Prinses Niyabi - 19 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | પ્રિંસેસ નિયાબી - ભાગ 19

પ્રિંસેસ નિયાબી - ભાગ 19

જેવું પેલું સાધન તૂટ્યું બધા જ ધાતુના સૈનિકો જ્યાં હતા અને જે સ્થિતિમાં હતા એજ સ્થિતિમાં રોકાઈ ગયા. બધા લડતાં લડતાં રોકાઈ ગયા. આ એક મોટી જીત હતી. બધાં ખુશ થઈ ગયા.

મોઝિનો આ જોઈ ડરી ગયો. હવે એની પાસે કોઈ સેના રહી નહોતી. ધાતુના સૈનિકો રોકાઈ ગયા હતા અને કેમ રોકાઈ ગયા હતા એ એને સમજતા વાર ના લાગી. ઓનીર અને ઝાબીએ એની લાકડાની સેના લગભગ નષ્ટજ કરી નાંખી હતી. લુકાસા બંધી બનાવી લેવામાં આવી હતી. હવે એ એકલો જ બચ્યો હતો. ને સામે લડવાવાળા વધારે હતાં. એણે ચાલાકી વાપરી પોતાની શક્તિનો ઉપયોગ કરી લુકાસાને મુક્ત કરી દીધી.

લુકાસાએ પોતાની શક્તિનો ઉપયોગ કરી મોઝિનો પાસે આવી ગઈ. લુકાસાએ પોતાની નજર નિયાબી અને દેવીસિંહ પર કેન્દ્રિત કરી કેમકે એ બંને એની નજીક હતાં. એ એની પોતાની શક્તિનો ઉપયોગ કરવાની જ હતી કે માતંગી જોર થી બરાડી, પિતાજી નીચે બેસી જાવ.

અચાનક થયેલા અવાજ થી બધા એકબીજાને જોવા લાગ્યા. દેવીસિંહ અને નિયાબી બંનેએ લુકાસાની પોતાની પાસે ઉભેલી જોઈ. દેવીસિંહે નિયાબીનો હાથ પકડ્યો ને એની સાથે નીચે બેસી ગયો. માતંગી હાથમાં તલવાર લઈ દોડીને એ લોકો તરફ આવી રહી હતી.

માતંગી: સાવધાન લુકાસા. ને એણે પોતાની તલવારથી લુકાસા પર હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલાથી લુકાસા પોતાને સંભાળી ના શકી. ને તલવાર એની જમણી ભુજને ચીરતી નીકળી ગઈ. લુકાસા લથડીયું ખાઈને નીચે પડી ગઈ. માતંગી હવે એની સામે ઉભી હતી.

માતંગી: પિતાજી તમે અહીં થી ખસી જાવ. હવે હું આને જોઈ લઈશ.

દેવીસિંહ પોતાને માટે પિતાજી સંબોધન સાંભળી ખુશ થઈ ગયો. એની આંખમાં પાણી આવી ગયું. પણ સમયસૂચકતા વાપરતા નિયાબીને લઈ એ ત્યાં થી ખસી ગયો.

મોઝિનો આ બધું જોઈ ડઘાઈ ગયો. એને સમજણ ના પડી કે માતંગીએ દેવીસિંહને બચાવ્યો.

મોઝિનો: સેનાપતિ માતંગી આ તમે શુ કરી રહ્યા છો?

માતંગી: એજ જે આજ સુધી બીજા સાથે કર્યું છે દગો. પણ એ તારી માટે. પણ મારા માટે એ દેશ પ્રેમ છે.

મોઝિનો: માતંગી તું ભૂલી રહી છે કે લુકાસાએ તારા ઉછેરમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

માતંગી ખંધુ હસતા બોલી, હા ખબર છે. ને એટલે જીવલેણ ઘા નથી કર્યો. હજુ પણ એ જીવી રહી છે.

મોઝિનો એકદમ ગુસ્સે થઈ ગયો ને બરાડ્યો, માતંગી આ દગો છે. તું આવું ના કરી શકે.

માતંગી: હા દગો છે. પણ હું આવું કરી શકું છું. તમે મારો ઉછેર માત્ર સ્વાર્થ ખાતર કર્યો. મારા પિતાને મજબુર કરી મીનાક્ષી રત્ન મેળવવા કર્યો. પણ કુદરતે તમને સાથ ના આપ્યો. ને તમને તમારા પાપોની સજા મળી.

