Kasak - 19 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 19

કસક - 19

જયારે મનમાં પીડા થાય ત્યારે મન મૂકી ને રોવી લેવામાં જ સમજદારી છે તેમ જયારે જયારે મનમાં કોઈ ની પ્રત્યે પ્રેમ ઉભરાય ત્યારે તેને કહી દેવામાં જ સમજદારી છે.જો તે કહેવાનું રહી જાય તો તે ખૂબ પીડા દાયક બની જાય છે.

આરોહી અને કવન એકવાર ફરી ખુશ થઈને એકબીજા ને મળતા વાતો કરતા સાથે ફરતા અને તેવું જ દેખાડતા કે તે ખુશ છે.કદાચ તે આ સંબંધથી જ ખુશ હતા.

ત્યારબાદ ગુજરાતીઓ નો પ્રિય તહેવાર નવરાત્રી શરૂ થઈ.કવન અને આરોહીને નવરાત્રી ખૂબ ગમતી પણ બંને ના નવરાત્રી ગમવાના કારણ જુદા જુદા હતા.

એક વાર કવન અને આરોહી રવિવારે નવરાત્રી વિષે વાતો કરી રહ્યા હતા ત્યારે આરોહી એ કવનને કહ્યું

"આ વખતે આપણે એક ગ્રુપમાં સાથે ગરબા ગાવા જઈશું."

તેના મોં ઉપરથી નવરાત્રીની ખુશી સાફ દેખાઈ રહી હતી.

"પણ મને ગરબા ક્યાં આવડે છે?"

"તે તો મને તેમ કેમ કહ્યું કે મને પણ નવરાત્રી ખૂબ ગમે છે."

"હા, ગમે છે પણ મને નવરાત્રીમાં માત્ર ફરવું ગમે છે.મને ગરબા સહેજ પણ નથી આવડતા."

આરોહી આ વાતથી નિરાશ હતી પણ તેણે તરત જ કહ્યું, હું તને શીખવાડી દઈશ.તેમાં શું મોટી વાત છે?

કવન જોરથી હસ્યો અને તેણે કહ્યું " તે જ તો મોટી વાત છે."

આરોહી તે વખતે કંઈ સમજી નહીં પણ કવનને ગરબા શીખવાડતા તેને નાકમાં દમ થઈ ગયો.

જયારે પણ કવન આરોહી ને ગરબા ગાતી જોતો તો તેને થતું કે કદાચ દરેક ગુજરાતી છોકરીઓ ને જન્મથી જ ગરબા આવડતા હશે તો પછી ભગવાને ગુજરાતી પુરુષ સાથે આવો અન્યાય કેમ કર્યો.

નવરાત્રીને થોડા દિવસની વાર હતી.કવને આજ સુધી કોઈ દિવસ નવરાત્રી માટે ખરીદી નહોતી કરી તેને પહેલીવાર ખબર પડી કે નવરાત્રી માટે પણ ખરીદી થાય છે.સ્વાભાવિક હતું કે તેની કોઈ બહેન નહોતી નહીતો તે જાણી જાત.જેટલી આરોહી કવનને ગરબા શીખવાડી ને થાકી ગઈ હતી.તેટલુંજ કવન આરોહીને શોપીંગ કરાવીને થાકી ગયો હતો.જો કે બંને એ દરેક દિવસ માટે ખરીદી કરી હતી અને બધા દિવસ માટે મેચિંગ કપડાં લીધા હતા.આરોહી કપડાં ના બાબતે બહુજ સખત અને તેટલીજ શોખીન પણ હતી.તેણે કવનને દરેક દિવસ માટે અલગ અલગ કુર્તા પસંદ કરાવ્યા હતા.

કવન પહેલી વાર નવરાત્રિને કઈંક નવી રીતે મનાવી રહ્યો હતો.

જયારે બધી શોપિંગ પછી કવન અને આરોહી સુહાસઅંકલ ના ઘરે પણ ગયા અને તેમને સર્વે વસ્તુઓ આરોહીએ ખૂબ ઉત્સાહથી બતાવી સુહાસ અંકલ અને આરતીઆંટી ખૂબ ખુશથયા.આરોહી લગભગ એક મહિના બાદ સુહાસ અંકલ અને આરતી આંટી ને મળવા આવી હતી.કવન અને આરોહી બંને પણ ખૂબ ખુશ હતા.સુહાસ અંકલ અને આરતી આંટી એ બંને ને આજે જમીને જવા કહ્યું.

