old age High thinking books and stories free download online pdf in Gujarati

છોટી ઉમર. ઉંચી સોચ

હું ઘણો ખુશ અને ઉત્સાહિત હતો.માથેરાનના રમણીય અને કુદરતી વાતાવરણે મને ઘણો જ આનંદિત કરી દીધો હતો.પહેલી જ વાર કુદરતના સાનિધ્યને જાણે મે માણ્યું હતુ.
કુદરતની એ હરિયાળી ગોદમા અનેરુ વાત્સલ્ય હતુ.ઘોડા પર બેસીને ત્યાંના બધા તો નહી પણ.અડધા પોઇન્ટ જોયા.
જીવનમાં પહેલી જ વાર ઘોડે સવારી કરી.ખરેખર ખૂબ મજા આવી પૈસા ખર્ચ્યા પણ વસૂલ થયા એવું લાગ્યુ.
વરસોવા ઘરે આવ્યો અને મારા એક મિત્ર જે આજે તો હયાત નથી.પણ એના પુત્ર સલીમ સાથે પણ મારા રિલેશન મિત્રના ગયા પછી પણ અકબંધ છે.એની સાથે મેં માથેરાન પ્રવાસનો અનુભવ અને આનંદ શેર કર્યા. એ પણ સાંભળીને ખુશ થયો.
"સારુ થયુ અંકલ તમે ફરી આવ્યા તે."
વહુ.એટલે કે તેની પત્ની પરીન પણ ખુશ થઈ.મેં તેને કહ્યુ.
"સલીમ તુ પણ પરીન અને ઈકરાને લઈને જજે બહુ મજા આવશે.પૈસા ખાલી જમા ના કરાય.એને આપણા મોજશોખ માટે કયારેક વાપરવા પણ જોઈએ."
સલીમને હુ થોડોક કંજુસ સમજતો હતો.એટલે મે આ કટાક્ષ કર્યો હતો. મારી વાત સાંભળીને એણે મીઠુ સ્માઇલ આપ્યુ.
"હા અંકલ ક્યારેક જરૂર જઈશ."
એણે નરમાશથી જવાબ આપ્યો.
થોડાક દિવસ પછી શબેબારત હતી. સાંજે સલીમ નો ફોન આવ્યો.
"અંકલ ટાઈમ હોય તો ઘરે આવો ને."
"કઈ અરજન્ટ છે?"
મેં પૂછ્યુ.
"ના એવું કાંઈ નથી પણ આવો ને."
એણે આગ્રહ કર્યો.
"ઠીક છે આવું છુ."
મેં કહ્યું ને પછી એના ઘરે ગયો.થોડીક કેમ છે કેમ નહીં ની ઔપચારિક વાતો પછી એણે કહ્યુ.
"અહીં સકીના યતીમ ગર્લ્સ હોસ્ટેલ છે ત્યાં જવું છે.આવો છો મારી સાથે?"
"વરસોવામા યતીમ ગર્લ્સ હોસ્ટેલ છે?"
મેં પૂછ્યુ.જવાબમા સલીમે સ્માઇલ કરતા કહ્યુ.
"તમને ખબર નથી?"
"ના."
અને પછી મારા સ્વભાવ પ્રમાણે મારાથી મજાકમા બોલાઈ ગયુ.
"કેમ ઈકરાને મુકવા જવું છે?"
એને મારી મજાકથી ખરાબ લાગવુ જોઈએ પણ એણે ન લગાડ્યું.પોતાના હાથે પોતાના બંને ગાલ ઉપર ટપલી મારતા બોલ્યો.
"તોબા.તોબા.ઈકરાને આ દિવસ અલ્લાહ ન દેખાડે."
મને પણ લાગ્યું મારાથી અજુગતુ બોલાઈ ગયું છે.મે વાતને વાળવાની કોશિષ કરી.
"નાના બચ્ચા મસ્તી કરતા હોય ત્યારે આપણે એને ધમકાવીએ છીએ ને કે મસ્તી કરીશ તો બોર્ડિંગમાં મૂકી દઈશ.એટલે એ બહુ મસ્તી તો નથી કરતી ને."
"નહી.નહી.એ તો બહુ જ સીધી અને ડાય છે.અને સર્કીના ગર્લ્સ હોસ્ટેલ એ એક યતીમખાનુ છે."
સલીમે ખુલાસો કર્યો.
"ચાલો અંકલ જઈશુ? તમે ઈકરાને લઈને સ્કૂટરની પાછળ બેસી જજો ફાવશે ને?"
મેં કહ્યુ.
"હા ફાવશે."
કહી હુ ઈકરાને લઈને એની પાછળ બેઠો.
સલીમ પહેલા ઍક ક્રિશ્ચન હેન્ડીકેપ હોમમાં લઈ ગયો.આ અમારા ઘરથી માંડ એકાદ કિલોમીટરના અંતરે હોવા છતાં મને એની જાણ પણ ન હતી.
