vidhva hirali - 15 books and stories free download online pdf in Gujarati

વિધવા હીરલી - 15

ભાગ ૧૫ હીરલીની પરિપેક્ષ્માં રાધા
રાધા માથા પરથી સાડી સરકાવીને હવા સંગે વાળને વિખેરી રહી હતી. હાથને ખુલ્લા કરી આભ ભરીને ખુદને માણી રહી હતી. રાધા પોતાની જાતને પાછી મેળવી રહી હતી. રાધાને જોઈને હીરલી પોતાને તેના સ્થાન પર જોઈ રહી હતી. જે લાગણીઓ દબાઈને હીરલી જીવી રહી હતી તે લાગણીને રાધા ખુલ્લી હથેળી કરીને માણવાની ચાહ પ્રગટ કરી રહી હતી. પણ ડર હતો હીરલીને કે રાધાની ખુશીને સમાજના રીતરિવાજો દબાવી ન દે.

સર્વ વિધવા બાઈઓ શહેર ભણીને આવ્યા પછી માહોલમાં બદલાવ નજર આવી રહ્યો હતો.અનાવૃષ્ટિના લીધે ચારેબાજુ વગડો સુખો ખાખ થઈ રહ્યો હતો તેમ છતાંયે હીરલીના ઘરમાં વસંતના પુષ્પ સમાં ચીથરા ખીલી રહ્યા હતા. જન ખાવા માટે ફાફા મારતા હતા પણ વિધવા બાઈઓને આજીવિકાથી પેટની તૃપ્તિ મળી રહી પણ સમાજમાં પોતાનું અસ્તિત્વ તો વગડા જેવું વેરાન થયેલું હતું. જ્યાં વરસાદની કોઈ આશા ન હોઈ તેવી નિર્જળ ભોમને જ જોઈલો.

ભરતકામ અને શણગારનું કામ જોરશોરથી થઈ રહ્યું હતું.સર્વ સ્ત્રીઓના ચેહરા પર ખુશી દેખાય રહી હતી.
" જો હીરલી તું ન હોત તો અમે લોકો ભૂખે મરી જોત.ભગવોન બનીને અમારી વારે આવી સ તુ." સવલીએ પોતાની હૈયવરાળ ઠાલવી.

" હાઉ હાસી વાત કરી." વીજૂડી એ પણ સાદ પુરાવ્યો.

રાધા દીદાર પરના ભાવ વણ બોલે હીરલી સમક્ષ પ્રગટ કરી રહી હતી. હીરલી પણ સ્પષ્ટ પણે ભાવને વાચી રહી હતી. રાધા છ મહિનાથી જે દુઃખમાં ગરકાવ હતી તે દૂર થતું નજર ચડી રહ્યું હતું. બીજી સ્ત્રીઓને તો રોજગારી મળી રહી હતી પણ રાધાને તો નવું જીવન મળી રહ્યું હતું. એનાથી વધુ ખુશ કોણ હોઈ શકે?
મનના હરખ અને કામ કરવાની ધગશના લીધે હાથ પવન વેગે ચાલી રહ્યા હતા.

" હીરલી, તુ તો મન ભૂલી જ ગી સ."

હીરલી નજર ઊંચી કરીને જોતા જ, " અરે ,શારદા તુ સ ! આવ."

" મુ પણ તમારા હારે જોડાઈ જાવ કે કામે?"

" હા રે હા.... તન તો ના ન પરાઈ. લાગીજા કોમે." હીરલીએ શારદાને પણ કામે લગાવી લીધી. શારદા અને હીરલીનું પિયર એક જ ગામમાં થાય.એનાથી વિશેષ તે બંને નાનપણની બહેનપણી હતી. હીરલી વિધવા થઇ એટલે શારદાના ઘરનાએ હીરલી જોડેના સબંધ ઓછા કરાવી દીધા હતા. વિધવાનો છાયડો ઘરમાં પડે તો અપશુકન થાય એવી જ વિચારસણી હતી. તેમ છતાં પણ શારદા ક્યારેક ક્યારેક હીરલીની ખબર કાઢવા આવતી રહેતી.

" તારા ઘરવાળોએ ઓઇ આવવા માટ શમ રાજી થયો." હીરલીએ કહ્યું.

" કુદરતી માર પડ્યો સ દુકાળનો તેમો રાજી થયો સ. બે પૈસા આવહિ તો પેટ ભરાહેં ન."