મોઝિનો ગુસ્સામાં લાલચોળ થઈ ગયો ને બોલ્યો, આની સજા તને મળશે. એણે પોતાનો હાથ લાંબો કરી માતંગીને પોતાના જાદુથી ઉઠાવીને દૂર ફેંકી દીધી.

આ જોઈ દેવીસિંહ જોર થી બરાડ્યો, મોઝિનો હવે તને હું નહિ છોડું. ને એ તલવાર લઈ મોઝિનો તરફ આગળ વધ્યો.

પણ મોઝિનોએ એને પણ ઉઠાવીને ફેંકી દીધો. આ જોઈ નિયાબી ગુસ્સે થઈ ગઈ. એણે પોતાના જાદુનો ઉપયોગ કરી મોઝિનોને નીચે પછાળી દીધો. આ જોઈ લુકાસાએ નિયાબી પર પોતાનો જાદુ ચલાવવાનો પ્રયત્ન કર્યો પણ કેરાકે તેને નાકામિયાબ કરી દીધી.

નિયાબી: મોઝિનો તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તારો ઉપર જવાનો સમય આવી ગયો છે.

મોઝિનો હસતો હસતો ઉભો થયો ને બોલ્યો, એટલી તારી તાકાત નથી કે તું મોઝિનોને હરાવી શકે સમજી? આટલું બોલી મોઝિનોએ પોતાના જાદુથી નિયાબીને ઉપર હવામાં લટકાવી દીધી. ને ઉપર ને ઉપર લઈ જવા લાગ્યો.

નિયાબીએ ઘણા પ્રયત્ન કર્યા પણ એ નીચે ના આવી શકી.

કેરાક: મોઝિનો છોડી દે એને નહીંતો હું તને નહિ છોડું.

મોઝિનો હસતા હસતા બોલ્યો, ઠીક છે લે છોડી દીધી બસ.

નિયાબી ઝડપથી નીચેની તરફ આવવા લાગી. બધા જ ગભરાઈ ગયા. જો નિયાબી નીચે પછડાય તો એનું બચવું મુશ્કેલ હતું. ઓનીર દોડીને નિયાબી ને પકડવા માટે ત્યાં પહોંચી ગયો. પણ નિયાબીની નીચે આવવાની ઝડપ જોઈ એ પણ ડરી ગયો. એણે જાદુ થી નિયાબીની ઝડપ રોકવા પ્રયત્ન કર્યો. પણ એને સફળતા મળી નહિ.

કેરાક: ઓનીર તું ખસી જા. હું જોવું છું. પછી કેરાકે ત્રિશુલ આગળ કર્યું. ત્રિશુલમાં થી પ્રકાશ નીકળવા લાગ્યો. ને નિયાબીની ઝડપ ઘટવા લાગી. ધીરે ધીરે એ નીચે આવવા લાગી. ને જેવીએ નજીક આવી. ઓનીરે એને ઝીલી લીધી.

બીકના કારણે નિયાબીએ આંખો બંધ કરી દીધી હતી. ઓનીર ગભરાઈ ગયો. એણે નિયાબીને નીચે મુક્તા કહ્યું, રાજકુમારી નિયાબી....રાજકુમારી નિયાબી.

નિયાબીએ ધીરે રહીને આંખો ખોલી.

ઓનીરે ઉચાટ સાથે પૂછ્યું, રાજકુમારી તમે ઠીક છો ને? તમને કઈ થયું નથી ને?

ઓનીરનો રઘવાટ નિયાબી જોઈ રહી. ત્યાં સુધીમાં ઝાબી અને અગીલા ત્યાં આવી ગયા.

અગીલા,: રાજકુમારી તમે ઠીક છો ને?

નિયાબી,: હા હું ઠીક છું. પછી એણે ઉભો થવાનો પ્રયત્ન કર્યો. અગીલાએ એની મદદ કરી.

ઝાબી: ઓનીર તું તો બરાબર છે ને?

ઓનીરે નિયાબી સામે જોતા હકારમાં માથું હલાવ્યું.

મોઝિનો આ બધું જોઈ રહ્યો હતો. નિયાબી માટે રાજકુમારી સંબોધન સાંભળી એને નવાઈ લાગી હતી. કેરાકે એની સામે જોયું. એના ચહેરાના ભાવ એ સમજી ગયો. એ મોઝિનો ની નજીક આવી ગયો.

કેરાક: નવાઈ લાગી મોઝિનો?

