Saata - Peta - 5 books and stories free download online pdf in Gujarati

સાટા - પેટા - 5

ડેકલાનો ડફતુતુ...ઉ... ડફતુતુ ...ઉ...!અવાજ રાત્રીની શાંતિનો ભંગ કરી રહ્યો હતો. ભાણજી પાવળિયો ડેકલુ વગાડી રહ્યો હતો. જીવો ભોપો ધૂણી રહ્યા હતા. આજુબાજુ કેટલાંક પુરુષો અને સ્ત્રીઓ ટોળે વળીને બેઠાં હતાં .આજે પ્રેમજીએ માતાનો પાટ મંડાવ્યો હોવાથી ફક્ત તેમના વાસનાં જ માણસો ભેગાં થયાં હતાં .બિચારી બે- ખબર રાધા ,આજે તેનું ભવિષ્ય નક્કી થવાનું હતું .તે પણ ટોળામાં થોડો દૂર બધાના ભેગી બેઠી હતી.ભોપાએ કેટલીક વખત ધૂણતા -ધૂણતા વેણ- વધાવો જોયો.ને પછી ગંભીર મોં કરીને ઘેરા સાદે બોલ્યા . 'પ્રેમજી, એ પ્રેમજી..! 'બોલ માડી બોલ, શો હુકમ છે ?' જીવા ભોપા ના પગમાં ફાળિયું નાખીને પ્રેમજી ડોસો નમી પડ્યા.
' મા સધી શું કહે છે એ ખબર છે ?' ભોપો માતાની રૂબરૂ વાત કરતા હોય તે ગંભીર સાદે બોલ્યા.
' માં ,તારા ઘરની અમ રંકને શી ખબર શું ? કહોતો, શું કહે છે માડી ?' પ્રેમજી ભોપા તરફ હાથ જોડતાં બોલ્યા. 'જોજે પાછો, માતાનો બોલ ઉથાપીશ તો નહીં ને ?'ભોપો ખરાઈ કરવા માગતા હોય તેમ આગળ બોલ્યા.
'અરે માડી , માથું જાય તોય ,માતાનું વચન થોડું ને કાંઇ ઉથાપાય છે ?' પ્રેમજીએ પોતાના જ ગળે હાથ નાંખતાં બોલ્યો. ' તો સાંભળો ,ભોપાએ હાથ ઊંચો કર્યો. અને તે સાંભળવા બધા લોકોએ પોતાના કાન સરવા કર્યા.' માતા, આ પાંચ વર્ષ સુધી રાધાનું આણું કરાવવાની ચોખ્ખી ના પાડે છે.' અને આ સાંભળતા જ ટોળામાં બેઠેલી રાધા ના માથે જાણે કે વીજળી પડી ,આંખે અંધારામાં આવી ગયાં પરંતુ ત્રીજી જ પળે તેણીએ પોતાની જાતને સંભાળી લીધી 'પણ માતા, તું તો જાણે છે ને, કે 'છોડી હવે જવાન- જોધ થઈ છે .ને આ સાપ ના ભારાને હું ક્યાં સુધી સાચવતો ફરુ ?' પ્રેમજી હાથ જોડીને ભોપાને લગભગ કરઞરતા કહેતા હતા. 'પરંતુ માતા રજા ન આલે, એમાં ભોપો શું કરે ?' આ વખતે ભોપાને બદલે ભાણજી પાવળિયો વચ્ચે જ બોલ્યો. અને આગળ ઉમેર્યું 'અને છતાંય તમારે માતાની ઉપરવટ જઈને, રાધાનું આણું કરાવવું હોય તો કરાવો ,પછી કંઈ દુઃખ આવે તો માતાને કહેવા ના આવતા' 'ના, ના, માડી એવું તે કંઈ હોતું હશે ?'પુત્રીના ભાવિની ચિંતામાં પ્રેમજી ડોસાનો સાવ સાદ ગરીબડો થઈ ગયો હતો તે આગળ બોલ્યા ' પરંતુ કંઈક દંડ -મૂડ કે કોઈ વિધી કરતાં પણ જો માતા રજા આલે તો --'
' દંડ-મૂડ,કે વિધિ, અત્યારે તો માતા ચોખ્ખી ના પાડે છે.' ભોપો જાણે કે છેલ્લે પાછલે બેઠા. ' તો શું માતા રજા આપે એવો કોઈ પણ ઉપાય નથી !' પ્રેમજીએ મણ- મણના નિસાસા નાંખ્યા . 'બાર મહિના પછી ફરી માતા નો પાટ મંડાવજો ,ને જોવડાવજો. લેખ ફરે તો કદાચ માતા રજા આપે પણ ખરી.' આખા ગામને ડેક્લે રમાડનાર ભાણજીએ ઉપાય બતાવ્યો. ' જેવી માતાની મરજી!' પ્રેમજી ડોસો હતાશ થઈ ગયા. ને પછી એક વર્ષ પછી ફરી પાટ મંડાવવો ,એવું પણ તેમણે નક્કી કર્યું .તે પછી બીજાં બે-ત્રણ જણ ને જીવા ભોપાએ જુદી -જુદી બાધાઓ આપી, ને લગભગ મધરાતે એ સૌ લોકો વેરાણા.
