Samarpan - 28 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 28



આગળના ભાગમાં આપણે જોયું કે દિશાના ચહેરા ઉપર આવેલી ખુશી જોઈને રુચિ તરત જ કારણ પૂછી લે છે. દિશા પણ તેના નાના-નાની આવી ગયા હોવાનું જણાવે છે. રુચિ પણ સાંભળીને ખુશ થાય છે અને બંને અત્યારે જ મળવા જવાનું નક્કી કરી એક્ટિવા લઈને નીકળે છે. દિશાના પપ્પાના ઘરે પહોંચીને બધા યાત્રાની અને રુચિની સગાઈની વાતો કરે છે. રસોડાની અંદર દિશા અને તેના મમ્મી રેખાબેન જમવાનું બનાવતા હતા ત્યારે રેખાબેને દિશાને શાંત જોતા કારણ પૂછ્યું અને દિશા રડવા લાગી જાય છે, રેખાબેન તેને શાંત કરી અને કારણ પૂછે છે, દિશા રુચિ.. બોલતા જ રેખાબેન સમજી જાય છે કે રુચિના લગ્ન બાદ દિશા એકલતાના ડરથી રડી રહી છે. રેખાબેન તેને સમજાવે છે અને જીવનમાં આગળ વધવા માટે પણ સલાહ આપે છે, રુચિ પણ એજ સમયે રસોડામાં પાણી લેવા આવતી હોય પણ છે પરંતુ દિશા સને નાનીને વાત કરતા સાંભળી ત્યાં જ ઉભી રહી જાય છે. રેખાબેન દિશાને બીજા લગ્ન કરી લેવા અને અત્યાર સુધી રુચિના કારણે આખું જીવન વિતાવી દીધાની વાત પણ સમજાવે છે. દિશા પણ આ ઉંમરે આ બધું ના શોભે એમ કહી અને વાત બદલે છે, દરવાજાની પાછળ ઊભી રહીને બધી જ વાતો સાંભળતી રુચિ પણ વાતનો દોર બદલાતા કઈ સાંભળ્યું જ નથી એવું નાટક કરતી રસોડામાં પ્રવેશે છે. નિખિલ પણ સરપ્રાઇઝ આપવા અચાનક આવી પહોંચે છે.મોડા સુધી નિખિલ, દિશા અને રુચિ તેમના ઘરે જ સમય પસાર કરે છે અને રુચિને કોલેજ જવાનું હોઇ, ત્યાં રોકવાના બદલે નિખિલ તેમને ઘર સુધી મૂકીને પોતાના ઘરે જવા નીકળી જાય છે. ઘરે આવીને દિશા પણ મોબાઈલ જોવાનું ટાળી અને સુવાને જ પ્રાધાન્ય આપે છે, રુચિ પણ નિખિલ સાથે મેસેજમાં વાત કરી લે છે. પરંતુ રુચિને દિશાના વિચારોમાં ઊંઘ આવતી નથી, તે કંઈક એવું કરવા માંગે છે કે તેના લગ્ન પછી પણ તેની મમ્મી ખુશ રહી શકે.. બીજા દિવસે રુચિના કોલેજ ગયા બાદ દિશા ઘરના કામ પુરા કરી મોબાઈલ લઈ બેસે છે. એકાંતના મેસેજ આવીને તેની રાહ જોતા હોય છે. એકાંત પણ મેસેજની અંદર પોતાને તેના માટે પ્રેમ છે પરંતુ તે બહાર નહીં આવવા દે અને તેની ચિંતા કરવાની વાત જણાવે છે. દિશા પણ વ્યસ્ત હોવાનું અને ચિંતા ના કરવાનું કહે છે.. હવે જોઈએ આગળ....


