Tari Sangathe - 9 books and stories free download online pdf in Gujarati

તારી સંગાથે - ભાગ 9

ભાગ 9

30 જુલાઈ 2018, સોમવાર સવારના 9.55 

-----------------------------------------------------

 

- સવારની સલામ. મૈં કહીં કવિ ન બન જાઉં, તેરે પ્યારમેં અય કવિતા.

હું દોષી નહોતો કે 

નહોતો તારો કોઈ વાંક,

તો પછી વાત શું હતી 

કે વાર્તા વિખરાઈ ગઈ?

 

જાતિવાદની ક્યારીઓ 

ને ધર્મવાદના વાડા.

પ્રેમ તો હારે ત્યાં કાયમ, 

જ્યાં સંપ્રદાય અખાડા. 

 

કોરા જીવન પૃષ્ઠ પર 

પ્રેમ જઈ બેઠો હાંસિયે.

ચાલ આજે સાથે મળીને 

એ કોરા પૃષ્ઠને વાંચીએ. 

 

- વાહ! કવિ-હૃદયની સરળ અભિવ્યક્તિ! આટલી સાચી વાત કહી દીધી.

- જયારે મળીશું ત્યારે મારા વિશે હજી વધુ સારી વાતો જાણવા મળશે, ડિયર.

- સત્ય એ છે કે જાણ્યા વિના પણ, તું મને બહુ ગમતો હતો.

- પણ હું તને જાણી ન શક્યો ને? હું તારાં અન્ય સારાં પાસાંઓ પણ જાણવા માંગુ છું.

- તને મળીશ ત્યારે જણાવીશ.

- ઓકે, પ્રોમિસ.

- વાર્તાનાં થોડાં પેજ મેઇલ કર. વાંચવું ગમશે.

- તારું મેઇલ એડ્રેસ મોકલ.

- નોંધી લે, ashvinmacwan79@gmail.com

- તારા નામનો સ્પેલિંગ મને સાચો નથી લાગતો. Ashwin હોવો જોઈએ, મતલબ ‘વી’ ને બદલે ‘ડબલ્યુ’ હોવો જોઈએ.

- ખબર છે મેડમ, પણ બધા રેકોર્ડસમાં આ જ છે તેથી હવે બદલવામાં મુશ્કેલી છે. આમ તો સારું જ કહેવાય ને, નામનો અલગ સ્પેલિંગ.

- આમ પણ તું બધાથી અલગ જ છે.

- યે હુઈ ન બાત! 

- હમ્મ... બે એપિસોડ પૂરા થયા. આજે તને મોકલીશ, પણ વર્ડ ફાઇલમાં મોકલીશ તો ફોર્મેટ બગડી જશે. જો પી.ડી.એફ. ફાઇલ મોકલું તો તને ડાઉનલોડ કરતાં આવડશે ને?

- પી.ડી.એફ. ફાઇલ શું છે? હું ફક્ત તને જ વાંચી શકું છું.

- અશ્વિન, અશ્વિન...પાછી મજાક? હું સીરિયસલી પૂછી રહી છું.

- નથી આવડતું, માતાજી. ગુસ્સે કેમ થાય છે? બી.પી. વધી જશે.

- તો પછી મેઇલમાં આખા એપિસોડ જ ડાયરેક્ટ કૉપી પેસ્ટ કરીશ. આજે શું થયું, ખબર છે?

- શું થયું?

- દાલફ્રાય બળીને રાખ થઈ ગઈ અને આંગળી પર ચાકુ વાગી ગયું.

- શું કરે છે તું?

- વિચારતી રહું છું.

- દાળ તો નવી બની જશે પણ આંગળી કેવી રીતે કપાઈ જાય?

- વધારે નથી કપાઈ, રોટલી બનાવતાં થોડી તકલીફ થઈ.

- શું વિચારતી રહે છે?

- તને.

- મલ્લિકા, જો તું એટલી સેન્સિટીવ થઈ જઈશ તો તને મારી પીડા વિશે કેવી રીતે કહીશ? તારી તબિયત બગડી શકે છે. યાદ રાખ કે તું હવે સોળ વર્ષની નથી રહી. ફક્ત મારા વિચારોમાં જ તું કિશોરી છે અને રહીશ.

