Sav Achanak... books and stories free download online pdf in Gujarati

સાવ અચાનક…

સાવ અચાનક…

આમ સાવ અચાનક જ મારી સામે આવી જવાનું..સાવ આવું કરવાનું ? મારા દિલની મજબૂતાઈની પરીક્ષા લે છે કે શું તું ?

પેલું પ્રખ્યાત ગીત યાદ આવી ગયું,

‘મેં તેરે ઇશ્કમેં મર ના જાઉં કહીં,

તું મુજે આજમાને કી કોશિશ ન કર’

બાકી તો ક્યાં મોબાઈલ પર ‘સેન્ટ – રીસીવ – ડીલીટ મેસેજીસ’ ની આંગળીતોડ કસરતો !! વળી એ કર્યા પછી પણ તારા રોજ-બ-રોજના ટાઈમટેબલોમાં ગોઠવાયેલા કામકાજના ઢગલાંઓના ખડકલામાંથી થોડો સમય ચોરવાનું કામ કેટલું કપરું હોય છે એ તો કોઇ મને પૂછે ! રોજ તને મળવાના સ્વપ્નિલ રેશમી તાણાવાણા ગૂંથતી, આ સમયે તું ફ્રી થઈ શકીશ, ચોકકસ તને અનુકૂળતા હશે જ અને ટાઈમટેબલોમાં આપણી મુલાકાતો ગોઠવવાની મથામણો કર્યા કરતી.

‘હા, આજે મને ફાવશે. આટલા વાગ્યે આપણે અહીં મળીશું’

‘ઓ.કે.’

દિલમાં ફૂટી નીકળેલા અઢળક સતરંગી સપનાઓ સાથે આવનારા સમયની પ્રતિક્ષામાં આંખો બંધ કરીને થોડી પળો વીતી ના વીતી ત્યાં તો,

‘સોરી ડીયર, આજે નહીં ફાવે, અચાનક એક કામ આવી ગયું, એક મિત્ર આવી ગયો..’

કંઇ નહીં તો છેલ્લે છેલ્લે કોઇ અણધાર્યો પ્રોગામ બિલાડીના ટોપની માફક ઉગી નીકળ્યો હોય..

અને મારા પક્ષે તો કંઇ બોલવાનું બાકી રહે જ નહીં ને.

મોબાઈલમાં લખાયેલા તારા મેસેજના શબ્દોને, લાચારીની લાગણી સાથે, ભીના હૈયે હાથ પસવારી પસવારીને સ્ક્રીન પર કલ્પનામાં જ તારું મુખદર્શન કરી લઉં . સ્ક્રીન પર તારા નામને પ્રેમથી એક હળવું ચુંબન પણ કરી લઉં . એક વાર તો મોબાઇલની સ્ક્રીન તારા કરતા પણ વધુ સંવેદનશીલ નીકળી. ચુંબનની ગરમાહટથી ભેજની જે બૂંદો ઉત્પન્ન થઈ એનાથી ‘ટ્ચ સ્ક્રીન’ પણ પીગળી ગયું. મારો લાગણીભીનો સ્પર્શ એના ઊંડાણમાં ઊતરી ગયો ને ખલ્લાસ..એ તો ત્યાં જ અટકી ગયો.

ના એની ઘડિયાળમાં સમય આગળ વધે કે ના મારી બીજા કોઇને સંપર્ક કરવા માટે નંબર કે મેસેજીસની સુવિધા ઉપલબ્ધ થાય..!! એ સમયને મનભરીને એ માણી લેવા માટે બધું ય કામકાજ – પ્રાયોરીટીઝ ભુલીને એ લાગણીભૂખ્યું મશીન મારી સાથે એ જ પળમાં સ્થિર થઈ ગયું. મશીનોને પણ સાચી લાગણીની જરૂર પડતી હશે કે..??

