Adhinayak - 26 books and stories free download online pdf in Gujarati

અધિનાયક દ્રશ્ય 26 Political thriller

દ્રશ્ય: - 26

- “જીજ્ઞાસા ગઢવી! જો ખરેખર તમારા આત્મ સન્માન જેવું કાંઇ બચ્યું હોય તો આ વકિલાત તમે અબઘડીએ છોડી દો!” જીજ્ઞાસાબહેનના ઘરે જઇને સાગરીકા જીજ્ઞાસાબહેન ખરી-ખરી સંભળાવવા લાગી. “નિત્યા જીવન અને મરણ વચ્ચેની લડાઇ લડી રહી છે અને તમને અંગત અદાવતની પડી છે? ભલે તમારે અને શ્રીમાન મહેતા વચ્ચે જે વાંધો હોય તે તમને અને શ્રીમાન મહેતાને મુબારક! પણ. નિત્યાનો ભોગ લેવાનો તમને કોઇ હક્ક નથી. તમારા જેવા વકીલ હોય તો કોઇપણ છોકરીને ન્યાય મળે એ ભુલી જવાનું! તમે વકીલ તરીકે કંલક છે...”

“સાગરીકા!” જીજ્ઞાસાબહેન મોટે અવાજે બોલી ઊઠ્યા, “તું ભુલી જાય છે, તું જીજ્ઞાસા ગઢવીના ઘરે ઉભી છો. મારા ઘરે ઉભીને તું મને જ જે મનમાં આવે છે તે બોલી જાય છે. તને જરા પણ ખબર નથી કે હકિકત શું છે? મુર્ખ જેવી!”

“મને ભાન નથી. પણ તમને તો છેને? હું મુર્ખ છું. પણ તમારી બુદ્ધી શું ઘાસ ચરવા ગઇ છે? એવું નથી કે હું તમારી પાસે નિત્યાનો કેસ લડાવવાની ભીખ માંગવા આવી છું. પણ તમારા પ્રત્યે મને સન્માન હતું, તેને તમે ઠેંસ પહોંચાડી છે. એટલે જ કહું છું કે તમારામાં જરા પણ..”

“સાગરીકા! મારી પુરી વાત સાંભળ્યા વગર તું જે નિર્ણય પર આવી છો તે ખોટો છે. હું નવિનભાઇ હત્યા કેસ લડી જ રહી છુંને? મેં તે ક્યાં છોડ્યો? બસ! મને શ્રીમાન મહેતા સાથે વાંધો છે. હું તો તમને પણ સલાહ આપીશ કે તમે પણ અલગ કેસ બનાવો. કદાંચ તેમાં ન્યાય મેળવવાની શક્યતા વધારે રહેશે..” જીજ્ઞાસાબહેન નરમ પડ્યાં.

“એવીં તે કઇ વાત છે જેના કારણે તમને શ્રીમાન મહેતા સાથે વાંધો પડી ગયો? જ્યાં સુધી અમે જાણીએ છીએ તેઓ તો મુખ્યમંત્રી રાવળની પણ શેહ રાખતા નથી. હોસ્પીટલમાં તો પોતાના ડોક્ટરની ટીમ ખડકી દિધી હતી, એટલા શક્તિશાળી છે. એ તમારી માફક જ..”

“સાગરીકા! દુનિયાને પ્રકાશ આપનાર સુર્યની પાસે જનારને ખબર પડે કે એ કેટલો જીવલેણ છે. તમે માત્ર આ અનંતરાયનો પ્રકાશ મેળવ્યો છે. જ્યારે તેમની આગથી ધગશોને ત્યારે ખબર પડશે કે એ કેટલા જીવલેણ છે.” જીજ્ઞાસાબહેન ગંભીરતાથી બોલ્યા. સાગરીકા તેમને જોઇ રહી. તેણીને વિશ્વાસ નહોતો આવતો કે જીજ્ઞાસાબહેન જે બોલી રહ્યા છે એ સાચું કેટલું છે?

“એવી તે કઇ વાત છે? જેનો અનુભવ તમને શ્રીમાન મહેતાથી થયો છે?” સાગરીકા જીજ્ઞાસાબહેનની આગળ ઉભી રહી. સોફા પર બેઠેલ જીજ્ઞાસાબહેનની આંખોમાંથી દડ-દડ આસું વહેવા લાગ્યાં, “મેમ! તમે રડો છો? પ્લીઝ મેમ! તમે રડો નહીં! મને માફ કરજો મારા કારણે તમારા હ્રદયને ઠેંસ પહોંચી હોય તો! મારો એવો કહેવાનો અર્થ..” સાગરીકા ટેબલ પરનો પોતાના માટે રખાયેલો પાણીનો પ્યાલો લઇને જીજ્ઞાસાબહેનને આપ્યો. જીજ્ઞાસાબહેને પાણી પીધું. સાગરીકાને પાસે બેસાડી.

