Pranay Parinay - 1 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 1



કંઈક અંશે ક્રોધી, ચાલાક, પ્રચંડ શક્તિશાળી છતાં એટલો જ પ્રેમાળ રાજકુમાર..

અચાનક એના જીવનમાં આવે છે એક સુંદર, કથ્થઈ આંખો વાળી, નાજુક તથા નાદાન, પ્રેમ અને આકર્ષણના રંગમાં રંગાયેલી મુગ્ધ, નિર્મળ અને સૌદર્યવાન રાજકુમારી..


રાજકુમાર તો રાજકુમારીને જોતાવેંત એના પ્રેમમાં પડી જાય છે, પણ રાજકુમારી તેના પ્રેમથી બિલકુલ અજાણ હોય છે..

અચાનક તેના જીવનમાં સંકટનાં કાળા વાદળો ઘેરાઈ જાય છે અને નિયતિ કંઈક એવો ખેલ રચે છે કે જેના પરિણામે રાજકુમાર રાજકુમારીનું અપહરણ કરીને તેની સાથે જબરદસ્તી લગ્ન કરી લે છે.

શું હશે એ લગ્નનું ભવિષ્ય?

શું રાજકુમારી કદી રાજકુમારના પ્રેમને સમજી શકશે?

શું રાજકુમારી જબરદસ્તીના લગ્નને સ્વીકારી શકશે કે હંમેશાં માટે દૂર થઈ જશે?

શું હશે નિયતિના મનમાં?


કા કહાની છે મુગ્ધ પ્રેમની, ઉત્કટ પ્રણયની અને તેમના પરિણયની…


**

આ ધારાવાહિકના બધા પાત્રો, નામ તથા સ્થળ કાલ્પનિક છે. તેમને કોઈ જીવીત અથવા મૃત વ્યક્તિ, ધર્મ કે જાતિ સાથે કંઈ લેવાદેવા નથી. અગર એવુ બન્યુ હોય તો તે કેવળ એક યોગાનુયોગ હશે.

વાર્તાના પ્રવાહને જાળવી રાખવા માટે લેખકે ક્યાંક ક્રિયેટિવ છુટ લીધી હોય તો તે પ્રસંગને તર્કના ત્રાજવે તોળવા કરતાં કથાના રસને માણવાનું વધુ યોગ્ય રહેશે.

**

પ્રણય પરિણય ભાગ ૧


એક સુંદર મજાનો નાનકડો ટાપુ, જેની ચારેબાજુ ઉછળતો અફાટ સમુદ્ર… ટાપુની વચ્ચોવચ એક મોટો જબ્બર વિલા.. તેની ભવ્યતા સામે વિલા શબ્દ તો જાણે સાવ સાધારણ લાગે.. એમ કહો કે એક ભવ્ય રજવાડું….


વિલાની સામે એક સ્વરૂપવાન યુવતી હાથમાં ફૂલોનો બૂકે લઈને એના પ્રિયતમની રાહ જોઈ રહી હતી. તેના વાળ કાળા અને ઘેરા હતા. મુલાયમ ગાલ વાળો ચહેરો ન ગોળ ન ચોરસ એવો લંબગોળ હતો. તેનાં કાન અને નાક બરાબર એ ચહેરાને અનુરૂપ હતાં. તેના હોઠ માદક હતા. તેની ભમ્મરો ધનુષ જેવી નૈસર્ગિક હતી...

તેની આંખો ચહેરાની ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાડી દે તેવી હતી. એની આંખોમાં કથ્થઈ ચમક હતી... ગરમ કરેલા તાંબા જેવી ચમક...