બીજા દિવસે રાધા ખેતરે તો આવી પરંતુ આજે એને ક્યાંય ચેન પડતું ન હતું. જીવ આકુળવ્યાકુળ થતો હતો તેણી ના મગજમાં વિચારોની આંધી ઊઠી હતી. તે મનોમન વિચારી રહી હતી.હજુ ગયાં બે વર્ષ પહેલાં જ તો પોતે ગામમાં કેવી મુક્ત રીતે હરતી ફરતી હતી. એ જ ગામ છે, અને એ જ લોકો છે. તો પછી એવું તે શું પોતાનામાં નવું ઉમેરાઈ ગયું છે, કે 'ગામનો દરેક યુવાન પોતાને ઘૂરી -ઘૂરી ને જુએ છે ?' આ જ ગામમાં એક વખત ભારા ભોપાએ પોતાની ઉપર નજર બગાડી,બીજી વખત કનુભાએ બગાડી, ને હવે ત્રીજો કોઈ નહિ બગાડે એવી ખાતરી શું ?વાસના થી ખદબદતા આ ટોળામાં તેણી ક્યાં સુધી પોતાની આબરૂ બચાવતી રહેશે ?' અને છેડતી પણ એવા એવા મોટા માણસો દ્વારા થતી હતી, કે' કોઈને કહીએ તો લોકો માનવા પણ તૈયાર ન થાય . તેની વિચારવાળા બીજી દિશામાં ફંટાણી. પોતાના લગ્ન થયાને અગ્યાર વર્ષ થઈ ગયાં હતાં .જે પોતાને આછું- આછું યાદ હતું. કારણ કે તે વખતે પોતે છ વર્ષની બાલિકા હતી. એ વખતે પોતાનો પતિ તો પુરો આદમી હતો. લોકો વાતો કરે છે તે પોતાનો ધણી પોતાનાથી ઉંમરમાં ખૂબ મોટો છે .મૂળ તો પોતાના કર્મ એ લખ્યું હશે ત્યારે એવડો મોટો પતિ મળ્યો હશે ને ?' આ દુનિયામાં કર્મમાં લખેલાં હોય તે લૂલા- લંગડા મને'ખ ને પણ લોકો ઉમરભર વેઢારે જ છે ને ?' ને ઘરમાં થતી વાતો મુજબ તો, આ વર્ષે પોતાનું આણું કરાવવાનું હતું. ને તેમાં પાંચ વર્ષ સુધી આવું ન કરવાની ભોપા એ બાધા આપીને પોતાનાં બધાં જ સ્વપ્ન રગદોળી નાખ્યાં હતાં .આ મૂંઝવણમાંથી કંઈક રસ્તો મળે રહે એ આશાએ પોતાના ધણી (પતિ) ને એક વખત નજરે જોઈ લેવા માટે, આવતી પૂનમે દેવના મેળામાં જવાનું રાધાએ મનમાં નક્કી કર્યું.
ખરેખર સાટા -પેટા ના રિવાજના કારણે આ વિસ્તારમાં કેટલી એ રાધાઓની જિંદગી ધૂળધાણી થઈ ગઈ હતી.વર ને કન્યાને એકબીજાને જોવાનો અધિકાર ન હતો .ફક્ત એટલું જ જોવાતું હતું કે સામે સાટુ છે કે નહીં? ને એના કારણે ક્યાંક વીસ વર્ષની જોબન થી ભરપુર સ્ત્રીને બાર વર્ષનું છોકરુ પતિ તરીકે ડોકે વળગાડી દેવાતું હતું .તો વળી ક્યાંક પચાસ વર્ષનો પાકટ સોળ વર્ષની યુવતી નો પતિ બનતો હતો. કોઈ એક ધરમાં એક્જ દીકરી હોય અને ત્રણ દીકરા હોય, તો સૌથી મોટા નાં લગન સાટા -પેટા માં થતાં અને બાકીના બે ને ,કાકા, ફુવા કે મામાની દીકરી સાટે આપે તો જ લગ્નનું ઠેકાણું પડતું .અને એ રીતે થયેલાં લગ્ન 70% તો કજોડાં જ રહેતાં . ક્યાંક તનથી તો ક્યાંક મનથી . ને તેથી ક્યારેય તો વળી એકાદ જણના વાંકે, ચાર -ચાર જણનાં ઘર એકી સાથે તૂટતાં હતાં. સાટા-પેટા અને બાળ લગ્નના કુરિવાજને કારણે કેટલી એ કોડ ભરી કન્યાઓ સાચાં લગ્ન પહેલા જ વિધવા થઈ જતી. તો કેટલાય યુવાનો પરણેતરનું મોં જોયા પહેલાં જ, બીજવર પણ થઈ જતા હતા.ને સામાજીક મજબૂરીથી કેટલાંક નાં લગ્ન ટકતાં તો,તે પણ આખી ઉંમર મનમાં હીજરાયા કરતાં.ભવિષ્યની પ્રજા કહેશે, કે 'શું આવા પણ સમાજમાં રિવાજ હતા ?તેનો જવાબ છે હા !'
કનુભા જીવા ભોપાએ વળગાડેલ ચુડેલ રાધા ને ક્યારે વળગે છે, તેની રાહ જોયા કરતો હતો. જ્યારે ભોપો અને ભાણજી રાધા ક્યારે થોડું વિચિત્ર વર્તન કરે અને રાધા ને ભૂત-પ્રેત વળગ્યું છે તેવું ઠસાવી દેવું તેની રાહ જોતા હતા. પરંતુ બાર દિવસ થયા છતાં, રાધા ને હજી કાંઈ થયું ન હતું કે તેના વર્તનમાં પણ કાંઇ ફર્ક પડ્યો ન હતો. તેથી કનુભા મનોમન અકળાતો હતો. અને કનુભા ની આ અકળામણ ભોપા, અને પાવળીયાની પણ હતી જ ને ?

