First hockey gold of India books and stories free download online pdf in Gujarati

પ્રથમ હોકી ગોલ્ડ મેડલ કેવી રીતે મળ્યો

પ્રથમ હોકી ગોલ્ડ મેડલ

જ્યારે આઝાદ ભારતે પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો...

ઓલિમ્પિક્સમાં ગોલ્ડ તો શું એક મેડલ જીતવા માટે પણ ભારતને છેલ્લા ત્રણ દાયકાથી ઘણી કશ્મકશ કરવી પડે છે. જો કે છેલ્લા અમુક વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ છે અને ભારત મેડલ જીતી રહ્યું છે. પરંતુ, આપણને એ જાણીને નવાઈ લાગશે કે ભારતની ઓલિમ્પિક્સની આટલી મોટી ધોલાઈ એ જ્યારે ૧૯૪૭માં આઝાદ થયું ત્યારે પણ નહોતી થઇ. એવું નહોતું કે નવું નવું આઝાદ થયેલું ભારત ઝોળી ભરીને ગોલ્ડ મેડલ્સ લઇ આવતું હતું પરંતુ હોકીની રમતમાં આઝાદી બાદ પણ ભારતનો ડંકો વર્ષો સુધી વાગતો રહ્યો હતો.

૧૪મી ઓલિમ્પિક્સ લંડનમાં રમાઈ હતી અને એ વર્ષ હતું ૧૯૪૮, એટલેકે આઝાદ ભારતને હજી માંડમાંડ વર્ષ થયું હતું. આમ એ વર્ષની લંડન ઓલિમ્પિક્સમાં ભારત પહેલીવાર તિરંગા સાથે રમવા ઉતરવાનું હતું. લંડન ઓલિમ્પિક્સનું વિશ્વના અન્ય રાષ્ટ્રો માટે પણ ખાસ્સુંએવું મહત્ત્વ હતું કારણકે આ ઓલિમ્પિક્સ બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ પ્રથમ ઓલિમ્પિક્સ હતી જે ૧૯૩૬ બાદ બાર વર્ષના ગાળા પછી રમાઈ રહી હતી.

ભારતીય દળની બધીજ આશા હોકી પર હતી, પરંતુ ભારતીય હોકી ટીમ માટે પણ રસ્તો આસાન ન હતો. જેમ ભારત એક નવા દેશ તરીકે પહેલીવાર ઓલિમ્પિક્સમાં દાખલ થઇ રહ્યું હતું એમ ભારતની હોકી ટીમ પણ સાવ નવી હતી અને કોઇપણ ખેલાડીને આ અગાઉ ઓલિમ્પિક્સમાં રમવાનો કોઈજ અનુભવ ન હતો. હોકી સમ્રાટ ધ્યાનચંદ રિટાયર થઇ ચૂક્યા હતા એ વળી મોટો માઈનસ પોઈન્ટ હતો.

આ ઉપરાંત દેશ આઝાદ થતા અને સાથોસાથ દેશના ભાગલા પણ પડતા ભારતીય ટીમમાંથી ઘણા બધા એન્ગલો ઇન્ડિયન્સ જતા રહ્યા હતા તો મોટાભાગના ખેલાડીઓ પાકિસ્તાન જતા રહ્યા હતા.

૧૯૪૭ પહેલા ભારતની હોકી ટીમમાં મોટેભાગે ખેલાડીઓ લાહોરની બ્રધર્સ ક્લબ, રાવલપિંડીની સ્પાર્ટન ક્લબ, દિલ્હીની ઇન્ડીપેન્ડેન્ટ્સ ક્લબ, મુંબઈની લુસીટાનીઅન્સ ક્લબ, લખનૌની યંગસ્ટર્સ ક્લબમાંથી જ ખેલાડીઓ આવતા. આ તમામ ખેલાડીઓ વિવિધ જાતિઓ, ધર્મ તેમજ સમાજ સાથે સંબંધ ધરાવતા.

