Achraj books and stories free download online pdf in Gujarati

અચરજ

અચરજ

મારી સાથે હતાં એ બધા જ દોડધામમાં પડી ગયા. કોઈકે દુકાન ખોલાવી કફન કઢાવ્યું, કોઈક પાંજરાપોળમાં દોડી ગયું અને ઠાઠડી બાંધવાનો સામાન કઢાવ્યો. કોઈકે બૂમ પાડી યાદ અપાવ્યું- “ ડાંડરના પૂળા ભૂલતા નહીં ભલા, આ બધા આવે ત્યાં સુધી આપણે નવડાવાની તૈયારી કરીએ.” બાજુમાં એક જણ ઊભો હતો તેને કામ સોંપાયું.” દોડતો જ, ઘી, લોટ અને છાણા તો ભૂલાઈ જ ગયા છે, જા જલદી લઇ આવ!”

ઠાઠડી બાંધવાથી માંડીને સ્મશાનનાં બધાં જ કામોની જાણકાર એવી એક આધેડ અને અનુભવી વ્યક્તિ બધાને અલગ અલગ કામની સોંપણી કરતી હતી.

ગામમાં એક સ્કૂલહતી, હાઇસ્કૂલ. જ્યાં આજુબાજુનાં કેટલાંય ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા. મુંબઈ જેવા શહેરમાં અભ્યાસ કરીને આ ગામડાની શાળામાં ભણાવવા માટે શિક્ષકો આવ્યા હતાં. એ હાઇસ્કૂલ શાસ્ત્રીજીની પ્રેરણાથી શરૂ થઇ હતી અને એમની વિચારસરણીમાં માનનારા જ આ શાળામાં શિક્ષકો હતા, પ્રભાતફેરી કાઢે, ધર્મફેરી કાઢે, શિબિરોનું આયોજન કરે, લોકોને અને વિદ્યાર્થીઓને પોતાની પ્રવૃત્તિમાં સાથે રાખે. લોકો તેમણે અદકેરું માન આપે.

હું એ હાઇસ્કૂલનો હેડમાસ્તર છું. મૃત્યુ પામેલી વ્યક્તિ સાથે મારો કંઈક અજબનો સંબંધ હતો. એક બાજુ બેઠો બેઠો , તૈયારી માટે થતી દોડધામ જોતો હતો. મને કંઈ સૂઝતું જ નહોતું. બીજા બધા વાતો કરતા અને હસતા હસતા તૈયારીની દોડધામ કરતા હતા અને હું સૂનમૂન ! એક નજર સામે પડેલા નિશ્ચેતન મૃતદેહ પર નાખતો હતો, તો બીજી નજર એક જીવતા પડછાયા પર ! જે નહોતો બોલતો કે નહોતો ચાલતો.

બીજા બે ચાર જણા મારી પાસે બેઠા હતા તેમનામાંથી કોઈક એક જણ એ પડછાયા નજીક ગયો હતો, કંઈક કહ્યું પણ હતું, પણ પડછાયાએ માત્ર સ્મિત વેર્યું હોય તેવું મને લાગ્યું. મને એમ પણ થયું કે એ રડવાનું જ ભૂલી ગઈ હશે ! મેં એક લાંબો નિશ્વાસ બહાર કાઢ્યો. ત્યાં સુધીમાં તો અંતિમક્રિયાની સામગ્રી લેવા ગયેલા બધા આવી ગયા. અંતિમક્રિયાની તૈયારી થઇ ગઈ. યુવાનો કાંધ આપવા તૈયાર થઇ ગયા. રામનામ બોલાયું અને એ શરીરની છેલ્લીયાત્રા શરૂ થઇ ગઈ.

અમે બે-ચાર જણા ખભા પર ટુવાલ રાખી ચાલતા જતાં હતા. વળી કેટલાક પાચળ પણ રહી ગયા હતા. મારો એક વિદ્યાર્થી મને કહી ગયો, “ સાહેબ, તમે સ્મશાન સુધી નહી આવો તો ચાલશે, અમે બધી ક્રિયા પતાવી લેશું, જવું હોય તો ઘેર જાઓ.” રોજ હું જેને ઘરે જવાની રજા આપતો હતો આજે એ વિદ્યાર્થી મને ઘરે જવાની રજા આપતો હતો ! એ વિચારે મારા ચહેરા પર અચ સ્મિતની રેખા ઘેરાઈ ગઈ.