આડા દિવસોમાં ઉજ્જડ દેખાતા દેવ ગામના ગઢ( કિલ્લા) ઉપર કીડીઓની જેમ માણસો ઊભરાયા હતાં. લાલ, લીલા, પીળા, ધોળા ,ગુલાબી ને નવરંગી વસ્ત્રોમાં, ઠેર- ઠેર માણસો શોભી રહ્યાં હતાં .સવારના દસેક વાગ્યા હોવાથી મેળામાં કેટલીક જગ્યા હજુ ખાલી હતી. છતાં ઉતાવળીયા માણસો તો દી'ઉગતાની સાથે જ મેળે આવવા ઘેરથી દોડવા માંડ્યાં હતાં .જેવો વહેલાં મેળે પહોંચી ગયાં હતાં આ સાલે વર્ષ (પાક) સારું હોવાથી દર વર્ષે ત્રણ શેરીઓ માંડનાર કંદોઈઓએ આ વર્ષે ,ચોથી શેરી પણ ઉભી કરી દીધી હતી. એક બાજુ ચકડોળોનો કાફલો હતો. તો બીજી બાજુ મોતનો કૂવો પણ ગોઠવાઈ ગયો હતો. તો ત્રીજી બાજુ શેરડી વાળાઓએ પણ અલગ- અલગ બે શેરી ઊભી કરી દીધી હતી. અને ખરેખર હું માણસ તો હજુ હવે જ મેળામાં આવવાનું ચાલુ થયું હતું .ગઢ ઉપર ચડીને નજર દોડાવીએ તો, કોઈ લશ્કરે કિલ્લાને ચારે બાજુએથી ચડાઈ કરી હોય તેમ ,પાંચ ,દશ,બાર, પંદર વગેરેના ઝુંડમાં સ્ત્રી અને પુરુષો મેળા તરફ ઘસી રહ્યાં હતાં . મેળામાં આવતાં લોકોમાં મોટાભાગનાં 14 થી 30 જૂથ વચ્ચે નાં જ હતાં .દરેકના ચહેરા ઉપર નવો જ ઉત્સાહ હતો. કોઈ પોતાના લગ્ન થયેલ પણ હજુ આણું ન થયેલ પતિને મળવાનાં સ્વપ્ન લઈને આવતું હતું. તો કોઈક પ્રિયતમાને મળવાની આશાએ જતું હતું .તો કોઈક વળી અમસ્તું જ મોજ ખાતર ,ને ક્યાંક અજાણતાં જ કોઈની ઓળખાણ થઈ જાય ,તો એ આશાએ પણ મેળામાં જતું હતું. પરંતુ મેળે જનાર દરેકના મો ઉપર નવી ચમકતો જરૂર છલકાતી હતી .
મેળામાં કોઈક રંગીલાએ અઢીવટા વચ્ચે ભરત-ગુંથણ કરીને, રંગબેરંગી પટ્ટો પાડ્યો હતો. તો કોઈકે વળી આગડાની કસોના છેડે ,લાલ- લીલાં ફૂમતાય લટકતાં મેલ્યાં હતાં .કોઈએ વળી લાઇલોન ના પહેરણ ના ઉપરના આછા ખિસ્સામાં 10 ની નોટ આરપાર દેખાય તેમ ગોઠવી હતી. તો કોઈકે વળી પહેરણ ના બે ઉપરનાં ખિસ્સાં ઉપર બે આભલાં (દર્પણ )પણ જડી દીધાં હતાં .કોઈક મોટીયા રો એ આંખમાં સોયરો (સુરમો) આંજી ને પોતાની આંખોને અણીયાળી પણ કરી હતી .તો સ્ત્રીઓએ વળી આંખ માં કાળી કામેશ(કાજલ ) આંજીને આંખમાં અણીયાળી કરી હતી .તો કોઈક નટખટ યુવતી વળી રાતી કામેશ થી પોતાની આંખો ભરી દીધી હતી .
અમુક યુવતીઓએ ભરત ભરેલા ઘાઘરા, ને માથા ઉપર ટીલડીઓ ટાંકેલી ચુંદડીઓ ઓઢી હતી. તો કોઈક શોખ વાળી એ વળી ,કબજા ઉપર છાતીના ભાગે બે મોરલાય ભરતથી ટાંકી દીધા હતા. કોઈક છેલબટાઉ યુવાને માથા ઉપર, સ્હેજ લંબગોળ પાઘડી બાંધીને, તે ઉપર મોરની કલગીની જેમ શોભતું છોગું મૂક્યું હતું .તો કોઈ યુવાને લૂંગીને બે છોગા ઝૂલતાં રહે તેમ બાંધી હતી. આમ દરેક જણ પોતપોતાની રીતે ,પરવારીને દેવના મેળામાં આવી રહ્યાં હતાં .
'રાધા.... અરે ...ઓ... રાધા ! લે હેડ... હેડ !ગામ તો આખું મેળે પહોંચ્યું .ત્રણ ગાઉ જતાં ના ,અને ત્રણ ગાઉ આવતાં ના. ફરી પાછું ક્યાં ટાણે અવાશે ?' પરવારીને આવેલી મંગુએ રાધા ની ડેલી એ આવીને ટહુકો કર્યો .