- જ્યારે પણ હું તારા જીવન વિષે વિચારું છું, ખબર નહીં કેમ, કાચની કરચોની જેમ વિખેરાવા માંડું છું. આટલા વર્ષો સુધી તારી તસવીરને મેં હૃદયસરસી ચાંપીને રાખી અને તું આટલી બધી મુશ્કેલીઓ સહેતો રહ્યો! તારી વાર્તા વાંચીને રડવું પણ ખૂબ આવે છે. 

- બહુ ના રડાવીશ, ડાર્લિંગ. થોડી ખુશીની વાતો પણ લખજે જેથી વાર્તાનું બેલેંસ જળવાઈ રહે.

- વચ્ચે વચ્ચે તારી મજાક મસ્તી વાળી વાતો પણ ઉમેરીશ.

- ખબર નહીં કેમ, તારી સાથે વાત કરતાં હું શું બકવાસ કરું છું? હું હજી પણ તને એ નાદાન કિશોરી જ સમજું છું અને હું પોતે ટીનેજર બની જાઉં છું!

- જયારે હું તને રૂબરૂ મળીશ, શું ત્યારે આવી રોમેન્ટિક વાતો કરી શકીશ?

- તાળી એક હાથે તો ના પડે ને? તું જો એક મોટી લેખિકાના રૂપે મળીશ તો હું ફક્ત એક પ્રશંસક બનીને રહી જઈશ. જોવાનું એ છે કે આપ કેટલા રોમેન્ટિક બનીને સામે આવો છો. સાથે જો પાર્થોજી હશે તો પગે પણ લાગી લઈશ, માતાજી.

- પગે જ લાગજે વત્સ, પણ હું તો તને એ જ કૉલેજિયનના રૂપમાં મળવા માંગુ છું. જ્યાંથી તું જતો રહ્યો, હું તો આજે પણ ત્યાં જ ઊભી છું! જે નિલય સાથે મેં જીવનમાં આગળ વધવાની કોશિશ કરી તે પણ મને તારી શેરીમાં મૂકીને ચાલ્યો ગયો!

- તારી આ વાતનો મારી પાસે કોઈ જવાબ નથી. આ મામલે હું તારી બરાબરી ના કરી શકું. હું તો શું કોઈ પણ મર્દ ન કરી શકે. નારી તું નારાયણી!

- વાત બદલાઈ ગઈ. રોમેન્ટિક બનવાની વાત હતી. હું તારી નશીલી આંખોમાં પ્રેમ જોવા માંગુ છું.

- ખોવાઈ જઈશ મારી આંખોમાં, પછી?

- તારી આંખોમાં તો હું ત્યારે જ ખોવાઈ ગઈ હતી અશ્વિન, જ્યારે ત્રિવેદી સરના વર્ગમાં પ્રવેશતાં તેં મને એક નજર જોઈ હતી. અહા, મારે તે પળનો ફરી અનુભવ કરવો છે!

- હું તો પાગલ હતો. 

- આજે પણ છે કારણ કે તું દિલથી આજે પણ એક કલાકાર છે. તેં મારા મનને સાચા દિલથી વાંચ્યું, હવે મારું મૌન વાંચ.

- આટલાં વર્ષો પછી યે મૌન જ વાંચવાનું કહીશ? યે કૈસી દિલ્લગી હૈ, જનાબે આલા?

- પ્રયત્ન તો કર.

- એક વિચાર મનમાં આવ્યો છે, ખબર નહીં તને ગમે કે ન ગમે. 

- કયો વિચાર?

- મલ્લિકા, તેં કહ્યું હતું કે તું આ નૉવેલને આપણા સંવાદના રૂપમાં રાખવા પર વિચાર કરીશ. શું મારૂં નામ કો-રાઇટર તરીકે આવી શકે? મેં તો ક્યારેય કોઈ પુસ્તક લખ્યું નથી. હા, કેટલીક કવિતાઓ જરૂર લખી છે. આવો ખ્યાલ એટલે આવ્યો કે જીવનની રાહમાં તો આપણે બે જુદા જુદા માર્ગો પર ચાલતા રહ્યા, આ બહાને હું તારી સાથે થોડે દૂર સુધી ચાલી શકીશ.

