Pidi kothi no lohi tarasyo shaitaan books and stories free download online pdf in Gujarati

પીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન

અનુરોધ

મારી સર્વે વાર્તાઓ કાલ્પનિક છે. મારી મૌલિક કૃતિઓ છે. આ કથાના પાત્રો, ઘટનાઓ અને ઘટના સ્થળો કાલ્પનિક છે. આ કથામાં વિનિયોગ પામેલા પરિધાન પહેરવા કે પહેરાવવા પ્રયત્ન ન કરવા અનુરોધ છે. મારી વાર્તાઓના કારણે કોઈને દુઃખ કે પીડા પહોંચાડવાનો મારો કોઈ આશય નથી. જો કોઈને મનદુઃખ થાય તો ક્ષમા પ્રાર્થુ છું.

વધુમાં મારા પ્રિય વાચકોને હું અનુરોધ કરું છું કે કોઈએ પણ આ વાર્તાઓ ઇન્ટરનેટ પર ફ્રી ડાઉનલોડ માં મૂકવી નહીં. એક લેખક માટે જરૂરી છે કે તેની વાર્તાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તેનું નામ થાય સાથે સાથે વાર્તા ના બીજ થી લઈને વાચકોના હાથ સુધી પહોચાડવામાં થતાં ખર્ચનું વળતર પણ મળી રહે. જેટલા પણ વાચક મિત્રો મારી વાર્તા ખરીદશે તે મને વધુ લખવા માટે પ્રોત્સાહિત જ કરશે. આપ સૌના સહકારથી જ જાંબુ એક પ્રખ્યાત લેખક બની શકે છે. આપનો સહકાર જ મને આપ સૌની વાંચનની ક્ષુધા તૃપ્ત કરવા માટે અલગ અલગ વાર્તાઓનો રસથાળ આપની સમક્ષ પ્રસ્તુત કરવા માટે પ્રોત્સાહિત કરતો રહેશે.

અસ્તુ

પ્રસ્તાવના

મિત્રો મારા માતા-પિતાએ મારામાં વાંચન નો શોખ ખીલવ્યો અને મને વડોદરામાં માંડવી અને હંસા મહેતા જેવા પુસ્તકાલય મળ્યા જ્યાં મેં મારી વાંચનની ક્ષુધા મિટાવી.

ઘણા વર્ષો પહેલા એક તંત્ર-મંત્ર ને લગતું પુસ્તક મારા હાથમાં આવ્યું હતું અને મે મારા વાંચનના શોખને લઈને તે વાંચી લીધી. તેમાં આ એક સિદ્ધિ “પરકાયા પ્રવેશ” વિષે ઘણું બધુ લખાયેલું હતું. બસ ત્યારથી મારા મનમાં પીળી કોઠી નું બીજ રોપાયું. વર્ષો વીતી ગયા બીજી બધી કોઈ યાદ રહી નહીં પણ વાર્તા નું બીજ મારા મનમાંથી નિકળ્યું નહીં અને તેની પૂર્તિ માટે રચના થઈ પીળી કોઠીની.

લેખકના બે બોલ

જીવન નિર્વાહ માટે કારકિર્દી ના રસ્તા પર હું ઘણા વર્ષો સુધી વાંચનથી દૂર રહ્યો પણ મને થતું હતું કે કઈક ખૂટે છે. આખરે 2007 માં “રોમિયો” લખવાની શરૂઆત કરી તેના ઘણા પાનાં લખાયા પછી મને લાગ્યું કે આ વાર્તામાં થોડી કસર રહી જાય છે અને મે મારૂ ધ્યાન “પીળી કોઠી” પર લગાવ્યું. સંપૂર્ણ લખાયા પછી પણ મને લાગ્યું કે કઈક ખૂટે છે અને હું શાંત થઈ ગયો. જાન્યુઆરી 2018 માં “બૃહન્નલા” ની શરૂઆત કરી પણ તેની સાથે જ “એક ભિખારણ-The Food Goddess” નું બીજ મારા મનમાં આવ્યું અને હું તેના પર કામ કરવા લાગ્યો. સાથે સાથે મને “પીળી કોઠી” યાદ આવી અને મે તેને ફરીથી લખી અને અત્યારે તેનાથી સંતુષ્ટ થયો એટલે તમારી સમક્ષ લાવ્યો છું. આશા રાખું છું કે તમને આ પસંદ આવશે જ અને ઉપરની બધી જ વાર્તાઓ હું નજીકના ભવિષ્યમાં તમારી સમક્ષ જરૂરથી લઈ આવીશ.

