશાહીમાં સ્વાર્થ-પ્રેરિત માનસિકતા ધરાવતી વ્યક્તિઓનો મૂળભૂત ધ્યેય સત્તા અને વૈભવ પ્રાપ્ત કરવા આધારિત હોય, ત્યારે તેમની પાસેથી વિશેષ અપેક્ષા રાખવી તે પણ માનસિક નબળાઈ છે, તેમ છતાં વૈશ્વિક સમાજના એક ભાગરૂપે સમાન્તર પ્રશાસનનું આયોજન કરવું અનિવાર્ય હોવાથી જે તે ક્ષેત્રની રચના કરવી પડતી હોય છે. તેમાં ક્યાંય આપણી મૌલિક પ્રણાલિકા પ્રદર્શિત નથી થતી. મૌલિક પ્રણાલિકા મુજબ રાષ્ટ્રની પ્રાકૃતિક રચના હોય તેને જે પૂરક શક્તિઓ હોય તેનો વિકાસ થાય, અને વૈશ્વિક સ્તરે લોકભાગ્ય બને તેમાં છે. પ્રજા તેની મૌલિક શક્તિઓથી વિમુખ થાય છે, ત્યારે તે નિર્બળ બને છે. નિર્બળતા દરેક આપત્તિઓનું મૂળભૂત કારણ હોય છે, તેમાં આપણે કેટલા જવાબદાર છીએ તે અંગે અવશ્ય મનન કરવું રહ્યું.

વર્તમાન સમયમાં લોકકલ્યાણ માટે જેઓ પણ પ્રયત્નશીલ છે, તેમના પ્રયત્નોમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય, તે માટે એક સહાયક ભૂમિકા તૈયાર કરવી રહી. આવી સહાયક ભૂમિકા નિભાવવા તેમ જ મૌલિક શિક્ષણવ્યવસ્થાનું આયોજન કરી શકાય તે માટે રચનાત્મક કાર્યો આરંભવાં રહ્યાં.

૧. વર્તમાન શિક્ષણથી પૂર્ણ થઈએ.

આપણે શિક્ષણનો મૂળભૂત હાર્દ અને મહત્ત્વ તો સમજ્યા, પરંતુ તે પહેલાં તેની વાસ્તવિકતા પણ સમજવી રહી. એટલે કે વર્તમાન સમયમાં જે શિક્ષણ પ્રવર્તમાન છે, તેનાથી પૂર્ણ છીએ કે કેમ તે અંગે વિચારવું રહ્યું. જ્યાં સુધી પ્રવર્તમાન શિક્ષણથી પૂર્ણ ન થઈએ ત્યાં સુધી મૌલિક શિક્ષણની પ્રાપ્તિ ફક્ત કલ્પના જ રહે.

હાલના સમયમાં શિક્ષિતની જે પણ વ્યાખ્યા કે સમજૂતી હોય તે મુજબ શિક્ષિત છીએ કે કેમ તે અનુભવિત હકીકત છે. તે અંગેનાં અનેક કારણો હશે, પરંતુ તેનાં મૂળભૂત કારણોમાં આર્થિક, સામાજિક અને માનસિક વિષમતા છે. તેનું નિરાકરણ રાષ્ટ્ર, કાનૂન, ધાર્મિક આચરણ કે સામાજિક ટ્રસ્ટોના ઔદાર્યથી નહીં પરંતુ મૂળભૂત કારણોના નિરાકરણમાં છે. આપણને આવું નિરાકરણ અશક્ય અવશ્ય લાગતું હશે, પરંતુ સમાજ અને રાષ્ટ્રને સન્માનિત દૃષ્ટિએ જોવાં હોય તો રાષ્ટ્રીય તેમજ ઐશ્વરીય ફરજ સમજીને આપણી જવાબદારીનો સ્વીકાર કરવો રહ્યો. વૈશ્વિક સમાજ આપણી બુદ્ધિક્ષમતા અને પ્રાકૃતિક સર્જનના સહેતુક ઉત્પત્તિનાં કારણોથી પરિચિત હોવાના સંદર્ભમાં, સુપર જ્ઞાન હોવાથી ઈ.સ. ર૦૧પથી ર૦ર૦ સુધીમાં મહાસત્તા બનીશું તેવાં અનુમાન કરે છે, પરંતુ ચીન આવા અનુમાનથી વિપરીત ભૌતિક પ્રમાણને આધાર બનાવીને શંકા પ્રદર્શિત કરે છે, તે અંગે અવશ્ય મંથન કરવું રહ્યું.

આપણે વૈશ્વિક દેશો કે ચીનના અનુમાન ઉપર આધાર રાખ્યા વગર વૈશ્વિક સમાજને કલ્યાણી અને મંગલમય જીવન પ્રાપ્ત થાય તે માટે ઐશ્વરીય શક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પ્રવૃત્ત થઈશું તો અવશ્ય નિશ્ચિત પરિણામ પ્રાપ્ત કરીશું.

તેનું પ્રથમ ચરણ હયાત શિક્ષણને પૂર્ણ કરવામાં છે. સામાન્યતઃ આપણે દરેક કાર્યોના આયોજન માટે વ્યવસ્થાપન માળખાની રચના કરેલ છે. આ રચના અનુસાર દરેક કાર્યને ગોઠવેલ છે. તેનો વારંવાર ઉલ્લેખ ન કરવો પડે તે માટે “ફોરમેટ” શબ્દનો ઉલ્લેખ કરીશું. આ ફોરમેટ મુજબ સર્વપ્રથમ સ્થાનિક વિસ્તારના વિકાસ અને સુખાકારીની અવરોધક સમસ્યાઓનું સર્વેક્ષણ કરીએ, સર્વેક્ષણ મુજબના પ્રશ્નોને મહત્તા મુજબ ક્રમાંકિત કરી તેના નિરાકરણની વ્યવસ્થા કરીએ. ક્રમાંકિત પ્રશ્નોમાં સૌથી પ્રથમ શિક્ષણવ્યવસ્થા છે.

સર્વે આધારિત કેન્દ્રના સ્થાનિક વિસ્તારની કુલ વસ્તી કેટલી ? અને વસ્તી મુજબ અક્ષરજ્ઞાન અને શિક્ષણનું પ્રમાણ કેટલું ? તેના તારણ ઉપરથી જેઓ જે શિક્ષણથી વંચિત હોય, તેની વ્યવસ્થા કરીએ.

એકત્રિત માહિતીના આધારે ક્યા વયજૂથમાં કેટલી ઊણપ છે, તે નક્કી કરવાની થાય. આથી વયજૂથ પ્રમાણે વર્ગીકરણ કરીએ તો નીચે મુજબ વર્ગીકરણ થાય :

૧. ૬ થી ૧૦ વર્ષનું વયજૂથ

ર. ૧૧ થી ૧પ વર્ષનું વયજૂથ

૩. ૧૬ થી ર૦ વર્ષનું વયજૂથ

૪. ર૧ થી ૩૦ વર્ષનું વયજૂથ

પ. ૩૧ થી ઉપરાંતનું વયજૂથ

(૧) ૬ થી ૧૦ વર્ષ પ્રમાણેનું વયજૂથ

આ વયજૂથમાં આવતાં બાળકોમાંથી જે બાળકો શાળામાં જતાં જ ન હોય તેવાં બાળકોને શાળામાં જવાની વ્યવસ્થા કરીએ, તેમ જ આ જૂથમાં જે બાળકોએ અભ્યાસ છોડ્યો હોય તેવા વિદ્યાર્થીને ગુમાવેલ સમયનું શિક્ષણ આપી તે જે શ્રેણીમાં આવતા હોય તે શ્રેણીમાં મૂકવા માટેની વ્યવસ્થા કરીએ.

બાળકોને શાળામાં નહીં મૂકવાં, નહીં મોકલવાં અને ન જતાં હોય, તેનાં કારણોનું માનવીય ધોરણે નિરાકરણ કરીએ.

(ર) ૧૧ થી ૧પ વર્ષનું વયજૂથ

આવાં બાળકોના અધવચ્ચે અભ્યાસ છોડવાનાં કારણો, કારણોનું નિરાકરણ અને તેના અભ્યાસનું પુનઃસ્થાપન કરીએ.

આવા વયજૂથમાં શાળામાં બિલકુલ પ્રવેશ મેળવ્યો ન હોય, તેનાં કારણોનો ઉપાય કરીને તેમના વય-મુજબના અભ્યાસની વ્યવસ્થા કરીને જે તે શ્રેણીમાં દાખલ થઈ શકે તેવી વ્યવસ્થા કરીએ.

(૩) ૧૬ થી ર૦ વર્ષનું વયજૂથ

આ વયમર્યાદામાં ૧૦, ૧ર કે કૉલેજ અભ્યાસ અધૂરો હોય ત્યાં એકસ્ટર્નલ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરીને અભ્યાસ પૂર્ણ કરાવીને આગળના અભ્યાસની વ્યવસ્થા કરીએ.

(૪) ર૧ થી ૩૦ વર્ષનું વયજૂથ

આ વયજૂથમાં અક્ષરજ્ઞાન ન હોય તો અક્ષરજ્ઞાન આપવાની વ્યવસ્થા કરીએ.

- અધૂરા અભ્યાસને પૂર્ણ કરવા માટેનું માર્ગદર્શન અને સહાયક બનીને અભ્યાસ પૂર્ણ કરાવીએ.

(પ) ૩૧ થી ઉપરાંતનું વયજૂથ

- અક્ષરજ્ઞાન ન હોય તેમને અક્ષરજ્ઞાન આપીએ.

- અધૂરા અભ્યાસને પૂર્ણ કરવા માટેનું માર્ગદર્શન અને સહાયક બનીએ.

ઉપરોક્ત વયજૂથ મુજબ વ્યવહારિક જીવનમાં ઉપયોગી બને તેવું અક્ષરજ્ઞાન તથા વર્તમાન સમયનું જે પણ પ્રકારનું શિક્ષણ હોય તેનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત થાય ત્યાં સુધી પ્રવૃત્ત રહીએ.

શિક્ષણ આપવાના સ્થળની વ્યવસ્થા :

ઉપરોક્ત કાર્યની પરિપૂર્ણતા માટે સ્થળ મળવું આવશ્યક છે, આપણે જ્યારે સાત્વિક ભાવનાથી માનવ-કલ્યાણ અર્થે પ્રવૃત્ત થઈએ તો સકારાત્મક વાતાવરણનું સર્જન થતું હોય છે, જેમાં સરકાર અને સમાજ અવશ્ય સહભાગી બનશે તેવું અનુમાન કરીએ છીએ અને તેમ છતાં આપણું અનુમાન વ્યર્થ બને તો પણ માનવીય ધોરણે વ્યવસ્થા કરવી રહી.

કેન્દ્રના સ્થાનિક વિસ્તારમાં શાળા, મંદિરો, ચોરો, ધર્મશાળા આવતી હોય તો સહકારની ભાવનાથી ઉપયોગ કરીએ.

શાળા - શાળાના અભ્યાસના મસય પહેલાં કે પછી.

શાળાનો સમય સવારે ૧૦ વાગ્યા પછીનો હોય તો તે પહેલાં ૧૦ થી ર૦ વર્ષના વયજૂથ માટે ઉપયોગ કરીએ.

શનિ, રવિ જાહેર રજાઓ, તેમજ વેકેશન દરમ્યાન ઉપયોગ કરીએ. મંદિર કે મસ્જિદ કે ધાર્મિક સ્થળ : આવા સ્થળના પરિસરમાં જો બેસવાલાયક જગ્યા હોય તો.

ધાર્મિક સ્થળો ઉપર આરતી, નમાજ કે પૂજાવિધિ બાદના સમયમાં ઉપયોગ કરીએ.

ચોરા : સરકારી કામગીરી બાદ તેમ જ ગ્રામ્યસભાનું જ્યાં આયોજન થતું હોય તેવાં સ્થળ.

ધર્મશાળા : ધર્મશાળાનો ફાજલ વિસ્તાર : જાહેર ઉપયોગ બાદ જો જગ્યા ખાલી રહે તેવા સમયે ઉપયોગ.

કોલાહલથી મુક્ત સ્થળ : એવી જગ્યા કે જ્યાં મકાનમાં વૃક્ષ કે છાયાની વ્યવસ્થા હોય.

સૌજન્ય : જેઓની પાસે જગ્યા છે, પરંતુ, બિન વપરાશી હોય તેમના સૌજન્યથી મળતી જગ્યાનો ઉપયોગ કરીએ.

માનવશક્તિની વ્યવસ્થા

- નિયત કેન્દ્રમાં જેઓ શિક્ષિત છે અને સૌજન્યપૂર્વક સહકાર આપવા તૈયાર હોય તો તેમનો સહકાર મેળવીએ.

- આવા કેન્દ્રમાં નિશ્ચિત શક્તિ પ્રાપ્ત ન થાય તો નજીકના કેન્દ્રના શિક્ષિતોનો સહકાર મેળવીએ.

- જેઓનો અભ્યાસ ચાલુ હોય અને અભ્યાસ સિવાયનો સમય ફાળવી શકે તેમ હોય તેમનો સહકાર મેળવીએ.

- જ્યાં અક્ષરજ્ઞાનની જરૂરિયાત હોય અને તે આપી શકે તેમ હોય તેમની સેવાનો સદ્‌ઉપયોગ કરીએ.

- ઉચ્ચતર શાળાઓ, મહાશાળાઓનાં શિક્ષણસત્ર પૂર્ણ થતાં જે વેકેશન મળે તે સમય દરમિયાન શિક્ષણસિદ્ધિ માટેના કેન્દ્રનું આયોજન કરીએ.

- આવા જનમિત્રોને પ્રાથમિક પ્રશિક્ષણ આપી જૂથ બનાવીએ અને તેમના નજીકના કેન્દ્ર પર સહભાગી થઈ શકે તેવું આયોજન કરીએ.

આપણી શક્તિઓનું વ્યવસ્થિત આયોજન કરી શકીએ તો જે તે કેન્દ્રનું ૧૦૦% શિક્ષણનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય. શિક્ષણના મહાસિદ્ય્ધ યજ્ઞમાં જેઓ સહભાગી થતા હોય તેમના સૌજન્યને વિવેકપૂર્ણ બિરદાવવા માટે ભવિષ્યમાં તેમને કોઈ પણ પ્રકારની સહકારની જરૂરિયાત ઊભી થાય તો તેમાં સહભાગી બનવા પ્રયત્નશીલ રહીએ. સામાન્યતઃ શિક્ષણસંસ્થાઓમાં આવી સેવાઓ માટેનું આયોજન હોય છે અને તેનું મૂલ્યાંકન પણ થતું હોય છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેનું મૂલ્ય નહિવત હોય છે. તેથી આવી સેવા ભવિષ્યના જીવનમાં પરિણામલક્ષી બને તેવું આયોજન કરીએ.

જરૂરી સાધનોની વ્યવસ્થા :

શિક્ષણ માટેની પ્રાથમિક જરૂરિયાત સ્ટેશનરી તથા પુસ્તકોની હોય છે. જ્યાં શાળા હોય ત્યાં બ્લેકબોર્ડ તથા તેને આનુષંગિક સાધનસામગ્રી મળી રહે, પરંતુ જ્યાં આવી વ્યવસ્થા ન હોય ત્યાં તેની વ્યવસ્થા કરવી રહી. એટલે તેના માટે આર્થિક જરૂરિયાત ઊભી થાય. આવી જરૂરિયાતની પ્રાપ્તિ માટેના વિકલ્પોમાં,

૧. સરકાર તરફથી સાધન-સામગ્રી અથવા તો નાણાકીય સહાય.

ર. શિક્ષણાર્થીએ તેની વ્યવસ્થા કરવાની થાય.

૩. સજ્જન વ્યક્તિઓની સૌજન્યપૂર્વકની મદદ.

૪. વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દ્વારા જે તે કેન્દ્રોને દત્તક લે તો તેમના તરફથી મદદ.

પ. જે જનમિત્ર વિદ્યાદાન કરવા ઇચ્છે તો તેમના તરફથી મદદ.

૬. જનમિત્રનું રિફંડેબલ યોગદાન.

૭. જનમિત્ર પોતાની પ્રતિષ્ઠાથી સહાય પ્રાપ્ત કરી શકે તેમ હોય તો વિશ્વાસજનક વાતાવરણનું સર્જન કરીને વ્યવસ્થા કરવા માટે સહમતી અપાય.

દરેક આર્થિક કે વસ્તુલક્ષી દાન સ્વીકારવામાં કોઈ પણ વ્યક્તિ આપણી નિષ્ઠા ઉપર શંકા ન કરે તે માટે દરેક વ્યવહાર લેખિત એટલે રસીદની આપ-લે ઉપર આધારિત હોય તે મુજબનો વ્યવહાર કરીએ.

સૌજન્યપૂર્વકની સહાય મુજબ કેન્દ્ર આધારિત બને તે આવશ્યક છે, તેમ છતાં જ્યારે સ્થાનિક કેન્દ્ર દ્વારા વ્યવહાર કરવામાં આવે તો તેની પૂર્વસંમતિ જરૂરી રહે. આવી વ્યવસ્થાના મૂળભૂત કારણોમાં દાતા અને તેના લાભકર્તા વચ્ચે કોઈ છેતરપીંડીકરનાર વ્યક્તિ ન આવી જાય અને આ યોજનાની પ્રતિષ્ઠાને હાનિ ન કરી શકે તેવા આશયને સન્માનવો રહ્યો. સામાન્યતઃ કોઈપણ કાર્યના પ્રારંભમાં અવશ્ય મુશ્કેલીઓ હશે, પરંતુ તેનું ધીરજપૂર્વક નિરાકરણ કરવું રહ્યું. મુશ્કેલીઓ વગરનું કાર્ય કાં તો ક્ષતિગ્રસ્ત હોય છે અથવા તો નિષ્ફળ જશે : તેમ છતાં દરેક માન્યતાઓનો છેદ ઉડાડવા માટે પરફેક્ટ પ્રોગ્રામિંગ અતિ આવશ્યક છે.

પ્રોફેશનલ એજ્યુકેશન : રોજગારીલક્ષી શિક્ષણ

શિક્ષણનું મૂળભૂત હાર્દ વ્યક્તિ-વિકાસનું છે. વ્યક્તિવિકાસમાંથી સમાજ અને સમાજના વિકાસમાંથી રાષ્ટ્ર વિકસિત થાય છે. ભૌતિક વિકાસનું મૂળભૂત હાર્દ આર્થિક વિકાસમાં છે. અને આર્થિક વિકાસ રોજગારીની તકો ઊભી કરવામાં છે. રોજગારીની તકો ઉદ્યોગ-ધંધાના વિકાસમાં છે. ઉદ્યોગ-ધંધાનો વિકાસ ત્યારે જ શક્ય બને કે તેને પ્રશિક્ષિત કર્મચારી મળે. પ્રશિક્ષિત કર્મચારી હોય તો ૧૦ થી ર૦% ઉત્પાદનક્ષમતા વધે અને ૧૦ થી ર૦% ઉત્પાદન ખર્ચ ઓછું થાય. આમ, સરેરાશ ર૦થી ૩૦ % વિકાસ વૃદ્ધિ થાય.

આપણને કદાચ આવો વૃદ્ધિદર અતિશયોક્તિ ભરેલો લાગતો હશે, પરંતુ આપણે આપણી માનસિકતાથી પરિચિત હોઈશું તો આવુું અનુમાન અસ્થાને નહીં હોય. વર્તમાન સમયમાં ભૌતિક વિકાસની આંધળી દોડમાં ઉદ્યોગપતિઓ સ્વાર્થી માનસિકતા ધરાવતા થતા જાય છે, જ્યારે કામદારો વિકાસનાં પરિણામોથી પરિચિત થતાં પોતાના વેતન અંગે અસંતોષ વ્યક્ત કરતા હોય છે. આથી વર્ક ટુ રૂલ અને ઉત્પાદનમાં વપરાતા કાચા માલના ઉપયોગમાં પ્રમાણભાન અંગે નજર-અંદાજ કરતા હોય છે. આવાં અનુમાન વાસ્તવિકતા આધારિત નહીં, પરંતુ માનસિકતા આધારિત છે. એટલે જ્યાં નૈતિક અને પ્રામાણિક માહોલ હોય તેને લાગુ ન પણ પડે. તેમ છતાં આપણે આપણી નકારાત્મક માનસિકતાથી પર હોઈએ અને પ્રશિક્ષિત ન હોઈએ તો પણ આપણે અનઆવશ્યક ૧પથી રપ% વેસ્ટેજ કરીએ છીએ, જે પ્રશિક્ષણ દ્વારા અટકાવી શકાય છે.

આપણે જ્યારે ટકાવારીમાં ચર્ચા કરતા હોઈએ, ત્યારે તેનું ભારણ ઓછું લાગતું હોય છે. પરંતુ જ્યારે મૂલ્યમાં રૂપાન્તરિત કરીએ તો આંચકો અનુભવીશું. દા.ત. એક કરોડનું પ્રોડકશન ખર્ચ હોય અને તેનો વેસ્ટેજ ૧૦%માં ગણીશું તો સહજ લાગશે, પરંતુ જો દસ લાખનું વેસ્ટેજ સાંભળીશું તો આવશ્ય આંચકો લાગ્યા વગર ન રહે. આપણે જે વેસ્ટેજનું અનુમાન કરીએ છીએ તે કોઈ એક એકમની મર્યાદામાં નહીં પરંતુ રાજકીય કે રાષ્ટ્રી કક્ષાનું ગણીએ તો જે તે રાજ્યના વાર્ષિક બજેટ જેટલું થઈ જાય. એટલે રોજગારલક્ષી શિક્ષણને જેટલું મહત્ત્વ આપીએ તેટલું ઓછું છે. વ્યક્તિની રોજગારી રાષ્ટ્રીય વિકાસને અસરકર્તા છે. આથી વ્યક્તિની રોજગારી અને રાષ્ટ્રના વિકાસના સંદર્ભમાં આવા શિક્ષણનું આયોજન કરવું રહ્યું.

આપણા વર્તમાન સમયની અનેક સમસ્યાઓમાં બેકારીની સમસ્યા ગંભીર સ્વરૂપની છે. આવી બેકારી દરેક સ્તરે અનુભવાય છે, જેમાં અશિક્ષિત, અર્ધશિક્ષિત, શિક્ષિત અને જેઓએ રોજગારી મેળવી હોય પણ પોષણક્ષમ ન હોય, તેવી દરેક વ્યક્તિ બેકારના પરિપ્રેક્ષ્યમાં આવી જાય.

અર્થાત્‌ બેકારીને આપણે જે સમજીએ છીએ તેથી પણ વિશેષ ગંભીર વ્યાપ છે. આપણે જેને બેકાર સમજીએ છીએ તે ફક્ત રોજગારથી વંચિત છે, તેના સંદર્ભમાં વિચારતા હોઈએ છીએ. પરંતુ મારી દૃષ્ટિએ જેઓ પોતાની આવકમાંથી જીવનજરૂરિયાત, શૈક્ષણિક જરૂરિયાત, સામાજિક જરૂરિયાત અને પ્રાસંગિક ખર્ચની વ્યવસ્થા નથી કરી શકતા તેઓ પણ બેકારના પરિપ્રેક્ષ્યમાં આવી જાય છે. એટલે કે પૂર્ણ બેકાર, અર્ધબેકાર અને બેકારની વ્યાખ્યામાં આવી જાય.

જેમ કે કોઈ એક વ્યક્તિની દરેક આવશ્યકતા કે વાસ્તવિક જરૂરિયાત રૂ. ૧૦,૦૦૦/-ની હોય અને તે તેની સામે પ૦૦૦ રૂ.ની આવક મેળવતાં હોય તો તે અર્ધબેકારની વ્યાખ્યામાં આવી જાય. સામાન્યતઃ જે વ્યક્તિઓ પોતાના જીવનને ટકાવી રાખવા માટેની જે જરૂરિયાત હોય તે પૂર્ણ ન કરી શકતો હોય તેવી દરેક વ્યક્તિ બેકાર છે.

આપણે જો સામાન્ય જીવન અને વ્યવહારમાં દૃષ્ટિ કરીશું તો બેકારી અને ગરીબી એક સિક્કાની બે બાજુઓ છે. બેકારી સન્માનિત ગરીબી છે, જ્યારે ગરીબી અપમાનિત ગરીબી છે. સન્માન અને અપમાન વચ્ચેનો પડદો જર્જરિત છે. તે ક્યારે ફાટી જાય તેનું કાંઈ નક્કી નહીં. એટલે જો સકારાત્મક પરિસ્થિતિનું નિર્માણ કરવું હોય તો બેકારીનું નિરાકરણ કરવું આવશ્યક છે, બેકારીનું નિરાકરણ થશે તો આપોઆપ ગરીબીનું પણ નિરાકરણ થઈ જશે.

બેકારીના નિરાકરણ માટેની વ્યવસ્થા કરવાનું આયોજન કરતા હોઈએ ત્યારે વર્તમાન સમયની તત્કાલીન ધંધાકીય જરૂરિયાતોને ધ્યાનમાં લેવી રહી, જેમાં :

- વર્તમાન સમયમાં કયા ક્ષેત્રમાં કેવા પ્રકારની રોજગારીની ઊણપ છે,

- એવો વ્યવસાય કે જેમાં પ્રશિક્ષિત કામદારોની જરૂરિયાત હોય.

- એવો વ્યવસાય કે જ્યાં વિશિષ્ટ શિક્ષિત રોજગારોની જરૂરિયાત હોય,

- ટૂંકા અને લાંબા ગાળા માટે જેની જરૂરિયાત હોય.

- માનવીય કે કુદરતી આફતો સમયે આકસ્મિક સેવા આપી શકાય તેવું પ્રશિક્ષણ.

- સરકારી કે અર્ધસરારી, જાહેર સંસ્થાઓ કે જેમના કર્મચારીઓ હડતાલ ઉપર જાય અને પ્રજાસમૂહ બાનમાં મુકાતો હોય ત્યારે પ્રાથમિક સેવાઓ પૂરી પાડી શકાય તે માટેનું પ્રશિક્ષણ.

- સમાજ, સરકાર, કે જાહેર સંસ્થાઓને સુરક્ષા પૂરી પાડી શકાય તેવું પ્રશિક્ષણ.

- સમાજ અને સરકારના અંગત તેમ જ જાહેર પ્રસંગોમાં વયવસ્થાપન કરી શકાય તેવું પ્રશિક્ષણ.

- સમાજના સામાજિક પ્રસંગોમાં તેમની જરૂરિયાત મુજબની સેવા પૂરી પાડી શકાય તેવું પ્રશિક્ષણ. દા.ત. લગ્નપ્રસંગોની કેટરિંગની વ્યવસ્થા.

- પોતાના વ્યવસાયમાં વ્યસ્તતાના કારણે તેમ જ જેમને જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓને ટિફિન વ્યવસ્થા.

- જેઓ વ્યસ્તતાના કારણે ઘરકામ કરી શકતા ન હોય તેમને પ્રશિક્ષિત તેમ જ વિશ્વાસુ વ્યક્તિની સેવા આપી શકાય તેમ જ સ્વચ્છતા, સુઘડતા તથા માળીકામ કરી શકે તેવા પ્રકારનું પ્રશિક્ષણ.

- જેઓ સંજોગોવશાત્‌ એકલ-દોકલ જીવન-જીવતા હોય તેમને સહાનુભૂતિ અને સુશ્રૂષા કરી શકાય તેવા પ્રકારનું પ્રશિક્ષણ.

- સરકારી, અર્ધસરકારી સર્વેક્ષણ દ્વારા નિશ્ચિત ધ્યેયના મૂલ્યાંકન કરવા માટેની માહિતી એકત્ર કરવાની થાય તેવા પ્રોજેક્ટ આધારિત પ્રશિક્ષણ.

- સ્વચ્છતા અંગેના અભિયાન માટે જાહેર સુખાકારીને સમજી અને નિભાવી શકે તેવા પ્રશિક્ષણની વ્યવસ્થા.

- ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહનોની સર્વિસ, મેઇન્ટેઈન્સ અને રિપેરીંગ કરી શકે તેવા પ્રશિક્ષણની વ્યવસ્થા.

- ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ સાધનોની મરામત કરી શકે તેવું પ્રશિક્ષણ.

- પરંપરાગત વ્યવસાયને વૈજ્ઞાનિક ઢબે વિકસાવી શકે તેવું પ્રશિક્ષણ.

- ખેતીનો વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર વિકાસ કરી શકાય.

- પશુ-પાલન અને તેના ઉત્પાદનનો વિકાસ કરી શકાય.

- વનીકરણનો વિકાસ કરીએ.

- જળસંચય અને તેનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ.

- ખેતપેદાશને સુરક્ષિત બનાવી શકાય તથા તેની આડપેદાશ પ્રાપ્ત કરી શકાય, તેવું પ્રશિક્ષણ.

- ગૃહ-ઉદ્યોગ, લઘુ-ઉદ્યોગ અને પ્રાકૃતિક પેદાશનો સંયમિત વિકાસ.

પ્રસ્તુત યાદી તેમ જ સ્થાનિક ભૌગોલિક સ્તિતિ અનુસાર જે વ્યવસાય થઈ શકે તેનું આયોજન કરવામાં સક્ષમતા સ્થાપિત કરવી રહી.

પ્રશિક્ષણ માટેની જે યાદી બનાવવામાં આવે છે તે કદાચ કલ્પનાતીત અનુભવાશે. જો આપ કલ્પનાતીત અનુભવ કરો તો તે સમયે તેની આવશ્યકતાને પણ સમજવી રહી. જો આવશ્યકતા સમજાશે તો તે કલ્પનામાંથી વાસ્તવિક સ્વરૂપ ધારણ કરશે.

આપણે વાસ્તવિકતાને સમજવી હોય તો આપણી સંકુચિત માનસિકતામાંથી મુક્તતા ધારણ કરવી રહી, મુક્તતા ધારણ કરીશું તો વાસ્તવિક પરિસ્થિતિને સમજી શકીશું. સમજવા છતાં શંકા સેવાય તો આદરણીય તાતા, બિરલા, ધીરૂભાઈ અંબાણીને નજર સમક્ષ રાખવા રહ્યા. જો તેઓ એકલપંડે દરેક ક્ષેત્રમાં વિકાસ કરી શક્યા હોય તો આપણે સમૂહમાં વિકાસ કરવાનું આયોજન કરીએ છીએ. એટલે વાસ્તવિક પરિણામ અંગે શંકાથી પર થઈશું.

આપણું દરેક પ્રશિક્ષણ વર્તમાન સમયની તાતી જરૂરિયાતના અનુસંધાનમાં છે. આજે નૈતિકતા, પ્રામાણિકતા અને માનવમૂલ્યોનો એટલો હ્રાસ થયેલ છે કે આપણે ડગલે ને પગલે અવિશ્વાસ અને અજંપો અનુભવીએ છીએ. તેનું પુનઃ સ્થાપન કરવું હોય તો સદ્‌ગુણો સાથે સમાજ અને રાષ્ટ્રની સેવામાં પ્રવૃત્ત થવું રહ્યું.

આપણા દૈનિક, માસિક કે વાર્ષિક પસાર થયેલ જીવનના અનુભવોનો નિચોડ કાઢીશું તો દુઃખી થવાય તેવાં પરિણામ તરી આવશે અને હજી પણ જાગૃત નહીં થઈએ તો આજના દિવસ ને આવતી કાલે સારો કહીશું. આપણી ગઈ કાલની જીવનરક્ષક જરૂરિયાતોમાં આજે ૩૦થી પ૦ ટકાનો વધારો, ગઈ કાલના દૈનિકમાં જેટલાં ખૂન, આપઘાત, લૂંટ, અપહરણ, બળાત્કાર અને છેતરપિંડીઓ વાંચી જોઈ હશે. તેના કરતાં આજે સો ગણાં વધારે જોવા મળશે. આવી દરેક પરિસ્થિતિનાં કારણોનાં મૂળ બેકારી, ગરીબી અને સ્વાર્થી માનસિકતા તરફ જાય છે.

જો આપણા જીવનક્રમમાં અનુભવ્યું હશે તો ઘરના સામાન્ય રિપેરિંગ માટે, શોધવા જઈશું કડિયો અને મજૂર મળી જશે, કે જે પ્રશિક્ષિત નથી. આથી તે રિપેરિંગ તો કરશે પરંતુ તેના ગયા પછી હતું તેનું એનું એ જ તો થશે પણ વધારામાં મોટો આર્થિક ફટકો પણ પડશે. સરકારી કર્મચારીઓ/અધિકારીઓ/ડૉક્ટરો હડતાળ ઉપર જાય અને રખડી રખડી આપણે પડીએ, અને આપ્તજનોને ક્યારેક ગુમાવવાનો પણ વારો આવે, આપણી સરકાર બી.પી.એલ “બીલો પોવર્ટી લાઈન” નો સર્વે કરાવે તેમાં ઝૂંપડાવાળાઓ રહી જાય અને સાંજ પડે ને વ્હીસ્કીની ચૂસ્કી લેતા હોય તેની બી.પી.એલ.માં ગણતરી થઈ જાય. ઘરમાં એકલ-દોકલ કે કારણોસર બહાર જઈએ, પાછા વળીએ જોઈએ તો બધું લૂંટાઈ ગયું હોય, સંજોગો અનુસાર રસોઈ ન બની હોય એટલે બહાર જમવા જઈએ તો ગજવાં સાફ થઈ જાય, બચતો અને લોનો લઈને સંતાનના વિવાહ કરીએ તો અડધું બજેટ કેટરિંગ અને હૉલવાળા લઈ જાય, સુખો માટે ઊંટ ભાડે રાખીએ, પરંતુ રાસ તો આપણા ગળે જ વીંટળાય જેવી હાલત થાય. કામવાળો ન આવ્યો હોય ત્યારે તેને ઘેર-ઘેર શોધવા જવું પડે, તો પણ ન મળે તો રસ્તે જતા કામવાળાને બોલાવીને જે ઘરની સાથે રહી-સહી બચતો અને ઘરેણાં પણ સાફ કરતો જાય. માંડ-માંડ વાહન વસાવ્યું હોય તેમાં હપ્તા સાથે પેટ્રોલવાળો પણ બંબી મારીને વસૂલી કરી લે, તેમાં અધ-મુવા થઈએ એટલે રિપેરિંગ વાળાઓ પૂરા કરી નાંખે, દેખાદેખીમાં ફ્રીજ ને વોશિંગમશીન વસાવ્યું હોય તે મહિના પછી ખાડે જાય, એટલે ડિલર સીધો જવાબ ન આપે એટલે કોથળામાં મોં નાંખીને રડવાનું, સારી ગુણવત્તાવાળા અનાજના પૈસા ચૂકવીએ અને મળે પાલો કરેલું ભેળભેળવાળું અનાજ, તંદુરસ્તી માટે ચોખ્ખું વલોણાનું ઘી ખરીદીને ચોખ્ખા ભાગના રૂપિયા ચૂકવીએ અને મળે મટનટેલો નાખેલા બટાકાવાળું ઘી, આસમાને ચડેલા ભાવવાળું શાકભાજી ખરીદીએ ત્યારે માગીએ પાંચસો ગ્રામને મળે સાડા ત્રણસો-ચારસો ગ્રામ અને ચૂકવીએ પાંચસો ગ્રામના પૈસા.

આ અને આવી અનેક વાસ્તવિકતાની ઝલક હજી પણ લંબાવવી હોય તો લંબાવી શકાય, કદાચ આપણા સમૂહમાંથી કોઈએ અનુભવી હોય કે ન અનુભવી હોય તે સભાનતાનો વિષય છે, પરંતુ આવી સ્થિતિનો સામનો ક્યાં સુધી કરી શકીશું. તે યક્ષપ્રશ્ન છે.

આપને કદાચ એવું લાગતું હશે કે ઉપરોક્ત પ્રસ્તુતિ અને રોજગારલક્ષી શિક્ષણને શું લાગેવળગે છે, તો તેનો ખુલાસો કરવો રહ્યો. આપણે જે સમાજમાં સમૂહ-કુટુંબની ભાવના રાખીએ છીએ તેના મૂળભૂત પ્રશિક્ષણમાં નૈતિકતા, પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સદ્‌ભાવ અને સહચારને પ્રાથમિકતા આપીએ છીએ. આવા પ્રાથમિક સદ્‌ગુણથી જે સંપન્ન થાય તેના માટે તે ઇચ્છે તેવા વ્યવસાયના પ્રશિક્ષણની વ્યવસ્થા કરવી રહી, પછી ભલે આવી વ્યક્તિ ફક્ત એક જ હોય પરંતુ તેને તેની રુચિ અને ઈચ્છા મુજબના વ્યવસાય માટે સહાયક બનવું રહ્યું.

અન્ય ખુલાસો કરવો હોય તો રોજગારલક્ષી પ્રશિક્ષણ મેળવ્યા બાદ વ્યક્તિ રોજગારીથી વંચિત ન રહે એટલે કે પ્રશિક્ષણ અને રોજગારી એકબીજાને પૂરક બને.

સામાન્યતઃ રોજગારલક્ષી પ્રશિક્ષણનું આયોજન વ્યક્તિના શિક્ષણ, શારીરિક શક્તિ અને રુચિના પ્રમાણભાન સાથે કરવામાં આવે તો ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય. તે મુજબ શિક્ષણના અનુસંધાનમાં વિચારીએ તો શિક્ષિત અને અક્ષરજ્ઞાન, શારીરિક રીતે વિચારીએ તો શારીરિક રીતે સક્ષમ અને વિકલાંગ અને રુચિ મુજબ વિચારીએ તો કોઠાસૂઝ મુજબની રુચિ અને શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરેલ વ્યવસાયલક્ષી શિક્ષણ આધારિત વ્યવસ્થાપનમાં શિક્ષિત વ્યક્તિઓ તેમની રુચિ મુજબનો વ્યવસાય કરી શકે તેવું આયોજન કરીએ.

અક્ષરજ્ઞાન :

કોઠાસૂઝ મુજબની રુચિ હોય તેવા વ્યવસાયમાં વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ કામની ઉચ્ચતમ ગુણવત્તા, માલસામાનનો પ્રમાણ સાથેનો ઉપયોગ અને ઉત્પાદન ખર્ચને મર્યાદિત કરી શકાય તેવા માળખાકીય જ્ઞાનથી પરિચિત કરાવીએ.

કોઈ પણ ઉદ્યોગ, ધંધો કે ખેતીના ઉત્પાદનનો સ્ત્રોત માનવશક્તિ છે. આવી શક્તિઓ અલગ-અલગ વ્યક્તિઓમાં અલગ-અલગ રૂપે હોય છે. આવી દરેક શક્તિઓ કોઈ પણ લક્ષને સિદ્ધ કરવા માટે એકબીજાની પૂરક હોય છે. આ પૂરક શક્તિઓનું યોગ્ય ઘડતર કરીને જોડવામાં આવે તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકાય. જે વ્યક્તિ ફક્ત ને ફક્ત પોતાના પેટ માટે મજબૂરીથી શ્રમ કે કાર્યમાં જોડાય છે, ત્યારે તેનાં પરિણામ પણ ક્યારેક મજબૂર બનીને સમાજે સહન કરવા પડેશે. વિશેષમાં વિકાસની જે ગતિ હોય છે તે પણ મંથરગતિની હોય છે.

માટે એવા શિક્ષણની વ્યવસ્થા કરીએ કે, જેમાં પ્રાકૃતિક પર્યાવરણની સમતુલા કાયમ રાખી શકાય અને માનવજીવનનો વર્તમાન, ભવિષ્યના જીવન માટેનો નક્કર પાયો બનીને રહે.

૬. જન-જાગરણ :

માનવીય વાતાવરણનું સર્જન

સૃષ્ટિનું સર્જન સહઅસ્તિત્વના આધાર ઉપર રચાયેલ છે અને તે અંગેનો વારંવાર ઉલ્લેખ પણ કરીએ છીએ અને થશે પણ ખરો, કારણ કે પ્રાઇવસીની માનસિકતામાં સહઅસ્તિત્વના મૂળભૂત હાર્દથી વિમુખ થતાં જઈએ છીએ. જો આવી જ પ્રાઇવસી આપણા ધંધા, રોજગાર, આર્થિક વૈભવના વિકાસમાં રાખીએ તો શું પરિસ્થિતિ થાય, તેની કલ્પના કરી જુઓ. તેનાં પરિણામ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભૌતિક રીતે અનુભવી શકાતાં હોવાથી તેનાથી ચિંતિત થઈએ છીએ, જ્યારે સમાજથી વિમુખ થતા જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તે જ્યારે નિર્બળ થઈએ ત્યારે જ અનુભવાતી હોવાથી તેના પ્રત્યે દુર્લક્ષ સેવતા હોઈએ છીએ. તેથી ક્યારેક ભારે પણ પડે છે. જો તેના પ્રમાણ જોવાં હોય તો ગ્રામ, પોળ અને સોસાયટી વિસ્તારમાં જોઈ શકાય છે, ગ્રામ કે પોળવિસ્તારમાં ભલે અન્ય મદદ ન થઈ શકતી હોય પણ “માનવીય હૂંફ” દરેક આપત્તિઓમાં સહાયરૂપ થતી હોય છે. સામાન્યતઃ જે પણ અઘટિત ઘટનાઓ થતી હોય છે, તેનું પ્રમાણ જોઈશું તો ૧૦૦માંથી ૯૯ ઘટના એકાકી વિસ્તાર અને ૧ ઘટના ગ્રામ કે પોળની હશે. એટલે કે જ્યાં માનવતાસભર વાતાવરણ હશે ત્યાં એવી શક્તિ અદૃશ્ય સ્વરૂપે પ્રવર્તમાન હોય છે કે ત્યાં નકારાત્મક તત્ત્વો આવી શક્તિઓનું ભેદન કરી શકતા નથી.

આપણી પરંપરા અને સંસ્કૃતિ જ્યાં સુધી સકારાત્મક ભૂમિકા ઉપર હતી અને છે, ત્યાં સુધી એખલાસપૂર્ણ વાતાવરણ અનુભવાતું, પરંતુ તેની વિવિધતાએ જ્યારથી નકારાત્મક સ્વરૂપ ધારણ કરવા માંડ્યું છે ત્યારથી શ્રાપસમન થવા લાગી છે. આપણે ત્યાં વિશ્વના દરેક ધર્મો, સંપ્રદાયો અને જાતિઓમાં તેમના આરાધ્ય દેવોનું પૂજન-અર્ચન, પ્રાર્થના અને નમાજ પઢાય છે. તેમ છતાં ગરીબી, બેકારી ને હતાશા દૂર નથી કરી શક્યા, તેના પુરાવા આપવાના ના રહે, વૈશ્વિક કક્ષાએ જ્યાં પણ સહઅસ્તિત્વને પ્રાધાન્ય નથી આપવામાં આવતું ત્યાં વિશ્વની અમોઘ શક્તિ એવું વૃદ્ધત્વ પણ તડપી-તડપીને દમ છોડે છે.

સહઅસ્તિત્વ એટલે હું અને તમે, તમે અને હું, અમે અને આપણે. જ્યાં ભાવનાત્મક સ્વરૂપ સર્જાય ત્યાં માનવતાસભર વાતાવરણનું સર્જન થાય છે. આવા વાતાવરણમાં એક હૂંફ હોય છે. આવી હૂંફમાંથી એક અદૃશ્ય શક્તિનું સર્જન થાય છે, જ્યાં નિસર્ગ કરતા અને ગ્રહણ કરતાં બન્ને આનંદ અને પ્રસન્નતા અનુભવે છે.

આપણા ચિત્તમાં તો આ સદ્‌ગુણ પડેલો જ છે, પરંતુ અગમ્ય કારણોસર તેને વિકસાવી શકતા નથી. તો ક્યારેક માનવ-મેળાવડામાં તેનો ઉપયોગ મનોરંજન તરીકેના અર્થઘટનમાં જ સમાપ્ત થાય છે. સમય અને સંજોગોની વક્રતા એ છે કે તેને જાગૃત કરવા પણ ઢોલ-નગારાં વગાડવાં પડે છે ! અને તેમ છતાં પણ પાન જેટલી પણ ધ્રુજારી અનુભવી શકતા નથી અને જો અનુભવીએ તો પણ દેખાદેખીના માહોલનું પરિણામ હોય છે.

આપણે માનવીય પ્રેમ ભાવથી સભર વાતાવરણનું પ્રમાણ જોઈતું હોય તો માતૃત્વસભર માતાથી તેના બાળકને અલગ કરો અને મિલાપ કરાવો, સ્પંદનશીલ હોઈશું તો અવશ્ય તેનો અનુભવ થશે. અત્રે રજૂ થતી પ્રસ્તુતિ કે અન્ય કોઈ પણ જગ્યાએ જ્યારે માનવ અને પશુ-પક્ષીઓની સરખામણી કરવાની થાય છે ત્યારે ક્ષોભ અનુભવાય છે, કેમ કે જ્યારે ગ્રામ-વિસ્તારમાં ગાયોના ધણને સીમમાં ચરવા લઈ જવાનું થાય છે ત્યારે તેના વાછડાને છોડવા તૈયાર નથી હોતી, અને તેમ છતાં તેને હાંકી જવાય છે અને ચરીને પાછી આવે છે ત્યારે તેની ભૂરખી જોવા અને અનુભવવા જેવી હોય છે. આ જ ગાયોના ગોવાળ ઉપર જો કોઈ હુમલો કરે ત્યારે કેવી ઘેરાબંધી કરે છે, અને ઘેરાબંધીથી પણ હુમલાખોર ન સમજે તો તેની શું દશા કરે છે તે કોઈ ગાયોના ગોવાળને પૂછીએ ત્યારે તેની ભાષામાં જણાવશે તો વિશેષ આપણી જાતને સમજતા થઈશું. જો સમજીશું તો તેનાથી વિશેષ માનવીય સદ્‌ગુણોથી પ્રસ્થાપિત થવાના પ્રયત્ન કરીશું.

આપણી જાતને હીનતામાંથી બચાવવી હોય તો આપણો પ્રથમ પ્રયત્ન શિક્ષણથી સંપન્ન થવાના પ્રયત્નોમાં છે, તેની સાથે જ જન-જાગરણ અભિયાનની શરૂઆત કરીને જાગૃતિ લાવવી જોઈએ.

કોઈ પણ વ્યક્તિ કે સમાજની અધોગતિ તેની પરિપક્વતાના અભાવમાં હોય છે. આવા અભાવનું કારણ અજ્ઞાન છે, અજ્ઞાનતાનું કારણ જિજ્ઞાસાહીન વૃતિમાં છે, આવી વૃત્તિમાં જડતા હોય છે, જડત્વ માટે કોઈ સ્વતંત્ર નિર્ણય નથી. તેથી જ્યાં સુધી તે ઉપયોગી હોય ત્યાં સુધી પ્રેમ કરશે અને બીન-ઉપયોગી થશે, એટલે કચરા-પેટીમાં ફેંકી દેશે. આથી કચરાપેટીમાં ફેંકાવું ન હોય તો પરિપક્વતા ધારણ કરવી રહી. પરિપક્વતા શિક્ષણ આધારિત છે અને શિક્ષણ વૈશ્વિક ઘટનાઓનું પ્રતિબિંબ છે. આવું પ્રતિબિંબ ત્યારે જ દેખાય કે જ્યારે તેની સામે આયનો હોય, આયનો સમાજ છે, અને સમાજ એકબીજાની જાગૃતિથી બને, જાગૃતિ ત્યારે જ કહેવાય કે એકબીજાનાં સાંનિધ્ય, સંપર્ક સ્થપાય. સંપર્ક કેળવાય તો એકબીજાનાં સુખદુઃખ સમજાય અને આવી સમજણથી એકબીજાને સહાયક બનીએ તો માનવતાસભર વાતાવરણનું સર્જન થાય.

સામાન્ય જીવન-વ્યવહારમાં મહત્તમ કષ્ટદાયક પ્રશ્નોનું સર્જન આપણી અપરિપક્વતામાં છે, તેથી પરિપક્વ થવું રહ્યું. પરિપક્વતા ખરીદી નથી શકાતી, પરંતુ સ્વયં કેળવવી પડે છે. જો સ્વયં કેળવવી હોય તો જાગૃત થવું રહ્યું. જાગૃતિ જિજ્ઞાસાને ઉત્તેજિત કરે છે, જિજ્ઞાસા જાણકારી માટે પ્રવૃત્ત થશે. જાણકારી જાહેર-સંપર્ક આધારિત છે. જાહેર-સંપર્ક જનસમૂહ ઉપર આધારિત છે. જનસમૂહ જ્યારે કોઈ એક તથ્ય ઉપર સમહત થાય ત્યારે તે જ્ઞાન બને છે. આવા અનેક પ્રકારના જ્ઞાનથી પરિચિત થઈએ અને આ પરિચય અને આપણું મંતવ્ય સમાન હોય તો પરિપક્વતા ધારણ કરી કહેવાય. આવી પરિપક્વતા જીવનને યથાર્થ બનાવે છે.

જો આવી પરિપક્વતા પ્રાપ્ત કરવી હોય તો આપણામાં નીચે જણાવેલી ઊણપો તો નથી ને ? અને જો હોય તો તેનાથી મુક્ત થવું રહ્યું :

(૧) આપણે અનુકરણીય જીવન-પદ્ધતિ તો નથી અપનાવતા ને ?

(ર) કોઈ પણ નિર્ણયનો સ્વીકાર કરતા પહેલા પોતાના મંતવ્ય સાથે સરખાવ્યું છે કે કેમ ? કે જેમનું તેમ સ્વીકારતા તો નથી ને ?

(૩) આપણી વાસ્તવિક જીવન-શક્તિ અને બાહ્ય જીવન-શક્તિની સરખામણીમાં બાહ્ય જીવનશક્તિથી જીવન જીવવા ટેવાયેલા તો નથી ને ?

(૪) અગર કોઈ બાહ્ય મદદ આપણા વાસ્તવિક જીવન શક્તિને સહાય કરે છે તો તે સહાય નૈતિકતા, પ્રમાણિકતા અને આત્મસ્વમાનના ભોગે તો નથી ને ?

(પ) આપણને કોઈ મદદ કરશે તેવી અપેક્ષાઓને આધીન જીવન જીવતા નથી ને ?

(૬) આપણામાં યાચકવૃત્તિ તો નથી ને ?

(૭) આપણું જીવન પ્રલોભન આધારિત તો નથી ને ?

(૮) આપણી માનસિકતા વિઘ્નસંતોષી તો નથી ને ?

(૯) અન્યની જીવન-શક્તિને આધારિત તો નથી ને ?

(૧૦) કોઈના હક ઉપર તરાપ મારવાની દાનત તો નથી ને ?

(૧૧) પરાઈ વસ્તુઓ પરત્વે આપણી બૂરી દાનત તો નથી ને ?

(૧ર) મહેનત વગર કોઈ લાભ મેળવવાની ઇચ્છાઓ તો ઉદ્‌ભવતી નથી ને ?

(૧૩) કોઈની બુરાઈ આપણો આનંદ તો નથી ને ?

(૧૪) આપણું અજ્ઞાન આપણી મુશ્કેલીઓનું કારણ તો નથી ને ?

(૧પ) આપણું જ્ઞાન અન્યને મુશ્કેલીમાં, છેતરવામાં, વિશ્વાસઘાત, આર્થિક, નૈતિક શોષણ કરવાના ઉપયોગમાં તો નથી લેતા ને ?

(૧૬) આપણી પ્રાકૃતિક શક્તિની દેન, વિશેષતા, જ્ઞાનનો ઉપયોગ પ્રકૃતિની વિરુદ્ધ તો નથી કરતા ને ?

(૧૭) આપણી રાષ્ટ્રીય સંપદાનું મૂલ્ય નમક સમાન તો નથી સમજતા ને, અને એ પણ મળે તો તુચ્છ ભાવનાઓથી નહીં છોડવાની મનોવૃત્તિ ધરાવતા નથી ને ?

(૧૮) રાષ્ટ્ર આપણા માટે છે, આપણે રાષ્ટ્ર માટે નથી તેવી માનસિકતા તો નથી ને ?

(૧૯) આપણે સામાજિક, રાજ્ય, રાષ્ટ્ર, પ્રકૃતિના નિયમ વિરુદ્ધના આચરણથી ટેવાયેલ તો નથી ને ?

(ર૦) અન્યના વૈભવની ઈર્ષા તેમ જ દુઃખ તો નથી થતું ને ?

આપણે ઉપરોક્ત ઊણપોથી મુક્ત હોઈએ તો પ્રકૃતિ અને માનવસમાજ આપણાં ઋણી બની જાય છે અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા જીવનને અમૃતવર્ષનું સિંચન કરે છે, જેનું એક એક બુન્દ પાવનકારી શક્તિઓથી ભરપૂર હોય છે. તેના એક બુન્દમાં જીવનની સર્વ મનોકામના પૂર્ણ કરવાની શક્તિ હોય છે.

આધુનિક સમયમાં પ્રાકૃતિક સર્જનના અસ્તિત્વને ટકાવી રાખવા યા ભૌતિક વિકાસ અથવા વૈજ્ઞાનિક ક્ષેત્રના વિકાસના સંદર્ભ અથવા તો અન્ય કારણસર વૈશ્વિક સમાજ સંકલિત થતો જાય છે. આ સંકલિત પ્રક્રિયા સંક્રાન્તિ માટેનો સ્ત્રોત છે. અને તેનાથી જે પરિણામ આવશે તે સકારાત્મક અને નકારાત્મક પ્રકારનાં હશે. સકારાત્મક પ્રકારનાં પરિણામ માનવસમાજને ઊર્ધ્વગતિએ લઈ જશે, પરંતુ જો નકારાત્મક પ્રકારનાં હશે તો અધોગતિમાં પરિણમે છે. એટલે આવા સંક્રાન્તિ સમયમાં આપણે કેવા પરિણામ પ્રાપ્ત કરવાં છે તે વિના વિલંબે નિર્ણય કરવો રહ્યો. આપણો નિર્ણય જો સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરવાનો હોય તો ફક્ત નિર્ણય કરવાથી તેનું પરિણામ પ્રાપ્ત નહીં થાય, પરંતુ તે માટે કાર્યરત થઈને પરિપક્વ બનવું રહ્યું.

કોઈ પણ કાર્યોનું ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવું હોય તો યોગ્ય વ્યવસ્થાપન આવશ્યક છે. યોગ્ય વ્યવસ્થાપન માટે તર્કબદ્ધ આયોજનની જરૂરિયાત છે. તર્કબદ્ધ આયોજન માહિતી અને અનુભવ આધારિત છે. માહિતી અને અનુભવ જનસંપર્ક આધારિત છે. જનસંપર્ક આજની તાતી જરૂરિયાત છે અને તે માટે જનજાગૃતિનું આયોજન કરવું રહ્યું.

ભૌગોલિક બંધારણ અનુસાર ભારતનું માળખું મહત્તમ ભાગે ગ્રામીણ વિસ્તાર આધારિત છે, જ્યારે શહેરી વિસ્તારમાં જે જનસંપર્કની વ્યવસ્થા છે, તે માહિતીની જાણકારી અર્થે નહીં, પરંતુ વ્યવસાયિક કારણોસરની હોય છે, આથી ગ્રામ તેમ જ શહેરી વિસ્તારોમાં ગ્રામ કક્ષાએથી વૈશ્વિક કક્ષા સુધીના માનવીય વ્યવહાર તેમ જ વિકાસથી માહિતગાર થવાય તો આપણી શક્તિઓનું મૂલ્યાંકન કરી શકાય. આવું મૂલ્યાંકન લઘુતાગ્રંથિથી પીડિત થવા માટે નહીં, પરંતુ વૈશ્વિક કક્ષાની માનસિકતા સાથે સમાન્તર શક્તિ કેળવવા અને તેના વિકાસના સંદર્ભમાં મૂલવવા માટે હોવું જોઈએ.

વર્તમાન સમયમાં આપણે કેટલા વિભાજિત છીએ તેની વારંવાર ચર્ચા કરી છે, પુનઃ ઉલ્લેખ નથી કરતા, પરંતુ તેના પરિણામ ઉપર દૃષ્ટિપાત કરીશું તો વૈશ્વિક સમાજ સમક્ષ અવશ્ય હીણપત અનુભવીશું. આપણી વિભાજીત માનસિકતાના કારણે વૈશ્વિક કક્ષાના સન્નિષ્ઠ ઉદ્યોગપતિઓનું સાંનિધ્ય ગુમાવતા હોઈએ છીએ. જ્યારે જેઓનાં ફક્ત ને ફક્ત નફાખોરીનું ધ્યેય હોય છે, તેઓને મોકળું મેદાન મળી જાય છે. જેમાં આર્થિક-વિકાસ નહીં પરંતુ શોષણ થતું હોય તેવું અનુભવાય છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જે સ્વમાન મળવું જોઈએ તે મળતું નથી. માનવ-સમાજ ગમે તેટલો વિભાજિત હોય પરંતુ પ્રાકૃતિક રીતે જે ભાવ સ્પંદનો હોય છે તે એક હોય છે, જેમ કે હાસ્ય એ આનંદનું સ્વરૂપ હોય છે, અને રુદન એ આઘાતનું પરિણામ હોય છે. આમ, જીવનની મૂળભૂત અભિવ્યક્તિ એક જ હોય છે. જો સમાજમાં પ્રસન્ન જીવનનો અનુભવ તેમ જ જીવનમાં ભોગવાતા અનિષ્ટોનું નિરાકરણ કરવામાં આવે તો તે વ્યક્તિ કે રાષ્ટ્ર, વૈશ્વિક કક્ષાએ આદરને પાત્ર બને છે, આવા આદરપાત્ર માહોલમાં વિકાસના દરેક દરવાજા ખૂલી જાય છે.

પ્રસ્તુત રજૂઆતમાં કલ્યાણ અને મંગલમય જીવન માટેના હાર્દને સમજવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. જો આ હાર્દને સ્પર્શવું હોય તો, વૈશ્વિક માહિતી રાષ્ટ્ર, રાષ્ટ્રથી રાજ્ય, રાજ્યથી શહેરો અને શહેરોથી ગ્રામ વિસ્તાર તરફ પ્રવાહિત કરવી રહી. તે માટેનાં માધ્યમો ગ્રામથી શહેરી વિસ્તાર સુધી અનેક રીતે પ્રવર્તમાન છે, પરંતુ તેની ઉપલબ્ધિ સંતોષજનક હોય તેવું અનુભવાતું નથી. તેનાં અનેક કારણો હશે, તે અત્રે અપ્રસ્તુત છે. આપણે તેને સુધારાવધારા સાથે પુનઃ સ્થાપિત કરવાં રહ્યાં અને તે માટે (છ) વાચનાલયો, (મ્) ચર્ચાસભાઓ, (ઝ્ર) આધુનિક વૈજ્ઞાનિક શોધો દ્વારા વિકસાવેલ સાધનોનો ઉપયોગ કરવો રહ્યો.

(છ) વાચનાલયો :

વર્તમાન સમયના સામાજીક જીવનમાં આપણી આર્થિક અને શિક્ષણની જે સ્થિતિ છે તે આઘાતજનક છે. સમાજ તેની પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે જ ટળટળતો હોય અને તેના કારણે શિક્ષણથી વંચિત રહેતો હોય ત્યારે વાચનાલયમાંથી જ્ઞાન પ્રાપ્તિ કરવાની ચર્ચા હાંસીપાત્ર બનતી હોય તેવું અનુભવાય છે, આપણાં સઘન પ્રયત્નો જીવનને સહજ બનાવવાની સાથે સાથે જ્ઞાનપ્રાપ્તિની રુચિ કેળવાય તેવું આયોજન ઇચ્છીએ છીએ, અને તે સફળ થાય તો જ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય. અન્યથા ચર્ચા અને વિચારોનાં વમળમાંથી આનંદ મેળવીને સંતોષ અનુભવવો રહ્યો.

(મ્) ચર્ચા-સભાઓ :

આપણી પરંપરાગત રૂઢિ મુજબ એક યા બીજા પ્રકારે બે કે બેથી વધારે વ્યક્તિઓ મળીને આવી ચર્ચાસભાઓનો આનંદ મેળવતા હોય છે, પરંતુ આવી ચર્ચાસભાઓનું કોઈ મુખ્ય ધ્યેય નથી હોતું. પરિણામે ક્યારેક આવી સભાઓ માટે વિપરીત અર્થઘટન થતું હોય છે. જો આવી ચર્ચાસભાઓમાં સમાજના હિત અને વૈશ્વિક વ્યવહારના સંદર્ભમાં આદર્શ-ધ્યેય નક્કી કરવામાં આવે તો અવશ્ય સકારાત્મક વાતાવરણનું સર્જન કરી શકાય.

સામાન્યતઃ કોઈ પણ માહિતી કે જ્ઞાન જે તે કક્ષા આધારિત નથી હોતું, જે માહિતી અને જ્ઞાન વિકાસઅર્થી હોય તે દરેક વ્યક્તિ મેળવી શકે છે, આપણે ક્યારેક એવું સમજતા હોઈએ છીએ કે આ આપણી કક્ષાનું નથી કે કક્ષા બહારનું છે, તે આપણી લઘુતાગ્રંથિ છે. આવી લઘુતાગ્રંથિમાંથી બહાર આવીએ તો આપણા માટેની દરેક ક્ષિતિજોના દરવાજા ખુલી જાય છે. જો મક્કમ નિર્ધાર હોય તો, માનવ-જીવનમાં અશક્યમાં પણ અશક્ય ઈશ્વરપ્રાપ્તિનું ધ્યેય હોય છે, તે પણ સિદ્ધ થાય છે, તો જીવનને સમજવાનું અને વિકસાવવાનું જ્ઞાન કેવી રીતે સિદ્ધ ન કરી શકાય ?

સામાન્ય સંજોગોમાં પણ આપણે ચર્ચામાં વ્યસ્ત હોઈએ છીએ, અને હોવું જોઈએ તે માનવી તરીકેની ઓળખ છે, આપણે જ્યારે સ્વયંની સાથે આંતરિક ચર્ચા કરતા હોઈએ છીએ, તે ચિંતન સ્વરૂપની હોય છે. જો તે સાત્ત્વિક સ્વરૂપની હોય તો ઊર્ધ્વગતિ થાય છે, પરંતુ નકારાત્મક સ્વરૂપનું ચિંતન હોય તો અશાંતિ અને અજંપો અનુભવાય છે. આંતરિક ચર્ચામાં મન, બુદ્ધિ અને હૃદય વચ્ચેનું મંથન હોય છે, આવી જ ચર્ચા વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની કે સમૂહ સાથેની થાય ત્યારે તે સાત્વિક સ્વરૂપની હોય તો માનવીય વાતાવરણમાં હૂંફનું સર્જન થાય છે, પરંતુ તેનાથી વિરુદ્ધની હોય તો વાતાવરણ દૂષિત થાય છે, જે સુખ અને શાંતિને ભ્રષ્ટ કરે છે.

આપણા નજીકના ભૂતકાળમાં દૃષ્ટિ કરીશું તો જણાશે કે ગ્રામ-વિસ્તારમાં અનેક કઠિન કાર્યો પછી પણ રાત્રિચર્ચાઓ, ભજનો, વેશ-ભવાઈ એક-યા બીજા પ્રકારે પ્રચલિત હતાં. આવી પ્રવૃત્તિઓનો સૂર ભક્તિ અને સામાજિક સ્થિતિને સમજવા અને અનુભવવા માટેનો મંચ હતો. તેના પરિણામ સ્વરૂપે ઈશ્વર અને સમાજ પ્રત્યેની સભાનતા કેળવાતી જેમાંથી નૈતિક જીવનની પ્રેરણા મળતી, આવી પ્રેરણાની અનુભૂતિ કરવી હોય તો વર્તમાન સમયની દૂષિત સંસ્કૃતિના અનુકરણમાંથી મુક્ત થવું રહ્યું, વર્ણશંકર સંસ્કૃતિથી માનવીય પર્યાવરણ દૂષિત થાય છે.

(ઝ્ર) વૈજ્ઞાનિક સાધનોનો સકારાત્મક ઉપયોગ :

ગુજરાતીમાં એક કહેવત છે કે સોનાની કટારી હોય તો કેડમાં ભરાવાય, પેટમાં ન ભરાવાય, વિજ્ઞાનની દરેક શોધ સોનાની કટારી સમાન છે. આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે આપણી સમજણ ઉપર આધારિત છે, વર્તમાન સમયમાં કદાચ આપણે તે અંગેની સભાનતા ગુમાવી બેઠા હોય તેવું અનુભવાય છે.

જીવનની અનેક જરૂરિયાતોમાં એક જરૂરિયાત મનોરંજનની પણ હોય છે. આવું મનોરંજન પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપના માધ્યમ દ્વારા અનુભવાય છે. પ્રત્યક્ષ સ્વરૂપનું મનોરંજન સામાન્ય જીવન-વ્યવહારમાંથી અનુભવાતું હોવાથી વિકૃત માનસિકતા સિવાય નિર્મળ હોય છે, પરંતુ પરોક્ષ સ્વરૂપના માધ્યમમાંથી જે મનોરંજન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. તે સંયમ વિનાના ઉપયોગથી સોનાની કટારી પેટમાં ભરાવવા જેવી છે અર્થાત્‌ વૈજ્ઞાનિક શોધનો કલ્યાણમય ઉપયોગ જીવનને સાત્વિક સુખોનું પ્રદાન કરે છે. જ્યારે વિકૃત સ્વરૂપનો ઉપયોગ અધોગતિના માર્ગે લઈ જાય છે. અલબત્ત પ્રસ્તુતિ નૈતિક-અનૈતિકના સંદર્ભમાં નથી કરતાં, પરંતુ આપણે આવી શોધોના ઉપયોગના વિવેકભાનથી વાતાવરણ પવિત્ર કેમ રાખવું તેના સંદર્ભમાં કરીએ છીએ.

વૈજ્ઞાનિક શોધોએ વિશ્વને ભલે એક કર્યું હોય, પરંતુ માનવને માનવીથી દૂર કર્યા છે. સૃષ્ટિની એકતા તો પ્રાકૃતિક રીતે જ એક હતી, જેને વિજ્ઞાને પ્રકાશિત કરી, પરંતુ માનવીય એકતા નહોતી. તે પ્રાકૃતિક સર્જનના વ્યવસ્થાપનના સંદર્ભમાં એક કરવાની હતી, પરંતુ પરિસ્થિતિ ઊલટી અનુભવાય છે. જો આવી સ્થિતિનું નિરાકરણ કરવું હોય તો સ્તુત્ય પ્રયત્ન કરવા રહ્યા. તેના અનેક ઉપાયો છે. અને આવા ઉપાયો પૈકી કોઈને એમ ન કહી શકાય કે તમે ટેલીવિઝન ન જોશો. પરંતુ એટલું અવશ્ય કહી શકાય કે જેમાંથી માનવીય હૂંફનું વાતાવરણ સર્જાય, તેવા પ્રસારણની વ્યવસ્થા કરો, તેવું અવશ્ય સમજાવી શકાય. સમજાવવાનાં અનેક કારણો છે. તેમાંનું મુખ્ય કારણ મનુષ્યની અપરિપક્વ માનસિકતાના કારણે જે ગતિએથી નકારાત્મક તથ્યોને ગ્રહણ કરે છે, એટલી જ ગતિથી સકારાત્મક તથ્યોને સ્વીકારતો ન હોય તેવું જણાય છે. તેથી માનવમૂલ્યો અને શેતાનીક માનસિકતાનો ભેદ પાડી શકાય તેવી મનોભૂમિનું સર્જન કરવું રહ્યું.

વર્તમાન સમયના કોઈ પણ માધ્યમના પ્રસારણમાંથી એવાં કોઈ દૃષ્ટાંત જોવા મળતાં નથી કે પ્રસારણ થયેલ માધ્યમમાંથી અમુક તથ્યોનો સ્વીકાર કરીને વ્યક્તિ કે સમાજની માનસિકતામાં સાત્ત્વિક પરિવર્તન આવ્યું હોય, પરંતુ એવાં કેટલાય પરિણામ અનુભવાય છે કે વ્યક્તિની મનોભૂમિમાં કલુષિત વિચારસરણીનાં બીજ રોપાયાં હોય. કોઈ પણ સર્જકે પોતાના નિજી સ્વાર્થની પરિપૂર્ણતા માટે નહીં પરંતુ માનવસમાજના કલ્યાણ સાથે પોતાના હિતનું સંકલન કરીને કોઈ પણ પ્રકારનું સર્જન વ્યવસ્થા કરવી રહી. જો તેમ કરવામાં આવે છે તો જ ટૂંકા ગાળાના લાભ હશે તે દીર્ઘકાલીન લાભમાં પરિણમશે. કારણ કે સમાજ જેટલો સ્વસ્થ હશે એટલી જ નવીનતમ પરિણામ માણવાની ઇચ્છાશક્તિ વધારે હશે, કોઈ પણ પરિણામને સ્વાર્થ સિદ્ધ દૃષ્ટિથી જોઈ શકાય તેવા જ ટૂંકા ગાળાના લાભની પાછળ છીએ. પરંતુ આ જ દૃષ્ટિને સૂક્ષ્મ સ્વરૂપે સમજીશું તો ભવિષ્ય ધૂંધળું બનાવતું હોવાનું અનુભવાશે.

ઉપરોક્ત તથ્યને સમજી પણ શકાય તેમ છે અને ના સમજવું હોય તો ન પણ સમજી શકાય, તે આપણી માનસિકતા અને પરિપક્વતા ઉપર આધારિત છે. જો સકારાત્મક અને સાત્ત્વિક પરિણામની અપેક્ષા રાખવી હોય તો તે માટે સમાજમાં જાગૃતિ લાવવી જરૂરી છે :

(૧) સમાજ-સમૂહમાં ચર્ચાસભાઓનું આયોજન કરીએ.

(ર) આવી ચર્ચાઓમાં સ્થાનિક, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિષયોની પસંદગી કરીએ.

(૩) આવા વિષયો ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં પ્રસ્થાપિત થયેલું પ્રસ્થાપિત થતાં અને પ્રસ્થાપિત કરવા માટે પ્રકૃતિ તેમજ સમાજનું સમતુલન કેવી રીતે કેળવાય તે અંગેનું ચિંતન કરીએ.

(૪) વ્યક્તિની અંગત મુશ્કેલીઓ અને તેનું નિરાકરણ, સામાજિક કલ્યાણ માટેના અવરોધક પ્રશ્નો અને તેનું નિરાકરણ, રાજ્ય અને રાષ્ટ્રના આંતર-પ્રવાહનું સમતુલન, ગ્રામથી વિશ્વ સાથેનું સંધાન, આર્થિક વિકાસ અને સામાજિક કેળવણીની ચર્ચા કરીએ અને તે માટે પ્રવૃત્ત થઈએ.

(પ) સામાજિક, આર્થિક, ખેતી તેમજ બૌદ્ધિક ઊર્ધ્વીકરણના અંતરાયો સમજવા અને તેના નિરાકરણ માટેની વ્યવસ્થા કરીએ.

(૬) ગ્રામથી રાષ્ટ્ર કક્ષા સુધીની વાસ્તવિક સ્થિતિની જાણકારી કેળવીને વિકાસ કેવી રીતે કરી શકાય તેનું સંશોધન અને નિરાકરણની વ્યવસ્થા કરીએ.

(૭) ગ્રામીણ સત્તાથી વૈશ્વિક સત્તા સુધીનાં અનેક કલ્યાણકારી આયોજનો અમલમાં હોય છે, તેની જાણકારી આપી લાભકર્તાઓને સહાયરૂપ થઈને કેવી રીતે લાભ અપાવી શકાય તેનું માર્ગદર્શન કરીએ.

(૮) સ્થાનિક સમૂહમાં એકતા કેળવવા માટે રાજકીય અને સામાજિક પ્રક્રિયાઓ સરળ અને સહજ બનાવીએ તો અશાન્તિ, અજંપો દૂર થશે, અને જે તે માર્ગે વ્યય થતા આર્થિક સ્ત્રોતને વિકાસના માર્ગે વાળી શકાય તેની ચર્ચા કરીએ.

(૯) રાષ્ટ્રની અસ્મિતાના રક્ષક અને પૂરક બનીએ, ભ્રષ્ટાચાર નાબૂદી માટે જાગૃતિ અભિયાનનું આયોજન કરીએ.

(૧૦) કોઈ પણ પ્રકારનાં પ્રલોભનો સમજવા અને કેવી રીતે તેનાથી દૂર રહી શકાય તેની સમજણ કેળવીએ.

(૧૧) વિઘ્નસંતોષીઓને સમજવા અને તેમની માનસિકતાનો તેમને પરિચય કરાવીને તેમાં પરિવર્તન થાય તેવા પ્રયત્નો કરીએ.

અત્રે પ્રસ્તુત થયેલ અને પ્રબુદ્ધ સમાજ દ્વારા જે સૂચનો કરવામાં આવે તેનું સંકલન કરીને જનજાગરણ અભિયાનનું વ્યવસ્થાપન કરીએ.

આવું વ્યવસ્થાપન, ગ્રામ, તાલુકા, જિલ્લા અને શહેરી વિસ્તારમાં વોર્ડ તેમ જ જ્યાં વસ્તીનું પ્રમાણ વધુ હોય ત્યાં વિભાજન કરીને કરીએ. સામાજિક વિકાસના પરિપ્રેક્ષ્યમાં જેમ સહકારમાંથી સહકારી સંસ્થાઓની રચના થતી હોય છે. તેમ વૈચારિક શક્તિઓના વિકાસ અર્થે સહકાર મેળવીને ચર્ચાસભાઓની રચના કરીએ, કે જેથી વૈશ્વિક વ્યવહારોથી પરિચિત થવાય અને તેમાંથી જે સ્વીકારવા યોગ્ય હોય તેને સ્વીકારીને અમલમાં મુકાય, તેમ જ તેમાં કોઈ ઊણપ હોય તો તેની ક્ષતિપૂર્તિ કરવા માટેનાં સૂચનો કરીએ. વિશ્વમાં કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિસમૂહ પરિપૂર્ણ નથી હોતા. આપણામાં જે અપૂર્ણતા હોય તેને પૂર્ણ કરવામાં પરસ્પરના સહકારની આપ-લે કરવામાં આવે તો અવશ્ય તંદુરસ્ત સમાજની રચના થાય, જ્યાં તંદુરસ્ત સમાજ હોય છે ત્યાં પ્રસન્નતા હોય છે અને જ્યાં પ્રસન્નતા હોય છે, ત્યાં ઐશ્વરીય શક્તિની હયાતી હોય છે. આવી હયાતીમાં ભૌતિક વૈભવ ગૌણ બની જાય છે અને મનુષ્ય-જીવનની પરાકાષ્ઠા સ્વરૂપની જરૂરિયાત મોક્ષ હોય છે, તે તરફનું પ્રયાણ પ્રારંભ થાય છે.

૭. સ્વાસ્થ્ય

મનુષ્યની સભ્યતા, સંસ્કાર, સંસ્કૃતિ અને વિકાસ અને આચારસંહિતા અર્થપૂર્ણ શિક્ષણની ફલશ્રુતિનાં પરિણામ છે અને આ પરિણામને પ્રકાશિત કરવાનું માધ્યમ સ્વાસ્થ્ય છે. મનુષ્ય સર્જનહારનો પ્રેમ છે અને શિક્ષણના પરિણામે પ્રાપ્ત થતા અલંકારો તેનો શણગાર છે. આવો શણગાર ત્યારે જ યથાર્થ રીતે સુન્દર લાગે કે જ્યારે તેનો ધારણ કરનાર તેને દીપાવી શકે, આપણા સામાન્ય વ્યવહારમાં ક્યારેક અનુભવ્યું હશે કે સુન્દર ઘરેણાં ધારણ કરનાર પણ સુરુચિને સંતોષી શકતા નથી. અલબત્ત આ ભૌતિક સુન્દરતાના અનુસંધાનમાં છે, પરંતુ આપણે જ્યારે પ્રાકૃતિક સૌન્દર્યના સંદર્ભમાં વિચારીએ તો પણ નિર્બળ શરીરને શૈક્ષણિક અને પ્રાકૃતિક અલંકારો વાસ્તવિક સુન્દરતા બક્ષવામાં ક્યારેક ઊણા ઊતરે છે.

પ્રાકૃતિક તેમ જ માનવસર્જિત વૈભવને તેનાં મૂળભૂત મૂલ્યો મુજબ માણવામાં આવે તો સાચાં જીવનનો આનંદ માણી શકાય છે, અન્યથા વૈભવને અનુચિત પ્રસ્થાપિત કરે છે. આવા સંજોગોમાં વાસ્તવિકતા, અવાસ્તવિક તથા સત્ય અને અસત્યના સ્વરૂપમાં પરિવર્તન થતું હોય છે. જેમ કે સ્વાદિષ્ટ મીઠાઈ દરેક મનુષ્યને પ્રિય હોય પરંતુ મધુપ્રમેહમાં નિષેધ છે, જે વાસ્તવિકતાને અવાસ્તવિક બનાવી દે છે.

સામાન્ય જીવનવ્યવહારમાં આવાં પરિવર્તન જોયાં, જાણ્યાં અને અનુભવ્યો પણ હોય છે. પરંતુ તેનાં કારણોના સંદર્ભમાં ક્યારેક વિચાર્યું નથી અને સમયના પ્રવાહ સાથે અનુભવેલ વ્યથા તણાઈ જતી હોય છે. આપણી વ્યથા તણાઈ જતી હોય તો ભલે તણાઈ જાય, પરંતુ તેનાં કારણોનું નિરાકરણ લાવ્યા વગર ડૂબવા દઈએ તો ક્યારેક દુર્ગંધ સાથે તરી આવશે અને વર્ણકલ્પી વ્યાધિનો ફેલાવો કરશે.

આપણે ઉપરોક્ત હકીકતોને સમજ્યા હોઈએ તો રાહત અનુભવાય પરંતુ અગડમ-બગડમ લાગ્યું હોય તો સહજ રીતે સમજવા પ્રયત્ન કરીએ.

સામાન્ય જીવન વ્યવહારમાં કોઈ ઉચ્ચત્તમ અનુકરણીય દૃષ્ટાંત લેવાં હોય તો હંમેશાં માનવ સિવાયનાં પ્રાકૃતિક સર્જન છે, તેની સાથે સરખામણી કરવી રહી. આવાં સર્જનો તેના જીવનક્રમ દરમ્યાન અને કાળ પ્રમાણે મોજ મસ્તી, કળા, રંગ, સુગંધ, પ્રજનન, આનંદ, અનુભૂતિ, મુક્તિ, છાય, ફળ અને બલિદાન એટલા સહજ ભાવે પ્રદાન કરતાં હોય છે કે જેનાથી ખુદ પ્રકૃતિ બાલ્ય, યુવા, પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા ધારણ કરે છે, અને તે દ્વારા સર્વોત્તમ સુખોની અનુભૂતિ કરાવે છે.

આપણા સ્પંદનાત્મક તરંગો જાગૃત હોય તો અનુભવાશે કે અલ્પજી પરપોટો સપ્તરંગ ધારણ કરીને સુન્દરત્તમ જીવન જીવી જતો હોય છે. પતંગિયાની રંગબેરંગી કળા, ઝરણાનું મધુર સંગીત, પક્ષીઓનો કલરવ, પશુનઓની મેઘગર્જના, વનરાઈઓનાં રંગ-રોગાન અને મધુર સુગંધ, વૃક્ષોની છાંય, ફળ, ફૂલ, પ્રસન્નતાપૂર્વક દાન કરતા હોય છે. તેઓ સ્વયં મન, બુદ્ધિ અને હૃદયથી પર હોય તેવું આપણે માનીએ છીએ તેમ છતાં તેઓ તેમના કર્મમાં નીરવ વ્યસ્ત હોય છે અને પ્રકૃતિના ચિન્મય આનંદને પ્રવર્તમાન રાખે છે. આ શક્તિનો સ્ત્રોત શું ? તેમનામાં રહેલ અનેક શક્તિઓ પૈકી મહત્ત્વની શક્તિ તેમની તંદુરસ્તી છે. તેમની દરેક અવસ્થાએ જે તંદુરસ્તી હોવી જોઈએ, તે શક્તિઓથી ભરપૂર હોય છે. પરિણામે વાનર તેની વૃદ્ધાવસ્થામાં પણ તેની તરાપ ભૂલતો નથી, મોર તેની કળા અને નૃત્યમાં મગ્ન હોય છે, કોયલ તેની ટહુકાની મધુરતા ગુમાવતી નથી. આસોપાલવનાં પર્ણો તેનું શુભત્વ ગુમાવતાં નથી, સારસ તેમનો પ્રેમ અને મૃગ તેમની ચંચળતા ગુમાવતાં નથી. તેમનું દરેક શુભત્વ અને સુન્દરતા તેમની તંદુરસ્તીને આભારી છે. આપણે દરેક પૂર્ણતાનાં દૃષ્ટાંત હંમેશાં પશુ-પક્ષી અને વનસ્પતિના જીવન ઉપરથી કે જીવનમાંથી લઈએ છીએ તે માનવ-જીવનની અનેક નાદુરસ્ત સ્વાસ્થ્ય અને માનસિકતાનાં કારણોનું પરિણામ છે. આવી નિર્બળતા સ્વયં માનવસર્જિત હોય છે.

આપણે જે નાદુરસ્ત પરિસ્થિતિને ઊભી કરીએ છીએ, તેના નિરાકરણ માટે નિર્બળતા અનુભવતા હોઈએ છીએ તે વિકસીત સમાજની વિચિત્ર હકીકત છે. આવી વિચિત્રતાના કારણે તે લાચાર બની જતો હોય છે, લાચારી દરેક આપત્તિઓનું ઉત્પત્તિ કેન્દ્ર છે. આથી જો સ્વસ્થ રહેવું હોય તો તે પ્રત્યે ગંભીરતા ધારણ કરવી રહી, અન્યથા માનવ સિવાયના સર્જનનાં જે આંગળીના વેઢે ગણી શકાય તેટલા રોગ હોય છે, જ્યારે માનવ સમુદાય અસંખ્ય રોગથી પીડાતું હોય છે, હશે અને તેમાં વૃદ્ધિ થતી અનુભવાશે. તેનાં પ્રમાણ જોવાં હોય તો કોઈ શારીરિક, સામાજિક, આર્થિક પ્રકારોમાં પાછા પેટા-પ્રકાર, પેટા-પ્રકારના ગ્રંથોના ગ્રંથો ભરાય એટલા હશે, જેને આયુર્વેદ, એલોપેથી, યુનાની, આકાશપેથી કે ધરતીપેથી દ્વારા પણ એક વાર થયા પછી સ્વાસ્થ્યનું પુનઃસ્થાપન કરી શકતા નથી. આવી પરિસ્થિતનાં મૂળભૂત કારણો પણ આપણે છીએ અને તેનું નિવારણ પણ આપણે જ છીએ. આપણે કેવું જીવન ઇચ્છીએ છીએ તે આપણા આચરણ ઉપર નિર્ભર છે. મૂંગા મોંએ શિકારના મોંમાં જવું એ પામરતા છે. શિકાર તો શિકારીની ભૂખનું કારણ હોઈ શકે, પરંતુ વિના કારણે શિકાર થવું તે માનવ-જીવનનો ઉપહાસ છે. આવાં કારણોસર પ્રકૃતિના સહેતુક સર્જનનું તાત્પર્ય સિધ્ધ ન થાય તો તેના ઉપહાસ સમાન છે, આવા ઉપહાસમાં માનવજીવનનો છેદ ઊડતાં તો ઊડશે, પરંતુ સાથે સાથે અન્ય સર્જન પણ વ્યથા અને વિનાશનો ભોગ બનશે. તેનું પાતક (પાપ) માનવ-સમાજને બંધનકર્તા બનાવશે. વર્તમાન સમયની જે વાસ્તવિકતા છે તે સમજતા હોઈએ કે ન સમજતા હોઈએ, તેને સ્વાર્થી માનસવાળાઓને કોઈ ફેર પડતો નથી. પરંતુ સ્વયંનાં અનુભવ બાદ પણ શાહમૃગનીતિ અપનાવીએ છીએ કે કેમ ? તેનું ચિંતન કરવું રહ્યું.

આપણા દરેક સુખ અને દુઃખના આરોહ-અવરોહને અનુભવવા માટેનું માધ્યમ શરીર છે. શરીરની ક્રિયા-પ્રતિક્રિયાથી અનુભૂતિત સ્પંદનોમાંથી સુખ અને દુઃખને અનુભવાય છે. માધ્યમ જો સક્ષમ રીતે કાર્યરત હોય તો આરોહ-અવરોહને સ્પંદનાત્મક રીતે અનુભવી શકાય, પરંતુ અસક્ષમ હોય તો આરોહ-અવરોહમાંથી ઉત્પન્ન થતા પરિણામને અનુભવી શકતા નથી અર્થાત્‌ શરીર એક માધ્યમ છે તે સક્ષમ હોય ત્યારે દરેક વૈભવ માણી શકાય, પરંતુ નિર્બળ હોય ત્યારે અમૃત પણ વર્જિત બની જાય છે.

આપણી સક્ષમતા અને નિર્બળતાનો માપદંડ સ્વાસ્થ્ય છે. તેવી જ રીતે પ્રકૃતિ અને માનવીય વ્યવહારનો પામદંડ પણ સમાજનું સ્વાસ્થ્ય છે. પ્રાકૃતિક પર્યાવરણ સ્વસ્થ હશે તો સમાજ સ્વસ્થ હશે, પરંતુ સમાજ સ્વસ્થ હશે તો પર્યાવરણ સ્વસ્થ હશે તેવું માનવાને કોઈ કારણ નથી. સમગ્ર સજીવ સૃષ્ટિની તંદુરસ્તીનો આધાર પ્રાકૃતિક પર્યાવરણ ઉપર નિર્ભર છે.

ભૌતિક તેમ જ પ્રાકૃતિક વૈભવ મહાલવા માટેનો આધાર સ્વાસ્થ્ય છે. સ્વાસ્થ્ય સર્વસર્જનની શક્તિ છે. માનવ-જીવનમાં તેની અવસ્થા દરમ્યાન બાળકનું બાળપણ, યુવાનની જુવાની, પ્રૌઢોનું પ્રૌઢત્વ અને વૃદ્ધોનું વૃદ્ધત્વ અનુભવવાની શક્તિ તેની તંદુરસ્તીમાં છે. તેના સિવાયનું જીવન સધવા અને વિધવાના જીવનવ્યવહાર જેવું હોય છે. તંદુરસ્તીમાં વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાનવને ચૈતન્યમય રાખવાની શક્તિ છે, સૃષ્ટિ અને તેના સર્જનને સુન્દરત્તમ રીતે જોવાની દૃષ્ટિ આપે છે. જીવનના અનેક પહેલુઓમાં એક પહેલુ એ છે કે જીવનના દરેક સ્વાસ્થ્યનું રક્ષણ ફક્ત સ્વાસ્થ્ય જ કરી શકે છે. સ્વાસ્થ્ય પ્રકૃતિ અને સ્વયંના નિયમોના પાલનનું પરિણામ છે.

સાત્ત્વિક ભાવથી વૈશ્વિક કલ્યાણની ભાવના રાખતા હોઈએ, ત્યારે આવી ભાવનાને જીવન્ત અને ક્રિયાશીલ રાખવા સંપૂર્ણ સ્વસ્થ હોવું અતિ જરૂરી છે. સ્વાસ્થ્ય કોઈ બજારુ ચીજ કે જરૂરિયાત નથી કે બજારમાંથી ખરીદી શકાય. તેવી ઉત્પત્તિ અને વિકાસ સ્વયં અને સમાજના સામુહિક સંનિષ્ઠ પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થતું અમોઘ બળ છે. તેના પ્રત્યેની બેપરવાહી અનેક રોગોનું મૂળ છે. સ્વાસ્થ્ય શરીર પૂરતું મર્યાદિત નથી, પરંતુ આર્થિક, સામાજિક - જીવન, વિકાસ, સુખ-આનંદ પ્રાપ્તિ માટેનો સ્ત્રોત છે. સ્વાસ્થ્યહીનતા દરેક સત્ત્વને ધીમે ધીમે હણે છે, અને છેવટે મોતનો મલાજો સચવાતો નથી. ખરેખર તો વૈભવપૂર્ણ, સ્વાસ્થ્યહીન જીવન અને સ્વાસ્થ્યમય જીવનમાં પસંદગી કરવાની આવે તો પણ સ્વાસ્થ્યમય જીવનને પસંદ કરવું પડે. પ્રાકૃતિક જીવન અને અકુદરતી મૃત્યુ વચ્ચેની પસંદગી કરવાનો સમય આવે તે પહેલાં આપણે ચેતવું રહ્યું. ચેતશું તો ચિંતન કરવા પ્રેરાઈશું. ચિંતન કરીશું તો નિરાકરણ માટે પ્રયત્નશીલ થઈશું.

(૧) સામાન્ય-જીવન-વ્યવહારમાં સંયમપૂર્વકના આચરણથી પ્રાકૃતિક સમતુલન જળવાય તો મહત્તમ સ્વાસ્થ્યજનક પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય. તેનું પ્રમાણ પ્રાણીજગત છે. વર્તમાન સમયમાં પ્રાકૃતિક પર્યાવરણને આપણે દૂષિત કર્યું છે. તેના કારણે જે રોગો પ્રવર્તમાન છે, તેમાં ૯૦% જેટલું પ્રમાણ આવા દૂષિત પર્યાવરણ અને સંયમવિહીન જીવનવ્યવહારના કારણે સર્જાયેલ છે.

પ્રાકૃતિક પર્યાવરણ અને તેને દૂષિત કરતાં કારણો અને નિરાકરણ સમજવા સહજ છે, જ્યારે મેડિકલ સાયન્સનો વિકાસ અને નિરાકરણ માટેની સમજણ કેળવવી જટિલ અને અઘરી છે. અને તેમ છતાં મેડિકલ સાયન્સ સુલભ બને તો તેના થકી થતી સારવારથી રોગોનું કાયમી નિરાકરણ થતું નથી. સંપૂર્ણ નિરાકરણ નૈસર્ગિક જીવનપદ્ધતિ અનુસારના આચરણ દ્વારા જ પ્રસ્થાપિત કરી શકાય. પ્રકૃતિ તથા તેનું બંધારણ તેની ઉત્પત્તિથી અનંત સુધી જેમ તેનાં સત્યો અચલ અને અમર છે તેમ તેનું પર્યાવરણ પણ અચલ અને અમર પ્રસ્થાપિત કરેલ છે. તેની સાથેની કોઈ પણ પ્રકારની છેડછાડ પ્રાકૃતિક બંધારણને દૂષિત કરે છે. પરિણામે તેના મૂળભૂત સ્વભાવમાં પરિવર્તન આવે છે. સ્વભાવ બદલાતાં તેનું વર્ત પણ બદલાય છે અને વર્તન પ્રમાણે પ્રાકૃતિક પ્રમાણ પણ બદલાય છે. જે પ્રમાણથી સર્જન થયેલ હોય તે પ્રમાણની વધ-ઘટ વિકૃતિમાં પરિણમે છે, જે સ્વાસ્થ્યને હનનકર્તા હોય છે. જેનાં મૂળભૂત કારણો માનવસર્જિત છે.

માનવસમાજ જે ગોદમાં જનમ્યો છે, એ ગોદને ઉજાડવા લાગ્યો છે તે અંગેની સભાનતા આપણામાં છે કે નહીં તે જાણવું રહ્યું. જો સભાનતા હોય અને પ્રકૃતિ સાથે ચેડાં કરે તો અક્ષમ્ય છે. પરંતુ તેનામાં સભાનતા નથી તેમજ સભાન કરવાની જવાબદારી આપણી છે.

આપણે જો સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજતા હોઈએ તો તેને કેળવવાની તેમ જ અનુભવ કરવાની પણ સમજણ કેળવવી રહી. આપણું સ્વાસ્થ્ય સર્જનહારની અમૂલ્ય ભેટ છે અને ભેટમાં ગૂઢ રહસ્ય છે. આપણે રહસ્યને નથી પામવું પરંતુ જે પામ્યા છીએ તેનું અવશ્ય જતન કરવું રહ્યું. સ્વાસ્થ્યમય જીવનની પદ્ધતિ વ્યાધિમય જીવન અને તેના નિરાકરણ માટેની સમજણ કેળવવા માટેનાં જે શાસ્ત્રો છે તેના અભ્યાસમાં સંપૂર્ણ જીવન ઓછું પડે તેમ છે, પરંતુ જીવનની એક જ ઘડીમાં આ જ્ઞાન મેળવવું હોય તો તે છે. નૈસર્ગિક જીવન પદ્ધતિ જે પક્ષી અને પ્રાણીજગતના જીવનમાંથી શીખવા મળે તેમ છે.

સમગ્ર પ્રસ્તુતિમાં પ્રાકૃતિક, પ્રકૃતિ, સર્જન, વિસર્જન, વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, વિશ્વનો વારંવાર ઉલ્લેખ થતાં રુચિભંગ થતો હોય તેમ લાગશે. પરંતુ તેનો ખુલાસો કરવામાં આવે તો કદાચ રુચિભંગ નહીં અનુભવાય, જો તેનો ખુલાસો કરીએ તો દરેક જીવન ગૂઢ રહસ્યોથી ગુંથાયેલ છે. આ ગૂઢ રહસ્યની સમજમાં અમોઘ શક્તિ છે, આ શક્તિ, ગૂઢ રહસ્યમાં રહેલ નિયમને સમજાવે છે. આવા નિયમનના પાલનમાંથી પ્રાકૃતિક જીવન શક્તિ પ્રાપ્તિ થતી હોય છે. આવી શક્તિની સર્જક પ્રકૃતિ છે અને તેનું માધ્યમ તેનું સર્જન છે. આવું સર્જન સમગ્ર સૃષ્ટિ હોવાથી આપણે તેનો એક ભાગ છીએ, એટલે વારંવાર તેનો ઉલ્લેખ અનિવાર્ય બને છે.

આપણા સ્વાસ્થ્યનું રહસ્ય પણ ગૂઢ રહસ્યો પૈકીનું એક છે. જેમ કે જીવન માટે જીવનશક્તિની જરૂરિયાત હોય છે, જીવનશક્તિની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ અથવા તો કાર્યશીલ થવું પડે છે આ ક્રિયાશીલતા જીવનશક્તિની પ્રાપ્તિ બરાબર તેનો ઉપયોગ કરીને તટસ્થ થવામાં છે. તેમાં પ્રાકૃતિક સમાનતાનો નિયમ છે, જો આ સમાનતા અસમતુલિત થાય તો તેની સીધી અસર પ્રાકૃતિક સર્જનના સ્વાસ્થ્ય ઉપર પડે છે.

સામાન્યતઃ જેટલી જીવનશક્તિની જરૂરિયાત હોય તેટલી શક્તિની પ્રાપ્તિ માટે મન, બુદ્ધિ, હૃદય અને શરીરે કાર્યરત થવું રહ્યું, જો તેમ ન થાય તો જે અવયવો આવી શક્તિપ્રાપ્તિમાં અલિપ્ત રહે તે અલ્પવિકસિત રહે છે અને સમયાન્તરે વ્યાધિનું કારણ બને છે. વર્તમાન સમયમાં તેના પ્રમાણ માટે ક્યાંય દૃષ્ટાંત શોધવા નહીં જવું પડે તેવું મારું માનવું છે. વાસ્તવિક જીવનમાં ભલે જીવનશક્તિ સહજ અને સરળ રીતે પ્રાપ્ત કરી શકાતી હોય, પરંતુ તે માટેના આપણા અવયવોએ સમતુલિત ભૂમિકા ભજવી છે કે કેમ તે અવશ્ય વિચારવું રહ્યું.

ક્યારેક આવા અવયવોની ક્રિયાશીલતાની ક્ષતિપૂર્તિ માટે આપણે વ્યાયામનો સહારો લેતાં હોઈએ છીએ, પરંતુ તે કૃત્રિમ પદ્ધતિ છે. ખરેખર તો જે સમયે જે જીવનશક્તિને પ્રાપ્ત કરતા હોય તે જ ગળામાં તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. એટલે કે જો હું ખેડૂત હોઉં તો શારીરિક શક્તિની વિશેષ જરૂરત પડે છે, આથી તે મુજબની જીવન-શક્તિ પ્રાપ્ત કરવા ફક્ત શારીરિક શ્રમને જ મહત્ત્વ આપું તો મન, બુદ્ધિ અને હૃદય આવા કાર્યશ્રમથી અલિપ્ત થાય છે. પરિણામે તે નિર્બળ કે અલ્પવિકસીત રહે છે. ખરેખર તો તે પણ એટલાં જ કાર્યરત હોવાં જોઈએ, જો તે કાર્યરત હશે તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે, અને ઉત્તમ પરિણામ એટલે શારીરિક, માનસિક તેમજ ભૌતિક વિકાસ.

આવી પ્રક્રિયામાં દરેક અવયવોને કેવી રીતે સમાનપણે કાર્યરત કરવા તેવો મૂળભૂત પ્રશ્ન ઉપસ્થિત થાય, સામાન્યતઃ ખેતીવિષયક કાર્યમાં શરીર તો કાર્યરત હોય છે જ, પરંતુ, મન બુદ્ધિ અને હૃદયને કેવી રીતે કાર્યરત કરવા તે અગત્યનું છે. આથી અવા કાર્યમાં મનને તેના પરિણામ માટે, બુદ્ધિને તેના પ્રમાણ માટે અને હૃદયને પ્રાકૃતિક પર્યાવરણની સમતુલા માટે સ્પંદિત કરવામાં આવે તો ચત્રમુખે શક્તિઓનો ઉપયોગ થશે અને વિકસીત થશે. આવી શક્તિઓનો ઉપયોગ કરતાં વપરાયેલ શક્તિને પુનઃપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ થવું પડશે. પ્રાકૃતિક શક્તિઓનો એવો અચલ નિયમ છે કે તેને જેટલી વાપરવામાં આવે તેના બમણા વેગથી નવસર્જન થાય છે. નવસર્જન પ્રકૃતિના સર્જન અને વિસર્જનનું મૂળભૂત હાર્દ છે.

આવી જ પ્રક્રિયા બૌદ્ધિક તેમ જ સર્જનાત્મક ક્રિયાશીલતામાં રહેલી છે. જો મારી જીવનશક્તિ પ્રાપ્ત કરવાનો સ્ત્રોત બૌદ્ધિક પ્રકારનો હોય તો શરીરની કાર્યશીલતા અંગે વિચારવું રહ્યું. બૌદ્ધિક પ્રકારનાં કાર્યોમાં હંમેશાં રાજસી તત્ત્વનું આધિપત્ય હોવાથી સ્વયંના શરીરથી કાર્યભાર વહન કરવાના બદલે પરોક્ષ રીતે તેની ક્ષતિપૂર્તિ કરવામાં આવતી હોય છે, આવી ક્ષતિપૂર્તિમાં પોતે કેટલા ક્ષતિગ્રસ્ત થતા હોય છે. તે તેનો અભાવ જ્યારે વર્તાય છે, ત્યારે ખબર પડતી હોય છે.

સામાન્ય જીવનવ્યવહારમાં ભૌતિક સંપન્નતાના પ્રભાવમાં સન્નારીઓ પોતાના ગૃહકાર્ય માટે અન્યની મદદ લેતી હોય છે. ત્યારે પોતાની પ્રસૂતિ, સૌંદર્ય અને શારીરિક રીતે દુઃખ કે અસંતોષ અનુભવતી હોય છે. સામાન્યતઃ ગૃહકાર્યમાં વ્યક્તિનાં શરીર, મન, બુદ્ધિ અને હૃદય પૂર્ણપણે કાર્યરત થતાં હોય છે. જેમ કે ગૃહકાર્યનું પ્રાથમિક કાર્ય, રસોઈ, કપડાં અને સ્વચ્છતા હોય છે. આવા કાર્યોમાં શરીરના એકેએક અંગની જરૂરિયાત પડતી હોવાથી દરેક અંગ દ્વારા શક્તિનો ઉપયોગ થતો હોય છે અને શક્તિની પુનઃ પ્રાપ્તિ માટે તૈયાર રહેતાં હોય છે. શક્તિના આવાગમનમાં ભવિષ્યની દરેક જરૂરિયાત માટે વિકસિત થતાં હોય છે, જ્યારે તેના અભાવમાં અવિકસિત કે અસમતુલિત થાય છે. પરિણામે જ્યારે જે અંગોની કાર્યોના સંદર્ભમાં જરૂરિયાત ઊભી થાય છે તે જરૂરિયાત પૂર્ણ કરવામાં મર્યાદા અનુભવાતી હોય છે. જેમ કે પ્રસૂતિ કુદરતી નિયમો અનુસાર સામાન્ય (નોર્મલ) હોવી જોઈએ, પરંતુ શારીરિક ક્ષતિઓના કારણે કૃત્રિમ રીતે અપનાવાતી હોય છે.

બૌદ્ધિક પુરુષો પણ જ્યારે શરીરની અવગણના કરે છે, ત્યારે તેનાં વિપરીત પરિણામો ભોગવતા હોય છે. પ્રાકૃતિક નિયમન અનુસાર જીવનશક્તિની પ્રાપ્તિ અને તેના પ્રમાણ ભાન સાથેના ઉપભોગથી સ્વસ્થ જીવનની અનુભૂતિ કરાવે છે. જ્યારે તેનાથી વિરુદ્ધની જીવનશૈલીમાં વિલાસનો અનુભવ કરાવે છે, જે કૃત્રિમ પ્રકારનો હોવાથી જીવનમાં એક યા બીજા પ્રકારે અગમ્ય ઊણપ વર્તાતી હોય છે. આવી ઊણપથી જીવનમાં ચિનમય અનુભૂતિથી વંચિત રહેતા હોય છે.

ઉપરોક્ત પ્રસ્તુતિમાં જે તથ્ય જણાય તે તથ્યો તથા બૌદ્ધિક અને પ્રબુદ્ધ સમાજે આ બાબતે જે નિષ્કર્ષ નિર્દેશ કરેલ હોય તેનો સમન્વય કરીને સ્વસ્થ સમાજની રચના માટે પ્રયત્નશીલ થવું રહ્યું.

૮. સ્વચ્છતા

વૈશ્વિક માનવ-સમાજ તેમના ધર્મ, સંપ્રદાય કે માન્યતાઓ અનુસાર પ્રત્યક્ષ કે પરોક્ષ સમજણ અનુસાર જેમ પરમ તત્ત્વ, પરમેશ્વર કે ઈશ્વર એક હોવાનું પ્રતીત કરે છે, ત્યારે બ્રહ્મની અનુભૂતિ કરે છે. આવી અનુભૂતિની અભિવ્યક્તિ ભલે અનેક પ્રકારે થતી હોય, પરંતુ તેનું મૂળભૂત હાર્દ એકસમાન હોય છે. અને તે એ કે તે અનંત, અવિચળ, સર્વવ્યાપી, સમાન અને અપરિવર્તનશીલ છે. એટલે કે તેનું સ્વરૂપ અતઃથી અનંત સુધી સમાન પ્રવર્તમાન હતું, છે અને રહેશે. આવી માન્યતા કે અનુભૂતિને પ્રમાણિત કરવા માટેની કોઈ રચના હોય તો તે છે પ્રાકૃતિક પર્યાવરણ.

પ્રાકૃતિક પર્યાવરણ પણ પરમ તત્ત્વની જેમ સમાન, અમર અને અજર છે. ‘જેમ’ એટલા માટે કે પર્યાવરણને સામાન્ય વ્યવહારમાં પ્રત્યક્ષ રૂપે અનુભવી શકાય છે, જ્યારે પરમતત્ત્વની અનુભૂતિ સામાન્ય વ્યવહારની મર્યાદા બહાર છે. એટલે કે પર્યાવરણની જ્યારે રચના થઈ હશે ત્યારે નિશ્ચિત પ્રમાણભાર સાથેની હશે, બ્રહ્માંડના સર્જનમાં જે-તે સ્થળ અને સ્થિતિ અનુસાર જે તત્ત્વોની આવશ્યકતા હશે, ત્યાં કેવાં તત્ત્વોના પ્રમાણ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે, અને તે કાયમી સ્વરૂપનું અસ્તિત્વ ધરાવે તે માટેનાં અનેક ગર્ભિત કારણોનું સર્જન કરેલ છે. આ ગર્ભિત કારણોમાં એક કારણ સહઅસ્તિત્ત્વવાદનું છે.

બ્રહ્માંડીય સર્જનમાં પૃથ્વી એક અંશ છે અને આ અંશથી એક સ્વતંત્ર પર્યાવરણની રચના કરેલી છે. આ રચના અનુસાર પ્રકૃતિના સર્જન અને વિસર્જનની પ્રક્રિયા પ્રવર્તમાન છે. પૃથ્વીનું પ્રાકૃતિક પર્યાવરણ બ્રહ્માંડના અન્ય પર્યાવરણના સંકલન સાથેનું હોઈ સ્થળ મુજબ જુદી જુદી જગ્યાએ ફેરફાર હોઈ શકે છે, પરંતુ તેના બંધારણમાં જે તત્ત્વોની જરૂરિયાત હોય છે તે ત્યાંના પ્રમાણભાર સાથેની હોય છે.

ઉપરોક્ત પ્રસ્તુતિને સહજ રીતે સમજવા પ્રયત્ન કરીએ તો પ્રાકૃતિક પર્યાવરણની રચના હવા, પાણી, અગ્નિ, પૃથ્વી અને આકાશના પ્રમાણભાર સાથેની છે. આ પ્રમાણભાર નિશ્ચિત પ્રમાણનો હોય છે. અને આ પ્રમાણભાર મુજબ તેના સર્જનની રચના થતી હોય છે. જો પ્રાકૃતિક પર્યાવરણના પ્રમાણભારમાં ફેરફાર થાય તો તેના સર્જનમાં પણ તે પ્રકારનો ફેરફાર થાય છે, પરંતુ સર્જનના પ્રમાણભારમાં ફેરફાર થાય તો તેના આધારે પ્રાકૃતિક પર્યાવરણમાં ફેરફાર થતો નથી. આવી પ્રક્રિયામાં જ્યારે પ્રકૃતિ અને તેના સર્જનના પ્રમાણભારમાં વિસંગતતા સર્જાય ત્યારે વિકૃતિ સર્જાય છે, આવી વિકૃતિ તેના સર્જનના અસ્તિત્વ માટે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આથી પ્રાકૃતિક પર્યાવરણનો પ્રમાણભાર અને તેના સર્જનનો પ્રમાણભાર જે નિયમો અનુસાર સમતુલિત હોય તેવી પરિસ્થિતિને કાયમ રાખવાની થાય, જો સમતુલા વિક્ષેપિત થાય તો નિશ્ચિત પ્રક્રિયા પણ ખોટકાય છે, જેને આપણે પ્રાકૃતિક પર્યાવરણના પ્રદૂધિત થવા તરીકે સમજીએ છીએ.

