Sarthi Happy Age Home - 4 books and stories free download online pdf in Gujarati

સારથિ. Happy Age Home 4

(માનવના જન્મદિવસની ઉજવણી સારથીમાં ચાલી રહી હતી. બધું શાંત હતું ત્યાં દેવલે મસ્તી કરતા માનવના ચહેરા પર કેક લગાવી અને બદલામાં માનવે પણ દેવલને નીચે પાડી એની ઉપર કેક લગાવી. આજ વખતે મહેંકબેન ત્યાં આવી માનવને જોઈ રહ્યા હતા...)

“ઓહ્ માય ગોડ માનવ તું? મને તો એમ કે તું એક શાંત અને વ્યવસ્થિત છોકરો છે!" મહેંકબેન માનવની સામે ઊભા એને જ કહી રહ્યા હતા!

મહેક બેન માનવને છેલ્લા છ મહિનાથી જોતા આવ્યાં હતાં અને એમનાં મનમાં માનવની છાપ એક સારા અને શાંત છોકરા તરીકેની હતી. આજે એમનો આખો દિવસ ખૂબ વ્યસ્ત રહેલો. એ થાક્યા પણ હતા. ઘરે જઈને સુઈ જવાની જ ઈચ્છા જોર કરી રહી હતી છતાં આજે બે કોલેજના છોકરાઓ સારથીમાં પાર્ટી કરવા આવ્યા છે એ જાણીને એમને આનંદ થયેલો અને એકવાર આ છોકરાઓ કોણ છે એ જાણવા જ તેઓ અત્યારે અહીંયા આવેલા.

એમની નજર આગળ એમની જ કોલેજના બે છોકરાઓ ધમાલ કરી રહ્યા હતા. જેને એ શાંત છોકરો સમજતા હતા એ હાલ એના મિત્રની છાતી પર ચઢી બેઠો હતો અને એના મોંઢે કેક ચોપડી રહેલો...

“આ બધું શું ચાલી રહ્યું છે?" મહેકબેને બૂમ મારીને કહ્યું અને વાતાવરણમાં ટાંકણી પડે તોય સંભળાય એટલો સૂનકાર છવાઈ ગયો.

માનવની હાલત ખરાબ થઇ રહી હતી. જેના માટે આ બધું કર્યું એની જ આગળ એનો કચરો થઈ ગયેલો. એ બાઘાની જેમ મહેકબેન સામે જોઈ રહેલો.

“અલ્યા ઉઠ...ઊભો થા મને મારી નાખવાનો છે?" દેવલે બૂમ પાડી અને તરત માનવ ઊભો થઈ ગયો. એના બંને હાથ કેકથી ખરડાયેલા હતા એને પાછળ કરી એણે મહેક સામે જોઈ જરાક સ્માઇલ આપી. હાલ કંઈ પણ બોલવાની એનામાં હિંમત ન હતી.

“ગુડ ઇવનિંગ મેમ!" દેવલે ઊભા થતા જ કહ્યું હતું, “મેમ તમે કેક ખાશો?"' દેવલ એના હાથ આગળ કરતો બોલ્યો હતો જેની ઉપર હજી કેક ચોંટી રહી હતી.

“તને તો મારે કંઈ કહેવા જેવું નથી પણ તું," મહેંક બેને માનવ સામે આંગળી કરી કહ્યું, “તું કાલે સવારે મને મારી ઑફિસમાં મળીશ."

“યસ મેમ." માનવે ધીરેથી કહ્યું.

“હું પણ જોડે આવીશ. મસ્તી અમે બંને એ કરેલી તો સજા પણ બંનેને મળવી જોઈએ ને?" દેવલ કહી રહ્યો હતો અને મહેકબેન ચાલ્યા ગયા..

એમના ગયા બાદ માનવ પણ ધીમા પગલે ચાલતો બાહર નીકળી આવ્યો. બધાને, “બાય બાય" કહેતો દેવલ પણ માનવની પાછળ ચાલ્યો ગયો.

બીજે દિવસે સવારે કોલેજ ગયા બાદ પહેલું કામ માનવે મહેકબેનની ઑફિસમાં જવાનું કરેલું. માનવ ઑફિસના દરવાજે પહોંચ્યો ત્યારે મહેકબેન આવી ચૂક્યા હતા અને ટેબલ પર પડેલી એક ફાઈલમાં નજર કરતા ખુરશીમાં બેઠેલા હતા. માનવ દરવાજે જ ઊભો રહી ગયો અને મહેકબેન સામે જોઈ રહ્યો. આછા ગુલાબી રંગની સાડીમાં, ગોલ્ડન ફ્રેમના ચશ્મામાં એ સુંદર લાગી રહ્યા હતા. લાંબા વાળનો ઢીલો અંબોડો નાજુક ગરદન પર ઝૂલી રહ્યો હતો. અંબોડાની એક તરફ ખોસેલી મોગરાની કળીઓની સુગંધ માનવે અનુભવી અને એ સુગંધને વધારે સારી રીતે પોતાના શ્વાસમાં ભરવા એણે ઊંડો શ્વાસ લીધો...

