Anpichhyu books and stories free download online pdf in Gujarati

અણપ્રીછયું

અણપ્રીછયું

બરાબર સાંજનાં ૫ વાગ્યે સમીર કોફી કલ્ચરના એક ટેબલ પર જઈ બેઠો.મંદ મંદ સંગીતની ધૂન અને શાંત વાતાવરણ તેના રોમેન્ટિક મૂડમાં વધારો કરતી હતી.ત્યાં જ તેણે મીરાને આવતા જોઈ.પ્લેન એકવા કલરનો લોંગ સલવાર કમીઝ,બ્લેક કલરના હાઈહિલ્સ અને હાથમાં મેચિંગ બેન્ગલ્સ.દૂરથી આવી રહેલ મીરાને જોઈ એ વિચારવા લાગ્યો હજી એક અઠવાડિયું થયું મીરાને મળ્યાને છતાં, લાગતું હતું જાણે વર્ષોથી ઓળખુ છું.પહેલીવાર એને મળ્યો ત્યારે જ કોફી માટે પૂછવાનું મન થયું હતું,પરંતુ પહેલી જ મુલાકાતમાં કોઈ છોકરી આમ હા નહિ પાડી દે,એમ વિચારી માંડી વાળ્યું.અને આજે એણે સામેથી મને ઓફર કરી! શું એને પણ મારા જેવી જ લાગણી થઇ હશે? મીરાએ ટેબલ નજીક આવી સમીરને વિચારમાંથી જગાડ્યો.પરંતુ આ શું? “મીરાએ આજે પણ મો પર દુપટ્ટો બાંધ્યો છે?” સમીર નિરાશ થઇ સ્વગત બોલ્યો.”

“મીરા કઈ કોફી પીશે તું? કેપેચીનો ચાલશે?”

મીરાએ ગંભીરતાથી, ‘હા” કહ્યુ.

વેઈટરને કોફીનો ઓર્ડર આપ્યો.

“તુ આ ડ્રેસમાં બહુ બ્યુટીફૂલ લાગે છે”.

મીરાએ કોઈ પ્રતિભાવ ન આપ્યો.હજુ આગળ સમીર કંઈક બોલવા જતો જ હતો ત્યાં જ મીરા બોલી,

“સમીર તું કંઈ કહે એ પહેલા મારે તને કંઈક કહેવુ છે”.

“શ્યોર”

મીરા બંને હાથો વડે માથાની પાછળ રહેલા દુપટ્ટાના ગાંઠને ખોલવા માંડી.સમીરની અધીરાઈ વધી રહી હતી.એ અત્યંત આતુર હતો મીરાનો ચહેરો જોવા માટે.પરંતુ મીરાનો ચહેરો જોતા જ સમીરના પગ નીચેથી ધરતી ખસી ગઈ.એ ક્યાં બેઠો છે તે પણ ભૂલી ગયો અને જોરથી બરાડી ઊઠ્યો ,

“મિરા આ શું છે? તુ .......”

સમીર આગળ કંઈ બોલી શક્યો નહિ.બંને થોડી વાર મૌન રહ્યા.કોફી પણ હવે થીજી ગઈ .

“પાંચ વર્ષની હતી ત્યારથી આ ડાઘ લઈને ફરુ છુ.એક કાર એકસીડન્ટમાં મારો ચહેરો અત્યંત ખરાબ રીતે દાઝી ગયો હતો. એ કારબ્લાસ્ટમાં અમે સૌ બચી ગયા એ જ મોટો ચમત્કાર હતો.તુ જે આ ચહેરાને જુએ છે, તેના પર અત્યાર સુધી નાની-મોટી સાત સર્જરી થઇ છે,પરંતુ કોઈ ડોક્ટર તેને સુંદર બનાવી શક્યો નહિ.તેઓનું કહેવુ છે કે ચહેરાના બધા ટીસ્યુસ અંદર સુધી બળી ગયા છે.આથી મારે જીવનભર આ ડાઘ સાથે જીવવું પડશે.”એક લાંબા નિસાસા સાથે મીરાએ એની વાત પૂરી કરી.

“આઈ એમ રીયલી વેરી સોરી મીરા,હું ઓવરરીએક્ટ કરી ગયો,પણ તે ખૂબ મોડું કહ્યું મને.” સમીર રડમસ અવાજે બોલ્યો.

