Ek sandesh manavtano - 1 books and stories free download online pdf in Gujarati

એક સંદેશ માનવતાનો - ૧

પ્રસ્તાવના

આ એક કાલ્પનિક રચના છે. સમાજને માનવતા વિશે રજુઆત કરવાનો મારો આ નાનો અમથો પ્રયાસ છે. આશા છે આપને આ રચના ગમે અને સતત વાંચવા માટેની ઇચ્છાઓ જાગે.

*************************
એક સંદેશ માનવતાનો
From Darkness to Light
ભાગ - ૧
*************************

સવારનો સમય હતો. શાળાઓ વેકેશન પછી ખુલી ગઈ હતી. બાળકો શાળામાં પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરી રહ્યા હતા. શિક્ષક ગણ પણ નવા વર્ષની શરૂઆતમાં સજ્જ હતું.

સહકાર પ્રાથમિક શાળાના આ બાળકો પ્રાર્થના પછી પોત પોતાના વર્ગ ખંડમાં ગયા. ધોરણ-૭માં અભ્યાસ કરી રહેલા મિત્રો અર્ઝાન, અરમાન અને અર્શ પહેલા ધોરણથી જ એક જ પાટલી પર બેસતાં. ધોરણ-૭ની શરૂઆત પણ તેમણે આજ રીતે કરી. પહેલેથી ત્રીજી હરોળમાં જમણી તરફ પોતાની બેન્ચ નક્કી કરી અને ત્રણેય ગોઠવાયા.

"અર્ઝાન, આ વર્ષે શું નવું કરીશું?" અર્ઝાનની જમણી તરફ બેન્ચમા વચ્ચે બેઠેલા અર્શએ પૂછ્યું.

"હાલ તો કોઈ વિચાર નથી અર્શ. પણ અલ્લાહનો કરમ રહ્યો તો લોકોના હિત માટે કંઈક તો કરીશું..."

"અર્ઝાન આપણે છેલ્લા વર્ષે પણ પ્લાનિંગ વગર જ એ પ્રવુતિ કરેલી યાદ છે?" અરમાન જે દીવાલને અડીને અર્શની જમણી તરફ બેઠા બેઠા બોલ્યો.

"હા અરમાન, ધારવાથી કશું જ થતું નથી. બસ સમય આવે એ સમયે એનું કામ થઇ જતું હોય છે"

અરમાન અને અર્ઝાન અહીં ગયા વર્ષે એમણે ગામના ગરીબ લોકો માટે એક પ્રવુતિ કરેલી જેની એ વાત કરે છે. અર્ઝાન એક દિવસ ડેરીએ દૂધ લેવા ઉભો હતો. ત્યારે ત્યાં ઉભેલા અમુક લોકો પૈસાના અભાવે દૂધ નહોતા લઇ શકતા. અર્ઝાનને એ ઉભેલા લોકો માંથી બે બાળકોને પોતે ખરીદેલુ દૂધ આપી દીધું અને પોતે ઘરે ચાલ્યો ગયેલો.

એ પછી અર્ઝાનને થયું કે આપણા ગામની વસ્તી ૧૫૦૦ લોકોની છે અને દરેક ઘરમાંથી શાળામાં બાળકો આવે છે. એને બીજે દિવસે અરમાન અને અર્શને પોતાની સાથે બનેલી ડેરીવાળી ઘટના કહી. અર્ઝાનના મગજમાં વિચાર આવ્યો કે શાળામાં ભણતા ૩૦૦ વિદ્યાર્થીઓ માંથી ૨૦૦ જેટલા તો સારા ઘરના લાગે છે.

"અર્શ આ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ સારા ઘરના છે. તો મારો વિચાર છે કે આપણે વર્ગ શિક્ષકને કહી પ્રાર્થના ખંડમાં એક રજુઆત કરીએ..."

"પણ રજુઆત કરશું શેની?"

"અરે અર્શ એ તું ટેન્શન ન લે. તમે બંને ચાલો મારી સાથે આપણા સર કેબીનમાં છે એમને રજુઆત કરવા જઈએ" અરમાન અને અર્શને કઈ સમજાય એ પહેલા જ અર્ઝાન એમને સાથે લઇને વર્ગ શિક્ષકના કેબીન તરફ ગયો.

"મેં આઈ કમ ઈન સર..."

"યસ, કમ ઈન..."

"અસ્સલામુ અલયયકુમ સર..."
" વ અલયકુમ સલામ.. શું વાત છે અર્ઝાન, અરમાન , અર્શ.. તમે અચાનક અહીં?"

