Tamacho books and stories free download online pdf in Gujarati

તમાચો

રાજધાની એક્સપ્રેસ આબુરોડ સ્ટેશને પહોંચ્યો ત્યારે રાતના 10 વાગી ગયા હતા. આ સમયે પણ સ્ટેશન ઉપર પેસેન્જરોની ભારે ભીડ હતી. માઉન્ટ આબુ પર એક 3 સ્ટાર હોટેલ મુંબઈથી જ બુક કરાવી દીધી હતી એટલે બીજી કોઈ ચિંતા નહોતી પણ અત્યારે રાત્રે માઉન્ટ આબુ કઈ રીતે પહોંચવુ એ ચિંતામાં અભિજીતે સ્ટેશન ઉપર એક કુલી ને પૂછ્યું.

" મારે અત્યારે માઉન્ટ આબુ પહોંચવું છે. હોટલમાં મારું બુકિંગ છે. અત્યારે કોઈ વાહન મળશે ? "

કુલી આ અજાણ્યા પણ શ્રીમંત દેખાતા યુવાનને બે ઘડી જોઈ રહ્યો.

" અરે સાહેબ રાતના બે વાગે પણ માઉન્ટ આબુ જવા માટે તમને અહીંથી જીપો મળી રહે. તમારે સ્પેશિયલ ટેક્સી કરવી હોય તો પણ મળી જશે. સ્ટેશનની બહાર નીકળો એટલે સામેથી તમારું સ્વાગત થશે "

સ્પેશિયલ ટૅક્સી કરી અભિજીત હોટેલ પર પહોંચી ગયો અને પોતાના રૂમમાં જઈ એણે સૌથી પહેલાં જમવાનો ઓર્ડર આપ્યો. રાતના 11:30 વાગી ગયા હતા. ભૂખ પણ લાગી હતી.

મુંબઈથી ચાર વાગ્યાના ફ્લાઈટમાં અમદાવાદ આવ્યો હતો. અને અમદાવાદથી રાજધાની પકડી હતી. અભિજીત ને તો છેક મુંબઈથી પોતાની કાર લઇને જ આવવાનું મન હતું. પણ પપ્પા એ સ્પષ્ટ ના પાડી કે આટલું લાંબું ડ્રાઈવ કરવું નથી.

કોણ જાણે કેમ વર્ષોથી માઉન્ટ આબુ જોવાની તીવ્ર ઈચ્છા અભિજીત ની હતી. ઘણીવાર સપનામાં પણ એને માઉન્ટ આબુ દેખાતું. યુ-ટ્યુબ ઉપર પણ ઘણીવાર એ માઉન્ટ આબુ નાં રમણીય દ્રશ્યો જોતો અને એક રોમાંચક અનુભૂતિ એને થતી. ઘણી વાર સપના માં એને કોઈ 2 3 વર્ષ ની કિલકિલાટ કરતી એક બાળકી પણ દેખાતી.

અભિજીત સોફ્ટવેર એન્જિનિયર બની ગયો હતો અને 5 દિવસ પછી અમેરિકા જઈ રહ્યો હતો. એને ત્યાં જોબ મળી ગઈ હતી. હવે ઇન્ડિયા ક્યારે પાછા આવવાનું થાય તે નક્કી નહોતું એટલે જ એણે તત્કાલ માઉન્ટ આબુનો પ્લાન બનાવેલો. જોકે માઉન્ટ આબુ આવવાનું એક ચોક્કસ કારણ પણ હતું.

સવારે આંખ ખુલી ત્યારે લગભગ નવ વાગવા આવ્યા હતા. અભિજીતે ફ્રેશ થઈ ચા નાસ્તો મંગાવ્યો અને હોટલની બહાર લટાર મારવાનું વિચાર્યું.