સામાન્યતઃ પ્રાકૃતિક પર્યાવરણ તેના અચલ નિયમો આધારિત પ્રવર્તમાન હોવાથી સ્વયં ક્યારેય પ્રદૂષિત થતું નથી, પરંતુ તેના પ્રમાણભાર સાથે કોઈ ચેડાં થાય તો તે અવશ્ય અસમતુલિત થાય, આવાં ચેડાં કરવામાં તેના સર્જનની ભૂમિકા જવાબદાર છે. માનવ-સિવાયનું દરેક સર્જન તેના પ્રાકૃતિક જીવન મુજબ પ્રવર્તમાન હોવાથી તેઓ નિર્દોષ જાહેર થાય છે, જ્યારે માનવ-સમાજ આવા પ્રદૂષણના પાતકને સ્વીકારવા તૈયાર છે કે કેમ ? તે અંગે વિચારવું રહ્યું. તેમના ઉપર સીધો આક્ષેપ કરવામાં આવે તો માનભંગ કરવા માટેના હુમલા થવા સંભવ છે. એટલે સમજણપૂર્વક વિશ્લેષણ કરવું રહ્યું.

પ્રાકૃતિક પર્યાવરણને યથાવત્‌ રાખવાની ક્રિયા-પ્રક્રિયાના સંદર્ભમાં સ્વચ્છતાના હાર્દને સમજવા પ્રયત્ન કરીશું તો સ્વચ્છતા અંગેનું મહત્વ સમજાશે, અન્યથા ત્રણે લુગડે ટાઈટ અને સૌન્દર્ય શણગારમાં સ્વચ્છતા સમાઈ જશે.

સ્વચ્છતાને સૂક્ષ્મ રીતે સમજવી હોય તો પ્રકૃતિના વર્તનને સમજવું રહ્યું. આ વર્તનને સમજવા પ્રયત્ન કરીશું તો તેમાં રહસ્ય અનુભવાશે. આવું રહસ્ય દ્વિ-ભાવી હોય છે. એક કે જે પ્રત્યક્ષ સ્વરૂપે અનુભવી શકાય, જ્યારે બીજા અર્થમાં સૂક્ષ્મ સ્વરૂપની પ્રક્રિયા અનુભવાશે, જેને આપણે બાહ્ય વર્તન અને આંતરિક વર્તન તરીકે સમજીશું.

બાહ્ય વર્તન મુજબ, જે પ્રક્રિયા દૃશ્યરૂપે અનુભવાતી હોય છે, તેની સતત પ્રક્રિયામાંથી પાવિત્ર્યનું સર્જન થતું હોય છે. આવા પાવિત્ર્યમાં જ્યારે સાત્ત્વિકતાની સ્થિતિ પ્રાપ્ત થાય એટલે આંતરિક પ્રક્રિયાનું ધ્રુવીકરણ થાય છે. આવા ધ્રુવીકરણથી આંતરિક મલિનતા સ્વચ્છ થતાં પૂર્ણ સ્વચ્છતા હશે. જ્યાં પૂર્ણ સ્વચ્છતા અનુભવાય છે ત્યાં પરમશક્તિને પ્રત્યક્ષ સ્વરૂપે અનુભૂતિ થાય છે. આ જ પ્રક્રિયાનું હૂબહૂ પરિવર્તન મનુષ્યમાં થયેલું હોય છે. જેમ કે માનવીનું બાહ્ય વર્તન અને આંતરિક વર્તન, માનવીનું બાહ્ય વર્તન સ્વચ્છ હોય તો તેનાથી આંતરિક શક્તિઓ સ્પંદિત થાય છે, આવી સ્પંદિત શક્તિ જીવનું ધ્રુવીકરણ કરે છે. જીવનું ધ્રુવીકરણ થતાં શુદ્ધ અને અશુદ્ધ તત્ત્વોનું વિભાજન થાય છે. વિભાજીત શુદ્ધ તત્ત્વોમાંથી જીવનું પાવિત્ર્યીકરણ થાય છે. જીવના પાવિત્ર્યથી આત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. આવું સાંનિધ્ય કાયમ બને તો તેને આપણે મુક્તિ અથવા મોક્ષ સમજીએ છીએ.

પ્રસ્તુત પ્રસ્તુતિમાં મુખ્યત્વે બે તથ્યોને સમજવા પ્રયત્ન કરીએ છીએ. એક સ્વચ્છતા અને બીજું પ્રદૂષણ. પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છતાનો આગ્રહ રાખીએ તો તેના માટે પ્રયત્નશીલ થવું જરૂરી છે. આપણે પરમ તત્ત્વની કે મોક્ષની પ્રાપ્તિ અર્થે પ્રયત્નશીલ ન થઈએ તો કાંઈ નહીં, પરંતુ જેની પ્રાપ્તિ થઈ છે તેનું તો જતન કરવું રહ્યું. આ પ્રાપ્તિ અન્ય કોઈ નહીં પરંતુ તે છે, ‘મનુષ્ય અવતાર.’ તેના અસ્તિત્વનો આધાર પ્રાકૃતિક પર્યાવરણની સમતુલા અને સ્વચ્છતા ઉપર આધારિત છે. સમતુલાના અર્થને સમજવો હોય તો આપણી નજર સમક્ષ પરંપરાગત તુલાને રાખવી પડે, જેના એક પલ્લામાં માનવીય જીવન ને બીજા પલ્લામાં તેના વ્યવહાર છે. આ બન્ને સમાન થાય ત્યારે કાંટો સમાન્તર થાય એટલે પલ્લાં સરખાં થતાં સમતુલા પ્રસ્થાપિત થાય. એક પલ્લામાં રહેલું માનવ-જીવન તો હંમેશાં બાટ (વજનિયા) સ્વરૂપે છે, પરંતુ તેનો વ્યવહાર સામેના પલ્લામાં હોવાથી તેના પ્રમાણ અંગે સભાનતા રાખવી રહી. આવી સભાનતાના અભાવમાં અસ્વચ્છતા અને પ્રદૂષણરૂપી પદાર્થનો ઉમેરો કે ઘટાડો થતાં પલ્લુ ઊંચું-નીચું થાય છે. પરિણામે તેના મધ્યાન્તરમાં રહેલ કાંટો આગળ-પાછળ થાય છે, જેને અસતુલિત સ્થિતિ તરીકે સમજી શકાય.

રજૂ થતી પ્રસ્તુતિમાં પ્રકૃતિ, પાવિત્ર્ય પરમેશ્વરનો વારંવાર ઉલ્લેખ કરીએ છીએ. જો આ નામનો અર્થ અને ભાવ ન સમજીએ તો અવશ્ય રુચિભંગ અથવા તો આપણી મનોભૂમિમાં નકારાત્મક ભાવનું સર્જન થાય, તેથી તેનું સ્પષ્ટીકરણ કરવું રહ્યું. સામાન્યતઃ આપણે પંચતત્ત્વોથી માહિતગાર છીએ, તેમ માનવું રહ્યું. આમ છતાં જાણવા હોય તો તે છે વાયુ (હવા), જળ (પાણી), અગ્નિ, પૃથ્વી અને આકાશ. આ પાંચ તત્ત્વોના જે સર્જક છે, તે પરમેશ્વર. આ પાંચ તત્ત્વોથી જેનું સર્જન થયેલ છે, તે પ્રકૃતિ. આ પાંચ તત્ત્વો તેના બંધારણ અનુસાર જ્યાં કાયમ હોય ત્યાં પાવિત્ર્ય છે. જેમાં પરમેશ્વર અને પ્રકૃતિ તેના અસ્તિત્વથી અનંત સુધી મૂળભૂત રચના સાથે અમર છે. પરંતુ પાવિત્ર્ય સ્થિતિસ્થાપક છે. આ સ્થિતિસ્થાપકનું કારણ પરમેશ્વર કે પ્રકૃતિ આધીન નહીં, પરંતુ તેના સર્જન આધારિત હોય છે. આવા પાવિત્ર્યને કાયમ રાખવાની જે પ્રક્રિયા છે તે તેના સર્જનનું જીવન છે.

આપણી સામાન્ય સમજણથી એટલું તો અવશ્ય સમજતા હોઈએ છીએ કે જ્યાં પવિત્રતા હોય છે ત્યાં પ્રકૃતિ પ્રસન્ન હોય છે. અને જ્યાં પ્રકૃતિ પ્રસન્ન હોય ત્યાં પરમાત્માનો અનુભવ અને અનુભૂતિ થાય છે, પરમાત્માનો અનુભવ અને અનુભૂતિ જ્યાં થાય તે સ્વર્ગ છે અને તેનાથી વિરુદ્ધનો અનુભવ કે અનુભૂતિ થાય તો તે નર્ક છે. મનુષ્ય કે મનુષ્ય સિવાયનું સર્જન પંચતત્ત્વોના પ્રમાણભાર સાથેનું હોય છે. આ પ્રમાણભાર જ્યાં સુધી સ્થિર રહે છે. ત્યાં સુધી પ્રાકૃતિક તેમ જ માનવીય વૈભવને આનંદપૂર્વક ભોગવાય છે, પરંતુ જ્યારે અસ્થિર બને છે ત્યારે અમૃત પણ વર્જિત બને છે. આવી અસ્થિરતા આ જીવનને જ નહીં, પરંતુ મૃત્યુ અને પુનઃ જન્મને પણ દૂષિત કરનાર હોય છે, જે પ્રત્યક્ષ જીવનમાં સમજાય તેવી હકીકત છે, મૃત્યુના સંદર્ભમાં વિચારીએ તો દરેક ધર્મ અને તેમની આસ્થા મુજબ દેહના અંતિમ સંસ્કાર, અગ્નિ, પૃથ્વી, જળ અને આકાશ દ્વારા કરવામાં આવતો હોય છે, એટલે કે અગ્નિમાં બાળીને, જમીનમાં દફનાવીને, જળમાં તરતો કે ડુબાડીને અને આકાશમાં છૂટો મૂકીને કરવામાં આવતા હોય છે, આવા સંસ્કાર કે વિધિમાં પ્રમાણભાર વિહીન દેહ હોય તો પંચતત્ત્વોમાંથી કોઈ એક કે વધારે તત્ત્વોનો અભાવ હોય છે, ત્યારે પ્રાકૃતિક પર્યાવરણ દૂષિત થતું હોય છે. દૂષિત તત્ત્વોથી લય થતો જીવ એવા જ દુષિત તત્ત્વોથી પુનઃ અવતરણ પામે છે, જેને આપણે પુનઃજન્મમાં ખોડ માનીએ છીએ. રજૂ થયેલ પ્રસ્તુતિ ચિંતન આધારિત છે, પરંતુ જીવશાસ્ત્રના જણાવ્યા અનુસાર એવા કેટલાય જીવો છે કે જે પંચતત્ત્વોથી નથી બનેલા. જેમ કે અમીબા એકકોષીય તત્ત્વથી બનેલ છે. એવા કેટલાય જીવો છે કે જે અસ્થિવિહીન હોય છે.

પ્રાકૃતિક નિયમન મુજબ દરેક સર્જનની આચારસંહિતા અલગ-અલગ પ્રકારની હોય છે. આવી આચારસંહિતા અન્ય સર્જ માટે જુગુપ્સાપ્રેરક હોય છે, તેમ જ પોતાની આચારસંહિતાથી વિરુદ્ધની અનુભવાય છે. જેમ કે કેટલાક જીવો મનુષ્ય જેને ગંદકી સમજે છે તેવામાં જન્મે છે, તેનો આહાર કરે છે અને તેમાં અસ્ત પણ પામતા હોય છે. તેનાં સૂક્ષ્મ કારણો સમજવાં રહ્યાં. સામાન્યતઃ મારું એવું માનવું છે કે પંચતત્ત્વોમાંથી કોઈ પણ તત્ત્વને જેણે પણ અપવિત્ર કર્યું હોય તેને પવિત્ર કરવાની જવાબદારી અપવિત્ર કરનારની હોય છે. તે પછી આ જન્મ દ્વારા કરે કે ચોર્યાસી લાખના ભવફેરામાં કરે, પરંતુ પવિત્ર કર્યા વગર છૂટકો નથી. જો તેનાં પ્રમા સમજવા હોય તો મધ-માખી અને ગંદકીની માખી, હંસ અને ગીધ, સિંહ અને હાથી જેવાં પશુ-પંખીઓનાં જીવન તરફ દૃષ્ટિ કરવી રહી. જેમાં કોઈનો સાત્ત્વિક તો કોઈનો પ્રદૂષિત આહાર હોય છે, જેને આપણે સૂક્ષ્મ દૃષ્ટિથી જોવા અને સમજવા રહ્યા.

સામાન્ય જીવનવ્યવહારમાં પ્રસ્તુત થયેલ નિરૂપણના હાર્દને અગડમ્‌-બગડમ્‌ શૈલીમાં રજૂ કરીને ગૂઢ રહસ્યનો ઓળો ઓઢાડી દેવામાં આવ્યો છે. પરિણામે માનવસમાજ વાસ્તવિક સમજથી વિમુખ અને વિભાજિત થતો જાય છે. જ્યાં રહસ્ય, ગૂઢતા અને દ્વિભાવનું સર્જન થાય છે, ત્યાં વિમાસણની સ્થિતિનું નિર્માણ થાય છે. વિમાસણની સ્થિતિમાં નિર્ણાયક શક્તિ અવઢવમાં પડતી હોય છે. આ સત્ય કે અસત્ય કે પેલું સત્ય કે અસત્ય, તે નક્કી કરવામાં જ જીવન પૂર્ણ થતું હોય છે. આપણે જો વાસ્તવિકને સાહજીકતાથી સમજાવીએ તો સહજતાથી સમજાય છે અને સહજતાથી સમજાય તો નિર્ણાયક સ્થિતિ પ્રાપ્ત કરવામાં સહજતા અનુભવાય છે.

આપણો પ્રયત્ન સ્વચ્છતાની આવશ્યકતાને સમજવા માટેનો છે, સ્વચ્છતા પ્રાકૃતિક પર્યાવરણની સમતુલામાં છે. આવી સમતુલા કેવી રીતે વિક્ષેપિત થાય છે, તે સમજવું રહ્યું. પ્રકૃતિના સામાન્ય વ્યવહારમાં સહઅસ્તિત્વવાદનું નિયમન થયેલ છે, જેમાં એક જીવની જીવનશક્તિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં, જેનો નિસર્ગ કરવામાં આવે છે, તે અન્ય જીવની જીવનશક્તિ પ્રાપ્ત કરવાનાં તત્ત્વો બને તેવો નૈસર્ગિક નિયમ છે. જેમ કે માનવ, પશુ-પક્ષીઓનો જીવન-શક્તિનો મૂળભૂત સ્ત્રોત પ્રાણવાયુ છે. પ્રાણવાયુના ઉપભોગમાંથી અંગારવાયુનો વિસર્ગ થાય છે, જે વનસ્પતિઓે જીવનશક્તિ પ્રાપ્ત કરવાનો સ્ત્રોત બને છે, એટલે પર્યાવરણ સમતુલિત રહે છે. જો આવી પ્રક્રિયા સમાનપણે પ્રક્રિયામય રહે તો જીવન સ્વસ્થ રહે છે, પરંતુ અસમાન બને તો વ્યાધિનું જનક બને છે. આવી વ્યાધિ સ્થાનિક કક્ષાની નહીં, પરંતુ વૈશ્વિક કક્ષાનું સ્વરૂપ ધારણ કરતી હોય છે. તેથી તે અંગે વૈશ્વિક કક્ષાની જાગૃતિ અનિવાર્ય બને છે.

સામાન્ય રીતે વૈશ્વિક કક્ષાએ એવું અનુભવાય છે કે મનુષ્ય સિવાયના અન્ય સર્જનમાં એક સર્જનના ઉપયોગમાં લેવાયેલ તત્ત્વનો ઉપભોગ બાદ જેનો ત્યાગ કરવામાં આવે છે, તે શેષભાગ અન્ય સર્જનના ઉપભોગમાં વપરાતો હોય છે, જ્યારે મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાયેલ તત્ત્વોનો શેષભાગ અપવાદરૂપ સંજોગો સિવાય બિન-ઉપયોગી હોય છે. આવો એકત્રિત થતો કચરો પર્યાવરણની સમતુલાને વિક્ષેપિત કરતો હોય છે, પ્રકૃતિની કમનસીબી એ છે કે જેનું સર્જન સમતુલાના જતન માટે કરવામાં આવ્યું છે તે જ તેનો ભંજક બને છે. આવા પાતકથી ગંભીર બીજું કોઈ પાતક નથી. આપણે આણી જાતને સભ્યતા, સંસ્કાર, સંસ્કૃતિ, વિકસિત, પ્રબુદ્ધતા, બૌદ્ધિક જેવા અલંકારિત ઉપનામોથી નવાજતાં હોઈએ છીએ, ત્યારે આનંદ અનુભવતા હોઈએ છીએ, તો આવાં પદોનું સર્જન કેવી સ્થિતિને આધીન હોય છે, તે સ્થિતિ અંગે અવશ્ય વિચારવું રહ્યું. અન્યથા આવાં પદો પણ માનસિક પર્યાવરણને અસમતુલિત કરનાર પરિબળ તરીકે સમજવામાં આવશે.

વર્તમાન સમયના ભૌતિક વિકાસમાંથી ભલે વૈભવનો વિકાસ થતો હોય અને તેનું સુખ ભોગવતા હોઈએ, પરંતુ તેના સમાન્તર પ્રાકૃતિક સમતુલન પણ કાયમ રહે તેવું આયોજન કરવું રહ્યું. તેની વિસંવાદિતાનાં પરિણામ તો આપણે ભોગવીએ જ છીએ, પરંતુ તે ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જાગૃત થવું રહ્યું. આવી જાગૃતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે સ્વાર્થી માનસિકતા તટસ્થતા ધારણ કરીને સર્વનું કલ્યાણ ઇચ્છીએ. સામાન્યતઃ આપણે એવું સમજતા હોઈએ કે ભૌતિક અને રસાયણવિજ્ઞાનના વિકાસમાં જે વિનાશક શક્તિ છે તે ગોળી કે ગોળા સ્વરૂપે વ્યક્તિગત હાની કરશે તો તે આપણી અધૂરી સમજ છે, આવી શક્તિમાંથી કોઈ ગોળી કે ગોળા છૂટતા નથી, પરંતુ જ્યાં તેની અસર થાય છે તેવા વિસ્તારનું પર્યાવરણ જ અસ્તવ્યસ્ત કરી નાંખે છે અને તડપાવી તડપાવીને દરેક સજીવનો નાશ કરે છે.

આવી જ પ્રક્રિયા આપણા દ્વારા ત્યજાયેલ પદાર્થમાંથી રાસાયણિક પ્રક્રિયા થઈને જીવનનાશક તત્ત્વોની ઉત્પત્તિ થતી હોય છે. તેનું પ્રમાણ અનુભવવું હોય તો કેન્સર, ટી.બી., મેલેરિયા, ડેન્ગયુ, ચિકનગુનિયા, પ્લેગ જેવા વ્યાધિના મૂળ ઉત્પત્તિ કેન્દ્રોને જાણવાં રહ્યાં. આવી વ્યાધિઓ, રોગનાં મૂળભૂત કારણો બેકટેરિયા સુક્ષ્મ કે જીવાત આધારિત હોય છે. આવા બેક્ટેરિયા કે જીવાતની ઉત્પત્તિ માટે એવા હવામાનની જરૂરિયાત હોય છે કે જ્યાં તેમનો જમ થાય, આવું હવામાન આપણાથી ત્યજાયેલ પદાર્થની પ્રક્રિયામાંથી સર્જાય છે. આવું હવામાન કે વાતાવરણ ફક્ત આવા જીવલેણ રોગોનું જ કારણ નથી બનતું પરંતુ માનસિક, આર્થિક અને સામાજિક જીવનને પણ અસ્થિર બનાવતું, હોય છે. તેનાં પ્રમા આપણા ભૂતકાળ અને વર્તમાનમાં અવશ્ય અનુભવ્યાં હશે, આપણે આપણી જાતને મનુષ્ય, માનવીય-જીવનથી સંસ્કૃત, પ્રસ્થાપિત કરવા હોય તો અનુભવોમાંથી કોઈ બોધપાઠ લઈને, તેવી સ્થિતિનું પુનઃ નિર્માણ ન થાય તે માટે તકેદારી રાખવી રહી.

પર્યાવરણની સમતુલા અને સ્વચ્છતા માટે સરકાર અને તેની એજન્સીઓ કાર્યરત હોય છે, સરકાર અને તેની એજન્સીઓ આવી ગંભીર બાબતોને સમજતી હોય, કે ન સમજતી હોય પરંતુ તેની જવાબદારી સફાઈ કામદાર ઉપર છોડી દઈને જવાબદારીથી મુક્ત થતા હોય છે, જેની ગંભીરતા તેના પદાધિકારીઓ અને વ્યવસ્થાપકો ન સમજતા હોય તેવી સ્થિતિમાં સફાઈ કામદારોને દોષ ન આપી શકાય.

સરકાર કે સરકારી એજન્સીઓના વ્યવસ્થાકોની ઇચ્છાશક્તિ શું હોઈ શકે તે કલ્પવું મુશ્કેલ છે, પરંતુ તેનાં જે પરિણામ અનુભવાય છે તે નકારાત્મક હોય તેમ જણાય છે. તેના પ્રમાણ જોઈતાં હોય તો સમાજની માનસિકતાને પૂછવું રહ્યું. ખેર, જે છે તેનું નિરાકરણ શક્ય છે, તે માટે અવશ્ય રાહત અનુભવાય.

આવી રાહતનો સદ્‌ઉપયોગ કરવો હોય તો સઘળી જવાબદારી સરકારી એજન્સીઓ ઉપર છોડવાના બદલે જે છે તે સ્થિતિનો તમાશો જોવામાંથી બહાર આવીને આવી એજન્સીઓને સહાયક બનવાની ભૂમિકા માટે તૈયાર રહેવું જોઈએ :

(૧) સ્થાનિક એજન્સીઓના સ્વચ્છતા અંગેના જે નિયમો હોય તેનો ચુસ્તપણે અમલ કરીએ.

(ર) આવા અમલીકરણમાં જ્યાં ક્ષતિઓ જણાતી હોય તેની ક્ષતિપૂર્તિ માટે સહાયક બનીએ.

(૩) જ્યાં સહાયક ભૂમિકામાં એવું અનુભવાય કે જે તે પરિસ્થિતિનું કારણ કોઈ પણ અધિકારી કે પદાધિકારીના સ્વાર્થ, સક્ષમતા કે જવાબદારી અંગેની સભાનતાના અભાવના કારણે છે, તો સક્ષમ સત્તાના ધ્યાને લાવીએ. અને તેમ છતાં કોઈ પરિણામ પ્રાપ્ત ન થાય તો આવા સત્તાધિકારીની માનસિકતામાં પરિવર્તન લાવવાના પ્રયત્ન કરીએ.

(૪) જાહેર સામાજિક જવાબદારીઓને સમજીએ અને તે મુજબનું અમલીકરણ કરીએ.

આ આપણી સંનિષ્ઠ નાગરિક તરીકેની પ્રાથમિક જવાબદારી અને ફરજ છે, તેને નિભાવવી રહી.

૯. વ્યક્તિગત કર્તવ્ય

સમગ્ર ચર્ચામાં કેન્દ્રસ્થાને માનવી એટલે કે વ્યક્તિ છે. વ્યક્તિમાંથી કુટુંબ, કુટુંબમાંથી સમાજ અને સમાજમાંથી રાષ્ટ્રનું નિર્માણ થાય છે. એટલે કે જે આરોહ અવરોહ છે તે વ્યક્તિ અને રાષ્ટ્ર વચ્ચેનો છે. જો આ આરોહ-અવરોહથી સ્પંદનાત્મક મધુર ધ્વનિનં સર્જન થાય તો તેની મધુરતા વિશ્વવ્યાપી બને, અર્થાત્‌ વ્યક્તિ સક્ષમ હશે તો સમાજ ને રાષ્ટ્ર પણ નિર્બળતા અનુભવાશે. એટલે વ્યક્તિની જાગૃતિથી ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય. વ્યક્તિ દરેક સુખોના સર્જક અને વિનાશકની ભૂમિકામાં પ્રથમ સ્થાને છે. એટલે,

(૧) વ્યક્તિ પોતાની જીવનશક્તિ, સુખ અને વૈભવ ભોગવવા માટે અનેક પદાર્થનો ઉપયોગ કરતો હોય છે તેવા પદાર્થમાંથી ઇચ્છિત ભોગ પ્રાપ્ત કરીને જે અભોગ્ય પદાર્થનો ત્યાગ કરે છે, તેના નિરાકરણ અંગે યોગ્ય વ્યવસ્થા કરવી રહી. જે જરૂરિયાત વ્યક્તિની હોય છે તે જ જરૂરિયાત કુટુંબ, સમાજની હોય છે. કુટુંબ અને સમાજ વ્યક્તિ પ્રમાણે સમાન રીતે આચરણ કરે તો સામૂહિક કચરાના નિકાલની જવાબદારી જે તે સંસ્થા કે વ્યવસ્થાપકની બને, સમાજ અને વ્યવસ્થાપક સમાન રીતે વર્તન કરે તો અયોગ્ય કચરાનો નિકાલ સરળ રીતે કરી શકાય.

(ર) સામાન્યતઃ વ્યક્તિની માનસિકતા વૈભવનો મહત્તમ ઉપભોગ કરીને પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવાની હોય છે, આવી પ્રતિષ્ઠા ક્યારેક ભ્રામક બનતી હોય છે. આથી વૈભવના ઉપભોગમાં સંયમ અનિવાર્ય બને છે.

(૩) શરીરની પ્રાકૃતિક રચના પંચતત્ત્વોના પ્રમાણભાર સાથેની હોય છે, આ પ્રમાણભારનું સમતુલન કેળવવા જરૂરિયાત મુજબ તત્ત્વોનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સમતુલિત રહે છે, પરંતુ અપ્રમાણભારના ઉપભોગમાં સમતુલા વિક્ષેપિત થાય છે, જે વ્યાધિ તરીકે અનુભવાય છે. આવી વ્યાધિ અન્ય સમૂહને પણ અસર કરતી હોય છે. તેથી ઉપભોગ થતી વસ્તુના તત્ત્વભારનું પ્રમાણભાન કેળવવું રહ્યું.

સ્વચ્છતાની જાળવણી વ્યક્તિગત રીતે નહીં, પરંતુ સામૂહિક જવાબદારીથી નિભાવવાની થાય છે. પરંતુ તેની શરૂઆત વ્યક્તિથી થાય છે, કેમ કે જેમ પરમ તત્ત્વ એક છે તેમ માનવસમુહ પણ એક છે, જેવો પરમાત્માનો વ્યાપ છે તેવો જ માનવ-સમાજનો વ્યાપ છે, જેમ પ્રકૃતિ સૌન્દર્યમય અને ચિન્મય આનંદની પરાકાષ્ઠા છે, તેમાંથી ઉત્પન્ન થતા સદ્‌ચિત્ત આનંદને નિહાળવો અને માણવો હોય તો સ્વચ્છતા અનિવાર્ય છે. જો આ દિવ્યતાને અનુભવીશું તો સ્વયંની દિવ્યતા આપોઆપ પ્રગટ થશે.

સ્વચ્છતા આપણા જીવન માટે સ્વાસ્થ્ય, શક્તિ, સર્જન, સુખ, સમૃદ્ધિ, આનંદ અને વિકાસ સાથે તાદાત્મ્યતા કેળવવા અને મેળવવા માટેનું આસન છે, અને તેની ઓળખ પણ છે, તેમજ પ્રસન્નતાની જનક છે.

આપણે જો સ્વચ્છતાનું મહત્ત્વ સમજ્યા હોઈએ તો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વચ્છતા માટે સહાયક બનીને તેનું આયોજન કરીને પ્રવૃત્ત થઈએ.

૧૦. સામાજિક સમભાવ

પ્રકૃતિ તેના સર્જનથી પરિપૂર્ણ છે. આ પરિપૂર્ણતાને ચૈતન્યમય રાખવા માટે તેને ચલ અને અચલ પ્રકારનું જીવન આપેલું છે. ચલ અને અચલ જીવન સક્રિય રહે તે પ્રક્રિયા માટે જરૂરિયાત ઊભી કરવામાં આવી છે. જરૂરિયાત પૂર્ણ કરવા માટેની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે જીવન છે, આ જીવનના અસ્તિત્વને કાયમ રાખવા માટે સહઅસ્તિત્વ, સહાયક અને એકબીજાના પૂરક બનાવ્યાં છે. જેમાં ચલની ગતિશીલતા અને અચલની ગતિહીન પ્રવૃત્તિના સમન્વયમાંથી જ્યાં સમતુલા કેળવાય છે, ત્યાં એકબીજાનું જીવન આનંદમય અને યથાર્થ અનુભવાય છે.

ચલ સ્વરૂપનું સર્જન પ્રાણી, પક્ષી, કીટક અને મનુષ્ય છે, જ્યારે અચલ સ્વરૂપ વનસ્પતિ, પર્વત, જમીન છે. આ દરેકનું સર્જન પંચતત્ત્વો આધારિત છે. પંચતત્ત્વોની સમતુલા કાયમ રહે તે માટે ચલ અને અચલ માટે પ્રાકૃતિક નિયમોનું સ્થાપન થયેલ છે, જે એકબીજાથી વિરુદ્ધનું વર્તન કરે તે છે, એટલે કે ચલ અચલ અને અચલ-ચલની મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય. જો આવી મર્યાદાઓનું ઉલ્લંઘન થાય તો પ્રાકૃતિક પર્યાવરણ અસંતુલિત થાય છે. તેનાં પરિણામોની કલ્પના કરીએ તો તેની ગંભીરતા સમજાય.

જેમ કે મનુષ્ય, પ્રાણી-પક્ષીઓ અચલતા ધારણ કરે તો શું પરિસ્થિતિ સર્જાય, અને પર્વતો, રણો અને વનસ્પતિ ચલાયમાન થાય તો કેવાં પરિણામ સર્જાય તે અંગે વિચારવું રહ્યું. મનુષ્ય સિવાયનું સર્જન તેના આઘાત પ્રત્યાઘાતો સમજતા હોય કે ન સમજતા હોય, પરંતુ તેઓ પ્રકૃતિના મૂળભૂત નિયમો અનુસાર વર્તન કરે છે. જ્યારે મનુષ્ય સમજતો હોવા છતાં તેનાથી વિમુખ થતો જાય છે. તેનું અર્થઘટન એવું ન થાય કે મનુષ્યે સ્થિર ન રહેવું, પરંતુ સ્થિરતા સાથે માનવતાસહજ કર્તવ્ય પણ અપનાવવું રહ્યું. માનવતાસહજ કર્તવ્યમાં માનવ તરીકેની ઓળખ છે. આ ઓળખને કાયમ રાખવી રહી.

વિશ્વસમાજ તેની સામાજિક પરંપરા, સંસ્કાર અને સભ્યતા અનુસાર રચાયેલ છે. આ રચનાનું મૂળભૂત હાર્દ સુરક્ષા હતી અને છે. માનવસમાજનો માનસિક વિકાસ થતાં ભૌતિક સભ્યતા અને વિકાસ થતાં સાથે સુરક્ષિત થતાં તેની પરંપરાગત વસાહતમાંથી છૂટા પડવા લાગ્યા અને સ્વતંત્ર અન્ય સમૂહ સાથે રહેવા લાગ્યો. શરૂઆતમાં આવી સ્વતંત્રતા તેના મૂળભૂત સમાજની જે પરંપરાઓ હતી તે અનુસાર કુટુંબ-કબીલા સાથે અલગ થયો, પરંતુ કુટુંબના સભ્યોનો પણ વિકાસ થતાં કુટુંબ અને કબીલાથી અલગ અસ્તિત્વ સાથે વ્યક્તિનો સ્વયંનો વિકાસ થતાં અન્ય સભ્યોએ તેનું અનુકરણ કરવા માંડ્યું. આ વિકાસ અને સ્વાતંત્ર્યની દોડમાં આજના સમાજની રચના થઈ.

વર્તમાન સમયની માનસિક સ્થિતિ એ હદે આવી કે વ્યક્તિએ વિકાસ કરવો હોય તો અલગ થાઓ અને સ્થળાંતર કરો, અને તેનાં વાસ્તવિક પરિણામો પણ આવ્યાં, પરંતુ આ પ્રક્રિયા વાસ્તવિક પરિસ્થિતિની એક જ બાજુ છે. તેની બીજી બાજુ અધૂરી રહી અને તે એ છે કે ‘માનવીય સંબંધ’ કે જેમાં માનવીય જીવની અનુભૂતિ થાય છે.

પ્રાકૃતિક રચના અનુસાર પ્રાણીજગતની દરેક યોનિમાં એક કુદરતી સ્વભાવ હોય છે, આ સ્વભાવ મુજબ દરેકે દરેક પ્રાણીનો સમૂહ બને છે અને તે એકબીજાથી અલગ અસ્તિત્વ ધરાવે છે. મહત્તમ ભાગે આવા સમૂહ જે સમૂહમાં જન્મે છે, એ જ સમૂહમાં મૃત્યુ પણ પામે છે, એટલે કે એક જંગલમાં અનેક જગ્યાએ હરણો હોય છે. આ હરણોના જુદા - જુદા સમૂહ હોય છે, એક સમૂહનું હરણ બીજા સમૂહમાં જતું નથી. તેવી જ રીતે સ્થળાંતર કરે છે ત્યારે તે પોતાનો સમૂહ છોડીને અન્ય સમૂહમાં જતું નથી, આવી એક કુદરતી પરંપરા હોય છે. તેનાં અનેક ગૂઢ રહસ્યો હોય છે, જેમાંનું એક તેમના અસ્તિત્વને ટકાવી રાખવાનું હોય છે.

માનવી દરેક પ્રાણીજગત કરતાં બુદ્ધિના વિકાસને કારણે અલગ પડે છે. આ એક સકારાત્મક શક્તિ છે. પરંતુ તેનાં પરિણામ નકારાત્મક રીતે અનુભવાય છે. જેમ કે બુદ્ધિ વગરનાં પ્રાણીજગત કુદરતે સર્જેલ નિયમો અનુસાર વર્ત્યાં છે, જ્યારે માનવસમાજે તેની બુદ્ધિક્ષમતાના કારણે કુદરતી નિયમોને ચાતર્યા છે. તેણે તેનો સમાજ બદલ્યો છે, પરંતુ પરંપરાગત સ્વભાવ અનુસાર અન્ય સ્વભાવ સાથેના સમાજ સાથે જે ભળવો જોઈએ તે ભળી શકતો નથી, એટલે તે ક્યારેક એકલો પડે છે. આવા એકલા પડેલાઓની સભ્ય સંખ્યા જ્યાં એકત્રિત થાય છે, ત્યાં વર્તમાન સમાજનું સર્જન થયેલ છે. આવા સમૂહમાં જે આત્મીય સંબંધો કે પ્રાકૃતિક સંધાન હોવું જોઈએ તે નથી હોતું.

આવી જ ગ્રામ વિસ્તારોની પરિસ્થિતિ છે. ગ્રામ વિસ્તારોમાં પરંપરાગત જ્ઞાતિપ્રથા, ધર્માચરણ તથા માનસિક સંકુચિતતાના કારણે લઘુતા અથવા ગુરુતાગ્રંથિથી જે ભાવનાત્મક રીતે ઐક્ય હોવું જોઈએ તે નથી હોતું. પરિણામે ગામ એક અને વાડા અનેક હોય છે. આપણી પરંપરા અનુસાર જો વિચારીએ તો ગણ્યા ગણાય નહીં એટલા ફાંટા છે, જેમાં ક્યારેક વિવિધતામાં એકતા ને એકતામાં કોઈ નહીં જેવી પરિસ્થિતિ અનુભવાય છે. આવી પરિસ્થિતિમાં અરાજકતા સિવાય કાંઈ ન મેળવી શકાય. આવી અરાજકતામાં કોઈને મારીને વિશ્વબંધુ ન બનાવી શકાય, પરંતુ માનવીય જીવનનાં સાચાં સુખોની અનુભૂતિ કરાવવામાં આવે તો અવશ્ય પ્રસન્ન સમાજની રચના થાય. મારી દૃષ્ટિએ પ્રસન્ન સમાજની એવી સમજ છે કે જ્યાં પ્રાર્થના સભાઓનું આયોજન થતું હોય, ત્યાં સામૂહિક નમાજ પઢાતી હોય, જ્યાં પ્રાકૃતિક આપત્તિઓમાં પ્રેમ, સહકાર, સેવા અને માનવીય હૂંફનું સર્જન થતું હોય છે, ત્યારે જે ભાવનાત્મક રીતે ઐક્યનું વાતાવરણ સર્જાય થાય છે તે સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર અસ્થાયી સ્વરૂપની નહીં, પરંતુ આવું વાતાવરણ કાયમ પ્રવર્તમાન રહે તેવા સમાજની રચના છે. વિકસિત સમાજની જે પણ વ્યાખ્યા કે અર્થઘટન કે પરિભાષા થતી હોય તે, પરંતુ જ્યાં “માનવતા” અધ્યાહાર હોય ત્યાં વિકસિત સમાજની પરિકલ્પના વ્યર્થ છે.

સમાજના ભૌતિક વિકાસની પ્રક્રિયા દરમ્યાન જે મંથન થાય છે તેમાંથી ઇચ્છિત અને અનિચ્છિત બંને પ્રકારાં પરિણામ ઉત્પન્ન થાય છે. ઇચ્છિત પરિણામ તો સમુદ્રમંથનથી આજદિન સુધી લુંટાઈ જાય છે, પરંતુ અનિચ્છિત પરિણામોનું કોઈ રણી-ધણી થતું નથી, એટલે સમાજમાં ફેલાય છે. જો નીલકંઠ જેવો કોઈ ભાવ નહીં કેળવાય કે વિકસાવવામાં નહીં આવે તો ઇચ્છિત ફળો ક્યાંય નષ્ટ થઈ જશે અને અનિચ્છિત અરાજકતા ઉભરાઈને ઉપર આવશે.

વિકસિત સમાજનાં ઇચ્છિત પરિણામ અપવાદરૂપ સંજોગો સિવાય નથી અનુભવી શકાતાં, પરંતુ અનિચ્છિત પરિણામ અવશ્ય અનુભવીએ છીએ. તેની ઝલક જો સ્વયંથી શરૂ કરીએ તો ગૃહકલેશ, અનૈતિક વ્યવહાર, વૃદ્ધાશ્રમ, જુવેનાઈલ કોર્ટ, અનાથ આશ્રમ, નારીગૃહો, બાલસંરક્ષણ ગૃહો, લૂંટફાટ, ખૂન, આપઘાત, ભ્રષ્ટાચાર, અશાન્તિ, અજંપો, છેતરપિંડી, લાઠી એની ભેંસ, રામનામ જપના ઔર પરાયા માલ અપના, જેવી પરિસ્થિતિમાં માનવતાની અધોગતિની હીમશિલાની ટોચના ભાગ જોઈ શકાય છે. જો આવી પરિસ્થિતિ કાલ્પનિક નહીં પરંતુ હકીકતમાં સમજાતી હોય તો માનવતા અને ભવિષ્યની પેઢીના હિત ખાતર પણ આપણે જાગૃત થવું રહ્યું.

વર્તમાન સમયની વિકાસની દૃષ્ટિ કઈ સિદ્ધિ ઉપર કેન્દ્રિત થાય છે તે નિશ્ચિત કરવું રહ્યું. જો આ દૃષ્ટિ ફક્ત ને ફક્ત ભૌતિક વિકાસ તરફની હશે તો આ વિકાસ થકી જ માનવ-સમાજ નષ્ટ થશે, તેમાં કોઈ બેમત નથી. માનવતાવિહીન ભૌતિક વિકાસ અશાન્તિ, અરાજકતા અને વિનાશનો સર્જક છે. એટલે વિકાસનાં સકારાત્મક પરિણામ અનુભવવાં હોય તો ભૌતિક વિકાસ સાથે માનવતાનાં સંવર્ધન માટે પણ નિર્ણાયક બનવું રહ્યું.

સામાન્યતઃ કોઈ પણ પ્રક્રિયાનાં બે પરિણામ હોય છે. એક હકારાત્મક અને બીજું નકારાત્મક. હકારાત્મક પરિણામની અસર કોઈપણ એક સ્થિતિએ આવીને સ્થિર થતી હોય છે, જ્યારે નકારાત્મક પરિણામ સમાજને ક્યારેય સ્થિર થવા દેતું નથી. સ્થિર થવાની સ્થિતિ વિકાસ માટેનો પાયો છે, અને ત્યાર બાદના વિકાસના માપદંડનો આધાર બને છે. જ્યારે નકારાત્મક પરિણામ સકારાત્મક પરિણામની પ્રક્રિયાને વિપરીત કરે છે. આથી સકારાત્મક પરિણામનું પણ અવમૂલ્યાંકન થાય છે. આથી તંદુરસ્ત સમાજની રચના કરવી હોય તો ભૌતિક વિકાસ સાથે માનવ-મૂલ્યોનો પણ વિકાસ થાય તેવું વ્યવસ્થિત આયોજન કરવું રહ્યું.

વૈશ્વિક પરંપરા અને તેના આચરણ દ્વારા જે આચારસંહિતાનું સર્જન થયેલ છે તેનું મૂલ્યાંકન કરવું કઠિન છે, પરંતુ વૈચારિક દૃષ્ટિથી પૃથક્કરણ કરતાં તેનો નિષ્કર્ષ શું છે તે અવશ્ય અનુભવાય છે. જો મારી માનસિકતા નકારાત્મક સ્વરૂપની ન હોય તો પણ મને નકારાત્મક અનુભૂતિ થાય છે. તેનાં અનેક કારણ હશે, તેમાં એક કારણ મારી સમજણની મર્યાદા પણ હોઈ શકે અથવા વૈશ્વિક ખંડોના માનવીય વ્યવહારથી પરિચિત ન હોવાનું પણ બની શકે છે.

મારી માનસિકતા કોઈ પણ તથ્યમાંથી શુભત્વ અને સદ્‌ગુણોને સ્વીકારવા અને અશાન્ત કરે તેને નજરઅંદાજ કરવા આવું મંતવ્ય વ્યક્ત કરવાનાં અનેક કારણો છે, તેમાંનું મુખ્ય કારણ ‘માનવતા’ની અનુભૂતિ કરવાની તેમ જ તે મુજબ આચરણ કરવાનું છે. જ્યારે જ્યારે આવી અનુભૂતિ થયેલી છે ત્યારે જે પ્રસન્નતા અનુભવેલ છે, તે અવર્ણનીય છે. આવી જ પ્રસન્નતાના સર્જક જ્યારે સંજોગોને આધીન નિર્બળતા ધારણ કરે છે ત્યારે જે પરવશતા, નિઃસહાય સ્થિતિ અનુભવતા જણાય છે, ત્યારે જે ખિન્નતા અનુભવાય છે તે અસહ્ય હોય છે. આથી સમાજમાં એવું ભાવનાત્મક વાતાવરણ હોવું જોઈએ કે જે હાથ પહેલાં ઉપર હોય તે જ હાથ જ્યારે નીચે આવે ત્યારે તેની સ્થિતિને સુધારી લેવી જોઈએ. અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે બે હાથ એક થાય.

વૈશ્વિક પરંપરા જે પણ હોય, પરંતુ ભારતીય પરંપરા તો અનુભવાયેલ હકીકતો ઉપર આધારિત હોય છે. ભારતીય પરંપરામાં અવિભક્ત કુટુંબની પ્રથા પ્રચલિત હતી અને અપવાદરૂપ સંજોગો સિવાય હશે અને છે. આવી પ્રથા અનેક સદ્‌ગુણોથી સંપન્ન છે, જે વાસ્તવિક રીતે સમજી શકાય તેમ છે. જેમ કે બાલ્ય અવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી મળતી આપ્તજનોની માનવીય હૂંફ અને પ્રાકૃતિક રચનાનો ક્રમ જીવન્ત અનુભવાય છે. બાળક જ્યારે જન્મે છે, ત્યારે માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી, ભાઈ-બહેન, ફોઈ, દરેકનો પ્રેમ અને હૂંફ મળતાં હોય છે. આ જ બાળક જ્યારે જુવાન થાય, પપ્પા બને અને દાદા બને ત્યાં સુધીના દરેક ઘટનાક્રમમાં જે માનવીય જીવનનો આનંદ હોય છે, તે અનુભવાતો હોય છે.

બાળક હોય ત્યારે તેનાં દાદા-દાદીની હૂંફ મળે છે, અને એ જ બાળક જ્યારે દાદા બને છે ત્યારે તેનાં પૌત્ર-પૌત્રીની હૂંફ મળે છે. એટલે કે જ્યારે બાળક અસહાય હોય ત્યારે દાદા-દાદી સહાય કરે છે, અને દાદા-દાદીના વૃદ્ધત્વમાં જ્યારે માનવીય હૂંફની જરૂરિયાત પડે છે ત્યારે પૌત્ર-પૌત્રાદિનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. આવો ક્રમ પેઢી દર પેઢી ચાલ્યા જ કરતો હોય છે.

જ્યારે આજના વિભક્ત કુટુંબની પરિસ્થિતિ કલ્પના કરતાં પણ વધુ ગંભીર અને અસહ્ય અનુભવાય છે. બાળકો ભાડાની વ્યક્તિઓે હવાલે, મા-બાપ એકલાં અટૂલાં અથવા વૃદ્ધાશ્રમમાં, પતિ-પત્ની ભાજી-પાઉં ખાઈને સ્પંદનહીન ખાટલાને હવાલે, કોેને શું મેળવ્યું કંઈ જ ખબર નથી.

સ્વસ્થ સમાજરચના સ્નેહભાવના તાંતણાથી રચાય છે, નહીં કે વૈભવની ચમકથી. આવી ચમક ઝાંઝવાનાં નીર સમાન હોય છે. એ જ્યારે સૂર્ય તપતો હશે ત્યારે જ તેનો ભાસ થશે, જ્યારે આથમશે ત્યારે અંધકાર સિવાય કંઈ નહીં હોય. આથી તપતા સૂરજમાં પ્રસન્ન જીવનનો આનંદ માણવો હોય તો માનવતાસહજ સમાજની રચના આવશ્યક નહીં અનિવાર્ય છે.

આવી અનિવાર્યતાને પરિપૂર્ણ કરવી હોય તો કોઈ વ્યક્તિ કે વ્યક્તિસમૂહની શક્તિથી નહીં, પરંતુ સમગ્ર સમાજની સ્પંદનશક્તિથી શક્ય છે. વર્તમાન સમયમાં જેઓ સમાજના શુભચિંતકો છે તેઓ પ્રયત્નશીલ તો છે જ, પરંતુ કેટલીક મર્યાદાઓને કારણે જે પ્રતિબિંબ પડવું જોઈએ તે પડતું નથી.

વર્તમાન સમયમાં આપણી માનસિકતા વિભાજિત છે, જેમાં એક મદદકર્તા અને બીજો ઉપભોગતા. જેમાં મદદકર્તાની ભાવના જે સમાજથી સંપન્ન થયો હોય તે સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા જે તે પ્રકારે અનુદાન કરતા હતા અને તે કરે છે. પરંતુ ભૌતિક વૈભવ અને દાનના ઉપભોગતાની માનસિકતા કલુષિત થતાં મૂળ ભાવના નિઃસ્તેજ થતી જાય છે. દિનપ્રતિનિ આપણી આર્થિક સમયસ્યાનું મૂળભૂત કારણોનું નિરાકરણ કરવાના બદલે એક યા બીજી રીતે કનિષ્ટથી કરોડપતિ સુધીના સમૂહને જુદા જુદા નામે સહાય કરવામાં આવતી હોય છે. આવી સહાય સમય, સંજોગો અને પરિસ્થિતિ અનુસારની હોય તો તેની સાથે કોઈ હરકત નથી, પરંતુ કોઈપણ સમૂહના જીવનની જરૂરિયાત બની જાય છે ત્યારે તેનાં અનેક નકારાત્મક પરિણામ ઉદ્‌ભવતાં હોય છે, જે લાભાર્થીઓની માનસિક પંગુતા અને સરકારી રાહતોમાં હક્કના આધિપત્યમાં પરિણમે છે. આવી વ્યવસ્થા રાષ્ટ્રની આંતરિક સમાજ વ્યવસ્થાને છિન્નભિન્ન તો કરશે જ, પરંતુ તેના આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતો અસહ્ય હશે. જો તેનાં પ્રમાણ અનુભવવાં હોય તો રાષ્ટ્રીય બુદ્ધિધન અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગનું મનોવલણ સમજવું રહ્યું. આપણે વૈશ્વિક ઉદ્યોગપતિઓનું રાષ્ટ્રમાં રોકાણ કરવાનું પ્રોત્સાહન આપતા હોઈએ, ત્યારે રાષ્ટ્રના ઉદ્યોગપતિઓ બહારનાં રાષ્ટ્રોમાં રોકાણ કરે છે તેને સમજવું રહ્યું. વૈશ્વિકરણમાં વિકાસની મૂળભૂત શક્તિ સ્થાનિક પ્રજાની આર્થિક અને માનસિક ક્ષમતા ઉપર નિર્ભર છે. જો પ્રજા જ નિર્બળ હશે તો મનુષ્યના સર્જનથી આજ દિન સુધીમાં નહીં અનુભવેલ હોય તેવી કરુણ પરિસ્થિતિ અનુભવવા અને સાંભળવા મળે છે. જો તેનું પ્રમાણ જોઈતું હોય તો સક્ષમતા વગર વૈભવ ભોગવવાના જેમનામાં કોડ હોય છે - તેમના જીવન પ્રત્યે દૃષ્ટિ કરવી રહી.

પ્રશાસન અને મૂડીવાદીને માનવીય જીવનની મહત્વતા સમજાય તો માનવતા સાથે ભૌતિક વિકાસ કરી શકાય તેવી દૃષ્ટિ કેળવવી રહી. અન્યથા ગ્રામીણ કિસાન અને શહેરનો વેપારી એક જ કારણસર આપઘાત કરે છે, એને તે કારણ છે માનવીય અને આર્થિક ભીંસ.

આપણે સામાજિક વિપત્તીઓનું નિરાકરણ કરવું હોય તો માનવીય હૂંફ એટલે કે માનવતાસભર વાતાવરણનું સર્જન કરવું રહ્યું. આવું સર્જન ત્યારે જ શક્ય બને કે જ્યારે વ્યક્તિ કે વ્યક્તિસમૂહ જન્મથી મૃત્યુપર્યન્ત શરીર અને જીવની જે તે સમય અનુસારની પ્રામાણિક ઈચ્છાઓ હોય તે સહજ રીતે તૃપ્ત કરવાની સક્ષમતા ધરાવતા હોય ત્યારે પ્રસન્ન જીવન અનુભવે, આવી જ પ્રસન્નતા અન્ય સર્જનોમાં અનુભવાય તે માટે સહાયક બનીએ ત્યારે જે પરસ્પરના ભાવમાં ઊર્મિ અનુભવાય, તે ઉષ્મા સ્વરૂપે પ્રગટ થાય ત્યારે ‘માનવીય હૂંફ’નો અહેસાસ થાય છે. આવા અહેસાસમાં ભાવનો ઘોષ-પ્રતિઘોષ સર્જાય ત્યારે માનવતાસભર વાતાવરનું સર્જન થાય છે. આવા વાતાવરણમાં જીવન પ્રસન્નતામય અનુભવાતાં, સર્જનહારે જે ભાવથી મનુષ્યનું સર્જન કર્યું હોય તેવા ભાવનું તાત્પર્ય સિદ્ધ થાય છે. જો તેનું પ્રમાણ જોઈતું હોય તો આપણાં શુભ, અશુભ કે સંકટ સમયની પરિસ્થિતિમાં માનવતાસહજ સહાય, સહકાર, સાતત્વના અને સહાનુભૂતિ પ્રદર્શિત થાય ત્યારે અવશ્ય અનુભવાશે, જો અન્ય સજીવસૃષ્ટિમાં દૃષ્ટિ કરીશું તો પશુ-પક્ષીઓના કેકારવ, કળા, નૃત્ય, ગર્જના, ચંચળ અને ચેતનમય થનગનાટ જોવા મળશે. વનસ્પતિ સોળે કળાએ ખીલીને પ્રકૃતિને રંગબેરંગી પુષ્પોથી શણગારીને મધુર-સુવાસ ફેલાવતી હોય છે. જો કે આપણાંમાં સર્જનહારનાં ચિન્મય આનંદને મહેસૂસ કરવાની સ્પંદનશક્તિ છે કે કેમ તે યક્ષપ્રશ્ન છે.

આવી હૂંફનાં અભાવમાં જે તે પરિસ્થિતિ સાથે સમાધાન કરવાનું થાય ત્યારે તેને બાંધછોડ (એડજેસ્ટમેન્ટ) વાળું જીવન સમજતા હોઈએ છીએ. તો શું ખરેખર આપણું જીવન બાંધછોડવાળું છે ? હોઈ પણ શકે, અને ન પણ હોઈ શકે. આ સંદર્ભમાં વિચારવું રહ્યું.

- હોઈ શકે...

- એટલા માટે કે પ્રકૃતિની રચના અનુસાર તેનું દરેક સર્જન સ્વતંત્ર અને મુક્ત છે. આવી સ્વતંત્રતા અને મુક્તતા ઉપર જ્યારે બંધન આવે છે, ત્યારે બાંધ-છોડની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

- કોઈ પણ સકારાત્મક તથ્યને નકારાત્મક સ્વરૂપે સમજીએ ત્યારે.

- સુખ અને દુઃખની અભિવ્યક્તિ પ્રકૃતિના નિયમથી વિરુદ્ધની હોય ત્યારે.

- સ્વયંના માન-સન્માન અને પ્રતિષ્ઠાનું માધ્યમ આભાસી અને અન્ય ઉપર આધારિત હોય.

- માનવ-મૂલ્યોથી વિરુદ્ધના વર્તનમાં.

- વિકૃત સ્વાર્થ મુજબનું વર્તન.

- હું અને તમે, તમે અને હુંમાં જ્યારે અલગતાવાદી માનસિકતા હોય ત્યારે.

- એકબીજાના પૂરક નહીં, પરંતુ નિર્ભર હોવાથી.

- કોઈ પણ નિર્ણાયક પરિસ્થિતિમાં એક મત પ્રસ્થાપિત ન થાય ત્યારે.

આપણે જ્યારે સભાનતાપૂર્વક આવી મર્યાદાઓનું ઉલ્લંઘન કરીએ ત્યારે અવશ્ય આપણા જીવનમાં બાંધ-છોડ કરવાની (એડ્‌જસ્ટમેન્ટ) કરવાનું થાય, પરંતુ ક્યારેક ન પણ હોઈ શકે.

- પ્રાકૃતિક સર્જન પ્રત્યે આદરભાવ વ્યક્ત કરીએ.

- એકબીજાની શક્તિઓની મર્યાદા સાથે સભાનતાપૂર્વકનું વર્તન કરતા હોઈએ ત્યારે તેની મર્યાદાથી ઉપરવટની અપેક્ષા ન રાખીએ. મર્યાદાઓનો નકારાત્મક લાભ નહીં, પરંતુ પૂરક અને સહાયક બનીએ.

- માનવીય હૂંફનું આદાન-પ્રદાન કરીએ ત્યારે.

“હોઈ શકે’ની નકારાત્મક સ્થિતિના પરિણામની જાગૃતિ અને ‘ન હોઈ શકે’ની સકારાત્મક પરિણામ અપેક્ષિત આચરણના સમન્વયમાંથી માનવીય જીવનની વાસ્તવિક અનુભૂતિ થાય અને કેળવાય છે.

વર્તમાન સમયના વાસ્તિક જીવન વ્યવહારમાં “હોઈ શકે” અને “ન હોઈ શકે”નાં મૂળભૂત પરિબળો મુજબનું વર્તન અશક્ય હોવાનું અવશ્ય અનુભવાશે, તેનાં અનેક કારણો છે, તેમાંનું એક કારણ વર્તમાન સમયની આપણી માનસિકતા છે. જેમ કે રંગીન-પ્રવાહીના કુંડમાં નિર્મળ પ્રવાહીનાં બુંદ પડે તો તે પણ જેવો રંગ હોય તેવું બની જાય છે. જો કુંડનું પ્રવાહી પ્રદૂષિત હોય તો બુન્દ પણ પ્રદુષિત બને છે. તેથી કુંડનું જ શુધ્ધીકરણ આવશ્યક છે. અને આવું શુધ્ધીકરણ અશક્ય નહીં, પરંતુ શક્ય છે. તેની વાસ્તવિકતા સમજવી રહી.

સામાન્યતઃ મનુષ્ય સમક્ષ શુભ અને અશુભના બે વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પને પસંદ કરવાનું કહેવામાં આવે તો અવશ્ય શુભ જ પસંદ કરશે, તેવું માનવસહજ સ્વભાવનાં સંદર્ભમાં કહી શકાય. જ્યાંથી શુભ અથવા તો નૈતિકતાની મર્યાદા પૂર્ણ થાય છે, ત્યાંથી અશુભ અથવા તો અનૈતિકતાની શરૂઆત થાય છે, જેમાં મનુષ્યની મજબૂરી અથવા તો અપરિપક્વતા જ કારણભૂત બનતાં હોય છે. જો આ બે પરિબળોનું નિરાકરણ થાય તો અવશ્ય સામાજિક જીવનમાં આનંદની અનુભૂતિ થાય. સમાજમાં એકબીજાના પૂરક તરીકેની ભૂમિકામાં અનેક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ છે.

૧૧. કૌટુંબિક જીવન

અવિભક્ત કુટુંબની પ્રણાલિકા અનુસાર જેઓ વિભક્ત થઈને અલગ ગૃહસ્થજીવન ભોગવતા હોય તેઓ અવિભક્ત કુટુંબનો ભાગ હોય છે. એટલે કે પેઢીના અવિભક્ત કુટંબના જે ફાંટા પડે છે, તે વિભક્ત કુટુંબ છે. આવું વિભાજન કુટુંબનાં સાત્ત્વિક કારણોનું અનિવાર્ય પાસું હોય તો તેને અપવાદ સ્વરૂપનું વિભક્ત કુટુંબ સમજવું રહ્યું, પરંતુ તે સિવાયનાં કારણોસર અલગ થાય છે, ત્યારે ક્લેશ, અશાન્તિ, અરાજકતા અને સંઘર્ષમય જીવન બને છે. એટલે કે વિભક્તિનું (અલગતા) કારણ નકારાત્મક સ્વરૂપનું હોય તો અશ્ય માનવ-મૂલ્યોના પરિપ્રેક્ષ્યમાં નકારાત્મક પરિણામ ભોગવવાં પડે છે, જ્યારે સકારાત્મક સ્વરૂપના વિભાજનમાં વિશ્વના કોઈ પણ ભાગમાં હોઈએ પરંતુ માનવીય હૂંફની અવશ્ય અનુભૂતિ થાય છે.

નકારાત્મક સ્વરૂપનું વિભાજન વ્યક્તિનાં પ્રાકૃતિક તેમજ માનવીય મૂલ્યોને વિભાજિત કરતું હોય છે અને આવું વિભાજન સ્વાર્થપ્રેરિત હોવાથી તેની માનસિકતા પણ સ્વાર્થી બની જતી હોય છે. જેમાં સામાજિક રીતે મા-બાપ, ભાઈ-બહેનને વિભાજનના ભાગ તરીકે સમજતા હોય છે, ત્યારે ભૌતિક સંપતિના પણ સ્પંદનતાવિહીન વિભાજનની અપેક્ષા રાખતા હોય છે. આવું વિભાજન જ્યાં સુધી હક્ક પૂરતું મર્યાદિત હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે કુટુંબની કોઈ પણ વ્યક્તિની નિર્બળતાના કારણે હડપ કરવાની વૃતિ ધરાવે ત્યારે જીવન કલુષિત બનતું હોય છે.

આવી પરિસ્થિતિના નિરાકરણ અર્થે ધર્મ, માનવીય આચાર-સંહિતા અને કાયદા પ્રવર્તમાન છે, પરંતુ તેનાં પરિણામ હયાત જીવનમાંથી અવશ્ય અનુભવતાં હોઈશું. જો આ અનુભવ આનંદિત સ્વરૂપનો હોય તો તટસ્થતા ધારણ કરીએ તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જો વિહવળતા અનુભવીએ તો અવશ્ય ગંભીર થવું રહ્યું, કારણ કે આવી અરાજકતાના પ્રવાહમાં આપણે ક્યારે તણાઈશું તેનું કાંઈ નક્કી નથી હોતું.

આપણા પ્રયત્નો પ્રસન્ન સમાજના હોય તો, વૈશ્વિક સમાજના કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં વર્ણવેલ વૈભવ, પુણ્ય અને મોક્ષપ્રાપ્તિના સરળમાં સરળ માર્ગના અવશ્ય અનુભવ થશે. આવા અનુભવોની અનુભૂતિ કોઈના પ્રયત્નોથી પ્રાપ્ત ન થઈ શકે તે માટે સ્વયં પ્રયત્નશીલ થવું રહ્યું.

આપણી જે પણ માનસિકતા હોય તેને પવિત્ર અને સકારાત્મક સ્વરૂપની બનાવીને પ્રસન્ન જીવનનો અનુભવ કરવો હોય તો નીચેનાં પરિબળોને આચરણ દ્વારા પ્રસ્થાપિત કરવાં રહ્યાં.

- માનવીય મુશ્કેલીઓમાં સહાયરૂપ બનવાની ભાવના કેળવીએ.

- કૌટુંબિક વ્યવહારોમાં અનિચ્છનીય સંઘર્ષનું સમજૂતીપૂર્વક નિરાકરણ કરીએ.

- શક્ય હોય ત્યાં સુધી કોઈના કલ્યાણમય કાર્યમાં સહભાગી થવાનો પ્રયત્ન કરીએ.

- જો સહભાગી થવાય તો સારું, પણ તેવા કાર્યમાં અંતરાયરૂપ ન બનીએ.

- કોઈ પણ વ્યવસાયમાં હોઈએ, પરંતુ વ્યવહારમાં માનવીય મૂલ્યોને ધ્યાને લઈએ.

- વ્યક્તિગત સુખોમાં સામાજીક સહાનુભૂતિનાં દર્શન કરીએ કે જેથી દુઃખોમાં આ જ સહાનુભૂતિથી સાન્તવના પ્રાપ્ત કરી શકાય.

- માનવીય સંબંધોનું ભૌતિક વૈભવના માપદંડથી નહીં, પરંતુ માનવીય મૂલ્યોથી મૂલ્યાંકન કરીએ.

- ભૌકિ અને પ્રાકૃતિક વૈભવ ભોગવવામાં સંયમ કેળવીએ.

- માનવીય જીવન પ્રકૃતિના સૂક્ષ્મ અંશોથી સર્જાયેલ છે, એટલે જ્યારે સૂક્ષ્મ અંશોનો અભાવ વર્તાય છે ત્યારે આપણે નિર્બળ અને રોગી બનતા હોઈએ છીએ તેના પુનઃ સ્થાપન માટે એ જ અંશની જરૂરત પડે છે, એટલે જીવનમાં અંશ માત્રનું આટલું મહત્ત્વ હોય તો એ જ અંશોથી સર્જાયેલ મહાન પિંડ કેટલો ઉપકારક બને ?

- મનુષ્યનો પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને સમાજ આધારિત છે. માનવ-સમાજ ભૂમિ છે, પુરુષાર્થ તેનું હળ છે અને પ્રારબ્ધ તેનું ફળ છે. ભૂમિ જેટલી બળવાન એટલું ફળ મૂલ્યવાન.

- વ્યક્તિ થકી સમાજ અને સમાજ થકી વ્યક્તિ-આ બંનેનો પ્રયાસ મળશે તો જ શક્તિશાળી સમાજની રચના થશે.

- જેવી અપેક્ષાઓ રાખીએ તેવી નિભાવવાની પણ માનસિકતા કેળવીએ.

- જેવા હક્કની ઇચ્છા રાખીએ તેનાથી સવાઈ ફરજનું પાલન કરીએ તો ભવિષ્ય માટેની કોઈ બચત થશે.

- પ્રાકૃતિક તેમ જ માનવીય નિયમોના પાલનમાં જ જીવનની સરળતા છે, ઉલ્લંઘનના ચક્રવ્યૂહમાં ફસાય તો સ્વયંની સ્વાયત્તતા ગુમાવવાનો સમય આવશે. આવા ચક્રવ્યૂહની હર પળ ગુલામીથી ભરેલી હોય છે.

- સ્વયંમાં રહેલી નૈસર્ગિક શક્તિ પ્રકૃતિની દેન છે, તેનો ઉપયોગ તેના સર્જનને નિખારવામાં કરવો જોઈએ, નહી કે તેનો ઉપભોગ કરવામાં.

- એક જગતનો તાત અદૃશ્ય છે, જ્યારે બીજો પ્રત્યક્ષ છે. અદૃશ્ય સ્વરૂપે પણ પ્રત્યક્ષનું જીવન ચલાવી શકે છે તો પ્રત્યક્ષની જવાબદારી શું હોઈ શકે તેનું અનુમાન કરી જુઓ, આપણે અને આપણું સામ્રાજ્ય વામણું લાગશે. સિવાય કે જે પરમાર્થ સ્વરૂપે છે.

આપણા સામાન્ય જીવનવ્યવહારમાં ઉપરોકત પરિબળોને ધ્યાને લઈને સભાનતાપૂર્વકના વ્યવહાર કરીશું તો શરૂઆતમાં જુનિયર, સિનિયર, કે.જી. જેવો અનુભવ ભલે થાય, પરંતુ એક વખત પ્રાયમરી અનુભવનો આનંદ થશે તો વારંવાર અભ્યાસ કરવાની માનસિકતા કેળવાશે, વિશ્વના મહાન જ્ઞાતાની શરૂઆત તેના પ્રાયમરી અભ્યાસથી શરૂ થાય છે, તે ધ્યેય સાથે પ્રવૃત્ત થવું રહ્યું.

૧ર. સામાજિક વ્યવસ્થામાં સ્ત્રીનું મહત્ત્વ

માનવસમાજની ઉત્પત્તિથી આજ દિન સુધીમાં સ્ત્રીના સ્થાન અને મહત્ત્વ અંગે વિરોધાભાસી માનસિકતા સમજાય છે કે જે વ્યથાજનક છે. આવી વ્યથા સમાજથી પર નથી, આપણે જ્યારે સમભાવ, સમાનતા અને માનવમૂલ્યો અંગે વિચારતા હોઈએ તો સમાજના સમતુલન માટે નારીસમાજની ભૂમિકાને સમજવી રહી. આણે માનીએ કે ન માનીએ પરંતુ પુરુષ (નર) અને સ્ત્રી (નારી) એક યા બીજા પ્રકારે માનસિક રીતે વિભાજિત છે, આવા વિભાજનથી અ-સુરક્ષાનો ભય સેવાતો હોય છે, અસુરક્ષિત સ્થિતિમાં કોઈ પણ માનવ-મૂલ્ય આધારિત આચરણની અપેક્ષા ન રાખી શકાય અને જો રાખીએ તો બાંધ-છોડ (એડ્‌જસ્ટમેન્ટ)ની નીતિ અપનાવવી રહી.

આપણી મૂલ્યવિહીન જીવન પ્રણાલિકા અથવા તો ફક્ત ભૌતિક વિકાસ તરફની દૃષ્ટિના કારણે જ્યારે બાંધ-છોડની નીતિ અપનાવવાની સ્થિતિ આવે, ત્યારે તેમાંથી (મુક્ત થવા) સ્વતંત્ર થવાની માનસિકતા દૃઢ થતી જાય છે અને જ્યારે પરિણામમાં પરિણમે છે, ત્યારે પ્રાકૃતિક નિયમોની વિરુદ્ધનું જીવન બને છે. આવા જીવનમાં મહત્તમ અંશે અશાન્તિ અને અજંપા સિવાય કંઈ અનુભવી શકાતું નથી.

ભૌતિક વિકાસની હરણફાળમાં દરેક મનુષ્યની એવી માનસિકતા હોય છે કે પોતે તેમાંથી વંચિત ન રહે તે માટે પોતાનો સમય અને શક્તિ કામે લગાડતા હોય છે. આવા સંજોગોમાં જ્યાં સુધી સ્વયં શક્તિશાળી હોય ત્યાં સુધી વિરુદ્ધ પરિણામની સભાનતા રહેતી નથી, પરંતુ નિર્બળ અને નાજુક સ્થિતિના સમયમાં જે આંતરવેદના અનુભવાય છે તે અસહ્ય હોય છે, તેમ જ માનવીય જીવન વ્યર્થ લાગે છે.

જીવનનું ધ્યેય કારકિર્દી બનાવાવનું હોય, અને હોવું જોઈએ, તેમાં કોઈ અતિશયોક્તિ નથી. પરંતુ આવી કારકિર્દી પરિપૂર્ણ કરવાની જે દૃષ્ટિ છે તે કેવા પ્રકારની છે તે અવશ્ય વિચારવું રહ્યું. આવી દૃષ્ટિ કોઈ પણ ભોગે ભૌતિક વૈભવ પ્રાપ્ત કરવાની હોય તો જીવન પ્રત્યે સભાનતા રાખવી જરૂરી છે.

આપણા અસ્તિત્વથી આજ દિન સુધીના સમયગાળામાં પ્રાકૃતિક સર્જનની આચારસંહિતામાંથી જે માનવીય વ્યવહારનું વ્યવસ્થાપન થયેલ છે, તે મૂળભૂત રીતે ખામીયુક્ત હોય તેવું અનુભવાય છે અને તેનું મોટામાં મોટું પ્રમાણ સ્ત્રી-પુરુષના સમભાવના અભાવમાં પ્રદર્શિત થાય છે. પ્રકૃતિનું દરેક સર્જન તેના પ્રમાણ આધીન હોય છે. આવા પ્રમાણમાં મુખ્યત્વે ધનભાર અને ઋણભારનો સમન્વય હોય છે. આ સમન્વયની સમતુલા જ્યારે વિક્ષેપિત થાય છે, ત્યારે તે વિકૃતિમાં પરિણમે છે.

પ્રકૃતિના નિયમ અનુસાર તેનું દરેક સર્જન ઋણભાર, ધનભાર આધારિત હોઈ આપણે તેનું લિંગમાં પરિવર્તન કરીને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બનાવ્યું, પુલ્લિંગ-સ્ત્રીલિંગમાંથી નર અને નારીનું સ્વરૂપ આપ્યું. અન્ય સર્જનને તેમની યોનિ મુજબ જે તે માનવીય ભાષામાં તેમના લિંગ પ્રમાણે ઓળખ આપીને સમજવા માટે સહજતા કેળવી. આપણી ઓળખ મુજબનાં જે પણ નામ અને સર્વનામથી સમજણ કેળવાઈ તે સમજણ મુજબ તેમનો જીવન-વ્યવહાર બદલાયેલ નથી. એટલે કે જે પ્રાકૃતિક આચારસંહિતા મુજબનું નિયમન ગોઠવાયેલ છે તે અકબંધ છે. જેમ કે, પશુ-પક્ષી જગતમાં જે પ્રાકૃતિક સંજોગો હોય તે મુજબનું તેમનું આચરણ હોય છે, પરિણામે નર અને નારી એકબીજાનાં પૂરક બનીને તેમના જીવનને સહજ રીતે અનુભવતા હોય છે.

જ્યારે મનાવ-સમાજમાં ધર્મો, ઇતિહાસ અને સામાજિક આચરસંહિતામાંથી પ્રાકૃતિક નિયમન મુજબની અથવા તો પરિપ્રેક્ષ્યમાં જીવન છે કે કેમ ? તે સત્વરે વિચારવું રહ્યું. જો નકારાત્મક મંતવ્ય હોય તો મનોમંથન કરવું રહ્યું અને નિરાકરણ માટે પ્રવૃત્ત થવું રહ્યું. માનવ-સમાજની પરંપરાઓએ ઋણભાર એટલે કે સ્ત્રીલિંગ એટલે કે નારી અથવા તો સ્ત્રીનું બંધારણ, સહનશીલતા સૌમ્યતા, સુન્દરતા, સહજતા, ભાવાત્મક, વંશવર્ધક, ભોળપણ અને વાસ્તવિક અભિવ્યક્તિને સાહજિક રીતે વ્યક્ત કરતું હોય છે. તેને સ્વીકારવા અને નિખારવાના બદલે તેના મૂળભૂત સ્વભાવને પ્રદૂષિત કર્યો છે. સામાન્યતઃ માનવીય માનસિકતા, તેનું જેવું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, તેવા પ્રકારની સર્જાતી હોય છે. આવું મૂલ્યાંકન જ્યારે નકારાત્મક સ્વરૂપનું હોય છે, ત્યારે તેનું પરિણામ પણ નકારાત્મક સ્વરૂપનું પ્રાપ્ત થતું હોય છે. સમાજે સ્ત્રીનું મૂલ્યાંકન નિર્બળ તરીકે પ્રસ્થાપિત કરતાં સબળામાંથી અબળાની માનસિકતા પ્રવર્તમાન થઈ, પરિણામે જ્યારે અબળા (સબળા) પુરુષની સમાન અથવા સવાઈ સક્ષમતા ધારણ કરે છે, ત્યારે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે, આવું આશ્ચર્ય અનેક નકારાત્મક માનસિકતાનું પરિણામ હોય છે.

આપણે ક્યારેય પ્રાકૃતિક સર્જન તેમજ માનવ-સમાજની હયાતીમાં સ્ત્રી-વિહોણા સમાજની કલ્પના કરી છે ? ન કરી હોય તો કરી જુઓ, આપણી જ હયાતી નહીં હોય. વર્તમાન અને ભવિષ્યમાં પુરુષવિહીન સમાજની કલ્પના શક્ય છે, પરંતુ સ્ત્રી વિહીન સમાજની કલ્પના શક્ય નથી, તેનાં પ્રમાણ જોવાં હોય તો હિન્દુ શાસ્ત્રોમાં કુંતી, પાંડવો અને કર્ણ છે. વર્તમાન અને ભવિષ્યમાં કૃત્રિમ શુક્રાણુની શોધથી મનુષ્ય જીવનને શક્ય બનાવી શકાશે, પરંતુ તેની વાસ્તવિકતા એ હશે કે તે દરેક કૃત્રિમ સર્જન હશે.

સામાન્ય-જીવન વ્યવહારમાં આપણે જો સ્પંદનશીલ હોઈએ તો અવશ્ય અનુભવી શકાશે એ પુરુષ કરતાં સ્ત્રી પ્રાકૃતિક તેમ જ માનવીય જીવન વ્યવહારમાં ભાવનાત્મક રીતે વધુ કાર્યક્ષમ અનુભવાય છે. તેના પ્રમાણની અપેક્ષા રાખીએ તો આપણે જ્યારે નિદ્રામાંથી ઊઠીએ અને નિંદ્રાધીન થઈએ, જન્મથી મૃત્યુ પર્યન્ત, માતા, પત્ની, દાદી-નાની, બહેન-ફોઈ તેમ જ હિતેચ્છુ સન્નારીની ઉષ્મા તેમ જ જીવન તરફ અવશ્ય દૃષ્ટિ કરવી રહી. જે સ્ત્રીઓ આવી દિનચર્યા તથા જીવનના મૂલ્યાંકનમાં ઊણી ઊતરે છે, તેમાં અવશ્ય સ્ત્રી-સહજ શક્તિનો અભાવ હશે. ક્યારેક આવા અભાવમાં પણ સમાજનું હિત જોખાતું હોય છે. દરેક સર્જન તેના શારીરિક બળ આધારિત પૂર્ણતા પ્રાપ્ત કરી શકતું નથી, આવી પૂર્ણતા અનેક પરિબળો આધારિત હોય છે, તેમાંનું ગુરુત્તમ પરિબળ સ્ત્રીશક્તિ છે. તેનાં અનેક પ્રમાણો છે. આવાં પ્રમાણ આધારિત લોકોક્તિ (કહેવત) પ્રસ્થાપિત થયેલ છે કે કોઈપણ સફળ પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે અને આવું જ નકારાત્મક પ્રમાણ સ્ત્રીની અવહેલનામાં પ્રસ્થાપિત થયેલ છે.

વૈશ્વિક સમાજમાં એવી માનસિકતા ઘર કરી ગઈ છે કે સામાજિક રચના પુરુષપ્રધાન શૈલીથી રચાયેલ છે, તો શું સામાજિક રચના પુરુષપ્રધાન શૈલીથી રચાયેલ છે ? શું પરિપક્વ અને પ્રબુદ્ધ સમાજ આવી માન્યતાને અનુસરે છે ? જો ઉત્તર નકારમાં હોય તો પ્રબુદ્ધ સમાજ જ્યાં અસ્તિત્વ ધરાવતો હોય તેમના વ્યવહારમાંથી જે નિષ્કર્ષ (આઉટપુટ ફોકસ) અનુભવાય છે. તે વિસ્તૃત સ્વરૂપે પ્રકાશિત થવો જોઈએ. આવા સમાજનું અસ્તિત્વ છે કે કેમ ? તે અજ્ઞાનતાના કારણે મર્યાદા અનુભવી શકાય, પરંતુ વૈશ્વિક માનવસમાજના વ્યવહારમાંથી એવા ભાવનાત્મક તરંગોની અનુભૂતિ થાય છે કે ક્યાંક ને ક્યાંક પ્રવર્તમાન છે.

આપણે જ્યાં સુધી અલ્પવિકસિત હતા, ત્યાં સુધી અલ્પવિકસિત માનસિકતામાંથી જે જીવન પ્રણાલિકા, આચારસંહિતા હતી, તે મુજબનું આચરણ કરતા હતા તે ક્ષોભજનક નહોતું, પરંતુ જ્યારે વિકસિત હોવાનું ગૌરવ લેતાં હોઈએ ત્યારે પરંપરાગત નકારાત્મક માનસિક પરિસ્થિતિમાંથી મુક્ત થવું રહ્યું અને ત્યારે જ પ્રાકૃતિક રચનાની સમાનતાનું હાર્દ સમજાશે અને આવી સમાનતામાં જ માનવ-જીવનનું શ્રેય છે.

કદાચ આપણને એવો પ્રશ્ન અવશ્ય ઉપસ્થિત થાય કે શું વર્તમાન સમયમાં જે પરિસ્થિતિ છે તે વિસંવાદિત છે ? તો તટસ્થ ભાવે સામાજિક દર્પણ સમક્ષ તેનું પ્રતિબિંબ અનુભવવું રહ્યું. આવા પ્રતિબિંબમાંથી જો પ્રસન્નતાની અનુભૂતિ સાથે ક્રાન્તિવર્ધક, તેમ જ પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો તે વાસ્તવિકતાનું સૂચન કરાવે છે. અન્યથા તે ભ્રમિત સ્વરૂપનું પ્રતિબિંબ માનવું રહ્યું.

સમાનતા, સમભાવ, સમતુલા ત્યારે જ વિક્ષેપિત થાય છે કે જ્યારે કોઈ પણ સર્જનના પ્રસ્થાપિત હક્ક ઉપર અનપેક્ષિત હઠાગ્રહ અને તેને હાંસલ કરવાનું આક્રમણ કરે ત્યારે સંઘર્ષનું બીજ રોપાય છે. આવી પરિસ્થિતિનું નિરાકરણ વિશ્વના કોઈ પણ ધર્મ, કાયદા કે પ્રતિબંધોથી શક્ય નથી, પરંતુ પ્રાકૃતિક નિયમન મુજબના આચરણ દ્વારા કરી શકાય. પ્રાકૃતિક સર્જનની સ્વતંત્રતા, સમાનતા, સહઅસ્તિત્વ અને એકબીજાના પૂરક પ્રકૃતિના નિયમના આધારે રચાયેલ છે, તેને સમજીએ, સ્વીકારીએ અને આચરણમાં મૂકીએ તો સામાજિક જીવનમાં સ્તુત્ય પરિણામ અનુભવી શકાય.

વર્તમાન સમયની સામાજિક વયવસ્થામાં સ્ત્રી અને પુરુષ, વચ્ચેના વૈમનસ્ય, વિકાસ અને સ્વાતંત્ર્યની માનસિકતામાંથી ગંભીર પ્રકારની વ્યથા અનુભવાય છે, આવી વ્યથાના નિરાકરણ સિવાય માનવીય જીવનનાં સાચાં સુખોને માણી ન શકાય. સ્ત્રી અને પુરુષ, વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વના પ્રગતિરૂપી રથનાં બે ચક્રો છે. આ ચક્રો સમાન, શક્તિશાળી હશે તો વિકાસના માર્ગ ઉપર સહજતાથી ચાલશે, અન્યથા તેને ખેંચવામાં જ ક્યાંક જીવનશક્તિ ખર્ચાઈ જશે. આવી વ્યર્થ જતી જીવનશક્તિને જીવનના કલ્યાણ અને મંગલમય કાર્ય માટે ઉપયોગમાં લેવાય તેવું માનવીય આયોજન કરવું રહ્યું.

સ્થાનિક અને વૈશ્વિક કક્ષાના સામાજિક વ્યથાના પ્રશ્નો આંગળીના વેઢામાં ગણાવી શકાય તો તેના નામના ઉલ્લેખ સાથે નિરાકરણ માટેનું નિરૂપણ કરી શકાય. આવી વ્યથાનાં અનેક પ્રકારો અને કારણો હોઈ દરેકની ચર્ચા અશક્ય છે, પરંતુ તેના નિરાકરણ માટેનું કોઈ સૂચન કરવું હોય તો એક જ વાક્યમાં કરી શકાય : સર્જનહારના સહેતુક સર્જનના હાર્દને સમજીએ અને તે મુજબનું આચરણ કરીએ.

૧૩. આયોજન માટેનાં આધારસ્થંભ પરિબળો

કલ્પના અને સ્વપ્ન માનવજીવનની જરૂરિયાતનું પ્રતિબિંબ હોય છે. આ એવું પ્રતિબિંબ હોય છે, કે જેનું સાકાર સ્વરૂપ નથી હોતું. પ્રથમ પ્રતિબિંબ અને ત્યાર બાદ તેનું સાકાર સ્વરૂપ આપવાનું કાર્ય, આપણા જીવનને અન્ય સર્જનથી અલગ કરતું હોય છે. જો કલ્પના અને સ્વપ્નને સાકાર સ્વરૂપ આપીએ તો તેમાં જીવનની સાર્થકતા સિદ્ધ થાય છે કે જે આપણી બુદ્ધિ અને આયોજનનું પરિણામ હોય છે.

આપણે કલ્યાણી અને મંગલમય ભાવનાઓથી કલ્પના અને સ્વપ્નનું સર્જન તો કર્યું, પરંતુ તેને સાકાર સ્વરૂપે અનુભવવાં હોય તો આકાર આપવો રહ્યો. આકાર આપવાની સક્ષમતા અનેક જીવન્ત પરિબળોને અધીન છે. આવાં પરિબળોની સક્રિયતાનું પરિણામ એટલે સ્વપ્નનું સાકાર સ્વરૂપ, જેમાં ભૌતિક સ્વરૂપનું જડત્વ નહીં, પરંતુ જીવન્ત સ્વરૂપનું ગતિશીલ પરિણામ છે. જેને સહજ રીતે સમજવું હોય તો સમાજ-જીવનનો પ્રસન્ન ચહેરો છે.

વ્યક્તિગત જીવનમાં કોઈ નાનામાં નાનું કાર્ય હોય તેમાં પણ એક આયોજન હોય છે. આયોજન વગરનું કાર્ય તેના પરિણામને દૂષિત કરનારું છે, જેમ કે આપે કુદરતી નિયક્રમને ભલે કાર્ય સમજીએ કે ન સમજીએ તો પણ તેમાં આયોજન હોય છે કે ટોયલેટમાં પાણી છે કે કેમ ? જો ન હોય તો તેની વ્યવસ્થા કરીએ છીએ. જો આવી વ્યવસ્થા ન કરીએ તો ટોયલેટ અને પોતે ગંદકીનો ભોગ બનાય. તેમ આપણા કાર્યમાં પણ આયોજન અને વયવસ્થા ન હોય તો સમાજ અને પોતે નકરાત્મક પરિણમોથી કલુષિત થઈએ.

ઇચ્છિત કાર્યોના આયોજન માટે (૧) આર્થિક વ્યવસ્થા (ર) માનવશક્તિની વ્યવસ્થા (૩) સ્થળની વ્યવસ્થા (૪) અને પરિણામોને લોકભોગ્ય બનાવવાની વ્યવસ્થા મહત્ત્વની છે. આ ચારે પરિબળો સકારાત્મક દૃષ્ટિથી ક્રિયાશીલ થાય તો પ્રસન્ન સમાજનો ચહેરો જોવા મળે.

૧૪. આર્થિક વ્યવસ્થા

આર્થિક વ્યવસ્થા દરેક કાર્યોનાં પરિણામનાં પ્રાણસમાન છે પરંતુ જ્યાં કલ્યાણ અને મંગલમય ભાવનાઓથી પ્રેરિત કાર્ય હોય તો આર્થિક વ્યવસ્થા ગૌણ બની જાય છે. તેનાં પ્રમાણ જોઈતાં હોય તો દરેક ધર્મ અને સામાજિક કાર્યના અસ્તિત્વમાં જોવા મળશે. તેની પરાકાષ્ઠા જોવી હોય તો કોઈ પણ સંપ્રદાયમાં તેના ભાવપૂજકના અંતઃકરણના જીવન્તમંથનમાં અનુભવવા મળશે. સામાજિક જીવનને ઊર્ધ્વગતિએ લઈ જવા માટે એક પરિવારના સામાન્ય ભાવપૂજકના હૃદયના ભાવને સમજવા રહ્યા. આવા ભાવપૂજકો ક્યારેય પણ ભાવસેવા અર્પણ કરતાં પહેલાં મુક્ત હવા સિવાય કોઈ અપેક્ષા નથી રાખતા. સિવાય કે તેના આયોજકોએ તેનો દુરુપયોગ કર્યો હોય કે ન કર્યો હોય. માનવીની માનવતાનું મૂલ્ય સમજવું હોય તો નકારાત્મક ચર્ચામાં નથી ઊતરતા, પરંતુ વાસ્તવિક સત્ય અને પરાકાષ્ઠાઓની પણ પરાકાષ્ઠા એ છે કે આજ પણ આ ભાવ પૂજકોનો વિશ્વાસ તેમના કાર્યમાં અકબંધ છે, કારણ કે તેમાં માનવકલ્યાણ અને મંગલમય જીવનની ભાવના છે.

તેમ છતાં આર્થિક સક્ષમતા કાર્યની કરોડરજ્જૂ સમાન હોય છે એટલે તેને નજરઅંદાજ પણ ન કરી શકાય. વર્તમાન સમયનાં મહત્તમ કષ્ટો આર્થિક સદ્ધરતાના અભાવમાં છે. શરીરની જીવન્તતા માટે જેમ લોહીના રુધિરાધિસરણની જરૂરી છે, તેમ સામાજિક જીવન માટે આર્થિક વ્યવસ્થાની જરૂર હોય છે, એટલે તેની વ્યવસ્થા કરવી રહી. આવી વ્યવસ્થા સમાજ-જીવનની ધાર્મિક ભાવનાઓ આધારિત નહીં. પરંતુ નક્કર આર્થિક ઉપાર્જનની વ્યવસ્થામાં છે. ધાર્મિક આસ્થાઓને પરિણામે પ્રાપ્ત થતી આર્થિક વ્યવસ્થા પરાવલંબી બનાવવી હોય છે, જ્યારે નક્કર આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા સ્વાવલંબી બનાવતા હોય છે. પરાવલંબી વ્યવસ્થા ક્યારેક ટૂંક સમયની સાબિત થતી હોય છે જ્યારે સ્વાવલંબી વ્યવસ્થા કાયમી રહે છે. આપણે સમાજના સ્વમાન અને નવચેતનને જાગૃત કરવાની ભાવનાથી તત્પર હોઈએ ત્યારે દાન, ગ્રાન્ટ કે આર્થિક સહાયની અપેક્ષા રાખીએ તો મૂળ ભાવનાને દૂષિત કરનાર સાબિત થાય. આથી સ્વ ઉપાર્જનની વ્યવસ્થા કરવી રહી.

સામાન્યતઃ સમાજસમૂહને જ્યારે ગ્રાહકના સ્વરૂપમાં જોઈએ ત્યારે આપણે અન્ય વાણિજ્યવ્યવહારની વ્યક્તિ સમાન સાબિત થઈએ. વાણિજ્ય વ્યવહાર તેની ગરિમાની મર્યાદામાં રહીને વેપાર કરે ત્યાં સુધીના દરેક વ્યવહાર સ્તુત્ય છે પરંતુ જ્યારે ગરિમા ગુમાવશે ત્યારે તેનું નુકસાન સમાજે ભોગવવાનુું થાય છે અને તાગડધિન્ના જૂજ સમૂહ કરતો હોય છે. જ્યાં સુધી તેનો સૂચક ઉપાય નહીં કરવામાં આવે ત્યાં સુધી આવી વ્યવસ્થા પ્રવર્તમાન રહેવાની.

આવી સમજણથી પ્રેરાઈને, આપણે માનવીય જરૂરિયાતને સહકારી ધોરણે પરિપૂર્ણ ન કરી શકીએ ? જો કોઈ વ્યક્તિ સ્વયંની સદ્ધરતા માટે આવાં કાર્ય કરી શકતી હોય તો સમાજ - સમૂહની સદ્ધરતા માટે તેનો અમલ ન કરી શકાય ? સકારાત્મક માનસિકતામાં ક્યાંય નકારાત્મક પ્રશ્ન કે કારણ નથી હોતું. એટલે કરી શકાય. આપણા જીવન જરૂરિયાતના વ્યાપારમાં આપણી આવકનો ૩૦થી ૪૦% હિસ્સો ફક્ત છેતરપિંડી અને ભ્રષ્ટાચાર રૂપે વ્યય થતો હોય છે અને તેમાં વાણિજ્ય જગતનો નફો ઉમેરવામં આવે તો આપણે ફક્ત બાવા જેવા જ સાબિત થઈએ છીએ. તેનું પ્રમાણ સમાજની વર્તમાન સ્થિતિમાં પ્રદર્શિત થાય છે, જેમાં ખાવું-પીવું અને સૂઈ જવા માટે જીવન વ્યતીત થતું હોય છે. તેનાથી કોઈ વિશેષ હોય તો જણાવશો !

સહકારી ધોરણે વાણિજ્ય વ્યવહારનું વ્યવસ્થાપન કરીને જો વિકાસ કરીએ તો આપણી રાજ્ય કક્ષાની સામાજિક સ્ત્રોતની કુલ આવકમાંથી રૂ. ૧૪,૯૩૭,૦૦,૦૦૦,૦૦ની બચત કરી શકાય. આ જનસમૂહની ભ્રષ્ટ રીતરસમો દ્વારા થતી છેતરપિંડીનો આંકડો છે. તેમાં હક્કનો કે અણહક્કનો નફો ઉમેરીએ તો તેનાથી બમણી કરમનો આંકડો છાપરે ચડીને ટહુકા કરે કે આપણે બાવા છીએ કે બાવા બનવાના છીએ. બાવાને તો કોઈ ચપટી પણ આપણે, જ્યારે આપણી હાલત ભીખારી કરતાંય બદતર થશે.

આપણા કલ્યાણ અર્થે જે પણ રાજકોષીય યોજના હોય તે, પરંતુ આપણી બચત દ્વારા જ જો સાર્વજનિક વિકાસ કરીએ તો અવશ્ય સામાજિક ચહેરો પ્રસન્ન જોવા મળે. પ્રસન્નતાનો વિશાળ અર્થ ભૌતિક અને આધ્યાત્મિક જરૂરિયાતની તૃપ્તિ.

વાણિજ્યવ્યવહારના આર્થિક ઉપાર્જનમાં ચીજ-વસ્તુઓની ગુણવત્તા, મૂલ્ય, વજન અને સહજ પ્રાપ્તિની વ્યવસ્થા નૈતિકતાના ધોરણે કરવામાં આવે તો વિશ્વાસનું વાતાવરણ સર્જાય. વિશ્વાસ દરેક વ્યવહારનો પ્રાણ છે.

૧૫. આર્થિક વ્યવસ્થાની બીજું માધ્યમ સેવા

સમાજ, સહકારી, સરકારી અને વૈશ્વિક કક્ષાની અનેક સંસ્થાઓ તેમના કાર્યો માટે અન્ય સમૂહની સેવા લેતી હોય છે. આપણે સક્ષમ માનવીય શક્તિ પ્રાપ્ત કરીએ તો આવી સેવામાં સહભાગી થઈ શાય. આપણાં મૂળભૂત કાર્યોમાં એક પરિબળ માનવશક્તિને વિકસિત કરવાનું છે. આવી વિકસિત શક્તિઓનો ઉપયોગ જરૂરી સેવામાં કરી શકાય.

સામાન્યતઃ સમાજ, સરકાર અને અર્ધસરકારી સંસ્થાઓનાં કાર્યો અને પ્રોજેક્ટ અને જાહેર સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં જે પરિસ્થિતિ છે તેની જાણકારી સર્વસામાન્ય છે. તથ્યો આધારિત અનુમાનિત તારણો એવાં છે કે આવી સંસ્થાઓનાં રપથી પ૦% બજેટ તો ભ્રષ્ટ રીતરસમો દ્વારા સ્વાહાઃ થઈ જતાં હોય છે. આપણે જીવન-જરૂરિયાતના વ્યવહારથી પરિચિત હતા તો તેના અનુમાનિત આંકડો મેળવી શક્યા, પરંતુ આવી સેવાઓ જીવન-જરૂરિયાતના વ્યવસાયથી પર છે, એટલે ચોક્કસ અનુમાન ન કરી શકાય. પરંતુ જે દૈનિક સમાચારોના મથાળામાં ચમકે છે તેને હિમશીલાની ટોચ સમાન ગણીએ તો આવા ભ્રષ્ટાચારની ગંભીરતા સમજાય. એક દૈનિકના લોકમંતવ્યમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતના પદાધિકારી, અધિકારી અને કર્મચારીઓ વર્ષે રર હજાર કરોડ રૂપિયા લાંચપેટે ઘરભેગા કે વિદેશભેગા કરે છે. આપણું સરકારી વ્યવસ્થાતંત્ર અને માનસિકતા જ એટલી બોદી છે કે તેનાં પરિણામ ભોગવીને શાંત થઈ જઈએ છીએ. આવી બોદી વ્યવસ્થાને નાથવી હોય તો તે માટેની સક્ષમતા ધારણ કરવી રહી અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે પ્રયત્નશીલ થઈએ.

સમાજ અને સરકારી ખરીદી તેમ જ તેમના સિવિલ ઈન્ફાસ્ટ્રક્ચર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક તેમ જ સામાજીક સુખાકારી અને વ્યવસ્થાપન માટેના પ્રોજેક્ટને ભ્રષ્ટાચાર વગર તેના મૂળ મૂલ્ય પ્રમાણે કરવામાં આવે તો તેની વાસ્તવિકતા કલ્પના જેવી અનુભવાય. જો આવા ઈન્ફાસ્ટ્રક્ચર અને પ્રોજેક્ટને પરિપૂર્ણ કરવાની સક્ષમતા ધારત કરીએ તો આજનો ભારતીય નાગરિક ગામડામાંથી શહેર તરફ અને શહેરમાંથી વિદેશ તરફ સ્થળાંતર કરે છે તે “યુ” ટર્ન લે.

અર્થાત્‌ રાષ્ટ્રના જન્મથી વર્તમાન સમય સુધી જે ભ્રષ્ટાચારથી અસંતુષ્ટ છીએ તે અસંતોષ દૂર થાય તો પ્રસન્નતાપૂર્વક લલકારવું પડે કે, “મેરા ભારત મહાન.” મહાન કોઈની પ્રશંસાથી ન બનાય, પરંતુ પ્રમાણિકતાપૂર્વકના અથાગ પ્રયત્નમાં કલ્યાણ અને મંગલમય ભાવનાથી પ્રેરાઈને થતાં કાર્યોનાં પરિણામથી બની શકાય છે.

આ વ્યવસ્થાપનનો મૂળ હાર્દ રાષ્ટ્રીય સંપત્તિનો પ્રજાની જાહેર સુખાકારી માટેનો સંપૂર્ણ ઉપયોગ, અને તેના થકી થતી આવકથી આયોજનનો નિભાવ અને રોજગારીની તકોની પૂર્તિમાં છે. આમ, એક કાંકરે બે પક્ષીના શિકારની કહેવત સાંભળી છે, પરંતુ આ કહેવતનું વાસ્તવિક રીતે પરિવર્તન કરીએ તો તેને “એક” આયોજનમાં અનેક સિદ્ધિ તરીકે પ્રસ્થાપિત કરી શકાય.

૧૬. માનવશક્તિનું વ્યવસ્થાપન

આપણું આયોજન નાગરિકો તેમની મહત્તમ જરૂરિયાત સહજ રીતે પ્રાપ્ત કરી શકે તેના માટે છે. આપણું જીવન આપણી પ્રાથમિક જરૂરિયાતની પૂર્તિ માટે જ વ્યતીત કરતાં હોય તેવું અનુભવતા હોઈએ છીએ. પરિણામે પ્રાકૃતિક આનંદથી વંચિત છીએ, એટલે ક્યારેક યંત્રવત્‌ બની જવાય છે. આવા જીવનમાં કૃત્રિમતાનો અભ્યાસ થતાં નકારાત્મક વિચારો ઉત્પન્ન થતા હોય છે અને તેના સમાપન માટે આધ્યાત્મિકતાના શરણે જતા હોઈએ છીએ. આધ્યાત્મિકતાનું શરણું જ્યારે પોકળ હોવાનું અનુભવાય છે, ત્યારે પ્રકૃતિ વિરુદ્ધનું વર્તન કરીને અધોગતિ પામતા હોઈએ છીએ.

આવા વિષચક્રના નિવારણ અર્થે જે વ્યવસ્થાપન કરવામાં આવે, તેમાં જરૂરિયાતોની સહજ પ્રાપ્તિ અને સામાન્ય જીવનમાં ઇચ્છિત આનંદ પણ અનુભવી શકાય તેવી સ્થિતિનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે કે જેથી સમાજ તેની પ્રાથમિક જરૂરિયાતની તાણમાંથી મુક્ત થાય અને સ્વતંત્રપણે વિચારી શકે. મનુષ્ય જ્યારે મુક્ત રીતે વિચારે છે, ત્યારે તેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ રચનાત્મક હોય છે, જેની આપણને જરૂરિયાત છે. સામાન્યતઃ અરાજકતાના કષ્ટોમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે વિનાશકારી હોય છે. જ્યારે મુક્તતાના આનંદમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, તેમાં નવસર્જન હોય છે.

વર્તમાન સમયમાં સમાજનો અમુક વર્ગ જ તેમની જરૂરિયાત સહજ રીતે પ્રાપ્ત કરી શકતો હોય છે પરંતુ તેમની માનસિકતા ભૌતિક વૈભવ પૂરતી જ મર્યાદિત બનતાં પ્રસન્ન જીવન અનુભવી શકતા નથી. એટલે વ્યવહારમાં અનિચ્છિત કૃત્રિમતા ધારણ કરે છે. આવી કૃત્રિમતા જ્યારે પ્રાકૃતિક સ્પંદનોના અનુભવોથી કુંઠીત થાય છે, ત્યારે સ્વયં યંત્રવત્‌ બની જાય છે. આવું યંત્રવત્‌ જીવન સ્વયં અને સમાજ માટે હાનિકારક હોય છે, તેનું પ્રમાણ આજના ગરીબ અને ધનવાન વચ્ચેની ખાઈ છે, જેમાં પ્રવૃત્તિહીન ગરીબ અને યંત્રવત્‌ માનવી સર્જનહારના સહેતુક સર્જનના તાત્પર્યનો છેદ ઉડાડી દેશે. જેમાં મધ્યમ વર્ગનો માનવી ન ઘરનો કે ન ઘાટનો-જેવી સ્થિતિ અનુભવે છે.

રાજ્ય કે રાષ્ટ્રમાં મહત્તમ રોજગારીની તકો ઊભી કરીને મહત્તમ માથાદીઠ આવકના સ્ત્રોતની વ્યવસ્થા કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના છળકપટ સિવાય નક્કર સ્વરૂપનો વિકાસ કરી શકાય. આવા વ્યવસ્થાતંત્ર માટે પ્રબુદ્ધ સમાજની ઇચ્છાશક્તિની સહાય ઇચ્છવી રહી. પ્રબુદ્ધ સમાજ કલ્યાણમય ભાવનાઓથી પ્રવૃત્ત થાય તો વ્યવસ્થાપન પરિણામલક્ષી બને. આવા સમૂહની સંગઠન શક્તિ અને આયોજનના વ્યાપને આત્મસાત્‌ કરીને પ્રવૃત્ત થવાય તો આયોજનનું પ્રાણપ્રતિષ્ઠાન થાય.

સામાન્ય રીતે વિકાસના વ્યવસ્થાપનમાં જે પ્રકારના કાર્યનું આયોજન હોય તેવા પ્રકારના અનુભવની જરૂરિયાત પડતી હોય છે. આપણા કાર્ય સ્થાનિક કક્ષાથી વૈશ્વિક કક્ષાના પ્રાકૃતિક તેમ જ માનવીય વિકાસના પરિપ્રેક્ષ્યમાં છે, એટલે સ્થાનિક વિકાસ માટે સ્થાનિક જનમિત્રની અને તાલુકા, જિલ્લા, શહેર અને રાજ્યકક્ષાના વિકાસ તેમના ક્ષેત્ર અધીન વિસ્તારમાં રહેતા અને પ્રાકૃતિક તેમ જ માનવીય વિકાસની ઊણપોથી પરિચિત હોય તેવા જનમિત્રે કાર્યો કરવાનાં થતાં હોઈ તેમનામાં કોઠાસૂઝ અને આત્મશક્તિ એ જ લાયકાત અને અનુભવ સર્વશ્રેષ્ઠ છે.

જનસેવાના વ્યવસ્થાપનમાં સામાજિક જવાબદારીને માનવતાના ધોરણે નિભાવવામાંથી નૈતિકતા, પ્રામાણિકતા, સહનશીલતા અને સૈજન્યપૂર્વકનો વ્યવહાર પ્રકાશિત થતો હોય છે, જે જનસમુદાય માટે પ્રેરણાનો સ્ત્રોત હોય છે. જો આવો સ્ત્રોત અખંડ સ્વરૂપે વહેશે તો અવશ્ય સમાજ તેનાથી ભીંજાઈને પ્રસન્નતા પ્રાપ્ત કરશે.

૧૬. આયોજન માટેનાં સ્થળ

આપણાં દરેક કાર્યોનાં આયોજન માટે સ્થળ અને આનુષંગિક જરૂરિયાતો ઊભી થશે, જેમાં સ્થળ અનિવાર્ય જરૂરત હશે. સનાતન સત્ય તે એ છે કે જન્મ અને મૃત્યુ સમયે જેમ ભૂમિનો સહારો જોઈએ છે, તેમ કોઈ ભગીરથ આયોજનને પણ ભૂમિના સહારાની જરૂર પડે છે. આવી ભૂમિની મદદમાં સમાજ-સમૂહની સહાનુભૂતિ અને પ્રેમ હોય છે.

આપણી કર્મભૂમિ નિશ્ચિત છે, પરંતુ કર્મબિન્દુ ક્યાં બનાવવું તે તેની પ્રાપ્તિ ઉપર આધારિત છે. આવું સ્થળ એવું હોવું જોઈએ કે સર્વ ઉપયોગી થઈ શકે, તેમ છતાં કોઈને અગવડરૂપ ન થાય, તેનું ધ્યાન પણ રાખવું રહ્યું. સ્થળ મળવું તે કોઈ ચિન્તાનો વિષય નથી, પરંતુ પસંદગીની જગ્યા મળવી તે આવશ્યક છે, કારણ કે વ્યવસ્થાપનકેન્દ્ર સર્વ કાર્યોના વિકાસ અને સંકલન માટેનું મુખ્ય કેન્દ્ર હોય છે. તેમ છતાં આપણો અનુભવ બહુ જ આશાવાદી છે, કારણ કે જ્યાં મંદિર, મસ્જિદ, ઉપાશ્રય, ચર્ચ, ગુરુદ્વારા માટે જે ભાવથી ભૂદાન કરવામાં આવે છે એટલા જ ભાવથી કાર્યમાં પાવિત્ર્ય અને મુક્તિની ભાવના હોય તેવા કાર્ય માટે જગા મળવામાં સહજતા અનુભવાય છે.

સેવા માટે અપાયેલ જગ્યા ઉપર કોઈ માલિકીનો હક્ક પ્રસ્થાપિત કરવાનો નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થાપન સહજતાથી કરી શકાય તે માટેનો છે. આયોજનની આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થયે આવી ભૂમિને મુક્ત કરીને અન્ય સ્થળ પ્રાપ્ત કરી શકાય તેવી નેમ છે.

આવા સ્થળની જરૂરિયાત, ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ સહજતાથી પૂર્ણ કરી શકાય, પરંતુ વિકસિત શહેરોમાં મુશ્કેલી અનુભવાય તો હરિના લાલ બેઠા હોય છે.

આવા સ્થળની અગત્યતા એટલા માટે રહે છે કે ત્યાંથી જીવન-જરૂરિયાતની વસ્તુઓની વેચાણવ્યવસ્થા, સહકારી સેવા, સ્થાનિક કક્ષાનાં કાર્યોનું વ્યવસ્થાપન, ક્ષેત્રઅધીન સમૂહની ચર્ચાસભા તથા અતિથિઓની આવાગમન માટેની વ્યવસ્થાનું આયોજન કરવાનું હોય છે.

મકાન અને રાચરચીલાની વ્યવસ્થા સાદગીપૂર્ણ પરંતુ સર્વોત્તમ, સુન્દર બને તેવું આયોજન કરીએ તો મહાત્મા ગાંધીજીના આદર્શોને પ્રતિબિંબિત કરી તેમના ધ્યેયોને પૂર્ણ કરી શકાય.

૧૭. પરિણામોને લોકભોગ્ય બનાવવાની વ્યવસ્થા

સમગ્ર આયોજનની ફલશ્રુતિમાં સમાજનો સામૂહિક વિકાસ તેમ જ આર્થિક સ્ત્રોતનાં વિકાસનો છે. સમાજનો સામૂહિક વિકાસ આપોઆપ સમાજમાં પ્રવાહિત થઈ જશે, પરંતુ આર્થિક ભંડોળનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવું અનિવાર્ય છે. અન્યથા સેવન સ્ટાર વૈભવ ભોગવવાની લાલચ જાગૃત થાય અથવા તો વૈભવ ભોગવવા ક્યારેક વંશજોને સહાયક બનાવવાં પડે તેવા અનિષ્ઠ કે અનૈતિક માનસિકતાનું સર્જન ન થાય તેનું ધ્યાન રાખવું રહ્યું. સામાજિક સહિષ્ણુતાના પરિણામ સ્વરૂપે જે પ્રતિષ્ઠાનું સ્થાપન થાય, તેને પવિત્ર રાખવા માટે પ્રામાણિક પ્રયત્ન કરવા રહ્યા.

