Chapter 6 - Sundartaa books and stories free download online pdf in Gujarati

Chapter 6 - સુંદરતા

Chapter 6:"સુંદરતા"

અત્યાર સુધીના જીવનમાં, 3 વાતોમાં હમેંશા સુંદરતા નીહાળી છે, અને એમા હમેંશા સુંદરતા રહી છે.

સુંદરતા કોને કહેવી?

સુંદરતા એટલે શું?

એવા પ્રશ્નોનો એકદમ સચોટ જવાબ એ મારી આ 3 વાતો તમને આપશે.


એ ત્રણેય વાતોને એમની શ્રેણી પ્રમાણે ક્રમ આપુ તો એ રીતે આપીશ કે ત્રણેયમાંથી કોણ કેટલું વધારે અહેમિયત ધરાવે છે.

જો કે, એક મનોમંથનમાં જશો તમે તો કદાચ તમારો મંતવ્ય બદલાઈ શકે ક્રમને લઈને. જે સ્વીકાર્ય છે.


સૌથી પહેલું છે, 'કુદરત'.


એકવાર આજુબાજુ નજર મારી લો.

જો ઘરમાં હશો તો તમારા જેવા કહી શકો એવા માણસોને જોઈ શકશો.

જે કુદરત છે.

બહાર હશો તો અસંખ્ય ઉદાહરણ મળી રહેશે.

હરીફરી શકે એવી સૂક્ષ્મ કીડીથી લઈને આજીવન સ્થિર રહેવાવાળા કદાવર વૃક્ષો સુધી.

જે કુદરત છે.


થોડો સમય આપી, એ બધાને અવલોકન કરશો તો સમજાશે કે, હર એકનું અસ્તિત્વ એક અજોડ કામ માટે છે.

હર કોઈ જન્મેલું છે પોતાના જીવન મર્મ માટે, એનું પોતાનું આગવું કર્મ કરવા માટે.

અને છતાં પણ, કોઈ ને કોઈ રીતે એકબીજાથી જોડાયેલા છે, બધા જ.


ભલે રંગ રૂપ અલગ રહ્યા. ભલે આપણા હાથમાં મસળી શકાય એટલું કદ હોય કે પછી આપણને જ કચડી શકે એટલું હોય.


જટીલ છે આ વાતને સમજવું અને જે ના સમજી શકે એને સમજાવવું, પણ હકીકત છે આ, કે બધા જ એકબીજાથી જોડાયેલા છે.

કઈ રીતે જોડાયેલા છે એના માટે હું અહી ઘણા ઉદાહરણ મૂકી શકું છું, તમે કોઈ બીજા પાસેથી સાંભળ્યા હોય, કોઈ ચોપડીમાં, કે પછી internet પર જોઈ શકો છો.

પરંતુ, તમારું તમારી જાતે કરેલું અવલોકન જ મારી આ વાતને સાર્થક, સમર્થ બનાવી શકે અને, તો જ આ વાતને તમે સમજી શકશો.


અને આ તો એવા સજીવોની વાત છે કે જે તમે સરળતાથી સમજી, જોઈ શકો.

પણ એવા પણ સજીવો છે કે જેને તો તમે સજીવ માની પણ નહિ શકો.

એ સજીવોને સમજવા, તમારું જાતે કરેલું અવલોકન જ તમને મદદ કરી શકે છે.


એક વાત ખાસ, તમારું logical mind હાલ આ વાતમાં ના વાપરશો.


એ માની ના શકાય એવા સજીવો છે;

હાલ મને એક પંખીની જેમ ઉડાડી શકે, યા તો હવામાં જ તરાવી શકે એવી મંદ, સુગંધિત હવા, પવન.


એ પવનની મદદથી રચાતા એકદમ નાજુક વાદળો.


એ ઘેરા વાદળોમાં સમાયેલું અને સમગ્ર સૃષ્ટિનું આધાર, પાણી.


એ વાદળોને રોકશે એ વિશાળ પર્વતો.


પર્વતો પર વરસીને અખંડ ભૂમિ પર રચાતા અખૂટ જળાશયો.


મીઠું પાણી આપતી મીઠી નદીઓ.


આખી ધરતીને ડરાવતા ખારા સમુદ્રો.


અને એ સમુદ્રના એક છેડે કે પછી મારી balcony માંથી દેખાતો, લોભામણો લાગે એવો રંગીન, મારા માટે ડૂબતો પણ ક્યાંય કોઈ બીજા માટે ઊગતો, ઊર્જાનો એકમાત્ર પર્યાયવાચી, સૂરજ.