“સાગુ! આજે તે મને મોઢે કહી નાખ્યું એ મને જરાય ખોટું ન લાગ્યું. કારણકે તારો સ્વભાવ મારા જેવો છે. આખાબોલો! એકવાર મનમાં જે હોય તે બોલી નાખે. પણ પછી મનમાં કોઇ મેલ ન રાખે. પણ સાગુ! દુનિયામાં બધાય કાંઇ આપણાં જેવા નથી હોતા. આજથી વીસ વર્ષ પહેલાં જુનાગઢથી અમદાવાદ વકીલાત કરવા આવી હતી. નાની એવી ઓરડી ભાડે રાખીને કેસ લખતી. પપ્પાને ત્યાં પૈસાની કોઇ કમી ન હતી. આંબાના બગીચાઓ હતાં પપ્પાને ઘરે! દોહ્મ-દોહ્મ સાહેબી હતી. પપ્પા ખુદ વકીલ હતા. ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં તેમની ચેમ્બર હતી. ચેમ્બર હોય તેને ક્યાંય કેસ શોધવા જવા ન પડે. તે ધારત તો મારી ચેમ્બર બનાવી આપત. પણ મેં જ તેમને કહ્યું હતું કે હું તેમના નામે નહીં પણ મારા પોતાના નામે આગળ વધવા ઇચ્છું છું. જોકે શરૂઆતમાં મારો સંઘર્ષ એવો રહ્યો કે પપ્પા પણ મને જુનાગઢ પાછી બોલાવી લેવા વારંવાર કહેતાં. એક સ્ત્રી તરીકે કોઇપણ ક્ષેત્રમાં આગળ આવવું કેટલું મુશ્કેલ છે એ તારાથી વધારે કોણ જાણી શકે? સૌથી પહેલા તો કોઇ મને વકીલ તરીકે સ્વીકારવા જ તૈયાર ન હતું. પછી કોઇ મને આસિસ્ટન્ટ તરીકે કામ કે કામનો અનુભવ કરાવવા પણ તૈયાર ન હતું. ઉચ્ચ ન્યાયાલયના ચોગાનમાં મને કોઇ બાકડો કે જ્યાં હું કેસ લખી શકું એ પણ આપવા તૈયાર ન હતું. માંડ-માંડ એક મોટા વકીલમેમની આસીસ્ટન્ટ બની. એ વકીલમેમ ખાસ કરીને વેપારીઓના જ કેસ લડતાં. સામાન્ય લોકોને તો તેમની આજુબાજુ પણ ફરકવા ન મળતું. જેટલી ઊંચી નામના એટલી ઊંચી ફી! જાણે ઉપકાર કરતાં હોય! મારે તો માત્ર તેમની સુટકેસ જ પકડીને ચાલવાનું. ગુજરાન ચલાવવાનો તો કોઇ વાંધો જ ન હતો. પણ મારે જે અનુભવ જોઇતો હતો એ નહોતો મળતો. ત્યારે દેવરાજ રાવળનું રાજ હતુ. શ્રીમાન મહેતા તેમના મિત્ર! ત્યારેય તેમની ધાક ચાલતી. પોતાના દમ પર પોતાનો ઉદ્યોગ ઊભો કરવા મથતા હતા. જોકે તેમને દેવરાજભાઇનો સાથ સારો એવો હતો. તેવામાં તેમને જીમ્મી કુક જે ઇંગ્લેન્ડની એક મોટી ટેલીકોમ કંપનીનો દલાલ હતો. તેણે મંગલ સોની નામના શ્રીમાન મહેતાની કંપનીના એક મૅનેજર દ્વારા ઓફર કરી કે તેની ટેલીકોમ કંપની ગુજરાતમાં ટેલીકોમ બીઝનેસ સ્થાપવા ઇચ્છે છે. તેમાં શ્રીમાન મહેતાની કંપની પૈસા રોકે તો શ્રીમાન મહેતાને કરોડોનો નફો થાય તેમ છે. પણ આ માટે પૈસા રોકવા માટે લોન લેવી જરુરી હતી. લોન ત્યારે જ મળે જ્યારે અગાઉ લીધેલ લોન ભરી હોય અથવા તો કુંડાળા કરવા પડે. શ્રીમાન મહેતાને આ નવા-નવા ધંધામાં પૈસો દેખાયો. તેમણે કુંડાળા કરીને લોન મેળવી લીધી. થોડા ઘણાં પૈસા સરકારી યોજનામાં રોક્યા હતા. એ હિસ્સો જીમ્મી કુકના કહેવાથી તેની(જીમ્મીની) પસંદગીની કંપનીમાં રોક્યા જે સમય જતાં શ્રીમાન મહેતાની જ કંપનીને મળવાનાં હતાં. કામ શરૂ થાય એટલે લોનની ભરપાઈ થવાની જ હતી. શ્રીમાન મહેતાના કહેવાથી માલ આયાત કરવા પર અને બીજા અનેક સરકારી ટેક્ષ માફ કરવા દેવરાજ દ્વારા કેન્દ્ર સરકારને વિનંતી કરાઇ. થોડા કુંડાળા પણ કર્યા. દરીયાઇ માર્ગે જીમ્મી કુકની કંપનીનો માલ આવતો. તેમાં એક દિવસ કંડલા પોર્ટ પર તપાસ દરમ્યાન દાણચોરી પકડાઇ. ત્યારે જીમ્મી કુકનું કોભાડ ઝડપાયું. જીમ્મી કુકની ધરપકડ થતાં દિવમાં હંગામો થયો. એ તો રાજકીય મુદ્દો છે. પણ મારી મેમને શ્રીમાન મહેતા તરફથી કેસ લડવાનો આવ્યો. પણ મેમ બિમાર પડ્યાં. તેમણે મને આ કેસ લડવા કહ્યું. મને લાગ્યું કે આ મારા માટે મોટી તક છે. મેં મગંલ સોની સાથે સંપર્ક કરીને ‘હું આ કેસ લડવા તૈયાર છું’ ની કેફીયત આપી. આ કેસમાં એક વાત તો સ્પષ્ટ હતી કે જો જીમ્મી કુક દોષી જાહેર થાય તો તેમાં દેવરાજ રાવળ અને શ્રીમાન મહેતા પર પણ છાંટા ઉડે તેમ હતાં. શ્રીમાન મહેતાએ મને તેની ઓફિસ બોલાવી. મેં પુરો કેસ જણાવ્યો. સાથે-સાથે તેમને અને દેવરાજ રાવળને ઊભી થનારી સમસ્યા પણ જણાવી. શ્રીમાન મહેતા મારા પર ગુસ્સે થયા. આ કેસમાં તેમનું કે દેવરાજ રાવળનું નામ ન આવવું જોઇએ. જે મારા સિદ્ધાંતોની વિરૂદ્ધ હતું. મેં વિરોદ્ધ કર્યો તો એ માણસે મને પોતાની ઓફિસમાંથી ધક્કા મારી-મારીને બહાર કઢાવી. મારું આટલું હળહળતું અપમાન ક્યારેય કોઇએ નથી કર્યું. ત્યારબાદ કોમી રમખાણો થયાં. જીમ્મી કુક આતકવાદી જાહેર થયો. 2003 મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુનેગાર સાબિત થતાં ફાંસીની સજા પામેલ છે. શ્રીમાન મહેતા એ લોન કેસમાં નિર્દોષ જાહેર થયાં. ત્યારથી મારે અને શ્રીમાન મહેતાને બોલવાના પણ સંબંધ નથી. ત્યારથી મેં નક્કી કર્યું કે હું હંમેશા ગરીબ નિર્દોષ માટે કેસ લડીશ. આજે જો! સારા-સારા અમીર લોકો મારી સામે કેસ કરાવતા પહેલાં સો વાર વિચારશે. નિત્યા માટે હું આ કેસ પણ લડવા તૈયાર છું પણ મને આ શ્રીમાન મહેતા પર વિશ્વાસ નથી.” જીજ્ઞાસાબહેને પુરુ કારણ જણાવ્યું.

