Does the child lie? He's afraid of you, either copying you!!! books and stories free download online pdf in Gujarati

બાળક જૂઠું બોલે છે ? તે તમારાથી ડરે છે, કાંતો તમારી નકલ કરે છે!!!

બાળક જૂઠું બોલે છે ? તે તમારાથી ડરે છે, કાંતો તમારી નકલ કરે છે!!!!!


આપણાં બાળકોને જૂઠું બોલતાં અટકાવતાં પહેલાં માતા પિતા કે શિક્ષકોએ તેમની આગળ ખોટું બોલતાં અટકવું પડશે! ઘર હોય કે સ્કૂલ...બાળકોને હંમેશાં શીખવાડવામાં આવે છે કે ક્યારેય ખોટું ના બોલવું જોઈએ. જોકે આમ છતાં કેટલાક બાળકોને ખોટું બોલવાની ટેવ પડી જતી હોય છે. બાળકો નાની-નાની વાતમાં ખોટું બોલતા હોય છે. વારંવાર ખોટું બોલવાની ટેવ આગળ જતા મોટી સમસ્યા બની જાય છે. સામાન્ય રીતે 3થી 7 વર્ષના બાળકો થોડું વધારે ખોટું બોલતાં હોય છે કારણ કે આ ઉંમરના બાળકો સાચા-ખોટાં વચ્ચેનો ભેદ નથી સમજી શકતાં. તેઓ પોતાની કલ્પનાને શબ્દોમાં પરોવીને બીજાને કહીને સત્યનું રૂપ આપી દે છે.


બા‌ળકોમાં કેમ પડે છે કુટેવ?

દરેક માતા-પિતા બાળકોને સાચું બોલવાનું શીખવાડે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બાળકો ખોટું શા માટે બોલે છે? સાઇક્યિાટ્રિસ્ટના મત પ્રમાણે બાળકોની ખોટું બોલવાની ટેવમાં ક્યાંકને ક્યાંક તેમના પેરેન્ટ્સ જવાબદાર હોય છે. જ્યારે કોઈ બાળક માતા-પિતાની અપેેક્ષા પર ખરું ઉતરતું નથી ત્યારે તેને પોતાના જ પેરેન્ટ્સથી ડર લાગે છે. સજા અને નિંદાથી બચવા માટે તેઓ ખોટું બોલે છે. પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા, પોતાનો સામાન યોગ્ય જગ્યાએ મૂકવો તેમજ માતા-પિતાની દરેક સૂચનાનું પાલન દરેક માતા-પિતા માટે શક્ય નથી હોતું. આથી એક ભૂલ કર્યા પછી તેઓ ડરના માર્યા ખોટું બોલી દે છે. અમુકવાર તો આજુબાજુના લોકોને જોઈને પણ આ ટેવ પડે છે. આવી રીતે પકડાય છે

બાળક ખોટું બોલે છે તે તરત ખબર પડે:

બાળકનું જૂઠ બાળકનો ચહેરો બહુ પારદર્શક હોય છે અને જો તે ખોટું બોલી રહ્યું હોય તો ચહેરા પરના હાવભાવથી આ વાતની તરત ખબર પડી જાય છે.
જ્યારે પણ તમને લાગે કે બાળક ખોટું બોલી રહ્યું છે તો તેના ચહેરાને ધ્યાનથી જુઓ. ખોટું બોલતી વખતે તેના હાવ-ભાવ એકદમ બદલાય જાય છે. ખોટું બોલનારા બાળકો સામેવાળાની આંખમાં આંખ નાખીને જોઈ શકતા નથી. તેઓ આમ-તેમ જુએ છે અથવા તો કપડાં સાથે રમે છે. ઘણીવાર તેમને પરસેવો પણ આવે છે. જ્યારે પણ બાળક ખોટું બોલે છે ત્યારે તેઓ એકની એક વાત વારંવાર કહે છે. તે સ્વ બચાવ કરે છે. તે પોતાની ભૂલ ન સ્વીકારતાં બીજાં પર ઢોળે છે. તેમને લાગે છે કે તેમની વાત સાચી છે. જ્યારે તમે વાત બદલો છો તો રિએક્શન પણ બદલાય જાય છે. આવું થાય તો સમજી લો કે બાળક ખોટું બોલી રહ્યું છે.

બાળક શા માટે ખોટું બોલે છે ? :

