Ek Navi Asha books and stories free download online pdf in Gujarati

Ek Navi Asha

નીતાકોટેચા "નિત્યા "

neetakotecha.1968@gmail.com

9867665177

એક નવી આશા

એક નવી આશા

હોસ્પિટલનું વાતાવરણ જ એવું હોય છે કે ગભરામણ પોતે શરૂ થઈ જાય . જેમ મંદિરનાં વાતાવરણમાં પોતે જ શાંતિ મળે એમ જ.હોસ્પીટલમાં .કેટકેટલી એમબ્યુલન્સ ઉભી હોય અને કેટલાક લોકો રડતા હોય. આ બધું જોઇને જાણે સ્મશાન જેવું વાતાવરણ લાગે. આજે કેટલાં વખતે મીનુને હોસ્પિટલમાં જવાનું થયું. એના વેવાણ ને દાખલ કરવામાં આવ્યા હતા. એની દીકરીનાં સાસુ.એટલે હાજરી આપવી જ રહી.દીકરીને પરણાવે હજી બે મહિના થયા અને દીકરી જમાઈ ફરીને પાછાં આવ્યા એટલે સાસુ બીચારાં ને એમ કે કે એમને બંનેને એકલાં રહેવા દઈયે એમ વિચારીને તેઓ બે મહિનાનું કહીને દેશમાં રહેવા ગયાં. પણ પંદર દિવસ થયા ને સાસુને તાવ આવ્યો.દેશમાં બહુ ઇલાજ કર્યા પણ દવા અસર ન થઈ એટલે એમને અહીંયાં પાછું આવવું પડ્યું.નસીબની બલિહારી કે સાસુ એટલા સારાં કે અહીંયાં આવેને પણ એમને એ વાતનો વધારે અફસોસ હતો કે નવી આવેલી વહુને એની માંદગી માં હેરાન થવુ પડે છે. મીનુ એમની પાસે બેઠી હતી અને એમની એ જ વાત ચાલુ હતી ..

બે કલાક એમની પાસે બેસીને મીનુ પોતાનાં ઘરે જવા રવાના થઇ ..લીફ્ટ બંધ હતી એટલે એને છ માળ ઉતરવાનાં હતા. હોસ્પિટલનું વાતાવરણ જોતા જોતા એ નીચે ઊતરતી હતી..એક એક્નાં રડતા ચહેરા , ક્યાંક મા, દીકરી માટે રડતી હતી તો ક્યાંક દીકરી , મા માટે..મીનુને થયું કે દુનિયામાં કેટકેટલી તકલીફો છે..જ્યાં સુધી આપણે આપણાં ઘરની બહાર ન નીકળીયે ત્યાં સુધી ખબર ન પડે કે બહાર કેટલુ દુખ છે..ધીરે ધીરે દાદરો ઊતરતી હતી ત્યાં તેણે જોયું તો સામેથી ત્રણ પુરુષો એક સ્ત્રી ને સંભાળીને દાદરો ચડાવી રહ્યા હતા. જેરા ધ્યાનથી જોતા એને થયું કે એ સ્ત્રીને એણે ક્યાંક જોઇ છે..પણ એણે યાદ કરી જોયુ કે આટલુ બીમર કોઇ એનાં સાસરા કે પિયર કોઇ કુટુંબ માં નહોતુ..તો આ સ્ત્રીને ક્યાં જોઇ છે..જેમ જેમ એ ચારે જણ નજીક આવતા ગયાં એમ એમ જાણે એનો વિચાર મક્કમ થતો ગયો કે હા ક્યાંક તો જોઇ છે.. બાજુમાંથી તેઓ ચારે જણા પસાર થયાં હવે ખૂબ નજીકથી એ સ્ત્રીને મીનુ એ જોઇ..અને એનાં મગજમાં ચમકારો થયો અરે આ તો સ્મિતા, શું એ સ્મિતા હતી?

ચારે જણ આગળ નીકળી ગયા હતા..મીનુએ પાછળથી બૂમ પાડી "સ્મિતા"

અને એમાંથી આડેધ વય નાં પુરુષે પાછળ જોયું..એટલે મીનુએ પુષ્યું "આ સ્મિતા જ ને ?"

એ ભાઈયે જવાબ આપ્યોં " હા બહેન પણ મે આપને ઓળખ્યાં નહી.."

મીનુ ને અચરજ થતુ હતુ કે જો એ સ્મિતા છે તો એ કેમ પાછળ વળીને નહોતી જોતી..

મીનુએ એ ભાઈ ને જવાબ આપ્યોં " હુ અને સ્મિતા સ્કુલમાં સાથે ભણતા હતા.પણ એને થયું છે શું ?"

એ ભાઈએ કહ્યું " જો તમને સમય હોય તો થોડું થોભશો ?

