14 - Aatmghat books and stories free download online pdf in Gujarati

નિષ્ટિ - ૧૪ - આત્મઘાત

નિષ્ટિ

૧૪. આત્મઘાત ....

ફ્લૅટ પર પહોંચીને નિશીથ અને એના પપ્પા નાહી ધોઈને તૈયાર થઈ ગયા. ડ્રાઈવરને ફોન કરીને ઓફિસ જવા માટે નીકળવાનો ટાઇમ ફિક્સ કરી દીધો...... હજુ અડધો કલાકની વાર હતી એટલે નિશીથ નીચે જઈને ચા કોફી બનાવવાની સામગ્રી, દૂધ અને એના પપ્પાના ફેવરીટ ફાફડા જલેબી લઇ આવ્યો. બંને જણા ચા કોફી નાસ્તામાંથી પરવાર્યા એટલામાં ડ્રાઈવરનો પણ ફોન આવી ગયો.

બંને ફ્લેટ બંધ કરીને ફટાફટ નીચે ઊતર્યા અને કારમાં ગોઠવાયા. દોઢેક કિલોમીટર આગળ જઈને કાર ઊભી રહી. નિશીથને તો ખબર જ હતી પણ ગુણવંતભાઇ માટે આ અણધાર્યું હતું. મિષ્ટી પણ આવીને કારમાં બેસી ગઈ. બ્લેક કલરના જીન્સ પર ગ્રે કલરનું ટીશર્ટ પહેરેલી મિષ્ટી એની મેચિંગ કલરની આંખોના લીધે અત્યંત સોહામણી લાગતી હતી.

ગુણવંતભાઇને નમસ્કાર કર્યા પછી એણે ગઈકાલના ઓફિસના અનુભવોની વાતો કરી એનાથી એમને નિશીથના ઉજ્જવળ ભવિષ્ય વિશેનો વિશ્વાસ વધુ દ્રઢ થયો. ઓફિસે પહોચ્યા પછી સૌપ્રથમ નિશીથે ગુણવંતભાઈને પોતાની કેબીન બતાવી થોડી વાર કેબીનમાં બેસી ચા પાણી પતાવ્યા પછી મિષ્ટિએ તેમને આખી ઓફીસ બતાવી. એટલામાં સિન્હા સાહેબ પણ આવી પહોચ્યા.

નિશીથે ચરણ સ્પર્શ કરી સિંહા સાહેબના આશીર્વાદ લીધા.. સિન્હા સાહેબે પણ નિશીથને આવકાર્યો અને ગઈકાલની સફળતા બદલ અભિનંદન આપ્યા. ત્યાર બાદ એમણે ગુણવંતભાઈ સાથે હસ્તધૂનન કરીને એમને આવકાર આપ્યો. નિશીથ પોતાની કેબીન તરફ વળ્યો અને ગુણવંતભાઈને સિંહા સાહેબ એમની કેબીનમાં લઇ ગયા.

નિશીથના મોબાઈલ પર રીમાઇન્ડર માટે રાખેલી ટોન રણકી. જોયું તો એના ખાસ દોસ્ત રાજેશના બર્થ ડે માટેનું રીમાઇન્ડર હતું. ‘ઓહ... શીટ.... કાલે રાત્રે યાદ હતું અને આજે મગજમાંથી એકદમ જ નીકળી ગયું.’

એણે તરત જ રાજેશને ફોન જોડ્યો.

‘હેલ્લો રાજેશ.... કેમ છે મજામાં ને!!!!!!! ‘

‘અરે નીશીથભાઈ.... હું એકદમ મજામાં છું.... તમે કેમ છો?’

‘મજામાં.... એન્ડ યેસ.... વિશ યુ મેની મેની હેપ્પી રીટર્ન્સ ઓફ ધ ડે’

‘થેંક યુ વેરી મચ ભાઈ.... એન્ડ યા.... સ્પેશીયલ થેન્ક્સ ફોર યોર સ્પેશીયલ ટ્રીટ.... અમે અત્યારે તમે મોકલાવેલ કેકનો લુત્ફ માણી રહ્યા છીએ.’

