Ketlik Kids kathao books and stories free download online pdf in Gujarati

કેટલીક કિડ્ઝ કથાઓ...

કેટલીક

કિડ્ઝ કથાઓ

  • લેખક: મુર્તઝા પટેલ -
  • અને...તેઓ મામા બન્યા !

    ...ને પછી એ લુચ્ચું શિયાળ દોડતું દોડતું વાઘ પાસે આવ્યું ને કરગરતા અવાજે કહેવા લાગ્યું:

    "વાઘમામા, વાઘમામા, થોડાં થોડાં દિવસોમાં બહારથી જંગલી સુવરોની કોઈક ગેંગ આવીને અમારી શિયાળ સોસાયટી પર હૂમલો કરી જાય છે. અમારી જીંદગી જોખમમાં આવી ગઈ છે. અમને કાંઈક મદદ કરો."

    વાઘે શાંતિથી જવાબ આપ્યો:

    "લ્યા શિયાળ, આમ તો તું હંમેશા આખા જંગલનો રાજ સિંહની મદદ માંગતો હોય છે ને આજે આમ અચાનક મારી...?" "

    "વાઘમામા, તમને પણ ખબર જ હશે કે સિંહ મહારાજ થોડાં દિવસો માટે 'વેકેશન' મનાવવા ક્યાંક બારે નીકળી ચુક્યા છે અને હવે એ ક્યારે પાછા આવશે એની અમને કોઈ ખબર નથી. હવે જો આવાં સંજોગોમાં તમે અમને મદદ નહિ કરો તો અમે ક્યાં જઈશું?!?!?" - શિયાળે તેનો બળાપો બતાવ્યો અને વાઘે તેની દયા.

    "ઓકે, મારું સજેશન છે કે તમારી વસાહતની આસપાસ એક મોટી દિવાલ ચણી લ્યો. જેમાં અમે પણ તમને મદદ કરીશું."

    -વાઘની સાંત્વના અને સોલ્યુશન સામે શિયાળે સ્માઈલ આપ્યું. ને બીજે જ દિવસથી દિવાલ ચણવાનું કામ શરુ થઇ ગયું. બાંધકામ દરમિયાન કોઈ જંગલી સુવરોનો હૂમલો થયો નહિ એ જાણી વાઘને થોડું આશ્ચર્ય થયું. પણ મનોમન તે ખુશ થયો કે 'આહ ! જોયું આપણી હાજરીથી સુવરો કેવાં ડરી ગયા છે....

    મહિનાને અંતે જ્યારે દિવાલનું કામ પૂરું થયું ત્યારે ખુશી મનાવવા શિયાળ અને વાઘની જમાત વસાહતની અંદર જ જમા થયા. ત્યારે એક મોટા અવાજે રણશિંગું ફૂંકાયું અને જોતજોતામાં વસાહતની અંદર જ સંતાયેલાં એ જંગલી સુવરોએ વાઘો પર હૂમલો કરી દીધો.

    થોડાં માર્યા ગયેલાં, ઘવાયેલાં, ને માંડમાંડ ભાગીને પાછા ફરેલાં વાઘોને પછી ખબર પડી કે...શિયાળે એમને 'મામા' શાં માટે બનાવ્યા !!!!

    શાંતાક્લોઝ લોકોને શાં માટે ગમે છે

    "પણ મમ્મા, મને શાંતા ક્લોઝ જોવામાં કોઈ રસ નથી. આમ પરાણે મને ખેંચીને શું કામ લઇ જાય છે?" - નાનકડી શર્લીએ તેની મા ને ક્રિસમસની એક સાંજે સીધી અનીચ્છા દર્શાવી.

    નાનકડી શર્લી હતી પણ એટલી ખૂબસૂરત કે જાણે ડોલતી ઢીંગલી ! એટલે તેની માસૂમિયત આગળ તેની મા વધારે કાંઈ બોલી ન શકી. છતાંય મા નું દિલ રાખવા શર્લીએ થોડીવાર પછી વગર આનાકાનીએ સાવ સાદો ડ્રેસ પહેરી લીધો અને દરવાજા પાસે ઉભી રહી.

    "ચાલ, મા હવે તો ખુશને? પેલા શાંતાક્લોઝને માટે નહિ હોં, પણ તને ખુશ કરવા પેલા સ્ટોર્સ સુધી આવીશ. પણ પછી તુરંત આપણે પાછા વળીશું, ઓકે?"

    શર્લીએ માની એક આંગળી પકડી પેલા શાંતાની પાસે પહોંચી ગઈ.

    લોકો શાંતાની સાથે ફોટો પડાવવા ધક્કામુક્કી કરતા'તા. પણ શર્લી તો આ 'ક્લોઝ' અંકલથી સાવ 'દૂર' ઉભી રહી. પણ શાંતા અંકલે તેને દૂરથી પણ પારખી લીધી. પોતાની જગ્યા અને ભીડ છોડી શાંતાભાઈ હવે શર્લીની ક્લોઝ (નજીક) આવ્યો. હાથમાં નાનકડી ડાયરી પરખાવી કહ્યું:

    "તને ખબર છે તું કેટલી પ્યારી ઢીંગલી છે?!?! મને જો તું તારો ઓટોગ્રાફ આપીશ તો હું તને મારો ફોટોગ્રાફ આપીશ. બોલ મંજૂર છે?"