સમર્પણ ભાગ - 28


દિશાએ એકાંત સાથે હળવી વાતો કરી.. એકાંત પણ હવે મિત્રતા રૂપે સંબંધને આગળ ધપાવવા ઈચ્છતો હતો. તેના મનમાં તો દિશામાં માટે ભરપૂર પ્રેમ હતો છતાં દિશા ક્યારેક તો તેના પ્રેમને સ્વીકારશે એ આશામાં રાહ જોવાનું મન બનાવીને બેઠો હતો. દિશા પણ હવે રોજ એકાંત સાથે વાતો કરતી, સાથે-સાથે તેણે વૃદ્ધાશ્રમમાં સેવા આપવા માટે જવાનું પણ શરૂ કરી દીધું. રુચિને પણ એ વિશે જણાવી દીધું. રુચિને પહેલા દિશાની વાત સાંભળીને આશ્ચર્ય થયું, પરંતુ તેને પણ વિચાર્યું કે આ રીતે મમ્મીનો સમય પણ પસાર થશે અને નવા માણસો સાથે હળશે-મળશે તો એકલું પણ નહીં લાગે.

બીજા દિવસથી જ દિશા વૃદ્ધાશ્રમમાં જવા લાગી. દિશાની હાજરીએ પહેલા દિવસથી જ ત્યાનું વાતાવરણ હર્યું ભર્યું કરી નાખ્યું.. કોઈપણ જાતના આગ્રહ-પૂર્વગ્રહ રાખ્યા વગર દિશા માત્ર અને માત્ર સેવાકીય ભાવનાથી પોતાનું કામ કરવા લાગી. તે આશ્રમના નાના-મોટા દરેક કામ કરતી. ત્યાંના વડીલો પણ દિશાની હાજરીથી ખુશ રહેતા.

દિશાએ રોજ પોતાના ઘરના કામ પુરા કરી અને 12 થી 5 વૃદ્ધાશ્રમમાં સેવા આપવા જવાનો નિત્યક્રમ બનાવી લીધો. ત્યાં તે વડીલોને જમવા માટે થાળી તૈયાર કરી આપતી, રોટલીના બટકા કરી દેતી.. જમવાનું પણ ચોળી આપતી. કોઈકને માથામાં તેલ નાખી આપતી, તો કોઈક ને પગ દબાવી આપતી. ક્યારેક ટોળું ભેગું કરીને કોઈ ધાર્મિક ચોપડીઓ વાંચી સંભળાવતી. ત્યાં રહેતા દરેક જણને પણ દિશાની હાજરી ગમતી, બધા જ પોત-પોતાની હૈયા વરાળ તેની પાસે ઠાલવતાં. દિશા પહેલેથી જ એક સારી શ્રોતા હતી, ધીરજ પૂર્વક બધાની જ વાતો સાંભળતી, ક્યારેક સાંત્વના આપતી તો ક્યારેક એમાંથી શીખવા જેવું શીખતી પણ ખરી.

લગભગ 70 વર્ષના એક દાદાએ જમતાં-જમતાં દિશા પાસે પોતાનો ભૂતકાળ વાગોળ્યો. ''મુંબઈમાં મારો મોટો કારોબાર છે. જેનું શૂન્યમાંથી સર્જન કર્યું હતું. એકના એક દીકરાને વિદેશમાં ભણાવી ગણાવીને મોટો કર્યો, હું અને મારા શ્રીમતીજી બંને સુખેથી રહેતા હતા. સમય આવ્યે દીકરાને તેની પસંદગીથી પરણાવી, કારોબાર સોંપીને નિવૃત્તિમય જીવન પસંદ કર્યું, થોડા જ વર્ષોમાં શ્રીમતીજીનું અવસાન થયું અને દિવસે-દિવસે મને જીવન નીરસ લાગવા લાગ્યું. દીકરો આખો દિવસ ઓફીસ ચાલ્યો જાય, વહુ પણ ઊંચા પરિવારની, ભણેલી-ગણેલી લાવ્યા હતા, પણ એ સંબંધોને સમજવામાં કાચી પડી. એક દિવસ જાતે જ મારા વતન અમદાવાદ રહેવાનો નિર્ણય લીધો. પરંતુ અમદાવાદના મોટા ઘરમાં એકલા રહેવામાં મન ના લાગ્યું. પછી એક મિત્ર દ્વારા આ ''વિસામાં'' ની જાણ થઈ, રૂબરૂ મળી અને અહીં જ રહેવાનું નક્કી કરી લીધું.બસ આ છેલ્લાં ચાર વર્ષથી અહીં રહું છું ક્યારેક દીકરાને ઘેર જઈ આવું, પણ અહીંની જિંદગી હવે ગોઠી ગઈ છે....મજા આવે છે.''