નિશીથે અઠવાડિયા અગાઉથી જ અમદાવાદ હતો ત્યારે રાજેશ માટે એની મનપસંદ ફલેવરની કેક ઓર્ડર કરી દીધી હતી...... ઓફિસના કન્સાઈની એડ્રેસ પર.

‘સરસ... મને એ જ ટેન્શન હતું કે કેક સમયસર મળશે કે નહિ... પણ આજે સવારથી બીજા કામમાં બિઝી હતો કે તને ફોન કરવાનું રહી જ ગયું.’

‘બીજું શું ચાલે છે... ફાવી ગયું ને મોહમયી નગરીમાં?

‘હા. આમ પણ નાનપણથી જ મારે મુંબઈ અવારનવાર આવવાનું રહેતું હતું એટલે મુંબઈ તો આમ પણ મને પસંદ છે... રહી વાત કામની તો એમાં પણ વાંધો નહિ આવે..’

બંને જણે ધરાઈને ફોન પર વાતો કરી. રાજેશ પણ નિશીથની વાતો સાંભળીને ખુશ થઇ ગયો.

બપોરે નિશીથ, ગુણવંતભાઈ અને સિન્હા સાહેબ ત્રણેય જણાએ નજીકના રેસ્ટોરન્ટમાં જઈ મસ્ત મજાનું લંચ માણ્યું. ત્યાર બાદ ગુણવંતભાઈ બોરીવલી જવા રવાના થયા અને નિશીથ ઓફિસે પરત આવી કામે વળગ્યો.

ટીમ સાથે મળીને નિશીથે RO સિસ્ટમ માટે એડ સ્ક્રીપ્ટ લખવાનું કામ ચાલુ કરી દીધું. જેટલા મગજ એટલા આઈડિયા... ઘણી બધી દલીલો અને એટલા જ સુધારા વધારા..... ત્રણ ચાર દિવસ સુધી બસ આમ જ કામ ચાલતું રહ્યું.... અંતે બધાએ ભેગા થઈને ચાર સ્ક્રીપ્ટ ફાઈનલ કરી. સિન્હા સાહેબ પણ અવારનવાર નિશીથને અને ટીમને પ્રોત્સાહિત કરતા રહેતા હતા. તેમણે પણ ફાઈનલ કરેલ ચાર સ્ક્રીપ્ટ પર નજર ફેરવી લીધી.

‘શાબાશ નિશીથ.... તે અને તારી ટીમે ખૂબ સરસ કામ કર્યું છે... તું અને મિષ્ટી આવતી કાલે હાથી સાહેબને મળી આવો પછી એ જે સ્ક્રીપ્ટ ફાઈનલ કરે એના પર કામ ચાલુ થાય.’

‘ઓ કે સર’

બીજા દિવસે નિષ્ટિ અને મિષ્ટી બંને બોરીવલીથી જ સીધા ક્લાયન્ટના ત્યાં જવા નીકળી ગયા. મિષ્ટી તો બોલવામાં સ્માર્ટ હતી જ.. હવે નિશીથ પણ તેની સાથે ખૂલવા અને ખિલવા લાગ્યો હતો. હાથી સાહેબની એપોઇન્ટમેન્ટ પહેલાથી લીધેલી જ હતી. એમની ઓફિસે પહોચ્યા પછી રિસેપ્શનમાં એન્ટ્રી નોંધાવીને બંને જણા આરામથી આલીશાન સોફા પર સ્થાન લઇ સ્ક્રીપ્ટ પર વધુ એક નજર ફેરવવા લાગ્યા કે જેથી કોઈ કચાશ ના રહી જાય. બંને જણા પોતાની સ્ક્રીપ્ટ પર મુશ્તાક હતા. એમને દ્રઢ વિશ્વાસ હતો કે હાથી સાહેબને પણ આ સ્ક્રીપ્ટ ખૂબ જ ગમશે.