એ ધગધગતા સૂરજને સમાવી લે, અને જ્યાં એ ડરાવણા સમુદ્રો છે, વિશાળ પર્વતો છે, અખૂટ પાણી છે, નાજુક વાદળો છે એ આખાય ગ્રહને સમાવી લે, અને તમે કે હું નારી આંખે નથી જોઈ શકતા પણ તમે કે હું અંદાજો ના લગાવી શકીએ એવડા મોટા અને અગણિત તારાઓને સમાવી લે છે એ અનંત આકાશ, બ્રહ્માંડ.


આ બધું જ સજીવ છે.


હાથ, પગ, મગજ વગેરે જેવા શારીરિક અંગોની સરખામણી કરવાની વાત જ નથી.

આ ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે એ બધાની પાસે હોવ.

એ બધું જ એકદમ નજીકથી જોઈ શકો.

ભલે તમે એના જેટલા ના હોવ.

પણ તમે મનુષ્ય છો.

જેણે આ બધા ને નામ આપ્યા છે. જેણે આ બધા ને ઓળખ્યા છે. તો તમે એને સમજી પણ શકો છો.


જેમ કે, નદી શાંત છે કે નહિ એ એમાં પગ ડૂબે એટલે ખબર પડે.

દરિયો તોફાની છે કે નહિ એ એના કિનારે હોઈએ તો ખબર પડે.

પર્વત કેટલો મહાકાય છે એ એના પર ચડીએ તો જ ખબર પડે.

અને આ બધું જ, જેને કુદરત કહેવાય એ કુદરત કેટલું શક્તિશાળી છે એ ત્યારે ખબર પડે જ્યારે પ્રાણ ડગે.


આ બધા માટે એવું જરૂરી નથી કે અનુભવીને સમજવું.

એ તો એક સૌથી સારો રસ્તો છે.

પણ એ બધું જ દૂરથી અથવા કોઈ અન્ય મદદથી નિહાળીને મનમાં જ ખુદનો વિશ્વકોશ ફેદી શકાય છે.

બસ એક સાચી સમજણની જરૂર હોય છે.


અને જો હાલ એ સાચી સમજણને મેળવી શક્યા હશો તમે તો, ધીમે ધીમે એ પણ સમજશો જે સુંદરતા વિશે હું કહી રહ્યો છું કે, પાણી ભરેલા કાળા વાદળોમાંથી વરસતો વરસાદ જમીન સાથે અથડાઈને બનતા જુદા જુદા અવાજથી બનતું સંગીત અને એ વરસાદના પાણીથી છલકાઈને પૂરપાટ વહેતા ઝરણાના હરખનું ગીત જીવને શાંત કરવા કાફી હોય છે.


આગળ જતાં, એ પાણીના વહેણમાં આવતા પત્થરનો આકાર કેટલો અનોખો અને સુંવાળો હોય છે કે એને પોતાનું કરી લેવાનું મન થાય છે અને ખિસ્સામાં મૂકી દેવાય છે.


થોડા સમય પછી વાદળોની વચ્ચેથી ચમકતી entry મારતા સૂરજની રોશનીના લીધે ચારેય બાજુ ઉઠેલી ચમકાહટ અને એની હૂંફ ભરી ગરમીથી મળતો રાહતનો અહેસાસ.


શિયાળો શુરૂ થાય એ સમયમાં મધરાત્રે દેખાતું, ચોખ્ખું આકાશ જે તારાઓથી ભરેલું હોય. એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા તારાઓમાંથી બનતી એક વિશિષ્ઠ આકૃતિ.


ક્યારેય જોવા નથી ગયો, books અને internet પર જોઈ શક્યો છું એ બ્રહ્માંડમાં વસતા; સૂરજ જેવા, પણ જોઈને અડવાનું મન થાય એવા એકદમ ખૂબસૂરત લાગતા અને ક્યારેય જોયા ના હોય એવા રંગરૂપના તારાઓ, એમના ગ્રહો, એમના ઉપગ્રહો, એ બધાને સમાવતી અને મનને લોભાવતી રંગીન આકાશગંગાઓ.


એક વાત કહું!

કુદરતમાં જેટલું નિહાળશો એટલું ઓછું છે સુંદરતા માટે.

કોઈ સીમા જ નથી એમાં.

એ પછી કઈ પણ હોય.

સમય આપજો થોડો આ વાતને, બઉ મજા આવશે.