"સર મારે તમને એક વિનંતી કરવી છે..." અર્ઝાન બોલ્યો

"હા બોલ બેટા શું વાત છે?"

"સર, હું આવતી કાલે પ્રાર્થના ખંડમાં એક નાની રજુઆત કરવા માંગુ છું.. "

"કેવી રજુઆત?" અબ્દુલ સર ધ્યાનથી સાંભળતા સાંભળતા બોલ્યા.

"સર, મારે આખી શાળાના બાળકોને એક આજીજી કરવી છે કે મોટા ભાગના બાળકોને ઘરેથી રોજ દસ રૂપિયા વાપરવા આપે છે. તો બાળકો રોજ એમાંથી બે-બે રૂપિયા ફાળો આપે તો એ પૈસાથી જે આપણા ગામના જરૂરતમંદ બાળકો છે એમને આપણે દૂધ અને ખોરાકની વસ્તુઓ આપી શકીએ.."

અબ્દુલ સરની આંખો એકીટશે અર્ઝાનને જોઈ રહી. છઠ્ઠા ધોરણનો આ વિદ્યાર્થી અગિયાર જ વર્ષની ઉંમરને એની આ વાત જાણે એકત્રીસ વર્ષના યુવા જેવી. ગરીબો વિશે આટલી નાની ઉંમરમાં વિચારનાર આ બાળકને જોઈ એ અચંબિત હતા.

"બેટા, તારો વિચારતો અવ્વલ દર્જાનો છે. પણ તને શું લાગે છે દરેક બાળક સહકાર આપશે?"

"સર, હું માનું છું આપણું કામ લોકો સુધી સારી વાતો ને સારા વિચારો પહોંચાડવાનું છે. પછી બધું અલ્લાહ પર છોડી દેવાનું.. એ જ એમના દિલમાં રહેમ નાખે અને એ આપણો સહકાર આપે" અર્ઝાનના આ શબ્દો જાણે અબ્દુલ સરના સીધા દિલમાં ઉતરી ગયા.

"બેટા મને ગર્વ છે કે તું મારા વર્ગનો વિદ્યાર્થી છો. હું તારી આજીજી વિશે પ્રિન્સિપલ મેમને એકવાર વાત કરીશ અને મને આશા છે કે એ પણ તને પરવાનગી આપશે. આજે શાળા છૂટતા પહેલા હું તને એમનો નિર્ણય જણાવી દઈશ."

"ખુબ ખુબ આભાર સર. અલ્લાહ તમને ખુશ રાખે. સર તો હવે અમે રજા લઈએ..."

"જી બેટા જાઓ ક્લાસમાં હું પ્રિન્સિપલ મેમ સાથે વાત કરીને આવું જ છું."

અબ્દુલ સર અર્ઝાન ને એના મિત્રો કેબીનમાંથી ગયા પછી તરત જ પ્રિન્સિપાલ મેમની કેબીન તરફ ગયા.

"મેં આઈ કમ ઈન મેમ..."

"યસ કમ ઈન..."

"અસ્સલામું અલયકુમ..."

"વલયકુમ સલામ... શું વાત છે આજે સવાર સવારમાં અબ્દુલ સર..."

"ફાતેમા મેમ વાત થોડી જરૂરી લાગી એટલે સવાર સવારમાં જ આવી ગયો વાત પતાવીને ક્લાસમાં પણ જવું છે."

"હા બોલો અબ્દુલ સર..."

અબ્દુલ સરે અર્ઝાનને કરેલી વાતને વિસ્તારથી કહી ફાતેમા મેમ પણ અર્ઝાનના આ વિચારથી અચંબિત થયા. થોડી વિચાર કરીને એમણે અબ્દુલ સરને પરવાનગી આપી.

"થેંક્યું સો મચ મેમ... હું હવે વર્ગમાં જઈને ઝડપથી અર્ઝાનને આની ખુશ ખબરી આપું.."

"જી જરૂર.."

અબ્દુલ સર ક્લાસમાં આવ્યા. એમના જવાબની રાહ અર્ઝાન આતુરતાથી જોઈ રહ્યો હતો. અબ્દુલ સર અર્ઝાનની બેન્ચ પાસે આવીને બોલ્યા.

"અર્ઝાન અલ્લાહે તારી દુઆ કુબૂલ કરી. આવતી કાલે તું પ્રાર્થના ખંડમાં તારા દિલની વાત બધા સાથે શેર કરી શકીશ. પ્રિન્સિપાલ મેમે પરમિશન આપી દીધી..."

