yara a girl - 22 books and stories free download online pdf in Gujarati

યારા અ ગર્લ - 22



બીજી બાજુ એક બહુ મોટો બૉમ્બ વોસીરોમાં ફૂટ્યો હતો. પણ એનો અવાજ માત્ર રાજા મોરોટોસના કક્ષમાં જ સંભળાયો હતો. બીજા કોઈએ તે અવાજ સાંભળ્યો નહોતો.

સવારના સમયમાં એક સિપાઈ એ આવી કહ્યું, રાજા મોરોટોસ નિકોસી આપને મળવા આવ્યા છે.

રાજા મોરોટોસે આંખ થી જ તેમને અંદર મોકલવા કહ્યું.

રાજા મોરોટોસ સવાર સવારમાં આપને તકલીફ આપવા બદલ ક્ષમા. પણ વાત અત્યંત જરૂરી છે. એટલું બોલતા બોલતા નિકોસી ધ્રુજી રહ્યો હતો.

હા બોલ નિકોસી, શું કહેવું છે? રાજા મોરોટોસ પોતાની ખુરશી પર બેઠા બેઠા બોલ્યો.

રાજા મોરોટોસ રાણી કેટરીયલ પોતાના કક્ષમાં નથી, આટલું બોલતા બોલતા તેની જીભ થોઠવાવા લાગી.

શું ? એટલું બોલી રાજા મોરોટોસ ખુરશી પર થી ફટાક લઈને ઉભો થઈ ગયો.

નિકોસી તું શુ કહી રહ્યો છે તે તને ખબર છે ને? રાજા મોરોટોસ એકદમ ઉભો થઈ ગયો ને ગુસ્સા થી બોલ્યો.

હા રાજા મોરોટોસ હું બરાબર જાણું છું કે હું શું કહી રહ્યો છું. હું સવારે રાણી કેટરીયલના કક્ષમાં ગયો તો તેઓ ત્યાં નહિ હતાં. મેં આખો કક્ષ જોઈ લીધો પણ તેઓ ત્યાં નથી, નિકોસી ડરતાં ડરતાં બોલી રહ્યો હતો. તે રાજા મોરોટોસ નો ગુસ્સો જાણતો હતો.

રાજા મોરોટોસ ગુસ્સામાં ધુઆપુઆ થઈ ગયો ને બોલ્યો, નિકોસી એ શક્ય જ નથી કે કેટરીયલ તેના કક્ષમાં હાજર ના હોય. ને પછી તે ત્યાંથી રાણી કેટરીયલના કક્ષ તરફ ચાલ્યો.

રાજા મોરોટોસ ક્યારેય જાહેર રસ્તા પર થી કેટરીયલ ને મળવા જતો નહોતો. તે હંમેશા એક છુપા રસ્તાનો ઉપયોગ કરતો હતો. ને આ રસ્તો રાજા મોરોટોસ અને નિકોસી બે જ જાણતા હતા.

નિકોસી એ રાજા મોરોટોસનો વફાદાર માણસ હતો. જ્યાર થી રાણી કેટરીયલ ને કેદ કરી હતી ત્યાર થી તેજ તેનું ધ્યાન રાખતો હતો. કેટરીયલની દરેક વસ્તુ નું ધ્યાન તે રાખતો હતો. વોસીરોમાં માત્ર બેજ જણ હતા જે રાણી કેટરીયલ જીવીત છે અને કેદ છે તે જાણતા હતાં. ને એ હતા મોરોટોસ અને નિકોસી.

રાજા મોરોટોસ ગુસ્સા સાથે આગળ વધી રહ્યો હતો અને માથું નીચે રાખી નિકોસી તેની પાછળ ચાલી રહ્યો હતો.

બન્ને જણ કેટરીયલના કક્ષમાં આવી ગયાં. મોરોટોસ ચારેબાજુ કેટરીયલને શોધવા લાગ્યો. પણ કેટરીયલ ત્યાં હોય તો મળે ને? તેણે દરેકે દરેક વસ્તુ બારીકાઈ થી જોવા લાગી. પણ એને કઈ મળ્યું નહિ.