સામાન્યતઃ સામાજિક કાર્યો, દાન તથા ગ્રાન્ટરૂપી આવકના સ્ત્રોતથી થતાં હોય છે. તેમાં ક્યારેક વિસંવાદિતા હોય છે, જેના પુરાવા અને પ્રત્યક્ષ અનુભવ વગર કોઈ પણ સંનિષ્ઠ આયોજનકર્તા ઉપર આક્ષેપ કરવો તે કુદરતી ન્યાયની વિરુદ્ધમાં છે. તેમ છતાં આવાં કાર્યો સામાન્ય પ્રવાહની ગંદકીથી ખરડાયેલ હોય તો, તેના જેવી બીજી કોઈ કમનસીબી નથી.

ખેર, સમયની જે પણ બલિહારી હોય, પરંતુ આપણા પ્રયત્નો તેના પવિત્રીકરણના છે. આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે સ્વમાનભેર જે પણ દાન કે ગ્રાન્ટ મળે તે સ્વીકારવું અને આપણા સ્વયંના આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ દ્વારા જે આવક થાય તેનો વિકાસ અર્થે સદુપયોગ થાય તેવું આયોજન કરવું રહ્યું.

આવા ભંડોળનો ઉપયોગ :

૧. સામાજિક કાર્યોના વ્યવસ્થાપન માટે.

ર. જ્યાં સુધી સ્વયંની સ્થાયી મિલકતો ન સ્થપાય એટલે કે કાર્યાલય ન થાય ત્યાં સુધી ભાડા-વેરા તથા અન્ય ખર્ચ.

૩. સ્ટેશનરી તથા પ્રવાસ-સંપર્ક યાત્રાના ખર્ચ.

૪. કાયમી જનમિત્રને માનદ્‌ વેતન આ એવું વેતન હોય કે જનમિત્ર ઉપર આધારિત કુટુંબનું સન્માનિતપણે ભરણપોષણ થાય.

પ. સંસ્થાને પોતાની સ્થાયી તેમ જ જંગલ મિલકત વસાવવા તથા આપત્તિકાળમાં સહાયક થાય તેવું રિઝર્વ ફંડ.

૬. એવા સેવા ઇચ્છુક સભ્યો કે જેઓ સેવાના કાયમી સભ્યો હોય અને તેમના દ્વારા લેવાતી સેવાના બદલામાં સંસ્થાને આવક થતી હોય. તેમની વાર્ષિક સેવાનાં કુલ નાણાકીય મૂલ્યોને પૉઈન્ટમાં રૂપાંતરિત કરીને પૉઇન્ટ આધારિત વળતર, અર્થાત કાયમી ગ્રાહકની કુલ વાર્ષિક ખરીદીની જે રકમ થાય તેનું પૉઇન્ટમાં રૂપાન્તરિત કરીને આપવાનો થતો વધ ભાગ.

૭. હસ્ત, લઘુઉદ્યોગ, પરંપરાગત હુન્નર તથા કોઠાસૂઝ દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓમાં ઉત્પાદક અને ઉપભોક્તાના સમૂહ વિકસાવી શકે તેવા કારીગર, ધંધાર્થીઓને પ્રોત્સાહક ઈનામી રકમની વ્યવસ્થા.

જે જનમિત્રો કાયમી સેવા આપવા ઇચ્છતા હોય, તેઓ મુક્તપણે સેવાના કામમાં વ્યસ્ત રહે તે માટે તેમના જીવનનિર્વાહની આર્થિક વ્યવસ્થા કરી શકાય તેવું આયોજન સ્વીકારવું રહ્યું. તેની ઉભય શરત એ છે કે જીવન જરૂરિયાત સાદગીપૂર્ણ હોય, તેમ છતાં આવી સાદગીનો એવો પણ અર્થ નથી તો કે પ્રાકૃતિક તેમ જ માનવીય સુખ-આનંદથી વંચિત રહે.

વર્તમાન સમયની વૈશ્વિક માનસિકતા મુજબ આવી વિચારસરણીમાં, કોઈ રાજકીય પરિપ્રેક્ષ્યમાં સામ્યવાદી કે સમાજવાદ, તો ધાર્મિક પરિપ્રેક્ષ્ય મુજબ જે તે ધર્મ અનુસાર ભેખ ધારણ કરીને સામાજિક જીવનનાં એક અલગ માળખા સ્થાપિત કરવા જેવાં અનુમાન કરવા પ્રેરાય તો તે નકારાત્મક માનસિકતાને પ્રદર્શિત કરવા સમાન છે. વિચારસરણીનું મૂળભૂત હાર્દ સમાજના પ્રસન્ન જીવન માટેનું છે.

લોકોને પ્રકૃતિએ જે સ્વતંત્રતા બક્ષેલ છે, તે નંદવાયેલ હોય તો તેના મૂળભૂત સ્વરૂપે પુનઃ સ્થાપન કરીને મુક્ત જીવનનો આનંદ પ્રાપ્ત થાય તથા પ્રકૃતિના સહેતુક સર્જનનું હાર્દ સચવાય તે માટેનો પ્રયત્ન છે. આવા પ્રયત્ન ત્યારે જ સફળ થાય કે જ્યારે વ્યક્તિ સ્વયંને સમજે અને આવી સમજણમાંથી પ્રાકૃતિક તેમ જ માનવ-ધર્મની આચારસંહિતા મુજબનું વર્તન કરીને પરિપક્વતા પ્રાપ્ત કરે.

સૃષ્ટિનું સર્જન સહેતુક, સહઅસ્તિત્વ, સહાયક અને પૂરકની ભૂમિકાના મૂળ જીવનમંત્રથી વૈશ્વિક ભૂમિનું સંસ્કરણ થયેલ છે, જેમાં પ્રાકૃતિક તેમ જ માનવ-મૂલ્યો વણાયેલા છે. જેઓ આ સંસ્કરણથી સુસંસ્કૃત થયા. તેઓના આચરણમાંથી જે જીવન-પદ્ધતિ અમલમાં આવી તે આપણી સંસ્કૃતિ છે. તે જ્યાં સુધી પ્રવર્તમાન રહી તેના પરિણામ સ્વરૂપે પ્રસન્ન જીવન અનુભવાતું, પરંતુ કેટલીક સદીઓથી વર્તમાન સમય દરમિયાન ભારતીય જીવનને ગમે તે પરિપ્રેક્ષ્યમાં મૂલવાય છે અને તે મુજબનાં આચરણ થાય છે. આવા આચરણમાં પણ તેનો મૂળભૂત જીવનમંત્ર આજ પણ જીવન્ત છે, પરંતુ તેને આપણે નજર-અંદાજ કરતા હોઈએ છીએ. આમ થવાનાં કેટલાંક કારણોમાં વર્ણસંકર માનસિકતાનું કારણ મુખ્ય છે. જ્યાં સુધી મૂળ જીવનમંત્ર અજ્ઞાનતાની અંધકારમય સ્થિતિમાં છે, તેને મૂળભૂત રીતે પ્રકાશિત થવાનાં આવરણો દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી પ્રસન્ન જીવનનો અનુભવ નહીં કરી શકાય. આપણી પ્રાચીનતમ જીવન-પદ્ધતિ જ્યાં સુધી પરિપક્વ હતી, ત્યાં સુધી જીવન પ્રત્યે નિર્ભય હતા અને પ્રાકૃતિક સર્જનના હાર્દને સમજીને દરેક મનુષ્યોને શરણ નહીં પરંતુ સ્વાગત કરીને આશ્રય આપતા.

જેઓ આશ્રયનાં પાવિત્ર્યને સમજ્યા તેઓએ ભારતીય જીવનના જીવનમંત્રને સાક્ષાત્‌ કરીને સર્વોત્તમ વૈભવ પ્રાપ્ત કર્યો, પરંતુ જેઓએ આશ્રયના પાવિત્ર્યનું ખંડન કર્યું અને આક્રંતા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું, તેઓની કલુષિત માનસિકતાથી આપણે વર્ણસંકર બની ગયા. આ ન સમજાય તેવું તથ્ય છે, પરંતુ તેની વાસ્તવિકતા આપણે અનુભવીએ છીએ એટલે પ્રસન્ન જીવનનો મૂળ જીવનમંત્ર પ્રકાશિત થાય, તેવાં કાર્યોને પ્રાધાન્ય આપવું રહ્યું.

ભારતીય જીવનનો મૂળભૂત જીવનમંત્ર જીવો અને જીવવા દો. વૈશ્વિક બંધુત્વ સ્વામી વિવેકાનંદના સંબોધનમાં સમાયેલ છે. આ સંબોધનને આપણે સમજવું રહ્યું. વર્તમાન સમયની વર્ણસંકર માનસિકતામાં “ભાઈઓ અને બહેનો”નાં મૂળભૂત પાવિત્ર્ય જ ખંડિત હોય તો તેના ભાવને કેવી રીતે સમજી શકાય ? આ ભાવને જાગૃત કરી શકીશું તો જ આવરણો દૂર કરી શકીશું. આવરણો દૂર થશે તો આપણે પાવિત્ર્ય ધારણ કરીશું, પાવિત્ર્ય ધારણ કરીશું તો ભારતીય જવનનો મૂળભૂત આત્મા પ્રકાશિત થશે.

સામાન્ય રીતે દરેક મનુષ્યને પરંપરાગત સંસ્કૃતિની વિરાસતને જીવંત રાખવાનો અધિકાર છે, પરંતુ આ વિરાસત એવી ન હોવી જોઈએ કે જે માનવજીવનને પ્રાકૃતિક સુખોથી વંચિત કરે. જો તેમ થાય તો અવશ્ય સમજનું કે સ્વયંની સંસ્કૃતિને સમજવાની ભૂલ કરે છે અથવા તો તેનું અર્થઘટન દૂષિત હોય, અથવા તો ઇચ્છાપૂર્વકની ભૂલ કરતા હોય, વર્તમાન સમયનાં નકારાત્મક તથ્યોનું નિરાકરણ વૈશ્વિ કાયદા-પોથીઓમાં સંગ્રહાયેલ છે, તેથી વિશેષ ચર્ચા અસ્થાને છે. આપણા પ્રયત્નો સકારાત્મક સત્યો પ્રકાશિત કરવાના હોઈ તે અંગે મંથન કરવું રહ્યું.

સામાન્ય જીવનવ્યવહારમાં “નિર્બળની પત્ની સૌની ભાભી અને સબળની પત્ની સૌની બહેન”ના સંદર્ભમાં વિશેષ મર્મ આપણે સૌ સમજતા હોઈએ છીએ. એટલે વૈશ્વિક કક્ષાએ સબળતા પ્રાપ્ત કરવી હોય તો આપણે સક્ષમતા પુરવાર કરવી રહી. આપણી વર્ણશંકર માનસિકતા વર્તમાન સમયથી ભલે ગૌરવ અનુભવે, પરંતુ અનુભવાતી વાસ્તવિકતાને નજરઅંદાજ ન કરી શકાય. વૈશ્વિક માનવ-સમુદાય તેના માનવી જીવનના સર્વોત્તમ અજંપાના શિખરે હોય ત્યારે આપણે આપણા ઝમીરને જાગૃત કરીને આવા અજંપાનું શમન કરી શકે તેવી શક્તિ કેળવવી રહી.

જો આપણી શક્તિના પ્રમાણને અનુમાનિત કરવું હોય તો રાષ્ટ્રીય કક્ષાના ભ્રષ્ટાચારને નિર્મૂળ કરીને વૈશ્વિક જરૂરિયાતના વ્યાપારીકરણને મુક્ત કરીને, કલ્પના કરી જુઓ કે તેની વાસ્તવિકતા કેવી હોઈ શકે. મારી વૈચારિક દૃષ્ટિમાં તો કોઈપણ વૈશ્વિક ખંડ દરેક આપત્તિઓમાંથી મુક્ત હશે અને તેના નિર્બળમાં નિર્બળ માનવી પણ પ્રસન્ન જીવનથી સભર હશે. તેની પરાકાષ્ઠા સ્વરૂપનું દર્શન તો એમાં થાય છે કે, ક્યાં કેવી આપત્તિ છે અને તેના નિરાકરણનું નિમિત્ત કેવી રીતે બની શકાય તેનું આયોજન કરતો હોય ત્યારે તેની પ્રસન્નતા અનુભવવા જેવી હોય છે. આવા ચિંતન પાછળ કોઈ વિરલ જનમિત્રની અનુભવાયેલ પ્રસન્નતામાંથી વિચારોની પ્રેરણા મળી હોય તેમ માનવું રહ્યું.

૧૮. કાર્યો અને તેનું આયોજન

આંતરિક અને બાહ્ય કાર્યોનું આયોજન

સામાન્ય રીતે કોઈ પણ કાર્યનું સ્વરૂપ તેને કેવી રીતે પરિપૂર્ણ કરી શકાય તે તેના વ્યાપ અને વ્યવસ્થાપનમાં સમાયેલ હોય છે. જે કાર્યો ચલ (આઉટ ડોર)નાં હોય તે બાહ્ય વ્યવસ્થાપન દ્વારા અને જે અચલ (ઇન ડોર) સ્વરૂપનાં હોય તે આંતરિક વ્યવસ્થાપન દ્વારા કરવાં પડે. ચલ સ્વરૂપનાં કાર્યો આંતરિક વ્યવસ્થાપનથી અને અચલ કાર્યો બાહ્ય વ્યવસ્થાપન તરીકે કરવામાં આવે તો તેનાં પરિણામ સંતોષજનક નથી હોતાં, એટલે કે જ્યાં જેની ઊણપ છે તેની પૂર્તિ કરવી હોય તો તેનું વ્યવસ્થાપન ઊણપના સ્થળ ઉપર જ કરી શકાય તેવું હોવું જોઈએ. જેમ કે શિક્ષણથી સર્વે સમુદાયને પૂર્ણ કરવા છે તો આપણે તેમના સ્થળ ઉપર જઈને જ શિક્ષિત કરી શકાય, તેવી વ્યવસ્થા ગોઠવવી પડે. તેવી જ રીતે આર્થિક ઉપાર્જન માટે જીવનજરૂરિયાતનું સહકારી કેન્દ્રનું આયોજન કરવું હોય તો સમાજ સમૂહના કેન્દ્રમાં કરીએ તો તેનાં વાસ્તવિક પરિણામ પ્રાપ્ત થાય.

અર્થાત્‌ જેવા પ્રકારનું કાર્ય હોય તે મુજબ કાર્યનું આયોજન કરવું જરૂરી છે. સામાન્યતઃ આપણી માનસિકતા સરકારી કાર્યોના વ્યવસ્થાપન મુજબ કરવા પ્રેરાતી હોય છે, પરંતુ સરકારી કાર્યોમાં માનવશક્તિ, સત્તા અને ઓજસ અવર્ણનીય રીતે નકરાત્મકપણે પ્રકાશિત થતાં હોય છે. પરિણામે તેનાં કાર્યોનું પરિણામ જે પ્રતિબિંબિત થવું જોઈએ તે થતું નથી. જ્યારે કૉર્પોરેટ ક્ષેત્રો તેમના ઉદ્યોગના વિકાસના સંદર્ભમાં આયોજન કરતાં હોવાથી તેમની કાર્યક્ષમતા/સંનિષ્ઠતા તેમના નફા-નુકશાનના માપ-દંડમાં સમાપ્ત થતી હોય છે. જાહેર સુખાકારીની સેવામાં સરકાર અને કોર્પોરેટ ક્ષેત્રનું મહોરું વિક્ષેપિત અનુભવાતાં સહકારી અને નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન્સ (એન.જી.ઓ.) સંસ્થાઓમાં આશાસ્પદ અનુભવ અનુભવાય તે પહેલાં જ અપવાદરૂપ સંસ્થાઓ સિવાય તેમનું પોત પ્રકાશવા લાગે છે. આપણે જનવ્યવહારના અનુભવો અને પરિણામોથી પરિચિત હોઈએ તો સમતુલિત અને પરિણામલક્ષી આયોજન કરી શકીએ.

આપણી માનસિકતા “આભ ફાટ્યું હોય તેને કેવી રીતે થીગડું મારી શકાય” તેવી પ્રવર્તે છે. પરંતુ આપણે સકારાત્મક પ્રવૃતિથી પ્રવૃત્ત થઈશું તો થીગડું બનીને નહીં, પરંતુ આભ બનીને અખંડિતતાનો અનુભવ કરી શકીશું, પરંતુ તેની ઉભય શરત એ છે કે તેના સક્ષમ તાણા અને વાણા આપણે બનવું પડે.

આપણે જે કલ્પવૃક્ષનું સ્વપ્ન જોઈએ છીએ તેની રચના નીચે મુજબ કલ્પીએ છીએ.

૧. કેન્દ્ર : દર ૧૦૦૦ રહેણાંક દીઠ એક

દરેક ગ્રામ, તાલુકા, જિલ્લા, શહેર અને રાજ્યમાં

ગ્રામ : સામાન્યતઃ દરેક ગ્રામીણ વિસ્તાર લગભગ ૧૦૦૦ રહેણાંક મુજબ માનવામાં આવે છે.

પરંતુ,

એ. ૧૦૦૦થી ઓછા હોય તો પણ કેન્દ્રની રચના કરીએ.

બી. ૧૦૦૦થી ૧પ૦૦ સુધીનામાં એક, પણ ૧પ૦૦થી વધુ હોય અને સ્થાનિક જરૂરિયાત હોય તો બીજા કેન્દ્રની રચના કરીએ.

સી. જ્યાં પરાઓ, મુવાડા અને ટીંબાથી વહેંચાયું હોય ત્યાં સર્વને મધ્યમાં પડે તેવા કેન્દ્રની રચના કરીએ.

તાલુકા અને ગ્રામ પંચાયત : વસ્તી અને વિસ્તાર આધારિત જ્યાં વિસ્તાર મોટો હોય પણ રહેણાંક ઓછાં હોય ત્યાં સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અનુસાર જે રીતે સંકલન કરી શકાય તે મુજબ. ગ્રામ કક્ષા પ્રમાણે ક્ન્દ્રની રચના કરીએ.

જિલ્લા અને નગરપાલિકા : જે જિલ્લો છે, પરંતુ વિકસિત શહેર નથી, ત્યાં ઉચ્ચ-મધ્યમ અને નિમ્ન વિકસિત વિસ્તાર હોય તો ઉચ્ચ વિકસિત વિસ્તારમાં.

આવશ્યકતા મુજબનું કેન્દ્ર પરંતુ સ્થાનિક રહીસો સકારાત્મક દૃષ્ટિથી માગણી કરે તો ૧૦૦૦ રહેણાકે કેન્દ્રની રચના કરીએ.

મધ્ય વિકસિત વિસ્તાર :

સામાન્યતઃ સ્પંદનશીલ વિસ્તાર હોય છે, તેમનું સાંનિધ્ય, સમજણ, હૂંફ અને સહાય અમૂલ્ય હોય છે. તેમની સક્રિયતાને જાગૃત કરવા અર્થે :

એ. દર હજાર રહેણાંકે એક કેન્દ્રની રચના કરીએ.

બી. જો ૧૦૦૦ થી ૧પ૦૦ સુધી હોય તો બે ભાગ કરીને એક એક કેન્દ્રની રચના કરીએ.

નિમ્નતમ વિકસિત વિસ્તાર :

ગ્રામ કક્ષાએ કરેલ રચના અનુસાર

શહેર અને મહાનગરપાલિકા : જિલ્લા અને નગર-પાલિકા મુજબ વોર્ડદીઠ ઉચ્ચ, મધ્યમ અને નિમ્નતમ વિકસિત વિસ્તાર મુજબ કેન્દ્રની રચના કરીએ.

જેમ કે ૧ વોર્ડમાં :

ઉચ્ચ વિકસિત વિસ્તારમાં રહેણાંકની મર્યાદા વગર એક કેન્દ્રની રચના કરીએ, પરંતુ આવા સમૂહના સકારાત્મક હેતુ અનુસાર કેન્દ્ર ઇચ્છે તો રહેણાકના નિયમ મુજબ કેન્દ્રની રચના કરીએ.

મધ્યમ વિકસિત વિસ્તાર :

જિલ્લા માટે નક્કી કરેલ નિયમ અનુસાર કેન્દ્રની રચના કરીએ.

નિમ્ન વિકસિત વિસ્તાર :

મહાનગર તરીકે વિકસિત વિસ્તાર હોવાથી ધંધારોજગાર માટે અન્ય કોઈ પણ આવશ્યક સેવાઓની વ્યવસ્થા ન હોય તો પણ ત્યાં વસાહતો ઊભી થાય છે. એટલે આવા વિસ્તારમાં ૧૦૦૦ રહેણાંકની મર્યાદા સાથે સમાધાન કરીએ.

૧. પ૦૦ સુધીનાં રહેણાક હોય ત્યાં કેન્દ્રની રચના કરીએ.

ર. છૂટક-છૂટક વિસ્તારોમાં પ૦૦ રહેણાકની સંખ્યામાં જે મધ્યભાગ પડતો હોય ત્યાં કેન્દ્રની વ્યવસ્થા કરીએ.

પ્રથમ વોર્ડમાં જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી હોય તેવી દરેક વોર્ડમાં કેન્દ્રોની રચના કરીએ.

માનવશક્તિનું આયોજન :

જનમિત્ર દરેક કાર્યના પ્રાણસમાન છે. એટલે કોઠાસૂઝ અને સામાજિક જવાબદારીને સમજી શકે તેવા કર્મનિષ્ઠ, સેવાભાવી જનમિત્ર આદરણીય છે. જેઓ સ્થાનિક વિકાસ અને માનવીય પ્રશ્નોને સમજી, વિચારી અને નિરાકરણ કરવાના નૈતિક ગુણ ધરાવતા હોય તેમની સેવાનો લાભ લઈએ.

આપણે કેન્દ્રની રચના કરી. આવા કેન્દ્ર ઉપર -

૧. લગભગ ર૪ કલાક સેવા આપી શકાય તેવી વ્યવસ્થા કરીએ. જો તેમ ન કરી શકાય તો,

ર. ૬ થી ર અને ર થી ૧૦ કલાક પ્રમાણે પાળીનું આયોજન કરીએ.

૩. દરેક પાળીમાં ઓછામાં ઓછા બેથી ત્રણ સેવાભાવી જનમિત્રની સેવાનું આયોજન કરીએ.

૪. તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં વોર્ડદીઠ એક કેન્દ્ર ર૪ કલાક સેવામય રહે તેવી વ્યવસ્થા કરીએ.

સેવાનું સંકલન

દરેક કેન્દ્ર સ્વતંત્ર છે, પરંતુ આયોજનનું અભિન્ન અંગ હોવાથી દરેક કેન્દ્રે એકબીજા સાથે જીવંત વ્યવહાર સ્થાપિત કરવો અનિવાર્ય છે. મહત્તમ ભાગે આપણે માનવતા, અને વિકાસના ભાવ આદાન-પ્રદાન કરતા હોવાથી તેની મહેક જેટલી વિકસી શકે તેટલી વિકસાવવાના આપણા પ્રયત્નો હોવા જોઈએ.

સંકલનનાં મુખ્યત્વે બે પ્રયોજન છે, જેમાં સામાજીક ઉત્થાન અને આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા, બંન્ને કાર્યોમાં એકબીજા કેન્દ્ર સાથેના સંપર્ક અને સંકલનમાં આપણાં કાર્યોના પરિણામના માપદંડ નક્કી કરી શકાય, તેમજ કાર્યોનું સાતત્ય કેળવી શકાય તેથી,

એ. ૧. ગ્રામથી તાલુકા ર. તાલુકાથી જિલ્લા ૩. જિલ્લાથી શહેર અને શહેરથી રાજ્યકક્ષાનાં મુખ્ય કેન્દ્ર

બી. તાલુકાના જુદા-જુદા કેન્દ્રનું સંકલન, તેવી જ રીતે જિલ્લા અને શહેરમાં જુદાંજુદાં કેન્દ્રો વચ્ચેનું સંકલન ત્યારે જ કેળવી શકાય કે તેવાં કેન્દ્રો એકબીજાના સંપર્કમાં હોય.

સામાજિક સેવામાં જીવનની મુશ્કેલીઓ સમજવી અને તેનું નિરાકરણ કરવામાં, માનવીય સાંકળ અતિ આવશ્યક શક્તિ છે.

આપણે સક્ષમ સંકલનની વ્યવસ્થા કરીએ તો,

૧. ગ્રામ વિસ્તારની આવશ્યકતા અને તેમના દ્વારા ઉપાર્જિત પેદાશોને ઉપભોક્તા સુધી વહન કરી શકીએ.

ર. જ્યાં જે જીવન જરૂરિયાતની આવશ્યકતા જણાય તેની તકેદારી રાખીને સામાજિક જરૂરિયાતને પૂર્ણ કરી શકાય તો અનૈતિક માનસિકતા ધરાવતી વ્યક્તિઓની ચુંગાલમાંથી મુક્ત થઈ શકાય.

૩. જરૂરિયાતો અને તેની પૂર્તિનું પ્રમાણ નક્કી કરી શકાય કે જેથી ભવિષ્યની માગ અને પુરવઠાનું વ્યવસ્થાપન કરી શકાય.

૪. દરેક જરૂરિયાત આવશ્યક સમયે પરિપૂર્ણ કરવાની ક્ષમતા કેળવાય તો જરૂરિયાત અંગેની અછતનો માનસિક તનાવ દૂર થાય.

ઉપરોક્ત અપેક્ષાઓ વ્યક્તિગત રીતે નોંધતા હોઈએ, તે સમયે, જે વાસ્તવિક સ્થિતિ અનુભવેલ હોય તેનો આધાર હોય છે. પરંતુ વ્યક્તિગતમાંથી સામૂહિક અનુભવ આધારિત તથ્યોને ધ્યાનમાં લઈએ તો સંપૂર્ણ વિકાસનું માર્ગદર્શન પ્રાપ્ત થાય. એટલે વિકાસ માટેનાં દરેક સૂચનો સ્વીકારવાની સક્ષમતા કેળવીએ. સામૂહિક સૂચનો અને માર્ગદર્શનમાંથી સંકલિત આયોજન કરીએ તો નક્કર સ્વરૂપનું પરિણામ મેળવી શકીએ.

આપણે આપણી કલ્પના અને સ્વપ્ન આધારિત આયોજનને સાકારા સ્વરૂપ આપવું હોય તો પરિપક્વ માનસિકતા કેળવવા રહી. આવી પરિપક્વતા સામૂહિક પ્રયત્નો અને રચનાત્મક કાર્યોથી પ્રાપ્ત થાય છે. સામુહિક પ્રયત્ન અને રચનાત્મક કાર્યોની પ્રવૃત્ત પ્રક્રિયામાંથી એકતા અનુભવાય છે. આવી એકતામાં માનવીય તેમ જ પ્રાકૃતિક શક્તિનો અનુભવ થાય છે. અનુભવાયેલ પ્રાકૃતિક શક્તિમાં પ્રસન્ન જીવનનો સ્ત્રોત છે.

આપણે જ્યારે પ્રસન્ન જીવનના સ્વપ્ન જોતાં હોઈએ ત્યારે નકારાત્મક પરિણામને સમજવું રહ્યું. નકારાત્મક પરિણામ હંમેશાં સકારાત્મક કાર્યોનાં પરિણામને ઉજાગર કરતાં હોય છે અર્થાત્‌ સકારાત્મક કાર્યનાં વાસ્તવિક પરિણામ કલ્પના અને સ્વપ્નના આધાર ઉપર નહીં, પરંતુ તે મુજબની ક્રિયાશીલતા ઉપર આધારિત હોય છે. અને આવી ક્રિયાશીલતા પ્રાકૃતિક તેમ જ માનવીય આચરસંહિતા અનુસાર હોય તો જ સાકાર થાય, અન્યથા આપણા દંભ અને માનસિક વિકૃતિને પોષવામાં અને સંતોષવામાં જ કાર્યનું પરિણામ પ્રાપ્ત થાય છે.

સમગ્ર કાર્યો અને તેના યોગ્ય પરિણામના સંદર્ભમાં એક પ્રસંગ અનિચ્છાએ પણ પ્રસ્તુત કરવો જરૂરી છે, કારણ કે આયોજનના સંપૂર્ણ સકારાત્મક અને નકારાત્મક પરિણામનું હાર્દ તેમાં સમાયેલું છે. હા, તેના આયોજકોની પવિત્ર નિષ્ઠાનું જાણેઅજાણે પણ ક્યાંય ખંડન થતું હોય તો ક્ષમાયાચના વ્યક્ત કરવી રહી.

વર્તમાન સમયમાં એક અલ્પવિકસિત સમાજ, તેના શિક્ષણ અને સંસ્કરણ માટે એક મહાત્માએ જે કાર્ય કરેલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં તેઓએ જે સ્થળેથી પ્રવૃત્ત હતા તે નિષ્પ્રાણ હાલતમાં હોવાથી તેમાં પ્રાણ પૂરવા માટેનો હેતુ હતો. આથી આયોજકોના પરિચયનો જેટલો વ્યાપ હતો તેવા વિસ્તારોમાંથી દરેક સજ્જનને આમંત્રણ આપવામાં આવેલું. આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે પણ એક મહાત્મા હતા.

મહાત્માની ગરિમા અને આયોજકોનો હેતુ આદર્શ સ્વરૂપનો ફલિત થતો હોવાથી સમાજના શુભચિંતકો ડૂબતા સમાજને તરણાનો પણ સહારો મળી જાય અને જીવન બચી જાય તેવી આશાઓથી સહર્ષ એકત્રિત થયા અને પ્રસંગોચિત વાતાવરણનું સર્જન થયું.

મહાત્મા વૈશ્વિક સમાજના વ્યવહાર અને તેમની માનસિકતાના જ્ઞાતા હોવાથી, સ્થાનિક સમાજ અને તેમની માનસિકતાથી અજાણ હોય તેવું માની ન શકાય, સભાસ્થાનેથી આયોજકોના પ્રાસંગિક પ્રવચનોમાં સમાજની સ્થિતિ અંગેનો ચિતાર રજૂ થયો. સામાન્યપણે આપણે એવું માતતા હોઈએ છીએ કે કોઈ મહાત્માની પધરામણી કરીએ તો કંઈ દાન આપવું રહ્યું અને ક્યારેક આપવું જ પડે તેવું માનતા હોઈએ છીએ. પરંતુ આ મહાત્માએ સમાજની કરુણ પરિસ્થિતિથી પ્રેરાઈને કે, તેમની શુભેચ્છાઓ સમાજની સાથે છે કે પછી આયોજકોની માનસિકતાથી પરિચિત હોય કે, શુભ કાર્યની શરૂઆતનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી આ સમાજને નિર્ધારિત કાર્ય સિદ્ધ થાય તે માટે તેમના તરફથી મોટું દાન જાહેર કર્યું હાજર સર્વે જનોએ આનંદ સાથે પૂજનીય ભાવ વ્યક્ત કરીને તાળીઓ પાડીને દાનનો સહર્ષ સ્વીકાર કર્યો. પરંતુ, મહાત્માએ તેમાં એક પૂર્વશરત મૂકી, કે હું જે દાન આપું છું એટલી જ રકમનું દાન સમાજમાંથી એકત્ર કરવામાં આવે અને આ દાન પ્રત્યક્ષ પુરાવારૂપે પ્રવર્તમાન સંસ્થાના ખાતામાં બેંકમાં જમા થાય ત્યારે મળે. ક્ષણિક સન્નાટો તો વ્યાપ્યો. પરંતુ આયોજકોના સભ્ય પૈકી દાનની મર્યાદા પૂર્ણ કરવા તેમના થકી દાનની જાહેરાત થઈ. સભામાં સમાજના અનેક હિતચિંતકો હતા એટલે તત્કાળ સમયમાં જ મહત્તમ દાનની જાહેરાત થઈ. સમય, સંજોગો અને ઉમદા હેતુ અનુસાર ખૂટતું દાન જાહેર કરવાની ઇચ્છા થઈ, પરંતુ મારી પણ એક પૂર્વશરત હતી કે દરેક કાર્યો અને ખર્ચનું ઑડિટ થયા બાદ આપું અને આ શરત આયોજકો અને હાજર સભ્યોની સુરુચિનો ભંગ થાય તેવી હતી. એટલે જ્યારે વાસ્તવિક પરિણામનો અનુભવ થશે એટલે યથાશક્તિ દાન આપીશું, તેમ માની મન મનાવી લીધું.

સામાન્યતઃ કોઈ પણ પ્રકારનો દંભ કે વિકૃત માનસિકતા ટૂંક સમયમાં છાપરે ચડીને તેનું પોત પ્રકાશતું હોય છે, તે સર્વસામાન્ય નિયમ છે. આ નિયમને આપણે અહીં લાગુ કરતા નથી. પરંતુ તેની વાસ્તવિકતા સમજવા જેવી છે. આયોજનના આયોજકોમાં શું મતભેદ પડ્યો તે તો રામ જાણે, પરંતુ મારા નિકટના મિત્રે જે દાન જાહેર કરેલું તેને જાણ કરવામાં આવી કે હમણાં આ દાનની રકમ કોઈને આપતા નહીં, અને આયોજનમાં જે ખર્ચ થયેલ છે, તે પૈકી અમુક રકમ આપવાની છે. તે મોકલાવી દેશો. એવો કયો હરિનો લાલ હોય કે, સામેથી આપવા જાય, એટલે રૂબરૂ આવીને લઈ ગયા.

દાનની રકમ ન આપવા માટેની સૂચના કોઈ ત્રીજી જ વ્યક્તિએ આપેલ હોય તેવું ન માની લેતા, કદાચ આજદિન સુધી આયોજકોના મતભેદ દૂર નથી થયા અને તેમનું “હાલ” હજી પૂર્ણ થયું હોય તેમ લાગતું નથી. જો “હાલ” પૂર્ણ ન થયું હોય તો કેવી રીતે જાહેર કરેલ દાન એકત્ર થઈ શક્યું હોય ? અને આ રકમ એકત્ર ન થઈ હોય તો મહાત્માએ દાન ન આપ્યું હોય તે માની શકાય તેવી હકીકત છે અને જ્યારે દાતાઓ અને મહાત્માઓનું દાન ન મળી શક્યું હોય તો સભાસ્થાનેથી જે કાર્યોની જાહેરાત થઈ હોય તે કેવી રીતે શરૂ કરી શક્યા હોય ત્યાં અનેક પ્રશ્નાર્થ હોઈ શકે, અને આવા દરેક પ્રશ્નોનો જવાબ આપણી પાસે ન હોય તે સમજવું રહ્યું, પરંતુ તેની નિષ્પત્તિ (આઉટપુટ) શું હોઈ શકે, તેનાં અનુમાન અવશ્ય કરી શકાય.

મારા મત અનુસાર જે અનુમાન તારવી શક્યો છું, તે મુજબ (૧) સંઘભાવનાનો અભાવ એટલે કે એકતાનો અભાવ. (ર) દીર્ઘદૃષ્ટિનો અભાવ, (૩) પરિપક્વતાનો અભાવ (૪) આભાસી સામાજિક મોભો પ્રસ્થાપિત કરવાની માનસિકતા (પ) સ્તુત્ય પણ કાર્યોને પરિપૂર્ણ કરવાનો આયોજનનો અભાવ, સક્ષમ શક્તિનો અભાવ, (૬) ગર્ભિત સ્વાર્થ પૂર્ણ કરવાની ચેષ્ટા, (૭) મુક્ત મને ચર્ચા કરવાનો અભાવ (૮) પ્રવૃત્તિહીન જીવનને પ્રવૃત્ત કરવાની ભાવના (૯) સમાજથી અલિપ્ત હોય તો સ્વયંને પ્રતિષ્ઠિત રીતે જાહેર કરવાની ભાવના (૧૦) માનસિક વિકૃતિને સંતોષવાનું પ્લેટફોર્મ ઊભું કરવાની પ્રક્રિયા (૧૧) સમાજમાં સામાન્ય પ્રવાહમાં જેઓ અગ્રસ્થાને છે તેમને મળતા માન-મોભા જેવા માન-મોભા મેળવવાની ઇચ્છા, આ તો ગણાવી શકાય તેવાં અનુમાનો છે. પરંતુ સુષુપ્ત અવસ્થામાં કેવી ઇચ્છાઓ ધરબાયેલ હોય, તે તો પોતાના જીવ સિવાય કોઈ અનુમાન કરી શકે તેમ નથી.

કોઈ પણ સમાજ અલ્પવિકસિત હોય કે વિકસિત હોય, પરંતુ સ્તુત્ય કાર્યોના આયોજનમાં શુભનિષ્ઠા અને સક્ષમતા વગર કરે છે, ત્યારે તેનાં પરિણામ શંકાસ્પદ બને છે. જેમ કે ઉપરોક્ત આયોજનનું પરિણામ આજે પણ શૂન્ય છે. સ્વાર્થપ્રેરિત માનસિકતા એકત્ર થાય ત્યાં અલ્પવિકસિત સમાજની રચના થાય, તે આપણે સમજવું રહ્યું. આટલી સમજણ કેળવીએ તો કોઈપણ કાર્યોનું યથાર્થ પરિણામ પ્રાપ્ત કરી શકાય.

વર્તમાન સમયમાં મહાત્માઓ પણ છે અને દાનેશ્વરીઓ પણ છે, જે તન, મન અને ધનથી પ્રવર્તમાન છે. અને તે દ્વારા પોતાના હૃદયમાં જે પાવિત્ર્ય છે તે વાણી-વ્યવહાર અને વર્તન દ્વારા વ્યક્ત કરતા હોય છે. વ્યક્ત થતી શક્તિઓનો સદુપયોગ સમાજને તારે છે, જ્યારે દુરુપયોગ ડુબાડે છે. આવો, આપણે આપણી શક્તિઓનો સદુપયોગ કરીને સમાજને નવપલ્લવિત કરીએ.

૧૯. માનસિક મુક્તતા

સર્જનહાર અને તેનું દરૂક સર્જન મૂળભૂત સ્વરૂપે સંપૂર્ણ સ્વતંત્ર છે, પરંતુ સાથે સાથે સહઅસ્તિત્વને પણ અખંડ સ્વરૂપે પ્રવર્તમાન રહે તે માટે એકબીજાનાં પૂરક બનાવ્યાં છે. પૂરક બનવાની પ્રક્રિયા કાયમ રહે તે માટે દરેક સર્જનને શુભત્વથી સંસ્કરણ કરેલું છે. શુભત્વ, સાકાત્મક અને નકારાત્મક ભાવોમાંથી કોઈ એકની પસંદ કરવાની નિર્ણાયકતામાં સ્થાપિત થયેલ છે. મનુષ્ય જ્યારે પ્રાકૃતિક રીતે સ્વતંત્ર હોય છે, ત્યારે હંમેશાં સકારાત્મક રીતે નિર્ણય કરતો હય છે. સકારાત્મક નિર્ણયમાંથી સત્યનો આવિષ્કાર થાય છે.

આ જ મનુષ્ય સહઅસ્તિત્વના પરિપ્રેક્ષ્યમાં જ્યારે પૂરકના સંપર્કમાં આવે છે અને આ પૂરકની પ્રક્રિયા દરમ્યાન પોતાનું સ્વાતંત્ર્ય જોખમાય છે, ત્યારે નકરાત્મક માનસિકતાનું સર્જન થતું હોય છે. નકારાત્મક માનસિકતામાં જ્યારે નિર્ણાયક તરીકેની ભૂમિકામાં નિર્ણય કરે છે તે નકારાત્મક હોય છે અને તેમાંથી અસત્યનો જન્મ થાય છે.

સત્ય અને અસત્યના નિષ્કર્ષમાં જ્યારે અસત્યનું આચરણ કરવાનું થાય છે, ત્યારે દરેક સજ્જન પ્રાથમિક તબક્કે ખેદ અનુભવે છે, જ્યારે સત્યના આચરણમાંથી આનંદ અનુભવે છે; જેનાં પરિણામને આપણે સત્કર્મ અને દુષ્કર્મ તરીકે સમજીએ છીએ. એટલે કે ખેદ અનુભવવા છતાં નકારાત્મક આચરણ કરીએ તો તે કુકર્મ છે અને આનંદ એ સત્કર્મ છે.

આપણે જ્યાં સુધી પ્રાકૃતિક રીતે સ્પંદનશીલ હોઈએ ત્યાં સુધી કુકર્મને સમજી શકીએ છીએ, પરંતુ જ્યાંથી સ્પંદનશીલતા ગુમાવીએ છીએ ત્યારથી મનુષ્ય તરીકેની ઓળખ ગુમાવીએ છીએ. આપણું જે મુજબનું વર્તન હોય તે મુજબના પુનઃવર્તનને પુનઃજન્મ સમજવો રહ્યો.

સત્કર્મ એટલે કે આનંદ, સ્પંદનશીલતાનું પોષક અને વર્ધક છે. વર્ધકતામાંથી તરલતા પ્રસ્થાપિત થાય છે. તરલતામાં હળવાશની અનુભૂતિ થતી હોવાથી ઇચ્છિત ઉડ્ડયન કરી શકાય છે, જેનું અંતિમ લક્ષ માનવીય જીવનની પૂર્ણતા અને મુક્તિ (મોક્ષ) હોય છે.

માનવસમાજ સ્વયંની સમજ, ધર્મ કે માનવ-મૂલ્યોના સંદર્ભમાંથી એક યા બીજા પ્રકારે કર્મ અને અકર્મના પરિણામથી પરિચિત હોય છે, તેમ જ સર્જનહારે પણ સર્વગુણસંપન્નતાથી તેનું સર્જન કરેલું હોવાથી મૂળભૂત સ્વરૂપે તેની વિચારધારા શુદ્ધ સ્વરૂપની અને પવિત્ર હોય છે, પરંતુ આ વિચારધારા જ્યારે પ્રદૂષિત ભાવમાં ભળે છે ત્યારે પ્રદૂષિત થતી હોય છે.

આદ્યથી વર્તમાન સમય દરમિયાન જ્યાં સુધી વિશ્વસમાજ તેની પ્રાકૃતિક અવસ્થામાં હતો ત્યાં સુધી તેની સમજણ મુજબ મર્યાદિત સંસ્કરણ મુજબની આચારસંહિતા પ્રમાણે આચરણ કરતો હતો તે માન્ય છે. આવું આચરણ અન્ય જનસમૂહથી વિરુદ્ધનું હોય તો પણ તેમના વિકાસ અને ક્ષેત્રઅધીન મર્યાદિત હોવાથી તેના કોઈ આઘાત પ્રત્યાઘાતો નહોતા. તે પણ સમજી શકાય તેમ છે. પરંતુ જ્યારે વિશ્વમાનવ એકબીજાનાં સાંનિધ્યમાં આવતો જાય છે અને એકબીજાનો પૂરક બનતો જાય છે ત્યારે વૈશ્વિક આચાર-સંહિતામાં સમભાવ કેળવાય તે જરૂરી છે.

આપણે માનીએ કે ન માનીએ, પરંતુ આપણા પરંપરાગત સંસ્કાર એકબીજાના વિરુદ્ધના હોય તેવું અનુભવાય છે. ખરેખર તો સંસ્કારના મૂળભૂત જનકનો ભાવ ઐશ્વરીય ઐક્યમાંથી માનવીય એકતામાં પરિવર્તન કરવાનો હતો અને છે, પરંતુ તેના અનુયાયીઓને પરંપરાઓનો અપભ્રંશ કરીને વિઘટન કર્યું, જેમાં મૂળ ભાવ અધ્યાહાર થયો.

આવી પ્રક્રિયા કોઈ પણ એક સ્થિતિએ સ્થિર થઈહોય તો તે પછીના સમયમાં સ્થિરતા સ્થાપાઈ શકી હોત, પરંતુ વર્તમાન અને કદાચ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, તેવું વર્તમાન સંજોગો ઉપરથી અનુમાન કરી શકાય. સિવાય કે આ જ કારણોસર માનવ-સમાજનો વિનાશ થાય.

વર્તમાન સમયમાં દરેક ધર્મોના અનેક ફાંટાઓ છે, આ ફાંટાઓના પણ પેટા-ફાંટાઓ, અને પેટા-ફાંટાઓના પણ પેટા-ફાંટાઓ, આવા દરેકેદરેક ફાંટાઓએ પોતાની સ્વતંત્ર આચાર-સંહિતાની રચના કરેલ છે. આ રચના મુજબનું આચરણ કરવા માટે એક યા બીજા પ્રકારે ભય અને લાલચનું સ્થાપન કરેલ છે, જેમ કે રચના મુજબનું આચરણ કરવામાં આવશે તો વૈભવ અને મુક્તિ પ્રાપ્ત થશે, પરિણામે જે તે સમૂહ જે તે આચરણ કરવા લાગ્યો, આચરણે સ્વભાવ બદલ્યો, સ્વભાવે માનસિકતા બદલી અને માનસિકતાએ મનુષ્યને સંકુચિત બનાવ્યો. સંકુચિતતા અનેક ઉપાધિઓનું કારણ બને છે.

મનુષ્યને સંકુચિત અને માનસિક રીતે પંગુ બનાવતા અનેક કારણોમાં ક્યારેક તેની અંગત માન્યતાઓ પણ અગત્યનો ભાગ ભજવતી હોય છે, જેમાં લઘુતાગ્રંથિ અને ગુરુતાગ્રંથિ, જેમાં પોતાની પરિપક્વતાનો અભાવ હોય છે અને પરિપક્વતા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે પોતાની પરંપરાગત માનસિકતામાંથી મુક્ત થાય. આવી મુક્તતાનો એવો અર્થ નથી કે પોતે સ્વતંત્રમાંથી સ્વચ્છંદ થાય, પરંતુ જે માન્યતાઓના બંધનથી બંધાયેલ છે, તે માનવીય તેમ જ પ્રાકૃતિક જીવનને વહન કરવામાં કેટલું સહાયક બનેછે તે અગત્યનું છે. સામાન્ય જીવનવ્યવહારમાં અમુક ધર્મો કે સંપ્રદાયોમાં કંદમૂળ એટલે કે કાંદા, બટાકા, લસણ વર્જિત ગણાવ્યા છે તો શું સમય, સ્થળ અને વાતાવરણ અને યોગ્ય કારણોસર તેમાં બાંધછોડ ન કરી શકાય ? અમુક ધર્મોમાં ગૌ-માંસ તો અમુક ધર્મોમાં સુવ્વરના માસને વર્જિત ગણાવ્યાં છે, તો અમુક ધર્મમાં બંનેને ભોગ્ય મનાય છે. જ્યારે વૈશ્વિક સમાજનાં અમુક સમુદાયમાં આકાશના તીડ અને પાતાળની માછલીને પણ ભોગ્ય માનવામાં આવે છે. જે - તે સામાન્ય જીવનવ્યવહારમાં સમુદાયની જીવન-પ્રણાલિકામાંથી તેમની માનસિકતા પ્રદર્શિત થતી હોય છે. પરંતુ આવી માનસિકતાના કારણથી તેઓ પરિચિત નથી હોતા. વૈશ્વિક આચાર-સંહિતાનું વ્યવસ્થાપન કરવું હોય તો દરેક ધર્મોમાં કે માનવીય આચરણમાં જેને વર્જિત ગણવામાં આવ્યાં છે, તેને પ્રાકૃતિક જીવનશૈલી અને વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરીને માનવ - જીવન માટે તે હિતકર છે કે કેમ ? તે પ્રસ્થાપિત કરવું રહ્યું. અન્યથા એક સમૂહનું આચરણ બીજા સમૂહ માટે વિરુદ્ધનું પ્રસ્થાપિત થતાં કાયમી સંઘર્ષનું કારણ બની રહેશે, તેનું નિરાકરણ આવશ્યક છે.

આવી ચર્ચા-વિચારણા અને મતના મૂળ બહુ જ ઊંડાં છે, એટલે તેના પ્રસ્તુતીકરણ માટે વિશેષ સમજણ અને સમયની જરૂરત રહે, તેથી અત્રે જે વિષય છે તેના સંદર્ભમાં ચર્ચા કરીએ તો યોગ્ય જણાશે. સામાન્યતઃ આપણી માનસિકતા એક યા બીજા પ્રકારે બંધનયુક્ત હોય છે તેમાંથી મુક્ત થઈએ તો માનવીય જીવનને સમજી અને અનુભવી શકીએ.

(૧) નિરાધાર હોવાની માનસિકતામાંથી મુક્ત થઈએ

વર્તમાન સમયની વાસ્તવિકતા હોય કે મારો ભ્રમ, પરંતુ વૈશ્વિક સમુદાયમાં વ્યક્તિ પોતાને એકલી-અટૂલી અનુભવતી હોય તેવું પ્રતીત થાય છે. બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો વિશ્વમાનવ એક વિશ્વકુટુંબ સમાન લાગે છે, પરંતુ આંતરિક રીતે માનવ સિવાય કોઈ એકલું અટુલું નથી જણાતું. લાખોની ભીડમાં પણ જ્યારે એકલતા અનુભવાય ત્યારે તેનું નકારાત્મક પરિણામ ભયમાં પરિણમે છે. ભયના સમાધાન માટે નકારાત્મક વિચારોનો જન્મ થાય છે. આવા વિચારોને કારણે સત્ય અને અસત્યનાં વિવેકભાન ભૂલતાં સ્પંદનહીન બનાય છે. પ્રકૃતિસહજ માનવદેવ છે, પરંતુ સ્પંદનહીન દાનવ બને છે. દાનવમાં જ્યારે પિશાચી વિકૃતિવાળી માનસિકતા ધરાવતો થાય છે, ત્યારે તે પરપીડનમાં આનંદ અનુભવે છે. સમયાન્તરે તેના ઇચ્છવા કે ન ઇચ્છવા છતાં તેનાં વાણી-વ્યવહાર અને વર્તનમાં પરપીડન હોય છે. આવી પરપીડનની જ્વાળાઓમાં પોતે પણ ક્યારે હોમાઈ જાય તેનો ખ્યાલ ખુદને પણ રહેતો નથી.

આપણામાં જ્યારથી એકલતામાં નકારાત્મક વિચારોનાં બીજ ઉત્પન્ન થાય તો તેને ફલીનીકરણ થતાં પહેલાં જ નાબૂદ કરવાં રહ્યાં. વ્યક્તિગત વ્યવહારમાં પોતે એકલા હોવાનો અનુભવ થાય, ત્યારે જો કોઈ મારું નહીં તો હું કોનો ? - ની વૈચારિક ભૂમિ ઉપર આવી જવું જોઈએ. જો હું કોઈનો ના હોઉં તો મારું કોણ ? સ્વસ્થ અને વિચારવું રહ્યું. નિષ્પક્ષ મનોભાવથી વિચ્રતથાં અનેક પ્રકારના માનવ-વ્યવહારો નજર સમક્ષ તરવરવા લાગશે. આપણો નૈતિક માનવ-વ્યવહાર દુઃખદ પણ હોય, તેમ છતાં સુખદ રીતે અનુભવાશે. જ્યારે અનૈતિક માનવ-વ્યવહાર અટૂલા પાડી દેશે. સમગ્ર માનવ-વ્યવહારની પ્રક્રિયા દરમ્યાન સમય-સંજોગ વાતાવરણ અને કાં તો સૌમ્યતા બક્ષશે, અથવા તો અશાન્તિ કે અજંપાનું સર્જન થશે. આવી અશાન્તિ, અજંપાભરી પરિસ્થિતિમાં જે વ્યથા અનુભવાય છે તેનું નિરાકરણ કરવું હોય તો ફક્ત માનવતાસભર વ્યવહારમાં છે.

આપણે એકલતાનો અનુભવ ત્યારે જ કરીએ છીએ કે જ્યારે સુખદ અથવા દુઃખદ પરિસ્થિતિમાં જે સહકારની અપેક્ષા રાખી હોય તે ફળીભૂત ન થાય, અને એ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે આપણે અન્યનાં સુખદુઃખમાં સહભાગી બન્યા હોઈએ. જેમ કે જ્યારે દુઃખદ સ્થિતિનો અનુભવ કરતાં હોઈએ ત્યારે માનવીય હૂંફ કે સહકાર મળે તો દુઃખદ સ્થિતિમાં પણ સહાનુભૂતિનો અનુભવ થાય છે. આવા અનુભવમાં સમગ્ર વિશ્વ પોતાનું અનુભવાય છે. જ્યારે વિશ્વ માટે “સ્વ”ની ભાવના જાગૃત થાય છે ત્યારે સર્વેશ્વરનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે, જેમાં માનવીય જીવનની સાર્થકતા અનુભવાય છે. આમ, આપણી માનસિક મનોભૂમિ ઉપર નિરાધાર બનાવતાં અનિષ્ટ તત્ત્વોરૂપી જે ઘાસ હોય તેને નિંદીને માનવતારૂપી સાત્ત્વિક બીજનું વાવેતર કરી અમૃતફળની આશા રાખવી એ માનવ-ધર્મનું સ્તુત્ય કર્મ, કર્તવ્ય, કાર્ય અને જીવન છે. તેનાથી વિરુદ્ધની માનસિકતા દરેક મુશ્કેલીઓનું કારણ બને છે, જે મહત્તમ અંશે નિરાધાર માનસિકતામાંથી ઉત્પન્ન થાય છે.

(ર) માનવ-વ્યવહારમાં વર્ગીકૃત સહાય મળવાની ભ્રમણા

મનુષ્ય સિવાય પ્રકૃતિનું દરેક સર્જન તેની જે ઓળખ પ્રસ્થાપિત કરેલ હોય તે ઓળખથી જન્મે છે અને તે જ ઓળખથી વિસર્જિત પણ થાય છે. જન્મથી મૃત્યુ પર્યન્ત બાલ્ય, યુવા પ્રૌઢ અને વૃદ્ધ અવસ્થા દરમિયાન કોઈ ઓળખ બદલાતી નથી. એટલે કે વાનરબાળ જન્મે પણ વાનર હોય છે, અને મૃત્યુ સમયે પણ વાનર જ હોય છે. તે ક્યાંય એવી સમાજરચનાનો ભોગ બનતો નથી કે જ્યાં સમાજની ઉટપટાંગ વ્યવસ્થાથી દુઃખી થાય. આવાં પશુ-પંખી જળચર કે સ્થળચર હોય તેમાં ક્યાંય વર્ગભેદ નથી હોતા. જે કુળમાં અવતર્યા હોય તે જ કુળમાં લય પામે છે.

જ્યારે માનવ-સમાજમાં ભૌગોલિક તેમ જ વંશ પરંપરામાં કારણોસર જન્મ લીધા બાદ અનેક પ્રકારના વર્ગભેદ પડતા હોય છે. પ્રકૃતિએ તેના સર્જનના રક્ષણ, સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રમાણે રંગ આપ્યો છે જેનું મનુષ્યે કાળા અને ધોળાના રંગભેદમાં પરિવર્તન કર્યું. એટલે વિશ્વમાનવ સમુદાયનું પ્રથમ વિભાજન કાળા-ધોળાથી થયું. તેનાથી રંગ-ભેદની માનસિકતાનું સર્જન થયું. આવી માનસિકતામાંથી ઉચ્ચ અને નીચની વિકૃત અહંભાવના પ્રગટ થતાં પ્રાકૃતિક સર્જનનું મૂળભૂત હાર્દ દૂષિત થયું છે, માનવસમાજે તેનાં અનેક પરિણામ ભોગવ્યાં અને ભોગવાય છે. રંગભેદનાં પરિણામોથી મનુષ્ય માંડ બેઠો થાય છે, ત્યાં ધર્મ-આધારિત વિભાજન થાય છે, ધર્મોમાં સંપ્રદાય અને સંપ્રદાયમાં પણ પંથ, પંથોમાં પણ ગુરુઓ અને એ પ્રમાણે ચેલાઓનું વિભાજન થાય છે. આટલું ઓછું હોય તેમ વળી તેમાં વર્ણો, વર્ણોમાં પેટાવર્ણો, નાતો, પેટાનાતો, કુળો, પેટાકુળો, વટલાયેલા, પેટાવટલાયેલા, પેઢી, પેટાપેઢી, ગોળ, થાળું, રાજ્ય, દેશ, ભાષા, બોલી, પેટાબોલીઓ, લઘુમતીઓ, બહુમતીઓ, સવર્ણો, અવર્ણો, આવી જ વિભાજનની યાદી લંબાવીએ તો ગ્રંથો રચાય, એટલે કહેવાનું તાત્પર્ય સમજીએ તો મૂળ-માનવીને શોધવા માટે ભુલ-ભુલામણીમાં ભૂલા પડાય તો કોઈ દિશા-સૂચન કરનાર ન મળે, કારણ કે માનવી માનવને શોધતો હોય પણ મળે કોઈ ભૂરિયો કે કાળિયો, હિન્દુ કે ક્રિશ્ચિયન....પરંતુ માનવ ક્યાંય ન મળે, આપણે ક્યારેક વિભાજનમાંથી વિવિધતાનો આનંદ લેતા હોઈએ છીએ, પરંતુ આવી જ વિવિધતામાંથી વિવિધ માનસિકતા સંકુચિતતામાં પરિણમે છે, ત્યારે વૈશ્વિક સમાજ છિન્નભિન્ન થવામાં વાર નથી લાગતી.

સંકુચિત માનસિકતાની વિનાશક બાબત હોય તો એ છે, એકબીજાથી અલગ અને ચડિયાતા હોવાનો વ્યવહાર. આવા વ્યવહારમાંથી અવિશ્વાસ ઉત્પન્ન થતો હોય છે. આવી પરિસ્થિતિમાં પોતાના વર્ગના રાક્ષસો હોય તો પણ તેનામાં વિશ્વાસ મૂકવો, અને અન્ય વર્ગનો સાક્ષાત્‌ ઈશ્વર હોય તો પણ તેના પ્રત્યે અવિશ્વાસ રાખીને બાજુએ ધકેલી દેવાની માનસિકતા કેળવાય છે. પરિણામે પોતાના વર્ગનો રાક્ષસમાંથી મહારાક્ષસ બનીને તેના જ વર્ગનું ખૂન પીતો હોય છે, કારણ કે આવા રાક્ષસોને કોઈ માનવધર્મ નથી હોતો.

આપણે વર્તમાન સ્થિતિમાં ખરેખર ક્યાં છીએ તે શોધવું રહ્યું. જો કોઈ એમ સમજતું હોય કે મને મારી નાત, ધર્મ, સંપ્રદાય કે રાજકીય વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગારશે તો તે એક ભ્રમ છે. આ ભ્રમને કોઈ અપવાદોથી દૂર કરી શકાય નહીં. આમાં કોઈ વ્યક્તિ, સમાજ, નાત, ધર્મ, પક્ષ કે સંપ્રદાયમાંથી ચલિત થવાનું ઈજન નથી, પરંતુ મૂળભૂત રીતે માનવધર્મને સ્પંદિત કરવાનું ઈજન છે. જો આપણે એવું સમજતા હોઈએ કે કોઈપણ કાર્યમાં ભાવનાઓને સ્થાન નથી, તો આપણે માનવ-યંત્રો છીએ, જેનું સંચાલન ફક્ત ઓન-ઓફ સ્વીચથી થાય છે.

વિભાજિત સંકુચિત માનસિકતા દિન-પ્રતિદિન આપણી ઘોર કે ચિતા તૈયાર કરી રહી છે, જે કુદરતી મૃત્યુ બાદ ઉપયોગમાં લેવાય તો તેનો કોઈ રંજ કે શોક નથી, પરંતુ જીવતા દફનાવી દે કે જલાવી દે ત્યારે ચિંતા કરવી રહી. સર્જનહારે તેનું દરેક અમૂલ્ય સર્જન માનવ માટે બનાવ્યું હોય, ત્યારે માનવે પણ જે સર્જન કર્યું હોય તે પણ તેના માટે જ હોય તેમ સમજવું રહ્યું. આપણે તેનાથી ઊલટું આચરણ કરીએ છીએ, એટલે કે આપણે જે સર્જન કરીએ છીએ તે માનવ માટે નહીં, પરંતુ સર્જન માટે માનવી હોય તે પ્રમાણે વર્તીએ છીએ. જો આવી પરિસ્થિતિમાંથી મુક્ત થવું હોય તો આપણી માનસિકતા તટસ્થ (ન્યુટ્રલ) કરવી રહી અને ત્યાર બાદ વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરવો રહ્યો.

આપણે એટલું જ વિચારવું કે સમજવું રહ્યું કે જો હું હિન્દુ હોઉં તો કોઈ હિન્દુ મને હાનિ પહોંચાડી શકશે કે નહીં ? જો મુસ્લિમ કે ખ્રિસ્તી હોઉં તો મારો સહધર્મી મારી નબળાઈ કે મજબૂરીનો દુરુપયોગ કરશે નહીં ? જો હું સફાઈ કામદાર હોઉં તો કોઈ આંગણું સાફ કરવામાં નાનમ અનુભવે છે કે કેમ ? જો હું જે કોમનો હોઉ અને મારી અને મારાં બાળકોની ભૂખ સંતોષી શકતો ન હોઉં તો મારી જ કોમનાં અમારા જઠરાગ્નિને શાન્ત કરશે કે કેમ ? તે અનુભવ ખાતર પણ એક વાર અજમાયશ કરવી રહી. આવી અજમાયશમાં જ્યાં જે સાંત્વનની ચાહત હોય તેનાથી વિરુદ્ધનાં કટુ વચનો સાંભળવાં ન પડે તેની તકેદારી રાખવી રહી. જો આવી વાસ્તવિકતાને સમજી શકાય તો સત્ય સમજાય. સત્ય સમજાય તો આપણે શેહમાં રાચીએ છીએ, તે સમજાય. જે સત્ય સમજાય તે વાસ્તવિકતા અને જે ન સમજાય તે ભ્રમણા કે ભ્રમ છે.

જનસમુદાય આસ્થા ઉપર ટકી રહેલ છે. આવી આસ્થા ભ્રમણા કે ભ્રમને આધારે ટકી રહેલ હોય તો અવશ્ય વાસ્તવિકતા આધારિત તથ્યો ઉપર તેનું પુનઃ સ્થાપન કરવું રહ્યું. અન્યથા અશાન્તિ અને અજંપાભરી પરિસ્થિતિનું નિર્માણ થશે અને આવી સ્થિતિ જ્યારે પેદા થશે ત્યારે ભ્રમિત આસ્થા ક્યાંય લુપ્ત થઈ જશે અને વિનાશનો ભોગ બનીશું.

આપણે ભ્રમિત માનસિકતા કે આસ્થામાંથી મુક્ત થઈએ તો મનુષ્યમાં દેવ કે શેતાનનાં દર્શન કરી શકાય, દેવનાં દર્શનમાં દરેક વિઘટિત કરતાં પરિબળો દૂર થાય, વિઘટિત કરતાં પરિબળો દૂર થાય તો માનવ-સમાજ એક થાય. મનુષ્ય સર્જનનું મૂળભૂત હાર્દ સહઅસ્તિત્વને કાયમ રાખવાનું છે, સહઅસ્તિત્વમાં માનવ માનવ વચ્ચેનું અંતર દૂર થાય, અંતર દૂર થાય તો એકબીજાનાં સ્પંદનોનું એકબીજામાં આવાગમન થાય, આવા આવાગમનને અનુભવવામાં જ માનવ-જીવન છે. સાત્ત્વિક આવાગમનમાં પ્રકૃતિની પ્રાર્થના છે, નકારાત્મક આવાગમનમાં સર્જનહારના સર્જનનો ઉપહાસ છે. જીવનના સાત્ત્વિક આવાગમનની નિષ્પત્તિ સાત્ત્વિક માનસિકતા છે. સાત્વિક માનસિકતામાંથી માનવ-ધર્મ તરફનું પ્રયાણ છે, જ્યાં પ્રાકૃતિક તેમ જ માનવીય વૈભવ સહજતાથી પ્રાપ્ત કરી શકાય છે. તેનાં પ્રમાણ જોઈતાં હોય તો જેઓ એ માનસિક રીતે તટસ્થતા ધારણ કરીને વૈશ્વિક સમાજ સાથે તાદાત્મ્ય કેળવેલ છે, તેમના જીવનવ્યવહાર તરફ દૃષ્ટિ કરવી રહી.

સક્ષમતા અધીન માનસિકતા કેળવીએ

વ્યક્તિ, માનવ-સમાજના સાંનિધ્યમાંથી વિશેષ આનંદની અનુભૂતિ માટે એક યા બીજા પ્રકારે નવીનતમ તથ્યો અથવા તો સાધનોની શોધ અથવા પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોય છ. આવા પ્રયત્નો ભૌતિક વૈભવ માટેના હોય કે પ્રાકૃતિક વૈભવ માટે પરંતુ તેનું ધ્યેય સમાન હોય છે. આ ધ્યેયપ્રાપ્તિનો માર્ગ વ્યક્તિની સક્ષમતા, પરિપક્વતા, મુજબનો હોય તો ધ્યેયને સહજ બનાવે છે અને તેનાં દરેક પરિણામ પ્રસન્નતામાં પરિણમે છે. પરંતુ સક્ષમતાહીન કે અપરિપક્વ સ્થિતિમાં તૃષ્ણા સંતોષવામાં વાસ્તવિક જીવન ક્યારે ભ્રમિત થાય છે તેની સભાનતા રહેતી નથી.

માનવ-સમાજ પરિપક્વતા અને અપરિપક્વતાનું વૃન્દ છે. આવા વૃન્દમાં ઇચ્છિત સુખો સમાન અથવા સવાયા ભાવે ભોગવવા તેમજ વ્યક્ત કરવાની સમાન તીવ્રતા હોય છે. આવી તીવ્રતા સમજણ વગરની હોય અને તે પ્રાકૃતિક વૈભવ કે ઈશ્વરપ્રાપ્તિના સંદર્ભમાં હોય તો તેનાં પરિણામ અંધશ્રદ્ધામાં પરિણમે છે, જ્યારે ભૌતિક વૈભવ પ્રાપ્તિ સંદર્ભે હોય તો સાચા સુખોથી વિમુખ બનાવે છે. પરિપક્વતા અને અપરિપક્વતા જ્યારે સમાન રીતે નિષ્ફળ જાય ત્યારે વ્યક્તિએ સ્વયંના મૂલ્યાંકનના આધારે સાચાં સુખો મેળવવાનો પ્રયત્ન કરવો રહ્યો.

સ્વયંના મૂલ્યાંકનમાં, વર્તમાન જીવનમાં ભૂતકાળના પ્રયત્નો દ્વારા જે શક્તિ પ્રાપ્ત કરવામાં આવી હોય, આવી શક્તિ જે સમયગાળા દરમ્યાન પ્રાપ્ત થઈ હોય તેના આલેખનો ગ્રાફ, ઉચ્ચ દિશામાં જતો હોય તે જ દિશામાં ભવિષ્યમાં આગળ જાય તો સમાન પ્રમાણે શક્તિનો વિકાસ થશે, તેમ માનવું રહ્યું. આ જ આલેખ રેખાને જો સકારાત્મક પરિબળોનો સહારો મળે તો તે ઊર્ધ્વગતિએ લઈ જશે, પરંતુ નકારાત્મક પરિબળોની અસર થાય તો તેનું પરિણામ વ્યથામાં પરિણમે છે.

પરિપક્વતા સક્ષમતા “જો” અને “તો”ના પરિણામથી નહીં, પરંતુ નક્કર તથ્યો આધારિત નિર્ણાયક સ્થિતિમાં પ્રાપ્ત કરી શકાતી હોય છે. જ્યારે અપરિપક્વતામાં “જો” અને “તો”ને આધારે નિર્ણય થતા હોય છે, જે મહત્તમ અંશે ભ્રામક સ્વરૂપની હોય છે, એટલે વાસ્તવિક મૂલ્યાંકન થવું જોઈએ તે ન થઈ શકે.

સામાન્ય જીવન વ્યવહારમાં વ્યક્તિમાં રહેલ નૈસર્ગિક તેમ જ માનવીય શક્તિનો પૂર્ણ ઉપયોગ કરીને જે શક્તિ પ્રાપ્ત કરેલ હોય, તેના મૂલ્યાંકનનો માપદંડ સક્ષમતા સ્વરૂપે પ્રસ્થાપિત થાય છે. આવી સક્ષમતા પ્રત્યક્ષ સ્વરૂપે પોતાના જીવનને અને પરોક્ષ સ્વરૂપે લોકજીવનના કલ્યાણ માટે સહાયક બને છે. જો આવી સક્ષમતા વ્યક્તિના આંતરિક અને બાહ્ય શક્તિઓના વિકાસમાંથી ઉત્પન્ન થયેલ હોય તો વાસ્તવિક વિકાસના ધ્યેયને પરિપૂર્ણ કરે છે, પરંતુ જ્યારે કથિત શક્તિઓના વિકાસના અભાવમાં અનુકરણીય આચરણ પદ્ધતિના આધારે સ્વયંને વિકસિત પ્રસ્થાપિત કરવાના પ્રયત્ન સ્વરૂપે કરવામાંઆવે ત્યારે વિપરીત પરિણામ ભોગવવાં પડે છે.

“સક્ષમતા” સામાજિક જીવનની એવી પરાકાષ્ઠા છે કે જેમાં જીવનની દરેક ઇચ્છાઓને પૂર્ણ કરવાની શક્તિ હોય છે. જેમાં પ્રતિષ્ઠા પણ ગૌણ બની જતી હોય છે. આથી “સક્ષમતા”ના મૂળ હાર્દને સમજતા હોઈએ કે ન સમજતા હોઈએ, પરંતુ સ્વયંમાં પ્રસ્થાપિત કરવા માટે એક યા બીજા પ્રકારે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આવા પ્રયત્નો સકારાત્મક શક્તિઓના વિકાસ મટો હોય તો તે સ્તુત્ય છે. પરંતુ નકારાત્મક અને અનુકરણીય આચરણ પદ્ધતિથી અનુસરતા હોય ત્યારે સ્વયં અને સમાજ સાથે વ્યથાકારક બને છે. તેથી સકારાત્મક શક્તિઓના સ્ત્રોતમાંથી સાચી સક્ષમતા કેળવવી રહી.

વ્યક્તિગત જીવનમાં સક્ષમતા ધારણ કરવી અનિવાર્ય છે, પરંતુ કેવી રીતે પ્રાપ્ત કરવી તે વ્યક્તિની સમજણ આધારિત હોય છે. આવી સમજણ વૈશ્વિક સમાજના વ્યવહારમાંથી પ્રસ્થાપિત થયેલ મૂલ્યો આધારિત જીવન-પ્રણાલિકામાં હોય છે, પરંતુ આવાં મૂલ્યો સ્થળ, સમય અને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં ભિન્નતા ધરાવે છે. આથી સ્થાનિક ક્ષેત્ર આધારિત માનવ-વ્યવહાર અને વૈશ્વિક માનવ-વ્યવહારમાં જ્યાં સમાનતા કેળવાય તેવા વ્યવહારમાંથી સ્વયંની જીવન-પ્રણાલિકા વિકસાવવી રહી, જે દેશ, કાળ અને સમાજને અનુરૂપ હોય.

આપણા રાજ્ય કે રાષ્ટ્રમાં સક્ષમતાના સંદર્ભમાં વિચારીએ તો જ્યાં સુધી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સહજ રીતે ઉપલબ્ધ ન થઈ શકે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય જીવનપ્રણાલિકાનું પ્રસ્થાપન દિવા-સ્વપ્ન જેવું અનુભવાય છે, તેનાં અનેક કારણોમાં એક સામાજિક જીવનમાં મૂલ્યવર્ધક આચરણનો અભાવ છે. સંનિષ્ઠ સમાજની રચના ત્યારે જ શક્ય બને કે સામાન્ય જીવનવ્યવહારમાંથી રાષ્ટ્રીય આભાનું સર્જન થાય. આવી આભાનું સર્જન ત્યારે જ શક્ય બને કે જ્યારે વર્તમાન સમયના રાષ્ટ્રનો મુખવટો એટલે કે ઉચ્ચ સ્થાને પ્રસ્થાપિત થયેલ સમાજનો નૈતિક પ્રભાવ હૃદયસ્પર્શી હોય.

વર્તમાન સમયમાં નૈતિક જીવનના સંદર્ભમાં ઉચ્ચતમ સ્થાને બિરાજેલ અપવાદરૂપ વ્યક્તિઓ સિવાયના સમૂહથી આપણે સુપેરે પરિચિત છીએ. એટલે તેમની પાસેથી કોઈ નૈતિક પ્રભાવની અપેક્ષા રાખીએ તે કૂતરાની પૂંછડીને સીધી કરવા જેવું સમજાશે. જીવન જ્યારે દિશાવિહીન અનુભવાય ત્યારે સ્વયંના ચિંતનને જાગૃત કરવું રહ્યું. સકરાત્મક ચિંતનથી સ્વયંને તો દિશાસૂચન મળશે જ, પરંતુ સાથે સાથે સામૂહિક પ્રયત્નોના પ્રભાવમાં રાષ્ટ્રીય આત્મા તેજોમય બનશે, જેમાં સુઢ માનસિકતાએ પણ પીગળવું પડશે.

ઉપરોક્ત તથ્યોનું નિરુપણ કે સમજણ ત્યારે જ સમજાય કે જ્યારે વર્તમાન જીવનમાં ધ્રુવીકરણ થાય. આવા ધ્રુવીકરણમાં, જેમ આમ્રવૃક્ષ ઉપર અનેક મરવા બેસે તેમાં જે પરિપક્વ હોય છે તે વળગી રહે છે, અને અપરિપક્વ હોય તે ગળી પડે, ત્યાર બાદ ફળ અને વૃક્ષનો વિકાસ થાય છે.

જીવનની સાર્થકતા ઇચ્છાપૂર્તિમાં અનુભવાય છે. ઇચ્છાઓનું સર્જક મન છે, મનનો સ્વભાવ ચંચળ છે. આવી ચંચળતા માખીની ભ્રમણપ્રવૃત્તિ જેવી હોય છે. માખી જેમ તેના મૂળ સ્વભાવથી મજબૂર હોય છે તેમ મન પણ તેના મૂળ સ્વભાવથી મજબૂર હોય છે. આપણે માખીનો સ્વભાવ નથી બદલવો, પરંતુ તેનો પ્રકાર બદલવો છે. માખીઓના અનેક પ્રકારો હશે પરંતુ તેનાથી બે પ્રકારની માખીઓને અવશ્ય જાણા હોઈશું, જેમાંની એક કે જેને મધુમાખી અને બીજી ગંદકીની માખી તરીકે ઓળખીએ છીએ. આ માખીઓ સતત ભમતી જ રહે છે, જે તેમના આહાર માટેનું સમાન કાર્ય છે, પરંતુ પ્રવૃતિ અસમાન છે. એક તેના આહાર દ્વારા ક્ષુધા શાન્ત કરીને મધનો સંગ્રહ કરે છે, જ્યારે બીજી તેના આહાર દ્વારા ગંદકી અને રોગનો ફેલાવો કરે છે. એટલે કે સ્વયં પ્રદુષિત ખોરાક આરોગી અન્યના ખોરાકને પણ પ્રદુષિત કરે છે. તેમની આ પ્રક્રિયા દરમ્યાન મધુમાખી જાણે-અજાણે ગંદકી ઉપર બેસી જાય તો તરત જ ઊડી જાય છે. તેમ ગંદી માખી કોઈ રજ ઉપર બેસી જાય તો પણ ઊડી જાય છે. મનની ગતિ બંને પ્રકારની મધમાખીઓથી મિશ્રિત છે. તે સુન્દર પુષ્પની રજ હોય કે ગંદકીથી ભરપૂર મિષ્ટાન્ન બંને ઉપર બેસી પણ જાય છે. અને આહાર પણ કરી લે છે, ને તેના ઉપભોગ બાદ પસ્તાય છે, પરંતુ જ્યારે પસ્તાવના ખેદનો અહેસાસ નથી કરી શકાતો ત્યારે આદતી બની જય છે. આદત એ વ્યક્તિની માનસિકતા છે. આવી માનસિકતામાંથી સભાનતાપૂર્વક બહાર આવવું પડે છે.

માનવ એક જ પ્રકૃતિનું એવું સર્જન છે કે, તે જે બંધનોથી બંધાય છે, તેમાંથી મુક્ત થવાની રીતે પણ જાણતો હોય છે. આથી જે પણ પ્રતિકૂળ બંધનોથી બંધાયેલ હોય તેમાંથી મુક્ત થવાની પદ્ધતિ અપનાવવી રહી. આપણી પ્રતિકૂળ બંધનોની યાદી બહુ જ લાંબી છે. તેને ગણવા નથી બેસવું, પરંતુ દરેક બંધનોના છૂટકારા માટેનું એક શસ્ત્ર કાફી છે અને તે છે, માનવીય અભિગમ વ્યક્તિમાં માનવતા સભર અભિગમ હશે તો જ - તે સુખ પ્રાપ્ત કરવાની પાત્રતા કેળવવાના પ્રયત્નો કરશે અને પાત્રતા કેળવ્યા બાદ નિર્મળ સુખોને ભોગવશે.

મનુષ્ય પોતાની સક્ષમતા ધારણ કર્યા બાદ, ઇચ્છિત કામનાઓ પૂર્ણ કરવાની પાત્રધા ધારણ કરે છે. મહત્તમ ભાગે સક્ષમતાની સાથે જ સુખાકારીની પાત્રતા સેવક તરીકે જોડાય છે, જેને આપણે પ્રતિષ્ઠા કે મોભા તરીકે સમજીએ છીએ. અપવાદરૂપ વ્યવહાર સિવાય આપણી માનસિકતા આવી પ્રતિષ્ઠા કે મોભાને ખરીદવામાં માનનારી છે, જે એક સામાજિક ઘૃષ્ટતા છે. અથવા તો અનુકરણીય જીવન-પદ્ધતિ છે અથવા તો સક્ષમતાનો ભ્રમ ઉત્પન્ન કરીએ છીએ. આવો ભ્રમ ત્યારે જ ભારે પડે છે, કે જ્યારે પ્રતિષ્ઠા કે મોભાને નિભાવવાનાં ફાંફાં પડે. પ્રકૃતિએ સમગ્ર સૃષ્ટિનું સર્જન આપણા માટે જ કર્યું છે, પરંતુ આ સર્જન પામતાં પહેલાં સક્ષમતા ધારણ કરવી એ જ માનવજીવનની પાત્રતા છે. સક્ષમતાથી જેમ કીડી હાથીનું વજન પણ સહી જાય છે, તેમ માનવી પ્રકૃતિના અનરાધાર અમૃતને પણ સહી શકે છે.

મનુષ્ય પોતાની સક્ષમતા અનુસાર જે વૈભવ પ્રાપ્ત કરે અને તે મુજબની સુખાકારી ભોગવે તો તે માનવ-સહજ પ્રક્રિયા છે, પરંતુ સક્ષમતા અનુસાર જે વૈભવ પ્રાપ્ત થયો હોય અને તેનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરે અથવા સંયમ પૂર્વક રહે તો તે મહામાનવ છે. પ્રથમ દૃષ્ટિએ તેમને સમજવામાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ, પરિણામે આવી વ્યક્તિની શક્તિના સ્ત્રોતને જાણી શકતા નથી. અથવા તો જાણતા હોવા છતાં નજર-અંદાજ કરતા હોઈએ છીએ. તેનાં અનેક કારણોમાંથી એક કારણ આપણી અપરિપક્વ માનસિકતા હોય છે. આપણી સમજણની મર્યાદા અનેક બાબતોમાં વિઘ્નરૂપ બનતી હોય છે, એટલે આ મર્યાદાઓની જે પણ સીમા હોય તે દૂર કર્યા બાદની જે સ્થિતિ હોય તેમાં પરિપક્વતા હોય છે. જો પરિપક્વતા હશે તો કોઈ પણ પ્રકારની સક્ષમતા પ્રાપ્ત કરી શકાશે, અને નહીં હોય તો સ્વયંથી ઉત્પન્ન થયેલ વમળમાં ક્યાંય ફસાઈ જવાશે.

આપણું જીવન જ્યાં સુધી સ્પંદનાત્મક સંકેત ગ્રહણ કરવામાં જીવંત હોય ત્યાં સુધી પરિવર્તન શક્ય છે, પરંતુ જ્યારે જડ બની જાય છે. ત્યારે પરિવર્તન કરવું અઘરું બની જાય છે. વર્તમાન સમાજમાં સ્પંદનાત્મક શક્તિ બેભાન અવસ્થામાં (કોમામાં) હોય તેવું અનુમાન કરીએ તો તેમાં વૈચારિક શક્તિનું ઓસડ આપવામાં આવે તો સહજ રીતે જાગૃત થાય. આવી સભાનતાથી વ્યક્તિ કે વ્યક્તિસમૂહને પ્રમાણભાન થતાં જીવનમાં વાસ્તવિક માપ-દંડ અપનાવશે, જેની એક બાજુ પોતાની સક્ષમતા અને બીજી બાજુ ઇચ્છિત સુખોની તુલના કરશે. જો સુખોનું પલ્લું નીચે જાય તો વ્યક્તિએ પોતાની સક્ષમતામાં વધારો કરવો રહ્યો. સ્વયંના મૂલ્યાંકનના માપ-દંડની સમતુલા નિર્વિઘ્ન જીવન છે, જ્યારે તેની અસમતુલામાં જીવનની પરેશાની છે.

આણી જે પણ સક્ષમતા હોય તેનાથી લઘુતા કે ગુરુતાગ્રંથિથી પીડાતા હોઈએ તો તેનું મૂળભૂત કારણ આપણી અપરિપક્વ માનસિકતા જવાબદાર હશે. જ્યાં સુધી આવી માનસિકતામાંથી પરિપક્વતા ધારણ નહીં કરીએ, ત્યાં સુધી આપત્તિઓનું કોઈ નીરાકરણ નથી. તટસ્થતા જીવનનો મૂળભૂત પાયો છે. તેના ઉપર પરિપક્વ નિર્ણયોથી સક્ષમતા પ્રાપ્ત થાય છે. આ સક્ષમતામાં દરેક વૈભવની નિર્માણ શક્તિ હોય છે, જેમાં ભૌતિક વૈભવ તો ગૌણ હોય છે. અનિવાર્ય જન્માંતરથી મુક્ત કરી, મહામૂલા મોક્ષને સહજ બનાવે છે.

ર૦. અર્થ :

એક જીવનશક્તિના સ્વરૂપમાં

માનવજીવનની સાર્થકતાના મૂળભૂત બે સ્ત્રોત છે : એક પ્રાકૃતિક વૈભવની પ્રાપ્તિ તથા બીજી માનવીય વૈભવની પ્રાપ્તિ. પ્રાકૃતિક વૈભવ એટલે સર્જનહારના સર્જન પ્રત્યે ફરજ નિભાવવામાંથી ઉત્પન્ન થતો વૈભવ, જ્યારે માનવીય વૈભવ એટલે આપણા સામાન્ય વ્યવહાર દ્વારા સમાજ પ્રત્યે અદા કરેલ ફરજ અને પરિણામરૂપ હક્કમાંથી ઉત્પન્ન થતો વૈભવ. પ્રાકૃતિક વૈભવમાંથી જે તૃપ્તિ અનુભવાય છે તે ભાવનાત્મક સ્વરૂપની હોય છે. જ્યારે માનવીય વૈભવની તૃપ્તિનો અનુભવ અર્થ દ્વારા પ્રાપ્ત થયેલ વૈભવમાં છે. સ્વતંત્ર રીતે આ બંને અનુભવ સાર્થકતા માટે અધૂરા હોય છે.

પૂર્ણ જીવનને અનુભવવું હોય તો, પ્રાકૃતિક તેમ જ માનવીય વૈભવના સમન્વયમાંથી જ્યાં સમાનતા સ્થિર થાય અને તેમાંથી જે સ્પંદનાત્મક સ્થિતિ અનુભવાય છે, તેમાંથી સચ્ચિદાનંદની અનુભૂતિ થાય છે, જેને આપણે પ્રસન્નતા સમજીએ છીએ. ક્યારેક આવો અનુભવ ક્ષણિક હોય છે, પરંતુ જો સાતત્યપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવે તો તે કાયમી સ્વરૂપનો બની શકે છે અને હોય છે. જીવનમાં જ્યારે પણ આવી ક્ષણો અનુભવાય છે ત્યારે તેવી ક્ષણો પુનઃ પ્રાપ્ત કરવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહીએ છીએ, તે જીવન છે.

પ્રાકૃતિક વૈભવની પ્રાપ્તિ તેના સર્જનના મૂળભૂત હાર્દને સ્પંદનાત્મક રીતે સમજવા અને તે પ્રમાણે આચરણ કરવાથી પ્રાપ્ત થાય છે. જેમ કે પુષ્પોનું મૂળભૂત હાર્દ વાતાવરણને સુગંધિત અને સુન્દર બનાવીને ફળ આપવાનું હોય છે, જે સ્પંદનાત્મક રીતે સુગંધ અને સુન્દરતા સ્વરૂપે અનુભવાય છે. પુષ્પોનું આચરણ પ્રાકૃતિક સર્જનના હાર્દની સાર્થકતાને પૂર્ણ કરે છે, આ પૂર્ણતામાંથી જે નિષ્પત્તિ ઉત્પન્ન થાય છે તે ફળ વૈભવરૂપે પ્રસ્થાપિત થાય છે. સહઅસ્તિત્વવાદના પરિપ્રેક્ષ્યમાં દરેક સર્જનનાં હાર્દ ભિન્ન સ્વરૂપનાં હોય છે. આવી ભિન્નતાના સમન્વયમાંથી જ્યાં સભાનતા કેળવાય ત્યાં પ્રાકૃતિક વૈભવનો ભંડાર હોય છે.

ભૌતિક વૈભવની પ્રાપ્તિ સામાજિક જીવન વ્યવહારમાં વિકાસ કે કલ્યાણના મૂળભૂત ધ્યેયની પરિપૂર્ણતા સિદ્ધ કરવા માટે સ્વયંની શક્તિનો જે ઉપયોગ કરવામાં આવે અને તેના પરિણામ સ્વરૂપે જે પારિતોષ પ્રાપ્ત થાય તે, ભૌતિક વૈભવરૂે પ્રાપ્ત થાય છે. આવો પરિતોષ અનેક પ્રકારનો હોય છે, પરંતુ તેનું મૂલ્યાંકન આર્થિક માપદંડમાં થતું હોય છે. જેમ શ્રમિક તેની શારીરિક શક્તિનો ઉપયોગ શ્રમ દ્વારા અન્યને મદદગર થતાં જે પુરસ્કાર પ્રાપ્ત કરે તે નાણાકીય સ્વરૂપનો હોય કે તે સિવાય માનવીય સેવાની ઉત્કંઠ ભાવના હોય, પરંતુ ક્યારેક તેનું મૂલ્યાંકન આર્થિક માપદંડ મુજબનું હોય છે. પ્રાપ્ય અર્થ જરૂરિયાતો પૂર્ણ કરવાના સંદર્ભમાં વૈભવ તરીકે મૂલવાય છે. આવા વૈભવને આપણે વિસ્તૃત અર્થમાં સમજવો રહ્યો, કારણ કે કોઈ વ્યક્તિ એક ટંકની ભોજન વ્યવસ્થાને પણ વૈભવ સમજતા હોય તો અન્ય કાગળ ઉપરના સેન્સેક્સને પણ વૈભવ સમજતા હોય છે.

પ્રાકૃતિક વૈભવ ભાવનાત્મક સ્વરૂપે અનુભવાતો હોવાથી સ્પંદનશીલતા અનિવાર્ય બની જાય છે. આવી સ્પંદનશીલતા દૂધના સાગર જેવી હોય છે, જેનો ઉપયોગ તેના સંસ્કરણ મુજબનો હોય છે. જો આવા સંસ્કરણમાં સત્કર્મરૂપી મીઠાશ ઉમેરવામાં આવે તો અનેક પ્રકારની નિષ્પત્તિ પ્રાપ્ત કરી શકાય છે, જેને જીવનની મધુરતા સમજીએ છીએ. પાપ કર્મ જીવનને ખોટું બનાવી દે છે. આપણે સુખ અને દુઃખની જે પરિકલ્પના કરીએ છીએ તેનાથી ભિન્ન સ્વરૂપની માન્યતા છે. ખરેખર તો સુખપ્રાપ્તિ પહેલાનું જે મંથન કરીએ છીએ, તે મંથનની સ્થિતિને દુઃખરૂપે સમજવું રહ્યું. તે સિવાયનાં દુઃખ જીવનની અણઘડતાનું પરિણામ હોય છે.

સાંપ્રત સમયમાં આપણા જીવનને સમજી શકીએ છીએ કે કેમ ? તે આપણી સ્પંદનશીલતા ઉપર આધારિત છે. જો સ્પંદનશીલ હોઈશું તો ભાવનું સર્જન થઈ શકશે, ભાવનું સર્જન હશે તો ભાવનામક અભિવ્યક્તિ વ્યક્ત કરી શકાશે, ભાવનાત્મક અભિવ્યક્તિ પ્રદર્શિત કરીશું તો આનંદની અનુભૂતિ અનુભવી શકાશે. એટલે સ્પંદનશીલતા અને ભાવ જીવનનો સાગર અને તેનો પ્રવાહ છે. આ સાગર અને તેનો પ્રવાહ આપણામાં કેટલો જીવંત છે તેનું પ્રમાણ આપણું જીવન છે. કદાચ આપણે ભાવને સમજી શકીએ છીએ, પરંતુ અનુભવી શકતા નથી. એટલે આવા ભાવનાત્મક અભિવ્યક્તિના ભાવને અનુભવવા માટે ખર્વો રૂપિયાનો વ્યવસાય થાય છે, જેમકે વૈશ્વિક સિનેમા ઉદ્યોગ તેમ જ તેના જેવાં અન્ય માધ્યમો સ્પંદનોને અભિનય સ્વરૂપે પ્રગટ કરીને ક્ષણિક આનંદનો અનુભવ કરાવતા હોય છે. ખેર, વિષયવસ્તુ બદલવું નથી. કેમ જાણે આપણે અપવાદરૂપ સંજોગો સિવાય જીવનમાં ભાવનાત્મક ગરીબી અનુભવી રહ્યા છીએ. (ભિખારી વધુ પડતું નકારાત્મક સ્વરૂપ હોવાથી તેનું પ્રયોજન ટાળ્યું છે.) એટલે પ્રાકૃતિક વૈભવથી વંચિત થતા જઈએ છીએ. પરિણામે પ્રસન્નતાથી વંચિત છીએ. જીવનમાં જેમ ભાવનાત્મક પ્રવાહના અભાવથી, પ્રાકૃતિક વૈભવથી ગરીબ બનાય છે, તેમ આર્થિક સ્ત્રોતના અભાવમાં ભૌતિક વૈભવથી ગરીબી અનુભવાય છે.

જીવનની હયાતી જેમ શરીર થકી પુરવાર થાય છે, તેમ શરીરની હયાતી લોહીના પરિભ્રમણથી પુરવાર થય છે, આ શરીરનું પ્રાકૃતિક પરિબળ છે. તેવી જ રીતે સામાજિક જીવન પ્રવર્તમાન છે. સામાજિક જીવનની આભા આર્થિક શક્તિ ઉપર નિર્ભર હોય છે. આવી શક્તિના અભાવમાં ગરીબી અનુભવાય છે, જે માનવીય પરિબળ છે. એટલે કે જેમ શરીરની તંદુરસ્તી માટે લોહી અને તેના પરિભ્રમણની આવશ્યકતા છે, તેમ સામાજીક જીવનમાં અર્થ અને તેના પરિભ્રમણની આવશ્યકતા રહેલી છે. આમ બંને અથવા તો બંનેમાંથી કોઈ પણ એકના અભાવમાં માનવીય જીવન મૃતકના સ્વરૂપમાં અનુભવાય છે.

પ્રાકૃતિક વૈભવને જ્યારે માનવીય વૈભવનો અતિરેક નિર્બળ બનાવે, ત્યારે સૃષ્ટિનું જીવનચક્ર બદલાતં હોય છે. આ ક્રમ બિલકુલ ઉલટ-પુલટ થઈ જાય તે પહેલાં આપણે ચેતવું રહ્યુ. અન્યથા આકાશ કે પાતાળમાં સુરક્ષા કવચ બનાવીને સુરક્ષાના ભ્રમમાં રાચીશું તો પણ વિનાશને ટાળી શકીશું નહીં. એટલે જ્યાં ભાવનાત્મક સ્ત્રોતનો અભાવ હોય, ત્યાં ભાવનું અને જ્યાં આર્થિક સ્ત્રોતનો અભાવ હોય ત્યાં અર્થનું વ્યવસ્થાપન કરવું રહ્યું.

વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ભૌતિક વિકાસના કારણે વિશ્વસમૂહ, સામૂહિક સ્વરૂપમાં નિકટતા તરફ પ્રયાણ કરી ચૂકેલ છે. તેના પરિણામ સ્વરૂપે પ્રથમ રાષ્ટ્રો અને ત્યાર બાદ ખંડોનો સમૂહ રચાતો જાય છે, તેના સાનુકૂળ અને પ્રતિકૂળ ગર્ભિત અર્થ સમજવા રહ્યા. સાનુકૂળ પરિણામ માનવસમાજને માનવીય જીવનથી પરિપૂર્ણ કરશે, પરંતુ તેનાં પ્રતિકૂળ પરિણામ ચિંતાજનક છે. જ્યાં સુધી વિશ્વમાનવ પ્રકૃતિના સહહેતુક સર્જનની પરિભાષા ન સમજે ત્યાં સુધી ભૂતકાળ અને વર્તમાન સમય વચ્ચેની વૈશ્વિક માનસિક સ્થિતિ સમજવી રહી. આવી માનસિક સ્થિતિ જે તે રાષ્ટ્રના વર્તમાન સમયની સક્ષમતાને ભવિષ્યના વિકાસના સંદર્ભમાં મૂલ્યાંકન કરતી હોવાથી વિશ્વકલ્યાના સંદર્ભમાં જે તે વ્યવસ્થાપન કરવું રહ્યું. વિશ્વકલ્યાણનું ધ્યેય હશે તો સ્થાનિક વિકાસ કરી શકાશે, અન્યથા વૈશ્વિક પ્રશંસા અને અનુમાનો આધારિત વિકાસથી મિથ્યાભિમાનમાં રાચતા રહેવાની આદત પડી જશે. આવી આદત અધોગતિની સર્જક હશે.

સાંપ્રત સમયમાં અપવાદરૂપ વ્યક્તિઓ સિવાય જે માનસિકતા છે, તેની ચર્ચા “જાંઘ ખોલીને પ્રદર્શિત કરવાની ધૃષ્ટતા સમાન” હોઈ નિવારીએ છીએ, પરંતુ આવી નીતિ શાહમૃગનીતિ જેવી છે. એટલે આપણી પરંપરાગત જે પણ માનસિકતા હતી, તેમાંથી માનવતા ધારણ રીને ઊર્ધ્વગતિ તરફ પ્રયાણ કરવું રહ્યું, અન્યથા ભૂતકાળમાં અનેક લે-ભાગુ માનસિકતાવાળા આવ્યા અને ગયા, તેઓ તો સ્વયંના દેશ છોડીને આવ્યા હતા એટલે સ્વગૃહે આશ્રય મેળવ્યો, પરંતુ આપણે વિકસિત વિશ્વમાં આશ્રય શોધવાનાં ફાંફાં પડશે. જો સાનમાં સમજીએ તો અબઘડીથી પરિવર્તન કરવું રહ્યું, નહિતર આવતી અનેક પેઢીઓને સહન કરવું પડશે. જો તેનું પ્રમાણ જોઈતું હોય તો આજની અનામતપ્રથાનું હાર્દ સમજવું રહ્યું. જો કે આ અનામતના હાર્દની તરફેણ કે વિરુદ્ધનું મંતવ્ય નથી, પરંતુ પરંપરાગત માનસિકતાના સંદર્ભમાં પ્રયોજેલી છે.

રાષ્ટ્ર એ વિશ્વ નથી અને વિશ્વ એ રાષ્ટ્ર નથી. વિશ્વમાનવસમાજ જ્યારે માનવીય જીવનની વાસ્તવિકતાને સમજશે, ત્યારે માનવતાના ધોરણે જીવન પ્રસ્થાપિત થાય તે માટે પ્રયત્નશીલ થશે, થયો છે, હજી વિશ્વાસ અને માનવીય આચારસંહિતાને અનુસરે છે. (પ્રોટોકોલ) પરંતુ જ્યારે વાસ્તવિક માનસિકતાથી પરિચિત થશે, ત્યારે જે ભાંડો ફૂટશે તે અસહ્ય હશે. વૈશ્વિક સ્વાર્થી માનસિકતા જ્યાં સુધી પ્રવર્તમાન છે ત્યાં સુધી આવો ભાડો અકબંધ છે, પરંતુ જ્યારે વિશ્વવ્યાપી વ્યવહારો અનિવાર્ય બનશે ત્યારે અવશ્ય પારદર્શકતા પ્રાપ્ત કરવાની માનસિકતા કેળવાશે, ત્યારે ભાંડો ફોડવામાં કોઈને નહીં રોકી શકાય.

રાષ્ટ્રની આન, બાન અને શાન માટે જે વ્યથા અનુભવાય છે, તે મોઘમમાં પ્રદર્શિત કરી છે, તેનું સ્પષ્ટીકરણ આ વિષયના સંદર્ભમાં અનિવાર્ય જણાતું નથી. અને તેમ છતાં સ્પષ્ટીકરણ જોઈતું હોય તો અંતઃમન ઉપર બિરાજમાન થઈને સભાનતાપૂર્વક દૃષ્ટિ ફેરવીશું તો કોઈ સ્પષ્ટીકરણની જરૂર નહીં પડે. અને તેથી પણ સંતોષ ન થાય અને લેખિત પુરાવા જોઈતા હોય તો ભારત સરકારોના ઓડિટર જનરલ, ભ્રષ્ટાચાર વિરોધી કેન્દ્રના વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ થાય છે, તેની એક એક નકલ મેળવીને અભ્યાસ કરશો તો વાસ્તવિકતા અવશ્ય પુરાવા સાથે માલૂમ પડશે. તેનાં તથ્યો અને નિરાકરણ અંગે શું કરવામાં આવ્યું છે, તેમાં અવશ્ય આપણી માનસિકતા પ્રદર્શિત થતી અનુભવાશે. આવાં સત્યો તો હિમશીલાની શિખા સમાન જણાશે. જો આપની પાસે તેનાં નિરાકરણ કરવાની સક્ષમતા હોય તો અવશ્ય પ્રયત્ન કરવા રહ્યા, અન્યથા અન્વેષણ માટેના ખર્વો રૂપિયાના ખર્ચ ઉપર દિવેલ બાળ્યા જેવી સ્થિતિ અનુભવાશે.

આપણી માનસિકતાની હદ તો ત્યારે વટાવાય છે કે પ્રથમ ભ્રષ્ટાચાર કરીને ખર્વો રૂપિયા ચાઉં થાય, ત્યાર બાદ કેટલા રૂપિયા ચાઉં થાય તેને શોધવામાં કરોડો રૂપિયા વેડફવામાં આવે, અને ત્યાર બાદ તેને પ્રસિદ્ધ કરીને નામ કમાવા રાષ્ટ્રીય સંપતિનો દુરુપયોગ કરવામાં આવે, અને તેમ છતાં તેના પરિણામરૂપે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન કરી આપવાની વ્યવસ્થા કરી આપવી પડે અને જો તેમ કરવામાં ન આવે તો પોતે સત્તાથી વંચિત થાય. શું આવી સડેલી વ્યવસ્થાનો કોઈ ઉપાય નથી ? કદાચ નથી એટલે જ તેની પરંપરા જીવંત છે !

સ્થાનિક કે વૈશ્વિક રાષ્ટ્રોમાં અપવાદરૂપે રાજ્યો કે રાષ્ટ્રો સિવાય આવી પરિસ્થિતિના સર્જકો બહુ જ મર્યાદિત સમૂહમાં વર્ચસ્વ ધરાવતા હોય છે. જો આવા સમૂહની માનવીય રાહે વ્યવસ્થા કરવામાં આવે તો વિશ્વમાં જે કાલ્પનિક સ્વર્ગની કલ્પના કરવામાં આવે છે, તે વાસ્તવિક સ્વરૂપે અનુભવી શકાય. પરંતુ આપણી માનસિકતા પણ ઉંદરોથી વિશેષ નથી. ઉંદરોનું અસ્તિત્વ જ્યારે બિલાડીના આહારના કારણે ખતમ થવાની અણી ઉપર હોય ત્યારે સામૂહિક ચર્ચા દ્વારા બિલાડીના ગળે ઘંટ બાંધવાનો નિર્ણય લેવાય છે, પરંતુ બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ ? ઉંદરો તો નક્કી ન કરી શકે તે માનવાજોગ છે. પરંતુ માનવ ઉંદરોથી પર હોય તો અવશ્ય બિલાડીના ગળે ઘંટ બાંધી શકાય. ટ્ઠકીંિ ટ્ઠઙ્મઙ્મ આપણે પણ મનુષ્ય છીએ.

પાણી પહેલાં પાળ બાંધવી હોય તો ભૂતકાળના અનુભવ અને વર્તમાનની વાસ્તવિકતાના સમન્વયમાંથી એવી જીવન પદ્ધતિ વિકસાવવી રહી કે ભવિષ્યની પેઢીને મૂલ્ય આધારિત જીવનનિર્વાહ કરવા માટેનો વારસો પ્રાપ્ત થાય.

વૈશ્વિક રાષ્ટ્રો તેના બંધારણ અનુસાર તેનું વ્યવસ્થાપન કરતાં હોય છે. આવું બંધારણ મહત્તમ અંશે જનશક્તિ આધારિત હોય છે. આવી જનશક્તિનો ઉપયોગ બંધારણ અનુસાર પ્રશાસન કાયમ રહે તે માટે જે તે હોદ્દા માટે સત્તાનું સિંચન કરેલ હોય છે. જો ધારણકર્તા તેનું પાવિત્ર્ય ન જાળવી કે તો એ જ પ્રજા તેને નિર્મૂળ કરે છે, પરંતુ તેમના દ્વારા થયેલ હાનિ ભરપાઈ થઈ શકતી નથી તેમ જ તેનું પુનરાવર્તન નહીં થાય તેની પણ કોઈ ખાતરી નથી હોતી. આવા વિષચક્રને રોકવું રહ્યું.

વર્તમાન સમયમાં સ્થિતિની ગંભીરતા જોતાં રાષ્ટ્રીય કક્ષાએ કલ્યાણમય જનજીવન માટે અનેક આયોજનો નિયમો અને કાયદાઓ અમલમાં આવ્યાં છે, કે જેનું પાલન પારદર્શક રીતે કરવામાં આવે તો ઇચ્છિત વિકાસ કરી શકાય. પરંતુ આપણે તેનાથી કેટલા માહિતગાર છીએ, તે નક્કી કરવું રહ્યું. અથવા તો માહિતગાર હોઈએ અને હક્ક માટે ઝઝૂમવું કે સાંજનું કે સવારના એક ટંકના ભોજનથી વંચિત ન રહેવાય તે માટે ઝઝૂમવું કે, “આ બેલ મૂઝે માર” જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય, તેમાંથી પસંદગી કરવી રહી. સામાન્યતઃ લાભ અને બેલથી અવશ્ય બચી શકાય, પરંતુ હક્ક લેવા જતાંકોઈ પણ એક ટંકના ભોજનથી અવશ્ય વંચિત થવું પડે. ક્યારેક આવી નિર્બળ પરિસ્થિતિને ધંધો બનાવીને વ્યાપારીકરણ અને ભ્રષ્ટાચાર કરતાં હોય તેવું બનતું હોય છે. જો તેમ ન હોય તો વ્યાપારીકરણમાં લોભામણાં વિજ્ઞાપનો, જાહેરાતોમાં સુન્દર અક્ષરો અને સ્ત્રીઓ દૃષ્ટિવિહીનને પણ દેખાય કે જોવી પડે તેવી હોય છે, જ્યારે શરતો અને સૂચનો જોવા અને શોધવા માટે બાયનોક્યુલર પણ નિરર્થક પુરવાર થતાં હોય છે. અનેક સ્વાર્થી તત્ત્વોનું એક જ ધ્યેય હોય છે કે લોકોની નિર્બળતાનો સબળ રીતે ઉપયોગ કરો અને ધંધાનો વિકાસ કરો. જેઓ આવી પરિસ્થિતિના સર્જકો હોય તેમને માનવતાના પાઠ કેવી રીતે ભણાવવા ?

સામાન્ય વ્યવહારમાં કોઈને સલાહ આપવાની કુચેષ્ટા દોઢ ડાહ્યાની ગણતરીમાં મુકાવા જેવી હોય છે. એટલે દોઢ ડાહ્યા બનવા કરતાં સ્વયં જાગૃત થવું રહ્યું. સ્વયં જાગૃત થઈશું તો પાઠ ભણીને સક્ષમતા પ્રાપ્ત કરીશું, ત્યારે નકારાત્મક પરિબળોના ભોગ બનતા બચાશે. અન્યથા ‘જૈસે થે’ ની સ્થિતિ રહેશે. જૈસે થે-ની સ્થિતિ ભલે સ્થિર સમજાય, પરંતુ ભવિષ્યમાં નકારાત્મક પરિબળોના વિકાસને સમજવો રહ્યો. જો નકારાત્મક અને સ્વાર્થી તત્ત્વોની નાગચૂડમાંથી છૂટવાના પ્રયત્નો નહીં કરીએ, તો આજનો દિવસ, માસ કે વર્ષને આવતાં વર્ષોમાં સારા કહીશું, જે અનુભવિત સત્ય અને વ્યથા છે.

પરંપરાગત માન્યતા મુજબ એવું સમજવામાં આવે છે કે સત્યો હંમેશાં અસત્યોના સંઘર્ષમાંથી પ્રકાશિત થાય છે, પરંતુ વર્તમાન સમયમાં અસત્યો સત્યના ભ્રમના ગર્ભમાં ફૂલેફાલે છે. જો ભ્રમિત સત્યના ગર્ભનો વિચ્છેદ કરીને વાસ્તવિક અસત્યને નહીં સમજીએ તો જીવન સત્ય છે કે અસત્ય તે નક્કી નહીં કરી શકીએ. આમેય આપણું જીવન સત્ય છે કે સ્વપ્ન તેના ભ્રમમાં તો રાચીએ જ છીએ. જો આ ભ્રમને સમર્થન પ્રાપ્ત થશે, તો માનવીય જીવન નિરર્થક પુરવાર થશે. નિરર્થકનો મતલબ ઉષ્મા, પ્રેમ, ભાવ, આનંદ, પ્રસન્નતાની અનુભૂતિ, અનુભવવિહીન જીવન.