“મેડમ! હું તમારી લાગણી સમજી શકું છું, મને માફ કરો, જો મારાથી સમજ્યા વગર કાઇપણ વધારે કહેવાઇ ગયું હોય તો..! પણ હું તમને ખાતરી આપું છું કે શ્રીમાન મહેતા તમારા કામમાં વચ્ચે નહીં આવે. બસ! મારા પર વિશ્વાસ રાખીને તમે આ કેસ લડવા તૈયાર થઇ જાઓ!” સાગરીકાએ હજુ પણ પોતાની હઠ છોડી નહોતી. જીજ્ઞાસાબહેન તેણીને જોઇ હસવા લાગ્યા.

“હું લડીશ નિત્યાનો કેસ! બસ?” જીજ્ઞાસાબહેન હસ્યાં. સાગરીકા હસી.

- “મેડમ! એક વાત મને ન સમજાઇ?”

“હવે શું ન સમજાયું તને. સાગરીકા?”

“એ જ કે આ જીમ્મી કુકે શ્રીમાન મહેતાને જ શા માટે ફંસાવ્યા હશે? જુઓને, પપ્પા મને કોમી રમખાણોની વાતો કરતાં ત્યારે કહેતા કે જીમ્મી કુકને લંડનમાં કોઇ એવા વ્યક્તિ સાથે સંબંધ હતો જેણે તેને ગુજરાત આવવાની મદદ કરી. તે જ જીમ્મી પર મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગેરકાયદેસર હથિયારોની દાણચોરીનો પણ આરોપ લાગ્યો હતો. જો એ 2003 માં હથિયારોની હેરાફેરી કરી શક્યો હોય તો 1995 માં કેમ ન કરે?”

