Prinses Niyabi -21 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 21

બીજા દિવસે કેરાક, અસીન, નુએન, રીનીતા અને બીજા જે લોકો મોરૂણથી આવ્યા હતા એ બધા મોરૂણ પાછા જવા નીકળી ગયા.

પછી દાદી ઓનાએ બધાને દરબારમાં ભેગા કર્યા.

દેવીસિંહ: દાદી ઓના આપે અમને અહીં ભેગા શા માટે કર્યા?

દાદી: દેવીસિંહજી હવે આપણે રાજ્યની બાગદોર તો સંભાળવી પડશે ને? આપણી સેનામાં બહુ નુકશાન થયું છે. નવા લોકો ની ભરતી કરવી પડશે. હવે આપણે આપણી તાકાત વધારવી પડશે.

દેવીસિંહ: જી દાદી ઓના તમારી વાત સાચી છે. હવે આપણી પાસે સૈનિકો ઓછા છે. ને હવે આપણે એમાં વધારો કરી નવા દસ્તા તૈયાર કરવા પડશે.

દાદી: હા દેવીસિંહજી. રાજકુમારી ઈચ્છે તો આપણે લાકડાના અને ધાતુના સૈનિકોની ટુકડી ફરી તૈયાર કરી શકીએ છીએ.

નિયાબી: એની કોઈ જરૂર નથી. દાદી હું મારા રાજ્યમાં કોઈ જાદુ કે જાદુઈ વસ્તુઓ નથી ઈચ્છતી. હું વાસ્તવિકતા સાથે આગળ વધવા માગું છું. મારા રાજ્યમાં બધા માનવો જ હશે.

દાદી: તો પછી કોઈ સમસ્યા નથી. જીમુતા તમે અને કજાલી નવા માણસોની ભરતીની પ્રક્રિયા ચાલુ કરો. જીમુતા આપણા રાજ્યમાં નાનામોટા ત્રેવીસ પ્રદેશો છે. તમે બંને એને સંભાળી લો. દેવીસિંહજી તમે અને માતંગી અહીંયા બધું જોઈલો.

નિયાબી: દાદી હું પણ આ બધી પ્રક્રિયામાં સામેલ થઈશ.

દાદી: ના રાજકુમારી તમે હજુ હમણાં જ રાજ્યની દોર સંભાળી છે. તમે તો તમારા રાજ્યને અને તેના લોકોને પણ સારી રીતે જાણતા નથી. સૌ પ્રથમતો તમારે તમારા રાજ્યની પરિસ્થિતિને સમજવાની જરૂરી છે. તમારે તમારી પ્રજા અને પ્રજાની સ્થિતિ, રાજ્યની ભૌગોલિક સ્થિતિ, તમારા રાજ્યના જમા અને નુકસાની પાસા પહેલા સમજવાની જરૂર છે. એક રાજા ત્યારેજ સારો અને સાચો રાજા બની શકે છે જ્યારે તે પોતાના રાજ્યની દરેકે દરેક નાનીમોટી બાબતને સારી રીતે સમજતો હોય. તમારું શુ કહેવું છે દેવીસિંહજી?

દેવીસિંહ: તમારી વાત બિલકુલ સાચી છે દાદી. રાજકુમારી દાદી ઓના ની વાત સાચી છે. તમે રાજ્યનો કારભાર સારી રીતે સંભાળી શકો એ માટે તમારે તમારા રાજ્યને સમજવાની જરૂર છે.

નિયાબી આ સાંભળી વિચારમાં પડી ગઈ. પછી દાદી સામે જોઈને બોલી, તો દાદી આ માટે મારે શુ કરવું જોઈએ?

દાદી: જો મારી વાત માનો તો તમે થોડો સમય એક સામાન્ય વ્યક્તિની જેમ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ફરો. તમારી પ્રજા વચ્ચે રહો. એમને સમજો. એમની જરૂરિયાત સમજો. ને સાથે સાથે રાજ્યનું ભ્રમણ પણ કરો. આ તમારા માટે યોગ્ય રહેશે. આટલું બોલી દાદી ઓનાએ પ્રશ્નવાચક દ્રષ્ટિએ દેવીસિંહ સામે જોયું.

દેવીસિંહ: એકદમ સરસ યોજના છે દાદી તમારી. રાજકુમારી તમે સેનાપતિ માતંગી, ઝાબી, અગીલા અને ઓનીર સાથે રાજ્યના ભ્રમણ પર જાવ. પરિસ્થિતિને સમજો. માતંગી જાણકાર છે એટલે તમને મદદ મળી રહેશે.