પરંતુ ભાગલા પડતા જ બધુંજ વેરવિખેર થઇ ગયું. જેવી ભારતની હાલત થઇ એવી જ હાલત ભારતીય હોકીની પણ થઇ હતી. ખેલાડીઓ અને ક્લબ માલિકો પોતાની જગ્યાઓ, આવાસો છોડીને ભાગવા લાગ્યા હતા. તમામના જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

ભાગલા અગાઉનું પંજાબ ભારતીય હોકીનું ચેમ્પિયન હતું. તેણે નેશનલ ચેમ્પિયનશીપ ઉપરાંત બ્રધર્સ કપ, ઇન્વીટેશન કપ, આગાખાન કપ જેવી પ્રતિષ્ઠિત ટ્રોફીઓ જીતી હતી પરંતુ હવે આ સમગ્ર પંજાબ હવે પાકિસ્તાનનો હિસ્સો બની ગયું હતું. ૧૯૩૬ની બર્લિન ઓલિમ્પિક્સના સ્ટાર ખેલાડીઓ અબ્દુલ અઝીઝ, જમશેદ વગેરે ભાગલાની ભૂતાવળોની સીધી અસર હેઠળ આવેલા હોવાથી તેઓએ આગળ રમવાની મનાઈ કરી દીધી.

જ્યારે દેશમાં આટલી બધી તકલીફો ઉભી થઇ હોય ત્યારે એક માત્ર આશાનું કિરણ બનીને આવ્યા નવલ તાતા જે ઇન્ડિયન હોકી ફેડરેશનના ચીફ હતા. તેમણે સમયસર નવી ટુર્નામેન્ટ્સનું આયોજન કર્યું જેમાં નેશનલ, ટ્રાયલ્સ, ચતુષ્કોણીય વગેરે ટુર્નામેન્ટ સામેલ હતી. આ ઉપરાંત નવલ તાતાએ ભારતીય ટીમની કેટલીક વિદેશ યાત્રાઓનું પણ આયોજન કર્યું. નવલ તાતા આમતો ઔદ્યોગિક જૂથ તાતા ગ્રુપના સર્વેસર્વા હતા, પરંતુ હોકી પ્રત્યે તેઓ અનન્ય પ્રેમ ધરાવતા હતા. નવલ તાતાએ ઇન્ડિયન હોકી ફેડરેશનના ચેરમેનનું પદ પંદર વર્ષ સુધી શોભાવ્યું હતું અને તેમની ચેરમેનશીપ હેઠળ ભારત ૧૯૪૮ ઉપરાંત ૧૯૫૨ અને ૧૯૫૬માં પણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યું હતું.

ઉપરોક્ત તમામ ટુર્નામેન્ટ્સને લીધે ભારતીય ટીમને નવું ટેલેન્ટ તો મળ્યું પરંતુ લંડન ઓલિમ્પિક્સ માટે અગાઉથી તૈયારી કરવી જરૂરી હતી તે કરવામાં પણ ખાસીએવી મદદ મળી.

આવા સંજોગોમાં ટીમની આગેવાની કિશન લાલને સોંપવામાં આવી અને બાદમાં પ્રખ્યાત થયેલા એક અન્ય ખેલાડી કે ડી સિંગ (બાબુ) ને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા. ભારતના ભાગલા થયા હોવા છતાં નવી ભારતીય હોકી ટીમમાં પણ દરેક ભાષા, ધર્મ અને સમાજનું બેકગ્રાઉન્ડ ધરાવતા ખેલાડીઓ હતા. દેશભરમાં કોમવાદનું ઝેર ભલે ફેલાઈ ગયું હતું પરંતુ સદનસીબે ભારતીય ટીમના ખેલાડીઓના દિલમાંથી આ કોમવાદી ઝેર દૂર જ રહ્યું હતું.