સ્મિત થઇ જતાં મને પેલો પડછાયો યાદ આવ્યો અને પાચળ ફરીને જોયું તો અમારાથી એક અંતર રાખીને એ પડછાયો અમારા પગલે પગલે પાછળ આવી રહ્યો હતો. હું એ પડછાયાની વેદના જાણતો હતો.

સ્મશાનયાત્રા મુકામ પર પહોંચી ગઈ હતી. લાકડાં ગોઠવાઈ રહ્યા હતાં. આવેલા લોકો છાના અવાજે વાતો પણ કરતા હતા અને હસી પણ લેતા હતા !

એનું કારણ હતું કે સ્મશાનયાત્રામાં આવેલા લોકો માંથી કોઈ પણ મૃતકનું સગું કે વ્હાલું નહોતું. આતો કંઈક મારી શરમ આડી આવી અને કંઈક એમના દિલમાં વસેલી માનવતા ! એટલે જ સાદ પડતાં, બધા ભેગા થઇ ગયા હતા.

એક જણે મારી પાસે આવીને કહ્યું- “ સાહેબ તમે એની ખૂબ જ સંભાળ લીધી હતી, એટલે તમને એક વિનંતી છે.” મને આશ્ચર્ય થયું. અત્યારે, અ સ્થળે આ જણ શાની વિનંતી કરવા માંગે છે. મેં તેની વિનંતીને માન આપવા હા પાડી છતાં કંઈક કહેવા માટે એ વ્યક્તિની જીભ નહોતી ઉપડતી. ચિતા પાસે ઉભેલા લોકોએ તેણે ઈશારો કર્યો અને મને સંભળાયું-“ સાહેબ, અમારા બધાની એવી ઈચ્છા છે કે અગ્નિદાહ તમે આપો. મૃતકને તમારા પર અતૂટ શ્રદ્ધા હતી તેથી તેની આત્માને પણ શાંતિ મળશે.”

મારા માટે આ એક વિચિત્ર અનુભવ હતો. બધાની ઈચ્છા હતી એટલે મેં હા પાડી. તેજ ક્ષણે વાતાવરણ બોઝિલ બની ગયું. બધા ચૂપચાપ દૂર ઊભા રહ્યા. અગ્નિદાહ આપતાં પહેલાં મેં બધા પર નજર નાખી.

ફરી પાછો પડછાયો પ્રગટ થયો. હું ક્ષણભર અટકી ગયો. દૂરથી પણ, સાંજના આથમતા અજવાળામાં તેની આંખોમાનો શૂન્યાવકાશ હું જોઈ શક્યો. મને એ દંશી ગયો. માંડ માંડ નજર તેના પરથી ખસેડી, પરિક્રમા કરી. અગ્નિદાહ આપવા જાઉં તે પહેલાં કોઈએ મારા હાથમાંથી સળગતું લાકડું ઝૂંટવી લીધું. અમે બધા આશ્ચર્યચકિત થઇ ગયા. પડછાયો પાગલ બની ગયો કે શું?

શું કરવું એ કોઈને સમજાયું નહીં એને સમજાવવો કેમ? સમજાવી શકે એવો જણ તો સોડ તાણીને સૂતો છે. વળી, તેના હાથમાંથી એ લાકડું ઝૂંટવવા જઈએ અને સમો પ્રહાર કરેતો? એવો સૌને ડર લાગ્યો. એ મારી સામે ઘૂરકિયાં કરવા લાગ્યો, મેં જાણે તેની કીમતી જણસ ઝૂંટવી લીધી હોય, તેવો રોષ તેની આંખોમાં ઊભરાયો.