સામાન્ય જીવનવ્યવહારમાં જીવન માટે એવું કહેવાય છે કે તે અઘરું અને અટપટું છે. તો પ્રાકૃતિક સર્જનની દરેક રચના સરળ અને સહજ હોય છે તેવો પ્રાકૃતિક નિયમ છે. તો બંનેમાંથી સત્ય શું સમજવું ? સત્ય સમજવા માટે પ્રાકૃતિક તેમ જ માનવીય ફરજો અદા કરવામાંથી હક્ક સ્વરૂપે જે વૈભવ પ્રાપ્ત કર્યો હોય તેને સમજવા રહ્યા. કદાચ તે સમજવા માટે આપણે મર્યાદા અનુભવતા હોઈએ તો સ્વયંના પ્રયત્નો દ્વારા તે સમજી તેમ જ અનુભવી પણ શકાય તેમ છે. વૈચારિક દૃષ્ટિએ ઐશ્વરીય આનંદ કે વૈભવની પ્રાપ્તિ વ્યક્તિની નૈતિક આચરણનાં નિષ્કર્ષમાંથી પ્રાપ્ત થાય છે. આ માન્યતા અનુભૂતિના સંદર્ભમાં અવશ્ય સત્ય અનુભવાય છે, પરંતુ અનુભૂતિ અનેક મંથનોનું પરિણામ છે. મંથન માટે પૂર્વભૂમિકા જરૂરી છે. પૂર્વભૂમિકા માટે સામાન્ય જન વ્યવહાર જરૂરી છે. સામાન્ય જનવ્યવહાર જરૂરિયાતને અધીન છે. જરૂરિયાત શરીર, જીવ અને આત્માની ક્ષુધામાંથી ઉત્પન્ન થાય છે.

આધ્યાત્મિક જીવન જ્યાં સુધી સાતવિક પવિત્ર, નિર્મળ હશે ત્યાં સુધી શરીર, જીવ અને આત્માની ક્ષુધા સમાજના પ્રસન્ન ભાવ દ્વારા તૃપ્ત કરી શકાશે, પરંતુ નિર્મળતા અને પાવિત્ર્ય જ્યારે પ્રદૂષિત થાય છે, ત્યારે સમાજ તેનાથી વિમુખ થઈને આવી જવાબદારીમાંથી મુક્ત થતો હોય છે. પરિણામે સામાજિક જીવન મૂલ્યવિહીન બનતું હોય છે.

મંથનનું બીજું પાસું સામાન્ય જીવનની જરૂરિયાતોની પૂર્ણતામાં છે. આવી પૂર્ણતા પ્રવૃત્ત પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત કરી શકાય. પ્રવૃત્ત પ્રક્રિયા સમાજ-જીવનના આધાર ઉપર નિર્ભર છે. આ આધાર સક્ષમ રીતે જીવંત હશે, તો જરૂરિયાતોની પૂર્તિ સહજ અને સરળતાથી પ્રાપ્ત કરી શકાશે. જ્યારે સમાજની નિર્બળતામાં જરૂરિયાતોની પ્રાપ્તિ કઠિન બની જાય છે. કઠિન પરિસ્થિતિ અનેક અનિષ્ટો અને વ્યાધિનું કારણ બને છે.

આપણી અનેક માન્યતાઓમાં એક માન્યતા એવી પ્રચલિત છે કે આધ્યાત્મિક જીવન સામાન્ય જીવનથી અલગ અને પર હોય છે. આ એક ભ્રમિત માન્યતા છે, ખરેખર તો માનવીય જીવન અનેક પ્રણાલિકાઓનું પરિણામ છે. એટલે કે અનેક પ્રણાલિકાઓના મંથનમાંથી પ્રસ્થાપિત થતી જીવનપદ્ધતિ છે. આપણે આવી પદ્ધતિ વિકસાવી નથી શક્યા તે કૂટપ્રશ્ન છે. આવો જ કૂટપ્રશ્ન આર્થિક સક્ષમતા દ્વારા આધ્યાત્મિક જીવન પ્રસ્થાપિત કરવાનો છે. આપણે એવું માનતા હોઈએ છીએ કે ભૌતિક વિકાસ માટે આધ્યાત્મિક વિચારસરણી અંતરાયરૂપ બનતી હોય છે. આવી માન્યતાના કારણે આપણી સદ્‌ભાવના દૂષિત થતી હોય છે. દૂષિત ભાવોનાં પરિણામ નકારાત્મક જીવન હોય છે, જેમાં સ્વયંનું જીવન પણ ભોગ બનતું હોય છે.

જીવનની સાર્થકતા અનુભવવા માટે અનેક પહેલુઓને ઉજાગર કરવા જરૂરી છે, પરંતુ આવા પહેલુને સમજવા અને અનુસરવાની જ્યાં સુધી સક્ષમતા ધારણ ન કરી શકીએ ત્યાં સુધી બધા પ્રયત્નો નિરર્થક છે. એટલે પ્રથમ સક્ષમતા ધારણ કરવી રહી, કારણ કે ક્ષુધિત (ભૂખ્યા) માણસ માટે સાર્થક જીવનની નહીં, પરંતુ ક્ષુધા તૃપ્ત કરવાની ચિન્તા હોય છે, જે આર્થિક સ્ત્રોત દ્વારા પૂર્ણ કરી શકાય છે.

સામાન્ય જીવનવ્યવહારની દરેક ભૌતિક જરૂરિયાતોને પૂર્ણ કરવાની મહત્તમ શક્તિ આર્થિક સ્ત્રોતમાં છે. આર્થિક સ્ત્રોતનો પ્રવાહ વ્યક્તિની પ્રવૃત્ત પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતો હોય છે. પ્રવૃત્તમય પ્રક્રિયાનું પરિણામ સમાજની આર્થિક સદ્ધરતા ઉપર નિર્ભર હોય છે. સદ્ધરતાની સાનુકૂળતામાં સમાજ અને રાષ્ટ્રનો વિકાસ છે, જ્યારે પ્રતિકૂળતામાં ઝંઝાવાત હોય છે. આવા ઝંઝાવાતનું શમન કરવું રહ્યું.

વ્યક્તિ, સંસ્થા કે રાષ્ટ્રે તેના કોઈ પ કાર્ય કે જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આર્ક વ્યવસ્થા કરવી અનિવાર્ય છે, વ્યક્તિ પોતાની પ્રવૃતિ દ્વારા, સરકાર તેના કારભારણ દ્વારા, સંસ્થાઓ પોતાના ધ્યેયની પરિપૂર્ણતાના પરિણામના સ્વરૂપમાંથી અર્થઉપાર્જન કરતાં હોય છે. સામાજિક સંસ્થાઓ સરકારી ગ્રાન્ટ કે સેવાના સ્વરૂપમાંથી આર્થિક જરૂરિયાતને પૂર્ણ કરે છે. આવી વ્યક્તિઓનાં ધ્યેય નિર્ધારિત હોય છે. આવું ધ્યેય વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટેનું હોય ત્યારે દરેકના વ્યવહારના સમન્વયમાંથી કોઈ એક સમતુલિત વ્યવસ્થાપનનું આયોજન કરવું રહ્યું. આવું આયોજન પરોક્ષ સ્વરૂપના આર્થિક સ્ત્રોતની શક્તિ ઉપર ન નભી શકે અને કદાચ આવી શક્તિ પ્રાપ્ત થાય તો પણ શરતો અને મર્યાદાઓને આધિન રહે. આવી શરતો અને મર્યાદાઓ જ્યાં સુધી જનજીવનની ઊર્ધ્વગતિને પ્રસ્થાપિત કરતી હોય ત્યાં સુધી સ્વીકાર્ય છે પરંતુ કલુષિત પ્રકારની હોય તો મૂળ ધ્યેયને વિચલિત કરે છે. એટલે ઇચ્છિત ધ્યેય પરિપૂર્ણ કરવા આર્થિક સ્વતંત્ર સ્ત્રોતની સ્વતંત્ર વ્યવસ્થા કરવી રહી.

પ્રત્યક્ષ સ્વરૂપના આર્થિક સ્ત્રોતનું એવું આયોજન કરવું જોઈએ કે જેમાં આર્થિક તેમ જ સામાજિક પ્રશ્નોનું નિરાકરણ થતું હોય, વર્તમાન સમયમાં વ્યક્તિ કે સમાજની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં લીધા વિના વિકાસના પૂર્ણ પરિણામની અપેક્ષા રાખવી એટલે આત્મવંચના સમાન છે. વાસ્તવિક વિકાસની પરિકલ્પના કરવી હોય તો સમાજ સમૂહની દરેક જરૂરિયાતની જે ખરીદશક્તિ હોય તેના પ્રમાણમાં આર્થિક શક્તિ સવાયા પ્રકારની હોવી જોઈએ. આર્થિક શક્તિની પૂર્ણતા વગરનો જે પણ વિકાસ હોય તેનાં પરિણામ ભ્રમ ઉત્પન્ન કરનાર હોય છે. વ્યક્તિગત તેમજ રાષ્ટ્ર તેના પુરાંતવાળા બજેટના અનુસંધાનમાં જે પણ લોનો કે કરભારણનું વ્યવસ્થાપન કરતા હોય, પરંતુ વિશ્વમાં માર્ગદર્શક તરીકેની ભૂમિકા પ્રસ્થાપિત કરવી હોય તો નવીનત્તમ પદ્ધતિ વિકસાવવી રહી. પરંરાગત પદ્ધતિની પ્રતિકૂળતાના પ્રમાણ સમજવાં હોય તો આપણા વ્યક્તિગત કે રાષ્ટ્રીય આવકના સ્ત્રોત સમક્ષ આપણા દેવાની સરખામણી કરવી રહી. આપણા દરેક નવજાત શિશુને તેના જન્મ સાથે ગળથૂથીના પહેલા ડોઝ પહેલાં જ દેવાનો ડોઝ આપી દઈએ છીઅ. આપણી સમજણ પ્રમાણે તેની ગંભીરતા સમજીએ કે ન સમજીએ, પરંતુ આપણું બાળ દેવા સાથે જન્મે છ, તે અવશ્ય શરમજનક બાબત સમજવી રહી. આપણી રાષ્ટ્રીય આવકનો મહત્તમ હિસ્સો ફક્ત દેવાની પુનઃ ચુકવણી તેમ જ બિનવિકાસના ખર્ચમાં વેડફાય ત્યારે વિકાસની ડંફાસ મારવી આપણી માનસિકતાની અપરિપક્વતા પ્રદર્શિત કરે છે.

વર્તમાન સમયની વાસ્તવિકતા જે પણ હોય, પરંતુ વિશ્વસમૂહ જ્યારે એક થતો હોય ત્યારે માનવીય સ્વભાવ મુજબ દરેક વ્યક્તિ એકબીજાની સાથે સરખામણી કરતાં હોય છે. જો આવી સરખામણીમાં ઊણા ઊતરીશું તો આપણી અસ્મિતાનું મૂલ્યાંકન પણ આપણા આત્મસન્માનને ઠેસ પહોંચાડનારું હશે અને જેમનું આત્મસન્માન હણાય છે, તેમને બેઠા કરવાનું કામ કઠિન બની જાય છે, જેનું પ્રમાણ આપણે રાષ્ટ્રીય કક્ષાએ અનુભવી રહ્યા છીએ. આંતરિક આતંકવાદ, નકસલવાદ, અનામતવાદ, ત્રાસવાદી પ્રવૃત્તિનાં મૂળ જે તે સમૂહના આત્મસન્માનના અભાવ તરફ જાય છે. સામાન્યતઃ માનવસહજ પ્રકૃતિ મુજબ જેઓમાં આત્મસન્માન હશે, તેઓ જ અન્યના સ્વમાનને સમજશે.

વ્યક્તિનું સ્વમાન સમાજના પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપના વ્યવહારમાંથી પ્રસ્થાપિત થતું હોય છે. પ્રત્યક્ષ સ્વરૂપનું સ્વમાન વ્યક્તિની માનવીય જરૂરિયાતો સહજ રીતે પ્રાપ્ય થવામાં અને પરોક્ષ સ્વરૂપનું સ્વમાન પરોક્ષ જરૂરતમંદ સમાજને તટસ્થ ભાવે રોજગારીની તકો પરિપૂર્ણ કરવામાં પ્રસ્થાપિત થતું હોય છે. પ્રદર્શિત ભાવનાને સાનુકૂળ્‌ સ્થિતિમાં પ્રવાહિત કરવામાંથી સમાજ ઊર્ધ્વગતિ પ્રાપ્ત કરે છે, જ્યારે પ્રતિકૂળ સ્થિતિમાં અનેક સમસ્યાઓનું સર્જન થતું હોય છે.

વિકાસનું અર્થઘટન ફક્ત આર્થિક વિકાસના માપ-દંડથી ન કરી શકાય, તેમ જ તેના આધારે માનવ જીવનને માપી ન શકાય, તેના માટ સમાજના પ્રસન્ન જીવનના માપદંડને પણ ધ્યાનમાં લેવો રહ્યો. સમાનતાનો મતલબ વ્યક્તિસમૂહની એકબીજાથી વિરુદ્ધના ભાવ કે માનસિકતાથી પર, અને જે પણ વિકાસ હોય તેની સમાન પ્રાપ્તિમાં છે. આણો આર્થિક વિકાસ સામાજિક જીવનને અસમાનતાના શિખર તરફ લઈ જતો હોય તેવું અનુભવાય છે.

આર્થિક વિકાસ તેમ જ સામાજિક સુખાકારી માટે એવા આયોજનનું નિર્મા કરવું જોઈએ કે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો સહજતાથી પ્રાપ્ત કરી શકે. આવી સહજતા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે વ્યક્તિનું જે આર્થિક સ્ત્રોત હોય તેનાથી દરેક જરૂરિયાતને પરિપૂર્ણ કરે, એટલે કે વ્યક્તિ કે વ્યક્તિસમૂહની જે પણ આવક હોય તે આવક દ્વારા પોતાની દરેક જરૂરિયાત પૂર્ણ કરી શકે. તે માટે કાં તો વ્યક્તિની આવકના સ્ત્રોત મુજબ ભાવોનું અવમૂલ્યાંકન કરવું પડે અથવા તો વ્યક્તિ સમૂહની આવકમાં વધારો કરવો પડે.

ભાવોનું અવમૂલ્યાંકન એટલે કે જે તે સમયનો જે ભાવ હોય તે વ્યક્તિની રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં ઘટાડવો જે શક્ય નથી, કારણ કે ભાવોની સ્થિરતા કે વધ-ઘટ વૈશ્વિક જરૂરિયાતોના માલના પુરવઠા અને માગ ઉપર આધાર રાખતો હોવાથી સ્થાનિક ક્ષેત્ર ઉપર તેની સીધી અસર પડતી હોવાથી વ્યક્તિની રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં ભાવ ઘટી શકે નહીં. એટલે તેના ઉપરનું નિયંત્રણ વાણિજ્યની મર્યાદા બહાર હોય છે. સિવાય કે અનૈતિક રીત-રસમો દ્વારા ભાવ-વધારો કરવામાં આવ્યો હોય. અર્થશાસ્ત્રના નિયમ મુજબ ભાવો માગ અને પુરવઠા ઉપર નિર્ભર હોય છે, એટલે આર્થિક સદ્ધરતા જ અનિવાર્ય બને છે. રાષ્ટ્રમાં આર્થિક તેમ જ જનસુખાકારીના માપદંડના સમન્વયમાંથી જ્યાં સમાનતા પ્રાપ્ત થાય, તેવી સમાનતાના પાયા ઉપરની ઊર્ધ્વગતિને જ વિકાસ તરીકે સ્વીકારી શકાય.

ભાવોની સ્થિતિસ્થાપકતા સ્થાનિક વિકાસના માપદંડ ઉપર આધારિત હોવાથી જેમ જેમ વિકાસની શક્યતાઓ વધે તેમ તેમ ભાવો પણ વધે તેવી ગણતરી કરવી રહી. આવા વિકાસલક્ષી ભાવોનું નિયંત્રણ કરવું તે સાચા વિકાસને રૂંધનારું બને છે. આથી વિકાસના પ્રમાણમાં જે ભાવવધારો થાય તેની સાથે સાથે સામૂહિક આર્થિક સ્ત્રોતનો પણ વધારો કરવો રહ્યો. સામાન્યતઃ વિકાસના માપદંડની ગણતરી આર્થિક મૂલ્યાંકન ઉપર થાય છે, તે કોઈ નવીનતમ નિયમન નથી, પરંતુ આવો વિકાસ જ્યારે સામાજિક સમતુલાને વિક્ષેપિત કરે, ત્યારે નવીનતમ નિયમો શોધવા રહ્યા. અન્યથા સમગ્ર વિકાસનાં પરિણામ સકારાત્મક સ્વરૂપે અનુભવવાને બદલે નકારાત્મક સ્વરૂપે મહત્તમ સમાજે ભોગવવાં-અનુભવવાં પડે, જે અશાન્તિ અને અરાજકતાનો વંટોળ સર્જીને કહેવાતા વિકાસનો છેદ ઉડાડી શકે છે, એટલે વિકાસને સહજ રીતે અનુભવાય તે માટે તેનો યાપ સમાન રીતે વિસ્તૃત કરવો રહ્યો. અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે વ્યક્તિ સમૂહના આર્થિક સ્ત્રોતને વિકસિત કરે.

આપણી સામાજિક રચના આર્થિક તેમજ સામાજિક રીતે વિવિધ વર્ગોમાં વહેંચાયેલી હોવાથી તેમના સંકલનમાં અભાવ છે, પરંતુ જો આવું સંકલન શક્ય બનશે તો તેનાથી બે જ વર્ગો અસ્તિત્વમાં આવશે, જે ગરીબ અને ધનવાનના હશે, તેમનું સહઅસ્તિત્વ એકબીજાની સહિષ્ણુતા ઉપર નિર્ભર હશે. જ્યાં સુધી આવી સહિષ્ણુતા જીવન્ત હશે, ત્યાં સુધી સામૂહિક જીવન શક્ય છે. તેથી વિકાસના સંદર્ભમાં વિરુદ્ધના પરિણામ અંગે વિચારવું રહ્યું. સહજીવનમાં સર્વેનું કલ્યાણ છે, કેમ કે વિકાસનો મૂળભૂત પાયો સમાજની સમૂહિક-આર્થિક સક્ષમતા ઉપર નિર્ભર છે.

વર્તમાન સમયનો વિકાસ પાપા-પગલીએ છે, તેનું મૂળભૂત કારણ સામૂહિક ખરીદ-શક્તિના અભાવમાં છે. ખરીદ-શક્તિમાં વધારો ત્યારે જ શક્ય બને કે જ્યારે આવકના સ્ત્રોતમાં વધારો થાય. આર્થિક વિકાસ ધંધા-રોજગારીની પૂર્ણતા ઉપર નિર્ભર છે. રોજગારીની પૂર્ણતા દરેક પ્રકારના ઉદ્યોગધંધાને પૂર્ણપણે વિકસિત કરવાથી શક્ય બનાવી શકાય. આવો ઉદ્યોગ-ધંધો કોઈ કેન્દ્ર આધારિત નહીં, પરંતુ સ્થાનિક કક્ષાએ વિકસાવવો રહ્યો. આપણી ભૌગોલિક સ્થિતિને અંતરાય સ્વરૂપ નહીં, પરંતુ સાનુકૂળ રીતે ઉપયોગ કરવો રહ્યો, જેથી અલ્પવિકસિત કે અર્ધવિકસિત ક્ષેત્રોનો પૂર્ણ વિકાસ કરી શકાય. જેમાં ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ તો થશે જ, પરંતુ શહેરી ક્ષેત્રો ઉપરનું ભારણ પણ ઓછું થશે.

ઉપરોક્ત પ્રસ્તુતિનું વિસ્તૃત સ્વરૂપે છણાવટ કરવામાં અર્થશાસ્ત્રનાં તર્ક અને અનુભવ જરૂરી છે. તેથી વૈચારિક દૃષ્ટિથી સમજીએ તો વર્તમાન સમયની આપણી રાષ્ટ્રીય કુલ ખરીદશક્તિ મહત્તમ અંશે ૩૦%ની આસપાસની છે. ૭૦% ખરીદશક્તિ અકબંધ છે, જેને વિશ્વ સારી રીતે સમજશે. જો આ ૭૦% સમાજ સમૂહની ખરીદશક્તિને જીવંત કરવી હોય તો સમાજ સમૂહના આર્થિક સ્ત્રોતને રાષ્ટ્રીય એ આંતરરાષ્ટ્રીય બૅન્કોની લોન, ક્રેડિટકાર્ડથી નહીં, પરંતુ વ્યક્તિ સમૂહની હયાત આવકના સ્ત્રોતને વધારીને કરવી રહી, સામાન્યતઃ પ્રાકૃતિક જીવનની જીવંતતા જીવને અધીન હોય છે, તેમ સામાજિક વિકાસની જીવંતતા તેના આર્થિક સ્ત્રોતને આધારિત છે.

વર્તમાનનો જે પણ વિકાસ છે, તે ચોર ખાય, મોર ખાય, અને બાકીનું જે વધે તે ૩૦% સમાજની ખરીદશક્તિ ઉપર વિકાસદર નક્કી થાય છે. જો ચોર અને મોરને પ્રામાણિક બનાવીને ૭૦% જનસમૂહની જરૂરિયાત મુજબની આવકના સ્ત્રોતની વ્યવસ્થા કરવામાં આવે તો આપણે જે સ્વર્ગની કલ્પના કરીએ છીએ તે સાકાર સ્વરૂપે અનુભવવા મળે. દૂધ અને ઘીની જે નદીઓનું આપણાં શાસ્ત્રોમાં વર્ણન કરેલ છે તેને સાકાર સ્વરૂપે જોઈ અને માણી શકાય. કદાચ આપણે ઇચ્છિત જીવનને વૈચારિક, ભાવનાત્મક કે કાલ્પનિક રૂપના સમજીને નજરઅંદાજ કરીએ તો આપણી સમજભૂલ હશે. જો તેનું પ્રમાણ જોઈતું હોય તો વર્તમાન સમયનો જે વિકાસદર ૮થી ૧૦%ની આસપાસ છે. તે રપથી ૩૦% જનસમૂહની ખરીદશક્તિ આધારિત છે. આ જ વિકાસદરને આધાર બનાવીને ગણતરી કરી જોઈએ તો તેની વાસ્તવિકતા સમજાશે, માવીયન અભિગમ સાથે જેઓ વર્તમાન સમયના વિકાસથી વંચિત છે, તેમનું ધ્રુવીકરણ કરવામાં આવે તો વિકાસનાં વૃક્ષ નવપલ્લવિત થઈને અમૃત ફળ આપશે, જેમાં માનવસમાજની દરેક વ્યાધિનો રામબાણ ઈલાજ છે.

આપણે સમજી કે અનુભવી શકતા હોઈએ કે ન હોઈએ, પરંતુ વર્તમાન સમયનો વિકાસ કોઈપણ મર્યાદિત સમૂહ પૂરતો છે, તેનાં અનેક કારણોમાં એક કારણ તેનો પ્રવાહ જે-તે સમૂહ તરફનો જ હોય છે. આ પ્રવાહને દ્વિમુખ કરવામાં આવે તો અનેક પ્રશ્નોનું નિરાકરણ થાય. એટલે કે વર્તમાન સમયના જે પણ ઉદ્યોગધંધાઓ છે, તેની જે પણ વૃદ્ધિ થાય છે, તેનો લાભ ફક્ત તેના આયોજકોને જ પ્રાપ્ત થાય છે. આ જ લાભ જનસમૂહમાં પ્રવાહિત કરવામાં આવે તો અનેક સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય.

જેમ કે દરેક ઉત્પાદનો અને તેનો ઉપભોગ જનસમૂહના માધ્યમ દ્વારા થતો હોય છે, જેને આપણે ગ્રાહક તરીકે ઓળખીએ છીએ. ગ્રાહક સિવાયનો વ્યાપાર કલ્પી ન શકાય. આ ગ્રાહકો દ્વારા ઉપભોગ કરાતા વ્યાપારમાંથી જે તે ઉત્પાદકો નફો મેળવતા હોય છે. આ નફાનું પુનઃ રોકાણ ચક્રવૃદ્ધિ દરે વધતું હોય છે, જેનો લાભ ફક્ત ઉત્પાદકો અને ગ્રાહક વચ્ચેની એજન્સીઓને થતો હોય છે, જે વ્યક્તિગત લાભાતિત વર્ગ છે. જ્યાં સુધી આવો વ્યાપાર પ્રામાણિક અને વાસ્તવિક આધાર ઉપર હોય ત્યાં સુધી સ્વીકાર્ય છે, પરંતુ અનૈતિક અને આભાસી પરિબળો સક્રિય થાય છે, ત્યારે આર્થિક માળખું કથળી જતું હોય છે, જેનો ભોગ આમ પ્રજા બનતી હોય છે.

જો વર્તમાન સમયની આ પ્રક્રિયામાં લાભાતિત વર્ગમાં ગ્રાહકનો સમાવેશ કરવામાં આવે અને તેના થકી થતો નફો આવા સમૂહના વિકાસની અર્થ વાપરવામાં આવે તો ગુણોત્તર પ્રમાણમાં વિકાસ સાધ્ય બનાવી શકાય. જેમ કે ગ્રાહકો, વપરાશકારો અને આનુષંગિક જરૂરતમંદ સમૂહ દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓમાંથી જે નફો થાય, તેનો આ જ સમૂહના આર્થિક સ્ત્રોતના વધારા માટે ઉપયોગ કરાય તો જે-તે સમૂહની આવકમાં વધારો થશે. આવકમાં વધારો થશે તો ખરીદ-શક્તિમાં વધારો થશે, તો પૂરક ધંધારોજગારમાં વૃદ્ધિ થશે, આ વૃદ્ધિના પુનરાવર્તનનું ચક્ર એક વખત કાર્યાન્વિત થશે, તો તેને કોઈ પણ રોકી શકશે નહીં.

આવી પ્રક્રિયાની અનેક અપ્રામાણિક રીતરસમોનો છેદ ઊડતાં વાસ્તવિક વિકાસ પ્રાપ્ત કરી શકાશે, જેમ કે :

૧. માલની જે પણ કિંમત ચૂકવાય તેના પ્રમાણમાં ગુણવત્તા, વજન, જથ્થો (ક્વોન્ટિટી) કે માપ તથા વાસ્તવિક ભાવથી માલ પ્રાપ્ય બનશે.

ર. માંગ અને પુરવઠાની સ્થિતિ પ્રાપ્ત થતા પુરવઠો અને ભાવનું વ્યવસ્થાપન કરી શકાય.

૩. અનૈતિક રીત-રસમોનું નિરાકરણ થશે.

૪. સમાજ સમૂહ અછત કે અભાવની માનસિકતાથી મુક્ત થતાં રાહત અનુભવશે અને સંગ્રહખોરી ઘટશે.

પ. વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરીને પુરવઠાની વ્યવસ્થા કરી શકાય છે.

૬. સ્થાનિકથી કેન્દ્ર સરકારના કરવેરાનું ભારણ હળવું બનાવીશે મહત્તમ આવક કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે માટેના વ્યવસ્થાપનમાં સહાય કરી શકાય છે.

૭. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય વ્યાપારની તુલનાત્મક સરખામણી કરીને આયાત-નિકાસનું આયોજન કરીને હૂંડિયામણની સમતુલા જાળવવા માટે સહાયરૂપ થઈ શકાય.

૮. માનવસમાજની દરેક જરૂરિયાત ગ્રામથી શહેર સુધી સહજ બનાવી શકાય.

૯. ધંધારોજગારની વ્યવસ્થા કરી શકાશે.

૧૦. સામાજિક વિકાસ સાધ્ય બનશે.

આમ, ઉપરોક્ત હેતુ અને આયોજનથી આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવીનતમ આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા ગોઠવી શકાય.

ર૧. આર્થિક ઉપાર્જનનું પ્રથમ સોપાન

સ્થાનિક તેમ જ વૈશ્વિક વ્યવહારમાં જીવન-જરૂરિયાતનો વ્યાપાર કુલ વ્યાપારનો મહત્તમ હિસ્સો છે અને સામાન્ય જીવનવ્યવહારના પર્યાય સમાન છે. આવા વ્યવહારના વિકાસ વ્યક્તિસમૂહના વિકાસ, જરૂરિયાત અને આવકના સ્ત્રોત પર આધારિત છે. જો આ વિકાસનું પ્રમાણ સમાન રીતે ગતિમાન હોય તો સામાજિક જીવન તંદુરસ્ત અને પ્રસન્નતાપૂર્વકનું હોય, પરંતુ આવી ગતિ અસમાન પ્રકારની હોય તો સામાજિક જીવન વ્યથાકારક બને છે.

સામાન્યતઃ અસમાન ગતિ માટે અનેક કારણો જવાબદાર છે. આવાં કારણોનું નિરાકરણ કરવામાં આવે તો વિકાસની ગતિ સમાન પ્રકારે ચલાયમાન થાય. સમાન ગતિ પ્રાપ્ત કરવાના અનેક પ્રયત્નોમાં મુખ્ય પ્રયત્ન વ્યક્તિ સમૂહના આવકના સ્ત્રોતને વધારવાનો છે. આવકના સ્ત્રોતનો વિકાસ કરવાની વ્યવસ્થા કરવી હોય તો તે જાદુઈ લાકડીથી નહીં, પરંતુ સમયોચિત વ્યવસ્થાપન આધારિત પ્રસ્થાપિત કરી શકાય. એટલે તેના માટે નિર્ધારિત સમયના આયોજનની જરૂરિયાત રહે. નિર્ધારિત સમયગાળા દરમ્યાન વ્યક્તિસમૂહની વાસ્તવિક આવકથી જે જરૂરિયાત પ્રાપ્ત કરે છે, તેવી જરૂરિયાતો પૂર્ણ કરવામાં જે આર્થિક શક્તિનું ભ્રષ્ટ રીતરસમો દ્વારા હનન થાય છે, તેને અટકાવવી રહી. ભ્રષ્ટ રીતરસમોનું નિરાકરણ થતાં વ્યક્તિની વાસ્તવિક આવકની ૩૦%ની આસપાસની રકમ વેડફાય છે, તેની બચત થતાં તેનો જરૂરિયાત સંતોષવામાં ઉપયોગ થતાં, સમાજ રાહત અનુભવશે. આવી રાહતમાંથી વિશ્વાસનું વાતાવરણ સર્જાશે, જે સામાજિક વ્યવહારનો પ્રાણ છે. પ્રાણનું પ્રતિષ્ઠાન થતાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર સહજ અને સરળ બનતાં સફળતા પ્રાપ્ત કરાશે.

વર્તમાન સમયમાં દરેક જગ્યાએ (ઉપભોક્તા) ગ્રાહકને ચેતતા રહેવાની શિખામણ આપવામાં આવેછે અને તેના માટે કાનુની રક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પરંતુ જ્યાં અસલ અને નકલ સમાનપણે પ્રવર્તમાન હોય, જ્યાં ક્વોલીટી, ક્વોન્ટિટી અને કિંમત વચ્ચેનું ભ્રામક, ભ્રષ્ટ રીતરસમ દ્વારા ત્રણેનો સમન્વય કરીને ત્રણે પ્રમાણનો છેદ ઉડાડી દેવામાં આવતો હોય, જ્યાં ભ્રામક વિજ્ઞાપનોમાં લોભ, લાલચ, અપરિપક્વ માનસિકતાનો દુરુપયોગ થતો હોય, એકના ડબલ, ડબલના પણ ડબલની સ્થિતિ પ્રવર્તમાન હોય, ત્યાં ગ્રાહકની બુદ્ધિમત્તા બહેર મારી જાય અને વાસ્તવિક જરૂરિયાતોને ભૂલીને બીનજરૂરી ખરીદી કરી લે તેમાં કોઈ નવીનતમ તથ્ય નથી. ખરેખર આવા દરેક વ્યવહારમાં એક યા બીજા પ્રકારે વિશ્વાસઘાત સિવાય કંઈ પ્રાપ્ત થતું નથી.

સામાન્ય જીવનવ્યવહારમાં દૈનિક જરૂરિયાતો (સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એટલે કે નિદ્રાધીન થવા સુધીની જે સેવા કે ચીજવસ્તુઓ ઉપયોગમાં લેવાય છે તે દરેક ચીજવસ્તુ)ની ગુણવત્તા, જથ્થો, કિંમત અને અસલ નકલનું મૂલ્યાંકન કરવાની સક્ષમતા ધરાવતા હોઈએ તો ખબર પડે કે વાસ્તવિકતા શું છે ? શું આવી સક્ષમતા ગ્રાહકોમાં હોઈ શકે ખરી ? અને તેવી અપેક્ષા રાખી શકાય ખરી ? જો ગ્રાહકોમાં આવી સક્ષમતા ન હોય તો તેમને જાગૃત રહેવાનું કેવી રીતે કહી શકાય ? ખરેખર તો વેપારીઓ ઉપર વિશ્વાસ મૂકવા સિવાય કોઈ ઉપાય નથી. આવી પરિસ્થિતિમાંથી ગ્રાહક સુધી જે તે (કોમોડિટી) ચીજવસ્તુની સેવા પહોંચાડનાર માધ્યમે નૈતિકતા, પ્રામાણિકતા અને સામાજિક જવાબદારી સમજીને સંનિષ્ઠ વ્યવહારનું વ્યવસ્થાપન કરવું રહ્યું અને આવા વ્યવસ્થાપન દ્વારા એવા વિશ્વાસનું સર્જન કરવું જોઈએ કે ગ્રાહક વસ્તુથી વિશેષ વિશ્વાસથી તૃપ્ત થાય, જેનાં પ્રમાણ અપવાદરૂપ ખરીદીમાં અનુભવાય છે.

ઉપરોક્ત પ્રસ્તુતિ ફક્ત વૈચારિક મનોપ્રક્રિયા આધારિત નહીં, પરંતુ વાસ્તવિક અનુભવોને આધારે તારવેલ સત્યો આધારિત છે, જેમ કે સવારમાં લેવાતી પ્રથમ ચા, કૉફીના કપમાં દૂધમાં ભેળસેળ, આહારમાં લેવાતા ખોરાકમાં અનાજ, ઘી, તેલ, કઠોળ, શાકભાજીની ખરીદીમાં પોલંપોલ, તો પ્રવાસન વ્યવસ્થામાં પેટ્રોલ, ડિઝલ, ગૅસ, રિક્ષા, ટૅક્સીભાડામાં લૂંટ, વાહનો, ઘરવપરાશનાં સાધનોની જાળવણી.....નિદ્રાધીન થતાં સુધીમાં જે ચીજ-વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય તેનું વિસ્તૃત અન્વેષણ કરવું રહ્યું. જો તેની વાસ્તવિકતા સમજાશે તો નિદ્રાધીન નહીં, પરંતુ નિદ્રાહીન થઈ જવાશે.

આવા વિશ્વાસહીન પ્રવૃતિના સર્જકો અપવાદરૂપ સંજોગો સિવાય નિમ્નસ્તરથી ઉચ્ચત્તમ સ્તર સુધીમાંથી કોઈ બાકાત નથી, જેમ કે :

- સવારે દૂધવાળો દૂધમાં ભેળસેળ કરીને દૂધ પધરાવી જશે.

- શાકભાજીવાળા પાંચસો ગ્રામના બદલે તેની ઇચ્છા પ્રમાણેનું વજન પૂરા ભાવ લઈને પધરાવી દેશે.

- નામી ઉદ્યોગપતિની પેટા ટેલિફોન કંપની કોઈ પણ પ્રકારના ઇન્સ્ટોલેશન ચાર્જ વગર તેનું કનેકશન આપીને ફક્ત ઘંટડી વાગ્યાનો ચાર્જ લગાવીને બિલ પધરાવી દેશે.

- સરકારી કે ખાનગી બૅંકો મફતના ભાવે ક્રેડિટ-ડેબિટ કે અન્ય જાતનાં કાર્ડ પધરાવીને એક વાર તેમની જાળમાં ફસાવીને ધીમે ધીમે પીંછા ખેંચીને મૃતઃપ્રાય સ્થિતિમાં ધકેલી દેશે.

- નાના કરિયાણાવાળા કે મેગામોલવાળા એકની સાથે એક ફ્રી, અમુક ખરીદી ઉપર અમુક પૉઇન્ટ, ઉધાર ઉપર અમુક દિવસ પછી ચુકવણીની વ્યવસ્થા, ઝંઝાવાતી જીવનમાં રહી - સહી સમજશક્તિનું પણ બાષ્પીભવન થઈ જાય તેવા પ્રકારનાં પ્રલોભન, કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, વેપારી કે ઉદ્યોગપતિ નુકસાન કરવા માટે ધંધો નથી કરતા તે સમજવા માટે સક્ષમ ન રહે તેવી માયાજાળ રચે છે.

જો કે કોઈ પણ અનૈતિક અપ્રામાણિક વ્યવહાર માટે સરકારી, અર્ધસરકારી કે કાનૂની નિયંત્રણો નથી તેમ સમજવું તે ભૂલભરેલ છે. દરેક માટે કાયદો અને નિયંત્રણો છે, પરંતુ તેનાં પરિણામ સામાજિક ચહેરા ઉપર અવશ્ય અનુભવી શકાય તેમ છે. આપણે અન્યને જવાબદાર ગણતાં પહેલાં સ્વયંની જવાબદારી સમજવી રહી. જો આ જવાબદારી સમજીશું તો જ વાસ્તવિક નિરાકરણ શક્ય બનશે, અન્યથા સરકારી તંત્રો, ન્યાયાલયોમાં જે કરોડોની સંખ્યામાં વણઉકેલ્યા પ્રશ્નો સંગ્રહિત છે, તેમાં ઓર વધારો થયા કરશે તેમાં કોઈ બેમત નથી. કદાચ એવી પણ નોબત આવે કે રાષ્ટ્રની જેટલી જન-સંખ્યા હોય તેનાથી વધુ વણઉકેલ્યા પ્રશ્નોનો (કેસો) ભરાવો થાય અને અંધાધૂંધ પરિસ્થિતિનું નિર્માણ થાય.

વર્તમાન સમયમાં લોકશાસનની ત્રણ સ્તંભ પ્રવર્તમાન છે : સંસદ, ન્યાયાલય અને પ્રેસ. આ ત્રણે સત્તાઓ પ્રજાશક્તિના મૂળ વૃક્ષની પ્રશાખાઓ છે. સામાન્યતઃ મૂળ થડ તંદુરસ્ત હોય તો તેની પ્રશાખાઓ આપોઆપ તંદુરસ્ત હોય તે વાસ્તવિકતા છે, પરંતુ થડ નિઃસ્તેજ અને તેની પ્રશાખાઓ જવાસિયાના છોડ અને કેસૂડાના વૃક્ષની જેમ બિનમોસમમાં લહેરાતાં હોય ત્યારે પ્રજાશક્તિએ અવશ્ય ચિંતન કરવું રહ્યું ચિંતન ત્યારે જ શક્ય બને કે જ્યારે સ્વયં સાથે સર્વનું કલ્યાણ ઇચ્છીએ. સર્વનું કલ્યાણ સર્વગ્રાહી ઉપાય દ્વારા જ કરી શકાય.

આવા સર્વગ્રાહી ઉપાયના પ્રથમ સોપાન તરીકે સામાન્ય જીવનવ્યવહારમાં ઉપયોગમાં લેવાતી જીવનજરૂરી ચીજ-વસ્તુઓ યોગ્ય ગુણવત્તા, વજન અને ભાવથી વિશ્વાસપૂર્વક મેળવી શકે તેવા સહકારી વ્યાપારનું આયોજન કરીને આવા વ્યાપાર દરમિયાન જે પણ વધે એટલે કે નફો થાય તે નફાને સમાજના હિતમાં વપરાય. સામાજિક હિત (વિકાસ)ને વિશાળ અર્થમાં સમજીએ છીએ, જે આર્થિક ઉપાર્જનના અન્ય સોપાનમાં સમજાશે.

સામાન્ય જીવનવ્યવહારની ચીજવસ્તુઓની વિતરણવ્યવસ્થા એટલે દરેક જીવન ઉપયોગી ચીજવસ્તુઓની જથ્થાબંધ ભાવે ખરીદી અને છૂટક ભાવે વેચાણ, જેનું મૂળભૂત હાર્દ આપણે અગાઉ સમજવા પ્રયત્ન કર્યો છે.

ઇચ્છિત ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રબુદ્ધ વ્યક્તિઓ દ્વારા સૂચવવામાં આવે તેવાં કલ્યાણકારી સૂચનો અને અભિપ્રાયોનું સંકલન કરીને આયોજન કરીએ તો સમાજની ભ્રષ્ટ રીતરસમો દ્વારા વ્યય થતી આવકનો વાસ્તવિક ઉપયોગ કરી તાત્કાલિક ફળ લઈ શકાય. પ્રસ્તુત હેતુઓની સિદ્ધિ સામાજિક જવાબદારીની સમજણ, નૈતિક તેમ જ પ્રામાણિક આચરણમાં છે. આવાં આચરણોમાં વિશ્વાસનું સર્જન થાય છે. વિશ્વાસ પથ્થરને પણ દેવ બનાવીને તેના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરે છે, તો આપણે સર્જનહારની અમૂલ્ય જીવંત કૃતિ છીએ. વિશ્વાસ કેળવીશું તો સમાજના પ્રસન્ન ચહેરાનું દર્શન કરી શકીશું તેમાં કોઈ બે-મત નથી.

વ્યવસ્થાપન

વ્યાપારક્ષેત્રમાં સૌથી સહજ અને સરળ વ્યવસ્થા હોય તો તે છે, જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓની વેચાણ-વિતરણ વ્યવસ્થા જો આવા વ્યવસાયમાં નૈતિકતા, પ્રામાણિકતા અને વિશ્વાસનું સ્થાપન કરવામાં આવે તો વર્તમાન વેચાણ વ્યવસ્થામાં જે વિશેષ ખર્ચ કરવામાં આવે છે તેની જરૂરિયાત ન રહે. સામાન્યતઃ આવો ખર્ચ મૂળભૂત ચીજ-વસ્તુઓની કિંમતમાં અનેકગણો વધારો કરનારો હોય છે. કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓનું ગુણવત્તા આધારિત મૂલ્ય હોય તે સ્વીકાર્ય છે. પરંતુ જ્યારે ગુણવત્તાના મૂલ્ય કરતાં આડંબરી, ભ્રામક અને બિનજરૂરી પરિબળોનો સમાવેશ કરીને જે મૂલ્ય નિર્ધારિત કરવામાં આવે છે તે ગુણવત્તાના મૂલ્યના પ્રમાણ કરતાં વધારે હોય છે, તે છેતરપિંડી સમાન છે. આવા વ્યવહારમાં ઉત્પાદકને તો કોઈ નુકસાન થતું નથી, પરંતુ ઉપભોક્તા અવશ્ય તેનાં ખર્ચેલ નાણાના લાભ કે વળતરથી વંચિત થાય છે. જ્યાં સુધી કોઈ પણ ચીજવસ્તુનાં મૂળ ઘટકોની સુરક્ષા અને સાચવણીની જરૂરિયાત હોય તેવા ખર્ચ ઉમેરાય સ્વીકાર્ય છે, પરંતુ તે સિવાયના મૂલ્યવર્ધક નુસખા અયોગ્ય ગણાવી શકાય. ખરેખર ગ્રાહક કે ઉપભોક્તાના હિતનું રક્ષણ કરવું હોય તો કોઈપણ ચીજવસ્તુઓની ભ્રામક માર્કેટિંગ વ્યવસ્થાઓથી નહીં, પરંતુ તેના વપરાશમાંથી ઉત્પન્ન થતા સંતોષ દ્વારા કરી શકાય.

આધુનિક સમયમાં વિજ્ઞાપનો, જાહેરાતો અને પ્રલોભનકારી ફંડાઓથી આપણું ‘બ્રેઈનવૉશ’ થયેલ હોઈ, મારા કહેવાના તાત્પર્યને સમજવું અવશ્ય અઘરું લાગે, પરંતુ જેઓએ અનુભવ્યું છે, તેમના અનુભવોને પ્રસિદ્ધ કરવામાં આવે તો અવશ્ય તેની વાસ્તવિકતા સમજાય. એક બાજુ સશક્ત ઉત્પાદકો અને સરકારી માધ્યમો છે. જ્યારે બીજી બાજુ અસહાય અશક્ત અને અસંગઠિત ઉપભોક્તાઓનો સમૂહ છે. આવી પરિસ્થિતિમાં ઉત્પાદકોને જેવો લાભ લેવો હોય તેવો લાભ લઈ શકે છે. જો આવી પરિસ્થિતિનું નિરાકરણ કરવું હોય તો જનસમૂહની સક્રિયતા સાથે સ્વયંનું વ્યવસ્થાપન ગોઠવવું રહ્યું. જો આવા વ્યવસ્થાપનમાં “વિશ્વાસ” સંપાદન કરવામાં આવે તો ફૂટપાથ ઉપરનો વ્યવસાય પણ મેગા મોલને ટક્કર મારી શકશે. અર્થાત્‌ પસંદગીના લોકેશન સિવાય પણ સેવા આપી શકાય છે. એટલે પ્રાથમિક તબક્કે જ્યાં સગવડ મળે ત્યાં (માઈક્રો બિઝનેસ) વેચાણ વ્યવસ્થા ગોઠવી શકાય. તે મુજબ :

૧. ગ્રામીણ શહેરી વિસ્તારોમાં દર ૧૦૦૦ રહેણાકના ગ્રુપમાં સહકારી વેચાણ-વિતરણની વ્યવસ્થા કરીએ.

ર. દરેક જીવનજરૂયિાતની ચીજવસ્તુઓ સીધી ઉત્પાદકો પાસેથી ખરીદ કરીએ, તેથી ઉત્પાદનના માલ અંગેની જવાબદારી નક્કી કરી શકાય.

૩. ગ્રાહકને “ઉપભોક્તા સભ્ય” બનાવીને વાર્ષિક નફાના હિસ્સેદાર બનાવીએ.

૪. “ઉપભોક્તા સભ્ય”ને સામાન્ય જીવનવ્યવહારમાં જરૂરી ઉપલબ્ધ સેવાનો લાભ આપીએ.

પ. સભ્યશ્રી દ્વારા કોઈ પણ કેન્દ્ર પરથી ખરીદાયેલ ચીજવસ્તુઓના મૂલ્યને તેની કુલ વાર્ષિક ખરીદીની ગણતરીમાં લઈએ.

૬. દરેક સભ્યને વાર્ષિક ખરીદબુક આપીએ કે જેથી વાર્ષિક નફાનો પ્રમાણભાગ આપી શકાય.

૭. વ્યવહારમાં વ્યાપારી માનસિકતાના બદલે સહકારી માનસિકતા કેળવીએ.

૮. વ્યવહારને સેવાનું સ્વરૂપ આપીએ.

૯. સ્વરોજગારીની તાલીમ પામેલ સમૂહ દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરેલ હોય તેને વેચાણ વિતરણ કેન્દ્‌ય્ર દ્વારા બજાર મળે તેની વ્યવસ્થા કરીએ.

૧૦. દરેક પ્રકારની ચીજવસ્તુઓની ખરીદી રાજ્ય સ્તરે હોલસેલના ભાવે ખરીદીએ, તેનું વહન જરૂરિયાત મુજબ જિલ્લા/મહાનગર તરફ, ત્યાંથી તાલુકા નગર પંચાયત/પાલિકા તરફ અને ત્યાંથી કેન્દ્ર તરફ રવાના કરીએ.

૧૧. કેન્દ્રોનો હિસાબ તાલુકા/નગર પંચાયત, પાલિકા એકત્રિત કરીને મુખ્ય કેન્દ્રને ચૂકતે કરશે. તાલુકા નગર પંચાયતનો હિસાબ જિલ્લા/મહાનગરને આપશે, જિલ્લા/મહાનગર રાજ્ય કક્ષાએ હિસાબ આપશે. અથવા તો સ્થાનિક કક્ષાએ જે બેન્ક હોય તેમાં વ્યવહાર કરીએ.

૧ર. માલનું વહન “સેન્ટ્રલી” કરીએ.

૧૩. દરેક જરૂરિયાતની “ડિમાન્ડ નોટ” બનાવીએ. તે જે તે સ્ટોકિસ્ટને આપશે. સ્ટોકિસ્ટ ડિમાન્ડ મુજબનો માલ આપશે.

૧૪. બીજી ડિમાન્ડ મૂકતાં પહેલાં પહેલી ડિમાન્ડનો હિસાબ ચૂકતે કરવાનો રહેશે.

૧પ. પહેલી અને બીજી ડિમાન્ડનો લઘુતમ સમય ૧પ દિવસનો રાખીએ.

૧૬. લેખિત ડિમાન્ડ સિવાય અને પહેલાંની બાકી ચુકવણી સિવાય માલની રવાનગી નહીં કરી શકાય.

૧૭. માલ જે સ્વરૂપમાં ખરીદાયેલ હોય તે જ સ્વરૂપમાં વિતરણ કરવામાં આવે.

૧૮. નફાની ગણતરી રાજ્યસ્તરના ખરીદી-વેચાણ ઉપર આધારિત છે. આવા નફાની ટકાવારી દરેક સ્તરે લાગુ પડશે અને તે મુજબ દરેક સ્તરે નફાનું વિતરણ કરાશે.

૧૯. નફાની વહેંચણીનો પ્રમાણભાગ જે - તે વર્ષના અંતે નક્કી કરવામાં આવશે.

ર૦. પ્રમાણભાગની લઘુતમ મર્યાદા ફિક્સ કરવામાં આવશે. મહત્તમ મર્યાદા નહીં હોય, પરંતુ તે વર્ષાન્તે નક્કી કરવામાં આવશે.

ર૧. દરેક સ્તરે માલનાં આવકજાવકનાં સ્ટોકપત્રક તેમ જ હિસાબી રોજમેળ રાખવાનો રહેશે.

રર. વર્ષાન્તે જે સ્ટોક હોય તેને શરૂઆતના સ્ટોકમાં રૂપાન્તરિત કરવાનો રહેશે.

ર૩. દરેક સ્તરે અઠવાડિક વપરાશની સરેરાશ કઢાશે, આ સરેરાશ ચેઈન સિસ્ટમથી મુખ્ય કેન્દ્ર સુધી પહોંચાડવાની રહેશે.

ર૪. સરેરાશના આધારે મુખ્ય એકમ માલની ડિમાન્ડ તૈયાર કરશે અને તે મુજબ ખરીદીને જે - તે કેન્દ્રને સરેરાશ મુજબ રવાના કરવામાં આવશે.

રપ. સમગ્ર વ્યવહારનું આવાગમન ચેઈન સિસ્ટમમાં ગોઠવીએ.

ર૬. પ્રાથમિક તબક્કે જીવન જરૂરિયાતની અનિવાર્ય ચીજ વસ્તુઓની વિતરણવ્યવસ્થા ગોઠવીને ધીમે ધીમે દરેક જરૂરિયાતની ચીજવસ્તુનો સમાવેશ કરીએ.

ર૭. ગ્રામ કક્ષાએ તેની આવકનો મુખ્ય આધાર ખેતી હોય છે. ખેતીની સફળતાનું મુખ્ય પરિબળ બિયારણ હોય છે. જો બિયારણ ગુણવત્તા આધારિત ન હોય તો ખેતીના ઉત્પાદન ઉપર માઠી અસર થતી હોય છે. આથી આવી અપવાદરૂપ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ચીજ-વસ્તુઓની જરૂરિયાતને પરિપૂર્ણ કરીએ.

સમગ્ર વ્યવહારમાં રાજ્યથી ગ્રામ કક્ષાઓ ચીજ-વસ્તુઓ એટલે કે માલનું વહન કરીએ અને ગ્રામથી રાજ્ય તરફ તેના વિતરણ કે વેચાણ દ્વારા પ્રાપ્ત થતી આવકને જમા કરાવીએ.

આ સાદી અને સહજ સમજણ પ્રમાણેની વ્યવસ્થાનું આયોજન છે, પરંતુ આવી વ્યવસ્થામાં જેઓ માહિત હોય અને તેઓ દ્વારા જે સૂચનો અને માર્ગદર્શન મળે તેનો સમન્વય કરીને નવીનતમ પદ્ધતિ વિકસાવીએ.

સામાન્યતઃ ર૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તી પ કરોડની હતી. તેને રહેણાકની સંખ્યા માટે પાયા તરીકે ગણીએ તો સરેરાશ પ વ્યક્તિના કુટુંબ પ્રમાણે એક કરોડ રહેણાંક થાય, અને તે મુજબ દર એક હજાર રહેણાક એક કેન્દ્રની વ્યવસ્થા કરતાં કુલ ૧૦,૦૦૦ કેન્દ્રોનું આયોજન થાય.

જો દરેક કેન્દ્ર મધ્યમ પ્રકારે વ્યસ્ત રહે તો પણ વ્યવસ્થાપન માટે સરેરાશ ચાર વ્યક્તિઓને રોજગારી આપી શકાય. તે મુજબ બે પાળીમાં કુલ ૮૦,૦૦૦ વ્યક્તિઓને રોજગારી આપી શકાય તથા આનુષંગિક કાર્ય માટે એટલી જ વ્યક્તિઓ માટે રોજગારીની તકો ઊભી થશે. આમ ૮૦ હજારથી લાખ વ્યક્તિઓને પ્રત્યક્ષ સ્વરૂપે રોજગારી પૂરી પાડી શકાશે.

કોઈ પણ પ્રકારના વિકાસ અને સ્તુત્ય કાર્ય માટે નક્કર ધ્યેય અને સફળતાનો વિશ્વાસ પ્રાપ્ત કરીએ તો વર્તમાન સમયમાં આર્થિક વ્યવસ્થા સહજ છે. જ્યાં સુધી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત ન કરી શકાય ત્યાં સુધી નૈતિકતા, પ્રામાણિકતા અને વિશ્વાસ આધારિત વ્યવહારથી બાહ્યા આર્થિક વ્યવસ્થા કરવી રહી. એટલે કે જે પણ માધ્યમથી નાણાકીય વ્યવસ્થા કરવામાં કે કેળવવામાં આવે તો આર્થિક વ્યવસ્થાપન સહજ બની જાય છે.

મારી દૃષ્ટિએ બાહ્ય નાણાકીય મદદની જરૂરિયાત મહત્તમ અંશે પાંચ વર્ષની રહેશે. ત્યાર બાદ આવી વ્યવસ્થા ગ્રાહક કે ઉપભોક્તા સભ્યો જ પૂર્ણ કરશે કે જેના તેઓ સ્વયં જ લાભાર્થી હશે. આ એક ન સમજાય તેવી હકીકત છે, પરંતુ જ્યારે તે વાસ્તવિક સ્વરૂપે અનુભવાશે ત્યારે અવશ્ય સમજાશે.

જેમ કે જે બચત બૅન્ક ડિપૉઝિટ કે અન્ય રોકાણોમાં થાય છે, તેવા રોકાણોને લોકો પુનઃ ચુકવણીનો વિશ્વાસ બેસતાં આવી સંસ્થામાં રોકે તો બૅન્કો કે અન્ય નાણાકીય સંસ્થાઓ કરતાં વધુ વળતર પ્રાપ્ત કરી શકશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

ર. સામાજિક પ્રસંગોમાં ઉચ્ચતમ સેવા લઘુતમ ખર્ચે પૂર્ણ કરવાની વ્યવસ્થા :

વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ભૌતિક વિકાસના વ્યાપમાં પરંપરાગત સામાજિક વ્યવસ્થાના ઢાંચામાં અને પ્રણાલિકાઓમાં નવીનતમ સામાજિક રચના થતી જાય છે, આવી નવીનત્તમ સામાજિક વ્યવસ્થાઓમાં પણ સમાજ-સમૂહ પોતાની પરંપરાગત માન્યતા અનુસાર સામાજિક કાર્યો થાય તેમ અંતઃકરણથી માનતો હોય છે. પરંતુ તેનો વાસ્તવિક જીવનવ્યવહાર તેનાથી વિપરીત હોવાથી પરંપરાગત વ્યવહારોથી અજાણ હોય છે. આથી મુશ્કેલી અનુભવતા હોય છે. આવી મુશ્કેલી ક્યારેક સામાજિક જીવનની અધૂરપનો અનુભવ કરાવે છે.

નવીનતમ સામાજિક પ્રણાલિકા પહેલાં દરેક સમૂહ તેનો ધર્મ, વર્ણ, જ્ઞાતિ અને કુટુંબના સાંનિધ્યમાં રહેતો હોવાથી કોઈ પણ સામાજિક પ્રસંગોએ સહજતાથી પ્રસંગને અનુરૂપ માનવીય હૂંફથી સંપન્ન થતા જેથી માનવીય કે સામાજિક હર્ષ અને આનંદનો અનુભવ કરીને ધન્યતા પ્રાપ્ત કરતા હતા, પરંતુ વર્તમાન સમયમાં પરંપરાગત સાંનિધ્યથી વિમુખ થતાં સવાયા સક્ષમ હોવા છતાં પ્રસંગોને અનુરૂપ આનંદથી અતૃપ્ત રહે છે.

મનુષ્ય કોઈ પણ સમાજ-સમૂહનો ભાગ હોય પરંતુ વ્યક્તિગત જીવન-વ્યવહારથી જે-તે સમૂહમાં પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરીને સામાજિક જીવનને મોભાદાર બનાવતો હોય છે. આવા મોભામાં જીવનની પ્રતિષ્ઠા અનુભવાય છે. પ્રતિષ્ઠા સમાજરચનાનો પ્રાણ છે. જો આવી યથાર્થતાની પરિપૂર્ણતા માટે કોઈ પણ સ્વરૂપે સહાયરૂપ થવાય તો સામાજિક સહચારની અનુભૂતિ કરી શકાય.

સાંપ્રત સમયમાં ભૌતિક વિકાસ અને સામાજિક વ્યવસ્થા આમનેસામને હોય તેવું પ્રતીત થાય છે, જેમાં કોઈ સક્ષમ હોય તો કોઈની સામાન્ય સ્થિતિ, જો બંનેની ભાવનાત્મક રુચિનો સમન્વય કરીને સમાન દિશામાં ગતિમાન કરવામાં નહીં આવે તો પ્રસ્તુત આયોજન કલ્પના સિવાય કંઈ નહીં હોય, અને ભાવનાત્મક અસંતોષના કારણે દિન પ્રતિદિન જીવન સ્પંદનહીન બનતું જશે. જેનો અણસાર આપણે અનુભવી રહ્યા છીએ.

આપણા જીવનમાં આવતા દરેક પ્રસંગોનું એક અનેરું મહત્ત્વ હોય છે. આ મહત્ત્વ જીવનને ચૈતન્યમય અને સ્મરણમય બનાવે છે, તેમ જ જે તે આશ્રમનું પરિણામ હોય છે. જેમ કે બાલ્યજીવનનો વિદ્યાભ્યાસ, યુવાવસ્થાનો લગ્નપ્રસંગ, પ્રૌઢ અવસ્થામાં સંતાનોના વિવાહ અને વૃદ્ધાવસ્થામાં પ્ર-પૌત્ર-પૌત્રીનું સાંનિધ્ય વિપરીત સંજોગોમાં વાગોળવાથી સમય કષ્ટવિહીન પસાર થઈ જાય છે. જીવનના દરેક પ્રસંગો જે તે આશ્રમની પરાકાષ્ઠા હોય છે. તેને અનુભવ્યા સિવાયનું જીવન અધૂરું છે. અને એટલા માટે જ હિન્દુ ધર્મમાં કન્યાદાન અને મૃત્યુ સમયે દીકરાની કાંધનું મહત્ત્વ છે.

મનુષ્ય કોઈ પણ ધર્મ, જાત કે નાતનો હોય, પરંતુ સૌથી પહેલાં તે માનવી છે. તેમની પરંપરા અનુસાર વ્યવહાર ભલે અલગ પ્રકારના હોય, પરંતુ અનુભવ અને અનુભૂતિ એકસમાન હોય છે. આનંદની અનુભૂતિ અને ઉષ્માસભર વાતાવરણવાળું જીવન માનવીનું લક્ષ હોય છે જ્યારે તેનાથી વિપરિત પરિસ્થિતિ વિષાદથી ભરેલી હોય છે. આથી પ્રસન્ન જીવનની કામના હોય તો સામાજિક પ્રસંગો સહર્ષ સ્વીકારવા રહ્યા.

ભૌતિક વિકાસની જે પણ આડ અસરો હોય અને તેનું સમાપન જ્યારે પણ થાય ત્યારે ખરું, પરંતુ વર્તમાન સમયમાં વ્યક્તિની જે પણ સક્ષમતા હોય તદનુસાર જે પણ પ્રસંગો અને અવસરો આવે તેને યથાશક્તિ પૂર્ણ કરવા રહ્યા. સમય, સંજોગો અને સામાજિક સહિષ્ણુતાના અભાવે વર્તમાન સમયના દરેક પ્રસંગોનું જે વાસ્તવિક ઓજસ હોય છે. તે ઉત્સાહીન બનતું જાય છે. પરિણામે પ્રસંગને જીવનની પવિત્ર ફરજ સમજવાને બદલે જવાબદારીના બોજ તરીકે સમજીને તેને કેવી રીતે પૂર્ણ કરવા તેની દ્વિધા અનુભવાતી હોય છે, જેમાં વ્યક્તિની પરિપક્વતાનાં અભાવનું મૂળભૂત કારણ હોય છે.

કોઈ પણ સામાજિક પ્રસંગને આર્થિક મૂલ્યના માપદંડથી મૂલવવાના બદલે માનવીય મૂલ્યના માપદંડથી મૂલવવામાં આવે તો અનેક વિસંવાદિત પરંપરાઓ આપોઆપ નિર્મૂળ થાય. જેમ કે મોભો, દહેજ ફક્ત ને ફક્ત માનવતાના ધોરણે સમાધાન કરવામાં આવે તો દરેક મા-બાપ જેટલો પુત્ર-જન્મનો આનંદ અનુભવી શકે છે, એટલો જ પુત્ર-જન્મનો આનંદ અનુભવી શકે. ખેર, સમયના ગર્ભમાં દરેક પ્રશ્નનું નિરાકરણ છે.

સમાજની દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિગત અને સામાજિક નૈતિક જવાબદારી સમજીને દરેક પ્રસંગોમાં માનવીય હૂંફ પ્રવાહિત કરવામાં આવે તો પ્રસંગ ઉત્સાહ અને આનંદથી સભર બને છે ત્યારે પ્રસંગનું મૂળભૂત તાત્પર્ય સિદ્ધ થાય છે. સામાન્યતઃ વ્યક્તિની આર્થિક સક્ષમતા ન હોવા છતાં જ્યારે આવા પ્રસંગનું આયોજન કરતા હોય ત્યારે ખાસ તેમની સાથે રહીને સહકાર આપવો જરૂરી બની જાય છે.

કેમ કે પ્રસંગને અનુરૂપ દરેક કાર્યો ભાડેથી થતાં હોય છે. જેમાં માનવીય અભિગમના બદલે વાણિજ્ય અભિગમ વિશેષ હોય છે, એટલે પ્રસંગનું જે અંદાજિત ખર્ચ હોય છે, તેનાથી ડબલ ખર્ચ થતો હોય છે. તે અનુભવસિદ્ધ હકીકત છે, જેમ કે વૈવાહિક પ્રસંગોમાં મંડપ હૉલ અને ભોજન સમારંભમાં જે ખર્ચ થતા હોય છે, તે વાસ્તવિક ખર્ચથી પ૦થી ૧૦૦ ગણો વધારે હોય છે. જેઓની સદ્ધરતા છે તેઓને ભલે પરવડે, પરંતુ સમાજની ૯૦% વ્યક્તિઓ દેવાં કરીને આવા પ્રસંગો કરતા હોય છે, ત્યારે તેમની કમર તૂટી જાય છે, વ્યક્તિ જ્યારે આવી પંગુતા અનુભવતી હોય છે, ત્યારે તેનો આધાર લઈને સમાજનો અન્ય વર્ગ સાદાઈની આડમાં પ્રસંગપૂર્ણ કરીને અંતઃકરણથી રડતો હોય છે. આપણને બાહ્ય દૃષ્ટિથી ભલે બધું બરાબર લાગતું હોય પરંતુ જેની આંતરિક સ્પંદનાત્મક દૃષ્ટિ જાગૃત હોય તેઓ કરુણા અને આશ્વાસન સિવાય કંઈ પ્રદર્શિત કરી શકતા નથી. આવા પ્રસંગોમાં જેઓ તન, મન અને ધનથી સહાયક બને છે, તેઓ માનવતાનાં પ્રણેતા છે.

આપણે દરેક કેન્દ્રો દ્વારા સમાજના સાંનિધ્યમાં છીએ. આવા સાંનિધ્યમાં મુક્તતા કેળવીએ છીએ. મુક્તતાના માહોલમાં દરેક વ્યક્તિ પોતાના દિલની વાત કરી શકે, ત્યારે તેની નકારાત્મક સ્થિતિનો ઉપયોગ કરવાની ત્રેવડ પણ જરૂરી બની જાય છે, જે આપણે પ્રાપ્ત કરવી રહી.

આપણો સમૂહ દરેક ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાયોથી પર છે, પરંતુ આવી જ વ્યક્તિઓનો સમૂહ છે. એટલે દરેક ધર્મ, જ્ઞાતિ સંપ્રદાયની પરંપરાઓ અને માન્યતાઓથી વાકેફ હોય કે જેથી પરંપરા અને માન્યતા અનુસાર પ્રસંગ સંપન્ન થાય તેવું આયોજન કરી શકાય. વર્તમાન સમયમાં જે પણ પ્રસંગોના કાર્યો જેને પણ સોંપવામાં આવે છે. તેનો બહુધા સ્ટાફ પ્રશિક્ષિત એટલે કે પ્રસંગને અનુરૂપ કેળવાયેલ નથી હોતો. આવી વ્યક્તિઓ મજબૂરીથી અથવા તો સમયની માંગ તરીકે તે વ્યવસાયિક કાર્ય સ્વીકારતી હોય છે. આપણે આવાં કાર્યોનો જેને શોખ (ર્ૐહ્વહ્વઅ) હોય અને વ્યવસાય તરીકે સ્વીકારવાની ઇચ્છા હોય તેમને પ્રશિક્ષિત કરીને પ્રસંગમાં પ્રાણ પૂરી શકે તેવા વૃન્દની રચના કરીએ તો પ્રસંગ દીપી ઊઠે છે. આ આપણી માનસિક તૈયારી છે અને તે આપણે અવશ્ય કરીશું, જેમાં આદર, પ્રેમ, બંધુત્વ અને સવાયો સહકાર પ્રદર્શિત કરીશું :

૧. સમગ્ર કાર્ય વ્યવસાયિક કાર્યના ભાગરૂપે નહીં, પરંતુ સામાજિક જવાબદારી સમજીને કરીએ.

ર. વ્યક્તિની આર્થિક સક્ષમતા અનુસાર આયોજન કેવી રીતે કરી શકાય તેને પ્રાધાન્ય આપીએ.

૩. મહત્તમ ભાગે પ્રસંગને અનુરૂપ સેવા આપીને પ્રણાલિગત વ્યવહાર અને ઉત્સવ કુટુંબને માણવા દઈએ.

૪. વ્યક્તિને સહકાર આપ્યા બાદ ઉપકારની ભાવનાઓથી દૂર રહીએ.

પ. વ્યક્તિની ઇચ્છા અનુસાર જે મર્યાદા હોય તેનું ધ્યાન રાખીએ.

૬. વ્યક્તિની આર્થિક મર્યાદાને ધ્યાનમાં રાખી જે મર્યાદા હોય તેમાં રહીને પ્રસંગ સારામાં સારો થાય તેવું આયોજન કરીએ.

૭. પ્રસંગને અનુરૂપ વાણી, વ્યવહાર અને વર્તન રાખીએ.

૮. વ્યક્તિની સ્વચ્છંદતાના પ્રોત્સાહક બનીએ નહીં, પરંતુ માનવી માનવી બનીને રહે, કૌટુંબિક ભાવના અખંડ રહે તેનું ધ્યાન રાખીએ.

૯. માનવતા સભર સહકારની ભાવનાઓનો નકારાત્મક અર્થ ન નીકળે તેનું ધ્યાન રાખીએ. વર્તમાન માનસિકતા “મફતનું ચંદન ઘસ બે લાલિયા” જેવી પ્રતીત થાય છે, તેવું ન થાય તે ધ્યાન રાખીએ.

૧૦. જીવનસરિતાના એક કિનારેથી બીજા કિનારે જવા આનંદમય સફરની નૌકા, નાવિક અને રક્ષક બનીએ. આ સફરની દરેક જરૂરિયાત પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરીએ.

૧૧. સ્વચ્છતા, સુન્દરતા અને સુઘડતાથી વાતાવરણને ખુશનુમા અને મોહક બનાવવું એ દરેક પ્રસંગનું અભિન્ન પાસું (અંગ) છે.

૧ર. આહારમાં સ્વાદ, ગુણવત્તા અને સાત્ત્વિકતાનાં ઉચ્ચતમ ધોરણ જળવાય તેનું ધ્યાન રાખીએ.

૧૩. પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપીએ, તે સ્વીકારવું કે ન સ્વીકારવું તે વ્યક્તિ ઉપર છોડી દઈએ.

ઉપરોક્ત ધ્યેય તેમ જ સમાજમાંથી અનુભવાયેલ પ્રસંગોમાંથી સૂચવવામાં આવે તેનો સમન્વય કરીને ઉચ્ચત્તમ સેવા અને સહકાર આપી શકાય તેવું આયોજન કરીએ. ઇચ્છિત સેવા અને સહકાર આપવાના આયોજનનો હેતુ સામાજિક સેવા સાથે સ્વરોજગારીની તકો ઊભી કરવાનો અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરીને, જરૂરના વખતે એકબીજાને પૂરક બનાવવામાં છે, જેમાં એકનું આર્થિક શોષણ ઘટે છે, જ્યારે બીજાને આર્થિક પોષણ મળે છે.

સામાન્ય જીવનવ્યવહારમાં અમુક વર્ગને બાદ કરતાં દરેક વ્યક્તિ આર્થિક ભીંસ અનુભવે છે. આવી ભીંસ અનેક સામાજિક વિષમતાના કારણે હોય છે. માનવી હંમેશાં નૈતિક અને પ્રામાણિક બનવા પ્રયત્નશીલ હોય છે, પરંતુ જ્યારે મજબૂરીનો સામનો કરવાનો આવે છે, ત્યારે તે પડી ભાંગે છે. પછી ક્યારેય ઊભો થઈ શકતો નથી. જેઓ આવી મજબૂરીનો સામનો કરી રહ્યા છે અને જેઓની નૈતિકતા અને પ્રામાણિકતા અકબંધ છે, તેઓની આર્થિક ભીંસ દૂર અથવા હળવી કરી શકાય તેમ જ જેઓને પુનઃ માનવીય જીવનના પ્રવાહમાં ભળવું છે તેમને સહાયરૂપ થવાય તો તેના પરિણામસ્વરૂપે સામાજિક જીવન આનંદમય અનુભવાય.

આપણાં દરેક કાર્યોના હાર્દમાં કર્મ અને કર્મના હાર્દમાં માનવીય જીવનની સાર્થકતા અને સાર્થકતાના હાર્દમાં ઇચ્છિત વૈભવ અથવા તો મોક્ષ પ્રાપ્તિથી “પૂર્ણતા” “પૂર્ણવિરામ”ની વિભાવના રહેલી છે. તદ્‌અનુસાર સામાજિક શબ્દનો ભાષા કે વ્યાકરણની દૃષ્ટિએ જે પણ અર્થ થતો હોય તે, પરંતુ મારી દૃષ્ટિએ તેની પરિભાષા સમજવી હોય તો મનુષ્યના જન્મથી મૃત્યુપર્યન્તનાં દરેક કાર્યો સામાજિક છે, જેમાં માનવી અને તેનાં મૂલ્યો, પરમાત્માના સર્જન અને તેના તાત્પર્યના પરિપ્રેક્ષ્યને સમજવા, અને તે મુજબનું આચરણ કરવું તે સામાજિક છે. આવા આચરણ દ્વારા જે જીવન જીવાય તે સામાજિક જીવન છે.

ઐશ્વરીય સર્જન અને તેના તાત્પર્યના પરિપ્રેક્ષ્યની સૂક્ષ્મ અને પરોક્ષ સીમાઓ આપણી દૃષ્ટિની બહાર છે. પરંતુ આકાર અને સીમાઓ પ્રત્યક્ષ દૃશ્યમાન છે, જે પૃથ્વી અથવા તો વિશ્વ છે. વિશ્વ એક સમાજ સમૂહ છે. આ સમૂહમાં માનવી તેનો મૂળભૂત પ્રાણ છે. આ મૂળ પ્રાણની સેવા અંગે કોઈ મર્યાદા નક્કી થઈ શકે નહીં. એટલે માનવી કે માનવ-સમૂહને જ્યારે પણ જે પણ સરળ જીવન જીવવા માટે જે પણ ઊણપની જરૂરિયાત ઊભી થાય અથવા તો અનુભવાય તેને પૂર્ણ કરવાની સક્ષમતા ધારણ કરીને પૂર્ણ કરવા માટેનું કાર્ય કરવામાં આવે તે સામાજિક કાર્ય છે. આપણી પ્રસ્તુતિમાં જે સેવા કે સહકારનું નિરૂપણ કર્યું છે, તે પ્રત્યક્ષ સ્વરૂે દેખાતી ઊણપો પૈકીની છે અને તે પણ જેટલી ધ્યાનમાં આવી એટલી જ છે. બાકી સમાજ સમૂહે ભોગવવી પડતી અંગત ઊણપો અલગ છે. આપણે દરેક ઊણપોનો સમન્વય કરીને નિરાકરણ માટે આગળ ચાલીશું તો માનવજીવન નવીનતમ રૂપ ધારણ કરીને ઐશ્વરીય સર્જનના મૂળભૂત હાર્દને સાર્થક કરશે.

૨૧. આર્થિક ઉપાર્જનનું પ્રથમ સોપાન

સામાન્ય જીવનવ્યવહારની જરૂરિયાત મુજબી દૈનિક સેવાનું આયોજન

માનવીય જીવન ગ્રામીણ અને શહેરી વિસ્તાર મુજબ વહેંચાયેલ છે અને દરેક ક્ષેત્રો વિકાસના સંદર્ભમાં પ્રવૃત્ત છે. દરેક વિકાસનો મૂળભૂત સ્ત્રોત આર્થિક વિકાસના પાયા ઉપર વિકસિત થતો હોય છે. વિકાસની મૂળભૂત પ્રક્રિયામાં સમાજે તેની અનિવાર્ય જરૂરિયાતો માટે પણ એટલા જ પ્રવૃત્ત રહેવું પડશે. જ્યાં સુધી આવી જરૂરિયાતો સહજ રીતે પ્રાપ્ય ન થઈ શકે. ત્યાં સુધી યેનકેન પ્રકારેણ પણ તેને દોડવું રહ્યું, તે એક બાબત છે.

ભૌતિક વિકાસના સંદર્ભમાં વ્યક્તિ વૈભવ પ્રાપ્ત કરે છે ત્યારે સામાન્ય અને સહજ કાર્ય કરવામાં નાનમ અનુભવતો હોય છે. એટલે આવાં કાર્યો સેવા થકી પ્રાપ્ત કરતો હોય છે. જ્યાં સુધી આવાં કાર્યો સુરક્ષા અને શારીરિક સક્ષમતાને ધ્યાનમાં રાખીને કરાવવામાં આવે ત્યાં સુધી સ્વીકાર્ય છે, પરંતુ જીવનના ભોગે અને જોખમે કરાવવામાં આવે છે, ત્યારે ક્યારે અઘટિત ઘટના ઘટી જાય તેનું કાંઈ નક્કી નહીં.

સામાજિક વ્યવસ્થામાં એક ત્રીજી પરિસ્થિતિનું એવું નિર્માણ થતું હોય છે, જેમાં અવિભક્ત કુટુંબ વ્યવસ્થા વિભક્ત થતાં દરેકને બાહ્ય સેવાની જરૂરિયાત પડે છે. ભૌતિક અને સમાજના વિકાસ સાથે આ એક અનિચ્છનીય છતાં અનિવાર્ય પરિસ્થિતિ જોડાયેલી રહેવાની છે. આવી પરિસ્થિતિનું નિરાકરણ કાં તો આવી દોડમાંથી બહાર નીકળવું કે જે મહત્તમ અંશે શક્ય નથી, અથવા તો તેને પૂરક વ્યવસ્થા કરવી રહી. તો ક્યારેક આર્થિક વિકાસ કે જરૂરિયાતોની પૂર્ણતા માટે પોતાની શારીરિક ક્ષમતાની મર્યાદા બહાર કાર્ય કરવાનું થતું હોય છે, ત્યારે પણ બાહ્ય સેવાની જરૂરિયાત પડે છે. આવાં અનેક કારણો અને જરૂરિયાતના લીધે બાહ્ય વ્યક્તિઓની અનેક પ્રકારની સેવાઓ કાયમી બની જાય છે.

મહત્તમ અંશે આવી સેવાઓમાં વિશ્વાસ, સુરક્ષા અને સુઘડતાની આવશ્યકતા રહેલી છે. સામાન્યતઃ આવાં કાર્યો અંગત અને ઘરગથ્થુ ગૃહકાર્ય પ્રકારનાં હોય છે, તેથી તેની ગંભીરતા વધી જાય છે. આવી સેવાઓ જેમના દ્વારા ઉપલબ્ધ થતી હોય તેમને સમજવા કે કળવામાં થાપ ખવાય તો ક્યારે હાથ મારીને રફુચક્કર થઈ જાય તેનું કોઈ નક્કી નથી હોતું. તદ્‌ઉપરાંત આવી વ્યક્તિઓ પ્રશિક્ષિત નથી હોતી અને જવાબદારીથી અજ્ઞાત હોય છે, ત્યારે ચલાવવાની માનસિકતા કેળવવી પડે છે. આ સેવાની જરૂરિયાતમંદ વ્યક્તિઓની અનુભવસિદ્ધ હકીકત છે કે વિશ્વાસુ અને નિયમિત કાર્ય કરી જાય તેવો માણસ મળી જાય તો તેને નસીબ માનવામાં આવે છે.

સમય સંજોગ અને શારીરિક ક્ષમતાના અભાવમાં જે કાર્યો કરવાનાં થાય છે તેમાં ગૃહકાર્ય, બાળકો તથા વૃદ્ધોને સંભાળવાં, સુરક્ષા, પરચૂરણ કામગીરી જેવાં કાર્યોનો સમાવેશ થતો હોય છે, જેમાં મોટા ભાગે પુરુષવર્ગ કામ કરતો હોય છે તેનો પણ અભાવ વર્તાતો હોય છે. તેથી તેનું નિરાકરણ કરવું હોય તો સમાજના દરેક વર્ગમાં એવી કેટલીય વ્યક્તિઓ છે કે જેમને સન્માનપૂર્વક કામ આપવામાં આવે તો તેઓ આવાં કામ કરવા પ્રશિક્ષિત થાય. આપણે જાહેર જીવનથી પરિચિત હોઈએ તો એવો કેટલોય સમૂહ છે, કે જેઓ નૈતિક કાર્યના અભાવમાં અનૈતિક કાર્ય કરતાં હોય છે. તેમને માનવીય રાહે માર્ગદર્શન અને પ્રશિક્ષિત કરવામાં આવે તો અનેક સમસ્યાઓ હલ થાય.

જેમ કે (ઘરકામ) ડોમેસ્ટિક કામોને નજર સમક્ષ રાખવામાં આવે તો વર્તમાન સમયમાં આવા કાર્યને સંકોચજનક કાર્ય સમજવામાં આવે છે, તે સ્વમાનજનક કાર્ય તરીકે પ્રસ્થાપિત કરી શકાય. તો આવા કાર્યની ઓળખ બદલાશે. આવી ઓળખ સન્માનજનક હશે, તો સમાજનો દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ આવું કાર્ય સહર્ષ સ્વીકારશે, કારણ કે ગ્રૅજ્યુએટ કે ડબલ ગ્રૅજ્યુએટ થયા બાદ સરકાર કે સંપન્ન વ્યક્તિઓ ૧પ૦૦થી રપ૦૦ મહેનતાણું ચૂકવતી હોય તો આવાં કાર્યોમાંથી સહજ રીતે તેથી વધારે આવક મેળવી શકે તેમ છે, આથી જો વાસ્તવિકતાને ધ્યાનમાં લઈએ તો :

૧. ડોમેસ્ટિક વર્કનું જરૂરિયાત મુજબ તેનું સર્વે કરીએ.

ર. સર્વે મુજબની સેવાઓનું સંકલન કરીને તેમાં કેટલી વ્યક્તિઓની જરૂરિયાત રહેશે તે નક્કી કરીએ.

૩. નક્કી થયેલ સંખ્યા મુજબ રોજગાર ઇચ્છતી વ્યક્તિઓને પ્રશિક્ષિત કરીએ.

૪. આવી સેવાઓમાં દરેક ગૃહકાર્યને પ્રાધાન્ય આપીએ.

પ. આવા ગૃહકાર્યમાં રસોઈનું કાર્ય હોય તો રુચિ અને કુટુંબસમૂહના ડાયજેસ્ટ પ્લાનિંગ મુજબના આહારના પ્રાથમિક જ્ઞાનથી પ્રશિક્ષિત કરીને સેવા આપી શકાય તેવું આયોજન કરીએ.

૬. સાફસફાઈ અને ધુલાઈનું કામ હોય તો સ્વચ્છતા, સુઘડતા અને સુન્દરતાનું મહત્ત્વ સમજાવી તેનું કેવી રીતે ઉચ્ચતમ ધોરણ જળવાય તેનાથી માહિતગાર કરીએ.

૭. બાળકો અને વૃદ્ધના ‘કેર-ટેકર’ તરીકે સંસ્કાર અને હૂંફ તથા સુશ્રૂષા મળી રહે તેવા પ્રશિક્ષણની વ્યવસ્થા કરીએ.

આવા પ્રકારની સામાજિક જરૂરિયાતો ઊભી થાય ત્યારે તેવા પ્રકારનું પ્રશિક્ષણ આપીને સેવાની વ્યવસ્થા કરાય તો અનેક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ શક્ય બનાવી શકાય છે. જેમ કે એકાન્તમાં રહેતા વૃદ્ધોની હત્યાઓ, છાસવારે નોકરો દ્વારા લૂંટાતાં કુટુંબો, અનિયમિત આવતાં સેવાકર્તાઓ, પ્રસંગોપાત્ત કરવાના થતાં કૌટુંબિક પ્રસંગોની સેવાઓ સહજ અને વિશ્વાસજનક રીતે પરિપૂર્ણ કરી શકાય.

સામાજિક સુરક્ષાની વ્યવસ્થા

કદાચ, રજૂ થયેલ ધ્યેય અથવા તો વૈચારિક રજૂઆતોમાં ‘સામાજિક હિત’નો ઠેકો લવાનો હોય કે લીધો હોય તેવું અનુમાન કરવાને પ્રેરાઈએ અથવા પેરાઉં તો તેમાં મારી માનસિક મનોભૂમિ કારણભૂત હશે. આ મનોભૂમિમાં સમાજનું સુખ, સમૃદ્ધિ અને આનંદમય જીવન માટે જ્યારે ચિંતન કરવામાં આવે છે ત્યારે પ્રસન્નતામાં લીન થઈ જવાય છે. પરંતુ આ જ સમાજ જ્યારે વ્યથા અનુભવતો હોય છે ત્યારે બેચેની અનુભવાતી હોય છે. આવી વેદના પ્રત્યક્ષ સ્વરૂપની હોય કે પરોક્ષ સ્વરૂપે અનુભવાય, પરંતુ માનસિક અશાન્તિ સમાન પ્રકારની હોય છે અને એટલે તેના નિરાકરણની સક્ષમતા હોય કે ન હોય પરંતુ અનુભવાતી અશાન્તિનું સમાપન કેવી રીતે કરી શકાય, તેનો વૈચારિક સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય છે. આવા સંઘર્ષમાં જેનાથી પણ શાન્તવના અનુભવાય તેનું પ્રસ્તુતિકરણ થાય છે, સાન્ત્વના સામાજિક જીવનના આનંદમય ચહેરાની આશામાંથી અનભવાય છે. સમાજ સિવાયનું જીવન કલ્પવું મુશ્કેલ છે, તેથી સમાજ-ધ્યેય હોય છે.

ભૌતિક વિકાસ, સામાજિક અસમાનતા અને સહિષ્ણુતાના અભાવમાં માનવી જ્યારે વૈભવ પ્રાપ્તિની અનૈતિક વાટ પકડે ત્યારે સમાજને વ્યથા સિવાય કંઈ પ્રાપ્ત થઈ શકે નહીં. મનુષ્ય જ્યારે વેદના અનુભવે ત્યારે તેની વેદનામાં ઊંચ-નીચ, ગરીબ-તવંગર, ધર્મ, જ્ઞાતિ કે સંપ્રદાયનો કોઈ ભેદ નથી હોતો. વેદના ભોગવવામાં તે માનવી કે મનુષ્ય જ હોય છે, સિવાય કે જેઓ સ્પંદનહીન હોય, અને સ્પંદનહીન માટે માનવતા, ધર્મ કે ઈશ્વર જવું કંઈ નથી હોતું.

વર્તમાન સમયમાં સ્થાનિક કે વૈશ્વિક કક્ષાએ દરેક વ્યક્તિ પોતાની સુરક્ષાથી ચિંતિત હોય છે. ફૂટપાથ ઉપર વસનાર ગરીબ કે ભીખ માગીને દિવસ પસાર કરતા ભિખારી હોય પરંતુ તેઓને પણ સુરક્ષાની ચિંતા હોય છે. આપણા ધ્યાનમાં હોય કે ન હોય, પરંતુ આવી વ્યક્તિઓ પણ હરામખોરોનો ભોગ બનતી હોય છે. વ્યક્તિ, વ્યક્તિસમૂહ, વેપારી, ઉદ્યોગપતિ, સરકારી, અર્ધસરકારી કે કોઈ પણ શખ્સ આવી ચિંતાઓથી મુક્ત નથી.

સામાજિક સુરક્ષાની જવાબદારી જે તે સત્તા કે સરકારની હોય છે, પરંતુ હયાત વાસ્તવિકતાથી આપણે અજાણ નથી. તેનાં પ્રમાણ આપવા બેસીએ તો એકના એક શબ્દને વારંવાર ઉચ્ચારીને જેટલું ભાષણ કે ચોપડા લખવા હોય તેટલું લંબાવી શકાય તેમ છે. આપણે તેમ કરવા નથી માગતા, પરંતુ યોગ્ય ઉપાય અવશ્ય સૂચવાય. વર્તમાન સમયમાં નથી બાળક સુરક્ષિત કે નથી વૃદ્ધો સુરક્ષિત, સુરક્ષાની મર્યાદામાં કોને ગણવા તે એક પ્રશ્ન છે. કદાચ આપણે માનતા હોઈએ કે મનુષ્ય, સભ્ય, સંસ્કારી અને વિકસિત થતો જશે તેમ સુરક્ષાની ચિંતા ઓછી થતી જશે, તો તે આપણો વહેમ છે. જેમ જેમ વિકસિત સમાજનો ગ્રાફ ઊંચો થતો જાય છે, તેમ તેમ અસુરક્ષા અને ગુનેગારીનું પ્રમાણ વધતું જાય છે. તે આજની કડવી વાસ્તવિકતા છે. આપણે ભૌતિક વિકાસની આડ અસર સમજીને નજરઅંદાજ કરતા હોઈએ તો તે આપણી ભૂલ છે, ખરેખર આ ગંભીર બાબત છે. જેને આપણે આડ અસર સમજીએ તે જ કદાચ વિકાસના દરેક મર્મને ઘોળીને પી જશે.

આપણી સામાજિક સહિષ્ણુતા અને સ્પંદનશીલતાના અભાવમાં જ્યારે કોઈ કરુણ ઘટના બને છે, ત્યારે તેની જે વેદના અનુભવવી જોઈએ તે અનુભવી શકતા નથી, અને તે એટલા માટે કે આપણે “સબ સલામત”માં રાચીએ છીએ. પરંતુ જ્યારે આપણા કિલ્લોલ કરતા બાળકને હસતું રમતું શાળાએ મોકલીએ અને તેનું અપહરણ થાય, શક્તિ બહારની ખંડણીની રકમની માગણી થાય, અને ક્યારેક શારીરિક અત્યાચાર કરીને ખૂન કરે અથવા તો આપણાં માતા-પિતા વયોવૃદ્ધ હોવા છતાં ટપકતાં આંસુએ વ્હાલથી ધંધા-રોજગાર માટે વિદાય આપે, એ જ મા-બાપની ક્રૂરતાથી હત્યા થયાના સમાચાર મળે, ફૂલ જેવી બહેન-દીકરી ઉપર બળાત્કાર કરી હત્યા થાય, ત્યારે ફક્ત એટલી જ કલ્પના કરો કે તે આપણું બાળક, મા-બાપ કે બહેન-દીકરી હોય તો શું થાય છે તે અનુભવી જોજો. આપણે પરમામાને પ્રાર્થના કરીએ કે કોઈના જીવનમાં આવું ન બને, પરંતુ જેના જીવનમાં બન્યું હોય છે, તેની વાસ્તવિકતા વિચારવી રહી.

આવી પરિસ્થિતિનો અંત સહજ, સરળ અને સમય-મર્યાદામાં શક્ય નથી. પરં સામુહિક જાગૃતિ કેળવાય તો તેનો ઉપાય અવશ્ય મર્યાદિત સમયમાં કરી શકાય. વર્તમાન સમયમાં આવી સુરક્ષા વ્યવસ્થાનો એક વ્યવસાય બની ગયો છે. પરંતુ તેનું પરિણામ શું છે તે સારી રીતે સમજીએ છીએ. આપણે તેની ટીકાટિપ્પણીમાં નથી પડવું. પરંતુ સરકારી સુરક્ષા એજન્સીઓને સાથ અને સહકાર આપવામાં આવે તો નક્કર પરિણામ તો ઠીક છે, પરંતુ થોડોઘણો કન્ટ્રોલ અવશ્ય થાય. નક્કર પરિણામો એટલા માટે ન આવે કે ક્યારેક સામાજિક જવાબદારીનો અભાવ, જનસંખ્યા આધારિત સુરક્ષાકર્મીઓનો અભાવ, સુરક્ષા કરતાં અન્ય કામગીરીનું ભારણ, તેમ જ સંકલનનો અભાવ, તેમજ ભ્રષ્ટ માનસિકતા જેવાં મુખ્ય કારણો જવાબદાર હોય છે.

જેવી રીતે સામાજિક સુરક્ષાની અગત્યતા હોય છે, એટલી જ ખાનગી, સહકારી સ્થાવર જંગમ, મિલકતો, વેપાર-ઉદ્યોગ તેમ જ પ્રાસંગિત પ્રસંગોમાં પણ જરૂરી હોય છે. સામાન્યતઃ આવી દરેક સુરક્ષા વ્યવસ્થાપન કરતી સંસ્થાઓના સુરક્ષા કર્મીઓ મોટા ભાગે મજબૂરી અને રોજગારીના અભાવમાં જોડાતા હોવાથી પ્રશિક્ષણ તેમ જ સામાજિક જવાબદારીથી અલિપ્ત હોય છે. એટલે સંકટ સમયે સૂઝ-બૂઝ વાપરીને સંકટ નિવારવાના બદલે સ્વરક્ષણ શોધી લેતા હોય છે, ક્યારેક આવી વ્યક્તિઓની કાયમી ઓળખ નથી હોતી. એટલે સુરક્ષાનો મૂળભૂત હેતુ માર્યો જાય છે અને જે થવાનું હોય છે તે થયા કરે છે.

ખેર, વાંધો શોધવા બેસશું તો અનેક વાંધાઓ દેખાશે તેથી ખરેખર શું કરવું જોઈએ તે અંગે વિચારવું રહ્યું.

ખરેખર જે પ્રકારનું ક્ષેત્ર હોય તે પ્રકારની કામગીરીનું પ્રશિક્ષણ આપીને કામગીરી સોંપવામાં આવે તો ઇચ્છિત ધ્યેય પૂર્ણ થાય, વિશેષમાં જેઓનું આર્થિક રીતે શોષણ થતું હોય તેમને તેમના કાર્યના પ્રકાણમાં મહેનતાણું મળી રહે. અત્રે એ યાદ અપાવવું રહ્યું કે જે વ્યક્તિઓ સંરક્ષણ સેવાઓમાં ગાર્ડ, વોચમૅન, ચોકીદાર, સંતરી તરીકે ફરજ બજાવતા હોય છે, તેઓને નામે ચાર્જ કંઈ લવાતો હોય છે અને ચુકવણી કંઈ થતી હોય છે. એટલે તેના પરિણામમાં માનસિક સાન્તવના સિવાય કંઈ નથી હોતું. જો વાસ્તવિક સુરક્ષા અને સામાજિક શાન્તિ સ્થાપવી હોય તો તે અંગેનું પ્રશિક્ષણ આપીને વ્યવસ્થિત અને જવાબદારીની સ્વીકૃતિ કરે તેવું આયોજન કરવું રહ્યું :

૧. વ્યક્તિ સ્વરક્ષા સાથે સમાજની સુરક્ષા કરી શકે તેવી કુશળતાના પ્રશિક્ષણની વ્યવસ્થા કરીએ.

ર. સામાજિક જવાબદારી સમજે અને સમજાવી શકે તેવી મનસિક પુખ્તતા કેળવવાનું પ્રશિક્ષણ.

૩. જે તે ટ્રેડ અનુસારનું પ્રશિક્ષણ અને તેનું જે ધ્યેય હોય તે પરિપૂર્ણ કરી શકાય તેવી પરિપક્વતા સ્થાપિત કરીએ.

૪. સુરક્ષાના ક્ષેત્રમાં જે તે સરકારી, અર્ધસરકારી એજન્સીઓ હોય તેને પૂરક તાલીમની વ્યવસ્થા કરીને સંકટ સમયમાં સહાય થઈ શકાય તેવી માનસિક તૈયારી કેળવીએ.

પ. લોકસુરક્ષાની નૈતિક જવાબદારી સ્વીકારીને કેવી રીતે સહાયરૂપ થવાય તે અંગેની તાલીમ લઈને સહાયક બનીએ.

૬. માનવીય તેમ જ કુદરતી આફતમાં સહાયરૂપ થવાય તેવી તાલીમની વ્યવસ્થા કરીએ અને સંકટ સમયે મદદ કરીએ.

સામાન્યતઃ સુરક્ષારેખાનું ઉલ્લંઘન ત્યારે જ થાય છે કે જ્યારે માનવીય હૂંફ શક્તિહીન હોય. આવી શક્તિહીનતા ત્યારે સર્જાશે કે જ્યારે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંર્કો ઉદાસીન હોય. ઉદાસીનતા દરેક નિર્બળતાની જનક છે. જ્યાં હજારો કે લાખો લોકોની હાજરીમાં કોઈનું શીલ તો, કોઈનું ધન, કોઈની મર્યાદા તો કોઈનું સ્વમાન, કોઈના ત્યાં ધાડ, તો કોઈનું અપહરણ અને ખૂન, માટે એક યા બીજા પ્રકારે સામાજિક નિર્બળતા જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. સરકાર કે સરકારી સુરક્ષાતંત્રો પણ સામાજિક નિર્બળતાના કારણે જ તેમની જવાબદારીઓમાં ઊણા ઊતરતા હોય છે. આવી નિર્બળતાને ખંખેરવી હોય તો સામાજિક સુરક્ષા અંગેની વ્યવસ્થા માટે જાગૃતિ કેળવવી રહી.

જેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને તે મુજબની રોજગારી પ્રાપ્ત કરી શકે છે તે ભાગ્યવાન છે, પરંતુ જેઓ સમય, સંજોગ અને સામાજિક કારણોસર અર્ધશિક્ષિત છે, તેમની બેકારીનું પ્રમાણ જોવું હોય તો પોલીસ, સૈનિક કે રેલ્વેના ગેંગ-મજૂર જેવી ભરતી સમયે જોવી રહી. આવા સમૂહમાંથી રોજગારીના અભાવમાં એક ટકો પણ સામાજિક પ્રવાહથી વિરૂદ્ધ જાય તો તેનું શું પરિણામ આવી શકે તે કલ્પનાનો વિષય છે, આવા યુવાધનની એક યા બીજા પ્રકારે કોઈ રોજગારીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આપણે ક્યાં જઈને અટકીશું, તેનું કાંઈ નક્કી નથી. આથી આવી યુવાશક્તિને માનવતાસભર આદર આપીને માનવ-કલ્યાણના માર્ગની વ્યવસ્થા કરી આપવી રહી. પરિણામે બેરોજગારોને રોજગારી પ્રાપ્ત થશે અને સમાજ સુરક્ષિત બનશે, અને શાન્તિ સ્થપાશે. જો સુરક્ષા અને શાન્તિ હશે તો રાજ્ય કે આંતરરાજ્ય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર, ધંધા ઉદ્યોગ આપોઆપ ખેંચાઈને આવશે.

સુરક્ષાનો વ્યાપ આપણે જેટલો સરળ સમજીએ તેટલો સરળ નથી. મારી દૃષ્ટિએ તેનો વ્યાપ વિસ્તૃત સ્વરૂપનો છે. તે માટે આપણે પોલીસ, એસ.આર.પી., સી.આર.પી., બી.એસ.એફ. જવી એજન્સીઓના વ્યાપને સમજવો રહ્યો. આ વ્યાપ સમાજની મર્યાદિત સુરક્ષાએ આવીને અટકી જતો હોય છે અને હોમગાર્ડથી પૂર્ણ થતો હોય છે.

રોજગારવાંચ્છુ યુવકોને તેમની વર્તમાન રોજગારી હોય અને જરૂરિયાતો પૂર્ણ કરી શકાય તેટલી આવક ન હોય તો તેને પૂરક રોજગારી ઊભી કરવા, તેમ જ જેઓ સંપૂર્ણ બેરોજગાર છે તેમને સ્વરક્ષણ તેમ જ સામાજિક સુરક્ષા માટેની શારીરિક તેમ જ હથિયારધારી, વેપાર-ઉદ્યોગ ધંધાઓની સુરક્ષા અંગેની ટકિનકલ જાણકારી, માનવીય તેમ જ કુદરતી આફતોમાં રાહત, રક્ષણ અને બચાવ કરી શકાય તેવી તાલીમ આપીને રોજગાર આપી શકાય તેવી વ્યવસ્થાનું આયોજન કરવું રહ્યું.

જો આ આયોજનમાં સંનિષ્ઠ પ્રયત્ન કરીએ તો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસ અંગે જે સુરક્ષા અને અશાન્તિનો ભય સેવાય છે તે દૂર થશે અને સમાજનો સમાન્તર વિકાસ શક્ય બનશે. જ્યાં ભયમુક્ત સમાજ-વ્યવસ્થા હશે ત્યાં માનવજીવનના સાચા સુખ ને કલ્યાણનો અભ્યુદય થશે તેમાં કોઈ શંકા નથી.

સમાજ અને સરકાર દ્વારા કરવાનાં થતાં વિકાસનાં કાર્યો

આદ્યથી અનંત સુધી પ્રકૃતિની અચલ અને અપરિવર્તનશીલ રચના જ્યારે વિક્ષેપિત થાય છે ત્યારે વિક્ષેપિત વાતાવરણ સાથે તાલમેલ મેળવવા માનવીએ વાતાવરણ અનુસાર પરિવર્તનશીલ બનવું પડે છે. આવા વાતાવરણ અને સંજોગો મુજબની જરૂરિયાત ઊભી થતી હોય છ. જેઓ જરૂરિયાતને પરિપૂર્ણ કરી શકે છે, તેઓની વિકસિત સમાજ તરીકેની ગણના થતી હોય છે, જ્યારે અંશતઃ પ્રાપ્તિના સંદર્ભમાં અલ્પવિકસિત, અર્ધવિકસિત કે વિકસિત થતા સમાજ તરીકે ઓળખાય છે. પ્રાકૃતિક પર્યાવરણ સમાજના અમુક વર્ગ દ્વારા અસમતુલિત થતું હોય છે, પરંતુ તેની અસર સમાજના દરેક વર્ગને ભોગવવી પડતી હોય છે. વિકસિત સમાજ એક યા બીજા પ્રકારે રાહત મેળવી લેતો હોય છે, જ્યારે અલ્પવિકસિત સમાજે અનાયાસે પણ ભોગવવું પડતું હોય છે, જે વર્તમાનની સ્થિતિ છે. પરંતુ ભવિષ્યની સ્થિતિ અંગે વિચારીએ તો સમાજનો વિકસિત હોવાનો જે પણ માપદંડ છે તેનો ક્યાંય છેદ ઊડી જશે, અને પરિણામ ભોગવવામાં સમાન પરિસ્થિતિ સર્જાશે. આપણે ઉજ્જવળ ભવિષ્યની ભવિષ્ણવાી કરીએ છીએ, પરંતુ જીવનતત્ત્વો સિવાયનું ઉજ્જવળ ભાવિ કેવું હશે તે કલ્પવું રહ્યું.

જેઓ પ્રકૃતિના ક્રમને સમજી શકતા નથી, તેવા અબુધ મનુષ્યો જંગલોનો નાશ કરીને, ભૌતિકવાદીઓ ઔદ્યોગિક વિકાસના નામે, સ્વાર્થપ્રેરિત કૃત્ય દ્વારા રસાયણો અને આપત્તિજનક ગૅસ દ્વારા પર્યાવરણને વિક્ષેપિત કરતા હોય છે. જેનાથી હવા, પાણી અને અન્ય જીવનસત્ય દૂષિત થતાં કે તેની અછત ઊભી થતાં તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને વિકાસ તરીકે સમજતા હોઈએ તો, આપણા જીવનને કાયમ રાખવાના મૂળ મંત્રથી ફારેગ થતા હોય તેવું અનુભવાય છે. તદ્‌અનુસાર માનીએ કે આપણે મૂળ મંત્રથી ફારેગ છીએ, પરંતુ આપણી વર્તમાન સ્થિતિમાં જે વિશ્વપ્રવાહ છે, તેમાં કઈ રીતે તરવું તે શીખી લેવું જોઈએ.

પ્રાકૃતિક રચના અનુસારના જીવનથી તો આપણે વંચિત થયા જ છીએ, અને તેનાં પરિણામ પણ ભોગવીએ છીએ. પરંતુ માનવીય રચના અનુસારનું જીવન જીવવામાં પણ ઠાગાઠૈયા કરતા હોઈએ છીએ. પરિણામે અનેક સામાજિક વિસંગતતા સર્જાતી હોય છે, આવી વિસંગતતા તેનું પોત પ્રકાશે તે પહેલાં કોઈ વ્યવસ્થા કરવી રહી. વર્તમાન સમયમાં આવી વ્યવસ્થા કરવાની જવાબદારી અને સત્તા જે-તે રાજ્ય શાસનની છે.

વૈશ્વિક ફલક ઉપર આવા રાજ્યશાસનની અનેક પ્રણાલિકાઓ પ્રવર્તમાન છે, જેમાં બહુમત મંતવ્ય અનુસાર શ્રેષ્ઠ પ્રણાલિ લોકશાહી પ્રશાસનની છે. લોકશાહીનું મૂળભૂત હાર્દ લોકોની પ્રાકૃતિક સ્વતંત્રાને કાયમ રાખીને મહત્તમ કલ્યાણ કેવી રીતે કરી શકાય તેના વ્યવસ્થાપનમાં છે. આવા વ્યવસ્થાપનમાં લોકો અને શાસકોમાં માનવીય અભિગમ, પરિપક્વતા, પુખ્તતા અને વૈશ્વિક સમુદાયની સ્પંદનશીલતામાંથી ઉત્પન્ન થતા ભાવને સમજી શકાય તેવી સક્ષમતા હોવી જોઈએ. આવો ગુણ અનિવાર્ય બની જાય છે. લાયકાતવિહીન પ્રશાસનમાં લોકો અને લોકશાહીનું ‘સહિયારી સાસુની ઉકરડે મોકાણ’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. લોકશાહી પ્રશાસનમાં કોઈ એક વ્યક્તિ, સમૂહ કે પક્ષની વિચારધારા મુજબના પ્રશાસનના બદલે સ્થાનિક કે રાષ્ટ્રીય કક્ષાએ સર્વસામાન્ય કલ્યાણને અનુરૂપ એક રૂપરેખા નિશ્ચિત કરવી જોઈએ. આવી રૂપરેખા અનુસાર વ્યવસ્થાપન કરીને તેનાં પરિણામ બાબતે શાસક અને પ્રતિશાસક વચ્ચે ચર્ચા થાય તે જરૂરી છે. આવી ચર્ચામાં અવરોધક પરિબળોને સ્વીકારીને ખુલ્લા મને તેનું નિરાકરણ કરવું રહ્યું.

આપણે પ્રસ્તુત વિવરણથી વિરુદ્ધની વાસ્તવિકતા અનુભવતા હોઈએ છીએ. જો તેમ ન હોય, તો એક પ્રશાસકને તેમની સક્ષમતાના અભાવના કારણે નહીં, પરંતુ પ્રજાદ્રોહના કારણે તગડી મુકાતા હોય છે. જ્યારે બીજો શાસક પણ આવો પ્રજાદ્રોહ કરતો હોય છે, ત્યારે તે પણ સત્તાહીન થતો હોય છે. આવા ચક્રવ્યૂહમાં જ્યારે કાગડા જ અદલ-બદલ થતા હોય ત્યારે લોકશાહી તથ્યહીન થઈ જતી હોય છે.

આપણી દૃષ્ટિમાં જે પણ નકારાત્મક તથ્યો તરી આવતાં હોય, પરંતુ પ્રશાસન વ્યવસ્થામાં અનેક સકારાત્મક અને સ્તુત્ય પ્રજાકીય હિતનું આયોજન પણ થતું હોય છે. આયોજન મુજબનું અમલીકરણ કરવામાં આવે તો અવશ્ય ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય, અને વર્તમાન સમયમાં તદ્‌અનુસાર અમલીકરણ થતું હોય છે. પરંતુ તેનો લાભ લાભાતિત સમાજ સમૂહને થાય છે કે કેમ તે એક યક્ષપ્રશ્ન છે. આ પ્રશ્નના કારણ માટે કોણ જવાબદાર છે તે નિર્વિવાદ હકીકતથી આપણે અજાણ છીએ તેમ માનવાનું આત્મવંચના છે. અને આવી આત્મવંચનાનું કારણ આપણી નિર્બળતા ઉપાયહીન શક્તિ કે સામર્થ્ય ન હોવાના કારણે છે. જો આવું સામર્થ્ય પ્રાપ્ત કરવામાં આવે તો અનેક સામાજિક, રાજકીય અને વિકાસના આડબંધ દૂર થાય.

