yara a girl - 10 books and stories free download online pdf in Gujarati

યારા અ ગર્લ - 10



પણ એ કોઈ સામાન્ય વાનરો નહોતા. એમના શરીર પર લાંબા લાંબા રતાશ પડતા વાળ હતા. એમનો ચહેરો દેખાવે વાનર જેવો હતો પણ એ એકદમ કેસરી કલરનો હતો. એમની આંખો ઝીણી હતી, મોંનો ભાગ કાળો હતો, નાના કાન હતા. શરીરે તેઓ સામાન્ય વાનરો કરતા થોડા મોટા હતા અને તેઓ બે પગે ને ચાર પગે ચાલતા હતા. પેટ થી નીચે અને કમ્મર થી ઉપરના ભાગ પર લાલ કલર નું કપડું બાંધેલું હતું જેને પટ્ટા ની જેમ બાંધવામાં આવ્યું હતું. આ જંગલમાં તેઓ એક સાથે ઝુંડ માં રહેતા હતા. ને એમના મુખીયાનું નામ " ઉકારીઓ " હતું. તેઓ આ જંગલના એક મહત્વના અને ઉપયોગી પ્રાણીઓ હતા. તેઓ વોસીરો ની ભલાઈ ને મહત્વ આપતા. તેઓ જરૂર પડે વોસીરો ના હિતમાં લડાઈ લડવા પણ તૈયાર રહેતા. ને માણસો ની જેમ દરેક કામ કરી શકતા હતા અને બોલી પણ શકતા હતા.

ગ્લોવર સારી રીતે આ લોકો ને જાણતો હતો. ઉકારીઓ કેમ આમને અને અમને આ રીતે બાંધ્યા છે? ગ્લોવરે પૂછ્યું.

ગ્લોવર ઓળખે છે તું મને? મને એમ કે તું વફાદાર લોકો ને ભૂલી ગયો છે? ઉકારીઓ એ કહ્યું.

ગ્લોવરે એક ધારદાર નજરે તેની સામે જોયું. કારણ આપ ઉકારીઓ ઓળખાણ નહિ, ગ્લોવરે ગુસ્સામાં કહ્યું.

હજુ તારા ગુસ્સામાં એજ જુસ્સો છે ગ્લોવર. ખેર, જો અમે તને જાણીએ છીએ અને તે કરેલી બેઇમાની પણ ખબર છે મને. અમે વોસીરો ના વફાદાર છીએ. ને તારા જેવા ખૂની અને પાપી ને ક્યારેય ખબર હોવા છતાં નડ્યા નથી. પણ આજે તું બહારના લોકો ને વોસીરોમાં લાવી ને શું કરી રહ્યો છે? આ તારી તારા લોકો માટે વફાદારી નથી, ઉકારીઓ બોલ્યો.

મારી વફાદારી કેવી છે એ તને જણાવાની જરૂર નથી મારે. તું એ કહે કે આ લોકો ને કેમ પકડ્યા છે? ગ્લોવરે ગુસ્સામાં ઉકારીઓ ને કહ્યું.

ત્યાં ભોફીન વચ્ચે બોલ્યો, એમાં ગ્લોવર નો કોઈ ગુનો નથી. આ મારા દોસ્તો છે. એ લોકો મારી સાથે છે.

ત્યાં ઉકારીઓ ભોફીન તરફ ફર્યો ને બોલ્યો, ભોફીન તું તારા પોતાના લોકો ને વફાદાર નથી? શું તું નથી જાણતો કે આપણી દુનિયામાં બહારના લોકોને આવવાની મનાઈ છે? ને તું આ લોકો ને અહીં લઈ આવ્યો?

ઓહ, તો તમે મને જાણો છો? તો ઉકારીઓ તમે ભૂલી રહ્યા છો કે આપણી આ દુનિયા અદ્રશ્ય છે. બહારના લોકો એને જોઈ શકતા નથી કે અહીં આવી શકતા નથી. ને આપણે પણ બહારની દુનિયાના લોકો ને જોઈ શકતા નથી અને બહારના લોકો ને મળી શકતા નથી. તો પછી કોઈ ને લાવી ને વોસીરો સાથે બેઇમાની કેવી રીતે કરાય?

