Pruthvi ane Akash books and stories free download online pdf in Gujarati

પૃથ્વી અને આકાશ

પૃથ્વી અને આકાશ

સવારના ખુશનુમાં વાતાવરણમાં સૂરજદાદા સોનેરી કિરણોનો પ્રકાશ લઇ ધીરે – ધીરે આગમન કરી રહ્યા રહ્યા છે, પંખીઓનો મીઠો કલરવ વાતાવરણને ચેતનવંતુ બનાવી રહ્યો છે, સદ્યસ્નાતા પૃથ્વી જાણે સોનેરી કિરણોરૂપી પ્રકાશનું સ્વાગત કરી રહી હોય તેમ સૂરજ સામે મો રાખીને ઉભી છે ,સૂરજના સોનેરી કિરણો તેના મુખમંડળને અનેરી શોભા આપી રહ્યા છે, તેના ભીના સુંવાળાં કેશમાંથી આવતી તાજગીસભર સુગંધ અને ટપકતા પાણીના ટીપાં વાતાવરણને વધું આહ્લાદક બનાવી રહ્યા હતા.

અચાનક કશું યાદ આવતા પૃથ્વીએ ફલેટનો દરવાજો ખોલ્યો અને તેના આશ્ચર્ય વચ્ચે દરવાજાની વચોવચ્ચ ગુલાબના ફૂલોનો સુંદર તાજો ગુલદસ્તો પડ્યો હતો, છેલ્લા ચાર દિવસથી પૃથ્વીના દરવાજા પાસે કોઈ અજનબી ગુલદસ્તો મૂકી જતું હતું, પૃથ્વીએ ગુલદસ્તો હાથમાં લીધો, તેમાં હંમેશ મુજબ પૃથ્વીનું નામ લખેલું હતું, પણ મોકલનારનું નામ ક્યાંય નહોતું. “કોણ મોકલતું હશે?” એમ મનોમન વિચારતી પૃથ્વી એ અજનબી વ્યકિત વિષે જાણવા આતુર રહેતી.

એ દિવસે ઓફિસમાં પૃથ્વીને ઉદાસ જોઈ ટીનાથી નાં રહેવાયું,

“પૃથ્વી, કેમ ઉદાસ દેખાય છે?”

“કઈ નહી, એ તો અમસ્તું જ.” કહી પૃથ્વીએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.

“પૃથ્વી, કંઈક તો જરૂર છે, જે તું મારાથી છુપાવે છે.”

આખરે પૃથ્વીએ ગુલદસ્તા વિશેની બધી હકીકત કહી સંભળાવી.

“ઓહ! પૃથ્વી એમાં આટલું મૂંઝાવાની જરૂર શું?”

“પણ એ અજ્ઞાત વ્યકિત કોણ હશે?”

“એક કામ કર પૃથ્વી, એ વ્યકિત ક્યાં સમયે ગુલદસ્તો મૂકી જાય છે?”

“લગભગ વહેલી સવારે જ મૂકી જાય છે.”

તું વહેલી સવારે ઘરની બારી સહેજ અધખુલી રાખીને બેસજે અને ગુલદસ્તો મૂકવા આવનારને ઓળખવાની કોશિશ કર.

“ઠીક છે, કોઈ પણ હિસાંબે જ્યાં સુધી એ અજાણ વ્યકિત વિષે નહી જાણું ત્યાં સુધી મારા મનને શાંતિ નહી મળે.”

“બીજા દિવસે પૃથ્વી ગુલદસ્તો મૂકવા આવનારને ખબર ન પડે એ રીતે ઘરની બહાર છુપાઈને ઉભી રહી ગઈ, અને ઘરનો દરવાજો બંધ રાખ્યો.”

“પૃથ્વી વારંવાર ઘડિયાળ જોયા કરતી હતી, ઘડિયાળનો કાંટો સમયને ચીરતો આગળ ધપી રહ્યો હતો, સાત થયા, સાડા સાત થયા, પણ કોઈ દેખાયું નહી, પૃથ્વીની ધીરજ ખૂટવા લાગી, તેનું મન જાતજાતની કલ્પનાઓ કરવા લાગ્યું, શું એ અજાણ વ્યકિતને મારા અહીં છુંપાયાની ખબર પડી ગઈ હશે? પરંતુ બીજી જ ક્ષણે તેને થયું, નહી તે કદાચ મોડો આવતો હશે. મારે અહીં સાડા આઠ સુધી તો રાહ જોવી જોઈએ. એમ વિચારતી પૃથ્વી ફરી બારીમાંથી રાહ જોવા લાગી.