એક નાનું દરિયા કિનારે વર્ષોથી પડેલું નિર્જીવ છીપ હોય કે પછી આ ધરતીથી અબજોના અંતરે રહેલી એ આકાશગંગા હોય.


ઉપર વાત કરી એમ, એક સજીવ, માણસ હોય કે પછી એણે બનાવેલો કહો કે એને બનાવવાવાળો કહો, એ અલ્લાહ હોય કે બ્રહ્મા હોય.


એક ગજબની સુંદરતા છે બધામાં. વર્ષો પહેલાં એક quote લખેલું.


"I believe in God, but only, I spell it as Nature."


આજે આ સંપૂર્ણ હકીકત છે મારા માટે. જો તમે સમજ્યા હશો મને તો તમારા માટે પણ.


કેટલું અદભૂત છે ને આ બધું વિચારવું પણ!


આટલી સુંદરતા જોવા વિચારશક્તિ પણ શું સુંદર જોઈતી હશે ને!


કે પછી એ વિચાર જ સુંદર છે!


હા, બિલકુલ. વિચાર જ સુંદર છે.


સુંદરતામાં મોખરે ત્રણ વાતોમાં બીજા નંબરે છે, 'વિચારો'.


બસ. 'વિચારો'.


હાલ જ તમે વિચાર કરી જુઓ. આ વિચાર વિશે કે આવો વિચાર આવવો એ એનામાં જ કેટલો સુંદર વિચાર છે ને!


આગળ જેમ વાત કરી કે, હર એક જીવ એના જીવન મર્મ માટે આગવા કર્મ કરે છે.

કેમ કે, હર એક પાસે એક આગવી ખૂબી હોય છે.

દરેક પાસે કઈક આગવી શક્તિ હોય છે.


જેમ; એક નાના જંતુના લાળમાં રેશમ રહેલું છે, ઘોડા માટે ઊંઘવું પણ ઊભા ઊભા થઈ શકે એટલી તાકાત એના પગમાં હોય છે, એક પક્ષી ફક્ત બરફવાળા વાતાવરણમાં રહી શકે છે, બસ એમ જ માણસ પાસે જે કંઈ અનોખું છે એ એની બુદ્ધિ છે. એને ઉત્ક્રાંતિના વારસામાં મળેલો માનસિક વિકાસ છે.


આજ સુધીના સમયમાં, માણસ જેટલું મનસશક્તિ ધરાવતું બીજું કોઈ અન્ય જીવ નથી.

એક નાના પત્થરનો ઈતિહાસ હોય કે માણસના ખુદનો ઈતિહાસ, આજે એની એ અનોખી શક્તિથી જાણી શક્યો છે.


વિચારી લો તમે હાલ, કઈ પણ, એ હર એક શબ્દ પણ એણે જ વિચારેલો, બનાવેલો છે. વિચાર શબ્દ પણ.


તો બધું ક્યાથી આવ્યું હશે?


ચલો એમ વિચારીએ કે, કુદરતને જોઈને એને વિચારો આવ્યા હશે. ઉદાહરણરૂપે કહું તો, એમ વિચારો ખાલી, કે એવું તો શું થયું હશે! એવું તો શું ઘટના ઘટી હશે! કે માનવમાં અગ્નિની સમજણ આવી હશે?

અગ્નિની ઉત્પત્તિનો પ્રશ્ન નથી. પણ એનો ઉપયોગ કેવી રીતે થયો એ પ્રશ્ન છે.


"Invention is not the question. Use of invention is the question."


બસ એમ જ, બાકી બધું જ વિચારી લો. કે હર એક વાતમાં શુરુઆત થઈ ત્યારથી જ, વિચારો શું રહ્યા હશે?


ગેંઘીસ ખાન કહો કે એલેકઝાન્ડર, દુનિયા જીતવા નીકળેલા એ લોકોનું મનોબળ કેવું હશે! શું વિચારો હશે એ વખતે!


પૃથ્વી આખી બદલી નાખનાર ન્યુટનની શોધ પાછળ ન્યૂટને કરેલા વિચારો શું હશે!


જે માણસે રંગ સૌપ્રથમ બનાવ્યા હશે, રંગોનો ઉપયોગ કર્યો હશે, એના વિચારો કેવા રંગીન હશે!


એકને કઈક વાગતા થયેલું દુઃખ, મતલબ જોઈ શકાય એ વાળું દુઃખ કોઈ એનું નજીકનું બીજું સમજ્યું હશે, એ વિચારો કેટલા ગમગીન હશે!