અર્ઝાન આ સાંભળી ખુબ જ ખુશ થયો. ગઈ કાલે ડેરી પાસે બનેલી ઘટના એને યાદ આવી અને એ ગરીબો માટે કંઈક કરી શકે એનું પહેલું પાયદાન જાણે ચડી ગયો હોય એવું એને અનુભવાવા લાગ્યું. અબ્દુલ સરે હાજરી પુરીને પોતાનો વિષય ગણિત ભણાવવાનું શરૂ કર્યું. દિવસ પસાર થયો અને અર્ઝાન એના મિત્રો સાથે ઘર તરફ રવાના થયો. રસ્તામાં ચાલતા ચાલતા અર્ઝાનનું મગજ આવતી કાલ માટે વિચારી રહ્યું હતું.

"અરમાન અને અર્શ.. શું તમે આજે રાત્રે જમીને મારા ઘરે આવશો?"

"હા કેમ નઈ અર્ઝાન તું કહે તો હાલ જ આવી જઈએ.."

"અરે ના ના હાલ નઈ રાત્રે જમીને પછી ઈશાની નમાજ બાદ મળીએ આપણે. કાલ વિશે થોડી વાત કરવી છે. મારે સ્પીચ પણ રેડી કરવી છે અને થોડું પ્લાનિંગ પણ.."

"કઈ વાંધો નઈ અર્ઝાન તું કે એમ.." અરમાન ઉત્સાહથી જવાબ આપી રહ્યો હતો.

અર્ઝાન અને અર્શનું ઘર થોડું જ દૂર હતું. ચાલીને જાઓ તો ત્રણ-ચાર મિનિટમાં પહોંચી જાઓ પણ અરમાન ગામના છેડે હતો એટલે એને આવતા દસ થી પંદર મિનિટ લાગે. રાત્રે અર્ઝાન એના મમ્મી, પપ્પા અને બેન સાથે જમવા બેઠો.

"બેટા અર્ઝાન શું વિચારમાં છે?" અર્ઝાનના પિતા ઈરફાને પૂછ્યું.

"કાઈ ખાસ નહીં પપ્પા પણ કાલે સ્કુલમાં એક સ્પીચ આપવાની છે એ વિશે જ વિચારું છું.."

"બેટા શેના વિશે સ્પીચ છે?"

અર્ઝાને દિવસ દરમિયાન થયેલી આખી ઘટના વર્ણવી. અર્ઝાનના પિતા ઈરફાન અને માતા મિસ્બાહ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. બેન ઝારા નાની હતી એટલે એને અર્ઝાનની વાત બહુ પલ્લે ન પડી. પણ મમ્મી પપ્પા એ સાંભળીને ગર્વ મહેસુસ કરી રહ્યા હતા.

"શાબાશ બેટા અલ્લાહ તને કામયાબ કરે..." વાત સાંભળી ઈરફાન બોલ્યા...

"આમીન... પપ્પા..."

જમ્યા બાદ અર્ઝાન અને ઈરફાન નજીકની મહોલ્લાની મસ્જિદમાં ઈશાની નમાજ માટે ગયા. નમાજ પઢી અર્ઝાન અલ્લાહ પાસે દુઆ કરી રહ્યો હતો.

"યા રબ્બી.. દુનિયામાં બધાને મોકલનાર તું જ છે. દરેકની રોજીનો માલિક તું જ છે. તું જ દરેકની સંભાળ રાખનાર છે. યા અલ્લાહ આવતી કાલે હું શાળામાં તારા લાચાર બંદાઓ માટે કઈક કરવા જઈ રહ્યો છું. હું જાણું છું તારી મરજી વગર એક ઝાડનું પાંદડું પણ હલી ન શકે. તો એ અલ્લાહ મારા આ કામમાં મને મદદ ફરમાવજે અને લોકો માટે જીવનમાં કઇક કરી શકું ને માનવતાને દરેક હ્રદય સુધી પહોંચાડી શકું. એ માટે મને હંમેશા હિદાયત આપજે... આમીન..."

અર્ઝાન અને એના પિતા નમાજ બાદ ઘરે આવ્યા અને અર્ઝાન ઘરની ઓસરીમાં બેસી પોતાના મિત્રોની રાહ જોઈ રહ્યો હતો.

(ક્રમશ: આવતા અંકે...)

******
ઈરફાન જુણેજા
ઇલ્હામ
અમદાવાદ