તેની ગરદન સુરાહી જેવી અને ખભા ઉંચા હતા. તેના ભરાવદાર કડક સ્તનયુગ્મ અપ્સરાને પણ ઈર્ષ્યા કરાવે તેવા હતાં. તેના લાંબા માંસલ હાથની આંગળીઓ સંઘેડા ઉતાર હતી. કેળનાં સ્તંભ જેવાં સાથળ અને માખણ જેવી તેની પીંડીઓ હતી. સફેદ સંગેમરમર પર ગુલાબી ઝાંયનો પાશ ચઢાવ્યો હોય તેવો ગોરો એનો વાન હતો. ખજુરાહોના શિલ્પ જેવું અલૌકિક તેનુ દેહલાલિત્ય હતુ. એના નિર્દોષ ચહેરા પરથી ભરપુર ભોળપણ નીતરતું રહેતું હતું. એણે શોલ્ડર લેસ વ્હાઈટ કોર્શેટ વાળો લોંગ વન પીસ ગાઉન પહેર્યો હતો. પગમાં સિક્સ સ્ટ્રેપ્સ વ્હાઈટ હાઈ હિલ્સ પહેરી હતી.

તે એકદમ પરી જેવી લાગી રહી હતી.


સામેની તરફથી એક હેન્ડસમ, ડેશિંગ, બ્લેક થ્રી-પીસ સુટમાં સજજ એવો રાજકુમાર આવી રહ્યો હતો. તે દેખાવે સ્માર્ટ હતો. શરીર ચુસ્ત અને સ્નાયુબધ્ધ હતું. તેનુ નાક સીધુ અને હોઠ સખત હતા, તેની હડપચી તીખી હતી. તાજી કરેલી શેવના લીધે ચહેરા પર ગ્રીન ઝાંય આવી રહી હતી. તેના ખભા પહોળા અને કમર પાતળી હતી. તેની હાઈટ ઘણી સારી હતી વર્ણ ગૌર હતો. એના હાથમાં સુંદર ડિઝાઈનર બોક્સ હતું.

એ ઝડપથી તેની તરફ આવી રહ્યો હતો.


એણે તેને જોયો.. એના મુખ પર પહોળી સ્માઈલ આવી. એની પાસે આવીને તેણે એનો ડાબો હાથ પોતાના હાથમાં લીધો. તે પોતાના ઘુંટણ પર બેઠો, તેણે ડિઝાઇનર બોક્સમાંથી સુંદર ડાયમંડની રીંગ કાઢીને એની સામે ધરી…


તેની ઘેરી કથ્થઈ આંખોમાં જોઇને એણે પ્રપોઝ કર્યું : 'આઇ લવ યૂ ગઝલ..! વિલ યૂ બી માઇન?'


'આઇ લવ યૂ ટૂ…!!' ગઝલએ પોતાનો હાથ આગળ કર્યો.. તેણે એની આંગળીમાં રીંગ પહેરાવી. ગઝલના હાથ પર હળવું ચુંબન કરીને એ ઉભો થયો.


તેની સામે જોઈને ગઝલ સ્મિત કરી રહી હતી.

તેણે ગઝલની કમરમાં હાથ પરોવીને પોતાની તરફ ખેંચી. તેનો સ્પર્શ થતાં એ મીઠુ શરમાઈ. બેઉની નજરો એકબીજાને પ્રેમથી ભીંજવી રહી હતી, તેની પાણીદાર આંખો ગઝલને ઘાયલ કરી રહી હતી. એ ગઝલના ચહેરા પર હળવેથી ઝુક્યો. એ લજાઈને એક ડગલું પાછળ હટી અને પીઠ ફેરવીને ઉભી રહી.

તેણે એને પાછળથી બાહોંમાં લીધી, તેણે ગઝલના રેશમી ખુલ્લા વાળને ડોક પરથી હળવેથી સરકાવીને આગળ તરફ ધકેલ્યા. તેણે ગઝલની ડોક પર હળવું ચુંબન કર્યુ. એની ગરદન પર તેનાં ગરમ ગરમ શ્વાસ અફળાવાથી ગઝલનું રોમરોમ પુલકિત થઇ ઉઠ્યું અને ગઝલની આંખો આપોઆપ બંધ થઈ ગઈ.

તેણે ગઝલના બેઉ હાથ પોતાના હાથમાં લઈને ગઝલના પેટ ફરતાં ફોલ્ડ કર્યા. અને એ તેની બાહોંમાં કેદ થઈ ગઈ.