'અલી બુંન ધડીક તો થોભ,આ આવી ! મેળામાં જઈએ છીએ, થોડાં ને કંઈ વગડામાં જઈએ છીએ ?' રાધા નાના આભલામા જોઈને આંખમાં કાજળ આંજતા બોલી.એટલી વારમાં મંગુ સાવ રાધા ની પાસે આવી ગઈ હતી. રાધા એ ગોરા ગાલ ઉપર તલ જેવડું કાજળનું કાળું ટપકુંય કરી લીધું. કોઈની નજર ન લાગી જાય એવા આશયથી જ . 'લે ચાલને હવે, ન કે ઘણી પરવારી તો કોઈક રાજકુમારની નજર લાગી જશે સમજી !'મંગુએ મજાક કરી . 'તે તું પણ ,ક્યાં કમ પરવાળી છો ?' ને થોડું મોડું થશે તોય ,મેળામાં થોડું ને કાંઇ લૂંટાઈ જવાનું છે ?રાધા માંગુ સામે જોતો બોલી. ' લૂંટાઈ તો કંઈ નથી જવાનું ,પણ મનેખ તો બધાંય અડધે પહોંચ્યાં .આપણે બે જ પાછળ રહી ગઈ છીએ .'મંગુએ કહ્યું .
'એમાં શું ? પગમાં પોચ (શક્તિ) ના હોય એને દખ ! ને હાથની ચપટી વગાડતાં રાધા આગળ થતાં બોલી.' આ હ, જો થોડીવારમાં જ બધાંની મોર (આગળ)સમજ !'ને ઝડપથી ચુંદડી સરખી કરી ,એક નજર નવા ઘાઘરામાથેય નાખી દીધી. એ ને મંગુ ને રાધા બેય મેળાની વાટે પડી.
મંગુ અને રાધા બંનેએ પાંચ દિવસ પહેલાં જ નક્કી કરી રાખ્યું હતું, કે 'આ વખતે તો તેમને બેને સંગાથ કરીને દેવને મેળે જવું જ છે. તે બંનેનાં લગ્ન તો બાળ -લગ્નના રિવાજને કારણે તે સમજતી ન હતી ત્યારે જ થઈ ગયાં હતાં. પરંતુ બંનેનું આણું કરાવવાનું હજુ બાકી હતું .તેથી બંનેએ તેમના પતિઓને હજુ જોયા પણ ન હતા .કે ઓળખતી પણ ન હતી .પરંતુ મંગુ ના મામા નું ગામ રાધા નું સાસરું હતું. જ્યારે રાધા ના મામા નું ગામ મંગુનું સાસરું હતું.તેથી રાધા મંગુના પતિને ઓળખતી હતી, જ્યારે મંગુ રાધા ના પતિને ઓળખતી હતી. તેથી એક બીજીઓના સહારે તેમના પતિઓને જોવાના ઇરાદા થીજ બંનેએ સંગાથ કર્યો હતો.
રંગપુર થી હરણીની જેમ છૂટેલી રાધા અને મંગુ, એક પછી એક ટોળકી ને પાછળ રાખ્યે જતી હતી. પાછળ રહેતા ટોળામાંના લોકો કોઈ આ બે જણીઓની ચાલવાની ઝડપ ઉપર વાર જતા હતા. તો કોઈ કોઈ વળી તેમની ઈર્ષા એ કરતા હતા. પોતાની ટોળી થી આગળ નીકળતી રાધા તથા મંગુને જોઈને કોઈક મશ્કરો મોટિયાર એ બંને તરફ આંખો ઉછાળતા કહેતો હતો.'ઓ...હો..હો..! મેળામાં જવાની જરૂરજ શું છે ?' મેળો તો બધોય આંહીં રસ્તામાં જ હેડયો જાય છે ને !' બીજા બધા તેની ટિખળ ઉપર હસી પડતા.ને આ બંને જણીયોનો સથવારો કરવા તેમની ઝડપ વધારતા હતા. રાધા અને મંગુ કનુભા અને ભારાની ટોળીની સાઈડ કાપીને આગળ નીકળી ગઈ. એ જ વખતે આ ટોળી નું ધ્યાન આ બંને તરફ ગયું .'અલ્યા ભારા ,એક કોરા રહેજો. નકર ઝોટા ક્યાંક અડફેટે ના લે !' કનુભા બોલ્યો.અને આ બંને તરફ આંખો ઉલાળી.
ભારાયે મંગુ તથા રાધા ને ઝડપી ચાલે પાસેથી પસાર થતી જોઈ, અને લથડવાનો અભિનય કરતાં બોલ્યો. 'સારું થયું નાના દરબાર, મને ચેતવી દીધો, નકે ભુક્કા કાઢી નાખત ને. ને એ ટોળું પણ ભારાની કોમેડી ઉપર હસી પડ્યું.પે'લી બંનેને આગળ જતી જોઈ કનુભાએ પોતાની ટોળીને ઉદેશી 'અલ્યા મોટીયારો, ઉપાડો પગ. છોડિયુનુ નું શું ગજું ,કે આદમી આગળ થઈ જાય ?' ને એ ટોળીએ પણ પાછળથી ઝડપ વધારી પગ ઉપાડ્યા. પરંતુ રાધા તથા મંગુના પગમાં ન જાણે અત્યારે કયું જોમ ઉભરાઈ આવ્યું હતું કે તે તેમનાથી આગળ નીકળી ગઈ.