- વાહ! મારું મૌન વાંચવામાં તું માહિર થઈ ગયો, ઐશ! તેં તો મારા મનની વાત છીનવી લીધી. આ પુસ્તક લખવામાં તારો ફાળો પણ એટલો જ છે, જેટલો મારો. તારા વિના આ પુસ્તક ન બની શકત. તારું નામ તો અનિવાર્ય છે, ડિયર. હું આ પૂછતાં થોડી અચકાતી હતી.

- ભાવાવેશમાં હું શું શું બોલી ગયો એ ખબર નથી, પણ જે બોલ્યો એ સાચું જ બોલ્યો. આ બધો તારોજ કમાલ છે! કોણ જાણે તેં શું જાદુ કર્યો છે મારા દિલ પર કે કે મારા શબ્દો આપમેળે બહાર આવે છે. વાસ્તવમાં તે સમયે તેં મારી પાસેથી જે પ્રેમ ઇચ્છ્યો હતો, હું તને શબ્દોમાં આપવાની કોશિશ કરી રહ્યો છું.

- ઐશ, તને પામવાની મારી ઇચ્છા આત્મિક હતી, જે ખરેખર પૂર્ણ થઈ ગઈ. ઇકોનૉમિક્સના એક પ્રોફેસર હતા, બી. આર. પટેલ. શું તને યાદ છે? તેઓ ખૂબ સારી રીતે ભણાવતા. સર લેકચર આપતા રહેતા અને હું તને જોયા કરતી કારણ કે તું મારી આગળની બેંચ પર બેસતો. જે દિવસે તું ન આવતો, હું ઘરે જઈને કોઈને ખબર ન પડે એમ છુપાઇને રડતી. 

- તે સમયે તેં જેટલાં આંસુ વહાવ્યાં હશે મારા માટે, એટલાં જ આંસુ હવે તેં મારી આંખોમાંથી વહાવડાવ્યાં. હિસાબ બરાબર.

- લો, મારાં આંસુઓનો હિસાબ પણ તેં ચૂકતે કરી દીધો, બીજું શું જોઈએ?

- હવે આંખોમાં આંસુ ન લાવીશ. તું રડે છે તો મારા દિલને ઈજા થાય છે. મારું દિલ સંતરાની પેશી જેવું થઈ ગયું છે, ઈજાઓ સહી સહીને.

- એટલે તો પ્રેમના મલમથી તારા બધા જ ઘાને ભરવા ઇચ્છું છું.

- અહીંની જિંદગી બહુ જ ભાગદોડવાળી છે. તું તો ઓફિસર તરીકે રિટાયર થઈ છે. ઘરકામ માટે મેડ સર્વન્ટ અફોર્ડ કરી શકે છે. અહીં તો બધાં કામ જાતે કરવાં પડે છે. અમે તો હજી પણ મજૂરી કરીએ છીએ, મૈમ!

- આ વાતનું જ તો દુખ છે, ડિયર. તું મજૂરી કરવા માટે ક્યારેય નહોતો બન્યો.

- સંજોગો ગમે તે હોય, અમારું જીવન આજે જે સ્થિતિમાં છે તે અમે લીધેલા ડિસીઝનનું પરિણામ છે. હું કોઈને દોષ નથી દેતો.

- જાણું છું. ખૈર, હવે તારો સૂવાનો સમય થઈ ગયો છે.

- હું તારી જેમ મોડી રાત સુધી જાગી નથી શકતો. આમ પણ લેખકો મોડે સુધી જાગતા હોય છે. કોણ જાણે શું વિચારતા રહે છે અને બીપી વધારતા રહે છે.

- ઘર-સંસારના કામમાં દિવસ વીતી જાય છે, ઐશ. રાતે જ થોડો સમય મળે છે કંઈ લખવા માટે. તું મળ્યો તો દિલ હવે બાલી ઉમરના એ પ્રેમની જાદુઈ પળોને અનુભવવા માંગે છે.

- સમય બહુ ઓછો છે, સખી. વાતો કરીને જેટલી ખુશી મળે તે વહેંચો.

- સમયને મુઠ્ઠીમાં બાંધીને રાખો બાબૂમોશાય. તમારે આ દેશમાં એકવાર આવવાનું છે. 