આવી આશાસ્પદ કહાનીઓ દિશાને તેના આગળના જીવન માટે હિંમત પુરી પાડી રહી હતી. તો ક્યારેક કોઈકની દુઃખદ આપવીતી સાંભળીને દિશા પણ ઢીલી પડી જતી. એવી ઘણી બધી વાતો તેને ત્યાં જીવંત સાંભળવા મળતી.

અલગ-અલગ આપીવીતીઓ સાંભળીને દિશા મનોમન વધારે મક્કમ બનવા લાગી. ''વિસામો'' પ્રત્યે તેનો લગાવ વધારે ગાઢ થવા લાગ્યો. મનોમન તેણે વિચારી પણ લીધું કે, ''મારું આગળનું જીવન પણ મારે અહીં જ વિતાવવું જોઈએ.''

સાંજે ઘરે જઈને રુચિ સાથે થોડો સમય પસાર કરતી. વૃદ્ધાશ્રમની પોતાની વાતોનું અને ત્યાં થતા અનુભવોનું પોટલું પણ રુચિ સામેં ખોલતી. દિશાને આ રીતે ખુશ જોઈને રુચિને પણ ઘણી જ શાંતિ મળતી. દિશા ક્યારેક તેની બહેન અને મમ્મી સાથે પણ ફોન ઉપર વાતો કરી લેતી.

એકાંત સાથે પણ સમયના અંતરાલ ઉપર દિશા વાત કરતી રહેતી. એકાંત ઘણીવાર ફોન ઉપર વાત કરવા માટેનું પણ કહેતો, દિશાનું પણ મન ફોન ઉપર વાત કરવાનું થતું. પરંતુ બને ત્યાં સુધી મનને મક્કમ રાખીને દિશા ફોન ઉપર વાત કરવાનું ટાળતી અને મેસેજમાં જ જવાબ આપતી, છતાં ક્યારેક ફોન થઈ જ જતા.

દિશાના હૃદયમાં એકાંત માટેની લાગણી ઘણી દાબવા છતાં ઉછળી-ઉછળીને બહાર આવવા મથતી. તે ધીમે ધીમે અનુભવવા લાગી હતી કે એકાંત તેની સાથે નિઃસ્વાર્થ ભાવે જ જોડાયેલો છે, તેના મનમાં જે ડર હતો કે ઓનલાઈન સંબંધોમાં લોકો એકબીજાનો ફાયદો જ ઉઠાવતા હોય છે એ ડર એકાંત માટે હવે તેને સતાવતો નહોતો. આટલા સમયમાં તે એટલું તો સમજી ગઈ હતી કે એકાંત દુનિયા કરતા સાવ અલગ છે. છતાં પણ તે પોતાના તરફથી પ્રેમની સંમતિ આપતી શકતી નહોતી. એકાંત પણ એના મૌનમાં છુપાયેલી એની લાગણી અનુભવી શકતો હતો, પરંતુ કોઈ જાતના દબાણ વગર એને મુક્ત જ રાખવા માંગતો હતો. એકાંતે દિશાને એકવાર કહી પણ દીધું...

"જો સાંભળ દિશા, આ રીતે મિત્ર ભાવે રહેવાનું નાટક કરીને મારે મારા પ્રેમને પાંગળો બનવા નથી દેવો, ભલે તું મિત્ર ભાવ રાખે અને હું તને વચન આપું છું કે હું ક્યારેય તારી મિત્રતાની મર્યાદા ઓળંગવાનું નહિ કહું. પરંતુ મારા દિલમાં તારા માટે જે પ્રેમ છે, જે લાગણી છે એને તો એજ રહેવા દે. મને તારા પ્રેમમાં ડૂબી રહેવું ગમે છે, હું એમાંથી બહાર નીકળવા નથી માંગતો !"

