How to find lost or stolen phone books and stories free download online pdf in Gujarati

કિંમતી ફોન ચોરાય કે ખોવાય જાય તો શું કરવું?

ચોરાઈ કે ખોવાઈ ગયેલા ફોન શોધવાનું કામ કંપનીનું નથી : સુપ્રીમ કોર્ટ

ફોનનો વીમો લેવો જરૂર છે, વીમો છે તો દાવો કઈ રીતે કરવો, ફોનને ચોરી થતો કેવી રીતે બચાવી શકાય તેની માહિતી હોવી જરૂરી

સિદ્ધાર્થ મણીયાર
siddharth.maniyar@gmail.com

ઓડિશામાં એક વ્યત્કિનો આઈફોન ચોરાઈ ગયો હતો. જેને શોધી આપવા માટે કંપનીએ હાથ ઉંચા કરતા વ્યક્તિ ગ્રાહક કોર્ટમાં ગયો હતો. વ્યક્તિ દ્વારા ગ્રાહક કોર્ટમાં કરવામાં આવેલા કેસમાં કોર્ટે આદેશ કર્યો હતો કે, એપલ ઇન્ડિયા આઇફોનનું નિર્માતા છે. તેથી, તેણે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર દ્વારા ચોરેલો ફોન ટ્રેસ કરવો જોઈએ. જે આદેશ સામે કંપની દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી કે, ચોરાયેલા આઇફોનને શોધી કાઢવું એપલ ઇન્ડિયાનું કામ નથી. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી બાદ ચોરાયેલા ફોનની પાછો મેળવવા અરજી કરનાર વ્યક્તિના સમય અને નાણાંનો વેડફાટ થયો હતો. પરંતુ તેની સાથે એક પ્રશ્ન ઉભો થયો હતો કે, કોઈ પણ વ્યક્તિનો ફોન ચોરાય તો તે પાછો મેળવવા માટે શું કરવું ? આ પ્રશ્નનો જવાબ આપવાનો એક પ્રયાસ આ લેખમાં કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે અન્ય કેટલાક જરૂરી પ્રશ્ન જેવા કે, શું ફોનનો વીમો લેવો યોગ્ય છે?, જો તમને વીમાનો દાવો ન મળે તો ક્યાં જવું?, ફોનને ચોરીથી બચાવવા માટે શું સાવચેતી રાખવી જોઈએ? તેના જવાબ પણ આ લેખમાંથી જાણી શકાશે.

ફોન ચોરાઈ જાય તો શું કરવું, કોને ફરિયાદ કરવી?
મોબાઈલ ફોન ચોરાઈ જાય કે પછી ખોવાઈ જાય તો વ્યક્તિ ડરી જતો હોય છે અને શું કરવું તેની સમજણ પડતી નથી. એટલું જ નહીં આજના સમયમાં વ્યક્તિ પાસે ફોન ચોરાય કે ખોવાય જાય તો શું કરવું તેની માહિતીનો પણ અભાવ છે. પરંતુ ફોન ચોરાય કે ખોવાય જાય તો શું કરવું અને કોને ફરિયાદ કરવી તેની જાણકારી હોવી જરૂરી છે.
- ફોન ચોરાઈ કે ખોવાઈ જવાના કિસ્સામાં, કેન્દ્ર સરકાર દ્વારા 14422 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. જેના પર તુરંત ફરિયાદ કરવાની પોલીસ તેમજ સર્વિસ પ્રોવાઇડર દ્વારા ફોનને સ્વીચ ઓફ કરી દેશે.
- વ્યક્તિ સેન્ટર ફોર એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રી રિસર્ચ (CEIR)ની વેબસાઇટ https://www.ceir.gov.in/Home/index.jsp પર ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ મળતાની સાથે જ CEIR ફોનની તમામ સેવાઓ બ્લોક કરી દેશે.
- આ સિવાય વ્યક્તિ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ રિપોર્ટ નોંધાવી શકો છો. જે બાદ પોલીસ ચોરાયેલા ફોનને બ્લોક કરીને શોધખોળ શરૂ કરશે.

ફોનનો વીમો મેળવવાના ફાયદા શું છે?
આજના સમયમાં મોબાઈલ ફોન વ્યક્તિના જીવનનો મહત્વનો હિસ્સો બની ગયા છે. ત્યારે મોબાઈલ ફોનની કિંમત પણ હવે, લાખોમાં હોય છે. ત્યારે ફોન કિંમતી હોય ત્યારે વીમો લેવો ખુબ જ જરૂરી છે. જેથી ફોન ચોરાઈ કે ખોવાઈ જવાના સંજોગોમાં વીમા કંપની પાસે ક્લેમ કરી શકાય છે. જોકે, દરેક વીમા કંપનીની પોલિસી જુદી જુદી હોય છે જે માટે કેટલાક મુદ્દાનું પાલન કરવું વ્યક્તિ અને વીમા કંપની બન્ને માટે જરૂરી છે.
- મોબાઈલ ફોનમાં કોઈપણ નુકસાન કે ક્ષતિ થાય તો તરત જ વીમા કંપનીને જાણ કરવી
- કેટલીક વીમા કંપનીઓ આગમાં ફોનને થયેલા નુકશાનના કિસ્સામાં ફાયર સ્ટેશન પર રિપોર્ટ કરવો ફરજીયાત ગણે છે.
- કેટલીક વીમા કંપની ક્ષતિગ્રસ્ત મોબાઈલ ફોનનો ફોટો ક્લેમ કરતા સમયે જરૂરથી માંગે છે
- ચોરીના કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદને પણ મહત્વ આપવામાં આવે છે. જેની નકલ વીમા કંપનીને આપવી જરૂરી હોય છે
- કેટલીક વીમા કંપનીઓ દ્વારા પોલિસીના સમયગાળામાં માત્ર એક જ ક્લેમ આપવામાં આવે છે. જયારે કેટલીક કંપનીમાં એક કરતા વધારે ક્લેમ કરી શકાય છે.

ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની પ્રક્રિયા શું છે?
- જિલ્લા ગ્રાહક ફોરમ : જિલ્લા ગ્રાહક ફોરમમાં સાદા કાગળ પર ફરિયાદ કરી શકાય છે. વ્યક્તિ નોટરાઈઝ કરાવ્યા પછી રજિસ્ટર્ડ અથવા નિયમિત પોસ્ટ દ્વારા રૂબરૂમાં અથવા અધિકૃત એજન્ટ મારફતે ફરિયાદ ફાઇલ કરી શકે છે. જોકે, ફરિયાદ કરતા પહેલા વ્યક્તિગત અથવા કાનૂની નોટિસ પક્ષકારને આપવી જરૂરી હોય છે. નિયમ અનુસાર અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ માટે 1 લાખ રૂપિયા સુધીના કેસમાં કોર્ટ ફી લેવાતી નથી જયારે તે બાદ રૂ. 100 ફી લેવાય છે. જે બાદ રૂ. 5 લાખ સુધી ફી રૂ 200, રૂ. 10 લાખ સુધી ફી રૂ. 400, રૂ. 20 લાખ સુધી ફી રૂ. 500 લેવામાં આવે છે.
- રાજ્ય ગ્રાહક ફોરમ : માલ કે સેવાઓની રકમ રૂ. 20 લાખથી વધુ હોય તેવા કિસ્સામાં વ્યક્તિ જિલ્લા ફોરમનો આદેશ 30 દિવસમાં રાજ્ય ગ્રાહક ફોરમમાં પડકારી શકે છે. રૂ. 20થી 50 લાખ સુધીના કેસમાં કોર્ટ ફી રૂ. 2,000, રૂ. 1 કરોડ સુધીના કેસ માટે ફી રૂ 4,000 થાય છે. તેવા સંજોગમાં અપીલ કરવા માટે તમામ પક્ષકારોનાં સાચા નામ અને સરનામા સાથે રેકોર્ડ પરના દસ્તાવેજો, જિલ્લા ફોરમના હુકમની પ્રમાણિત નકલ, અપીલ દાખલ કરવા માટે દરેક પ્રતિવાદી માટે ચારથી વધુ વધારાની નકલો, કોઈપણ શરતી વિલંબના વચગાળાના આદેશો અને અન્ય અરજીઓ એફિડેવિટ સાથે સબમિટ કરવી જોઈએ, અપીલકર્તા/વિરોધી પક્ષોએ રૂ. 25,000 અથવા એવોર્ડ/વળતરની રકમના 50%, જે ઓછું હોય તે જમા કરાવવાનું રહેશે.
- નેશનલ કન્ઝ્યુમર ફોરમ : ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમથી અસંતુષ્ટ ગ્રાહક રાષ્ટ્રીય આયોગમાં ફરિયાદ કરી શકે છે અથવા રાજ્ય ફોરમના આદેશના 30 દિવસમાં પડકારી શકે છે. એજ માટે વ્યક્તિએ રૂ. 5000 કોર્ટ ફી ભરવાની રહેશે. જોકે, રાજ્ય અથવા રાષ્ટ્રીય આયોગ સમક્ષ અપીલ દાખલ કરવા માટે કોઈ ફી નથી. એટલું જ નહીં વ્યક્તિ 30 દિવસ સુધી નેશનલ કમિશનના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.

ફોનને સુરક્ષિત રાખવા માટે શું કરવું ?
ફોનને ચોરીથી બચાવવા માટે ફોનના સેટિંગમાં કેટલાક ફેરફાર કરવા અથવા તો ફોનની કેટલીક જરૂરી માહિતી હાથવગી રાખવી જરૂરી છે. જેનાથી ફોન શોધવામાં સહેલાઇ રહે.
- ફોનનો IMEI સુરક્ષિત જગ્યાએ લખી રાખવો, જે ફોનમાં *#06# ડાયલ કરવાથી તેમજ બિલ અથવા ફોનના બોક્સ પરથી મેળવી શકાય છે.
- ગૂગલે ફોનમાં Find My Device નો વિકલ્પ હંમેશા ચાલુ રાખવો
- જ્યારે ફોન ખોવાઈ કે ચોરાઈ જાય ત્યારે ડેટા લોસથી બચવા સમયસર તેનો બેક એ લેવો અથવા Google ડ્રાઇવ પર તેનો બેકઅપ રાખવો જરૂરી છે.