ખડકેલાં લાકડાં હટાવવા તેણે પ્રયાસ કર્યો ત્યારે કોઈ એક જણે તેનો હાથ કાંડેથી પકડી લીધો અને સળગતું લાકડું ઝૂંટવી લીધું. બીજા બે જણા તેણે પકડીને ખડકેલી ચિતાથી દૂર લઇ ગયા. બીજા બધા ચૂપ હતા. આકાશમાં સંધ્યા જામી હતી. અગ્નિદાહ આપતી વખતે વાતાવરણમાં ગમગીની વધી ગઈ હતી. મેં જેવો અગ્નિદાહ આપ્યો કે પડછાયાની ચીસો સંભળાઈ. એ તરફડતો હતો અને એ તરફડાટે મને ધ્રુજાવી નાખ્યો. નિ:શ્વાસ નાખતાંમેં વિચાર્યું,’ એના હ્રદયની ભાષા મારા સિવાય કોઈ નહીં સમજે.’

દિલ પર ઉદાસીનાં વાદળાંછવાઈ ગયાં હતાં. રક્તવર્ણું આકાશ સળગતી ચિતાની આગથી વધુ રક્તવર્ણું લાગતું હતું. બધા જ દૂર જઈને બેસી ગયા હતા. હું પણ. પડછાયાએ પીઠવાળી લીધી હતી. મારી નજર તેની પીઠ પર પડી,અટકી,છેલ્લાં કેટલાંય વર્ષોનાં આવરણ મંડ્યા ઉખડવાં...

તે દિવસે શનિવારની સાંજ હતી, ગામનો તલાટી અને હું પગ છુટ્ટો કરવા નીકળ્યા હતાં, બસ સ્ટેશન ગામમાં પણ હતું અને ગામની બહાર મુખ્ય માર્ગ પર પણ હતું. અમે ગામના પાટિયા સુધી ફરવા ગયા હતા. પાટિયા પર બાંધેલી પાણીની પરબ હતી. લોકો થાક ઉતારી શકે, ઠંડુ પાણી પીને કોઠો ઠંડો કરી શકે. વડલો એ રીતે વિસ્તર્યો હતો કે આખા સ્ટેશન પર દિવસભર છાંયડો જ રહે. લોકોને જઈને બે ઘડી બેસવાનું મન થાય એવું તે સ્થળ.

હું અને ગામના તલાટી પણ ત્યાં જઈને બેસતા. કરસન પટેલની વાડીનો શેઢો સડકને અડીને હતો. ત્યાં તૂટેલીફૂટેલી એક ઝૂંપડી હતી, ઘણા સમયથી હતી. પણ આજે એ ઝૂંપડીની બહાર કોઈ બેઠું હતું અને ખાંસતું હતું. મેં તલાટીને પૂછ્યું-“ કોણ છે એ વ્યક્તિ?” તલાટીએ અજાણ હોવાનું બતાવી, ’હશે કોઈ વટેમાર્ગુ’ કહી દીધું પણ મને સંતોષ ન થયો. મેં આગ્રહ કર્યો, ચાલોને આપણે જોઈએ.

વિશાળ લલાટ કોઈક ભાગ્યશાળીનું જ હોય, પરંતુ આમનું ભાગ્ય તો પાધરું દેખાતું હતું. દાઢી અને માથાના વાળ સંભાળ ન રાખી હોવા છતાં પણ કોઈ તપસ્વી સંન્યાસીની ચાડી ખાતા હતા. અમે તેની નજીક ગયા પણ તેનું ધ્યાન અમારી તરફ ન હતું. હું તેની નજીક ગયો અને સાદ દીધો ‘બાબા’’...

તેમણે મારી સામે જોયું અને પછી જોતા જ રહ્યા. તેમની કોરીધાકોર આંખો જોઇને કોઈને પણ ડર લાગે. મારા શરીરમાંથી પણ લખલખું પસાર થઇ ગયું. આટલું ઊંડાણ અને આટલી શૂન્યતા? કાં તો કોઈ અઘોર આત્મા હોવો જોઈએ અને કાં તો પાગલ ! મેં તેમને ફરી “બાબા” કહીને બોલાવ્યા, પણ તેમના ચહેરા પર કોઈ ભાવ જોવા ન મળ્યાં !