આમ તો દર વર્ષે આ મેળામાં ગામનાં યુવક અને યુવતીઓ બધાં જ ભેગાં મળીને ,સંગાથ કરીને ટોળીમાં જતાં હતાં પરંતુ આ વર્ષે રમેલમાં શામજીને ભોપાસાથે થયેલ બબાલ અને તે પછી કનુભા સાથે થયેલ ઝઘડાથી બધાંનો મનમેળ તૂટી ગયો હતો .તેથી રંગપુર નો દરેક જણ પોતાના મેળ પ્રમાણે અલગ -અલગ જોડી બનાવીને ને મેળે જતાં હતાં રાધા અને મંગુ નું જોડલું આગળ જતી શામજીની ટોળીનેય આંબી ગયું .પાસે થઈને આગળ નીકળતી રાધા અને શામજીની આંખો, એકબીજાથી મળી, ક્ષણભર તારા મૈત્રક રચાયું ,ને એ આંખો અલગ પણ થઈ ગઈ .
'મંગુ, એવું તે શું મેળામાં લૂંટાઈ જાય છે તે આમ, તૂટી જાઓ એમ જાઓ છો ?શામજીએ મંગુને ઉદેશીને પૂછ્યું 'લૂટાઈ તો કંઈ નથી જતું, પણ મેળો વિખેરાઈ જાય પછી જઈએ તોય શું ,અને ન જઈએ તોય શું ?' મંગુ ને બદલે રાધા બોલી. ને આ બંને જણીયો તો, તે ટોળી થી પણ આગળ નીકળી ગઈ . શામજી એ પણ બોલ્યા વિના જ ચાલ વધારી દીધી. તે મનોમન વિચારી રહ્યો .આ મેળામાં દરેક જણ કોઈક ને કોઈક ને મળવાની આશાએ જતું હતું જ્યારે પોતાને તો કોઈ મળે એવું જ ન હતું .તેમ છતાં પોતે પણ મેળે જતો હતો.
ગઢ ઉપરનાં માણસો આ લોકોને હવે દેખાવા માંડ્યાં હતાં ધ્રીબાતાણા... ધ્રીબાતાણા... ઢોલના અવાજ અને ડબલાં નો દરદડિયા નો દડ...દડ....અવાજ ચોખ્ખો સંભળાતો હતો. હાથમાં હાથ પકડીને, બીજા હાથે વાયરામાં ઉડતી ચુંદડીઓને સંભાળતી રાધા તથા મંગુએ ગાણું ઉપાડ્યું.
' પાનડી ગઢડે ચડે ...પાવઠડે ઉતરે ...એ..!
'પાનડી.. છેડો ...ઢળકતો ..તો મે....લ !
'પાલડી વાડલો મઢયો ..રે સાચા ..હેમ...નો !
'પાનડી.. ઘમકે ઘુઘરીયાળી..સે...ર...!
'પાનડી મેળે માલે...રે ..તારો સાય..બો ..!
'પાનડી ..પે'રી ..ઓઢીને.. મેળે જા...ય !
મેળામાં જતાં જે કોઈ આ ગીત સાંભળતાં હતાં તે આ બે જણિયોના ,ગાવાના ઢાળ અને રાગ ઉપર સૌ વારી જતાં હતાં પરંતુ આ બે જણીઓ તો ગાતી- ગાતી તેમની ધૂનમાં અને ધૂનમાં મેળામાં ય પ્રવેશી ચૂકી હતી.
દર વર્ષ કરતાં આ વર્ષે મેળામાં બમણી ગિરદી હતી. ચાર ચાર શેરીઓ અને ગઢ ઉપર મનેખ સમાતું ન હતું. પાસેના તળાવની પાળ ઉપર પણ ભારે ગિરદી હતી .કોઈક નાની ઉંમરના તો કોઈક પ્રોઢ ઉંમરના માણસો તો મેળાની ગિરદી જોઈને જ ,શેરીમાં પડવાની હિંમત કરતા ન હતા. જેમને લોહી ચટકા ભરતું હોય, તેવાં જુવાનિયા જ શેરીમાં ધક્કા મૂકી ની મોજ માણતાં હતાં .દેવ ગામના મેળામાં આ વર્ષે જ લગ્ન થયાં હોય તેવાં વર વહુ, એકબીજાનો હાથ પકડી ને ધક્કા- મુકકીમાય મહાલતા હતાં. ક્યાંક બનેવીને બે-ચાર સાળીઓએ ઘેરી લીધા હતા. એકે બનેવીની લૂંગી નો છેડો પકડ્યો હતો .તો બીજી એ પહેરણની કોર, તો ત્રીજીએ વળી અઢીવટાનો છેડો પણ પકડ્યો હતો. અને એ ત્રણેય પોતાની બહેન (સામેનાની પત્ની )માટે પૈસાની માગણી કરતી હતી.પેલો મૂરતિયો રૂપિયો કે બે રૂપિયાની નોટ સામે ધરે તો.' આના તો અત્યારે ચણા પણ નથી આવતા .કહીને પૈસા પાછા ફેકતી હતી. પરંતુ તેને છોડતી તો નહોતીજ. ને પે'લાની કુવારી પત્ની થોડે દૂર ઊભી રહીને, ચૂંદડી નો છેડો આડો કરીને, લાજ કાઢવાનો અભિનય કરતી આ બધો તમાશો જોયા કરતી હતી.