સામાન્ય જીવન-વ્યવહારમાં સમાજ, સરકાર અને સંસ્થાઓ વૈશ્વિક વિકાસના વ્હેણમાં સમાન્તર વિકાસ કરી શકાય તે માટે પ્રયત્નશીલ હોય છે. આવા પ્રયત્નોમાં વ્યક્તિ, સમાજ કે સરકાર પોતાની આર્થિક તેમ જ માનવીય શક્તિ કામે લગાડતો હોય છે. જો આવી શક્તિઓ જે પ્રમાણે ખર્ચાય છે, તેના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત કરે તો વાસ્તવિક વિકાસ અને કલ્યાણમય જીવનનું ઇચ્છિત તાત્પર્ય સિદ્ધ થાય. પરંતુ ખર્ચાયેલ શક્તિના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત ન થાય ત્યારે વિકાસ અને કલ્યાણમય જીવન પાછળ રહે છે. જે તે સમૂહ જ્યારે પોતાની સંપૂર્ણ શક્તિ કામે લગાડવા છતાં પણ સુખ સુવિધાનો આનંદના બદલે અસંતોષ અનુભવે ત્યારે તે અસહ્ય બની જાય છે.

મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી અનેક સ્વપ્નો હોય છે. આ સ્વપ્નો સાકાર કરવાના પ્રયત્નો તે તેનું જીવન છે. સ્વપ્નોને સાકાર કરવાની પૂરક ભૂમિકા સામાજિક જીવન છે. જ્યારે તેનાથી વિરુદ્ધની ભૂમિકા સમાજજીવનની ઉધઈ સમાન છે. અપવાદરૂપ માનસિકતા સિવાય ક્યારેક સમાન નહીં, પરંતુ ઉધઈની ભૂમિકામાં કાર્યરત હોય તેવું અનુભવાય છે.

જેમ કે સમાજની અનેક જરૂરિયાતોમાં કોઈ પણ જરૂરિયાતને નજર સમક્ષ રાખીએ તો તેની પ્રાથમિકતા મુજબ પૂર્ણ કરતા હોય છે. આમાંની એવી કેટલીય જરૂરિયાતો એવી હોય છે કે જે જીવનમાં એક વાર પ્રાપ્ત કરી શકાય છે, અને જીવનની મહત્તમ શક્તિ તેની પાછળ ખર્ચાતી હોય છે. આવી જરૂરિયાતની પૂર્ણતામાં જીવનનો આનંદ અનુભવાતો હોય છે. પરંતુ આવી જરૂરિયાત માટે પૂર્ણ શક્તિ ખર્ચવા છતાં જ્યારે અસંતોષનો અનુભવ થાય ત્યારે તેના જેવું બીજું કોઈ દુઃખ નથી હોતું. મનુષ્યની મૂળભૂત જરૂરિયાત રોટી-કપડાં અને મકાન છે. રોટી અને કપડાંને સર્વસામાન્ય જરૂરિયાત ગણાવી શકાય અને તે માટેનું પ્રાવધાન પણ કરીએ છીએ. પરંતુ મકાન એક એવી જરૂરિયાત છે કે, જેની પાસે નથી તેની માનસિક વેદના સમજવી રહી. આવી વેદનાઓના સમાપન માટે વ્યક્તિ પોતાની સર્વે શક્તિ કામે લગાડે છે ત્યારે,

૧. કોઈ બિલ્ડર, એસ્ટેટ ડેવલોપર, બ્રોકર કે અજન્સી જો લે-ભાગુ હોય તો સ્વપ્ન સંપૂર્ણ રોળાઈ જાય છે કેમ કે એકવાર લૂંટાયા પછી બીજી વાર આવી શક્તિ પ્રાપ્ત કરી શકવાની શક્તિ નથી હોતી.

ર. જો સ્વપ્ન સાકાર થતું હોય અને ડેવલોપર નફાખોર કે શોષણખોર હોય તો મકાનની મૂળ-કિંમત કરતાં ૩૦% કે તેની ઇચ્છા અનુસાર અગડમ-બગડમ રીતરસમ દ્વારા જેટલા ચૂસવા હોય તેટલા ચૂસી લેતા હોય છે.

૩. બાંધકામની ગુવત્તા, આંતરિક બાંધકામ એવું કરે કે તેમાં અનિચ્છાએ પણ ફેરફાર કરાવવો પડે. બિલ્ડર, વ્યક્તિ કે વ્યક્તિ સમૂહની માનસિકતાથી પરિચિત હોઈ, મોકાનું, વાસ્તુશિલ્પ, હવા-ઉજાસવાળા એસ્ટેટની પહેલાથી જ બોગસ બુકિંગ કરીને જ્યારે તમારે એવું મકાન લેવાની ઇચ્છા થાય તો અમુક ટકાની વધારે રકમની ચુકવણી કરવી રહી.

૪. કોઈ “માઈ કે લાલ” સ્વતંત્ર પ્લોટ લઈને સ્વયં મકાન બનાવવાનું વિચારે તો તેને સિવિલ-એન્જીનિયર રોકવો પડે, જેને મકાનની પડતરના ૧૦%થી ર૦% પ્રમાણેની ફી, લેબર, માલ-સામાન, આર્કિટેક્ચર (ડિઝાઈન) વાળાઓથી અપરિચિત હોઈ કાં તો માલસામાન સાથે અથવા તો લેબરથી કૉન્ટ્રાક્ટ આપવા પડે. લેબરથી આપો તો માલ-સામાનમાં કમિશન અને માલ-સામાન સાથે આપો તો રેતીમાં પાણી છાંટવાના બદલે કોરી રેતી વાપરીને ચણતર, પ્લાસ્ટર અને ધાબામાં જે પ્રમાણે નક્કી થયેલ હોય તેનો છેદ ઉડાડીને ખાટલા વચ્ચે જ કરી નાખે, અને છેવટે બાંધકામની જે ગુણવત્તા માટે નાણાં ચૂકવાય તે ગુણવત્તા તો પ્રાપ્ત ન થાય, પરંતુ ૩૦%થી વધારે રકમનું બાષ્પીભવન થઈ જાય. વ્યક્તિએ તેનું બજેટ ભલે તેની સક્ષમતા અનુસાર બનાવ્યું હોય અને તેનો આનંદ ઘડો, વાસ્તુપૂજન સુધી જળવાઈ રહે પરંતુ ત્યાર બાદ તે બેવડ થઈ જતો હોય છે. અને એમાંય જ્યારે બેવડ પરિસ્થિતિમાંથી ઊભા થવા મકાનનો કોઈ એક હિસ્સો ભાડે આપવામાં આવે અને ભાડવાત વિફરેલ નીકળે તો કોઠીમાં મોં નાખીને રડવાના દિવસો આવતા હોય છે.

પ. આપણે મકાનની જરૂરિયાતના સંદર્ભમાં અનુમાન ક્રમ અનુભવસિદ્ધ વાસ્તવિકતાની વાત કરી, પરંતુ મકાન હોય અને તેની મરામત કે રંગરોગાન કરાવવું હોય તો આપણી જે તે કામના ભાવોની જાણકારીના અભાવમાં કેટલા ચિરાઈએ છીએ, તે પ્લાસ્ટર લાફીમાં દબાઈ જતું હોય છે. અને તેમાંય જો અનુભવ અને પ્રશિક્ષણ વિહીન કૉન્ટ્રાક્ટર, કારીગર, મજૂર કે પેઈન્ટર મળી જાય તો લાખ ભેગા સવાલાખનો ઘાટ કરીને જતો રહે. રોવાનું આપણે રહ્યું. કહેવાનું તાત્પર્ય એ નથી કે દરેક વ્યક્તિએ ફક્ત સામાજિક સેવા કરવી પરંતુ દરેક વ્યવસાયમાં નફો કે વળતર મેળવવા પોતાની નૈતિકતા અને સામાજિક હિના સંદર્ભમાં મર્યાદા નક્કી કરવી જોઈએ, કારણ કે વર્તમાન સમયમાં દરેક ચીજ-વસ્તુઓના ભાવ સ્થિતિ સ્થાપક હોય છે, જેનાથી ગ્રાહકવર્ગ પરિચિત નથી હોતો, પરિણામે લૂંટાતો હોય છે.

સામાન્યતઃ જે દૈનિક જરૂરિયાતો હોય છે, તેમાં પણ મેક્સિમમ રિટેઈલ પ્રાઈઝના નામે આપણે લૂંટાતા હોઈએ છીએ. જ્યારે જરૂરિયાતની ચીજવસ્તુઓના મહત્તમ બજાર-ભાવ, તથા અસલ અને નકલ વસ્તુઓના સમાન ચલણના કારણે આર્થિક રીતે ભોગ બનતા હોય છે. આવી સ્થિતિ કોઈ એક જરૂરિયાતના સંદર્ભે નથી હોતી પરંતુ મહત્તમ સેવાની પ્રાપ્તિમાં અનુભવાય છે. પરિણામે વ્યક્તિ કે વ્યક્તિસમૂહની વાસ્તવિક આવકનો ૩૦%થી પ૦% ભાગ ઉપભોગ કર્યા સિવાય ભ્રષ્ટ રીત-રસમોનો ભોગ બનતા હોઈએ છીએ, તેમાંથી બચવું રહ્યું.

સરકાર, અર્ધસરકારના વિકાસનાં કાર્યો :

પ્રાઈવેટ અથવા તો અંગત જરૂરિયાતોમાં વ્યક્તિ પોતાની આવક પૈકીનાં નાણાંમાંથી જરૂરિયાતો પ્રાપ્ત કરતો હોય છે. તેથી પોતાની મહત્તમ જાણકાીર તેમ જ નાણાંનું પૂર્ણ વળતર પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નશીલ હોય છે. આવી વ્યક્તિઓ જે તે સમયની વાસ્તવિક માહિતીથી ગાફેલ પૂરવાર થાય છે, ત્યાંથી લૂંટાવાનું શરૂ થાય છે. તેનું નિરાકરણ સમયના ગર્ભમાં હોવાથી તાત્કાલિક ઉપાય શક્ય નથી, તેમ કહેવાને બદલે ઉત્પાદક અને તેનાં માધ્યમોની નૈતિકતા, પ્રામાણિકતા અને સામાજિક જવાબદારી સમજવા અને નિભાવવા ઉપર છોડી દેવી રહી. વ્યક્તિ કે વ્યક્તિસમૂહની અંગત જરૂરિયાતોની પરિપૂર્ણતા તેમની આવકના સ્ત્રોતને આધીન હોય છે, જે વિકાસના પરિપ્રેક્ષ્યમાં એક મહત્તમ પાસું છે, એટલે કે ખરીદશક્તિ, આર્થિક વિકાસની નીપજ છે.

આર્થિક તેમ જ સામાજિક વિકાસનો મૂળ પ્રાણ ને દેહ અર્ધસરકારી સંસ્થાઓ, રાજ્યસરકારો અને કેન્દ્ર સરકારનાં વિકાસનાં કાર્યો છે. આવાં કાર્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજનની મહત્વી ભૂમિકા છે. ભૌતિક અને ઔદ્યોગિક વિકાસ જ્યારે પ્રાકૃતિક જીવનના ભોગે સ્વીકારતા હોઈએ, ત્યારે તેનો લાભ સમાન પ્રકારે થવો જરૂરી છે. આપણે ઔદ્યોગિક અને શહેરીકરણની ઝાકમઝોળના પ્રકાશ પાછળના અંધકારમાં ગ્રામીણ જીવનના પરિતાપને જોઈ શકતા નથી, કે જે માનવ અને વિસ્તારની દૃષ્ટિએ ૭૦% નો હિસ્સો છે. જ્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. આપણો રાષ્ટ્રવ્યાપી એવો સૂર સંભળાય છે કે “મેરા દેશ મહાન”, આવી મહાનતાનો અર્થ દેશનો અનિયંત્રિત વસતી વધારો, અણધડ ક્રોંક્રિટ-સિમેન્ટનાં જંગલો ઊભાં કરવાનો થતો હોય તો સમજી શકાય તેમ છે, સંપન્ન વ્યક્તિઓની વાહવાહ, અને માનવીય જીવનથી હીનતા અનુભવતાઓની આહનો ધ્વનિ કર્ણપ્રિય લાગતો હોય તો બરાબર છે. ગ્રામ જીવનના અન્નદાતાઓ, કે જેને ખેતીકામ કર્યું હોય તે તેમની મહેનતનું મહત્ત્વ સમજતા હોય છે, તેવા ખેડૂતો આપઘાત કરતાં તેમનાં આપ્તજનોના કલ્પાંત અને મરસિયાના સૂર આનંદદાયક લાગતા હોય તો આવી મહાનતાના અર્થને સમજી શકાય. પરંતુ જો તેનાથી કોઈ વિરુદ્ધનો અર્થ થતો હોય તો સમજાવવો રહ્યો. લોકશાહી વ્યવસ્થા મુજબ પ્રજાસમૂહની બહુમત પ્રજા “હાય” એન લઘુતમ “આહ” પોકારતી હોય ત્યારે મહાનતાનો જે અર્થ કરવો હોય તે કરી શકાય. પરંતુ વાસ્તવિકતા તેનાથી વિરુદ્ધની હોય ત્યારે મહાન કે મહાનતા જેવા શબ્દોના ભાવને અભડાવવો જોઈએ નહીં.

ખેદ તો એ બરાબરનો છે કે જેઓ સમાજની પૃષ્ઠભૂમિ ઉપર તાંડવ-નૃત્યો કરીને મહાનતાનું લેબલ ધારણ કરે છે અને મહાનતાને માણે છે તેમણે ક્યારેય એ જ પ્રજાને કોડીનું પણ દાન કર્યું છે ? જેઓએ પોતાના ધર્મ અને સંપ્રદાય મુજબ જે ભગવાનની બાધા રાખી હોય અને દાન કર્યું હોય તે વ્યાપાર છે. જો આ વ્યાપારમાં માનવી જ ન હોય તો આવું દાન કેવી રીતે ફળીભૂત થાય તે વિચારવું રહ્યું. પ્રસ્તુત નિરૂપણ ગહન પરંતુ તરલ સ્વરૂપનું છે, એટલે દરેકને સમજાય તેમ છે, તેમ છતાં પ્રમાણ સાથે રજૂ કરીએ તો “માનવતા” સહજ સૌજન્યના ભંગ સમાન છે. જ્યાં સુધી માનવતા વંધ્ય છે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સત્યને પ્રદર્શિત કરવું તે અર્થહીન છે.

વર્તમાન સમયમાં આપણી માનસિકતા જુદા જુદા પ્રકારે પ્રદર્શિત થાય છે. જેમાં કેટલીક માનસિકતા બાય હૂક એન્ડ કૂક, ગમે તેમ કરીને લાખોમાંથી કરોડો અને કરોડોમાંથી અબજો, અબજમાંથી ખર્વોપતિ, સફાઈ કામદારમાંથી સેક્રેટરી, કામદારમાંથી ઉદ્યોગપતિ બનવાની, સામાન્ય વેરામુક્તિમાંથી સંપૂર્ણ વેરામુક્તિ, સબસીડીમાંથી સંપૂર્ણ સબસીડી, સામાન્ય રાહતોમાંથી સંપૂર્ણ રાહત, પ્રજાના ભોગે અને જોખમે મહત્તમ અથવા તો સંપૂર્ણ સવલતો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેમાં રાચતા હોઈએ છીએ. માનવીએ કે વિકાસ જીવનને પરિવર્તનશીલ બનાવે છે. તેથી તેની પ્રક્રિયામં ઉચ્ચતમ લક્ષ રાખીએ તેમાં કાંઈ ખોટું નથી. આવું લક્ષ સંનિષ્ઠ પ્રયત્ન દ્વારા સિદ્ધ કરવામાં આવે તો તે માનવીય જીવન છે, પરંતુ અનિષ્ઠ પ્રયત્ન દ્વારા કરવામાં આવે તો સામાજિક વ્યવસ્થાને નષ્ટ કરનારું હોય છે. એક ટપોરી જ્યારે નશીલા પદાર્થના ધંધામાં પડે છે ત્યારે ડોન બની જાય, એક કૉન્સ્ટેબલ અધિકારીઓના વહીવટદાર બનીને એમ.એલ.એ. કે એમ.પી. બનીને મિનિસ્ટર બની જાય, એક લે-ભાગુ વ્યક્તિ જ્યારે બિઝનેસમેન કે ઉદ્યોગપતિનું મ્હોરું ધારણ કરે છે, ત્યારે નાગરિકોની જીવનરક્ષક મૂડી સ્વાહા કરી જાય છે. આવી અનેક હકીકતો કાલ્પનિક નહીં પરંતુ સમાજ દ્વારા અનુભવાયેલ વાસ્તવિક વ્યથા છે. ૧૦૦ કરોડની પ્રજામાં આવું તો હોય તેવી માનસિકતા ધરાવતા હોઈએ તો તે આપણી મહાનતા છે, તે સિવાય બીજી કોઈ સાન્ત્વના લઈ શકાય નહીં.

અનીતિ સિવાય આગળ ન અવાય, તેવી માનસિકતા સ્થાનિક હોય કે વૈશ્વિક હોય, પરંતુ તેના થકી થતો વિકાસ ક્ષણિક એટલે કે મર્યાદિત હોય છે. તેનો અંત અવશ્ય હોય છે. આવા અંત પહેલાંની સામાજિક વેદનાઓને સમજવી રહી. આવી વ્યથામાં વ્યક્તિસમૂહની મહત્તમ શક્તિનો ઉપયોગ કર્યા બાદ છોતરાની જેમ ફેંકી દેવાની વૃત્તિનો પણ સમાવેશ થાય છે. વર્તમાન સમયની જે પણ પ્રણાલિકાઓ હોય પરંતુ જો ખરેખર માનવીય વિકાસ કરવો હોય, તો માનવમૂલ્યોને અધીન પ્રણાલિકાઓ વિકસાવી કે પ્રસ્થાપિત કરીને વિકાસ કરવો રહ્યો.

સમગ્ર રજૂઆતમાં માનવીય આચારને ધ્યાને લઈને નિંદાત્મક કે આક્રોશમય નિવેદનોથી દૂર રહેવા પ્રયત્નો કર્યા છે. પરંતુ ભાવિના ગર્ભમાં કે ઉકળતા ચરુમાં બદબૂ આવે ત્યારે તેને નજરઅંદાજ કરી શકાય નહીં. તેની વિસ્તૃત ચર્ચા કરવાના બદલે એટલું સમજવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ કે વર્તમાન વિકાસથી સમાજ ધનિક અને ગરીબ એમ બે વર્ગમાં વહેંચાતો જાય છે અને આ બંન્ને વર્ગ વચ્ચેની ખાઈ દિનપ્રતિદિન મોટી થતી જાય છે જેમાં કોઈ લે-ભાગુ અને વિઘટનકારી તત્ત્વો આવા ગરીબ સમૂહને હાથો બનાવશે તો વિકાસ ક્યાંય અદ્ધર થઈ જશે અને વિનાશનું તાંડવ સર્જાશે. કદાચ આપણી સૂક્ષ્મ જ્ઞાનન્દ્રિયને સતેજ કરીશું તો તેનાં પ્રમાણ અવશ્ય મહેસૂસ કરી શકાશે. વિનાશનું નિમિત્ત કાં તો અકરાંતિયો અથવા તો ભૂખથી કણસતી વ્યક્તિ બનશે, તેમાં કોઈ બે મત નથી. આથી અકરાંતિયા અને ભૂખ્યા જનના સમન્વયમાંથી માનવવિકાસનું આદર્શ આયોજન કરવું રહ્યું.

મહત્તમ અંશે આવું આયોજન જે તે સરકાર દ્વારા થતું હોય છે, પછી ભલે તેની શાસન પ્રણાલિ લોકશાહી કે સામ્યવાદી ઢબની હોય, સામાન્યતઃ લોકોને શાસનની પ્રણાલિકાની નહિ, પરંતુ માનવીને માનવીય જીવનની પરિપૂર્ણતાની હોય છે. આપણી કર્ણેન્દ્રીય જો સક્ષમ હોય તો જેઓએ આઝાદી પહેલાં સભાનતા કેળવી હતી તેમની આંતર-વ્યથાનો સૂર સાંભળવો રહ્યો, કે જેઓ ગુલામી સ્થિતિને સારી કહે છે. આ જ દેશમાં આઝાદી પહેલાં વિદેશી માલની હોળી કરવામાં આવતી હતી. આજે આપણા માલની વિદેશમાં (આયાત-નિકાસને સરભર કરવામાં) હોળી કરવામાં આવે છે, જે વૈશ્વિકીકરણના માહોલમાં ગૌણ બની જાય છે. આવી સ્થિતિમાં સરકારનું ઉત્તરદાયિત્વ વધી જાય છે.

આઝાદીથી વર્તમાન સમય દરમિયાન દરેક સરકારે તેમનું ઉત્તરદાયીત્વ નિભાવ્યું છે, અને નિભાવશે. પરંતુ લોકમાનસમાં જે પ્રતિબિંબિત થવું જોઈએ તે પ્રતિબિંબ પડતું જોઈ શકાતું નથી. આઝાદીથી વર્તમાન સમય સુધી રાજકીય કે રાષ્ટ્રીય કક્ષાએ વાર્ષિક, પંચવર્ષીય કે દસવર્ષીય અંદાજપત્ર કે આયોજનમાં વિકાસનાં કામો માટે જે અંદાજ બનાવવામાં આવ્યો હોય અને તે મુજબ કામો કરવામાંઆવ્યાં હોય તો રાષ્ટ્રની આજે જે સ્થિતિ છે તે ન હોય. છેલ્લાં ૬૦ વર્ષના અંદાજપત્રની પંચવર્ષીય, દશવર્ષીય યોજનાઓમાં વિકાસનાં કામોમાં જે નાણાં ખર્ચાવ્યાં છે, તેટલાં નાણાંમાં ગંગા નદીનાં નીર કાશ્મીરથી કન્યાકુમારી અને બ્રહ્મપુત્રાનાં નીર કલકત્તાથી કચ્છ સુધી લહેરાતાં હોય, તેમજ તેને સમાન્તર રોડ, રેલવે અને હવાઈ પરિવહનની વ્યવસ્થા હોય, રાષ્ટ્રના અંતરિયાળ છેવાડાના અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાત અને સગવડો સહજ બનાવી શકાય હોય, કદાચ આપણને આવો વિકાસ અસંભવ કે અશક્ય લાગતો હોય તો વૈશ્વિક કક્ષાએ દૃષ્ટિ કરવી રહી. માનવજીવન જ્યારે સમતૃપ્તિ અનુભવતું હોય ત્યારે હંમેશાંની શાન્તિ ઇચ્છું હોય છે, આવી ઇચ્છામાં અનેક અશાન્તિ જનક પરિબળોનો નાશ થતો હોય છે, એટલે વિકાસના દરેક માર્ગ મોકળા અને ખુલ્લા બની જતા હોય છે, આપણે આવો માર્ગ કેમ ન બનાવી શક્યા ? તેવા પ્રશ્નમાં પડવા કરતા આવો માર્ગ કેવી રીતે બનાવવો તે અંગે વિચારવું રહ્યું.

ઈતિહાસની દૃષ્ટિ જ્યાંથી શાસનની શરૂઅત થઈ હોય ત્યારથી આજદિન સુધી રાજાશાહી, સામંતશાહી, ગુલામી અને આઝાદી ઉપરથી પસાર થાય છે. અપવાદરૂપ રાજાઓ સિવાયના રાજાઓ કૂવાના દેડકા જેવા હતા એટલે તેમી પાસેથી વિકાસની અપેક્ષાઓ રાખવી, તેમાં મૂર્ખતા પ્રદર્શિત કરવા જેવી બાબત છે, આક્રમણકારોની ભૂમિકા લૂંટારુ જેવી હોય છે. એટલે જે લૂંટ કરવા આવ્યો હોય તેને વિકાસ સાથે ન્હાવા-નિચોવવાનો પણ સંબંધ ન હોય, તે માની શકાય તેમ છે. પરંતુ જ્યારે રાજાશાહી અને લૂંટારાઓના ત્રાસમાંથી મુક્ત કરાવીને કલ્યાણમય રાષ્ટ્રની વિભાવનાથી આઝાદી સાથે લોકશાહી શાસન વારસામાં મળ્યું હોય ત્યારે અદના માનવીને માનવીય જીવનની અપેક્ષા હોય તે સમજી શકાય તેમ છે. રાષ્ટ્રની પ્રજા કમરતોડ મહેનત કરીને અનેક પ્રારના વેરા-ભરતી હોય અને તેનો લાભ કે વિકાસ જરૂરતમંદ વ્યક્તિ કે વ્યક્તિસમૂહ સુધી પહોંચે તે કરદાતાઓનું અનાયાસે થતું પુણ્ય કર્મ છે, પરંતુ જ્યારે આજ પસીનાની આવકમાંથી હરામખોર રાજા અને લૂંટારા ઉદ્‌ભવે તો કરદાતાઓ તેવું પાપ સ્વીકારવા ત્યારે નથી હોતા, પરિણામે જે રાષ્ટ્રીય ભાવના વિકસવી જોઈએ તે વિકસી શકતી નથી. શું હાથ ધોવાના, પગ ધોવાના કે હાજતે ગયા પછી વારવાના પાણી ઉર વેરા નાખવાથી રાષ્ટ્રનો વિકાસ થશે ? જો એમ જ હોત તો આઝાદી પછીનો સફાઈ કામદાર બૂઠાં ઝાડુ કે લાકડી ઝાડુથી સફાઈ ન કરતો હોત પરંતુ યાંત્રિક વાહનમાં બેઠાં બેઠાં સફાઈ કરતો હોત.

પછાતમાં પછાત ગ્રામ જીવનથી આધુનિકમાં આધુનિક શહેરી જીવન સુધીના લોકમાનસમાં એક જ તથ્ય તરી આવે છે કે પ્રજાનાં કે પ્રજા માટે, કરાવવાનાં કે કરવાનાં થતાં જાહેર વિકાસનાં કામો કે કાર્યોનું જે આર્થિક મૂલ્ય હોય છે તે તેની મૂળ કિંમત કરતાં અનેકગણું વધારે અથવા તો જે કામ હોય તેમાં ટકાવારીનું પ્રમાણ નિશ્ચિત હોય છે.

જેમ કે એક કામનો મૂળ ખર્ચ ૧,૦૦,૦૦૦/- રૂ. હોય પરંતુ ગુણવતત્તા, ટેકિનકલ વર્ગીકૃત જાણકારી જેવી અગડમ્‌-બગડમ્‌ વિશેષતાઓ વર્ણવીને ર લાખનું બનાવી દેવામાં આવે એટલે લાખનું કામ બે લાખમાં કરોડનું કામ બે કરોડમાં અને એક અબજનું કામ બે અબજમાં પડે.

- કામનો પ્રકાર અને તેનાં ભયસ્થાનો જગજાહેર હોય, પરંતુ સરકાર અને તેના ટેન્ડરરને ખબર ન હોય તેમ કામ વિલંબમાં પડે એટલે તેનો ભાવવધારો ચુકવાય.

- કામ રૂપિયાનું હોય કે ખર્વોનું હોય દરેક સ્ટેજે ટકાવારી નિશ્ચિત હોય.

- કાગળ ઉપર કામ પૂરું થઈને બિલ ચુકવાઈ ગયાં હોય પરંતુ ફિઝિકલ સ્થળ ઉપર ધૂળ ઊડતી હોય.

- એક હજાર રૂપિયાનો માલ હોય પરંતુ તેની ખરીદી પાંચ હજારની પણ હોય અને દસ અજારની પણ હોય.

- માલ આવ્યો હોય કે ન આવ્યો હોય ત્યારે આવેલ માલની ગુણવત્તા, જથ્થો તેના ટ્રેડમાર્કનું ભોજિયોભાઈ ચકાસણી કરે ? અને ન આવ્યો હોય તો પણ ગોડાઉનમાં જમા બતાવીને બિલ ચુકવાઈ જાય.

- સ્ટોક છે કે નહીં તેની ચકાસણી કર્યા વગર વધારેમાં વધારે કમિશન મળે તે માટે બિનજરૂરી માલનો ઓર્ડર આપે અને ખરીદાય.

- એક જ કામનાં કે ખરીદીનાં બેવાર બિલ ચુકવાય એટલે કે પાર્ટ બિલ તરીકે નહીં, પરંતુ પૂર્ણ થયેલ કામના ડુપ્લિકેટ બિલની મંજૂરી ઉપર નાણાં ચુકવાઈ જાય ત્યાં સુધી કોઈને ખબર ન પડે.

- સંનિષ્ઠ માનવતાવાદી અને સમાજના શુભચિંતક પ્રશાસકો દ્વારા સામાજિક કલ્યાણ માટે અનેક યોજનાઓ અને ફંડોની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ તેનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચતાં પહોચતાં રૂપિયાના દસ પૈસા થઈ જાય ત્યારે આત્મખોજ કરવી રહી.

લોકમાનસ આટલું અનુમાન કરી શકતું હોય અને આવાં અનુમાનોની વાસ્તવિકતાને સરકારી અન્વેષણો અને પત્રકારત્વ અનુમોદન આપતાં હોય ત્યારે સત્યની મહોર મારવાની જ બાકી રહી છે. ક્યારેક માનવીય આચારસંહિતા અને સરકારી આચારસંહિતામાં સત્યની પરિભાષા બદલાઈ જતી હોય તેમ લાગે છે, એકમાં વ્યક્તિના અંતઃકરણ અને બીજામાં પુરાવાની સ્વીકૃતિથી સત્ય પુરવાર થાય છે. અંતઃકરણ સત્યનો સ્વીકાર કરવા મજબૂર કરે છે, જ્યારે પુરાવા સત્યના સ્વીકારમાંથી છીંડાં શોધવાનું કામ કરતું હોય છે. પરિણામે છીંડાં (બારાં) મળી રહેતાં સત્ય આક્ષેપમાં પરિણમીને સમાપ્ત થઈ જતું હોય છે.

વૈશ્વિક કક્ષાએ આપણે જ્યારે આધ્યાત્મિક અને માનવતાવાદીનો ઓળો ઓઢતા હોઈએ તેમ જ મહાસત્તાનાં સ્વપ્ન જોતાહોઈએ ત્યારે વાસ્તવિકતાનો સ્વીકાર કરીને અંતરાયરૂપ બદીઓને દૂર કરવી રહી, અન્યથા આપણી દરેક ઇચ્છાઓ ને મનોકામનાઓ બાળસહજ માનસિકતા જેવી પુરવાર થશે.

આપણે જ્યારે કોઈ પણ હકીકત પ્રસંગ, તથ્ય અને બનાવના સંદર્ભમાં પરોક્ષ માહિતી, અનુમાન, સંશોધન કે લોકમાનસના સ્ત્રોત દ્વારા સત્ય પ્રાપ્ત કરીએ છીએ ત્યારે તેમાં જો પૂૂર્વગ્રહ કે અનુગ્રહની માનસિકતા ભળે તો તે વાસ્તવિક સત્યને ધૂંધળું બનાવી દેશે. જ્યારે તેની વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે ત્યારે તેનું પ્રમાણભાન બદલાઈ જતું હોય છે. આવા પ્રમાણભાનનું પરિણામ શિષ્ટ હોય તો સમાજમાં સ્વીકારાઈને સમાપ્ત થઈ જાય છે, પરંતુ જો અનિષ્ટતા ધારત કરે તો અશાન્તિ, અજંપો અને વિનાશનું કારણ બને છે, તેમ જ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાંથી સંઘર્ષ કાયમી બની જાય છે. આવો સંઘર્ષ વ્યક્તિગત કે સામાકિ હોય તો પ્રશાસન દ્વારા તેને કાબૂમાં કરી શકાય છે, પરંતુ જ્યારે પ્રશાસનમાં જ આવો સંઘર્ષ હોય તો વિકાસની ગતિ શિથિલ થઈ જતી હોય છે.

આઝાદી પછી શાસક અને વિરોધપક્ષો સક્રીય રહ્યા છે. તેમની સક્રિયતા વિકાસના સંદર્ભમાં સંઘર્ષમય હોય તો તે આવકાર્ય છે, પરંતુ સત્તા અને રાજ્યાસન માટેનો સંઘર્ષ વિકાસને રુંધનારો સાબિત થતો હોય છે. જેમ કે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને વિકાસ માટે જ્યાં સુધી વિરોધપક્ષમાં હોય ત્યાં સુધી લોકોના તારણહાર હોય તે રીતે રજૂઆતો રતા હોય છે, પરંતુ જ્યારે વિરોધપક્ષ શાસક તરીકે પ્રશાસન સંભાળે છે, ત્યારે માર્જારનીતિ અપનાવતા હોય છે. (‘માર્જાર’ એટલે કે બિલાડી ખાતી હોય છે ત્યારે આખો બંધ કરીને ખાતી હોય છે.)

ખેર, વાસ્તવિકતા જે પણ હોય. તેની સત્યતા અંગે પરોક્ષ પરિબળોને આધાર રાખીને કદાચ સાચા અને સંનિષ્ઠ પ્રયત્નોને ઠેસ પહોંચે તેવી વર્તણૂક ન થાય તે માટે જેતે વાસ્તવિક ઘટનાક્રમમાંથી પસાર થવું રહ્યું. જેમ સ્વયંના મૃત્યુ સિવાય સ્વર્ગ ન પમાય તેમ સામાજિક અને સરકારી કાર્યમાં પ્રત્યક્ષરૂપે દાખલ ન થવાય ત્યાં સુધી વાસ્તવિક સત્ય ન પમાય. જ્યારે આવું સત્ય પ્રકાશિત થશે ત્યારે માનવીય જીવનની મુશ્કેલીઓનો અંત તેમ જ આધ્યાત્મિક અને ભૌતિક ક્ષેત્રે સમાન્તર વિકાસની શરૂઆત થશે, જેમાં સમાજજીવનની પ્રસન્નતા અનુભવી શકીશું.

સમાજના સંનિષ્ઠ અને પ્રબુદ્ધ વ્યક્તિસમૂહના સહકાર, સનિધ્ય અને પ્રયત્નોના ત્રિવેણીસંગમમાંથી કોઈપણ કાર્ય પાર થશે તો અવશ્ય તે અણીશુદ્ધ પાવિત્ર્ય ધારણ કરશે, તેમાં કોઈ શંકા નથી. આવાં પવિત્ર કાર્યો કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ વ્યક્તિસમૂહની શક્તિ દ્વારા જ નિભાવી શકાય. એટલે વ્યક્તિગત ગૌરવના બદલે સામૂહિક ગૌરવ અવશ્ય પ્રાપ્ત કરી શકાશે. વ્યક્તિગત ગૌરવ પ્રાપ્ત કરવાના બદલે સામૂહિક ગૌરવના જનક બનાય તેમાં માનવતા, માનવમૂલ્યોને સિદ્ધ કરવા સમાન નહીં પરંતુ સિદ્ધિ છે. આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રવૃત્ત થવું રહ્યું.

(એ) સમાજ અને સરકારનાં સિવિલ કામો

સમાજ અને સંસ્થાઓનાં ગૃહ કે વાણિજ્ય હેતુ અનુસાર બનાવવાનાં કે મરામત કરવાનાં થતાં મકાનો, બિલ્ડિંગ, રોડ, પુલ, સિંચાઈ જેવાં ઇન્ફાસ્ટ્રક્ચર કામો; જેમાં -

- પ્રાકૃતિક પર્યાવરણ અનુસારનું બાંધકામ.

- અકસ્માત અને કુદરતી આફતોમાં ટકી રહે તેવી ગુણવત્તા.

- આર્થિક તેમ જ માનવહાનિ ન થાય તેના પ્રમાણભાન સાથેનું માળખાગત બાંધકામ.

- ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તેવાં બાંધકામ.

- વાણિજ્ય કે નફાખોરીના હેતુ અનુસાર નહીં, પરંતુ સહકારી હેતુ પરિપૂર્ણ થાય તેને ધ્યાને લઈએ.

- આમ પ્રજાથી સંપન્ન સમાજ સુધીનાનું સ્વપ્ન સાકાર થાય તેવા આવાસનું નિર્માણ કરીએ.

- એવા વિશ્વાસનું સર્જન કરીએ કે વ્યક્તિનાં નાણાં, સામાજિક હિત તથા અપેક્ષાઓને સંરક્ષણ મળી રહે કે જેથી પોતાના વિકાસનાં કાર્યોમાં નિશ્ચિતપણે કામ કરી શકે.

- જેઓ પોતાનું સ્વપ્ન સાકાર કરવામાં પ્રવૃત્ત હોય તેઓ છેતરપિંડીનો ભોગ ન બને અને જેઓ બેરોગાર હોય તેમને પ્રશિક્ષણ બાદ રોજગારી મળે તેવા એક કાર્યમાં બે હેતુ સિદ્ધ કરીએ.

(બી) સરકારી - અર્ધસરકારી સંસ્થાઓનાં વિકાસનાં કાર્યો

સામાજિક અને ઔદ્યોગિક વિકાસ, સરકારની પ્રાથમિક સુવિધાા ઇન્ફાસ્ટ્રક્ચર ઉપર આધારિત હોય છે અથવા તો તેના પાયા ઉપર થાય છે. પ્રાકૃતિક તેમ જ માનવીય પૃષ્ઠભૂમિમાં જે ઊણપો હોય તેનું નિરાકરણ કરાય તો નાણાં, સમય અને માનવશક્તિનો દુર્વ્યય થતો બચાવી શકાય તેમજ વિકાસના સ્ત્રોતને ગતિ આપી શકાય. આપણે પૂર્વ પ્રસ્તુતિકરણમાં અનેક બાબતો સમજવા પ્રયત્ન કર્યો છે. તેના નિષ્કર્ષ સ્વરૂપે એટલું માની શકાય કે ગ્રામ કક્ષાએથી કેન્દ્ર કક્ષા સુધીનાં દરેક ઇન્ફાસ્ટ્રક્ચરનાં કાર્યોમાં ઓછામાં ઓછા ર૦%થી ૧૦૦% સુધીનો ભ્રષ્ટાચાર થતો હોય તેવું લોકમાનસમાં છે. તો ક્યારેક ચીભડા કરતાં બી મોટું હોય છે, તેવું માહિતીનાં માધ્યમો દ્વારા જોવા અને સાંભળવા મળે છે જેને ભલભલાં તપાસપંચો, અન્વેષકો અને ન્યાયાલયો પણ સાબિત નથી કરી શક્યાં; અને સાબિત થાય તો તેમનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી, કારણ કે આવા વાળ ઉપર જ લોકશાહીની પ્રણાલિકા અનુસારનું શાસન ટકી રહેલું હોય છે.

સામાન્યતઃ દરેક કામના ટેન્ડરરે ઓછામાં ઓછાં કામની રકમનાં ર૦% જેટલાં નાણાંની લ્હાણી કરવી પડતી હોય છે. આવી લ્હાણી કૉન્ટ્રાક્ટર પોતાનાં છોકરાં મહાજનવાડમાં મૂકવા માટે નહીં, પરંતુ મહાજનવાડામાં હોય તો તેમાંથી બહાર કાઢવા માટે કરતાં હોય છે. એટલે ર૦% લ્હાણી સાથે પોતાના ધંધાના વિકાસ માટે માલસામાન, સ્ટ્રક્ચર અને અધકચરા કારીગરોને અડધું મહેનતાણું આપીને મહત્તમ રૂપિયા કેમ ખેંચવા તેની ફિરાકમાં વ્યસ્ત હોય છે. સરકારી તંત્રમાં સત્યની પરિભાષા સમજવી કઠિન છે, તેમ છતાં સમજવા પ્રયત્ન કરીએ તો જુદા જુદા સ્વરૂપે સમજાય. જેમકે વાસ્તવિક સત્ય, કડવું સત્ય અને નગ્ન સત્ય, આધારવિહીન સત્ય.....

(અ) વાસ્તવિક સત્ય, કડવું કે નગ્ન સત્ય તથા આધાર વગરના સત્યને સહજ રીતે સમજવું હોય તો ગુજરાતની દારૂબંધીના સંદર્ભમાં અવશ્ય સમજાશે. ગુજરાતમાં દારૂબંધી છે તે વાસ્તવિક સત્ય છે, પરંતુ જ્યાં દારૂની છૂટ્ટી છે તેનાથી વિશેષ દારૂ ગુજરાતમાં પીવાય છે તે કડવું કે નગ્ન સત્ય છે. આપણે જ્યારે દારૂબંધી હોવા છતાં દારૂના અડ્ડા ચલાવવા માટે વર્ષેદહાડે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે, તેવું કહીએ ત્યારે તે આધાર વગરનું સત્ય બની જાય છે.

રાષ્ટ્રમાં બંધારણીય, દીવાની, ફોજદારી, સમન્યાયની સાથે અનેક સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ અને સામાજિક કાયદા છે, તે વાસ્તિક સત્ય છે. પરંતુ તેનો છડેચોક ભંગ થાય છે તે કડવું નગ્ન સત્ય છે. આવા કાયદાઓનો ભંગ ન થાય તે માટે અબજો રૂપિયા ખર્ચાતા હોવા છતાં ખર્વો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે, જે કાળા જ નાણામાં પરિવર્તિત થઈને અર્થવ્યવસ્થામાં કાળાં-ધોળાં નાણાં ૮૦ઃર૦ના રેશિયામાં પ્રવર્તમાન છે તે આધાર વગરનું સત્ય છે.

સત્યનું સત્ય એ પણ છે કે ક્યારેક અનુમાન કરતાં તેની વાસ્તવિકતા અતિશયોક્તિ ભરેલી અને અતિ ગંભીર હોય છે. કોઈ પણ વ્યક્તિનું જ્યારે ઝમીર (ખમીર) ખરીદાય કે વેચાય ત્યારે ખરીદનાર કે વેચનારનું કઠપૂતળી સિવાય કોઈ વિશેષ અસ્તિત્ત્વ રહેતું નથી. એટલે તેમની સમક્ષ નૈતિકતા, પ્રામાણિકતા, શિષ્ટાચાર અને જાહેર હિતની ચર્ચા કરવી અર્થહીન બની જાય છે. સામાન્યતઃ સરકારી આવકનું માધ્યમ તેનું કરભારણ છે. આવું કરભારણ અનિયંત્રિત સ્વરૂપનું હોવાથી તેનાથી બચવા અનેક પેંતરા રચવામાં આવતા હોય છે. પરિણામે પચાસટકા જેટલી કરચોરી થતી હોય છે. એટલે એક રૂપિયાની કુલ આવકના બદલે પચાસ પૈસાની આવક થાય, પચાસ પૈસાની આવકમાંથી પ૦% એટલે કે રપ પૈસા વિકાસનાં કાર્યોમાં ફાળવાય, રપ પૈસાનાં વિકાસ કાર્યોમાં પ૦% કામો થાય એટલે વાસ્તવિક કામ દસ પૈસાથી સાડા બાર પૈસાનું થાય. આમ, દસ પૈસાના કામમાં મહાસત્તા બનવાનાં સ્વપ્ન જોતા હોઈએ ત્યારે આપણી જાત ઉપર હસવું કે રડવું તેની ખબર પડતી નથી. અને એટલે જ ક્યારેક આશ્વાસન સ્વરૂપે ગામનાં છોકરાં ગોબરાં અને મારો ધનકો રૂપાળો જેવી કહેવતો પ્રચલિત થઈ હશે. આવી કહેવતના સંદર્ભમાં જ “મેરા દેશ મહાન” સમજવામાં નાનમ ન અનુભવાય તેમ માની શકાય.

ખેર, લોકમાસનાં અનુમાનો અને વાસ્તવિક હકીકતમાં સત્ય શું છે તે જાણવું હોય તો ગ્રામીણ કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષા સુધીનાં દરેક જાહેર હિતનાં કામો અને વિકાસનાં કાર્યોમાં સહભાગી થવું રહ્યું, જેમાં -

- સરકારી કે અર્ધસરકારી સિવિલ ઇન્ફાસ્ટ્રક્ચરનાં કામો.

- એન્જિનીયરિંગ, મિકેનિકલ, લાઇટ એન્ડ પાવર પ્લાન્ટનાં ઇન્ફાસ્ટ્રક્ચરનાં કામો.

- સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં કામો.

- સિંચાઈ, જળાશયો અને ચેકડેમોનાં કામો.

- પર્યાવરણ અને વનરાઈનાં કામો.

- રોડ, રસ્તા પુલો અને પ્રાથમિક સુવિધાનાં કામો.

કદાચ રજૂ થયેલ પ્રસ્તુતિ તથા યાદી જોઈને ભાંગ પીને લખવા બેઠો હોઉં તેવું અનુભવાશે, પરંતુ તેવું નથી. સંપૂર્ણ સભાનતા સાથે; મન, બુદ્ધિ અને હૃદયના સમન્વયમાંથી જે દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, તેના અનુસાર નિવેદન નોંધું છું. આવું નિવેદન બાળકોની ઘર-ઘરની રમત કે આધુનિક રમકડાંના સંદર્ભમાં નહીં, પરંતુ માનવજીવનના વિકાસ અને હિતના સંદર્ભે લખાતું હોય તેવું અંતઃકરણમાં પ્રસન્નતાની અનુભૂતિથી પ્રમાણિત થાય છે.

આવા પ્રોજેક્ટો લાખો-કરોડોની નહીં, પરંતુ અબજો રૂપિયાની જરૂરિયાતવાળા છે, જેમાં ફક્ત આર્થિક સ્ત્રોત નહીં, પરંતુ આધુનિકતામાં આધુનિક ટેક્‌નિકલ જાણકારી અને સાધનોનું સુવ્યવસ્થિત આયોજન પણ અનિવાર્ય પરિબળ છે. આવાં પરિબળો ભૌતિક સ્વરૂપનાં હોઈ તેનું વળતર આપવાથી તેની વ્યવસ્થા થઈ શકે પરંતુ નૈતિકતા, પ્રામાણિકતા, વિશ્વાસ અને જાહેર સુખાકારીની જવાબદારી ક્યારેક વળતરના સ્વરૂપે કે ખરીદી કે વેચાણથી પ્રાપ્ત કરી શકાતી નથી. આવી અમૂલ્ય શક્તિ કેળવી અને વિકસાવી શકાય તો બાકીની દરેક શક્તિ ગૌણ બની જાય છે. ખરેખર તો વર્તમાન સમયનો માનવ તેનાથી વિપરીત ચાલે ચાલે છે. પરંતુ એક વખત સીધી ચાલે ચાલે તો તેનાં શું પરિણામ આવે છે, તે અનુભવવાં રહ્યાં. આપણે માનીએ કે ન માનીએ પરંતુ માનવસમાજે જે સ્વર્ગની કલ્પના કરી છે, તે વાસ્તવિક સ્વરૂપે માણવા મળે.

વર્તમાન સમયમાં દરેક વર્ષમાં વ્યક્તિગત ઇચ્છાશક્તિથી કરોડપતિમાંથી અબજપતિ અને અબજપતિમાંથી ખર્વોપતિની સંખ્યામાં વધારો થતો હોય છે. તેવી જ રીતે સામૂહિક ઇચ્છાશક્તિ પ્રબળ કરીએ તો તેનાં પરિણામ ક્યારેય ન કલ્પ્યા હોય તેવાં, પ્રત્યક્ષ સ્વરૂપે અનુભવવા મળશે. આ પરિણામ ફક્ત ભૌતિક શક્તિ આધારિત નહીં, પરંતુ માનવમૂલ્યો સાથેનાં હોઈ તેનું વાસ્તવિક મૂલ્ય આંકી શકાય નહીં. જરૂર છે માત્ર ઇચ્છાશક્તિની.

સન્નિષ્ઠા, સર્જનહારના સર્જનનો પ્રાણ છે. આ પૃથ્વી અને તેના ઉપરનું સર્જન ક્યારેય પ્રાણહીન નથી બન્યું. એટલે તેની હયાતી પ્રવર્તમાન છે જ, પરંતુ તે અર્ધજાગૃત હાલતમાં હોય તેવું અનુભવાય છે. આપણે આપણી ઇચ્છાશક્તિથી તેને જાગૃત કરવી રહી. તેની જાગૃતિમાં જ આપણું કલ્યાણ છે. આ એક આવાહન છે. તેને સ્વીકારવામાં માનવતાસહજ કર્મ છે, જ્યારે નજરઅંદાજ કરવામાં શાહમૃગનીતિ છે. આપણે સ્વીકારવું કે નજરઅંદાજ કરવું તે સ્વયંની મુનસૂફી ઉપર આધાર રાખે છે. આવી મુનસૂફી માનવી અને પશુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે.

(ર) સરકારી, અર્ધસરકારી કે સેવાકીય કાર્ય કરતી સંસ્થાઓની ખરીદીમાં સહાયક કામગીરી : જાહેર સેવાસંસ્થાઓમાં કરવાનાં તથા નિભાવવાનાં જરૂરી કામો માટે, વ્યવસ્થા માટે, વ્યવસ્થાપન માટે, અનેક પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાની જરૂરિયાત પડતી હોય છે. આથી વસ્તુઓમાં ટાંકણીથી માંડીને ટેન્કો સુધીની ખરીદી કરવામાં આવતી હોય છે. આવી ખરીદીમાં કાનૂની રીતે દરેક ફોર્માલિટી પૂરી કરવામાં આવતી હોય છે, તેમ છતાં ટેન્ક - તોપોથી ટાંકણી સુધીન ખરીદીમાં કેટલી ગેરરીતિ આચરાતી હોય છે, તે જગજાહેર હકીકત છે પરંતુ આવી ગેરરીતિને ધુરંધર એજન્સીઓ પણ સાબિત નથી કરી શકી તે આવડત છે અને જ્યાં સુધી ભ્રષ્ટ માનસિકતા બદલાશે નહીં ત્યાં સુધી પકડાઈ કે સાબિત પણ નહીં થઈ શકે, કારણ કે મૂળિયાં (પુરાવા) વિહીન કૃત્યો આધાર વગરનું સત્ય હોય છે.

સામાન્યતઃ દરેક નાગરિક કે વ્યક્તિને તેને જીવનમાં એકાદવાર તો કોઈ પણ પ્રકારનો સરકારી કે અર્ધસરકારી પત્ર મળ્યો હોય છે. તેના રંગ-ઢંગ કે કાગળની ગુણવત્તા જોશો તો અવશ્ય તેમાં ભ્રષ્ટતાની બૂ આવ્યા વગર નહીં રહે. વર્તમાન સમય કમ્પ્યૂટર યુગનો હોવાથી માનવી ભલે ગુણવત્તામાં સમાધાન કરતાં હોય પરંતુ મશીન ગુણવત્તા સાથે સમાધાન કરવા તૈયાર નથી હોતું. તેમ છતાં માનવી તેની બુદ્ધિ કામે લગાડીને રસ્તા શોધી નાખે છે અને કાગળની જે નિશ્ચિત ગુણવત્તા નક્કી થઈ હોય તેના કરતાં ઊતરતી કક્ષાના કાગળ પધરાવી દે છે.

ગ્રામીણ જીવનની એક વાર્તા યાદ આવે છે. અત્યારે તો કીલો ઉપર ઘાસ વેચાય છે, પરંતુ પહેલાં ઘાસ પૂળિયાંના ભાવે વેચાતું, અને તેનો ભાવ ૧૦૦ નંગ પૂળિયા મુજબ થતો હતો જેમાં ડાંગર, બાજરી, જુવાર-બાંટાના ઘાસનો સમાવેશ થતો હોય છે. સામાન્યતઃ બાંટાના ઘાસ કરતાં દરેક ઘાસ સસ્તું હોય છે અને બાંટાનું ઘાસ માનીતાં જાનવરોને ખવડાવાતું હોય છે જેનો ભાવ પણ ઊંચો હોય છે. ઘાસનો વેપારી જ્યારે આવું ઘાસ ખરીદવા આવે ત્યારે ૧૦૦ના ગુણકમાં થાપ આપીને ર૦૦૦ નંગના ર૦ના ગુણકના બદલે ૧પનો ગુણક કરી નાખે. એટલે ૧૦૦ પૂળાના રૂ. પ૦નો ભાવ નક્કી થાય તો ૧ ગુણનો રૂ. પ૦ ભાવ, એટલે ર૦ ગુણકના રૂ. ૧૦૦૦ના બદલે ૧પ ગુણકના ૭પ૦ રૂપિયા આપીને રપ૦ રૂપિયાની છેતરપિંડી કરી લેતો. વેચનાર ખેડૂતોને ગાડા ઉપર પૂળાનો બંધ જોઈને ખ્યાલ તો અવશ્ય આવે કે પૂળા વધારે છે. પરંતુ જાતે ગણીને આપ્યા હોય એટલે વાંધો લઈ શકતા નહીં. વર્ષોથી આ રીતે છેતરાતા.

એક હોશિયાર ખેડૂતને રસ્તો સૂઝ્‌યો કે ૧૦૦ પૂળાએ એક પથ્થર મૂકવો. વેચવાના દિવસે થેલીમાં પથ્થર ભરીને ખરવાળમાં આવ્યો. જેમ સો પૂરા થાય તેમ પથ્થર મૂકતો જાય. ખરીદનાર પણ એટલો ઉસ્તાદ હતો, દસેક જેવા પથ્થર થાય એટલે તેમાંથી બે-ત્રણ પથ્થર અદ્ધર કરી નાખે. છેવટે ખેડૂતને ખાટલા વચ્ચે કરી નાખે. વેચેલા પૂળાનો જથ્થો જોઈને ખેડૂતનું મન માન્યું નહીં. એટલે ઝઘડો કરીને પૂળા ફરીથી ગણવા કહ્યું. ખરીદનારે ઉત્સાદી વાપરીને લમસમમાં ખેડૂતને મનાવી લીધો.

બીજા વર્ષે ખેડૂતે વધારે અક્કલ વાપરીને લંઘાના નાડે ગાંઠ વાળવાનું નક્કી કર્યું. એક સો થાય એટલે એક ગાંઠ, બસો થાય એટલે બીજી. આમ કરતાં કરતાં તેર-ચૌદ ગાંઠ વાળ્યા પછી ખરીદનાર અકળાઈ ગયો, મનોમન રસ્તો ગોઠવી દીધો. ચોવીસમીથી પચ્ચીસમી ગાંઠે ઝઘડો શરૂ કર્યો કે તું શેની ગાંઠ વાળે છે ? ખેડૂતે કારણ જણાવ્યું એટલે પેલો કહે કે ગાંઠ તું એકલો વાળે છે તે મને મંજૂર નથી. મંજૂર અને નામંજૂરનો એવો ઝઘડો કર્યો કે બંને બાથમબાથ આવી ગયા. લાગ જોઈને ખેડૂતનું નાડું જ ખેંચી નાખ્યું. ખેડૂત પોતાનો લેંઘો નીચે ન ઊતરી જાય તે માટે લેંઘો પકડવામાં રહ્યો અને ખરીદનારે નાડાને એવું અદ્ધર કરી નાંખ્યું કે તે મળે જ નહીં. ઝઘડામાં ને ઝઘડામાં ચોવીસ પૂરા અને પચ્ચીસમી ગણતરી ચાલુ હતી તે વાત ભૂલી ગયા કે ભૂલાવી દીધી. ખરીદનાર પાછો ઠાવકાઈથી ખેડૂતને કહે છે કે જોજે, ભૂલી ન જતો હો, ૧પમી ગણતરી ચાલુ છે. ખેડૂતો લમણે હાત દઈને ‘હા ભાઈ હા’ કહેવું પડ્યું.

વર્તમાન સમયના ઉસ્તાદો અને ભ્રષ્ટાચારીઓ કે પોતાના બાપના કેટલા ટકાની માનસિકતાવાળા કે મલાઈ ચાટવાવાળા હોય ત્યારે વાસ્તવિકતા ગંભીર બને છે. વૈશ્વિક કક્ષાએ જેઓ ઔદ્યોગિક ક્ષેત્રે પૂર્ણ વિકસિત થયેલ હોઈ તેમનો વિકાસ સ્થગિત ન થઈ જાય તે માટે પ્રયત્નશીલ હોય છે. જેમાં લે-ભાગુ માનસિકતા ધરાવતા ખરીદનારને શોધતા હોય છે. પ્રજા અને રાષ્ટ્રના હિતે અને જોખમે આપણે આવા ખરીદનાર ન હોઈએ તે જોવું રહ્યું.

વૈશ્વિક રાજકીય પ્રવાહ અને પ્રકૃતિની પ્રતિકૂળતાના વરતારા માટે અનેક એજન્સી કામ કરતી હોય છે. આવા વરતારાના અનુસંધાનમાં ભવિષ્યનું આયોજન કરવાનું થતું હોય છે તેમ છતાં કુદરતી હોનારતો અને યુદ્ધોમાં ઇમરજન્સી ઉભી કરીને આડેધડ ખરીદી કરવામાં આવતી હોય છે. આવી ખરીદી કરીને પણ પ્રજા અને રાષ્ટ્રને હેમખેમ પાર ઉતારે તો કંઈક અંશે ક્ષમ્ય છે, પરંતુ જ્યારે માનવીય તેમજ આર્થિક હાનિ સહન જ કરવાની હોય તો તે અક્ષમ્ય દોષ બની જાય છે. રાષ્ટ્રની ૭૦%થી વધારે પ્રજા જ્યારે સવારે ઊઠે ત્યારે સાંજનો અને સાંજના સૂએ ત્યારે સવારનો પેટનો ખાડો કેવી રીતે પૂરવો તેની ચિંતા કરતા હોય ત્યારે સન્નિષ્ટ અને પ્રબુદ્ધ સમાજ કુંભકર્ણની નિંદ્રામાં પોઢતો હોય તે વર્તમાન સમયમાં પોસાય તેમ નથી. કુંભકર્ણ ઊઠે ત્યારે મન-ભાવન ભોજન સામે હોય છે, પરંતુ આપણે જ્યારે ઊઠીશું ત્યારે સામે મોત સિવાય કંઈ નહીં હોય. જો તેનું પ્રમાણ જોઈતું હોય તો જેઓ યુદ્ધમાં શહીદ થયા હોય તેમનાં કુટુંબ, પૂર, કુદરતી હોનારતોનાં તાંડવ જેણે જોયાં હોય, તેમની વ્યથાનો સ્પંદનાત્મક રીતે અનુભવ કરવો રહ્યો.

કદાચ આપણને એમ લાગે છે કે યુદ્ધ, કુદરતી હોનારતો અને ખરીદીને શું લાગેવળગે તો સ્પષ્ટતા કરવી રહી કે તેમં શસ્ત્રો, લાઇફબોટ અને બાંધકામના મટીરિયલની ખરીદીનાં પરિબળો મૂળભૂત રીતે જવાબદાર હોય છે. મહત્તમ અંશે કોઈ પણ વપરાશકાર જરૂરી સાધનસામગ્રીઓનો ઉત્પાદક નથી હોતો. એટલે નિશ્ચિતપણે તેને બહારથી ખરીદી કરવી પડતી હોય છે. આવી ખરીદીમાં ઉત્પાદક કે તેની એજન્સીઓ, ઉપભોક્તા અને તેમના પરચેઝ ઓફિસરો નૈતિકતા ધારણ કરે તો લગભગ ૧૦%થી ૧૦૦% અને ક્યારેક ૧૦૦%થી વધારે નાણાને બચાવી શકે છે. આવી બચતને વિકાસના માર્ગે વાળી શકાય. તો આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ સંસ્થાઓના દેવાઓથી મુક્ત થવાય. જો તેનું પ્રમાણ જોઈતું હોય તો એક સ્થાનિક સંસ્થાના નાગરિક પરિવહન વિભાગની વાસ્તવિક હકીકત જાણવી રહી.

આ સંસ્થા વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન કરતી હતી અને છેવટે બંધ કરવાની કે તેની જવાબદારી જે-તે સરકારને સુપ્રત કરવાની નોબત વાગેલી. પરંતુ આ સંસ્થામાં એક પ્રામાણિક અધિકારીની નિમણૂક કરતાં કે થતાં આજે નફો કરતી થઈ છે, તેનાં કારો જાણવા જેવાં છે :

૧. આ સંસ્થાના વ્હીકલના સ્પેરપાર્ટ ઓરિજીનલ કંપનીના કે નામી કંપનીના ભાવે ડુપ્લીકેટ સ્પેરપાર્ટ ખરીદાતાં. પરિણામે ટૂંક સમયમાં જ સ્પેરપાર્ટ સાથે એન્જિન બેસી જાય, એટલે કન્ડમ કરીને ભંગારમાં કાઢી નખાતાં. આવા ભંગારખાનામાં કુલ વ્હીકલની ચાલીસ ટકા ગાડીઓ ધૂળ ખાતી કરી દેવાતી, જેનું હુલામણું નામ “બ્રેક ડાઉન” તરીકે પ્રચલિત છે. “બ્રેક ડાઉન”નું નામ પડે એટલે બધા ઠંડાગાર !

ર. આવા વ્હીકલના કાયમી ડ્રાઇવર, કન્ડરક્ટરો આવે અને હાજરી પૂરીને દિવસ પૂરો કરે.

૩. લગ્નવાળા કે પ્રવાસન સિઝનમાં ડ્રાઇવર, કન્ડક્ટરો ટી.બી.નાં બોગસ સર્ટિ. લઈ આવે અને એક મહિનાથી ત્રણ મહિના સુધી ચાલુ પગાર + ટી.બી. માટે મળતાં ભથ્થાં લઈને પ્રાઈવેટ ટ્રાવેલર્સના ફેરા મારે.

૪. યુનિયન લીડરો અને માથાભારે કર્મચારીઓ મનપસંદ રૂટ લઈને રોકડી તો કરી જ લે સાથે સાથે બસ-સ્ટોપ ઉપર એકલદોકલ પેસેન્જર હાથ લાંબો કરે તો પણ સનસનાટ નીકળી જાય.

પ. પરિસ્થિતિ એવી સર્જાઈ કે જેઓ પ્રામાણિકપણે ફરજ બજાવતા હતા તેઓને પણ ચાર-ચાર મહિને એકાદવાર પગાર મળતો એટલે વારંવાર હોબાળો થતો.

આવી પરિસ્થિતિમાં ખડ્ડુસ પણ શિસ્ત અને પ્રામાણિકતામાં માનાર અધિકારીને ચાર્જ સોંપતાં નઠારા કર્મચારીઓ ઉપર ચાબૂક વિંઝી. તેમની કાર્યપ્રણાલિકાને ‘ચાબૂક’ સિવાય બીજું કોઈ ઉપનામ ન આપી શકાય. જેમના ઉપર પડવા લાગી તેઓ ભાગવા અને સંસ્થા છોડવા લાગ્યા. પરિણામે રોજમદાર, હંગામી અને જેમને અવળચંડાઈ કોઠે પડી ગયેલ હતી તેવા સ્ટાફને દૂર કર્યો. અને ત્યાર બાદ કૉન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરીને રોડચેકિંગ વધારી દીધું. ધીમે ધીમે આવકમાં વધારો થવા લાગ્યો અને ખર્ચમાં ઘટાડો થયો, છેલ્લે બ્રેકડાઉનનું ઑપરેશન શરૂ કર્યું, જેમાં ઉચ્ચ અધિકારીની રૂબરૂમાં જ સ્પેરપાટ્‌ર્સનું ચેકિંગ શરૂ કરીને આ જ સ્પેરપાર્ટસ એન્જિનમાં કે વ્હીકલમાં નંખાય છે કે કેમ ? તે માટે ફીટર અને મિકેનિકલની સામે જ ડેરાતંબૂ નાખ્યા. નખાયેલ સ્પેરપાર્ટસ છે કે કેમ તેની ખાત્રી કરવામાં આવતા જેઓ પકડાયા તેમને સસ્પેન્ડ કે રીમૂવ કર્યા, અને બોગસ વેપારીઓને બ્લેકલિસ્ટ કર્યા. પરિણામે બ્રેક ડાઉનનું પ્રમાણ ઘટ્યું. એન્જિનનું આયુષ્ય વધ્યું અને રૂટ ઉપર ફેરાનું પ્રમાણ વધ્યું એટલે વકરો વધતાં નુકસાન સરભર થયું. વર્તમાન સમયમાં નફો કરે છે. જાહેર સેવાઓમાં નફો ગૌણ બાબત છે, પરંતુ જાહેર સુવિધા મુખ્ય ધ્યેય હોય છે.

આવી સ્થિતિ કોઈ પણ એક ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી, પરંતુ અત્ર-તત્ર-સર્વત્ર વ્યાપેલી છે. અગર કોઈ ખાનગી સંસ્થા એવો દાવો કરતી હોય કે અમારો પરચેઝ ઑફિસર દૂધનો ધોયેલો છે, તો કોઈ પણ વિક્રેતા તેને નજર-અંદાજ કરી જુએ. તરત જ પાર્ટી બદલાઈ જશે. જો કે ધંધાકીય હરીફાઈના યુગમાં આવો અખતરો કરવાની સલાહ નથી આપતા કેમ કે સત્ય હંમેશાં કોઈપણ ભોગે જ પ્રાપ્ત થતું હોય છે. ખેર, પ્રાઈવેટ કે લિમિટેડ કંપનીના માલિકની ચાર આંખો હોય છે. એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જ્યાં અનેક આંખોવાળી સરકાર હોય અને તેનું આંખોનું કાજલ ચોરાઈ જતું હોય ત્યારે અવશ્ય ચિંતા કરવી રહી. કારણ કે આવું કાજલ પ્રજાનાં લોહી-પસીનો બાળીને બનાવેલું હોય છે. સામાન્યતઃ લોકોની માનસિકતા ભ્રષ્ટતાને ખીચડીમાં નમકના પ્રમાણ મુજબ સ્વીકારતી હોય છે. પરંતુ આવું નમક જ્યારે કોઠે પડી જાય છે ત્યારે અગિયારોનું વાર્ષિક ઉત્પાદન પણ ઓછું પડતું હોય છે. ખરેખર કોઈ પણ તથ્યોની સકારાત્મક પ્રસ્તુતિ કરવાના બદલે નકારાત્મક પ્રસ્તુતિ કરવાનું થાય છે, ત્યારે શરમિંદગી અનુભવાય છે, પરંતુ આવી શરમિંદગી કોઠે ન પડી જાય તે માટે, તેમ જ તથ્યોમાં અસત્ય બહુમતમાં હોય ત્યારે સત્યના પક્ષે ઊભા રહેવામાં જ માનવીની અસ્મિતાની ઓળખ થતી હોવાથી ઊંઘ છોડીને પણ ઉજાગરા કરવા રહ્યા.

૧. સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ જે તે સાધન-સામગ્રીના પ્રવર્તમાન ભાવોનું મૂલ્યાંકન કરીને વાસ્તવિક ભાવોની માહિતી અપ-ડેટ કરીએ. જો કે સરકાર દર વર્ષે ર્જીંઇ (સ્ટેન્ડ ઑફ રેટ) નક્કી કરતી જ હોય છે, તેમ છતાં ટેન્ડર ૦.૦૧ થી ૧૦૦% સુધીના વધુ એન ૦.૦૧થી પ૦% ઓછાના ભાવ ભરતા જ હોય છે તે અંગે વિચારવું રહ્યું. = ઇન્ટરનેટ તેમજ કોલસેન્ટરો દ્વારા દરેક ભાવોનું બુલેટિન થતું જ હોય છે તેમ છતાં અમુક કંપનીઓના માલની જ ખરીદી થતી હોય છે. કારણોમાં ટૅકિનકલ જાણકારી, સક્ષમતા, અનુભવ, સપ્લાયની વિસંવાદિતા જણાવાતી હોય છે.

ર. જાહેર પ્રજાના જાન-માલ અને રાષ્ટ્રીય સંપત્તિનો દુર્વ્યય અથવા તો નુકસાન ન થાય તે માટે દરેક ચીજ-વસ્તુની ગુણવત્તાના માપ-દંડ નક્કી કરીએ.

- તેના માટે સરકારની અનેક પ્રકારની એજન્સીઓ કાર્યરત હોવા છતાં અસલ કરતાં નકલ માલનું ચલણ વધારે છે.

- આ દિવાળીએ રોડ-રસ્તા બનાવ્યા હોય, આવતી દિવાળીએ અધૂરા દિવસે પણ પ્રસૂતિ કરાવી નાખે તેવા બની ગયા હોય.

૩. માલનો ભાવ “એ” ગ્રેડમાં નક્કી થાય, સપ્લાય બી કે સી વર્ગના માલનો થાય. જો કે ટેન્ડરોની શરતોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય.

૪. ભાવ ૧૦૦ નંગના પેકિંગનો હોય, પરંતુ તેમાં હોય ૯૦થી ૯૯. સિવાય કે જ્યાં નંબરિંગ સિસ્ટમ હોય.

- શોધવા બેસીએ તો અનેક ત્રૂટિઓ મળી આવે પરંતુ આવી ત્રૂટિઓ શોધવાથી કાંઈ પગાર વધી જવાનો નથી, ઊલટાનું મોં બંધ રાખવાથી અવશ્ય લાભ થવાનો છે તેવી માનસિકતા હોય ત્યારે વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. કોઈ પણને યશ કે અપયશ આપવા કરતાં સિસ્ટમને સુધારવી હોય તો, તટસ્થ ભાવે સરકાર કે તેની એજન્સીઓ, અર્ધસરકાર, સ્થાનિક સંસ્થાઓ તેમ જ જેઓ પોતાના તેમ જ સમાજના હિતને ધ્યાને લઈને વિક્રેતા કે ખરીદનાર તરીકે સેવા ઇચ્છે તેમને સેવા આપવાની ભૂમિકા ભજવવી રહી.

ચીજ-વસ્તુ કે સાધન-સામગ્રીના ભાવનું મૂલ્યાંકન કરીને મધ્યસ્થી તરીકેની ફરજ બજાવીએ તો :

- વિક્રેતાઓને બિલનાં નાણાં મુકરર કરેલ સમય-મર્યાદામાં મળતાં થાય તો અનેક ઉત્પાદકો તેમાં સામેલ થાય, પરિણામે ભાવ, ગુણવત્તા અને જથ્થાનું ધોરણ સચવાય.

- નવા ઉત્પાદકોને અનુભવ કે નિયમોની મર્યાદા નક્કી થયેલ હોય તે પૂર્ણ કરવાની પૂરક મદદ કરી શકાય તો જે સાધન-સામગ્રીની “મોનોપોલી” હોય તે તોડી શકાય.

- જે ચીજ-વસ્તુઓનું ગૃહ-ઉદ્યોગ, લઘુ-ઉદ્યોગ કે પરંપરાગત હુન્નર દ્વારા ઉત્પાદન થતું હોય તેમને પૂરક સહાય કરીને તેમના ધંધા, રોજગારને વિકસાવી શકાય.

- આપણે અનેક નકારાત્મક તથ્યો વિશે વિચારીએ છીએ, તેનું વાસ્તવિક સત્ય શું છે તે જાણવા માટે, વાસ્તવિક સત્ય જાણીશું તો કોઈના ઉપર ખોટા આક્ષેપ કરતાં શરમાઈશું અને કદાચ આક્ષેપો સાચા હોય તો તેનું નિરાકરણ કેવી રીતે કરવું તેના ઉપાય શોધીશું.

- પારદર્શક અને શિસ્તમય પ્રશાસન ચલાવવા માટે સરકારને અબાધિત હક અને સત્તાઓ આપવામાં આવેલી છે. આવા હક્ક અને સત્તાઓ જે એજન્સીઓને આપવામાં આવી હોય તેનો જ્યારે દુરુપયોગ થાય કે કરાય ત્યારે તેનો સદ્‌ઉપયોગ કેમ કરવો તેે આચરણ દ્વારા પ્રસ્થાપિત કરવું રહ્યું. અન્યથા ચોરનો ભાઈ ઘંટીચોર બનીને સમાજને એક ઔર જળોની કોઈ જરૂરત નથી.

સરકાર અર્ધસરકારનાં હેતુલક્ષી આયોજનોના સર્વ કાર્યમાં મદદ :

સરકાર અને તેની વિભાગીય સંસ્થાઓ (ગ્રામપંચાયતથી કેન્દ્રસરકાર સુધી) તેમજ વૈશ્વિક કલ્યાણના સંદર્ભમાં નિશ્ચિત ધ્યેય માટે અનેક આયોજનો થતાં હોય છે. આવાં આયોજનો ત્યારે જ સફળ થાય કે તેને જરૂરી માહિતી ઉપલબ્ધ હોય. આવી માહિતી જેટલી સચોટ એટલું આયોજન સફળ, પરંતુ જો એકત્રિત કરવામાં આવેલ માહિતી અધકચરી, અપૂરતી, તેમ જ નિશ્ચિત ધ્યેયના હાર્દને સમજ્યા વગર કરવામાં આવી હોય તો મૂળ ધ્યેય માર્યું જાય છે અને વધારામાં નાણાં, સમય અને માનવશક્તિનો વ્યય થાય છે.

સામાન્યતઃ આવાં કાર્યો કે સર્વે સરકાર દ્વારા કે અર્ધસરકારી કર્મચારી, શિક્ષકો તેમ જ પ્રજાકીય સેવા સાથે સંલગ્ન હોય તેવા કર્મચારીઓ પાસે કરાવવામાં આવતાં હોય છે, પરિણામે શિક્ષણ અને પ્રજાકીય સેવા ખોરંભે પડે છે અથવા તો પ્રજાને મુશ્કેલી પડતી હોય છે. સરકારી કર્મચારીઓ પોતાનાં નિયત કામોમાં પણ ઠાગાઠૈયા કરતા હોય ત્યારે વધારાનાં કામ કરવા રાજી નથી હોતા, પરિણામે માહિતી મેળવવામાં વેઠ ઉતારતા હોય છે. લોકશાહીમાં વ્યક્તિએ પોતાની અંગત માહિતી આપવી કે ન આપવી તે માટે અબાધિત હક્ક આપેલ છે. આથી આવી માહિતી સમજણ દ્વારા મેળવવાની હોય છે. એક બાજુ ઇચ્છા વિરુદ્ધનું કામ હોય અને બીજું બાજુ વ્યક્તિને સમજાવીને માહિતી લેવાની હોય ત્યારે વેઠ જ ઊતરે તેમાં કોઈ નવીનતા નથી. જેમ કે આર્થિક સર્વેક્ષણમાં વ્યક્તિના નોકરી-ધંધા અને ઉદ્યોગ અંગેની માહિતી આપવાની હોય છે. આવી આર્થિક મોજણીમાં જે વ્યક્તિઓને સ્વૈચ્છિક જાહેરાતોમાં સરકાર વતી કડવા અનુભવ થયા હોય તેવી વ્યક્તિઓ આવી મોજણીથી દૂર જ ભાગતી હોય છે અને તેમ છતાં સમજાવવાથી માહિતી આપે તો તેની સચ્ચાઈ અંગે અવશ્ય શંકા ઊપજે તેવી હોય છે.

રાજ્યો, રાષ્ટ્ર અને વિશ્વ, પ્રાકૃતિક તેમ જ માનવીય જીવનના અનેક પહેલાઓની સત્ય અને વાસ્તવિક હકીકતોથી વાકેફ ન હોય તે સમજી શકાય તેમ છે. આથી પ્રાકૃતિક જીવન તેમ જ માનવીય જીવનના વિકાસ માટે તર્કબદ્ધ આયોજન કરી શકાય તે માટે જે હેતુસર આયોજન કરવાનું હોય તો તેની વાસ્તવિક સ્થિતિ શું છે ? તે જાણવું અતિ આવશ્યક હોય છે. વાસ્તવિક સ્થિતિ અનુસાર જે તથ્યો સામે આવે તે તથ્યો અનુસાર તેના નિરાકરણ માટેના ઉપાયો કરવામાં આવે છે.

જેમ કે વસ્તીગણતરી, વસ્તીગણતરીનું મૂળભૂત હાર્દ રાષ્ટ્રની કુલ વસ્તી, વસ્તીમાં સ્ત્રી-પુરુષ, શિક્ષણનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, વયજૂથ, જેવાં મહત્ત્વનાં પાસાંઓની માહિતી એકત્ર કરવામાં આવે છે. મેળવેલ માહિતી અનુસાર આર્થિક તેમજ કલ્યાણકારી યોજનાઓનાં આયોજન કરીને અમલમાં મુકાતાં હોય છે, તેવી જ રીતે બી.પી.એલ. (બિલો પોવર્ટી લાઈન) ગરીબીરેખાથી નીચેના સવેક્ષણ દ્વારા આવા સમૂહનો વિકાસ તેમ જ સરકારી રાહતો દ્વારા તેમનું માનવીય જીવન કેવી રીતે પરિપૂર્ણ કરી શકાય તેવાં મહત્ત્વનાં આયોજનો થતાં હોય છે. જો આવી માહિતી એકત્ર કરવાના સર્વમાં ગંભીરતા ન જળવાય તો અનેક અનર્થ સર્જાતા હોય છે, જેમ કે વાસ્તવિક લાભાર્થી સર્વમાં રહી જાય અને ખોટી માહિતી દ્વારા સક્ષમ વ્યક્તિ બી.પી.એલ.ના કાર્ડધારક બની જાય તો આયોજનનું મૂળ હાર્દ માર્યું જાય છે અને છેવટે રાષ્ટ્રીય સંપત્તિનો વ્યય થાય છે. જે હકીકતો દૃશ્યમાન અથવા તો ઓળખી શકાય તેમ હોય તેના સર્વે અને પરિણામો ૧૦૦% સફળ થાય છે, પરંતુ જ્યાં વિશ્વાસુ, અનુમાન અને માહિતી આપનારની વિવેકબુદ્ધિ આધારિત માહિતી એકત્ર કરવાની થતી હોય ત્યારે જો આવી માહિતી આપવામાં પોતાનો કોઈ સ્વાર્થ સિદ્ધ થતો હોય તો માહિતીની મર્યાદામાં આવે તે રીતે માહિતી આપતા હોય છે, પરંતુ સ્વાર્થ વગરની માહિતી આપવાની થાય ત્યારે સહકાર આપવામાં ગલ્લાંતલ્લાં થતાં હોય છે. અમુક માહિતી એવી હોય છે કે તેનું હાર્દ સમજાવવા છતાં તેમની સમજણની બહાર હોય તેમ જોવા મળે છે.

જેમ કે વર્ષો પહેલાં શીતળાનો રોગ પ્રચલિત હતો, તે ઓળખી શકાય તેમ હતો, તેથી તેનું ૧૦૦% નિરાકરણ થઈ શક્યું. પ્રવર્તમાન સમયમાં પોલિયો નાબૂદી અભિયાન ચાલે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તથા સરકારના સહિયારા પ્રયત્નોથી તેની ગંભીરતા અને પરિણામ અંગે જાહેરાતો, પેમ્ફલેટ તેમ જ લાઉડ સ્પીકર દ્વારા સમજાવવા છતાં કેટલાંય મા-બા પોતાના બાળકને પોલિયો બૂથ ઉપર લઈ જઈને બે બુંદ રસી પીવડાવતાં નથી. પરિણામે ઘેર-ઘેર જઈને તેની વ્યવસ્થા કરવી પડે છે, તેમ છતાં તેનો લાભ લેતા નથી હોતા.

આવું બનવો અનેક કારણ છે, જેમાં મુખ્યત્વે વિશ્વાસ અને કર્મચારીઓની ઇચ્છા વિરુદ્ધ કામગીરીની ફરજ પાડવાનો સમાવેશ થાય છે. કોઈપણ સર્વના કાર્યમાં આવા મુખ્ય કારણનું નિરાકરણ કરવામાં આવે તો ઇચ્છિત ધ્યેય સિદ્ધ કરી શકાય આવાં કાર્યો માટે જે તે સમૂહમાં રહેતા હોય, અને દરેક જોડે આત્મીયતા કેળવી હોય તેવી વ્યક્તિને પ્રશિક્ષિત કરીને કાર્ય સોંપવામાં આવે તો ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય. અન્યથા દરેક શક્તિનો વ્યય જ થાય છે.

આપણા પ્રયત્નો સમાજના સાંનિધ્યમાં રહીને તેમની મુશ્કેલીઓ સમજવાના અને તેનું નિરાકરણ કરવાના છે. કોઈપણ સમૂહને જ્યારે માનવતાસહજ સહકાર આપીએ તો જ્યારે તેને એમ સમજાય કે ખરેખર કોઈ સ્વાર્થસિદ્ધિ માટે નહીં, પરંતુ નિઃસ્વાર્થભાવે સેવા કરે છે, ત્યારે દરેક મુશ્કેલીઓનું નિરાકરણ સરળ બની જાય છે. એટલે આપણે જ્યારે દર એક હજાર રહેણાંકના સમૂહમાં દરેકનું સાંનિધ્ય અને વિશ્વાસ કેળવીએ તો કોઈ પણ આયોજનને ૧૦૦% સફળતા પ્રાપ્ત થાય.

કોઈ પણ આયોજન માટેના સર્વે તો ૧૦૦% પ્રમાણભૂત રીતે પ્રાપ્ત કરી શકાશે, સાથે સાથે જેઓ કૉલેજમાં ભણતા હોય અને તેમની પાસે ફાજલ સમય હોય તો, ફાજલ સમયનો ઉપયોગ પોતાના અભ્યાસ ખર્ચની વ્યવસ્થા માટે કરી શકશે. તદ્‌ઉપરાંત જેઓ શિક્ષિત બેરોજગાર છે, તેમની રોજીની વ્યવસ્થા કરી શકાય અને તેથી પણ વિશેષ સામાજિક સ્થિતિનો અનુભવ પ્રાપ્ત કરશે.

આમ, જેમ શારીરિક વ્યાધિનું નિદાન કરવું હોય તો તેનાં મૂળ કારણો જાણવાં જરૂરી બને છે, તેમ સામાજિક વ્યાધિનું નિરાકરણ કરવું હોય તો તેના મૂળ પ્રશ્નોને જાણવા અતિ આવશ્યક હોય છે. આવા પ્રશ્નોની જાણકારી વ્યક્તિસમૂહનો રૂબરૂ સંપર્ક કરીને કરીએ તો વાસ્તવિક નિરાકરણ શક્ય બને. અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે માહિતી મેળવનાર અને આપનારની સમાન ભૂમિકા હોય. આપણા પ્રયત્નો આવી ભૂમિકા તૈયાર કરવા માટેના છે.

સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓની હડતાલ દ્વારા સમાજ જ્યારે બાનમાં મુકાય ત્યારે રાહત કામગીરીમાં મદદ

લોકશાહીમાં દરેક વ્યક્તિ કે વ્યક્તિસમૂહને પોતાના હક્ક માટે સત્યાગ્રહ કે હડતાલ ઉપર જવાનો અધિકાર છે. ખરેખર તો જ્યાં પરિપક્વ માનસિકતા તેમ જ રાષ્ટ્રીય અને સામાજિક હિતને ગંભીરતાપૂર્વક લેવાય તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય. પરંતુ જ્યારે મમત્વ ઉપર આવી જાય છે, ત્યારે રાષ્ટ્ર અને પ્રજાના ભોગે વરવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. આવા સંજોગોમાં મહત્તમ અંશે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન અને પ્રજાએ હાલાકી સહન કરવી પડતી હોય છે. સામાન્યતઃ આવી હાલાકી અસહ્ય હોય છે, તેમ છતાં સામાન્ય પ્રજા પાસે કોઈ ઉપાય નથી હોતો.

સામાન્ય જીવન જીવન-વ્યવહારમાં સરકાર, અર્ધસરકાર કે અન્ડર ટ્રેકિંગ સરકારની કેટલીક એવી સેવાઓ હોય છે કે જે પ્રજાજીવનનું અભિન્ન અંગ હોય છે. જેને જે તે સત્તાએ આવશ્યક સેવા તરીકે જાહેર કરેલી હોય છે. આવી સેવાઓ જાહેર જીવનના પ્રાણ સમાન હોય છે. જેમ કે પાણી પુરવઠો, સફાઈ, વાહનવ્યવહાર, બૅન્કિંગ, સુરક્ષા તેમ જ જીવનની પ્રાથમિક જરૂરિયાતો. આવી. જરૂરિયાતો જ્યારે ખોરંભે પડે છે, ત્યારે સમાજ ત્રાહિમામ્‌ પોકારી જતો હોય છે અને તકસાધુઓ તેનો દુરુપયોગ કરતા હોય છે. આવી પરિસ્થિતિ મહત્તમ સમૂહને અનુભવસિદ્ધ હોવાથી વિસ્તૃતચર્ચા અનાવશ્યક જણાય છે. એટલે તેના નિરાકરણ અથવા તો ઉપાય માટે વિચારવું રહ્યું.

સરકાર તથા અનુભવ દ્વારા જે સેવાઓ અતિ આવશ્યક જણાતી હોય તેવી સેવાઓને નિભાવવા માટે કુશળતા જરૂરી હોય છે. આપણે ભાવાત્મક રીતે દરેક સેવા આપવા તત્પર હોઈએ પરંતુ આવી સેવા કરવા માટેની કુશળતા ન હોય તો ક્ષોભ અનુભવાય છે. આથી આવશ્યક સેવા નિભાવવા માટે કુશળતા પ્રાપ્ત કરવા પ્રશિક્ષણ અને અનુભવ લેવાં રહ્યાં. સામાન્ય રીતે આવું પ્રશિક્ષણ સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા અપાતું હોય છે પરંતુ તે પસંદગીને પાત્ર થયેલ હોય તેવી વ્યક્તિઓને અપાતું હોય છે, એટલે તેવા પ્રશિક્ષણની વ્યવસ્થા કરવી રહી.

તે માટે તેઓ શિક્ષિત અને બેરોજગાર હોય તેમને પ્રશિક્ષિત કરીએ તો મૂળ પ્રશ્ન હલ કરી શકાય. આપણે તેવી વ્યવસ્થાના આયોજનમાં છીએ જ, પરંતુ તેમાં સરકારનો સહકાર પણ જરૂરી છે, કારણ કે આવી સેવાઓ સરકાર દ્વારા નિભાવાતી હોવાથી અનુભવ માટે કામગીરી કરવી જરૂરી બની જાય છે. જો અનુભવ ન હોય તો સેવાના બદલે સમાજ તથા વ્યવસ્થાતંત્રને હાનિ થઈ શકે છે.

સરકારની સંનિષ્ઠતા અને આપણી માનવીય સેવાનો ભાવ પ્રદર્શિત કરીને વ્યવહારમાં મૂકીએ તો આપત્તિકાળમાં સામાજિક વ્યવસ્થાને જાળવી શકાય છે. આ વ્યવસ્થાપનનો મુખ્ય હેતુ શિક્ષિત, અર્ધશિક્ષિત તેમ જ ઇચ્છિત કામને નિભાવી શકે તેવી વ્યક્તિઓને પ્રશિક્ષણ, રોજગારી અને જાહેર હિતનાં કાર્યો કેવી રીતે કરી શકાય તેની જાણકારી માટેનો છે. સમાજમાં આવી શક્તિ હશે તો આપત્તિકાલમાં, સંજોગોમાં પ્રજા તેમ જ સરકારને સહાયરૂપ થઈ શકાશે તેમજ સામાન્ય સંજોગોમાં પણ જ્યારે સરકાર કે પ્રજાને જરૂરી હોય ત્યારે સેવા આપી શકાય.

આવી સેવાઓમાં સરકારી જોહુકમી અને કર્મચારીઓની આડોડાઈને પ્રોત્સાહક ન બનાય તે માટે વાસ્તવિક પ્રશ્નોને સમજવા અને તેનું નિરાકરણ થાય તેવા પ્રયત્ન કરવા રહ્યા, સરકારની સત્તા અને મંડળોની સંગઠનશક્તિ જ્યારે આમને સામને આવે છે, ત્યારે પ્રજાએ આવી શક્તિને તેમની મર્યાદામાં રાખવા યોગ્ય આયોજન કરીને સેન્ડવિચ બનવામાંથી બચવું રહ્યું.

શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક રીતે વિકસાવી શકાય તેવા વ્યવસાયનું આયોજન

સમાજ અને સરકારની એવી કેટલીય જરૂરિયાતો હોય છે કે જે ગૃહ-ઉદ્યોગ અને હસ્તઉદ્યોગ દ્વારા ઉત્પાદિત કરી શકાય. ઉત્પાદક અને ઉપભોક્તા વચ્ચે સમન્વય કરીને એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે કે જેમાં બંનેનું હિત સચવાય તો નવીનતમ પરિણામ પ્રાપ્ત કરી શકાય. વર્તમાન સમયમાં જાયન્ટ કંપનીઓ કાંદા-બટાકા અને મીઠા જેવા ધંધા હડપ કરવાની હરિફાઈમાં હોય ત્યારે નાના ઉત્પાદકની શું સ્થિતિ થાય છે તે અનુભવવી હોય તો કોઈપણ નાના કે મધ્યમ કદના ઔદ્યોગિક વિસ્તારની મુલાકાત લેવી રહી. આવા વિસ્તારમાં લગભગ પચીસથી પચાસ ટકા યુનિટો કે એકમો બંધ થઈ ગયાં છે, અને જે ચાલુ છે તે જેમ માછલી પાણી વિના તરફડે છે તેમ ધંધા વગર તરફડે છે. તેનાથી વિરુદ્ધ ઉપભોક્તા વર્ગને વૈશ્વિક ઉત્પાદનની ચીજવસ્તુઓ ભલે સહજ અને સસ્તી મળતી હોય, પરંતુ ભવિષ્ય અકળાવનારું હશે તેમાં બેમત નથી, જેમાં નાના અને મધ્યમ ઉત્પાદકો તેમ જ ગરીબ અને મધ્યમવર્ગનો ખુડદો બોલી જશે કે જેનો અણસાર શરૂ પણ થઈ ગયો છે.

જે રાષ્ટ્રની કુલ વસ્તીની ૮૦થી ૯૦% વસ્તી ગરીબ અને મધ્યમવર્ગની હોય તેને કાંટામાં મારણ ભરાવીને જેમ શિકાર કરવામાં આવે છે, તેવી જાળ બિછાવી હોય ત્યારે અગમચેતી રાખવી જરૂરી બની જાય છે. આવી અગમચેતી ફક્ત મહત્તમ સમાજ સમૂહની નહીં પરંતુ જેઓ આવી વ્યૂહરચનામાં મસ્ત છે તેઓએ પણ રાખવી જરૂરી છે. કારણ કે જે સમુદ્રમાં માછલીઓ જ નહીં હોય ત્યાં જાળ બિછાવવાનો ખર્ચ પણ માથે પડશે. અર્થાત્‌ સમાજ સમૂહની ખરીદ-શક્તિ જ કંગાલ હશે ત્યાં સ્વર્ગમોલ પણ નિર્જન હશે. જો આવા સ્વર્ગમોલને ભર્યો રાખવો હોય તો આર્થિક રીતે નિર્બળ છે તેમની આવકના સ્ત્રોતની વ્યવસ્થા કરીને આર્થિક રીતે સક્ષમ કરવા રહ્યા. આવી સક્ષમતા સરકારની સબસીડી, રાહત દરના ભાવો કે ક્રેડિટ કાર્ડ કે બૅન્ક લોનથી પરિપૂર્ણ ન કરી શકાય તે ધ્યાને રાખવું રહ્યું.

પ્રવર્તમાન સમયમાં કેટલાક ઉદ્યોગગૃહોની દૃષ્ટિ ગ્રામ જીવનના પ્રાણ અને અસ્તિત્વ જેવી જમીન અને ખેતી ઉપર પડી છે. આ દૃષ્ટિ ફક્ત ને ફક્ત ભૌતિક ઉદ્યોગના વિકાસ જેવી હશે તો જેમની જમીન હશે, તેમાં જ નોકર કે મજૂર તરીકે કામ કરવાના દિવસો બહુ દૂર નથી અથવા તો જમીનની રોયલ્ટી પેટે વળતર ચૂકવીને અમેરિકાના નિગ્રો કે રેડ ઇન્ડિયન જેવી હાલત કરી નાખશે. ત્યાં તો આવી પ્રજા લઘુમતીમાં હોઈ તેના પ્રત્યાઘાતો ત્યાંની પ્રજા સહન કરી લેશે, પરંતુ અહીંની પ્રજા બહુમતીમાં છે એટલે તેના પ્રત્યાઘાતો સહન કરવા અસહ્ય બની જશે. જો તેનાં પ્રમાણ જોઈતાં હોય તો વિકસિત શહેરોના ગામતળનો અને દેશના ગ્રામીણ વિસ્તારની ચહલ-પહલનો અભ્યાસ કરવો રહ્યો.

પ્રસ્તુત દૃષ્ટિમાં નકારાત્મક કે ઉદ્યોગપતિઓની અવહેલના કરવાની નહીં, પરંતુ રાષ્ટ્ર અને સમાજનો સમાન્તર રીતે વાસ્તવિક વિકાસ કરવા પ્રત્યેની છે. આ જ ઉદ્યોગપતિઓ આવા સમાજ અને વિસ્તારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયભૂત થઈને યોગ્ય માર્ગદર્શન અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદ કરે તો સ્વયંની ઉત્પાદન ક્ષમતા પ૦% થી ૭૦% ગણી વધારે કરવી પડે, કારણ કે આવા સમૂહે ન્યૂનતમ પ્રકારના અન્ન, વસ્ત્ર અને રહેણાક સિવાય કંઈ જોયું નથી. જો ફક્તને ફક્ત આ જ સમૂહની ખરીદ-શક્તિમાં વધારો થાય તો વિશ્વમાં બીજે ક્યાંય બજાર શોધવા જવું ન પડે, અત્રે યાદ અપાવવું રહ્યું કે જે રોકાણ ગ્રામીણ જમીન અને ખેતી ક્ષેત્રમાં રોકીને નફાની ગણતરી કરવામાં આવી હોય તેના કરતાં અનેકગણો નફો તેમના ફાવટના ઉદ્યોગમાં કરી શકાશે. આ કોઈનું મન મનાવવાનું કે અન્ય ક્ષેત્રોમાં નહીં જવા માટેની સમજણ કે ભયસ્થાન નથી, પરંતુ ભવિષ્યની દૃષ્ટિમાં ઝીલાતું પ્રતિબિંબ છે.

વર્તમાન સમયમાં વૈશ્વિક વ્યાપાર પાપા-પગલીની ચાલે ચાલે છે, તે જ્યારે ચાલવા અને દોડવા લાગશે ત્યારે ગળાકાપ હરીફાઈ હશે. આપણે જો પાપા-પગલીની ચાલમાં હાંફી જતા હોઈએ, ત્યારે દોડવા લાગશે ત્યારે શું પરિસ્થિતિ સર્જાશે તેનો ખ્યાલ રાખવો રહ્યો. અત્યારે નવીનતમ તથા ગુણવત્તા ઉપર ભાર મુકાય છે. પરંતુ જ્યારે ભાવો અને કિંમત ઉપર ઉપભોક્તાઓની દૃષ્ટિ પડશે ત્યારે હરીફાઈમાં ટકવું મુશ્કેલ બનશે. આથી જેનામાં દીર્ઘ દૃષ્ટિ હોય તેવા ઉદ્યોગપતિઓએ ઘરેલુ ઉદ્યોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં વૈશ્વિક ઉદ્યોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું, અન્યથા અત્યારે આપણે ફક્ત ચીનના ઉદ્યોગથી ફફડીએ છીએ તે વિશ્વના કોઈ પણ દેશના મારાથી નહિ બચી શકીએ. આવા મારાથી બચવું હોય તો વૈશ્વિક કક્ષાએ ઉપભોક્તાઓની ભવિષ્યની દૃષ્ટિને ધ્યાનમાં લઈને નવીનત્તમ ગુણવત્તાસભર અને ઓછામાં ઓછા ભાવે સંતોષજનક માલ કેવી રીતે ઉત્પાદન કરવો તેનું આયોજન કરવું રહ્યું. સામાન્યતઃ વિકસિત રાષ્ટ્રોના સંશોધન અને શોધ દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે, તેને આપણે વર્ષો પછી અપનાવતા કે ઉત્પાદન કરતા હોઈએ છીએ અને તે પણ તેમની સહભાગીદારીમાં ઉત્પાદિત થાય છે. જે ચીજવસ્તુ વિકસિત દેશોમાં આઉટડેટેડ હોય અને તેના નિકાલ અર્થે સહભાગીદારી થતી હોય, જેમ કે મોબાઈલનું ગ્રેમાર્કેટ તેમ જ ચીનનો ડોમેસ્ટિક ગુડ્‌ઝ.

આપણે જ્યારે ઉપરોક્ત મંતવ્ય વ્યક્ત કરતા હોઈએ ત્યારે આપણા ઉદ્યોગપતિઓ વિદેશની ભૂમિ ઉપર ઉદ્યોગો સ્થાપતા હોય ત્યારે આત્મચિંતન કરવું રહ્યું. આવા ઉદ્યોગો વૈશ્વિક સમભાવનાઓથી પ્રેરાઈને કરતા હોય ત્યારે તે આવકાર્ય છે, પરંતુ જ્યારે અગવડતા અને સરકારી નીતિઓથી ઉબાઈને સ્થળાંતર થતું હોય, ત્યારે ચિંતાનું કારણ બને છે. આવી ચિંતા માટે ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ બંને સરખા જવાબદાર છે.

આવી જવાબદારી તેઓ સ્વીકારે કે ન સ્વીકરે, પરંતુ જેમ જેમ કાયદાઓનો વ્યાપ વધતો જાય છે, તેમ તેમ રાજકારણીઓ અને બ્યૂરોકેટની તિજોરીઓ મોટી થતી જાય છે અને ઉદ્યોગપતિઓ તેને ભરતા રહ્યા છે. હવે જ્યારે વૈશ્વિક હરીફાઈમાં કેમ ટકી રહેવું ? તેવા પ્રશ્નો અજગરની જેમ મોં ફાડીને ઊભા થયા ત્યારે વેર-વિખેર થઈને ભાગવાની કોશિશ કરી રહ્યા છે, જે શાહમૃગનીતિ છે, વાસ્તવિક ઉાય નથી.

ગળ પણ બ્રાહ્મણ પણ નથી વાંચતા. આપણે આવતી પળ માટે દૂરંદેશીપૂર્વક આયોજન કરીશું તો વર્તમાન અને ભવિષ્ય બંને ઊજળાં છે.

સાંપ્રત સમય યંત્રયુગનો છે એટલે મહત્તમ માનવશક્તિનો ઉપયોગ કરવાના બદલે યાંત્રિક શક્તિનો ઉપયોગ કરીને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ તેની સાથે એવી પણ વાસ્તવિકતા સ્વીકારવી પડે કે એવી કેટલીય જીવન-રક્ષક જરૂરિયાતો છે કે જે માનવશક્તિ દ્વારા પ્રક્રિયાન્વિત કરવામાં આવે તો તેની યથાર્થતા પૂર્ણ થાય છે. અને એટલે જ વૈશ્વિક કક્ષાએ જેઓ તેનું મહત્ત્વ સમજે છે, તે તેને શોધતા હોય છે તેને સહજ રીતે સમજવું હોય તો, જે અન્નનું લોટમાં પરિવર્તન કરાય છે તેનો યાંત્રિક ઘંટીમાં પિસાયેલ અને હાથથી પિસાયેલ લોટની વાનગીન સત્ત્વ, સ્વાદ અને ગુણવત્તાનો અનુભવ કરવો રહ્યો. આપણે જ્યારે તેનું આર્થિક રીતે મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે તેના પ્રમાણભારને ધ્યાને લઈને ગણતરી કરીશું તો અવશ્ય હાથથી દળેલ લોટ સસ્તો પડશે. જેમ કે એક કિલો અનાજ પાછળ દળામણ અને ઘટ ગણવામાં આવે તો લગભગ રૂ. બે, સત્ત્વના પ્રમાણને ધ્યાને લઈએ તો યાંત્રિક ઘંટીમાં પ૦ ટકા સત્ત્વનો નાશ થતો હોય છે. એટલે તેના સ્ટાર્ચ, પ્રોટીન તથા અન્ય સત્ત્વનું મૂલ્યાંકન કરીએ તો યાંત્રિક ઘંટીમાં પાંચ અને હાથની ઘંટીમાં ૧૦નો ગુણક આવે, જેને આર્થિક રીતે મૂલવતાં એકમ ગુણકને રૂ. એકનું ભારણ આપીએ તો રૂ. પાંચ અને દસ મુજબ થાય. આમ, દરેકનું મૂલ્યાંકન કરીએ તો લગભગ પ૦ ટકા જેટલું સસ્તું પડતું હોય છે. આ તાર્કિક સત્ય નહીં, પણ અનુભવ સિદ્ધ સત્ય છે. તદ્‌ઉપરાંત યાંત્રિક સાધનોથી પ્રક્રિયા કરેલ વસ્તુઓના ઉપયોગથી શારીરિક ક્ષતિઓ કે રોગ થતા હોય છે. ફક્ત આ એક જ હકીકતને ધ્યાને લઈએ તો કોઈ પણ શહેરી કે ગ્રા વિસ્તારની મહિલાઓ બેરોજગાર ન રહે અને વધારામાં મહિલાઓ આવાં કાર્યો કરે તો આર્થિક તેમ જ શારીરિક રીતે સક્ષમ બને છે.

આપણે સામાજિક તેમ જ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરવો હોય તો ઘરેલુ ઉદ્યોગને પ્રોત્સાહન આપીને ઔદ્યોગિક ક્ષેત્રે સંપૂર્ણ ધ્યાન આપવું રહ્યું, કેમ કે ઘરેલુ ઉદ્યોગ ઉપર ધ્યાન આપવા માટે ૮૦ ટકાથી ૯૦ ટકા પ્રજા છે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે ફક્ત પથી ૧૦ ટકાનો જ સમૂહ છે. જો આ બંને સમૂહમાં માનવીય સંબંધ કેળવી શકાય તો વૈશ્વિક માનવ સમુદાયના હિતેચ્છુ અને માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકાય, અન્યથા અન્ય રાષ્ટ્રોના માર્ગદર્શન તળે હીંચ કે ભાંગડાનૃત્ય કરવું રહ્યું.

આધુનિક યુગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી વૈશ્વિક માનવ સમાજ એક થયો છે. આવી એકતાનો આપણે શું ઉપયોગ કરીએ છીએ તે વિચારવું રહ્યું. સામાન્યતઃ તેનો ઉપયોગ ફક્ત ભૌતિક વિકાસ માટે થતો હોય તેવું અનુભવાય છે અને તેમાંય જ્યારે સ્વાર્થપ્રેરિત વિકાસ હોય ત્યારે તે ગુપ્તતા ધારણ કરે છે. ગુપ્તતા માનવીને માનવથી અલગ પાડે છે. ગુપ્તતા જ્યાં સુધી માનવ-કલ્યાણના સંદર્ભમાં હોય ત્યાં સુધી સ્તુત્ય છે. પરંતુ જ્યારે અવરોધક બને ત્યારે જીવન સંઘર્ષમય બને છે. મહત્તમ અંશે આવા જ કોઈ કારણસર આપણે વાસ્તવિક ઐક્ય કેળવી શક્યા નથી.

પ્રાકૃતિક વ્યવસ્થા અનુસાર તેનું દરેક સર્જન એકબીજાનું પૂરક છે, તેમ માનવી પણ એકબીજાના પૂરક છે. આપણે પૂરકની ભૂમિકા અદા કરીએ તો માનવસમાજનું મૂલ્ય સમજાય. સમાજના ચક્રમાં ભોક્તા અને પૂરકની ભૂમિકા જ્યારે સમાન્તર બનીને ગતિમાન થાય ત્યારે વિકસિત સમાજ બને છે. ઊર્ધ્વગતિમાં વિકાસ અને પીછેહઠમાં અધોગતિ કે અલ્પવિકાસ તરફનું પ્રયાણ હોય છે. આપણે જ્યારે ભોક્તા અને પૂરકના પરિબળથી પૂર્ણ હોવા છતાં સક્ષમ સમાજી રચના ન કરી શકતા હોઈએ, ત્યારે મનોમંથન કરીને તેનું નિરાકરણ કરવું રહ્યું.

આપણે ત્યાં એક વર્ગ એવો છે કે જે પોતાની જીવનજરૂરિયાતો પૂર્ણ કરવા માટે વલખાં મારતો હોય છે, જ્યારે બીજો વર્ગ આવા જરૂરી માલના નિકાલ માટે ચિંતિત હોય છે. આ બંને વર્ગની માનસિકતાથી પરિચિત લે-ભાગુ માનસિકતા ધરાવતો વર્ગ બંનેનો ઘડો-લાડવો કરી નાખતો હોય છે. પરિણામે ભોક્તા અને પૂરક (ઉપભોક્તા, ગ્રાહક-ઉત્પાદક) ઠેરના ઠેર રહી જાય છે અને લે-ભાગુની જે પણ પ્રણાલિકા હોય તેઓ લહેર કરતા હોય છે. એટલે મહેનત કરે મુરઘો અને અંડા ખાય મિયાંભાઈ જેવી હાલત તો ન જ હોવી જોઈએ.

જો કે આવી ચર્ચાનો કોઈ અંત નથી, પરંતુ તેનાં વાસ્તવિક કારણો જાણવાં રહ્યાં.

સામાન્યતઃ આવાં કારણોમાં ઉત્પાદકો અને ઉપભોક્તા વચ્ચેના સમન્વય, સહકાર અને સંકલનનો અભાવ જણાય છે. જો તેની વ્યવસ્થા કરાય તો મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ સહજ અને સરળ બની જાય. આપણે માનીએ અને સમજીએ છીએ કે માનવીની મહત્ત્વની જરૂરિયાત ઘરેલુ પ્રકારની હોય છે. જે ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘરેલુ (ગૃહ-ઉદ્યોગ, લઘુઉદ્યોગ, ખેતી-ઉદ્યોગ) હોય અને તેનો ઉપયોગ પણ ઘરેલુ હોય (જીવનની પ્રાથમિક જરૂરિયાત) ત્યારે બંને પક્ષ ત્રાહિમામ્‌ પોકારતો હોય તે સિસ્ટમની બલિહારી છે. આવી સિસ્ટમને તિલાંજલી આપીને નવીનતમ પદ્ધતિ અપાવવી રહી કે જેમાં બંને પક્ષનું કલ્યાણ થાય, આપણે આ બંને પક્ષને એક કરવાનું માધ્યમ બનીએ તો અવશ્ય કંઈ કાર્ય-કર્યાનો અહેસાસ થાય.

