Kon saja karshe ane kone books and stories free download online pdf in Gujarati

કોણ સજા કરશે અને કોને!

પરિક્ષાનાં પેપર તપાસતી અર્ચનાનાં કાને ટેલિવિઝન પરથી પ્રસારિત થતા સમાચારનાં શબ્દો પડ્યાં અને તે સહેમી ગઈ. દૂર પડેલું રીમોટ કંટ્રોલ ઉઠાવી ટી.વી બંધ કરવું હતું પરંતુ જાણે શરીરમાં પ્રાણ જ ન હોય તેમ સ્થિર થઈ ગઈ છતાં હૃદયનાં ધબકારાં હજારો માઈલની સ્પીડે દોડવા લાગ્યા!

દિલ્હીમાં છાત્રા પર થયેલા ગેંગ રેઈપની ખબર સંભળી સાંસદમાં જયા બચ્ચનથી લઈ બધી સાંસદ સ્ત્રીઓ હલી ઉઠી હતી! પહેલા આખું દિલ્હી પછી કેટલાક શહેરો અને હવે તો આખું ઈન્ડીયા ખળભળી ઉઠ્યું. ટોળાંને ટોળાં સખતમાં સખત સજાની બૂમો પાડે છે.

એની બૂમો કેમ કોઈએ ન સાંભળી? કે પછી તે બૂમો પાડી જ શકી ન્હોતી? કે પછી કોઈએ એનું મોં સજ્જડ દબાવી રાખ્યું હતું?

મનનાં એક અંધારા ઓરડામાં અડ્ડો જમાવીને બેઠેલા અને વર્ષોથી ડરાવતાં રહેલા પેલા બે નરાધરમોને અર્ચનાએ બાજુ પર હડસેલી ને તેને ત્યાં કામ કરતી એની જૂની કામવાળી બાઈ શીલાને જોરથી બૂમ પાડી બોલાવી. શીલા આ બૂમથી ટેવાઈ ગઈ છે. એટલે આવીને ડરથી સહેમી ઉઠેલી શેઠાણી કમ સહેલીની ડરીને સ્થિર થઈ ગયેલી આંખો જે દિશામાં હતી તે તરફ જોયું અને વારંવાર ઉચ્ચારાતાં ‘ગેંગ રેઈપ’ શબ્દ સાંભળીને તરત રીમોટ લઈને પહેલા તો ટી.વી બંધ કર્યું. પાણી લઈ આવી આપ્યું અને ધીરે ધીરે તેને વાંસે હાથ ફેરવતી ગઈ.

અર્ચના સાવ શિથિલ બની જ્યાં બેઠી હતી ત્યાં જ માથું ઢાળી બેસી રહી.

ત્રણ દિવસમાં રિઝલ્ટ આપવાનું હતું એટલે પેપર તપાસ્યા વગર એનો છૂટકો નહોતો. પરંતુ હાથમાંથી તાકાત જતી રહી હોય તેમ હાથ ખુરશીમાં લબડી પડ્યા હતાં અને હજુ શ્વાસની ધમણ જોર જોરથી ચાલતી હતી.

‘આ સમાચારવાળા’ને ધંધો નથી’ બબડતી બબડતી શીલા અર્ચનાની ખુરશીના હાથા પર બેઠી. અને બાજુમાં પડેલા ન્યુઝ પેપેરાથી એને હવા નાંખતી રહી.

ધીમે ધીમે અર્ચનાને કળ વળી, આસ્તેથી ઉઠી અને બાથરુમમાં ગઈ. આવું કાંઈ થાય એટલે એને માથાબોળ નહાઈ લેવાનું મન થાય-હજુ તો હમણા જ નહાઈને તો પેપેર તપાસવા બેઠી તો ય આખા શરીરે લપેટાયેલી પેલી વાસ….. એણે જોર જોરથી માથું ધૂણાવ્યું. યંત્રવત ડોલમાં પણી કાઢ્યું.

પાણી નીકળવાનો અવાજ સાંભળીને, શીલા, હમણા જ દોરી પર સૂકવેલો ટૂવાલ અને એક જોડ કપડાં લઈ અને બાથરુમને બારણે ટકોરો મારી અર્ચનાને કપડાં આપી એ એના કામે વળગી.

આજે હવે એના ઘરમાં ટી.વી ચાલશે નહીં.

સ્કુલે જવાનો સમય થયો એટલે માંડ માંડ બે કોળીયા ખાઈને એ એનો થેલો અને પર્સ લઈને ઝડપથી દાદર ઉતરી ગઈ.

ટુ વ્હીલર પર બેસવા ગઈ ત્યાંતો બાજુવાળા મમતાબેન કચરાની ડોલ બહાર રાખવા નીકળ્યા.

‘ચાલ્યા?’

