kariyavar books and stories free download online pdf in Gujarati

કરીયાવર

કરીયાવર


[આ શબ્દ સાંભળી ને કદાચ તમને દીકરી યાદ આવી હશે ....
કેમકે આ શબ્દ જેટલો નાનો છે તેટલો જ એક માતા-પિતા માટે મોટો છે. આ વાર્તા સામાજીક રીતરિવાજ વિશેની છે , આપણે જે સમાજમાં રહીયે છીએ ત્યાં કેટકેટલાય
રીતરિવાજો , પ્રસંગો અને ઉજવણીઓ હોય છે .
બધાં પોતપોતાની પહોંચ અનુસાર આ બધા રીતરિવાજો અને પ્રસંગો મનાવે છે .
અમુક કુરિવાજો હતાં સમાજમાં,
પણ સમયજતાં એ પણ નાબુદ થતાં ગયાં .પણ હજુ ઘણા રિવાજો કે રસમ કે રીતિ , હજુ પણ સમાજમાં છે, જેને નથી કુરીવાજ કહેવાતો કે નથી રિવાજ, છતાં લોકો ફરજ સમજી નિભાવે છે ,

એમાંનું એક એટલે કરીયાવર ..! ]

દીકરી નો જન્મ થાય છે. પહેલા ખોળાનું સંતાન છોકરો હોય કે છોકરી તેની માતાને વ્હાલું જ લાગે છે. પણ ઘણાં સાસરીયામાં બધાંને દીકરી કરતાં દીકરો આવવાનો હરખ કંઈક અલગ જ હોય છે . એટલે કદાચ દીકરી જન્મે ત્યારે પેંડા નહીં પણ જલેબી વેંચે છે,અને ક્યાંક તો કોઈને હરખ જ નથી હોતો દીકરી આવવાનો .

જન્મતાં વેત જ દીકરી ના મામા એના જીજાજી ને જઈને
કહે: 'તમારે ઘર લક્ષ્મી આવી છે . જલેબી તૈયાર રાખજો .'

બેનના સાસું ને પણ જણાવે છે કે
"તમારે ઘરે લક્ષ્મી આવી છે ...!"

સાસરીયામાં ન તો દીકરી આવવાનો હરખ હતો ન તો
કોઈ ખુશી .

સાસું એવું વિચારતાં હતાં કે દીકરી આવી એટલે હવે
આપણે અત્યારથી જ ભેગું કરવાં લાગવું પડશે ત્યારે માંડ એના લગ્ન થશે, ત્યારે પહોંચી રહીશુ.

હવે દીકરી આવી છે તો, ઘરમા ખર્ચા પણ રહેશે અને એને ભણાવવી ગણાવવી પડશે, ઘરની ઈજ્જત અને આબરૂ પણ શીખવાડવી પડશે ,
'ભગવાને દીકરો આપ્યો હોત તો સારું હતું આ બધી કઈ
માથાકુટ જ ના રહેત .'

જયારે સાસુએ દીકરી ને ખોળામાં લીધી તો જાણે આ કંઇ યાદ જ ના રહ્યુ અને એટલા વ્હાલ થી ખોળામાં લીધી જાણે દીકરી નહીં દીકરો હોય....!

અને એનું નામ "ચકુ" રાખે છે.

સમય વીતતો જાય છે, ચાર વર્ષ પછી ચકુને એક ભાઈ પણ હોય છે .એનું નામ " રાજ" રાખે છે .

બંન્ને મોટા થાય છે અને નિશાળે જવાં લાગે છે .

સમય વીતતો જાય છે .

એકવાર ભાઈબહેન રમત-રમતમાં બા ને પૂછેં છે ; "બા તમને કોણ વધારે વ્હાલું અમારાં બંન્નેમાં ? "

બા કહે : 'મારે તો બંન્ને સરખાં વ્હાલાં '

ચકુ કહે : 'એમ નહીં ચાલે કેવું જ પડશે, કોણ વધારે વ્હાલું અમારાં બંન્નેમાં ?'

બા કહે: ' સાચું કહું તો રાજ મને વધારે વ્હાલો છે.'
ચકુ કહે : 'એવું કેમ ? પેલાં હું આવી, તો હું વધારે વ્હાલી હોવી જોઇએ ને!'