સાવધાન ભોફીન તમે વાતોમાં મને ફસાવી ના શકો. ને આ આવન જાવન શક્ય નથી પણ છતાંય આ લોકો અહીં છે ને? એના વિશે તમારે શુ કહેવું છે? આ કોઈ જાદુ છે? નજર સામે જે દેખાય છે તે શું છે? ઉકારીઓ એ પ્રશ્નોની જડી વરસાવી ભોફીન પર.

જે નજર સામે દેખાય છે તે સત્ય છે ઉકારીઓ. પણ એ પણ સત્ય છે કે આ લોકો ને અહીં લાવવામાં કોઈ નો હાથ નથી. પણ કદાચ કોઈ જાદુ હોઈ શકે, ભોફીને શાંતિ થી કહ્યું.

અત્યાર સુધી શાંત બેસી ને બધું જોઈ રહેલી યારા બોલી, એમાં એ લોકો નો કોઈ વાંક નથી. અમે અહીં અમારી મરજી થી નથી આવ્યા કે ના આ લોકો અમને અહીં લઈ આવ્યા છે. કોઈ નથી જાણતું કે શું થઈ રહ્યું છે.

ઉકારીઓ તરત જ યારા તરફ ધસ્યો, ને એ યારા ને નુકશાન કરી દેશે તેવી બીકે ગ્લોવરે જોર થી બુમ પાડી, સાવધાન ઉકારીઓ એને કશું થવું ના જોઈએ. નહીંતો હું ........

ઉકારીઓ ત્યાંજ રોકાય ગયો, નહિ તો ગ્લોવર? તું શું કરીશ? બીજા અજાણ્યા લોકો માટે પોતાના લોકો ને નુકશાન પહોંચાડીશ? વોસીરો ના નિયમો નું ઉલ્લંગન કરીશ? પણ હા, તારી પાસે બીજી આશા પણ શું રાખી શકાય?

જરૂર પડશે તો એ પણ કરીશ ઉકારીઓ. પણ તું એ ના ભુલીશ કે દરેક લોકો આપણા શત્રુ નથી હોતા.

હા ગ્લોવર તું પણ વોસીરો નો શત્રુ નહોતો. પણ છતાંય તે....

એ બોલવાનું પૂરું કરે તે પહેલા વેલીન બોલી, કોઈ પણ માણસ ત્યાં સુધી ગુનેગાર નથી હોતો જ્યાં સુધી એનો ગુનો પુરવાર ના થાય. ને ગ્લોવર નો ગુનો હજુ પુરવાર નથી થયો. દરેક ને પોતાની વાત કહેવાનો હક્ક હોય છે શું આ નિયમ નથી તમારા વોસીરોમાં ઉકારીઓ?

નિયમની વાતો કરવાનો હક્ક બહારના લોકો નો નથી. આ અમારી દુનિયા છે ને અહીં અમારા નિયમો પ્રમાણે જ ચાલશે, ઉકારીઓ હવે ગુસ્સે થઈ ગયો હતો.

હા તમારા નિયમો જ ચાલશે. પણ એ નિયમો નહિ જે ખોટા હોય, જે કોઈ ને પોતાની વાત કહેવાનો મોકો પણ ના આપે. જે સાચખોટાં વચ્ચે ભેદ ના સમજી શકે, જે એકતરફી હોય,અકીલ બોલ્યો.

હવે ઉકારીઓ બરાબર ગુસ્સે થઈ ગયો હતો એ સીધો અકીલ પર ધસ્યો ને તેને પકડી ને બોલ્યો, બહારના લોકો ને ભાષણ આપવાનો હક્ક નથી સમજ્યો? ને તારા જેવા.....