રૂમ બંધ કરી ચાવી આપવા રિસેપ્શન પર ગયો ત્યારે રિસેપ્શનિસ્ટ બદલાઈ ગઈ હતી અને કોઈ 24 25 વર્ષની સુંદર યુવતી કાઉન્ટર સંભાળતી હતી. કોણ જાણે કેમ પણ આ ચહેરો એને અતિપરિચિત લાગ્યો. અભિજીત યુવતીના ચહેરા ને તાકી રહ્યો.

" યસ... મે આઈ હેલ્પ યુ ? " યુવતીએ એની સામે જોઇને પૂછ્યું.

" ના. બસ...આ ચાવી.." થોડો ક્ષોભ પામીને અભિજીતે ચાવી કાઉન્ટર પર મૂકી અને બહાર નીકળી ગયો.

નવેમ્બર મહિનો હતો. રાત્રે વરસાદનું એક હળવું ઝાપટું પણ પડી ગયેલું એટલે હવામાન માં સારી એવી ઠંડક હતી અને રસ્તાની ચારેબાજુ ભીનાશવળી હરિયાળી હતી. આકાશમાં વાદળો હજુ પણ ઘેરાયેલાં જ હતા.

માઉન્ટ આબુ ઉપર અદભુત સૌંદર્ય નીખર્યું હતું. પ્રકૃતિપ્રેમી અભિજીત આ દ્રશ્યો જોઈને ખુબ જ રોમાંચિત હતો. અચાનક એને પેલી આકર્ષક યુવતીનો ચહેરો યાદ આવ્યો.... 'આ યુવતીને ક્યાંક જોઈ હોય એવું કેમ લાગે છે ? શું એ મુંબઈની હશે ? એને ક્યાંક તો મળ્યો છું. મારે તપાસ તો કરવી જ પડશે.'

અભિજીત માઉન્ટ આબુ પહેલી વાર આવ્યો હતો એટલે અહીંના તમામ જોવાલાયક સ્થળો જોવા ની એની તીવ્ર ઈચ્છા હતી. ત્રણ દિવસનું રોકાણ છે તો ત્રણ દિવસ માટે એક ટેક્સી ભાડે કરી લેવી એમ વિચારી એણે પોતાના રૂમમાં જઈ રૂમ એટેન્ડન્ટ ને બોલાવ્યો.

એની સાથે ચર્ચા કરીને સાંજે ચાર વાગે ટેક્સી આવી જાય તેવી સુચના પણ આપી. જોકે મનમાં રહેલું પેલુ કુતૂહલ કેમે કરીને શાંત થતું નહોતું એટલે એણે રૂમ એટેન્ડન્ટ ને પૂછી જ નાખ્યું.

" રિસેપ્શન પર જે મેડમ અત્યારે છે એમનું નામ શું ? "

" અંકિતા મેડમ. સાહેબ"

" એ કેટલા સમયથી અહીં જોબ કરે છે ? માઉન્ટ આબુમાં જ રહે છે ?"

એટેન્ડન્ટ જમાનાનો ખાધેલ હતો. અભિજીતને અંકિતા મેડમ માં આટલો બધો રસ લેતો જોઇને તે મનમાં હસ્યો .

" સાહેબ, અંકિતા મેડમ માં રસ લેવાનું છોડી દો. એ અહીંના ખાનદાન રાજપુત કુટુંબની દીકરી છે. એમના પપ્પા પોલીસ ઇન્સ્પેકટર હતા અને હમણાં જ રિટાયર થયા છે. હોટેલ એમના મિત્રની છે એટલે અંકિતા બેન ને જોબ મળી છે. તમને ઇન્ટરેસ્ટ હોય તો સારામાં સારા પાત્ર ની વ્યવસ્થા થઈ જશે સાહેબ. હુકમ કરો. "

" ના ના એવું હું વિચારી પણ ના શકું. મને એમનો ચહેરો ખૂબ જાણીતો લાગે છે એટલે મેં જસ્ટ પૂછ્યું. "

" કંઈ વાંધો નહીં સાહેબ. બાકી શરમાતા નહીં. માઉન્ટ આબુમાં આ તો બધું કોમન છે. અહીં બધા મજા કરવા જ આવે છે. " કહી એ રવાના થયો.