તેની નજર બહાર રોડ પર પડી, એક વ્યકિત ખભે શાલ નાખીને આવી રહ્યો હતો, દૂરથી તેનો ચહેરો સાફ નહો’તો દેખાઈ રહ્યો, એક હાથમાં ગુલદસ્તો જોઈ પૃથ્વીના દિલના ધબકારા વધી ગયા, તે વ્યકિત ઘર તરફ જ આવી રહ્યો હતો, પૃથ્વી તેને શંકા ન જાય એ રીતે છુપાઈ ગઈ.

તે દરવાજા સુધી આવ્યો, પૃથ્વી તેને ઓળખવા કોશિશ કરતી ત્યાં જ બેસી રહી, તે ગુલદસ્તો મૂકી ઝડપથી જવા લાગ્યો, પૃથ્વીને એ ચહેરો પરિચિત લાગ્યો, તે યાદ કરવા મથામણ કરતી ત્યાંથી ઉભી થઈ ઘરમાં દાખલ થતા જ તેને અચાનક કશું યાદ આવતા ઝડપથી કબાટ ખોલ્યો અને તેમાંથી જુનું આલ્બમ કાઢી એક પછી એક ફોટા જોવા લાગી, અને એક ફોટા ઉપર તેની નજર સ્થિર થઈ, લગભગ પોતાનો દસ વર્ષ પહેલાનો આકાશ સાથેનો ફોટો જોઈ તેના મનમાં બાળપણની યાદો જીવંત થઈ.

આકાશ તેના પપ્પાના ખાસ મિત્ર રોહિતભાઈનો એકનો એક પુત્ર હતો, રોહિતભાઈ અવાર – નવાર સહપરિવાર પૃથ્વીના ઘરે આવતા, રોહિતભાઈ આવતા જ નાનકડી પૃથ્વીને આકાશ સાથે રમવાની મજા પડી જતી, રમતા – રમતા બન્ને ક્યારેક ઝગડતા પણ બન્નેને એકબીજા વિના ચાલતું નહી બન્નેની નિર્દોષ સુમેળ દોસ્તી કિશોરાવસ્થામાં આકર્ષણનું કેન્દ્ર બની, બન્ને પરિવારથી આ વાત અજાણ નહો’તી. થોડા વર્ષમાં જ રોહિતભાઈની બીજા શહેરમાં બદલી થતા તેમણે શહેર છોડવું પડ્યું, શરૂઆતમાં બન્ને પરિવાર વચ્ચે અવારનવાર ફોન પર સંપર્ક થતો, પરતું સમયના વહેણ સાથે સંપર્ક ઓછો થયો, પૃથ્વી આકાશને ભૂલી નહોતી, પૃથ્વીએ એમ. બી. એ. કર્યું, અને સારી કંપનીમાં જોબ મળતા અમદાવાદ શીફ્ટ થઈ ગઈ હતી. પૃથ્વી અમદાવાદમાં ભાડે ફ્લેટ રાખી રહેતી, અને મમ્મી –પપ્પા રાજકોટમાં રહેતા હતા.આકાશ સાથેની દોસ્તીની પળો પૃથ્વીના હૃદયમાં જેમની તેમ હતી, આકાશને જોતા જ તેના પ્રત્યે પૃથ્વીનું એ આકર્ષણ ફરી જીવંત થયું.

આકાશ સાથેનો પોતાનો ફોટો જોતા જ તેને યાદ આવ્યું, ગુલદસ્તો મૂકવા આવનારનો ચહેરો બિલકુલ આકાશ જેવો જ હતો, “ક્યાંક એ આકાશ તો નહી હોય ને?” બીજી જ ક્ષણે પૃથ્વી વિચારવા લાગી, “પણ આકાશ આ રીતે ચોરી છુપીથી શા માટે મને ગુલદસ્તો આપી જાય છે? મારી સામે કેમ નથી આવતો? ક્યાંક આકાશ જેવો જ ચહેરો ધરાવતો કોઈ બીજો વ્યકિત હશે તો? પૃથ્વીનું મન જાતજાતની કલ્પનાઓ કરવા લાગ્યું.” એ જે કોઈ પણ હોય પણ આવતીકાલે તેની સમક્ષ જઈને તે કોણ છે એ બધું જ જાણી લેવું છે.

બીજા દિવસે સવારે પૃથ્વી બારી પાછળ છુપાઈ ગઈ, અને થોડી વારમાં જ તે વ્યકિત દરવાજા પાસે ગુલદસ્તો મૂકી જવા લાગ્યો, પૃથ્વીએ ઝડપથી દરવાજો ખોલી બૂમ મારી.