કોઈ શાંતિ પ્રિય જોડલા મેળાની એક બાજુ જઈને, પ્રીતની વાતો એ વળગ્યાં હતાં. કોઈ રંગીલું જોડલુ ચકડોળમાં બેસી ને મોજ માણતું હતું .તો કોઈ જાદુના ખેલ જોતાં હતાં તો કોઈ મોજીલા ગઢ ઉપર ચડીને કોણ શું કરે છે ? તેનું ઉપરથી નિરીક્ષણ કરતા હતા.મેળાની ગિરદી માં બે -ત્રણ ચક્કર મારનાર દરેકના માથા અને આખોમાં ધૂળની રજ ચોંટવાથી વાળ સોનેરી કલરના થઈ જતા હતા. આવી ગિરદી માં પણ રાધા ને મંગુએ ત્રણ આંટા મારી લીધા હતા અને હજુ એ કઈ બાકી રહેતું હોય તેમ ચોથો આંટો મારવા નીકળી પડી. અને ખરું પૂછો તો ખરું કામ તો હજુ બાકી જ હતું ને ?' બંને જણીઓને પોતપોતાના પતિઓને જોવાનું કામ . થાક તો ઘણોય લાગ્યો હતો. છતાં મંગુનો હાથ પકડીને ગિરદીમાં ખેંચતાં રાધા બોલી 'એક છેલ્લો ઓટો મારી લઈએ .નસીબ હોય તો ક્યાંક ભેટો થઈ પણ જાય !'. અને એ છેલ્લો આંટો મારીને નિરાશ થઈને એક ખૂણે આવેલા ચકડોળ પાસે બંને જણીઓ આવીને થોભી. ને રંગપુર જવા માટે કોઈ ટોળકીના સથવારા ની રાહ જોવા લાગી .બરાબર એ જ વખતે મંગુએ રાધાનો હાથ ખેંચીને તેને ઉભી રાખી. ને બીજી બાજુ જોઈને ઉભેલા પુરુષ તરફ આંખ અને હાથ બંનેનો ઈશારો કર્યો.
રાધા કંઈ ના સમજી ,તેણીએ પ્રશ્નાર્થ દૃષ્ટિ મંગુ તરફ નાખી .'લે, એટલુંય ના સમજી ગાંડી ?'પેલા ઉભા છે ,એ જ મારા ચૂનો મામો છે !' મંગુએ ફરી પે'લા પુરુષ તરફ ઈશારો કર્યો. રાધા ના પતિનું નામ ચુનો હતું.
'અલી બુન હેડને ખોટી મશ્કરી કર્યા વગર.' રાધા મંગુનો હાથ પકડીને તેણીને બીજી તરફ ખેંચવા લાગી .
'એવી ગાંડી મશ્કરી થોડીને કરુ મારી બુન ? ખરેખર મારા સમ લે ! એ ઉભા એ જ મારા ચુનો મામો છે .'
'હે ..એ..;સા..ચચે જ ?' રાધાના મોં માંથી આશ્ચર્ય અને આઘાતના ઉદગારું એકી સાથે નીકળી પડ્યા. કારણ કે મંગુ જેના તરફ ઓગળી ચીંધી ને બતાવતી હતી તે પુરુષ આશરે 45 વર્ષે પહોંચેલો આધેડ હતો. માથાના વાળે અડધા ધોળા થઈ ગયા હતા .ને મો'ના ડાચાએ મળી ગયાં હતાં .ને કલર જાય તો પૈસા પાછા, એવા કાળા વાન ઉપર માદરપાટનો અઢીવટો ,ને સાબુ વગર ધોયેલું આગડુ પહેર્યું હતું .દાઢી આજે જાતે બનાવેલ હોવાથી ચહેરા ઉપર ચામડીથી કરચલીઓ ચોખ્ખી દેખાઈ આવતી હતી.ને માથે રાતા ફેટાને વાટ આપી -આપી ને એવી રીતે બાંધ્યો હતો કે ઉલટા નો ફેટો લાજી મરતો હતો .ને આ મેળાની ભીડમાં ક્યાંક કચરાઈ જઈશ તો ? એવી બીક લાગતી હોય તેમ થોડી ખુલી જગ્યામાં તે ઉભો હતો.
