Pranay-prabhuta books and stories free download online pdf in Gujarati

પ્રણય-પ્રભુતા

પ્રણય-પ્રભુતા

આજનો સૂર્યોદય જાણે જીવનમાં કોઈ નવો જ ઉજાસ લઈને આવ્યો હોય એવું જ્યોતિને લાગી રહ્યું હતું. પ્રભાત ઓફિસના કામે બહારગામ ગયેલો હતો એટલે ઘરમાં પોતે એકલી જ હતી. આમ તો તમસ હવે થોડાં દિવસોનો જ મહેમાન છે, એ વાત જ્યોતિ સારી રીતે જાણતી હતી, તેમછતાં તમસ પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યા વિના હવે એક ક્ષણ પણ નહિ રહેવાય એમ વિચારી, બાથરૂમમાંથી સ્નાન કરી બહાર આવેલી જ્યોતિ આજે તો દિલની વાત કહી જ દેવી એવું નક્કી કરીને, જમણી બાજુના કાન પાછળથી નીકળી આવેલી ભીની લટને આંગળીઓમાં રમાડતી ડેસ્ક પર સ્થિત ૧૪ ઇંચના કમ્પ્યુટર સ્ક્રિનમાં ખોવાઈ ગઈ. જીવનપથ પર ચાલતાં-ચાલતાં ક્યારેક કોઈની પરિસ્થિતિ જોઈ તેનાં પ્રત્યે લાગણી થાય એ માનવતા-સહજ લક્ષણ છે, પરંતુ સંપૂર્ણ વાસ્તવિકતા જાણવા છતાં એ લાગણી પ્રેમમાં પરિણમે તો તે અકલ્પનીય પરિણામ પણ સર્જી શકે છે.

તમસ જ્યોતિનાં પતિ પ્રભાતની સાથે જ નોકરી કરતો હતો અને તેનો નિકટનો મિત્ર પણ હતો. થોડાં સમય પહેલાં અચાનક તમસની તબિયત ખરાબ થઈ જતાં તેને દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો અને ડોક્ટરે તેની તપાસ કરી, રિપોર્ટ પરથી બ્લડ કેન્સરનું નિદાન કર્યું હતું. તમસને કોઈ વારસાગત બિમારી હોવાને લીધે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જ ન હતી, જેના લીધે ડોક્ટરે બ્લડ કેન્સરની સારવાર કરવી શક્ય નથી તેમ જણાવી, તમસને દવાખાનેથી રજા આપી દીધી હતી. તમસને જ્યારે આ વાતની જાણ થઈ તો તેણે પોતાનું બાકીનું જીવન ખૂબ મોજ-મજાથી જીવવાનું મનોમન નક્કી કરી લીધું.

તમસ અને પ્રભાત ખૂબ સારા મિત્રો હોવાને કારણે અવાર-નવાર વાર-તહેવાર અને પ્રસંગોમાં એકબીજાનાં પરિવાર સાથે હળતાં-મળતાં હતા. આથી પ્રભાતે જ્યારે જ્યોતિને તમસની બિમારી વિશે વાત કરી તો જ્યોતિની આંખમાં આંસુ આવી ગયા. પરંતુ પ્રભાતે જણાવ્યું કે, તમસ હવે પોતાનું બાકીનું જીવન ખૂબ મોજ-મજાથી પસાર કરવા માંગે છે અને તેના આ નિર્ણયમાં તેઓએ પૂરેપૂરો સાથ-સહકાર આપવાનો છે. એટલે જ્યોતિએ મક્કમ બની, આંસુઓને આવતાં અટકાવી દીધા અને પોતે તમસને શક્ય એટલી વધારે ખુશી આપવાનાં સંપૂર્ણ પ્રયત્નો કરશે, તેમ પ્રભાતને જણાવ્યું.

ત્યારપછી જ્યોતિ તમસને જ્યારે પણ મળતી ત્યારે તેની સાથે ખૂબ હસી-મજાક કરતી. તમસ જ્યોતિને વાત-વાતમાં કહેતો પણ ખરાં કે, 'ભાભી, ભગવાને મને થોડાં દિવસો જ આપ્યા છે, જેટલો પણ સમય મારી સાથે આનંદ કરવો હોય, કરી લેજો, પછી તો તમારે મને યાદ કરીને માત્ર રડવાનું જ છે.' તમસનાં આવા શબ્દો સાંભળી જ્યોતિનું હૈયું ભરાઈ આવતું પણ દુ:ખને ભીતર છુપાવી એ કહેતી કે, 'સારું, આમ પણ હવે હું તમારાથી કંટાળી ગઈ છું. તમે સ્વર્ગલોકમાં જાવ તો અહીં પૃથ્વીલોક પર થોડી શાંતિ થાય.' અને બંને હસી પડતાં.