તેણે પોતાના હોઠ વચ્ચે ગઝલના કાનની બૂટ દબાવી. ગઝલના શરીરમાં પગથી માથા સુધી ઝણઝણાટી વ્યાપી ગઈ. હવે તેણે ગઝલની ડોક પર લાંબુ ચસચસતું ચુંબન કર્યું. ગઝલની ડોક પર એક ભૂરુ ચકામું ઊપસી આવ્યું. એ ધીરેથી તેની તરફ ફરી.

બંનેની નજર મળી, તેણે માર્દવતાથી પોતાની હથેળીના સંપુટમાં ગઝલનો ચહેરો લીધો અને એના કપાળ પર કિસ કરી, ગઝલએ પાંપણો ઝુકાવી, તેણે એના ગાલ પર ચૂમી ભરી. ગઝલની હળવી કંપારી છૂટી. તેણે એના ગળા પર ચુંબન કર્યું, ગઝલના શરીરમાંથી કરંટ પસાર થઈ ગયો. ગઝલએ બેઉ હાથની મુઠ્ઠીઓથી પોતાના ગાઉનનું કપડું ટાઈટ પકડી રાખ્યુ અને આંખો બંધ કરી લીધી. ગઝલના અંગ પર તેના ગરમ શ્વાસનો સ્પર્શ થવાથી ગઝલની જાંઘના સ્નાયુ તંગ થયા, હોઠ થરથરવા લાગ્યા.

તેણે ગઝલનાં કાંપતા હોઠ પર પોતાનો અંગૂઠો રબ કર્યો અને પછી એમજ પોતાનો હાથ ગઝલનાં કાનની પાછળથી એના રેશમી વાળમાં પરોવ્યો અને બીજા હાથની આંગળી વડે ગઝલનો ચહેરો ઉંચો કર્યો. તેણે ગઝલના હોઠ પર ચુંબન કરવા પોતાનો ચહેરો ઝૂકાવ્યો, ગઝલનાં પેટમાં પતંગિયા ઉડ્યાં, એના ગાલ પર લોહી ધસી આવ્યું એ લાલ લાલ થઇ ગઇ. તેનાં હોઠ ઓર નજીક આવ્યા, બેઉના શ્વાસ અથડાવા લાગ્યા. ગઝલનાં ગળામાં ભૂરી નસ ઉપસી આવી. ગઝલના હાથ આપોઆપ તેના ગળા ફરતાં વીંટળાયા. એ પોતાના પગનાં પંજા પર ઉંચી થઇ.

તેના સખત હોઠ ગઝલના કાંપતા હોઠ પર ચંપાવાની તૈયારીમાં જ હતાં કે…

ગઝલનો અલાર્મ વાગી ઉઠ્યો.

એ સફાળી ઉઠી અને એમ જ માથે હાથ દઇને બેડ પર બેઠી.

અલાર્મ હજૂ પણ વાગતો હતો.


ગુડ મોર્નિંગ… ગઝલના આઇફોનમાં સતત પચાસ સેકન્ડ સુધી અલાર્મ વાગ્યા પછી વેક અપ ટોન વાગ્યો.


'હમ્મ… ગુડ મોર્નિંગ…' ગઝલએ ડોળા ફેરવ્યા અને નાકનું ટીચકું ચડાવ્યું.


'ગઝલઅઅ..' નીચેથી એના નામની બુમ પડી.


'ઓહ ગોડ… આજે પણ લેટ થઈ ગયું… ભાગ ગઝલ ભાગ' બબડતી એ બાથરૂમમાં ઘુસી.


'કેટલી વાર કહેવું આ છોકરીને સવારે વહેલી ઊઠીને જલ્દી નીચે આવતી જા.. પણ મારૂ સાંભળે તો ને..! એક તો એની લેટ નાઈટ પાર્ટીઓ, નાઈટ ક્લબ કે પબ… મને તો જરાય નથી ગમતા..'

કૃપા (ગઝલની ભાભી) ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટની તૈયારી કરતા બોલી રહી હતી.

