Prinses Niyabi - 29 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 29

ઓનીર: કંજ ખોજાલની સૌથી મોટી તાકાત કઈ છે?

કંજ: એક એની પોતાની શક્તિઓ અને બીજી એની વરુસેના. જેમાં 18 વરુઓ છે.

ઝાબી: ને આ વરુઓ ખોજાલની વાત માને છે, બરાબર?

કંજ: હા આ વરુઓને ખોજાલે સંમોહિત કરી રાખ્યા છે. ખોજાલના માત્ર જોવાથી આ વરુઓ તૂટી પડે છે. ને જ્યાં સુધી શિકાર પૂરો ના થઈ જાય ત્યાં સુધી આ વરુઓ છોડતા નથી.

ઝાબી: તો આ વરુઓ ક્યાં રાખવામાં આવે છે એ તને ખબર છે?

કંજ: હા પણ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે.

ઝાબી, એ સિવાય બીજી શુ તાકાત છે ખોજાલ કે નાલીનની?

કંજ: સૈન્યની તાકાત તો ઘણી મોટી છે. પણ એની સાથે લડવાથી કોઈ ફાયદો નથી. એના લીધે બીજા નિર્દોષ લોકોનું નુકશાન થઈ શકે છે. લડાઈ માત્ર ખોજાલ કે નાલીન સાથે થવી જોઈએ.

નિયાબી: બરાબર છે કંજ. પણ મને એ કહે કે નાલીનના પિતા હજુ પણ કારાવાસમાં છે?

કંજ: ખબર નહિ રાજકુમારીજી. પણ હા આજ સુધી એમના મોતની કોઈ ખબર સામે આવી નથી.

ત્યાં પંડિતજી આવ્યા. બધાએ એમને નમન કર્યા.

પંડિતજી: રાજકુમારીજી હું પણ આ લડાઈમાં આપને મદદ કરવા ઈચ્છું છું.

નિયાબી: જી પંડિતજી. તમે બીજી કોઈ એવી માહિતી આપી શકો જે કોઈને ના ખબર હોય પણ તમને ખબર હોય.

પંડિતજી: હા રાજકુમારીજી. નાલીન ભલે રાજા હોય. પણ એણે જે રીતે સત્તા હાંસલ કરી હતી એ ઘણા લોકો હતા જેમને નહોતું ગમ્યું. પણ પરિસ્થિતિઓ અનુકૂળ ના હોવાથી એ લોકો કઈ કરી શક્યા નહિ. પણ હવે એ લોકો તમારી મદદ કરી શકે.

નિયાબી: ના પંડિતજી એની કોઈ જરૂર નથી. વધુ લોકોને ખબર પડશે તો કામ બગડી જશે.

પંડિતજી: જેવી આપની ઈચ્છા. તો શરૂઆત ક્યાં થી કરવી છે?

ઓનીર: ખોજાલની વરુસેનાથી. કંજ તું મને એ જગ્યાએ લઈ જા જ્યાં આ વરુઓ રહે છે.

કંજ: જરૂર ઓનીર. અત્યારે જઈએ? રાતનો અંધકાર યોગ્ય રહેશે.

ઓનીર: તો ચાલો જઈએ.

ઝાબી: હું પણ આવું છું ઓનીર.

ઓનીર: ના ઝાબી તું અહીં રહે. આગળ શુ કરવું એ નક્કી કરો. ત્યાં સુધી હું આવી જઇશ.

ઝાબી: સારું.

ઓનીર અને કંજ ત્યાંથી નીકળી ગયા.

માતંગીને ચુપચાપ જોઈને નિયાબીએ પૂછ્યું, માતંગી કયા વિચારોમાં છે?

માતંગી: રાજકુમારીજી સત્તા પલટાવી હોય તો છુપાઈ ને હુમલો ના કરાય. એના માટે તો દુશ્મનને સામી છાતીએ લલકારાય. ને તોજ યોગ્ય સફળતા મળી શકે.