સોમવારે જીલ્લા મથકે મિટિંગ હતી અને મને ગામ પાછા ફરતાં મોડું થઇ ગયું, રાત્રે આઠ વાગે હું પાટિયે ઉતર્યો કારણ કે બસ ગામમાં નહોતી જતી. ગામનો રસ્તો પકડતાં જ શનિવારે સાંજે જોયેલા પેલા “બાબા” યાદ આવી ગયા. ત્યાંતો ખાંસવાનો અવાજ આવ્યો અને મારા પગ ગામમાં જવાના બદલે એ ઝૂંપડી તરફ વળ્યા. અજવાળી રાત હતી અને એકલદોકલ વાહન વાતાવરણની શાંતિને ચીરતાં પસાર થઇ જતાં હતાં. બસ પછી તો માર્ગ પર સામસામે ઊભેલાં વૃક્ષોનાં પાંદડા ને પવન સાથે ગોષ્ઠિ અને તેનો સર...સર અવાજ, તે સિવાય નિતાંત શાંતિ હતી.

ઝૂંપડી પાસે પહોંચીને જોયું તો, બાબા ઝૂંપડીની બહાર પડખાભેર સૂતા હતા, મેં ખોંખારો ખાધો પણ પ્રતિસાદ ન મળતા ગામમાં જવાનો માર્ગ પકડ્યો. ઘર પહોંચતાં સુધીમાં બાબા ના જ વિચાર આવ્યે રાખ્યા.

બીજા દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને ગામના પાટિયે પહોંચ્યો. બાબાની ઝૂંપડી સરખી કરાવી, અંદર પીવાના પાણીનાં ઠામ વાસણ મુકાવ્યાં. સફાઈ થઇ ગઈ પણ બાબાની ભાવશૂન્ય આંખોમાં કોઈ ચમક જોવા ના મળી. એ ચકળવકળ જે થઇ રહ્યું હતું એ જોઈ રહ્યા હતા. જતાં જતાં અમે દૂરથી જોયું ત્યારે એ ઝૂંપડીમાં પ્રવેશી રહ્યા હતા.

વટેમાર્ગુઓ તેમની પાસે ખાવાનું રાખી જાય. ભૂખ લાગે ત્યારે એ ખાઈ લે. મારી અવરજવર એ ઝૂંપડી પર વધી ગઈ. ગામલોકોને મારું વર્તન વિચિત્ર લાગતું પણ મારી સાથે કે એકલા પણ ઘણા લોકો ઝૂંપડીએ આવતાજતા થઇ ગયા.

હું પણ તેના માટે ખાવાનું લઇ જતો. શિયાળો આવ્યો અને ઠંડી વધી ગઈ ત્યારે ઓઢવા અને પાથરવાનું પણ આપી આવ્યો હતો. હવે તેની નજર હંમેશાં ગામ તરફ જ મંડાઈ રહેતી !

એક દિવસ સાંજે હું સ્કૂલના કેટલાક છોકરાઓને મારી સાથે ઝૂંપડીએ લઇ ગયો. બાબાની સામે અમે બધા લીલાછમ ઘાસ પર બેઠા. વિદ્યાર્થીઓએ શ્લોકો બોલવાનું શરૂ કર્યું. એ આંખો બંધ કરીને બેઠા રહ્યા

હું આવા પ્રયોગો કરતો રહેતો. તેમની પાસે લોકોની અવરજવર થતાં તેમના ચહેરાના ભાવ બદલાતા પણ અમે જોયા. અમે જઈએ ત્યારે ન બોલે, ન ચાલે, પણ અમારી હાજરી તેમને ગમતી એવા ભાવ અમે તેમના ચહેરા પર જોઈ શકતા હતા.

એ દરમ્યાન ગામમાં એક ગાંડી જ કહી શકાય તેવી સ્ત્રી આવી. છોકરાઓ તેને ચીડવતાં, હેરાન કરતાં. એક વાર હું સાઇકલ પર ઝૂંપડીએ જવા નીકળ્યો, ત્યારે એ સ્ત્રી આગળ આગળ ચાલતી જોવા મળી. તેણે મને જોઇને ન સમજાય તેવું કંઈક કહ્યું કંઈક સંકેત આપ્યો, પણ મારું ધ્યાન તેના પર નહોતું.

