Sarthi Happy Age Home - 5 books and stories free download online pdf in Gujarati

સારથિ Happy Age Home 5

(માનવ અને દેવલ મહેકબેનની કેબિનમાં ઊભા હતા, દેવલ કહી ચુક્યો હતો કે માનવ ઓલ્ડ એજ હોમને હેપ્પી એજ હોમમાં બદલાવ ધારે છે પણ કેવી રીતે એ જણાવવાનું એણે માનવ ઉપર છોડ્યું હતું....)

માનવ ગંભીર હતો. આજ એક પળ હતી મહેકબેન આગળ પોતાની ઈમેજ ફરી સુધારવાની અને ફક્ત સુધારવાની જ નહિ એક નવી ઈમેજ ઊભી કરવાની હતી. આખરે માનવે થોડીક ક્ષણો મૌન રહીને કહ્યું,

“મેમ આ દુનિયામાં માણસ જનમે છે ત્યારથી લઈને એના જીવનની છેલ્લી ઘડી સુધી એ સપના જોતો હોય છે. કેટલાક સપના એ પૂરા કરે છે અને કેટલાક અધૂરાં રહી જાય છે. દરેક અધૂરું રહી ગયેલું સપનું એવું નથી હોતું કે એને પૂરું ના કરી શકાય પણ જીવનની ભાગદોડમાં માણસ બિચારો એટલો પરોવાઈ ગયો હોય કે પોતાના સપના વિશે વિચારવાનો સમય જ એની પાસે ના બચ્યો હોય. આ બધા સપના પછી એના દિલમાં ક્યાંક સચવાઈને પડ્યા હોય છે જે એમને ક્યારેક એક ઊંડી પીડા આપી જતા હોય એવું પણ બને! આપણે સારથીમાં રહેતા લોકોના એવા અધૂરા સપના વિશે જાણીને એને પૂરા કરવાનો પ્રયત્ન કરી શકીએ."

“ઇન્ટ્રેસ્ટિંગ! ખરેખર સારો વિચાર છે, પણ ફક્ત વિચાર કરવાથી કામ નથી થઈ જતાં માનવ. કોણે ક્યારે શું સપના જોયેલા અને એમાંથી કેટલા પૂરા થયા, કેટલા અધૂરા રહી ગયા એ બધું જાણવું તને એટલું સરળ લાગે છે? કોઈ શા માટે એમની અંગત વાતો તને જણાવે?" મહેકબેને એમની ભ્રમરો ઉપર ઉઠાવી, પ્રશ્ન સૂચક નજરે માનવ સામે જોઈ કહ્યું.

“હા એ કામ થોડું મુશ્કેલ જરૂર છે પણ અશક્ય બિલકુલ નથી. એ માટે મારે એમની સાથે થોડો સમય પસાર કરવો પડશે. એમના વિશે થોડું જાણવું પડશે."

“અને એ બધું કરવા માટે તું તારા અભ્યાસનો સમય વેડફિશ? હું મારા વિદ્યાર્થીને આવી છૂટ ક્યારેય ના આપી શકું. કોઈ પણ સંજોગોમાં તારું ભણતર પહેલા!"

“એમાં મારો કોઈ સમય નહિ વેડફાઈ જાય. આખા દિવસમાં ફક્ત એક કલાક કાઢવાની તો વાત છે. જેટલો સમય હું ટીવી જોવામાં અને દોસ્તો સાથે ફરવામાં વાપરું છું એમાંથી થોડો અહીંયા આપી શકું."

“ઠીક છે ધારી લે કે તારી યોજના મુજબ બધું કામ થઈ ગયું. તે તારો અભ્યાસ બગાડ્યા વગર એ લોકો સાથે થોડો વખત ગાળીને એમના અધૂરા સપના વિશે જાણી લીધું, પછી? સપના પુરા કરવા માટે જોઈતો ફંડ ફાળો ક્યાંથી લાવીશ? એના માટે કંઈ વિચાર્યું છે?"

“મને નથી લાગતું કે એટલા બધા રૂપિયાની જરૂર પડશે. કળા તો કુદરત બધાને ફ્રીમાં આપે છે અને એના માટે જોઇતી વસ્તુઓ ઘણી મામૂલી કિંમતે મળી જઈ શકે. મારું માનવું છે કે જે લોકોને પોતાનું સપનું સાકાર થતું જોવા ઈચ્છતા હોય એમણે એમની જાતે થોડોક ખર્ચ કરવો જોઈએ. જો ખરેખર એમનામાં દમ હશે તો પછીથી રૂપિયા સામેથી આવશે."