‘હા, આવજો’ કહેવા ગઈ ત્યાંતો મમતાબેન તેનાં સ્કુટર પાસે આવ્યા અને કેટલા વાગ્યે એ પાછી આવશે પૂછ્યું.

મમતાબેન એ વિસ્તારનાં સોશ્યલ વર્કર છે, લાગલું પૂછી લીધુ, ‘સાંજે મેં પેલી ‘ગેંગ રેઈપવાળી છોકરી’ના સપોર્ટ માટે રેલી યોજી છે, તું આવીશને?’

અર્ચનાને જોર જોરથી માથું હલાવી ‘ના’ પાડવાની ઈચ્છા થઈ આવી પરંતુ માંડ માંડ મન પર કંટ્રોલ કરી ‘જોઈશ’ કહી સ્કૂટર મારી મૂક્યું.

કોઈ દિવસ નહીં પરંતુ આજે ટ્રાફિક લાઈટની પીળી લાઈટ જોઈને પેલામાંના એકની પીળી આંખો યાદ આવી ગઈ.

વર્ષો થઈ ગયા એ વાતને પણ જાણે ‘એવર ગ્રીન’ હોય તેમ મશરુમની જેમ ગમે ત્યારે ગમે ત્યાં એ ફૂટી નીક્ળે છે. તેમાં ય આવું કાંઈ થાય ત્યારે તો સહસ્ત્ર બનીને એનાં અસ્તીત્વ પર પથરાઈ જાય છે.

સ્કૂલે પહોંચી અને એ જ વાત!

બધા શિક્ષકો સહિત વિદ્યાર્થીનીઓ રેલી કાઢવા કટીબધ્ધ છે.

સૌની સહાનુભૂતિ નો દરિયો ઉમટ્યો છે.

સ્ટાફરૂમમાં ય ટી.વી. સતત ચાલુ રાખ્યું છે જેથી તાજા સમાચાર મળતા રહે!

અને એની ચૂપચાપ અધમૂઈ થઈ ગયેલી વેદનાને, પળે પળનાં સમાચારો આપતી ટી.વી ચેનલોએ પાણી છાંટી જીવિત કરી મૂકી છે.

એક જ દિવસે છ છ ‘દરિંદો’એ કરેલા અત્યાચાર અને તેની પર છ છ વર્ષ સુધી થયેલા એ…….એને શું નામ આપવું?

એ પીડાને શબ્દોથી ગૂંગળાવાનું છોડી એ સ્કુલની બહારના કોરીડોરમાં પટાવાળા માટે રાખેલી ખુરશીમાં બેસી રહી.

આમે ય એને સૌ અતડી જ માને છે એટલે કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં.

‘સત્યમેવ જયતે’ કાર્યક્રમમાં એના જેવી જ સ્થિતીમાંથી પસાર થયેલા લોકોને કેટલી હિંમત રાખી એણે જોયા હતાં! છેલ્લે સુધી એ કાર્યક્રમ ન જ જોવાનો નિર્ણય એ કરી ચૂકી હતી પણ બાજુવાળા મમતાબેનનું ટી.વી બગડી ગયું હતું એટલે એને ત્યાં અડધો કલાક પહેલા આવી બેસી ગયા હતાં.

શીલાને ખબર હતી કે અર્ચના પર શું વીતશે પણ બેમાંથી કોઇની મમતાબેનને ના કહેવાની હિંમત ન ચાલી.

અને પોતાનાં જ ઘરમાં એને ફરજીયાત એ કાર્યક્રમ જોવો પડ્યો! અને એક રીતે એ સારું જ થયું ને?

પોતે એકલી નથીનો સધિયારો તો મળ્યો!

એને પહેલીવાર એ લોકોની હિંમત પર માન થયું. ટી.વી પર આવીને લાખો લોકો સામે મનની અંદર રાખેલા ભારેલા અગ્નીને ફૂંક મારીને ફરી ધખાવવો…..શું વીત્યું હશે એ લોકો પર?

તે દિવસે એ વિષય પર એના અભિપ્રાયો જાણવા મમતાબેનને ખાસ્સો પ્રયત્ન કર્યો પણ માથું દુઃખે છે કહી તેમને ટાળ્યા પરંતુ મનની અંદર એ દારુણ ક્ષણોનો એક એક બનાવ વળ ખાઈ ખાઈને થોડા દિવસ તો એનામાં પછડાતો રહ્યો. પલવડીની કપાઈ ગયેલી પૂંછડી ક્યારેક તો શાંત થાય પણ આ તો……

ફણગાવેલાં કઠોળ ભલેને પૌષ્ટિક ગણાય એના જેવા લોકોની વેદનાને ફૂટેલા ફણગા કેટલાય દિવસો સુધી એના જેવા લોકોને પીડતા હશે-કોને ખબર?