    શર્લીને શરમાવા સિવાય બીજું કશુંયે બોલવા જેવું ન રહ્યું. શાંતાક્લોઝ લોકોને શાં માટે ગમે છે તે એણે આજે જાતે જોયું-અનુભવ્યું.

    મિડ-યર મોરલો:

    "
    શું જરૂરી છે કે શાંતાક્લોઝ ક્રિસમસમાં જ આવે? આપણી લાઈફમાં પણ દરરોજ આવી શકે ને? આપણા ખુદની અંદરથી...કોઈક નાનકડી શર્લીને સ્માઈલ આપવા...."

    કોને બોલાવું મા?

    ૭ વર્ષનું એક બાળક સુપરમાર્કેટમાં પોતાની મા થી અલગ પડી ગયું. આજુ-બાજુ નજર કર્યા પછી અચાનક એણે બૂમો પાડવાનું શરુ કર્યું.

    "મોના, મોના... મોના...." પોતાનું નામ સાંભળી થોડીક જ ક્ષણોમાં ક્યાંકથી એ બાળકની મા ત્યાં જ એની પાસે આવી ગઈ ને એને બાથમાં ભીડી લીધો.

    "પણ બેટા, તું મને 'મા' કહીને પણ બોલાવી શક્યો હોત." "હા મા, પણ જો તો ખરી અહિયાં ચારેબાજુ કેટલી બધી મા ઓ છે. હું કોને બોલાવું?"

    શાંતિનો પ્રસ્તાવ

    એક મોટ્ટા જંગલમાં એક સિંહનું (કહેવા પૂરતું) રાજ હતું. સિંહ સ્વભાવે ખૂબ ભલો એટલે કાયમી ધોરણે જંગલમાં મંગલ થતું રહેતું. જે બાબતે સિંહભાઈ પણ બેધ્યાન રહી નિજાનંદમાં રહેતા. એમ સમજીને કે....પ્રજા સુખી તો આપણે સુખી.

    એક દિવસે સવારે જ્યારે સિંહભાઈ જાગ્યા ત્યારે જોયું કે એમની ભાગોળે આવેલી ગુફાના દ્વારે એક વિશાળકાય ડ્રેગન આવીને બેઠો છે. થોડીવાર માટે ગભરાઈ ગયેલા સિંહે પિત્તો ગુમાવ્યા વિના ડ્રેગનને કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું:

    “ હેં હેં હેં હેં ! અરે સિંહભાઆઆય, તમેય તે આમ મારાથી ગભરાઈ જવાતું હશે !!! હું તો તમારો મહેમાન છું, સમજોને કે..ભાઈ જેવો છું. અને મને તો ખબર છે કે તમારા આ મોટ્ટા જંગલમાં તમે મહેમાનોને જાનની જેમ સાચવો છો. ખરું ને?- બસ સમજો કે..થોડાં દિવસ પછી હવાફેર કરી ચાલ્યો જઈશ.”

    હાશકારો અનુભવી સિંહભાઈ તો ખુશ થઇ ગયા અને જંગલના પ્રજાજનોને કહ્યું: ભાઈઓ ! આ ડ્રેગનભાઈ આપણા મહેમાન છે હોં! એ આપણને કોઈ નુકશાન નહિ પહોંચાડે. માટે તમે સૌ શાંત રહો એવી મારી અપીલ છે.” પણ પ્રજામાં રહેતા એક શિયાળભાઈએ પરિસ્થિતિ સમજી કેટલાંક સમજુ પ્રાણીઓને ભેગા કર્યા અને કહ્યું કે...

    “ખબરદાર ! સિંહની વાતોમાં આવ્યા છો તો. એ આપણને મૂર્ખ બનાવી રહ્યો છે. એવી મહેમાનગીરી શું કામની જેનાથી આપણા સૌનો જીવ જોખમમાં મુકાય. આ ડ્રેગન ખૂબ લુચ્ચું છે. રાત પડ્યે આપણા સૌમાંથી એક એકને પકડી ગળી જવા આવ્યો છે. માટે તમે સૌ સાવચેત રહેજો. આ મારી અપીલ છે.”

    થોડાં દિવસ પછી ફરીવાર ભૂખ્યા બનેલા ડ્રેગને જોયું કે...આ રાજા કરતા તો પ્રજા વધારે સમજુ છે. એટલે બળથી નહિ પણ કળથી કામ કઢાવવું પડશે. એટલે ફરીવાર એક શાંતિનો પ્રસ્તાવ લઇ તે સિંહ પાસે આવ્યો:

    “સિંહભાઈ, તમારા પ્રજાજનો તરફથી જો મને સપોર્ટ મળે તો આપણે બેઉ જણા આ જંગલ પર હજુ વધુ શાંતિ કાયમ કરી શકીએ એમ છે. નહીંતર અહીં રહી ભૂખ્યે મારો પ્રાણ જાય એમ છે. તમારું આ સુંદર જંગલ શું કામનું જેમાં આટઆટલી ખુશહાલી કાયમ હોય અને કોઈ સુખી ન જણાય."