આમતો તેમના ઘરે રસોઇ માટે માલાબેન આવતાં પણ કૃપાના હાથમાં જાદુ હતો, એની રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનતી એટલે ગઝલ અને મિહિરનો (ગઝલનો ભાઈ) આગ્રહ રહેતો કે સવારનો નાસ્તો કૃપા જ બનાવે. કૃપાને પોતાને પણ એમા આનંદ મળતો.


'શું થયું? કેમ રાણી સાહિબા સવાર સવારમાં લાલપીળા થઇ રહ્યા છે?' મિહિર સામેની રૂમમાંથી આવતાં બોલ્યો.


'આવ.. આવ.. તું પણ કંઈ ઓછો નથી.. તને ડોક્ટરે કીધું છે ને કે સવારમાં ઉઠીને ચાલવા જવાનું જીમ બીમ કરવાનું..! પણ નહીં બસ પડ્યું રહેવાનું..' કૃપાનું બડબડ ચાલુ હતું.


'ગુડ મોર્નિંગ ભાઈ… ગુડ મોર્નિંગ ભાભી..!' ગઝલ ઉતાવળે દાદરા ઉતરતી બોલી.


'અરે! હળવે.. ધીરે ધીરે..' કૃપા ચિંતાપૂર્વક બોલી.


'પ્રિન્સેસ ધીરે ઉતર બેટા પડી જઇશ તો વાગી જશે..' મિહિર પ્રેમથી ટપારતા બોલ્યો.


'સોરીઇઇ..!' કહેતા ગઝલે મિહિરનાં ગાલ પર પપ્પી કરી અને કૃપાને હગ કરીને તેના ગાલ પર પણ પપ્પી કરી.


'આ શું પહેર્યું છે?' કૃપાનુ ધ્યાન એના ડ્રેસ પર જતાં તેણે ગઝલને ઉપરથી નીચે સુધી જોતા પુછ્યું.


'વન પીસ.. મસ્ત લાગે છે ને!?' ગઝલ ખુદની તારીફ કરતાં કરતાં ગોળ ફરી.


'અરે! આમા મને તો કંઈ વન પીસ દેખાતુ નથી, અડધું પીસ છે… જા ઉપર જા ચેઇન્જ કરીને પુરૂ વન પીસ પહેરતી આવ' કૃપા બોલી.


'તમે પણ શું ભાભી..! આજે કોલેજનો લાસ્ટ ડે છે અને અમે બધાંએ શોર્ટ કપડાં પહેરીને આવવાનું નક્કી કર્યું છે.' ગઝલ રડમસ અવાજે બોલી.


'અરે! શોર્ટ ડ્રેસ પહેરવાની ના નથી પણ કમસેકમ ઘૂંટણ ઢંકાય એવા ઠીક છે… પણ આ જો તો કેટલો શોર્ટ છે ક્યાં સુધી આવે છે તારો ડ્રેસ..? નહીં, આટલો ટૂંકો ડ્રેસ પહેરીને કોલેજ તો બિલકુલ નથી જવાનું.' કૃપા ના પાડતા બોલી.


'ભાઈ પ્લીઝ તમે કંઈક કહોને ભાભીને… રોજ તો તેમને ગમતા કપડાં પહેરીને જ કોલેજ જાઉં છું ને? આજે કોલેજનો છેલ્લો દિવસ છે એટલે પ્લીઝ… ' ગઝલ ભાઈ પાસે લાડ કરતા બોલી.


'પ્રિન્સેસ.. તારી ભાભી બરાબર તો કહે છે, તારા ભલા માટે જ કહે છે ને! તારે એની વાત માનવી જોઈએ બેટા.'


'યૂ નો વ્હોટ? તમારા બંન્નેના લીધે મારા ફ્રેન્ડઝ્ મને નાની કીકલી કહીને બોલાવે છે. આ નહીં પહેરવાનું અને પેલુ નહીં પહેરવાનું, અહી નહીં જવાનું ને ત્યાં નહીં જવાનું. કેટલી રોકટોક છે તમારી? આઇ થિંક આજે મમ્મી પપ્પા જીવતા હોત તો એમણે પણ મારા પર એટલા બંધન મૂક્યા ન હોત જેટલા તમે લોકોએ મૂક્યા છે.' ગઝલ ખીજમાં બોલી તો ગઈ પણ તરતજ તેને ભાન થતાં દાંત વચ્ચે જીભ દબાવી.