‘સત્યમેવ જયતે’માં પછી બીજે અઠવાડિયે બીજો વિષય! અને એમને એમ જુદા જુદા વિષયોનાં ફણગા ફૂટતાં રહ્યા અને થોડી મીનીટ માટે આવા દુરાચારીઓ પર ફીટકાર વરસાવી સૌ સૌને કામે વળગ્યા-જમવા પહેલાનાં સ્ટાર્ટરની જેમ જમવાનું આવતાં જ સ્ટાર્ટરને ભૂલી ગયા!

પરંતુ આજે એને થયું કે કદાચ આજે ઉઠેલા આ જુવાળની પાછળ આવી જાગૃતિ જ યુવાનોને મક્કમ બની સરકાર સામે ઝઝુમવાનું બળ આપે છે.

વારંવાર ટી.વી ઉપરથી આવતો ‘પીડિત’ શબ્દ એને ક્યારે ય નથી ગમ્યો છતાં એના જેવા કેટલાય લોકોને શું કહેવું તેને માટે ય એને કોઈ શબ્દ હજુ હાથ લાગ્યો નથી.

કેટલું સાચુ હતું એ કે જેના પર વિશ્વાસ હોય એ જ લોકો….

એની ૮મી વર્ષગાંઠ આવી જ ન હોત તો કેવું સારું! ન તો એની વર્ષગાંઠ ઉજવાત, ન તો મેઘ એને ગમતી ભેટ લેવા લઈ જાત અને ન તો…….ન તો…. વિચારી વિચારી થોડી રાહત લેવાનો ઠાલો પ્રયત્ન કર્યા કરે-કરે તો ય બીજુ શું કરે?

પછી તો મેઘને જોઈને એ લાકડું બની જતી અને એના ઘરમાં સૌ એને જોઈને પુલકિત થઈ ઉઠતાં-મેઘ આમ… અને મેઘ તેમ….!

પપ્પા પણ એમના ભાઈના દિકરાને જોઈને પોરસાતાં ‘કેવો હોનહાર છે-we are proud of you, beta!’

મમ્મી કહેતી, ‘મેઘ, તારી સ્માર્ટનેસ થોડી થોડી આ અમારી અર્ચુને આપતો જા!’

અને પછી અર્ચનાના શરીરને ચૂંથવામાં વળી એક ગીધ ઉમેરાયું –મેઘનો મિત્ર વિરાટ!

મેઘ અને વિરાટે લગ્ન કર્યા પછી અર્ચનાનાં ૧૫મે વર્ષે એનો છૂટકારો થયો!

એ એકની એક દિકરી-ન ભાઈ, ન બેન-કોને મનની મુંઝવણ કહે?

એક દિવસ ડરતાં ડરતા એણે મ્મમીને કહ્યું હતુ, ‘મા, મને મેઘ નથી….’

‘અર્ચુ, મેઘભાઈ કહેવાનું બેટા! તારાથી મોટો છે. હં… તું શું કહેતી હતી?’

માંડ માંડ ભેગી કરેલી હિંમત છૂટી પડી અને પછી ક્યારે ય એ હિંમત પછી આવી જ નહીં-વહી ગયેલા પાણીની જેમ!

પપ્પા સિવાયનાં પરપુરુષના સ્પર્ષ માત્રથી એ પત્થર બની જતી-લગ્નની તો વાત જ ક્યાંથી એ વિચારે?

એ બળજબરી, આ આપણું ‘સીક્રેટ’થી શરુ કરી‘કોઈ તારું માનશે જ નહીં’નું અમોઘ શસ્ત્ર, એ બદબુ અને આંખ બંધ કરીને જીરવી લઈ લઈને સંવેદના રહિત બની ગયેલી અર્ચના!

એની ઉંમરની છોકરીઓ જ્યારે પતિ સાથે સમાગમનાં સ્વપ્નો સેવતી હતી ત્યારે અર્ચના એ વિચાર માત્રથી કંપી ઉઠતી હતી!

એક વખત મેઘ અને એની પત્ની જ્હાન્વી આવ્યા હતાં-વૃધ્ધ પપ્પાએ મેઘને કહ્યું, ‘બેટા આ તારી બેન ને લગ્ન કરવા સમજાવને!’

તે જ વખતે શાક સમારતી અર્ચનાની આંગળી કપાઈ ગઈ અને સૌનું ધ્યાન તે તરફ જતું રહ્યું!

કેટલી ય વખત ઝરપેલું એનું લોહી ‘માસિકનાં ડાઘામાં’ ખપી ગયું, એ ડાઘા વિસ્તરતા રહ્યા અને એમને એમ અર્ચના ભંડારી રાખેલા ડાઘા સાથે વધતી રહી-પણ એ ક્યારે ય પુખ્ત ન બની શકી!