સમસ્યા હજી પણ ઓછી ન હતી. હોકી ફેડરેશન હવે નાણાની અછત સામે ઝઝૂમી રહ્યું હતું. પહેલા તો ભારતના વિવિધ રજવાડાઓના રાજાઓ ઉદાર હાથે હોકી ટીમ માટે ફાળો આપતા હતા, પરંતુ ભાગલાની અસર તેમના પર પણ પડી. ભારતીય ટીમને લંડન મોકલવા માટેનો કુલ ખર્ચ લગભગ ત્રણ લાખ જેટલો હતો જે કોઇપણ રીતે ભેગો થઇ રહ્યો ન હતો.

વધારામાં ભારતીય હોકી ટીમનો કેમ્પ બોમ્બેમાં રાખવામાં આવ્યો હતો અને ખેલાડીઓનો અહીં રહેવાનો તેમજ અન્ય ખર્ચ વધી રહ્યો હતો. છેવટે એક નિર્ણય એ લેવામાં આવ્યો કે ખર્ચ ઘટાડવા ટીમ શીપ દ્વારા વીસ દિવસની મુસાફરી કરીને લંડન જશે. પરંતુ અન્ય ખર્ચાઓનું શું? આ માટે વિવિધ રાજ્યોના હોકી ફેડરેશન તરફથી લગભગ પંદર હજાર રૂપિયા જેટલું ડોનેશન મળ્યું, આ ઉપરાંત ખુદ નવલ તાતાએ દસ હજાર રૂપિયા આપ્યા.

ત્યારબાદ વિવિધ પાર્ટીઓ તેમજ કોર્પોરેટ બોલ ડાન્સ પાર્ટીઓ દ્વારા ભંડોળ ઉભું કરવામાં આવ્યું અને છેવટે ભારતીય હોકી ટીમનો લંડન જવાનો ખર્ચો સંતોષી શકાય એટલી રકમ ભેગી થઇ શકી. આમ માત્ર રાજકીય કે પછી સામાજીક કે પછી ધાર્મિક તકલીફો જ નહીં, પરંતુ નાણાંકીય તકલીફો વેઠ્યા બાદ જ ભારતીય હોકી ટીમ આઝાદી મળ્યા બાદ પોતાની પ્રથમ ઓલિમ્પિક્સ રમવા માટે લંડન જવા માટે રવાના થઇ.

હિંદુ હોય, મુસ્લિમ હોય, શિખ હોય, ઈસાઈ હોય કે પછી એન્ગલો ઇન્ડિયન્સ, વેમ્બલી સ્ટેડિયમ ખાતે તિરંગા હેઠળ પહેલીવાર કોઈ ભારતીય હોકી ટીમે પરેડમાં ભાગ લીધો હતો અને બાદમાં ઓસ્ટ્રિયા સામે તે પોતાની પ્રથમ મેચ રમ્યું.

ભારતે ઓસ્ટ્રિયાને ૮-૦ થી હરાવ્યું અને બીજી રાઉન્ડ મેચમાં આર્જેન્ટીનાને ૮-૧થી હરાવી દીધું અને પોતાની હાજરી મજબૂતાઈથી નોંધાવી દીધી. ક્વાર્ટર ફાઈનલમાં સ્પેને ભારતને જરાક ફાઈટ આપી પરંતુ છેવટે તો ભારત ૨-૦થી જીતી જ ગયું. તો સેમીફાઈનલમાં હોલેન્ડને ૨-૧ થી હરાવી ભારત બ્રિટન એટલેકે પોતાના જૂના શાસકો વિરુદ્ધ ફાઈનલમાં રમવા ઉતર્યું.

આમતો આ ઓલિમ્પિક્સમાં ડ્રો એવો ગોઠવવામાં આવ્યો હતો કે પાકિસ્તાન, જે ભારતની જેમજ પહેલીવાર એક આઝાદ દેશ તરીકે ઓલિમ્પિક્સમાં રમવા ઉતર્યું હતું તેનો સામનો ભારત વિરુદ્ધ સીધો ફાઈનલમાં જ થાય, પણ સેમીફાઈનલમાં બ્રિટને પાકિસ્તાનને હરાવીને આયોજકોના એ મનસુબા પર પાણી ફેરવી દીધું. પરંતુ પોતાના જૂના શાસનકર્તાઓ વિરુદ્ધની મેચ પણ ઓછી ઉત્તેજના જગાવનારી ન હતી.