કદાચ આ કાર્ય આપણને અઘરું લાગતું હશે પરંતુ નિષ્ઠાપૂર્વકની દૃષ્ટિથી જોઈશું તો અઘરું નહીં, પરંતુ આપણી રુચિને સંતોષી શકે તેવું લાગશે. આપણે દર હજાર રહેણાકના સમૂહમાં વિશ્વાસ દ્વારા એકબીજાની સહાનુભૂતિ અને આદરના વાતાવરણનું સર્જન કરીએ તો માનવસહજ સ્પંદન જાગૃત થાય. જ્યારે માનવીય સ્પંદનો જાગૃત થાય ત્યારે એકબીજાનાં સુખ દુઃખ અવશ્ય અનુભવાય. વર્તમાન સમયમાં એકનું સુખ બીજાના દુઃખનું કારણ બનતું હોય છે, પરંતુ જો એકનું દુઃખ બીજાના સુખનું કારણ બનાવીએ તો કોઈપણ મુશ્કેલ કામ સહજ બની જાય છે, અર્થાત્‌ સામાન્ય જીવનવ્યવહારમાં કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુ તેની વાસ્તવિક બજાર-કિંમત કરતાં વધારે ચૂકવાય, તેની અછત વર્તાય કે ગુણવત્તા તથા જથ્થામાં ઘટ વર્તાય ત્યારે ઉપભોક્તા કે ખરીદનાર દુઃખી થતા હોય છે, પરંતુ આ જ દુઃખી ગ્રાહકને માલ મૂલ્ય આધારિત વાસ્તવિક ભાવે મળ્યાનો સંપૂૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત થાય ત્યારે, જરૂરિયાત સંતોષાયાનો આનંદ અનુભવે છે. તેવી જ રીતે પ્રામાણિક ઉત્પાદક કે વિતરકને પણ પોતાના વ્યાપારની વૃદ્ધિનો આનંદ મેળવી શકે છે.

આપણે વિશ્વાસપૂર્વકના કાર્ય દ્વારા જનસમૂહનું સમર્થન તો પ્રાપ્ત કરીએ જ છીએ. એટલે ઉપભોક્તા કે ગ્રાહક આજ સમૂહનો ભાગ છે. આથી તેમનો વિશ્વાસ કાયમ રાખવા વિશ્વાસુ ઉત્પાદકની વ્યવસ્થા કરવી રહી. આપણે જે જનસમુદાયનું સમર્થન પ્રાપ્ત કરીએ છીએ તે જ સમૂહને હસ્ત, ગૃહ કે લઘુ-ઉદ્યોગ જેની પાસે હોય તેને સક્ષમ બનાવીએ અને આવા ઉદ્યોગોમાં જે રુચિ ધરાવતા હોય તેમને પ્રશિક્ષિત કરીને વ્યવસાય સ્થાપવા સહાયક બનીએ તો પ્રામાણિક ઉત્પાદકોને શોધવા ન જવું પડે. આ એક એવું ચક્ર છે કે જેમાં રાષ્ટ્રની ૭૦થી ૯૦ ટકા પ્રજા પ્રવૃત્ત બનશે અને તેમાંથી જે ઊર્જા કે શક્તિ પ્રાપ્ત થશે તેનાથી વાસ્તવિક ઇન્ડિયા શાઇનિંગને અનુભવી શકાશે.

શાઇનિંગ ઇન્ડિયાના મૂળભૂત હાર્દને સમજવું હોય તો તેના શાબ્દિક અર્થઘટનથી નહીં, પરંતુ ભાવનાત્મક અનુભૂતિના આધારે સમજવું રહ્યું. શાબ્દિક અર્થઘટન મુજબ રાજ્યો અને રાષ્ટ્રોની સરહદો ઉપર લેટેસ્ટ પ્રકારનું લાઈટ ડેકોરેશન કરવામાં આવે તો પણ દેશ શાઇનીંગ વાળો લાગશે, અથવા તો દરેક દિશા સળગતી રાખવી. જ્યારે ભાવનામક અનુભૂતિ દ્વારા શાઇનીંગને માણવી હોય તો પ્રજાનું મુખારવિંદ જે ખાલી ચપણીયા જેવું તેજહીન લાગે છે, તેમાં ઓજસ ભરીને જ્યોત પ્રગટાવીને પ્રકાશમય બનાવીએ ત્યારે આવાં પ્રકાશમય મુખારવિંદ એકસાથે ઝળહળી ઊઠશે, ત્યારે વાસ્તવિક શાઇનિંગ શું છે, તેની અનુભૂતિ માણવા મળશે. આપણે આંકડા અને શબ્દોના માધ્યમથી તેનાં અર્થઘટન બહુ જ માણ્યાં હશે, ભાવનાત્મક અનુભૂતિ શું છે ? તે હવે માણવી અને અનુભવવી રહી. આપણે જ્યારથી સમાજના વિકાસનું મનોમંથન શરૂ કર્યું છે, ત્યારથી અત્યાર સુધી સરકાર કે સક્ષમ શક્તિઓ દ્વાર અનેક પ્રકારનાં આયોજનો, વ્યવસ્થા કે વ્યવસ્થાપન કરતા રહ્યા છીએ, તેમાં છેલ્લે “સેઈઝ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ની વિચારણા અને તેના અમલીકરણનાં પરિણામ સાંભળવા જાણવા અને અનુભવવા મળ્યા અને માણી રહ્યા છીએ. મારા માનવા મુજબ સેઈઝનું મુખ્ય ધ્યેય વૈશ્વિક કક્ષાના વ્યાપારમાં ટકી રહેવું અને સામાજિક ક્ષેત્રે રોજગારીની તકો ઊભી કરીને પગભર થવામાં છે. આ બંને ધ્યેય આજની તાતી જરૂરિયાત હોવાથી તેને સરળ બનાવવા દરેક રીતે મુક્તતા બક્ષવામાં આવે છે. પરંતુ તેના પ્રત્યાઘાતો ફક્ત રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવે છે. જો તેમ હોય તો તે મૂળ ધ્યેયનાં છેદ ઉડાડી દેશે અને તે પણ ખેડૂતોના કાળજાના ટુકડા સમાન જમીનના ભોગે.

અલ્યા ભાઈ, આપણે ખરેખર વિકાસ કરવો હોય તો જ્યાં બંજર ભૂમિ હોય ત્યાં પર્યાવરણ, ભૌગોલિક અને માનવીય સ્વાસ્થ્યને હાનિ ન થાય તે રીતે પ્રથમ ઇન્ફાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરીએ તો જેમના જહેનમાં રાષ્ટ્રીય કલ્યાણની ભાવના હશે તે દોડ્યા આવશે. આપણે જો એવું માનતા હોઈએ કે કોઈ પણ વ્યક્તિઓનું સન્માન અને સ્વાગત કરીને કરોડો કે અબજો રૂપિયાનું રોકાણ કરાવીશું તો તે આપણો ભ્રમ છે, જ્યાં સુધી કોઈ નક્કર ભૂમિકાનું વ્યવસ્થાપન નહીં કરીએ, ત્યાં સુધી આંકડા અને શબ્દોની માયાજાળથી સંતોષ અનુભવવો રહ્યો.

રર. શહેરી કક્ષાનાં આયોજન

શહેરી વિસ્તારની આપણી દૃષ્ટિએ જે પણ પરિકલ્પના હોય, પરંતુ ખરેખર જોઈએ તો કોઈ એક ગાળામાં સમાયેલ સમૂહ છે. આવા સમૂહમાં ભિખારીથી ધનાઢ્ય, મૂર્ખ અને પાગલથી વિદ્વાન, એઈડ્‌સ જેવી બીમારીથી પીડાતાથી (હેલ્થ) સ્વાસ્થ્યના ધુરંધરો, પતિતાથી પતિવ્રતાઓ, રોટલીચોરથી શાહુકાર, નાસ્તિકોથી આસ્તિકો, શાન્તિપ્રિયથી હુલ્લડખોર જેવા અનેક સમૂહોથી ભરાયેલો હોય છે. જો આવા સમૂહને તેમની સ્વતંત્રતા સાથે ફૂલવા-ફાલવાના અબાધિત અધિકારનું માનવ-મૂલ્યોથી સંસ્કરણ કરવામાં ન આવે તો અત્યારે જે ભોગવીએ છીએ, તેનાથી પણ વરવી પરિસ્થિતિ નહીં સર્જાય તેની કોઈ ખાતરી આપી શકે નહીં. શહેરી જીવનની ચમકદમકથી અંજાઈને કેટલાય સમૂહ આકર્ષાઈને આવા સમૂહમાં ભળતો હોય છે, પરંતુ તેમની સ્થિતિ જ્યારે પતંગિયા જેવી થાય છે, ત્યારે તેની વેદના અસહ્ય બની જતી હોય છે. સામાન્યતઃ જ્યાં સામાજિક શિસ્ત નથી હોતી, ત્યાં અનેક અનિષ્ટ સર્જાય છે. આવાં અનિષ્ટોની યાદી બહુ લાંબી છે, પરંતુ જ્યારે આવું અનિષ્ટ સ્થાનિક તેમ જ વૈશ્વિક માનવસમુદાયને અસર કરે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. આપણે તેનાં પ્રમાણ જોઈતા હોય તો ગુનાઓના ગ્રાફ, હુલ્લડો, ગંદકીમાંથી ઉત્પન્ન થતા રોગો, સંયમહીન જીવનમાંથી ઉદ્‌ભવતા એઈડ્‌સ જેવા રોગ તરફ દૃષ્ટિ કરવી રહી.

આવાં અનિષ્ટો સર્જાવાનાં અનેક કારણો છે, પરંતુ તેમાંનાં મુખ્ય કારણો આર્થિક તેમ જ સામાજિક છે. જો આર્થિક કારણો માનવતાના ધોરણે નિકાલ કરવામાં આવે તો મહત્તમ અંશે સામાજિક અનિષ્ટનું પણ સમાધાન થાય. આવા સમાધાન સ્વરૂપે સૌથી પ્રથમ તો ગ્રામ-જીવન અને વિસ્તારના સંપૂર્ણ વિકાસનું અમલીકરણ અને ત્યાર બાદ શહેરી વિસ્તારમાં રહેવાની અતિ આવશ્યકતા જણાય અને તેનો જે સમૂહ બને તેની વ્યવસ્થા કરવી રહી.

જો ગ્રામ-વિસ્તારમાં શહેરી જીવનમાં જે સુખસુવિધા અને વિકાસને અનુરૂપ જે ઇન્ફાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોય તે પૂર્ણ કરવામાં આવે તો શહેરની વિસ્તારના મહત્તમ પ્રશ્નો આપો આપ હલ થઈ જાય છે. આપણે માનીએ કે ન માનીએ પણ જે જીવન શહેરી વિસ્તારમાં માણીએ છીએ તેના કરતાં ગ્રામ જીવનમાં માણીએ તો જીવનના પચાસ ટકા કષ્ટો કે વેદનાઓ આપોઆપ દૂર થઈ જાય છે અને તેમાંય ઇન્ફાસ્ટ્રક્ચર અને સામાજિક સુવિધાઓની વ્યવસ્થા કરાય તો સ્વર્ગની કલ્પનાય ન કરીએ. આપણે તેને વાસ્તવિક રીતે અનુભવવું હોય તો શહેર તેમ જ ગ્રામીણ વિસ્તારનો સમાન્તર વિકાસ કરવો રહ્યો.

એકંદરે જોવા જઈએ તો શિક્ષિત બેરોજગારનું પ્રમાણ ગ્રામીણ કરતાં શહેરી વિસ્તારમાં વધુ હોય છે. આ એવી વણ વપરાયેલી શક્તિ છે કે જેનો આયોજનપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો અશક્ય કાર્યોને શક્ય બનાવી શકાય છે, પરંતુ આ જ શક્તિ અવળા માર્ગે જાય તો સામાજિક અશાન્તિ પણ સર્જી શકે છે. જ્યારે અર્ધશિક્ષિત અને શિક્ષણવિહીન સમૂહ માટે તેમની રુચિ મુજબના કાર્યની વ્યવસ્થા કરાય તો ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય.

મુખ્યત્વે જેઓ બેરોજગાર કે જીવનનિર્વાહ કરી શકાય તેટલી આવક ન ધરાવતા હોય તેવા સમૂહને પસંદગી અને જેવી રુચિ ધરાવતા હોય તેવા વ્યવસાયનું પ્રશિક્ષણ અને આવા વ્યવસાયની જેને જરૂરત હોય તેમની સાથે સમન્વય અને સંકલન કરીને વિશેષ આયોજન કરીએ તો સામાજિક જીવનને સહજ અને સુખમય બનાવી શકાય.

ર૩. ગ્રામીણ વિકાસ

આપણે માનીએ કે ન માનીએ, એકવીસમી સદીની સભ્યતા, સંસ્કૃતિ, સંસ્કાર અને વિકાસના સંસ્કરણથી શોભાયમાન હોવાનું, વૈચારિક શુદ્ધીકરણથી સર્વે માનવસમુદાય સમાન હોવાનું માનતા હોઈએ, ત્યારે ગ્રામ વિસ્તાર અને ગ્રામ્યજનો વિશે આપણી દૃષ્ટિમાં ગામડું અને ગામડિયા જેવી હીન વૈચારિક પ્રક્રિયા પસાર થઈ જતી હોય છે. ખેદ તો એ બાબતનો છે કે તેમનાં પોતાનાં સ્નેહીજનો આજે પણ ગ્રામ વિસ્તારમાં રહેતાં હોવા છતાં આવી માનસિકતા ધરાવતા હોય છે. સામાન્યતઃ આવી માનસિકતા કોઈ પણ ઉચ્ચ-નીચ, સવર્ણ-અવર્ણ કે ગરીબ ધનવાનના ભેદ વગર જણાય છે. ક્યારેક ગ્રામ વિસ્તારનો સમૃદ્ધ સમૂહ પણ આવી લઘુતાગ્રંથિથી પીડાઈને શહેરી વિસ્તારમાં ઢસડાઈ જતો હોય છે. દિન-પ્રતિદિન ગ્રામ વિસ્તારના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણ વગર આવું સ્થળાંતર ચાલુ રહેશે તો ગ્રામ્યજીવન નામશેષ થઈને શહેરી જીવન પણ ભારેલા અગ્નિ જેવું હશે, છેવટે બંને વિસ્તારોનું જીવન અશાન્ત વ્યાધિમય અને હૈયાવલોણાં કરવા જેવું હશે જેની શરૂઆત પણ થઈ ગઈ હોય તેવું અનુભવાય છે.

ભૌતિક વિકાસ, વૈભવ અને સુખસગવડોની આસક્તિમાં આપણી માનસિક સ્થિતિ એટલી તરલ સ્વરૂપની થઈ ગઈ છે કે આપણે ભવિષ્યમાં જોઈ શકતા નથી. માનવીય જીવનના અસ્તિત્વને ટકાવી રાખવાની જરૂરિયાતો ગ્રામ આધારિત છે. આંગળીના વેઢે ગણી શકાય તેવી જરૂરિયાતોમાં અન્ન, શાકભાજી, દૂધ અને તન ઢાંકવા માટેનાં વસ્ત્ર માટેનું રૂ, સિવાય માનવીય જીવનને કલ્પીએ તો ગ્રામ વિસ્તારની મહત્તા અવશ્ય્‌ સમજાશે. શું આવી જરૂરિયાતો કારખાનામાં ઉત્પન્ન કરી શકીશું ? વર્તમાન સમયમાં અને તે પહેલાં નાયલોન અને મેન-મેડ-ફેબ્રિકને કારખાનાંઓમાં ઉત્પાદિત કર્યું અને તેનો અનુભવ પણ કર્યા જે માનવીય જીવનને અનુકૂળ ન રહેતાં છેવટે કોટન - (કપાસ) સુતરાઉ કાપડ તરફ વળ્યા. લે-ભાગુ માનસિકતાવાળાઓએ સિન્થેટિક દૂધ બનાવીને માનવીય જીવન સાથે ચેડાં પણ શરૂ કર્યાં છે. રાસાયણિક પદાર્થોની પ્રક્રિયા કરીને ભૂખ ન લાગે તેવા આહારનું સંશોધન શું જીવનને કાયમ રાખી શકશે ? જે જીવનપોષક આહાર કુદરતી પ્રક્રિયા આધારિત હોવા છતાં, તે મેળવવા જીવનનો મહત્તમ સમય તેની પાછળ ખર્ચાયા છતાં શાન્તિ ન અનુભવાતી હોય, તે માનવપ્રક્રિયા દ્વારા કારખાનામાં ઉત્પન્ન થાય તો કેવી પરિસ્થિતિ સર્જાય તે કલ્પવી રહી. એક સત્ય અવશ્ય સમજવું રહ્યું કે જે પણ જીવન ટકાવી રાખવાની ફેકટરી પ્રોડક્ટસ છે તે પણ મૂળભૂત રીતે ગ્રામ પેદાશમાંથી જ બને છે. તે પછી બેબીફૂડ હોય કે અંતિમ ક્ષણોમાં મુખમાં મૂકવા માટેનું અંજલિનું બુન્દ હોય.

ભારત ખેતીપ્રધાન દેશ છે. ગ્રામવિસ્તારનો દેશ છે. ભારત ગામડાંઓથી હરિયાળું છે. કદાચ કોઈ કવિ ગીતકાર, સાહિત્યકાર કે તત્ત્વચિંતકના ભાવનાત્મક સ્વરૂપે રજૂ થયેલ મૌલિક સર્જનને ઠેસ ન પહોંચે, રાજકારણીઓના વાણી-વિલાસમાં ઘડી-બે-ઘડી જે આનંદી અનુભૂતિ થતી હોય તેમનાથી કોઈ વિમુખ ન થાય તે માટે, અપવાદરૂપ ગ્રામ વિસ્તારોને બાદ કરતા વાસ્તવિક ચિત્રણ કરવામાં માનસિક સ્થિતિ કથળી જતી હોય છે. એટલે તેનાથી દૂર રહેવામાં શાણપણ સમજું છું, તેમ જ અગાઉ જે સભ્યતા-સંસ્કારની દૂહાઈ દીધી છે, તે લજાવાય તેમ છે.

અન્યોની દૃષ્ટિમાં ગ્રામ-વિસ્તાર અંગે જે સમજણ હોય તે પરંતુ મારી દૃષ્ટિએ ગ્રામ વિસ્તાર એ માનવજીવનનો પ્રાણ છે. સામાન્યતઃ જીવન, પ્રાકૃતિક રચના અનુસાર હવા-પાણી અને અન્ન ઉપર નિર્ભર છે. હવા-પાણી અને અન્ન પર્યાવરણ આધારિત છે. પર્યાવરણ વનસ્પતિ ઉપર આધારિત છે. જેમ કે હવા અમુક તત્ત્વોની બનેલી છે. (હાઈડ્રોજન, ઑક્સિજન વ.) જેમાંથી સ્થળચર, જળચર, નભચર અને પાતાળચર જીવો પ્રાણવાયુ લઈને અંગારવાયુનો નિસર્ગ કરે છે. તેને વનસ્પતિ ગ્રહણ કરીને પર્યાવરણને સમતુલિત કરે છે. સમતુલિત પર્યાવરણ ઋતુચક્રની પ્રક્રિયાને કાયમ રાખે છે. આવી પ્રક્રિયાથી વરસાદ પડે છે. વરસાદ પડતાં વનસ્પતિનો વિકાસ થાય છે. અન્ન, શાકભાજી, ફળના દરેક જાતિના છોડ ઝાડ પર એક વનસ્પતિ છે.

આપણે સહજ રીતે સ્વીકારીએ છીએ કે જંગલો પર્યાવરણને સમતુલિત કરે છે અને વરસાદ પણ તેને આભારી છે. આ જંગલોનું પ્રમાણ કેટલું ? શું દરેક ગ્રામ વિસ્તારમાં જંગલો ખરાં ? ખેતરોના ખૂણે-ખાંચરે જે ઝાડ હતાં તેનો પણ નાશ થવા લાગ્યો છે. જો આ સમુલનનું ચક્ર ગોકળ-ગાયની ગતિએ ચાલુ હોય તો તે પણ ગ્રામ વિસ્તારની ખેતીને આભારી છે. જો ઋતુઓનું વ્યવસ્થિત ચક્ર ચાલે તો પ્રારંભિક વરસાદથી સમગ્ર ધરતી હરિયાળી બને છે. ધરતી હરિયાળી બનતાં પર્યાવરણને સમતુલિત કરીને વર્ષાને ખેંચી લાવે છે કે જેનાથી ચોમાસુ પાક અને જળસ્ત્રોતની વ્યવસ્થા થાય છે. ચોમાસુ પાક પૂર્ણ થતાં વનસ્પતિ સુકાય છે, પરંતુ જળસ્ત્રોત કાયમ રહે તો શિયાળુ પાકની વનસ્પતિ તૈયર થાય છે. આવી વનસ્પતિ ઝાકળ અને પિયતથી હરિયાળી બનતાં પર્યાવરણને સમુલિત કરે છે. આ સમય દરમિયાન જળસ્ત્રોત જમીનમાં નીચે ઊતરતા જાય છે, જે વૃક્ષોના મૂળ દ્વારા ગ્રહણ કરતાં વૃક્ષો હરિયાળાં બનીને ફળ-ફૂલથી લહેરાતાં હોય છે. આ હરિયાળી જેટલી સુઘડ એટલો ચોમાસાનો વરસાદ સારો.

આ એક કુદરતી ચક્ર છે જેને ચલાયમાન રાખવા માટે ગ્રામ વિસ્તારની ખેતી અનિવાર્ય પરિબળ છે. આ એક સનાતન સત્ય છે. જેને આપણી ભૌતિકવાદી માનસિકતા સમજે કે ન સમજે, પરંતુ જ્યાં અનરાધાર વર્ષા થતી હતી ત્યાં જંગલોનો નાશ થતાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતી જાય છે અને જ્યાં સિંચાઈ કે અન્ય જળસ્ત્રોતની વ્યવસ્થા કરીને ધરતીને હરિયાળી બનાવવામાં આવે છે, ત્યાં ભૂતકાળમાં ન થતો હોય તેવો વરસાદ થાય છે. ગ્લોબલ વોર્મિંગ અને જંગલોનો વિનાશ પણ ગ્રામ વિસ્તારના વિકાસના અભાવનું પરિણામ છે. જેનો વિકાસ નથી તે ક્યારે આપત્તિનું કારણ બનશે તે નિશ્ચિત નથી હોતું.

એક અનુભવસિદ્ધ હકીકત જણાવું તો આશ્ચર્ય પામવા જેવું નહીં હોય, કારણ કે તે ક્યારેય પણ અનુભવી શકાય તેમ છે. અમે નાના હતા એટલે કે ચાલીસ વર્ષ પહેલાં ભર ઉનાળામાં જુવાર, ટમેટી કે અન્ય પાકમાં રાત્રે પાણી વાળ્યું હોય અને બપોરે જાડ તળે આરામ કરતા હોઈએ ત્યારે જે ઠંડકનો સ્પર્શ થતો તે એટલો આહલાદક હતો કે ક્યારે સૂઈ જવાય તેનું ભાન રહેતું નહીં. તેવી જ રીતે શિયાળામાં ખેતરમાં પાણી વાળ્યું હોય અને પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ એવી હૂંફ રહેતી કે ખુલ્લા શરીરે સૂઈ જવાનું મન થાય, જો આવા વાતાવરણની સામાન્ય સંજોગોમાં વ્યવસ્થા કરી શકાય તો ન જરૂર રહે ઍરકન્ડિશનની કે ન જરૂર પડે હીટિંગ સિસ્ટમની.

વિજ્ઞાન દ્વારા સિદ્ધ થયેલ છે કે કુલિંગ સિસ્ટમમાં જે ગૅસ વપરાય છે, તેનાથી ઓઝોનના પડમાં ગાબડું પડે છે અને તેથી સૂર્યનાં કિરણો જે ગળાઈને આવવાં જોઈએ તે સીધાં જ પૃથ્વી પર પડે છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીે. આ ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણની સમતુલા જોખમાય છે, અને ઋતુચક્રમાં ફેરફર થાય છે. પરિણામે અતિ ગરમી, ઠંડીથી પૂરહોનારતો કે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. ભૌતિક વિકાસ કે વિજ્ઞાન ક્યારેય પ્રકૃતિની બરોબરી નહીં કરી શકે તે આપણે સાનમાં સમજીએ તો સારું, અન્યથા આપણો વિનાશ આપણા હાથે જ થવાનો છે તેમાં કોઈ બેમત નથી. પ્રકૃતિથી જેટલા દૂર ભાગીએ છીએ એટલા વિનાશની નજીક જઈ રહ્યા છીએ, તે વર્તમાનના અનુભવો દ્વારા સિદ્ધ થાય છે. જો જીવન જીવવાની જિજીવિષા હોય તો જ્યારથી સભાનતા કેળવીએ ત્યારથી ચેતવું રહ્યું.

ગ્રામ વિકાસના અભાવ સામાન્ય બુદ્ધિથી સમજાય તેવાં અનેક તથ્યો આપણી નજર સમક્ષ છે, પરંતુ આપણી સમજણ ઉપર ભૌતિક જીવનનાં પડળ(પડદા) પડેલ છે કે તે સમજી શકતા નથી. જેમ કે ગ્રામજીવનના બુદ્ધિમંતો શહેર તરફ સ્થળાંતર કરતા, જેના સહકારથી ગ્રામવિકાસ થઈ શકે તેવી વ્યક્તિઓના અભાવમાં વિકાસ માટેની જે બૌદ્ધિક શક્તિ જોઈએ તે ઓછી થતી જાય છે. પરિણામે ગ્રામ વિસ્તાર માર્ગદર્શન વિહીન બનતો જાય છે. માર્ગદર્શનના અભાવમાં રાજકારણનો અનિષ્ટ પ્રભાવ પડતાં ગ્રામજીવન નંદવાતું જાય છે. જો આ જ નંદવાયેલ ગ્રામજીવનને નંદનવન બનાવવામાં આવે તો શહેર અને રાષ્ટ્ર પણ નંદનવન બની શકે છે.

શહેરી અને ગ્રામ વિસ્તારોમાં મર્યાદિત ક્ષેત્રનો સમૂહ બનાવીને તેના મૂળભૂત પ્રશ્નો, મુશ્કેલીઓ અને વિકાસને અંતરાયરૂપ હોય તેવાં પરિબળોના માનવતાના ધોરણે ઉપાય કરવામાં આવે તો સામાજિક જીવન નિર્ભય બનીને વાસ્તવિક વિકાસ તરફની પ્રયાણ કરશે. આવા વિકાસમાં સુલેહ, શાન્તિ સ્થાપતાં અશાન્તિ, અરાજકતા, ગુનેગારીનું પ્રમાણ નિર્મૂળ થતાં, સમાજમાં માનસિક અજંપો દૂર થઈને સહિષ્ણુતા વધશે, પરિણામે સામાજિક એખલાસ, પ્રેમ, દયા, અહિંસા અને માનવ-મૂલ્યો જે કાલ્પનિક ભાવે સમજાય છે, તે વાસ્તવિક સ્વરૂપે અનુભવાય.

મનુષ્યનું સર્જન ભૂળભૂત રીતે ઐશ્વરીય ગુણોથી સંપન્ન હોય છે અને ઐશ્વરીય ગુણો પૉઝિટિવ એટલે કે સકારાત્મક સ્વરૂપના છે. સકારાત્મક સ્વરૂપના ગુણોનો નિચોડ પ્રસન્નતા છે. એટલે કે પ્રસન્નતા દરેક ગુણોનો અર્ક છે જેમાં સુખ, શાન્તિ અને આનંદ પણ આવા ગુણોનો અંશ છે. તેવી જ રીતે ક્યારેક માનવીય દૃષ્ટિમાં આપણે જેને દુઃખ સમજતા હોઈએ તે પણ પ્રસન્નતાનો અંશ હોય છે. દરઅસલ આ એક પ્રકૃતિની સકારાત્મક પ્રક્રિયા છે, જેને માનવી હંમેશાં પ્રયત્નપૂર્વક અનુસરવા ઇચ્છતો હોય છે અને આવી ઇચ્છાઓને બળવાન બનાવવા માટે ધર્મ તેમજ માનવહિતચિંતકો પ્રેરક માર્ગદર્શન કરીને આચરણ કરતા હોય છે.

આ એક ઐશ્વરીય આસક્તિ આધારિત પરમશક્તિ તરફનો માર્ગ છે, જેને આપણે સકારાત્મક માર્ગ તરીકે સમજીએ છીએ. જ્યારે તેનાથી વિમુખ દરેક માર્ગ નકારાત્મક હોય છે. માનવી જ્યારે દિશાવિહીન બની જાય છે, ત્યારે ક્યા માર્ગે ચાલવું તેનો ખ્યાલ રહેતો નથી એટલે જે માર્ગે વધુ સમૂહ ચાલતો હોય તે તરફ પ્રયાણ કરે છે. આપણે જાણે-અજાણે આવા સમૂહનો ભોગ બની જતા હોઈએ છીએ. આપણી પાસે દરેક ભૌતિક વૈભવ હોવા છતાં પણ પ્રસન્ન ન રહી શકતા હોઈએ, ત્યારે માનવું રહ્યું કે આપણે સકારાત્મક માર્ગથી વિમુખ છીએ અને દુન્વયી દૃષ્ટિમાં કંગાળ હોવા છતાં કાયમ પ્રસન્ન રહેતા હોઈએ તો માનવું કે આપણે સદ્‌માર્ગે છીએ.

વર્તમાન સમયમાં માનવ-સમાજ અનેક કારણોસર વિભાજિત અને વેરણ-છેરણ છે, તેને એકત્ર કરવો ભલે કઠિન લાગતો હોય, પરંતુ એકત્ર નહીં થાય તો તેની આડઅસરો ગંભીર સ્વરૂપની છે. તે સામાન્ય બુદ્ધિથી પણ સમજાય તેમ છે. સામાન્યતઃ તેની પ્રથમ ગંભીર અસર સનિષ્ઠ સમાજથી અલગ રહેતાં સામાજિક શિસ્તનો અભાવ વર્તાય છે. જ્યાં સુધી સામાજિક શિસ્ત નહીં કેળવાય ત્યાં સુધી કાણા પાત્રમાં પાણી સંગ્રહવા જેવી બાબત છે. સમાજરૂપી પાત્રમાં જીવનના પ્રાણપ્રશ્નો રૂપી કાણાં છે. આવાં કાણાંનું નિરાકરણ કરવામાં ન આવે ત્યાં સુધી વિકસિત અને પ્રસન્ન સમાજ માટેની અપેક્ષા ફક્ત કલ્પના અને સ્વપ્નથી વિશેષ કંઈ નથી. ટૂંકમાં, જે તે સ્થાનિક વિસ્તારનો વિકાસ કરવામાં નહીં આવે ત્યાં સુધી માનવસમાજનો સ્થળાંતરનો દોર ચાલુ રહેશે અને જે સ્થળાંતર મજબૂરી અને સામાન્ય સુવિધાના અભાવમાં થશે તે હંમેશાં અનિષ્ટ જ સર્જશે, તેમાં કોઈ શંકા નથી.

કોઈ પણ સક્ષમ સત્તા કે માનવ-કલ્યાણના હિતેચ્છુઓ તેમના પ્રોજેક્ટના ભાગરૂપે ગ્રામ વિસ્તાર કે પછાત વિસ્તારોમાં આધુનિક સુખસુવિધાઓની વ્યવસ્થા કરે, પરંતુ તે જ વિસ્તારમાં સમાજના માનવીય તેમજ આર્થિક વિકાસ માટેનું પ્રયોજન ન કરે તો ગધેડા ઉપર અંબાડી ગોઠવવા જેવું વરવું પ્રદર્શન છે. જો કે આધુનિક સુખ-સુવિધાના નામે જ્યાં ધતિંગ જ ચાલતાં હોય ત્યાં સામાજિક વિકાસની વિચારણા, દંભ સિવાય કંઈ નથી હોતું. તેનાં વાસ્તવિક પ્રમાણ જોઈતાં હોય તો શહેરી તેમ જ ગ્રામ વિસ્તારોમાં જુદા-જુદા રાજકારણીઓને નામે આકાર પામતી આવાસયોજનાઓનો સર્વે કરવો રહ્યો. આપણે ખરેખર અને ઈશ્વરસાક્ષીએ માનવકલ્યાણ ઇચ્છતા હોઈએ તો સ્થાનિક સમૂહની જાગૃતિ સિવાય શક્ય નથી. તેનાં પ્રમાણ જોઈતાં હોય તો એવા કેટલાય ગ્રામ વિસ્તાર છે કે ગામના મોભીઓના સંનિષ્ઠ માર્ગદર્શન અને સ્થાનિક સમાજના સહકારથી માનવીય જીવનને પરિપૂર્ણ રીતે માણે છે.

ગ્રામ વિસ્તારનો વિકાસ કરવો હોય તો તેના મૂળભૂત પહેલુઓને સમજવા રહ્યાઃ

૧. ગ્રામજીવન ખેતી આધારિત હોય છે અને તે સિઝન આધારિત હોય છે. સિઝન પર્યાવરણ એટલે કે ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળાની ગરમી આધારિત હોય છે. આ ત્રેમાં કોઈ એકનો અભાવ વર્તાય છે, ત્યારે ખેતી નિષ્ફળ જતી હોય છે.

ધારો કે ત્રણે ચક્ર વ્યવસ્થિત ચાલે છે અને ખેતીમાં સફળતા મળે છે, પરંતુ ખેતીની પ્રક્રિયા સમયાન્તરે પૂર્ણ થતી હોય છે. આથી વર્ષમાં તૂટક-તૂટક પ્રક્રિયાને સળંગ ગણીએ તો ત્રણથી ચાર માસ જેટલું કામ રહેતું હોય છે. બાકીનો સમય બિન ઉપજાઉ તરીકે વ્યર્થ જતો હોય છે.

ર. વસ્તીવધારાને ધ્યાનમાં લઈએ તો આઝાદી પછી પણ એક કુટુંબમાંથી ઓછામાં ઓછાં પાંચથી દસ કુટુંબ બન્યાં છે. કુટુંબમાંથી કુટુંબ જન્મ્યાં, પરંતુ તેના પ્રમાણમાં જમીનમાંથી જમીન જન્મી નથી, એટલે જમીનના ટુકડા થયા, ટુકડા થતાં જમીનનું જે મૂળ તળ હતું તે ઓછું થવા લાગ્યું.

૩. જમીનની ફળદ્રુપતા પ્રાકૃતિક સત્ત્વો આધારિત રક્ષાતી હોય છે. જો આવાં સત્ત્વો કૃત્રિમ રીતે પૂરાં પાડવામાં આવે તો વર્ષ પ્રતિવર્ષ તેની ફળદ્રુપતાનું હનન થતું હોય છે અને સમયાન્તરે ફળદ્રુપતાહીન બની જાય છે.

જેમ કે સિંચાઈનો સ્ત્રોત કુદરતી પાણી એટલે કે નદીના, તળાવના કે ચેકડેમના હોય તો જમીન અને પાક માટે ભોગ્ય છે. પરંતુ જમીનમાંથી એટલે કે સબપંપ દ્વારા પૂરું પાડવામાં આવે ત્યારે તે ક્યારેક જમીન માટે અભોગ્ય હોય છે, તેવી જ રીતે સેન્દ્રીય ખાતર ભોગ્ય અને કૃત્રિમ ખાતર (રાસાયણિક ખાતર) અભોગ્ય હોય છે.

૪. આર્થિક ભીંસના કારણે પરંપરાગત ખેતી થતી હોય છે, જેમાં પ્રવર્તમાન સુધારા-વધારાનો અભાવ વર્તાય છે.

પ. વસ્તીના પ્રમાણમાં જમીન અસમાનપણે વહેંચાયેલ હોય છે. આથી સીમાન્ત ખેડૂતોએ ખેતી ઉપર જે ધ્યાન આવું જોઈએ તે આપી શકતા નથી અને નાના ખેડૂતો સ્વમાનના ભોગે સીમાન્ત ખેડૂતોને મદદ કરી શકતા નથી. પરિણામે બંને પક્ષે સહન કરવાનું થાય છે.

૬. સીમાન્ત ખેડૂતોનો ઝોક દિન-પ્રતિદિન શહેરીકરણ અને રાજકારણ તરફ ઢળતો જતો હોવાથી ગ્રામ વિસ્તાર તરફ ઉદાસીન બનતા જતા હોય છે.

૭. મહત્તમ ગ્રામ વિસ્તારોમાં આધુનિક સગવડો અને સંસ્કરણના અભાવમાં વૈશ્વિક પ્રવાહથી વંચિત રહે છે અને માનસિક રીતે લઘુતાગ્રંથિથી પીડાતો હોય છે.

૮. ગ્રામ વિસ્તારની રચના આયોજન વગરની હોવાથી જે સુઘડતા પ્રતિબિંબિત થવી જોઈએ તે થતી નથી. પરિણામે પ્રકૃતિની ગોદમાં હોવા છતાં તેનું જે સાનિધ્ય પ્રાપ્ત થવું જોઈએ તેનાથી વંચિત હોય છે. અપવાદરૂપ વિસ્તારોએ જ્યાં આયોજન કરેલું છે, ત્યાં વાસ્તવિક આનંદ અને પ્રસન્નતા અનુભવાય છે.

૯. અપવાદરૂપ ગ્રામ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં પરંપરાગત માનસિકતા પ્રવર્તમાન હોવાથી ખોખલો અહં સંતોષાતો હોય છે. આવો અહં જ્યારે ગુરુતાગ્રંથિને પોષતો હોય છે, ત્યારે વૈશ્વિક પ્રવાહથી અલિપ્ત બને છે.

આપણી દૃષ્ટિમાં ગ્રામવિસ્તાર અને જીવનની જે પરિકલ્પના કરીએ છીએ તેમાં ઉપરોક્ત દાગ તેની અસ્તીમાને તેજહીન બનાવનારા છે. આવા દાગ લોકજીવનના હૃદય કે કલેજા ઉપર અંકિત નથી, પરંતુ માનસિક તટભૂમિ ઉપર સર્જાયેલ છે. માનસિક ભૂમિ પ્રવાહીની સપાટી જેવી હોય છે, પ્રવાહીની સપાટી ઉપર પથ્થર ફેંકવાથી જેમ તરંગો સર્જાઈને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેમ માનસિક ભૂમિ ઉપર દાગરૂપ કાંકરાથી સર્જાયેલ તરંગો અવશ્ય સમાપ્ત થશે તેમ માનવીય સંસ્કરણથી માનવું રહ્યું.

આપણે વૈશ્વિક વિકાસના સંદર્ભમાં આપણા પર્યાવરણ અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વગર વિકાસનાં સ્વપ્ન જોઈએ છીએ. ખરેખર તો જે રાષ્ટ્રો પોતાની ભૌગોલિક સ્થિતિને નજર સમક્ષ રાખીને વિકાસનું આયોજન કરતા હોય છે, ત્યાં તેમના લક્ષ્યાંક સિદ્ધ થતા હોય છે. એટલે કે જયાં પ્રાકૃતિક પર્યાવરણ ખેતીને લાયક હોય ત્યાં ખેતીનો વિકાસ કરવામાં આવે તો તેમાં ઇચ્છિત વિકાસ હાંસલ કરી શકાય, પરંતુ જો તેનાથી વિપરિત સ્થિતિ હોય તો ઔદ્યોગિક વિકાસ માટેનું આયોજન કરવું રહ્યું. જો તેમ ન કરવામાંઆવે તો વિરુદ્ધનાં પરિણામ ભોગવવાં રહ્યાં. આપણે આપણી ભૌગોલિક સ્થિતિ અનુસાર પ્રકૃતિથી વિરૂદ્ધનું વર્તન કરતા હોયઈએ તેવું સમજાય છે, જે સ્થાનિક તેમ જ વૈશ્વિક કક્ષાએ પ્રાકૃતિક રચનાથી વિરૂદ્ધનું વર્તન છે, કારણ કે વિશ્વને જેટલી જરૂર ભૌતિક સાધનોની છે એનાથી વધારે અન્નની જરૂરિયાત છે. વૈશ્વિક રાષ્ટ્રોમાં જ્યાં ખેતી માટેનું પ્રાકૃતિક પર્યાવરણ નથી, ત્યાં કૃત્રિમ વ્યવસ્થા કરીને પોતાની જરૂરિયાતનો સંતોષવા પ્રયત્ન કરતા હોય છે કે જે પ્રાકૃતિક રીતે સત્ત્વહીન હોય છે. માનવસમાજનો વિકાસ પ્રાકૃતિક સર્જનના તાત્પર્યે સિદ્ધ કરવાના હાર્દમાં છે અને એટલે જ કાળક્રમે અવનવાં ભૌતિક સાધનોની શોધ થતી હોય છે કે જેથી વૈશ્વિક માનવસમુદાય એકબીજાનો પૂરક બને. જો તેમ ન હોય તો આજ પર્યન્ત અનેક યુગો થઈ ગયા. ત્યારે આવું વિજ્ઞાન કે વૈજ્ઞાનિક નહોતા. આપણે જે પણ શોધ કે સંશોધન દ્વારા પ્રાપ્ત કરીએ છીએ તે સૃષ્ટિના નિર્માણ સાથે જ નિર્મિત થયેલ છે પરંતુ તે તેની જ્યારે જરૂરિયાત પડે છે ત્યારે જ આવિષ્કાર સ્વરૂપે પ્રાપ્ત થાય છે.

આપણે સર્જનહારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે પ્રાકૃતિક સંપદા સાથે પ્રમાણસરનાં ઋતુચક્ર પણ પ્રાપ્ત થયેલ છે. જો તેનો ઉપયોગ કરતાં આવડે તો ખરેખર ઈશ્વરની હયાતી છે તેનો નક્કર વિશ્વાસ, વૈશ્વિક સમાજ ને કરાવી શકાય. સામાન્યતઃ પૂર્વનાં રાષ્ટ્રો માટે એવી વાયકા પ્રચલિત છે કે તે આધ્યાત્મિક એટલે કે ઈશ્વરની સમીપ છે. જો આ વાયકાની વાસ્તવિકતા સમજવી હોય તો સમગ્ર ભૂખંડની જે રચના થયેલ છે તે રચના અનુસારની દરેક પ્રતીકાત્મક રચના ભારતમાં છે, જેમ કે વિશ્વના અમુક દેશોમાં હિમવર્ષા કે બરફ આચ્છાદિત ક્ષેત્ર હોય છે, (સિવાય કે પ્રાકૃતિક પર્યાવરણને અસમતુલિત કરતાં તે ગુમાવ્યું હોય) જે આપણને મળ્યું છે, રણ તો કચ્છમાં તેનું પ્રમાણ જોવા મળે ે. સમથળ ભૂમિ કે જે રાષ્ટ્રમાં દરેક વિસ્તારમાં જોવા મળે છે. સમુદ્રો, નદીઓ, સરોવરો, જંગલો, ખનીજ આપણને વરદાનરૂપે મળે છે. આપણી પ્રાકૃતિક તેમ જ મનવીય આચારસંહિતાના સંદર્ભમાં વૈશ્વિક ધર્મો અને તેની આચારસંહિતા આપણા ત્યાં પ્રવર્તમાન છે. પ્રાકૃતિક તેમ જ માનવીય એવી કઈ શક્તિ છે કે જેનાથી આપણે વંચિત છીએ ? જો આવાં તારણોમાં કોઈ ઊણપ વર્તાય તો તે આપણી માનસિક નબળાઈ છે.

આપણે જ્યારે સર્વ શક્તિઓથી સંપન્ન હોવા છતાં અલ્પવિકસિત, ગરીબ અને સામાજિક રીતે અછૂત (વૈશ્વિક કક્ષાએ) હોવાનું કપાળે કલંક લઈને ફરતા હોઈએ ત્યારે અસહ્ય બની જાય છે. ભારતનો કોઈ પણ નાગરિક એમ માનતો હોય કે હું આવા કલંકથી મુક્ત છું તો તે તેનો ભ્રમ છે, જો તેનાં પ્રમાણ જોઈતા હોય તો વૈશ્વિક ધનિકોની યાદીમાં આવતા ઉદ્યોગપતિના ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં જે અંતરાય ઊભા થયેલા તેના હાર્દમાં જવું રહ્યું. વિશ્વનો સૌથી સોફેસ્ટિક, ગ્લેમર અને ઓપનહાર્ટ (ખુલ્લા હૃદય)નું ક્ષેત્ર કલાક્ષેત્ર છે, તેમ છતાં તેમાં પણ અછૂતપણાનાં બખડજંતર જગમશહૂર છે. આપણા એન.આર.આઈ. ભારતમાં ન રહેતા હોય તેવા ભારતીયોનું અંતઃકરણપૂર્વક બહુમાન કરીએ છીએ પરંતુ તેઓ જે દેશમાં રહેતા હોય તેવા દેશમાં તેમનાં માન, સ્વમાન અને આત્મગૌરવ બાબતે શું અનુભવ છે તે જાણવા રહ્યા.

કદાચ આપણે આવું વૈચારિક પ્રસ્તુતિકરણ ઠોકમ-ઠોક અને દરેક ક્ષેત્રના શંભુમેળા જેવું અનુભવાતૂ હશે, પરંતુ જો માનવીને મધ્યબિન્દુએ રાખીએ તો અવશ્ય તેનું સ્પષ્ટીકરણ સમજાશે. કારણ કે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં અથઃ અને ઈતિ માનવ છે. આ માનવની ઓળખ અને તેને સમજવાનાં આપણાં જે પણ ધારા-ધોરણ હોય, પરંતુ કોઈ એક ચોક્કસ ઓળખ સ્થાપિત નથી કરી શક્યા તે દીવા તળે અંધારા જેવી સ્પષ્ટ હકીકત છે. આ હકીકતને વિસ્તૃત સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો અલગ ગ્રંથોની રચના કરવી પડે તેમ છે. આથી તેને ટૂંકમાં સમજવા પ્રયત્ન કરીએ.

આ સૃષ્ટિ અને તેનું સર્જન પરમશક્તિની સકામ ભાવનાઓનું પરિણામ છે. આ ભાવનાઓને સમજવા માટે દરેક સર્જનની વિશેષ ઓળખ આપેલ છે. આ ઓળખથી આપણી સમજણનું ધ્રુવીકરણ થતું હોય છે અને તે દ્વારા અનુભવ અને અનુભૂતિ થાય છે. આદ્યથી અનંત સુધી જેનું સર્જન થાય છે, તેને આપણી જ્ઞાનેન્દ્રીયની જે પરિસીમા પ્રાપ્ત કરી હોય તે દ્વારા તેની ઓળખ અને ત્યાર બાદ તેનું નામાભિધાન (નામ રાખીએ) કરીએ છીએ. આવા નામાભિધાનથી સમગ્ર સૃષ્ટિને સમજતા હોઈએ છીએ. જેમ કે આકાશનું નામ સાંભળીએ છીએ ત્યારે તેની વિશાળતા અનુભવાય છે, અગ્નિનું નામ પડતાં તેની દાહકતાની અનુભૂતિ થતી હોય છે. તેમ તેના અન્ય સર્જન જેવાં કે પશુ પક્ષી કીટ જગત કે વનસ્પતિ જગત હોય. આપણે જ્યારે પશુજગતમાં સિંહનું નામ લઈએ ત્યારે તેની નીડરતા અને ગર્જનાથી અભિભૂત થતા હોઈએ છીએ. તેવી જ રીતે અન્ય પશુ-જગતના નામ સાથે અનુભૂતિનો અણસાર મળે છે. પક્ષીજગતમાં જ્યારે કોયલનું નામ જબાન ઉપર આવે તે પહેલાં તેના મીઠા ટહુકાનો અણસાર આવી જાય છે. મોરના નામ સાથે સુંદરતા અને નૃત્ય ચિત્તને જાગૃત કરી જાય છે. જ્યારે વનસ્પતિમાં જેમ ગુલાબનું નામ કર્ણેન્દ્રિય ઉપર પડતાં જ સુગંધની અનુભૂતિ કરીએ છીએ તેમ આમ્રવૃક્ષનું નામ આવતાં જ તેનાં અમ્રફળ અને છાયા ચિત્તમાં ઝબકી જાય છે.

આવું જ જ્યારે મનુષ્ય માટે વિચારીએ કે બોલીએ છીએ ત્યારે તેની કોઈ એક ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થતી હોય તેવું અનુભવાતું નથી. જેવી રીતે અન્ય સર્જનોમાં અનેક વિવિધતાઓ હોવા છતાંય એક ચોક્કસ ઓળખથી અનુભૂતિત થવાય છે, તેવી મનુષ્યની અનેક વિવિધતાઓમાં કોઈ એક ચોક્કસ પ્રકારની અનુભૂતિ અનુભવી શકાતી નથી. કદાચ મારી જ્ઞાનેન્દ્રિયોની મર્યાદાઓને કારણ આવી અનુભૂતિ નહીં અનુભવી શકાતી હોય તેમ સમજવા છતાં, સમગ્ર મનુષ્યજાતિઓમાંથી મનુષ્ય માટે કોઈ એક ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત કરતો હોય તેવો સમૂહ પ્રવર્તમાન હોય અને તે જાણી શક્યો ન હોય તો તે મારી મર્યાદા છે.

જો રજૂ થયેલ પ્રસ્તુતિકરણ મોઘમ સ્વરૂપનું લાગતું હોય તો તેને સહજ રીતે સમજવા પ્રયત્ન કરીએ. જેમ કે વૈશ્વિક માનવ સમુદાય અનેક ધર્મો, સંપ્રદાયો, જાતિઓ તેમ જ સામાજિક ફાંટાઓથી ઓળખાય છે. આવી ઓળખ ક્યારેક એકબીજાની વિરુદ્ધની હોય છે. જ્યાં વિરુદ્ધ ભાવ હોય ત્યાં ઐક્યનો છેદ ઊડી જાય છે અને જ્યાં ઐક્યનો છેદ ઊડે ત્યાં માનવીની ઓળખ પણ બદલાઈ જાય છે.

એટલે કે જેમ સિંહો વૈશ્વિક ફલક ઉપર અલગ-અલગ દેશોમાં હોવા છતાં તેમની નીડરતાનો સામાન્ય ગુણ એક હોય છે, વૈશ્વિક મોર કાળા-ધોળા અને સપ્તરંગી હોવા છતાં તેમનો નૃત્ય કળાનો સ્વભાવ એક હોય છે. વનસ્પતિની અનેક જાત હોવા છતાં છાંયો, ફળ અને અન્ન આપવાની પ્રક્રિયાનાં ગુણ એકજ હોય છે. તેવું મનુષ્ય જાતિમાં ખરું ? આપણે મનુષ્યને કોઈ સામાન્ય ઓળખથી ઓળખીશું ? કે જેનાથી વિશ્વાસ-જનક પ્રીતિ કરી શકાય ? માનીએ કે આ પૃથ્વી અને બ્રહ્માંડમાં જ્યાં જેટલા મનુષ્ય હોય, તેટલા સ્વભાવ હોય પરંતુ વિશ્વાસજનક પ્રીતિ કરી શકાય તેવો કોઈ સામાન્ય (ર્ષ્ઠદ્બદ્બટ્ઠહ) સ્વભાવ ખરો ?

આમ જોવા જઈએ તો આ અટપટો પ્રશ્ન છે, પરંતુ તેનો જવાબ સમજવા પ્રયત્ન કરીશું તો બિલકુલ સરળ છે. આપણી માનસિકતા સ્વભાવ કે ઓળખ ભલે ભિન્ન હોય પરંતુ જો તે “માનવતા”ના ગુણથી સિંચિત હશે તો ભિન્ન વ્યક્તિત્વ વાળા મનુષ્યો પણ એક હોવાનો અનુભવ થશે. અનુભવ વિશ્વાસ અને અવિશ્વાસનો જન્મદાતા છે. વિશ્વાસ સદ્‌ગુણોનું પરિણામ છે; અને વિશ્વાસનું પરિણામ માનવતા છે. માનવતા ભાવનાત્મક અભિરૂચિનું વિચાર-મંથન છે, જેનો આધાર પ્રકૃતિ અને તેના સર્જનના વ્યવહારમાં છે. જેને સહજ રીતે સમજવું હોય તો.....

જેમ કે સમૂહમાં બે પક્ષ હોય તેમાં એક પક્ષ હિન્દુ, બીજો પક્ષ મુસ્લિમનો હોય. તેઓ હિન્દુ અને મુસ્લિમ તરીકે ઓળખાય છે, હિન્દુમાં અનેક સંપ્રદાયો છે, તેમાં કોઈ શિવ, વૈષ્ણવ, સ્વામિનારાયણ અને તે સિવાય અનેક અગડમ-બગડમ સંપ્રદાયો હોય છે કે જેઓ માનવી તરીકે ઓળખાવાના બદલે જે તે સંપ્રદાયોથી ઓળખાય છે. મુસ્લિમ તો તેમાં પણ શિયા અને સુન્ની તરીકે ઓળખાવાનું પસંદ કરતા હોય છે. આવી ઓળખ અધૂરી હોય તેમ કોઈ જ્ઞાતિ, પેટા જ્ઞાતિ તરીકે મચ્છર, માંકડ, હાથી અને અજગર જેવા નામ-સરનામાથી ઓળખાય છે, માનીએ કે વિશ્વમાં જેટલો જન સમુદાય હોય તેટલા ધર્મ, સંપ્રદાય હોય તેની સાથે કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ આવી ઓળખમાં કોઈ સામાન્ય (કોમન) ઓળખ ન હોય ત્યારે અનેક અનર્થ સર્જાય છે. દાખલા તરીકે મુસ્લિમ ધર્મમાં શિયા અને સુન્ની સંપ્રદાય વચ્ચેનો ગજગ્રાહ જગપ્રસિદ્ધ છે. હિન્દુ ધર્મમાં વાણિયા, કાણીયા અને સ્વામિનારાયણિયા વિશેની માનસિકતા, જૈનો માટે ભીંતે ચીતર્યો પણ ખોટો જેવી હીન ભાવના, જ્યારે કોઈક સંપ્રદાય માટે તો એવું વિચારાય છે કે ગાંડો હાથી અને સંપ્રદાયી વચ્ચે ફસાવાય તો ફસાયેલ વ્યક્તિએ ગાંડા હાથી તરફ જવાય, પરંતુ સંપ્રદાયી તરફ નહીં જવાની સલાહ, જે તે ધર્મ કે સંપ્રદાયના હાર્દનો છેદ ઉડાડવા જેવો હોય છે. આવી બાબતોમાં ખોટું લગાડવાના બદલે આપણી માનસિકતા વિશે વિશેષ વિચારવું રહ્યું.

સામાન્યતઃ દરેક સર્જનની ઓળખ મહત્તમ અંશે તેના ગુણો આધારિત હોય છે, અને તે લગભગ પ્રાકૃતિક હોય છે. મહત્તમ અને લગભગ એટલા માટે કે માનવસંસર્ગથી તેમાં ઓટ વર્તાતી હોય છે. શું મનુષ્યની આવી કોઈ પ્રાકૃતિક ઓળખ ખરી ? સામાન્ય અનુમાન અને અનુભવ મુજબ મનવ સિવાયનું સર્જન તેા મૂળભૂત ગુણ સાથે જન્મે છે અને અસ્ત પામે છે. જ્યારે માનવે તેના સદ્‌ગુણ કેળવવા પડે છે. ક્યારેક આવા સદ્‌ગુણ પૂર્વજન્મથી (કેરી ફોરવર્ડ) જમા-ઉધાર થતા હોય છે. તે અલગ બાબત છે. આવા સદ્‌ગુણો માનવીય જીવનમાં કરેલ સત્‌કર્મ આધારિત છે, જે ભાવનાત્મક અભિરુચિમાંથી ઉત્પન્ન થાય છે.

ભાવનાત્મક રુચિ સમજવી હોય તો આપણે આપણો માનવીય વ્યવહર સમજવો રહ્યો. આપણો જીવનવ્યવહર ધર્મ અને પ્રવર્તમાન કાયદા અનુસારનો હોય છે. ધર્મ અને કાયદા અનુસારના વ્યવહારમાં તેનું હાર્દ સમજીએ અને તે મુજબ વર્તન કરીએ તો તે સત્કર્મમાં પરિણમે છે, જેમ કે ધર્મનું આચરણ ભાવનાત્મક સ્વરૂપનું હોય છે. જ્યાં સુધી આપણા આચરણ અને વર્તન દ્વારા ભાવોનું સર્જન ન કરી શકીએ ત્યાં સુધીનું આપણું કર્મ વંધ્ય હોય છે. આવો ભાવ સ્વાર્થપ્રેરિત હોય ત્યારે તે નકારાત્મક સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ જ્યારે પરમાર્થ સ્વરૂપનો હોય છે, ત્યારે સકારાત્મક સ્વરૂપ ધારણ કરે છે. નકારાત્મક સ્વરૂપના ભાવથી આપણો સ્વાર્થ તો સિદ્ધ થાય છે, પરંતુ તે ક્ષણભંગુર હોય છે. ક્ષણભંગુર એટલા માટે કે તે ઐશ્વરીય શક્તિને બંધનસ્વરૂપે અનુભવાતો હોય છે, અને તે જ્યારે બંધનમુક્ત થાય છે, ત્યારે આપણે યથાવત સ્થિતિ ધારણ કરીએ છીએ કે ‘ઠેરના ઠેર’ની સ્થિતિનો અનુભવ કરાવે છે. આવી સ્થિતિ બાલ્ય અવસ્થાની હોય કે વૃદ્ધાવસ્થાની છેેલ્લી ક્ષણો હોય, જે જન્મારાને શૂન્યવત્‌ બનાવે છે.

સકારાત્મક સ્વરૂપના ભાવમાં એવું સમજતા હોઈએ કે પરમાત્માને ભૌતિક સ્વરૂપના કોઈ પણ પ્રતીકાત્મક પદાર્થની આહુતિ, શૃંગાર, ધૂપ-દીપ, સંપત્તિ અર્પિત કરીએ તો તે પ્રસન્ન થાય છે તો તે આપણી ભૂલભરેલી માન્યતા છે. સમગ્ર સૃષ્ટિમાં એવું ક્યું સર્જન છે કે જે પ્રકૃતિસર્જિત ન હોય ? આપણી આહૂતિમાં મહત્તમ અંશે ધાન્ય, ઘી-દૂધ કે વધુમાં વધુ અમૃત છે, તો શું આપણે તેનું સર્જન કર્યું છે ? તેવી જ રીતે શૃંગારમાં પુષ્પો, સંપત્તિ, વસ્ત્રો હોય છે, જ્યારે ધૂપ-દીપમાં સુગંધિત દ્રવ્યો અને જ્યોત હોય છે, તે શું આપણે બનાવ્યું છે ? જો તે ન બનાવ્યું હોય તો આપણે કોઈને અર્પણ કરી શકીએ નહીં. કદાચ આપણી માનસિકતા એવી હોય કે આવો દરેક ચડાવો મારી મહેનતના પરિણામ સ્વરૂપે છે, તો જ્યારે મહેનત કરતા હતા ત્યારે આપણી માનસિક સ્થિતિ કયા સ્વરૂપની હતી ? તે અંગે વિચારવું રહ્યું. ખરેખર તો ઈશ્વરનું સર્જન ઈશ્વરને અર્પણ કરીએ છીએ ત્યારે તે સંકોચ અનુભવે છે. કદાચ આવા કારણે જ માનવસમાજ ઉપર ધર્મનો જે પ્રભાવ પડવો જોઈએ તે પડતો નથી. ધર્મ ફક્ત આસ્થાનો વિષય નથી, પરંતુ તેના વાસ્તવિક પ્રભાવને અનુભવી શકાય તેમાં છે, જે, જે તે ધર્મના રચયિતાના જીવનવ્યવહારમાંથી અનુભવી શકાય છે. જો તેમના જીવનવ્યવહારથી અપરિચિત હોઈએ તો ગાંધીજી, મધર ટેરેસા જેવા સંત મહાત્માઓના જીવન વ્યવહાર સમજવા રહ્યા.

કદાચ અષ્ટમ-પષ્ટમ રજૂઆત કરીને કોઈને પોતાના ધર્મથી વિચલિત કરવા કે વિમુખ કરવાનો પ્રયાસ છે, તો તેમાં અપરિપક્વતા કે સમજણનો અભાવ છે, તેમ માનવું રહ્યું. સમગ્ર બ્રહ્માંડમાં માનવી સ્વયંના ભાવ સિવાય કોઈ વિશેષ સર્જન કરી શકતો નથી. ભાવ જીવનનું અમૃત છે અને તેનાથી અમૃતમય જીવન અનુભવી શકાય છે. સામાન્યતઃ ભાવના સર્જનને સમજાવવું અઘરું અને મર્યાદા બહાર છે, કારણ કે તે સ્વયંના અનુભવ અને અનુભૂતિ આધારિત હોય છે. પરંતુ એટલું અવશ્ય કહી શકાય કે જે સ્ત્રોત દ્વારા ભાવાત્મક સ્થિતિનું સર્જન થાય, તેમાંથી જે પ્રસન્નતાપૂર્વકનો ભાવ ઉત્પન્ન થાય છે, તે ભાવ ઈશ્વરને સમર્પિત કરીએ ત્યારે તે આહુતિ સ્વરૂપે સ્વીકારે છે. આહુતિની સ્વીકૃતિમાંથી માનવીમાં ઐશ્વરીય ગુણનું સ્થાપન થાય છે, જે તેનાં વાણી, વ્યવહાર અને વર્તન દ્વાર વ્યક્ત થાય છે. આ પ્રવાહમાં જે પ્રભાવ હોય છે તે ધર્મનું હાર્દ હોય છે.

દરેક ધર્મો તેમ જ માનવીય પ્રબુદ્ધતા એટલું તો અવશ્ય સમજાવે છે, કે ઈશ્વર સર્વગુણસંપન્ન છે, જેને ટૂંકમાં સગુણ સ્વરૂપ કહીએ અથવા તો માનીએ છીએ. આવા જ ગુણમાંથી અમુક ગુણો જ્યારે માનવી ધારણ કરે છે, ત્યારે ઈશ્વર અને માનવીનું ઐક્ય સધાય છે. આવા ઐક્યમાંથી ધર્મનું શાસન સ્થપાય છે અને તેના અનુશાસનથી મોક્ષનો માર્ગ મળે છે.

આપણે જ્યારે ભાવનું મનોમંથન કરતા હોઈએ ત્યારે તે કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેની પ્રક્રિયા સમજવી રહી. અગાઉ તે અંગેની સક્ષમતા જણાવી ચૂક્યો છું, તેમ છતાં ઐશ્વરીય આસક્તિના પ્રભાવમાં પ્રયત્ન કરીએ તો :

કર્મનો જન્મદાતા કારણ છે,

કારણનો જન્મદાતા ધ્યેય છે,

ધ્યેયનો જન્મદાતા પ્રાપ્તિ છે,

પ્રાપ્તિનો જન્મદાતા ઇચ્છા છે,

ઇચ્છાનો જન્મદાતા મન છે,

મનની પ્રકૃતિ સ્વયંભૂ છે,

તેમ ઈશ્વર પણ સ્વયંભૂ છે.

આમ, એક સ્વયંભૂ બીજા સ્વયંભૂમાં (વિલય) વિલીન થાય ત્યારે દરેક કાર્યોમાંથી પરિણમતાં કર્મો સત્‌કર્મ બને છે. સત્‌કર્મની નિષ્પત્તિ (આઉટપુટ) તરીકે પ્રેમ, દયા, અહિંસા, નૈતિકતા, પ્રામાણિકતા, સમભાવ, સ્વચ્છતા, સુંદરતા, સૌમ્યતા, નીડરતા, સ્પંદનતા જેવા અનેક ગુણો ગણાવ્યા છે. આવા ગુણો માનવીને પૂર્ણ બનાવે છે, તેવી જ રીતે તેનાથી વિપરીત પ્રવૃત્ત પ્રક્રિયામાંથી અવગુણ અને નરાધમ બનાવે છે.

સદ્‌ગુણ જ્યારે ચૈતન્યમય બને છે ત્યારે સ્પંદનાત્મક પ્રક્રિયા શરૂ થાય છે. સ્પંદનાત્મક પ્રક્રિયામાંથી જે સ્ત્રોત ઉત્પન્ન થાય છે, તે ભાવસ્વરૂપે પ્રગટ થાય છે. ભાવસ્વરૂપે પ્રગટ થતા સ્ત્રોતને જ્યારે વાણી, વ્યવહાર અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરીએ ત્યારે અનુભવ થાય છે. અનુભવ એ સાપેક્ષ છે, પરંતુ જ્યારે તે નિરપેક્ષ બને છે, ત્યારે અનુભૂતિમાં પરિણમે છે. અનુભૂતિમાં ઈશ્વરનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. સાંનિધ્ય જ્યારે સન્મુખમાં પરિણમે છે, ત્યારે ઇશ્વર સાથે એકાકાર થવાય છે. એકાકારમાં જે ઇચ્છીએ તે પ્રાપ્ત થાય છે. આવી ઇચ્છા દુન્યવી વૈભવની હોય કે મોક્ષની હોય.

આપણે જો પ્રસ્તુત પ્રસ્તુતિને સમજી શક્યા હોઈએ તો સૃષ્ટિનું કલ્યાણ કેમ ઇચ્છીએ છીએ તેનું તાત્પર્ય સમજાય. પ્રકૃતિના સર્જનને અનુભવવું કે વિનાશ કરવો તે મનુષ્યના વર્તન આધારિત છે. મનુષ્યમાં સદ્‌બુદ્ધિ હશે તો પ્રકૃતિનું જતન કરશે, પરંતુ જો નરાધમ હશે તો વિનાશ કરશે. વર્તમાન સમયમાં આપણે ક્યાં ઊભા છીએ તે નક્કી કરવાનું કામ આપણી વિવેક બુદ્ધિ ઉપર છોડીએ છીએ. જેઓ વિવેકબુદ્ધિથી સંપન્ન છે, તેઓ તેનો નિષ્કર્ષ સમજી શકે છે અને તેઓની જવાબદારી વધી જાય છે અને પ્રવૃત્ત પણ હોય છે. પરંતુ જેઓ દુન્યવી સંસ્કરણથી અલિપ્ત, વિમુખ કે વંચિત છે તેમનું સંસ્કરણ કરીને વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી રહી. આવી વિવેકબુદ્ધિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે તેમનો સર્વાંગી વિકાસ થાય.

સર્વાંગી વિકાસ, વિશ્વાસ, નૈતિકતા, પ્રામાણિકતા અને સામાજિક હિતની જવાબદારી સમજીને નિભાવવામાં છે જે તલવારની ધાર ઉપર ચાલવા જેવું કાર્ય છે. આ ધાર ઉપર નિર્વિઘ્ને કેવી રીતે ચલાય તે માટે સનાતન જીવનમૂલ્યોનો આધાર લઈએ છીએ. આવા આધાર મુજબના આચરણમાંથી સક્ષમતા પ્રાપ્ત થાય છે. આપણે આવી સક્ષમતા ધારણ કરીએ તો અશક્ય કાર્યો પણ શક્ય કરી શકાય. એટલે મૂળ ધ્યેય તરફ પ્રયાણ કરીએ.

અવરોધોનું નિરાકરણ

ગ્રામ જીવન અને વિસ્તારની અનેક વિસંગતતાઓ છે, પરંતુ એટલી મુશ્કેલ નથી કે જે શહેરી વિસ્તારમાં અનુભવાય છે, વિસંગતતાનાં મૂળભૂત કારણોમાં તેની રચના (બાંધણી) છે. ગ્રામ જીવન અને વિસ્તાર મહત્તમ અંગે પ્રાકૃતિક છે, જ્યારે શહેરી જીવન અને વિસ્તાર કૃત્રિમ છે. આથી પ્રાકૃતિક રચનાને સહાયક આનુષંગિક સુધારાવધારા કરવામાં આવે તો તેની વિસંગતતા સહજ રીતે નિવારી શકાય તેમ છે. તે માટે જરૂરી છે ગ્રામજનોનો સહકાર અને ઉમંગ. જો આ બે પરિબળોનો સાથ મળી રહે તો ગ્રામ જીવન સમક્ષ શહેરી જીવન તુચ્છ બની જાય.

કદાચ ગ્રામ જીવન અંગે મારી દૃષ્ટિમાં પડતું પ્રતિબિંબ અતિશયોક્તિભર્યું લાગતું હોય તો તેનો ખુલાસો કરવો રહ્યો, પ્રથમ દૃષ્ટિએ ગ્રામ વિસ્તારનું પર્યાવરણ પ્રદૂષણમુક્ત છે. આથી પર્યાવરણ આધારિત રોગોથી મુક્ત મળે છે. પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાનો ખર્ચ શહેરી વિસ્તાર કરતાં સસ્તો પડે. પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ, ગ્રામ વિકાસની સાથે સાથે સસ્તી અને સહજ રીતે મળતી થાય. કોઈ પણ એક જીવનધોરણને નજર સમક્ષ રાખીએ તો તેના માટે કરવો પડતો ખર્ચ શહેરી જીવન કરતાં અડધો થાય. માનવીય સ્વભાવમાં શહેરી જીવનમાં કૃત્રિમતા હોય છે, જ્યારે ગ્રામ જીવનમાં પ્રાકૃતિક હોય છે. શહેરી જીવનમાં સંઘર્ષ, અજંપો અને અશાન્તિ હોય છે, જે ગ્રામ વિસ્તારમાં નહિવત હોય છે. આથી ગ્રામ વિસ્તારમાં શિક્ષણ, રોજગારી, રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભૌતિક સુખ સુવિધાઓ, મનોરંજન તેમ જ વૈશ્વિક પ્રવાહના ઝોકને જાણવાની વ્યવસ્થા કરાય તો મારી દૃષ્ટિમાં પડતું પ્રતિબિંબ અવશ્ય અનુભવાશે.

સામાન્યતઃ આવા આયોજન માટેનો આર્થિક સ્ત્રોત શું ? તેવો પ્રશ્ન થાય તો તે માટે (૧) જે કાળું નાણું ડેડ છે તેનો ઉપયોગ, (ર) ભ્રષ્ટાચાર ઉપર લગામ, (૩) સ્થાનિક જનસમૂહની તન અને મનની સહભાગીદારી અને સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કોઈ તો જવાબદારી હશે ? જો આ ચારેય પરિબળોની શક્તિ એકત્ર થાય તો અશક્ય શું છે, તે વિચારવું પડે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે માનવશરીરની કુંડલિની જાગૃત થાય, તો તેનું જીવન ધન્ય બની જાય છે. આપણે જાગૃત કુંડલિનીઓવાળા મહાત્માને નથી જોયા કે નહીં જોઈ શકીએ. પરંતુ સામાજિક જીવનની કુંડલિની ઇચ્છિત પ્રયત્નો દ્વારા જાગૃત થાય તો સમાજ અવશ્ય ધન્યતા અનુભવશે.

વર્તમાન સમયના સંજોગો અને પરિસ્થિતિ જોતાં આવી શક્તિ આપોઆપ ઊભી નહીં થાય તેવું સમજાતું હશે, પરંતુ જેમાં સર્વેનું કલ્યાણ હોય તેવી શક્તિ ઉત્પન્ન કરવામાં પોતાનું હિત સમાયેલ હોય તે સમજવામાં ભૂલ થાપ ખાય તો તેમનું જ હિત જોખમાશે, તેવું દરેક સામાજિક પરિબળોએ સમજવું રહ્યું. કારણ કે આ એવી પ્રક્રિયા છે કે જેમાં કીડીથી માંડીને હાથી સુધીનાનો વિકાસ અને કલ્યાણ થાય તેવું સર્વમંગલકારી ધ્યેય છે, તેને માનવીય રીતે સમજવું રહ્યું.

ર૪. ખેતીનું ઉદ્યોગ તરીકે વ્યવસ્થાપન

૧. ખેતર (જમીન)નું યોગ્ય સ્વરૂપ

મહત્તમ અંગે જમીનના હક્ક અને માલિકી વડીલોપાર્જિત હોય છે. સમયાન્તરે વંશ વારસદારોમાં વધારો થતો રહ્યો. પરંતુ જમીનનું જેટલું ક્ષેત્રફળ હતું તે એટલું ને એટલું જ રહેતાં, જમીન વિભાજિત થતી ગઈ, અને નાના-નાના ટૂકડા થતા ગયા, પરિણામે શેઢા અને પાળિયા વધતા ગયા, તેથી બિન ઉપયોગી અને ઉપજાઉ જમીન-બિન ઉપજાઉનું પ્રમાણ વધતું ગયું. તેથી જમીન અને આવકમાં ઘટાડો થતો ગયો. આવા નાના નાના ટુકડાઓ જમીન માલિકના મૂળભૂત હક્કોને અબાધિત રાખીને વિભાજિત જમીનમાં ચોક્કસ આકાર અને મર્યાદા નક્કી કરીને એકત્ર કરીએ.

- જે જમીન સમથળ ન હોય તેને સમથળ બનાવીએ. જે ખેડૂતોની આર્થિક શક્તિ મર્યાદિત હોય તેઓ તેમની જમીનને સમથળ કરવાને સમર્થ ન હોય ત્યારે ગ્રામ-વિસ્તારના પ્રાકૃતિક આરોહ-અવરોહને ધ્યાને લઈને સમથળ બનાવીએ.

- જ્યાં સિંચાઈની વ્યવસ્થા હોય ત્યાં કરકસર પૂર્વક પાણીના ઉપયોગને ધ્યાને લઈએ, તેમ જ સિંચાઈની વ્યવસ્થા ન હોય ત્યાં કુદરતી ઢોળાવને ધ્યાને લઈને પાણીનો સંગ્રહ થાય તેવું આયોજન કરીએ. (ચેકડેમ)

- દરેક વિસ્તારની જમીનનું નિરીક્ષણ (સોઈલટેસ્ટ) કરાવીને તેમાં ક્યા પ્રકારનો પાક લઈ શકાશે તેનો સર્વે કરાવીએ અને કાયમી ધોરણે થતા પાકોની નોંધ કરીએ.

- જમીનની ફળદ્રુપતા જાળવવા, વધારવા અને રક્ષણ કેવી રીતે કરવું તેનું સામૂહિક પ્રશિક્ષણ આપીને તે મુજબ અમલ કરીએ.

ર. સિંચાઈ વ્યવસ્થા

જ્યાં પ્રાકૃતિક જળસ્ત્રોતની વ્યવસ્થા હોય ત્યાં ઓછા પાણીમાં વધુ ખેતી કેવી રીતે કરી શકાય તેનું પ્રશિક્ષણ અને તે મુજબનો અમલ કરીએ.

- જ્યાં સિંચાઈની વ્યવસ્થા ન હોય ત્યાં પ્રાકૃતિક ઢોળાવ અને વધુમાં વધુ વિસ્તાર આવરી લેવાય તેવી જગ્યાએ ચેકડેમ બનાવીએ, તેના માટે બહારની મદદ મળે કે ન મળે પરંતુ સામુહિક પ્રયત્નો દ્વારા જરૂરિયાત મુજબના ચેકડેમો બનાવીએ.

૩. સામૂહિક પ્રયત્નો દ્વારા

જે જમીન ફળદ્રુપ ન હોય અથવા તો ઓછી હોય તેને ફળદ્રુપ બનાવીએ. જો આવું કાર્ય સહકાર અને સેવાના સ્વરૂપે કરીએ તો શ્રેષ્ઠ, પરંતુ જો વળતરની અપેક્ષાએ મદદ કરી હોય તો ફળદ્રુપતા પહેલાં અને બાદના ઉત્પાદનમાં જે તફાવત હોય તે સામુહિક વિકાસના ભંડોળમાં ઉમેરીએ.

૪. માલિકીહક્ક પ્રમાણેના વળતરની વ્યવસ્થા

જમીનના નાના ટુકડા એકત્રીકરણ, સિંચાઈના હેતુ અનુસાર ફાળવેલ જમીન, ચેકડેમ માટે ઉપયોગમાં લેવાયેલ જમીનનો પ્રમાણભાગ માલિકીહક પ્રમાણે મળે તેની વ્યવસ્થા કરીએ.

- કુલ ઉત્પાદન અને જમીનના માલિકી હકના પ્રમાણ મુજબ વળતર, પાક, આડપેદાશ મળી રહે તેની વ્યવસ્થા કરીએ.

- સામુહિક ખેતીનો વિકાસ કરીએ, જેમાં નક્કી કરેલ એકમ (વીઘા-હેક્ટર) દીઠ ઉત્પાદન ખર્ચ, પ્રમાણભાગ નક્કી કરીને ફાળવણી કરીએ.

ગામની સમગ્ર જમીન સરખી ફળદ્રુપ બનાવીને જેટલા પ્રમાણમાં જમીનની માલિકી હોય તેટલા પ્રમાણમાં ઉત્પાદન કે ઉત્પાદનમૂલ્ય મળી રહે તેવી વ્યવસ્થા કરીએ, જેમ કે એક વીઘાનું ઉત્પાદન ખર્ચ રૂ. પ૦૦૦ હોય અને પાકનું ઉત્પાદન રૂ. ૧૦૦૦૦ થાય તો જે રકમ વધે તે વીઘા દીઠનું વળતર ગણાય. આમ, જેની પાસે એક વીઘો હોય તેને પ૦૦૦ અને જેની પાસે ૧૦ વીઘા હોય તો પ૦૦૦૦નું વળતર મળી રહે તેવી વ્યવસ્થા કરીએ.

- જે જમીન માટે દરેક પ્રયત્નો કરવા છતાં ફળદ્રુપતાના પ્રમાણમાં ઘટ પડે તો, આવી ઘટ સામાન્ય પ્રકારની હોય તો નજર અંદાજ કરીએ, પરંતુ ધારવા કરતા વિશેષ હોય તો ઘટનાપ્રમા ને મજરે લઈને વળતરની વ્યવસ્થા કરીએ.

- સામાન્ય કે અસામાન્ય સંજોગોમાં ઉત્પાદન ઓછું થાય કે ન થાય ત્યારે :

- અમુક ભાગ પૂરતું હોય ત્યારે પ્રમાણભાગ સરખા કરીએ.

હંમેશાં દરેક પાકને વીમાનું કવચ પૂરું પાડીએ, કે જેથી સિઝન નિષ્ફળ જાય તો જોખમનું પ્રમાણ ઘટાડી શકાય.

પ. આનુષંગિક વ્યવસ્થા

- ગ્રામ વિકાસ માટે ક્રેડિટ સોસાયટીનું નિર્માણ કરીએ, જે ફક્ત ને ફક્ત ખેતી સિવાય કોઈપણ આર્થિક વ્યવહારમાં ન ઊતરે.

- ખેતીના વિકાસ માટે શોધ, સંશોધન તેમ જ આધુનિકરણ માટેની વ્યવસ્થા કરીએ.

- ખેતીના ઉત્પાદન માટે જે આર્થિક બોજ ઊભો કરીએ તેની પ્રથમ ચુકવણી કરીએ.

- ગ્રામ, તાલુકા અને જિલ્લા વચ્ચેનું સંકલન કરીએ કે જેથી એકબીજાના પૂરક અને સહાયક બનાય.

- ખેતીમાં મૂડીરોકાણ અને મહેનતના પ્રમાણમાં જે વળતર હોય છે, તે અન્ય ઉદ્યોગ કરતાં ઓછું હોય છે. આ વળતર મહત્તમ મળે તે માટેનું આયોજન કરીએ.

- સામાન્ય જીવનવ્યવહારમાં ખેતઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યક્તિનો સામાજિક મોભો સર્વોપરી સ્થાપિત થાય તેવું પરિવર્તન કરીએ.

પ્રસ્તુત વૈચારિક પ્રક્રિયા એક યા બીજા કારણે કે રાષ્ટ્રની પ્રવાસ-યાત્રા કરતી વખતે બસ કે ટ્રેનમાં બેઠાં-બેઠાં જે સ્થિતિ જોઈ હોય તેને આધારિત, અને બાલ્ય તેમ જ યુવા અવસ્થા, ગ્રામ વિસ્તારમાં વ્યતીત કરતાં જે અનુભવ થયેલ છે તેને આધારિત છે. એટલે અધૂરી હોય, તેમાં જેઓની કોઠાસૂઝ હોય તેવા ખેતીના જાણકાર પ્રબુદ્ધો, આધુનિક તેમ જ વાસ્તવિક પદ્ધતિ અનુસાર જેઓને ખેતીનો અનુભવ હોય તેવા તજજ્ઞોના માર્ગદર્શન, સૂચનો અને સહકારથી ચેતનવન્ત થઈએ તો વૈશ્વિક ઉદ્યોગમાં ખેતીઉદ્યોગનો અગ્રતાક્રમે લાવી શકાય.

ખેતીની સફળતા કે નિષ્ફળતાની સીધી અસર સામૂહિક જનજીવન ઉપર પડતી હોવાથી તેનાં પરિણામ સ્પંદનાત્મક હોય છે. સામાન્યતઃ ખેતી જ્યારે સફળ થાય છે ત્યારે ભાવોમાં ખેડૂતોએ સહન કરવાનું થાય છે, જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે (ઉપભોક્તા) પ્રજાએ સહન કરવાનું થાય છે. જો તેનો મધ્યમ માર્ગ કાઢવો હોય તો બંને પક્ષોનું હીત સચવાય તેવું આયોજન કરવું રહ્યું. આવું આયોજન ત્યારે જ શક્ય બને કે જ્યારે નિશ્ચિત સમય માટે ભાવોનું બંધારણ નક્કી થાય, જેમાં ખેડૂતોના ઉત્પાદન ખર્ચને પણ નિયંત્રિત કરાય. એટલે કે ઉત્પાદન ખર્ચ પણ સમાન્તર રહે.

વર્તમાન સમયમાં જે તે સરકાર સબસીડી, ટેકાના ભાવ, બફર સ્ટોકનાં પરિબળોથી સમતુલા કેળવવા પ્રયત્નશીલ હોય છે. પરંતુ આવા પ્રયત્નોમાં મતિભ્રમ થાય છે, ત્યારે ખેડૂત અને પ્રજા એ જ ભોગવવાનું થાય છે. તેમાંથી મુક્ત થવું રહ્યું.

રપ. પશુપાલન તેમ જ ડેરી વ્યવસાયનો સહાયક ઉદ્યોગ તરીકે વિકાસ

આપણો જ્યારે કોઈ પણ ઉદ્યમને (વ્યવસાયિક કામકાજ) સામૂહિક સ્વરૂપ આપીએ ત્યારે તે સહકારી ઉદ્યોગ તરીકે પ્રસ્થાપિત થાય છે, જેમાં અનેક નકારાત્મક પરિબળોનું સમાધાન અને સમન્વય થતાં સકારાત્મક સ્વરૂપમાં પરિણમે છે. ગ્રામ વિસ્તારનાં નકારાત્મક પરિબળોનું સમાધાન થતાં ખેતીક્ષેત્રે વિકાસ સહજ બની શકે છે, પરંતુ આવો વિકાસ સંપૂર્ણ પ્રકારનો નથી. જો તેને સંપૂર્ણ બનાવવો હોય તો તેનાં આનુષંગિક તેમ જ પૂરક પાસાંઓનો વિચાર કરવો રહ્યો. ખેતી એક પ્રાકૃતિક પ્રક્રિયા આધારિત વ્યવસાય છે, જેમાં પ્રાકૃતિક પર્યાવરણ, સત્ત્વ અને માવજત અનિવાર્ય જરૂરિયાત છે. પર્યાવરણનું પરિબળ કુદરત આધારિત છે, જેને માનવીના સંયમ દ્વારા પ્રમાણભાન સાથેના વ્યવહારથી સમતુલિત રાખી શકાય છે. જ્યારે સત્ત્વ જીવમાત્રના એકબીજાને પૂરક અને સહઅસ્તિત્વના વ્યવહારમાંથી ઉત્પન્ન થતું હોય છે. પર્યાવરણ અને સત્ત્વના યોગ્ય પ્રયત્ન દ્વારા માવજત કરીને ઉપયોગ કરવામાં આવે ત્યારે ઉત્પાદન પ્રક્રિયામાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે. જો આવી પૂર્ણતા પ્રાપ્ત કરવી હોય તો પશુ-પક્ષી-જગતનું મહત્ત્વ સમજવું રહ્યું.

આમ પણ ગ્રામ જીવન ખેતી-આધારિત છે અને ખેતી મૌસમ આધારિત છે જેમાં મૌસમના અમુક ભાગમાં જ જીવન પ્રવૃત્ત હોય છે, જો પ્રવૃત્તિનો વર્ષાન્તે હિસાબ કરીએ તો મહત્તમ ભાગ પ્રવૃત્તિહીન એટલે કે કામકાજ વગરનો હોય છે. આથી ત્રણ મહિના કમાવું અને નવ માસ બેઠાં-બેઠાં ખાવા જેવો ઘાટ થતો હોય છે. પરિણામે બચત કે વિકાસ શક્ય બનતો નથી. આવા બિન-ઉપજાઉ સમયને ઉપજાઉ તરીકે બનાવવો હોય તો પશુપાલન આવશ્યક બની જાય છે.

મહત્તમ અંશે ખેતી પુરુષપ્રધાન કે શક્તિ આધારિત હોય છે, આથી સ્ત્રીશક્તિનો જ્યાં જરૂરી હોય ત્યાં પૂરક શક્તિ તરીકે ઉપયોગ થતો હોય છે. જો આવી સ્ત્રી શક્તિને સ્વયં તેમ જ કુટુંબની પૂરક તેમ જ સહાયક ભૂમિકામાં પ્રવૃત્ત કરવી હોય તો પશુ-પાલનને એક મહત્ત્વનાં પરિબળ તરીકે પ્રસ્થાપિત કરી શકાય.

પ્રાકૃતિક સર્જનના દરેક જીવનમાત્રનું જીવચક્ર એકબીજાની પૂરક ભૂમિકાથી ગતિમાન રહેતું હોય છે, જેમાં વાયુ સ્વરૂપને આપણે સમજતા હોઈએ છીએ, પરંતુ ભૂમિ સ્વરૂપ અંગે કદાચ અજાણ હોઈએ. જેમ કે પ્રાણીજગત શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાંથી પ્રાણવાયુનું દોહન કરતું હોય છે, જ્યારે અંગારવાયુનો વિસર્ગ કરતું હોય છે, તે જ રીતે વનસ્પતિજગત અંગારવાયુ ગ્રહણ કરીને પ્રાણવાયુનો વિસર્ગ કરે છે, આમ, પ્રાણીજગતના પ્રાણવાયુનું ગ્રહણ અને વનસ્પતિ જીવનનું અંગારવાયુનું ગ્રહણ એકબીજાના જીવનચક્રને પૂર્ણ કરે છે. જે સત્ત્વ બાબતે એકબીજાની વિરુદ્ધની પ્રક્રિયા છે.

આવી જ પ્રક્રિયા ભૂમિની છે, જેમાં પાણી અને વનસ્પતિજગત દ્વારા જીવનક્રમને જીવંત તેમ જ ચેતનમય રાખવા જે સત્ત્વનો ઉપયોગ કરીને શેષભાગનો વિસર્ગ કરે છે, તે વિસર્જિત તત્ત્વો જમીન માટે સત્ત્વ બની જાય છે. જો ભૂમિ એટલે કે જમીનને આવું સત્ત્વ પર્યાપ્ત માત્રમાં મળી રહે તો તે જીવંત રહે છે, જેને આપણે ફળદ્રુપતા તરીકે ઓળખીએ છીએ. જો ભૂમિ જીવંત હશે તો તેમાં થતા પાક, સત્ત્વમય પાકે છે. સત્ત્વ આધારિત પાક અન્ય જીવનને જીવંત રાખીને જીવચક્રને પૂર્ણ કરે છે.

ભૂમિને જીવંત રાખવી હોય તો તે માટે પર્યાપ્ત માત્રમાં જરૂરી તત્ત્વોની પૂર્તિ હોવી આવશ્યક છે, જેમાં મનુષ્ય દ્વારા વિસર્જિત કચરાનું પ્રમાણ સહાયભૂત ન થાય તે તો ઠીક છે, પરંતુ જમીનની જીવંતતાને નિર્બળ ન કરે તેવો સંયમ કેળવીને, જીવન ચક્રની ગતિને મંદ ન કરે, તેવું વર્તન પૂજનીય છે. પૂજનીય એટલા માટે કે જેઓ પ્રાકૃતિક જીવનક્રમને સમજે છે અને તે મુજબનું આચરણ કરે છે, તેમાં જ ઐશ્વરીય શક્તિની સેવા-અર્ચના આવી જાય છે. પછી ભલે આવી સેવાને ધર્મો, સંપ્રદાયો કે માનવીય આચારસંહિતાઓ જે સ્વરૂપ આપતી હોય તે. ઈશ્વરની સેવા ફક્ત શબ્દોના આડંબરોથી નહીં, પરંતુ શબ્દોના ભાવમાં ઉત્પન્ન થતા કર્મના આચરણ આધારિત હોય છે, જે અન્ય પ્રાણી, વનસ્પતિજગત નિભાવે છે. આપણે જો ભૂમિની જીવંતતા કાયમ રાખવી હોય તો આવા જીવોનો વિકાસ કરવો રહ્યો. આ જીવો ફક્ત પ્રાકૃતિક જીવનક્રમને જીવંત અને ચેતનમય નથી રાખતાં, પરંતુ માનવીય જીવનની જરૂરિયાતોને પણ પૂર્ણ કરે છે. જો આ તથ્યને સમજીએ તો પશુપાલન અને જીવસૃષ્ટિની આવશ્યકતાના હાર્દને સમજી શક્યા કહેવાય.

જેમ કે જે તત્ત્વો જમીનને જોઈએ છે તે માનવી પૂર્ણ ન કરી શકે તો તેવાં તત્ત્વો માટે જરૂરી વ્યવસ્થા કરવી રહી. સામાન્યતઃ વર્ષ પ્રતિવર્ષ જમીનમાં ખેતી કરતાં તેનાં સત્ત્વોનું શોષણ થતું હોય છે એન તેની ફળદ્રુપતા ઘટતી હોય છે. ઘટતી જતી ફળદ્રુતા ન ઘટે અને કાયમ રાખવી હોય તો તેમાંથી જેટલા પ્રમાણમાં તત્ત્વોનું શોષણ થતું હોય તેટલા પ્રમાણમાં સત્ત્વ પૂરવું રહ્યું. આવું સત્ત્વ પશુ પક્ષી અને વનસ્પતિ દ્વારા જે તત્ત્વો ત્યાગ કરે છે તેમાં હોય છે. એટલે કે વનસ્પતિ દ્વારા ત્યાગેલ પાન, પુષ્પો, ફૂલ અને ફળો આધારિત હોય છે. તેવી જ રીતે પશુપક્ષી દ્વારા ત્યાગેલ (મૂત્ર) છાણ (હગાર, લીંડી, મળ) હોય છે. જેને આપણે સેન્દ્રીય ખાતર તરીકે ઓળખીએ છીએ. આપણે જો આવા ખાતરની વ્યવસ્થા કરવી હોય તો પશુપાલનને મહત્ત્વ આપવું રહ્યું કે જેને આપણે ગૌણ સમજીએ છીએ.

જો આ ગૌણ બાબતને નજર સમક્ષ રાખીને ઉજાગર કરીએ તો તેનાં આનુષંગિક પરિણામો ગ્રામ જીવન તેમ જ માનવીય જીવનમાં સ્વાસ્થ્ય, આર્થિક તેમ જ સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવી શકે.

આર્થિક ક્ષેત્ર ગ્રામ જીવનના બિનઉત્પાદક સમયનું એટલે કે બેરોજગારી પ્રવર્તમાન છે, તેનું નિરાકરણ થતાં આર્થિકસ્ત્રોત વધશે. આર્થિક સ્ત્રોત વધતાં જીવન જરૂરિયાતો સહજતાથી પ્રાપ્ત કરી શકાશે. માનવીય જીવનની જરૂરિયાતો સહજતાથી પ્રાપ્ત થાય છે, ત્યારે શાન્તિ અનુભવાય છે. શાન્તિ પ્રસન્નતા અને સકારાત્મક કર્મનું પરિણામ છે. તેવી જ રીતે સમાજના મહત્તમ વ્યાધિ (રોગ) સત્ત્વ આધારિત આહારના અભાવમાં થતા હોય છે. સત્ત્વ આધારિત આહારની વ્યવસ્થા થાય તો ઊર્જાનો નવીનતમ સ્ત્રોત બળવાન બને છેે. બળવાન સ્ત્રોતમાં દરેક નિર્બળતા દૂર થાય છે, નિર્બળતા દૂર થતાં સમાજ સ્વાસ્થ્ય ધારણ કરે છે. સ્વાસ્થ્ય કોઈપણ વિકાસની આધારભૂત શક્તિ છે. આપણે જો આવી શક્તિનું સર્જન કરી શકીએ તો સામાજિક જીવન ઊર્ધ્વગતિ પ્રાપ્ત કરી શકે છે.

પ્રસ્તુત વૈચારિક દૃષ્ટિ સાથે આ ક્ષેત્રના પ્રબુદ્ધ અને અનુભવી વ્યક્તિઓના અનુભવો, મંતવ્યો, સુઝાવ અને માર્ગદર્શનમાંથી શિસ્તબદ્ધ આયોજન કરીને અમલમાં મૂકીએ તો પશુપાલનને ખેતીઉદ્યોગના ફક્ત પૂરક નહીં, પરંતુ સ્વતંત્ર રીતે ઉદ્યોગ તરીકે પ્રસ્થાપિત કરી શકાય, જેને આપણે ડેરી ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. જે વર્તમાન સમયમાં પશુ પાલનના મહત્ત્વને મહત્તમ અંગે ર૦થી ૩૦% જેટલું ઉજાગર કરે છે તેને પૂર્ણ કરવું રહ્યું.

૧. સામાન્યતઃ પશુપક્ષીઓનું જીવન અને વિકાસ ભૌગોલિક સ્થિતિ અને વાતાવરણ આધારિત હોય છે. જે પશુપક્ષીઓનો આવા પરિબળ આધારિત વિકાસ થતો હોય તેવા વિસ્તારમાં તેવાં પશુપક્ષીઓનો સંપૂર્ણ વિકાસ વૃદ્ધિ કરી શકાય તેવી વ્યવસ્થા કરીએ.

ર. દરેક વિસ્તારમાં જે પશુપક્ષીઓનો ઉછેર અને વ્યવસાય કરવા ઇચ્છતા હોય તેમને તેવાં પ્રાણી-પક્ષીઓના વિકાસ માટેની સંપૂર્ણ જાણકારી આપીએ.

૩. જેઓ આવો વ્યવસાય કરવા ઇચ્છતા હોય તેમને આર્થિક તેમ જ વ્યવસાય કરવાની સહાય કરીએ.

૪. પ્રાણી-પક્ષીજન્ય દરેક ઉત્પાદનનું બજારભાવ મળી રહે તેવું આયોજન કરીએ.

પ. ગ્રામ, તાલુકા અને જિલ્લા વચ્ચેનું સંકલન કરીને આવા વ્યવસાયનો મહત્તમ વિકાસ કેવી રીતે કરી શકાય તે માટેનાં સહકારી મંડળો બનાવીએ.

૬. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેના વ્યવસાયિક વ્યવહારનું સ્થાપન કરીએ કે જેથી બંનેનું આર્થિક હિત સચવાય.

૭. ઉત્પાદકતાને ધ્યાને લઈને પશુ-પક્ષી સંવર્ધન દ્વારા નવીનતમ નસલ તૈયાર કરીએ.

૮. યોગ્ય ચારો મળે અને રોગમુક્ત રાખી શકાય તેવી વ્યવસ્થા કરીએ.

૯. પરંપરાગત પશુપક્ષીઓ તથા તેવા જ વાતાવરણમાં અન્ય પશુ પક્ષીઓનો ઉછેર શક્ય હોય તો તેને વસાવવાની વ્યવસ્થા કરીએ.

આ એક એવો વ્યવસાય છે કે જેને ભાવનાત્મક હૂંફની જરૂરિયાત હોય છે, એટલે પ્રાણીજગતનાં સ્પંદનોનેઅનુભવવાં જરૂરી છે. જો આ સ્પંદનો અનુભવાય તો તેમનું જીવન સમજી શકાય. એટલે કે યાંત્રિક ઉત્પાદન અને જીવંત ઉત્પાદકતાનાં સાધનો વચ્ચેનો ભેદ સમજવો રહ્યો. પશુ-પક્ષી આધારિત દરેક ઉત્પાદનનો સ્ત્રોત પશુ જ છે અને તે જીવંત અને ભાવનાત્મક સ્ત્રોત છે. તેની સાથેનું તાદાત્મ્ય એ જ એના વિકાસનો સ્ત્રોત છે, તે નિર્ભેળ રીતે સમજવું રહ્યું.

ર૬. વન્ય-વિકાસ

જેનો આપણે વારંવાર ઉલ્લેખ કરીએ છીએ કે દરેક જીવ એકબીજાના પૂરક અને સહઅસ્તિત્વવાદ અને સહાય આધારિત છે અને તેનાથી જીવનચક્ર રચાય છે. જેની ગતિ ગ્રહણ અને વિસર્ગ પ્રક્રિયા આધારિત છે. આ સમગ્ર પ્રક્રિયામાં માનવશરીરમાં ફેફસાં કામ કરે છે તેમ પ્રકૃતિના જીવનમાં વનસ્પતિ કરે છે. માનવનાં ફેફસાં પ્રાણવાયુ લઈને અંગારવાયુ બહાર કાઢે છે, તેમ વનસ્પતિ અંગારવાયુ લઈને ઓક્સિજન બહાર કાઢે છે. પ્રાણીજગતનું જીવન જેમ પ્રાણવાયુ આધારિત છે, તેમ વનસ્પતિનું જીવન અંગારવાયુ આધારિત હોય છે. આ પ્રાકૃતિક ક્રમ છે. આ ક્રમના પ્રમાણભાન અંગેની સમતુલા તેમ જ અસમતુલાના પરિણામ અંગે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે વિશેષ ટિપ્પણીની જરૂરિયાત નથી.

તે સિવાય માનવ તેમ જ પશુ, પક્ષી અને જીવજગતમાં તેની જરૂરિયાત કેટલી અનિવાર્ય છે તે સમજવી રહી. સામાન્યતઃ પ્રાણીજગતનું જીવન સંપૂર્ણ વનસ્પતિ આધારિત છે. કદાચ આપણે માનતા હોઈએ કે માંસાહારી પશુ-પક્ષી જગતને વનસ્પતિ જગત સાથે શું લેવા દેવા ? તો આપણે સમજવું રહ્યું કે માંસ માટે જે પ્રાણી કે પક્ષીનો શિકાર કરે છે તે વનસ્પતિ આધારિત છે, જેમ કે સિંહ કે વાઘ-હરણનો શિકાર કરીને માંસાહાર કરતો હોય છે પરંતુ હરણનો આહાર સંપૂર્ણ વનસ્પતિ આધારિત હોય છે. આ વનસ્પતિ ફક્ત આહાર પૂરતી મર્યાદિત નથી પરંતુ પર્યાવરણ, રક્ષણ તેમ જ રહેઠાણની વ્યવસ્થા પણ વનસ્પતિ એટલે કે જંગલો આધારિત હોય છે.

કદાચ ભૌતિક સંસ્કરણના પ્રભાવમાં મનુષ્ય આવી જરરિયાતોની ગંભીરતાને સમજતો હોય કે ન સમજતો હોય પણ તેનું અસ્તિત્વ પણ વનસ્પતિ આધારિત છે. જો ભૌતિક સંસ્કરણને અપવાદ ગણીએ તો જન્મ સમયનો ખાટલો (સારી ભાષામાં જે નામ આપવું હોય તે) અને ઘોડિયું લાકડાનું બનેલું હોય છે, તે જ રીતે અંતિમ યાત્રાની પાલખી પણ લાકડાની હોય છે, જે નિર્જીવ સ્વરૂપે પણ આપણી જરૂરિયાતને પૂર્ણ કરે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણો આહાર પણ વનસ્પતિ આધારિત છે. જેઓ માંસાહારી હશે તેઓ સંપૂર્ણપણે માંસાહાર કરીને જીવન નહીં ટકાવી શકતા હોય, કદાચ તેમાં ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવના માનવસમૂહને અપવાદ ગણી શકતા હોઈએ, પરંતુ જેઓ જેનો શિકાર કરતા હોય છે, તેવા જીવો પણ મહત્તમ અંશે શાકાહારી હશે. આપણો આહાર વનસ્પતિ આધારિત હોય છે. તે અંગે ખેતીના સંદર્ભમાં વિચારી ચૂક્યા છીએ, તેમ છતાં જણાવીએ તો દરેક શાકાહારી આહાર વનસ્પતિ આધારિત છે.

પ્રાકૃતિક જીવનચક્રના સંદર્ભમાં અનાજ, શાકભાજી તેમ જ ફળના છોડ, ઝાડ વનસ્પતિનો ભાગ છે અને તેમાં મનુષ્ય તેમ જ પ્રાકૃતિક પ્રક્રિયાનું સંયોજન છે, સાથે તેનું ધ્યેય પણ મર્યાદિત હોય છે. એટલે પ્રાકૃતિક પર્યાવરણ અને ભૂમિના સત્વના સંદર્ભમાં વિચારીએ ત્યારે વનસ્પતિના સંપૂર્ણ વિકાસ અંગે વિસ્તૃતપણે વિચારવું રહ્યું. સામાન્યતઃ પ્રાકૃતિક સર્જનના જીવનક્રમને પૂર્ણ કરાવ માટે જેમ નદીઓ, સમુદ્રો, પર્વતો, સમથળ મેદાનો અને રણનું સર્જન કરેલું છે, તેમ જંગલોનું પણ સર્જન કરેલ છે. પરંતુ દિનપ્રતિદિન માનવસમાજની વૃદ્ધિ અને તેની સ્વાર્થી માનસિકતાના કારણે તેના પ્રમાણમાં ઘટાડો થતો જય છે. આવો ઘટાડો જીવસૃષ્ટિ માટે કેટલો ગંભીર છે. તે અંગેની વૈશ્વિક સમજણ કેળવવાના અભાવમાં તેનાં શું પરિણામ હોય છે, તે આપણા વર્તમાનના અનુભવ ઉપરથી નક્કી કરવું રહ્યું.

આપણે ત્યાં દરેક ગ્રામ વિસ્તારમાં પ્રાકૃતિક રચના અનુસાર ગૌચર, તળાવ, નદીઓ, ખેતલાયક જમીન અને વૃક્ષોનાં વૃંદ હોય છે, જેને આપણે જંગલ કહી શકતા નથી. આવાં વૃક્ષોમાં એવાં કેટલાંય વૃક્ષો છે કે જેને ધર્મનું રક્ષણ મળેલ છે, તેમ છતાંય સંયમવિહીન જીવનપ્રણાલિકાને કારણે તેનું નિકંદન નીકળી જાય છે. તેમાં ઔદ્યોગિક વિકાસ, શહેરી વિસ્તારનું વિસ્તૃતિકરણ અને વસ્તીસ્ફિોટ, બળતામાં ઘી નહીં પરંતુ પેટ્રોલ છાંટે છે. આ દરેક પરિબળોની ગંભીર અસરોનો સૂક્ષ્મ રીતે વિચાર કરવો રહ્યો.

આ એક એવી વાસ્તવિકતા છે કે જેના દ્વારા પ્રાકૃતિક સંપદાનું રક્ષણ કરવાનું છે, તેમના દ્વારા જ વિનાશ થાય છે. આવો સમૂહ સમજણના અભાવમાં વિનાશ કરે છે. જો આવા સમૂહને જ વિશ્વાસમાં લઈને સમજણ આપવામાં આવે તો જે જંગલો કે વૃક્ષોનાં વૃંદ હયાત છે તેનું રક્ષણ તો કરશે જ, પરંતુ સાથોસાથ તેનો વિકાસ પણ કરશે. આ એક એવી પ્રક્રિયા છે કે જે કાયદા દ્વારા નહીં, પરંતુ જીવનની વાસ્તવિકતા સમજાવીને પરિપૂર્ણ કરી શકાય છે. તેનાં પ્રમાણ ક્યારેક જોવા, સાંભળવા અને અનુભવવા મળે છે.

સરેરાશ જોવા જઈએ તો ગ્રામ તેમ જ શહેરી વિસ્તારોમાં જે વૃક્ષોનું પ્રમાણ હતું તે દિનપ્રતિદિન ઘટતું જાય છે. આવા ઘટનાક્રમને અટકાવીને વૃક્ષોનું રક્ષણ કરીને સિમેન્ટ ક્રોંક્રિટના જે જંગલો ઊભાં થાય છે, તેના પ્રમાણભાન સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણને સમતોલ બનાવવું રહ્યું. સામાન્યતઃ શહેરી વિસ્તારોમાં બાંધકામના નિયમો બનાવેલ હોય છે. આવા નિયમોમાં રહેણાક દીઠ એક વૃક્ષનું આયોજન કરીએ તો રહેઠાણનાં સમાન્તર વૃક્ષો ઊભાં થઈ શકે. આપણી કમનસીબી એ છે કે આપણે ક્યારેય વૃક્ષોનું સાંનિધ્ય કેળવી શક્યા નથી, એટલે તેની સાથે ભાવનાત્મક ઐક્ય સાધી શક્યા નથી. જેવી રીતે હિન્દુ ધર્મમાં ગાયની સાથે ભાવનાત્મક સ્પંદનશીલતા હોય છે તેવી જ સ્પંદનશીલતા દરેક માનવસમાજ વૃક્ષો સાથે કેળવે તો વૃક્ષોના નિકંદનને અટકાવી શકાય. અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે સદચાર અને નીતિમત્તાવાળું જીવન હોય, અન્યથા પ્રવર્તમાન સમયમાં અનેક કાયદા હોવા છતાં વાસ્તવિકતા શું છે તે જાણતા અને સમજતા હોઈએ છીએ.

જ્યાં સુધી સદાચાર અને નીતિશાસ્ત્રને લાગેવળગે છે, ત્યાં સુધી તેનું અન્ય વિસ્તારો કરતાં ગ્રામ વિસ્તારમાં મહત્તમ અંશે પાલન થતું હોય છે, તેવું મારું માનવું છે. તેનાં અનેક કારણોાં એક કે તેમનું જીવન ખુલ્લું હોય છે. આવું ખુલ્લાપણું મર્યાદિત સમૂહના કારણે હોય છે, જેમાં કોઈ પણ અનૈતિક કાર્ય તરત જ છતું થતું હોય છે. પરિણામે અનિષ્ટમય જીવનને ટાળતા હોય છે. ગ્રામ જીવનનું આ એક જ પરિબળ તેમના જીવનને ઇચ્છિત ધ્યેય સુધી લઈ જઈ શકે તેમ છે. જો આવા સમૂહમાં કોઈ પણ પ્રકારના અંગત સ્વાર્થ વગર યોગ્ય માર્ગદર્શન કરવામાં આવે તો નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરી શકાય.