બા એ કહ્યું : ' તુ તો સાસરે જતી રહેશે, અમને સાચવશે તો રાજ ને !, અને અમારાં ઘડપણની લાકડી તો રાજ જ બનશે ...એટલે, એ જ વધારે વ્હાલો અમને '


( હસતાં હસતાં બા બન્ને કહે છે. )

પણ ચકુએ આ વાત જરાં વધારે મન પર લઈ લીધી.

ચકુ કહે : 'મારે સાસરે જ નહિ જવું, હું અહીંયા જ રહેવાની છું. '

બા કહે: 'સાસરે તો જવું પડે ને !, એ તો સમાજ નો નિયમ છે, દીકરી તો પારકી થાપણ કહેવાય, એને સાસરે મોકલવી જ પડે ,હજી તો અમારે તારો કરીયાવર કરવાનો છે.' ( બા ચકુની માથે હાથ ફેરવતાં ફેરવતાં કહે છે.)

ચકુ કહે : ' આ કરીયાવર શું છે ?

બા કહે: "કરીયાવર એટલે દીકરીના લગ્ન થાય ત્યારે એના પિયર તરફથી સાસરે લઈ જવા માટે ચમચી થી માંડી કબાટ સુધીની બધી જ ઘરવખરી લઈ આપવાની હોય ."

ચકુ હસતાં હસતાં કહે : ' તમે શું મને એવા ગરીબ સાસરે મોકલશો , જ્યાં ચમચીથી માંડી કબાટ સુધીનું કંઈ જ નહિ હોય ?

બા કહે: ' અરે ! ગાંડી , એવું ના હોય આ તો સમાજનો નિયમ છે દીકરી ને કરીયાવર આપવો જ પડે , નહિ તો સાસરે બધાં મેણાં આપશે," પિયરથી કઈ લાવી નહિ, એક ને એક દીકરી છે તોય કઈ આપ્યું નહિ એના પપ્પાએ " , એટલે તો તારા પપ્પા દિવસ-રાત રૂપિયા ભેગાં કરે છે, કે જયારે તારા લગ્નનું ટાણું આવે ત્યારે પહોંચી રહે કરીયાવર કરવામાં ....!

બા વાત ફેરવી નાંખે છે, ને કહે; 'હવે પાણી નો ગ્લાસ ભરી આવો , કોણ પાણી આપશે રાજ કે ચકુ ? '

થોડાં વખત પછી , બા ચકુને સાથે સથવારા માટે મંદિરે લઈ જાય છે. રસ્તામાં મંદિર નો ઇતિહાસ કહેતા જતાં હોય છે કે આ મંદિર હજારો વર્ષો જૂનું છે ,
અહિયાં મહાદેવ સ્વયંભૂ રૂપે છે.
આ મહાદેવના મંદિરે સાચાં દિલથી જે માંગીએ, એ મહાદેવ સાંભળે જ છે અને મનોકામનાં પૂર્ણ કરે છે....!

મંદિરે જઈ બા ચકુને કહે : " આપણે પગે લાગી લઈએ પછી તું અહિયાં પીલોર નીચે
બેસજે મારે તો 108 પ્રદક્ષિણા કરવાની છે એટલે થોડી વાર લાગશે."
ત્યાર પછી મંદિરે પગે લાગી , ચકુ મંદિર ના ખૂણે અને શિવલિંગની સામે બેસી જાય છે.

ચકુ વિચારે છે, કે શું ખરેખર એવું હોઈ શકે ?,
કે આ મંદિરે જે સાચાં દિલથી જે પણ માંગે , એ મહાદેવ સાંભળે જ છે અને મનોકામનાં પૂર્ણ કરે ?

આજે હું પણ કંઈક માંગી જ લઉં મહાદેવ પાસે . પણ એવું તે શું માંગુ ?

( ચકુ બોવ જ વિચારે છે , પછી અચાનક બા ની પેલી કરીયાવર વાળી વાત યાદ આવે છે .)

ચકુ ફરી શિવલિંગ પાસે જાય છે અને બે હાથ જોડી , મસ્તક નમાવી , પ્રાર્થના કરે છેઃ " હે પ્રભુ !, આ સમાજનો એક રિવાજ છે . દીકરીનો કરીયાવર કરવો જ પડે એના લગ્ન થાય ત્યારે, પણ મારી એવી ઈચ્છા છે કે મારા લગ્ન થાય ત્યારે મારે
કરીયાવર ના લઈ જવો પડે ."

આ તો સમાજની પ્રથા છે , હું જાણું છું , પણ આ પ્રથાને મારે બદલવી છે.

