Chokkhu ne chanak - 6 books and stories free download online pdf in Gujarati

ચોખ્ખું ને ચણક - 6 - નવોદિત કવિને અનુભવી કવિનો પત્ર


એક અનુભવી કવિનો નવોદિતોને કવિતા બાબતે પત્ર:-

એક અનુભવી કવિ,
ઝુંપડાં ક્રમાંક:૧૪૦,
કવિ કોલોની,
સસ્તું શહેર,
ભારત.

નવોદિત કવિ,
સપના નગર-૨,
લેખન કોલોની,
પ્રેમ શહેર,
ભારત.

વિષય: કવિતા ફોગટ ચીજ
નથી એ બાબતે
સમજૂતી આપવા

મને જરાય ન ગમતા નવોદિત કવિઓ,

તમારો એકેય પત્ર હજુ સુધી મને મળ્યો નથી ને મળે એવી મને આશા પણ નથી.તમે સકુશળ છો કે નહીં તે પણ મારે જાણવું નથી,પણ તમે અભ્યાસ વિનાની ગુજરાતી કવિતાઓ કેમ લખ્યા કરો છો એ બાબતે ખુલાસો આપવા તમારે મને પત્ર જરૂર લખવો પડશે.(ખાસ નોંધ: પત્ર ગદ્ય સ્વરૂપે લખવો.)

વિવેચનમાં એવું કહેવાય છે કે કવિતા એટલે કવિનું તાજું સંવેદન.પ્રો.બ.ક.ઠાકોર વિચાર પ્રધાન કવિતા વિશે વાતો કરતા.કાન્ત ખંડકાવ્યોમાં પ્રસંગચિત્રણ કરીને માનવ સંવેદન અને માનવીય ભાવોને ઉજાગર કરી શકેલા.ઉમાશંકરે 'વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી' એવો અમર સંદેશ આપ્યો તો નિરંજન ભગતે નગર કવિતા અને રાજેન્દ્ર શાહે 'નિરુદેશે' ધર્યું.આ બધાના નામે એક નવો યુગ આરંભાયો છે અને એનો આપણે સહુ અભ્યાસ પણ કરીએ છીએ(કહેવા પૂરતો).

પણ હવે મારે અહીં એક વાત કહેવી છે.હું તમને અહીં કેટલાક ગુજરાતી સાહિત્યના પ્રખર કવિઓના નામ આપું. (બધા ન આવે એ તદ્દન સ્વાભાવિક છે) હેમચંદ્રાચાર્ય,નરસિંહ,મીરા,પ્રેમાનંદ, દયારામ,શામળ,નર્મદ,દલપતરામ,કાન્ત,કવિ કલાન્ત,બ.ક.ઠાકોર, નાનાલાલ,કલાપી,રા.વિ. પાઠક,ઉમાશંકર,સુંદરમ,કરસનદાસ માણેક,નિરંજન ભગત,રાજેન્દ્ર શાહ,સુરેશ જોશી,સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા વગેરે.હવે જો તમે તમારી જાતને પૂછો કે મેં બધા નહિ પણ તમે આ બધાને ઊંડા અને ગહન રીતે વાંચ્યા છે?અથવા વાંચવાનો પ્રયત્ન કરો છો?હું જવાબ જાણું છું-ના.તો હું કહીશ કે તમને કવિતા લખવાનો કોઈ અધિકાર નથી.

આવું હું કહું છું એટલે તમારી પાસે નામ તૈયાર જ હશે- મરીઝ.અમે તો ગઝલ વાળા,કવિતા સાથે અમારો કોઈ નાતો નથી.ખરું ને?પણ તમને બધાને અત્યારે આ જે 'મરીઝ'નો નશો ચડ્યો છે એ કેટલા અંશે સાર્થક છે એ વિચાર્યું? મરીઝ જેવું કરુણામય જીવન જીવવાની તમારી હિંમત ખરી? એક અઠવાડિયામાં ત્રણ ત્રણ વખત હોટેલના બર્ગર વિના જેને ચાલતું ન હોય એના મોઢે મરીઝની ગરીબાઈનો રદિયો આપીને પોતાની કવિતા સાર્થક કરવાની વાત ગધેડાને ડોકે હીરા શોભે એવી વાત છે.
"I can't understand poetry,Can you?" આ શબ્દો બ.ક.ઠાકોરે નિરંજન ભગત સાહેબને કહેલા છે.હવે વિચારો કે ગુજરાતી સાહિત્યમાં સોનેટની પધરામણી કરનાર આ માણસ જો આવું કહે તો પછી તમે જે તમારી જાતને કવિ ગણાવો છો, કવિતાના જાણકાર ગણાવો છો એ કેટલે અંશે યોગ્ય છે?

"મેં ગીતાના ભક્તિ યોગને જીવનમાં ઉતારવા માટે કવિતા કરી છે."આ શબ્દો છે અનુગાંધીયુગના પ્રતિનિધિ સર્જક રાજેન્દ્ર શાહના.હવે તમે આ પ્રશ્ન તમારી જાતને પૂછી શકો ખરા?મિત્રો,આ જે કોઈની વાત હું કરી ગયો તે બધા કવિ નહોતા,કાવ્યસેવક હતા અને એનાથી આગળ 'કાવ્યગુરુ' હતા.તમે એ કક્ષાએ પહોંચ્યા? ભગત સાહેબ એટલે વિશ્વ સાહિત્યની હાલતી ચાલતી યુનિવર્સિટી પણ કાવ્યસંગ્રહ સમગ્ર જીવન દરમિયાન માત્ર ત્રણ જ્યારે આપણે પાંચેક કવિતા રોજની સ્ટેટ્સમાં નાખીએ છીએ.

કવિતા એ ફોગટ ચીજ નથી કે જે તમે તમારા અણઘડ શબ્દો મૂકી દો, પ્રાસ બેસાડી દો એટલે એ થઈ જાય. એ ઉપાસના છે,તપસ્યા છે.જે કર્યા વિના સિદ્ધિ મળતી નથી અને મળે તો એ ટકતી નથી.આપણી ગુજરાતીમાં છંદ ફરજિયાત નથી એટલે એનો અર્થ એવો નથી કે આડેધડ સંવેદનાને રડતી મૂકી દઈએ.પાણીનો પ્રવાહ જો આડેધડ વહે તો એ 'પુર' કહેવાય, જો એક જગ્યાએ શાંત રહીને યોગ્ય રીતે ઢળીને વહે તો એ ઝરણું બની જાય. રા.વિ. પાઠકે 'બૃહત પિંગળ' લખ્યું એ વાંચી જજો.છંદ વિશે ઘણું જાણી શકશો.

હવે વધારે તો તને શું કહી શકું ઉભરતા કવિ?

પણ હા, મારી આવી વાતો સાંભળીને કવિતા લખવાનું છોડતો નહિ.

આભાર.

તારા કવિત્વને પામવા આતુર વાચક અને વીતેલો કવિ,
અનુભવી કવિ.