- મળીશું જરૂર. પ્રોમિસ આપું છું.

- ઓકે, હવે ઊંઘવાની તૈયારી કર, ડિયર. તારે કાલે જલ્દી ઊઠવાનું છે. આવજો.

- આવજો ત્યારે.

 

 

31 જુલાઈ 2018, મંગળવાર સવારના 10.00  

-------------------------------------------------------

 

- ગુડ મૉર્નિંગ મેરી પ્યારી ગુડિયા. 

- અહા! આવું મીઠું સંબોધન! જો અગાઉ ખબર હોત, તો વયને આગળ વધવાની મંજૂરી જ ન આપી ન હોત.

- તારા પ્રોફાઇલ પિકચરમાં ખૂબ સ્માર્ટ લાગી રહી છો. કૉલેજના સમયનો કોઈ ફોટો હોય તો જોવા માંગુ છું. 

- શોધવા પડશે. એ દિવસોમાં હું ખૂબ સીધી સાદી, કંઈક અંશે ગંવાર પણ લાગતી હતી. મારામાં લઘુતાગ્રંથિ પણ હતી. એટલેજ તો તારા પ્રભાવશાળી વ્યક્તિત્વની સામે હારી જતી હતી. તારા ગયા પછી, મેં મારી જાતને નિખારી. ખાસ તો મારી વાણીને. જૉબ મળ્યા પછી મારો આત્મવિશ્વાસ વધ્યો તેથી મારા વ્યક્તિત્વમાં નિખાર આવ્યો..

- તેમ છતાં, હું કૉલેજની તે બુદ્ધુ છોકરીને જોવા માંગુ છું જે મારી પાછળની બેંચ પર બેસતી હતી.

- તે દિવસોમાં એટલા ફોટા ક્યાં પાડવામાં આવતા? બહુ બહુ તો આઇડેન્ટિટી કાર્ડ માટે ફોટો પડાવવા પડતા.

- તારું દિલ અને દિમાગ ખૂબ પારદર્શક છે, ક્રિસ્ટલની જેમ. ક્લાસમાં મારી પાછળ બેસીને, એક ચિઠ્ઠી લખીને મારી તરફ ફેંકી શકી હોત અથવા આંખોના ઈશારે મને કંઈક કહી શકી હોત! 

- એનું કારણ પણ કહ્યું છે તને.

- મારે નથી સાંભળવાં તારાં કારણ. અમારા છોકરાઓનું એક ગ્રુપ સાબરમતીના કાંઠે બેસતું. ક્યારેક કૉલેજની સામે આવેલા કબ્રસ્તાનમાં જતા, ક્યારેક સાયકલ સ્ટેન્ડ પર ભેગા થઈને મસ્તી કરતા. આવતી-જતી છોકરીઓને જોતા રહેતા. તે ઉંમર જ એવી હતી કે વિજાતીય આકર્ષણ વધારે રહેતું. છોકરીઓને શું થાય છે, ખબર નથી. કંઈ થતું પણ હશે તો કહેતી નહીં હોય, તારી જેમ! આટલું બધું આકર્ષણ હતું તો કંઈક તો કહી શકી હોત, ઘરે જઈને રડવાનો શું અર્થ?

- તુમ્હારી ડાંટ સર આંખો પર. સાચી વાત, બહુ બહુ તો ‘ના’ થાત. આમેય ‘ના’ જ થઈને? આજે પણ હું એ વખતના દ્વન્દ્વને અનુભવી શકું છું. 

- ડરપોક છોકરી, મને કેટલું ગમ્યું હોત! તે સમયે જયારે હું કૉલેજ મોડો પહોંચતો ત્યારે ક્લાસ મિસ થઈ જતો, પછી કેમ્પસમાં ઝાડને છાંયડે બેસી રહેતો. તું કંઈક બોલી હોત તો મારા ક્લાસ તો મિસ ન થયા હોત!