સંપર્ક :

“જાંબુ” (શૈલેષકુમાર મોતીલાલ પરમાર),

મો. 09898104295 / 09428409469

E-mail – shailstn@gmail.com

પીળી કોઠી

એક તાંત્રિક આ પૃથ્વી પર રાજ કરવા ની ઇચ્છાથી સાધના કરીને અનેક લોકોની બલી ચઢાવે છે પણ તેની આ મનસા જાણી ગયેલ એક પંડિત પોતાનું બલિદાન આપીને તાંત્રિક ની સાધના વિફળ બનાવે છે. સાધના વિફળ થવાથી તાંત્રિક એક શ્રાપિત, એક અતૃપ્ત આત્મા બની જાય છે અને સંસાર પર કહેર વરસાવે છે. એક પિતા પુત્રનું ઘર્ષણ છે, એક પુત્ર પોતાની માતા માટે, પોતાની પ્રેમિકા માટે પિતા સામે ઊભો થાય છે. એક ભાઈ પોતાની માનેલી બહેન માટે, તેના થનારા પતિને, પોતાના મિત્રને મદદ કરે છે.

આ બધુ જ છે મારી પીળી કોઠી માં, સરવાળે તમને બધાને મારી આ વાર્તા જરૂરથી ગમશે. આશા રાખું છું કે તમે બધા જ ખાસ કરીને મારા ગુજરાતી વાંચનના રસિકો મારી આ વાર્તાને સફળ બનાવશો.

મિત્રો આવતી 12/11/2018 થી દર અઠવાડિયે આ નવલકથા ના ભાગ હું અહિયાં મૂકતો રહીશ.

૧. રાતો ડુંગર


સંજય અને નીરવ હતા તો બને મિત્રો પણ જાણે બે શરીર અને એક જીવ હોય તેમ રહેતા હતા. નિરવના માટે સંજયના મુખેથી નીકળેલ દરેક શબ્દો / દરેક વાક્યો ભગવાનની આજ્ઞા બરાબર હતા. સંજયનો બોલ નીરવ કદી ઉથાપે નહીં. આ જિગરજાન મિત્રોથી સહુ કોઈ ડરીને રહેતા હતા. તેમાએ લોકો ખાસ કરીને નિરવથી વધુ ડરતા કે ભૂલેચૂકે નિરવને ખબર પડી કે તેમણે સંજય ની વિરુદ્ધ માં કઈ પણ કહ્યું છે તો બસ આવી બન્યું. નીરવ તે વ્યક્તિને ખોખરો કરી નાખતો. સંજયની કોઈ મજાક પણ ઉડાવી શકતું નહીં એટલો ભય નિરવનો ફેલાયેલો હતો. આમ તો નીરવ ખૂબ જ શાંત રહેતો, તેને તેના પોતાના માન –અપમાનની પડેલી નહોતી, તે તેની મસ્તી માં જ રહેતો. નીરવ માટે એમ કહેવાતું કે જેનો કોઈ રવ ન થાય તે નીરવ. આવો કોઈ ને કોઈ પણ પ્રકારે નુકશાન ન પહોંચે તેનું ધ્યાન રાખવાવાળો નીરવ સંજયની વિરુદ્ધ કઈ પણ સાંભળવા મળે તો આગ ઓકતો દાવાનળ બની જતો. એમ પણ નિરવમાં ઠાકુર ખાનદાન નું ગરમ લોહી હતું. તે એક રાજવી કુળ નો વારસદાર હતો.


જ્યારે બીજીબાજુ સંજય એક ધીર-ગંભીર યુવક હતો. દરેક વસ્તુને તે તેની પોતાની સમજના ત્રાજવામાં તોલતો પછી જ કોઈ નિર્ણય લેતો. તેનો વિષે કોઈ કઈ પણ બોલે તે હસવામાં કાઢી નાખતો, જરૂર પડે તો જ સારી ભાષામાં સજ્જડ જવાબ પણ આપી દેતો. વાતચીત માં તેને કોઈ ચિત કરી શકે તેમ નહોતું. અને તે કોઇની પણ સાથે અકારણ લડાઈ ઝઘડો કરતો ન હતો. આવા સંજયની એક કમજોરી હતી, તેની માનેલી બહેન લક્ષ્મી. સંજય લક્ષ્મીને ખૂબ જ પ્રેમ કરતો. લક્ષ્મીની દરેક ઈચ્છા પૂરી કરવા તે ગમે તે હદ સુધી જવા તૈયાર રહેતો. તેને પોતાને ગમતું હોય કે ન ગમતું હોય પણ લક્ષ્મી ની ઈચ્છા પૂરી કરવા સંજય હંમેશા તૈયાર રહેતો.


