Lagnina Pavitra Sambandho - 9 books and stories free download online pdf in Gujarati

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 9

પ્રકૃતિ ફરી વિચાર માં પડી ગઈ. ક્યાં ગયો હશે..? હાલ તેની શું સ્થિતિ હશે..? તેને પણ લગ્ન કરી લીધા હશે ને..? વગેરે બાબતો અંગે પ્રકૃતિ વિચારોમાં ખોવાઈ ગઈ.તે જ વખતે અચાનક પ્રકૃતિની પાછળથી અભિષેકે તેને કમરથી પકડીને કહ્યું, " તું જેના વિચારોમાં ખોવાયેલ છે તે હાજર છે તારી સામે..મારી સ્વીટ હાર્ટ પ્રકૃતિ..!" આ સાંભળીને પ્રકૃતિ અભિષેકના બંને હાથ પકડી નકલી સ્મિત સાથે તેને ભેટી પડી. તેની આંખોમાં અશ્રુ બિંદુ છલકાઈ ગયા હતા. તમારા માટે પાણી લાવું..કહી તે રસોડામાં ચાલે ગઈ..સાથે તેની લાગણીઓને છુપાવવાનું ઠેકાણું મળી ગયું.

બાય બેટા..! કહી પ્રકૃતિએ ક્ષિપ્રાને સ્કૂલ રવાના કરી, તે ઓફીસ જવા નીકળી. હજુ પણ પ્રારબ્ધના વિચારોનું વમળ શાંત થતું ન હતું. કેવી રીતે પ્રારબ્ધ વિશે જાણવું.? તે પ્રકૃતિને સમજાતું ન હતું.ઘર અને જોબની જવાબદારી વચ્ચે પણ પ્રકૃતિને પ્રારબ્ધના વિચારો પરેશાન કરતા હતા. એક વાર તો તેને થયું કે પ્રારબ્ધ વિશે બધું જ અભિષેક ને કહી દે. પરંતુ કેવી રીતે..? પ્રારબ્ધ પ્રકૃતિના જીવનનો વણ ઉકેલ્યો કોયડો બની ગયો હતો.

"પપ્પાજી આજ ક્ષિપ્રાને તાવ નથી આવ્યો ને..?કયા ગઈ ક્ષિપ્રા..?" ઓફીસથી આવી તરત જ પ્રકૃતિએ ઘરની બહાર હિંચકે બેઠેલા તેના સસરાને પૂછ્યું.

"ના બેટા..! આજ તો તેને સારું છે. બાજુમાં હેતાક્ષી સાથે રમવા ગઈ છે." પિતાજીએ હળવેથી કહ્યું.

ઘરમાં પ્રવેશી ફ્રેશ થતા જ તેને રોજિંદા ક્રમ પ્રમાણે અભિષેકને ફોન લગાવી વાત કરી અને સાંજના રસોઈના કામમાં પરોવાઈ ગઈ. તે કેટલો પણ પ્રયત્ન કરે પ્રારબ્ધને ભૂલવાનો..તેના વિચારો પ્રકૃતિને સફળ થવા દેતા ન હતા.

રાતના 10 વાગ્યા હશે. ક્ષિપ્રા બેડમાં સુઈ ગઈ હતી. ક્ષિપ્રા પાસે બેસી અભિષેક લેપટોપ લઇ પોતાના બિઝનેસને લાગતો કોઈ મેઇલ કરી રહ્યો હતો. પ્રકૃતિ સવારની તૈયારી કરતી હતી.

"અભિષેક..! એક વાત કહું..?"

"અરે..! બોલને મારી જાન..! એક નહીં બે વાત કહે..." હસીને અભિષેકે લેપટોપ પર પોતાના જ બિઝનેસને લાગતું કામ કરતા કરતા કહ્યું.

પ્રકૃતિ પ્રારબ્ધ વિશે કહેવા જતી હતી. પરંતુ અભિષેક ને કદાચ નહીં ગમે તો..? વાત સાંભળ્યા પછી તે કેવું રીએક્ટ કરશે..? તે વિચારથી પ્રકૃતિ કંઈ બોલી ન શકી.બીજી બાજુ તેને ક્ષિપ્રાની પણ ચિંતા થતી હતી.

"શું થયું..? ક્યાં ખોવાઈ ગઇ..? તું કંઇક કહેતી હતી..?" અભિષેકે લેપટોપ ને ડાયરી સમેટતા પૂછ્યું.

" અરે ખાસ કંઈ નહીં.. ક્ષિપ્રાની ચિંતા થતી હતી.અચાનક એને તાવ અને ચક્કર આવ્યા. કોઈ બીમારી તો..." ચિંતિત પ્રકૃતિ બોલતા બોલતા અટકી ગઈ.

" તું પાગલ થઈ છે? આપણી ગુડિયાને કાઈ જ નહીં થાય. તું બિલકુલ ચિંતા ના કર." અભિષેકે ક્ષિપ્રાના માથાને ચુંમતા કહ્યું.

થોડી વાતો બાદ અભિષેક તો સુઈ ગયો. પરંતુ પ્રકૃતિ પડખાં ફેરવતી રહી.ઘણી કોશિશ કરી પણ તે સુઈ શકી નહીં. ઊભી થઈ તે રસોડામાં ગઈ.પાણીના બે ઘૂંટ પીધા ને બેડરૂમમાં જવાને બદલે તે હિંચકા પર જઇ બેઠી. તે જિંદગીના એક એવા મોડ પર આવી ગઈ હતી કે શું કરવું તે સમજી શકાતું ન હતું. એક તરફ મુશ્કેલ સમયમાં સાથ આપનાર, તેને અને ક્ષિપ્રાને અઢળક પ્રેમ આપનાર તેનો પ્રેમાળ પતિ અભિષેક હતો કે જેની દુનિયા પ્રકૃતિ અને ક્ષિપ્રા સુધી જ સીમિત હતી. અને બીજી બાજુ તેનું અતિત જેને તે ક્યારેય ઠુકરાવી શકે તેમ ન હતું.

* * * * *

પ્રકૃતિની કોલેજમાં પ્રવાસનું આયોજન કરાયું હતું. શ્રીનાથજી, ઉદયપુર, ચિત્તોડ ગઢ, મહારાણા પ્રતાપનું મ્યુઝિયમ વગેરે જેવા રાજસ્થાનના સ્થળોના ત્રણ દિવસના પ્રવાસ પર જવાનું હતું. જાહેરાત કાર્યના દસ દિવસ માં પ્રવાસ જવાનું હતું. અઠવાડિયામાં પ્રવાસની ફી ભરવાની હતી. ફી ભરવાની આજ છેલ્લી તારીખ હતી.બધાની સાથે પ્રકૃતિ અને પ્રીતિએ ફી ભરી દીધી હતી.

🤗 મૌસમ 🤗