આ માટે તો બુઓન ને દાદ આપવી પડે કેમકે એણેજ જતાં જતાં દરેક વસ્તુ ને તેના મૂળ સ્થાને મૂકી હતી. વળી તેણે એ દરેક નિશાનીઓ સાફ કરી દીધી હતી જે આગળ જતા નડી શકે તેમ હતી. બુઓન ખરેખર એક ચતુર અને હોંશિયાર ઐયાર હતો.

મોરોટોસ હવે ખરેખર દ્વિધામાં પડી ગયો હતો કે કેટરીયલ ગઈ ક્યાં? ને કેવી રીતે? એ ત્યાં જ બેસી પડ્યો. એનું મગજ ચકરાવે ચડ્યું. કેવી રીતે કેટરીયલ અહીં થી બહાર નીકળી? કોણે મદદ કરી એની? ને કોને ખબર પડી ગઈ કે કેટરીયલ જીવીત છે અને અહીં છે? કેવી રીતે? કેવી રીતે? મોરોટોસ પોતાના જ વાળ ખેંચવા લાગ્યો.

નિકોસી તેની સામે ઉભો ઉભો થરથર કાંપી રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે હવે મારુ શું થશે? હું જીવીત બચીશ કે નહીં?

મોરોટોસ હજુ પણ ત્યાં જ બેઠો હતો. તેનો ચહેરો હવે ઉદાસ દેખાતો હતો. હવે એ કશું કરી શકે તેમ નહોતો. તેણે આ વાત બધા થી છુપાવી ને રાખી હતી એટલે એ પૂછવા પણ કોને જાય? એની હાલત અત્યારે કાપો તો લોહી પણ ના નીકળે એવી થઈ ગઈ હતી. એ પોતે જ પોતાની ચાલમાં ફસાઈ ગયો હતો.

મોરોટોસ પોતાને અસહાય અનુભવી રહ્યો હતો. બધું હોવા છતાં આવી લાગણી ઘણીવાર માણસને પાગલ બનાવી દે છે. ને મોરોટોસ અત્યારે એજ કંગાર પર ઉભો હતો.

એના મગજમાં ઘણાબધા પ્રશ્નો ઉદભવી રહ્યા હતા. કેટરીયલ ક્યાં ગઈ હશે? એણે લોકો ને શું કહ્યું હશે? લોકો મારા કપટ ને જાણી જશે તો? હું મારી પ્રજાને શું જવાબ આપીશ? ને રાજા ચાર્લોટ ને ખબર પડી ગઈ તો? એ એકદમ ઉભો થઈ ગયો.

ના ના ના એવું ના થવું જોઈએ. કોઈ ને ખબર ના પડવી જોઈએ. મોરોટોસ એકલો એકલો બોલી રહ્યો હતો.

નિકોસી તું બહાર જા ને જો કે કેટરીયલ ક્યાં છે? તું એને શોધવાનો પ્રયત્ન કર. કોઈ ને ખબર ના પડવી જોઈએ કે કેટરીયલ અહીં કેદ હતી. તું જા જલ્દી જા, મોરોટોસે કહ્યું.

જી રાજા મોરોટોસ, આટલું બોલી નિકોસી ઝડપ થી ત્યાં થી નીકળી ગયો. એને માટે તો આ એક મોકો હતો ત્યાં થી છૂટવાનો.

મોરોટોસ ત્યાં જ બેસી રહ્યો. હવે એ વિચારી રહ્યો હતો કે તેણે કેટરીયલ ને જીવીત શા માટે રાખી? જો એજ સમયે તેને મારી નાંખી હોત તો આજે આ દિવસ ના જોવો પડત. હવે એને એના નિર્ણય પર અફસોસ થઈ રહ્યો હતો. પણ હવે એ અફસોસ કોઈ કામનો નહીં હતો.

ઉકારીઓ હજુ પણ વોસીરોમાં હતો. તે અહીં રહી જાણવા માંગતો હતો કે હવે રાજા મોરોટોસ શું કરશે? તે કેવી રીતે રાણી કેટરીયલ ને શોધશે? શું વોસીરોના લોકો જાણી જશે કે રાણી કેટરીયલ જીવીત છે? ઘણાં બધા પ્રશ્નો હતાં પણ એનો કોઈ જવાબ હજુ સુધી મળ્યો નહોતો.

