Kasak - 13 books and stories free download online pdf in Gujarati

કસક - 13

આ રવિવાર કવન માટે જલ્દી આવ્યો.કવન અને આરોહી ફરીથી મળ્યા.

આરોહી એ વાત ની શરૂઆત રમૂજથી કરી, તે કદાચ આજે રમૂજ ના મૂળ માં હતી.

"પ્રેમ શું છે?,કવન"

"કેમ આરોહી આજે કોઈ રોમેન્ટિક ફિલ્મ જોઈ કે શું?"

આરોહી હસવા લાગી અને તેણે તેના હાથમાં રહેલું પુસ્તક ઊંચું કર્યું જે તેણે પહેલા અઠવાડીયાએ મળ્યા ત્યારે લીધું હતું.ત્યારે આરોહી અને કવન લાયબ્રેરીમાં પ્રથમ વાર મળ્યા હતા.

"ઓહહ..તો આજે તારા માથે આ પુસ્તક ના કારણે પ્રેમ સવાર છે?"

"હા, ખૂબ સારું પુસ્તક છે. તે દિવસે તે બરોબર જ કીધું હતું કે મારે જાતે કઈંક નવું શોધવું જોઈએ."

"હા, આભાર તમારો."

"તો બોલ પ્રેમ શું છે?"

"મને નથી ખબર આરોહી મેં આ પુસ્તક નથી વાંચ્યું.?"

કવને વાત હસી ને ટાળી દીધી.

"અરે પ્રેમ જાણવા માટે પુસ્તક વાંચવું થોડી જરૂરી છે. તે જીવનમાં તો ક્યારેક અનુભવ કર્યો જ હશે ને ?, શું તને ક્યારેય કોઈ છોકરી નથી ગમી.જેમ કે જ્યારે તું મેડિકલ કોલેજ માં ભણતો હતો અને તારા કોલેજના પ્રથમ દિવસે કોઈ છોકરી તારા કલાસ માં આવી હોય અને તને તે ગમી હોય અથવા તો કોઈ તારાથી નાની છોકરી ગમી હોય જેમ કે તારી જુનિયર."

કવન આ સાંભળી ને દુખી હતો દુખ હતું તે વાત નું જે તે જાહેર કરી શકે તેમ ના હતું છતાંય તેની બાળક જેવી વાતો પર હસવા થી વિશેષ તેની પાસે બીજું કશું જ ના હતું.

"ના,મારે તો એવું કોઈ દિવસ નથી થયું."

જીવનમાં કોઈને એવો દિવસ ક્યારેય ના આવે કે તમને જે છોકરી ગમતી હોય તે તમને પૂછે કે "શું તને કોઈ છોકરી ગમે છે?" તે દરેક સવાલ જેને દુનિયા દોષ દેવા માંગે જેને દુનિયા અતિશય કોસવા માંગે છે તે બધીજ લાગતી વળગતી કેટેગરી માં આવતો સવાલ છે આ.

આરોહી એ દલીલ કરતાં કહ્યું "તું ખોટું કહી રહ્યો છે."

"હું શું કરવા ખોટું કહું, અચ્છા તારે કોઈ દિવસ એવું થયું છે?"

કવન જે પ્રશ્ન પૂછી રહ્યો હતો તેમાં સૌથી વધુ નુકસાન કવન નું હતું.જો હા પાડી દેત તો પણ અને ના પાડી દે તો પણ.જો હા પાડી દે તો,જરૂર તેના પગ નીચેથી જમીન ખસી જાત અને ના પાડી દે તો તે આટલા સમયથી જે મહેનત કરી રહ્યો હતો તે પાણી માં હતી.

"ના મારે એવું કોઈ દિવસ નથી થયું.આમ પણ મને એવું નથી લાગતું કે તે આટલું જલ્દી થશે."

"કેમ?"

"કારણકે મેં જે વાર્તા વાંચી છે તેમાં તો બંને પ્રેમી ઓ ખૂબ આદર્શ હોય છે અને મને નથી લાગતું કે હું અત્યાર સુધી તેવી આદર્શ પ્રેમી બની શકી છું અને ના તો મને કોઈ એવું દેખાયું જે આદર્શ પ્રેમી હોય."

"તો તારા મત મુજબ આદર્શ પ્રેમી કેવા હોય?"