તમસને બિમારીની જાણ થયા પછી પણ તે નિયમિત નોકરીએ જતો અને પોતાનું કામ પણ પૂરી નિષ્ઠાપૂર્વક કરતો. ઓફિસ સમય દરમિયાન કે ઓફિસેથી ઘરે ગયા પછી જ્યારે પણ સમય મળતો ત્યારે તે ઈન્ટરનેટ શરૂ કરી બેસી જતો. નાની ઉંમરમાં ઘણું બધું મેળવનાર વ્યક્તિઓ વિશે તે વાંચતો અને તેવા પ્રકારનાં વિડિયો પણ જોતો. પોતાની જેમ અસાધ્ય બિમારી સામે લડી, અમર નામના મેળવનાર વ્યક્તિઓના જીવન પરથી પોતે પોતાના ટૂંકા આયુષ્યમાં કંઈક કરી જવાની પ્રેરણા મેળવતો. ઓફિસમાં બપોરે પ્રભાતની સાથે ભોજન કરતી વખતે આવા વ્યક્તિઓ વિશે તે વાતો કરતો અને પોતે તેમાંથી શું કરવાનું વિચાર્યું છે, તે પણ કહેતો. પ્રભાત ઘરે આવી રાત્રે ભોજન કરતી વખતે રોજેરોજની વાતો જ્યોતિને કહેતો અને તમસને તેના વિચારોને વાસ્તવિકતામાં ફેરવવા માટે શું મદદ કરી શકાય તે વિશે ચર્ચા કરતો. રજાનાં દિવસે ત્રણેય રૂબરૂ મળતાં અને ખૂબ મજા કરતાં. ક્યારેક કોઈ સારી ફિલ્મ જોવા જતાં તો ક્યારેક શોપીંગ મોલમાં ખરીદી કરવા, ક્યારેક અવનવી જગ્યાએ ફરવા જતાં તો ક્યારેક ઘરે જ બેસી જુદી-જુદી વાતો પર એકબીજાના પ્રતિભાવો રજૂ કરતાં. તમસ પોતાની આ પ્રકારની દિનચર્યાથી એકંદરે ખુશ હતો, પરંતુ મનમાં હજુ પણ કંઈક ખૂંચતું હતું, જે વિશે તે કોઈને પણ કંઈ કહેતો ન હતો. તેનો અંદાજ જ્યોતિને આવી ગયો હતો, પરંતુ એ વિશે પૂછવા માટે તે યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી.

એક દિવસ રજાનાં દિવસે તમસ સવારમાં આવી પ્રભાતને કહે, 'ચાલોને આજે દરિયે ફરવા જઈએ ?' તમસની બિમારી પછી એના પડ્યા વેણ ઝીલવા એ પ્રભાત અને જ્યોતિનો ધર્મ બની ગયો હતો. તરત જ તેઓ તૈયાર થઈ ગયા અને શહેરથી નજીકમાં આવેલ દરિયાકાંઠે ઓછી અવર-જવરવાળા સ્થળે જઈ બેઠા. સવારનાં અગિયાર વાગ્યા આસપાસ ત્યાં પહોંચ્યા બાદ એકાદ કલાકનો સમય પસાર થઈ ગયો હતો, પરંતુ ભરતી થવાને હજુપણ અડધી કલાક જેવો સમય લાગે તેમ હતો તેથી પ્રભાતે કહ્યું, 'તમે બંને થોડીવાર વાતો કરો, હું કોલ્ડ્રીંક્સ ને થોડો નાસ્તો લઈ આવું.' તમસ અને જ્યોતિ બંને શાંતિથી દરિયા સામે જોઈ બેઠાં હતાં. જ્યોતિએ તમસને પૂછ્યું, 'તમે ખુશ દેખાવ છો પણ અંદર કંઈક છુપાવી રહ્યા છો. ખરું ને ?' તમસ અનિમેષ નજરે દરિયા સામે જોતાં-જોતાં બોલ્યો, 'ઉપરથી ભલે મોજાંઓનો ઘૂઘવાટ કરતો હોય પણ ભીતરે દરિયો કેટલો શાંત હશે ? કિનારા તરફ ધસી આવતાં મોજાંઓ જાણે ભીતરની વેદનાને બહાર ફેંકી દેવા સતત મથામણ કરી રહ્યા હોય એવું લાગે છે. કિનારે આવી પાછા ફરતાં મોજાંઓની સાથે જ સુકાઈ જતાં ફીણ આંખ સુધી આવી અટકી જતાં આંસુઓ જેવા લાગે છે. એક તરફનાં કિનારાને ભીનો કરવા બીજી તરફથી ખાલી થતો દરિયો કોઈનાં જીવનદર્શનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ભીતરે અઢળક સંપત્તિ હોવાછતાં અખૂટ ખારાં જળથી ભરેલ દરિયો જાણે એમ કહી રહ્યો છે કે, હે માનવ ! તું જેટલો વધુ માયામાં અટવાતો જઈશ, તેટલી જ તારી ખારાશ વધતી જશે અને જ્યાં સુધી તું આ માયાના બંધનમાં બંધાયેલો હોઈશ, ત્યાં સુધી ગમે તેટલા નદીઓ રૂપી મીઠાં વચનો તારામાં ભળશે (એટલે કે તું સાંભળીશ), તોયે તારી ખારાશમાં (એટલે કે માનસિકતામાં) તલભાર પણ ઘટાડો નહીં થાય...' તમસ આમ અલંકારિક ભાષામાં અવિરત બોલતો જતો હતો અને જ્યોતિ એની વાતને રસપૂર્વક સાંભળતી જતી હતી. ફર્ક માત્ર એટલો જ હતો કે દરિયાને જોઈ જ્યોતિનાં મનમાં જે વિચારોનો જુવાળ આવી રહ્યો હતો, તે શબ્દો દ્વારા તમસનાં મુખેથી નીકળી રહ્યો હતો. એ સમયે જ જ્યોતિનાં મનમાં તમસ પ્રત્યેનાં પ્રેમનું પ્રથમ બીજ રોપાયું હતું. આમ પણ જ્યાં એકબીજાનાં મનનાં વિચારોમાં સામ્યતા વધુ હોય ત્યાં અંતરનું જોડાણ વધુ મજબૂત જોવા મળતું હોય છે. જ્યોતિ હજુ કંઈક બોલે એ પહેલાં જ પ્રભાત કોલ્ડ્રીંક્સ અને નાસ્તો લઈને આવી પહોંચ્યો. એ ક્ષણથી જ્યોતિનું મન સતત તમસ વિશે વિચારવા લાગ્યું.