થોડીવારમાં હાથી સાહેબે બંનેને એમની કેબીનમાં બોલાવી લીધા. શાનદાર કેબીન હતી એમની. હાય હેલોની ઔપચારિકતા પછી હાથી સાહેબે બંનેને ચા કોફી માટે પૂછ્યું.. બંનેએ કોફી માટે સહમતિ દર્શાવી પછી કામની વાતો શરુ થઇ. નિશીથે પ્રોડક્ટને અનુરૂપ એડ કેવી હોવી જોઈએ અને દર્શકોના મનમાં ચોક્કસ પ્રોડક્ટ માટે કઈ બાબતો મહત્વ ધરાવે છે એ અંગેના પોતાના વિચારો રજૂ કરી પછી તેઓ એડ માટે જે કન્સેપ્ટસ લઇ ગયા હતા તે એક પછી એક હાથી સાહેબને બતાવ્યા. તેમને બધા જ કન્સેપ્ટસ ખૂબ પસંદ પડ્યા. તેઓ એક પણ કન્સેપ્ટ વાળી એડ છોડવા માંગતા નહોતા. અંતે અનેક મતમતાંતર પછી એવું ઠેરવવામાં આવ્યું કે ચારેય કન્સેપ્ટસ ભલે જુદી જુદી દિશાના હતા પણ એમાં એક કોમન ફેક્ટર લાવી બધી જ એડ શૂટ કરવામાં આવે અને ઓન એર કરવામાં આવે. હવે એડ માટે મોડેલ અને હાથી સાહેબની માંગ મુજબ એ પણ કોઈ સેલિબ્રિટીને સિલેક્ટ કરવાની હતી. ઓર્ડર વેલ્યુ હવે નિર્ધારિત રકમ કરતાં કઈ ગણી મોટી થઇ ગઈ હતી. સિન્હા સાહેબ સાથે ફોન પર મસલત કરી ઓર્ડરની કિંમત અને પેમેન્ટ માટેની શરતો માટેના કરાર પર સહી સિક્કા કરી બંને જણા ઓફિસે પરત ફર્યા. હવે ઓફીસના બીજા ચાલુ કામકાજ ઉપરાંત નવા મળેલા ઓર્ડર પર કામ કરવાનું હતું.

સ્ક્રિપ્ટ્સ તો તૈયાર જ હતી હવે એને અનુરૂપ મોડેલ સિલેક્ટ કરીને એના ઉપર કામ કરવાનું શરુ કરી દેવાનું હતું. હવે મોટાભાગનું કામ એક્ઝીક્યુશન ટીમનું હતું પણ ક્રીએટીવ ટીમની પણ દેખરેખ રાખવાની જવાબદારી હતી. એ સિવાય બીજા નવા ઓર્ડર પણ બૂક થતા રહ્યા અને આમને આમ બે વર્ષ જેવો સમય ક્યાં પસાર થઇ ગયો એની કોઈને ખબર પણ ના પડી.

ઓફિસે શનિ રવિની રજા રહેતી હોવાથી નિશીથે નક્કી કર્યું હતું કે એકાંતરે અઠવાડીએ એક વખત અમદાવાદ જવાનું અને એક વખત કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ કરતી સંસ્થાની મૂલાકાત લેવી અથવા કોઈ સામાજિક કામ કરવું. આ જોબમાં નિશીથને સૌથી વધુ આનંદ હોય તો એ વાતનો હતો કે બે અઠવાડિક રજાના લીધે એ સામાજિક કર્યો કરીને સામાજિક જવાબદારી નિભાવવાનો સંતોષ મળી રહ્યો હતો. આ દરમ્યાન મિષ્ટી જોડેની દોસ્તી પણ વધુને વધુ ગાઢ બનતી ગઈ.