હજુ ઉકારીઓ આગળ કઈ બોલે તે પહેલાં ગ્લોવરે પોતાની તાકાત થી પોતાના બંધનો તોડી નાખ્યા ને પોતાની તલવાર સાથે ઉકારીઓ તરફ ધસ્યો ને બોલ્યો, છોડી દે એને ઉકારીઓ. નહિ તો આજે અહીં ઘમાસાણ મચી જશે.

ને આ અણધાર્યા હુમલા થી ઉકારીઓ ડરી ગયો ને એણે અકીલ ને છોડી દીધો.

સાવધાન ઉકારીઓ, મારે કોઈ ને કોઈપણ પ્રકારનું મારી પ્રમાણિકતા નું સર્ટિફિકેટ આપવાનું નથી. જે વાત થી તું અજાણ છે તેના થી દૂર રહે. ને આ લોકો ને કંઈપણ નુકશાન કર્યું તો હું ભૂલી જઈશ કે.........ને આગળ ના બોલતા ગ્લોવર અકીલ તરફ વળ્યો ને તેને બંધનમાં થી મુક્ત કર્યો. ને પછી વારાફરતી બધા ને મુક્ત કર્યા. ને આદેશ ના અવાજ માં બોલ્યો, ચાલો અહીં થી.

પણ ત્યાં સુધીમાં ઉકારીઓ લડવા માટે તૈયાર થઈ ગયો હતો, ગ્લોવર તું એટલી સરળતા થી નહિ જઈ શકે અહીં થી. આજે હું તને પણ નહિ છોડું એટલું બોલી એણે પોતાની કમ્મર નો લાલ બેલ્ટ ખોલી નાંખ્યો ને ગ્લોવર પર હુમલો કર્યો.

એ લાલ બેલ્ટમાં ધારદાર હથીયાર હતું જેના વડે ઉકારીઓ એ ગ્લોવર પર હુમલો કર્યો પણ તે હુમલા ને ગ્લોવરે નાકામ કરી દીધો.

ત્યાં ભોફીને ઉકારીઓ ને વિનંતી કરી, ઉકારીઓ તું આમ ગુસ્સે ના થઈશ. આ લોકો અજાણતા અહીં આવી ગયા છે. એ પોતે પણ નથી જાણતા કે એ લોકો અહીં આવ્યા કેવી રીતે? અમે એજ શોધવા જઈ રહ્યા છીએ. ને રહી ગ્લોવર ની વાત તો એમાં એનો કોઈ વાંક નથી. મેં જ એને અમારી મદદ કરવા મજબુર કર્યો હતો.

ભોફીન કોણ કેટલું મજબુર છે કે હતું એ મને નથી ખબર. પણ આ લોકો હવે અહીં થી આગળ નહિ જાય. આ આપણી દુનિયાના લોકો નથી. ને તેમનો ઈરાદો શું છે તે પણ ખબર નથી. એટલે હવે તમે બધા રાજા મોરોટોસ પાસે જશો ને એ નક્કી કરશે કે શું કરવું.

પણ ઉકારીઓ આ લોકો નો ઈરાદો કોઈ ને નુકશાન પહોંચાડવાનો નથી. હું ઓળખું છું આ લોકો ને. તુ મારો ભરોસો કરી શકે છે, ભોફીને કહ્યું.

ભોફીન ભરોસો તો હું હવે કોઈ નો કરતો નથી. એટલે તારો પણ નહીં કરું. મારા રાજા માટે મારી વફાદારી આજે પણ અકબંધ છે. એટલે આ લોકો અને તમે પણ હવે રાજા મોરોટોસ પાસે જ જશો.

શું કહ્યું? રાજા મોરોટોસ પાસે? શા માટે? ગ્લોવરે ગુસ્સામાં પૂછ્યું.

ના ઉકારીઓ તું ભૂલ કરી રહ્યો છે. જે લોકો ગુનામાં નથી એ લોકો ક્યારેય સજા પામતા નથી. ને આ લોકો એ કોઈ ગુનો કર્યો નથી. તું શા માટે મોરોટોસ પાસે લઈ જવા માંગે છે? તું એમને મોરોટોસ પાસે નહીં લઈ જઇ શકે, ભોફીને ભાર પૂર્વક કહ્યું.