દિશા પણ તેની આ વાતનો કોઈ જવાબ ના આપી શકી તે પણ જાણતી જ હતી કે એકાંતનો પ્રેમ અને તેની લાગણી સાચી છે. પરંતુ એના એ સાચા પ્રેમનો ક્યારેય અસ્વીકાર કરી શકાય તેમ નથી જ.

નવરાશના સમયે એકાંત એની સામે આવીને ઉભો રહી જતાનો એને ભાસ થતો...''બે હાથ લાંબા કરીને એકાંત એનો ફક્ત એક જ હાથ માગે છે, જીવનની રાહમાં ક્યારેય ના છોડવા માટે... ક્યારેય રૂબરૂમાં મળી નથી છતાં ધીમે ધીમે એ પોતાની જાતને એકાંતમાં ભેળવી રહી છે... દરેક ક્ષણે ભગવાનને ફરિયાદ કરતી, કે આ દુવિધા શુ કામ ? કોઈ પ્રેમ આપવા તરસે છે...કોઈ પ્રેમ મેળવવા તરસે છે...છતાં એક અદ્રશ્ય દીવાલ ભેદી શકાતી નથી. છલોછલ મર્યાદા ભરેલું એક આંસુ, થોડી વાર આંખમાં રમીને એની જાતે જ એના ખોળામાં કુદી પડતું, અને ફરી એને આભાસી દુનિયામાંથી પાછી ખેંચી લેતું.''

પોતાના હૃદયની વ્યથા એકાંતને કહી શકાતી નહોતી, એક ડર હતો કે એને ખબર પડતાં જ દુનિયાની પરવાહ કર્યા વગર એકાંત એનો હાથ ખેંચીને પણ અપનાવી જ લેશે. દુન્યવી રીત-રિવાજોમાં બંને વચ્ચેની ઉંમરનું અંતર ભલે એકાંતને જરાય નડતું નહોતું. પરંતુ પોતે ઇચ્છવા છતાં એના માટેનું એક પગલું ઓળંગી શકતી નહોતી.

એકાંતે દિશાને ઘણાં સમયથી એકવાર મળવા માટેનું કહ્યું હતું. પરંતુ દર વખતે દિશા ઈચ્છા હોવા છતાં પણ મળવાનું ટાળતી રહેતી. કારણ, પોતે પણ જાણે છે કે ફોન ઉપર એ એકાંત સામે લાગણીઓ છુપાવવામાં ભલે સમર્થ રહી શકે છે, પણ જો એ ખરેખર સામે આવશે તો આ પરાણે બાંધી રાખેલો પ્રવાહ રોકી શકાશે નહીં. એકાંતની આંખો જ્યારે રૂબરૂમાં પોતાને નિહાળતી હશે ત્યારે પોતાનાથી એનો પ્રેમ નકારી શકાશે નહીં.

દિશા ઇચ્છતી કે એકાંત મળવાની જીદ કરે, પરંતુ એકાંત એની જાતે દોરેલી રેખાને ક્યારેય ઓળંગતો નહીં. એ કોઈ પણ કિંમતમાં દિશાને નારાજ કરવા કે એનાથી દુર થવા માંગતો નહોતો. પોતે દિશાના જમણાં હાથની પહેલી આંગળી પકડીને એની છૂટી ગયેલી દુનિયા પોતાની નજરે બતાવવાના સપના જોતો, એના એક એક પગલે પોતાની અલક-મલક વાતોનું હાસ્ય પાથરીને ખૂબ જ હસાવવા માંગતો હતો, અને જ્યારે વધારે પડતું હસવાથી ઉભરાયેલી એની આંખો લુછવા દિશા પોતાની આંગળી છોડાવે ત્યારે તે પોતાની પકડ વધુ મજબૂત બનાવી, પોતાના રૂમાલથી એની આંખો લુછવા માંગતો હતો. જે રૂમાલ હવે પછી ક્યારેય ધોવાવાનો નહોતો. એજ ક્ષણે દિશા આંગળી છોડાવ્યા વગર જ જાતે જ આખો હાથ પકડાવી દે અને એ અમૂલ્ય ક્ષણને પહેલીવાર સંમતિથી પકડાયેલા હાથને ચુંબનથી વધાવી લેવો હતો.


વધુ આવતા અંકે...