હજુ સુધી રાણી કેટરીયલ ને લઈ કોઈ વાત બહાર આવી નહોતી. વોસીરો ની જીંદગી આજે પણ રોજ જેવી જ હતી. એમાં કોઈ બદલાવ નહોતો. ફર્ક માત્ર એટલો જ હતો કે રાજા મોરોટોસ હજુ ત્યાં જ મહેલમાં બેઠો હતો જ્યાં કેટરીયલ ને તેણે કેદ રાખી હતી. સમય વીતી રહ્યો હતો.

મોસ્કોલામાં રાજકુમારી કેટરીયલની હાલત સુધરી રહી હતી.

રાજા ચાર્લોટ ના સભાખંડમાં બધા હાજર હતા.

સેનાપતિ કવીન્સી વોસીરો વિશે કોઈ સંદેશ? રાજા ચાર્લોટે પૂછ્યું.

ઉકારીઓ એ સંદેશ મોકલ્યો છે કે હજુ ત્યાં કોઈ ગતિવિધિ ચાલુ થઈ નથી. રાજા મોરોટોસ પોતાના સભાખંડમાં હાજરી આપી નથી રહ્યા. હજુ લોકો ને ખબર પડી નથી કે રાણી કેટરીયલ જીવીત છે, કવીન્સી એ કહ્યું.

તો એનો મતલબ એ છે કે હજુ સુધી મોરોટોસે કેટરીયલને શોધવાનો પ્રયત્ન કર્યો નથી, રાજા ચાર્લોટે કહ્યું.

એવું શક્ય નથી. પણ કદાચ મોરોટોસે પોતાના ખાસ વ્યક્તિઓ ને આ કામ સોંપ્યું હોય જેની કોઈ ને જાણ ના હોય, કવીન્સી એ કહ્યું.

ગ્લોવર તમને શું લાગે છે? રાજા મોરોટોસ અત્યારે શું કરી રહ્યા હશે? રાજા ચાર્લોટે પૂછ્યું.

રાજા ચાર્લોટ રાજા મોરોટોસ ખૂબ ચાલક વ્યક્તિ છે. જો એમણે રાણી કેટરીયલ ને આટલાં બધા વર્ષો કેદ કરી રાખ્યા ને કોઈ ને ગંધ પણ ના આવવા દીધી. તો મને નથી લાગતું કે હવે તે કોઈ ને સામે ચાલી ને આ વાત કરે. અત્યારે મોરોટોસ ની હાલત કફોડી હશે. ના એ કોઈ ને કઈ કહી શકતો હશે, ના પોતે આ પરિસ્થિતિ સહી શકતો હશે, ગ્લોવરે નમ્રતાપૂર્વક કહ્યું.

ફિયોના તું શું કહેવા માંગે છે આ વિષય પર? રાજા ચાર્લોટે પૂછ્યું.

રાજા ચાર્લોટ પરિસ્થિતિ ગમે તેવી હોય પણ રાજા મોરોટોસ એક રાજા છે. તે આમ જલ્દી ભાંગી નહિ પડે. એ કોઈ ને કોઈ દાવપેચ કરી જ રહ્યો હશે, ફિયોના એ કહ્યું.

એમાં કોઈ શંકા નથી ફિયોના પણ હવે આપણે શું કરવું તે નક્કી કરવાનું છે? ઐયાર આરોને પ્રશ્ન કર્યો.

આપણી પાસે બે રસ્તા છે. પહેલો આપણે રાજા મોરોટોસ ને સંદેશો મોકલી આપીએ કે રાણી કેટરીયલ મોસ્કોલામાં છે. ને બીજો જે ગુનો તેણે કર્યો છે તેની સજા તેને આપીએ, યારા એ કહ્યું.

રાજકુમારી યારા મોરોટોસ ને સંદેશો મોકલવો એ શું યોગ્ય રહેશે? આરોને પૂછ્યું.

ઐયાર આરોન તમારી પાસે બીજો કોઈ ઉપાય છે? માતા કેટરીયલ અહીં છે એ જાણી ને મોરોટોસ હલી જશે. પણ એ માતા ને શોધવાનું બંધ કરી દેશે. ને શક્ય બને કે એ અહીં માતા ને મળવા પણ આવે, યારા એ કહ્યું.

રાજકુમારી યારા એ શા માટે અહીં આવે? શું એ નથી જાણતો કે એ અહીં આવશે તો શું થશે? કવીન્સી એ ગુસ્સા સાથે કહ્યું.

