Manasvi - 1 books and stories free download online pdf in Gujarati

મનસ્વી - ૧

મનસ્વી -

વેલ વિશર વુમન સહિયારી નવલકથા

પ્રસ્તાવના

['મનસ્વી']

ઊંચી સાહિત્ય પ્રીતિ ધરાવતાં શ્રીમતી નીતાબેન શાહ એક સર્જક તરીકે તો ઉભરી જ રહ્યાં છે પણ તેમણે Well Wisher Women Club નામે એક સાહિત્ય પ્રેમીઓનું ગ્રુપ ઉભું કર્યું છે. અને ગુજરાતી સાહિત્ય સાથે નાતો જોડવા આતુર બહેનોને જોડી રહ્યાં છે. આ બહેનોએ એક નવતર પ્રયોગ કરીને નવલકથા 'મનસ્વી' ને અક્ષરદેહ આપ્યો છે. અહીં નવાઈ એ બાબતની છે કે તેનું એક એક પ્રકરણ અલગ અલગ બહેનોએ આલેખ્યું છે અને વાર્તા ક્રમશ: આગળ વધતી જાય છે.

વાર્તા એ વાગમયનું એક અલગ અને અગત્યનું સ્વરૂપ છે. નિબંધ, કાવ્ય, ચરિત્ર લેખન, નાટક કે જીવન ચરિત્ર એ બધામાં વાર્તા પણ એક ખાસ સ્થાન ધરાવે છે.''હવે પછી શું આવશે?''-ની રાહ જોવા વાચકને પ્રેરે એ વાર્તાની સફળતાનું પ્રથમ સોપાન ગણી શકાય. ''મનસ્વી'' એ આ અર્થમાં સફળતાની કેડી કંડારે છે. વાર્તાના વળાંકે એક અલગ વાત હોય અને એ વાચકની ધારણા બહારની હોય અને પછીનો હપ્તો સહજતાથી મૂળ વાર્તાના પ્રવાહમાં ભળી જાય એ તમામ સર્જક બહેનોની હથોટી સ્પષ્ટ કરે છે.

પતિથી અલગ થયેલ સ્ત્રીની મનોદશા, તેમાંથી ઊભા થતા પ્રશ્નો, સાંપ્રત પરીસ્થિતિ અને તેમાંથી થતા સંઘર્ષ, તેમાંથી બહાર આવવાનો પ્રયાસ, પુત્રીનો ઉછેર કરવો, અભ્યાસ કરાવવો અને પુરુષની સહાયતા વિના આ સમાજમાં ઈજ્જતથી જીવવું એ બધા ઉભા થતા પડકારો સામે જંગ એટલે મનસ્વીનો કથા વિસ્તાર.

આ આખી યે વાર્તામાં નાયિકાનાં મનોભાવને દરેક લેખક બહેનોએ સરસ રીતે પ્રસ્તુત કર્યા છે. દરેક સર્જકની કલમથી આ આખી યે નવલકથા એક સશક્ત અને બળકટ બનીને એક સળંગ કૃતિ તરીખે આવિર્ભાવ પામી છે.અહીં 'એસેમ્બલ' નથી પણ પ્રોડક્શન છે.

સમાજના ઉત્થાન,વિકાસ અને પ્રગતિ માટે જેટલી જરૂર વિજ્ઞાન,ટેકનોલોજી કે સગવડતાઓની છે. એટલી જ જરૂર કલા અને સાહિત્યની છે. વિજ્ઞાન અને ટેકનોલોજી જો ભૌતિક સ્તરને ઉચ્ચ સપાટીએ લઇ જઈ શકે તો તેને કાયમી કરવાનું કામ શિક્ષણ,કલા અને સાહિત્ય જ કરી શકે. તન સાથે મનના વિકાસ માટે પણ સાહિત્ય એ આવશ્યક નહિ પણ અનિવાર્ય બાબત છે.

''મનસ્વી'' એ સાહિત્યમાં એક ખાસ જગ્યા બનાવશે તથા નવસર્જકોની લેખ વૃત્તિને એક વેગ આપનાર પરિબળ બનશે એવી મને શ્રદ્ધા ''મનસ્વી''ના દરેક હપ્તે દ્રઢ થતી રહી છે. શ્રીમતી નીતાબેન શાહ તથા આ વાર્તાના તમામ લેખક બહેનોને હાર્દિક અભિનંદન છે. હું મારો રાજીપો વ્યક્ત કરું છું અને આવા સાહિત્યિક સાહસ બદલ નીતાબેનને બિરદાવું છું.