- આપણી વાર્તા તો પૂરી થઈ ગઈ છે અશ્વિન. ફક્ત અતીતમાં જઈને આપણે તેને અનુભવી રહ્યાં છીએ. ધર્મવીર ભારતીની એક નવલકથા છે 'સૂરજ કા સાતવાં ઘોડા’, તેનું મુખ્ય પાત્ર માણિક મુલ્લા કહે છે, "અપરિપકવ મનના રૂમાની પ્રેમમાં સ્વપ્નો, મેઘધનુષ્ય અને ફૂલો પુષ્કળ હોય છે, પરંતુ તે હિંમત અને પરિપક્વતા નથી હોતાં કે જે આ સ્વપ્નો અને ફૂલોને સામાજિક બંધનોમાં બાંધી શકે.’

- હવે તો ખૂબ હિંમત બતાવી રહી છો!

- હવે કોઈથી ડર નથી લાગતો ને! ‘ના’ થી પણ નહીં! વળી આજે સવારે તેં ફેસબુક પર શેયર કર્યું તે ગીત પણ સાંભળ્યું, ‘તેરે મેરે દિલકા તય થા ઇક દિન મિલના.. 

- એ તો હું જોઈ જ રહ્યો છું. મળ્યાં પણ ખરા અને આગમાં તપીને આપણામાં સોના જેવો નિખાર પણ આવી ગયો. હવે આપણે એક બીજાને સારી રીતે ઓળખીએ છીએ, આ દોસ્તી કદી નહીં તૂટે.

- મને પણ એવું લાગે છે, જનાબ. તું છેલ્લા બત્રીસ વર્ષથી ભારત નથી આવ્યો. અહીં આવવાનું ક્યારેય વિચાર્યું છે ખરું?

- આજ સુધી આવવાનું કોઈ કારણ નહોતું. ઇન્ડિયામાં અમારું ઘર અને જમીન પણ છે, માતા-પિતા હતા ત્યાં સુધી આવવાનું મન થતું. હવે મને બીજું કારણ મળ્યું છે, આશા રાખું છું કે એકવાર તને મળીશ. 

- મારા પરિવારમાં તારું હંમેશાં સ્વાગત છે, ઐશ. હું રાહ જોઈશ. ઓશો રજનીશ કહે છે કે સ્ત્રી રાહ જોઈ શકે છે, અનંતકાળ સુધી. હું થોડા સમયથી ઓશોને વાંચું છું. તેમને વાંચ્યા પછી મને લાગે છે કે તેમના જેવો કોઈ દાર્શનિક નથી. તેમના વિચારોની ઊંડાઈને માપી ન શકાય.

- મેં અમદાવાદના ટાઉન હૉલમાં ઓશોને રૂબરૂ સાંભળ્યા છે. હું પણ તેમની સ્પીચથી ખૂબ પ્રભાવિત છું. ઘણા જ્ઞાની હતા, પરંતુ ઘણી ભૂલો પણ કરી છે. યુ.એસ.એ.માં હતા ત્યારે તેમના શિષ્યોએ તેમના પર ભેટોની વર્ષા કરી. રોલ્સ રોયસ કાર, રોલેક્સ ઘડિયાળો, વગેરે. સાંભળ્યું છે કે તેમની પાસે અહીં 103 રોલ્સ રોયસ કાર હતી. દર મહિને સોનાની નવી ઘડિયાળ ખરીદતા. તેમના આશ્રમમાં ખુલ્લેઆમ ચરસ અને ગાંજાનો ઉપયોગ થતો.

- તેમના અંગત જીવન વિશે વધારે માહિતી નથી, પરંતુ હું તેમના જ્ઞાનથી ખૂબ પ્રભાવિત છું.

- મને પણ તેમના વિચારો ગમે છે, અચ્છા ખાસા દાર્શનિકને તેમના શિષ્યોએ ભગવાન બનાવી દીધા. 

- અશ્વિન, ઓશોએ પોતે પણ આ વિષય પર પોતાના પુસ્તક 'કૃષ્ણ ઔર હંસતા હુઆ ધર્મ’ માં લખ્યું છે.

- શું? 

-  જેને આપણે સમજી નથી શકતા તેને ભગવાન બનાવી દઈએ છીએ. હકીકતમાં પોતાની અજ્ઞાનતાને સ્વીકારવી ખૂબ મુશ્કેલ છે, બીજાને ભગવાન બનાવવા ખૂબ જ સરળ છે. ભગવાન કહેવાનો અર્થ એ છે કે જે રીતે આપણે ભગવાનને સમજી શકતા નથી તે જ રીતે આ વ્યક્તિને પણ સમજી શકતા નથી.