અને દિલમાં વાગેલા દુઃખ, ના જોઈ શકાય એ વાળા દુઃખને કોઈ બીજી સમજ્યું હશે સૌપ્રથમ, એ વિચારો કેટલા પ્રેમ ભર્યા હશે!


પ્રેમમાં પડવાનો વિચાર અને વિરહમાં અડીખમ ઉભા રહેવાનો વિચાર.


12 માં ધોરણ પછી પોતાના શોખ પૂરા કરવા થતા વિચારો અને કૉલેજ પછી દુનિયાદારીમા ખોવાયેલા શોખના વિચારો.


બાળપણમાં કોઈએ આપેલી 25 પૈસાની કોઈ પણ flavour વાળી chocolate ખાવાની તડપમાં થતા વિચાર અને હાલ, કોઈ પોતાના ગમતા વ્યક્તિને 250 રૂપિયાની chocolate આપવા ગમતા flavour લેવા થતા વિચારો.


ઊંઘમાં આવતા સપનાઓ કહો કે ખુલ્લી આંખે જોવાતા સપનાઓ.


જીવનને સમજવા થતાં વિચારો અને જીવન કોઈ બીજાને સમજાવવા થતાં વિચારો.


સહજસાધ્ય થતાં વિચારો.


પ્રયત્નસાધ્ય થતાં વિચારો.


કુદરત એ આપેલી ભેટ કહો કે એને જ કુદરત કહો.


હાલ, તમે વાંચી રહેલા મારા વિચારો અને એનાથી તમને થતાં વિચારો.


કેટલું સામાન્ય છે પણ કેટલું અદભૂત છે!


ખાલી એમ વિચાર કરી જુઓ કે, વિચારો ના હોત તો!


આગળનો વિચાર.


ત્રીજા નંબરે, જે સુંદરતા છે, એ છે સ્ત્રી.


જે શબ્દનું નામ લેતા જ સુંદરતા યાદ આવે.

નાજુકતા યાદ આવે.

જેમ મને હાલ પેલી મારકણી હસી યાદ આવે છે.


અને આ સુંદરતા વિશે લખવા પાછળ પણ આજે Bus માં મળેલી, એ છોકરી જ જવાબદાર છે.


સ્ત્રી. નારી. કન્યા. છોકરી. દીકરી. વહુ. પત્ની. અર્ધાંગિની. મા. બહેન. જનની. જનેતા. દાદી. નાની.


આ એક એવું પાત્ર છે જેના નામ વિચારીએ એટલા ઓછા છે.

સંબંધ પ્રમાણે, જીવનમાં જુદા જુદા સમય પ્રમાણે.


આમ જોવા જઈએ તો, વિજ્ઞાનની ભાષા પ્રમાણે એક જાતિ કહેવાય મનુષ્ય અવતારની.

પણ આખાય મનુષ્ય જાતના ઈતિહાસનો આધાર આ જ જાતિ છે.


ઈતિહાસમાં અસંખ્ય એવી ઘટનાઓ છે જે સાંભળીને ધૃણા આવી જાય, સમગ્ર માનવજાત પર.

માનવામાં ના આવે એવા કુકર્મ થયેલા છે આ સ્ત્રી જાતિ સાથે.

શારીરિક, માનસિક, પારિવારિક, સામાજિક, જે કહો એ.

ચંદ્રકાંત બક્ષીએ એમના એક લેખમાં સ્ત્રી વિશે બઉ જ ધારદાર વાત કહી છે.


"આપણાં સંસ્કૃત સમાજે સ્ત્રી માટે કેવા કેવા શબ્દો વાપર્યા છે? એ હજારો શબ્દોમાંથી થોડા નમૂનેદાર શબ્દો જ આપણાં મુરબ્બી પુરૂષોની સડિયલ માનસિકતા બતાવે છે. એક શબ્દ છેઃ દાર! અને દાર શબ્દ 'દ' ધાતુ પરથી આવે છે. એટલે જેનાં દ્વારા વિદારણ કરાવવામાં આવે છે. વિદારણ એટલે ફાડવું, ખોલાવવું, રૌદવું.


ગુજરાતી ભાષામાં સન્નારી છે, સન્નર નથી, ધર્મપત્ની છે, ધર્મપતિ નથી. સુકન્યા છે, સુવર નથી(?) દેવૃકામા નામનો શબ્દ છે, અર્થ છે દેવરની ઇચ્ચાવાળી.