દેવીસિંહ: હા રાજા કેરાક એના માટે તો નવાઈ જ છે. એને ક્યાં કઈ ખબર છે.

કેરાક હસતા હસતા બોલ્યો, હા સાચી વાત. તો મોઝિનો હું તને કહું. આ રાયગઢની રાજકુમારી નિયાબી છે. જેના માતાપિતાને તે મારી નાંખીને રાયગઢ પર કબજો જમાવી લીધો હતો.

આ સાંભળી મોઝિનો અચરજ પામી ગયો.

કેરાક: છે ને કુદરતની કમાલ. કુદરતે જ અમને સૌને ભેગા કરી દીધા. તારા કારણે જાહોજલાલીની વારસદાર આ રાજકુમારીને દરદરની ઠોકરો ખાવી પડી. ઝેર ખાવું પડ્યું. જંગલમાં રખડવું પડ્યું. પણ કહે છે ને કે રામ રાખે એને કોણ ચાખે. આજે એ પોતાના રાજ્યમાં પોતાનો હક્ક મેળવવા પાછી આવી જ ગઈ.

મોઝિનોએ લુકાસા સામે જોયું. લુકાસા દુઃખની મારી કણસી રહી હતી.

માતંગી: ને મોઝિનો તમને ખબર છે. સમય રહેતા હું પણ જાણી ગઈ હતી કે હું કોણ છું? ને એટલે જ આજે પોતાના દેશ માટે કઈક કરી શકી. આખરે તો એક દેશભક્તની જ દીકરી છું ને?

આટલું બોલી એ દેવીસિંહ પાસે પહોંચી ગઈ. દેવીસિંહે એને પ્રેમથી બાથ ભીડી લીધી. બંનેની આંખોમાં થી આંસુ વહેવા લાગ્યા. દેવીસિંહે માતંગીના માથે હાથ ફેરવતા કહ્યું, મારી દીકરી. ને એની આંખો રડી પડી.

કેરાક: જોયું મોઝિનો માણસ ક્યારેય સંપૂર્ણ નથી હોતો. એ ક્યાંક ને ક્યાંક અધૂરપતો ભોગવે જ છે. તારી પાસે ત્રિશુલ હતું. શક્તિઓ હતી. છતાં આજે તારી પાસે કશું જ નથી. ને દેવીસિંહનું બધું જ તે છીનવી લીધું. છતાં આજે એની પાસે બધું જ છે. એ દુનિયાનો સૌથી વધુ સુખી માણસ છે અત્યારે.

મોઝિનો: કેરાક આ શબ્દોના પ્રહાર કરવાનો સમય નથી. હિંમત હોય તો લડાઈ કર.

કેરાક હસ્યો ને બોલ્યો, લડાઈ.....શુ મળશે મોઝિનો? હજુ તારે શુ જોઈએ છે? તું અત્યારે મોતના મુખમાં ઉભો છે. તને લાગે છે કે તું જીતી શકીશ?

મોઝિનો: કેરાક હારના ડરથી જીવવાનું ના છોડી શકાય. ને હું ભલે મોતના મુખમાં ઉભો હોવ. પણ હજુ મોતને ભેટ્યો નથી. હું મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ.

કેરાક: મોઝિનો ભલે તું મર્યો નથી. પણ હવે તું જીવવાને પણ લાયક રહ્યો નથી. તારી પાસે કંઈજ બચ્યું નથી. માત્ર શ્વાસ બચ્યા છે.

મોઝિનો ગુસ્સે થઈ ગયો ને બોલ્યો, ભલે શ્વાસ બચ્યા હોય. હું એ શ્વાસના સથવારે પણ લડી લઈશ. સાવધાન કેરાક. ને એણે કેરાક પર હુમલો કરી દીધો.

કેરાકે એનો હુમલો નકામો કરી દીધો. પછી બંને વચ્ચે લડાઈ જામી. મોઝિનો કેરાક પર જાદુ થી પ્રહાર કરવા લાગ્યો અને કેરાક પણ એની સામે પોતાના જાદુથી લડવા લાગ્યો.
મોઝિનો ની હાલત ખરાબ થઈ રહી હતી. મોઝિનોને લાગ્યું કે એ વધુ સમય કેરાક સામે ટકી નહિ શકે. એટલે એણે છેલ્લા વાર માટે પ્રાણઘાતક જાદુનો ઉપયોગ કર્યો. ને કેરાક પર હુમલો કર્યો. જે નિયાબીએ જોયું. એટલે એણે પોતાનો સૌથી મજબૂત જાદુ ચક્રનીલ જાદુ મોઝિનો પર ચલાવ્યો. મોઝિનોનો પ્રાણઘાતક જાદુ ચક્રની જેમ ફરીને પાછો મોઝિનો પર જ આવ્યો. પણ લુકાસાએ મોઝિનોનો જીવ બચાવવા એની આગળ આવી ગઈ. ને મોઝિનોના જાદુએ લુકાસાના પ્રાણ લઈ લીધા. લુકાસા નિર્જીવ થઈને નીચે જમીન પર પછડાઈ ગઈ.