“વાતો તો બહુ મોટી મોટી કરી લીધી છોકરા પણ બોલવું અલગ છે અને કામ કરી દેખાડવું અલગ. તમારી આજની જનરેશન જ્યાં જુઓ ત્યાં કોમ્પ્યુટર અને મોબાઈલમાં જ ખોવાયેલી હોય, ત્યાં કોઈ ગેમ રમવી, ટાસ્ક કંપ્લિટ કરવા અને સાચુકલા જીવનમાં કોઈ કામ કરી દેખાડવું બધું એક સરખું નથી." મહેકબેને એમના ચશ્મા કાઢીને એનો ગ્લાસ લૂછતાં કહ્યું. એમના અવાજમાં હવે થોડી કુમાશ ભળી હતી. આજના છોકરાઓ બીજા લોકો માટે આટલું વિચારી શકે એ વાત જ એમને નવાઈ જેવી લાગી રહી હતી અને તોય માનવનું આવું વિચારવું એમને ગમ્યું હતું.

“ઓલ્ડ એજ હોમ ને હેપ્પી હોમ બનાવવું એ મારું સપનું છે, બીજાના સપના પુરા કરતા કરતા કદાચ મારું સપનું પણ પૂરું થઈ જાય! એકવાર પ્રયત્ન કરી જોવામાં શું વાંધો?" માનવે એની બિલિયન ડોલર સ્માઇલ સાથે આ વાક્ય કહ્યું ત્યારે ચશ્માની દાંડીને એમના દાંતો વચ્ચે દબાવતા મહેંકબેન એની સામે જ એક ધારું જોઈ રહેલા.

લંબગોળ ચહેરો, મોટી બદામ આકારની માંજરી આંખો અને ધનુષની જેમ ફેલાયેલા હોઠો વચ્ચેથી દેખાતા ચમકતા, સફેદ દાંત...ઉપરાંત કાળા અને ગોલ્ડન બ્રાઉન કલરથી રંગાયેલા એના સહેજ લાંબા, જથ્થાબંધ વાળ! માનવ આકર્ષક લાગતો હતો એ વાત બધાએ સ્વીકારવી જ રહી.

“ઠીક છે માનવ તારે જે કરવું હોય તે કરવાની છૂટ છે પણ, દરેક વખતે કંઈ નવું કરતા પહેલા તારે મારી પરમિશન લેવી પડશે. હું નથી ઈચ્છતી કે સારથીમાં રહેનાર કોઈ પણ વ્યક્તિને મનદુઃખ થાય. પાછલી ઉંમરે ઘર, પરિવારથી દૂર અહીંયા વૃધ્ધાશ્રમમાં રહેવું એમને ક્યાંક ને ક્યાંક મનમાં કઠતું જ હોય છે તારે ખૂબ ધ્યાન રાખવું પડશે કે ભૂળથીય એમની દુઃખતી રગ પર આંગળી ના મૂકી દેવાય!"

“શ્યોર મેમ! તમારે એ બાબતે ક્યારેય મને કંઈ કહેવું નહિ પડે, મારી દરેક યોજના તમારી મંજૂરીની મહોર પછી જ આગળ વધશે." માનવની ખુશી, એની હસી હવે હોઠ અને દાંત સિવાય આંખોમાંથી પણ ટપકી રહી હતી. જેને મળવા અને પરિચય વધારવા એ આ બધું કરવા તૈયાર થયેલો એ મહેંકબેન હવે જાતે જ એને મદદ કરી રહ્યા હતા, એનું કામ વધારે સરળ બનાવી રહ્યા હતા.

“મારા ક્લાસનો ટાઈમ થઇ ગયો છે, તમારે પણ લેક્ચર હશે, યુ મે ગો નાઉ!" મહેકબેન હસીને બોલ્યા અને ઊભા થયા.

“સાંજે હું તમને ફરી મળીશ, મારા પ્લાન સાથે!"

આટલું કહીને મહેંકબેનના જવાબની રાહ જોયા વગર જ માનવ ત્યાંથી ઝડપથી નીકળી ગયો. એની પાછળ દેવલ અને પછી મહેંકબેન પણ બહાર નીકળી ગયા...
ક્રમશ....