અને લક્ષ્મી, એ તો સ્વર્ગલોકમાથી ભૂલોક માં ભૂલી પડેલી અપ્સરા હતી, હંમેશા ઊછળતી કૂદતી નાચતી નદી જેવી રહેતી. જે કોઈ તેને જુએ તે તેનો દીવાનો થઈ જતો. તેના જેવું રૂપ તો કદી કોઈએ જોયું નહોતું. તેનું શરીર ઊંચું, ભરેલું, પૂર્ણ કળાઓ પામવાની આગાહી આપતું હતું. તેનો રંગ સ્ફટિક જેવો સ્વેત અને શુદ્ધ હતો. તેના ચહેરાની અપૂર્વ રેખાઓ, તેના પ્રફુલ્લ નયનની ભભક, તેના હોઠ અને નાક નો ગર્વિષ્ઠ મરોડ… આ બધુ તેના વ્યક્તિત્વ ને અપ્રતિમ મોહકતા અર્પતા હતા. તેના અંગે અંગ ખીલેલા હતા, સૌંદર્યપૂર્ણ હતા, કોઈ અદભૂત શિલ્પીની દૈવી કલાના પરિણામ લાગતાં હતા. લક્ષ્મીને જોઈને એમ જ લાગતું કે વિધિએ અનુપમ સૌંદર્યની રસમૂર્તિની રચના કરી છે. આવી સ્વર્ગની અપ્સરા જેવી લક્ષ્મી તેનું દિલ નિરવને દઈ બેઠી હતી. અને સંજયે પણ બહેનની પસંદગી પર પોતાની મંજૂરીની મહોર લગાવી દીધી હતી.
કોઈ પણ રીતે આ લોકોનો મેળ નહોતો. એકનામાં હતુ વાણિયાનું શાણપણ જ્યારે બીજામાં ઠાકુરોનુ ગરમ લોહી. એક અમનપુરમાં રહેતો હતો તો બીજો નેનપુરમાં. બધી રીતના અલગ હતા છતા મિત્રો હતા .બંનેને એકબીજા વગર ગોઠતુ નહોતુ. પહેલા તો આ લોકોની કોઈ મિત્રતા નહોતી, એકબીજાને ઓળખતા પણ નહોતા. આ મિત્રતા કરાવનાર હતી લક્ષ્મી, જેને સંજય બહેન માનતો હતો અને તે તો પોતાનુ દિલ નિરવને દઈ બેઠી હતી.


સંજય અમનપુરના શેઠ રસીકલાલ શાહનો એકનો એક પુત્ર હતો જયારે નીરવ નેનપુરના જુલમી ઠાકુર ભૈરવસિંહનો એક માત્ર વારસદાર હતો. બે ગામની વચમાં હતો રાતો ડુંગર અને તેનું ગાઢ જંગલ. રાતા ડુંગરની ઊંચાઈને વરસાદી વાદળો અથડાતા અને વર્ષારાણી અહીં મન મૂકીને વરસતા હતા. એક નાનું ઝરણું પણ રાતા ડુંગર પરથી નીકળતુ હતુ જેને નૈનપૂરના લોકો રોહિણી નદી કહેતા હતા.


રોહિણી નદીનો પ્રવાહ નૈનપુર તરફ હતો, જયારે અમનપુરના ભાગે સરસ મજાનુ તળાવ આવ્યુ હતુ. નદી અને તળાવમાં બારેમાસ પાણી રહેતુ જેની સિંચાઈથી અહીંના લોકોને ખેતીમા ખુબ જ ઉત્પાદન મળતુ હતુ. શહેર અહીંથી ઘણુ દૂર હતુ એટલે શહેરી સગવડોથી તેઑ વંચિત હતા, પરંતુ રાજ્યને જોડતા મુખ્ય ધોરી માર્ગોમાનો એક માર્ગ, જ્યાં રાતા ડુંગરની હદ પૂરી થાય ત્યાંથી પસાર થતો હતો અને આ મુખ્ય માર્ગના એક ત્રિભેટાને જોડતી સડક આ બંને ગામોમાં હતી.. આ સડકથી જ અહીંનુ બધુ ઉત્પાદન શહેરમા ઠલવાતુ અને અઢળક રૂપિયાની કમાણી થતી હતી. આ કમાણીથી જ આ ગામો સમૃદ્ધ હતા.


