CHAA NI MAAKH books and stories free download online pdf in Gujarati

ચાની માખ

ચાની માખ

ફરી ફરી ઘરરર અવાજ સાથે ખખડધજ બસ આગળ ચાલી. તેનો ખખડાટ મારા રોમેરોમને કાંપતો રહ્યો. બાજુમાં બેઠેલી ગંધાતી બયરીના સૂકાભઠ આંચળે વળગી રહેલા નાના એવા છોરાના પગ વારેવારે મારા ‘પ્રેસ’ કરેલા કપડાને અડકતા મને મનોમન ખૂબ ખીજ ચડતી. તેની ગંધ મારા શ્વાસમાં ભરાઇ ગઈ. હું ગૂંગળાવા લાગ્યો એટલે તરત જ બસની બારી બહાર ડોકું કાઢી શ્વાસ લેવા પ્રયત્નો કરવા લાગ્યો. ત્યાં બહારથી ઊડેલી ધૂળ મારા ચહેરા પર વીંટળાઇ ગઈ. ખીસ્સામાંથી રૂમાલ કાઢી ઘસી ઘસીને ચહેરો સાફ કર્યો, પણ વર્ષોથી લાગેલી ધૂળ કેમેય કરી મારા ચહેરાથી નીકળતી જ ના હતી.! જેમજેમ હું રૂમાલથી ચહેરો સાફ કરતો રહ્યો તેમ વધુ ને વધુ ધૂળ ફેલાતી રહી. બહાર ઉડતી ધૂળ મારા ચહેરા પર ઉઝરડા લઈ રહી..!

છેવટે બસ મારા ગામે પહોંચી. ભારે ધક્કામુક્કી કરતા પડખે ઊભા રહેલા મુસાફરોના ગંધાતા શરીરને ઘસાઇ માંડ માંડ બસના દરવાજા સુધી ચાલતા મારા પગને બીજા ઢગલાબંધ પગની આંટીઘૂંટી વચ્ચે ઓળખવા મુશ્કેલ બનતા. ધકેલાતો ધકેલાતો હું બસની બહાર નીકળ્યો. હજુ તો બસ બહાર નીકળીને શ્વાસ લઉ કે તરત જ મારી પીઠ પર એક જોરદાર ધબ્બો પડ્યો.

“અલ્યા તખુ તું..?” તું કેમનો આની કોર્ય ભૂલો પય્ડો..!” કળ વળતા મારું પહેલું ધ્યાન પેલા પીઠ પર પડેલા ધબ્બાને કારણે કરચલી વળી ગયેલા શર્ટ પર પડ્યું. હજુ પેલો ધબ્બો મારનારના ચહેરાને જોતા પહેલા મારુ ધ્યાન તેના હાથે વળ્યું. ‘શડબડ...’ કરતા નાકે હાથ લઈ જઈ એક સડાકાભેર અવાજે પાસેના પીપળે નાક નસીક્યું અને તેનો લીંટવાળા હાથ પીપળે બાંધેલ થોકબંધ સૂતરની આંટીએ ઘસી સાફ કર્યો. તેના ગોબરા નાક સાથે તેના ચહેરાને ધ્યાનથી જોતા તેને મારા બાળપણના ભેરુ મગના તરીકે ઓળખ્યો. હજુ સુધી તેની તરફની મારી કૌતુક દ્રષ્ટિ જોઇ તેણે વગર કહ્યે જૂની વાત વાગોળવા માંડી.

“અરે હું તારો ભેરુ....મગનો....ભૂલી ગ્યો..! ભેળા લખોટ્યું રમ્યા....તું કાયમ મારાથી હારતો....અને ઓલ્યા મોઇ ડાંડીયા...યાદ આય્વું...? અરે, મારી ચડ્ડીયું પેરીને તો તું મોટો થ્યો અને....”

“હા ભાઇ હા, ઓળખ્યો...!” ઉતાવળે ઓળખ સ્વીકારી તેને આગળ બોલતો રોક્યો.