“આકાશ... આકાશ...” આગંતુકે કશો જવાબ ન આપ્યો અને તે વધું ઝડપથી ચાલવા લાગ્યો, પૃથ્વી તેની પાછળ- પાછળ ચાલવા લાગી, પણ જોતજોતમાં તો તે ભીડમાં અદ્રષ્ય થઈ ગયો.

પૃથ્વીની મનોદશા વધુ વિકટ થઈ, “આકાશ શા માટે મારી સામે નથી આવતો? એવી તે શી મજબૂરી હશે!” કોઈ પણ હિસાબે હવે આકાશને મળીને બધી વાતનો પર્દાફાશ કરવો જ જોઈએ એમ તેને લાગ્યું.

પૃથ્વી ઓફિસ જવા માટે બસની રાહ જોતી ઉભી હતી, બસ આવતા જ પૃથ્વી ફટાફટ બસમાં ચઢી, પાછળ ખાલી સીટ જોતા જ તે પાછળ જવા લાગી, અચાનક તેનું હૃદય ધબકારો ચૂકી ગયું, સૌથી છેલ્લેથી બીજી સીટ પર આકાશ બેઠો હતો, હંમેશ મુજબ તેણે ખભે સાલ નાખેલી હતી, પૃથ્વીને જોતા જ તે પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પૃથ્વીને મનમાં થયું અહીં જ આકાશ સાથે વાત કરી લઉ, પણ અહીં ચાલુ બસમાં આકાશ જવાબ આપશે? તેના મુખે આવેલા શબ્દો અટકી ગયા. તે પાછળની સીટ ઉપર બેસી ગઈ, તેનું હૃદય તેજ ગતિએ દોડી રહ્યું હતું, કોઈ પણ હિસાબે આકાશ સાથે વાત કરીને જ જંપીશ, આગળના સ્ટોપ પર બસ ઉભી રહી, આકાશ પોતાની જગ્યાએથી ઊઠી બસમાંથી ઉતર્યો, પૃથ્વી પણ સડસડાટ તેની પાછળ ઉતરી ગઈ.

બસમાંથી ઉતરી આકાશ ઝડપથી ચાલવા લાગ્યો, પૃથ્વી પણ આકાશની પાછળ બમણી ઝડપે ચાલવા લાગી, તેને આકાશનો રસ્તો રોકતા કહ્યું,

“આકાશ..બહુ થયું હવે, આમ ક્યાં સુધી મારાથી મો છુપાવતો ફરીશ?”

“કોણ આકાશ! હું આકાશ નથી, અને તમે કોણ છો?”

“બસ આકાશ... તમારી આંખો કહે છે, તમે મારાથી કંઈક છુપાવો છો, તમે દરરોજ મારા દરવાજા પાસે ફૂલોનો ગુલદસ્તો મૂકી જાઓ છો, તમારા હૃદયમાં હજી પણ મારી યાદો અકબંધ છે, પણ શા માટે આ પડદો રાખો છો?”

આકાશ કશો જવાબ આપે એ પહેલા જ એક ઓટો રીક્ષા આકાશની સાવ નજીકથી પસાર થઈ અને આકાશે ખભા પર ઓઢેલી શાલ રીક્ષાના આગળના ભાગમાં ભરાઈ જતા ખેચાઈ ગઈ, “નહી... !”એક કારમી ચીસ આકાશના મુંખેથી નીકળી ગઈ. કેટલીક ક્ષણો સ્તબ્ધ મૌન છવાયેલું રહ્યું. આકાશના ચહેરા પર અજીબોગરીબ ગમગીની છવાઈ, પૃથ્વી ફાટી આંખે આકાશને જોતી રહી.

“આકાશ! તમારો એક હાથ…. ! આ બધું ક્યારે બન્યું?”

આકાશ મૂર્તિમાન બની ગયો, જે રહસ્ય છુપાવવા ખાતર તે આજ સુધી પૃથ્વીની સામે આવવાનું ટાળતો હતો, તે આજે આમ અનાયાસ જ પ્રગટ થઈ જતા તે નિ:શબ્દ બની ગયો.

“બોલ આકાશ મૌન કેમ થઈ ગયો?” આખરે આકાશે મૌન તોડ્યું.

“બે વર્ષ પહેલાં જ એક ગોઝારા અકસ્માતમાં મેં મારો એક હાથ હમેંશ માટે ગુમાવ્યો હતો. હું અહીં છેલ્લા એક વર્ષથી રહું છું, અને એક કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરું છું, મેં એક દિવસ તને બસમાં જોઈ પછી તારા વિષે બધી માહિતી મેળવી, તને જોઈને મારા હૃદયનાં તાર ફરી ઝંકૃત થયા, પણ મારી અપાહિજ સ્થિતિ લઈને હું તારી સમક્ષ કેવી રીતે આવું? મને આ સ્થિતિમાં જોઈને તું શું વિચારીશ એ મૂંઝવણમાં જ મેં તારી સામે આવવાનું અત્યાર સુધી ટાળતો રહ્યો.”