    સિંહભાઈ હજુયે આ શાંતિ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે કે...‘હાળું મને આ 'ભાઈચારા'માં અત્યાર સુધી કેમ ન ખબર પડી કે મારા જ જંગલમાં પ્રજા સુખી નથી...’

    મોરલો: "જે વાતચીતમાં 'ચિત્ત' ન હોય તેવી વાતચીત ચિતા સમાન છે."

    એ બાળકોને શું હું કામ બોલું?!?!

    "ટ્રેઈનના એક ડબ્બામાં કેટલાંક નાનકડાં બાળકો મસ્તી કરી રહ્યાં હતા. બીજા મુસાફરોને આ મસ્તી ખૂંચી રહી હતી. જ્યારે એ બાળકોનો પિતા (થાકેલો હોઈ) બેફીકર થઇને સીટ પર કશુંયે બોલ્યા વિના બેસી રહ્યો હતો.

    બાળકોના કલબલાટની તેના પર કોઈ અસર ન હતી. થોડાં અરસા બાદ આસપાસ રહેલા કેટલાંક મુસાફરોએ મસ્તીના એ વાતાવરણનું મૌન તોડ્યું. અને બેસી રહેલા પિતાને ફરિયાદ કરી.

    "ભાઈસાહેબ! તમારા બાળકોને જરા શાંત તો કરો. અમને સૌને ખલેલ પડી રહી છે. તમે એમને કાંઈ બોલતા કેમ નથી?"

    "દોસ્ત !..એ બાળકોને શું હું કામ બોલું?!?!...એમને રમવા દો. કેમ કે એ માસૂમોને હજુયે મેં ખબર નથી આપી કે એમની માનું આજે સવારે જ અવસાન થયું છે. ને હું અત્યારે જ એને દફનાવી ને ઘરે પાછો વાળી રહ્યો છું."- પિતાને પોતાનું (અ)શાંત મૌન તોડ્યું.

    દોસ્તો! પરિસ્થિતિને જોવાનો અને સમજવાનો 'દ્રષ્ટિકોણ' સમજાવતી આ નાનકડી ઘટના 'The 7 Habits of Highly Effective People' બૂક માંથી લેવામાં આવી છે.

    ચિત્તાનું ખંધુ હાસ્ય

    એક જંગલમાં સિંહ અને હાથી વચ્ચે જબરદસ્ત ઝગડો થયો.

    સિંહ: "અલ્યા હાથી! તે મારો ખોરાક મારી ગુફામાંથી આવી પચાવી પાડ્યો, કેમ?"

    હાથી: "અલ્યા એય સિંહડા..જા જા હવે...ખોરાકતો તે મારો પચાવી પાડ્યો....ને પણ ખુલ્લે આમ ને પાછો મારા પર શાહુકારી કરે છે?" ....ને બંને વચ્ચે વાક્યુદ્ધ ચાલતું રહ્યું.

    જંગલના પ્રાણીઓને તો વગર તેડે તમાશો મળ્યો. સમજોને કે મનોરંજન. આ ઘટના થોડે દૂર એક ચિત્તો પણ જોઈ રહ્યો હતો ને..મનોમન હસી રહ્યો હતો.

    કેટલાંક જી-હજુરીયા પ્રાણીઓએ ચિત્તાને પૂછ્યું.- "ચિત્તા ભાઈ....આ તો ગંભીર બાબત છે....તમને આ ઝગડામાં હસવું કાં આવે?"

    ચિત્તાભાઈ એ કશુંયે કહ્યા વિના માત્ર આંખનો પલકારો કર્યો ને થોડું વધુ ખંધુ હસી ધીમેથી ત્યાંથી સરકવા લાગ્યો. ....ને થોડાં જ સમયમાં 'આજકા જંગલ'-ની સાઈટ પરથી દરેક પ્રાણીઓના મોબાઈલ પર એક નવા બ્રેકિંગ-ન્યુઝ ચમકી ગયા.

    "જંગલમાં થયેલા સિંહ અને હાથીના યુદ્ધ પછી અચાનક ક્યાંકથી ચિત્તો આવી ચઢ્યો છે. અને હાથીના હાથમાંથી 'બચેલો' ખોરાક લઇ એ હવે સિંહની ગુફામાં 'વધેલાં' ખોરાક પર હૂમલો કરી રહ્યો છે."

    પ્રાણીઓ ચિત્તાનું ખંધુ હાસ્ય હવે સમજી રહ્યા છે. પણ કશુંયે કરી શકતા નથી...કેમ કે ચિત્તાની સ્પિડ છે ભાઈ, કોણ જોખમ ખેડે?

    દોસ્તો, તમને આવી બીજી વાર્તાઓ વાંચવી ગમશે? – જો ‘હા’ તો કોમેન્ટ રૂપે જણાવશો.

    સંપર્કસૂત્ર:મુર્તઝા પટેલ

    ફેસબૂક પર:

    ટ્વિટર પર:

    વોટ્સએપ પર: +20 122 2595233