મારે શું કરવું એ હું નક્કી કરીશ ભોફીન. તું કોણ છે મને રોકનાર? ઉકારીઓ એ ગુસ્સામાં કહ્યું. વાતાવરણ તંગ થઈ રહ્યું હતું. અકીલ, યારા અને વેલીન આ બધું જોઈ રહ્યા હતા.

યારા આ લોકો આમ જ લડતા રહેશે તો આપણે આપણી મંઝીલ સુધી ક્યારેય પહોંચી નહિ શકીએ, વેલીને કહ્યું.

હા યારા આ લોકો ને લડતા રોકવા પડશે નહીંતો આપણા પર પણ મુસીબત આવી પડશે, અકીલે કહ્યું.

યારા આ બધું સાંભળી રહી હતી. એ પહેલા થી જ આ પરિસ્થિતિ થી ચિંતામાં હતી. એ પોતાની ઇચ્છા ને તૂટતી જોઈ રહી હતી. એ સારી રીતે જાણતી હતી કે આ લોકો ની લડાઈ નુકશાન જ કરશે. એને હવે પોતાની નહિ પણ ગ્લોવર અને ભોફીનની પણ ચિંતા થવા લાગી. પણ છતાં એને લાગતું હતું કે ગ્લોવર અને ઉકારીઓ એકબીજા ને બચાવી રહ્યા છે. એ માત્ર શાબ્દિક યુદ્ધ લડી રહ્યા છે.

ને અચાનક એ ઉકારીઓ ની સામે જઈ ને ઉભી રહી ગઈ. તમે અમને રાજા મોરોટોસ પાસે લઈ જવા માંગો છો તો ચાલો હું આવવા તૈયાર છું. ને મારી સાથે આ લોકો પણ આવશે.

ગ્લોવર જોર થી બરાડ્યો, યારા આ તું શું બોલે છે? કોઈ ક્યાંય જવાનું નથી. આપણે હવે આપણા રસ્તે જઈશું.

હા યારા આપણે ત્યાં જઈશું તો ક્યારેય પાછા નહિ આવી શકીએ. ને તને ક્યારેય તારા માતાપિતા નહિ મળે, વેલીને કહ્યું.

કઈ વાંધો નથી. મારે નથી મળવું મારા માતાપિતા ને. હું ઉકારીઓ સાથે રાજા મોરોટોસ પાસે જઈશ. ને પૂછીશ એને કે મારા માતાપિતા ક્યાં છે? કેમ એમણે ઓરેટોન અને કેટરીયલ ની હત્યા કરાવી? કેમ મારા માતાપિતા ને મારી નાંખ્યા? યારા વારે વારે ઉકારીઓ સામે જોઈ ગુસ્સામાં બોલી રહી હતી.

બીજા બધા એની વાત સાંભળી વીચારમાં પડી ગયા કે આ શું કહી રહી છે?

પણ ઉકારીઓ તેની વાત સાંભળી તેની સામે જોવા લાગ્યો. એને સમજ નહોતી પડતી કે આ છોકરી શું કહી રહી છે?

હું બધા ને જણાવીશ કે મારા માતાપિતા સાથે શું થયું હતું? યારા હજુ બોલી રહી હતી. તેણે ભોફીનને ઈશારો કર્યો.

ભોફીન સમજી ગયો કે યારા નાટક કરે છે. તેણે તરત જ યારા ને કહ્યું, યારા શાંત તું આમ જોર જોર થી ના બોલીશ. લોકો જાણી જશે કે તું કોણ છે? ને તારી દશા પણ તારા માતાપિતા જેવી થશે.

થવા દે ભોફીન, લોકો ને પણ જાણ થવી જોઈએ કે હું કોણ છું?

આ બેની રામાયણ અકીલ અને વેલીન સમજી ગયા પણ ગ્લોવર હજુ અસમંજસ માં હતો. ને સૌથી વધારે તકલીફમાં તો ઉકારીઓ હતો. એને સમજાતું નહોતું કે આ શું ચાલી રહ્યું છે.