બાળકોને ખોટું બોલવાનાં ઘણાં બધાં કારણો છે. જેમકે, ડરથી, નિંદાથી, મારની બીકથી, માનસિક બીમારી, અન્ય પર વિશ્વાસ ન હોવાથી, લઘુતાગ્રંથીથી, ઘરમાં વાતાવરણથી વગેરે જેવા અનેક કારણો હોઈ શકે છે, બાળકોને ખોટું બોલવાનાં. વિસ્તારથી જોઈએ તો, ડરથી - ઘણીવાર મા-બાપની બાળક પાસેથી વધુ અપેક્ષા હોય છે અને બાળક તે અપેક્ષા પૂરી કરવામાં સફળ થતું નથી. ત્યારે તે ડરી જાય છે અને તેથી તે વિવિધ કારણોને જવાબદાર ઠેરવીને જુઠ્ઠું બોલે છે.
મારથી બચવા -ઘણીવાર બાળકોને મા-બાપ નાની નાની વાતમાં પણ મારતા હોય છે. બાળકને આ સ્થિતિ પસંદ નથી આવતી. તે મારની પરિસ્થિતિથી બચવા માટે જુઠ નો સહારો લે છે અને કોશિશ કરે છે કે તેનું જૂઠ પણ સાચું માની લેવામાં આવે. પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા - જે બાળકો લઘુતાગ્રંથિથી પીડાતા હોય તે હંમેશા ચાહતા હોય છે કે તેને અગત્યતા મળે. બાળકમાં કોઈ અસાધારણ પ્રતિભા ન હોવાથી તે અન્યની સરખામણીમાં પોતાની જાતને નાનમ અનુભવે છે. તે ચાહતું હોય છે કે તેનું પરિવાર તેને પણ અગત્યતા આપે પરંતુ જ્યારે એવું થતું નથી ત્યારે બાળક જુઠ્ઠું બોલીને પોતાની તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા ચાહે છે અને આ ચાહત તેને ધીરે ધીરે જૂઠ્ઠું બોલવાની આદત તરફ દોરી જાય છે.- અન્ય પર ભરોસો ન હોય ત્યારે - સામાન્ય રીતે બાળક બધા ઉપર ભરોસો કરી લીધું હોય છે પણ જ્યારે કોઈ વ્યક્તિ તેનો ભરોસો તોડે છે ત્યારે ફરીથી ભરોસો કરી શકતું નથી હોતું. ખાસ કરીને પરિવારમાં આવી પરિસ્થિતિ નો ઉદ્ભવ થતો હોય છે. મા બાપ તેને કોઇ પ્રોમિસ આપીને પછી તોડી નાખે ત્યારે બાળક જૂઠ્ઠું બોલતું હોય છે.- જ્યારે ઘરમાં જુઠ નું વાતાવરણ હોય - બાળક સૌથી વધુ વસ્તુઓ તેના પરિવાર પાસેથી અને ઘરમાંથી જ શીખે છે, જો ઘરના સભ્યો જુઠ્ઠું બોલતા હોય તો સ્વાભાવિક રીતે બાળક પણ જુઠ્ઠું બોલતા શીખે છે. ઘણીવાર તેના જૂઠને કારણે તેને ફાયદો થતો હોય છે અને તેથી તે ફાયદો વારંવાર મળે એ લાલચથી પણ બાળક જૂઠ્ઠું બોલે છે.
- માનસિક બીમારી - ઘણા બાળકો માં જૂઠ્ઠું બોલવાની માનસિક બીમારી હોય છે. નિષ્ણાતો અનુસાર એડીએચડી અને કંડક્ટ ડિસઓર્ડર ના કારણે બાળક જુઠ્ઠું બોલતું હોય છે. આવી સ્થિતિમાં બાળકને નિષ્ણાત પાસે લઇ જઇ ચિકિત્સા કરાવવી જરૂરી હોય છે.


બાળકને જૂઠું બોલતાં કેવી રીતે રોકવા :

જ્યારે મા-બાપને ખબર પડે કે બાળક જુઠ્ઠું બોલે છે ત્યારે તેને તરત રોકવું જોઈએ. તેને પ્રેમથી સમજાવવું જોઈએ કે આ ખોટું છે, ખરાબ આદત છે અને જુઠ્ઠું બોલનાર પર કોઈ વિશ્વાસ કરતું નથી. તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી સત્ય જાણવું જોઈએ અને ત્યારબાદ તેને અહેસાસ કરાવવો જોઈએ કે તે સાચું બોલશે તો તે તમને વધારે ગમશે. જેથી બાળક જુઠ્ઠું બોલવાની આદત છોડી દેશે. એક બાબતની ખાસ કાળજી રાખવી - આપણે પણ ગમે તેવાં સંજોગોમાં બાળક સામે કદી જુઠ્ઠુ બોલવું નહીં. બાળકના પહેલાં શિક્ષક તેનાં માબાપ હોય છે અને તે તેમની પાસેથી સૌથી વધારે બાબતો શીખતું હોય છે. જો માબાપને જુઠ્ઠું બોલવાની આદત હોય તો સ્વાભાવિક રીતે બાળકમાં આવે. તેથી જરૂરી છે કે મા-બાપ બાળકની સામે જુઠ્ઠું ન બોલે. બીજું કે, બાળક જ્યારે વાત કરતું હોય ત્યારે માબાપે તેને શાંતિથી અને ધ્યાનથી સાંભળવું જોઈએ. જેથી તેને એ વાત નું ધ્યાન આવે છે કે તે પણ ઘરનો અગત્યનો ભાગ છે. તેની જવાબદારી સમજતા જ બાળક જુઠ્ઠું બોલવાનું છોડી દેશે. ખાસ અગત્યનું એ કે, જો બાળક તમારાથી ડરશે તો તે કદી સાચું નહિ બોલે. તેથી જરૂરી છે કે તેને મારવું કે ડરાવવું ન જોઈએ જેથી તે આસાનીથી સત્ય બોલી શકે. ઘણીવાર બાળકો પ્રશ્નોનો જવાબ આપવામાં એટલા બધા કન્ફ્યુઝ થઈ જાય છે કે હકીકત મોઢા સુધી આવી જાય છે. આ રીતે છોડાવો બાળકની કુટેવ જો તમને એવું લાગતું હોય કે તમારા બાળકને ખોટું બોલવાની ટેવ પડી ગઇ છે તો એને ખીજાવાને બદલે પ્રેમથી સમજાવો. બાળકોને ખોટું બોલવાના ગેરફાયદા જણાવો. સાચુ બોલવાના ફાયદાઓ જણાવો. તેના પ્રશ્નોના સાચા જવાબ આપો અને પ્રેમથી સમજાવો. બાળક સારું કામ કરે તો એના વખાણ કરવાનું ના ભૂલો. બાળકોની વાત પર વિશ્વાસ કરો અને તેની ખોટી આદતોમાં ફેરફાર કરો.