‘કાં તો

મને એ પળમાં પાછી લઈ જા

કાં તો

ધડકનને સમજાવ જરા કાબૂમાં રહેતા શીખે

દિલ – દિમાગને સાવ આમ અટકાવી ના દે’

જ્યારે તું અને તારા વેર-વિખેર ટાઇમ – ટેબલો..તોબા એનાથી હવે તો… જેને દિલચીર પ્રેમ કર્યો એના આવા વાયદાતોડ વર્તન માટે ગુસ્સો તો બહુ આવે પણ શું કરું ? આમે મારાથી શું કરી શકાવાનું હતું !

‘તને ખબર છે..

મારી અધૂરી રહી જતી કવિતાઓના કાગળના ડુચા..

અને

તને મળવાની તીવ્ર ઇચ્છા છતાં

મિલનની આઘે ઠેલાતી પળો..

નિરર્થક કોશિશો…

હવાતિયાં જેવું જ કશુંક..

એ અધૂરી ઝંખનાઓ વચ્ચે કેટલું સામ્ય છે..!!

એ બેય કાયમ મારા હૈયે

કદી ના પૂરી શકાતો

છાતી પર સો સો મણનાં પથ્થરોનો ઢગ ખડકી દેતો,

સતત પ્રતીક્ષામાં ઝુરવાના શ્રાપ સમો,

કાળો ડિબાંગ

ખાલીપો જ ભરતો જાય છે..’

આ જાત જોડે જાતની આંતરીક મથામણોની કરુણ કહાની હું તને કયા શબ્દોમાં સમજાવી શકવાની પ્રિય..?

કો’કવાર ચાર્લી-ચેપ્લિન જેવી નાટ્યાત્મક્તાથી, બળજબરી કરીને મોઢામાંથી થોડા શબ્દોને બહાર ધકેલી લઉં :

‘ચાલશે, ઈટ્સ ઓકે. ફરી ક્યારે…..ક…!!!!!’

આમે, મારી પાસે કોઇ રસ્તો જ ક્યાં બાકી હોય છે આવું બોલ્યા સિવાય.

ક્યારેક મારી ડાયરીમાં તારા આપેલા અને મેં કાળજીથી સુકવીને સાચવી રાખેલા ગુલાબોની કાળી પડી ગયેલી પાંદડીઓ પર હાથ ફેરવતા ફેરવતા ગુલાબ વિશેની સાંભળેલી વાર્તા યાદ આવી જાય છે.

‘સ્વર્ગલોકની અપ્સરા ઇવાને, સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોકમાં જવાનું ફરમાન મળ્યું . પૃથ્વીલોકમાં એકલવાયું ના લાગે એટલે એણે દેવતાઓ સમક્ષ સ્વર્ગમાંથી એની મનગમતી ચીજ સાથે લઇ જવાની ઇચ્છા પ્રદર્શિત કરી. એ મનગમતી ચીજ એટલે બીજું કંઈ નહીં પણ ‘સફેદ ગુલાબ’. કદાચ આજ કારણ હોઇ શકે કે ગુલાબ આપણને દેવતાઈ સંવેદનોની જાદુઇ અનુભૂતિ કરાવે છે.’

સાંભળ્યું છે કે સંબંધ પ્રમાણે એમાં અપાતા ગુલાબની પસંદગી કરાય છે. જેમકે દોસ્તી માટે પીળું ગુલાબ, સફેદ શાંતિ માટે, લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક ગણાય છે. આ સંબંધોની જાળવણી માટે અપાતા ગુલાબમાં પણ પ્રેમના લાલ ગુલાબના ભાગે પીડાથી તરબતર થવાનો વારો આવ્યો હતો ને.

તું મારા મધુર કંઠ, અદ્વિતીય સંવેદનશીલતાને કારણે કાયમ મને ‘બુલબુલ’ના ઉપનામથી બોલાવતો આવ્યો છે. ઘણીવાર એ નામ સાથેની પીડા પણ હું ભોગવું છું. ઇવાએ પસંદ કરેલા સફેદ ગુલાબ પર બુલબુલનું લાલ લાલ રુધિર ટપકતું રહ્યું અને એટલે એ પૃથ્વીલોક સુધી આવતા આવતા તો સફેદ ગુલાબ લાલ થઈ ગયું.