લુકાસાને આમ જોઈ મોઝિનો તૂટી ગયો. એ એકદમ નીચે ફસડાઈ પડ્યો. એ લુકાસાના નિર્જીવ દેહને જોતો રહ્યો. એની આંખોમાં થી આંસુ વહી રહ્યા હતાં. લુકાસાએ પોતાના પ્રેમ માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું. ને આ મોઝિનો માટે કઈ ઓછું નહોતું. એ ભલે ખરાબ વ્યક્તિ હતો. ઘણા લોકોના જીવન એણે બરબાદ કર્યા હતા. પણ એના હૃદયનો એક ખૂણો હતો જે હંમેશા પ્રેમ, લાગણી, હૂંફ માટે તડપતો હતો. ને એટલે જ એ પોતાના રોગનું સમાધાન શોધવા તડપી રહ્યો હતો. એ લુકાસા સાથે એક સારું જીવન જીવવા માંગતો હતો. પોતાના બાળકો ઈચ્છતો હતો. પણ હવે આ બધું નકામું થઈ ગયું હતું. એની સૌથી નજીકની વ્યક્તિ હવે એને છોડીને ચાલી ગઈ હતી.

મોઝિનો એકદમ ક્રોધિત થઈ ગયો અને ઉભો થઈ જોરથી બરાડ્યો કેરાક ને એણે ફરી પ્રાણઘાતક જાદુનો ઉપયોગ કર્યો. પણ કેરાકે ત્રિશુલ આગળ કરી એનો જાદુ નકામો કરી દીધો. મોઝિનોએ ફરી કેરાક પર હુમલો કર્યો પણ કેરાકે પોતાના જાદુથી મોઝિનોને નીચે પછાળી દીધો. મોઝિનો ખૂબ જોરથી પછડાયો હતો. એનું માથું ફૂટી ગયું ને ચારેબાજુ લોહીનો ફુવારો ઉડયો. ને થોડીજ ક્ષણોમાં એનું પ્રાણપંખેરું ઉડી ગયું.

બધા ખુશ થઈ ગયા. જેવો મોઝિનો મૃત્યુ પામ્યો રાયગઢમાં બદલાવ આવવા લાગ્યા. એણે કરેલો જાદુ ઓગળવા લાગ્યો. રંગીન દેખાતી રાયગઢનગરી એકદમ સામાન્ય થવા લાગી. ને થોડીજ વારમાં સ્વપ્નથી સુંદર અને નિરાળી લાગતી નગરી એકદમ સામાન્ય થઈ ગઈ. આ બદલાવ બધા જોઈ રહ્યા. જોકે કોઈને નવાઈ ના લાગી. નગરના લોકો પણ સામાન્ય થવા લાગ્યા. જાણે વર્ષો પછી ઊંઘમાં થી જાગ્યા હોય એમ બધું જોવા લાગ્યા.

દેવીસિંહ નિયાબી પાસે ગયો ને માથું નમાવી બોલ્યો, રાજકુમારી નિયાબી મારુ કામ પૂરું થયું. મેં મારી રાજકુમારી માટે મારા થી જે થયું એ કર્યું. હવે આ મીનાક્ષી રત્ન લઈને મને આ જવાબદારીથી મુક્ત કરો. દેવીસિંહે પોતાનો હાથ આગળ કર્યો એમાં એક ગોળ ચમકતું રત્ન આગળ કર્યું.

નિયાબીએ હાથ લંબાવી મીનાક્ષી રત્ન લઈ લીધું. નિયાબીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.


ક્રમશ..................



Rate & Review

Nipa Upadhyaya

Nipa Upadhyaya 3 years ago

maya

maya 3 years ago

Minal Sevak

Minal Sevak 3 years ago

Namrata Shah

Namrata Shah 3 years ago

Balkrishna patel

Balkrishna patel 3 years ago