"તે તો મને પણ નથી ખબર કવન, પણ હું તને વાત કહું તે ધ્યાનથી સાંભળજે.જેમ નવલકથાઓમાં,જેમ વાર્તા ઓમાં,જેમ કવિતાઓમાં પ્રેમ કેટલો મહાન હોય છે.પણ તું જ વિચાર આજની આ દુનિયામાં તેવો પ્રેમ તને કદી દેખાય છે?, માનું છું કે વાર્તાઓ, નવલકથાઓ અને કવિતાઓ,કાલ્પનિક હોય છે પણ છતાંય કાલ્પનિકતા એ વાસ્તવિકતા માંથી જ નીકળેલું એક સ્વરૂપ છે. જેમ અરીસો ગંદો હોય તો આપણને એમાં આપણું દ્રશ્ય આછું દેખાય છે તેમ આજના જમાનામાં પ્રેમ એક એવો એવો અરીસો થઈ ગયો છે જેમાં આપણે બિલકુલ આપણું મોઢું નથી જોઈ શકતા.એટલે કહેવાનો મતલબ કે આ દુનિયા એ આ પ્રેમનામના એક અરીસાને એટલો ગંદો કરી નાખ્યો છે કે તેમાંથી હવે પરાવર્તિત થઈને કંઈ નથી આવતું."

"વાહ આરોહી તારે તો પ્રેમ ઉપર ભાષણ દેવા જેવું છે. કેટલું સરસ બોલે છે તું."

કવને હસી ને તાળી પાડી જે આરોહી ને ના ગમ્યું તે ચૂપ રહી.

"માફ કરજે આરોહી મેં કઈં ખોટું કર્યું હોય તો, મને તારી ભાવના ઓની કદર છે."

આરોહી હસવા લાગી

"હા, હું સારું બોલું છું,હું એક વક્તા બની શકું,પણ મેં જે કહ્યું તે હકીકત છે."

"હા, તું ખૂબ સારું બોલે છે.પણ તેવું તો નથી કે અરીસા નો દરેક ખૂણો ખરાબ હોય,મારો કહેવાનો મતલબ કે કેટલાક લોકો સારા પણ હોય છે."

"ખબર છે..અત્યારે દુનિયામાં જે લોકો પ્રેમ કરે છે. તે માત્ર દેખાવ પૂરતો છે.અત્યારે લોકો પ્રેમ એટલે કરે છે. કારણકે અમુક વય પછી તેમને તેવું લાગે છે કે આ દુનિયામાં તેઓ ખૂબ એકલા છે.પછી તેમને પ્રેમ મળી જાય છે.તે પ્રેમને ખૂબ સરળતાથી સ્વીકારે છે. પછી જેમ જેમ દિવસો જાય છે.તેમ તેમ પ્રેમ પણ એક હવામાં મુકેલા બરફની જેમ પીગળતો જાય છે ફરીથી તે પાણીની જેમ તે દુનિયામાં એકલો રહી જાય છે.પછી તે ફરીથી બરફ થવા મથે છે.આમ આખી દુનિયા આનું અનુકરણ કરે છે."

"પણ છતાંય કેટલાક એવા ઉદાહરણ પણ છે પ્રેમના જે એક આદર્શ યુગલ તરીકે વર્તે છે."

"જેમ કે…?"

"જેમ કે.." તેણે થોડું વિચાર્યું.

કવને થોડું વિચાર્યું પણ તેને મગજમાં ના આવ્યું પણ તેને જવાબ દેવો આવશ્યક હતો તેથી તેણે ફટાફટ કહ્યું.

"જેમ કે સુહાસ અંકલ અને આરતી આંટી જોઈલે."

"ઓહ,તું તેમને કેટલા સમયથી જાણે છે?"

"બસ હમણાં થી જ.."

"તે એક આદર્શ યુગલ નથી પણ તે એક સારા એકટર છે.જે પોતપોતાના લગ્નને દુનિયાની સામે સુંદર રીતે ભજવે છે.જે કોઈના ભજવી શકે. હું તો આટલા વર્ષોથી તેમની સાથે રહું છું.તો મને તો ખબર જ હોય ને.."

"તો તેમની વચ્ચે પણ પ્રોબ્લેમ હોય છે?"

"હા, બધા ને હોય છે,તેમની વચ્ચે પણ કેટલાક પ્રોબ્લેમ છે.જો કે તેમાં મેં કોઈ દિવસ વચ્ચે આવવાની કોશિશ નથી કરી.તથા તેમણે મને ક્યારેય તેમની સમસ્યા નો ભાગ નથી બનવા દીધી."

"અચ્છા"

"એટલે તો મેં કહ્યું કે તે ખૂબ સારી રીતે પોતાના લગ્ન ભજવે છે.એક સુંદર કલાકાર ની જેમ."

આરોહી ની વાત ઘણા અર્થે સાચી પણ હતી. અમુક ઉંમર પછી દુનિયામાં ઘણા લોકો પોતાના લગ્ન એક કલાકાર ની જેમ ભજવે છે.

"ઓહ.."

હંમેશની જેમ આજે પણ તે બંને બે પુસ્તકો લઈને આવ્યા હતા.જેમાં આજે પણ આરોહી ના હાથમાં લવસ્ટોરી હતી.