“સાગુ! હું તારો ઇશારો સમજુ છું પણ હું એ કેસ અગે વધારે જાણતી નથી એટલે મારા માટે વધારે કઇપણ કહેવું એ તને ગેરમાર્ગે દોરી શકે છે. છતાં શક્ય બને તો તપાસ કરાવજે.”

“ચોક્કસ મેડમ!” સાગરીકા ઉભી થઇ અને ચાલતી થઇ, તેણી આજે ખુશ હતી, નહીંતર જીજ્ઞાસાબહેનને મનાવવા કોઇને માટે પણ અશક્ય જ છે. બહાર નિકળીને હજુ તો જ્યુપીટર start કર્યું કે સાગરભાઇએ હોસ્પીટલે બોલાવી. અગત્યનું કામ આવી ગયું. સાગરીકા બાપુનગરથી નિકળીને સિવીલ જવા ઉપડી.

***

- અંતે રાત્રે અવનિને ભાન આવી ગઇ. હોસ્પીટલમાં રોકાયેલા સાગરે સૌને કોલ કરીને હોસ્પટલ બોલાવ્યાં. સાગર-ગંગા સિવાયના પટેલ પરીવારના સભ્યો. શ્રીમાન-શ્રીમતિ મહેતા અને સાગરીકા હોસ્પીટલ આવી ગયાં. કાયદા પ્રમાણે અવનિનું નિવેદન લેવાનું જરુરી હોવાને કારણે પુલીસ પણ આવી પહોચી. સૌથી પહેલાં પુલીસ અવનિને મળી. અવનિએ મુખ્યમંત્રીના પુત્ર વિક્કીને ઓળખી બતાવ્યો અને પુરી ઘટનાનું વર્ણન કર્યું. અન્ય તમામ પ્રકારની મદદ કરવાની તેણીએ તત્પરતા દર્શાવી. અવનિને કારણે પુલીસ દિશા મળી અને એ ત્રણેય વિરૂદ્ધ મજબુત પુરાવો મળી. ત્યારબાદ મમ્મી-પપ્પા મળવા આવ્યાં. પોતાના જીવની પરવા કર્યા વગર વીસ-વીસ ગુન્ડાઓનો સામનો કરવાવાળી પોતાની બહાદુર દીકરી પર ક્યા માઁ-બાપને ગર્વ ન થાય! જોકે અવનિએ નિત્યાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે ડોક્ટરે તેણીને આરામ કરવાની સલાહ આપી. અન્ય તમામે અવનિને આરામ કરવા દઇને બહાર ગયાં. શ્રીમાન મહેતાએ શ્રીમાન ખુશાલભાઇને વિનંતી કરી કે તેનો પરીવાર ઘરે જઇને આરામ કરે તેઓ હવે બધું સંભાળી લેશે. શ્રીમાન પટેલે વાત માનીને પરીવારને ઘરે લઇ ગયા. દીકરીને ભાન આવી જતાં શ્રીમાન-શ્રીમતિ મહેતાને નવો ઉત્સાહ આવી ગયો હતો.

***

- “ગુડ મોર્નિંગ! સાગુ!” ખબર ગુજરાત ભવનના ત્રીજા માળે આવેલ સાગરીકાની ઓફીસના ટેબલ પાસે આવીને પિન્ટુ બોલી ઉઠ્યો, સાગરીકા હજુ તો આવી જ હતી, પિન્ટુ જેવો પાસે આવ્યો કે સાગા ઊભી થઈને પિન્ટુ પાછળ આવીને પીઠ પર ધુબ્બો માર્યો, “એ...પાડી..”

“પાડો તું...” સાગરીકા હસવા લાગી, “પાડા! આખો દિવસ ખા-ખા કરે છે, કોઇ કામ કરતો નથી, મેં તને આશ્રમ પર નજર રાખવા મોકલ્યો હતો, પણ તે હજુ સુધી ખાવાની ડિશ સિવાય કોઇ જાણકારી આપી નથી.” સાગા બોલી ગઇ, પિન્ટુ ખુરશી લઇને તેણીની પાસે બેઠો.

“પાડી! એટલે તો આવ્યો છું,” પિન્ટું બોલ્યો, “તું વિજય ગાયમોરેને ઓળખે છે, એટલે કે તે એનું નામ તો સાંભળ્યું જ હશેને?”

“હાં! નામ તો સાંભળ્યું છે, પણ, તે શું?”

“તેના હમણાં આશ્રમના આટાં ફેરા વધી ગયાં છે, આશ્રમના કેટલાંક સેવકો અદ્રશ્ય થઇ ગયા છે, મેં તો એ જાણકારી મેળવી છે કે આ વિજય ગાયમોરેને અમદાવાદમાં ફેક્ટરી પણ ધરાવે છે,” પિન્ટુ બોલતા-બોલતા અટકી ગયો.