ચાલો, "કોન બનેગા કરોડપતિ" ની જેમ તમને ત્રણ વિકલ્પ આપું મહાદેવ , એમાંથી તમને જે યોગ્ય લાગે ,એ આપજો .

વિકલ્પ એક : ' હું ભણીગણી ને એવી નોકરી કરું , કે મારા એક વર્ષનાં પગાર માંથી આખો કરીયાવર જાતે જ
લઈ શકું '

વિકલ્પ બે :
'મારાં પપ્પાં એટલા અમીર થઈ જાય કે મારો કરીયાવર કરવાં કે લગ્ન કરવાં, એમણે કોઈ પાસે ઉછીના રૂપિયા ના માંગવા પડે .'

વિકલ્પ ત્રણ : ' મને એવું સાસરું મળે કે , એ લોકોને કરીયાવરની જરૂર જ ના હોય . અને એ લોકો સામેથી જ કરીયાવર લાવવાની ના પાડી દે. '

આ કહી, ચકુ તો ફરી હતી ત્યાં બેસી જાય છે .

એટલામાં બા પણ આવી જાય છે અને પછી બન્ને ઘરે જવા નીકળે છે .

આ પછી, આઠ કે દશ વર્ષ વીતી જાય છે.

ચકુ ભણીગણી ને ક્લાસ-2 ઓફિસર બની ગઈ હોય છે.

બા ની તબિયત પણ હવે સારી રહેતી ન હોવાથી કહ્યાં કરતાં હોય છે કે,
"મારે ચકુ ના લગ્ન જોવાની હવે છેલ્લી ઈચ્છા છે, પછી ભલે રામ બોલાવી લે મને !"

ચકુ ને હવે લગ્ન નો કે કરીયાવરનો ડર નથી હોતો.

કેમ કે , મહાદેવ પાસે નાનપણમાં માંગેલી 'વિકલ્પ એક' વાળી ઈચ્છા [ ' હું ભણીગણી ને એવી નોકરી કરું , કે મારા એક વર્ષનાં પગાર માંથી આખો કરીયાવર જાતે જ લઈ શકું '] મહાદેવ એ સાંભળી લીધી.

ચકુ માટે સગપણ શોધવાનું શરુ કરે છે.

સારુંનરસું જોતજોતામાં એક દિવસ સારું માંગુ આવે છે.

છોકરો ભણેલો તથા સારું એવું કમાતો અને સંસ્કારી ઘરનો હતો . અને કોઈજાત નું વ્યસન કે ખરાબ આદત નહીં .

સગપણ બતાવ્યું એ કહે, " ચકુ માટે છોકરો જોડેજોડ છે , ચકુ ને જેમ રેહવું , ખાવુંપીવું , પહેરવું - ઓઢવું બધી જ છૂટ છે, કોઈ રોકટોક નહીં , છોકરાંના માં-બાપ તો ભગવાનનાં માણસો , સમાજ માં બોવ ઈજ્જત અને પ્રતિષ્ઠા છે અને એના ઘર માં સાત પેઢી સુધી ચાલે એટલી માલ-મિલ્કત છે, આપણી ચકુ હમેંશા ખુશ રહેશે."

સગપણ તો શું જ્યાં નસીબ હોય ત્યાં થાય એમ વાત કરતાં હોય છે.

ઘરમાં બધાંને આ સગપણ સારું લાગે છે અને ચકુ ને પણ છોકરો ગમતો હોય છે.

બીજે દિવસે ચકુના પપ્પા, સગપણ બતાવ્યું એમને જણાવે છે કે અમારી હા છે ,
તો આગળ વાત વધારીએ જો એ લોકોની ઈચ્છા હોય તો .....!

ઘરે જોવાનું અને મળવાનું ગોઠવે છે .

બન્ને તરફથી હા જ હોય છે . એટલે છોકરાંના પિતા પૂછે છે, તો સગાઈનું મૂરત હવે લઇ લઈએ ?

પણ ચકુના પપ્પા ના પાડે છે. અને કહે છે કે પહેલા ચકુ અને યશ વાત કરી લે પછી નક્કી કરીએ.

બીજે દિવસે યશ અને ચકુ વચ્ચે વાર્તાલાપ થાય છે.