--જ્યોતિબેન ભટ્ટ

મનસ્વી -

પ્રભાતના સોનેરી સૂર્યકિરણો પૃથ્વીને જાણે પ્રણામ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર તળાવના પાર્કે નવલા દિવસની સવાર ઓઢી લીધી હતી. તળાવનું જળ સૂર્યના કુમળા કિરણોનું પ્રતિબિંબ ઝીલતું હતું, ને પોતાને પણ સોનેરી રંગની આભા સાથે ચમકાવતું હતું. વહેલી સવારનું ખુશનુમા વાતાવરણ ત્યાં આવતા દરેકને ખુશહાલ બનાવી દેતું હતું. કુદરતનું સૌન્દર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતું. જોગીંગ ટ્રેક પર ટ્રેક સૂટમાં સજ્જ લોકોની ચહલપહલ હતી. કોઈ દોડતું હતું, તો કોઈ ચાલતું હતું, કોઈ કોઈ ઈયરફોનના મનગમતા સંગીત સાથે જાણે તાલ મેળવતું હતું.

મનસ્વી પણ મનગમતું સંગીત સાંભળતી દોડી રહી હતી. એના પગની સાથે એના વિચારો પણ દોડતા હતા. ગઈ કાલના ઓફીસના અને કસ્ટમરના પ્રસંગો પીછો નહોતા છોડતા. ઘણી વાર માણસનું મન અને મગજ સાથે નથી ચાલતાં. દિલ કઈંક વિચારે તો દિમાગ તરત એની વિરુદ્ધમાં બેસી જાય અને કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકાય. આવી અવઢવ મનસ્વીનાં દિલોદિમાગમાં ચાલતી હતી. પાંચેક રાઉન્ડ માર્યા હશે અને એની નજર રિસ્ટ વોચ પર ગઈ...ઓહ .૪૫ થઇ ગઈ, ભાગવું પડશે મારે, સ્તુતિના સ્કૂલનો ટાઇમ થઇ જશે.એવું મનમાં બબડતા એના પગ ગેટ તરફ ચાલવા લાગ્યા. ત્યાં યાદ આવ્યું અરે, શાક પણ લેવાનું છે, અને લેકની બહાર શાકવાળાની લારીમાંથી શાક લઈ, એક્ટીવા સ્ટાર્ટ કરીને ઘેર જવા નીકળી. પણ વિચારો એનો કેડો મૂકતા નહોતા.

મનસ્વી એક ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ એડવાઈઝર તરીકે કામ કરતી હતી. આમ તો ફ્રીલાન્સ વર્ક કહેવાય, પણ મનસ્વી પોતે શક્ય હોય એટલો વધારે સમય ત્યાં આપતી હતી. કારણ ઘરખર્ચની સાથે સ્તુતિની જવાબદારી પણ હતી. એટલે વધારે આવક મેળવીને પોતાનું અને સ્તુતિનું ભવિષ્ય સલામત બનાવવા માગતી હતી. ભૂતકાળથી ભાગવાનો પ્રયત્ન કરતી હતી. તેના પતિ અંકુશની પરસ્ત્રીગમનની કુટેવ, એના પરિવારનું વિષે બેપરવા વલણ, મનસ્વીને માનસિક ત્રાસ, રાતોની રાતો ઘરની બહાર ગાળવી, પૂરી કમાણી એમાં ઉડાવવી અને જલસા કરવા. મનસ્વી ત્રાસીને ઘર છોડીને સ્તુતિને લઈને પિયર આવી ગઈ હતી. માતપિતા તો હતા પણ ભાઈ હતા. ભાભી પણ સમજદાર હતા. મનસ્વી ત્યાંથી કામ શરૂ કર્યું અને સમય જતાં એક બેડરૂમ કિચનનો ફ્લેટ ભાડે લઈ રહેવા લાગી.