“કેમ અટકી ગયો?”

“સાગુ! હોય ન હોય! આ ગાયમોરેનો આશ્રમ સાથે કોઈ સંબંધ છે.” પિન્ટુ બોલી ઉઠ્યો. સાગરીકા વિચારવા લાગી. પિન્ટુની પીઠ થબથબાવવા લાગી. “પાડી! ખિજાય તો પીઠમાં મારે ને ખુશ થાય તો પણ પીઠમાં જ મારે...! તને બીજુ કાઇ દેખાતું નથી?” પિન્ટુએ રાવ કરી, તો પણ સાગા હસતી જ હતી, ત્યાં તેનો મોબાઇલ રણકવા લાગ્યો. સાગરીકાએ જોયું તો અધિવેશનું નામ દેખાયું.

“અરે યાર વકીલ!!!” કોલ રીસિવ કર્યો, “ ગુડ મોર્નિંગ! અધિ!”

“ગુડ મોર્નિંગ સાગરીકા! શું પછી વકીલને શોધ્યો?” અધિવેશનો અવાજ આવ્યો, સાગરીકા વિચારવા લાગી.

“હાં! હાં! મે વકીલને શોધી લીધો છે, એ તને સાંજે મળવાનો છે,” સાગા થોથવાતી-થોથવાતી બોલી ગઇ. પિન્ટુ પણ સાગરીકાને જોઇ રહ્યો.

“શું નામ છે વકીલનું? મારો કહેવાનો અર્થ છે કે જો તેના નંબર હોય તો તું હેરાન ન થાય,”

“નંબર?” સાગરીકા વિચારવા લાગી, કોઇ વકીલ જ નહોતો તો નંબર તો ક્યાથી હોવાના! “અધિ! નંબર તો નથી, પણ, એ તને સાંજે મળશે જ!”

“ક્યાં મળશે?” અધિવેશે બીજો સવાલ કર્યો, સાગરીકા ખોટા પર ખોટું બોલ્યે જઇ રહી છે, જવાબ આપવા માટે વિચારી રહી હતી, “સાગરીકા! R u sure? કોઇ તને સાંજે મળવાનું કહ્યું છેને કે..” અધિવેશ સાગાના ખોટાને ઓળખી જ જવાનો હતો, “તે શું નામ કહ્યું?”

“માધવ!” સાગરીકાથી બોલાઇ જવાયું, પછી જીભડી નિકળી ગઇ, “માધવ ગાયકવાડ!”

“માધવ ગાયકવાડ?”અધિવેશ વિચારવા લાગ્યો, “નામ તો ક્યારેય સાંભળ્યું નથી!”

“માધવ ગાયકવાડ નવો-નવો આવ્યો છે અને તસ્લિમા જાફરીનો કેસ લડી રહ્યો છે. તેણે જ અવનિ અને નિત્યાને બચાવી છેય અમારી પહેલાં એ જ ફેકટરી પહોંચી ગયો હતો, મે તેને તારી વાત કરી છે અને તે તને આજે સાંજે મળવાનો છે.” સાગરીકા ફટાફટ બોલી ઉઠી જેથી અધિવેશને શંકા ન જાય!

“ખુબ ખુબ આભાર સાગરીકા! તે મારી ચિંતા દુર કરી નાખી.”

“અધિવેશ! આપણે મિત્રો છીએ તો તેમાં આભાર-સોરીની ફોર્માલીટી ન હોય! ચાલ હું તને કોલ કરીશ, તું આવી જજે! ઓકે! બાય” સાગરીકાએ જવાબ આપીને કોલ કાપી નાખ્યો.

“સાગા! સાચું બોલજે કોઇ વકીલ નથીને?” પિન્ટુ સાગાને ઓળખી ગયો.

“વકીલ તો છે પણ તેને મનાવવો જોઇશે. આઈ મિન તેને ખબર જ નથી કે મેં તેને યુવરાજભાઇના કેસમાં વકીલ તરીકે નીમી દિધો છે.” સાગા ઉભી થઇ, “મારે તેને મળવું પડશે પણ..”

“હવે એમ ન કહેતી કે તે ક્યાં રહે છે એ પણ તને ખબર નથી.” પિન્ટુ હસ્યો,

“હાં! યાર! હું એ જ બોલવાની હતી, મને તો એ પણ ખબર નથી કે એ ક્યા રહે છે, મનાવી તો હું લઇશ, પણ સાંજ સુધીમાં મળી જાય તો સારું!” સાગરીકા હવે ખરી ચિંતામાં આવી.

“સાગા! જો વકીલ છે તો મને ખબર છે કે એ ક્યા હશે?”

“તો જલ્દી બોલને, પાડા! કોની રાહ જોવે છે?”