પુરૂષે પોતાની દ્રષ્ટિથી સ્ત્રી માટે નામો પાડ્યા છે. અસૂર્યમ્પશ્યા એટલે જેને સૂર્ય પણ જોઇ ન શકે. અનસૂયા એટલે જેને અસૂયા નથી, જે બીજાનું સારૂ જોઇને ઇર્ષ્યા કરતી નથી. અરૂંધતી એટલે જે માર્ગ રૂંધતી નથી(પુરૂષનો ક્યો માર્ગ?). અપ્સરા એટલે આડી લાઇને સરકી જનારી. અપર્ણા એટલે જેની નગ્નતા ઢાંકવા એક પાંદડું પણ નથી.


સ્ત્રીને કઇ રીતે જોવાઇ છે? ગર્ભમાં ખબર પડે કે સ્ત્રી છે તો ગર્ભપાત કરાવીને, એ શિશુબાલિકાને જન્મવા દેવાતી નથી. જન્મી જાય તો એને ભૂખે મારવાની હોય છે કારણ કે એ સ્ત્રી છે. પરણી જાય કયાંય તો એ સળગાવીને મારી નાંખવાની વસ્તુ છે.(અને સતી?)


વિધવા શબ્દ સ્ત્રિ-જીવનનું અંતિમ છે, પણ એ પહેલાં ઘણી સ્થિતીઓ આવી શકતી હોય છેઃ કુલવધૂ, ગણવધૂ, જનવધૂ, નગરવધૂ(આખા નગરની પત્ની). પછી સર્વભોગ્યા. અને અંતે એક તદન નિર્દોષ શબ્દઃ વેશ્યા! મૂળ ધંધો કરનાર પુરૂષ વૈશ્ય હતો, અને ધંધો કરનારી સ્ત્રી વૈશ્યા હતી. મર્દોનાં વિકૃત દિમાગોએ એક નિર્દોષ શબ્દમાં બધી જ ગંદકી ભરી દીધી કારણ કે, એ શબ્દ સ્ત્રી માટે વપરાતો હતો.


...ફેકટરીમાંથી બહાર પડેલાં ક્લોન જેવી ‘મિસ વ્લર્ડ’ની લંગારો જોઇને થાય છે કે સ્ત્રી એક વસ્તુ બની ગઇ છે, અને સૌંદર્ય એ પેકેજિંગનો જ એક હિસ્સો બની ગયું છે.


સ્ત્રી ધર્મની નજીક હોય છે, અને ધર્મે સ્ત્રીને દૂર રાખી છે. ભગવદગીતામાં ક્યાંય સ્ત્રી નથી. જૈનોમાં સ્ત્રીને મોક્ષ નથી. ભગવાન બુધ્ધે આરંભમાં સંધમાં સ્ત્રી પ્રવેશ નિષિધ્ધ ગણ્યો હતો. ઇસ્લામમાં મર્દની નમાજ પઢવાની આઅદા અને ઔરતની નમાજ પઢવાની ભંગિમા ભિન્ન છે."


ચંદ્રકાંત બક્ષી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે, પણ આજ સુધી હજારો લોકોએ આ વિષય પર લખ્યું છે.

બોલ્યું છે.

ફિલ્મો બનાવાઈ છે.

ભાષણો અપાયા છે.

શાળાઓમાં, કોલેજોમાં જાત જાતની competition રાખવામાં આવી છે.

સ્ત્રીસશક્તિકરણને લઈને દેશમાં નિયમો, કાયદાઓ અને પ્રયત્નો લાદવામાં આવ્યા છે.

વિશ્વભરમાં આ વિષયને લઈને, Feminismને લઈને અઢળક પ્રવૃત્તિઓ થતી રહે છે.


પણ બધું કેમ! સ્ત્રી ની આટલી જ જરૂર છે તો શું એટલી સમજણ નથી લોકોમાં!


સ્ત્રી ને આટલું હેરાન કેમ થવું પડે છે!


આટલા કુકર્મો કેમ સહન કરવા પડે છે!


જવાબ છે, માનસિકતા.


જ્યાં સુધી સ્ત્રી નું અસ્તિત્વ શું છે! કેમ છે! એ સ્ત્રી અને પુરુષ બંનેને ખબર નહિ પડે ત્યાં સુધી આ પ્રશ્નો ચાલતા રહેશે.


સ્ત્રી ક્યારેય પુરુષ સમોવડી ના થઈ શકે. એ માન્યતા જ પાયા વિહોણી વાત છે.