અગીલા: હા રાજકુમારીજી હું માતંગીની વાત સાથે સહમત છું. આપણે સામેથી જ લડવા જવું પડશે.

ઝાબી: તમને બંનેને જાણી જોઈને મોત લેવા જવાની ઈચ્છા છે? દુશ્મનને પુરી રીતે જાણ્યા સમજ્યા વગર હુમલો કરવો મૂર્ખામી કહેવાય.

નિયાબી: હા માતંગી ઝાબી બરાબર કહે છે. આપણે થોડી ધીરજ રાખવી પડશે.

પંડિતજી: રાજકુમારીજી વાત બંને સાચી છે. તમે સામે ચાલીને લડવા ના જઈ શકો. પણ જે લોકો બીજા લોકોને હેરાન કરી રહ્યા છે એમને તો રોકી શકોને?

નિયાબી: હા પંડિતજી આવશ્ય.

પંડિતજી: તો રાજકુમારીજી આવતીકાલે રાત્રે નિકળજો બહાર. તમને સાચું શુ? ને ખોટું શુ? એ ખબર પડી જશે.

નિયાબીએ માતંગી અને અગીલાની સામે જોયું. એ લોકોએ રાત પડે બહાર નીકળવાનું નક્કી કર્યું.

કંજ અને ઓનીર ખોજાલના રહેણાંક પાસે આવી ગયા. ચારેતરફની દીવાલો ખૂબ ઉંચી હતી.

ઓનીર: કંજ કોઈ ઉપાય છે આનો?

કંજે હસીને કહ્યું, હા. મારી સાથે આવ.

રહેણાંકની પાછળના ભાગમાં એક મોટું વૃક્ષ હતું. કંજે ઈશારો કરી ઓનીરને બતાવ્યું. ઓનીર સમજી ગયો કે હવે શુ કરવાનું છે. બંને જણ વૃક્ષ પર ચડીને ખોજાલના રહેણાંકમાં પ્રવેશ્યા. બંને ધીમે ધીમે લપતા છુપાતા એક પછી એક ઓરડાઓ પાર કરતા વરુઓને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં આવી ગયા. એ સમયે ખોજાલ વરુઓ સાથે બેસી એમને માંસ ખવડાવી રહ્યો હતો. વરુઓ એકદમ શાંત હતા અને ખોજાલ સાથે લાડ કરી રહ્યા હતા. ખોજાલ પોતે પણ એમની સાથે માંસ આરોગી રહ્યો હતો.

ઓનીરે કંજની સામે જોયું પૂછ્યું, આ ખોજાલ છે?

કંજે ઈશારાથી જ હા કહ્યું. ઘણીવાર સુધી એ લોકો ત્યાં ઉભા રહ્યા ને એ બધું જોયા કર્યું. હજુ સુધી ખોજાલનો ચહેરો ઓનીરે જોયો નહોતો કેમકે એ લોકો એની પીઠ તરફ હતા. ત્યાં કોઈના આવવાનો અવાજ આવતા બંને સાવધાન થઈ ગયા. બે સિપાઈઓ આવી માસનો ટોપલો ત્યાં મૂકી ગયા.

ઓનીર અને કંજ ત્યાં થી નીકળીને બહાર આવ્યા.

કંજ: મને સમજ ના પડી કે તને ત્યાં શુ દેખાયું. આટલું બધું જોખમ ઉઠાવી આપણે ખાલી વરુઓ જ જોયા?

ઓનીરે હસીને કહ્યું, હા વરુઓ જોયા. કંજ કોઈપણ દુશ્મનની સામે લડતાં પહેલા એની ખૂબીઓ અને નબળાઈઓ જો આપણને પહેલાથી ખબર હોય તો એ કામ લાગે છે. ખોજાલની વરુસેના એની શક્તિ છે. તો આપણે એની એ શક્તિ કેટલી શક્તિશાળી છે એ ચકાસવું જોઈએ.