' શું ? શું ? સાચ્ચે જ આ સામે ઉભો છે એ જ પોતાનો ધણી (પતિ) છે ? રાધાનું મન પ્રથમ નજરે જ એવાત સ્વિકારવા જાણેકે તૈયાર ન હતું . મંગુ ના ઓળખાવામાં કંઈક ભૂલ થતી હશે એમ ધારીને રાધા બોલી .'તું ખરેખર બરાબર ઓળખે તો છે ને ? એ જ છે કે પછી -'
' લે કર વાત .મારા મામાને હું ના ઓળખું ? મારા સમ લે, એ' એ જ છે !' મંગુના શબ્દોથી રાધા ને પગ તળેથી ધરતી ખસતી લાગી. જે મનેખ પે'લી જ નજરે ,એક પળ પણ જોવુ ગમતું નથી ,તેની હારે આખો જન્મારો કાઢવાનો પનારો પડવાનો હતો . અને રાધા એ તરત જ બીજે નજર ફેરવી લીધી. સદભાગ્યે ચૂનાનું ધ્યાન આ તરફ ન હતું .નહીં તો તે ,રાધા ને તો ન ઓળખત પરંતુ મંગુને તો જરૂર ઓળખી પાડત . રાધાની નજર પાસેના ચકડોળમાં તરી આવતી પાલખી ઉપર ગઈ, તો તેમાં એક પાલખીમાં બેસીને કનુભા અને ભારો હીચતા હતા. કનુભા ચાલુ ચકડોળે ડબલુ વગાડતાં -વગાડતા રાધા તરફ જોઈને ચેનચાળા કરતો હતો. જ્યારે ભારો મોમાં આગળી નાખીને સીટી ઉપર સિટી મારતો હતો . તેણીએ ત્યાંથી નજર હટાવીને પાસેના બીજા ચકડોળ ઉપર ફેરવી .પોતાના ભાઈબંધ મૂળા હારે પાલખીમાં હીંચતો શામજી લહેરથી પાવો વગાડતો હતો.કનૈયો વાંસળી વગાડતો હતો બસ એમ જ ! એ ઝૂલતી પાલખીમાં થી બે આંખો મળી ,ન મળી, ને અલગ થઈ ગઈ. રાધા મંગુને ખેંચીને મેળાની ભીડમાં ભળી ગઈ .
'વતાડયા તોય , કેમ લી બોલાવ્યા પણ નઈ ?' મંગુએ રાધા ને પૂછ્યું . 'મારી બુંન ,જોઈએ લીધા, અને બોલાવી એ લીધા !' રાધા માંડ -માંડ બોલી, ને બાકીના શબ્દો મનમાં જ ગળી ગઈ . પરંતુ મંઞુ પણ ચુનો મામો બતાવ્યા પછી નો રાધા નો ગભરાટ અને બેચેની કળ ગઈ હતી તેથી ઝાઝું ન પુછ્યું. ને મેળે થી ધેર જતાં જતાં મંગુના પતિ ધનજીને જોવાની એમની હોંશ પણ પૂરી થઈ .ધનજી હજુ તેર -ચૌદ વર્ષ નું છોકરું હતો. જે પોતાના વીસ વર્ષના દોસ્ત રામજી ની આંગળી પકડીને આખા દાડા થી મંગુને મેળામાં શોધી રહ્યો હતો .રાધા એ તે બંનેની ઓળખાણ કરાવી.મંગુ પ્રથમ તો તેને જોઈને હેબતાઈ ગઈ.પરંતુ પછી મન મનાવ્યું કે 'હશે ભગવાન ,આજે નહીં તો કાલે પોતાનો ધણી આદમી (યુવાન) તો થશે ને ?ત્યાં સુધી આ દુનિયામાં ભર્યા તળાવ માંથી એક ખોબો પાણી પીતાં પોતાને કોણ રોકી શકવાનું છે.? રાધા એ જોયું કે પોતાના મામા ના છોકરા ધનજીની ઓળખાણ મંગુ સાથે કરાવ્યા પછી, એ બંને મને'ખે તો નામ પૂરતી જ બે -ત્રણ વાતો કરી હતી. એના કરતાં ધનજીના ૨૦ વર્ષના યુવાન દોસ્ત રામજી સાથે મંગુનો પરિચય વધતો લાગ્યો. વાતો કરતાં કરતાં ક્યારેક બંને જણ મીઠું હસી પણ લેતાં હતાં .તેથી મંગુનો હાથ પકડીને ખેંચતાં રાધા બોલી. 'અલી બુંન હેડને ! દાડો તો નમીને ઘેર જવા બેઠો છે. ચાલો ને હવે ઘરે જઈએ .કહીને તેણીને એક બાજુ ખેંચી ગઈ .
'તુંય શું મંગુડી, અજાણ્યા આદમી જોડે વાતે વળગી જતી હોઈશ .' જોડે દૂર લઈ જઈને રાધાએ કહ્યું .
'અજાણ્યા શાના? સાસરીના ગામના તો હતા .ને બે મોંઢા વાતો કરી એમાં શું થઈ ગયું ? મંગુ એ પોતાનો બચાવ કર્યો 'સાસરીના ગામના ખરા, પરંતુ તારે તો જેઠ થાય છે.તારે તો લાજ કાઢવી જોઈએ ને ?' રાધા બોલી .
'હાય રે બુન.ઉતાવળમાં એ તો સાવ હું ભૂલી જ ગઈ !મંગુ પકડાઈ ગઈ, તેણીએ પોતાની હાર કબુલી .
તે પછી બંને સખીઓએ ભજીયાં , ચવાણું ને શેરડીના સાંઠા લીધા. અને રંગપુર તરફ આવવા રવાના થઈ .
આમય મેળાની વિશેષતા છે કે, એમાં જતી વખતે દરેકના ચહેરા ઉપર નવો ઉત્સાહ ,જોમ અને તાજગી હોય છે. જ્યારે પાછા ફરતાં લોકો, નિસ્તેજ ચહેરે,ઢસળ-પસળ ચાલે ઘેર આવતાં હોય છે. અલબત્ત મેળામાં પોતાનું પ્રિયજન મળ્યું હોય તેની યાદો મનમાં ભરીને જરૂર આવતાં હોય છે .પરંતુ રાધા અને મંગુને તો આ મેળામાં એવું કોઈ રંગીન સંભારણું હૈયામાં નહોતું સંધરાયુ.તેથી આટલાં લોકોમાં પણ બંને પોત -પોતાના વિચારોમાં મૌન પણે પંથ કાપી રહી હતી . બંને જણીઓ મનોમન, સાટા-પાટા નો રિવાજ કરનાર પૂર્વજો અને પોતાનાં કજોડાં ગોઠવનાર કુટુંબ વાળાને મનોમન ભાડી રહી હતી .અને આમ પોત-પોતાના ધણીઓને જોવાની હોશ પૂરી કરીને બંને જણીઓ ઘેર આવી .