નિયાબીએ વારાફરતી બધાની સામે જોયું પછી બોલી, પણ દેવીસિંહજી અહીંયા આ બધું.....

પણ દાદી ઓનાએ એને વચ્ચે જ બોલતી રોકતાં કહ્યું, રાજકુમારી તમે અહીંની ચિંતા ના કરો. અમે અહીં બધું સંભાળી લઈશું. તમે નિશ્ચિત થઈ ને જાવ.

દેવીસિંહ: હા રાજકુમારી ચિંતા ના કરો બધું બરાબર થઈ જશે. હું આજે જ તમારી જવાની તૈયારીઓ કરાવું છું.

નિયાબી: જી જેવી તમારી ઈચ્છા. પણ પહેલા બીજા લોકોને પણ પુછીલો. એ લોકો પણ તૈયાર છે?

ઝાબી તરત જ બોલી પડ્યો, હા...હા...રાજકુમારી નિયાબી. અમે તૈયાર છીએ. હે ને અગીલા?

અગીલાએ ઓનીર સામે જોયું. ઓનીરે નિયાબી સામે જોયું. એ જવાબની રાહ જોઈ રહી હતી. ઓનીરે માથું હલાવી હા કહી.

ઝાબી એકદમ ખુશ થતા બોલ્યો, તો પછી કોઈ સમસ્યા નથી. બધા સાથે નીકળીએ.

નિયાબી કઈ બોલી નહીને ત્યાં થી નીકળી ગઈ.

દાદી: સેનાપતિ માતંગી તમે દેવીસિંહજી અને આ લોકો સાથે બેસી ક્યાં જવું? કેવી રીતે જવું? એની પુરી યોજના તૈયાર કરો.

માતંગી: જી દાદી ઓના.

દેવીસિંહ: તો પછી ઠીક છે. યોજના બનાવી લઈએ. પછી હું તૈયારીઓ કરાવું.

બધાએ માથું હલાવી હા કહ્યું અને બધા કામે લાગી ગયા.

દાદી ઓના નિયાબી પાસે ગયા. નિયાબી પોતાનો ઓરડો સરખો કરી રહી હતી.

દાદી: અરે રાજકુમારી તમે આ શુ કરી રહ્યા છો? આ તમારું કામ નથી. હવે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તમે રાજા છો. આ બધા કામો માટે માણસો છે.

નિયાબી હસતા હસતા દાદી ઓના પાસે ગઈ ને એમનો હાથ પકડી પલંગ પર બેસાડ્યા. ને પોતે એમની બાજુમાં બેસી ને બોલી, દાદી મને મારુ કામ કરવું ગમે છે. હું મારુ કામ જાતે જ કરીશ.

દાદી ઉદાસીનતા સાથે બોલ્યાં, સારું જેવી તમારી ઈચ્છા.

નિયાબીએ એમની સામે જોતા પૂછ્યું, કેમ આવું બોલો છો? દાદી તમે તો જાણો જ છો કે મને આ બધાની આદત નથી. હું જે પણ હોવ. મેં સામાન્ય લોકોની જીંદગી જોઈએ. જીવી છે. ને એ ખૂબ સરસ હોય છે. હું પણ સામાન્ય બનીને જીવવા ઈચ્છુ છું. હું રાજા બનીને હુકમ કરવા નથી માંગતી. પણ મિત્ર બનીને, સાથી બનીને લોકોની સાથે રહેવા માંગુ છું. એમની મદદ કરવા માંગુ છું.

દાદી નિયાબીની વાત સાંભળી ખુશ થયા. એ બોલ્યાં, તમારી વાતોતો ખૂબ જ સરસ છે. મીઠી લાગે એવી. ભગવાન તમને ખૂબ હિંમત અને શક્તિ આપે. પણ સાચું કહેજો તમને મારો વિચાર ગમ્યો તમને લોકો સાથે મળવાનો, ભળવાનો અને સમજવાનું કહ્યું. તમે ખુશ છોને?

નિયાબી: સૌ પ્રથમતો તમે મારી એક વાત માનો તો હું તમને જવાબ આપીશ.