શું થશે સેનાપતિ કવીન્સી? શું એને ખબર છે કે આપણે તેના વિશે બધું જાણી ગયા છીએ? શું તેને ખબર છે કે રાણી કેટરીયલે પોતાની વ્યથા પોતાના પિતાને જણાવી છે? યારા કવીન્સી ને ઉપરા ઉપરી પ્રશ્નો પૂછી રહી હતી.

શાંત રાજકુમારી યારા શાંત, ગ્લોવરે ઉભા થતા કહ્યું. તમે જે કહી રહ્યા છો એવું બને પણ ખરું અને ના પણ બને. પણ છતાં રાજા મોરોટોસ ને સંદેશો મોકલવો એ વાત વિચારવા જેવી છે. જો એને રાણી કેટરીયલ વિશે જાણ કરીશું તો બીજા ઘણા પ્રશ્નો ઉદ્દભવશે. તમારો ને મારો પણ પ્રશ્ન થશે. ત્યારે શું જવાબ આપીશું? ગ્લોવરે ખૂબ જ શાંતિ થી પોતાની વાત રજૂ કરી.

ગ્લોવર ની વાત સાંભળી યારા અને ત્યાં હતા એ બધાં વિચારમાં પડી ગયા. ગ્લોવર ની વાતમાં દમ હતો. જો રાજકુમારી કેટરીયલ મોસ્કોલા માં છે તે જાણ કરવામાં આવે તો ગ્લોવર કેવી રીતે અહીં આવ્યો? કેટરીયલ ને કોણ અહીં લઈ આવ્યું? યારા કોણ છે? ને એ અત્યાર સુધી હતી ક્યાં? ને બીજા ઘણા બધા પ્રશ્નો થઈ શકે તેમ હતું.

પણ સાથે એ વાત પણ હતી કે આજે નહીંતો કાલે આ બધા પ્રશ્નો ઉદ્દભવવા ના જ છે. ને સચ્ચાઈ બહાર તો લાવવી જ પડશે.

યારા ને પણ ગ્લોવર ની વાત બરાબર લાગી. પછી એ કઈક વિચારવા લાગી. ને પછી બોલી,

દાદાજી આપણે મોરોટોસ ને યુદ્ધ કે લડાઈ કરી ને નહીં પણ બુધ્ધિ થી હરાવાનો છે. તેણે માતા કેટરીયલ સાથે જે વ્યવહાર કર્યો છે તે યોગ્ય નથી. ને એટલે જ આપણે મોરોટોસને તેણે કરેલા ગુનાની સજા આપવાની છે. ને એ સજા એવી હોવી જોઈએ કે તેને પોતાની ભૂલનું જ્ઞાન થાય અને તે પસ્તાવો કરે. ને બીજા લોકો આ જોઈ આવું કરવાનું ક્યારેય ના વિચારે, યારા એ ગુસ્સા અને જુસ્સા સાથે પોતાની વાત રજૂ કરી.

જે ત્યાં હાજર હતાં તે યારા ની સામે જોવા લાગ્યા ને વિચારવા લાગ્યા વાત માં દમ છે પણ જો તેને યોજનાપૂર્વક કરવામાં આવે તો.

રાજકુમારી યારા ની વાતમાં દમ છે. પણ એના માટે આપણે ખૂબ સાવધાની અને તૈયારીઓ કરવી પડશે. આપણે રાજા મોરોટોસને બંધી બનાવી શકીએ, ઐયાર કુતંગી એ કહ્યું.

કુતંગી તમે શું કહી રહ્યા છો એ જાણો છો? એ રાજા મોરોટોસ છે, કવીન્સી એ કહ્યું.

સેનાપતિ કવીન્સી એ રાજા મોરોટોસ છે એ વાત સાચી છે પણ એ ગુનેગાર છે, ફિયોના એ કહ્યું.

હા હું જાણું છું. પણ મોરોટોસ એ નાનું બાળક નથી કે આપણે તેને ઊંચકી ને લઈ આવીએ, કવીન્સી એ કહ્યું.

સેનાપતિ કવીન્સી તમે આપણી તાકાત ને ઓછી કેમ આંકો છો? શું આપણે એક ગુનેગાર ને પકડી ના શકીએ? શું મોસ્કોલા પાસે પોતાની રાજકુમારી ને વર્ષો સુધી તકલીફો આપી કેદ કરી રાખનાર ગુનેગાર ને પકડવા માટે કોઈ વ્યવસ્થા નથી? કોઈ જાંબાઝ નથી? યારા એ કટાક્ષ સાથે કહ્યું.