સ્મિતાને ડો. ની રુમમાં મુકીને આવુ, પછી વાત કરુ."

મીનુએ કહ્યુ " હા હુ રાહ જોઇશ."

અને પાછા એ ભાઈ સ્મિતાને લઈને ચાલવા લાગ્યા અને સાથે બીજાં બે ભાઈઓ પણ..

હોસ્પિટલનાં એક બાંકડા પર મીનુ બેઠી અને એ પોતાના સ્કુલનાં દિવસો યાદ કરતી હતી. કેટલી મસ્તી,સર અને ટીચર ની મસ્તી કરવી એ તો સ્મિતાનો શોખ હતો. બધાની નકલ કરવી અને બધાનાં કાર્ટુન દોરવા એની માટે જાણે રમત વાત હતી..રજાના દિવસે એની સાથે જુહુ બીચ પર જાવું અને પિક્ચર જોવા જવાની મજા જ અલગ હતી. સ્કુલનું જીવન છૂટ્યું અને કોલેજમાં બંને અલગ થયા. ત્યાર બાદ મુલાકાત ઓછી થતી ગઈ .અને નવા દોસ્તો જિંદગીમાં આવતા ગયા એમ જુના ભુલાતા ગયાં..આજે એ વાતનો અફસોસ કરતી હતી મીનુ કે આ કેવા સંબંધો છે કે આપણે વર્ષો સુધી સાથે રહ્યા હોઇયે તોય ભૂલી જઇયે...થોડી વાર થઈ ત્યાં એ ભાઇ આવ્યા..અને બાજુમાં આવીને બેઠા અને બોલવાનું શરૂ કર્યું.. " બહેન આપને તો હુ ઓળખતો નથી પણ આપે કહ્યું એમ તમે સ્મિતાની મિત્ર છો..સ્મિતા છેલ્લાં ૨૦ વર્ષ થી આમ જ છે..એને કોઇ જ હોશ નથી,એ શું કરે છે એ એને પણ ખબર નથી,એ કોઇને ઓળખતી પણ નથી."

મીનુથી વચ્ચે જ પૂછાઈ ગયું " પણ આમ કેમ થયું કેવી રીતે ?"

એ ભાઈ એ અતિતમાં સરકી ગયાં " બહેન લગ્નનાં એક વર્ષમાં જ એક દીકરો આવ્યો, ખૂબ જ ખુશ હતી સ્મિતા,કે પહેલે ખોળે દીકરો આવ્યો. પણ થોડાં મહિનામાં ખબર પડી કે દીકરો બહેરો છે..થોડો મોટો થયો ત્યાં ખબર પડી કે મૂંગો પણ છે.. એ ઝટકો એનાથી માંડ સહન થયો ત્યાં સુધી ખબર પડી કે બીજુ બાળક રહી ગયું છે. હવે એ બીજાં બાળકની આશામાં જીવવા લાગી નવ મહેના પછી બીજો દીકરો આવ્યો.પહેલાં દિવસથી એ એ જ મથામણ માં રહેતી હતી કે એને સંભળાય તો છે ને..પણ અમારાં નસીબ ખરાબ કે બીજાં બાળકને પણ એ જ તકલીફ આવી..પણ પછી દિવસે દિવસે સ્મિતા બીમાર વધારે ને વધારે પડતી ગઈ..અને આજે આ હાલત થઈ ગઈ છે..

મીનુએ પૂછ્યું " કાંઇ ઇલાજ નથી ?"

એ ભાઇએ જવાબ આપ્યો " ના બહેન ૨૦ વર્ષથી ખાલી આ જ કરું છુ પણ મનનો કોઇ ઇલાજ નથી ને..આ ઉભા છે એ જ બંને મારા દીકરાઓ છે કે જે બોલી અને સાંભળી શક્તા નથી..પણ એમના તો લગ્ન પણ થઈ ગયાં..પણ મને મારી પત્ની પાછી ન મળી..

ત્યાં તો ડો. એ બોલાવ્યા અને એ ભાઈ ઉભા થયા અને કહ્યું "ચલો બહેન હુ જાવ છુ, પણ મારું સરનામું લખી લ્યો . ક્યારેક આવજો ઘરે. કદાચ તમારી સાથે વાત કરીને એ ભૂતકાળનાં સ્મરણો યાદ કરવાથી એની તબિયતમાં ફરક પડે.."

મીનુએ સરનામું લખતા લખતા વિચાર્યું કે કેવો માણસ છે કે પોતે જ હમણાં કહ્યુ કે કોઇ ઇલાજ નથી અને પાછી એક નવી આશાને જન્મ પણ પોતે જ આપે છે..

નીતા કોટેચા "નિત્યા"