રાતા ડુંગર અને તેના ગાઢ જંગલને કારણે આજ સુધી અમનપુર અને નૈનપૂર વચ્ચે કોઈ પણ જાતનો વ્યવહાર શક્ય બન્યો ન હતો. રાતા ડુંગર અને તેના ગાઢ જંગલને વચ્ચે મૂકીને કુદરતે જ આ બંને ગામોને એક બીજાથી દૂર રહેવા મજબૂર કરી દીધા હતા. જો કુદરતની રચના ન હોત તો પણ આ બંને ગામો વચ્ચે કોઈ પણ જાતનો વ્યવહાર શક્ય ન હતો કેમ કે અમનપુરના પ્રખ્યાત પંડિત જગન્નાથજીના વડવાઓ એક સમયમાં નૈનપૂરમાં રાજપુરોહિત નો દરજ્જો ધરાવતા હતા તે નૈનપૂરનું પાણી અગરાજ કરીને અમનપુરમાં આવીને વસ્યા હતા. આખા અમનપુરમાં આ પરિવારની આમન્યા સૌ કોઈ રાખતું અને તેમને માન આપનાર કોઈ પણ નૈનપૂર વિષે વિચારવા પણ તૈયાર નહોતું. નૈનપૂરમાં પણ આજ પરિસ્થિતી હતી. ત્યાનો રાજવી પરિવાર કોઈ પણ ભોગે પંડિતના પરિવારથી દૂર રહેવા ઇચ્છતા હતો અને રાજવી પરિવારની ઇચ્છા એટલે પૂરા પ્રદેશની ઈચ્છા. આમ, આ બંને ગામો નજીક હોવા છતાં કદી પણ નજીક નહોતા રહ્યા.


આમ તો કુદરતે અમનપુર અને નૈનપુર બંનેને લગભગ સરખી જ સંપતિ આપી હતી, પરંતુ બંને ગામોના વિકાસમાં ઘણો ફર્ક હતો, અને હોય જ ને, અમનપુરના સંચાલનમાં શેઠ રસીકલાલ શાહ, ઠાકુર ત્રિભુવનસિંહ અને પંડિત જગન્નાથ જેવા પરોપકારી, સમાજસેવી સજજનો ભાગ લેતા હતા. આવા સજજનોની સેવાથી અમનપુર કુદકે ને ભૂસકે પ્રગતિ કરતું હતું.


જ્યારે નૈનપુરમા કુદરતે થોડી ખોટ મૂકી દીધી હતી. એક શ્રાપ આપી દીધો હતો, જેને નૈનપુરના લોકો ભોગવતા હતા. આ શ્રાપનુ નામ હતુ પીળી કોઠી. શહેરથી દૂર હોવાના કારણે અહીંયા કોઈ પોલીસચોકી નહોતી કે શહેરથી પોલીસ અહીં આવતી પણ નહોતી. નૈનપુરના કોઈ પણ જાતના ઝઘડા કે વિવાદ હોય તો તેનો હલ માત્ર અને માત્ર પીળી કોઠીમાથી જ થતો હતો અને આજ પીળી કોઠી નૈનપુરના રેહવાસીઓ માટે એક અભિશાપ બની ગઈ હતી. અહીંના લોકોને આ શ્રાપનુ નિવારણ હજુ સુધી મળ્યુ નહોતુ.