ગઝલનું બોલવાનું સાંભળીને કૃપાને તો આંખમાં આંસુ ઉભરાઇ આવ્યાં. મિહિરને પણ થોડુ માઠું લાગ્યું.


'આઇ એમ સોરી ભાભી… મારાથી બોલતાં બોલાય ગયું. તમને હર્ટ કરવાનું મારુ ઇન્ટેન્શન નહોતુ…' ગઝલને બોલીને હવે પછતાવો થઇ રહ્યો હતો.

કૃપા આંખો લૂછીને કશું બોલ્યા વગર શાંત ઉભી રહી.


'પ્લીઝ ભાભી… હું આ ડ્રેસ ચેઈન્જ કરી લઉ છું.. પણ તમે મારા પર નારાજ ન થાવ પ્લીઝ.. ' ગઝલ કૃપાને હગ કરતાં બોલી.


'ઠીક છે, હું નથી નારાજ બસ? પણ તું પોતાની સંભાળ રાખતાં શીખ, તું કોણ છે એ જાણે છે ને તું? ગઝલ કાપડિયા… કાપડિયા એન્ડ કંપનીની માલિક! તને કંઈ થયું તો અમે ઉપર જઇને મમ્મી પપ્પાને શું મોઢું દેખાડીશુ?' ફરીથી કૃપાની આંખમાં પાણી આવી ગયાં.


'અરે મારા પ્યારા ભાભી.. મને શું થવાનું હતું! અને હાં, આ બિઝનેસ વગેરેમાં મને બિલકુલ ઈન્ટરેસ્ટ નથી.. બિઝનેસ, કંપની કે ઓફિસ જે કંઈ હોય તે ભાઈ અને તમે સંભાળો.. મારે એમાં પડવું નથી.' કહીને ગઝલ નાસ્તો કરવા લાગી.


'તારી કોલેજ પતે એટલે તુ ઓફિસ જોઇન કરીશ.. પ્રોમિસ કર્યું છે તે.. ભૂલી ગઈ?' મિહિર ટોસ્ટ પર જામ લગાવતા બોલ્યો.


'ભાઇ, મને ઓફિસમાં બેસીને કામ કરવું નહીં ફાવે.. એ બધુ તમે જુઓ.. મારા સપના અલગ છે.' કહીને ગઝલ સવાર વાળા સપનામાં ખોવાઈ ગઈ.


"ગઝલઅઅઅ…" બહારથી એની ફ્રેન્ડે બુમ મારી.


'આવીઈઈઈ…' કહીને ગઝલ ઉપર જવા દોડી..


'અરે! ત્યાં કેમ જાય છે?' એને ઉપર જતી જોઇને કૃપા બોલી.


'ડ્રેસ બદલવા.. તમે તો કીધું' એ પાછળ જોઈને બોલી.


'રેવા દે ભલે પહેર્યો.'


'સાચ્ચે?' ગઝલ કૃપાની નજીક જતા બોલી.


'હાં, આજે પહેરી લીધો છે તો હવે રહેવા દે' કૃપા સ્માઈલ કરતાં બોલી.


'ઓ.. થેન્ક યૂ ભાભી.. આઇ લવ યૂ.. એન્ડ આઈ પ્રોમિસ હવે પછી આવો ડ્રેસ નહીં પહેરુ.' ગઝલ ખુશ થઈને એના ગળા પર પપ્પી કરવા જતી હતી એને રોકીને કૃપા બોલી: 'મસ્કા મારવાનુ રેવા દે અને પેલી ટ્યુબલાઈટ બહાર ઉભી છે એને અંદર બોલાવ.. અને ખબરદાર જો બેમાંથી એકેય નાસ્તો કર્યા વગર બહાર નીકળી છે તો..' કહીને કૃપા અંદર ગઈ.