“પરંતુ આપણે મળ્યાને હજુ માંડ અઠવાડિયું જ તો થયું છે.મારા પ્રત્યેની તારી લાગણીનો જયારે મને અહેસાસ થયો ત્યારે મને થયુ કે પહેલા બધી હકીકત મારે તને જણાવવી જોઈએ,અને તેથી જ આજે અહીંયા તને બોલાવ્યો.”

“હા થયુ છે તો ફક્ત એક જ અઠવાડિયું હું પણ જાણું છું, પણ આ સાત દિવસ જેવી રીતે પસાર થયા છે તેની એક એક મોમેન્ટ મારા માટે અદ્દભૂત રહી છે.”સમીરે વળતો જવાબ આપ્યો.

“એકસીડન્ટ બાદ મારું આખું જીવન બદલાઈ ગયું સમીર, એ એક્સિડન્ટે મને ઘણું આપ્યું, કાયમ માટેનો કદરૂપો ચહેરો,એથી સ્વજનોનો અણગમો ,અજાણ્યા લોકોનું મારી સાથે અતડાપણું. મોં પર જો દુપટ્ટો રાખુ તો લોકો મારી સાથે વાતો કરે ,મારાથી દૂર નથી ભાગતા.”

“કંઈ કેટલાય સુંદર ચહેરાની મેં કલ્પના કરી હતી,તું આવી દેખાતી હશે! તુ તેવી દેખાતી હશે! તુ કેવી દેખાતી હશે? પારાવાર પીડા અનુભવી રહેલ સમીર બોલ્યો. એના સપનાનો મહેલ

ક્ષણભરમાં કડકભૂસ થઇ ગયો. મીરાના ચહેરાને એ જોય પણ શકતો નહોતો.હમણાં જે કંઈ થઇ રહ્યું છે, તેને એનું મન સ્વીકારવા તૈયાર નહોતું. આખા શરીરમાં એક વિચિત્ર પ્રકારનો ઉચાટ હતો.

“સમીર તે જે સુંદર ચહેરાની કલ્પના કરી હતી તે હું નથી”, કહી મીરા ઊભી થઇ.

“એમાં તારો કોઈ વાંક નથી મીરા,હું જ વધારે આગળ નીકળી ગયેલો.”

સમીરના આ શબ્દો સાંભળી મીરાની આંખો ભરાય ગઈ, આંસુ છુપાવવા તેને ત્યાંથી નીકળી જવું જ યોગ્ય લાગ્યું. આઘાતમાં સરી પડેલો સમીર ત્યાં જ ટેબલ પર બેસી રહ્યો. તેની આંખો સામે અઠવાડિયા પહેલાની દરેક ઘટના તાદૃશ થઇ ગઈ.

  • * * * * * * * * * * * * * * * * *
  • “આજે રીક્ષાની હડતાળ છે આથી બસની રાહ જોવી પડશે”, વિચારતા સમીર યુનિવર્સીટીના ગેટ બહાર આવ્યો.બસ સ્ટોપ પાસે જઈ ઊભો રહ્યો ત્યાં જ સીટીબસ આવી ગઈ.

    “હવે સુરતમાં બસની ફેસિલીટી સારી થઇ રહી છે”.એમ વિચારતા બસમાં પ્રવેશ કર્યો પરંતુ કોઈ સીટ ખાલી નહોતી. ડાબીબાજુની છેલ્લી સીટ પર એક યુવતી બેઠી હતી. મોં પર દુપટ્ટો એવી રીતે બાંધ્યો હતો કે ફક્ત એની આંખો જ જોઈ શકાય.પરંતુ એ આંખો તો જાણે હમણાં કૈક બોલશે! એવી સુંદર અને મારકણી .

    સુંદર,કાળા,રેશમી વાળની લટો બારીમાંથી આવતી હવાને લીધે તેની આંખમાં જતી હતી.ગોરા,કોમળ હાથ વડે યુવતી વારંવાર તેની લટો હટાવતી, પરંતુ એ જીદ્દી લટ.તેનું આમ કરવુ સમીર ખૂબ રસપૂર્વક નિહાળી રહ્યો હતો.એક ક્ષણ માટે એ ભૂલી ગયો કે એ બસમાં છે.

    કંડકટરે પૂછ્યું, “ક્યાં જવું છે?”

    “બસનું છેલ્લું સ્ટેશન ક્યાંનુ છે?” સમીરે સામે સવાલ કર્યો.