પ્રેમ સાથેની પીડાનો અતૂટ નાતો છે – જેમ એક સિક્કાની બે બાજુ. એની પ્રતીતિ કરાવતું લાલ ગુલાબ એટલે જ કદાચ પ્રેમીજનોમાં આટલું લોકપ્રિય છે.

ટાઇમટેબલોની ગડમથલો પછી પણ મુલાકાતનો સમય ના નીકળતા અકળામણની સપાટી એની માઝા મૂકીને ચરમસીમાએ પહોંચી જાય છે. પછી તો આજુ બાજુમાં જે હોય એ બિચ્ચારું તો ગયું જ..વગર વાંકે મારા ગુસ્સાના પ્રેશર કુકરની હડફેટે આવી જાય અને મને પોતાને પણ અમુક વાર ના સમજાય એવું વર્તન કરી બેસું.. પાછળ ભરપેટ પસ્તાઉં…પણ તું..

જોકે તારા કહેવા મુજબ તકલીફ તો તને પણ થાય છે પણ તું એ દર્દ, તકલીફ તારા વર્તન કે ચહેરા પર પ્રસરવા નથી દેતો. તું તો કમળપત્ર જેવો જ..પોતાની જાતને અદ્દભુત સંયમનો માલિક ગણતો પણ મારી નજરે તો તું સાવ સંવેદનહીન,જડ જ છે. તને આવા ‘પ્રોગ્રામ કેન્સલ’ના વાવાઝોડાથી ખાસ કંઇ તકલીફ નથી થતી પણ અહીં તો અશ્રુઓની સુનામી સર્જાઇ જાય છે. એક દિવસ આ સુનામીના પૂરમાં તણાઇ ના જાઉં એટલું ધ્યાન રાખજે. નહીંતો પછી આખી જિન્દગી પસ્તાઇશ તું.

આવા પારાવાર ‘ટાઈમટેબલીયા’ મુશ્કેલીના કાળા વાદળો ઘેરાયા કરતાં હોય અને એવામાં અનાયાસે જ તું આજે આમ મારી સામે આવી ગયો..કોઇ જ આગોતરી જાણ કર્યા વિના, કોઇ જ ટાઈમટેબલોના બંધનો વગરની એ સાવ અચાનકની મુલાકાત..મારું હ્રદય એની ગતિ, લય બધુંય વિસરી ગયું. હૈયાના ટાઈમટેબલ પણ અસ્ત વ્યસ્ત થઇ ગયા અને જોરજોરથી ધડકતું એ મારા જ કાનમાં પડઘાવા માંડ્યું. મારી આંખો જાણે પલકારો મારવાનું જ ભૂલી ગઈ. સાનંદાશ્ચર્યના દરિયામાં ગોતા લગાવતા લગાવતા મારી ખુશી પણ આજે સુધ-બુધ ખોઈને સ્તબ્ધ બની ગઇ. એ સ્થિતીનું વર્ણન કોઇ પણ કવિ કે લેખકની હાથબહારની વાત જ છે. શબ્દોની સીમારેખાનું અદભુત ઉદાહરણ !!

ચોમેર અથડાઇને પસાર થતી ભરચક જનમેદની, માથે કુમળા સૂરજનો રૂપેરી કિરણોથી સજ્જ તડકો, સામે પથરાયેલા હજ્જારો માનવમેદનીના પગલાંથી ભરચક રોજના આઠ રસ્તા, જે રસ્તાને પાર કરીને સામે પાર જવાનું એટલે મારા માટે માથાનો દુઃખાવો જ.