ઉકારીઓ એ જોર થી બુમ પાડી, ચૂપ, ચૂપ થઈ જા છોકરી.

ને યારા એકદમ ડરી ગઈ અને ચૂપ થઈ ગઈ. ઉકારીઓ તેની પાસે ગયો અને તેની સામે ધારી ધારી ને જોવા લાગ્યો. પછી એ ભોફીન તરફ વળ્યો ને બોલ્યો, આ શું કહે છે ભોફીન?

એજ જે તું સાંભળે છે ઉકારીઓ. આ છોકરી 'યારા' રાજકુમાર ઓરેટોન અને કેટરીયલની દીકરી છે. જેની મોત વર્ષો પહેલા થઈ હતી, ભોફીને કહ્યું.

પણ ઓરેટોન ને કોઈ બાળક હતું જ નહિ. એને તો આ ગ્લોવરે....... ઉકારીઓ આગળ ના બોલ્યો.

એની વાત થી ગ્લોવર ગુસ્સે થઈ ગયો પણ કઈ બોલ્યો નહિ.

ના ઉકારીઓ રાજા મોરોટોસે પોતાનું જીવન બચાવવા રાજકુમાર ઓરેટોન અને કેટરીયલની હત્યા કરાવી. પણ એમની હત્યા પહેલા કેટરીયલે એક દીકરી ને જન્મ આપ્યો હતો. ને યારા એજ છોકરી છે, ભોફીને કહ્યું.

જુઠ. જૂઠું બોલે છે તું ભોફીન. રાજા મોરોટોસ શા માટે પોતાના રાજપરિવારના એકના એક વારસદાર ની હત્યા કરાવે? એતો કેટલો ખુશ હતો? એ દિવસે આખું રાજ્ય આનંદ ના હિલોળા લેતું હતું. પણ આ ગ્લોવરે બધું જ બગાડી નાખ્યું, આટલું બોલતા ઉકારીઓ ગુસ્સામાં ગ્લોવર તરફ ધસ્યો.

પણ વચ્ચે ભોફીન આવી ગયો. શાંત ઉકારીઓ શાંત. તું, હું અને વોસીરો ના લોકો એ જ જાણીએ છીએ જે રાજા મોરોટોસે કહ્યું. પણ એ નથી જાણતા જે આપણા બધા થી છુપાવવામાં આવ્યું. આપણે પુરી સચ્ચાઈ થી હજુ સુધી અવગત થયા નથી.

પણ ભોફીન રાજા મોરોટોસ આવું શા માટે કરે? ઉકારીઓ ખરેખર હવે વ્યથિત થઈ ગયો હતો. એના માટે આ બધી વાતો એક રહસ્ય જેવી હતી. ને કેમ ના હોય? સચ્ચાઈ હજુ એ જાણતો નહોતો.

ઉકારીઓ તારા બધા જ પ્રશ્નોના જવાબ મળશે. પણ એના માટે તારે થોડી ધીરજ રાખવી પડશે, ભોફીને ઉકારીઓ ને શાંત પડતા કહ્યું.

ભોફીન આપણે કોઈ ના પ્રશ્નોના જવાબ આપવા નથી. ચાલો હવે અહીં થી, ગ્લોવરે ગુસ્સામાં કહ્યું.

કોઈ અહીં થી નહિ જાય ગ્લોવર. તું હજુ મારા વિસ્તારમાં છે એ ના ભુલીશ, ઉકારીઓ એ કહ્યું.

વિસ્તાર તો કુતરાઓ નો હોય ઉકારીઓ સિંહનો નહિ સમજ્યો? ને મારા માટે કોઈ વિસ્તાર ની કોઈ સીમા જરૂરી નથી. હું કોઈ સીમા ને માનતો નથી. ને તું પણ મારા રસ્તામાં ના આવીશ નહીંતો હું......ગ્લોવરે કહ્યું.