આપણે વનીકરણના વિકાસ માટે પ્રયત્ન કરતા હોઈએ તો તેનાં કારણ અને પરિણામ વિશે જાગૃતિ કેળવવી રહી. આવી જાગૃતિ કેળવાય તો વનીકરણ સહજ બની જાય. જો તેનાં પ્રમાણ જોઈતાં હોય તો એક તત્ત્વચિંતક સંસ્થાના વૃક્ષારોપણના કાર્યને સમજવું અને અનુભવવું રહ્યું. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખેડૂતોએ પોતાની જમીન સમર્પિત કરીને આવું વૃક્ષારોપણ કરેલ છે, તેમાં તેમનો ભાવનાત્મક અભિગમ જે પણ હોય, પરંતુ વ્યક્તિ જ્યારે પ્રાકૃતિક જીવનક્રમને ચલાયમાન રાખવા પ્રવૃત્તિશીલ બને છે ત્યારે તે પ્રકૃતિનું સાંનિધ્ય પ્રાપ્ત કરે છે અને પરમાત્માનું વ્હાલસોયું પાત્ર બને છે. આવી પાત્રતામાંથી મુક્તિ કે મોક્ષની કામના ઉદ્‌ભવે છે. ઈશ્વર આવી કામનાને પરિપૂર્ણ કરે તો તેના સર્જનની સમતુલા વિક્ષેપિત થાય. જો પ્રાકૃતિક સમતુલા વિક્ષેપિત થાય તો સૃષ્ટિનો વિનાશ થાય. આવો અણધાર્યો વિનાશ ઈશ્વર ઇચ્છતો નથી એટલે જીવનચક્રને ચાલુ રાખવાની શાન્તવના આપીને સંતૃપ્તિ આપે છે. જેઓ સંતૃપ્ત છે, તેઓ સંત છે. આ એક સર્જનાત્મક પ્રક્રિયા છે, જેની અનુભૂતિ અને અભિવ્યક્તિ એકસમાન હોય છે. પછી ભલે તે ધર્મ, સંપ્રદાય, વર્ણ કે જ્ઞાતિએ અલગ હોય.

આપણે માનવીય તેમ જ વનસ્પતિ, પશુ-પંખીજીવનની જરૂરિયાતને સમજીને વિકાસ કરીએ તો માનવીય જીવની યથાર્થતા અનુભવી શકાય તે માટે,

૧. ગ્રામ-વિસ્તારમાં જ્યાં પડતર જમીન, ગૌચર, વહેળા, વોંકળા, ટેકરી, તળાવ, નદીના કિનારા જે પણ પ્રાકૃતિક રચના મુજબ સર્જન થયેલ હોય તેને અકબંધ રાખીે તેમાં તેની ફરતે, કિનારા, ટેકરી ઉપર જે વૃક્ષો ઝાડી હોય તેનું રક્ષણ અને જતન કરીએ, તેમ જ નવું વૃક્ષારોપણ કરીને હરિયાળીથી હર્યુંભર્યું થાય તેવી વ્યવસ્થા કરીએ.

ર. ખેતીમાં વણછાયાનાં કારણે શેઢા ઉપર જે વૃક્ષો હોય તેને દૂર કરવાના બદલે જતન કરીએ અને ઉપજાઉ કે બિન-ઉપજાઉ વૃક્ષોની વાડી બનાવીએ. જો આવી વાડીઓની યોગ્ય માવજત કરવામાં આવે તો અન્ય પાક કરતાં પણ વિશેષ આર્થિક લાભ પ્રાપ્ત કરી શકાય છે.

૩. વનસ્પતિ એટલે કે વૃક્ષો કે છોડવાની મુખ્ય જરૂરિયાત પાણી હોય છે, આથી જ્યાં પાણીના સ્ત્રોત ન હોય ત્યાં ચેકડેમ કે તલાવો બનાવીએ અને જ્યાં હોય ત્યાં રેતી, રોડા કે કાંપથી ભરાયેલ હોય તો તેને દૂર કરીને તેનો યોગ્ય ઉપયોગ કરીએ. લગભગ જ્યાં આવી ઝાડી હોય ત્યાં તેમના પૂરતું ખાતર મેળવી લેતા હોય છે. તેમ છતાં જ્યાં જરૂર જણાય ત્યાં તેવા તત્ત્વની વ્યવસ્થા કરીએ.

૪. આવા વિસ્તારોમાં જ્યાં આયુર્વેદિક ઔષધ મળી શકે તેમ હોય તેવા વૃક્ષ કે છોડનું વાવેતર કરીએ.

પ. જે વન્ય પેદાશ માનવઉપયોગી હોય તે વૃક્ષોનું વિસર્ગ કર્યા બાદ જ લઈએ.

કોઈપણ રચનાત્મક કાર્યની પરિપૂર્ણતા કોઈ એક વ્યક્તિની મર્યાદા બહાર હોય છે. આથી આવા કામમાં જેઓની જાણકારી, અનુભવ અને દૂરંદેશી દૃષ્ટિ હોય તેમના સહકાર દ્વારા પરિપૂર્ણ કરીએ.

ગ્રામ વિસ્તારમાંખેતી, પશુપાલન અને વનીકરણની ત્રિવેણી શક્તિના સ્ત્રોતને પૂર્ણ રીતે વિકસાવીએ તો ગ્રામ જીવનના નિર્મળ સ્વભાવના કારણે આર્થિક તેમ જ અધ્યાત્મિક વિકાસના સમન્વયમાંથી નવીનત્તમ આધુનિક જીવનશૈલી અનુભવી શકાય.

આપણે અગાઉ મનુષ્યની ઓળખ અંગે સંક્ષિપ્તમાં ચર્ચા કરી, જેમાં પશુપક્ષી તેમ જ વન્ય સૃષ્ટિમાં એક કોમન ઓળખ હોય છે તેવી માનવજાતની ઓળખ આપણે પ્રસ્થાપિત કરી શક્યા નથી, તેવું મારું માનવું છે. કદાચ આપણે સભ્યતા, સંસ્કારિતા, વિકસિતતા જેવી તખ્કલુસી ઓળખને કોમન સમજતા હોઈએ તો તે આપણો ભ્રમ હોય તેવું અનુભવાય છે, કારણ કે આવી ઓળખ સર્વસામાન્ય નથી હોતી. એમાંય જ્યારે સભ્ય, સંસ્કારી અને વિકસિત સંસ્કરણવાળી વ્યક્તિ પાસે માનવતા સહજ અપેક્ષા રાખતા હોય અને તેનાથી વિરૂદ્ધનું વર્તન અનુભવાય ત્યારે તેનાં દંભથી માનવીય અસ્મિતાનો છેદ ઊડી જાય છે અને એટલે જ ક્યારેક એવું માનવાને પ્રેરાઈએ ક માનવજાતની કોમન ઓળખ આપવી હોય તો એક દંભી તરીકે અપાય. ખેર, આ માનવજાતનું એક નકારાત્મક પાસું છે. એટલે તે અંગેની વિશેષ ટીપ્પણી કરીને સમય અને શક્તિ વેડફવી નથી.

આપણે સહજ રીતે સ્વીકારતા હોઈએ છીએ કે સમગ્ર જીવસૃષ્ટિમાં માનવજાત સિવાયની દરેક જાતે તેમની ઓળખ પ્રસ્થાપિત કરેલી છે. પરંતુ આવી ઓળખ તેમને કેવી રીતે પ્રાપ્ત થઈ તે અંગે વિચારવું રહ્યું. સામાન્યતઃ આવી દરેક યોનિ તેમનાં મર્યાદિત ગુણ અને લક્ષણ આધારિત હોય છે, એટલે તેમની ઓળખ સહજ બની જાય છે, તેમ જ આવાં ગુણ અને લક્ષણો પણ કુદરતે બક્ષેલાં હોય છે.

જેમ કે પ્રાણીજગતના કોઈ એક પ્રાીની જાત લઈએ તો તેમાં અમુક નિશ્ચિત ગુણ કે લક્ષણ દેખાશે. આપણે ચિત્તા કે હરણની જાત જોઈશું. તો ચિત્તમાં ચપળતા અને તેજ ગતિ, હરણની જાત નજર સમક્ષ આવશે તો ચંચળતા અને સુંદરતાનાં ગુણ અને લક્ષણો મુખ્યત્વે હશે. આવા મર્યાદિત ગુણો અને લક્ષણોનાં કારણે તેમની ઓળખ અને સ્વભાવ સમજવામાં સહજ બની જાય છે.

મનુષ્યની ઓળખ આવા કોઈ મર્યાદિત ગુણ કે લક્ષણ આધારિત પ્રસ્થાપિત ન થઈ શકે, તેના માટે મર્યાદિત પણ અને અમર્યાદિત પણ નહીં, પરંતુ બન્નેની મધ્યમાં ગણાવી શકાય તેવાં ગુણ અને લક્ષણ કેળવે તો તે મુજબની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય. તેમાં એક તથ્ય ખાસ નોંધવા જેવું છે કે આવાં ગુણ અને લક્ષણ કેળવવાં પડે છે અને એટલે જ અન્ય પ્રાણીજગત કરતાં માનવીને બુદ્ધિશાળી પ્રાણી તરીકે અલગ તારવ્યો છે. આપણે જ્યારે અમુક ગુણ અને લક્ષણ પ્રાપ્ત કરીએ ત્યારે શિક્ષિત કહેવાઈએ છીએ, આપત્તિઓનો હિંમતભેર મુકાબલો કરીએ છીએ ત્યારે હિંમતવાન તરીકે ઓળખાઈએ છીએ, કોઈના દુઃખથી પ્રભાવિત થઈને કોઈને મદદ કરીએ ત્યારે દયાવાન બનીએ છીએ. આવા જ ગુણો અને લક્ષણોને જ્યારે ધારણ કરીએ છીએ ત્યારે આવા ગુણોની સક્રિયતામાંથી જે સ્ત્રોતનું સર્જન થતું હોય છે, તેમાંથી માનવતા વિકસે છે. માનવીય આભામાંથી જ્યારે વાણી, વ્યવહાર અને વર્તન દ્વારા આવો સ્ત્રોત પ્રવાહિત થાય છે, ત્યારે માનવતાનો અનુભવ કરતા હોઈએ છીએ.

માનવતા સર્વે સદ્‌ગુણોના મંથનમાંથી ઉત્પન્ન થતી ઓળખ (પહેચાન) છે, જે સમગ્ર સૃષ્ટિમાં શ્રેષ્ઠ છે અને એટલે જ જે મહાત્માઓએ આવી શ્રેષ્ઠતાનો અનુભવ કર્યો છે, તેઓ વારંવાર મનુષ્ય યોનિમાં જન્મ લેવાની કામના કરતા હોય છે. એટલે મનુષ્ય જ્યારે માનવતા ધારણ કરે, ત્યારે દરેક સર્જનના ચિતમાં એક કોમન ઓળખની છબી પ્રગટ થાય છે.

પ્રકૃતિના દરેક સદ્‌ગુણોના સ્ત્રોતનું સર્જન તેની ગોદમાંથી થતું હોય છે કે જેના આપણે આભારી છીએ. જેમ કે નદી, પર્વત અને જંગલો પ્રકૃતિની ગોદમાં હોય છે, તેમ ગ્રામ વિસ્તાર પણ તેની ગોદમાં છે. અપવાદરૂપ મનુષ્ય નદી, પર્વતો અને જંગલોનું સાંનિધ્ય પ્રાપ્ત કરી શકે છે. આપણે આવું સાંનિધ્ય સહજ રીતે પ્રાપ્ત કરવું હોય તો ગ્રામ વિસ્તારને પ્રાકૃતિક સ્વરૂપે પૂર્ણ રીતે ખીલવીએ તો પ્રકૃતિનું સાંનિધ્ય સહજ બની જાય અને માનવતાનો અનુભવ કરી શકાય. કદાચ આપણને આવી વાસ્તવિકતાની અતિશયોક્તિ લાગે તો દરેક ધર્મોના ઉદ્‌ભવ સ્થળ કે આપણી ઋષિ પરંપરાઓ તરફ દૃષ્ટિ કરવી રહી.

ર૭. સાર્થકતા અંગેનો વિશ્વાસ

વૈચારિક કાર્યનું સ્વરૂપ આકાર વગરના પ્રતિબિંબ જેવું હોય છે. આપણે આવા પ્રતિબિંબને અનુભવવું હોય તો વૈચારિક દૃષ્ટિ કેળવવી રહી. આવી દૃષ્ટિને દિવ્ય દૃષ્ટિ તરીકે સમજતા હોઈએ તો તે આપણી સમજણ ભૂલ છે. ખરેખર તો તે સર્વસામાન્ય હોય છે. આપણે તેને વિકસાવવી રહી અથવા તો જેમાં પ્રતિબિંબ ઝીલાય છે તે આયનાને સ્વચ્છ કરવો રહ્યો. હું માનું છું કે પ્રતિબિંબ ઝીલવાની દૃષ્ટિ કેળવવી કે આયનો સ્વચ્છ કરવાની પ્રક્રિયા વિચારવા, લખવા કે વ્યક્ત કરવામાં સહજ હોય, પરંતુ તેની વાસ્તવિકતા નુભવવી કઠિન છે અને એટલે જ વૈચારિક કાર્યોનું અમલીકરણ કરીને ઇચ્છિત ધ્યેય સાર્થક થશે કે કેમ તે અંગે વિમાસણ અનુભવાય.

વૈચારિક કાર્યોની વાસ્તવિકતા અને તેનાં પરિણામ અંગે વિશ્વાસ કેળવાય તો કઠિન કાર્ય સહજ બની જાય છે. વિશ્વાસ વ્યક્તિ અને વ્યક્તિસમૂહના નૈતિક આચરણ ઉપર આધારિત છે. વર્તમાન સમયમાં નૈતિક મૂલ્યોનો હ્રાસ થવાથી વૈચારિક કાર્ય કઠિન અનુભવાય છે. એટલે જો ઇચ્છિત કાર્યોનું વાસ્તવિક રીતે અમલીકરણ કરીને તેની સફળતા ઇચ્છતા હોઈએ તો નૈતિક જીવન અપનાવવું રહ્યું. નૈતિક જીવન વ્યક્તિને ઐશ્વરીય તેમ જ માનવીય જીવન પ્રત્યેની ફરજોનું ભાન કરાવે છે. ભાન થતાં આપણું જીવન પૂર્ણ છે કે અપૂર્ણ તેનો અનુભવ થશે. જેનો પૂર્ણ છે તે તો માનવકલ્યાણ માટે ચિંતિત અને પ્રવૃત્ત હોય છે જ, પરંતુ જેઓ અપૂર્ણ છે તેઓ સક્રીય થશે.

વર્તમાન સમયમાં પૂર્ણતા અને અપૂર્ણતાના સમૂહનું પ્રમાણ જોઈશું તો અવશ્ય ખેદ વ્યક્ત કરીશું. આપણે ખેદ વ્યક્ત કરીને ફરજ પૂર્ણ કર્યાનો સંતોષ અનુભવવાના બદલે જેઓ પૂર્ણ છે તેઓને સહકાર આપીને પ્રોત્સાહિત કરીશું તો અવશ્ય આવું વૃન્દ લઘુતમમાંથી ગુરુત્તમ બનશે, પરિણામે જીવનની યથાર્થતાનો આનંદ પ્રાપ્ત કરીશું.

આપણે જ્યારે સામાજિક ઉત્કર્ષનાં કાર્યોનાં સંદર્ભમાં વિચારતા હોઈએ ત્યારે તેને કોઈ એક સ્વરૂપ આપતા હોઈએ છીએ. જેમકે રાજકીય, સામાજિક, ધાર્મિક વગેરે વગેરે... આવાં કાર્યો ભલે સ્તુત્ય હોય, પરંતુ તે સમાજને વિભાજિત કરનાર હોય છે. આવું વિભાજન પણ સમગ્ર સમાજના હિતના સંદર્ભમાં અનુકુળ હોય તો તે પણ સ્તુત્ય છે, પરંતુ જ્યારે માનવસમાજને ઘેટાં બકરાં બનાવીને પોતાના ઉલ્લુ સિદ્ધ કરવા નિંદનીય પ્રયાસ થતો હોય ત્યારે અધોગતિ તરફનું પ્રયાણ શરૂ થાય છે. આપણે તેનું પ્રમાણ જોઈતું હોય તો વર્તમાન સમયના વૈશ્વિક પ્રવાહને સમજવો રહ્યો. જેમ કે રાજકીય કાર્યના સંદર્ભમાં જોઈએ તો શાસકપક્ષ અને વિરોધપક્ષ અનિવાર્ય છે. આવા પક્ષો લોકસમર્થન મેળવવા લોકકલ્યણ, સુખ અને શાન્તિ સ્થાપીને સમર્થન મેળવવાના બદલે સમાજના જેટલા ભાગલા પાડી શકાય તેટલા ભાગલા પાડીને સમર્થન પ્રાપ્ત કરવાની માનસિકતા વડે લોકશાહીના મૂળ હાર્દનો છેદ ઉડાવતા હોય છે. સમાજમાં તેના પ્રત્યાઘાતો કેવા હોય છે અને કેવી સ્થિતિ સર્જાય છે તેનો અનુભવ વ્યથિત કરનારો છે. તેમાં આર્થિક, સામાજિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ હાનિ તો થાય છે જ, પરંતુ ક્યારેક અદના માણસો ઊભા થઈ શકે તેવી સંભાવના દેખાતી નથી. ધર્મની દૃષ્ટિએ વિચારીએ તો અન્ય ધર્મમાં તો ઠીક છે કે મર્યાદિત ફાંટા છે પરંતુ હિન્દુ ધર્મમાં તો એટલા ફાંટા છે કે મૂળ ધર્મ કયો ? તે સમજવું પણ મુશ્કેલ બને છે. જ્યારે સામાજિક વિભાજનનું વિચારીએ તો ચક્કર જ આવી જાય, એટલે તે મો વિચારવાનું જે માંડી વાળીએ તે આપણા સ્વાસ્થય માટે સારું છે. એટલે કે તેમાં શાહમૃગનીતિ નહીં, પરંતુ કચરા-પેટી ફેંદવાનું કામ સજ્જન સમાજને શોભે નહીં તેમ માનવું રહ્યું.

આટલા બધા પક્ષો, ધર્મો, સંપ્રદાયો, સામાજિક મંડળો હોવા છતાં રાષ્ટ્રની ૭૦% પ્રજા ગરીબ હોય અને ર૦% પ્રજા અધમૂવા હોય ત્યારે આપણી ગરિમામાં જઈને ઝાંકવું રહ્યું. શું આવો સમૂહ કોઈ પક્ષ, ધર્મ, સંપ્રદાય કે સમાજનો નહીં હોય ? માનવસમાજનો વિકાસ કરવો હોય તો તેના વિભાજિત સ્વરૂપથી નહીં, પરંતુ તેના અખંડ સ્વરૂપથી કરી શકાય તેવું અત્યાર સુધીન અનુભવ ઉપરથી કહી શકાય.

આપણી પરંપરાગત સામાજિક રચના અનુસાર દરેક ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિઓમાં વંશ પરંપરાગત સંસ્કાર કે કુસંસ્કાર ચલાયમાન રહેતા હતા અને અપવાદરૂ સંજોગોમાં ચલાયમાન છે. જ્યાં સુધી સુસંસ્કારને લાગેવળગે છે ત્યાં સુધી આદિથી અનંત સુધી ચાલુ રહે તો તે સ્તુત્ય છે, પરંતુ કુસંસ્કાર સમાજ માટે કલંક અને પીડન કરનાર હોઈ તેમાં પરિવર્તન જરૂરી છે.

વર્તમાન સમયમાં એવો કોઈ અણીશુદ્ધ વંશપરંપરાગત સંસ્કારી સમાજ હોય તેનું વિશ્વાસપૂર્વક કહી શકાય તેમ નથી, તેવી જ રીતે કુસંસ્કારી સમાજની બાબતમાં છે. એટલે આમ જોવા જઈએ તો હવે બે જ પક્ષ પ્રવર્તમાન હોય તેવું અનુભવાય છે : (૧) સંસ્કારી (ર) કુસંસ્કારી, આપણે જ્યારે સંસ્કારી અને કુસંસ્કારીના સંદર્ભમાં સમાજે મૂલવતા હોઈએ ત્યારે તેની પરિભાષા સમજવી રહી. સંસ્કાર વ્યક્તિની શુદ્ધ વાણી, સુઘડ પહેરવેશ અને લેફ્ટ-રાઈટની ચાલવાળી વર્તણૂકમાં નહીં, પરંતુ તેના વિશ્વાસ, સચ્ચાઈ, આંતરિક સુંદરતા, વિનય અને શિસ્તમય ચાલમાં હોય છે કે જે વ્યક્તિની આભામાંથી વ્યક્ત થતી માનવતાનું આભૂષણ હોય. માનવતાવિહીન સંસ્કાર એકડા વગરના મીંડા જેવા હોય છે.

આપણે જ્યારે સમાજનું ઉત્ખલન કરતા હોઈએ ત્યારે તેની વાસ્તવિકતા શું છે ? તે સમજવી રહી. આપણી અસ્મિતા અને પ્રાણ, રોટી અને રોયલ ખજાનો, સંસ્કારના વિશ્વાસ ઉપર કોઈને હવાલે કર્યો હોય અને એ જ લૂંટીને જતો રહે તો કેવી પરિસ્થિતિ સર્જાય છે, તેનો રોડપતિથી માંડીને કરોડપતિ સુધીનાનો અનુભવ સમજવો રહ્યો. આ એક એવું દૂષણ છે કે જે લાંબે ગાળે વ્યક્તિના સ્વભાવમાં વણાઈ જાય છે, અને તેના વંશજમાં વારસાગત બની જાય છે, જેને આપણે કુસંસ્કાર તરીકે સમજીએ છીએ. દિન પ્રતિદિન સમાજમાં જૂઠ, ચોરી, છેતરપિંડી, ભ્રષ્ટાચાર, લૂંટ-ખૂન, વિશ્વાસઘાત, પરપીડનને સ્વાર્થી માનસિકતાએ તેનું પોત પ્રકાશવા માંડ્યું છે. જ્યાં સુધી નરાધમો અને સહન કરનાર-એમ બે પક્ષો હશે ત્યાં સુધી જીવન બખડ-જંતર ચાલ્યા કરશે, પરંતુ જ્યારે ફક્ત નરાધમોનો જ સમાજ હશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણે છપ્પનિયા દુષ્કાળમાં માનવીને માનવી ખાતા જોયા છે ! પરંતુ તે ભૂતકાળની દુષ્કાળની વાસ્તવિકતા છે, એટલે ભવિષ્યની કરુણતાની કલ્પના કરવી રહી.

આપણે ભવિષ્યની કરુણ કલ્પના કરવાને બદલે ઉજ્જવલ ભવિષ્યની કામના કરવી હોય તો વર્તમાનના પાયા ઉપર કલ્યાણકારી માનસિકતા કેળવવી રહી. અન્યથા છપ્પનનો દુષ્કાળ કુદરતનો પ્રકોપ હતો, એટલે સમયમર્યાદાઓમાં સંકેલાઈને જીવન પૂર્વવત્‌ થઈ શક્યું, પરંતુ જ્યારે માનવસર્જિત પ્રકોપ સર્જાશે, ત્યારે તેના વિનાશથી પૂર્ણ થશે. તેવું વર્તમાન સમયના અણુ, પરમાણુ, ન્યુટ્રોન, રાસાયણિક કે જૈવિક બૉમ્બની વિનાશક શક્તિ ઉપરથી કહી શકાય, કારણ કે સ્વાર્થી માનસિકતા અને પરપીડન કે સહન કરવાની નિર્બળતાની મર્યાદા જ્યારે આમનેસામને થશે ત્યારે કોઈ બચાવ કરનાર નહીં હોય.

કદાચ પ્રસ્તુત મંતવ્ય કોઈ ધર્મ, સંપ્રદાય, વર્ણ કે નાતજાતની લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિના સંદર્ભમાં બૃહદ્‌ સંસ્કરણના અનુસંધાનમાં સમજાય તો તે ગેરસમજ, સમજણભૂલ કે પૂર્વગ્રહ આધારિત હશે. આ ગ્રામ કક્ષાએથી વૈશ્વિક કક્ષા સુધીની માનવીય મનોભૂમિમાં ઘૂંટાણી કટુતા આધારિત છે, આ કટુતાનું મારણ સંહારશક્તિમાં નહીં, પરંતુ માનવીને માનવીય જીવન કેવું હોય છે તેનો અનુભવ કરાવવામાં છે, જેનું પ્રમાણ જોઈતું હોય તો માનવતાવાદી સમૂહનો વ્યવહાર જોવો રહ્યો.

કોઈ પણ શુભ અને સંષ્ઠ કાર્યોની પરિપૂર્ણતા માટેના અનેક પહેલુ હોય છે, આવા દરેક પહેલુની વિગતવાર ચર્ચા કોઈ પણ એકાદ બે વ્યક્તિની વૈચારિક સક્ષમતા મર્યાદિત હોય છે. જ્યારે આવી સક્ષમતા ધારણ કરનારને સમૂહ બને ત્યારે દરેક પહેલુને સમજાવી શકાય. સમજણ સમાજને જીવંત બનાવે છે. આવી જીવંતતાને જ્યારે નિશ્ચિત ધ્યેય મળશે, ત્યારે તે અવશ્ય સાર્થક થાય છે.

ર૮. જનમિત્રનો જીવન-નિર્વાહ

સમગ્ર બ્રહ્માંડમાં જ્યારથી માનવ જાતની ઉત્પત્તિ થઈ ત્યારથી આજદિન સુધીમાં તેની પ્રબુદ્ધતા અને વિજ્ઞાનની પરાકાષ્ઠા સ્વરૂપનાં શોધ-સંશોધન દ્વારા પણ એવું પ્રસ્થાપિત નથી થયું કે પૃથ્વી સિવાય અન્ય જગ્યાએ જીવન હોય. હા, એવું અનુમાન કરી શકાય કે પૃથ્વી ઉપરના જીવનો વિકાસ થતાં પૃથ્વી સિવાય અન્ય જગ્યાએ પડાવ નાખ્યો હોય તેવાં જ અનુમાનો પરગ્રહી માટે કરી શકાય. કદાચ અનુમાનો સત્ય હોય તો પણ જે તે ગ્રહના જીવનનો જીવનવ્યવહાર શું છે તે જાણી શક્યા ન હોય તેવું પણ અનુમાન કરવું રહ્યું અર્થાત્‌ આપણે જે અનુભવી શકીએ છીએ તેવા વિશ્વના જીવન વિશે વિચારવું રહ્યું.

સામાન્યતઃ અનુભવ કરી શકાય તેવા વિશ્વમાં જે વાસ્તવિક છે, પરંતુ આપણી જ્ઞાનેન્દ્રીય દ્વારા સમજી ન શકાય ત્યારે ભ્રમ ઉત્પન્ન થાય છે. સામાન્ય સમજણમાં ભ્રમને અજ્ઞાન અને ધર્મોની શૈલીમાં માયા તરીકે સમજતા હોઈએ છીએ. જ્યારે ભ્રમ કે માયા તૂટે છે, ત્યારે વાસ્તવિકતા સમજાય છે. જેમ કે પૃથ્વી ઉપર જીવન છે અને તે જુદી જુદી યોનિમાં પ્રવર્તમાન છે, તે વાસ્તવિકતા છે. આ દરેક યોનિ એક બીજાની પૂરક છે, તેવું કહીએ ત્યારે ભ્રમ ઉત્પન્ન થાય છે કે આવા જીવો એકબીજાના પૂરક કેવી રીતે હોઈ શકે ? તેવી જ રીતે આવા જીવોના જીવન વ્યવહારને ન સમજી શકાય, ત્યારે તેમાં માયા લાગે છે. જેમ કે દરેક જીવમાં કામ (સેક્સ) સામાન્ય છે. જેને આપણે માયાનું સ્વરૂપ સમજીએ છીએ, પરંતુ આ જ કામને નવસર્જનના સ્વરૂપમાં સમજીએ તો તે વાસ્તવિક બની જાય છે.

આવો જ તર્ક-વિતર્ક ઈશ્વરની હયાતી માટેનો છે. ઈશ્વર છે ? તો તેની હયાતી કે વાસ્તવિક સ્વરૂપે દર્શન કરાવો. જો દર્શન ન થાય તો સમજણના અભાવમાં ભ્રમ ઉત્પન્ન થાય છે અને આ ભ્રમમાંથી વાસ્તવિકતા અનુભવવાની જાળમાં ફસાઈએ ત્યારે માયાનું સ્વરૂપ અનુભવાય છે, પરંતુ જ્યારે માયામાંથી મુક્ત થવાય ત્યારે વાસ્તવિકતાનો અનુભવ થાય છે, જ્યાં ઐશ્વરીય સ્વરૂપનું દર્શન હોય છે.

માનવ-સમાજની મનોભૂમિમાં ઈશ્વર કે ઐશ્વરીય શક્તિ જેવું કોઈ વાસ્તવિક સત્ય છે કે કેમ ? જો ભ્રમ હોય તો મહત્તમ લોકસમુદાય તેની પાછળ કેમ છે ? અને ન હોય તો નિર્બળ ક્ષણોમાં અજ્ઞાત શક્તિનો સહારો કેમ શોધે છે ? શું ભૌતિકવાદથી આ બંને પ્રશ્નોનો છેદ ઉડાડી શકાય ? આપણી મનોભૂમિમાં આવા પ્રશ્નોના નિરાકરણ પહેલાંની સ્થિતિ અને નિરાકરણ કર્યા બાદની સ્થિતિ વચ્ચેની તુલના કરીએ ત્યારે સમજાય કે વાસ્તવિકતા શું છે ? શું આપણી પાસે આવી તુલના કરવાનો સમય અને શક્તિ છે ?

ખરેખર તો આવા પ્રશ્નો આપણને વિડંબણામાં નાખનારા છે. આપણે જ્યારે પ્રાથમિક જીવનજરૂરિયાતો અને સામાજિક વ્યવહાર કેવી રીતે ૂરા કરવા તેના વિચારોથી આપણી મનોભૂમિ છલોછલ ભરેલી હોય ત્યારે ઈશ્વર કે ઐશ્વરીય શક્તિની વાસ્તવિકતા અંગેના વિચ્ર મનોભૂમિમાં ન આવી શકે તે માની શકાય. તો પ્રશ્ન એ થાય છે કે શું તેનાથી અલિપ્ત રહેવું ? જેઓ ભૌતિક વૈભવથી અંજાયેલ હોય તેઓ, તેમ જ ઇચ્છાપૂર્વક તેનાથી દૂર ભાગતા હોય તેવો સમૂહ અલિપ્ત રહે તો તેમાં તેમનો અંગત પ્રશ્ન છે, આવી અંગત માનસિકતામાંથી સામાજિક સમતુલન વિક્ષેપિત ન થાય તો તે સ્તુત્ય વર્તન છે. પરંતુ તેનાથી વિપરીત પરિસ્થિતિ અનુભવાય ત્યારે ચિંતાનું કારણ બને છે, કેમ કે આવાં કારણોસર સમાજના જીવનને પણ અશાન્ત કરનારું હોય છે.

જેમ કે અનેક મણકાઓમાંથી સુંદર હાર બને છે, ત્યારે મણકાને જોડતો ધાગો તેનું માધ્યમ બન છે. આવા માધ્યમ સિવાય હારની કલ્પના ન કરી શકાય. તેમ મનવજીવનને જોડતું માધ્યમ સર્વ્‌ સદ્‌ગુણોમાંથી ઉત્પન્ન થયેલ માનવતારૂપી ધર્મ હોય છે. આવા ધર્માચરણના અભાવમાં માનવી સ્વચ્છંદ બની જાય છે. સ્વછંદતા દરેક સ્વરૂપે અભિશ્રાપ છે. સ્વછંદતા ઇચ્છાઓની અતિ તેમ જ અપૂર્તિમાંથી જન્મે છે. જો તેમાંથી મુક્ત અથવા તો સ્વતંત્ર થવાય તો માનવજીવનની વાસ્તવિકતા સમજાય.

વૈશ્વિક માનવયી જીવનવ્યવહાર આવી મુક્તતા કે સ્વચ્છંદના દ્વન્દ્વમાં ધ્વંશમાં પ્રવર્તમાન છે, જેમાં ધર્મો કે સંપ્રદાયોમાં યાગને મહત્ત્વ આપેલું છે, જ્યારે સામાજિક સેવામાં સંયમ અને સાદગીને મહત્ત્વ આપેલ છે, ત્યાગ વ્યક્તિને નિઃસ્પૃહી બનાવતાં સામાજિક બંધનોથી તો મુક્ત થાય છે, પરંતુ તેનો જીવન નિર્વાહ આ જ સમાજને આભારી હોય છે, જ્યારે અપવાદરૂપ ત્યાગી સિવાય લોકો આવા કાર્યને વ્યવસાય બનાવી ધંધો કરતા હોય છે. એટલે કહેવાતા ત્યાગીઓ અને સેવકો એક યા બીજા પ્રકારે સમાજના હિતેચ્છુઓ બનાવવાના બદલે ક્યારેક ભારરૂપ અનુભવાય છે. આ એક પરંપરાગત જીવનપ્રણાલિકા છે. જેનું મૂળભૂત ધ્યેય માનવીય જીવનની ઊર્ધ્વગતિનું છે. આપણે તેનાં સકારાત્મક પરિણામ અનુભવતા હોઈએ તો આપણા માટે આશીર્વાદ સમાન છે, પરંતુ જો નકારામક હોય તો તે અંગે ચિંતન કરવું રહ્યું.

આપણે જ્યારે ઈશ્વરનું સાંનિધ્ય અને માનવસમાજનું કલ્યાણ ઇચ્છતા હોઈએ ત્યારે તેમના ભોગે અને જોખમે આપણો જીવનનિર્વાહ કરવો હિતાવહ નથી, કારણ કે પુણ્ય અને પાપની પરિભાષામાં આ એક પાપ જ છે અને તેના પ્રમાણ માટે ધર્મ આધારિત કે ધર્માદિયું ધન અને કણ ખાનારના જીવન તરફ દૃષ્ટિ કરવી રહી.

પરંપરાગત જવન આચારસંહિતામાં દંભનું આધિપત્ય હોય તેવું જીવન જીવવા કરવાં સામાન્ય જીવનપ્રવાહમં ભળીને જીવન માણવામં ઐશ્વરીય તેમ જ માનવીય દૃષ્ટિમાં ધન્યતા અનુભવાય છે. સામાન્યતઃ જેઓનું ઉત્કૃષ્ટ જીવન છે, તેઓ જ્યારે સમાજથી અલિપ્ત રહે છે ત્યારે તેના પ્રભાવથી સમાજ વંચિત રહે છે અને દિન પ્રતિદિન પ્રભાવહીન બનતો જાય છે. કોઈ પણ પરિવર્તન ફક્ત શબ્દો કે વાણી વિલાસથી નહીં, પરંતુ સમાજની મધ્યમાં રહીને ઉત્કૃષ્ટ જીવન પ્રણાલિકા મુજબના જીવનવ્યવહારમાંથી કરી શકાય છે.

આપણે જ્યારે સમાજનું ધ્રુવીકરણ કરીને ઇચ્છિત ધ્યેયનું સકારાત્મક પરિણામ જોઈતું હોય તો દરેક કેન્દ્રમાં કેન્દ્રવર્તી વ્યક્તિની અપેક્ષા રાખવી રહી. અને આવી અપેક્ષા ત્યારે જ પરિપૂર્ણ થાય કે તેના જીવનનિર્વાહની વ્યવસ્થા થાય કે જેમાં વ્યક્તિગત તેમ જ સામાજિક જરૂરિયાતોનો સમાવેશ થાય. વ્યક્તિ જ્યારે પોતાની શક્તિઓ સમાજને સમર્પિત કરે ત્યારે આપણું ઉત્તરદાયિત્વ એવું હોવું જોઈએ કે તેના જીવનનિર્વામાંથી મુક્તિ મળે. જો તે પોતાના જીવનનિર્વાહથી મુક્ત હશે તો સમાજના વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરશે. આવી મુક્તિ સમાજની કોઈ હમદર્દીમાં કે ભારણના સ્વરૂપની નહીં, પરંતુ વ્યક્તિના કર્મનિષ્ઠ કાર્યના પરિણામ સ્વરૂપની બનાવીએ તો ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત થાય. આપણી જાણકારી, સમજણ, અનુમાન અને અનુભવ ઉપરથી એટલું તો અવશ્ય સમજીએ છીએ કે દરેક ધર્મ, સંપ્રદાય કે સેવાકીય સંસ્થાઓમાં અનેક અદના માનવીથી લઈને પ્રબુદ્ધ વ્યક્તિઓ સુધીનાં તન, મન અને ધનથી પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે કાર્યરત હોય છે. આવી વિભાજિત શક્તિને અખંડ બનાવવામાં આવે તો સમાજનો કાયાકલ્પ કરી શકાય. કેમ કે વિભાજિત સમૂહ દરેક શક્તિથી પરિપૂર્ણ નથી હોતો, માનો કે કોઈ એક સમૂહ ધનથી પરિપૂર્ણ છે તો તેના વિકાસ માટે તનની શક્તિ જરૂરી હોય, પરંતુ મનની શક્તિ ન હોય તો એક માનવીય વાતાવરણ સર્જાવું જોઈએ તે ન સર્જાય. મનની શક્તિ સમગ્ર સમાજના સાંનિધ્યમાં છે.

જ્યાં ત્રિવેણી શક્તિઓનો સંગમ થાય ત્યાં સ્વર્ગની પરિકલ્પના પૂર્ણ થાય છે. આવા સ્વર્ગના સર્જન માટે જેઓ પોતાના જીવનનિર્વાહ માટે સક્ષમ હોય અથવા તો અન્ય સ્ત્રોત પર્યાપ્ત હોય અને તેઓ સહભાગી થાય તો સોનામાં સુગંધ ભળે છે, પરંતુ જેઓ પાસે અન્ય સ્ત્રોત ન હોય અને સહભાગી થવા ઇચ્છે તો તેમના જીવનનિર્વાહની વ્યવસ્થા કરવી રહી.

સામાન્યતઃ માનવીય જીવનની મહત્તમ અપેક્ષાઓ આર્થિક સદ્ધરતા, સામાજિક પ્રતિષ્ઠા અને ઐશ્વરીય સાંનિધ્યમાંથી મોક્ષપ્રાપ્તિની હોય છે. આપણી કાર્યપ્રણાલિથી આ ત્રણે અપેક્ષાઓના સમન્વયમાંથી ઇચ્છિત જીવન પ્રાપ્ત થાય તેવું ઇચ્છીએ છીએ અને તેમ છતાં ધાર્મિકતા, ઊંચ-નીચ અને રાજકીય રંગથી અલિપ્ત રહીએ છીએ. ખરેખર તો ધાર્મિકતા, ઉચ્ચતા અને રાજકીય રંગ કેવા હોવા જોઈએ તે પ્રસ્થાપિત કરી શકીએ તો પણ ઈશ્વર અને તેના સર્જન માટેનું આપણું કર્તવ્ય પૂર્ણ થાય છે, જેમાં જીવનની યથાર્થતા અને મુક્તિની અનુભૂતિ કરી શકાય છે. મુક્તિની અનુભૂતિ એ જ મોક્ષ છે.

હું માનું છું કે એથી વિશેષ કોઈ જીવનનિર્વાહ ન હોઈ શકે, તેવું અંશતઃ અનુભવના આધારે કહી શકું. અંશતઃ એટલા માટે કે કેટલીક સામાજિક જવાબદારીનાં બંધનો એવાં હોય છે કે જે નિભાવ્યા સિવાય મુક્ત થઈ શકાય નહીં. ભલે પછી તે બંધનો પ્રત્યક્ષ સ્વરૂપનાં હોય કે પરોક્ષ સ્વરૂપનાં હોય, તેને નિભાવવું એ જ જીવન હોય છે.

ઉપરોક્ત પ્રસ્તુતિ મોઘમ સ્વરૂપની લાગતી હોય તો સહજ રીતે કહી શકાય કે સંયમૂર્વકના સામાજિક જીવન માટેની આર્થિક જરૂરિયાત, સામાજિક પ્રતિષ્ઠા અને ઈશ્વરની હયાતી સમજી શકાય તેવું જીવન પ્રાપ્ત થાય તેને જીવનનિર્વાહ માટેની વ્યવસ્થા સમજી શકાય. તેની લઘુતમ મર્યાદા અવશ્ય હોઈ શકે, પરંતુ મહત્તમ વ્યાપ મર્યાદિત ન પણ હોઈ શકે.

ર૯. જનમિત્રની પસંદગી અને પ્રશિક્ષણ

વર્તમાન સમયમાં બેકારી જ્યારે એક સામાજિક સમસ્યા હોય ત્યારે તેમાંથી મુક્ત થવા દરેક વ્યક્તિ પ્રયત્નશીલ હોય તેમ માનવું રહ્યું. આવી પરિસ્થિતિમાં કોઈ નક્કર ભૂમિકાના આધાર વગર પ્રલોભનકારી રજૂઆત કરીએ તો સમાજ સાથે વિશ્વાસઘાત કરવા જેવી હકીકત છે. આવો વિશ્વાસઘાત પણ કેટલાક લેભાગુઓને કોઠે પડી ગયો છે. તેથી તેની સ્પંદનશીલતાને ધ્યાને લઈને વિસ્તૃત સમજણ કેળવવી રહી.

આપણે જ્યારે સ્વયં આધારિત વિકાસની પરિયોજના કરતા હોઈએ, ત્યારે તેમાં સામૂહિક સહકાર અને જવાબદારીને ધ્યાને લેવાની થતી હોય છે. એટલે પ્રાથમિક કક્ષાએ જેઓ લોકહિતની જવાબદારી સમજતા હોય તેમ જ આવી જવાબદારી નિભાવવાની કોઠાસૂઝ હોય તેવા સમૂહની રચના કરીએ. આવો સમૂહ જ્યાં સુધી કોઈ આર્થિક સ્ત્રોત મળી ન રહે, ત્યાં સુધી પોતાનો પ્રાથમિક ખર્ચ નિભાવી શકે તે આવશ્યક છે. સામાન્યતઃ તેમાં પ્રાથમિક બંધારણની રચના કરીએ.

પ્રાથમિક બંધારણમાં તાલુકા દીઠ એક, જિલ્લામાં દરકે વોર્ડમાંથી એક તેમ જ શહેરી વિસ્તારના વોર્ડમાંથી એક તેમ જ જે નગરપાલિકા અને પંચાયત હોય પરંતુ તાલુકો ન હોય તેવા વિસ્તારમાંથી એક સભ્યનો સહકાર મેળવીએ. આવા સભ્ય સમૂહની રચનામાં આયોજનનાં દરેક રચનાત્મક કાર્યોની વિસ્તૃત ચર્ચા કરીને તેનું અમલીકરણ કરવા માટેનું બંધારણ નક્કી કરીએ.

પ્રશ્ન એ થશે કે દરેક વિસ્તારમાંથી એક સભ્યને નક્કી કેવી રીતે કરવા તેનો પ્રથમ ઉપાય જેઓ આ પુસ્તક વાંચશે, તે તેનું હાર્દ સમજશે; અને પોતે અભિયાનમાં સહભાગી થવાની ઇચ્છા ધરાવશે તો પોતાનો સંમતિપત્ર નિર્દેશ કરેલ સરનામે મોકલાવી આપશે. નક્કી કરેલ વિસ્તારમાં યોય જગ્યાએ રૂબરૂ મુલાકાતથી પ્રાથમિકતા નક્કી કરીએ. ત્યાર બાદ જેઓ સંમતિપત્ર દ્વારા પોતાની ઇચ્છા વ્યક્ત કરીને સહભાગી થવા માગે છે. તેઓને સભ્યપદ આપીએ પરંતુ તેમને યોગ્ય કામગીરી પછીથી સોંપીએ.

જેઓની પ્રથ પસંદગી થઈ હોય તેમને તેમના તાલુકાના ગ્રામ્ય વિસ્તાર, જિલ્લા અને શહેરી વિસ્તારમાં વોર્ડદીઠ દર એક હજાર રહેણાકદીઠ, નગરપંચાયતમાં દર એક હજાર રહેણાક દીઠ બે વ્યક્તિને સભ્ય બનાવી જો બેથી વધારે વ્યક્તિઓનાં સંમતિપત્રો હોય તો તે મુજબ બે અને બે કરતાં વધુ સભ્યોને રૂબરૂ મુલાકાત દરમિયાન પસંદ કરીએ. જેની સમગ્ર વહીવટી કાર્યવાહી પ્રથમ પસંદ થયેલ સભ્યને આપીએ.

માળખાગત ચેઈન સિસ્ટમ પ્રસ્થાપિત કરીને દરેક જિલ્લા અને શહેરોમાં દરેક કાર્યોની વિસ્તૃત સમજણ, રચનાત્મક રીતે અમલીકરણ, વ્યવસ્થાપન હેતુ અને ઇચ્છિત પરિણામ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનાં પ્રશિક્ષણની વ્યવસ્થા કરીએ.

આપણે જ્યારે સમાજના આર્થિક વિકાસમાંથી તંદુરસ્ત સમાજની પરિકલ્પના કરતા હોઈએ ત્યારે તેનું વાસ્તવિક અમલીકરણ કેવી રીતે કરી શકાય તે માટે કલ્પનાનો નહીં પરંતુ વાસ્તવિક ભૂમિકાનો આધાર લેવો રહ્યો. અને તે માટે સ્વરોજગારીની પરિભાષા સમજવી રહી. સામાન્યતઃ રોજગારીનું સ્વરૂપ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપનું હોય છે. પ્રત્યક્ષ સ્વરૂપમાં વ્યક્તિના શિક્ષણ, કોઠાસૂઝ અને પરંપરાગત હુન્નરથી સક્ષમ હોય અને બેરોજગારી કે અર્ધ રોજગારી હોય તો તેની સંપૂર્ણ શક્તિના વિકાસ માટે જે આનુષંગિક પરિબળોની જરૂરિયાત હોય તેની પૂર્તિ કરવામાં છે. એટલે કે વ્યક્તિએ જે તકનિકી શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય અને તે શિક્ષણ મુજબ બેરોજગાર કે અર્ધબેરોજગાર હોય તો તેવા તકનિકી શિક્ષણથી સંપૂર્ણ રોજગાર પ્રાપ્ત કરે તેની વ્યવસ્થામાં છે. દા.ત. આટ્‌ર્સ કે વાણિજ્યના શિક્ષણથી પૂર્ણ હોય અને બેરોજગાર હોય તેમ જ રોજગારી હોય પરંતુ સામાજિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે અપૂર્તિ હોય, તેમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય તેવા આર્થિક સ્ત્રોતની વ્યવસ્થા કરવામાં છે.

પરોક્ષ સ્વરૂપની રોજગારીમાં વ્યક્તિ અન્ય એકમો ઉપર આધારિત હોય છે, જેને નોકરીના સ્વરૂપમાં સમજીએ છીએ. આપણે પ્રત્યક્ષ સ્વરૂપની રોજગરી કે વ્યવસાયનો વિકાસ કરીએ તો આપોઆપ પરોક્ષ સ્વરૂપની રોજગારીની તકો વધે તેમાં કોઈ બે મત નથી. જો આવા ચક્રની વ્યવસ્થિત શરૂઆત કરીએ તો અભણથી દરેક પ્રકારના શિક્ષિત, નાનામાં નાનાં ઘરમાં હુન્નર કરતી વ્યક્તિથી કોર્પોરેટ જગત સુધીનાં ક્ષેત્રોની સક્ષમતાને મહત્તમ રીતે વિકસાવી શકાય.

આપણે આપણા આયોજનનાં કાૃયોનો વ્યાપ સમજીએ તો પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપની રોજગારી તથા આર્થિક વિકાસના મધ્યસ્થ તરીકેનો ભાર અને જવાબદારી સમજવી રહી. આપણે ભલે આપણા સ્વયંના આયોજનમાંથી એકાદ લાખની રોજગારી ઊભી કરી શકીએ, પરંતુ તેનો વ્યાપ સંપૂર્ણ બેકારી નાબૂદીનો છે. તેને આંકડામાં જણાવવાની કોઈ આવશ્યકતા નથી.

ટૂંકમાં, આપણા કાર્યક્ષેત્રની ગહનતા, ધ્યેય અને હાર્દને સમજી અને સમજાવી શકવાની માનસિક સક્ષમતા તેમ જ તેનું અમલીકરણ કરવાની તત્પરતા જેઓ નિભાવી શકે તેવા દરેક વ્યક્તિના સમૂહને ઇચ્છીએ છીએ. આવા સમૂહને દુન્યવી લાયકાતોની જરૂર નથી. માનવતાસહજ પ્રવૃત્ત થવામાં જ સૌથી મોટી લાયકાત છે.

૩૦. સામાજિક ઊર્ધ્વીકરણ

અત્યાર સુધીની આપણી પ્રસ્તુતિ કાલ્પનિક, વૈચારિક મનોભૂમિમાંથી ભાવનાત્મક સ્વરૂપે રજૂ થયેલ છે. જેને પ્રસ્તુતકર્તા સિવાય અન્યને અનુભવવામાં વિડંબણા અનુભવાય તેમ મની શકાય, એટલે જો ભાવનાત્મક સ્વરૂપને સાકાર સ્વરૂપે પરિવર્તિત કરાય તો સર્વનાભૂતિત એટલે કે સર્વને અનુભવ કરાવી શકાય. સામાજિક ઉત્થાનનું ભાવનાત્મક સ્વરૂપે નહીં, પરંતુ રચનાત્મક સ્વરૂપે અમલીકરણ કરાય તો જ પરિણામલક્ષી બનાવી શકાય. આપણે ભાવનાત્મક સ્વરૂપની અનેક પરિકલ્પના માણીએ જ છીએ, પરંતુ તેની વાસ્તવિકતા શું છે તે જાણવી રહી. જેમ કે ગરીબી નિવારણ, બેકારી નિવારણ, સ્વસ્થ સમાજ, રાષ્ટ્રીય વિકાસ જેવી અનેક ભાવનાત્મક પરિયોજનાઓ છે, પરંતુ તેની વાસ્તવિકતા શું છે તે સુપેરે સમજતા હોઈએ છીએ. સામાજિક ઊર્ધ્વીકરણની એવી કેટલીય યોજનાઓ છે કે જેમાં જે તે સરકારનું રાજકારણ હોય છે. કદાચ આપણે તેમનાં નકારાત્મક પાસાંને અવગણીને સામાજિક જવાબદારી સમજીએ તો ઘણાં જ સ્તુત્ય પરિણામ પ્રાપ્ત થાય. ખેર, વર્તમાન સમયનો ઉકરડો ફેંદવા બેસીશું, તો ગંદકી સિવાય કંઈ જ પ્રાપ્ત નહીં થાય. જેમાં આપણી નકારાત્મક વૃત્તિ પ્રદર્શિત કરીને સુરુચિનો ભંગ થતો હોય તેવું અનુભવાય છે.

વર્તમાન સમયમાં સામાન્ય કે તકનિકી શિક્ષણ જે પણ સ્થિતિમાં હોય તેવી સ્થિતિમાં સર્વ સમુદાય ને સહજ રીતે શિક્ષણ પ્રાપ્ત થવાના બદલે કોઈ મોજશોખની વસ્તુ હોય અને તેનું વ્યવસાયીકરણ કરીને એટલી મોંઘી કરી નાખવામાં આવી છે કે સામાન્ય વ્યક્તિ માટે તે સ્વપ્ન બની જાય છે. જે પરિબળ સમાજ અને રાષ્ટ્રના વિકાસનો પ્રાણ હોય તેનું વ્યવસાયીકરણ તે જ સમાજ રાષ્ટ્રની અધોગતિને નોતરે છે અને તેમાંય જ્યારે સમાજની આર્થિક તેમજ માનસિક નિર્બળતા સહભાગી બને છે ત્યારે વિકાસના સ્વપ્નથી વિશેષ કંઈ પ્રાપ્ત ન થાય. આપણે આપણાં સ્વપ્ન સાકાર કરવાં હોય તો આવાં દરેક પરિબળોનું પુનઃ મૂલ્યાંકન કરવું રહ્યું.

શિક્ષણ એક એવી વ્યવસ્થા છે કે જેને વિકસાવવા માટે આધુનિક સુવિધા ન હોય તે પણ વિકસાવી કાય તેના માટે જરૂરી છે. માનવતા સભર વાતાવરણ (હ્યુમન એન્વાયરમેન્ટ.) માનવીય હૂંફ સિવાયનું શિક્ષણ ફક્ત વ્યવસાય છે. ગમે તેવી વૈભવી વ્યવસ્થા હોય, પરંતુ માનવીય હૂંફનું વાતાવરણ ન હોય તો વ્યક્તિ યાંત્રિક પ્રક્રિયામાંથી પસાર થયેલ ફક્ત યાંત્રિક માનવ જ બની જાય છે, પરંતુ સાદગી કે સામાન્ય વ્યવસ્થા હોય અને માનવીય હૂંફથી સિંચિત હોય તો પોતાના શિક્ષણ દ્વારા સમાજની જીવંતતાને અનુભવીને તેમાં રહેલી ઊણપનું પોતાના શિક્ષણ દ્વારા નિરાકરણ કરશે. આપણે તેનાં પ્રમાણ જોઈતાં હોય તો પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિ તરફ દૃષ્ટિ કરવી રહી, જેમાં રાજા-મહારાજાનાં સંતાનો પણ સાદગીપૂર્ણ અભ્યાસ કરીને અર્થપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. શિક્ષણ અંગેની વિસ્તૃત ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ. પરંતુ અત્રે એવા શિક્ષણની ચર્ચા કરીએ છીએ જેમાં સામાજિક ઊર્ધ્વીકરણનો હેતુ સિદ્ધ થાય.

વર્તમાન શિક્ષણપદ્ધતિમાં જે વ્યવસાયિક શિક્ષણ છે તેમાં તેની પ્રાપ્તિ બાદ સંતોષજનક કે અસંતોષજનક રોજગારી મળી રહેતી હોય છે, પરંતુ જેઓએ વ્યવસાયિક શિક્ષણના બદલે સામાન્ય શિક્ષણ મેળવ્યું હોય છે તેમાંનો મોટાભાગનો વર્ગ રોજગારીથી વંચિત હોય છે. આથી આવા અશિક્ષિતથી શિક્ષિત સુધીના સમૂહને વર્ગીકૃત કરીને વર્તમાન તેમ જ ભવિષ્યમાં જે પ્રમાણના કામની જરૂરિયાત હોય કે ઊભી થવાની હોય તેનો સમન્વય કરીને વ્યવસાયિક શિક્ષણની વ્યવસ્થા કરાય તો દરેક વ્યક્તિને રોજગારી મળી રહે. આવા શિક્ષણમાં વ્યક્તિની રુચી, પરંપરાગત હુન્નર, કોઠાસૂઝ તેમ જ કાર્યપદ્ધતિને ગ્રહણ કરવાની સક્ષમતાને પ્રાધાન્ય આપવામાં આવે તો ત્વરિત પરિણામ પ્રાપ્ત કરી શકાય, જેમ કે વૈશ્વિક કક્ષાની આધુનિક જરૂરિયાત તેમ જ રાષ્ટ્રીય કક્ષાએ ખેતી, પશુપાલન, સુથારી, લુહારી, કુંભારી, ભરત-ગૂંથણ, સિવણ, મોચીકામ જેવો પરંપરાગત વ્યવસાય આવા વ્યવસાયમાં આધુનિક પ્રશિક્ષણ તેમ જ બજારની વ્યવસ્થામાં સહાયક બનાય તો તેમના મહત્તમ પ્રશ્નોનું નિરાકરણ થાય.

અત્રે આપણે એ ધ્યાન રાખવું રહ્યું કે આપણે એક સમાજ છીએ તેમાં ઉત્પાદક અને ઉપભોક્તારૂપી બે ભાગ છે. આ બે ભાગને જોડીને સમાજને એક કરવાનો છે. અને આવા બે ભાગને જોડવાનું માધ્યમ આપણે બનવાનું છે. આ જોડતો સાંધો જેટલો બારીક એટલો સ્વસ્થ સમાજ. પરંતુ આ સાંધો મોટી તિરાડ કે ખાઈ જેવો હોય તો સમજવું કે સમાજ ત્રાહિમામ્‌, જે આપણે અનુભવી રહ્યા છીએ.

અર્થાત્‌ ઉપરોક્ત હકીકતને સહજ રીતે સમજવી હોય તો સમાજ તેના વ્યવહારોનું પરિણામ છે, આ દરેક વ્યવહારમાં કોઈ જરૂરિયાત, સેવા, સહકાર કે મદદના અધિકૃત હોય છે, તો કોઈ તેના ઉપભોક્તા હોય છે. આ બંનેની મધ્યમાં બંનેની ઇચ્છાઓને જાણકાર હોય છે, જેને આપણે એજન્ટ, દલાલ કે વેપારી તરીકે સમજતા હોઈએ છીએ. જો આવી વ્યક્તિ ત્રણે પક્ષોના હિતનું નૈતિક રીતે સમાધાન કરીન વ્યવહાર કરે તો તે સ્તુત્ય છે. પરંતુ જ્યારે પોતાનો અંગત સ્વાર્થ સિદ્ધ કરવા અપ્રામાણિક બને ત્યારે નિંદનીય બને છે. આ નિંદનીય બાબતથી વ્યક્તિ જ્યારે બેપરવા બને છે ત્યારે તે સિવાયના બંને પક્ષોને સહન કરવાનું થાય છે. જ્યાં સુધી અધિકૃત એટલે કે ઉત્પાદક અને ઉપભોક્તાનો સમન્વય નહીં કરીએ ત્યાં સુધી આપણે ત્રાસ ભોગવવો જ રહ્યો.

આપણે ગ્રામ કક્ષાએથી વૈશ્વિક કક્ષા સુધીની વર્તમાન અને ભવિષ્યનાં સમાજ, સરકાર કે વિશ્વની જરૂરિયાતને ધ્યાને લઈને તે મુજબનું વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરીશું, તો અવશ્ય ઇચ્છિત વિકાસ પ્રાપ્ત કરી શકીશું.

૩૧. ઉત્સાહનો અહાલેક જગાવીએ

સંસાર, સુખ-દુઃખના સાગરની પરિકલ્પનાના આધારે સર્જાયેલ છે, જેમાં બહુધા સમાજ હંમેશાં કલ્પનાતીત સુખના સાગરમાં જ પસાર કરવાનું ઇચ્છતો હોય છે. જ્યારે દુઃખના અણસારમાત્રથી ભયભીત થતો હોય છે. ખરેખર તો સુખદુઃખ આપણી માનસિક પ્રક્રિયાનો ભાગ છે. જો સુખી સંસારના સમુદ્રમાં સહેલગાહ માણવી હોય અને તરવાની પ્રક્રિયાને દુઃખ સમજતા હોઈએ તો તે આપણી માનસિકતાનું જ પરિણામ કહેવાય. સુખી સંસારસાગરમાં રહેવું અને તરવાની પ્રક્રિયાના દુઃખથી બચવું એવું કોઈ જીવન હોય તો તે કલ્પનાથી વિશેષ કંઈ નથી, તેવું સામાન્ય બુદ્ધિથી પણ સમજાય તેમ છે. આપણે એવું માનતા હોઈએ કે તરાપો બનાવીને તેમાં બેસીને સમુદ્રમાં તરીશું તો તરાપો બનાવવા માટે પણ શ્રમ તો કરવો જ પડશે, કદાચ કિંમત ચૂકવીને તરાપો ખરીદીશું કે ભાડે બેસીશું તો, નાણાં માટે પણ શ્રમ તો કરવો જ રહ્યો. વાસ્તવિક સંસાર તો એને કહેવાય કે આપણામાં ટહેલવા કે પાર કરવા માટે તરવાનો ઉત્સાહ હોય. જો તરવાનો ઉત્સાહ હશે તો સંસારની સાર્થકતા અવશ્ય સમજાશે. જો આવી વાસ્તવિકતાનો અનુભવ કરવો હોય તો પક્ષીઓ અને જલચર સૃષ્ટિ તરફ દૃષ્ટિ કરવી રહી.

ખરેખર તો સૃષ્ટિ સ્વયં એક મહાસાગર છે. જેમાં આકાશ, પાતાળ ને પૃથ્વી તેના ઉપસાગરો છે. આકાશ પક્ષીઓનો પાતાળ જળચરોનો અને ભૂ-મંડળ પ્રાણીઓ માટેનો સાગર છે. પક્ષીઓ આકાશમાં ઉડ્ડયન કરવાની, જળચરો તરવાની પ્રક્રિયાને દુઃખ નથી સમજતા, પરંતુ પ્રાણીઓનો શહેનશાહ મનુષ્ય પૃથ્વી ઉપર પ્રવૃત્ત રહેવાની પ્રક્રિયાને દુઃખ સમજતો હોય છે. અપવાદરૂપે જેઓ પ્રવૃત્ત હોય છે, તેઓ સહજ રીતે સંસારસાગરના અમૃતને માણતા હોય છે. આવું અમૃત પછી ભૌતિક વૈભવ સ્વરૂપનું હોય કે મોક્ષ સ્વરૂપનું હોય. હાં, અત્રે એ યાદ અપાવવું રહ્યું કે આપણી પ્રવૃત્ત પ્રક્રિયા સર્જનહારની સકામ ભાવનાઓને પરિપૂર્ણ કરવાના સંદર્ભમાં હોવી જોઈએ.

સર્જનહાર સ્વયં ઉત્સાહના સાગર છે અને તેનું પરિણામ ચિન્મય આનંદ છે, તેની પ્રાપ્તિ તરવાની પ્રક્રિયામાં છે. આપણે તરવાની પ્રક્રિયા સમજવી હોય તો સર્જનહારની વ્યૂહરચનાને પણ સમજવી રહી. આ વ્યૂહરચનામાં એક જ એવો કોઠો છે, જેમાંથી બહાર નીકળવું અઘરું પડે છે. જેને આપણે ઇચ્છા તરીકે સમજીએ છીએ. આ કોઠામાંથી સ્વયંના પ્રયત્ન દ્વારા જ બહાર નીકળી શકાય છે, જેને ભેદવાની શક્તિ ફક્ત ઉત્સાહમાં છે. જો ઉત્સાહરૂપી બ્રહ્માસ્ત્ર આપણી પાસે હોય તો મોક્ષ પણ સહજ બની જાય છે. મોક્ષ માનવીય જીવનની દરેક જરૂરિયાતનું પૂર્ણવિરામ છે.

સામાન્યતઃ મોક્ષ માનવીય જીવનનું અંતિમ લક્ષ છે અને તેની પ્રાપ્તિ અનેક જન્મોનું પરિણામ હોય છે. કદાચ આવા પારલૌકિક તથ્યોે સમજાવવાની કે સમજવાની આપણી સક્ષમતા ના હોય, પરંતુ જે ઐહિક હોય તે તો પ્રયત્નપૂર્વક અવશ્ય સમજાય. આપણામાં જો ઉત્સાહ હશે તો ઉત્સવમય જીવન હશે, ઉત્સવમય જીવન હશે તો ઉત્સાહ જીવંત રહે, ઉત્સાહની જીવંતતા જીવની દરેક ક્ષણને ચેતનમય બનાવે છે. ચેતના ઉત્સાહનો પ્રાણ છે. આપણને આટલી ગતિવિધિ સમજાય અને ચેતનમય બનીએ તો તેનાં શું પરિણામ અનુભવાય છે, તે સ્વયંની પ્રવૃત્ત પ્રક્રિયાથી પ્રમાણિત કરી શકાય.

ઉત્સાહ વગરનો ઉત્સાહ અને ઉત્સવ વગરનો ઉત્સાહ યંત્રવત્‌ બની જાય છે. જો આ બંનેને જીવંત રાખવાં હોય તો સમાજે સામૂહિક રીતે પ્રવૃત્ત થવું રહ્યું અને એટલે જ પ્રકૃતિ તેમ જ જે મહાત્માઓ માનવીય જીવનને સમજ્યા છે, તેઓએ સમયાન્તરે ઉત્સવોનું આયોજન કરેલું છે.

સામાન્ય જીવનવ્યવહારમાં ભૌતિક વૈભવનાં સુખો ભોગવવાની પૂર્ણતા બાદ આનંદમય જીવનનો બીજો કોઈ વિકલ્પ ન રહેતાં જીવન શૂન્યતા તરફ ઢળતું જાય છે અને તેનાં અંતિમ પરિણામ માનવીય જીવનનો કરુણ અંત હોય છે. આવી સ્થિતિ સર્જનહાર તેમ જ મહાત્માઓને મંજૂર થી હોતી, કારણ કે તેનાથી સમગ્ર પર્યાવરણ દૂષિત થાય છે જેમાં જીવસૃષ્ટિ વર્ણકલ્પી વ્યથા તેમ જ અજ્ઞાત ભય સેવતી હોય છે, તેના નિવારણ અર્થે ઉત્સાહ અને તેની પ્રાપ્તિની જરૂરિયાત ઊભી કરે છે. આવી માનવયી જરૂરિયાતની પ્રાપ્તિ સાથે પ્રાકૃતિક સર્જન પ્રત્યેની જવાબદારીપૂર્વક ફરજ નિભાવીએ તો નિર્મળ વાતાવરણનું સર્નજ થાય છે, જ્યાંથી મોક્ષનો માર્ગ અથવા તો માનવીય જીવનની મુક્તતાનો માર્ગ સહજ બની જાય છે.

સંભવતઃ માનવી સિવાયનું પ્રાણીજગત પ્રકૃતિના ક્રમ પ્રમાણે વર્તે છે અને ઉત્સાહપૂર્વક આનંદ ભોગવીને તેમની યોનિમાંથી મુક્ત થને શાસ્ત્રોક્ત મુજબ ક્રમમાં છેલ્લે મનુષ્યકુળમાં જન્મે છે. જો આ કુળમાંથી મુક્ત થાય તો પરબ્રહ્મમાં વિલીન થાય છે. અન્યથા અન્ય યોનિઓમાં જન્મક્રમ ચાલુ થાય છે, કદાચ તેનું પ્રમાણ અન્ય જીવસૃષ્ટિમાં ઘટાડો અને મનુષ્ય યોનિમાં વધારો હોઈ શકે, તેવું વર્તમાન સમયની વાસ્તવિકતા ઉપરથી કહી શકાય.

ક્યારેક એવું અનુમાન કરવાને પ્રેરાઉ છું કે માનવીય ક્રૂરતાને કારણે જે જીવ સૃષ્ટિ વિનાશના આરે હોય તેને અપવદરૂપ ગણીએ અને જે જીવસૃષ્ટિ સર્જનહારના સહેતુક સર્જનને સમજતી હોય અને તે મુજબનું આચરણ કરીને મોક્ષ પામતી હોય, તેનું પ્રમાણ મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિર સાથેના શ્વાન અને કળિયુગમાં સત્તાધારના પાડા ઉપરથી માની શકાય તેમ છે.

ખરેખર તો સર્જનહારના સૃષ્ટિ સર્જનના વ્યાપને સમજવો કઠિન છે પરંતુ મનુષ્ય અને અન્ય જીવસૃષ્ટિનું સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરીએ તો મનુષ્યમાં સ્પંદનશીલતા અને અન્ય જીવોમાં (ઈન્દ્રિયતીત) અતિન્દ્રિય જ્ઞાનનું સિંચન કરેલ છે. આ બંનેની જીવંતતામાં તેમના જીવનને અનુભવી શકે છે. પ્રકૃતિએ માનવીને ચિદાનંદ સ્વરૂપનો આનંદ મેળવવા માટે એટલી સ્પંદનશીલ મૂર્તિ બનાવેલ છે કે કીડીની ચાલમાંથી ઉત્પન્ન થતી રીધમ (લયબદ્ધતા)ના તરંગોમાંથી પણ આનંદવિભોર બની શકે છે, બને છે. તેમ જ સિંહની ગર્જનામાંથી જે શક્તિના તરંગો ઉત્પન્ન થાય છે, તેનાથી પોતાની શક્તિ રિચાર્જ થયાનો અનુભવ કરતા હોય છે. તો ક્યારેક આપણાથી માઈલો દૂર આપણાં આપ્તજનોનાં સુખ-દુઃખને અનુભવી શકાય છે. તો ક્યારેક જોજન દૂર ઉત્કટ પ્રેમીઓ એકબીજાની સુગંધની અનુભૂતિ કરાવે છે. આ જ સ્પંદનશક્તિથી હજારો ગાઉ દૂર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં આપ્તજનોનું રક્ષણ પણ કરે છે, આવી દરેક વાસ્તવિકતા માનવા અને સમજવા માટેની આપણામાં સ્પંદનશક્તિ છે કે કેમ ? તે વિચારવું રહ્યું. આપણી સ્પંદનશીલતા પર આપણા હાસ્ય અને રુદનનો આધાર છે, હાસ્ય અને રુદનમાં આનંદ અને સહાનુભૂતિ વ્યક્ત કરવાની શક્તિ છે. ખરેખર તો મનુષ્ય માટે સ્પંદનશીલતા જ ચેતના અને પ્રેરણાનું પ્રેરક બળ છે.

મનુષ્યજીવન જ્યારે તેની સ્પંદનાત્મકતા અને તે સિવાયની જીવસૃષ્ટિ અતિન્દ્રિય શક્તિથી વંચિત થાય છે ત્યારે તેમના મૂળભૂત જીવનની અનુભૂતિથી અલિપ્ત થાય છે, ત્યારે વ્યથા અથવા તો દુઃખનું કારણ બને છે. આપણે તેની વાસ્તવિકતા અથવા પ્રમાણ સમજવા હોય તો સંકટ સમયનો વ્યવહાર સમજવો રહ્યો. જો સ્પંદનાત્મક શક્તિથી પરિપૂર્ણ હોઈશું તો અવશ્ય સંકટોનું નિરાકરણ કરી શકીશું. અન્યથા આપત્ના ભોગ બનીશું. તેવી જ રીતે અન્ય જીવસૃષ્ટિ તેમની શક્તિથી પરિપૂર્ણ હોય છે, ત્યારે કોઈપણ આપત્તિના આગમન પહેલાં સુરક્ષાની વ્યવસ્થા કરી લેતા હોય છે. જેને આપણે અમોઘ શક્તિ સમજીએ છીએ. જેમ કે માનવી તેના વર્તનના પરિણામને સમજે છે, તેમ અન્ય જીવસૃષ્ટિ પરજીવ તેમ જ પ્રકૃતિના વર્તનને સમજતા હોય છે. અને એટલે જ પ્રાકૃતિક આપત્તિઓ સમયે સુરક્ષિત રક્ષણ શોધી લેતા હોય છે.

સર્જનહારે તેના દરેક સર્જનના જીવનચક્રને જીવંત અને પ્રસન્નમય રાખવા વિવિધ ાયામનું નિર્માણ કરેલ છે, જેમાં ઉત્સવ તેનું મધ્યવર્તી કેન્દ્ર છે. તેનાં અનેક પાસાઓ છે, પરંતુ તેમાં મુખ્યત્વે પ્રાકૃતિક, ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક અને રમતગમત તરીકે સમજીએ છીએ.

પ્રકૃતિની પ્રસન્નતા :

મનુષ્ય તેમ જ અન્ય જીવસૃષ્ટિની મહત્તમ જરૂરિયાત અને જીવનતત્ત્વ પ્રકૃતિ આધારિત છે. તે જ્યારે મહેરબાન થાય છે, ત્યારે મહત્તમ ઇચ્છાઓ પૂર્ણ થાય છે, પરંખ ખફા થાય છે, ત્યારે હતાશાનાં વાદળ ઘેરાય છે. પ્રકૃતિના અકળ મૌનમાં મનુષ્ય સફળતા અને નિષ્ફળતાના પારણામાં ઝૂલતો હોય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે સફલતા પ્રાપ્ત કરે છે ત્યારે આનંદમાં હિલોળા લેતો હોય છે. આ હિલોળા વ્યક્તિમાંથી સામૂહિક બને એટલે ઉત્સવમાં પરિણમે છે. આ ઉત્સવમાં પરમામા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આંગિક, શાબ્દિક અને પ્રાપ્ય ધન, ધાન્ય સમર્પણ કરતાં દૈહિક ધ્રુવીકરણ થતાં આનંદની પરાકાષ્ઠાની અનુભૂતિ કરે છે, જે ભાવ સ્વરૂપ પરમાત્માના ચરણે ધરવામાં આવે છે.

મોસમના ચક્ર મુજબ વસંત પહેલાં મોસમી અને રવિપાકનું ચક્ર પૂરું થતું હોય છે અને ત્યાર બાદ ધરતીને ધરપત આપવામાં આવતી હોય છે. ધરપત બાદ પુનઃ માવજત કરવામાં આવતી હોય છે. ખેડૂત જ્યારે આવી માવજત કરતા હોય છે, ત્યારે તેની મનભૂમિમાં ચાલતા ભાવને અનુભવવો રહ્યો. મે મહિનાની ધોમ ગરમીમાં ખેતરની સાફસૂફી, નંદવાયેલ શેઢાઓની પુનઃ રચના અને અનિયંત્રિત રીતે વધેલ થોરની વાડને વ્યવસ્થિત કરતા હોય ત્યારે તેના મુખ પરનો ભાવ, મા તેના વ્હાલા બાળકનું પોતિયું સાફ કરતાં જે આનંદ અનુભવતી હોય તેવો હોય છે. ક્યારેક ખેતરમાં નહીં જવાના કારણે તેના નિઃસાસા અનુભવે છે. અને જ્યારે ખેતર તરફ જવાનીકળે છે ત્યારે પ્રેમીઓના મિલનની તીવ્રતાની ઉપમા ન આપી શકાય, પરંતુ કોઈ વિયોગી પુત્ર તેની માતાની ભાળ મળે કે મારી મા ભાગોળે રાહ જુએ છે, અને તેને મળવા માટેની જે ચાલ હોય છે, તેવી ચાલ પકડે છે. એ ચાલ માણવી હોય તો આપણે ભાવનાત્મક સ્પંદનતા કેળવવી રહી. જેવી રીતે આપણા ત્યાં કોઈ મોંઘેરા મહેમાન આવવાના હોય અને આંગણું જેવી રીતે વિશેષ ચોખ્ખું કરી નાખીએ છીએ, તેવી જ રીતે ખેતર ચોખ્ખું કરી નાંખે છે, અને પછી જે રીતે મોંઘેરા મહેમાનની રાહ જુએ છે તેવી જ રીતે વર્ષાની રાહ જોવાની શરૂ થઈ જાય છે.

વર્ષા પહેલાં તો વર્ષોની મોહક સુગંધ ઊર્મિઓનાં બધાં દ્વાર ખોલી નાખે છે. ખુલ્લા દ્વારેથી વર્ષા જ્યારે હૃદયને ભીંજવે છે ત્યારે પશુ, પક્ષી, વનરાઈ, મધુર ગાનથી પ્રકૃતિને પ્રસન્ન કરી નાખે છે. વર્ષાની મધુર અને મોહક સુગંધ, પશુપક્ષીઓનો કલરવ અને પ્રકૃતિની પ્રસન્નતાના ત્રિભેટે માનવી વિહવળ બનીને મુક્ત મને નાચી ઊઠે છે અને તેમાંથી જે અનુભૂતી થાય છે તેમાં પ્રાકૃતિક આનંદની પરાકાષ્ઠા હોય છે. આવી પરાકાષ્ઠાનું સમયાન્તરે સ્ટોપેજ હોય છે. આ સ્ટોપેજ આપણે પહોંચીએ તે પહેલાં પ્રકૃતિએ પ્રાકૃતિક વાતાવરણનું સર્જન કરેલું હોય છે, જેને આપણે મહાલવાનું હોય છે.

દેશ અને કાળ મુજબ આપણને પ્રાકૃતિક વારસો મળેલો છે. તે મુજબ જન્માષ્ટમી, ગણેશચતુર્થી, નવરાત્રી, દિવાળી, ઉત્તરાયણ, હોળી, અખાત્રીજના આગમન પહેલાં હૈયામાં ઉમળકાની હેલી સર્જાતી અને આ હેલીમાં અનેક આડરમતો આવતી, આવે છે. આ રમતો રમવા માટે ગમે તેવાં કામ ક્યારે પતાવી દેવા તેનો ખ્યાલ પણ રહેતો નહીં અને ક્યારેક મા-બાપ, વડીલો કે શિક્ષકોનો માર પણ મીઠો લાગતો.

પરંતુ આજની વાસ્તવિકતા અસહ્ય છે. આજના તહેવારો પહેલાં મહત્તમ ભાગે વડીલોમાં ચિન્તા ને બાળકોમાં રુદન શરૂ થઈ જાય છે. આપણે જ્યારે બાર વર્ષની બાળકીને ગૌરીવ્રત માટે તેમનાં મા-બાપ દસ-પંદર રૂપિયાનો બંદોબસ્ત ન કરી શકતાં હોય અને દીકરીએ આપઘાત કરવો પડે ત્યારે તેવી કરુણતાને અનુભવવી રહી. આપણે આવી કરુણાને અનુભવીશું તો સામાજિક જીવનને સહાયભૂત થવા અવશ્ય તત્પર થઈ શકીશું.

આપણે જીવનની ઇચ્છિત તૃપ્તિ બાદ પણ પ્રવૃતમય અને આનંદમય રહીએ તેવું આયોજન વિચારવું રહ્યું. અન્યથા તેનાં નકારાત્મક પરિણામ હતાશા, ઐયાશી, અનીતી અને સ્વચ્છંદતામાંથી શૂન્યતામાં પરિણમી શકે છે. ભૌતિક જરૂરિયાતોની પૂર્ણતા બાદ જીવનને પ્રવૃત્ત રાખવા માટેનો શ્રેષ્ઠ ઉપાય રમતગમત છે અને એટલે જ તે માનવસમાજનું અભિન્ન અંગ છે. રમત ગમતની પ્રવૃત્તિ માનવીય જીવનની અનેક શક્તિઓને વિકસાવનાર, નવસર્જન કરનાર અને ચેતનમય બનાવનાર છે. તેની કવાયતમાંથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું હીર, નૂર અને અસ્મિતાની જ્યોતના પ્રકાશમાંથી શક્તિશાળી ઊર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી માનવીની અનેક અશક્તિઓ અને ગ્લાનિ દૂર થાય છે. પરિણામે માનવીની આંતરિક, બાહ્ય અને માનસિક શક્તિઓનો વિકાસ થાય છે.

આવી વિકસિત શક્તિઓથી સભર સમૂહની ધ્વનંદ-પ્રતિધ્વનંદના ગ્રુપમાં વિભાજન કરીને હરીફાઈનું આયોજન કરીએ ત્યારે ઉત્તેજનાનું વાતાવરણ સર્જાય છે. આ ઉત્તેજનાના સમાપનમાં આનંદની પરાકાષ્ઠા અનુભવાય છે. આ અનુભવમાંથી નવચેતન પ્રાપ્ત કરીને નવસર્જનમાં વ્યસ્ત બનાય છે.

વર્તમાન સ્થિતિમાં આપણે ક્યાં છીએ તે વિચારી કે જોઈશું તો આપણા મૂળભૂત તારતમ્ય વંધ્ય અનુભવાશે. આપણું કર્મ અને કારણ વંધ્ય ન બને તે માટે આત્મચિંતન કરવું રહ્યું.

આદ્યથી અનંત સુધી પ્રકૃતિમય દૃષ્ટિથી જીવવું તે માનવધર્મ છે. અનંત બ્રહ્માંડમાં આપણી દૃષ્ટિ-પ્રજ્ઞાચક્ષુ-પૃથ્વી સુધી મર્યાદિત છે. પૃથ્વી એટલે વિશ્વ, કાળક્રમે પ્રકૃતિએ આપેલ માનવબુદ્ધિ દ્વારા વિશ્વમાનવ એકબીજાની નજદીક આવ્યા છે. માનવપ્રકૃતિ મુજબ અન્ય વ્યક્તિઓની એબ, મર્યાદા અને શક્તિઓથી પરિચિત થયા છે. આ પરિચિતથી એકબીજાની સાથે તુલના થતી હોય છે. આ તુલના કર્યા બાદ તેની સાથે કેવો વ્યવહાર કરવો તેવી માનસિકતા જટિલ બનતી જાય છે. આ માનવ સમાજની કમજોરી છે. જો તેમાંથી રાજ્ય કે રાષ્ટ્રે પોતાની જાતને બાકાત રાખવી હોય તો તંદુરસ્ત સમાજની રચના કરવી રહી.

સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય તો વિકાસને અનુસરતા દરેક પાસાંનો પણ સર્વાંગી વિકાસ અનિવાર્ય છે. દરેક પાસાઓમાંથી કોઈ એકની અશક્તિ અન્ય દરેક પાસાંઓને કમજોર બનાવનારી છે. આવી કમજોરી ક્યારે દલદલતાનું સ્વરૂપ ધારણ કરશે તે આપણી માનસિકતા ઉપર આધારિત છે. આવી માનસિકતા માટે અત્યાર સુધી કોણ જવાબદાર હતા, તેની ચર્ચામાં પડ્યા વગર આપણે જ્યારથી વાસ્તવિકતાને સમજતા થયા હોઈએ ત્યારે તે આપણી બની જાય છે. એટલે ભવિષ્ય અને ઇતિહાસ આપણને ધૃષ્ટ ન ચિતરે તે માટે સક્રિય થવું રહ્યું.

સામાન્યતઃ વૈચારિક પ્રસ્તુતિ વર્તમાન સમયની સરકારી ફાઈલોના કાગળો ઉપર અવશ્ય જોવા મળશે, પરંતુ તે કોણીએ લગાવેલ ગોળ જેવી છે ! તેનું પ્રમાણ ગ્રામ કક્ષાએથી શહેરી વિસ્તારમાં જે હોવાં જોઈએ તેવા એક પણ ક્રીડાંગણ, મેદાન કે વ્યાયામશાળાઓ નથી. સરકારે તેના કાયદાઓમાં શાળા, મહાશાળાને ફરજીયાત જવાબદારી સોંપેલ છે, પરંતુ આપણી શાળા-મહાશાળાઓ માળામાં જઈને વસીને વિદ્યાર્થીઓને તેના બેસવાના પ્રમામાં જગ્યા ફાળવી શકતી ન હોય, ત્યાં ક્રીંડાગણ મેદાનની શું વ્યવસ્થા કરી શકવાની છે ? વસ્તી વિસ્ફોટ ને અંધાધૂંધીના તાનમાં હરખાતી આપણી માનસિકતા સત્તા અને સંપત્તિ એંઠવા માટેનું સ્વર્ગ છે. જ્યાં સ્વર્ગનું માધ્ય માત્ર આદમીની આહ છે, ત્યાં કોઈ પણ પ્રકારની શાસન પ્રણાલિ નિષ્ફળ જતી હોય છે.

જેઓ પ્રાકૃતિક સ્વતંત્રતાનો મહિમા સમજ્યા છે, તેવા મહાત્માઓ દ્વારા આપણને સ્વતંત્રતારૂપી અમૂલ્ય વારસો મળ્યો છે. આ વારસાનો ઉપયોગ શું થાય છે ? તે અંતઃકરણપૂર્વક વિચારવું રહ્યું. આપણી સ્વતંત્રતા જે-તે માહોલ આધારિત છે. જ્યાં આડંબરનો માહોલ હોય ત્યાં આડંબર અને જ્યાં ચોરોનો માહોલ હોય ત્યાં ચોરી, આ રમત જ્યાં સુધી ઘર-આંગણ સુધી હતી, ત્યાં સુધી ચાલી પણ હવે વિશ્વ પડોશ છે. એટલે આપણી નબળાઈઓનો કોઈ દુર ઉપયોગ કરે તે પહેલાં સાવધાન થવું રહ્યું.

માનવીય નબળાઈઓ તેની અસ્તિતાની રાખ છે. આ રાખ દૂર કરવાની શક્તિ પ્રાકૃતિક તેમ જ માનવીય આચારસંહિતાના સમન્વયમાંથી પ્રસ્થાપિત થતી જીવનશૈલીમાં છે. આવી જીવનશૈલી કોઈ પરિકલ્પના નથી, પરંતુ સભાનતા સાથેના જીવનવ્યવહારમાં છે. આવા વ્યવહારમાંથી અસ્મિતા ઉપરની રાખ દૂર થાય તો પ્રકાશમય બને છે. પ્રકાશમય અસ્મિતાની ઉડ્ડયન શક્તિ ચેતના, આનંદ અને કલ્યાણમય વિશ્વના ભાવમાં છે, જો તેનું નિરંતર સિંચન કરીશું તો અવશ્ય નવચેતન પ્રાપ્ત કરીશું.

આપણે જ્યારે વૈચારિક મંથન, કલ્પના અને વાસ્તવિકતાના વમળમાં ફસાઈએ ત્યારે કોઈ પણ એક તથ્યને સ્વીકારતા હોઈએ છીએ અને તેમાં મહત્તમ અંશે વાસ્તવિકતાનો સ્વીકાર કરતા હોઈએ, ત્યારે એટલું અવશ્ય વિચારવું રહ્યું કે વર્તમાનની વાસ્તવિકતા ક્યારેક ભૂતકાળના વિચાર અને કલ્પના જ હતી. તો આજના વિચાર અને કલ્પનાને ભવિષ્યની વાસ્તવિકતા કેમ ન બનાવીએ ?

વર્તમાન સમાજનો ૭૦% ભાગ કુપોષણથી, ર૦% ભાગ જીવનનું સમતુલન જાળવવામાં, અને ૧૦% ભાગ મેદસ્વીપણાનો ભોગ બનતો હોય, ત્યારે ઓલિમ્પિક રમતોત્સવમાં એકલદોકલ કાંસ્યચંદ્રક પ્લેટિનમનો લાગતો હોય તેમાં કોઈ નવાઈ નથી, ને આવી પરિસ્થિતિમાં મારા જેવો અક્કલનો ઓથમીર વૈશ્વિક સ્પર્ધામાં અવ્વલ નંબરની કલ્પના કરતો હોય ત્યારે કોઈને પાગલખાનામાં મોકલી દેવાની ઇચ્છા થાય તે માની શકાય તેમ છે. જેને પણ પાગલખાનામાં મોકલવાની ઇચ્છા થાય તેઓએ મને સાંભળવાની એક તક આપવી જોઈએ. જો મને સાંભળ્યા બાદ એમ લાગે કે મારું ચસ્કી ગયું છે તો અવશ્ય હાથ-પગ બાંધીને પાગલખાના ભેગો કરશો.

મારું વૈચારિક મંથન અનુસાર જે કલ્પના કરીએ છીએ તે અદ્ધરતાલ નહીં, પરંતુ ભૂમિગત સ્વરૂપની છે. તેને આધાર આપતાં નીચેનાં પરિબળો છે :

૧. વિશ્વની વસ્તીની દૃષ્ટિએ આપણે બીજા ક્રમે છીએ તે કાલ્પનિક નહીં, પરંત વાસ્તવિક પરિબળ છે.

ર. વિશ્વના જે દેશો વૈશ્વિક કક્ષાએ પ્રથમ હરોળમાં છે ત્યાં ખેલાડીઓને જે પ્રોત્સાહન આપવામાં આવે છે, તેનાથી એક ટકો પણ આપણે ત્યાં સવલત અપાતી નથી.

૩. વિશ્વના અન્ય દેશોમાં ખેલાડીનું ભાવિ નિશ્ચિત હોય છે, જ્યારે આપણે ત્યાં (અપવાદરૂપ રમતો સિવાય અને તે પણ તેમના એજન્ટોના આધારે) અનિશ્ચિત હોય છે.

૪. વિશ્વના અન્ય દેશોમાં જે રાષ્ટ્રીય ભાવના હોય છે, તે આપણામાં નથી અને જે હોય છે તેનું વ્યાપારીકરણ કરતા હોઈએ છીએ.

પ. આપણે વૈશ્વિક રમતો તો ઠીક છે, પરંતુ આપણી પરંપરાગત રમતો પણ ભૂલતા જઈએ છીએ.

૬. રમતજગતની મોટામાં મોટી ઉપલબ્ધિ શિસ્ત હોય છે, પરંતુ આપણે અહંના જન્મદાતા બનીએ છીએ.

૭. વિશ્વના ખેલાડી મજૂર, કારકુન, શિક્ષક, વેપારી કે ઉદ્યોગપતિ પણ હોઈ શકે છે. પરંતુ આપણે ખેલાડી બન્યા પછી કંઈ વિચારી શકતા નથી.

૮. આપણી મનસિકતા એક ટર્મમાં ર થી ૩ ચૂંટણી કરાવીને અબજો રૂપિયાનો ધુમાડો કરી શકે છે, પરંતુ ગામ, તાલુકા, જિલ્લા કે શહેરમાં પ થી ૧૦ લાખ રૂપિયા ખર્ચીને રમતગમતનાં મેદાન નથી બનાવી શકતા.

૯. આપણા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ ગ્રામ વિસ્તારની જમીન હડપ કરીને નવા પ્રોજેક્ટ ઊભા કરી શકે છે, પરંતુ આવા જ વિસ્તારમાં રાષ્ટ્રનું હીર ઉત્પન્ન કરી શકાય તેવા કોઈ પ્રોજેક્ટનું આયોજન કરી શકતા નથી. આવા માંધાતાઓ પ્રજાનું હીર કેમ ચુસાય તેનું આયોજન કરી શકે છે, પરંતુ નિર્બળ હાડપિંજરમાં પ્રાણ કેવી રીતે પૂરાય તેની કલ્પના સુદ્ધાં કરી શકતા નથી.

૧૦. આપણા માંધાતા સુપેરે પરિચિત હોય છે કે એક વ્યક્તિને જીવન ટકાવી રાખવા કેટલી કૅલરીની જરૂરિયાત હોય છે. આવી કૅલરીનું આર્થિક મૂલ્યાંકન કરીએ તો સહેજે એક વ્યક્તિને ઓછામાં ઓછા હજારથી પંદરસો રૂપિયા અને ઉપર આકાશ અને નીચે ધરતીના સહારે ત્રણેક હજારની જરૂર પડે, તેની સામે આપણી સરકારે જ ૧પ૦૦-રપ૦૦નો રેશિયો બાંધ્યો હોય તો ફરિયાદ કોને કરવી ?

આ તત્કાલ સમયમાં ઉપસ્થિત થયેલ મુદ્દાઓ છે, જો સંશોધનાત્મક રીતે અભ્યાસ કરીને આવા મુદ્દાઓ લખવા બેસીએ તો મુદ્દાઓનો જ ગ્રંથ રચાય. આપણને આવો ગ્રંથ રચવાનો કોઈ શોખ નથી, પરંતુ વર્તમાન સ્થિતિમાંથી કલ્પેલ વિચારધારાઓને પરિણામલક્ષી કેવી રીતે બનાવી શકાય તે માટેનો શોખ અવશ્ય કેળવવો રહ્યો.

સમગ્ર પ્રસ્તુતિકરણમાં એકનાં એક તથ્યોનું વારંવાર પુનરાવર્તન થતું હશે. અને વારંવાર કરવું પણ પડશે. કારણ કે કોઈપણ પ્રસંગમાં જેમ ઈશ્વર પ્રાધાન્ય ભોગવતા હોય છે, તેવું જ પ્રાધાન્ય આપણા દરેક વિસ્તારમાં, કાર્યમાં, કલ્પનામાં માનવકલ્યાણ જ હશે. અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે ખુદ માનવ જ ઊભો થાય. આપણે જો સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય તો સ્વયં મોક્ષપ્રાપ્તિનો માર્ગ શોધવો રહ્યો. તેનું પ્રથમ ચરણ માનવીય જીવન છે. માનવીય જીવનને પૂર્ણ રીતે અભિવ્યક્ત કરવું હોય તો રમત ગમતનો ગુણ કેળવવો રહ્યો. આવો ગુણ ત્યારે જ કેળવાય કે જ્યારે નકારાત્મક પરિબળનું શમન કરાય. શમન ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણામાં જુસ્સો હોય. આવો જુસ્સો અથવા તો સક્ષમતા માટેનાં અન્ય પરિબળોની અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. ચર્ચેલ પરિબળોની પ્રાપ્તિમાંથી જીવનને પૂર્ણ રીતે અભિવ્યક્ત કરવા માટે -

૧. અન્ય કોઈ એજન્સી મદદ કરે કે ન કરે પરંતુ ગ્રામ, તાલુકા, જિલ્લા અને શહેરોમાં જાહેર રમતગમતનાં ક્રીડાંગણ મેદાન બનાવીએ.

ર. પરંપરાગત રમતોને પુનઃજીવિત કરીએ અને તંદુરસ્ત હરીફાઈનું આયોજન કરીએ.

૩. સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય રમતોનું પ્રશિક્ષણ આપીએ અને સક્ષમ ખેલાડીઓને જરૂરી તમામ સહાય કરીને હરીફાઈનું આયોજન કરીએ.

૪. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોના પ્રશિક્ષણનું આયોજન કરીએ અને સક્ષમ ખેલાડીઓને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત કરી શકાય તેવા માહોલનું સર્જન કરીએ.

પ. વૈશ્વિક કક્ષાની જે પ્રતિષ્ઠિત રમતો હોય અને આપણે ત્યાં ન રમાતી હોય તેવી રમતોનું પ્રશિક્ષણ આપીએ અને સક્ષમતા પ્રાપ્ત થયે વિશ્વકક્ષાએ હરીફાઈમાં ભાગ લઈએ.

૬. શિક્ષણવ્યવસ્થામાં વ્યાયામને ફરજિયાત બનાવીએ અને આ વિષયના ગુણને ટકાવારીમાં ભારણ આપીએ.

૭. જે શાળા-મહાશાળાઓમાં મેદાનની વ્યવસ્થા ન હોય તેમને ફરજિયાત મેદાન બનાવવાની ફરજ પાડીએ અને તેમ છતાં નામુકર જાય તો માન્યતા રદ કરવાનાં અહિંસક પગલાં લઈએ.

૮. અન્ય વિષયોમાં નબળો દેખાવ હોય, પરંતુ વ્યાયામના વિષયમાં મોખરે હોય તો આગલા વર્ગમાં બઢતી આપીએ.

૯. જેઓનું શિક્ષણ ચાલુ હોય, તેમ જ જેઓએ અધૂરું છોડી દીધેલ હોય તેવા દરેક સમૂહને રમવાની તક આપીએ.

૧૦. ઉંમર જે પણ હોય, પરંતુ તેઓની રમવાની તત્પરતા હોય તો તેમના માટે વ્યવસ્થા કરીએ.

૧૧. સ્ત્રી-પુરુષના ભેદ વગર તમામને સરખું પ્રાધાન્ય આપીએ.

૧ર. અન્ય અનામતોની જેમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેયરો માટે અનામતની વ્યવસ્થા કરીએ.

૧૩. અસહાય પરિસ્થિતિમાં સ્વમાનભેર જીવન જીવી શકે તેવા ફંડની વ્યવસ્થા કરીએ.

૧૪. શક્ય એટલા પ્રયત્નો દ્વારા દરેક રમતોને હાઇલાઇટ કરીએ.

અથાગ પ્રયત્નો દ્વારા જો રમતગમત ક્ષેત્રનો વિકાસ કરીએ તો સમાજમાં એક શિસ્તનું વાતાવરણ સર્જાશે. શિસ્ત માનવસમાજની કરોડરજ્જુ છે. શિસ્તમય જીવનથી આગવી ઓળખ પ્રસ્થાપિત થાય છે, જે વ્યક્તિ અને રાષ્ટ્રની આન, બાન ને શાનને અભિવ્યક્ત કરે છે.

૩૨. ઉપસંહાર

સામાન્યતઃ વિચારોને કોઈ કારણ હોય છે અને કારણોને પાર્શ્વભૂમિ હોય છે. મારા વિચારોનું કારણ માનવીય જીવનનું કલ્યાણ છે અને તેની પાર્શ્વભૂમિ ગુજરાત અને તેમાંય અને ખાસ રીને અમદાવાદનું જનજીવન છે. જીવન નિર્વાહના અનેક સ્ત્રોતમાંથી સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જરૂરી નોકરી મળી. જરૂરી એટલા માટે કે તે મારી અનિવાર્ય જરૂરિયાત હતી. ઐશ્વરીય ઇચ્છા કે સદ્‌ભાગ્યવશ આ એવી નોકરી હતી કે તેમાં દરેક પ્રકારના વર્ગ કે વિસ્તારના જીવન વ્યવહારને પ્રત્યક્ષરૂપે અનુભવવા મળ્યા. જેમાં ઝૂંપડપટ્ટી, ચાલી, મધ્યમ અને ઉચ્ચ વર્ગનાઓમાં જીવાતા જીવનને સમજવાનો પ્રયાસ કર્યો. એક સામાન્ય વ્યક્તિ તરીકેની ઓળખથી દરેક સમૂહમાં ભળી જવાતું. એટલે તેમના બાહ્ય અને આંતરિક જીવનવ્યવહારને જાણવા અને સમજવાની તક મળી, જેનું હાર્દ દરેક સમાજ માટે સરખું હોવાનું માનું છું.

સામાન્ય સમજણ મુજબ આપણો જીવનવ્યવહાર મહત્તમ અંશે ફક્ત ને ફક્ત આર્થિક ઉપાર્જનના મધ્યબિંદુ ઉપર ટકી રહેલો હોય તેવું સમજાયું. જીવનને આ મધ્યબિંદુ ઉપર સમતોલ ટકાવી રાખવા માટે કોઈપણ આચારસંહિતા સાથે બાંધછોડ કરવામાં કોઈ નાનમ અનુભવાતી ન હોય તેવું અનુભવાયું. જેઓનું જીવન આર્થિક પ્રાણવાયુના આધારે નિસ્તેજ થતું હોય તેઓ પ્રાણવાયુ માટે તરફડિયા મારતા હોય તો તેમના પ્રયત્નોને સહજ રીતે સમજી શકાય. પરંતુ જેઓ પ્રાણવાયુના કૂંડમાં જ હવાતિયાં મારતા હોય ત્યારે અસહ્ય બની જાય છે. શું તરફડિયાં અને હવાતિયાં જ માનવીય જીવન છે ?

ક્યારેક કરવેરાની વસૂલાત માટે જાહેર સંપર્કમાં જવાનું થાય ત્યારે કરુણ પરિસ્થિતિનો તાદૃશ્ય અનુભવ થયો. માનો કે સરકારી કરવેરાઓમાંથી હંગામી રાહત મેળવવા વ્યક્તિ ક્યારેક અસત્યનું આચરણ કરતો હોય, પરંતુ જ્યારે બાહ્ય અને આંતરિક વર્તનમાંથી વાસ્તવિક સત્ય અનુભવાય ત્યારે વિહવળ બની જવાતું. સક્ષમ વ્યક્તિઓ જ્યારે અપ્રમાણિક બને તો તેમને પ્રામાણિક બનાવવા માટેની તો સૂઝ હતી પરંતુ જેઓ સક્ષમ હોય ત્યારે અપ્રામાણિકતામાંથી પ્રામાણિક બનાવવાની સૂઝ પડતી નહોતી. આવી ડામાડોળ પરિસ્થિતિમાંથી વ્યક્તિ ક્યોરક પોતાની નૈતિકતાને નેવે મૂકે તો પૂર્ણવિરામ મુકાઈ જાય, પરંતુ અલ્પવિરામ મુકાય ત્યારે આગળનું વિચારવું રહે.

સમાજજીવનની વાસ્તવિકતાને સમજવી હોય તો તેની દુઃખતી નસ ઉપર આંગળી લગાવવી કાફી થઈ જાય છે. જેમાં વિકૃતિ નહીં, પરંતુ તેમાં માનવીય તેમ જ કાનૂની નિયમોની જે આચારસંહિતા હોય તેનાથી સામેની વ્યક્તિની સક્ષમતાને પાર કરી શકાય, જેમાં વાસ્તવિકતા ઊભરીને બહાર આવે છે. પ્રસ્તુત પ્રસ્તુતિને સહજ રીતે સજવી હોય તો કેટલાક પ્રસંગો નોંધવા રહ્યા.

વર્ષો પહેલાં એક ઇન્કમટેક્સ કમિશ્નર (તે સમયે રિટાયર્ડ હતા) વપરાયેલ ટેલીવિઝન સાથે ઓકટ્રોય લિમિટ ઓળંગતા હતા અથવા તો શહેર પ્રવેશ કરતા હતા, એટલે તેમને ઓક્ટ્રોય ભરવાની વિનંતી કરવામાં આવી. આ વિનંતી તેમની આન, બાન અને શાનને ઉલ્લંઘવા જેવી લાગી એટલે ફુંફાડા મારવાના શરૂ કર્યા. તેમને એટલું જ સમજાવવામં આવ્યું કે મારી જગ્યાએ તમે હો તો શું કરો ? તેઓ ચૂપ રહ્યા એટલે વિના વિલંબે જકાત ભરવાનું જણાવ્યું. એટલે તેમણે જકાત ભરી દીધી. રકઝક બહુ લાંચી હતી તેની વિસ્તૃત ચર્ચા અસ્થાને છે.

અન્ય એક જગ્યાએ સાધુ મહારાજ આવ્યા અને દરેકને પ્રસાદ વહેંચ્યો પછી ધીમે રહીને કહ્યું કે મારું એક વાહન આવે છે તેને જકાત વગર જવા દેવાનું છે. કહ્યું કે આવવા દો, પછીથી જોઈશું. સમજ્યા કે કંઈ મંદિરનું રાચરચીલું હશે. વાહન આવ્યું જેમાં ચિક્કાર ગ્લેઝ ટાઈલ્સની પેટીઓ ભરેલી હતી. ફરીથી લાડુનાં એક એક પેકેટ વહેંચવાનું શરૂ કર્યું. નમ્રતા સાથે જણાવ્યું કે મહારાજ પેકેટ આપની પાસે રાખો, મહારાજે કહ્યું. કંઈ નહીં હું વાહન લઈને જાઉં છું. તેમને જણાવ્યું કે આપની પાસે કોઈ માફી સર્ટિ હોય તો આપો. એટલે તેઓ અકળાયા અને તેમની હોટલાઈનો શરૂ કરી, જે રકઝક થઈ તે વર્ણવવી નથી. પરંતુ જે વ્યક્તિ દોઢ લાખનું દાન કરતી હોય તે છ હજાર જેવી જકાત કેમ ન ભરી શકે તે સમજાયું નહીં અને છેવટે જકાત ભરીને રવાના થયા.

અન્ય એક રાજકારણી લકઝુરિયસ ઘરસામાન લઈને નાકા ઉપર અવ્યા. તેમની ઓળખ આપીને માલસામાન સાથે વિદાય થવાની તૈયારી કરતા હતા. તેમને જણાવ્યું કે સામાનનું લિસ્ટ અને તમારા લેટરપેડ ઉપર ટૂંકું લખાણ લખીને સહી કરતા જાવ, લિસ્ટ તો આપ્યું પણ સહી સાથેનું લેટરપેડ સત્તાવાહી સ્વર સાથે આપવાની ના પાડી. મેં જણાવ્યું કે પદાધિકારી થઈને જવાબદારી લેવા તૈયાર ન થતા હોય તો તેવી જવાબદારી હું કેવી રીતે લઉં ? તેમણે પલટી ખાઈને જણાવ્યું કે શું જકાત થાય છે તે જણાવો. લિસ્ટ મુજબ ગુજરીના ભાવે પણ લાંબીલચક જકાત થતી હતી, એટલે સમજૂતી ઉપર આવ્યા. તેમની સમજૂતી સમજવા જેવી હતી, તેમણે જણાવ્યું કે મારા રૂપિયા બીજા કાંધિયાઓ વાપરે તેના બદલે તમે વાપરશો તો મને આનંદ થશે. મે કહ્યું કે જકાત કાંધિયાઓને નહીં સંસ્થામાં ભરવાની છે. વળી જણાવ્યું કે રૂપિયા મને આપશો એટલે એ રૂપિયાનું મારે શું કરવું તે મારો હક્ક બની જાય છે. ને તે હક્ક મુજબ આપેલ નાણાંની પહોંચ બનાવું છું. તેમાં તમોને વાંધો ન હોઈ શકે, છેવટે મહત્તમ જકાત ભરી અને વધારામાં શાબાશી આપીને વિદાય થયા.

અન્ય એક પ્રસંગમાં એક સફાઈ કામદાર તેના ઝૂંપડાનો ઉપરદર ભરીને આવ્યો. એકાદ મોભ અને પાંચ છ જૂના લોખંડનાં સડેલાં પતરાં હતાં, તેની દસેક રૂપિયાની જકાત થાય, પરંતુ બધાં ગજવા ઊલટાં-પુલટાં કરીને જણવ્યું કે મારી પાસે પૈસા નથી. કહ્યું કે લારીવાળાને ભાડું ક્યાંથી આપીશ ? તેણે જણાવ્યું કે લારીવાળાએ નક્કી કરેલ ભાડું અગાઉથી જ લઈ લીધું છે.

ખેર, દસ રૂપિયાની પહોંચ લેતા જાવ, તેને કહ્યું કે રૂપિયા વગર પહોંચ કેવી રીતે આપશો ? મેં કહ્યું કે હું ભરી દઈશ તો તેને રસ્તો બતાવ્યો. ભાઈ, મારે એમને એમ જવા દેવાનો રસ્તો નથી જોઈતો. તમ તમારે તું પહોંચ લઈને જાને. પહોંચ નહીં હોય તો ચેકિંગવાળા તને અને મને હેરાન કરશે. એમ છે ? હા આમ છે. તે સમયે તેના મનોભાવ સમજવા જેવા હતા, તેના મનોભાવમાં મારો જોબ સેટિસફેક્સન અનુભવતો, પરંતુ સમયાન્તરે આવો જોબ સેટિસફેક્શન મોંઘો પડતો.

ક્યારેક એવું બનતું કે ભગવાન ભરોસે જીવતી કે વિશ્વાસ મૂકીને નિયમોનું પાલન કરતી વ્યક્તિઓ દંડાઈ જતી અને સક્ષમ વ્યક્તિઓ તેમન બળના આધારે પોતાની જવાબદારીમાંથી છટકી જતી, ત્યારે અપાર વેદના થતી અને એવું ત્યારે જ થતું કે જ્યારે તેવા સંજોગો મારી નિર્ણયશક્તિની બહાર હોય. આ એવી સ્થિતિ હતી કે જે મને વિચાર કરવા મજબૂર કરતી. આવી સ્થિતિ અપવાદ સ્વરૂપની હોય તો ઠીક છે, પરંતુ જ્યારે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની હોય ત્યારે દરેક વ્યક્તિએ વિચાર કરવાની આવશ્યકતા સમજવી રહી. સામાન્યતઃ આવી આવશ્યકતાને સાહિત્યકારો, પત્રકારો, સમાજના શુભ ચિંતકો નિભાવતા હોય છે, પરંતુ તેનું પરિણામ શું ? રાત-દિવસનું ચિન્તન, લેખન, વિકટ પરિસ્થિતિઓમાં વાસ્તવિકતાનું દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિકરણ, સમાજને સભાન અવસ્થામાં લાવી શકતી ન હોય ત્યારે વિશેષ આયામ સાથે કાર્યરત થવું રહ્યું તેમ સમજાય છે અને તેના પરિપાકરૂપે સમાજને સાથે લઈને કંઈક કરવું રહ્યું.