સાંજે ચાર વાગે ટેક્સી હાજર થઈ ગઈ. ડ્રાઇવર લગભગ ૬૫ વર્ષની આસપાસનો હતો.

"મને ત્રણ દિવસમાં માઉન્ટ આબુ નાં તમામ સ્થળો જોવાની ઈચ્છા છે. હું પહેલી વાર આવું છું એટલે ક્યાંથી શરૂઆત કરવી અને છેલ્લે શું જોવું એ તમે જ નક્કી કરજો. જ્યાં જરૂર પડે ત્યાં થોડો ઇતિહાસ સમજાવજો. "

" જી સાહેબ" અને એણે ટેક્સી ને સ્ટાર્ટ કરી. આજે પ્રથમ દિવસે 2 સ્થળો જોયા અને છેલ્લે નખી તળાવ ઉપર ટેક્સી થોભાવી.

" આપણી પાસે ઘણો સમય છે સાહેબ. એટલે હવે જેટલો સમય બેસવું હોય એટલો સમય અહીં જ પસાર કરો. પછી આપણે હોટલ ઉપર જઈએ. આ સ્થળ ખૂબ જ રમણીય છે. તળાવમાં બોટિંગ પણ થઈ શકશે"

નખી તળાવ એને ખૂબ જ પરિચિત લાગ્યું. જાણે વર્ષોથી આ તળાવના કિનારે એ ફરવા આવતો હોય એવું લાગ્યું. કંઈક ના સમજાય એવું મનોમંથન ચાલુ થયું.

એકાદ કલાક ગાળીને ટેક્સી હોટલ પર લેવડાવી અને બીજા દિવસે સવારે દસ વાગે આવી જવાનું કહ્યું.

રિસેપ્શન ઉપર ગઈકાલ રાત વાળો યુવાન હતો.

રૂમની ચાવી માગતાં અભિજીતે પૂછી લીધું. "મેડમ ની ડ્યુટી પૂરી થઈ ગઈ ?"

" હા સાહેબ. અંકિતા મેડમ સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી હોય છે. "

અભિજીત રૂમમાં ગયો અને જમવાનું મંગાવ્યું. માઉન્ટ આબુ ઘણું બધું ચિરપરિચિત લાગતું હતું અને સૌથી વિશેષ તો આ અંકિતાનો ચહેરો પણ ખૂબ જ પરિચિત લાગતો હતો. એની શંકા મજબૂત થતી જતી હતી. બીજા દિવસે સવારે અંકિતા સાથે સીધી વાત કરી લેવી એવું એણે નક્કી કર્યું.

" ગુડ મોર્નિંગ મેડમ "

"ગુડ મોર્નિંગ સર ! સો હાઉ વોઝ યોર ડે ? "

" ઈટ વોઝ વેરી પ્લેઝંટ ઓફ કોર્સ !! બાય ધ વે, અંકિતા એક સવાલ પૂછું ? "

" માય પ્લેઝર "

" હું તમારા ઘરે ચા પાણી પીવા આવી શકું ? તમારા પિતા પોલીસ ઇન્સ્પેક્ટર હતા એવું પણ સાંભળ્યું છે એટલે કેટલાક અંગત કારણોસર એમને મળવાની પણ ઈચ્છા છે "

" સોરી સર" અંકિતાએ કંઈક ગુસ્સાથી જવાબ આપ્યો. આ યુવાન વધુ પડતો અંગત રસ લેતો હોય એવું એને લાગ્યું. પિતા પોલીસ ઇન્સ્પેકટર હતા એ પણ એણે જાણી લીધું.