“બોલું છું, પાડી! જો વકીલ હોયને તો અમદાવાદના તમામ વકીલ એક જ જગ્યાએ ભેગા થાય છે. એસજી હાઈવેમાં ઉચ્ચ ન્યાયાલયથી થોડેક દુર એક ‘લોયર્સ ચોઈસ’ નામનો કાફે છે, ત્યા કદાચ મળી જશે.” પિન્ટુએ સરનામું આપ્યુ, સાગા તો ખુશ થઇ ગઇ, “ઘાટ-ઘાટના સમોસા ખાધા છે, ઘાટ-ઘાટની ચા પીધી છે. પાડી!” પિન્ટુ અભિમાનથી બોલ્યો, “આખી દુનિયાને ખબર રાખું છું પણ તને ક્યા કદર છે?”

“તો મેં ક્યાંરે કદર નથી કરી?” સાગા બોલી, પિન્ટુ પાસે જઇને તેના ગાલ પર ટપલી મારી, પિન્ટુ હસવા લાગ્યો, સાગા દોડતી ગઇ.

***

- ગુજરાતના સૌથી વ્યસ્ત શહેર અમદાવાદનો સૌથી વ્યસ્ત વિસ્તાર એટલે એસ જી હાઈવે! સૌથી વ્યસ્ત અને ધનાઢ્ય લોકોનો વિસ્તાર! સૌથી આધુનિક અને સમયના પાબંધને પાળતો વિસ્તાર! ગુજરાતના જાહેર ક્ષેત્રના ટોચના વ્યક્તિઓના અવનવા સાહસોનું સ્થળ એટલે એસ જી હાઈવે! તેમાં પણ ગુજરાતની ઉચ્ચ ન્યાયાલય આવતી હોય અહીં ગુનેગારો-પુલીસ-વકીલ-મિડીયાનો પુરો દિવસ જમાવડો હોય, પુરો દિવસ ચિંતામાં જવાનો જ હોય ત્યારે સવારે તાજગી લાવી દે અને ગુજરાતના ઉચ્ચ ન્યાયાલયના વિસ્તારમાં આટલી વ્યસ્તતા વચ્ચે પણ હળવાશ અપાવી દે એવું કોઇ સ્થળ હોય તો એ હતું, લોયર્સ ચોઈસ કાફે! સવારે અગિયાર વાગ્યે ન્યાયાલયની કાર્યવાહી શરૂ થાય એ પહેલાં વકીલો અહીં આવવાનું શરૂ કરી દે, ન્યાયાલયની પાછળ આવેલ લોયર્સ ચોઈસ કાફેમાં વકીલ-તહોમનદાર-અસીલ-પુલીસ બધા એકસાથે નાસ્તા-પાણી કરે એકબીજાના ક્ષેત્રને બાજુંમાં રાખીને એકબીજાના હાલચાલ પુછે, એકબીજાને સલાહો આપે-મદદ કરે, વાતોના વડા અને મજાક-મસ્તી કરે એવો નજારો ક્યાં જોવા મળે? એમાં પણ ગુજરાતના તમામ શહેરના લોકો આવતાં તો હોય છે પોતાની ચિંતાઓ દુર કરવા પણ આ એક એવું સ્થળ હતું કે જ્યાં સૌ પોતાની ચિંતાઓ છોડીને બીજાની ચિંતાઓને પોતાની સમજીને ઉકેલવા લાગી જાય, નવી-નવી ઓળખાણ થાય, નવા-નવા સંબંધો બને! હા, ક્યારેક અદાવતને કારણે સામસામે કેસ કરી આવેલા લોકોને કારણે વાતાવરણ તંગ પણ બની જાય. ક્યારેક પેટમાં લાગેલી આગ કરતાં મનમાં લાગેલ ચિંનગારી વધુ બળવત્તર હોય તો મામલો વધારે બગડતો પણ જોયાના ઉદાહરણ હતાં.

“લ્યા! કેયોરની કે સુનાવણી સ? સાલા! હવે તો કાંઇક કર! કાં છુટ્ટી જા, કાં ગુનો કબુલીને, યાર, તારે કારણે આ બચારાને અદાલતના ધક્કા થાય એ તો બંધ થાય! જો બચારાના ચંપ્પલ ઘસાયા!” એક ટેબલ પર એક ટનાટન તૈયાર થયેલા વકીલસાહેબે નાસ્તો કરતાં એક આરોપીની પાછળ ઉભા રહીને ટોણો માર્યો.

“સાલા! તમારા જેવા લોકોને કારણે અમારી ફજૈતી થાય છે, તે તો ઘરમાં ચોરી કરી છે એ કબુલી લેને! પૈસા વસુલ કરવાની વાત ક્યાં આવે, પણ જે ચોર્યું છે એ કબુલી લેને,” બાજુના ટેબલ પર બેઠેલા વકીલસાહેબે પણ ટોક્યો. આરોપી નીચે જોઈ રહ્યો.