ઘેર પહોંચીને પોતે ફ્રેશ થઈને પછી સ્તુતિ પાસે જઈને સ્તુતિને પ્રેમથી માથે હાથ ફેરવતી મનસ્વી એને એકીટશે જોઈ રહી. એમાં એને અંકુશનો ચહેરો દેખાતો હતો. મનને નહોતું ગમતું સ્મરણ પણ શું કરે? સ્તુતિ એની પણ દીકરી હતી.

સ્ત્રીના જીવનનો સૌથી પવિત્ર અને સુંદર તબક્કો હોય છે માતૃત્વ. પોતાના બાળકો માટે સંઘર્ષ કરતાં સ્ત્રી જીવનમાં ક્યારે થાકતી નથી. પણ જેને પોતાનું ગણ્યું હોય એને મોઢે કટુવચન સંભાળીને તે અંદરથી તૂટીને થાકી જાય છે.

મનસ્વી સ્તુતિના માથા પર વહાલભર્યો હાથ ફેરવતાં ક્યારેક ભૂતકાળમાં તો ક્યારેક આવનારા ભવિષ્ય કાળમાં અજાણતાં પહોંચીને ધ્રુજી ઉઠી. અને ધ્રુજતા હાથે લાડકીને વ્હાલથી ઉઠાડવા લાગી.

ચાલો દીકુ, ઉઠી જાવ બેટા, સ્કુલે જવાનું લેટ થઇ જશે ...''

સ્તુતિ ઊંઘમાં બબડી, મમ્મા, પ્લીઝ પાંચ મીનીટ''

'' ઓકે બેટા, પાંચ મીનીટમાં બહાર આવી જા. મમ્મા તારા માટે યમ્મી બ્રેકફાસ્ટ બનાવે છે.''

એમ કહીને મનસ્વી કિચનમાં જઈને આગળના દિવસે બનાવેલી ભાખરીમાંથી પીઝા બનાવવા લાગી. સ્તુતિને ઊંઘમાં પણ પીઝાની સ્મેલ આવી ને ફટાક કરતી કિચનમાં આવીને મમ્માને વળગી પડી બોલી, બહુ ભૂખ લાગી છે મમ્મા...''

હા, મને ખબર છે. પીઝાની ભૂખ લાગી છે. હવે જલ્દી બેટા બ્રશ કરી લે. મોડું થશે તારે.મનસ્વી ગરમ દૂધ ઠારતાં બોલી.

સ્તુતિને દૂધ નાસ્તો કરાવ્યો પોતે ચા પીધી.

સ્તુતિને નવડાવીને ઇસ્ત્રીવાળો સ્કુલ ડ્રેસ પહેરાવીને તૈયાર કરીને ઘડિયાળમાં જોયું, .૩૦ થઇ ગયા હતાં. સ્કૂલબેગ અને વોટરબેગ લઈને સ્તુતિ બહાર આવી ગઈ. મનસ્વીએ પર્સ લઈને એક્ટીવા સ્ટાર્ટ કર્યું ને .૫૦ સ્તુતિને સ્કુલના ગેટ પાસે ઉતારી, વહાલભરી ચૂમી ભરીને કહ્યું, ''બેટા રીસેસમાં નાસ્તો કરી લેજે. મમ્મા જલ્દી લેવા આવી જશે.

પાછાં ફરતા રોજની જેમ આગળના કામ વિચારવા માંડી. તેને ઓફીસ જઈને કસ્ટમરનું પ્રીમીયમ ભરવાનું હતું અને બીજા ત્રણ કોલ કરવાના હતા. ઘરે પહોચીંને ઘરનું કામ અને દિવસ આખામાં કરવાના કામોની તૈયારીઓ કરવામાં વ્યસ્ત થઈ ગઈ.

શાવર લઈને પોતે પણ તૈયાર થઇ અને અરીસા સામે ઉભી રહી ગઈ. પિંક કલરના સલવાર શૂટમાં શોભતી હતી. હળવો મેકઅપ અને ખુલ્લા વાળ એના એક અનોખા વ્યક્તિત્વની ચાડી ખાતા હતા. એની બોડી લેન્ગવેજ ગજબની હતી. ઓફિસમાં પણ બધા કલીગ સાથે હળીમળીને કામ કરતી પણ એક અંતર રાખીને. એના પોતાના વર્તુળમાં કોઈ ઘૂસવાની હિંમત કરે એવી એક ધાક પણ હતી.