" અભિજીત... અભિજીત મારું નામ છે અંકિતા .. ગુસ્સે થવાની કોઈ જરૂર નથી.. બસ મને એમ થયું કે આપણે સાથે બેસીને ચા કોફી લઈએ. તમારા ઘરે આવવાનું બહુ મન હતું પણ કંઈ નહી. ક્યાંક બહાર જઈએ. તમે બીજા કોઈ અર્થમાં ના લેશો. હું તો બે દિવસ પછી મુંબઈ જતો રહીશ. બસ રિક્વેસ્ટ છે "

"ઠીક છે. સાંજે સાડા ચાર વાગે શાંતિ વિજય ગાર્ડન પાસે આવી જજો. ત્યાં એક સારી રેસ્ટોરન્ટ છે. "

માઉન્ટ આબુમાં જોવાના સ્થળો કરતાં પણ અંકિતા ને મળવા માં વધારે રસ હતો એટલે અભિજીત લગભગ સવા ચાર વાગે જ ગાર્ડન પાસે પહોંચી ગયો.

અંકિતા એના સમય પ્રમાણે જ સાડા ચાર વાગ્યે આવી ગઈ. એણે પોતાની ગાડી સાઇડમાં પાર્ક કરી અને નીચે ઉતરી. એના ઉપર નજર પડતાં જ અભિજીત એની સામે ગયો અને બંને જણાં રેસ્ટોરન્ટમાં દાખલ થયાં.

અભિજીતે અંકિતા ને પૂછીને એક ચા અને એક કોફીનો ઓર્ડર આપ્યો. થોડીવાર તો કોઈ કંઈ બોલ્યું નહીં. અભિજીતે નોંધ લીધી કે અંકિતા એની સામે નજર પણ મિલાવતી નહોતી.

"બોલો મને કેમ મળવું હતું ? હું વધારે રોકાઈશ નહીં "

"બસ એમ જ. મારે તમારું કોઈ ખાસ કામ નથી. પણ તમને જોઉં છું ત્યારે જાણે એમ લાગે છે કે હું તમને ઓળખું છું. મનમાં થાય છે કે તમને બસ આમ જોયા જ કરું. ક્યારે પણ આપણી વાતો ખૂટે નહીં. લાગણીના પૂર ઉમટી આવે છે. મારે તમારા ભૂતકાળ વિશે જાણવું છે અંકિતા "

અને સટાક કરતો એક જોરદાર તમાચો અભિજીત ના ગાલ ઉપર પડ્યો.

" સાલા રાસકલ. ગઈકાલનો મારી પાછળ પડયો છે. તું સમજે છે શું તારા મનમાં ? ફરીવાર જો મારી સામે પણ જોયું છે તો અહીં તારી એવી ધોલાઈ થશે કે જિંદગીભર યાદ કરીશ " કહેતી અંકિતા ઉભી થઇ ગઈ અને ચાલવા લાગી.

રેસ્ટોરેન્ટ માં બેઠેલા તમામ ટૂરિસ્ટો આ દ્રશ્ય જોઈ રહ્યા. બહાર ભાગતી અંકિતા ને અભિજીતે મોટેથી બૂમ પાડી.

"અંગુરી........" અભિજીતથી અચાનક બોલાઈ ગયું . પણ ગુસ્સામાં સાંભળ્યું ન સાંભળ્યું કરીને અંકિતા દૂર નીકળી ગઈ.

પોતાનું ઘણું અપમાન થયું હતું. હજુ પણ ગાલ ચચરતો હતો. આજ સુધી તેણે ક્યારે પણ માર ખાધો ન હતો. તેને રડવું આવતું હતું. મમ્મી પપ્પાએ એને લાડથી ઉછેર્યો હતો. ' બસ હવે બહુ થયું. આટલું અપમાન થયા પછી આ હોટલમાં ના રહેવાય. અરે માઉન્ટ આબુમાં પણ ના રહેવાય.'

