Revenge of Karma books and stories free download online pdf in Gujarati

કર્મનો બદલો



એક રાજા હતા. રાજાને એક સુંદર કુંવર પણ હતા. રાજા સોનાના દાગીના પહેરવાના ખૂબ શોખીન હતા. તેમજ પોતાના કુંવરને પણ ખૂબ સોનાના દાગીના પહેરાવતા હતા. એ સમજી શકાઈ તેવી બાબત છે કે રાજા પાંસે ધન (પૈસા) અને સોનાનો કોઈ જ તુટો નથી હોતો. કુંવર શેરીના અન્ય બાળ મિત્રો સાથે રોજ રમે પણ ખરા. કુંવર જયારે શેરીમાં રમતા હોય ત્યારે પણ સોનાના દાગીના પહેરી રાખતા હતા. કુંવર અને તેના બાળ મિત્રો શહેરની બહાર થોડે દુર આવેલ તળાવની પાળે પણ રમવા માટે રોજ જાય ખરા. તળાવની પહેલા એક નાનું સુંદર મજાનું જંગલ હતું. તળાવે જવા માટે જંગલની અંદર પસાર થઈ અને પછી જ તળાવે જઈ શકાતું હતું.

રાજાના એક ખાસ અને અંગત મિત્ર અને રાજાના પોતાના જ શહેરના નગરશેઠ હતા. નગરશેઠ સોની હતા. નગરશેઠની નજર રાજાના કુંવરે પહેરેલા સોનાના દાગીના ઉપર પડી અને નગરશેઠની દાઢ ગળી. નગરશેઠનો મનસુબો હતો કે જો આ કુંવરે પહેરેલા સોનાના દાગીના મારા હાથમાં આવી જાય તો મારે આખી જીંદગીનું સુખ થઈ જાય, તેમજ મારી આવતી પેઢીને પણ કાંઈ કમાવવાની જરૂરત ના રહે. નગરશેઠે એક યુક્તિ અજમાવી કે જયારે કુંવર તળાવની પાળે રમવા જાય ત્યારે તેની હત્યા કરી નાખવી અને કુંવરે પહેરેલા બધા દાગીના ઉતારી લેવા.

તળાવની પાળે જતા પહેલા એક નાનું જંગલ હતું. તળાવે જવાના રસ્તાની બાજુમાં એક ગરીબ ડોસી જંગલમાંથી ફળ વીણી લાવે અને ત્યાં રસ્તાની બાજુમાં બેસીને ફળ વેંચે. તળાવની પાળે રમવા જતા નાના બાળકો ડોસી પાંસેથી ફળ ખરીદે અને પાળે બેસીને ફળ ખાય અને ત્યાં રમે પણ ખરા. રાજાના કુંવર પણ ગરીબ ડોસી પાંસથી ફળ ખરીદતા અને તળાવની પાળે બેસીને બધા બાળ મિત્રો સાથે ફળ ખાતા અને સાથે રમતા પણ ખરા. નાના બાળકો અને કુંવર સાંજ પડે તે પહેલા પોતપોતાના ઘેરે પરત જતા રહે.
નગરશેઠ (સોની) એ પોતાનો મનસુબો પાર પાડવા માટે આ ગરીબ ડોસીની મદદ લીધી. સોનીએ ડોસીને કહ્યું કે તારે આ કુંવર જયારે તળાવની પાળે રમવા જાય ત્યારે મને જાણ કરવી. બદલામાં ડોસીને અમુક રકમ આપવાનું નક્કી થયું. ડોસી પણ સહમત થયા. તેમજ સોની પણ કુંવરની આવન જાવન પર નજર રાખતા હતા.
એક દિવસ રાજાના કુંવર તળાવની પાળે રમવા માટે ગયા છે તેની જાણ ડોસીએ સોનીને કરી. રાજાના કુંવર તળાવની પાળેથી પરત આવતા હતા ત્યારે, જંગલની અંદર સોનીએ કુંવરની હત્યા કરી નાખી અને બધા સોનાના દાગીના ઉતારી લીધા. તેમજ કુંવરની લાશને થોડે દુર જંગલમાં ફેંકી દિધી.

ગ્રામજનો અને રાજાના લોકોએ જંગલમાંથી કુંવરની લાશ શોધી કાઢી. કુંવરની હત્યાથી થોડા સમયથી રાજા અને સમગ્ર ગ્રામજનો ઉદાસ રહેતા હતા.
જોગાનુજોગ થોડા સમય પછી એ ગરીબ ડોસીનું પણ મૃત્યુ થયું.

સોની હવે ખૂબ ધનવાન થઈ ગયો હતો. પોતાની આવનારી પેઢી પણ હવે સુખરુપે જીવી શક્શે એટલો ધનવાન થઈ ગયો હતો.

સોની મિત્ર રાજા પાંસે ગયો અને ખેદપૂર્વક જણાવ્યુ કે હવે આપના કુંવર તો નથી રહ્યા જેથી મને પણ આ શહેરમાં રહેવા માટે મન નથી લાગતુ. હવે હું અન્ય શહેરમાં રહેવા જવા માટે ઇચ્છા ધરાવું છું તો મને વિદાય આપો. રાજાએ ભારે હ્ય્દયે મિત્ર સોનીને બહાર ગામ રહેવા જવા માટે વિદાય આપી.
સોની અને તેનો પરિવાર અન્ય શહેરમાં સ્થળાંતર થઈ ગયા. હવે સોની અને પોતાનો પરિવાર સુખરુપે પોતાનું જીવન પસાર કરતા હતા. સોનીના ઘેરે એક પુત્રનો જન્મ થયો.