“અરે! સાહેબ! આરોપ તો કબુલી લઉ કે! પણ જે ચોરી કરી છે એ બચેલું હોય તો સ્વીકારુંને! પુલીસ તપાસશે તો એ પણ નઇ મળે!” આરોપી ઓછો-ઓછો થાતો હતો બીજા હસતા હતાં.

“અરે! એવું તે કાંઇ હોય તે? આ માધવને જો! તેની પાસે કેસ લડાવને! ડોશીએ બે-ત્રણ આસુંડાના દેખાડા શું કર્યા, સાલો! સત્તર-સત્તર જુના કેસ લડવા તૈયાર થઇ ગયો, અરે! ભાઇ! સસ્તી પ્રસિદ્ધી મેળવવી હોય તો આ ત્રણ નબિરાઓનો કેસ લડાયને, ભલે જીતવાનો તો છે નઇ, પણ, માલામાલ થઇ તો જાય.” ત્રીજા ટેબલ પર બેઠેલો સામાન્ય માણસે તો માધવને જ નિશાને કરીને સલાહ આપી.

“એવું તે શા-માટે બોલો છો?” બન્ને હાથમાં ટ્રે લઇને આવતી એક વૈટ્રેસે વાતોમાં ઝપંલાવ્યું, ગુલાબી રંગનું એપ્રોન, ઉંચી-લાંબી પાતળી વૈટ્રેસ બોલી, “માધવ તમારા કરતાં વધારે સારો છે, અમારા જેવા ગરીબ લોકો માટે! એ પૈસા જોઇને નહીં માણસ જોઇને કેસ લડે છે. મેં તો આનેય કહ્યું હતું કે માધવને મળ, તારે કેસ લડવો જ નઇ પડે, પણ ભાઇસાબને તો મોટો વકીલ જોઇતો હતો.”

“લો આવી ગઇ વકીલ માધવની વકીલ! અહલ્યા!”જે આરોપી ટેબલ પર બેઠો હતો તેની ડાબી બાજુના ટેબલ પર બેઠેલા વકીલે હસતા-હસતા અહલ્યાની ટીખળ કરી, “અરે! અહલ્યા! અમને પણ ખબર છે કે માધવ સસ્તો છે. પણ અમે તો તેના ભલા માટે કહેતા હતાં, બાકી પોતાનો પગ જ કુહાડીમાં નાખે તેને કોઇ શું રોકી શકે?” બીજા વકીલો હસવા લાગ્યાં.

“તમે નહીં સમજી શકો માધવને! માધવ પૈસાનો નહીં, માણસાઇની વકીલાત કરે છે.” લંબગોળ શ્યામવર્ણી પણ નમણી અહલ્યાની આંખોમાં માધવ પ્રત્યે પક્ષપાત સ્પષ્ટ દેખાઇ આવતો હતો. ત્યાં સાયકલની ઘંટડી સંભળાવવા લાગી.

“લે! આવી ગયો અહલ્યાનો વકીલ!” વકીલો જાણે ફેસબુકમાં વાતો કરતાં હોય તેમ એક પછી એક કોમેન્ટો પાસ કરીને હસી રહ્યાં હતાં, જોકે, અહલ્યા સર્વ કરીને ચાલી ગઇ. માધવ પોતાની સાયકલને એક મોટરકાર અને મોટરસાયકલ વચ્ચે પાર્ક કરીને કાફેમાં પ્રવેશ્યો. કાફેમાં હસી-મજાકનું હળવું વાતાવરણ સર્જાયું હતું, માધવ એ જોઇને સ્મિત વેરતો કાફેના રસોડાની પાસેના ટેબલ પર બેઠો. પગ પાસે બેગ મુકીને તેમાથી લેપટોપ કાઢીને ટેબલ પર મુંકીને લેપટોપ પાવર ઓન કર્યું, ત્યાં અહલ્યા આવી.

“ગુડ મોર્નિંગ! માધવ!”

“ગુડ મોર્નિંગ! અહલ્યા! કેમ છો?”

“બસ! જેની સાથે માધવ હોય એને શેની ચિંતા?” અહલ્યાએ માધવને પ્રેમાળ જવાબ આપ્યો, “બોલો! શું લઇશ? બોર્નવિટા-ચા-કોફી-દુધ?” અહલ્યાએ પૂછ્યું અને માધવ હંસ્યો, “કેમ હંસ્યો?”

“દરરોજ અહિં જ આવું છું, તમને ખબર છે તોયે શું કામ પુછો છો?”

“એ તો જાણવા કે તારો સ્વાદ બદલાયો નથીને? બાકી વગર પુછ્યે તો ઘરે પણ નથી પીરસાતું જ્યારે આ તો કાફે છે શ્રીમાન!” અહલ્યા હસી, “તારા માટે દુધ અને પરોઠા! હમણાં લઇ આવું!” અહલ્યા ગઇ, માધવ લેપટોપ પર કામ કરવા લાગ્યો. થોડીવારમાં અહલ્યા દુધનો ગ્લાસ અને પરોઠા ટ્રે પર લઇ આવી, ટેબલ પર ટ્રે મુકી. માધવ પરોઠા ખાવા લાગ્યો.