“તે હાલ્ય, ઓલ્યા પશલાને ત્યાં ચા પીને ગામ કોર્ય જાઇએ...!” મારા પ્રત્યુત્તરની રાહ જોયા વિના મને પશલાની ચાની લારી તરફ ખેંચી જવા પેલો લીંટવાળો હાથ લંબાવ્યો અને તે મને અડકી ના જાય તે ભયથી હું તેની મોર્ય પશલાની લારીએ દોડ્યો. ત્યાં ઠાલા શબ્દે મારી આગતા સ્વાગતા કરવા બીજા ચારેક બેઠા જ હતા. પશલાની લારી આગળ તૂટુ તૂટુ કરતા પાટીયા પર હું બેસી તો ગ્યો, પણ તેના ગંધાતા કાળાડીબાંગ પાટીયાને કારણે મારું મોંઘુદાટ જીન્સ ગંદુ થઈ જવાની બીક મનોમન વ્યાપી.

“અરે તખુભાઇ, તમે કેટલા વરહે આંય આય્વા..?”

“તે કાંઇ કામકાજે કે પછી એમ જ આંટો મારવા..?”

“આજે આટલા વરહે ઘરડા માડીની યાદ આવી હોં..!”

“તે ઓણ માડીનેય ભેળા શે’રે લઇ જાવાના કે શું..?”

આવા કેટલાયે સવાલોના વંટોળે હું ઘેરાઇ રહ્યો, ત્યાં જ મગનો મારી વ્હારે આવ્યો. “તે ઓલ્યા હજુ તો મારો ભેરુ આવે છે, ને તમે આ હું પૂંછવા માંડ્યું....એને નિરાંતે ચા તો પીવા દ્યો..!” મને ઘડીભર નિરાંત વળી.

પશલાએ અડધા એંઠા રેહી ગયેલા ગ્લાસ પ્લેટમાં બે અડધી ચા આપી. મારું ધ્યાન ચાના ગ્લાસમાં અચાનક પડેલી માખી તરફ ગ્યું. આસપાસ બધાની વાતોના ઘોંઘાટ વચ્ચે પણ પેલી ચામાં પડી તરફડીયા મારતી માખીનો ગણગણાટ મને સ્પષ્ટ સંભળાતો રહ્યો. ઘડીભરમાં તેના તરફડીયા ક્રમશ: ઘટતા જઈ સાવ શાંત થયા. તરત જ મેં મારો ચાનો ગ્લાસ મગનાના ગ્લાસ સાથે બદલ્યો. મને નિરાંત થઈ.

“અરે, શે’રમાં જઇ આય્વો તે આવડી માખીથીયે અભડાવા લાયગો..?” અકળ્ય હાસ્ય સાથે મગનાએ લીંટવાળા હાથની પહેલી આંગળીએ ગ્લાસમાંની મરેલી માખી તારવી લઈ અંગૂઠાનું જોડાણ કરી એક ઝાટકે નીચે ફેંકી દઈને ‘સરરરડડડ...’ સડાકાભેર ચા પીવા માંડી.

પેલી મરી ગયેલી માખ નીચે પડી. તેના પછડાટનો ધબાકાભેર અવાજ મારા કાનમાં ધાક પાડી રહ્યો. જાણે મને દેખાયું કે પેલી મરી ગયેલી માખીએ સળવળાટ કર્યો. ઘડીભર જરા એમ જ પડી પડી હલી અને ઊભી થઈ પાંખો સાફ કરી જાણે ફરી ઊડી. તે માખી જાણે મારા કાન, નાક, મોં વાટે અંદર બહાર ઊડાઊડ કરવા લાગી. એકથી બે.....બે થી ત્રણ.....એમ માખીઓ વધવા લાગી. મારી ચોપાસ માખીઓનું ઝૂંડ ઊડવા લાગ્યું. હું માખીઓના ઝૂંડ વચ્ચે ઘેરાયો....ખોવાયો...! ગણગણાટનો ઘોંઘાટ મારા કાનના પડદાને ફાડતો રહ્યો. “ઓ બાપા રે....” મેં મનોમન ચીસ પાડી...! મારી મૂંગી ચીસના ચિત્કારે ટપોટપ માખીઓ મરવા લાગી અને મારી ચોતરફ મૃત માખીઓ ઢગલો થઈ પડી ગઈ..!

