sham se ankh me nami si hai. books and stories free download online pdf in Gujarati

શામ સે આંખ મેં નમિ સી હૈ

આજની સાંજ ઉદાસી લઈને આવી હતી. હું મારા મેડિકલ સ્ટોર પર બેઠો હતો. રવિવાર હોવાથી ચહલ-પહલ ઓછી હતી. ઉદાસીનું કારણ છોકરાની યાદ હતું. મારો દીકરો દીપ આણંદ યુનિવર્સીટી માં વેટનરી કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણે છે. હમણાં તે ઉતરાયણની રજા માં અઠવાડિયું ઘરે આવેલો હતો. રજા પુરી થતાં આજે જ બપોરે તેને ભાવનગર બસ માં મુકવા ગયો હતો.પોતાનું સંતાન જ્યારે બહાર હોસ્ટેલ માં ભણતો હોય ત્યારે દરેક મા-બાપને યાદ આવતો હોય. મા આસુ પાડીને હળવી થઈ જાય. બાપ કામમાં મન પરોવી હળવો થાય. એટલે હું મેડિકલ એ આવી ગયેલો. અને ઉદાસીનું આ કારણ હતું.

હું બેઠો બેઠો વિચારતો હતો કે છોકરાઓ આપણી સાથે જ રહેતા હોય તો કેવું સારું! આપણાથી દૂર હોય એટલે આપણને તેની ઉપાધિ રહ્યા કરે. અહીંયાંથી તે જાય ત્યારે તેનો પહોંચ્યા નો ફોન ન આવે ત્યાં સુધી મન બેચેન રહ્યા કરે. હજી તેનો ફોન આવ્યો ન હતો.

મારા મનમાં આવા બધા વિચારો ચાલતા હતા. ત્યાં એક ભાઈ દવા લેવા આવ્યા. તેમની સાથે એક પંદર સોળ વર્ષનો છોકરો હતો. તે આગળ પડેલી ખુરશીમાં બેસી ગયો. અને અ... આ...... અ..... કરતો કંઈક ઈશારા કરવા લાગ્યો.

તેના પપ્પા કહેવા લાગ્યા, "હા.... બેટા હમણાં દવા આપે હો...., શાંત થઈ જા."

તે છોકરો મૂંગો અને મંદબુદ્ધિનો હતો તેવું જોવામાં લાગ્યું. તેની આંખો બધી વસ્તુ પર ફરતી હતી. તે પાંચ વર્ષના બાળક જેવી હરકત કરી રહ્યો હતો. મેં તેના પપ્પા ને પૂછ્યું, "તમારો બાબો બોલી નથી શકતો?"

તેણે કહ્યું, " ના, તેનું નામ લાલો છે, બધું સાંભળી શકે, પણ બોલી નથી શકતો. જન્મથી તેને આ તકલીફ છે."

મેં પૂછ્યું, "પોતાનું કામ જાતે કરી લે?"

તેણે કહ્યું, "ના, સાહેબ તેને ખવડાવવું પડે, ટોયલેટ જવરાવવું પડે, નવરાવવો પડે. હજી બાળક બુદ્ધિ જ છે. તે આખો દિવસ મારી સાથે રહે.મારે કરિયાણાની દુકાન છે. ત્યાં પણ આખો દિવસ મારી સાથે બેસી રહે. ને સાંજે આવી મારી ભેગો જ સુવે."

હું તેમની દવા પેક કરતો હતો. તે તેમના દીકરા તરફ જોઈને કંઈક વિચારી રહ્યા હતા. તેમનો દીકરો ઘડીકમાં એ....આ....એ ... કરતો લાંબા-ટૂંકા હાથ કરવા લાગ્યો, તો ઘડીકમાં હસી પડ્યો, ઘડીક પોતાના શર્ટનો કોલર મોઢામાં નાખ્યો. તે ભાઈ ઘડીક આમતેમ તાકી રહ્યા પછી મારી તરફ જોયું અને નિસાસો નાંખી કહ્યું,

"સાહેબ, જો આ છોકરો બરાબર હોત તો આજે કોલેજમાં હોત. મારૅ આ એક નો એક જ છે. સાહેબ, બીજાના છોકરાઓ ખભે કીટ લઈને કોલેજ જતા હોય, કોઈ હોસ્ટેલમાં રહીને ભણતા હોય. ત્યારે મને પણ એવું થાય કે મારો છોકરો નોર્મલ હોય તો તે પણ ભણતો હોત..."

આમ કહી તે ભાઈ ઘણીવાર સુધી નીચું જોઈ રહ્યા. પછી નજર ઉઠાવી મારી તરફ જોયું. તેની આંખમાં આંસુ હતા.

"સાહેબ બીજું બધું તો ઠીક, હું છું ત્યાં સુધી તો આંનું ધ્યાન રાખીશ.પણ........ મને હંમેશા એ જ ચિંતા રહ્યા કરે છે કે, હું નહી હોઉં ત્યારે આનું શું થશે?"

લાલો ખુરશીમાં બેસી તાળીઓ પાડતો જોરજોરથી હસવા લાગ્યો. તે ભાઈએ બધી દવા ભેગી કરી ખિસ્સામાં મૂકી. મેં લાલાને વિક્સની ચોકલેટ આપી. તે આનંદમાં આવી ગયો, મારી સાથે હાથ મિલાવી જોરથી હસવા લાગ્યો. તેના પપ્પા તેનો હાથ પકડી તેને દોરવા લાગ્યા. હું બંને ને જતા જોઈ રહ્યો. ત્યાં મોબાઇલ ફોન રણક્યો. મારું ધ્યાન તેના તરફ ગયું.

મેં ફોન રિસીવ કર્યો. સામે છેડે મારો દીકરો દીપ હતો.

"હેલ્લો પપ્પા, હું પહોંચી ગયો છું." મારે જે પૂછવાનું હતું એ બધું તે એક સાથે જ બોલી ગયો.
"આરામથી પહોંચી ગયો છું, બધો સામાન ઉતારી લીધો છે, મેં રસ્તામાં નાસ્તો કરી લીધો હતો, ને સાંજે પણ જમી લઈશ, વહેલો સૂઈ જઈશ, મારી ચિંતા કરતા નહીં."

હું આકાશ તરફ જોઈ રહ્યો.આંખોના પાણીનાં આવરણમાં સામે દેખાતી લાઈટના તેજ લીસોટા પડી રહ્યા હતા.
લેખક: અશોકસિંહ ટાંક (૧૯/૧/૨૦૨૦)