જ્યોતિને પહેલાં તો તમસની વાતો જ ગમતી હતી, પરંતુ ધીરે-ધીરે હવે તમસ પણ ગમવા લાગ્યો હતો. ઘણીવાર તેને પોતાના મનની વાત તમસને જણાવી દેવાનો વિચાર આવતો પણ ખરાં, પરંતુ પ્રભાતનો વિચાર આવી જતાં તે અટકી જતી હતી. પ્રભાત પણ જ્યોતિને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ જ્યારે કોઈને ખોઈ બેસવાનો ડર મનમાં હોય ત્યારે પ્રેમનું પલ્લું એ તરફ વધુ નમી જતું હોય છે. આવું જ કંઈક આજે જ્યોતિ સાથે થઈ રહ્યું હતું. દિવસે ને દિવસે તમસની તબિયત લથડતી જતી હતી. હવે તો તેણે ઓફિસે જવાનું પણ બંધ કરી દીધું હતું. તેથી તે ઓનલાઈન જ હશે એમ વિચારી સવારનાં પ્હોરમાં જ જ્યોતિએ તેને ફેસબુક પર પોતાની લાગણી વ્યક્ત કરતો મેસેજ કરી દીધો. (આ એ સમયની વાત છે જ્યારે સ્માર્ટફોનનું અસ્તિત્વ ન હતું) તરત જ રિપ્લાય ન આવતાં જ્યોતિ ઘરનું કામ કરવા માંડી.

થોડીવાર પછી મોબાઈલની રીંગ વાગી અને જ્યોતિનું હૃદય બમણી ગતિથી ધબકવા લાગ્યું. તેને મનમાં થયું કે તમસનો જ ફોન હશે અને તે મોબાઈલ તરફ દોડી. મોબાઈલ હાથમાં લેતાંની સાથે જ સ્ક્રીન પરનું નામ જોઈ તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તમસની જગ્યાએ પ્રભાતનો ફોન હતો. પ્રભાતનું નામ વાંચતાંની સાથે જ જ્યોતિનાં મનમાં જાત-જાતનાં વિચારો આવવા લાગ્યા. 'ક્યાંક તમસે મેસેજ વાંચી પ્રભાતને તો જાણ નહીં કરી હોયને..?' 'પ્રભાતે નક્કી મને ખીજાવા જ તરત ફોન કર્યો હશે...' – હજુ આમ તે મનોમન વિચારતી હતી ત્યાં જ ફરી પ્રભાતનો ફોન આવ્યો. જ્યોતિએ ડરતાં-ડરતાં ફોન રીસીવ કર્યો ત્યાં સામેથી પ્રભાતનાં રડવાનો અવાજ સંભળાયો. જ્યોતિએ કહ્યું, 'શું થયું ? કેમ રડો છો ?' પ્રભાતે જણાવ્યું કે, 'તમસનાં ઘરેથી ફોન હતો, તમસ હવે આપણી વચ્ચે નથી રહ્યો...' આમ સાંભળતાંની સાથે જ જ્યોતિના હાથમાંથી મોબાઈલ પડી ગયો અને તે રડતી આંખે ભગવાનનાં ફોટા તરફ જોઈ રહી...

(સત્યઘટના આધારિત...)