મગનાના ‘સરરરડડડ...’ ચાના સબડકે મારી આંખની પાંપણ ફડકી અને તે પળવારમાં જ જાણે મારી આસપાસ ફરી તે મગનો તેના તમાકુથી કાળા થયેલા ગંદા દાંતે ખીખીયા કરતો ચાના સબડકા ભરતો નજરે પડ્યો. પાટીયા પાસે પેલી મરેલી માખ દેખાઇ. હજુ પણ તેનો સળવળાટ મારા રોમેરોમમાં વ્યાપી રહ્યો. તેનો ગણગણાટ મારા શબ્દે શબ્દે ભાસી રહ્યો. તે માખી મારામાં જીવી રહી..!

“તે તખુભાઇ, હવે બોલો ને કીયા કામે આ ફેરે ભૂલા પય્ડા..?” મગનાએ જીણી આંખ કરી હાથમાં માવાની કોથળી ઘસતા સવાલ કર્યો.

“આ ગામનું નવું ખોરડુ અને ખેતર હવે કાધી નાખવું છે..!” મેં સહજતાથી ગામે આવ્યાનું કારણ સ્પષ્ટ કર્યું.

“શું વાત કરે છે..? અરે ઇ તે કાંઇ ઇમ વેચાતા હશે..?” પાટીયાથી ઊંચા થઈ ઘસેલી કોથળીમાંથી માવો કાઢી મોંમાં ભરાવી ફરી સવાલ કર્યો.

“હા....પણ....” મારા જવાબની દરકાર કર્યા વિના મારા અધૂરા શબ્દે જાતે જ મગનાએ જવાબ આપતા કહ્યું, “હા...પણ ઇંયા હવે કોણ હાંસવનારું....બસ તારા ઘરડા બા રહ્યા....તે ઇને પણ ભેળો શે’ર લઈ જ જવાનો ને..?” મોંથી માવાનું લાલચોળ થૂંક પાટીયાની અડોઅડ જ કરતા પૂછ્યું.

મગના સાથે ખોટી ધડ્ય કરવા કરતાં શાંત રહી અમે બેઉ ગામ કોર્ય ચાલી નીકળ્યા. ઘર તરફ વળતા દૂર ઓંસરીમાં ઘરડી માડી નબળી જીણી પડી ગયેલી આંખ આડે હાથ રાખી મારી અણસાર પરથી મને ઓળખી ગઈ. મને આમ અચાનક ભાળી તેના હરખનોયે પાર નો રહ્યો. હીરના ખાટલેથી માંડ ઊભી થઈ લીંપણ કરેલા ઓટલે વાંકી કમરે મને આવકાર આપવા દોડી આવી. આંસુ ભરેલી આંખે મારા ઓવારણા લઈ મારા હાથના સથવારે મને ઓંસરીના ખાટલે દોરી ગઈ. મારું મન માના નિ:સ્વાર્થ હેત કરતા મારા સ્વાર્થી હેતુનો ગણગણાટ કરી રહ્યું. મારા શ્વાસે ગારના લીંપણની દુર્ગંધ ગૂંગળામણ કરતી રહી. ઘરમાંથી લાવેલ ઘોબાવાળા કળશ્યામાંથી માંડ એક બે ઘૂંટ પાણી મોંથી નીચે ઊતારી શક્યો. મારી આનાકાનીને અવગણી માડીએ મારા હાટ્યું ચાનો ઉકાળો કરવા બેઠી. ઘડીભર મગનાની વાત્યુ કાને ધરી નો ધરી કરી આસપાસ ફાંફા મારતો’ર્યો, ત્યાં માડી બે ઘોબાઘંટીવાળા પ્યાલામાં ચા લઈ આવ્યા. હજુ હમણા જ પશલાની લારીએ ચા પીધી હોવા છતાંયે મગનાએ ખૂબ ઉત્સાહભેર ચાનો પ્યાલો હાથમાં લઈ ‘સરરરડડડ...’ સડાકાભેર ચા પીવા માંડી. હું તો પ્યાલાની કોર્યને હાથ વડે બરાબર લૂંછી ચા પીવા કરું જ છું કે કોઇ માખ ગણગણાટ કરતી મારી આસપાસ ઉડતી રહી. મેં જાણે આ માખને ઓળખી. આ એ જ ચાની માખ જે હમણા થોડીવાર પહેલા મરી પરવારી હતી..! ફરીફરી તે જ ગણગણાટ મારા રોમેરોમમાં વ્યાપી રહ્યો. ઉડી રહેલી માખને હાથથી હડસેલી ચાના ઘૂંટડા ભરતો રહ્યો. હજુ તો ચા પૂરી કરી લઉ ત્યાં સુધીમાં તો ગામના ચારેક પટેલીયા ગામના મુખી પશા પટેલ સાથે મને મળવા આવ્યા.