સામાન્ય રીતે મિષ્ટી ખુશમિજાજ રહેતી હતી પણ આજે સવારથી જ ન જાણે કેમ તે ઉદાસ ઉદાસ જણાતી હતી. નિશીથને લાગ્યું કે નક્કી કંઇક અજૂગતું બન્યું લાગે છે. એણે મિષ્ટીને પૂછવાનો પ્રયત્ન કરી જોયો પણ વ્યર્થ.

‘શું થયું છે મિષ્ટી એ તો કહે?’

‘કંઈ નહીં’

‘ના... કંઈક તો થયું છે... જે પુષ્પ રોજ સવારે ઓફિસમાં પમરાટ ફેલાવીને ઓફીસના વાતાવરણને ઉદીપ્ત કરતુ રહેતું હોય એ જ પુષ્પ આમ ખિલવા કાળે સાવ મૂરઝાયેલું લાગે એ સાવ અકારણ તો નાં જ હોય!!!’

મિષ્ટીને પણ લાગ્યું કે હવે સરન્ડર થયા સિવાય છૂટકો નથી. પહેલાં તો એ રડી પડી. પછી એણે વાત શરુ કરી.

‘મારી ખાસ બેનપણી છે યામી... અમારા જ એપાર્ટમેન્ટમાં રહે છે.. એણે પરમ દિવસે એટલે કે શનિવારે સાંજે આપઘાતનો પ્રયત્ન કરેલો.’

‘ઓહ..... માય... ગોડ... એકઝેટલી શું થયેલું? હવે કેમ છે એને?’

‘આમ તો એકદમ ઓ કે છે.. પણ માનસિક રીતે અત્યંત પરેશાન છે’

‘એણે એકઝેટલી શું કરેલું અને કઈ રીતે બચી ગઈ?

‘શનિવારે રાત્રે એણે રેલ્વેના ટ્રેક પર ટ્રેન આવતી હતી એનાથી લગભગ સો એક મીટરના અંતરે પડતું મૂકેલું.’

નિશીથે આંખો મીંચી દીધી. ‘પછી શું થયું?’

‘એ ગભરાટમાં હતી એટલે એણે ઝાઝું વિચાર્યું નહોતું. એ જ્યાં પાટા પર સૂતી હતી એની બરાબર આગળ સિગ્નલ પોસ્ટ હતો. ટ્રેને બોરીવલી સ્ટેશન તો છોડી દીધેલુ... પણ આગળ લાઈન ક્લીયર નહિ હોવાને લીધે રેડ સિગ્નલ મળ્યું અને યામી જ્યાં હતી એનાથી માંડ પાંચ સાત ફૂટ આગળ આવીને ટ્રેન ઊભી રહી. કોઈએ એને જોઈ લીધી અને ત્યાંથી ઊભી કરીને હડસેલી દીધી એટલે બચી ગઈ.’

‘થેન્ક્સ ગોડ... થેન્ક્સ ગોડ...’ નિશીથની આંખમાંથી પણ આંસુ ટપકી પડ્યાં અને એ મનોમન ભગવાનનો આભાર માનતો રહ્યો. થોડી વાર માટે કેબીનમાં શાંતિ છવાઈ ગઈ. બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહિ.પછી નિશીથે જ મૌન તોડ્યું...

‘અત્ય્રારે શું કરે છે યામી? ઘરે જ છે કે?’

‘ના... જોબ કરે છે એ તો... અને આજે પણ નોકરી પર ગઈ છે... એના ઘરે કોઈને ખબર નથી આ બાબતની’

‘તો તને કઈ રીતે ખબર પડી?’

‘એની ખાસ બેનપણી હોવાના નાતે એ મારાથી કશું છુપાવતી નથી. અલબત્ત એ મુંઝવણમાં હોય ત્યારે પણ મને જ યાદ કરે. ગઈ કાલે એણે બપોરના ત્રણ વાગ્યે ફોન કરીને નેશનલ પાર્ક ફરવા જવાની વાત કરી. એના અવાજ પરથી મને લાગ્યું કે કોઈ પ્રોબ્લેમ લાગે છે. હું ફટાફટ તૈયાર થઇ ગઈ અને અમે બંને નેશનલ પાર્ક પહોચ્યાં. જ્યાં ઓછી ભીડભાડ હતી એ જગ્યાએ અમે બેઠા પછી એણે અગાઉ દિવસે બનેલી વિતક કથા કહી સંભળાવી.’