દાદીએ નવાઈભરી નજરે નિયાબી સામે જોતા પૂછ્યું, કઈ વાત? તમે આદેશ કરો હું તમારી દરેક વાત માનવા તૈયાર છું.

નિયાબી ચહેરા પર એક સરસ સ્મિત સાથે બોલું, તો દાદી ઓના આજ પછી તમે મને માત્ર નિયાબી જ કહેશો. ને મને કોઈપણ માન વાચક શબ્દથી સંબોધશો નહીં. બોલો મંજૂર છે?

દાદી ઓનાએ નિયાબીના માથા પર હાથ ફેરવતાં કહ્યું, હા મંજૂર છે દીકરા.

નિયાબી એકદમ ખુશ થઈ ગઈ ને બોલી, સરસ દાદી ઓના. તો હવે તમારા પ્રશ્નનો જવાબ. તમે જે પણ મારા માટે વિચાર્યું તે એકદમ ઉત્તમ છે. મને ગમ્યું. હું પણ મારા રાજ્યના લોકોને જાણવા માગું છું. સમજવા માંગુ છું. ને જો હું એ કરી શકીશ તો સારી રીતે એ લોકોની મદદ પણ કરી શકીશ. એટલે હું તમારા વિચારથી સહમત છું.

દાદી ઓનાએ ખુશ થઈ હાથોથી નિયાબીના ઓવરણા લઈ લીધા. ને ખુશ થતા બોલ્યાં, તો પછી કરો તૈયારીઓ.

નિયાબી હસીને બોલી, જી દાદી ઓના. આપનો આભાર.

પછી દાદી ઓના ત્યાં થી નીકળી ગયા.

બધાએ ભેગા થઈ બે દિવસમાં ક્યાં ક્યાં જવું અને કેવી રીતે રાજ્ય ભ્રમણ કરવું એનું આયોજન કરી દીધું. દેવીસિંહજી અને દાદી ઓનાને પણ એ બતાવી દેવામાં આવ્યું. એ લોકોએ પણ મંજૂરી આપી દીધી. એ લોકોએ આખું રાજ્ય નહિ પણ અમુક અમુક જગ્યાઓ પસંદ કરી હતી. જુદા જુદા વિસ્તારોને એમની પરિસ્થિતિઓ પ્રમાણે અલગ કરી પસંદ કર્યા હતા. જેથી ભલે આખું રાજ્ય ના ફરાય. પણ જરૂરી એવું બધું જોઈ શકાય અને શીખી શકાય. નીકળવાનો દિવસ પણ નક્કી થઈ ગયો.

દાદી ઓનાએ માતંગી, ઝાબી અને અગિલાને પોતાના ઓરડામાં બોલાવ્યા.

માતંગી: દાદી આપે અમને બોલાવ્યા?

દાદી: હા આવો. બેસો અહીં.

બધા દાદીની સામે બેઠા.

દાદી: મે તમને લોકોને એક કામ માટે બોલાવ્યા છે.

ઝાબી: જી દાદી બોલો.

દાદી: ઝાબી અગીલા તમે મને એક પ્રશ્નનો જવાબ આપો. શુ ઓનીર નિયાબીને પસંદ કરે છે?

દાદીની વાત સાંભળી ઝાબી અને અગીલા સ્તબ્ધ થઈ ગયા અને એકબીજા ને જોવા લાગ્યા. માતંગીતો કઈક સમજી જ ના શકી. એતો વારાફરતી બધાની સામે જોવા લાગી.

દાદી: ઝાબી મેં કઈ પૂછ્યું?

ઝાબીએ દાદી સામે જોયું. પછી અગીલા સામે જોયું. પણ કઈ બોલ્યો નહિ.

દાદીને જોઈતો જવાબ મળી ગયો. પણ છતાંયે એ જવાબ મળે એની અપેક્ષા રાખી રહ્યા હતા. એટલે એ બોલ્યાં, તમારે બંનેએ આમ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. મને એવું લાગ્યું એટલે પૂછ્યું. ને જો આ સાચું હોય તો આમાં આગળ શુ કરી શકાય એની વાત થઈ શકે.

અગીલા હવે થોડું થોડું સમજી હોય એમ બોલી, દાદી ઓનીરને નિયાબી ગમે છે. પછી એ ચૂપ થઈ ગઈ. હવે દાદી શુ કહેશે એ વિચારવા લાગી.

માતંગી તો હજુ અસમંજસમાં જ હતી.