એક તરફ બ્રિટનને ભારતીય ટીમ તેમના માટે ખતરારૂપ છે એ સમજ હતી અને આથી જ તેણે ઇંગ્લેન્ડ, સ્કોટલૅન્ડ, વેલ્સ અને આયર્લેન્ડના ખેલાડીઓને ભેગા કરીને એક ટીમ બનાવી હતી. તો બીજી તરફ ભારતે એકરીતે જોવા જઈએ તો ગુમાવવાનું કશુંજ ન હતું કારણકે તે સાવ નવો દેશ હતો, વળી ભાગલાના મરણતોલ ફટકાથી ઉભો થઇ રહ્યો હતો, ટીમ પણ સાવ નવી જ હતી. આવા સંજોગોમાં ટીમ ઓલિમ્પિક ફાઈનલ સુધી પહોંચી એ જ ઘણું એમ માનીને સંતોષ માની લેવાય તેમ હતો.

પરંતુ, ભારતીય ટીમ હવે કોઇપણ ચાન્સ લેવા માંગતી ન હતી. વાત માત્ર ઓલિમ્પિક ગોલ્ડ જીતવા પૂરતી જ ન હતી. હવે વાત સન્માનની હતી. જે દેશે ભારત પર બે સદી સુધી રાજ કર્યું અને તેના બે ભાગ કરીને વિદાય લીધી તેની ટીમ વિરુદ્ધ ફાઈનલ રમવાની હતી. આમ હવે લંડનના ઐતિહાસિક વેમ્બલી સ્ટેડિયમમાં ૧૯૪૮ની ઓલિમ્પિક્સની હોકીની ગોલ્ડ મેડલ મેચ એક દેશના આત્મસન્માનના રક્ષણથી જરાય ઓછી ન હતી.

પાકિસ્તાન અને હોલેન્ડ વચ્ચે બ્રોન્ઝ મેડલની મેચ રમાયાના તુરંત બાદ ભારત અને બ્રિટન વચ્ચે ફાઈનલ શરુ થવાની હતી. ચક્કાજામ જેવી પરિસ્થિતિ ધરાવતા વેમ્બલી સ્ટેડિયમમાં સ્વાભાવિકપણે બ્રિટનની ટીમને ટેકો આપનારા સમર્થકો વિશેષ સંખ્યામાં હાજર હતા. સ્થાનિક સમર્થકો બ્રિટન ટીમની જીતની તૈયારી સાથે આવ્યા હોય એમ ખુબજ ઉત્સાહમાં હતા. અહી ભારતીય સમર્થકો પણ ઓલ ઇન્ડીયા રેડિયો પર મીટ માંડીને બેઠા હતા અને મેચ શરુ થવાની રાહ જોતા હતા. દરેક પ્રેક્ષકની આંખમાં એકજ સપનું હતું, આજે એમની ટીમ જીતે.

૧૨ ઓગસ્ટ ૧૯૪૮નો એ દિવસ ભારત માટે ખુબજ મહત્વનો હતો, હાર્યા તો ફરી એક વખત બ્રિટન મહાન દેશ છે એવી ૨૦૦ વર્ષ જૂની લાગણી લઈને દેશ પાછા ફરો અને જો જીત્યા તો એ સિદ્ધ થઇ જવાનું હતું કે ભારત બ્રિટીશ રાજની મદદ વગર પણ મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. ફાઈનલ સુધી પહુંચીને હોકી ટીમે ઘણું મજબુત મનોબળ મેળવી દીધું હતું. મેચની શરૂઆત જુસ્સાભેર થઇ અને શરૂઆતની મિનિટોમાં જ ગોલ કરીને બલબીર સિંગે ભારતને ૧-૦ની લીડ અપાવી દીધી. ત્યારબાદ બ્રિટનના ખેલાડીઓએ ભારતની ગોલ પોસ્ટ પર આક્રમણ કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ ભારતની મજબૂત ડિફેન્સ હરોળે આ તમામ હુમલાઓને ખાળ્યા. હજી હાફ ટાઈમ થવાને ગણતરીની મિનિટો જ બાકી હતી ત્યાં બલબીર સિંગે બીજો ગોલ પણ કરી દીધો.

