Sapna Bhura Bhura books and stories free download online pdf in Gujarati

સપનાં ભૂરા ભૂરા

સપનાં ભૂરા ભૂરા

'નીલી, ઘરમાં મહેમાન આવ્યાં છે, તું પાણી આપ. અરે.. નીલી, નીલી ' થાકેલા અવાજે રમાબા ફરી બોલ્યાં, 'જરા ક તો મારું સાંભળ'

નીલી બહારથી આવી ત્યારે બા આરામ કરતાં હતાં એટલે એ બિલ્લીપગે રસોડામાં ગઈ, પાણી પીધું અને બિસ્કીટનું પેકેટ લઈ પોતાના રૂમમાં સરકી ગઈ. નીચે આવેલાં એની ફોઈથી એ દૂર ભાગી જવાની છે, મમ્મીએ આપેલો સેલફોન એમણે જ લઈ લીધો હતો.

ઘરમાં બધા ય જાણે નીલી જરાક નવરી પડે એટલે એના રૂમની બારી પાસે બહાર નજર દોડાવતી ઊભી રહેવાની, એ ભલે ને ઊભેલી દેખાય પણ એની નજરની લીલીછમ કેડી નદી બનીને વહેવા માંડે, નદી ઉતાવળી, ઉછળતીકૂદતી, દોડે. .

ક્યાંય રોકાવાનું નામ નહિ, ખળ ખળ એનો શ્વાસ છેવટે દરિયાને ભેટી દરિયામાં સમાય ત્યારે 'હાશ'કરે.

દરિયાકિનારે મુંબઈ શહેર નીલીના સપનાનું

શહેર. દર વખતે રજાઓમાં એ મુંબઈ જતી. રજા પડવાના બે દિવસ પહેલાં જ એની મમ્મી આવી જતી. આ વખતે નીલીની રજાઓ એની મમ્મીની રાહ જોવામાં જાણે રોજ રોજ પાણીમાં નાંખેલા કાંકરા જેવી એને વાગતી હતી. એને કોઈ પાણીમાં કાંકરા નાખે તો રડવાનું મન થતું, પાણીને વાગતું જ હશે એટલે જ ગોળ ગોળ વર્તુળોમાં નારાજગી બતાવે. એને રજાઓ અકારી લાગે છે પણ બા આગળ 'મમ્મીની વાત કરે તો ભડકો થઈ જાય, ' સવારે ગુસ્સે થઈ બા કહે, 'બહુ મમ્મી યાદ આવતી હોય તો જા તારી જાતે, મારા કહ્યામાં તું રહેતી નથી, આજે તારી ફોઈને બોલાવી છે, એ તને સીધી કરશે. ' નીલી બાની પાસે આવી વહાલથી બોલી,

'બા, મમ્મી તમને કેમ ગમતી નથી? મમ્મી બધી વસ્તુઓ લાવે છે, તમને ય દર મહિને પેસા મોકલે છે. '

બા સાડલાથી આંખો લૂછી બબડતા બોલ્યાં:' કોને ખબર મુંબઈમાં રાતના શું ધંધા કરે છે?ગામમાં મો બતાવવાનું ગમતું નથી, કેટલી વાર તારી મમ્મીને કાકલૂદી કરી સમજાવી કે ગામમાં આવતી રહે, મુંબઈમાં તારી તબિયત કથળી ગઈ છે. રોટલો ખાઈને જીવીશું. પણ માથાભારે એવી કે ધાર્યું જ કરે. ' નીલીની મમ્મી કહેતી હતી, 'નીલીને કોલેજમાં આવતા વર્ષથી ભણાવવાની છે, હું નાદાનીમાં એક્ટીંગના રવાડે ચઢી ગઈ ને જીવન

ધૂળધાણી કર્યું, તબિયતની વાત જવા દે, રોગની દવા હોત તો ???

એ આંસુને રોકી લેતા બોલી, ' મારે નીલીને ડોક્ટર કરવી છે. ' મમ્મીની વાત સાંભળી નીલી રાજીની રેડ થઈ હતી, એણે મમ્મીને ભેટી પડી કહ્યું હતું, 'હું મુંબઈ ભણીશ. મમ્મીની કે બાની વાતો એના કિશોર મનને ગૂંચવતી હતી પણ મુંબઈની કોલેજમાં ભણવાના રંગબેરંગીન સપનાંમાં તે ખુશ હતી. એણે મનોમન નક્કી કરી લીધું કે એ ખૂબ મહેનત કરશે. પરીક્ષા પૂરી થઈ હતી, પણ મમ્મીના કોઈ સમાચાર નહોતા.