રાજકુમારી યારા તમારી વાત વિચારવા જેવી છે. ગ્લોવર, કવીન્સી, બુઓન તમે આ વાત પર વિચાર કરો. ને આપણે કેવી રીતે મોરોટોસ ને બંધી બનાવી શકીએ તેની યોજના બનાવો. પછી જોઈએ કે કેવી રીતે આગળ વધી શકાય છે, રાજા ચાર્લોટે કહ્યું.

રાજા ચાર્લોટ રાજકુમારી કેટરીયલ સંપૂર્ણપણે ભાનમાં આવી ગયા છે. રાણી કેનોથે તમને યાદ કર્યા છે, સિપાઈ એ આવી સંદેશો આપ્યો.

રાજા ચાર્લોટ ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. એ તરત જ ત્યાં થી કેટરીયલના કક્ષ તરફ જવા નીકળ્યા.

ત્યાં હાજર બધા લોકો આ સાંભળી ખુશ થઈ ગયા હતાં. યારા, ગ્લોવર, ભોફીન, અકીલ, વેલીન, ફિયોના અને કવીન્સી પણ રાજા ચાર્લોટ ને અનુસર્યા.

રાણી કેનોથ કેટરીયલ સાથે તેમની પાસે બેઠા હતા. રાજા ચાર્લોટ કેટરીયલ ને જોઈ ખુશ થઈ ગયા. કેટરીયલ પણ પોતાના પિતાને જોઈ ઉભી થઈ ગઈ અને તેમને વળગી પડી.

કેટરીયલ તું સ્વસ્થ છે ને? રાજા ચાર્લોટે કેટરીયલના માથા પર હાથ ફેરવતાં પૂછ્યું.

હા પિતાજી હું સ્વસ્થ છું, કેટરીયલે કહ્યું.

ત્યાં કવીન્સીને જોઈ કેટરીયલ તેના તરફ આગળ વધી અને તેને ગળે લગાવી લીધો ને બોલી, બહુ મોટો થઈ ગયો છે રાજકુમાર કવીન્સી.

રાજકુમાર નહિ કેટરીયલ સેનાપતિ કવીન્સી. મોસ્કોલાના સેનાપતિ, એટલું બોલતા કવીન્સી ની આંખ ભરાઈ આવી. પણ એણે પોતાની જાત ને સંભાળી લીધી.

કેટરીયલે તેના ગાલ પર પ્રેમ થી હાથ ફેરવ્યો.

કેટરીયલની નજર ગ્લોવર પર ગઈ અને ત્યાં જ જડાઈ ગઈ.
થોડીવાર ગ્લોવર ને જોયા પછી તે બોલી, ગ્લોવર તમે બરાબર છોને?

ગ્લોવર તરત જ ઘૂંટણીયે બેસી ગયો ને બોલ્યો, રાણી કેટરીયલ ક્ષમા. હું તમારી કોઈ મદદ ના કરી શક્યો. મેં મારી ફરજ ના બજાવી. તેની આંખમાં આંસુ આવી ગયા.

કેટરીયલ ગ્લોવરની પાસે ગઈ ને તેને ઉભો કર્યો ને બોલી, ગ્લોવર તને ખબર હતી કે હું જીવીત છું? તમે પોતે તો મારી હત્યા ના ગુનેગાર હતા.

ગ્લોવરે કેટરીયલ ની સામે જોયું.

ગ્લોવર મને ખબર છે કે તું પણ આટલા વર્ષ શાંતિ થી નહીં જીવ્યો હશે? તે પણ તારી જીંદગી સંતાવામાં જ ખર્ચી નાંખી હશે. ને તને ખબર હોત તો તું શાંત ના બેઠો હોત એની મને પુરી ખાતરી છે. પણ હું જરૂર થી કહીશ કે મેં તારી રાહ જોઈ હતી, કેટરીયલે કહ્યું. ને એ ઉદાસ થઈ ગઈ.

રાણી કેટરીયલ તમે મને માફ કરી દો, ગ્લોવરે ગ્લાનિ સાથે કહ્યું.