સ્ત્રી એ પાણી છે તો પુરુષ પત્થર.

પાણી વહી જશે. પત્થર આડો આવશે તો પત્થર તૂટી જશે. અથવા પાણી એનો બહાવ બદલી દે શે.

પણ જો પત્થર એનો આકાર બદલી શકે, અથવા પાણીના વહેણ નીચે રહીને એને મદદ કરે દરિયામાં ભળી જવા તો એ બંને સાથે મળીને એક અલગ સૃષ્ટિ બનાવી શકે.

આ એક ઉદાહરણ છે, એક માન્યતા સમજાવવા.

પુરુષ સ્ત્રીને, એની સાથે એના શારીરિક અને માનસિક થતાં ફેરફાર સાથે મનમેળ કરીને, સ્ત્રીને સમજે અને સમજાવે તો બંને પોતાની સુખી જીવનસૃષ્ટિ બનાવી શકે છે.


બીજું ઉદાહરણ જોઈએ.

સ્ત્રી એક નદી છે, તો પુરુષ સમુદ્ર.

નદી સમુદ્રને નહિ મળે તો સુકાઈ જશે.

એ બંનેનું મળવું એ કુદરતી જરૂરી છે, નદી માટે.

બસ એમ જ સ્ત્રી ને સમજવું જોઈએ કે એનો સહારો જો કોઈ પુરો પડી શકે તો એ પુરુષ છે, એના લાગણીઓને હૂંફ આપવાવાળી શક્તિ પુરુષ છે.


અને આ બંને ઉદાહરણ સાથે એમ કહેવું કે, એ બંને એકબીજા વગર અધૂરા છે. તો એ બંને એક સરખા કઈ રીતે થઈ શકે!


બંને એકબીજા ના પૂરક છે. માનસિક અને શારીરિક બંને રીતે.


આ વાત પર આગળ ચંદ્રકાંત બક્ષી કહે છે કે,


"સંસ્કૃતમાં સેક્સભેદ બહુ સ્પષ્ટ છે.

નિત્ય શબ્દ આપણે વારંવાર વાપરતા હોઈએ છીએ. ‘નિત્ય આકાશ’ કહેવાય છે, પણ પૃથ્વી વિશે લખવું હોય તો ‘નિત્યા પૃથ્વી’ લખાય છે. સ્ત્રીની ચામડી ‘ત્વચા’ છે, અને પુરુષની ચામડી ‘ત્વક’ છે. માછલી માટે સંસ્કૃતમાં ‘મત્સ્ય’ શબ્દ વપરાય છે. પણ એનો નારીશબ્દ પણ છે: ‘મત્સી’. આપણે ગુજરાતીમાં માછલો શબ્દ મત્સ્ય માટે વાપરતા નથી. જે કોયલ ગાય છે એ નર છે અને એને માટે શબ્દ છે ‘કોકિલ’, પણ સ્ત્રીકોકિલને માટે શબ્દ છે: ‘પિકી’. કાગડાને માટે જે શબ્દ છે એ છે ‘કાક’ અને કાગડી માટેનો શબ્દ છે: ‘કાકી’. આપણી ભાષાની કાકીઓએ સાવધાન થઈ જવા જેવો આ શબ્દ છે.


સ્ત્રી શબ્દમાં ત્રણ લીટીઓ છે માટે એમાં સત્ત્વ, રજસ અને તમસ ત્રણે હોય છે, એવું એક વિધાન છે. પણ મૂળ આ શબ્દનો સંકેત માતૃત્વ તરફ છે. મૂળ ધાતુ છે ‘સ્ત્યૈ’ અને એનો અર્થ છે ગર્ભધારણ કરવાવાળી.


નર અને નારીનો આ અર્થભેદ એટલો તીવ્ર છે કે ‘નર’ એટલે દોરી જનારો અથવા નેતા. નારી શબ્દ નર પર આધારિત છે એટલે સ્ત્રીસ્વાતંત્ર્યવાળી સ્ત્રીઓને અર્થ સમજ્યા પછી આ શબ્દ બહુ નહીં ગમે.


મજાની વાત એ છે કે પાઈનએપલ તથા અનનાસમાં પણ સેક્સભેદ છે. રાજા પાઈનએપલ મોટું હોય છે, એ બહુ જ રસદાર હોય છે જ્યારે રાણી પાઈનએપલ નાનું હોય છે, પણ બહુ મીઠું હોય છે.