આજે સવારે બા પૂજામાં બેઠા હતા ત્યારે શાન ઉતાવળો સ્કુટર પર આવ્યો, તે મુંબઈ ભણતો હતો, તેણે બારીમાં ઊભેલી નીલીને બહાર આવવા ઈશારો કર્યો, બા જાણે નહિ તેમ બારીમાંથી તે ઠેકડો મારી બહાર આવી ગઈ. એ બારીમાંથી કૂદીને બહાર જતી રહે તે બાને જરાય ગમતું નહિ, 'ટાટીયો ભાંગી નાંખીશ'કહી ચિડાતા, 'તારી મા ---' બા આગળનું બોલવાનું ગળી જતા. પણ આજે નીલીનું મન હાથમાં રહ્યું નહિ, 'શાન મમ્મીના કઈ ખબર છે?'નીલીની છાતી બેકાબૂ ધડકતી હતી. શાને એને સ્કૂટરની પાછલી સીટ પર બેસાડી કહ્યું, 'જરા ધીરજ રાખ હું તને બધી વાત કરું છું. ' કેટલાય દિવસથી જાન વગરની પૂતળી જેવી નીલી સ્કુટર પર ઉડવા લાગી.

શાને સ્કુટર દૂર ગામની નદી તરફ દોડાવ્યું, નદીકાંઠેના મંદીરમાં ગામનાં તોફાની છોકરાંની ટોળકી ધીગામસ્તી કરતી હતી. એ ય કોઈ વાર છાનીમાની બહેનપણીઓ સાથે આવતી પણ છોકરાઓ પાણીમાં દૂર દૂર સુધી કાંકરા ફેક્વાની રમત કરતા તે તેને ગમતું નહિ, પાણીમાં વર્તુળો જોઈ સૌ રાજી થતા, કોઈ એને કાંકરો મારવા કહે એટલે એ કહેતી ' પાણીને વાગે' બધાં એની મઝાક કરતાં, કહેતાં 'આ તો કોઈ દિવસ સાભળ્યું નથી, પાણીમાં કાંકરા મારો કે લાકડીથી લીટી દોરો, ઘડી પછી કશું દેખાય નહિ, વળી કોઈ ડાહ્યલી છોકરી બોલી, 'ગયા વર્ષે અજય બોર્ડમાં નાપાસ થયો ને પપ્પાએ તમાચો માર્યો તેથી નદીમાં પડ્યો, પાણી તો એનું એ, એની મમ્મી રડીને અધમુઇ થઈ ગઈ'

આજે મંદીરનું ચોગાન ખાલી હતું. છોકરાઓ બપોરે આવતા, શાને નદીકાંઠે એકાંત જોઈ ઝાડની આડે સ્કુટર ઊભું રાખ્યું. નીલીને ઉંચો, ચપળ શાન ગમતો, મુંબઈની સ્ટાઈલના એના વાળમાં વધારે આકર્ષક લાગતો હતો, પણ શાન એનાથી દૂર જ ભાગતો, એક વાર એણે પૂછ્યું હતું, 'હું બહુ ખરાબ દેખાઉં છું ?' શાન મશ્કરી કરતો હોય તેમ બોલ્યો હતો, 'વધારે પડતી રૂપાળી છું એટલે ડરું છું '.

નીલી ભણવામાં મશગૂલ થઈ ગઈ અને શાન મુંબઈ ગયો. પણ એ જયારે ગામમાં આવતો ત્યારે એની મમ્મી નીલી માટે ભેટ મોકલતી.

આજે નીલીને કોઈ ભેટ માટે ઉત્સાહ નહોતો, મમ્મીના ખબર જાણવા તે તલપાપડ થઈ હતી, શક્ય હોય તો શાનના સેલ પરથી મમ્મી જોડે વાત કરવી હતી, કહેવું હતું કે બોર્ડની પરીક્ષામાં તેનાં પેપર સરસ ગયાં છે, એને મેડીકલ કોલેજમાં એડમીશન મળી જશે. '

શાને આપમેળે જ નીલીની મમ્મીને ફોન જોડ્યો, એ એટલી ખુશ થઈ કે શાનને વળગી 'થેંક્યું' કહેવા લાગી, શાને એને ખભે હાથ મૂકી કહ્યું, 'તારી મમ્મી શું કહે છે તે ધ્યાનથી સાંભળ, તારા માટે બહુ અગત્યનું છે, ' તેને સમજી શકાય નહિ તેવી બેચેની થવા લાગી, એટલી નર્વસ થઈ ગઈ કે હથેળી પરસેવાથી ભીની થઈ ગઈ. એણે જેકેટથી હાથ લૂછી શાનના હાથમાંથી ફોન લીધો.