એ દરમિયાન વાતવાતમાં યશ ચકુને પૂછે છે "તારા જીવનની કોઈ એવી અધૂરી ઈચ્છા કે જે પૂરી કરવાનું હું સૌભાગ્ય લઈ શકુ ?, મિત્ર તરીકે કહી શકે "

ચકુ મલકાય છે અને કહે છે, 'સમય આવશે ત્યારે કહીશ અત્યારે તો કઇ નહિ,
અધૂરી ઈચ્છા .'

થોડાવખત વખતમાં બન્નેની સગાઈ થાય છે.
અને જોતજોતાંમાં ચકુના લગ્નની તારીખ નક્કી થઈ જાય છે.

બન્ને વેવાઈ લગ્ન - ક્યાં કરવાં, કેવીરીતે કરવાં , કોણ ક્યારે શું પહેરશે , લેવડ-દેવડ ની વાત કરતાં હતાં .

ત્યાં ચકુ ના પપ્પા એના જમાઈને અને વેવાઈને પુછે છે : 'અમે અમારી રીતે તો ચકુનો કરીયાવર કરવામાં કોઈ કચાશ તો નહીં રાખીયે, પણ તમારે કઇ બીજુ પણ જોઈએ તો કહી દેજો. બધું ટાળે સારું લાગે , બરાબર ને ?

વેવાઈ કઈ બોલે એ પહેલા જ જમાઈ બોલ્યાં : " પપ્પા , કરીયાવર કરવાની જરૂર જ ક્યાં છે ?, અમારા ઘરે ક્યાં કોઈ વસ્તુની કમી લાગે છે તમને ?, મારે કમાણી પણ સારી છે . જો ચકુને કઈ જરૂર પડશે તો, હું લઈ આપીશ ને ! "
(જમાઇનુ નામ યશ હોય છે.)
યશનો સાથ પુરાવતાં યશના મમ્મી અને પપ્પા પણ કહે છે :
" યશ બરાબર જ કહે છે , અમારે કરીયાવરમાં કઇ જોયતું નથી , ચકુ અમારા ઘરની લક્ષ્મી જ છે ,
આ બધુ આ બન્ને માટે તો છે ."

ચકુના બા કહે : " આ તો સમાજનો રીવાજ જ છે કે દીકરીને કરીયાવર આપવો જ પડે નહીં તો લોકો કહેશે, એના પિયરમાં એટલું સારું છે. તો પણ કરીયાવર માં કઈ ના
આપ્યું , ન બોલવાનું બોલશે , એના કરતા તમે અમને કરીયાવર આપવા દો . "

ચકુના સાસુ બોલ્યા : " સમાજ તો આપણાથી જ બને છે , એ તો આપણે રીવાજ સમજી આગળ વધારીએ છીએ
એટલે એ ચાલતો આવ્યો છે , આવા રીવાજો સમાજમાં ના હોવા જોઇએ અને આપણે
જ સમજદારીથી સમાજને બદલવો જોઇએ ,
અમારે પણ દીકરી છે તેથી અમને પણ તમારી વ્યથા
સમજાય છે ,
પણ જો આપણે જ બદલાવ નહિ લાવીએ તો બીજા તો શું બદલાવ લાવશે ?
સૌ વાતની એક વાત જો તમે અમારું માન રાખવા માંગતા
હોય તો કરીયાવર આપવાનું રહેવા જ દો ."

પછી દીકરીના સાસરિયાંનું માન રાખવા ચકુના પપ્પા કહે ;
"દીકરી ના સાસરીયા છો, તમારું માન રાખીએ છીએ પણ
લગ્ન ધામધૂમ થી કરીશું. "

યશ કહે : " પપ્પા મારુ પણ થોડું માન રાખશો? ,
તો મારી અને ચકુની ઈચ્છા છે કે અમારા લગ્ન ઘર આંગણે અને સાદાઈથી થાય. "

ચકુ કહે :
" હા પપ્પા , મારી ઈચ્છા સાદાઈ થી લગ્ન કરવાની જ છે "

ચકુના પપ્પા કઈ બોલે એ પેહલા ચકુના સસરા બોલ્યાં :
"વેવાઈ ,હવે તો તમારે તમારાં જમાઈ અને દીકરી નું પણ
માન રાખવું પડશે."

ચકુના પપ્પા કહે :
" તમે બન્ને જેમાં રાજી એમાં અમે રાજી "

લગ્નની તૈયારી શરૂ કરવા લાગે છે .