દાદી એકદમ ખુશ થયા બોલ્યાં, તો મારી ધારણા સાચી છે. તો ચલો સરસ થયું. હવે તમે લોકો મારી વાત સાંભળો.

પણ માતંગી વચ્ચે બોલી, દાદી મને કઈ સમજ ના પડી. આ બધું....તમે શુ કહેવા માંગો છો?

દાદી માતંગીને શાંત થવાનું કહી બોલ્યાં, ઓનીર રાજકુમારી નિયાબીને પસંદ કરે છે. પણ નિયાબી પોતાની તકલીફો અને ભૂતકાળના ખરાબ અનુભવોને લીધે કોઇપણ સબંધની વધુ નજીક જવા માંગતી નથી. એણે પોતાની આજુબાજુ એક એવું કવચ બનાવ્યું છે કે કોઈ બીજું પણ એમાં સબંધને નામે પ્રવેશી શકે નહીં. હવે સમજી?

માતંગી: હા દાદી હવે સમજી.

દાદી: સરસ હવે હું પણ ઈચ્છું છું કે રાજકુમારી આ કવચ તોડીને જાતે એમાંથી બહાર આવે. ને એક સામાન્ય માણસની જેમ જીંદગી જીવે. ઓનીર રાજકુમારીને સમજે છે. એટલે એનાથી સારો બીજો કોઈ વ્યક્તિ નિયાબી માટે ના હોઈ શકે. ને એટલે મેં જાણીજોઈને આ ભ્રમણની યોજના બનાવી છે. બોલો કેવી યોજના છે?

ત્રણેય જણ ઉત્સાહમાં એક સાથે બોલી ઉઠ્યા, એકદમ સરસ દાદી ઓના.

ઝાબી: વાહ દાદી તમે તો જોરદાર છો. સરસ યોજના બનાવી.

અગીલા: હા દાદી ખૂબ સરસ.

દાદી: બસ હવે તમારું કામ ચાલુ થશે. આ સમયમાં તમારે લોકોએ ઓનીર અને નિયાબીને નજીક લાવવાનો પ્રયત્ન કરવાનો છો. એ લોકોને એકબીજાને સમજવાનો મોકો મળે એવા પ્રસંગો ઉભા કરવાના છે. ખાસ નિયાબીને આ સમયમાં એકલતાનો અનુભવ ના થાય એ પણ જોવાનું છે. નિયાબી દરેક સબંધ જરૂરી છે, સમય સમયે લોકો બદલાય છે, ઘણીવાર પરિસ્થિતિઓ માણસને મજબુર કરે છે બદલવા માટે, આ બધું પણ એ સમજે એ જરૂરી છે. તમે લોકો સમજી રહ્યા છો ને હું શુ કહેવા માંગુ છું?

બધાએ માથું હલાવી હા કહ્યું.

દાદી: તો આમ આંખો ફાળી શુ જોઈ રહ્યા છો? કઈક બોલો?

ત્રણેય જણ એકબીજાને જોઈ હસી પડ્યા. દાદીએ ત્રણેય ની સામે આંખો કાઢી.

માતંગી: દાદી અમે સમજી ગયા. પણ તમે તો જોરદાર છો હો. તમે આવું કહી રહ્યા છો એ સાંભળી થોડા હલી ગયા.

દાદીએ માતંગીને હળવી ટપલી મારતા કહ્યું, સાચું કહું તો મને પણ નવાઈ લાગે છે. પણ આ રાજ્યએ એટલું બધું સહન કર્યું છે કે હવે વધુ સહન કરે એવું હું ઈચ્છતી નથી. ને એટલે નિયાબી એક સામાન્ય વ્યક્તિની જેમ આગળ વધે એવું ઈચ્છું છું.

અગીલા: દાદી તમે ચિંતા ના કરો. અમે ત્રણેય તમે કહ્યું એ પ્રમાણે કરીશું. અમે પાછા આવીશું ત્યારે તમને સારા સમાચાર આપીશું. પછી અગીલાએ ઝાબી અને માતંગીની સામે જોઈ પૂછ્યું, મેં બરાબર કહ્યું દોસ્તો?

ઝાબી અને માતંગી સાથે જ બોલ્યાં, હા દોસ્ત.

અગીલાએ દાદી ઓના સામે જોયું ને મસ્તીમાં આંખો નચાવી. પછી બધા ખળખળાટ હસી પડ્યા.



ક્રમશ................