“તે તખુભાઇ, શું ભાવ નક્કી કર્યો..?” આ સવાલ પર માડી અચરજભરી આંખે મુખી પશા પટેલ તરફ જોઇ રહ્યા.

“હજુ ખાસ નક્કી નથી કર્યું, પણ જુઓ ને બજારભાવ જોતા ખેતરના સાતેક અને ખોરડાના પાંચેક એમ કરી બારેક તો આવે જ ને..!” મારા શબ્દોના મર્મને પામવા માડી હજુ ઘણા યત્નો કરી રહ્યા.

“જુઓ ભાઇ, આ કાંઇ શે’ર નથી, કે આંયા કાંઇ આટલ્યો ભાવ પણ નો હોય ને..!” ખરીદીનો રસ ધરાવનાર એકે વાત માંડી. તે બધાં જાણે મારી ગરજે મને ફાડી ખાવા આવેલા ભૂખ્યા જંગલી શ્વાન જેવા દેખાણા..!

“હાસ્તો....આ તો તમારા બાપા હારે અમારે જૂની ઓળખાણ તંયે અમને થ્યું કે હાલ્યો તમને ઇ બા’ને મદદ થઈ રે’શે..આ બેઉના હરખા કાંઇ ગણી દ્યો...!” હળવેથી લાળ ટપકતી જીભ છૂપાવતા સાથે આવેલ બીજો જંગલી શ્વાન બોલ્યો.

“પણ કાંઇ એમ થોડા નાખી દેવાના ભાવે....” વચ્ચે વાત માંડતા મગનાના શબ્દો મારા હેતુ વિરોધી ભાસતા તેને અધવચ્ચે જ અટકાવ્યો. મારી ચાના એંઠા પ્યાલા આડશે ફરીફરી પેલી માખ ગણગણાટ કરી રહી.

“તમારુયે નૈં ને મારુંયે નૈ એવું કાંઇક ગોઠવીએ....છેલ્લા દસ બરાબર છે...!” મેં મારી ગરજ છૂપાવતા વાત આગળ ધરી.

“હાવ હાચી વાત...તમારુયે નૈં ને અમારુંયે નૈ....બધું થૈ આઠ નક્કી...!” આવેલામાંથી ટાલિયા માથેથી ફાળિયુ કાઢી માથે હાથ ફેરવતા એક પીઢ ખાઉધરા શ્વાને સોદાના નિર્ધારણ માટે છેલ્લી વાત કરી.

“તખુભાઇ, બીજું કાંઇ ના બોલજો હવે...પછી ગામની પંસાયતાના બધા જ કે’ ઇમ માનવુંયે પડે ને..!” સરપંચના આ શબ્દે પોતાના ભાગનું બટકું મેળવવાની લાલચે ખંધા શ્વાનનો ઘૂરકાટ વરતાયો.

ટોળે વળગેલા જંગલી શ્વાનના છટકામાંથી હવે છૂટાય તેમ ના લાગતા મેં તેમની વાતમાં સંમતિ દર્શાવી સૌને વિદાય કર્યા. તેમના જતાની સાથે જ માડીના મનની મૂંઝવણ દૂર કરવા મેં સમજાવા માંડ્યું, “માડી, જો ખેતર અને ખોરડાનો સારો ભાવ મળતો હોય તો....”

“પણ બેટા, આ તો તારા બાપદાદાનો વારસો...ઇને આમ વેચી દૈશ...?” મને અધવચ્ચે અટકાવતા માડીએ મને લાગણીસભર સવાલ કર્યો. ફરીફરી પેલી ચાની માખનો ગણગણાટ કાને પડ્યો. કેમેય કરી માડીને ગળે આ બાબત ઉતારી.