અભિજીતે ટેક્સી હોટલ ઉપર લેવડાવી. ડ્રાઈવર નો હિસાબ કરી દીધો અને પૂછ્યું કે તમારે અમદાવાદ એરપોર્ટ સુધી આવવું છે ?

ડ્રાઇવરે હા પાડી એટલે અડધો કલાક રોકાવાનું કહી એ હોટલમાં ગયો. સામાન પેક કર્યો. હોટલ ના પેડમાંથી કાગળ લઇ એણે એક ચિઠ્ઠી લખી અને કવરમાં પેક કરી. અને નીચે આવી રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો.

" આ કવર કાલે સવારે અંકિતા મેડમ ને આપી દેજો "

" જી સર " કહી રિસેપ્શનિસ્ટ યુવાને અભિજીત નો હિસાબ કરી બિલ આપી દીધું.

અભિજીત ટેક્સીમાં બેસી અમદાવાદ જવા રવાના થયો. 'અમદાવાદથી કોઈપણ ફ્લાઈટમાં રાત્રે મુંબઇ પહોંચી જવાશે'

**************************

ગુસ્સાથી લાલચોળ થયેલી અંકિતા હવે પોતાની કાર ડ્રાઈવ કરતી માઉન્ટ આબુ ની તળેટીમાં આવેલા એના ઘર તરફ રવાના થઈ. અંકિતા ના પિતા રિટાયર પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને એમણે અંકિતા ને જવા આવવા માટે એક કાર ભેટ આપી હતી.

'આજે કંઈક વિચિત્ર અનુભવ એને થયો હતો. આજ સુધી કોઈએ આવી હિંમત કરી નહોતી. હજુ ગઇકાલે જ મુંબઈથી આવેલો આ યુવાન આટલી હદે કઈ રીતે જઈ શકે ?'.. અંકિતા નો ગુસ્સો હજુ શાંત નહોતો થયો.

ઘર આવી ગયું એટલે અંકિતા ઘરે પોતાના રૂટિન કામ માં પરોવાઈ ગઈ પણ રાત્રે ફરી પાછા એના એ જ વિચારો મગજ ઉપર સવાર થઈ ગયા.

રાત્રે અચાનક અંકિતા ને યાદ આવ્યું કે એને પેલા યુવાને છેલ્લે 'અંગુરી' કહીને બૂમ પાડી હતી. અંગુરી તો એનું છેક બાળપણનું લાડકું નામ હતું. ચાર વર્ષની ઉંમર સુધી ઘર માં બધા એને અંગુરી કહીને બોલાવતા પણ પછી એનું નામ અંકિતા રાખવામાં આવેલું.

કોણ હતો આ યુવાન જેણે એને અંગુરી કહીને બોલાવી ?... અંકિતા ભૂતકાળમાં સરકી ગઈ.

પોતાનાથી દોઢ વર્ષ મોટો એક ભાઇ હતો જે નાનપણમાં જ 4 વર્ષની ઉંમરે જયપુરમાં ખોવાઈ ગયેલો. પોતાના પિતા જયપુરમાં જ ઇન્સ્પેક્ટર હતા એટલે ફેમિલીને જયપુર બતાવવા માટે ચાર દિવસ માટે ફરવા લઈ ગયેલા. ફેમિલી ને હવામહેલ બતાવવા માટે એક કોન્સ્ટેબલને સાથે મોકલેલો. ભાઈબહેનને સ્પેશિયલ ડ્રેસ પહેરાવી એક ફોટોગ્રાફર પાસે હવાલદારે ફોટો પણ પડાવ્યો. કોઈએ હવાલદારને બૂમ પાડી એટલે એ એને મળવા ગયો. 2 મિનિટ માં તૈયાર થયેલો એ ફોટો લઈને ભાઈ ટુરિસ્ટો ની ભીડમાં બહેન સાથે સંતાકૂકડી રમવા લાગ્યો. 3 વર્ષ ની નાનકડી બહેન એને શોધી ના શકી અને રડતી રડતી એની મા પાસે આવી. બસ એ પછી તો ઘણી બૂમાબૂમ અને દોડાદોડી થઇ. હવાલદારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો. બાપુ પોલીસ ખાતા માં એટલે ભાઈ ની શોધ કરવામાં કોઈ કમી બાકી નહોતી રાખી પણ ભાઈ ક્યારે પણ ના મળ્યો.