'ઓકે..'


ગઝલએ દરવાજા પાસે જઈને એની ફ્રેન્ડ નીશ્કાને બુમ મારી, નીશ્કા સ્કૂટી સ્ટેન્ડ પર ચઢાવીને અંદર આવી.


'અરે વાહ યૂ આર લુકિંગ ફેબ્યુલસ' અંદર આવતા જ નીશ્કા બોલી.


'થેંક્સ ક્યુટી.. યૂ ટૂ લુકિંગ પ્રિટિ.. ' ગઝલએ પણ નીશ્કાના વખાણ કર્યા.


'આજે તને જોઇને શ્યોર કોલેજમાં લાશોના ઢગલા થઈ જવાના..' નીશ્કા બોલી અને ખીલ ખીલ કરતી હસી.


'એ ઇ.. શીશશશ…' ગઝલએ હોઠ પર આંગળી મૂકી.

અને બેઉ અંદર ગઇ.


'ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ ભાભી…' નીશ્કા બોલી.


'ગુડ મોર્નિંગ નીશ્કા..' મિહિરે જવાબ આપ્યો.


'ભાઈ.. આજે છેને મારે તમારી ગાડી જોઈએ છે.' ગઝલએ મિહિરને કીધું.


'ઓકે ડ્રાઈવરને કહી દઉ છું, એ આવી જશે તમારી જોડે.'


'ના, ભાઈ ડ્રાઈવર નથી જોઈતો, અમારે કોલેજ પછી થોડુ ફરવું છે, શોપિંગ, લંચ અને મૂવી પણ જવુ છે. ડ્રાઈવર કંટાળી જશે.' ગઝલએ કહ્યુ.


'તુ ગાડી બહુ ફાસ્ટ ચલાવે છે.' મિહિર બોલ્યો.


'આજે ધીરે ચલાવીશ… ભાઈ પ્લીઝ..' ગઝલએ ક્યુટ ફેસ બનાવ્યો.


'ઓકે..! પણ તારી ભાભીને ખબર ન પડે, નહિતર એ મારા પર ભડકશે.' મિહિર આંખનો ઈશારો કરીને ધીમેથી બોલ્યો.


(મમ્મી પપ્પાના ગયા પછી મિહિર તથા કૃપાએ ગઝલને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. વધારે પડતાં પ્રોટેકશનમાં રહી હોવાથી ગઝલ પર ઉંમરના પ્રમાણમાં દુનિયાનો રંગ બિલકુલ નહોતો ચઢ્યો. હજુ એની મુગ્ધાવસ્થા જ ચાલુ હતી. એક તો મિહિર કરતાં ગઝલ ઉંમરમાં બાર વરસ નાની હતી. અને દુનિયાભરની દવાઓ, બાધા-આખડી અને દોરા ધાગા કર્યા છતાં મિહિર-કૃપાને સંતાન થયું નહોતું એટલે એમનો બધો પ્રેમ-લાડ બધું ગઝલ પર જ વરસતું. એટલે કોલેજ પુરી થઈ હોવા છતાં ગઝલ હજુ ઘણી નાદાન હતી.)


'શું ઘુસપુસ ચાલી રહી છે તમારા લોકોની?' કૃપા બહાર આવતાં બોલી.


'કંઈ નહીં બસ એમ જ' મિહિરે વાત ઉડાવી દીધી.


બ્રેકફાસ્ટ પતાવી બંને ફ્રેનડસ્ કાર લઈને નીકળી.


કારમાં લાઉડ મ્યુઝિક વાગતું હતું, બંને બહેનપણીઓ કોલેજ પછી કરવાની મસ્તીઓના વિચારથી ઉત્સાહિત હતી. ગઝલ ખૂબ સ્પીડમાં કાર ચલાવી રહી હતી.

અને એ લોકોની આગળની કારે અચાનક બ્રેક મારી.. ગઝલએ ટકકર ટાળવા માટે ઝડપથી સ્ટિયરીંગ ફેરવીને પોતાની કારને થોડી જમણી તરફ લીધી.