કાળની લપાટ જ એવી હતી કે રિવાજો ને નેવે મૂકવા પડ્યા હતા. એમ કરતાં કરતાં ઘણી સ્ત્રીઓ આ કામમાં જોત્રાવા લાગી.જેમ સંખ્યા વધી તેમ હીરલીની જવાબદારી પણ વધતી ગઈ.

સવાર પડે એટલે હીરલીનું ઘર ઉભરાવા લાગતું. એક સમય હતો કે તેના ઘરે ચકલું પણ ન્હોતું ફરકતું અને આજે તો મેળો જામે છે. સમય સમયનો ખેલ છે.ગામના લોકોમાં હીરલી માટે અંશેક લાગણી પેદા થવા લાગી તે વાત હંતોકડીને પચતી નથી. તે હીરલીને બદનામ કરવાના કાવતરાંમાં લાગેલી હતી. બસ, મોકાની શોધમાં હતી. માનવસહજ સ્વભાવ છે કે કોઈની પ્રગતિ જોઈ નથી શકતો એટલે હવનમાં હાડકાં નાખવાની ફિરતમાં રહે છે.

રાધાએ પોતાના હાથે ભરેલી બાંધણી જોઈને પહેરવાનું સતત મન થઈ રહ્યું હતું. વિધવા હતી એટલે બધાની સામે બાંધણીનો એક છેડો પણ માથા પર નાખી ન શકે.સંધ્યા ટાણે સર્વ સ્ત્રીઓ પોતાના ઘર તરફ વહી ગઈ.પણ રાધા પોતાના મન ખાતર ત્યાં રોકાય ગઈ.

" હીરલીભાભી, માર આ બોધણી પેરવી સ." ડરતાં ડરતા સ્વરે બોલી.
" લે, પેરી જો. શેવી દેખાય સ તારા પર ,મુય જોવું."

અમાસની રાતના અંધારા જેવી કાળી કાળી સાડીને કાઢતાં જ સવારની ભાતી પરોઢિયું રાધાના હૈયામાં જાગ્યું.વસંતની જેવી બાંધણી પોતાના તન પર ધારણ કરતા જ પુષ્પની જેમ તન ખીલવા અને મન મહેક્વા લાગ્યું.
" ભાભી, જોવોને મુ શેવી દેખવ સુ." રાધાએ પ્રફુલ્લિત કંઠે બોલી.
અરીસો એની આગળ ધરતા બોલી," તુ અરીસામાં જો.તુ જ નઈ ઓળખે તન."

રાધા અરીસામાં નજર માંડતા જ , કરમાયેલી કાયા પર વસંતની સુવાસ હતી.ભીતરથી ખોયેલી લાગણીને ફરી ચેહરા પર પસરે છે. આ જોઈને હીરલી પોતાની છબી રાધાના સ્થાને મૂકી દે છે. એક સમય હતો ત્યારે આ જ અરીસામાં જોઈને હીરલીએ નવી જિંદગીની કામના કરી હતી પણ અસ્ત થતા વાર ન લાગ્યો.એ અસ્ત થયેલો સૂરજ રાધામાં પ્રભાત થતો જુવે છે. રાધા અરીસા સામેથી પોતાની નજર હટાવી શકતી જ નથી.

" મુ તો ગગનનું પંખી સુ,મુક્ત મને વિહરવું સ.
સમાજના રિતીનીતીથી, આઝાદી ઝંખું સુ.
અમાસની રાતમાં ચંદ્રના ઓજસને પામવું સ."

રાધા પોતાના તનને હમેશા આજ બાંધણીમાં જોવાની અભિલાષા વ્યક્ત કરે છે.એટલામાં જ સવલીનો છોરો રઘુ, સવલી ભૂલી ગયેલી વસ્તુ લેવા આવે છે. બાંધણીમાં સોહામણું દીદાર લાગી રહ્યું હતું, મુખ પર તેજ અને આંખો અંજવી રહી હતી. રઘુ રાધાને જોતા જ વસંતની કુંપણ ફૂટે છે. જે શહેરના રસ્તામાં જોડે જ હતા પરંતુ એકવાર પણ રાધા સામે જોયું ન્હોતું, કેમ કે વિધવાના લિફાજમાં હતી. આજે બાંધણીમાં જોતા જ નજર, રાધામાં ભરાઈ પડી.રાધાની નજર પણ રઘુ પર પડે છે. કોઈ આવી ગયાના ડરના મારી સંતાઈ જાય છે. આંખોનો ભ્રમ હતો કે પછી મનની કામના હતી , તે રઘુ સમજી શક્યો નહિ.જે વસ્તુ લેવા આવ્યો હતો તે વસ્તુ લઈને નીકળી જાય છે.


ક્રમશ:...........