Janta karfyu ane lok downma ek divas books and stories free download online pdf in Gujarati

જનતા કર્ફ્યું અને લોક ડાઉનમાં એક દિવસ

જનતા કર્ફ્યું અને લોક ડાઉનમાં એક દિવસ

અધીર અમદાવાદી

સમય ઘટના

૯-૩૨ અમારી એકઝટ નીચેવાળા રમીલાબેનના કુકરની છ સીટીઓ સંભળાઈ. પછી રમીલાબેન ના ઘાંટા.

૧૦-૦૫ સાફસૂફી કરતા વિચાર આવ્યો કે થિન્ક પોઝીટીવ !! આ દિવાળીમાં સફાઈ ઓછી કરવી પડશે !!

૧૦-૩૧ પડોશમાં એક અંકલ હજુ ઊંઘે છે. મને એમના નસકોરાનો અવાજ સંભળાય છે.

૧૦-૪૫ એક બહેનનો ક્રેડિટ કાર્ડ વેચવા માટે ફોન આવ્યો. મેં સામી સલાહ આપી કે કાર્ડનુ છોડો માવાની હોમ ડિલીવરીનુ કરો તો પંદર દહાડામાં લખપતિ થઈ જશો. મેં કંઈ ખોટુ કીધું?

૧૦-૫૫ મોબાઈલ સાફ કરવા મહિનાઓ બાદ કવર ખોલ્યુ તો અંદરથી ૫૦૦/- ની નોટ નીકળી. સોશિયલ મીડિયા પર શેર કર્યું પણ કોઈએ પાર્ટી માંગી નહીં.

૧૧-૨૦ સામેના બ્લોકવાળા શૈલેશભાઈને પહેલી વાર ટુવાલ સુકવતા જોયા. કાયમ સીમાબહેનને હોઠ ફફડાવતા ફફડાવતા સુકવતા જોઉં છું. સીમાબહેનની આંખોનાં ખૂણા ભીના હતાં.

૧૨-૦૯ યુરેકા! મારો એક ફેવરીટ જુનો ચડ્ડો જડ્યો. વાઈફે ખાનામાં સંતાડી દીધેલો એવું પ્રાથમિક રીતે જણાય છે.

૧૫-૩૦ સામેવાળા બ્લોકના સંયુક્તાબેને સાંજે પાંચ વાગે બાલ્કનીમાં જવા માટે મેકઅપ શરુ કરી દીધો હોય એવું લાગે છે.

૧૬-૦૪ જુના પત્રો અને ફોટાનું બંડલ યાદ આવ્યું. જ્યાં સફાઈ ચાલુ છે એમાં હાથમાં ના આવે તો એને કઈ રીતે ભગાડું? ફેસબુક અને ટ્વીટર પર પ્રશ્ન મુક્યો છે, લોકો પાસેથી કામનો જવાબ મળે તો સારુ.

૧૬-૦૬ એક જણ કહે છે રસોડામાં વાસણ પછાડો. બીજો કહે છે ‘જો ગરોળી છે’ કરીને બીવડાવો. ભાઈ અમારા ઘરમાં ગરોળી મરી ગઈ હોય તો એ જ સાવરણી વડે બહાર ફેંકી આવે છે.

૧૬-૦૭ ભગવાન મારી સાથે છે. એની મમ્મીનો ફોન આવ્યો અને ફોન કિચન પ્લેટફોર્મ પર પડ્યો હતો. મને પંદર મિનીટ મળી ગઈ, જે પુરતી હતી.

૧૬-૩૦ સાત નંબરવાળા માલતીબેન વેલણ શોધવા લાગતા મનોજભાઈ ચંપલ પહેર્યા વગર ભાગ્યા. વોચમેને “થાળી વગાડવા શોધતા હશે” એવું સમજાવતા પાછાં ફર્યા.

૧૯-૪૦ હમણાં જ ત્રીજા માળવાળા પ્રજ્ઞેશભાઈ આવ્યા અને અડધી વાડકી તેલ આપી ગયા. હીંચકાના કડામાં પુરવા.

******