ગ્લોવર તને ખબર છે એ દિવસે હું અને ઓરેટોન ખૂબ ઝઝૂમ્યા હતાં જીંદગી અને મોત સામે. ને તે મને ઉગારી લીધી પણ ઓરેટોનને....... કેટરીયલ નું ગળું ભરાઈ આવ્યું.

રાણી કેટરીયલ મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ હું એમને બચાવી ના શક્યો. હું મહેલ સુધી આવ્યો હતો તમને શોધવા, ગ્લોવરે કહ્યું.

ગ્લોવર મને તારા ઉપર પૂરો ભરોસો છે. પણ તું એક વાત નથી જાણતો, કેટરીયલે ઉદાસીનતા સાથે કહ્યું.

જી રાણી કેટરીયલ, શું તમે તમારી દીકરી વિશે વાત કરી રહ્યા છો? ગ્લોવરે માથું નમાવી પૂછ્યું.

કેટરીયલ ની આંખોમાં એકદમ ચમક આવી ગઈ. એ તરતજ ગ્લોવર તરફ ફરી ને બોલી, ગ્લોવર તને ખબર છે કે મેં દીકરી ને જન્મ આપ્યો છે?

ના રાણી કેટરીયલ એ સમયે નહોતી ખબર. પણ થોડા સમય પહેલાં જ મને ખબર પડી. ને એટલેજ તમે આજે અહીં અમારી સાથે છો, ગ્લોવરે કહ્યું.

ખબર પડી? એટલે મારી દીકરી અહીં છે? કેવી રીતે? ક્યાં છે એ? કેટરીયલ અધીરી થઈ ગઈ જાણવા માટે.

ફિયોના એ યારા ને આગળ કરતા કહ્યું, રાજકુમારી કેટરીયલ આ રાજકુમારી યારા છે. આપની અને રાજકુમાર ઓરેટોન ની દીકરી.

કેટરીયલ તરતજ યારા તરફ દોડી. એ ધારી ધારી ને યારા ને જોવા લાગી. પછી એ પોતાના પલંગ તરફ દોડી. પોતાના તકિયા નીચે થી પોતાનો જીવન રક્ષક હીરો લઈ આવી ને યારા તરફ આગળ કર્યો.

જેવો કેટરીયલે જીવન રક્ષક હીરો યારા તરફ આગળ કર્યો એટલે યારાના ગળા નો તેનો જીવન રક્ષક હીરો પ્રકાશિત થવા લાગ્યો. ને તેનું તેજ કેટરીયલના જીવન રક્ષક હીરા ને અડવા લાગ્યું. કેટરીયલ આંખો પહોળી કરી ને જોઈ રહી હતી. તેને હજુ વિશ્વાસ નહોતો આવી રહ્યો.

તેણે પોતાની મુઠ્ઠી બંધ કરી દીધી. ને યારા ને પોતાની તરફ ખેંચી લીધી. બન્ને જણ ચોધાર આંસુ એ રડવા લાગ્યા. કેટરીયલ યારા ના શરીર પર પ્રેમ થી હાથ ફેરવી રહી હતી. આ દ્રશ્ય જોઈ ત્યાં ઉભેલા બધાની આંખો ભરાઈ આવી.

રાણી કેનોથે આવી કેટરીયલના માથા પર હાથ ફેરવ્યો.

કેટરીયલે રાણી કેનોથ ની સામે જોયું. માનો એની આંખો જાણી બોલી રહી હોય, કે માં આ મારી દીકરી છે મારી. ઓરેટોન અને મારુ સંતાન છે આ.

યારા એ માતા ને માથું નમાવી સન્માન આપ્યું.

ગ્લોવર આ અહીં કેવી રીતે? ને તમને લોકો ને કેવી રીતે ખબર પડી? આ તો આપણી દુનિયામાં હતી જ નહિ? કેટરીયલે અચરજ સાથે પૂછ્યું.

રાણી કેટરીયલ એ એક લાંબી વાત છે. ને પછી તેણે પોતે કેવી રીતે જીવતો હતો, યારા કેવી રીતે આ દુનિયામાં આવી, અમને લોકો ને યારા જ વોસીરોની વારસદાર છે એ કેવી રીતે ખબર પડી, કેટરીયલ નું જીવીત હોવું, મોસ્કોલા આવવું, વોસીરો જઈ કેટરીયલને કેદમાં થી છોડાવું અને મોસ્કોલા લઈ આવવું એ બધું જ શરૂવાત થી લઈ ને અત્યાર સુધી ની વાત કરી.