કંજ: તો તું એ ચકાસી શક્યો?

ઓનીરે કંજની સામે જોયું ને હકારમાં માથું હલાવ્યું.

કંજને કઈ ખબર ના પડી. પણ એ ચૂપ રહ્યો. બંને પાછા મંદિરે આવી સુઈ ગયા.

બીજા દિવસે આખો દિવસ એ લોકોએ જુદી જુદી જગ્યાઓ જોઈ. સાંજ માટે યોજના બનાવી. કોણ શુ કરશે એની પણ યોજના બનાવી. ને સાંજે સુસજ્જ થઈને એ લોકો બહાર નીકળ્યા. એ લોકો બે ભાગમાં વહેંચાય ગયા. એકમાં અગીલા, માતંગી અને ઓનીર હતા. તો બીજામાં નિયાબી, કંજ અને ઝાબી હતા. એ લોકો અલગ અલગ જગ્યાએ ગયા.

દિવસ કરતા સાંજનો માહોલ કઈક અલગ જ હતો. લોકો પોતાની હાટડીઓ પર જાણે ડરીને બેસેલા હોય એમ લાગતું હતું. લોકોની અવરજવર ઓછી હતી. અંધારું પૃથ્વી પર પોતાની ચાદર પાથરવા લાગ્યું હતું.

નિયાબી: દિવસ કરતા અત્યારનો માહોલ કઈક અલગ નથી લાગતો? લોકો ડરેલા લાગે છે.

કંજ: હા તમારી વાત સાચી છે. ને એનું કારણ પણ તમને હમણાં ખબર પડી જશે.

હજુ કંજ બોલતો હતો ત્યાં બે સૈનિકો એક હાટડી પર પહોંચી ગયા. ને એ હાટડીવાળાએ આખા દિવસમાં જે પણ કમાણી કરી હતી એમાંથી એને જેટલું જોઈતું હતું એટલું લઈ આગળ ચાલ્યા. બિચારો હાટડીવાળો ચુપચાપ ઉભો હતો. કઈ બોલ્યો નહિ. પેલા સૈનિકોએ વારાફરતી બધી હાટડીઓ ઉપર એવું જ કર્યું. પણ કોઈ કઈ બોલ્યું નહિ. ઘણા લોકોની આંખોમાં તો આંસુ હતા. છતાં પણ ચૂપ હતા.

ઝાબી: કંજ આ શુ છે?

કંજ નિરાશવદને બોલ્યો, આ તો છે લૂંટફાટ. રોજ સંધ્યા થાય એટલે આવી જ રીતે આ લોકો સામાન્ય માણસોની મહેનતની કમાણી લૂંટી લે છે કર ના નામે. આખા દિવસની મહેનત પછી પોતાની કમાણી પણ એમની નથી હોતી.

નિયાબી: પણ આ તો ખોટું છે. કર તો રાજ્ય નક્કી કરે એ પ્રમાણે હોય છે. એ લૂંટીને મરજી મુજબ ના લેવાય.

કંજ: હા પણ એતો નીતિનિયમોવાળા રાજ્યોમાં. અહીં ક્યાં કોઈ નીતિ નિયમ છે.

ત્યાં એક વૃદ્ધ હાટડીવાળો સૈનિકોને હાથ જોડી પૈસા ના લેવા વિનંતી કરી રહ્યો હતો. એ કરગરી રહ્યો હતો પણ સૈનિકો એની વાત સાંભળી નહોતા રહ્યા. પેલો વૃદ્ધ એમના પગમાં પડીને કરગરવા લાગ્યો.

આ જોઈ નિયાબીનું મન પીગળી ગયું. એ તરત જ ત્યાં પહોંચી ગઈ. કંજ અને ઝાબી તરત જ એની પાછળ દોડ્યા.