પુત્ર મોટો થયો પણ તે બહેરો અને મૂંગો હતો, તેમજ કાયમીને માટે તે પુત્ર બિમાર જ રહેતો હતો. ખૂબ દવા કરાવી પણ પુત્ર સાજો જ ના થયો. સોની અને તેની પત્ની ખૂબ દુ:ખી રહેતા હતા.

પુત્ર 20 વર્ષનો થયો. સોની અને તેની પત્નીએ વિચાર્યુ કે જો આ મારા પુત્રના લગ્ન કરી નાખીએ અને જો તેની પત્નીના કારણે તેઓનો પુત્ર સાજો થઈ જાય તો સારું રહેશે. પુત્ર બિમાર જ રહેતો હોવાથી તેના લગ્નનું પાત્ર પણ તેવું જ મળે. અને આર્થિક રીતે સુખી સંપન હોવાથી તેઓને પુત્ર માટે કન્યા પણ મળી ગઈ અને લગ્ન કરી નાખ્યા.

હવે પુત્ર પણ બિમાર અને તેની પત્ની પણ બિમાર જ રહેતી હતી. બંનેની ખૂબ સારવાર કરાવી પણ બંને બિમારના બિમાર જ રહેતા હતા. સાજા થતા જ નહોતા. પુત્રના અને પુત્રવધુના દવા દારૂના ખર્ચના કારણે સોની આર્થિક રીતે ખૂબ પાયમાલ થઈ ગયો હતો.
હવે તેની પાંસે મુળી રુપે બહુ ખૂબ જ ઓછા પૈસા રહ્યા હતા.
-----------------
એક દિવસ તે શહેરમાં એક મહાત્મા આવ્યા. મહાત્મા વૈદ્ય પણ હતા. તેઓ કોઈપણ રોગની સારી સારવાર કરી શકતા હતા અને લોકો સાજા પણ થઈ જતા હતા. પોતાના શહેરમાં મહાત્મા આવ્યા તેવી સોનીને ખબર પડતા, સોની મહાત્માને મળવા માટે ગયા અને પોતાના બિમાર પુત્ર અને પુત્રવધૂની વાત કરી. બિમાર પુત્ર અને પુત્રવધુની સારવાર માટે પોતાની પાંસે બાકી રહેલ રહી સહી મુડી પણ ખર્ચી નાખવા માટે સોની તૈયાર થયા. મહાત્માની એક શરત હતી. જો તમારો પુત્ર અને પુત્રવધૂ સાજા થઈ જાય તો હું તેમને (પુત્ર અને પુત્રવધૂને) થોડા સવાલો પુછીશ, તે સવાલોના જવાબો શાંત ચિતે તમારે સાંભળવાના રહેશે અને તે જવાબોના આધારે તમારે ત્યાર પછી શું કરવું તે હું જણાવીશ. સોની મહાત્માની શરતો સાથે સહમત થયા અને હા પાડી.

મહાત્મા સોનીને ત્યાં પધાર્યા. મહાત્માએ સોનીના પુત્રને ઔષધીઓ આપી અને પુત્ર સાજો થઈ ગયો અને બોલવા પણ લાગ્યો.

મહાત્માએ સોનીના પુત્રને સવાલ કર્યો કે બોલ તું કોણ છે...?
પુત્રએ જવાબ આપ્યો કે હું પૂર્વ જન્મમાં રાજાનો કુંવર હતો, અને સોનીએ આચરેલ કર્મનો બદલો લેવા અહિં મેં અવતાર ધારણ કર્યો છે.

તો પછી આ તારી પત્ની કોણ છે...?

કુંવરે જવાબ આપ્યો કે આ મારી પત્ની છે તે પૂર્વ જન્મમાં ગરીબ ડોસી હતી તે છે. અને તેણીએ પણ સોની સાથે કર્મનો બદલો લેવા મારી સાથે લગ્ન કરેલ છે. ડોસીએ સોનીને આંગળી ચિંધી હતી કે કુંવર આ બાજુએ તળાવની પાળ તરફ અન્ય બાળકો સાથે રમવા માટે ગયા છે. ડોસીએ ફક્ત આંગળી જ ચિંધી હતી માટે ફક્ત છેલ્લા પાંચ વર્ષથી જ સોની કર્મનો બદલો ચુકવી રહ્યો હતો, જયારે સોનીએ રાજાના કુંવરની હત્યા કરી નાખી હતી જેથી તે 25 વર્ષથી કર્મનો બદલો આપી રહ્યો હતો.
કહેવાતો નગર શેઠ (સોની) પહેલા પણ કંગાળ હતો જયારે કર્મનો બદલો ચુકવવામાં પોતે ફરી કંગાળ થઈ ગયો.
-----------------
મોરલ : કરેલા કર્મનો બદલો મળે જ છે