- મલ્લિકા, આ જ તો વિડમ્બના છે આપણા દેશની. 

- હવે તારા વિશે કંઈક લખ, મારા હીરો.

- તારી નજરમાં હું એક હીરો છું, પણ હવે હું પહેલા જેવો થોડો છું? તું મને જોઈશ તો ઓળખી પણ નહીં શકે. 

- જો હું તને ઓળખી ન શકું તો તું મને કહેજે, 'લુક એટ માય ફેસ, લુક ઇનટૂ માય આઈજ.’ 

- એટલે?

- આ વાક્ય ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત બંગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાયની નવલકથા 'સપ્તપદી'માં છે. મેડિકલ કૉલેજના હિન્દુ બ્રાહ્મણ વિદ્યાર્થી કૃષ્ણેન્દુને તેની કલાસમેટ, ક્રિશ્ચિયન છોકરી રીના બ્રાઉન સાથે પ્રેમ થઈ ગયો.

- પછી?

- રીનાના પિતાની શરત પર, કૃષ્ણેન્દુએ ગુપ્ત રીતે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો, જ્યારે રીનાને ખબર પડી, તેણીએ કૃષ્ણેન્દુને ઠપકો આપતાં કહ્યું કે જે વ્યક્તિ તેણીને મેળવવા માટે પોતાનો ધર્મ છોડી શકે છે, તે બીજી સ્ત્રીને મેળવવા માટે એને પણ છોડી શકે છે.

- ઓહ માય ગૉડ!

- કૃષ્ણેન્દુનો પ્રેમ સાચો હતો, આશુ. પાદરી બની તે જીવનભર ગામડે ગામડે ફરીને માંદા માણસોની સેવા કરતો રહ્યો. રક્તપિત્ત દર્દીઓની ની સેવા કરતાં કરતાં તે પોતે પણ આ રોગનો શિકાર બની ગયો અને હોસ્પિટલમાં દાખલ થયો.

- ઓહ ગૉડ! પછી?

- એકવાર ડૉ. રીના હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાતે આવી ત્યારે અન્ય દર્દીઓની સાથે કૃષ્ણેન્દુને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. પોતાને માટે તેની નિશ્છલ પ્રેમની લાગણી અનુભવતા, તેણીને ખૂબ દુઃખ થયું. કૃષ્ણેન્દુ રીનાને ઓળખી ન શક્યો. રીનાએ કહ્યું, 'લુક એટ માય ફેસ, લુક ઇનટૂ માય આઈજ.’ આ એક પંક્તિએ, કેટલીય વાર મને એ નવલકથા વાંચવા માટે પ્રેરિત કરી! 

- અદ્ભુત! મતલબ, એક ક્રિશ્ચિયન યુવતી રીનાના પ્રેમમાં ડૂબીને, કૃષ્ણેન્દુ નામના હિન્દુ બ્રાહ્મણ યુવકે સમાજના ઠેકેદારોને સમજાવી દીધું કે પ્રેમને ધર્મના ત્રાજવે તોલી શકાય નહીં. 

- સાચી વાત. 'સપ્તપદી' નવલકથા પરથી આ જ નામની એક બાંગ્લા ફિલ્મ બની હતી, જેમાં બાંગ્લા ફિલ્મ જગતની સદાબહાર જોડી ઉત્તમ કુમાર અને સુચિત્રા સેને અભિનય કર્યો હતો. આ ફિલ્મને તેઓની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.

- શું કહું મલ્લિકા, તું મળી ત્યારથી મને વાંચન ગમવા લાગ્યું છે. હું આ પુસ્તક વાંચવા માંગુ છું.

- જરૂર વાંચજે. હિન્દીમાં ઉપલબ્ધ છે. હવે તો ઓનલાઈન ખરીદી કરવાની સુવિધા છે. નેટ પર ઉપલબ્ધ હોય તો તું ડાઉનલોડ પણ કરી શકીશ. 