નૈનપુરનું સંચાલન ત્યાનાં રાજવીકુળના વારસદાર ઠાકુર ભૈરવસિંહ ના હાથમાં હતું, અને તેમણે સંચાલનમાં મદદ કરનારા લોકો હતા ગુમાનસિંહ અને વશરામ. નૈનપુર માટે ઠાકુર ભૈરવસિંહ આતંકનો પર્યાય બની ગયા હતા. રાજાઓના રાજ તો જતાં રહ્યા હતા પણ ભૈરવસિંહ પોતાને રાજા જ સમજતા હતા અને આ નૈનપૂર અને તેને અડીને આવેલા બધા ગામોને તે પોતાની રિયાસત સમજતા હતા. અને આ રિયાસત માં રહેલ દરેકે દરેક જીવિત અને નિર્જીવને પોતાની માલીકીની વસ્તુ સમજતા હતા અને તેમને મન ફાવે તેમ તેનો ભોગવટો કરતાં હતા.


ભૈરવસિંહની કદ કાઠી તો કદાવર જ હતી સાથે સાથે તેમના બાવડાઓમાં અપાર બળ પણ ભરેલું હતું. તેઓ હમેંશા શરાબના નશામાં ધૂત રહેતા, તેમની શરાબી લાલ આંખો જોઈને જ બધા ડરી જતાં. તેમણે પોતાના માટે જી-હજૂરિયા ની એક નાનકડી ફોજ તૈયાર કરી હતી અને આ ફોજ નો વડો હતો ગુમાનસિંહ. આખા પરગણાને ધમરોળતી હતી આ ગુમાનસિંહની ફોજ. કયા ઘરમાં શું સારું છે, તેની ખબર કાઢીને તે જીવિત કે નિર્જીવને જબરજસ્તીથી ઉપાડીને ભૈરવસિંહના ચરણોમાં ધરી દેવાતું. ભૈરવસિંહનું મન ભરાઈ જાય પછી આ ફોજ તેનો ભોગવટો કરતી અને ઘણીવાર તો ભૈરવસિંહ ના નામ પર આ ફોજ જાતે જ જેનું મન થાય તેનો ભોગવટો કરી લેતી હતી. સામે થનારને અને ગામ છોડીને જવા તૈયાર થયા હોય તેવા સૌને સુખ નહીં મોત જ મળતું.


ગુમાનસિંહના જેવો જ રંગીલો અને કપટી વશરામ હતો. તે ગામમાં જંતર મંતર કરતો અને તેણે પણ નાનકડી ટોળી બનાવી હતી. આ ટોળી પણ ગુમાનસિંહની ફોજ જેવુ જ કામ કરતી. ઘણુખરું તો જંતર મંતરથી લોકોને પોતાના વશ માં રાખતી અને કદી કોઈ પણ જાતનો વિરોધ ન થવા દેતી. આમ જ ભૈરવસિંહનું રાજ બેરોકટોક ચાલી રહ્યું હતું. નશામાં ધૂત રહેતા ભૈરવસિંહે એક મજબૂત બાંધાનો કદાવર પઠાણ પણ રાખ્યો હતો. જેનું કામ હતું કે જે કોઈને પણ પકડીને લાવવામાં આવે તેની પર કોરડા વરસાવવા. લવાયેલ વ્યક્તિ કોણ છે એ તે જોતો નહીં તે તો બસ પૂરી તાકાતથી કોરડો વીંઝતો અને તેની સાથે જેના પર કોરડો વીંઝયો હોય તેની ચીસ નીકળતી અને વારંવાર ના કોરડા ખાધા પછી શરીરની ચામડી શરીરનો સાથ છોડીને કોરડા સાથે ચાલી આવતી, અને એ સોળ માથી ઝમતું લોહી આ બધુ જોઈને ભૈરવસિંહને અતિ પ્રસન્નતા થતી. તેનું અટહાષ્ય પીળી કોઠીમાં ગુંજતું. જ્યારે કોઈ ના મળે તો નીરવ અને તેની માં રૂપાદેવી નો નંબર પણ લાગતો.