અને એમને એમ જ લગ્ન કરવાનું સમજાવી સમજાવીને આખરે મમ્મી-પપ્પા એની સમજની પારની દુનિયામાં જતાં રહ્યાં.

એ હંમેશા જીવે છે-એક સાથે બંધ અને ઉઘાડી આંખે!

એની સાથે કામ કરતાં એક શિક્ષક મિત્રને ખબર હતી કે અર્ચનાને બંગાળી વાર્તાઓ ખુબ ગમે છે અને તેમાંય નગીનદાસ પારેખ દ્વારા ભાષાંતરિત નવલકથાઓ તો એની એકદમ ફેવરીટ. એટલે થોડો વખત પહેલાં એમણે જરાસંઘ નામનાં બંગાળી લેખકની ગુજરાતીમાં ભાષાંતર કરેલી ‘ઉજળા પડછાયા કાળી ભોંય’વાંચવા આપી. એમાંની બળાત્કારનો ભોગ બનેલી ‘મલ્લિકા’ની વાર્તા ભલે અધૂરી છોડી દીધી હતી પણ એની બંધ આંખોમાં તો વારંવાર એ પૂરે પૂરી ભજવાતી રહે છે.

ઘણીવાર મનોચિકીત્સક પાસે જવાનો વિચાર કરે અને કોઈ અજાણ્યાને એની શરમજનક વાત કરવાના વિચાર માત્રથી મથું હલાવી એના મનને નકાર ભણી દે.

‘સત્યમેવ જયતે’માં કોઈ બોલ્યું હતું કે, ‘બળાત્કારનાં ભોગ બનેલાએ શરમાવાનું નથી એ ગુન્હેગારોએ શરમાવાનું છે!’ એ સાંભળી કરુણરસનું એક ઝરણું એનાં મનમાં ફૂટી નીકળ્યું!

આજ સુધીનાં એના અનુભવમાં એણે કોઈ પરણિત સ્ત્રીને પણ એનાં બંધરૂમમાં થતી પ્રવૃત્તિની વાત કહેતા નથી સાંભળી તો આ તો ૮ વર્ષની કુમળી છોકરી-શું કહે? કોને કહે? કેવી રીતે કહે?

વિશ્વાસના ધરાશાયી થઈ ગયેલા કાટમાળમાંથી માંડ માંડ એ બહાર નીકળે અને છાસવારે બનતી આવી ઘટના એને ફરીને ફરી ત્યાં પાછી ધકેલી દે છે!

એ વિચારોમાંથી જાગી ત્યારે દૂર સ્ટાફરૂમનાં ટી.વી.માંથી કોઈ સ્ત્રીનો ચીસો જેવો અવાજ સાંભળ્યો, ‘ તુઝે જીના હોગા. હમ તુમ્હારે સાથ હૈ, સારી જીંદગી તક હમ તુમ્હારે સાથ રહેંગે. યે અન્યાય સે ઝૂઝને કે લિયે આજ હમ સબ ઈશ્વરકો પ્રાર્થના કરેંગે……..’

એ જોરથી બોલી ઉઠી, આખો કોરીડોર ગાજી ઉઠ્યો, ‘ મહેરબાની કરી પ્રાર્થના નહીં કરો-એ છોકરીની નર્કની યાતનાનો કોઈને……’

એને નવાઈ લાગી, કેમ કોઈ એને સાંભળતા નથી?

પછી એને ખ્યાલ આવ્યો કે એનો અવાજ તો પેલી અનહદ પીડાનાં ધોધ નીચે વર્ષોથી ધરબાઇ ગયો છે!

એનાં તો આંતરડા જ નહીં એનું આખું અસ્તીત્વ અંદરને અંદર કોકડું વળીને બેભાન પડ્યું છે વર્ષોથી!

પેલી ફૂટેલા કરમની છાત્રા માટે નહી પરંતુ દુનિયાના અમાનુષી-પ્રાણીથી પણ ઉતરતી કક્ષાનાં સઘળા પુરુષોને સજા કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરવાનું મન થયું, પછી થયું-

સમજણી થઈ પછી એણે ભગવાનને ઓછી પ્રાર્થના કરી છે?

થઈ મેઘને સજા? થઈ વિરાટને સજા?

અત્યાર સુધીના કેટલાય અત્યાચારીઓમાંથી કોને ભગવાને સજા કરી છે? નીચેની સરકાર કાંઈ નથી કરતી તો ઉપરની સરકાર કોણે જોઈ?

જોડાતા હાથને એણે પાછા વાળી લીધા!

***************************************************************************************

Nayna Patel

29 Lindisfarne Road

Syston, Leicester, LE7 1QJ

U.K

Tel: +44 7800548111