આટલા વર્ષો પછી મુંબઈથી આવેલા આ યુવાને એને અંગુરી કહી એટલું જ નહીં ઘરે આવીને બાપુ ને મળવાની પણ વાત કરી.

અંકિતા પથારીમાંથી ઊભી થઈ ગઈ અને હોટલ ઉપર ફોન જોડ્યો. અભિજીત ના રૂમ માં કોલ જોડવાની ઓપરેટર ને વાત કરી.

" મેડમ અભિજિત સર તો આજે સાંજે સાડા પાંચ વાગે ચેક આઉટ કરી ગયા."

" ઓહ... નો !!! " અંકિતા બેડ પર ફસડાઈ પડી. મારાથી આ શું થઈ ગયું ? એણે મારી સાથે એવી તો કોઈ ગંદી વાત નહોતી કરી. કેટલા વિવેકથી એ વાત કરતો હતો ? મેં એના ઉપર ઉશ્કેરાઇને સણસણતો તમાચો મારી દીધો.

' નક્કી એ કોઈ બીજી હોટેલમાં જતો રહ્યો હશે. હવે સવારે એને શોધવો જ પડશે. શું એ મારો ખોવાયેલો ભાઈ હશે ? શું મેં મારા સગા ભાઈને આટલો જોરથી તમાચો માર્યો ?'... અને અંકિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

સવારે એને શોધીને જો એ મારો ભાઈ જ હશે તો બાપુ ને સરપ્રાઇઝ આપીશ. અત્યારે બાપુને વાત નથી કરવી.

સવારે 8 વાગે અંકિતા જેવી હોટેલની ડ્યુટી ઉપર હાજર થઈ કે તરત જ રિસેપ્શનિસ્ટ જયદેવે એના હાથમાં અભિજીત નું કવર આપ્યું.

" અભિજિત સર સાંજે ચેક આઉટ કરી ને મુંબઈ જવા નીકળી ગયા ત્યારે આ કવર તમને આપવાનું મને કહ્યું છે."

હવે અંકિતા ના ગાલ ઉપર એક પછી એક તમાચા પડતા હતા. હવે તો અભિજીત મુંબઈ પણ પહોંચી ગયો હશે.

" જયદેવ એક અડધો કલાક મને આપને. હું આવું છું. "

" ઓકે મેડમ હું સંભાળી લઈશ"

અંકિતા હોટલની બહાર પાર્કિંગ લોટમાં પાર્ક કરેલી પોતાની કારમાં બેઠી અને કવર ખોલ્યું. ભાઈ-બહેનનો નાનપણનો ફોટો એણે જોયો અને તેને સમજાઈ ગયું કે મેં મારા ખોવાઈ ગયેલાં સગા ભાઈની વાતો સાંભળીને ખૂબ જ ગેરસમજ કરી હતી અને ઉપરથી જોરદાર તમાચો માર્યો હતો. અંકિતાએ પત્ર વાંચવાનું ચાલુ કર્યું.