રોજ વિચારું કે, હવે આ રસ્તેથી ફરી કદી પસાર નહીં થવું. પણ બીજો રસ્તો બહુ લાંબો હોઇ ખાસો સમય ખાઈ જતો એટલે ‘મજબુરી કા નામ મહાત્મા ગાંધી’ જેવા આ અણગમતા આઠ રસ્તા, અચાનક જ આજે મને એક્દમ વ્હાલા લાગવા માંડ્યા. મારા કલ્પના જગતના રંગબેરંગી પતંગિયા એકદમ જ મનોમસ્તિષ્કમાંથી કૂદીને એ આઠ રસ્તા પર આવી ગયા અને મારી આજુબાજુ ઉડવા માંડ્યા, પારિજાતના ફુલોની મારી મનગમતી ગંધ હવામાં વહેવા માંડી, ફૂટપાથની કોરે ઉગેલા પેલા વૃક્ષની બખોલમાં નિરાંત જીવે બેઠેલું પંખી આપણા મિલનના વધામણા આપતું ગીતો ગાવા માંડ્યું, ચારેકોરના રોજબરોજના વાહનોથી ભરચક રસ્તા પર મને કાયમથી કનડતા આવેલા બેસૂરા અને કર્કશ હોર્નના અવાજો એકદમ સૂરીલા થઇ ગયા અને મિલનરાગ ગાવા માંડયા, માથે તપતો સૂરજ અચાનક જ પ્રેમની હેલી વરસાવવા માંડ્યો, સંવેદનોના ફુવારાની રસતરબોળ છોળો ઉડવા લાગી. કાંડે બાંધેલી મોટા બેલ્ટમાં ચસોચસ બંધાયેલી ઘડિયાળની ટીક ટીક સાંભળીને એને ત્યાં જ અટકાવી દેવાની, સમયને કાંટાના બંધનોથી મુકત કરીને આ પળોને મારી ઓઢણીના છેડે બાંધી દેવાનો એક બાલિશ વિચાર પણ મનના એક ખૂણે ફરકી ગયો ને એકદમ જ મારાથી પોતાની આ નાદાનિયત પર હસી પડાયું. જ્યારે તું…

ચૂપચાપ, હવાની મંદ મંદ લહેરખીમાં ઊડતા કાળાભમ્મર વાળ સાથે, તારી વિશાળ ભાવવાહી, પાણીદાર આંખોથી મને નિહાળી રહેલો. મન તો થયું કે,

‘કાળા ભમ્મરીયા વાળમાં લાવ હાથ ફેરવવા દે જરા,

હતાશાની આ પળોને થોડી હળવી કરી લેવા દે જરા..’

પણ આમ જાહેરમાં તો એ કેમનું શક્ય બને ?

સાવ અચાનક સામે આવીને મારી વાચા, સૂધ-બૂધ બધુંય હરી લઈને મારી હતપ્રભ સ્થિતીની મજા માણી રહેલો..અને એકદમ હળવેથી તારું મનમોહક સ્મિત રેલાવીને બોલ્યો

‘શુભ સવાર પ્રિયે.’

એક ખાનગી વાત કહું, સાવ અચાનકનું તારું આ મળવું, સરપ્રાઈઝ આપવું મને બહુ જ ગમ્યું વ્હાલા.

‘સાવ અચાનક તું શુભ-સવાર કહી દે,

એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક તું પ્રેમ વરસાવી દે,

એની મજા જ કંઈક અલગ છે.’

તું બહુ ચતુર છે. રુઠેલી પ્રિયાને કેમ મનાવવી એતું બહુ સારી રીતે જાણે છે. મારું આમ પીગળી જવું તને કાયમ મારી નારાજગીથી બચાવી જાય છે.

‘મીણ જેવી લાગણી મારી

તારી આંખોમાં આંખો શું પરોવી

જાત આખી પીગળી જ ગઈ..’

જા, તારા આગળના બધા મુલાકાતી ટાઇમટેબલો, વાયદાભંગ, મજબૂરીના આલાપ…બધે બધું માફ કર્યું. ચાલ હવે આ ‘સાવ અચાનક’ની મુલાકાતની પળો મારા સ્મૃતિપટમાં કંડારી લેવા દે. તારો શું ભરોસો..હવે પછી પાછો મને ક્યારે મળીશ કોને ખબર..જોકે જેવો પણ છે દિલની બહુ નજીકનો છે તું..કારણ..

‘મારામાં રહેલી મને કાયમ જીવંત રાખે છે તું,

લાગણી-સિંચનથી કાયમ લીલીછમ્મ રાખે છે તું.’

સ્નેહા પટેલ