‘ઓ. કે... પણ આમ કરવાનું કંઈ કારણ તો હશે ને?’

‘કોઈ પણ ઘરમાં કંકાસિયા લોકો રહેતા હોય તો કંકાસ તો રહે જ.... પણ સદભાવનાથી લથબથ પણ વ્યવહારથી સંકુચિત લોકોનો વાસ હોય ત્યાં પણ વાતાવરણ કદાપિ આનંદિત નાં હોઈ શકે. યામીનું કુટુંબ આ જ પ્રકારનું છે. એના પપ્પા એકદમ શાંત પ્રકૃતિના માણસ. એની મમ્મી પણ સ્વભાવે મિલનસાર. યામી લગભગ પાંચમા ધોરણમાં ભણતી હતી ત્યારે એ લોકો અમારા એપાર્ટમેન્ટમાં રહેવા આવેલા. એપાર્ટમેન્ટમાં બધા જોડે એમને સારું બનતું હતું. પણ યામીની મમ્મીને ન્યુઝ પેપરમાં હમેશાં નેગિટીવ ન્યુઝ વાંચીને લોકોમાં ચિંતાનો પ્રસાર કરવાની ખરાબ આદત છે. આજે ફલાણો વ્યક્તિ ટ્રેન નીચે આવીને કપાઈ માર્યો. ફલાણાએ નદીમાં ઝંપલાવ્યું... તો ઢીંકણાએ એસિડ ગટગટાવ્યુ. બસ એ અંગેની જ આખો દિવસ ચર્ચા ચાલે એમની. ધીમે ધીમે યામી મોટી થતી ચાલી... એની મમ્મી એની ખૂબ લાડ પ્યારથી રાખે છે પણ એમના મગજમાં છાપામાં વાંચી વાંચીને દુનિયા માટે જે નકારાત્મકતા ઠાંસી ઠાંસીને ભરેલી છે. એના લીધે એમણે યામીનું જીવવાનું હરામ કરી દીધેલું છે. તું આમ કર.... તું આમ નાં કર... કોઈ અજાણ્યાની જોડે વાત નહિ કરવાની.. રીક્ષામાં બેસે તો મને તેનો નંબર મેસેજ કરી દેવાનો... વગેરે... વગેરે... વગેરે... યામી જયારે પણ ઘરની બહાર નીકળે એટલે એની મમ્મીની ઘીસીપીટી રેકોર્ડ ચાલુ થઇ જાય... હવે તો યામી જ એની મમ્મીને અધવચ્ચે અટકાવીને બાકીનો સંવાદ પૂરો કરી લે છે. પણ બે ત્રણ દિવસ પહેલાં તો એની મમ્મીએ તમામ હદ વટાવી દીધી. યામી ઓફિસેથી પરત આવી રહી હતી ત્યારે એને ચક્કર આવવાને લીધે રસ્તામાં જ પડી ગઈ અને બેભાન થઇ ગઈ. એ વખતે અમારા એરિયામાં જ રહેતા એક મવાલી જેવા માણસે એને જોઇને ઓળખી લીધી અને એની યોગ્ય સારવાર કરીને ઘર સુધી પહોચાડી. તે ભલે લૂખ્ખાગીરી કરતો હોય.. હપ્તાવસુલી પણ કરતો હોય પણ સ્ત્રીઓ પ્રત્યે એ આદરભાવ ધરાવતો વ્યક્તિ છે. એનો આભાર માનવાનો તો બાજુએ રહ્યો પણ ત્યાર પછી થોડી થોડી વારે એ યામીને કોઈ ને કોઈ બહાના હેઠળ પેલાના વ્યવહાર વિષે પૂછ્યા કરતી. રોજ રોજના ટોર્ચર થી યામી કંટાળી ગઈ..... હા... યામીને એની મમ્મીનું એના પ્રત્યેનું વર્તન હવે ટોર્ચર જ લાગી રહ્યું હતું... અને રોજ રોજના ટોર્ચરને લીધે એ જિંદગીથી કંટાળી ગઈ હતી અને એક વ્યક્તિની ભલમનસાઈ માટે એનો આભાર માનવાને બદલે એના પર શંકા કુશંકા કરીને સતત પૃચ્છા કર્યા કરવાનું યામીને ટોર્ચરની પરાકાષ્ઠા સમાન લાગ્યુ. એણે તત્કાલ જિંદગી ટૂંકાવી નાખવાનું મુનાસિબ માન્યુ અને એ નિર્ણય અમલમાં મૂકવા માટે એણે રેલ્વે ટ્રેક ભરી પ્રયાણ કર્યું. પછી શું બન્યું એ તો તું જાણે જ છે હવે’