" અંકિતા મેડમ .. હા હવે તો અંકિતા મેડમ જ બરાબર છે. 'અંગુરી' કહીને બોલાવવાનું બહુ મન હતું. ઘણી બધી વાતો કરવી હતી પણ ત્યાં જ ગાલ ઉપર સણસણતો તમાચો પડ્યો. બાળપણના ચાર વર્ષ માઉન્ટ આબુ પર વીત્યાં હતા એટલે એની યાદોને તાજી કરવા અને કદાચ મારા ખોવાયેલા પરિવારની ભાળ મળે એ હેતુથી માઉન્ટ આબુ આવ્યો હતો. મને ખબર નહોતી કે મારી નાની બહેન આટલી જલ્દી મને મળી જશે. રાત્રે ફોટાને ધારી ધારીને જોયો ત્યારે તને ઓળખી ગયો હતો કે આજ મારી બેન અંગુરી છે. અંગુરી નામ પણ કાલે તને જોઈને પહેલી વાર મારા હોઠ ઉપર આવ્યું. તારા હોઠ ઉપર પણ એ જ જગ્યાએ તલ છે જે આ ફોટામાં છે. તને જોઇને દિલ ખૂબ ભરાઈ આવ્યું હતું. આપણા ઘરે આવવાની ઈચ્છા હતી. માં બાપુને મળવાની ઈચ્છા હતી. પણ કદાચ કુદરતને આ બધું મંજુર નહિ હોય.

નાનપણમાં હું ખોવાઈ ગયેલો અને રાજસ્થાનથી મળી આવેલો એ વાત મને હજુ હમણાં એક મહિના પહેલા જ ખબર પડી. મને માઉન્ટ આબુનાં આટલાં સપનાં કેમ આવતાં હતાં, આટલું બધું આકર્ષણ કેમ હતું એ બધું મને એક મહિના પહેલા સમજાઈ ગયું અને અમેરિકા જતા પહેલા જીદ કરીને હું માઉન્ટ આબુ આવ્યો.

મારો અને તારો નાનપણનો જયપુર નો ફોટો વર્ષોથી હું જોતો આવ્યો છું પણ મમ્મી પપ્પા એ કહેલું કે મારી એ બહેન નાનપણમાં જ ગુજરી ગઈ હતી. હું એમનો સગો દીકરો નથી તે વાત મમ્મી પપ્પાએ હંમેશા મારાથી છાની રાખી.

જો કે મને એમણે પોતાના દીકરાની જેમ જ મોટો કર્યો છે અને વૈભવ માં ઉછર્યો છું એટલે હવે ભૂતકાળ નાં કારણો અને તપાસમાં મારે જવું નથી. આપણો ફોટો મેં કવર માં જ આ પત્ર ની સાથે રાખ્યો છે. બસ ચાર પાંચ દિવસમાં જ અમેરિકા કાયમ માટે જઈ રહ્યો છું. હા કાયમ માટે... કારણ કે આ તમામ સંબંધો હવે હું ભૂલી જવા માંગુ છું. મારું પોતાનું હવે કોઈ નથી. હું અનાથ જ રહેવા માગું છું.

મને તમાચો મારવા બદલ જો સાચા દિલથી પસ્તાવો થતો હોય તો મને ફોન પણ ના કરતી અને મારા એડ્રેસ ઉપર કોઈ તપાસ પણ ના કરતી.

બહેનનો પ્રેમ કેવો હોય એ અનુભવ કરવા અને મારાં પોતાનાં માં બાપ નો પત્તો મળે તો દૂર થી એક વાર એમને જોઈ લેવા છેક માઉન્ટ આબુ સુધી ધક્કો ખાધો. પણ આ સંબંધો વિસરાયેલા જ રહે એવી ઈશ્વરની ઈચ્છા છે . બસ તારાં દર્શન થઇ ગયાં એ જ મારી માઉન્ટ આબુની યાત્રાની સફળતા છે. કમ સે કમ મારો ફેરો ફોગટ તો નથી ગયો !!!

અભિજીત."

પત્ર વાંચીને અંકિતા ખૂબ રડી. મન મુકીને રડી. એનું રડવું બંધ જ નહોતું થતું અને એના રુદન નો અવાજ બહાર કોઈ સાંભળી ન જાય એટલે વરસાદ પણ મન મૂકીને તૂટી પડ્યો.

અશ્વિન રાવલ