“આહ્હા! વાહ! શું પરોઠા છે! ખરેખર ઘર જેવા જ! ખરેખર તમે ઘર જેવી જ રસોઇ બનાવો છો. દિલથી રસોઇ બનાવો છો!” માધવ પરોઠામાં ઓવારી ગયો.

“એ તો હોય જ ને! જ્યારે ગ્રાહક ભગવાન જેવો હોય ત્યારે અમારે પણ તેવી જ રસોઇ બનાવવી પડેને! બાકી, કુવારાબાપુ આવીને કાફે બંધ કરાવી દે!” અહલ્યા હસી. માધવ પણ હસ્યો.

“તમને કેમ છે? પોળમાં રહેવાનું ફાવી ગયું? હવે ભાડાની કચ-કચ થતી નથીને?”

“હોય કાંઇ? તે દિવસે કુવારાબાપુએ લાલસાહેબને બે ફુટ અધ્ધર કર્યો હતો એ દિવસથી લાલસાહેબ મારી સામે પણ જોતાં નથી! એમને ખબર પડી ગઇ કે મારી પાછળ બે-બે ભાઇઓ છે.” અહલ્યા હસી અને અન્ય ટેબલ થી ઓર્ડર માટે તેણીને બોલાવવામાં અહલ્યા ઓર્ડર લેવા ગઇ. માધવ પરોઠા પર તુટી પડ્યો.

“એ માધવ.” માધવ નાસ્તો કરતો હતો ત્યાં પાસેના ટેબલ થી બે વકીલ એકસાથે બોલી ઉઠ્યા.

“બોલો! સાચપરાસાહેબ! બોલો! તરમારીયાસાહેબ!” માધવ તેમની તરફ વળીને બોલ્યો.

“શું ચાલે છે? ભાઇ! ક્યાં પહોંચ્યો તસ્લિમાખાલાનો કેસ?” સાચપરાસાહેબે પૂછ્યુ,

“ધ્યાન રાખજે, આ ડોશી બહુ ટક-ટક કરે છે.” બીજાએ વણજોઇતી સલાહ આપી. જાણે કોઈ અગમચેતી માટે સાવધાન કરતાં હોય તેમ તરમરીયાસાહેબે ચશ્માની ડાળી સરખી કરીને ઝીણી આંખો કરીને બોલ્યા.

“હજુ તો શરૂઆત જ થઇ છે, અત્યાર સુધી તો..” માધવને ઘણું હસવુ આવી રહ્યુ હતુ પણ બે વડીલ વકીલ સામે હસવુ એ તેમની મજાક કરવા બરાબર હતી, પોતાના હસવા પર કાબુ રાખીને બોલ્યો, “એમણે ટક-ટક કર્યું નથી!”

“માધવ! તે પણ મોટું રીસ્ક લીધું હો! અમે ક્યારેય આ ડોશી પાસે ગયાં નથી, આટલા વર્ષોની પ્રેકટીસ હોવા છતાં-અનુભવ હોવા છતાં!” એક વકીલ ચાલતો-ચાલતો આવીને માધવની પાસેના ખુરશી પર બેસીને માધવના ખભે હાથ મુકીને જાણે ચિંતિત હોય તેમ ગંભીર સ્વરે બોલી ઉઠ્યો, “કેસ ભલે જીતવા જેવો હોય, પણ લડવા જેવો નથી, ધ્યાન રાખજે. 10 વર્ષ પહેલાંના એક વકીલે તો જીવ ગુમાવ્યો હતો, આ કેસ સહેલો નથી.”

“સુરપરાસાહેબની વાત સાચી છે, માધવ! અમે તો કહીએ છીએ કે હજુ સમય છે કોઇ વાંધા-વચકાં કાઢીને કેસ છોડી દે. પછી ન તો ભાગવાનું કારણ રહેશે કે ન જીવવાનો સમય!” સિનીયર્સ સલાહ પર સલાહ આપી રહ્યા હતા.

“વાત તો તમારા સૌની સાચી છે. પણ હવે ક્યાં છુટકો જ રહ્યો! બોળ્યુ છે તો મુંડાવ્યે છુટકો! મુશ્કેલી આવશે તો તમે સૌ છો જ ને! મારી મદદ કરતાં રહેજો! આમ પણ બધા ભાગી જશે તો કોઇને તો હોળીનું નારિયેળ બનવું જ રહ્યુંને.”

“વાહ! માધવ વાહ! શું જવાબ વાળ્યો છે. દિલ ખુશ કરી નાખ્યું.. મજા આવી ગઇ..” સિનીયર્સ ખુશ થઇ ગયાં. માધવ જમીને ઊભો થઇને સૌની રજા લીધી.

***