અમે ત્રણે કમ્પાઉન્ડ પાસે પહોંચ્યા કમ્પાઉન્ડનો દરવાજો અંદરથી બંધ હતો.આથી સલીમે અવાજ દીધો.
"સિસ્ટર.સિસ્ટર."
એક સિસ્ટરે આવીને દરવાજો ખોલ્યો.
એમા એકાવન મંદબુદ્ધિના બાળકો હતા.અને એમની દેખરેખ માટે નવ સભ્યોનો સ્ટાફ હતો.
સલીમ અવારનવાર અહી આવતો હશે.કારણ કે એ બધાથી પરિચિત હોય એ રીતે એમની સાથે વાતો કરતો હતો. અને એમના સમાચાર પૂછતો હતો.
જે પણ મળતા એમની સાથે ઇકરાને હાથ મિલાવવાનું કહેતો.ઈકરા એની બે વર્ષની પુત્રી હતી.એ પણ અહીં આવીને ખુશ દેખાતી હતી.
સલીમે ત્યાની સંચાલિકાના હાથમા ડોનેશન નુ કવર મૂક્યુ. એ એણે
"થેન્ક્યુ"
કહીને લઈ લીધુ.
ત્યાથી અમે બહાર નીકળ્યા.મે એને પૂછ્યુ.
"તુ ગર્લ્સ હોસ્ટેલનું કહેતો હતો ને?"
"હા.એ નજીકમાં જ છે.હવે આપણે ત્યાં જઈશું."
પછી એ આગળ બોલ્યો.
"અંકલ હું વર્ષમાં ચાર વખત.આ બધા હેન્ડિકેપ બચ્ચાઓને જમાડુ છુ. આપણા ઘરની સામે દિલાવર લોજ છે. એને પૈસા આપી દવ એટલે એ લોકો અહીં જમવાનું પહોંચાડી દે.જે દિવસે અહીં જમવાનું મોકલવું હોય એના એક દિવસ પહેલા હું ફોન કરીને જાણ કરી દઉ.અને પૂછી પણ લવ કે શું ખાવું છે? મેં ગઈકાલે આ પૂછવા માટે ફોન કર્યો હતો.તો તેમણે કહ્યું કે આ વખતે અમને જમવાનું નહીં પણ આર્થિક જરૂરીયાત છે.માટે મેં એમને કેશ જ આપી." સલીમની વાત પૂરી થઈ.ત્યા સકીના ગર્લ્સ હોસ્ટેલ આવી ગઈ.
ત્યાં એણે પોતાની સાથે લાવેલી થેલી સોંપી અને એક ચિઠ્ઠી એમના હાથમાં આપી ને કહ્યુ.
"આમાં બે મર્હુમ ના નામ છે.એમના માટે દુઆ કરશો.અને બીજી કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજો."
"હા બેટા ચોક્કસ જણાવીશ."
એ માજીએ કહ્યુ.અમે ઘર તરફ રવાના થયા રસ્તામાં સલીમે માહિતી આપી.
"આ હોસ્ટેલમા સતાવન છોકરીઓ છે. એને ભણાવવા વગેરેની જવાબદારી આ હોસ્ટેલ ઉપાડે છે.અહીં પણ હું વર્ષમા ચાર વાર આવુ છુ.અને હંમેશા અહીં કેશ આપુ છુ.પણ આ વખતે આ બાયમાએ કીધું કે તમે કેશ આપો છો એના કરતા બચ્ચાવને સ્કૂલની જરૂરિયાતની ચીજો જ લાવીને આપો તો વધારે સારુ.તો મેં લંચ બોક્સ લઈને આપ્યા છે.?"
હું કુતુહલથી સલીમને જોઈ રહ્યો.અને પછી સલીમે જે કહ્યુ એણે મારા આત્માને જાણે ઝંજોડી નાખ્યો.
"અંકલ.તમે કહ્યું હતુ ને કે પૈસા ખાલી જમા ના કર.તો હુ પૈસા ફકત જમા નથી કરતો.કમાઉ છું એમાંથી મારી હેસિયત મુજબ આ રીતે વાપરુ છુ.મને ખબર છે કે દુનિયામાં ઘણું જોવા જેવું છે.પણ એ બધું જોયા પછી શુ?. કદાચ શરીર અને મન રિલેક્સ થાય.પણ રુહનુ શુ?."
હું એ ત્રીસ વર્ષના જુવાનને જોતો રહ્યો. જેના જીવનની હજુ તો શરૂઆત થઈ રહી છે અને એ અત્યારથી પોતાના રુહના માટે ફિકરમંદ છે. મે મારી જાતને એની વિચાર ધારા આગળ વામણી મહેસુસ કરી. ખરેખર આને કહેવાય.

*છોટી ઉંમર. ઊંચી સોચ"