    નીચું જોઈ ટીકીટ ગોઠવતા કંડકટરે ચશ્મામાંથી ઉપર જોયું અને કહ્યુ, “ચોક સુધી”.પણ તમારે ક્યાં જવું છે?

    “એક ચોકની આપો.”

    જોકે સમીરે અઠવાલાઇન્સ ઉતારવાનું હતુ. પરંતુ યુવતીને એક નજરે જોતા એ બેચેન બની ગયો,આથી તેના વિશે જાણવાની જિજ્ઞાસાએ એને આમ કરવા પ્રેર્યો.એની સુંદરતા સમીરને આકર્ષી રહી હતી. થોડીવારમાં પાર્લેપોઇન્ટ આવ્યું.યુવતી ઊભી થઇ,પર્પલ કલરનો સુટ એને ખરેખર સુટ થતો હતો.ખભા ની એકબાજુ ખેંચાય આવેલા દુપટ્ટા ના છેડાને હળવેથી ખેંચી બીજા ખભા પર નાંખી રહેલી એ સૌન્દર્યા ને મુગ્ધ થઇ સમીર જોતો રહ્યો.

    યુનિવર્સીટીથી રોજ રીક્ષામાં જતા સમીરે આજે ફરી બસમાં જવાનો નિર્ણય કર્યો.

    “કાશ!આજે પણ તે બસમાં હોય.સમીરની મનોકામના પૂરી થઇ.તેના આશ્ચર્ય વચ્ચે યુવતી ગઈકાલની જગ્યાએ જ બેઠી હતી, તેની બાજુમાં એક વૃધ્ધ સ્ત્રી બેઠી હતી જે ઊતરવા માટે ઊભા થવાનો પ્રયત્ન કરી રહી હતી.સમીર ઉતાવળે ધસી આવી આગળ ઊભેલા પેસેન્જરને ધક્કો મારીને તે સ્ત્રી પાસે પહોંચી ગયો અને તેને સામાન બહાર કાઢવામાં મદદ કવા લાગ્યો.એની વૃધ્ધાને મદદ કરવાની ભાવના જોઈને ચીડાયેલો પેસેન્જર પણ કશું બોલી શક્યો નહિ.તક નો લાભ લઈને એ યુવતીની બાજુમાં ગોઠવાઈ ગયો.થોડીવાર પછી ,

    “હાય! આઈ એમ સમીર”.

    “આઈ એમ મીરા”.

    “નાઈસ નેઈમ”,સમીરે કહ્યુ.

    “થેંક્યું”.

    “હું નર્મદ યુનિવર્સીટીમાં બાયોલોજીમાં એમ.ફિલ ની ફેલોશીપ કરું છું.”સમીરે વાત વધારવાના ઈરાદેથી કહ્યું.

    “હું એલ.પી સવાણી સ્કૂલમાં ક્લાર્ક છું.” ત્યાંજ મીરાનો ફોન રણક્યો,

    “હેલો હા શું? હા...હા...હું હમણાં જ પહોંચુ છુ.ચિંતા ન કરો હું નજીકમાં જ છું.”

    “એવરીથીંગ ઈઝ ઓકે?! સમીરે ગભરાયેલી મીરાને પૂછ્યું.

    “હું દર ગુરુવારે અનાથાશ્રમના બાળકોને ભણાવું છું,ત્યાંના એક બાળકની તબિયત ખરાબ થઇ ગઈ છે,જે મને મળવાની જીદ લઇ ને બેઠો છે તો ત્યાંના સંચાલક નો ફોન હતો કે તું થોડીવાર આવે તો સારું.આથી મારે હમણાં જ ત્યાં જવું પડશે.”

    બસની મુલાકાત હવે સમીર અને મીરાનો નિત્યક્રમ બની ગયો.

    “મીરા,તને આ દુપટ્ટામાં અકળામણ નથી થતી? આજકાલ છોકરીઓ કેટલી હદે બ્યુટી કોન્સિયસ થઇ ગઈ છે કે રસ્તા પર કોઈને પણ જુઓ બધી આવા દુપટ્ટામાં વીંટળાયેલી જ હોય.”

    ત્યાંજ મીરાએ સમીરને પૂછ્યું,”સમીર જો હું સુંદર ન હોઉં તો?” સમીર એકીટશે મીરાને જોઈ રહ્યો.