કેટરીયલ તો આ બધું સાંભળી જ રહી.

રાજકુમારી યારા ના આવવા થી જ ખબર પડી કે આપ જીવીત છો, ભોફીને નમ્રતાપૂર્વક કહ્યું.

ને પછી અમે બધા આપને છોડાવી શક્યા, ફિયોના બોલી.

હા કેટરીયલ યારા ના આવવા થી જ આ બધા ભેદ ખુલ્યા. નહીંતો અમને તારા જીવીત હોવાની કોઈ ખબર નહોતી, રાજા ચાર્લોટે કેટરીયલના માથા પર હાથ ફેરવતા કહ્યું.

ને અચાનક કેટરીયલ ઉદાસ થઈ ગઈ. એનો ચહેરો તંગ થઈ ગયો. તેણે યારા નો હાથ પકડ્યો ને બોલી, તું પાછી કેમ આવી? અહીં તારા જીવન ને જોખમ છે. જા તું અહીં થી પાછી તારી દુનિયામાં જતી રહે. ને એ યારા ને દરવાજા તરફ ખેંચી રહી હતી.

કેટરીયલ કેટરીયલ શાંત થા. યારા ને કોઈ જોખમ નથી. એ અહીં સુરક્ષિત છે, સેનાપતિ કવીન્સી એ કેટરીયલ ને પકડી સમજાવતા કહ્યું.

ના કવીન્સી મારી દીકરી સુરક્ષિત નથી. રાજા મોરોટોસ ને ખબર પડશે તો એ તેને મારી નાંખશે. હું મારી દીકરી ને મરવા નહિ દઉં, કેટરીયલ રડતા રડતા બોલી રહી હતી.

કેટરીયલ શાંત થઈ જા. કોઈ યારા ને મારી નહીં શકે. યારા મોસ્કોલામાં છે. તેના પોતાના ઘરમાં, રાજા ચાર્લોટે કેટરીયલ ને સમજાવતા કહ્યું.

ના ના ના તમને ખબર નથી રાજા મોરોટોસે મારી દીકરી આ દુનિયામાં ના આવે એટલે ઓરેટોન ને મારી નાંખ્યો. મને આટલા વર્ષો સુધી કેદમાં પુરી રાખી. પિતાજી હું આટલા વર્ષો જીવી ગઈ કેમકે હું જાણતી હતી કે મારી દીકરી સુરક્ષિત છે. તેના સારા ભવિષ્ય માટે અને તે જીવીત રહે તે માટે મેં અને ઓરેટોને અમારી જીંદગી દાવ પર લગાવી દીધી. ને ઓરેટોન....... કેટરીયલ નું ગળું ભરાઈ આવ્યું.

તે ફરી યારા ને દરવાજા તરફ ખેંચવા લાગી, તું અહીં થી જતી રહે. હું તારા પિતાના મોત ને જીરવી ગઈ પણ તારું મોત નહીં જીરવી શકું. મારુ અને તારા પિતાનું બલિદાન આમ વેડફીસ નહીં. તું તારી દુનિયામાં પાછી જા, કેટરીયલ રડી રડી ને જોર જોર થી બોલી રહી હતી. તેની વેદના તેના શબ્દોમાં અને વ્યવહારમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે કોઈ ની વાત સાંભળી નહોતી રહી.

અચાનક કેટરીયલના દોર્યે દોરવાઈ રહેલી યારા ઉભી રહી ગઈ. કેટરીયલે તેની સામે જોયું ને બોલી, જો દીકરા હું તને મરતી નહિ જોઈ શકું. તું તારી માતા ની આટલી વાત માની લે. તું મારા માટે અહીં થી જતી રહે. કેટરીયલ રીતસર યારા સામે કરગરી રહી હતી.

યારા કેટરીયલ ને જોઈ ખૂબ દુઃખી હતી. તેની આંખો રડી રહી હતી. તે પોતાની માતાનું દુઃખ સમજી રહી હતી. ને તેની ચિંતા પણ.

ત્યાં હાજર બધા જ લોકો કેટરીયલની હાલત અને ચિંતા બન્ને સમજી રહ્યા હતાં.


ક્રમશ...............