પથ્થરોમાં પણ સેક્સ છે. શિલ્પશાસ્ત્રીઓ કહે છે કે મંદિરના કામ માટે નપુંસક એટલે કે ખોખરો અવાજ કરનારો પથ્થર વપરાય છે, શિવલિંગ માટે ઘન અવાજ કરનારો પુલ્લિંગ પથ્થર ઉપયોગમાં લેવામાં આવે છે. પણ મધુર અવાજ કરનાર સ્ત્રીલિંગ પથ્થર શિવલિંગનું થાળું બનાવવા માટે વપરાય છે…"


સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. પુરુષ તાકાતનું.


આપડા શાસ્ત્રોમાં અગણિત દેવીઓની વાર્તાઓ છે. જેટલા દેવો નથી એટલી દેવીઓ છે.

આજે પણ આપણા આ ગામડાઓથી બનેલા દેશમાં હર એક ગામમાં કોઈને કોઈ દેવી વસેલા છે, મંદિર છે.


નાજુક અને કોમળ હૃદય ધરાવતી, પરંતુ જરૂર પડ્યે રણચંડી બની પોતાના પરિવારની રક્ષા કરતી સ્ત્રી પોતાના જીવન દરમિયાન કેટલા બધા કિરદાર નિભાવતી હોય છે.


એક લાગણી પ્રમાણે હું જાણું છું કે આ જાતિ, સ્ત્રી કેટલી સુંદર છે.


બિલકુલ.


મને વિજાતીય આકર્ષણ છે. કેમ ના હોય!

પરંતુ શારીરિક આકર્ષણ કરતા માનસિક આકર્ષણ વધારે છે એ સુંદરતા પાછળ.


આકર્ષણ છે એ કોમળ વિચારો પાછળ.


એક તદ્દન નવા જીવને જન્મ આપતા જીવના જીવ પાછળ.


એક મા સ્વરૂપે હૂંફ આપતી, અર્ધાંગિની તરીકે પ્રેમ આપતી, બહેન તરીકે તકેદારી લેતી, એક જ જીવમાં આ બધા જ જીવ વસેલા છે અને એ બધું જ સંપૂર્ણ લાગણીસભર પાર પાડતી, સ્ત્રી પાછળ.


આજે જોયેલી એ છોકરીએ તો મને લેખક બનાવી દીધો.

હરખમાં આવીને લખેલો આખો લેખ ફરી ફરી વાંચી રહેલો.

હજુ કોઈને વંચાવ્યું નહોતું પરંતુ ઉત્સુક હતો.

મનમાં બસ હરખ થઈ રહેલો કે આ લોકો વાંચશે તો કેવો અભિપ્રાય આપશે!

પણ લોકો સુધી કરી રીતે પહોંચાડું!

પેલી છોકરીને વંચાવીસ સૌથી પહેલા તો, જ્યારે મળશે ને ત્યારે.

કહીશ કે જો તારા લીધે આ બધું મનનું, કાગળ પર લાવી શક્યો છુ.


"કેયુર, શું કરે છે અંધારામાં!" સૂરજ ડૂબી ગયેલો.

બહાર balconyમાં, પશ્ચિમ બાજુ મો રાખીને, room ના દરવાજા સામે પીઠ આવે એમ બેઠેલો.

મને અંધારું ગમે.

સાંજે light કરવા વાળો છેલ્લો હોઉં.

તો કુદરતી પ્રકાશ ઓછો થઈ ગયેલો, નહિવત અજવાળામાં પરંતુ હું લખી શકું એવા અજવાળામાં હતો.

અને કરણ આવીને મારી બાજુમાં ઊભો રહ્યો.


"વાંચીશ?" એને મારી diary બતાવી.


"શું લખી રહ્યો છે?" મારા હાથમાંથી diary લઈ ને બોલ્યો.


"વાંચીને મને કહે. કેવું લાગ્યું!" અને એ diary લઈને room માં ચાલ્યો ગયો, હું એની પાછળ. એ ખોવાઈ ગયો વાંચવામાં.


"વાહ, લેખક સાહેબ. તમે તો ગજબ લખ્યું છે." આખું વાંચીને વખાણમાં આંખો પહોળી કરીને મને બોલ્યો.


"સાચે! ગમ્યું તને? કેવું લાગ્યું?" હરખાતા હરખાતા મે પૂછ્યું.


"અરે, અફલાતુન. આપડે કાલે જ book છાપી દઈએ. ચાલ."


"મજાક ના કર. સાચું કહે."


"અરે, સાચે. તું લેખક જ છે. આ બધું લોકો સુધી પહોંચાડવા કઈક રસ્તો શોધ. બસ."