‘ઓહ.... આ દુનિયા સમસ્યાઓથી ઘેરાયેલી છે. દરેક દેશની અલગ સંસ્કૃતિ હોય છે.. દેશના અલગ અલગ રાજ્યોમાં પણ અનેકવિધ સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવે છે. પછી અલગ અલગ નાત જાતના અલગ અલગ રીવાજોને લીધે એક જ વિસ્તારમાં રહેતા અનેક લોકોની સંસ્કૃતિ એક સમાન નથી હોતી.. અરે એક જ ઘરની ચાર દીવાલોની વચ્ચે રહેતા અલગ અલગ લોકો પણ રોજ બરોજ સમાજના ભિન્ન ભિન્ન પ્રકારના લોકોના સંપર્કમાં આવવાને કારણે અલગ અલગ પ્રકૃતિ ધરાવતા થઇ જાય છે... અને જ્યાં પ્રકૃતિ મેળ ના ખાતી હોય ત્યાં નિત નિત વાદ વિવાદ થતા રહે છે જેના લીધે હમેશાં તણખા ઝરતા રહે છે. પોતાની વાત સ્વીકારાવવાની માગણી ત્યજીને બીજાની લાગણીને યોગ્ય સન્માન આપીને વર્તન કરવામાં આવે તો સહઅસ્તિત્વ સુમધુર બને છે... પછી એ વાત કોઈ ઘરની હોય.... ગામની હોય..... શહેરની હોય.... રાજ્યની હોય.. દેશની હોય કે પછી આખી દુનિયાની હોય.... શાંતિ પૂર્વક જીવવું હોય તો પોતાની અપેક્ષાઓની ઉપેક્ષા કરી દરેક વ્યક્તિએ પોતાના વાણી વર્તન થાકી બીજાને તકલીફ ના પહોચે એવો વ્યવહાર કરવો જોઈએ. પોતાના દરેક વ્યવહારમાં સકારાત્મક અભિગમ કેળવવો જોઈએ.. જો આમ થાય તો સ્વર્ગ અહીં જ છે.’

‘કેટલું બધું બોલી ગયો તું? પણ ખરેખર બહુ સારું લાગ્યું.. હવે મને ખબર પડી કે તારામાં સમાજસેવા કરવાની જે લગની છે એ ખરેખર તારા દિલમાં સમાજ કાજે ભભૂકતો અગ્નિ છે... હવેથી હું પણ તારી જોડે સમાજ કાર્યમાં જોડાઇશ’

‘થેંક યુ મિષ્ટી.... થેંક યુ વેરી મચ... આપણે એક કામ કરીએ તો? આવતા રવિવારે યામીની સાથે બેસીને એના પ્રશ્નોનો નિકાલ લાવીએ... પછી આગળ વધીએ’

‘ડન’

‘તો આવતા રવિવારે મિશન યામી પાક્કું....’

ક્રમશ:......