“તે તખુભાઇ, માડીને પણ ભેળા જ શે’ર લઈ જવાના ને..?” મગનાએ ઘણા સમયથી મનમાં દબાવી રાખેલો સવાલ ફરી કર્યો. ફરી મારી વાતમાં વચ્ચે માખી ગણગણાટ કરતી રહી. માડીએ મૌન બની મારી સામે તાકી રહી મગનાનો જ સવાલ મારી આગળ ધર્યો.

“માડી, તમેય હમજો છો ને.....શે’રમાં રે’વું તમને નો ફાવે....તમને આમેય ગામડાની જ આદત થઈ છે...અને વળી શે’રમાં મધુ માથે પણ બે છોકરાંવની જવાબદારી અને ઇમા તમે ઉમેરાવ....” મારા તૂટક શબ્દોમાંનો સળંગ ભાવ સમજી જઈ માડીએ ઘડીભર એક પણ વેણ બોલ્યા વિના ભીંજાયેલ આંખ સાડલાના છેડે લૂંછી લઈ “હારું બેટા, જેવી તારી ઇચ્છા...આ તારી હાટું થઈ તારો ભાવતો શીરો કરી લાવું...!” બોલતા ઘરમાં જવા ઊભી થઈ. મારી કેટલીયે આનાકાની કરવા છતાંયે માડી મારા માટે ઘીથી મઘમઘતો ગરમાગરમ શીરો લઈ આવ્યા. મારું ધ્યાન શીરા કરતાં ઘોબાથી કડોળ થઈ ગયેલી એંઠા કાંઠાવાળી થાળી પર જ કેન્દ્રિત રહ્યું. તેટલામાં કાગળીયા તૈયાર કરી લાવેલા મુખી પશા પટેલ સાથેના ચારેય પટેલીયાઓ આવતા તે શીરાની થાળી ખાટનાના કોરાણે મુકી એ કાગળીયા પર માડી પાસે અંગૂઠાની છાપ માંગી. માડીએ ફાટેલા સાડલાની કોર્યે અંગૂઠાને ઘસી સાફ કર્યો. તેમના ધ્રુજતા અંગૂઠાને મારા મજબૂત હાથે ટેકો આપી શાહીવાળો કરી ખેતર અને ડેલીબંધ મકાન વેચાણના કાગળીયા પર છાપ અપાવી ફરી ધ્રુજતો મૂકી દીધો...!

પશા પટેલ અને સાથે આવેલા પટેલીયા નીકળી જતાં માડીએ વરંવાર ભીંજાતી આંખ લૂંછી સ્વસ્થતા જાળવતા મને ફરી પેલો ફરી પેલો શીરો ખાવા તાણ્ય કરી. અચાનક જ શીરાની આસપાસ પેલીચાની માખ ગણગણાટ કરવા લાગી. ફરીફરી તે માખી જાણે મારા કાન, નાક, મોં વાટે અંદર બહાર ઊડાઊડ કરવા લાગી. એકથી બે.....બે થી ત્રણ.....એમ માખીઓ વધવા લાગી. મારી ચોપાસ માખીઓનું ઝૂંડ ઊડવા લાગ્યું. હું માખીઓના ઝૂંડ વચ્ચે ઘેરાયો....ખોવાયો...! ગણગણાટનો ઘોંઘાટ મારા કાનના પડદાને ફાડતો રહ્યો. “ઓ બાપા રે....” મેં મનોમન ચીસ પાડી...! મારી મૂંગી ચીસના ચિત્કારે ટપોટપ માખીઓ મરવા લાગી અને મારી ચોતરફ મૃત માખીઓ ઢગલો થઈ પડી ગઈ...! પશાપટેલનો છોકરો ખોરડે આવી મને તેમના ઘરેથી સોદાના રૂપિયા લઈ જવા કહી ગયો અને માડીએ મને વહાલપૂર્વક ખવડાવવા લંબાવેલ શીરાના કોળીયાની ઉપેક્ષા કરતો હું પશાપટેલના ઘરે જવા નીકળી પડ્યો. જતા જતા હજુ બેસી રહેલા મગનાના મૌનને અવગણીને નીચે પડી ગયેલી ચાની પેલી માખ તરફ નજર પડી. હવે તે જરાય સળવળાટ વગર જ નિર્જીવ પડી રહી....ચાની માખ મરી ગઈ....!

********