- ઓકે. મારો ઉછેર તો હિન્દુ સમાજમાં જ થયો છે. મારા બધા મિત્રો હિન્દુ હતા. કેટલાક મુસ્લિમ અને જૈન પણ હતા. નાનપણમાં હું દિવાળી, હોળી, નવરાત્રી જેવા બધા તહેવારો મારા હિન્દુ મિત્રો સાથે ઉજવતો હતો. નવરાત્રીમાં ગરબા જોવા મોડી રાત સુધી જાગતો. 

- તારા માટે ગરબા કરવા પણ મુશ્કેલ ન હતા. 

- અરે, 1974 માં ભવન્સની ગરબા ટીમને, જેમાં હું પણ એક પાર્ટિસિપંટ હતો, યુથ ફેસ્ટીવલમાં બીજું ઇનામ મળ્યું હતું. વી.એસ. હોસ્પિટલ કેમ્પસમાં પણ ખૂબ સરસ ગરબા થતા. પપ્પા ફાળો પણ આપતા.. અમારા અલગ ધર્મને ધ્યાનમાં લેતા, આરતી કરનારા મહારાજ મા અંબાને ચડાવવામાં આવતા પ્રસાદમાં થી અમારા માટે થોડો પ્રસાદ બાજુમાં રાખતા, જે અમે ખુશીથી ખાતાં. મને ત્યારે ધર્મના ભેદની ખબર પણ નહોતી. 

- એવું જ હોવું જોઈએ અશ્વિન, જો દરેક બાળકને ઘરેથી 'સર્વ ધર્મ સમાન છે' શીખવવામાં આવે, તો ધર્મના નામે આટલા યુદ્ધો ક્યાંથી થાય? પૃથ્વી સ્વર્ગ ન બની જાય!

- હું હિન્દુ ધર્મની ઘણી ધાર્મિક વિધિઓ વિશે જાણું છું. ઉનાળાના વેકેશન દરમિયાન, અમે મિત્રો એલિસ બ્રિજ પાસે આવેલ ભીખા ભાઈ મ્યુનિસિપલ ગાર્ડનમાં રમવા જતા. નજીકના સંન્યાસ આશ્રમના સાધુઓ પણ બગીચામાં બેસવા આવતા. હું તેમની સાથે પણ વાત કરતો.

- આમેય તને નવી નવી વાતો જાણવામાં રસ છે.

- હા, મેં ક્યારેય સ્મૃતિને તેનો ધર્મ માનતાં રોકી નથી. મારી બંને દીકરીઓ પણ હિન્દુ ધર્મનું પાલન કરે છે. તેમને પોતાના નિર્ણય લેવાનો અધિકાર છે.

- આ તો ખૂબ સારી વાત કહેવાય.

- મલ્લિકા, હું માનું છું કે દરેકને તેમની આસ્થા અનુસાર ધર્મનું પાલન કરવાની આઝાદી હોવી જોઈએ.

- તારી વાત સાથે સંમત છું. 

- ક્રિસમસના દિવસે અમે બધા અહીંની ઇન્ડિયન ચર્ચમાં જઈએ છીએ અને દિવાળીના દિવસે બધા સાથે મળીને રાધાકૃષ્ણ મંદિરમાં જઈએ છીએ. ત્યાં બધા મિત્રોને મળીને ખૂબ સારું લાગે છે. અહીંના મંદિરના મહારાજ સાથે પણ મારી સારી મિત્રતા છે. જ્યારે પણ મારા મિત્ર સંજીવ અને તેની પત્ની ગીતાનો મંદિરમાં ભજનનો કાર્યક્રમ હોય છે ત્યારે હું ચોક્કસ જાઉં છું. મને ભજન સાંભળવા ગમે છે.

- તું તો ગીત અને સંગીતની વ્યક્તિ છો. સંગીતનો કોઈ ધર્મ થોડો હોય?

- અગ્રી.

- આજે હું એક ફ્યુનરલમાં ગયો હતો, મૃત્યુને નજીકથી જોયું. ડિસ્ટર્બ ફીલ કરી રહ્યો હતો. તારી સાથે વાત કરવાથી ઘણી રાહત થઈ.

- ઓહ, આપણે વાત પૂરી કરીએ. હવે શાંતિથી ઊંઘી જા, બાકી વાતો આવતી કાલે થશે. શુભ રાત્રિ, બન્ધુ. 

- ગુડ નાઇટ, ડિયર.