"બસ એ જ વિચારી રહેલો." મે Diary પાછી લીધી.


"સાંભળ ને! ચા પીવા જઈએ ચલ ને!" મે સામે થી પૂછયું.


"સાલા, હમણાં મે offer કરી તો ના પાડી રહેલો. હવે જવું છે તારે. પણ ચલ, જઈએ. અમારા ભવિષ્યના મહાન લેખક શ્રીના કારકિર્દીના પ્રથમ સફળતાના જશ્ન માટે હું આવીશ. તું party આપીશ." બોલો. આ પણ તો offer જ તો આપી મને.


"હા ભાઈ, ચલ."


અમારા ગમતા ચા વાળા, ભરતભાઈની રેકડીએ આવ્યા.


Gujarat universityની બાજુમાંથી નીકળતા, મારા પાલનપુરની અનુભૂતિ કરાવતા road પર.

એ Road આખા અમદાવાદમાં મારો સૌથી ગમતો road.

બંને બાજુ મોટા મોટા campus અને લીલાછમ કદાવર ઝાડ.

અડધી રાત્રે એકલા ત્યાંથી નીકળી ના શકાય એવું dense.

એ road નો એક છેડો, University Gate પાસે હતો અને બીજો છેડો, છેક IIM-AHMEDABAD પાસે નીકળે.

વચ્ચે Engineering College નું campus આવે. PRL નું campus આવે.

એકદમ શાંત બધું. અવાજ હોય તો બસ પક્ષીઓનો, એ ઝાડ પર વસતા.

એમાં પણ વરસાદની season માં તો ચાર ચાંદ લાગ્યા હોય. મોર એ જ road પર આવીને નાચતા હોય, ગાતા હોય.


અને એ PRL પછી અમારા ભરતભાઈની રેંકડી આવે.

એકદમ high-profile રેંકડી.

જ્યારે પણ જાઓ, ઓછામાં ઓછાં 5 થી 7 જણા હોય જ. ભરતભાઈ સિવાય.

એમની ચા જ એવી મજેદાર હોય છે કે લોકોને લત લાગી જાય અને એમનો સ્વભાવ. ચા કરતાં મીઠી એમની બોલી લાગે.

અધૂરામાં પૂરું, જગ્યા.

એક ચાની બીજી ચાર પીવાઈ જાય અને અડધો કલાક બેસવા આવ્યા હોઈએ ને 2 કલાક નીકળી જાય. એવી મસ્ત જગ્યા.

વાતો કરવા અને ચા પીવા માટે એકદમ perfect જગ્યા.

મસ્ત મોટા લીમડાના ઝાડ નીચે, road વળે એ સહેજ ખાંચામાં અંદર.

એમની રેકડીની બાજુમાં જ police station.

અને એ police stationની પાછળ hostels. Boys Girls બંનેની. Universityની. એટલે studentsની સારી એવી અવર જવર રહે.


હું અને કરણ જઈને બેઠા. અમારી ગમતી જગ્યા પર.

ભરતભાઈ પણ સમજી ગયા અને અમારા કહ્યા વગર જ અમારી special, સહેજ વધારે આદુવાળી, ઓછી મીઠી, કડક ચા તૈયાર કરવા લાગ્યા.


હું અને કરણ બધી વાતો કરી રહેલા, કે માટે આગળ શું કરવું જોઈએ!

લખવાના passionને follow કરવા આગળ શું કરવું જોઈએ! એટલામાં અમારી ગરમ ગરમ ચા આવી ગઈ.


"તને શું લાગે છે! પેલી છોકરી તને મળશે ફરી!" ગરમ ગરમ ચાના cupને ફૂંક મારતા મારતા મને પૂછ્યું.


"શું ખબર ભઈ! પણ આમ તીવ્ર લાગણી છે કે મળશે. અને એ પણ જલ્દી." મારી ચા હાથમાં લીધી આટલું કહેતા કહેતા અને પકડતા જ હાથમાંથી છટકી ગઈ.


ગરમ ગરમ ચા મારા પર અને કરણ પર પણ પડી.

બંને બળ્યા.

કરણ તો તરત ઊભો થઈ ગયો, મને બોલતા બોલતા.

અને હું જોતો જ રહ્યો.


ચા એટલે નહોતી છટકી કેમ કે, ગરમ હતી.

ના.


સામે road પર પેલી છોકરી જઈ રહેલી.


(વધુ આવતા અંકે)