નિયાબીએ પેલા વૃદ્ધને ઉભા કર્યા. ને એણે પેલા સૈનિકોની સામે ઉભી થઈ ગઈને બોલી, એ ના પાડે છે તો જબરજસ્તી કેમ કરો છો? એમને છોડી દો.

એક સૈનિક, એય....કોણ છે તું? આ અમારો નિયમ છે. ચલ જા અહીં થઈ.

નિયાબી ગુસ્સે થઈ ગઈ ને બોલી, નહિ જાવ. તારાથી જે થાય એ કરી લે.

આ સાંભળી પેલા સૈનિકો ગુસ્સે થઈ ગયા અને નિયાબીને પકડવા એની તરફ આગળ વધ્યા. પણ એ નિયાબી પાસે પહોંચે એ પહેલા ઝાબી અને કંજ એમની સામે આવી ઉભા થઈ ગયા.

આ જોઈ બીજો સૈનિક બોલ્યો, ઓહ......તો સાથે મળીને આવ્યા છો. ખબર છેને અમે કોણ છીએ?

ઝાબી એકદમ બિન્દાસ થઈને બોલ્યો, કપડાં પરથી તો સૈનિકો લાગો છો. હે ને કંજ?

કંજ, હા એવું જ લાગે છે. જે પણ હોવ હવે નીકળો અહીંથી.

સૈનિકો એકદમ ગુસ્સે થઈ ગયા ને આગળ વધ્યાને ઝાબી અને કંજને પકડવાની કોશિશ કરી. પણ ઝાબી અને કંજે એમને રોક્યા. ને પછી જામી બરાબર એ લોકોની. કંજ અને ઝાબીએ બંનેની બરાબર ધોલાઈ કરી દીધી. પેલા સૈનિકો ત્યાંથી ભાગી ગયા.

પેલા વૃદ્ધએ હાથ જોડી એ ત્રણેયનો આભાર માન્યોને બોલ્યાં, દીકરા તમે જે કર્યું છે એ બરાબર નથી કર્યું. હવે આ લોકો તમને છોડશે નહિ. તમે લોકો જલ્દીથી અહીંથી નીકળી જાવ.

નિયાબીએ હસીને કહ્યું, દાદા તમે ચિંતા ના કરો. અમને કઈ નહિ થાય. હવે તમે ઘરે જાવ.

વૃદ્ધએ હાથ જોડીને માથું હલાવ્યું.

ત્યાંથી નીકળી કંજ બોલ્યો, એ દાદા બરાબર કહી રહ્યા હતા. હવે આપણું આવી બન્યું.

ઝાબીએ કંજની પીઠ પર ધબ્બો મારતા કહ્યું, કઈ નહિ કંજ. ચિંતા ના કર. જે થશે એ જોઈ લઈશું.

કંજે એની સામે જોતા કહ્યું, જોઈ લઈશું નહિ. સામે જોઈલે.

ઝાબીએ સામે જોયું તો એક સાથે બહુ બધા સૈનિકો એમની તરફ આવી રહ્યા હતા.

ઝાબી, અરે....હા આ લોકો તો બહુ ઝડપથી પાછા આવી ગયા. હવે તો......

નિયાબી વચ્ચે જ બોલી પડી, તો હવે તૂટી પડો.

કંજ અને ઝાબીએ નિયાબીની સામે જોયું. નિયાબી તલવાર લઈને તૈયાર થઈ ગઈ હતી. એણે આંખો ઉંચી કરી કહ્યું, તૈયાર?

કંજ અને ઝાબી પણ તલવાર કાઢી તૈયાર થઈ ગયા. આ જોઈ આજુબાજુના લોકો ગભરાઈ ગયા. બધા ગભરાટના માર્યા જ્યાં હતા ત્યાંજ ઉભા રહી ગયા. ને પેલા ત્રણેય જણ રસ્તાની વચ્ચે તલવાર લઈને સૈનિકોનું સ્વાગત કરવા ઉભા રહી ગયા.




ક્રમશ...............