સાવધાન ગ્લોવર, તું ભૂલે છે કે હું પણ એક યોધ્ધા છું. સચ્ચાઈ માટે લડવામાં ક્યારેય પાછો નહિ પડું, ઉકારીઓ એ કહ્યું.

ગ્લોવર તું શાંત થઈ જા. આ સમસ્યાનો ઉકેલ લડાઈ નથી. આપણે સાથે રહી ને કામ કરીશું તો એક યોગ્ય ઉપાય મળશે આપણ ને, ભોફીને કહ્યું.

ભોફીન મારે કોઈ ઉકેલ જોઈતો નથી. આપણે હવે અહીં થી નીકળવું જોઈએ. હજુ આપણે આગળ જવાનું છે, ગ્લોવરે શાંતિ થી કહ્યું.

આ બધું સાંભળી રહેલો અકીલ બોલ્યો, ભોફીન ગ્લોવર બરાબર કહે છે આપણે આગળ વધવું જોઈએ.

ના કોઈ ક્યાંય નહિ જાય. બધા હવે અહીં થી રાજા મોરોટોસ પાસે જશે. મારે એને મળવું છે, યારા એ બધા ની સામે જોતા કહ્યું.

પણ ઉકારીઓ ને હજુ સમજ નહોતી પડતી કે આ લોકો ક્યાં જઇ રહ્યા છે? કેમ જઈ રહ્યા છે. પણ આ બધી વાતો થી એને એટલી સમજ પડી કે કઈક એવું છે જે તેને જાણવા ની જરૂર છે. જેના થી પોતે અજાણ છે. થોડું વિચાર્યા પછી એણે એક નિર્ણય લઈ લીધો.

ઉકારીઓ એ યારા ના સામે જોતા ભોફીન ને કહ્યું, ભોફીન હું પણ તમારી સાથે આવીશ.

બધા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. ભોફીન અને યારા એ એકબીજા ની સામે જોઈ ને આંખ મિચકારી.

ગ્લોવર એકદમ ગુસ્સામાં આવી ગયો ને બોલ્યો, એ શક્ય નથી. આ આપણી સાથે નહિ આવે.

ભોફીને ગ્લોવર ને થોડા દૂર લઈ જઈ ને પૂછ્યું, પણ વાંધો શું છે ગ્લોવર?

બસ ભોફીન, આ ઉકારીઓ આપણી સાથે નહિ જાય, ગ્લોવરે કહ્યું.

ત્યાં યારા તેમની પાસે આવી, ગ્લોવર તમને વાંધો શું છે? આવવા દો ને એમને આપણી સાથે. નહીંતો આપણે રાજા મોરોટોસ પાસે જવું પડશે. ને એ આપણ ને ક્યારેય સચ્ચાઈ સુધી નહિ પહોંચવા દે. ને વોસીરો ના લોકો ક્યારેય તમારી સચ્ચાઈ નહિ જાણી શકે. શું તમે નથી ઈચ્છતા કે લોકો જાણે કે રાજકુમાર ઓરેટોન અને તેમની પત્ની કેટરીયલ ના મોત નું કારણ શુ હતું? કોણ છે એમનો હત્યારો?

ગ્લોવરે યારા સામે જોયું એ જે કહેતી હતી એ સાચું હતું. એ પણ ઈચ્છતો હતો કે વોસીરોના લોકો પોતાના રાજકુમારની મોત નું સાચું કારણ જાણે. પોતે પણ હવે આ ખોટા આરોપો ના બોજ થી કંટાળી ગયો હતો. એણે યારા ના પ્રશ્નનો કોઈ જવાબ ના આપ્યો. ને કઈ પણ બોલ્યા વગર ચાલવા લાગ્યો.

બધા ને હાશ થઈ. ને બધા ખુશ થઈ ગયા.

ચાલો ઉકારીઓ તમે પણ અમારી સાથે ચાલો, વેલીને કહ્યું. ને બધા ચાલવા લાગ્યા. ઉકારીઓ એ પોતાના સાથીઓ ને ત્યાં જ રોકાવા કહ્યું.

ક્રમશ...............