    “જો હું સુંદર ન હોઉં તો?મીરાએ ફરીથી એ જ સવાલ કર્યો.

    “મીરા તું ફક્ત સુંદર જ નહિ પરંતુ એક સાલસ ,દયાળુ અને પ્રેમાળ વ્યક્તિ છે.બીજાને મદદ કરવાની તારી ભાવના,તત્પરતા જોઈને તો આઈ એમ રીયલી ઈમ્પ્રેસ્ડ”.હસતા હસતા સમીર બોલ્યો.

    “તો આજે સાંજે ૫ વાગ્યે કોફી કલ્ચરમાં તું મને મળશે?” મીરાએ સમીરને પૂછ્યું.

    “નેકી ઓર પૂછપૂછ,ઓકે ડન.”સમીરે ખુશ થઇ કહ્યું.

    * * * * * * * * * * * * * * *

    કોફી કલ્ચરમાં મળ્યાના બીજા દિવસે મીરા બસમાં આવી પરંતુ સમીર ન આવ્યો. મન ના કોઈ એક ખૂણા માં આશા જરૂર હતી કે સમીર આવશે.રાહ જોતા જોતા મહિનો થઇ ગયો પરંતુ ન સમીર આવો, ન એનો કોઈ મેસેજ કે ન કોઈ ફોન.સમીરની ગેરહાજરી એને અકળાવા લાગી. મીરાને એહસાસ થયો કે એ પણ સમીરને ચાહવા માંડી છે.પોતાની અધૂરપ કે ઉણપ તેને સમીરનો સંપર્ક કરતા રોકતી હતી.

    લગભગ દોઢ બે મહિના પછી એક પેટ્રોલ પંપ પાસે સમીર પેટ્રોલ ભરાવી રહ્યો હતો. આગળ એક યુવતી હતી જે તેને પાછળથી બિલકુલ મીરા જેવી જ જણાય,પરંતુ એણે કોઈ દુપટ્ટો બાંધ્યો નહોતો,”દુપટ્ટા વગર મીરા ક્યાં?” એવું સમીર વિચારતો હતો ત્યાં જ એકટીવાની ડીકી બંધ કરતા એ યુવતીએ પાછળ ફરી જોયું તો, સમીર દંગ રહી ગયો! એ મીરા જ હતી! જોકે મીરાએ જોયો નથી એમ વિચારી તેણે હાશકારો અનુભવ્યો. પેટ્રોલ પંપ ના ગેટ પાસે પસાર થતા સમીરે જોયું કે મીરા ત્યાં ઊભી છે,પરંતુ એણે મીરાને ન જોયા નો ડોળ કર્યો, ત્યાં જ મીરાએ તેને બૂમ પાડી “સમીર”. બાઈક પાછું વળી તે મીરા પાસે આવ્યો.અજાણ્યા થઈને બોલ્યો “ઓ મીરા તું.”

    “મને ખબર છે સમીર કે તે મને જોઈ હતી.” સમીર છોભીલો પડી ગયો.

    “થેંક્યું સમીર,મીરાએ સમીરની નજીક જતા કહ્યું.ફક્ત તારા લીધે જ આજે ૨૦ વર્ષ બાદ હું ખુલ્લી હવામાં શ્વાસ લઇ રહી છું.મેં કાયમ માટે દુપટ્ટો ફગાવી દીધો છે.સાથે સાથે લોકો નો અણગમો,અતડાપણું અને અપમાન પણ ફગાવી શકી.હું પોતે જ મારીજાતનો સ્વીકાર છેક હમણાં કરી શકી તો અન્ય પાસે એની આશા કઈ રીતે રાખી શકુ? આથી તું તારા મન માં કોઈ પસ્તાવો કે અપરાધભાવના ન રાખતો.બસ તને આટલું જ કહેવુ હતું.”

    ઊંચી ડોક રાખી ટટ્ટાર ચાલે જઈ રહેલી મીરાને એ એકીટશે જોઈ રહ્યો. હવામાં લહેરાતાં દુપટ્ટાને કે વાળને તે વારંવાર સરખાં નહોતી કરતી, એ તો બસ ઊડી રહ્યા હતા, એના વિચારોની જેમ. અને એ પણ ઉડતી હતી, આઝાદ પંખી ની જેમ.

    --- Jignasha solanki

    Mo.no.-82382 23232

    Mail ID.-jigsolanki2013@gmail.com