જરૂરી ફાઈલ અને પર્સ લઈને એક્ટીવા સ્ટાર્ટ કર્યું ને નારણપુરા બાજુ જવા લાગી. ઓફીસ અવર્સના કારણે સખત ટ્રાફિક હતો પણ તે કસ્ટમરને ત્યાં સમયસર પહોચીં ગઈ.

એની મીટીંગમાં તે સીસ્ટમને ફોલો કરતી હતી. આઈસ બ્રેકીંગ, ફેક્ટ ફાઈન્ડીંગ, ઇન્સ્યોરસની સમજ, જરૂર મુજબનો પ્લાન, મની કમિટમેન્ટ, ફોર્મ સાઈન અને ડોક્યુમેન્ટ્સ લેવા વગેરે. પહેલો કોલ એનો સફળ રહ્યો. કસ્ટમર અને તેમના પત્ની બંને ખુશ હતાં કારણ એમને જે પ્રમાણે જોઈતું હતું તે પ્રમાણેનો પ્લાન ડીઝાઇન કરીને મનસ્વીએ આપ્યો હતો. એંશી હજારના પ્રિમિયમની પોલીસી હતી. મનસ્વી ખૂબ ખુશ હતી કારણ કે દિવસની શરૂઆત સારી થઇ હતી.

સમય પણ કસોટી કરતો હોય છે.

વચ્ચે સ્તુતિને સ્કુલેથી ઘરે લાવીને એને જમાડી ને સુવાડી પોતે પણ જમી અને થોડી વારમાં પાછી નીકળી. ઓફીસમાં પ્રિમિયમ ભરીને બાકીના બે કોલ માટે સમયસર ગઈ પણ સફળતા મળી એટલે વધારે થાકી ગઈ. એડવાઈઝરનું કામ એવું હોય છે, ક્યારેક સફળ ને વધારે ભાગે નિષ્ફળ.

આમને આમ સફળતા, નિષ્ફળતા, સ્તુતિ, ઘર, હોમવર્ક, ઘર માટે ખરીદીઓ, ઓફીસ બધાની વચ્ચે અફળાતી કુટાતી પોતાનો રસ્તો કાઢીને આગળ વધતી હતી મનસ્વી. અંકુશને ધીમે ધીમે ભૂલવા માંડી હતી. દિવસો વિતતા ગયા અને સ્તુતિ બાર વર્ષની થઇ ગઈ. ભણવામાં ખુબ તેજસ્વી, સ્કુલની દરેક એક્ટીવીટીમાં હમેશાં અવ્વલ રહેતી સ્તુતિ સ્કુલના સ્ટાફમાં પણ સૌની લાડકી બની ગઈ હતી. સ્તુતિની પ્રગતિ જોઇને મનસ્વી હમેશાં પ્રભુનો આભાર માનતી, પોતાને ગૌરવ અપાવે એવી દીકરી આપવા બદલ.

જોજે કોઈની નજર ના લાગે. એની રક્ષા કરજે પ્રભુ, મારું જીવન છે. એણે મનોમન પ્રાર્થના કરતી.

અચાનક એક દિવસ સ્તુતિની સ્કુલમાંથી ફોન આવ્યો કે સ્તુતિને ચક્કર આવ્યા ને તે બેહોશ થઇ ગઈ છે. મનસ્વી ઓફીસમાં બોસને જણાવીને મારતી એક્ટીવાએ સ્કુલે પહોચીં અને રઘવાટમાં પ્રિન્સીપાલની ઓફિસમાં રજા લીધા વિના પહોચીં ગઈ. ત્યાં સોફા પર સ્તુતિને સુવાડેલી હતી. એને જોઇને એના તો હોશકોશ ઉડી ગયા ને ભાંગી પડી. જો કે સ્કુલવાળાએ ડોક્ટરને પણ બોલાવી લીધા હતા.

''શું થયું મારી સ્તુતિને ડોક્ટર? સવારે તો હું એને મૂકવા આવી હતી ત્યારે તો કશું નહોતું, અને અચાનક શું થઇ ગયું?”