બસ કદાચ હવે જીતની મહોર મારવાની બાકી રહી હતી.

આમ, હાફ ટાઈમે ભારત ૨-૦ની લીડ સાથે જીત તરફ અગ્રેસર હતું. હાફ ટાઈમ બાદ બ્રિટને પોતાના હુમલા તેજ કર્યા. એવી ઘણી ઘડીઓ આવી જ્યારે બ્રિટનના ખેલાડીઓ ગોલ કરી શક્યા હોત પરંતુ એમ શક્ય ન બન્યું અને બીજા હાફમાં પેટ જેન્સન અને ત્રિલોચન સિંગે એક-એક ગોલ કરીને ભારતનો વિજય નિશ્ચિત બનાવી દીધો.

શક્યતાઓથી વિરુદ્ધ બ્રિટને પણ ચાર-ચાર દેશોના શ્રેષ્ઠ ખેલાડીઓ ભેગા કર્યા હોવા છતાં ભારતની નવીસવી હોકી ટીમને હરાવી ન શક્યું અને આઝાદ ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ ભારતે બ્રિટનને હોકી ફાઈનલમાં ૪-૦ થી હરાવીને જીતી લીધો. ભારત ભલે એક ટીમ તરીકે હોકીમાં આ સતત ચોથો ઓલિમ્પિક ગોલ્ડ જીત્યું હતું, પરંતુ પોતાના રાષ્ટ્રના સન્માન માટે જીતેલો આ પ્રથમ ગોલ્ડ હતો.

ભારતીય ખેલાડીઓ જ્યારે મેડલ પોતાને મેડલ અર્પણ કરવામાં આવ્યા ત્યારબાદ જ્યારે તિરંગાને ઉપર ચડાવતા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું ત્યારે પોતાની જાતને પણ આકાશમાં ઉડી રહ્યા હોવાનું ફીલ કરી રહ્યા હતા.

સ્વાભાવિક છે કે તાજા જન્મેલા રાષ્ટ્રમાં આ સિદ્ધિની ભવ્ય ઉજવણી થાય જ, પરંતુ તે સમયે બ્રિટનમાં ભારતના હાઈ કમિશનર વી કે કૃષ્ણ મેનને સમગ્ર ટીમને ઇન્ડિયા હાઉસમાં ઓફિશિયલ રિસેપ્શન આપ્યું અને સમગ્ર ટીમને ગૂડવીલ જેશ્ચર તરીકે યુરોપની ટૂર પર મોકલવામાં આવી જેમાં ટીમે ફ્રાંસ, ઝેકોસ્લોવાકિયા અને સ્વિત્ઝરલેન્ડની મુલાકાત લીધી હતી.

ભારતીય ટીમની આ ભવ્ય ઉજવણી ત્યારે પતી જ્યારે દિલ્હીમાં તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં હોકી ટીમે એક પ્રદર્શન મેચ રમી.

ભારતના ગૌરવપૂર્ણ ઓલિમ્પિક ઈતિહાસની યાદ તાજી કરાવતી આ ઘટના આજે એટલા માટે યાદ આવી કારણકે આ જ ઘટના પર આધારિત અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થવાની છે. આશા કરીએ કે અક્ષય કુમારે તેની અન્ય રાષ્ટ્રભાવનાથી પ્રેરિત ફિલ્મોની જેમ આ ફિલ્મને પણ ન્યાય આપ્યો જ હશે.

ફિલ્મ ગમે તેવી હોય, પરંતુ ભારતીય હોકીના ઇતિહાસનું આ સુવર્ણ પ્રકરણ ક્યારેય જુનું નહીં થાય કે પછી ક્યારેય તેનું મહત્ત્વ ઓછું નહીં થાય.

***