એટલું અવશ્ય સમજવું રહ્યું કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિને સાનુકૂળ બનાવવી હોય તો લોકજાગૃતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને લોકજાગૃતિ ત્યારે જ શક્ય બને કે જ્યારે તેમની સમસ્યાનું નિરાકરણ થાય, મારા મર્યાદિત વૈચારિક મંથન દરમિયાન જે સમસ્યાઓ ધ્યાનમાં આવી તેના નિરાકરણનું નમ્રતાપૂર્વક સૂચન કરેલ છે. આવો પ્રયાસ તો અનેક મહાનુભાવોએ સૂચવ્યો હશે અને તેનું અમલીકરણ પણ કરતા હશે, પરંતુ તે વિભાજિત સ્વરૂપનું હશે એટલે ધાર્યું પરિણામ અનુભવી શકાતું નહીં હોય. આપણે જો અવિભાજિત સ્વરૂપે અમલીકરણ કરીશું તો અવશ્ય તેનાં પરિણામ સમાજ-સમૂહ અનુભવી શકશે તેમાં કોઈ બે-મત નથી.

લોકસંપર્કનો સમયગાળો વીસથી પચ્ચીસ વર્ષની ફરજના ભાગ સ્વરૂપનો હોય તેમાં અવશ્ય એક મર્યાદા હશે અને છેલ્લાં બે વર્ષથી તે પણ તૂટી ગયો છે. એટલે વર્તમાન સ્થિતિ શું હોઈ શકે તે અંગે અનુમાન કરવા રહ્યાં. મારા અનુમાન મુજબ આજ પણ કોઈ ફેર પડ્યો નથી, તેવું સમજાય છે. તેનાં સંદર્ભિત કારણ છે, પરંતુ ફરજ અને જાહેર હિતના કારણે વર્ણવી શકાય તેમ નથી. એક વખત વૈચારિક પ્રક્રિયાનું અમલીકરણ શરૂ થાય એટલે દરેક સંદર્ભો તરીને ટોચે આવશે !

સામાન્યતઃ ગુજરાત અને તેમાંય ખાસ કરીને અમદાવાદ, અપવાદરૂપ પ્રસંગો બાદ કરતા રાષ્ટ્રીય કક્ષાએ શાંત, સમૃદ્ધ, વિકસિત અને રાષ્ટ્રીય તેમ જ વૈશ્વિક સમાજનો આરોહ - અવરોહને સમજી શકવાની સક્ષમતા ધરાવતું હોય, તો પણ તેની ઊણપો ખૂંચતી હોય, ત્યારે અન્ય રાજ્યોના સમાજની વ્યથા કેવી હશે તે કલ્પવી મુશ્કેલ છે. અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં દરેક રાજ્યના સમાજને સહકાર, સહાનુભૂતિ અને વિકાસ માટેનું પ્રેરક બળ મળી રહે તેવું આયોજન કરીએ તો વર્તમાન સમયની ગુજરાતની જે પણ પરિસ્થિતિ હોય, પરંતુ જ્યારે તેના ભ્રષ્ટ પદાધિકારીઓ, કર્મચારીઓ, અધિકારીઓ શાસન પ્રણાલિકાથી ત્રસ્ત હોય ત્યારે સમજવું રહ્યું કે કાંઈક શુભત્વની શરૂઆત થઈ છે. આવા શુભત્વના ઓળામાં વાડ જ ચીભડાં ન ગળતી હોય તેવી સભાનતા સમાજ સમૂહે રાખવી જ રહી. જો આવી સભાનતા સમાજના સર્વાંગી વિકાસના સંદર્ભથી હશે તો અવશ્ય ગુજરાત રાષ્ટ્રનું મોડલ સ્ટેટ તરીકે ઊભરી આવશે. આપણી જાગૃતિ વાર્ષિક પંદર હજાર કરોડ ચવાઈ જાય છે તે પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેને બચાવ્યા બાદના વિકાસની પણ હોવી જોઈએ.

ગુજરાતનું હીર અત્યાર સુધી આર્થિક ઉપાર્જનના ક્ષેત્રે એટલે કે વ્યાપાર ક્ષેત્રમાં ઝળકે છે. આવું જ હીર માનવતાના ક્ષેત્રમાં ઝળકાવીએ તો ગાંધીજી ગુજરાતના હતા તેનું ગૌરવ લઈ શકીએ. આપણે માનીએ કે ન માનીએ, જે ગુલામી વ્યાપારીકરણના સ્ત્રોતમાંથી આવી હતી, તેમાંથી મુકત થવાની શક્તિ આર્થિક વ્યાપારના સ્ત્રોતમાં નહોતી. પરંતુ ગાંધીજીના માનવતાના વેપારમાં આવી. ગાંધીજીએ માનવતાનો વ્યાપાર કર્યો. અને તેઓ સફળ થયા. કદાચ આપણે માનવતાના, વેપારને ભૂલી ગયા છીએ. તેની પ્રતીતિ જ્યારે સમાજ સમૂહમાં ઊભા હોઈએ છીએ ત્યારે થાય છે. સમાજમાં પોતાના ઠઠારા દ્વારા અનેક વ્યક્તિઓ કરોડો અને અબજોપતિ હોવાના પ્રદર્શન કરશે, પરંતુ આ જ વ્યક્તિને સામેથી પૂછીશું કે તમારી પાસે માનવતાની મૂડી કેટલી છે ? તો અવશ્ય દીન-હીન જેવા ભાવને છુપાવવા પ્રયત્ન કરશે. એક સમય એવો હતો કે જાહેર સુખાકારીની સુવિધાઓ શ્રેષ્ઠીઓની માનવતાસભર ઔદાર્યતાથી થતી હતી, આજે પરિસ્થિતિ વિપરીત છે. પોતાનાં ટ્રસ્ટો સ્થાપીને કાળાં નાણાંને ધોળાં કેમ કરતાં અને લટકાની કરરાહતો કરીને દાન નહોતા કરતા, પરંતુ સમાજ પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવાની ફરજ સમજતા હતા. કરચોરીની સંભાવના નહીંવત્‌ બની જતી. વર્તમાન સમયની જે પણ પરિસ્થિતિ હોય તેના માટે કોઈ પણ એક વર્ગને દોષિત ગણી શકાય નહીં, પરંતુ એટલું અવશ્ય મહેસૂસ થાય છે કે જે વર્ગોએ પોતાની નૈતિકતા ગુમાવી છે, તેઓની શક્તિ અવશ્ય ક્ષીણ થઈ છે. જેમ કે એક સમયે મહાજનોનો પ્રભાવ પ્રજા વિરુદ્ધના નિર્ણયને બદલવા માટે ગમે તેવી સત્તાને પણ મજબૂર કરતો. આજે તેની વિરુદ્ધના નિર્ણયોને જ બદલાવી શકતા નથી. તેવી જ રીતે સમાજની માનસિકતા મફતની સેવા કેવી રીતે પ્રાપ્ત કરવી અને સરકારનું મીઠું પણ ન છોડાય, તેવી થઈ ગઈ છે, ખરેખર તો કોઈ એક સમૂહ કે વર્ગને દોષ દેવા કરતાં આપણે સર્વે દોષિત હોઈએ તેવું અનુભવાય છે કારણ કે સમાજ પણ આપણે છીએ અને સરકાર પણ આપણે છીએ. એટલે કે સડેલી સિસ્ટમને પોષીએ છીએ અને ભોગ પણ બનીએ છીએ.

આપણે જ્યારે માનવતાનો વેપાર કરતા હોઈએ ત્યારે તેનો લાભ કે ગેરલાભ માનવતારૂપે જ પ્રગટ થાય છે અને તેની લાભાર્થી સમગ્ર માનવજાત હોય છે. એટલે મર્યાદાવશ તેનું કાર્ય ક્ષેત્ર ગુજરાત પૂરતું મર્યાદિત હોય તેમ માની શકાય. પરંતુ જો અન્ય રાજ્યોનો સમાજ સમૂહ સમગ્ર પ્રસ્તુતિના હાર્દને સમજે અને સ્વયં માનવતાના કાર્યમાં પ્રવૃત્ત થાય તો અત્યારે જેમ આતંકવાદ, નક્ષલવાદ, બોડોવાદ, જેવા અગડમ્‌ બગડમ્‌ જેવા વિનાશક વાદ ચાલે છે, તેના બદલે માનવતાવાદનું શ્રેષ્ઠકર અભિયાન શરૂ કરી શકાય. કદાચ આપણને આ વૈચારિક તુક્કો લાગતા હશે, પરંતુ તેની નક્કરતાનું પ્રમાણ જોઈતું હોય તો ગાંધીજીના આઝાદી માટેના અભિયાન તરફ દૃષ્ટિ કરવી રહી. ગાંધીજીએ આઝાદી અપાવી, આપણે આબાદી લાવવી રહી. જે સંઘર્ષ આઝાદી માટેનો હતો તેવો સંઘર્ષ આબાદી માટેનો નહીં હોય, તેવું સામાન્ય બુદ્ધિથી પણ સમજાય તેમ છે.

આઝાદીના સંગ્રામ અને માનવીય રાહ ભૂલીને ચલાવાતા આતંકવાદને ક્યારેય એકબીજા સાથે સરખાવી શકાય નહીં, પરંતુ તાત્પર્યને સ્પષ્ટ કરવું હોય તો બંનેની ગતિવિધિ સમજવી રહી. આઝાદીના સંગ્રામમાં ક્યારેક ગુપ્તતા રાખવી પડતી, જ્યારે આતંકવાદી પ્રવૃત્તિ સંપૂર્ણ ગુપ્ત રીતે કરવામાં આવે છે અને હાથમાં આવે તો ઠાર પણ થતાં હોય છે, જ્યારે તટસ્થ ભાવે માનવતા તથા આબાદી માટેની પ્રવૃતિ જગજાહેર કરી શકાય છે. એક ધિક્કારને પાત્ર છે, જ્યારે બીજું સન્માનને પાત્ર કાર્ય છે.

માનવતા અનેક સદ્‌ગુણોનું પરિણામ છે. આવા સદ્‌ગુણોમાંથી ગાંધીજીએ સત્ય, અહિંસા પ્રેમ અને દયા જેવા સદ્‌ગુણો હસ્તગત કરીને જે પરિણામ પ્રાપ્ત કર્યું છે તે આપણે મ્હાલીએ છીએ. સત્ય અને અહિંસા ભલે આપણને કપરાં લગતા હોય, પણ તે સિવાયના પણ અનેક સદ્‌ગુણો છે, તેને ધારણ કરીને માનવતાને પ્રકાશિત કરીએ તો કોઈ પણ નકારાત્મક વાદ માનવતાવાદમાં પરિણમી કે છે. માનવતા સભર માહોલમાં માનવતાના ઉપહાસમાંથી જેનું સર્જન થયું હોય તેવા નકારાત્મકવાદીઓનું આત્મ પરિવર્તન કરીએ તો તેમની વિનાશક શક્તિને નવસર્જન માટે રૂપાન્તરિત કરીને રક્ષક બને તેમાં કોઈ શંકા નથી.

ખરેખર તો વૈચારિક બુદ્ધિ અને દૃષ્ટિમાં તો અનેક પરિયોજનાઓ સંગ્રહાયેલી અને દૃશ્યમાન થાય છે. તેમાંથી કોઈ પણ એક યોજનાનું નક્કર પરિણામ ન અનુભવાય, ત્યાં સુધી દરેક યોજના શેખચલ્લીના વિચાર અથવા તો માનસિક તુક્કાથી વિશેષ કંઈ ન સમજાય. આવો જ એક વિચાર એવો છે કે ગુજરાતની ભૂમિ એવી સત્ત્વમય છે કે તેમાં જેવા વિચારોનું સિંચન કરો તે વટવૃક્ષરૂપે ખીલીને સમગ્ર માનવજાતને વિસામો આપી શકે તેમ છે. જો ગુજરાત વિસામો બને તો દરેક રાજ્યના બુદ્ધિમંતો તેની છત્રછાયામાં સાત્ત્વિક વિચારોથી નવસર્જનનું આયોજન કરી શકે, જેનાથી રાષ્ટ્રની આભા તેજોમય બને, રાષ્ટ્ર તેજોમય બને તો અવશ્ય તેના પ્રકાશથી વિશ્વ પ્રકાશિત થાય.

સમયકાલ

અત્રે રજૂ થયેલ સમગ્ર પ્રસ્તુતિ ચિંતનાત્મક સ્વરૂપની છે. ચિંતનાત્મક પ્રક્રિયાને ભૂત, વર્તમાન કે ભવિષ્યની કોઈ મર્યાદા હોતી નથી કે નથી હોતી સરહદની મર્યાદા. ચિત્ત જ્યારે જે સમયમાં લીન થઈ જાય ત્યારે તે સમયની વાસ્તિકતાને સમજવા પ્રયત્ન કરે છે. જેમાં ભૂતકાળ અને ભવિષ્યનાં તથ્યોનાં કાર્ય, કારણ અને હેતુનું તાત્પર્ય સમજાય ત્યારે તથ્યની વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે. જેમાં ભવિષ્યની વાસ્તવિકતા વર્તમાન સમયમાં આકાર વગરના પ્રતિબિંબ જેવી હોય છે. આપણે આવું પ્રતિબિંબ જોવું હોય તો ચિંતનાત્મક દૃષ્ટિ કેળવવી રહી, જે પ્રતિબિંબને ઝીલતી હોય છે. જે પ્રતિબિંબ વર્તમાનના સંદર્ભમાં ભલે આકાર વગરનું હોય, પરંતુ ભૂતકાળનું પ્રતિબિંબ વર્તમાનના સંદર્ભમાં સાકાર સ્વરૂપનું બની જાય છે.

જેમ કે જ્યાં સુધી ટેલીવિઝની શોધ નહોતી થઈ, ત્યારે મહાભારતમાં યુદ્ધ મેદાન ઉપર ચાલતી દરેક ગતિવિધિનું જીવંત પ્રસારણ સંજય દ્વારા પ્રસ્તુત થતું હતું. જે ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ફક્ત શ્રાવ્ય સ્વરૂપે અનુભવતા. જેમાં કાર્ય યુદ્ધ છે, કારણ યુદ્ધની જીત અને હેતુ રાજ્યનો ભોગવટો છે. એટલે તેની વાસ્તવિકતાનું તાત્પર્ય સિદ્ધ થાય છે. એટલે તેમાંથી ઝીલાતું પ્રતિબિંબ ટેલીવિઝનની શોધ પહેલાંના સમયમાં (વર્તમાન) માટે આભાસી બની જાય છે. પહેલાંના વર્તમાન સમયનું ભવિષ્ય માટે આભાસી પ્રતિબિંબ છે, જે આજના વર્તમાન માટે સાકાર સ્વરૂપે અનુભવાય છે.

ભૂતકાળ અને ભવિષ્યની વાસ્તવિકતા માટે જેમ ચિંતાત્મક દૃષ્ટિની જરૂર પડે છે, તેમ વર્તમાન સમયની વાસ્તવિકતા સમજવા માટે સ્પંદનાત્મક દૃષ્ટિની જરૂર હોય છે. વર્તમાન એ પ્રત્યક્ષ સ્વરૂપની હકીકત છે અને પ્રત્યક્ષ સ્વરૂપની હકીકતો ત્યારે જ સમજાય કે આપણામાં સ્પંદનાત્મક દૃષ્ટિ હોય. જો આવી દૃષ્ટિ હશે તો જ કાર્ય, કારણ અને હેતુનું સ્પષ્ટીકરણ થશે અને આવા સ્પષ્ટીકરણમાંથી સાકાર તથ્યોનું સ્વરૂપ અનુભવાશે.

ઉપરોક્ત હકીકતને સહજ રીતે સમજવી હોય તો (ભારતની) આપણી આઝાદીના પરિપ્રેક્ષ્યમાં સમજી શકાય. જેમ કે ઈ.સ. ૧૯રપના વર્ષને વર્તમાન ગણીએ તો તે પહેલાંનો સમય ભૂતકાળ છે, ત્યારે આપણે ગુલામ હતા. ગુલામીમાંથી મુક્તિનું કર્મ, કારણ અને હેતુ શું હતો તે સમજીએ તો ગુલામીની વાસ્તવિકતા સમજાય. ૧૯રપ પછીનો સમય ભવિષ્ય છે. તે સમયે આઝાદી કેવી હોય તેનું પ્રતિબિંબ આપણે જોઈ શકતા હતા. જ્યારે ૧૯૪૭નું વર્ષ વર્તમાન બને છે, ત્યારે આઝાદી સાકાર સ્વરૂપે અનુભવાય છે. ૧૯૪૭ પહેલાંની પરિસ્થિતિની વાસ્તવિકતા સમજવી ચિંતાત્મક સ્વરૂપ છે. જ્યારે ર૦૦૭ની વાસ્તવિકતા સમજવા માટે સ્પંદનમયતાની જરૂરત છે.

કદાચ આપણને થતું હશે કે આ બધી ભાંજગડ શા માટે ? તો તેનો પ્રત્યુત્તર ફક્ત આપણી અસ્મિતા જ આપી શકે, જ્યાં ધ્યેયવિહીન જીવન હોય ત્યાં કોઈ અસ્મિતા નથી હોતી, પરંતુ જ્યાં ધ્યેય હોય છે ત્યાં અવશ્ય અસ્મિતા હોય તેમ માનવું રહ્યું. અસ્મિતાની ખરાઈ આપણી ચિંતનાત્મક અને સ્પંદનાત્મક દૃષ્ટિથી સમજાય તે માટેની આ ભાંજગડ છે.

અને એટલે જ ભૂતકાળ કે ભવિષ્યની વાસ્તવિકતાને સમજવાની સક્ષમતા ભલે ના હોય. પરંતુ વર્તમાનની વાસ્તવિકતા સમજવાની સક્ષમતા કેળવવી કે હોવી જોઈએ તેવું મનુષ્ય તરીકે સમજવું જોઈએ, તેમ મનુષ્ય તરીકે સ્વીકારું છું. આવી સ્વીકૃતિમાં જીવનની સભાનતાથી માર્ચ ર૦૦૮નો સમય ગાળો આવી જાય છે. આ સમયગાળામાં આપણા જીવનવ્યવહારની જે વાસ્તવિકતા અનુભવાયેલ છે તેનું સંપૂર્ણ નિરૂપણ અત્રે અસ્થાને છે, પરંતુ અંશતઃ નિરૂપણમાં વર્તમાન અને ભવિષ્યની પેઢીને જીવન ઉપયોગી બનીએ તેવો આશય છે.

સભાનતા સાથે જ ચીન સાથેનું યુદ્ધ, દુષ્કાળ, પાકિસ્તાન સાથેનાં યુદ્ધો, અસ્મૃપશ્યતા, સમાજના ઉચ્ચ-નીચના ભેદભાવ, કોમી-તનાવ, રાજકારણીઓની રાજરમત, ઉદ્યોગપતિઓની ઇજારાશાહી, કાળાબજારિયાનાં તાંડવ, દાણચોરો, ગુંડાઓનો ત્રાસ, ધર્મોની વિભાજિત માનસિકતા, પરંપરાગત નાત જાત કુળનું અભિમાન, સરકારી તંત્રોમાં અંગ્રેજશાહી, ભ્રષ્ટાચાર જેવાં અનેક નકારાત્મક પરિબળોમાંથી એકાદ વાર સ્પંદનાત્મક રીતે પસાર થઈએ તો માર્ચ ર૦૦૮ સુધીની વાસ્તવિકતા સમજાય.

ચીન સાથેના કારમા પરાજયમાં જે વીર પુરુષોએ સહાદત વ્હોરી તેમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે ગવાયેલ ગીત આજે પણ હૃદયને રડતું રોકી શકતું નથી. ત્યાર પછી દુષ્કાળમાં અમેરિકન ઘઉંએ આહારનો ક્રમ જે બદલી નાખ્યો, સામાન્યતઃ તે સમયે મહત્તમ સમાજ સાંજના વાળુમાં ખીચડી અને દૂધ, દહીં, છાસ કે તેલનો ઉપયોગ કરતો હતો. દુષ્કાળના કારણે ડાંગરની ખેતી નિષ્ફળ જતાં ચોખાની વાનગી સ્વપ્ન બની ગયેલ, એટલે સાંજના વાળુમાં રોટલા, રોટલી, ઘઉંના થૂલાનો વ્યવહાર ચાલ્યો, જે આજ પર્યન્ત ચાલુ છે. ખરેખર ખીચડીમાં ચોખાના પ્રમાણ કરતા દાળનું પ્રમાણ ઓછું હોય છે. તે સમયે દાળમાં ચોખા નાખીને ખીચડી બનાવાતી, આજે ખીચડીમાં દાળનાં પ્રમાણનાં ફાંફાં છે, તેનું વિગતવાર વર્ણન કરીએ તો સામાજિક જીવન ઉલટ-પુલટ હોવાનું અનુભવાશે અને તેનો સામાન્ય સારાંશ ફક્ત ને ફક્ત નકારાત્મક જ અનુભવાશે.

આપણે જ્યારે આવી વેદનાઓમાંથી પસાર થઈએ ત્યારે તેનાં બે પરિણામ આવશે : એક તે સ્પંદનાત્મક રીતે ભાવુક બની જવાય અથવા તો સ્પંદનહીન બની જવાય. ભાવુકતા માનવીને જીવંત રાખી શકે છે, પરંતુ સ્પંદનહીનતા નિષ્ઠુર, જડ બનાવીને જીવનને યંત્રવત્‌ બનાવી દે છે.

ઇતિહાસમાં માનવીય જીવનની એક રૂપરેખા હોય છે. જો આ રૂપરેખા ગૌરવવંતી હોય તો આપણે તેનો યશ લેવામાં પાછા પડતા નથી, પરંતુ જો આવી રૂપરેખામાં નાલેશી હોય તો તેના ઉપર ઢાંકપિછોડો કરતા હોઈએ છીએ. જ્યારે રાજાશાહી હતી ત્યારે ગૌરવ કે નાલેશી તેમના વંશ પૂરતી જ મર્યાદિત હતી, પરંતુ લોકશાહી પ્રણાલિકામાં આવાં યશ, ગૌરવ કે નાલેશી કોઈ પણ શાસક રાજકીય પક્ષની બની જાય છે. પક્ષ કોઈ એક વ્યક્તિ આધારિત નહીં પરંતુ સમૂહ આધારિત છે, રાજા એક વ્યક્તિ છે, તે જ્યારે કલ્યાણમય ભાવનાથી પ્રેરિત હોય તેની પ્રજા સુખી હોય છે. પરંતુ તે જ્યારે ત્યારે નિષ્ઠુર બને ત્યારે પ્રજા દુઃખી થતી હોય છે. રાજાશાહીની મહત્તમ નબળાઈઓને કારણે ગુલામ બન્યા. ગુલામીમાંથી આઝાદ થઈને લોકશાહીની પ્રણાલિકા અસ્તિત્વમાં આવી અને વૈશ્વિક કક્ષાએ સ્વીકાર્ય બની. આવી સ્વીકાર્ય શાસન પ્રણાલિકામાં પ્રજા, પ્રજા પ્રતિનિધિઓ અને રાજાની માનસિક પરિપક્વતાના સંદર્ભમાં વિચારીએ તો કઈ શાસન પ્રણાલિકા યોગ્ય કહેવી, તે નક્કી કરવું રહ્યું. જેના રાજા પ્રજાવત્સલ અને ભાવનાશીલ હોય તે કે જેના પ્રતિનિધિઓ પ્રજાવિમુખ હોય તે ? કે જેની પ્રજા પરિપક્વ હોય તે ?

રાજાશાહી તો ભૂતકાળમાં વિલીન થઈ જતાં તેની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓના સંદર્ભે પ્રવર્તમાન હોવાથી ચર્ચવા કરતાં અનુભવવું બહેતર છે, કારણ કે ચર્ચનાર કોઈ પણ એક વ્યક્તિ હશે, પરંતુ અનુભવનારનો સમૂહ હશે, જેમાં વાસ્તવિકતાનું નક્કર સત્ય હશે. જો આપણે સ્પંદનશીલ હોઈશું તો નક્કર સત્ય શું છે ? તે અવશ્ય સમજી શકીશું અને જો સમજીશું તો માનવજીવન અને પશુજીવન વચ્ચેનો ભેદ સમજાવવો નહીં પડેે.

ઉપરોક્ત પ્રસ્તુતિકરણનું તાત્પર્ય બુદ્ધિમંતોની યાદીમાં સમાવવા માટેનું નહીં, પરંતુ આઝાદીની મધ્યરાત્રિથી આપણા છેલ્લા શ્વાસની સભાનતા સુધીના સમયગાળા દરમિયાન જેઓ યશના ભાગીદાર બનવા અને અપયશને રદિયો આપવામાં વ્યસ્ત હોય તેમને માનવીય જીવનની વાસ્તવિકતા સમજવાની અને તેમનાં આક્રંદનું સહાનુભૂતિપૂર્વક નિરાકરણ કરવા માટેની નમ્ર અપીલ છે.

અભિવ્યક્તિની સક્ષમતા :

આપણા સામાન્ય જીવનવ્યવહારમાં કોઈ પણ હકીકતોમાં સત્યનું ભારણ વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા ઉપર નિર્ભર રહેતું હોય છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા પ્રયોજાયેલ નિવેદન, સૂચનો, માર્ગદર્શન કે કાર્ય બિલકુલ સત્ય હશે તેમ માની લેવામાં આવે છે. પરંતુ જેઓ પ્રતિષ્ઠાથી અલિપ્ત રહીને કે, સામાજિક ગણનામાં સામાન્ય હોય ને કોઈ જાહેર કલ્યાણ અર્થે વિચારોને વ્યક્ત કરે ત્યારે તેની હેસિયત બહારનું સમજાતું હોય છે. આપણે જ્યારે આવી માનસિકતા ધરાવતા હોઈએ ત્યારે સમા તથા રાષ્ટ્રે ઘણું સહન કરવું પડતું હોય છે.

વૈશ્વિક કક્ષાની જે પણ માન્યતા હોય તે, પણ આપણે ત્યાં એવું અનુભવાતું હોય છે, સિવાય કે કલા, સંગીત, સાહિત્ય જે સંઘર્ષ બાદ પણ વાસ્તવિક સત્ય ઊભરી આવતું હોય છે. સામાન્યતઃ ઉચ્ચ કક્ષાની બૌદ્ધિક ક્ષમતાને તો વિશ્વમાં કોઈ પણ જગ્યાએ સ્થાન મળી રહેતું હોય છે. પરંતુ જેઓને આપણે સામાન્ય સમજીએ છીએ તેઓને જ્યાં સુધી તક ન મળે ત્યાં સુધી તેઓ સામાન્ય જ રહે છે, તો ક્યારેક સામાન્ય કરતાં પણ નીચે ઊતરી જતા હોય છે.

આપણે જેઓને સામાન્ય સમજીએ છીએ તેઓ સમાજનો ૯૦% હિસ્સો છે. આ સામાન્યને સમજીએ ને સહકાર તથા જોઈતી મદદ કરીએ તો વિશ્વાસપૂર્વક પોતાના વિચારોને સાકાર કરી શકશે કે જેમાં સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રોની પરિસ્થિતિ કટોકટ હરીફાઈની છે. હરીફાઈ જ્યાં સુધી મુક્ત વાતાવરણ આધારિત હોય ત્યારે તે સ્તુત્ય બને છે, પરંતુ જ્યારે સાધન સંપદાના અભાવમાં કે સ્વાર્થી માનસિકતાને કારણે થાય ત્યારે નિંદનીય છે. નિંદનીય એટલા માટે કે જે વ્યક્તિઓની શક્તિ સંઘર્ષમાં ખર્ચાય છે, એટલી જ શક્તિ નવસર્જનમાં જોતરાય તો મુક્ત હરીફાઈનાં પરિણામ સમાજને સુલભ થાય. અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે અભિવ્યક્તિના સામાજિક સ્તરને લક્ષમાં લેવાના બદલે તેનામાં રહેલી મૌલિક શક્તિને લક્ષમાં લેવામાં આવે. વર્તમાન સમયમાં આવી શક્તિની નિર્ણાયકતા માટે ભલે કઠિનતા અનુભવાય, પરંતુ જ્યારે તટસ્થતા ધારણ કરીએ ત્યારે તે સહજ બની જાય છે.

વર્તમાન સમયનો સમાજ અનેક ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓમાં વહેંચાયેલ છે. તેમ આ જ સમાજ રાજકારણ, વહીવટકર્તાઓ, ઉદ્યોગપતિ, વેપારી, ગ્રાહક, ખેડૂત જેવા અનેક વર્ગોથી પણ વહેંચાયેલ છે. જે ઉચ્ચ, સામાન્ય અને નિમ્ન સ્તરથી ઓળખાતો હોય છે. આવી ઓળખ ક્યારેક ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિમાં પરિણમતી હોય છે. એટલે અભિવ્યક્તિની સક્ષમતા દૂષિત થતી હોય છે, જેમાં નાના કાર્યકરની વાસ્તવિક સત્ય હકીકતને મોટા નેતાઓ, સામાન્ય કારકુનના મતને મોટા અધિકરીઓ નજરઅંદાજ કરતા હોય છે. અથવા તો એવો પ્રભાવ ઊભો કરવામાં આવ્યો હોય છે કે નિમ્ન કે સામાન્ય વ્યક્તિ તેમના વિચારોને વ્યક્ત કરી શકતી નથી. આવી પરિસ્થિતિમાં નકારાત્મક પરિણામ જ્યાં સુધી વ્યક્તિએ સહન કરવાનો વારો આવે છે, ત્યાં સુધી ક્ષમ્ય છે. પરંતુ જ્યારે સમાજ-સમૂહ ભોગવવાનાં થાય ત્યારે અક્ષમ્ય બની જાય છે.

સામાન્યતઃ આપણે જ્યારે શિસ્તવિહોણા હોઈએ ત્યારે ઉપરોક્ત નિવેદન અરાજકતાનું સર્જન બની શકે છે. પરંતુ જો સામાજિક શિસ્ત, હિત અને માનવીય આચારસંહિતાનું પાલન કરીએ તો ઇચ્છિત સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકાય. અને આ પરિણામ ત્યારે જ શક્ય બને કે જ્યારે વ્યક્તિ સ્વકેન્દ્રીય માનસિકતામાંથી બહાર આવીને સર્વકેન્દ્રીય બને.

સ્વકેન્દ્રીમાંથી સર્વકેન્દ્રી બનવું તે ર્તમાન સમયમાં ભલે અઘરું લાગતું હોય, (અઘરું એટલા માટે કે કોઈ એકાદ વ્યક્તિ પાસેથી જે લાભ મળતો હોય તે ક્યારેક વ્યક્તિ સમૂહમાંથી ન પણ મળે, એટલે સમાજલક્ષી બનવાના કારણે વ્યક્તિલક્ષીની તરફેણમાંથી જે લાભ-લાલચ મળવાની હોય તે ન મળવાના ભયમાંથી અઘરું અનુભવાતું હોય.) પરંતુ ક્યારેક તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે જે સહજ તો બની જાય છે, પરંતુ સાથે સાથે માનવતાસહજ ગૌરવ પણ પ્રાપ્ત થાય છે.

આપણને કદાચ પ્રશ્ન થશે કે આવી પ્રસ્તુતિનો અર્થ શું છે ? જેઓને ઉપરોક્ત હકીકતોનો અનુભવ હશે તેમની સમક્ષ સ્પષ્ટીકરણ કરવું જરૂરી નથી, પરંતુ જેઓને અનુભવ નથી તેમની સમક્ષ સ્પષ્ટીકરણ જરૂરી બની જાય છે. સામાન્ય વ્યક્તિ તરીકે જ્યારે સક્ષમ વ્યક્તિ સાથે કંઈક વિશેષ ચર્ચા કરીએ ત્યારે પ્રથમ દૃષ્ટિએ સાંભળવા નહીં સાંભળવાના ઢોંગ સાથે પોતે કેટલા વ્યસ્ત છે, તે પ્રદર્શિત કરતા બગાસાં ખાવાનું શરૂ કરશે અને છેલ્લે કંટાળી જવાનો ભાવ ઉત્પન્ન કરીને બાથરૂમમાં ચાલ્યા જશે.

માનીએ કે તેમના વ્યવસાયમાં વ્યસ્ત છે, તો આવી વ્યક્તિઓએ સામાજિક સેવાના વાઘા પહેર્યા હોય તે ઉતારી દેવા જોઈએ. માનીએ કે ચર્ચા તેમની વશની બહાર છે તો ચર્ચાની શરૂઆતમાં જ રોકી દેવી જોઈએ. માનીએ કે તેમના સામાજિક મોભા કે આર્થિક મદદની ઇચ્છા વ્યક્ત કરીએ તો તે સહમતી વગર શક્ય નથી. અને તેમાંય જ્યારે ઇચ્છા વગરની મદદ સ્વીકારવાની તૈયારી ન હોય, ત્યારે એક યા બીજાં કારણોમાં વ્યક્તિની સામાન્ય સ્થિતિ જ જવાબદાર હોય છે.

કદાચ એવું પણ હોય કે વર્તમાન સમયમાં અનેક સેવકો હોય અને તેમાં સાચું કોણ અને લેભાગુ કોણ તે નક્કી ન કરી શકાતું હોય, ત્યારે સહાયભૂત થઈને દુઃખી થવા કરતાં સહાયભૂત ન થઈને દુઃખી થવું ફાયદાકારણ લાગતું હોય છે. ખેર, સમય સમયનું કામ કરતો હોય છે. એટલે વિશેષ સ્પષ્ટીકરણની જરૂરિયાત નહીં રહે. જેઓ માનવમૂલ્યોને સમજે છે અને અપવાદરૂપ કાર્યરત હોય તેમને મારા હાર્ક પ્રણામ છે કે જેઓએ ક્યાંય ઉચ્ચ, સામાન્ય કે નિમ્નત્તાનો ભેદ નથી.

નકારાત્મક સૂર :

આઝાદીથી અત્યાર સુધીના સમયગાળામાં સમાજ, રાજ્ય કે રાષ્ટ્રનો જે વિકાસ થયો છે તેને સમગ્ર પ્રસ્તુતિમાં નજરઅંદાજ કરવામાં આવ્યો હોય તેવું અનુભવાતું હશે, અને તેમાંય જ્યારે વિકાસનો ભાર જેઓની કાંધ ઉપર હતો કે છે તેમને વિશેષ દુઃખ થાય તેમ માની શકાય. પરંતુ જો તટસ્થ ભાવે વિચારીએ તો સમગ્ર પ્રસ્તુતિ કોઈને દુઃખ પહોંચાડવા માટે નહીં, પરંતુ અદના માનવીથી સર્વોત્તમ સ્થાને હોય તેવા દરેક માનવસમાજ માટે તેમની ઇચ્છા અનુસારનું માનવીય જીવન પ્રસ્થાપિત થાય તે છે. આપણે સમજવું રહ્યું, કે અદના માનવીની ઇચ્છા તેની જરૂરિયાતો સહજ રીતે પ્રાપ્ત કરીને માનીય સુખ ભોગવે તેમાં હોય છે. તેવી જ રીતે સર્વોત્તમ સ્થાને બિરાજમાન હોય તેમની ઇચ્છા સમગ્ર માનવસમાજની સુખાકારીમાંથી ઉત્પન્ન થતો આનંદ અનુભવે, અને તેમાંથી પોતાની સર્વોચ્ચતા યથાર્થ સાબિત થયાનું સમજાય. કદાચ આપણને અદના માનવી તેમ જ સર્વોચ્ચ માનવીની પરિભાષા સમજાવવી ન પડે, તેમ છતાં મારી દૃષ્ટિમાં જે સમજાય છે તે મુજબ અડાબીડ જંગલોમાં રહેતો આદિવાસી અદનો માનવી, તેમ જ ભૌતિક, આધ્યાત્મિક, સત્તાધીશ તેમ જ માનવસમાજનો શુભચિંતક જે કક્ષાએ પોતાને યથાર્થ સમજે ત્યાં તેની સર્વોચ્ચતા પ્રસ્થાપિત થાય છે.

જ્યાં દિનભર તનતોડ મહેનત કરીને પોષ મહિનાની સખત ઠંડીમાં અને ચૈત્ર-વૈશાખની સખત ગરમીમાં ખુલ્લી જગ્યાઓએ અર્ધનગ્ન હાલતમાં જીવન વ્યતીત કરતા હોય તેમની સહનશીલતા, જેઓ માનવમૂલ્યોને સ્પંદનામક રીતે અનુભવીને આત્મવ્યથાથી બળતા હોય, થેવું જીવન પ્રવર્તમાન હોય ત્યારે અવશ્ય નકારાત્મક શબ્દની પરિભાષા સમજવી રહી. જ્યાં આજનાં જગતનો તાત, આદિવાસી, ગરીબ કે મધ્યમવર્ગનો સુઘડ માનવી પણ હૈયારુદન કરતો હોય, સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશો પણ બંધારણની મર્યાદા-વ્યથાના આક્રોશથી ઉલ્લંઘન કરતા હોય, ત્યારે પ્રસ્તુતિના નકારાત્મક સૂરને સમજવો રહ્યો.

આપણે રાષ્ટ્રને ભાવનાત્મક દૃષ્ટિએ માતા તરીકે સ્વીકારીએ છીએ, આ સ્વીકૃતિમાં આદર, પ્રેમ અને પૂજ્યભાવ ઉત્કટ બને છે, ત્યારે તેનો સાક્ષાત્કાર થાય છે. આવા સાક્ષાત્કારમાં ઇચ્છિત દિવ્યતાના બદલે જેની તુલના ન કરી શકાય તેવી સ્ત્રી જેવાં દર્શન થાય ત્યારે ગાત્રો થીજી જાય છે. જેના એકસોને આઠ કરોડ સંતાન હોય તેની દુર્દશા કલ્પવી મુશ્કેલ છે. તેને સ્પંદનશીલ રીતે વાસ્તવિકપણે અનુભવવી હોય તો આજના કપૂતોએ ત્યજેલ વૃદ્ધ માતાની આંતરવેદનાને અનુભવવી રહી !

આપણી જનની નવ માસ ગોદમાં રાખીને આપણને જન્મ આપે છે. જન્મથી તેની હયાતી સુધી સેવા, પ્રેમ અને પોતાનું હીર ચુસાવીને આપણું જતન કરે છે. આ જતનમાં જ્યારે તેનો આત્મભાવ ભળે છે ત્યારે નવ ભુવનનું સુખ માણીએ છીએ. આ સુખને કાયમ રાખવા માટે અન્ય સ્ત્રી કે પુરુષને (પત્ની/જમાઈને) હસ્તાંતર કરે છે ત્યારે તેના મનોભાવને સમજવા કઠન બની જાય છે. અનંત દુઃખમાં પણ સુખની અનુભૂતિ તેનાં આંસુ દ્વારા પ્રતીત કરાવે છે અને એટલે જ આપણી સંસ્કૃતિમાં માતાનું ઋણ અદા કરવા માટેની જે ભાવના વ્યક્ત કરવામાં આવે છે તે યથાર્થ સાબિત થાય છે. એટલે કે આ જીવનમાં કરેલ દરેક પુણ્ય તેને સમર્પિત કરીએ તો પણ તેના ઋણમાંથી મુક્ત થઈ શકતા નથી !

આપણી જનની નવ માસ ગોદમાં રાખે, અને જ્યાં સુધી પાંખો આવે ને ઉડ્ડયન ન કરી શકીએ ત્યાં સુધી જતન કરે છે, ત્યાં સુધીના વાત્સલ્યને આપણા જીવનથી પણ પૂર્ણ ન કરી શકાતું હોય, ત્યારે એવી માતા કે જે માતાને પણ ગોદમાં રાખે અને પાંખો આવ્યા પછી પણ આકાશ, પાતાળ અને ભૂમિનું પ્રદાન કરતી હોય ત્યારે તેનું મહત્ત્વ સમજવું રહ્યું. આ એ જ માતા છે કે જે જનનીના એકવીસ વર્ષના જતન પછી આજીવન જતન કરે છે. જરા સૂક્ષ્મ રીતે જોઈશું તો આ એ જ માતા છે કે તેની સેવામાં જે રત છે, તેમનાં માન, પાન, મોભો અને યશ તેની સેવાને આભારી છે. રાષ્ટ્રના રાષ્ટ્રપ્રમુખ (રાષ્ટ્રપિતા એટલા માટે નહીં કે તે સ્વયં માતા અને પિતાની ભૂમિકામાં છે.) વડાપ્રધાનો, પ્રધાનો, સનદી અધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ તેની સેાવને અધીન જ સન્માનિત છે. અન્યથા તેમના જેવા તો કરોડો પ્રજાજન છે, તેઓના સન્માન વિશે વિચારવું રહ્યું.

આપણે કોઈ પણ ન્યાયાલયમાં એક બાજુ કાયદાઓના ધુરંધર વકીલ હોય અને બીજી બાજુ એ જ ન્યાયાલયના ન્યાયાધીશ હોય, જે વકીલ ન્યાયાધીશના બાર માસનું વેતન લેતા હોય. તેનાથી સવાઈ એક કેસની ફી લેતા હોય તેમ છતાં પ્રતિષ્ઠા અને સન્માનની દૃષ્ટિએ ન્યાયાધીશ ઉચ્ચ સ્થાને બિરાજે છે તે માતાની સેવાનો પુરસ્કાર છે. આ પુરસ્કાર ઊતર્યો અમલદાર કોડીઓના સંદર્ભમાં નહીં, પરંતુ જીવનમાં થયેલ સર્વોત્તમ અનુભૂતિથી મુલવવો રહ્યો.

ભારતમાતાના સેવકરુપી સંતાનો જ્યારે માતાને મૂક, બધીર અને અંધ બનાવીને ચિરહરણ કરતા હોય, સ્તનપાનને બદલે રુધીર ચૂસતા હોય, લાજનું રક્ષણ કરવાના બદલે લૂંટતા હોય, લૂંટાવતા હોય, સેવા કરવાના બદલે હક્ક જગાવીને ચૂંથતા હોય, ત્યારે તેની વ્યથા સમજી શકાય તેમ છે. માનવીય મનોભૂમિના અલગ અલગ મનની એકાગ્રતા કેળવાય છે, ત્યારે જેને સાથ નાતો જોડ્યો હોય તેઓ એકબીજાનાં સુખ, દુઃખને અનુભવી શકતા હોય છે. અહીં ભારતમાતા અને તેની પ્રજામાં મન ભલે અલગ અલગ હોય, પરંતુ મનમાં એકત્વની ભૂમિકા છે, એટલે ભારતમાતા ઉપર થતા સિતમ તેની પ્રજા ને પ્રજા ઉપર થતા સિતમ માતા અનુભવતી હોય છે. તેનું પ્રમાણ જોઈતું હોય તો જેઓએ આવું એકત્વ પ્રાપ્ત કર્યું હોય તેમની વ્યથા અનેક વાર જાહેર માધ્યમોમાં પ્રગટ કરતાં હોય છે તે સમજવી અને અનુભવવી રહી.

એટલું તો સહજ રીતે સમજી શકાય તેમ છે કે માતા-પિતા ઉપર સિતમ થતા હોય ત્યારે તેના મૂક, બધીર અને અંધત્વને કારણે જણાવી શકે તેમ નથી, પરંતુ પ્રજામાં આવી પંગુતા નથી. તેઓ પંગુ નથી તેવી સભાનતા કરાવી તે જો નકારાત્મક કૃત્ય હોય તો તે છે. સમાજ જ્યારે સ્વયંને પંગુ સમજે છે, ત્યારે સિતમ સહન કરવાની સહનશક્તિ કેળવી લેતી હોય છે. આવી સહનશક્તિ વિરુદ્ધની પરિસ્થિતિના કારણે હોય તો તે સમજી શકાય તેમ છે, પરંતુ પોતાની અશક્તિઓમાંથી જ્યારે સહનશક્તિનો અંચળો ઓઢે છે, ત્યારે નપુંસક બનતો જાય છે. તેમાં એક વર્ગ એવો છે કે જેઓ નપુંસકોની કમાણી ખાવા ટેવાયેલ છે. એટલે આવા નપુંસકોનો સમૂહ વધે તેમાં વ્યસ્ત છે. જ્યારે બીજો સમૂહ જો હોય તો માનવીય જીવન સર્જનહારે જે દૃષ્ટિથી સર્જન કર્યું હોય તેને પરિપૂર્ણ કેવી રીતે કરી શકાય તેમાં વ્યસ્ત હોય છે.

કોઈ પણ પ્રકારની પૂર્વધારણા સિવાય કોઈપણ વિષયોની ચર્ચા કરતા હોઈએ અને તેમાંથી આપોઆપ સત્ય અને અસત્ય અલગ પડતાં હોય અને તેના વિવરણ બાદ સમજાય ત્યારે પ્રસ્તુતકર્તા જવાબદાર નથી હોતો. પરંતુ જ્યારે નિષ્કર્ષ પામેલ સત્ય કે અસત્ય સમજાય અને ત્યાર બાદ આશયપૂર્વક તેની સાથે બાંધ-છોડ કરવામાં આવે ત્યારે પ્રસ્તુત કર્તા જવાબદાર બને છે.

અત્રે રજૂ થયેલ સમગ્ર પ્રસ્તુતિકરણને સમજ્યા પછી નકારાત્મક સૂર પ્રદર્શિત થતો હોય તો તેના ઘટનાક્રમનાં પરિણામ હશે, તેમાં પ્રસ્તુતકર્તાનો નકારાત્મક આશય નથી અને એટલે જ કદાચ નકારાત્મક પરિામોમાંથી સકારાત્મક પરિણામ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે માટેનો સહજ પ્રયત્ન થયેલ છે.

મનુષ્ય જ્યારે સમય, સંજોગો અને પરિસ્થિતિના કારણે કે અધીન નકારાત્મક માનસિકતા ધરાવતો થાય ત્યારે કોઈ પણ ઘટનાક્રમોનું નકારાત્મક પરિણામ જોતો, સમજતો કે અનુભવતો હોય છે. આવી સ્થિતિ જ્યારે અન્વેષકની ભૂમિકામાં હોય, અને વિષય બદલાતાં બદલાતી રહે તેમાં નકારાત્મક માનસિકતા નથી હોતી, પરંતુ તેમના કાર્ય અનુસારની ફરજ હોય છે. તે સિવાય જેઓ કોઈપણ કારણ સિવાય સ્વભાવગત રીતે વિષયનું હાર્દ સમજ્યા વગર જ્યારે નકારાય પ્રતિભાવ આપે તે તેમના સ્વભાવનું પરિણામ હોય છે, એટલે તેને નકારવો રહ્યો.

ક્યારેક કોઈક તથ્યો પોતાની સમજની બહાર હોય અને નકારાત્મક પ્રતિભાવ આપે તો દોષને પાત્ર નથી, પરંતુ જ્યારે વ્યક્તિની સમજ સક્ષમ (પરિપક્વ) બને છે ત્યાર બાદ નકારાત્મક પ્રતિભાવ પ્રદર્શિત કરે છે તો તેનાથી સ્વયંની પ્રતિભા તો ખંડિત થાય છે જ, પરંતુ સાથે સાથે સમાજને ગેરમાર્ગે દોરવાનું માધ્યમ બને છે કે જે ખરેખર નકારાત્મકતાનો સૂર હોય છે. તો ક્યારેક વ્યક્તિના સામ્રાજ્યનું એક વર્તુળ હોય છે, આ વર્તુળ બહારની સૃષ્ટિ તેના માટે નિરર્થક હોય છે. આવા નિરર્થક ભાવમાંથી નકારાત્મક દૃષ્ટિ કેળવાતી હોય છે, જેમાં કૂવો અને સમુદ્રની વિશાળતાનો ભેદ સમજી શકતાં નથી.

માનવીય જીવનમાં જે યાતાઓ અનુભવાય છે, તેનું મૂળભૂત કારણ નકારાત્મક માનસિકતા હોય છે. આવી માનસિકતા સર્જનહારના સર્જનના તાત્પર્યની સમજના અભાવમાંથી, અહંના ઉન્માદમાંથી તેમ જ સમભાવની અવહેલનામાંથી સર્જાતી હોય છે.

વિસ્તૃતીકરણની મર્યાદા :

માનવી જ્યારે પોતાનાં સ્વપ્નોનું પોટલું ખોલે છે, ત્યારે સ્વપ્નની દરેક અનુભૂતિને વર્ણવી શકતો નથી. અને કદાચ શક્ય બને તો તેનો દળદાર ગ્રંથ રચાય છે. રચાયેલ ગ્રંથોમાં ભલે ભૌતિક તેમ જ પ્રાકૃતિક વૈભવને પ્રાપ્ત કરવાની સીડી બતાવેલી હોય, પરંતુ તેને ખોલવાના અભાવમાં શરીર જ્યારે જિર્ણશિર્ણ થઈ જાય છે અને સમય જ સમય પ્રાપ્ય રહે ત્યારે ખોલે છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે, કારણ કે જે સીડીથી સ્વર્ગમાં જવાય છે તે સીડી ઉપર ચડવાની જ હામ રહેતી નથી. જેમકે ક્યારેક જીવનનિર્વાહની પ્રાપ્તિ માટે દળદાર ગ્રંથને ખોલવાનો સમય રહેતો નથી. તો ક્યારેક જીવનપ્રવાસમાં એટલું બધું રાચરચીલું, સાથે લીધું હોય કે જેથી દળદાર ગ્રંથને ઊંચકવો ભારે પડે. જો આવી વિપરીત પરિસ્થિતિનું નિરાકરણ કરવું હોય તો વ્યક્તિ ગ્રંથ માટે સમય, જગ્યા અને વહન કરી શકે તેવું આયોજન કરવું રહ્યું કે જેથી સમય, જગ્યા મળતાં જ ગ્રંથને ખોલી શકાય.

સામાન્યતઃ સર્જનહારે જે સર્જન કરેલ છે, તે સર્જનહાર અને તેના સર્જન દ્વારા સર્જન થયેલા જીવનને પરિપૂર્ણ કરવાનું સંયુક્ત ઉત્તરદાયિત્વ નિભાવવાનું હોય છે. મનુષ્ય સિવાયનું સર્જન અને સર્જનહારે તેમનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું, નિભાવે અને નિભાવશે, પરંતુ મનુષ્ય તેની સંયુક્ત જવાબદારી નિભાવવામાં એકલમાર્ગી બન્યો છે. એટલે કે તે ફક્ત પોતાના જીવન માટેનું જ ઉત્તરદાયિત્વ નિભાવે છે. એટલે મનુષ્ય જે ઐશ્વરીય સુખ હોય છે, તેનાથી વંચિત થાય છે.

ઐશ્વરીય સુખની આપણે જે કલ્પનાકરી છે, તેનો વાસ્તવિક અનુભવ કે અનુભૂતિ થઈ હોય તો તે વર્ણવી શકતા નથી. પરંતુ જ્યાં નિતાંત આનંદ, પ્રસન્નતા અને મુક્તતા અનુભવાય છે ત્યાં માનવીય જીવનનું દર્શન થાય છે કે જેમાં ઐશ્વરીય સુખની ઝલક પ્રગટ થાય છે.

આ ઝલકનું શાબ્દિક વિસ્તૃતીકરણ કરવું હોય એટલું થઈ શકે, પરંતુ આવા વિસ્તૃતીકરણમાં વાસ્તવિકતાનું ખંડન થવાનો ભય સેવાય છે. જ્યાં સત્યોનું ખંડન થાય છે, ત્યાં ગુમરાહ થવાય છે અને કદાચ એટલે જ કૃષ્ણ, રામ, ઈસુ ખ્રિસ્ત, મોહંમદ પયગંબર સાહેબ, બુદ્ધ, મહાવીર સ્વામી અને અન્ય ધર્મના ધર્મસ્થાપકોએ જે સત્ય પ્રકાશિત કર્યું છે, તે ખંડિત થતાં આજનો માનવ-સમુદાય ઐશ્વરિય સાંનિધ્યથી વિમુખ છે. ઐશ્વરીય સાંનિધ્યથી વિમુખ થવું એટલે પૂર્ણ જરૂરિયાતો સંતોષાવા છતાં અસંતોષ અનુભવવો, અને વિનાશની ટોચ ઉપર બેઠા હોઈએ તેવો ભય સેવવો. આવી પરિસ્થિતિના નિરાકરણ અર્થે નકારાત્મક તથ્યોની ચર્ચાને અવગણીને સકારાત્મક તથ્યોને ટૂંકમાં વર્ણવવામાં આવ્યાં છે.

ઈશ્વરનો આભાર :

બાલ્ય અવસ્થાથી આજદિન સુધી પરમકૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થના કરેલ છે કે, હે પરમાત્મા ! સકલ બ્રહ્માંડના અનંત વૈભવનું ત્યારે જ પ્રદાન કરજે કે જેને ધારણ કરવાની, વહન કરવાની સક્ષમતા પ્રાપ્ત થાય અને એટલે જ માનવીય જીવનની અનંત ઇચ્છાઓમાં પણ સક્ષમતા અનુસારનું જીવન પ્રદાન કરેલ છે. પછી ભલે તે માનવીય દૃષ્ટિએ નિમ્ન, સામાન્ય કે ઉચ્ચ જીવન હોય, પરંતુ મારા માટે સક્ષમતા અનુસારનું સર્વોત્તમ જીવન છે.

અને તેના પરિણામ સ્વરૂપે કોઈ પણ ધર્મની વ્યક્તિ કે સમૂહ તેમના ધર્મથી અલગ સમજતા નથી. જે તે વ્યક્તિ કે સમૂહની સમીપમાં મુક્ત અભિવ્યક્તિમાં તેમના જ ધર્મનો હોઉં તેવો અનુભવ જીવનની ફળશ્રુતિ સમાન છે, તેવી જ રીતે નિમ્ન વર્ગથી ઉચ્ચત્તમ વર્ગમાં જે વર્ગ પોતાનો ગણ્યો છે. અને એટલે જ તેમના મનોભાવ સમજવામાં ક્ષમતા પ્રાપ્ત થઈ છે. સમાજનો ધનિક વર્ગ હોય કે ગરીબ વર્ગ સામાન્ય, પ્રબુદ્ધ કે આધ્યાત્મિક વર્ગ હોય તેમને મળવાનું થાય ત્યારે તેમના વર્ગનો હોઉં તેવું પ્રદર્શિત કરે ત્યારે સમભાવનું તાત્પર્ય અને યથાર્થતા સમજાય છે.

જીવનની ગરીબી કે અમીરી, શારીરિક મજૂરી કે બુદ્ધિયુક્ત દિશાસૂચનમાં સાચા જીવન તરફનું દિશાસૂચન થતું હોય ત્યારે તેના અનુભવમાં અનેરો આનંદ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તે અનુભવસિદ્ધ હકીકત છે. સમભાવિત માનસિકતાથી વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ થતી હોય છે. આવી ઓળખ જ્યારે દંભી અનુભવાય છે, ત્યારે આભાષી પ્રતિભા વ્યક્તિઓ પ્રત્યેનું આકર્ષણ ક્યારેક નહીંવત્‌ બની જતાં જીવન તટસ્થ બની જાય છે, જે મારા માટે આળસનું કારણ બની જાય છે, જે સમાજથી વિમુખ બનાવે છે. જો કોઈ નિશ્ચિત ધ્યેયનું આયોજન કરી શકીએ તો અવશ્ય આળસનો છેદ ઊડી જાય અને ઈશ્વરદત્ત જીવન તરફનું પ્રયાણ ચાલુ રહે.

વૈશ્વિક સમાજ ઐશ્વરીય શક્તિહીન વાસ્તવિકતાને માનતો હોય કે ન માનતો હોય, પરંતુ હું મારા જીવનની ઉપલબ્ધિથી તેની હયાતી સ્વીકારું છું, કારણ કે મારી કનિષ્ઠમાં કનિષ્ઠ સ્થિતિએ જેવા જીવનની પ્રાર્થના કરેલી છે તે ફળી છે. જે વૈભવ માટે મારું પ્રારબ્ધ કે સક્ષમતા નહોતી તે સંતાનોને પ્રાપ્ત થયેલ છે. તે સિવાય અમૂલ્ય વૈભવની માંગણી ઈશ્વર પાસે બાકી છે, જે મારા કે મારાં સંતાનોના પ્રારબ્ધમાં હોય કે ન હોય. પરંતુ સમાજ સમૂહના પ્રારબ્ધમાં હોય અને તેમને ફળે તેવી અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના કરું છું.

ઈશ્વર, મારાં મન, બુદ્ધિ, હૃદય, માનસ, મનોભૂમિ અને વ્યવહારમાં જીવંત સ્વરૂપે તેની હયાતીની અનુભૂતિ કરાવે છે, ત્યારે આનંદપૂર્વકનો આભાર વ્યક્ત કરવા સિવાય કંઈ કરી શકતો નથી. આ કાંઈ કરી શકતો નથીના પ્રત્યાઘાતમાંથી ઉગરવા સમગ્ર પ્રયત્ન કરેલ છે. જેને સાકાર કરવાની નિષ્ફળતા મારી હશે, જ્યારે સફળતા ઈશ્વર અને સમાજ-સમૂહની હશે.

આદર્શ જીવન, પૂર્વ-જન્મના સંસ્કાર કે આજીવન વૈચારિક શક્તિના કારણે મળે છે તે નક્કી કરવું રહ્યું. પૂર્વજન્મના સંસ્કારનું કારણ ગહન બાબત છે. તેમાં અનેક મતમતાંતર છે, એટલે સમજવું કઠિન છે. પરંતુ વૈચારિક શક્તિનું કારણ સાપેક્ષ અથવા તો પ્રત્યક્ષ સ્વરૂપનું છે, એટલે સમજવામાં સહજતા રહે. વૈચારિક શક્તિનો વ્યાપ બ્રહ્માંડના પરિઘ સુધીનો છે, પરંતુ આપણે જેટલું અનુભવીએ તે તેની મર્યાદા છે. આ મર્યાદામાં જે સમજાયું તેની રજૂઆત કરેલ છે, આવી રજૂઆતમાં સમાજને ઇચ્છિત જીવનધોરણ પ્રાપ્ત થાય તેનું આ બીજમાત્ર છે.

વર્તમાન સમય અથવા તો સમાજમાં આદર્શ જીવન અંગે અનેક ભ્રમણા પ્રવર્તમાન છે અને તેમાં મુખ્યત્વે નકારાત્મક સૂર એવો હોય છે કે આપણે આવું જીવન ન જવી શકીએ. અરે ભાઈ, જે વ્યવહારની હાનિ થાય, ખાડામાં પડાય કે જીવનમાં આંધી સર્જાય તેવા માર્ગે ન જવાય તેવું માનવામાં ક્યાં મુશ્કેલી નડવાની છે ? આવા અનેક નકારાત્મક વ્યવહારમાંથી પાછા વળવામાં અને સમજવામાં આદર્શ જીવન છે. જ્યારે વ્યક્તિમાંથી વ્યક્તિસમૂહ આવા જીવનને સમજશે અને સ્વીકારશે ત્યારે આદર્શ સમાજનો આવિષ્કાર થશે, જેમાં પ્રેમ, પ્રસન્નતા અને જીવન પ્રત્યેનું આકર્ષણ હશે.

૩૩. જોડાણ - આંકડાકીય

અનુમાનોનું પૃથક્કરણ

૧. રાષ્ટ્રીય કુટુંબની સંખ્યા :

આપણે જ્યારે કોઈ પણ તથ્યની વાસ્તવિકતા અંગે વિચારતા હોઈએ, ત્યારે તથ્યના બંધારણ અંગેની પરિસ્થિતિ શું છે તે નક્કી કરવું રહ્યું. કારણ કે એક તથ્યનું અલગ - અલગ જગ્યાએ અલગ - અલગ બંધારણ અને પરિસ્થિતિ હોય છે. જેમ કે આપણી રાષ્ટ્રીય કુટુંબની સંખ્યા, વિકસિત દેશો, ભૌગોલિક પરિસ્થિતિ અને સામાજિક માનસિકતા કુટુંબ સંખ્યા ઉપર અસર કરતાં હોય છે. આપણે જ્યારે રાષ્ટ્રના વિકાસના સંદર્ભમાં કુટુંબનું અન્વેષણ કરતા હોઈએ ત્યારે અનુમાનો અને સર્વે ઉપર આધાર રાખતા હોઈએ છીએ. સર્વે લગભગ વાસ્તવિકતાની આસપાસ હોય છે. એટલે કે તે ચોક્કસ નથી હોતા. આવું બનવાને અનેક કારણો હોય છે. તેમાંનું મુખ્ય કારણ આપણી સામાજિક પરિપક્વતાનો અભાવ હોય છે, જેમાં સરકારી રાહતોની અપેક્ષા હોય છે. આપણે જ્યારે સામાજિક ઉત્ખલન કરીને નવરચના કરવા ઇચ્છતા હોઈએ ત્યોર વાસ્તવિકતાનું સચોટ અનુમાન કરવું રહ્યું.

આપણી સામાજિક, આર્થિક અને ભૌગોલિક બંધારણની ગણતરી વિકસિત રાષ્ટ્રોના માપદંડ મુજબ ન કરી શકીએ. આપણે આપણી વાસ્તવિકતાને સ્વીકારીને કોઈ પણ આયોજન કરવું રહ્યું. વિકસિત અને ભૌગોલિક રીતે ઠંડા પ્રદેશોમાં કુટુંબસંખ્યા મહત્તમ અંશે મર્યાદિત હોય છે. જ્યારે આપણે ત્યાં વિવિધ ધર્મો, સંપ્રદાયો અને અલ્પવિકસિત માનસિકતાને લીધે આવી કોઈ મર્યાદા નક્કી થઈ શકે નહીં. એટલે કોઈ કુટુંબની સભ્ય સંખ્યા એકથી એકસો સુધીની હોઈ શકે છે, જેમાં અપવાદરૂપ સંયુક્ત કુટુંબને બાદ કરતાં એક કુટુંબમાં ડઝનથી દોઢ ડઝન સંતાનો અને માતા-પિતાને સાથે ગણતાં ૧પથી રપની સભ્ય સંખ્યા પણ હોઈ શકે છે. આપણો હેતુ નકારાત્મક બાબતોને પ્રદર્શિત કરવામાં નહીં, પરંતુ ભવિષ્યના આયોજનની સફળતા માટેનો છે, એટલે કુટુંબની સભ્યસંખ્યાના આધારે સરેરાશ કાઢીને કુટુંબ સંખ્યા ગણવી રહી.

આપણે કુટુંબની સંખ્યા રહેણાંક, કમાનાર મુખ્ય વ્યક્તિના આધારે કાઢતા હોઈએ છીએ. એટલે વાસ્તવિક વિકાસ, વાર્ષિક આવક અને આયોજનની સફળતામાં ચોકસાઈ કે ચોક્કસતા નથી હોતી. આથી સભ્ય સંખ્યાની સરેરાશ કાડીને કુટુંબની સંખ્યા નક્કી કરવી રહી. તેમાં નકારાત્મક પ્રશ્નો ઉપસ્થિત થશે, પરંતુ વિકાસનું આયોજન સકારાત્મક રીતે કરી શકાશે. જો આવી સરેરાશ કાઢીએ તો,

અનુ. પતિ- સંતાન માતા- કુલ

નંબર પત્ની પિતા

૧. ૧ ૦ ૦ ૧

૨. ૨ ૦ ૦ ૨

૩. ૨ ૧ ૦ ૩ એક સંતાન

૪. ૨ ૨ ૦ ૪

૫. ૨ ૧ ૨ ૫

૬. ૨ ૨ ૨ ૬

૭. ૨ ૩ ૨ ૭

૮. ૨ ૪ ૨ ૮

૯. ૨ ૫ ૨ ૯

૧૦. ૨ ૬ ૨ ૧૦ -૫૫

૧૧. ૨ ૭ ૨ ૧૧

૧૨. ૨ ૮ ૨ ૧૨

૧૩. ૨ ૧૦ ૦ ૧૨

૧૪. ૨ ૧૧ ૦ ૧૩

૧૫. ૨ ૧૨ ૦ ૧૪

૨૯ ૭૨ ૧૬ ૧૧૭ ૯૨

૧૧૭ / ૧૫ = ૭.૮ ની સંખ્યા ધરાવતું કુટુંબ થાય.

સરેરાશ મુજબ ભારતીય કુટુંબની સભ્ય સંખ્યા ૭.૮ થાય. પરંતુ જો વિકાસનો સ્ત્રોત વ્યક્તિ સુધી પહોંચાડવો હોય તો સરેરાશ કરતાં સભ્ય સંખ્યા નીચે લઈ જવી પડે અને તે મુજબ સભ્યસંખ્યા પાંચની કરાય તો અગમચેતી પૂર્વકનું આયોજન થાય.

કદાચ રજૂ થયેલ મંતવ્ય અષ્ટમ્‌ પષ્ટમ્‌ લાગતું હોય તો મારી સમજણ છે તે મુજબ આયોજનનો વ્યાપ વધે, અને વ્યાપ મોટો હોય તો તે મુજબની વ્યવસ્થા પણ કરવી પડે. વ્યવસ્થા થાય તો તેનો લાભ વ્યક્તિ સુધી પહોંચે.

એટલે કે ભારતી વસ્તી ૧૦૦ કરોડ હોય તો સરેરાશ મુજબ આશરે ૧૪.૧૦ કરોડ જેટલાં કુટુંબ થાય અને પની સભ્ય સંખ્યા ગણીએ તો ર૦ કરોડ કુટુંબ થાય. આમ, ર૦ કરોડની વ્યવસ્થા કરીએ તો ૧૪.૧૦ કરોડમાં કોઈ કુટુંબ લાભથી વંચિત ન થાય. આ ગણતીર સીધી સાદી રીતે સમજવામાં મુશ્કેલી પડે પણ રહેણાક અને કમાનાર વ્યક્તિના આધારે સમજવા પ્રયત્ન કરીએ તો અવશ્ય સહજતાથી સમજાય, જેમ કે એક રહેણાંકમાં ૧૪ વ્યક્તિઓ રહેતી હોય અને કમાનાર એક હોય તો એક કુટુંબ થાય. સરેરાશ ર.૪% કુટુંબ સંખ્યા થાય.

જીવનધોરણનું વર્ગીકરણ :

કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો માપદંડ તેના નાગરિકોના જીવન-ધોરણ આધારિત નક્કી થવો જોઈએ. જીવનધોરણ અનેક પરિબળોની પૂર્ણતામાંથી ઘડાય છે. આવાં પરિબળોમાં આર્થિક સ્ત્રોત મહત્ત્વનો છે. સામાન્યતઃ જે પ્રજાની સામાન્ય જીવન જરૂરિયાતો અને ભૌતિક સુખસગવડો સહજતાથી મળી રહે તેમનું જીવનધોરણ ઉચ્ચ હોય છે, જ્યારે સંઘર્ષ કર્યા બાદ મળે ત્યારે મધ્યમ જીવનધોરણ હોય છે, જ્યારે ઇષ્ટતમ સંઘર્ષ કર્યા બાદ પણ સામાન્ય જીવનજરૂરિયાતો માટે ટળવળવું પડે છે તે નિમ્નતમ જીવનધોરણ હોય છે.

આપણે જ્યારે જીવનધોરણની ચર્ચા કરતા હોઈએ ત્યારે તેમાં વિકસિત હોવાનો ભાસ થતો હોય છે અને આવા ભાસમાં આપણી સરખામણી વિકસિત જીવનધોરણ સાથે કરતા હોઈએ છીએ અને દૃષ્ટિ પશ્ચિમના દેશોમાં ફરતી હોય છે. આવી પરિસ્થિતિમાં આપણે આપણી પ્રાકૃતિક ભૌગોલિક રચનાને ભૂલી જતા હોઈએ છીએ.

પ્રાકૃતિક રચના અનુસાર જેઓએ પોતાનું આયોજન કર્યું છે તેઓ વિકસિત છે, અને આવા વિકસિત સમાજનું આપણે અનુકરણ કરવામાં હોશિયારી સમજતા હોઈએ છીએ. આ આવડત છે એટલે મૂળ ચર્ચા ઉપર આવીએ.

જીવનધોરણ કોઈ પણ રાષ્ટ્રના માપદંડના અનુકરણમાં નહીં, પરંતુ પોતાની ભોગોલિક પરિસ્થિતિ અનુસારની સંપદાના સદુપયોગના આધારે નક્કી થવું જોઈએ. રાષ્ટ્રની ૭૦% પ્રજા ગરીબ હોય કે ગરીબી રેખા નીચે જીવતી હોય ત્યારે ઉચ્ચ જીવનધોરણની ચર્ચા આપણા માટે હાસ્યાસ્પદ લાગે છે અને તે એટલા માટે કે ઉચ્ચ જીવન ધોરણવાળું જીવન એટલું તૃપ્ત હોય છે કે કૅલરીના આધારે આહાર નક્કી કરતા હોય છે. જ્યારે આપણે ત્યાં પેટનો ખાડો કેવી રીતે ભરાય તેના માટે આહાર નક્કી કરતા હોય છે, ગ્રામીણ, ગરીબ અને શ્રમજીવીઓ કૅલરીની ગણતરી કરીને નહીં, પરંતુ દિનભર શ્રમ કરવા કેટલા અન્નની જરૂરત પડશે તેની ગણતરી કરતા હોય છે. એટલે વિકસિત રાષ્ટ્રોની કૅલરી આધારિત જીવન પદ્ધતિનાં ધોરણ નક્કી ન કરી શકાય, પરંતુ શ્રમિકને દિનભર કેટલા અન્નની જરૂરિયાત પડશે તે આધારે જીવન-ધોરણ, ગરીબી, ગરીબીરેખાથી નીચેનું મુલ્યાંકન નક્કી કરી શકાય.

આપણી પ્રાકૃતિક રચના અને પરંપરા અનુસાર દરેક વ્યક્તિનું જીવન કૅલેરી આધારિત ખોરાકથી નહીં પરંતુ જે-તે પ્રદેશ આધારિત ઉત્પન્ન થતા અન્ન ઉપર હોય છે, જેમ કે જ્યાં મકાઈ થતી હોય ત્યાં મકાઈ, ઘઉં થતાં હોય ત્યાં ઘઉં અને ચોખા થતાં હોય ત્યાં ચોખાનો મુખ્ય આહાર હોય છે.

જીવન-ધોરણ માટે જરૂરિયાતને ધ્યાને લેવામાં આવે છે. જરૂરિયાતની પૂર્તિ માટે નાણાં, નાણાંની પ્રાપ્તિ જીવન ધોરણના માપ નક્કી કરે છે. આપણે કોઈપણ રાષ્ટ્રની જીવનધોરણ નક્કી કરવાની પદ્ધતિને ધ્યાનમાં લીધા સિવાય આપણી વાસ્તવિક જીવન પદ્ધતિ અનુસાર જીવન ધોરણ નક્કી કરવું રહ્યું. આપણે કૅલેરીને નહીં, ભૂખને મહત્ત્વ આપીએ છીએ, અને ભૂખ કેલેરીથી નહીં પરંતુ અન્નથી સંતોષાય છે. અન્નનું નાણાંમાં મૂલ્યાંકન કરીને જીવનધોરણ નક્કી કરવું રહ્યું.

સામાન્યતઃ કૅલરી આધારિત જીવન પ્રણાલિ ત્યારે અપનાવાય કે આપણે આપણી જરૂરિયાતોથી પૂર્ણ હોઈએ. સમાજનો મહત્તમ વર્ગ જરૂરિયાતોના કુપોષણથી પીડાતો હોય ત્યારે કૅલરી આધારિત જીવનધોરણના માપ-દંડ હાસ્યાસ્પદ લાગતા હોય છે. વ્યક્તિ જ્યારે ધૂળનાં ઢેફા ખાઈને જીવન વ્યતીત કરતો હોય ત્યારે વૈશ્વિક પદ્ધતિ અનુસારનો માપ-દંડ નિરર્થક પુરવાર થાય છે.

વર્તમાન સમયમાં વ્યક્તિની માસિક કે વાર્ષિક આવક મુજબ જીવન-ધોરણ નક્કી કરવામાં આવે છે, જેમ કે જેઓની માસિક આવક રૂ. પ૦૦ કે તેથી નીચે હોય ગરીબીરેખાથી નીચેનું જીવન-ધોરણ અને પ૦૦થી ઉપર હોય તો ગરીબીરેખામાં સમાવેશ થાય છે. શું પ૦૦ કે પાંચસોથી ઓછા કે વધારે ધ્યાને લઈને કોઈ રાહત આપવામાં આવે તો તેમનું જીવન સામાન્ય બની જશે ? ખરેખર તો તે અંગે પુનઃ વિચાર કરવો રહ્યો.

જરૂરિયાતને ધ્યાને લઈને જો જીવનધોરણ નક્કી કરીએ તો :

એ. ગરીબીરેખાથી નીચે.

આવી વ્યક્તિઓની કોઈ પણ પ્રકારની સામાજિક જરૂરિયાત, વ્યવહાર અને રહેણાંકને નજર-અંદાજ કરીએ અને ફક્ત ને ફક્ત આહારના આધારે કુટુંબ નિયોજનના આદર્શ મુજબ અમે બે અને અમારા બે પ્રમાણે કુલ ૪ વ્યક્તિની સભ્ય સંખ્યાની દૈનિક આહારની જરૂરિયાતને ધ્યાને લઈએ તો,

સરકારી સબસીડી અનુસારના ધાન્યના ભાવ લેતાં :

૧. સવારની ચા :

દૂધ ૬ રૂ.

ખાંડ ૩ રૂ.

ચા ર રૂ.

બળતણ ૧ રૂ.

રૂ. ૧ર/-

જો બજારુ તૈયાર ચાની ગણતરી કરીએ તો પણ રૂ. ૧ર/- થાય.

ર. સવારનું જમણ

લોટ ૭પ૦ ગ્રામ રૂ. ૧૦

શાક (સ્થિતિ પ્રમાણે) રૂ. ૧૦

બળતણ કેરોસીન કે લાકડાં રૂ. ૬

રૂ. ર૬/-

૩. સાંજનું જમણ :

ખીચડી

૭પ૦ ગ્રામ ચોખા રૂ. ૧૦

ર૦૦ ગ્રામ દાળ રૂ. ૮

છાસ, તેલ કે ચટણી જેની વ્યવસ્થા થાય તે રૂ. ૪

બળતણ રૂ. પ

રૂ. ર૭/-

૪. અન્ય જરૂરિયાત : (જેવી કે રાત ગુજારો) રૂ. ૧૦

પ. મજૂરી માટેનું ટ્રાન્સપોર્ટિંગ : રૂ. ૧૦

૧. રૂ. ૧ર

ર. રૂ. ર૬

૩. રૂ. ર૭

૪. રૂ. ૧૦

પ. રૂ. ૧૦

કુલ રૂ. ૮પ/-

૮પ ટ ૩૦ દિવસ = ૨૫૫૦ રૂ. થાય.

કુટુંબની સભ્ય સંખ્યા ચારની છે, જેમાં બે બાળકો બાદ કરતાં બે સભ્ય વધે. જો બન્ને શ્રમ કરતા હોય તો એક વ્યક્તિની માસિક ખર્ચ ૧૨૭૫/- થાય એટલે કે ગરીબી રેખાથી નીચેની વ્યાખ્યામાં જે માસિક આવક રૂ. ૫૦૦ની આસપાસની છે તેના બદલે રૂ. ૧૨૭૫ થાય. સામાન્યતઃ ભિખારી સિવાય કોઈ પણ વ્યક્તિ રહેણાંક વગરની નથી હોતી, અને આવી વ્યક્તિઓના જ સામાજિક વ્યવહાર વહુ પડતા હોય છે. આપણે તેમના અંગત જીવન વ્યવહારમાં ભલે ડોકિયું ન કરીએ, પરંતુ માનવતા ખાતર પણ અવશ્ય વિચારવું રહ્યું.

બી. ગરીબ

સામાન્યતઃ ગરીબ અને ગરીબીરેખાથી નીચેની વ્યક્તિઓનો આહારનો ખર્ચ સરખો માનીએ તો રહેણાંક, સામાજિક વ્યવહાર અને લઘુતમ સગવડનો અંદાજ ગણવો રહ્યો. તે મુજબ :

૧. રહેણાંક માટેનો ખર્ચ

ચાલી કે ઝૂંપડું, દીવો કે લાઈટનો સમાવેશ કરીએ તો

માસિક રૂ. પ૦૦

ર. સામાજિક વ્યહાર રૂ. ર૦૦

૩. લઘુતમ સગવડ રૂ. ૩૦૦

રૂ. ૧૦૦૦

આહાર ખર્ચ રૂ. રપપ૦

રૂ. ૩પપ૦

આમ, જેઓનો માસિક ખર્ચ રૂ. ૩પપ૦/- સુધીના હોય તેઓ ગરીબીની વ્યાખ્યામાં આવી જાય.

આપણે ક્યાંય જાહેર રસ્તા ઉપર કોઈને નગ્ન કે ચીંથરેહાલ જોતા નથી. આથી જે-તે ઋતુઓમાં રક્ષણ માટેનાં (કપડાં) માટે અવશ્ય ખર્ચ કરતાં હોય તેમ માનવું રહ્યું, કે જેનો આપણે ખર્ચમાં સમાવેશ કર્યો નથી. તદ્‌ઉપરાંત દરેક સમજુ મા-બાપ પોતાનાં સંતાનોની શિક્ષણની વ્યવસ્થા કરતાં હોય છે, આપણે બધું જ સરકારી રાહતોમાંથી પ્રાપ્ત થતું હશે તેમ માનતા હોઈએ, તો તે આપણી સમજણભૂલ હશે. આવા શિક્ષણમાં પણ જે ખર્ચ થાય છે તેને ગણતરીમાં નથી લીધો, જો તેને ગણતરીમાં લઈએ તો ગરીબીથી નીચેના વર્ગની માસિક ખર્ચાની મર્યાદા રૂ. ૩૦૦૦/- થાય અને ગરીબ વર્ગની માસિક ખર્ચાની મર્યાદા રૂ. ૪૦૦૦/- થાય.

જો જે તે વર્ગની ઉપરોક્ત જણાવેલ આવક ન હોય તો તેઓનો તેનાથી નીચેના વર્ગમાં સમાવેશ થાય છે, એટલે કે ગરીબી રેખાથી નીચે જીવન જીવતો સમૂહ કનિષ્ઠ અને ગરીબ વર્ગ ગરીબીરેખાથી નીચેના વર્ગમાં પરિવર્તિત થઈ જાય છે.

સી. મધ્યમ વર્ગ :

જેઓ ગરીબ વર્ગના આહાર, રહેણાંક, સામાજિક વ્યવહાર અને જરૂરિયાતોની પ્રાપ્તિથી અલગ વિશેષ પસંદગી કરવાની સક્ષમતા ધરાવે છે, ત્યાંથી મધ્યમ વર્ગની શરૂઆત થાય છે. પસંદગીનાં જે પણ ધોરણો હોય, પરંતુ તે ગરીબ વર્ગથી ઉચ્ચ અને શ્રીમંત વર્ગથી નિમ્ન હોય છે. જેમ કે આહાર ગરીબ હંમેશાં રાસનના અન્ન ઉપર નિર્ભર હોય તેમ માનવું રહ્યું, જ્યારે મધ્યમ વર્ગ તેનાથી ઉચ્ચ ગુણવત્તાવાળા આહારની વ્યવસ્થા કરતો હોય છે. રહેણાંકની બાબતમાં જોઈએ તો ગરીબ ચાલી કે ઝૂંપડપટ્ટીથી ચલાવતા હોય છે. જો આવા આહાર, રહેણાંકનું નાણાંમાં મૂલ્યાંકન કરીએ તો,

૧. અનાજ :

છ. ઘઉંની બોરી ૧૨૦૦નો ભાવ ૩૬૦૦

ચોખા ૧ બોરી ૧૮૦૦નો ભાવ ૧૮૦૦

દાળ-કઠોળ ૫૦ કિલો ૧૫૦૦

૬૯૦૦

તેલ ૪ ડબ્બા ૩૬૦૦

મસાલા ૧૦૦૦

મ્. શાકભાજી ૧૨૦૦૦

ન્હાવા-ધોવાના સાબુ ૬૦૦૦

ઘી-દૂધ ૧૫૦૦૦

ચા-ખાંડ-ગોળ ૫૦૦૦

પરચૂરણ ૫૦૦૦

૪૭૬૦૦

૬૯૦૦

છ+મ્ = ૫૪૫૦૦/- ૧૨ માસ

૧. ૧ માસનો આહાર ૪૬૦૦

૨. સુવિધાજનક રહેણાંક, ગ્રામ-શહેરનું સરેરાશ ૧૨૦૦

૩. ઉપકરણો-વાર્ષિક જરૂરિયાત ૫૦૦

૪. સામાજિક વ્યવહાર ૧૫૦૦

૫. શિક્ષણ ૧૦૦૦

૬. વસ્ત્રો ૫૦૦

૭. મેઈન્ટેનન્સ ૧૦૦૦

૮. હેલ્થ ૫૦૦

૯. આકસ્મિક ખર્ચ ૫૦૦

૧૧,૩૦૦

ઉપરોક્ત ખર્ચમાં કરકસર કરાય તો માસિક રૂ. ૧૦,૦૦૦/- થાય અને જો અનુકરણીય જીવનપદ્ધતિ હોય તો માસિક રૂ. ૨૦,૦૦૦/- પણ ઓછા પડે આપણે આપણી સામાન્ય સમજણ અને પરિપક્વતા મુજબની જીવન પદ્ધતિથી જીવીએ તો માસિક રૂ. ૧૧૦૦૦/- જેટલો ખર્ચ થાય.

૧. ઉચ્ચ મધ્યમ વર્ગ

મધ્યમ વર્ગની જરૂરિયાતોમાં નાણાંની મર્યાદામાં પસંદગી હોય છે, જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગમાં આર્થિક ભીંસ ઓછી હોવાથી પસંદગી મુજબની જરૂરિયાતો પૂર્ણ કરતા હોય છે. આથી મધ્યમ વર્ગની ખરીદશક્તિની મર્યાદાથી બજેટ ઊંચું જતું હોય છે, તદ્‌ઉપરાં જે સ્ટેટ્‌સ કેળવ્યું હોય તેને નિભાવવું પડતું હોય છે. એટલે આવા કુટુંબનો માસિક ખર્ચ મધ્યમ વર્ગ કરતાં ડબલ અથવા અઢીગણો થતો હોય છે. તે મુજબ મા-ખર્ચ ૩૦,૦૦૦/-ની આસપાસનો હોય છે.

ર. શ્રીમંત વર્ગ

સામાન્યતઃ જે વર્ગને પોતાની કોઈ પણ પ્રકારની જરૂરિયાતો સંતોષવામાં કોઈ પણ પ્રકારની આર્થિક મર્યાદા નડતી ન હોય તેવો વર્ગ શ્રીમંત વર્ગમાં વર્ગીકૃત કરવો જોઈએ.

ઉચ્ચ તથા શ્રીમંત વર્ગ વિકસિત સમાજ હોવાથી તેમનો જીવન-વ્યવહાર આયોજનપૂર્વકનો હોય છે, તેમ માનવું રહ્યું. પરંતુ ગરીબી રેખાથી નીચેના સમૂહથી મધ્યમવર્ગ સુધીનો સમાજ પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા હંમેશાં સંઘર્ષ કરતો હોય છે. આવા સંઘર્ષમય જીવનમાં અમૂલ્ય માનવશક્તિનો વ્યય થતો હોય છે, વ્યય થતી માનવશક્તિનો આર્થિક, સામાજિક તેમ જ પ્રાકૃતિક સમતુલન કેળવવા માટે ઉપયોગ કરાય તો તંદુરસ્ત સમાજની રચના થાય.

સમાજનું આર્થિક શોષણ

સામાન્યતઃ કોઈ પણ વ્યક્તિની જીવન જરૂરિયાતો, સામાજિક વ્યવહાર અને જીવન નિભાવવા માટે જે ખર્ચ કરે છે, તેમાં લગભગ ર૦થી ૪૦% ભાગ કોઈપણ પ્રકારની સેવા મેળવ્યા વગર ચાંઉ થઈ જતો હોય છે, જેને આપણે છેતરપિંડી, ભ્રષ્ટાચાર, વિશ્વાસઘાત કે કાળાંબજાર, ભાવવધારા, ખરીદમાં મૂર્ખ બનાવવાના સ્વરૂપમાં સમજતા હોઈએ છીએ. આ એવી પ્રક્રિયા છે કે જેમ વ્યક્તિની આંખમાંથી કાજળ ચોળાઈ જાય તો પણ ખબર ન પડે, અને તે ત્યારે જ ખબર પડે કે જ્યારે આંખમાંથી આંસુ સરવાનું ચાલુ થાય.

આ સર્વ સામાન્ય અને સર્વ વિદિત હકીકત છે, પરંતુ અનેક મજબૂરીના કારણે સહન કરતા હોઈએ છીએ. જો વ્યક્તિની મજબૂરી અને ઉદાસીનતા દૂર કરવા માટે સહાયક થઈએ તો અવશ્ય સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય.

ઉપરોક્ત હકીકતોને ફક્ત શાબ્દિક રીતે વ્યક્ત કરવાથી તેની ગંભીરતા સમજાય તેમ નથી, પરંતુ જે તે સમયના બજાર ભાવો મુજબની જરૂરિયાતોની ખરીદીના અનુમાન આધારિત સર્વે ઉપર ધ્યાન આપીએ તો વાસ્તવિકતાનો અહેસાસ થાય તેમ છે.

અનુમાન આધારિત કોઈ પણ મધ્યમવર્ગની પ૦૦ વ્યક્તિની દૈનિક જરૂરિયાતના સંદર્ભમાં સર્વે કરીને ગણતરી કરીએ તો શું પરિણામ આવે છે, તેના ઉપરથી વાસ્તવિકતા સમજાઈ શકે તેમ છે. આપણે જ્યારે પાંચસો વ્યક્તિનો અનુમાન આધારિત સર્વે કરીએ તો તેના ઉપરથી એક વ્યક્તિ કે હજાર વ્યક્તિ, રાજ્ય કે દેશની દરેક વ્યક્તિ શું ગુમાવશે તેનો અવશ્ય ખ્યાલ આવે છે.

આવા સર્વેમાં માલની ગુણવત્તા, ભેળસેળ, બનાવટી માલ, તોલ-માપમાં ઓછું, ભાવવધારો, કાળાં-બજાર, ભ્રષ્ટાચાર જેવાં પરિબળોને ધ્યાને લેવાય છે, તદ્‌ઉપરાંત સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ જાહેર જનતા માટે જે ખર્ચ કરે છે, તેનું ભારણ પણ ગણવામાં આવ્યું છે.

કોઈ પણ વ્યક્તિ જ્યારે નિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારથી તેની જરૂરિયાતોની શરૂઆત થાય છે અને નિદ્રાધીન થયે શાન્ત થાય છે. આવી જરૂરિયાતનું સવારથી સાંજ સુધીના ક્રમમાં અન્વેષણ કરીએ તો કોઈ એક અનુમાન ઉર આવી શકાય.

સામાન્યતઃ કેટલીક જરૂરિયાતો દૈનિક હોય છે તો કેટલીક જરૂરિયાત માસિક કે વાર્ષિક હોય છે. આવી માસિક કે વાર્ષિક જરૂરિયાતોને દૈનિક ધોરણે ગણવી હોય તો માસ કે વર્ષના દિવસો પ્રમાણે ફાળવવા પડે તેવી જ રીતે આકસ્મિત ખર્ચને પણ ધ્યાનમાં લેવું પડે.

આપણા સામાન્ય વ્યવહાર અને સમજણ મુજબ જે માનસિક કવાયત કરેલ છે, તે કોઈ કાલ્પનિક પરિબળોને આધારે નહીં, પરંતુ સામાન્ય જીવનવ્યવહારના અનુભવના આધારે છે, એટલે જે પણ અનુમાન આધારિત માહિતી હશે તે વાસ્તવિકતા આસપાસની છે, તેવું ચોક્કસપણે માનું છું. તદ્‌ઉપરાંત જે સમયે અને સંજોગોમાં વૈચારિક અન્વેષણ કરેલ છે, તે સમયથી આ માહિતી આપણા હાથમાં હશે તે દરમિયાન કેટલોય સમય વ્યતીત થઈ ગયો હશે, એટલે અનુમાનિત આંકડાઓમાં અવશ્ય ફેર જણાશે, પરંતુ ેનું હાર્દ, પરિણામ કે પ્રમાણ અવશ્ય અનુભવવા, સમજવા, જોવા મળશે.

આપણે આદર્શ કુટુંબની સભ્ય સંખ્યા ચારની માનીએ છીએ, પરંતુ વૈચારિક દૃષ્ટિએ ૭.૮ થાય, જો ૭.૮ અને ચારની સભ્ય સંખ્યામાંથી રાષ્ટ્રીય કુટુંબની ગણતરી કરવી રહી.

એ. કુટુંબને વ્યક્તિ દીઠ વાર્ષિક શોષણ

૧. ૧૦૦ કુટુંબનું વાર્ષિક શોષણ ૧૪,૯૩,૭૧૩/- રૂ. હોય તો ૧ કુટુંબ દીઠ રૂ. ૧૪,૯૩૭/- વાર્ષિક શોષણ થાય.

ર. વ્યક્તિદીઠ શોષણ

એક કુટુંબનું વાર્ષિક શોષણ રૂ. ૧૪,૯૩૭/- હોય તો પ વ્યક્તિના કુટુંબ પ્રમાણ એક વ્યક્તિનું શોષણ રૂ. ર૯.૮૭ પૈસા થાય એટલે કે રૂ. ૩૦/-. કુટુંબનું આવું શોષણ ગર્ભમાં રહેલા બાળકના જન્મતાંની સાથે જ શરૂ થાય છે, જે માથાદીઠ રાષ્ટ્રીય દેવામાં વધારો કરનારું હોય છે.

બી. રાજ્ય કક્ષાનું શોષણ

ર૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી પાંચ કરોડ હતી. આથી પાંચ વ્યક્તિના એક કુટુંબ પ્રમાણે કુલ એક કરોડ કુટુંબ થાય.

આમ, કુટુંબનું વાર્ષિક શોષણ રૂ. ૧૪૯૩૭/- એક કરોડ કુટુંબનું કુલ વાર્ષિક શોષણ રૂ. ૧૪૯૩૭ કરોડ થાય. જેના આંકડા માંડીએ તો રૂ. ૧૪,૯૩૭,૦૦,૦૦,૦૦૦/- ગણી શકાય.

સી. રાષ્ટ્રીય સ્તરનું શોષણ

ર૦૦૧ની વસ્તી પ્રમાણે ભારતની વસ્તી ૧૦૦ કરોડ હતી. પાંચની કુટુંબ સંખ્યા પ્રમાણે ર૦ કરોડ કુટુંબ થાય. માટે, એક કુટુંબનું વા. શોષણ ૧૪૯૩૭/- હોય તો ર૦ કરોડ પ્રમાણે રૂ. ર,૯૮,૭૪૦/- કરોડનું શોષણ થાય છે.

અત્રે આપણે “શોષણ” શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને તે એટલા માટે કે તેમાં વ્યક્તિ કે સમાજની મજબૂરી, નિર્બળતા કે સમજના અભાવનો દુરુપયોગ થતો હોય છે, જ્યારે વ્યક્તિની સ્વાર્થ પ્રેરિત માનસિકતા, સિસ્ટમનાં અનિવાર્ય કારણોની સ્વીકૃતિ તથા અધીરાઈને કારણે અનિચ્છાએ પણ જે ચુકવણી થાય છે તેવી રકમ અન્ય માધ્યમના સર્વે મુજબ લગભગ રર,૦૦૦ કરોડ રૂપિયા એક ચર્ચાપત્રીએ તેના ચર્ચાપત્રમાં જણાવેલ છે.

ઉપરોક્ત હકીકત ફક્ત ને ફક્ત આપણી જિજ્ઞાસાનો સંતોષવા ખાતર જ વાંચતાં હોઈએ તો આપણા જેવા કોઈ પામર જીવ આ સૃષ્ટિ ઉપર નહિ હોય, કારણ કે આપણી જેટલી વાર્ષિક માથાદીઠ આવક છે, તેનાથી બમણી આવક ભ્રષ્ટાચારમાં સંડોવાય છે. અને તેમ છતં “મેર દેશ મહાન”નાં ગાણાં ગાઈએ છીએ. આવાં ગાણાં સ્વતંત્ર ભારતન શોષણખોરો અને ભ્રષ્ટાચારીઓ માટે ભલે મહાન હોય, પરંતુ શોષિત, કચડાયેલ અને જીવન માટે ટળવળતી ૭૦થી ૮૦% પ્રજા માટે મરસિયા સમાન છે. મરસિયા હંમેશાં મૃતકો માટે ગવાય છે, પરંતુ જ્યારે જીવંત વ્યક્તિઓ માટે ગવાતા હોય તેમ કહીએ ત્યારે આવા સમૂહના એક અંગ તરીકે માથું શરમથી ઝૂકી જાય છે.

સત્તાલોલુપો, શોષણખોરો અને ભ્રષ્ટાચારીઓ દ્વારા સામાન્ય વ્યવહારમાં એવો અંધારપછેડો ઓઢાડી દેવામાં કે ઓઢી લેવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યવહારની પારદર્શકતા જોઈ શકાતી નથી, તેથી આવા વ્યવહાર સહજ થઈ ગયા છે. વાણી અને વિશ્વાસના આવરણમાં ઠગારાઓ ભરબજારે લૂંટ ચલાવે છે. અજ્ઞાનતા અને મજબૂરી ઘેંટા બનાવી દે છે. વ્યક્તિ - વ્યક્તિ વચ્ચેનાં માનવ-મૂલ્યોનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. પરિણામે અતિશયોક્તિભર્યા આંકડાઓ દિગ્મૂઢ બનાવી દે છે.

સામાન્યતઃ હિંસક પ્રાણીઓ તે જે જાતના હોય તે જાતના પ્રાણીનો માંસાહાર કરતા નથી. પરંતુ મનવ-જાત માનવ જાતનું જ લોહી ચૂસે છે. માનવી લોહી-પસીનો એક કર્યા બાદ જે પૈસો કમાય છે, આવો પૈસો નૈતિક આધાર વગર લેવો તે લોહી ચૂસવા બરોબર છે. મહેનતા પૈસા મહેનત વગર લેવામાં માનવ-ભક્ષી રાક્ષસ કરતાં પ બદતર છે. અનીતિ દ્વારા જ જો વિકસ શક્ય હોય તો એવા વિકાસને ગટરમાં ફેંકી દેવો જોઈએ. અનૈતિક રીતે ધનવાન બનીને શેમ્પેઈનના ગ્લાસો અથડાવીને જે આનંદ માણતા હોય, તેના કરતાં એક જ બીડીની બે વ્યક્તિઓ આમને-સામને બેસીને લહેજત માણતા હોય છે, તેઓ મનુષ્યોમાં ઉચ્ચ કોટિના હોવાનું મુનાસિબ માનવું રહ્યું.

આજના શોષણના જે આંકડાઓ નજર સમક્ષ આવે છે, તે જોઈને મન, બુદ્ધિ અને હૃદય બહેર મારી જાય છે કે આ શક્ય નથી. વારંવાર ચકાસ્યા તો પણ પરિણામ બદલાતું નથી. આથી ગાંડપણ સમજીને નિષ્ક્રિય થઈ જઈએ, કારણ કે તેની સમક્ષ આપણાં રાજ્ય અને રાષ્ટ્રીય બજેટ પણ વામણાં લાગે છે. અને હવે સમજાય છે કે ગુજરાતીમાં જે કહેવત છે તે ખોટી નથી. “ચીભડા કરતાં બી કેવી રીતે મોટું હોય શકે.”

ખરેખર આટલી રકમનો ભ્રષ્ટાચાર થતો હોય તો તે જાય છે ક્યાં ? તેવો પ્રશ્ન અવશ્ય થાય. આવા પ્રશ્નનો જવાબ શોધવો હોય તો આવક-જાવકના સરવૈયા ઉપર નજર નાખવી રહી.

આવકને તો સમજ્યા, હવે જાવકને સમજીએ, જેનાં મુખ્ય મથાળાં (કેપિટલ હેડ)માં, ૧. કાળું ધન (બ્લેક મની), વિદેશી ખાતાં, ભ્રષ્ટાચાર, અનૈતિક જીવનશૈલીમાં થતા ખર્ચ, તોડફોડના વ્યવહાર, દલાલી નૈતિક-પ્રામાણિક વ્યક્તિઓના નિકંદન કાઢવામાં થતા ખર્ચનો સરવાળો કરવામાં આવે તો ચેતાતંત્ર ઢીલુંઢફ થઈ જાય તેમ છે.

વિશ્વદર્શનમાં પૂર્વની ભૂમિ તેનાં ન્યાય, નીતિ, નૈતિકતા, પ્રામાણિકતા અને આધ્યાત્મિકતાનાં દર્શન કરાવે છે. જેમાં સર્જનહારના સર્જનની યથાર્થતા અને વિશ્વકલ્યાણનું હાર્દ સમાયેલ છે, આ હાર્દના નાજુક કે મર્મસ્થાને કોઈ પ્રાણઘાતક બિન્દુ હોય તો તેનો ઘટસ્ફોટ કરવામાં કોઈ નાનમ અનુભવી શકાય નહીં. વાસ્તવિકતા સ્વીકારીને નિરાકરણ કરીએ તો સ્વસ્થ જીવન માણી શકાય.

ઉદ્‌ભવ થતી રોજગારીનું વિશ્લેષણ :

સ્વયં, સમાજ અને રાષ્ટ્રના વાસ્તવિક વિકાસનો માપદંડ શું ? શું રાષ્ટ્રીય સરેરાશ ઉત્પાદન, આવક અને ભૌતિક વિકાસના આંકડાઓને ખરા અર્થમાં વિકાસ ગણાવી શકાય ? જો સરેરાશને ધ્યાનમાં લેવામાં આવે તો હા છે અને વ્યક્તિગત ધોરણે જોવામાં આવે તો ના છે. સરેરાશનાં અવલોકન જેટલા ભૌતિક બાબતોને લાગુ પડાય એટલાં સામાજિક જીવનને લાગુ ન પાડી શકાય. ભૌતિક વિકાસનાં ખામીયુક્ત સરેરાશ અવલોકન કદાચ આર્થિક કે ભૌતિક સ્વરૂપે નુકસાનકારક પરિણામ હોય તો ક્ષમ્ય અને ભરપાઈ કરી શકાય તેમ છે, જ્યારે સમાજ જીવનમાં વ્યક્તિએ સહન કરવાં પડતાં કષ્ટો ભરપાઈ કરી શકાય તેમ નથી હોતાં, આથી તે અક્ષમ્ય છે.

આપણે આપણા રાષ્ટ્રીય વિકાસ અને આવકદરની વૃદ્ધિને જોઈને હરખાતા હોઈએ છીએ, પરંતુ તેની ભીતરમાં વેદનાઓ ભરેલી હોય છે. અથવા તો વિકાસને રૂંધનારી હોય છે, જેમ કે રૂ. ૧પ૦૦૦ કમાનારની સરેરાશ રૂ. ૮રપ૦ કરીએ ત્યારે રૂ. ૧પ૦૦ કમાતી વ્યક્તિની વેદનાને ભૂલી જઈએ છીએ. આવી સ્થિતિ વિશ્વિક કક્ષાએ ૧પ૦૦૦ કમાતી વ્યક્તિની થાય છે. ભારતીય મેનેજર વૈશ્વિક કક્ષાએ મજૂર જ પ્રસ્થાપિત થાય છે. ભૌતિક વિકાસના પરિપ્રેક્ષ્યમાં આવા માપ-દંડોથી ફેર પડે કે ન પડે, પરંતુ સામાજિક જીવનમાં અવશ્ય ફેર પડે છે.

ખરેખર જો વિકાસનો ખરો અર્થ કરવો હોય તો સમાજજીવનની દરેક વ્યક્તિને પોષણક્ષમ આવકની પ્રાપ્તિમાં છે. પોક્ષણક્ષમ એટલે જીવન-જરૂરિયાતની પૂર્ણ પ્રાપ્તિમાં સામાજિક તથા સરકારી જવાબદારીઓ અદા કરવાની સક્ષમતા.

આપણે ગમે તેટલી વિકાસની ડિંગો મારીએ, પરંતુ આપણી વાસ્તવિકતા બેકારીની બારીમાંથી ચાડી ખાય છે. ખરેખર વિકાસનાં બ્યુગલ વગાડવાં હોય તો બેકારીના શૂન્યના હોલમાંથી વગાડવાં જોઈએ.

જે સરકારી તંત્રોનાં બેન્ડ વિકાસની માદક ધૂનો બજાવે છે તે તંત્રો જ અવનવાં બહાનાં બતાવીને રોજગારી આપવામં ઠાગાંઠૈયાં કરતા હોય છે. એટલે સ્વયં અને સમાજે રોજગારીની તકો ઊભી કરવી રહી. ખાનગી, જાહેર કે સરકારી તંત્રો જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સિદ્ધ થઈ શકે તેમ નહીં હોય, ત્યાં સુધી કોઈ રોજગારીનું આયોજન નહીં કરી શકે.

આ એક એવી વિભાવના છે કે જેમ અશક્ય લાગતી આઝાદી માટે જેવી બલિદાની ભાવના જાગૃત થઈ હતી અને આઝાદી પ્રાપ્ત કરી તેવી જ ભાવના આબાદી માટે જાગૃત કરીએ તો અવશ્ય વિજય પ્રાપ્ત કરીશું.

રોજગારીની તકો માટે અગાઉ અનેક વાર ચર્ચા કરી ચૂક્યા છીએ. તેને સંક્ષિપ્તમાં સમજીએ તો :

ગુજરાતની ર૦૦૧ની વસ્તી પ્રમાણે પ,૦૦,૦૦,૦૦૦ની વસ્તી હતી તે કુટુંબ ગણતરીના કોષ્ટક મુજબ પાંચ વ્યક્તિની સભ્ય સંખ્યા ગણીએ તો ૧,૦૦,૦૦,૦૦૦ની કુટુંબની સંખ્યા થાય. આપણે દર એક હજાર રહેણાંક કે કુટુંબે એક જનસેવા કેન્દ્ર સ્થાપિત કરીએ છીએ.

એટલે ૧૦૦૦૦ કેન્દ્રો થાય. એક કેન્દ્ર ઉપર દિવસના મહત્તમ સમયમાં સેવા આપી શકાય તે માટે બે પાળી (સિફ્ટ)માં વિભાજન કરીએ. જીવનની મહત્તમ સેવાઓને આવરી લેતા હોવાથી દરેક કેન્દ્ર ઉપર એક પાળીમાં ચાર જનમિત્રનું આયોજન કરીએ. બે (બે) પાળીમાં આઠ (૮) વ્યક્તિને જનમિત્ર બનાવી શકાય.

એટલે ૧૦,૦૦૦ (દસ હજાર) જનસેવા કેન્દ્ર પ્રમાણે ૮૦,૦૦૦ (એંસી હજાર) વ્યક્તિને પ્રત્યક્ષ સ્વરૂપે કાર્યરત કરી શકાય એટલે કે રોજગારી આપી શકાય. આવા જનમિત્રના વ્યક્તિત્વ માટે એવી અપેક્ષા રાખીએ કે જે સાધુ, સંત, ફકીર, સેવક, કાર્યકર, પ્રધાન, પંચાયત સભ્ય, કોર્પોરેટર, વિભાનસભા, સંસદ સભ્ય, કારકુન, કમિશ્નર કે સચિવથી વિશેષ વ્યક્તિત્વના ગુણ પ્રાપ્ત કરે અને આવા ગુણ ત્યારે જ કેળવાય કે જ્યારે વ્યક્તિમાં સમભાવની અનુભૂતિ હોય. કદાચ આપણે તેમાં ઊણા હોઈએ, તો તેનાં કારણોમાં આપણે જવાબદાર નથી, પરંતુ વર્તમાન સમયનો માહોલ જવાબદાર છે, તે નિશ્ચિતપણે કહી શકીએ તેમ છીએ. જો આવા માહોલમાંથી બહાર આવવું હોય તો પ્રાથમિક કક્ષાએ તેનો કાર્યભાર પ્રાથમિક કક્ષાએ જેઓ જનમિત્ર બને છે તેઓએ પોતાની કાંધ ઉપર લેવો રહ્યો.

આપણે જેટલો સમય શિક્ષણ માટે, સાધુ, સંત કે નોકરી માટે, કે સભ્ય, કોર્પોરેટર, વિધાનસભ્ય કે સંસદસભ્યના પદાધિકારી માટે આપ્યો હોય તેના પ્રમાણમાં જૂજ સમય આપશો તો અવશ્ય તેનાં પરિણામો શુભ છે.

આ એવી પ્રક્રિયા છે કે જેની પરિકલ્પના ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ - કોઈએ વિચારી હોય. કારણ કે આવી પરિકલ્પનામાં સધુત્વ છે પણ સાધુ નથી, સત્તાનશીન છે પણ સત્તાધારી નથી. વહીવટક્ષમ છે પણ વહીવટદાર નથી, કલ્યાણી છે પણ કલ્યાણકારક નથી.

આપણને કદાચ આ અતિશયોક્તિભરી પરિકલ્પના લાગતી હશે, પરંતુ તેના પ્રમાણ માટે ગાંધીજી, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોનાં જીવન પ્રત્યે દૃષ્ટિ કરવી રહી. સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે ભલે વિચારસરણી બદલાયેલ હોય, પરંતુ ભારતભૂમિ અને તેનો આમ આદમી એનો એ જ છે.

જે તે કેન્દ્રો દ્વારા સામાજિક ઉત્થાન માટેનાં અવરોધક પરિબળોનું સર્વેક્ષણ કરીને સામૂહિક પ્રયત્નો દ્વારા તેનું નિરાકરણ કરીએ તો વૈશ્વિક કક્ષાએ જે સુજ્ઞજનોએ ભવિષ્યવાણી કરેલ છે તે સાર્થક કરી શકાય.

૮૦,૦૦૦ જનમિત્રના ધ્રુવીકરણમાં જગત આખાનું કલ્યાણ છે, તેવું નિશ્ચિતપણે કહી શકું છું, કારણ કે આ એવું વ્યક્તિત્વ ઉભરશે કે જેમાં મહાત્મા ગાંધીની માનવતાવાદી અને સરદાર વલ્લભભાઈ પટેલનાં રાષ્ટ્રવાદી ચારિત્ર્યનાં શુભગ સમનવયમાંથી વૈશ્વિક કલ્યાણનાં સૂત્રધાર હશે.અનુક્રમણિકા

૮૦,૦૦૦ જનમિત્રના ધ્રુવીકરણમાં જગત આખાનું કલ્યાણ છે, તેવું નિશ્ચિતપણે કહી શકું છું, કારણ કે આ એવું વ્યક્તિત્વ ઉભરશે કે જેમાં મહાત્મા ગાંધીની માનવતાવાદી અને સરદાર વલ્લભભાઈ પટેલનાં રાષ્ટ્રવાદી ચારિત્ર્યનાં શુભગ સમનવયમાંથી વૈશ્વિક કલ્યાણનાં સૂત્રધાર હશે.