જો કે સાવ એમ જ ન હતું કે દુઃખની દેવીએ કાયમ માટે નૈનપૂરમાં જ ધામા નાખ્યા હોય. અંહિયા તડકા-છાયડા ની જેમ દુઃખ અને સુખ આવતા જતાં રહેતા હતા. બે-ત્રણ દસકા સુધી દુઃખ રહેતું તો બીજા બે-ત્રણ દસકા ખૂબ જ સુખ રહેતું અને આ સુખના દિવસો માં જ નૈનપૂર અમનપુરની હરીફાઈ કરવા લાગી જતું હતું. હમણાં ના ઘણા દસકાઓ સુધી દુઃખે નૈન પૂરમાં પગ મૂક્યો જ ન હતો અને દુઃખને નૈનપુરથી દૂર રાખનાર હતી પીળી કોઠી. એક વરદાન હતી પીળી કોઠી નૈનપૂર માટે અને તેના કર્તા હર્તા હતા ઠાકુર સૂબેદારસિંહ. ઠાકુર સૂબેદારસિંહના પિતાનું અકાળે અવસાન થયું હતું એટલે સૂબેદાર સિંહની પરવરીશ તેમના દાદાએ જ કરી હતી અને આ પરવરીશના ફળ સ્વરૂપ સૂબેદારસિંહ તેમના દાદા જેવા જ પરોપકારી અને પ્રજાવત્સલ હતા. સૂબેદારસિંહ અને તેમના દાદા જ્યાં સુધી પીળીકોઠીના કર્તાહર્તા રહ્યા ત્યાં સુધી નૈનપૂર તરફ દુઃખ ની હવા ફરકી જ શકી નહીં. તેવામાં નૈનપૂરમાં ભૈરવસિંહને ત્યાં નાનકડા નિરવનો જન્મ થયો. નિરવના જન્મ બાદ સૂબેદાર સિંહ પોતાનો મોટાભાગનો સમય પૌત્રની સાથે રહેવામાં વિતાવવા લાગ્યા. સૂબેદારસિંહના આ સુખમાં ભૈરવસિંહ પરની લગામ થોડી ઢીલી થઈ ગઈ અને આનો ભરપૂર ફાયદો ભૈરવસિંહે ઉઠાવ્યો. તેમાં જ નીરવ શાળાનું જ્ઞાન લે તે પહેલા તો સૂબેદારસિંહે આ દુનિયામાંથી વિદાય લેવી પડી.


બસ, સૂબેદારસિંહના મૃત્યુ પછી નૈન પૂરમાં દુઃખનો સૂરજ ઊગ્યો. સૂબેદારસિંહના તાબામાં શાંત રહેલો ભૈરવ લોકો માટે કાળભૈરવ બની ગયો. સૂબેદારસિંહે જે પણ પરોપકારી કાર્યો કર્યા હતા તે બધા પર તેણે માલિકી હક જમાવીને પ્રજાને રંજાડવાનું શરૂ કરી દીધું. સૌથી વધુ ક્રોધ તેણે તેના પુત્ર અને પત્ની પર આવતો હતો કેમકે આજ લોકો તેને સૂબેદારસિંહ ની સાથે મળીને સંયમમાં રહેવા મજબૂર કરતાં હતા. તેથી જ ભૈરવસિંહે પત્ની અને પુત્ર પર અત્યાચાર વધારી દીધો હતો. અને ભૈરવસિંહના પુત્ર પરના આ અત્યાચારથી નીરવની તાલીમ એવી રીતના થઈ કે જાણે ચાવી ભરેલુ રમકડુ. ભૈરવસિંહના પગલાના અવાજ માત્રથી ફફડી ઊઠતો હતો નીરવ.


નિરવને સમજાતું નહોતુ કે તેના પિતા બીજા લોકોની જેમ સામાન્ય કેમ નહોતા. પીળીકોઠીમા હંમેશા તેના કે તેની માતાના ડૂસકા સંભળાતા અને આ ડૂસકાની સાથે સાથે તેના ક્રૂર પિતાનુ અટ્ટહાસ્ય પણ. નીરવ હવે મોટો થયો હતો, તેનું નૈન પૂરની શાળાનું ભણતર તો ક્યારનું ય પૂરું થઈ ગયું હતું પણ તેમના પર થતાં અત્યાચાર ઓછા થયા ન હતા. કોઠીમા તે પોતે, તેના પિતાજી તેના માતાજી અને તેના વયોવૃદ્ધ દાદીમા રહેતા હતા. નીરવ ઘણી વાર દાદીમાં સાથે બેસીને પોતાના પિતાના અત્યાચાર વિષે વાત કરતો. એક વાર તેણે દાદીમાને પૂછી જ લીધું કે તેના પિતા આટલા ક્રૂર કેમ છે ?


---------0000000000000-------
મિત્રો, આપ સૌ નો સહકાર જ મને વધુ લખવા માટે પ્રેરિત કરશે માટે વધુ ને વધુ સબસ્ક્રાઈબ કરો, અને ફોલો કરવા આપને વિનંતી છે.
અસ્તુ,
જાંબુ