ઝૂંપડી પર પહોંચી બાબાને જમવાનું આપ્યું ત્યાં તો એ ગાંડી ત્યાં પહોંચી આવી. મેં તેને બાજરાનો રોટલો બતાવ્યો તો તેણે ઝાપટ મારી લઇ લેવા કોશિશ કરી. મેં તેને બેસવા ઈશારો કર્યો એ બેસી ગઈ. મેં તેનેપણ જમવાનું આપ્યું.

અચાનક બાબાની આંખમાં ચમક જોવા મળી. હું ઘરે પહોચ્યો. વાતાવરણમાં ઠંડી વધતી જતી હોય તેવું લાગતાં તાપણું કરવા મેં કહ્યું. તેની આસપાસ અમે ઘરના સભ્યો બેઠા હતા. વાત બાબાની ચાલતી હતી તેમાં આજે એક મહિલા પાત્ર ઉમેરાયું “ ઠંડી વધારે છે, તમારા બાબા ધ્રુજતા હશે...” મારી પત્નીએ તો મજાક કરી પરંતુ હું તરત ઉઠ્યો અને એક ધાબળો ઉપાડી ઝૂંપડીએ જવા રવાના થઇ ગયો.

ઝૂંપડીએ પહોંચી જોઉં છું તો બાબા કઈ પણ ઓઢ્યા વગર ઝૂંપડીની બહાર સૂતા છે અને પેલી સ્ત્રીએ ઝૂંપડીની અન્દેર બાબાની પથારી પર લંબાવી દીધું હતું; કુદરતની આ લીલા જોઇને આશ્ચર્ય થયું. બાબાને ધાબળો ઓઢાડી પાછો ફરતો હતો ત્યાં બાબા જાગી ગયા અને ઝૂંપડી સામે જોઈ પછી મારી સામે જોયું... પણ હું તો એકજ ધાબળો લઇ આવ્યો હતો, મને શું ખબર કે બાબાનો પરિવાર વિસ્તર્યો હશે!

આજ દિવસ સુધી બાબાના નામની કે તેમના ગામની કોઈને જ ખબર નથી પડી. આસપાસના વિસ્તારમાં તેમની પેલી ગાંડી સ્ત્રી સાથેના વ્યવહારની ચર્ચા થતી હતી. આશ્ચર્ય સાથે કેટલાંય લોકો દૂરદૂરથી જોવા પણ આવતા હતા. હવે ગાંડીને ગાંડી કહી કોઈ હેરાન નહોતું કરતું. એટલા હવે લોકો ડાહ્ય થઇ ગયા હતા.

એક દિવસ સ્ટેશન પરની પરબ ચલાવતો માણસ માટલામાં પાણી ઠાલવતાં ભૂલી ગયો હશે ત્યારે પેલી સ્ત્રીએ પરબમાં જઈ બધા માટલામાં પાણી પીવાના ગ્લાસ ચકચકિત કરીને ગોઠવી નાખ્યા હતા. ઝૂંપડી પણ હવે સવાર-સાંજ સાફ થાય છે. કુદરતની આ લીલા મને આનંદ પમાડતી હતી.

બાબાના ચહેરા પર પણ હવે કંઈક તેજ જોવા મળતું હતું. હજુ સુધી એ કોઈ સાથે બોલ્યા કે હસ્યા હોય તેવું જોવા નહોતું મળ્યું. હવે પેલી ગાંડી કહેવાતી સ્ત્રી પણ ગામમાં નહોતી આવતી, ઝૂંપડી પર જ રહેતી હતી. કોણ જાણે કેવા કર્માનુબંધને એ બંને અહીં આવ્યા હશે?