મનસ્વી રીતસર સવાલોનો મારો વરસાવતી હતી.

ડોકટરે કહ્યું, '' શાંત થઇ જાવ બહેન. અશક્તિમાં ક્યારેક આવું થઇ જાય. એની એક્ઝામ પણ હમણાં પૂરી થઇ છે. મેં ઇન્જેક્શન આપી દીધું છે. થોડી વારમાં ભાનમાં આવી જશે. સાથે દવા પણ લખી આપું છું. ચિંતા ના કરો, બે દિવસ પછી મારા ક્લિનિક પર ચેકઅપ માટે લઇ આવજો.''

મનસ્વી થોડી શાંત થઇ પણ અંદરથી તો જાણે બધું હાલકડોલક થતું હતું. મા હતી ને! એનો જીવવાનો એક માત્ર સહારો હતી સ્તુતિ! મનસ્વી અંદરથી સાવ ભાંગી ગયેલી પણ મક્કમ સ્વરે સ્તુતિને પંપાળતાં બોલી, હમણાં મારી દીકરી આંખો ખોલશે અને મમ્માને જોતા ખીલી ઉઠશે ચહેરો મારી લાડલીનો! જો બેટા તને કશું નહિ થાય, મમ્મા તને કશું નહિ થવા દે હો!થોડીવારમાં સ્તુતિએ આંખ ખોલી પણ ખાસ્સી નબળી લાગતી હતી. મનસ્વીની આંખ ભરાઈ આવી. પણ બોલી, ''જો કેટલી બહાદુર છે દીકરી મારી, આપણે બેટા થોડી વારમાં ઘરે જઈશું. ચાલ થોડું પાણી પી લે તો બેટા!'' થોડીવાર પછી પટાવાળા ભાઈ રીક્ષા બોલાવી લાવ્યા અને બંને મા-દીકરી એક્ટીવા ત્યાં રહેવા દઈ ઘરે આવ્યા.

આમ ને આમ ચાર દિવસ વીતી ગયા. સ્તુતિ સ્વસ્થ થવા લાગી. રૂટીન લાઈફ ફરી ગોઠવાતી ગઈ.

સાચે પાણી અને સ્ત્રી મુશ્કેલીમાં પોતાનો રસ્તો શોધી લે છે.

છેલ્લા કેટલાક દિવસોથી મૂંઝવણ તો હતી . વિચારો સાથે ઘરનું ઝાપટઝૂપટ કરતી હતી અને અચાનક ફોનની રીંગ વાગી, અને મનસ્વીને ધ્રાસકો પડ્યો કે પેલા કસ્ટમરનો તો ફોન નહિ હોય ને?

હા, મનસ્વીનું વિચારવું સાચું હતું. કસ્ટમરનો ફોન હતો જે છેલ્લા દસ દિવસથી ફોન કરતા હતા. આજે પણ વાતનું રટણ હતું સાગરભાઈનું! મનસ્વી કોલ પર ગઈ હતી ભાઈને ત્યાં અને એને એક મોટી રકમની પોલીસી આપી હતી. સાગરભાઈના પોતાના આઠ-દસ જાતના અલગ અલગ બિઝનેસના યુનિટ્સ હતા અને આગળ પણ મનસ્વીને કામ મળવાનું હતું. બસ એમની એક અપેક્ષા હતી. એમનો પ્રસ્તાવ હતો કે મનસ્વી એમની સાથે મૈત્રીસંબંધથી જોડાય. મનસ્વી અવઢવમાં હતી કે પ્રસ્તાવમાં એક તક હતી. તકને ઝડપી લેવી કે નહિ? કારણ મનસ્વી પોતાના અંગત વર્તુળમાં કોઈને પ્રવેશ આપવા માગતી નહોતી. શું કરવું? વિચારોનાં વમળમાં ઘેરાતી હતી. ત્યાં એક ઝબકારો થયો અને યાદ આવી ગઈ કશ્તી. એની પરમ સખી... એણે કશ્તીને ફોન કર્યો અને સાંજે સીસીડીમાં મળવાનું નક્કી કર્યું. હવે એણે નિરાંત અનુભવી.

ભાગ...1

લેખિકાનીતા શાહ

***