“બસ,.... આટલી નાની વાત ખાતર તું તારી ઓળખ છુપાવતો હતો?શું આપણી એ બાળપણની મિત્રતાની દોર આટલી કાચી હતી? કે તને મારી મિત્રતા ઉપર વિશ્વાસ નહોતો?”

“એમ વાત નથી પૃથ્વી....”

“બસ, આકાશ મારે હવે કશું સાંભળવું નથી, એક હાથ ન હોવાથી શું થઈ જવાનું છે? હું જીવનભર તમારો બીજો હાથ બનીને રહીશ.”

“પૃથ્વી... ! આ તું શું કહે છે? એક અપાહિજ સાથે જીવન જીવવાની વાત કરે છે? નહી.. પૃથ્વી મેં જ મોટી ભૂલ કરી છે, તારા ઘરના આંગણામાં પગ મૂકીને.”

“તમે કોઈ ભૂલ નથી કરી, તમારું ભાગ્ય તમને સાચી જગ્યાએ ખેચી લાવ્યું છે.”

પૃથ્વીની વાત સાંભળી આકાશે રહસ્યમય મૌન ધારણ કર્યું.

“પૃથ્વી હવે હું જાઉં છું, ઓફિસે પહોચવાનું ખાસ્સું મોડું થઈ ગયું છે.”

કહી આકાશ ઝડપથી જતો રહ્યો, આકાશના ગયા પછી પૃથ્વી કેટલીય ક્ષણો શૂન્યમનસ્ક થઈ ત્યાં જ ઉભી રહી.પૃથ્વીએ આજે ઓફિસે જવાનું માંડી વાળ્યું અને તે ઉદાસ મને ઘરે પાછી વળી.

પૃથ્વી બીજે દિવસે ઓફીસ જવા નીકળી, તેની નજર દરવાજા ઉપર સ્થિર થઈ, તેની આંખો સમક્ષ એક સુખદ સ્વપ્ન છવાઈ ગયું, આકાશ આવી જ ખુશનુમાં સવારે પૃથ્વીના હાથમાં પ્રત્યક્ષ ગુલદસ્તો આપવા આવી પહોચ્યો. પૃથ્વી આકાશની આંખોનાં ઊંડાણમાં ખોવાઈ આકાશ સાથે એકાકાર થઈ ગઈ, ખરેખર ક્ષિતિજની એ ક્ષણો પૃથ્વીને આહલાદકતાનો અનુભવ કરી રહી હતી.

“મેડમ, ન્યૂઝપેપર....”

પૃથ્વીની સ્વપ્નસૃષ્ટિમાં ભંગ પડતા તે વાસ્તવિક દુનિયામાં આવી પહોંચી, દિવસ રાત આકાશની યાદોમાં ખોવાયેલી રહેતી પૃથ્વીને વિશ્વાસ હતો કે આકાશ એક દિવસ જરૂર પ્રત્યક્ષ ગુલદસ્તો આપવા આવશે.

આકાશ પોતાને પૃથ્વીને લાયક ન સમજતા પૃથ્વી ઉપર બોજ બની જીવન જીવવા કરતા હમેંશા શહેર છોડી તેનાથી દૂર જતો રહ્યો.

પૃથ્વીની આંખો દરવાજા પાસે કોઈને શોધતી સ્થિર થઈ જતી, એ જ વિશ્વાસે કે ક્યારેક ક્ષિતિજની એ ક્ષણોનું નિર્માણ અવશ્ય થશે, પણ તેને ક્યાં ખબર હતી કે, તેના ભાગ્યમાં ક્ષિતિજની એ ક્ષણો એક સ્વપ્ન બનીને રહી ગઈ હતી.

શીર્ષક – પૃથ્વી અને આકાશ

શબ્દો – ૧૪૩૬

રચનાકાર – રક્ષા મામતોરા

મો.-૯૯૦૯૬૨૩૧૪૫

સાચા પ્રેમમાં ત્યાગ અને સમર્પણ હોય છે, જેમ સાંજના સમયે જેમ ક્ષિતિજનું દ્રશ્ય થોડા સમય માટે જ જોવા મળે છે, તેમ પૃથ્વી અને આકાશનાં જીવનમાં પણ થોડા સમય માટે જ ક્ષિતિજની પળોનું નિર્માણ થાય છે.