“ત્યાં ઊભો શું કરે છે?" મહેકબેનનું ધ્યાન જતા એમણે ગરદન એમ જ નીચે ઢળેલી રાખી નજર ઉપર ઉઠાવી પૂછ્યું.

“ગુડ મોર્નિંગ મેમ" માનવે કહ્યું. કાલે જે ધજાગરો થઈ ગયો એ પછી આજે એ કોઈ રિસ્ક લેવા નહતો માંગતો.

“કાલે શું હતું માનવ? તે અને તારા પેલા ભાઈબંધ શું નામ એનું...”

“દેવલ." માનવે કહ્યું.

“હા એ જ, તમે બંનેએ કાલે દારૂ પીધેલો? સારથી જેવી પવિત્ર જગ્યા પર જઈને તમે દારૂ પીધો?"
“ના ના મેમ તમારી મોટી ભૂલ થાય છે!" માનવ હવે દરવાજાની અંદર આવી ટેબલના સામે છેડે ઊભો રહ્યો.

“અમે લોકોએ બિલકુલ દારૂ નહતો પીધો! સારથીમાં જઈને ત્યાંના વડીલો આગળ દારૂ પીવાનું તો હું વિચારી પણ ન શકું. હા અમે છેલ્લે થોડી મસ્તી કરેલી પણ એ બધું દેવલે બધાને મજા પડે એટલે જ ચાલું કરેલું."

પોતાની વાત મહેક બેન ધ્યાનથી સાંભળી રહ્યા છે એ જોઈ માનવને સારું લાગ્યું.


“બધાને મજા પડે એટલે? બધાને મજા પડે એવું કંઈ કરવું હોય તો એકાદ સ્પીચ આપી દેવી હતી, એ લોકો સાથે બેસી એમની વાતો સાંભળવી હતી, તમારી વાતો કહેવી હતી અરે છેલ્લે કોઈ ગેમ રમાડી લીધી હોત પણ તમે આજના છોકરાઓ..."

“મેમ તમે આવ્યા એની થોડીવાર પહેલાં જ મેં બધાને રામાયણનો એક પ્રસંગ કહેલો," દેવલ વહેલો કોલેજ આવ્યો હતો અને એણે દૂરથી માનવને મહેકબેનની કેબિનમાં જતો જોયો એટલે એ ક્યારનોય અહીંયા આવી દરવાજે જ ઊભો હતો અને અત્યારે મોકો જોઈ એણે એન્ટ્રી મારી, “એ લોકોને એ સોલ્લિડ ગમેલો પણ પછી આવું ક્યારે થયેલું, એનો સંદર્ભ શું? તમે ક્યાંથી વાંચ્યું? એવું બધું એ લોકો પૂછવા લાગ્યા અને મારી પાસે બધાનો એક જ જવાબ હતો, વોટ્સેપ!"

માનવ દેવલ સામે ભાવરહિત ચહેરે જોઈ રહ્યો હતો. હાલ એનો દોસ્ત એની મદદ કરી રહ્યો હતો કે મુસીબત વધારી રહ્યો હતો એ ધારવું મુશ્કેલ હતું!

“વન્ડરફુલ! તમારા લોકોનું બધું જ્ઞાન આજકાલ વોટ્સેપ યુનિવર્સિટીમાંથી જ આવે છે, કોઈ નવાઈની વાત નથી." મહેકબેને સહેજ તીખા સૂરે કહ્યું.

“તમને ખબર નથી મેમ આ માનવના મગજમાં ગજબના પ્લાન ચાલી રહ્યા છે! એ પેલા ઘરડાઓના આશ્રમને શું નામ છે એનું.."

“દેવલ ચૂપ કર." દેવલ વધારે બોલી રહ્યો છે એમ લાગતા માનવે એને કહ્યું પણ દેવલ એની ધૂનમાં જ હતો.

“હા ‘સારથી ઓલ્ડ એજ હોમ'ને મારો દોસ્ત ‘સારથી હેપ્પી એજ હોમ' બનાવવાનું વિચારે છે."

“ઓલ્ડ એજ હોમને હેપ્પી એજ હોમમાં ફેરવવા માંગે છે? કેવી રીતે?" મહેક બેને દેવલ સામે ધારદાર નજરે જોતા પૂછ્યું.

“આગળનું હવે માનવ કહેશે." દેવલ એક ક્યૂટ સ્માઇલ આપીને માનવ સામે જોઈ રહ્યો. મહેકબેનની નજર પણ હવે માનવ તરફ તકાયેલી હતી.

માનવ ગંભીર હતો. આજ એક પળ હતી મહેકબેન આગળ પોતાની ઈમેજ ફરી સુધારવાની અને ફક્ત સુધારવાની જ નહિ એક નવી ઈમેજ ઊભી કરવાની હતી.
ક્રમશ...