થોડા દિવસો બાદ બાબા કંઈક અસ્વસ્થ હતા, પથારીમાં પડ્યા પડ્યા ઊહંકારા ભરતા હતાં. પેલી સ્ત્રી તેની પાસે બેથી હતી. વિહવળતા તેના ચહેરા પર નજરે પડતી હતી. કરસન પટેલે કહ્યું ‘ બાબા તેમની વાડીએ ન્હાવા આવ્યા હતાં.’ ઝાકળભર્યો પવન હતો તેથી બાબાને શરદી સાથે તાવ પણ ચઢી આવ્યો હતો.

ડોક્ટરને લઇ જઈ તેમનો ઉપચાર કરાવ્યો. એ રાત્રે હું બાબાની ખબર કાઢવા ઝૂંપડીએ પહોંચ્યો ત્યારે પેલી સ્ત્રીએ બાબાને ધાબળો ઓઢાડી રાખ્યો હતો અને મારા આશ્ચર્ય વચ્ચે તે બાબાના પગ ડાબી રહી હતી!

બે ચાર દિવસમાં બાબાની તબિયતમાં સુધારો જોવા મળ્યો. આજે મહિનાની છેલ્લી તારીખ હતી. સ્કૂલમાં રજા પડતાં ગામમાં આવતી બસની રાહ જોયા વગર બહારગામથી આવતા વિદ્યાર્થીઓ ચાલીને ગામના પાટિયે ગયા. ઝૂંપડી બાજુ સહેજ નજર નાખીને જોયું તો બાબા સોડ તાણીને સૂતા હતાં. બપોરનું જમવાનું પણ તેમનું તેમ પડ્યું હતું. પેલી સ્ત્રી આમથી તેમ આંટા મારતી જોવા મળી. તે આજે-અત્યારે કંઈક બદલાયેલી લાગતી હતી.

વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું કે આજે ફરી તેના પર ગાંડપણ સવાર તો નહીં થયું હોયને? બાબા પણ જમ્યા વગર આ સમયે આમ સૂતા કેમ છે? તેમણે નજીક જઈને જોયું તો, બાબાની આંખો ખુલ્લી હતી અને ડોળા એક તરફ સ્થિર થઇ ગયા હતા. તેમને કંઈક અમંગળનાં એંધાણ વરતાતાં, દોડતા ફરી ગામમાં આવ્યા અને મને વાત કરી. હું ડોક્ટરને સાથે લઈને ઝૂંપડીએ પહોંચ્યો. ડોકટરે પોતાના હાથે તેની બંને આંખો બંધ કરી, એક નિશ્વાસ સાથે મને કહ્યું,”સાહેબ, બાબા દેવ થયા.”

મારી આંખે અંધારા આવી ગયાં. ઘટમાળ ભમરડાની માફક મારા મનમાં ફરવા લાગી. પેલી સ્ત્રી મારી સામે ત્રાટક કરીને જોઈ રહી હતી. ડોકટરે ગામમાં જઈને જે સામે મળ્યા તેમણે બાબા દેવ થયાના સમાચાર આપ્યા અને તરત જ લોકો ઝૂંપડીએ પહોચવા લાગ્યા. કોઈનો એ મૃતક સાથે કંઇ જ સંબંધ નહીં છતાં પણ...

મારી સામે ચિતા ભડભડ બળતી હતી. આઠ વરસની યાદો પણ તેની સાથે સળગી રહી હતી. કોઈકે બૂમ પાડી ‘ પેલી સ્ત્રી પાછી આ તરફ આવે છે.’ હવે આવીને શું કરશે? એમ વિચારી કોઈએ બહુ ધ્યાન ન આપ્યું.

પરંતુ પલકવારમાં ન બનવાનું બની ગયું. પેલી સ્ત્રીની ચીસો અને લોકોનો અવાજ...જોંઉ છું તો મારી નજર સામે જ એ પાગલ સ્ત્રી ભડભડ બળતી ચિતા પર ચઢી ગઈ અને અગ્નિની જ્વાળાઓએ તેણે પોતાનામાં સમાવી લીધી.

બધા જ ભાન ભૂલી ગયા. ચિતા સામે હાથ જોડી સૌ ઊભા રહ્યા. મારા મોઢેથી નીકળી ગયું-“ હવે એ ડાહી થઇ...