બા ચકુને એક દિવસ કહે:
'ચકુ ,રજા રાખીલે અને મને મહાદેવના મંદિરે લઈજા એકદિવસ ,
ઘણો વખત થઈ ગયો તું અને હું સાથે મંદિરે નહીં ગયાં એનો, તારા લગ્ન લખાય જશે પછી એવો વખત નહીં રહે.'

( બા એવી રીતે કહે છે કે જાણે છેલ્લીવાર મંદિરે જવા માંગતા હોય. )

પછી ચકુ અને બા રવિવારે મંદિરે જાય છે.

ચકુ મંદિરે જાય ત્યારે શિવલિંગ ને જોઈ એને નાનપણ માં
પેલા ત્રણ માંથી એક વિકલ્પ વાળી, મનોકામનાં માંગેલી એ યાદ આવે છે.

બા થી હવે ચાલી શકાતું નય હતું એટલે બા ચકુને કહે :
" હું મારી માળા કરી લઉ, તુ થોડીવાર અહીંયા બેસ ! "

ચકુ હાથ જોડી, મસ્તક નમાવી , મહાદેવ નો ખૂબખૂબ આભાર માને છે અને મનમાં ભગવાન સાથે વાતો કરે છે કે ;

" હે પ્રભુ , ખરેખર ! આ મંદિરે સાચા હૃદયથી માંગેલી હરએક ઈચ્છા તમે સાંભળો છો . મેં તો ત્રણ વિકલ્પ માંથી કોઈ એક જ પૂરો કરવા કીધો હતો અને તમે તો ત્રણેય વિકલ્પો ની ઈચ્છા પૂરી કીધી .

વિકલ્પ ૧ (' હું ભણીગણી ને એવી નોકરી કરું , કે મારા એક વર્ષનાં પગાર માંથી આખો કરીયાવર જાતે જ લઈ શકું ' )
અને આજે હું ક્લાસ-૨ ઓફિસર છું, અને ખૂબ સારી મારી પોતાની આવક છે .
વિકલ્પ ૨ :
( 'મારાં પપ્પાં એટલા અમીર થઈ જાય કે મારો કરીયાવર કરવાં કે લગ્ન કરવાં , એમણે કોઈ પાસે ઉછીના રૂપિયા ના માંગવા પડે .')

આજે મારા પપ્પાને ઘણી બધી આવક અને મિલકત છે .

વિકલ્પ ૩ :
(' મને એવું સાસરું મળે કે , એ લોકોને કરીયાવરની જરૂર જ ના હોય . અને એ લોકો સામેથી જ કરીયાવર લાવવાની ના પાડી દે. ' )

મને સપને પણ ખ્યાલ નહિ હતો કે મને એટલું સારું સાસરું મળશે કે એ લોકો સામેથી જ કરીયાવર લેવાંની ના પાડે .

જો આવું જ સાસરીયું બધી છોકરીઓને મળે તો દીકરી ક્યારેય એના પિતાને બોજ નથી લાગતી. અને કરીયાવરનો એક મોટો બોજ ઉતરી જાય
દીકરીના માતા-પિતા પરથી .

ત્યાં બા બોલ્યાં : "ચાલ ચકુ, હવે ઘરે જઇયે "

થોડા દિવસ પછી ચકુના લગ્ન એની ઈચ્છા પ્રમાણે થાય છે .

ચકુ બોવ જ ખુશ હોય છે સાસરે .

થોડા દિવસ પછી ચકુના સાસુને ,ઘરે આવેલ એક સંબંધી
પૂછે છે : " વહુ કરીયાવર માં શું શું લાવી એ તો કે ?"

ચકુ આ સાંભળી ,
ફરી ડરવા લાગી કે બા કેહતા હતાં એવું જ થયું .

પણ ચકુના સાસું કહે: " મારી વહુ , કરીયાવરમાં સારા સંસ્કાર અને સદગુણ લાવી છે , એનાથી વધારે અમારે કરીયાવરમાં શું જોઇએ ? "

આ સાંભળી ચકુ તો રસોડામાં રડી જ પડી.


* * *


સાચો કરીયાવર તો દીકરીને આપેલ સંસ્કાર,સદગુણ અને આવડત છે;
જેનાથી એ સાસરે બીજાને ખુશ રાખી શકે અને પોતે પણ
ખુશ રહી શકે .
અને પિયર ની આબરૂ અને પ્રતિષ્ઠા ઉજ્જવળ રાખે ....!

- બિનલ દુધાત " બિની "