ઘેર આવ્યા પછી એકલી પડતી ત્યારે મંગુ વિચારોમાં ખોવાઈ જતી. પોતે ક્યાં અને એ છોકરું ક્યાં ? શું એ પતિ પોતાની ઉછળતી જવાનીના ઓરતા પૂરા કરી શકશે ? કે પછી પોતાની જવાની બસ એમ જ વહી જશે ? ને મંગુના મોંમાંથી તરસી ધરતીની જેમ નિસાસા શરી પડતા.'પાક બળી ગયા પછી તો, વરસાદ આવે તોય શું ,અને ન આવે તો શું ? એના મને પાછું ડાહપણ ડહોળયુ . 'મને'ખે કીધું છે કે, જોબનિયું ને પગની પાનીમાં રાખો . જોબનિયું કાલે જાતું રેશે.' હશે, આજે નહીં તો કાલે પણ ,પોતાનો ધણી (યુવાન) જવાન તો થશે ને ?' પરંતુ બિચારી રાધા ને તો એ પણ આશા નથી. તો પણ એ જીવે જ છે ને ? એમ કહીને મંગુએ મન મનાવ્યું.
પરંતુ ખરું પૂછો તો રાધા કેમ જીવતી હતી એ તો રાધા નું મન જ જાણતું હતું. જાણે મેળામાં કોઈની નજર લાગી ગઈ હોય તેમ તેણીનો ચહેરો કરમાઈ ગયો હતો. તેના ચહેરા પરનું નૂર ઉડી ગયું હતું . માણસો ને દેખતાં તો તે મોં ઉપર હાસ્ય ધરીને પોતાની વ્યથા છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતી હતી. પરંતુ રાધાને ધારીને જોરદાર ને તેનો અભિનય પોકળ લાગતો હતો. એમાંય જ્યારે તે એકલી પડતી,ત્યારે તો ઉદાસીનતા નું ઘેરુ વાદળ તેના ચહેરા ઉપર છવાઈ જતું. તેણીને ફરી -ફરીને પાછા એ જ વિચાર આવતા. -જેને જોઈનેય સૂગ ઉપજે છે તેવા ધણી જોડે આખો જન્મારો કેવી રીતે નિકળશે ? કઈ મજબૂરીથી ધરવાળાએ તેને જાણીજોઈને આવા કૂવામાં નાખી હશે?રાધા નું મન વિદ્રોહ પોકારતું 'એના કરતાં તો આખી ઉંમર કુંવારા રહેવું શું ખોટું ? કે પછી કૂવો -હવાડો કરવો શું ખોટો ? તેનાં અરમાનોના શીશમહેલના ટુકડા -ટુકડા થઈ ગયા હતા .આના કરતાં તો મેળે જ ના ગઈ હોત તો કેવું સારૂં . દેખવું પણ નહીં .અને દાઝવું પણ નહીં .'
રાધા ને ખાતરી હતી કે ભોપાની ઉપરવટ જઈને બાધા ને લીધે તેનાં ઘરવાળા હજુ પાંચ વર્ષ સુધી પોતાનું આણું કરાવવાનાં નથી જ. ને એ પાંચ વર્ષ પછી એના (ચૂના)દીદાર કોણ જાણે કેવા હશે, તે કલ્પવુય મુશ્કેલ હતું . આપઘાત કરવાનો એક વિચાર મનમાં આવ્યો પરંતુ યાદ આવ્યું કે, કમોતે મરનાર ને ભૂત બનીને ભટકવું પડે છે. માટે એ વિચાર માંડી વાળ્યો. તેણી આગળ વિચારી રહી .એક બાજુ 'વાસના' ના કીડાઓ ટાંપીને બેઠા હતા. બીજી બાજુ પોતાનો પતિ ચૂનો ,મરવાના અને સુહાગરાત મનાવવાના ભેગા દા'ડા ગણતો હતો .ત્રીજી બાજુ ? ત્રીજી બાજુ કોઈ રસ્તો ન હતો. ભવિષ્ય અંધકારમય હતું . તેણી ની દશા કોઈને ન કહી શકાય, કે ન સહી શકાય એવી હતી ને પોતે સાસરે જવાની ના પાડે, તો તેનાં સાટા -પેટા હોવાથી બીજાં બે ઘર પણ તૂટે તેમ હતાં .આમ રાધા મનમાં ને મનમાં મૂંઝાયા કરતી હતી .
અને રાધાનો આ કરમાતો તો ચહેરો જોઈ, કનુભા, ભોપો ને ભાણજી પાવળિયો એ ત્રણેય મનોમન હરખાઇ ઉઠ્યા તેમને થયું કે નક્કી ભોપાએ વળગાડેલ ભૂત -પ્રેતની અસર રાધા ના ચહેરા ઉપર વર્તાવા લાગી છે. ને થોડા દા'ડામાં 'વળગાળ 'પોતાનું અસલી રૂપ જરૂર દેખાડશે.