સુહાસઅંકલ અને આઆરટીઆઇ આંટી તે જાણતા હતા કે કવન અને આરોહી બંને ખૂબ નજીક ના મિત્ર છે. તે બંને તેમના ઘરમાં પણ ઘણીવાર સાથે રહે છે.પણ તેમણે કોઈ દિવસ તે વાત નો કોઈ વિરોધ કે ટકોર નહોતી કરી તે જાણતા હતા કે બંને સમજુ છે. જો તે મિત્રતાથી આગળ વધશે તો પણ કોઈ ના ભવિષ્યને નુકસાન નથી.ઉપરાંત તે જાણતા હતા કે જો તે બંને વચ્ચે જો મિત્રતાથી કોઈ વધુ સંબંધ હોત તો આરોહી તેમને કહી દેત. તેમણે ક્યારેય આરોહી પણ કોઈ દબાણ કે કોઈપણ વસ્તુ પર ટોકવાની જરૂર નહોતી સમજી.

નવરાત્રી આવી ગઈ હતી અને કવન પણ સારા એવા ગરબા આરોહી પાસેથી શીખી ગયો હતો.તે બંને રોજ સાથે જ ગરબા ગાતા.ઘણીવાર વિશ્વાસ અને કાવ્યા પણ સાથેજ આવતા.નવરાત્રી પુરી થતા થતા કવન પણ સારા એવા ગરબા શીખી ગયો હતો.આરોહીને પણ તેની મહેનત રંગ લાવી હોય તેવું લાગ્યું.પણ મજા બસ હજી જામી જ હતી કે નવરાત્રી પતી ગઈ.કવનને લાગ્યું કે આ વખતે તેની જીવનની સર્વશ્રેષ્ઠ નવરાત્રી ગઈ છે.કદાચ હવે જીવનની બધીજ નવરાત્રી આવી જ જશે.

નવરાત્રી પુરી થયા બાદ એક વખત કવન અને વિશ્વાસ ત્યાં બેઠા હતા જ્યાં તે હંમેશા બેસતા હતા.વિશ્વાસે કવનને પૂછ્યું.

"તો હવે તું આરોહીને ક્યારે કહીશ?"

"શું?"

કવન તેવી રીતે કહી રહ્યો હતો જાણે તેને કંઈજ ખબર નહોતી.

"તો તને નથી ખબર હું શેની વાત કરી રહ્યો છું?"

વિશ્વાસે મજાક માં પણ થોડા ગુસ્સામાં કીધું.

"હા, હું જાણું છું.તું શેની વાત કરી રહ્યો છે.પણ હવે હું ખરેખર તેને કહેવાજ નથી માંગતો."

"કેમ?"

"કારણકે મને લાગે છે કે અમે આમજ ઠીક છીએ.જો કુદરત ઈચ્છસે તો જાતેજ કંઈક રસ્તો નીકળશે."

"તું ડરે છે.તારે તેને કહી દેવું જોઈએ.તું કહેતો હોય તો હું કાવ્યા ને કહું.તે તારી મદદ કરશે."

"બિલકુલ નહીં….તે બધી વાત જવાદે કઈંક બીજી વાત કર...વિશ્વાસ."

કવને વાત નો મુદ્દો બદલ વાની કોશિષ કરી..

ઘણી વાર આપણે તે વાતોથી ભાગીએ છીએ જે વાતોનો આપણને છૂપો ડર હોય છે કે ક્યારેક ને ક્યારેક તે આપણી સામે આવીને એક પ્રશ્ન બનીને ઉભો રહેશે.

તે દિવસે વાતો નો મુદો બદલાઈ ગયો હતો,પણ ખરેખર વાતો ને બદલવાથી જીવન બાદલાઇ જતું હોત તો સારું જ હતું.જો તે જ વાતો ચાલુ રહી હોત તો કદાચ જીવન બદલાઈ જાત.

આપણે ખરેખર જુના જીવનથી કંટાળેલા અને ટેવાયેલા પણ છીએ પછી તે ભલેને ગમે તેટલું સુંદર હોય કે ગમે તેટલું અસ્તવ્યસ્ત હોય.કવન નું સુંદર હતું છતાંય અસ્તવ્યસ્ત હતું.

ક્રમશ

વાર્તા ને ખુબ પ્રેમ આપવા બદલ આભાર.આપને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો.આપના પ્રતિભાવો મારી માટે અગત્ય નો છે.આપને વાર્તા પસંદ આવી હોય તો આપ માતૃભારતી,ઇન્સ્ટાગ્રામ,ફેસબુક અને વૉટ્સએપ પર જરૂર થી સ્ટોરી મૂકી ને લોકો ને જણાવશો.

આપનો આભાર..

Rate & Review

Khyati Pathak

Khyati Pathak 2 months ago

Sharda

Sharda 5 months ago

Jalpa Navnit Vaishnav
Kuldeep Sompura

Kuldeep Sompura Matrubharti Verified 5 months ago

bhavna

bhavna 5 months ago