એ તરફ સામેથી એક કાર આવી રહી હતી. સામે વાળી કારના ઙ્રાઇવરે જોરદાર બ્રેક મારીને કાર ઉભી રાખી દીધી, પણ ગઝલ પોતાની કારને બ્રેક મારવામાં થોડી સેકન્ડ મોડી પડી અને ગઝલની કાર સામે વાળી કાર સાથે ટકરાઇ ગઈ. સામે વાળાની હેડલાઈટના તૂટીને ચૂરા થઇ ગયા. અચાનક ધક્કો લાગવાથી તે કારમાં પાછલી સીટ પર બેઠેલી વ્યક્તિના ખોળામાંથી લેપટોપ ફંગોળાઇને નીચે પડ્યું તે વ્યક્તિને ગુસ્સો આવ્યો:

'વોટ ધ હેલ રઘુ..! ગાડી કેવી રીતે ચલાવે છે તું?'


'સોરી ભાઈ સાહેબ, પણ આપણે તો બરાબર જ જતા હતા. સામે વાળી ગાડી એની લેનથી બહાર આવી.' રઘુએ ચોખવટ કરી.


'તો બહાર નીકળીને જો જરા કોણ છે એ.. ' તેણે ગુસ્સાથી કહ્યું.


'યસ સર,' રઘુ દરવાજો ખોલીને બહાર આવ્યો.


'મર્યા આપણે..' રઘુને બહાર નીકળતો જોઈને નીશ્કા ગભરાઈ.


'ડરે છે શું કામ? કંઈ નહીં થાય, આવ.' કહીને ગઝલ બહાર આવી.


'ઓ મેડમ.. કેવી રીતે ગાડી ચલાવો છો?' તુટેલી હેડલાઈટ સામે જોઈને રઘુ બોલ્યો.


'ઓ ભાઈ… અમે બરાબર આવતાં હતાં તમારી સ્પીડ વધુ હતી… આ રોડ છે, બીજી ગાડીઓ પણ આવતી હોય… ધ્યાનથી ગાડી ચલાવવી જોઇએ.. પણ નહીં જરાક જગ્યા મળે કે વિમાનની જેમ ગાડી ઉડાવવાની.. કોણ જાણે શું સમજે છે પોતાને?' પહેલો ઘા રાણાનો એમ સમજીને સામે વાળો ચઢી બેસે એ પહેલાં જ ગઝલએ તેને વાંકમાં લઇ લેવાની પેરવી કરી.


'મેડમ, મારી સ્પીડ નોર્મલ જ હતી, તમે લેનથી બહાર આવ્યા.'


'અરે ભાઈ, મારી કાર લેનમાં જ હતી પણ આગળ વાળાએ અચાનક બ્રેક મારી તો હું શું કરુ? ઠોકી દઉં એને? મારી ગાડી જરાક એવી જ બહાર કાઢી હતી… તમારી સ્પીડ નોર્મલ હોત તો કંઈ થયું જ ન હોત ને? પણ તમે તો દોઢસો બસ્સો પર આવતા હતાં..' ગઝલ ઢીલું છોડવા માંગતી નહોતી.


'દોઢસો બસ્સો..!??' રઘુ આશ્ચર્યથી બોલ્યો.


'હા નહીં તો શું… કેટલી ભયંકર સ્પીડમાં આવતા હતા તમે… આ તો સારું થયું અમે બ્રેક મારી.' હવે નીશ્કા ગઝલનાં બચાવમાં ઉતરી.


'અરે મેડમ.. તમને ખબર છે તમે શું બોલો છો?' રઘુ હવે અકળાયો હતો.


ઘણી વારથી બહાર મગજમારી ચાલતી હોવાથી શું થયું છે એ જોવા પેલો પણ કારમાંથી બહાર આવ્યો.


'રઘુ… શું થયું? એ ગુસ્સાથી બોલ્યો.