"આરોહી જો તને આ પ્રેમ નથી ગમતો તો પછી તું વધુ લવસ્ટોરી કેમ વાંચે છે?"

"મને પ્રેમ રિયલ લાઈફમાં નથી ગમતો પણ પુસ્તકોમાં તો ગમે છે.તેજ સર્વશ્રેષ્ઠ છે.ઉપરાંત મને રિયલ લાઈફમાં પણ પ્રેમ ગમે છે.પણ મને તે પ્રેમ ભજવનાર પાત્રો નથી ગમતા."

તેણે શું કહ્યું તે કવનના સમજની બહાર હતું.આરોહી ક્યારેક એવું કહી જતી જે તેના સમજની બહાર હોય કારણકે તેનું વિચારવાનું ઘણી વખત તદ્દન વિચિત્ર હતું.

"આરોહી ચાલ રિવરફ્રન્ટ જઈએ."

આરોહી એ થોડું વિચાર્યું અને પછી તેણે તરતજ હા પાડી દીધી.

ઉનાળાની ઋતુની શરૂઆત હતી.સાડા પાંચ થયા હતા.બંને રિવરફ્રન્ટ પર ચાલવા જવા માટે સીડી ઉતરીને નીચે આવ્યા.બંને ચાલવા લાગ્યા.

"આરોહી આજે તે મને પ્રેમ વિશે ઘણું સમજાવ્યું."

"હા, પણ તે મને તે બાબતે કોઈ જવાબના આપ્યો."

"એટલે મેં શું કર્યું?"

"તારી નજરે પ્રેમ શું છે?"

"આમતો મેં કોઈ દિવસ તારી જેમ ઊંડાણ માં વિચાર્યું નથી પણ હું તેટલું ચોક્કસ કહીશ કે પ્રેમ આપણે આપણી નજરે જોઈએ તેટલો પણ ખરાબ નથી.બસ આપણે તેને ઘણી વાર સમજવામાં ભૂલ કરીએ છીએ."

આરોહી ચૂપ હતી.તે કશું કહેવા માંગતી નહોતી.

"અરે હા, કવન મારે તને એક કામ સોંપવાનું છે."

"શું?"

"આમતો આ યોગ્ય ના કહેવાય પણ હું તને કહું છું.મમ્મીને એટલેકે આરતીઆંટીને આવતા શનિવારે તેમના ટ્રસ્ટ ના એક અનાથ આશ્રમના ત્રણ વર્ષ પુરા થવાની ખુશીમાં ચીફ ગેસ્ટ તરીકે જવાનું છે અને તેમને બસ ત્યાં એક નાનકડી સ્પીચ દેવાની છે બસ નાનકડી જ."

"તો.."

"તો તારે તે સ્પીચ લખીને દેવાની છે."

"પણ મને સ્પીચ લખતા થોડી આવડે છે?"

"તું કરી શકીશ,તું આટલું બધું વાંચે છે તો તારી પાસે સુંદર શબ્દભંડોળ છે.તો તારે આ કામ કરી દેવું પડશે."

"પણ.."

"પણ બણ કાંઈ નહીં બસ તારે લખવાની છે."

આરોહી તેની પર હક જતાવતી હોય તેમ કહ્યું.હવે તે તેને ના કહી શકે તેટલી હિંમત તેનામાં નહોતી.ઉપરાંત તેને થયું કે સ્પીચ લખવી ક્યાં બહુ મોટી વાત છે.

"ઠીક છે હું લખી દઈશ."

"અને તું તારી સ્પીચ સાંભળવા આવીશ ને?"

"હા,હું આવીશ."

"ઠીક છે તો હું મમ્મી ને કહીશ કે તું તેમને સ્પીચ લખી દઈશ."

આરોહી ખુશ હતી અને તેને જોઈને કવન પણ ખુશ હતો.જો અત્યારે આરોહી સમજી શકત કે પ્રેમ શું છે.તો તે તેને અત્યારે જ ગળે લગાવી લેત અને કહેત કે પ્રેમ આ છે. પ્રેમમાં જે તમે અત્યાર સુધી નથી કર્યું તે પણ કરી છૂટો છો અને કોને ખબર કે તે તમારી ઓળખ બની જાય.

સાંજ ધીમે ધીમે આરોહી અને કવનની વાતો માં બહુ રમણીય બની ગઈ હતી.

ક્રમશ

માફ કરશો મિત્રો કેટલાક સમયથી મારા અંગત કારણો સર હું આગળના ભાગ રજુ નહોતો કરી શક્યો રાહ જોવા માટે આભાર અને રાહ જોવડાવવા માટે હું માફી માંગુ છું.આપને અત્યાર સુધી ની વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો.આપનો આભાર...