નીલી ફોનમાં, 'હલો મમ્મી હલો' બે વાર બોલી પણ મમ્મીનો અવાજ સંભળાતો નથી, શાને એને કહ્યું 'બૂમો ના પાડ, એ શું કહે છે તે સાંભળ' છેવટે એટલું સમજાયું કે બે કલાક રહી એનાં એકાદ જોડ કપડાં લઈ શાન સાથે નદીકાંઠે રાહ જુએ. નીલીને ખુશ થવું કે રડવું તે સમજાયું નહી, આજે મમ્મીનો અવાજ સાવ જુદો હતો, કોઈ અજ્ઞાત ભયથી તે ધ્રૂજી રહી, એ બેસહાય નજરે શાનને જોઈ રહી. એની મમ્મીની ઘણી વાતો નાનપણથી તે જાણતી નહોતી, બા કે લોકો કહેતા તે સમજી શકતી નહિ, એને થતું, 'મારી મમ્મી વિષે ભલે બીજા બધાં ગમે તેવું કહેતા. તે મને કેટલો પ્રેમ કરે છે?મને મેડીકલમાં ભણાવવાની છે, મમ્મી તું મારા માટે બેસ્ટ છું, જો મારો ફરી જન્મ થાય તો તારી જ દીકરી થઈશ.

શાને કહ્યું 'આમ થીજી કેમ ગઈ ?' તારે હોશિયારીથી અને ચાલાકીથી તારી મમ્મીની ઈચ્છા પ્રમાણે કરવાનું છે. હું તને મદદ કરીશ. 'નીલીના મનમાં ગડમથલ ચાલતી હતી. તે શાનને પૂછતી હતી, 'મારી મમ્મી જાતે આવશે? ઘેર કેમ નથી આવતી ? એનાથી બોલાતું કેમ નહોતું ? એ બહુ માંદી થઈ ગઈ છે?'

શાને સ્કુટર ચલાવતા કહ્યું, અત્યારે સમય નથી, તું મોટી થઈશ ત્યારે બધી જાણ થશે. '

નીલી ઘેર પહોંચી ત્યાં સુધીમાં તેને મમ્મીની વાતની ગમ્ભીરતા સમજાવા માંડી, એની મમ્મી કોઈ મોટી આપત્તિમાં છે, બા, ફોઈ કોઈ તેને મદદ કરવાં ઈચ્છતા નથી. એને મમ્મીથી અલગ કરી દેવા જ ફોઈ આવ્યાં છે. એને એકાએક લાગ્યું એ મોટી થઈ ગઈ છે.

એણે સવારથી કંઈ ખાધું નહોતું, ખાવાનું ભાવતું નહોતું, 'ક્યારે મમ્મીને મળું?'એ જ રટણ લાગી હતી, મમ્મીએ ખાઈને આવવા કહ્યું હતું એટલે બિસ્કીટનું પેકેટ ખોલી બારીએ ઊભી હતી, બધું તેયાર કરી બેકપેકમાં મુક્યું હતું, ફરી ફરી બાની બૂમો એના કાનને સતાવતી હતી, એણે રૂમનું બારણું ફોઈ વાવાઝોડા જેવા ઘુસી જાય તેવી બીકથી અંદરથી બંધ કરી દીધું. સ્કુટરનું હોર્ન સાંભળતા વેંત બારીમાંથી ફૂદકો મારી ભાગી જાણે બાંધી રાખેલી વાછડીએ ગાયને જોઈ.

નીલી અને શાન નદીકાંઠે પહોચ્યાં ત્યારે ગામલોકોનું ટોળું મંદીરના ચોગાનમાં ઊભું હતું 'કોઈક ડૂબી ગયું, ખેચી લાવો, જોયા શું કરો છો? કોઈક બબડતું હતું, 'એ ગામના ઉતારને કોણ બચાવે? વર્ષોથી મુંબઈમાં રાતના ધંધા કરતી હતી તે છેવટે પોતાના જ શરીર પર કુહાડા માર્યા ને? એવા રોગથી સૌ આઘા રહે. '

નીલીની નજર દૂર... એની મમ્મીની રાહ જોતી, ભૂરાં ભૂરાં સપનાની મુંબઈ તરફ પૂરપાટ દોડતી ટ્રેનને... ધુમ્મસમાં ઓગળતી જોઈ રહી.

તરુલતા મહેતા