'અરે સર, એક તો ગાડી ઠોકી.. આપણી હેડલાઈટ તોડી ને ઉપરથી આપણો વાંક કાઢે છે આ છોકરીઓ..'

પેલાની નજર ગઝલ પર પડી.. ગજબનું રૂપ.. સુંદર કથ્થઈ આંખો.. ગોરો રંગ.. હવામાં ઉડતી ઝૂલ્ફો.. એ ઝૂલ્ફોની એક લટ વારેઘડીએ ઉડીને ગઝલના ચહેરા પર આવી જતી હતી.. ફરી ફરીને એક હાથે એ લટને કાન પાછળ ગોઠવતી હતી.. ગુસ્સાથી ગઝલનુ નાક લાલ થઈ ગયું હતું… તે ગઝલનાં સૌંદર્યમાં ખોવાઇ ગયો..


'એય.. એય.. ગાડી તમે ઠોકી સમજ્યાં.. અમે તો બરાબર જ ચલાવતા હતા.. લાઇસન્સ કોણ આપે છે તમારી જેવાને? કોણ જાણે લાઈસન્સ હશે કે નહીં… શો મી યોર લાઈસન્સ..' ગઝલનું ફાયરીંગ ચાલુ જ હતું..


પાછળથી કોઈએ હોર્ન મારતા પેલો ભાનમાં આવ્યો

'આઇ એમ સોરી..' એ બોલ્યો.


'વ્હોટ?' ગઝલ મૂંઝવણથી એની સામે જોઈ રહી.

આંખો પર બ્રાંડેડ ગોગલ્સ, થ્રી પીસ ગ્રે સૂટ, ગ્રીક ગોડ જેવી જૉ લાઈન, સીધુ નાક, સિલ્કી હેર, હાથમાં બ્રાંડેડ વૉચ, સ્નાયુબધ્ધ કસરતી બોડી, છ ફુટ હાઈટ.. જબ્બરદસ્ત પર્સનાલિટી હતી એની.


'આઇ એમ સોરી.. આ રઘુની જ બધી ભૂલ છે. તેના તરફથી હું તમારી માફી માંગુ છું.' એટલું બોલીને એણે આંખો પરથી ગોગલ્સ ઉતાર્યા અને ગઝલની સામે જઇને ઉભો રહ્યો.


ગઝલ તેની સામે નાજુક ઢીંગલી જેવી લાગતી હતી, તે એની સામે જોઈ રહી, થોડી ક્ષણો બેઉ એકબીજાની આંખોમાં ખોવાયા.


'ઇટસ્ ઓકે.' નીશ્કા વચ્ચે બોલી ત્યારે બંનેની આંખોનુ તારામંડળ તૂટ્યું.


'હમ્મ.. તમારા ડ્રાઈવરને સરખી રીતના ગાડી ચલાવવાનું કહો.. નહીતો કોઈનો જીવ લેશે એ..' ગઝલ હજુ વાતનો તંત મૂકવા નહોતી માગતી.


'ચોક્કસ મેડમ, હું કાલથી જ એને ડ્રાઈવિંગ સ્કૂલ જોઇન કરવાનું કહી દઇશ, એટલે એકદમ સરખી ગાડી ચલાવતા શીખી જાય.' તે એકદમ વિનમ્રતાથી બોલ્યો.


'ડ્રાઈવિંગ સ્કૂલ?' રઘુ મનમાં બોલ્યો.

રઘુ બિચારો બાઘાની જેમ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. જે માણસે એની જીંદગીમાં કોઈની માફી નહોતી માંગી આજે એ માણસ પોતાની કોઈ ભૂલ વગર આ છોકરીની માફી માંગી રહ્યો હતો.


'ગુડ.. ' ગઝલ એટિટ્યુડથી બોલી.


'તમારુ નામ?' પેલો બોલ્યો.


'સ્ટ્રેંજર્સને અમે નામ નથી કહેતા.' ગઝલએ એક હાથે ઝટકાથી પોતાના વાળ પાછળ ધકેલ્યા અને ગાડીમાં બેસીને નીકળી ગઈ.

.

.

ક્રમશઃ