15 - sun of beach books and stories free download online pdf in Gujarati

નિષ્ટિ - ૧૫ - સન ઓફ બીચ

નિષ્ટિ

૧૫. સન ઓફ બીચ......

મિશન યામી હવે સફળતાપૂર્વક પાર પડી ચૂક્યું હતું. નિશીથ યામીને એ સમજાવવામાં સફળ રહ્યો હતો કે માનવીનું જીવન કેટલું અમૂલ્ય છે અને આપણને જિંદગીના જે અમૂલ્ય વર્ષો મળ્યા છે તો એ આ દુનિયા છોડતાં પહેલાં આપણે સમાજ અને દુનિયાના ઉદ્ધાર માટે થઈને કંઇક તો કરી જ છૂટવું જોઈએ.

चाहे बाँट या बटोर खुशियाँ,

प्रणाली का तू हिस्‍सा बन ।

ये दुनिया एक कश्‍ती किस्‍सोकी,

तू भी अनोखा किस्‍सा बन

યામીએ નિશીથને ખાતરી આપી કે હવે તે એક સકારાત્મક અભિગમ સાથે જિંદગી જીવશે... તેણે નિશીથના સમાજોત્કર્ષના કાર્યોમાં પણ પોતાનો સહયોગ આપવાનું વચન આપ્યું. નિશીથે પણ આગામી દિવસોમાં મુંબઈમાં એક અનાથાશ્રમમાં જવાનું છે તેમાં મિષ્ટી અને યામીને સાથે લઈને જવાની ખાતરી આપી.

સોમવારે સવારે ઓફિસ પહોચ્યા પછી નિશીથ મેઈલ ચેક કરતો હતો તો એક મેઈલ પર એની નજર અટકી ગઈ. ‘ચેન્નાઈ એડવર્ટાઈઝર્સ મીટ’ માટેનું નિમંત્રણ હતું. નિશીથને લાગ્યું કે આ તો ખરેખર એટેન્ડ કરવું જોઈએ. આજ સુધી તેણે આ પ્રકારનો કોઈ કાર્યક્રમ એટેન્ડ કર્યો નહોતો. તેને લાગ્યું કે આ સમિટમાં જવાથી તે પોતાના કાર્યમાં એક નવો અભિગમ કેળવી શકશે અને તેના થકી તે કંપનીના વિકાસમાં વધુ ફાળો આપી શકશે. તેણે સિન્હા સાહેબને મળીને સમિટ વિષે વાત કરી. સિન્હા સાહેબે પણ સંમતિ દર્શાવી અને મિષ્ટિને પણ જોડે લઇ જવાનું કહ્યું અને જલ્દીથી ફ્લાઈટની ટિકિટ લેવા જણાવ્યું. પણ નિશીથે ટ્રેન દ્વારા જવાની ઈચ્છા રજૂ કરી જેથી કરીને આગામી એડ પ્રોજેક્ટ્સ માટે નવા આઈડિયાઝ મળી રહે. સિન્હા સાહેબને વિશ્વાસ હતો કે નિશીથ જે વિચારશે તે કંપનીના લાભમાં જ હશે એટલે તેમણે નિશીથને જે યોગ્ય લાગે તેમ કરવા જણાવ્યું.

નિશીથે પોતાની કેબિનમાં જઈ મિષ્ટિને બોલાવી અને ચેન્નાઈની આગામી ટ્રીપ વિષે જણાવ્યું.

‘ઓ. કે. આઈ એમ રેડી. પણ કેવી રીતે જઈશું?’

‘જતી વખતે ટ્રેનમાં અને પરત ફરતી વખતે ફ્લાઈટમાં.’

‘છેક ચેન્નાઈ સુધી ટ્રેનમાં જવાનું? એ તો કેમનું ફાવે?’ મિષ્ટીએ નારાજગી વ્યક્ત કરી.

‘તું ટ્રેનમાં આવીશ તો તને થશે કે પાછા ફરતાં પણ ટ્રેનમાં આવ્યા હોત તો સારું થાત.’

‘ચાલો...... જોઈએ હવે’... મિષ્ટી નાકનું ટેરવું ચઢાવીને બોલી.

આખરે એ દિવસ આવી ગયો.... છત્રપતિ શિવાજી ટર્મિનસથી ચેન્નાઈ જતી ટ્રેન સમયસર ઉપડી ગઈ. નિશીથને કોફી પીવાનું મન થયું હતું અને ત્યાંથી વેઈટર પસાર થતાં તેણે કોફી માંગી તો વેઈટરે ચા ની કીટ પકડાવીને કહ્યું કે મિલ્ક અને સુગર આમાંથી વાપરજો મારી પાસે કોફીના પેકેટ ખલાસ થઇ ગયાં છે હમણાં લઈને આવું છું.

સી એસ ટી પછી જેવું ટ્રેને દાદર સ્ટેશન છોડ્યું કે નિશીથ જે કોચમાં બેઠો હતો તેની બાજુના જ કંપાર્ટમેન્ટમાં કોલાહલ સંભળાયો. નિશીથે એ તરફ જોયું તો એ કંપાર્ટમેન્ટમાંના આઠ પેસેન્ઝર્સ ટી સી જોડે દલીલબાજી કરી રહ્યા હતા. ટી સી એમની જોડે ટિકિટ માગી રહ્યો હતો તો એ લોકો કહી રહ્યા હતા કે હમણાં થોડી વાર પહેલાં જ એક ટી સી એમની જોડેથી ટિકિટ લઇ ગયો હતો.

‘તમે કોઈને ટિકિટ આપી જ કઈ રીતે શકો?’

‘અમે દસ જણા છીએ અને અમારા આઠ સિવાય બાકીના બે જણની સીટ બીજા કોચમાં છે તો અમે એમને પૂછેલું કે અમારી બધાની સીટ એક સાથે કરી આપો. તો એમણે એની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી ટિકિટ એમની જોડે લઇ ગયા”

‘અરે પણ આ કોચનો ઓફીશીયલ ટી સી હું છું. મારા સિવાય બીજો કોઈ ટી સી અહીં આવી જ ના શકે.’

‘પણ સાહેબ અમારી વાતનો વિશ્વાસ કરો. અમે સાચું બોલીએ છીએ. જુઓ અમારા આઈ કાર્ડઝ’ એમ કહી એ લોકોએ ટી સી ને આઈ ડી કાર્ડઝ બતાવ્યા. ટી સી એ આઈ કાર્ડઝ તપાસ્યા તો એ પેસેન્ઝર્સ શીટમાંના નામ જોડે મેચ થતા હતા એટલે એ થોડો ઢીલો પડ્યો.

‘પણ તમારી જોડે ટિકિટ નથી એટલે તમે અહી ના બેસી શકો. કાં તો તમે દંડ ભરો નહિ તો આગલા સ્ટેશને ઉતરી જાઓ.’

‘અરે સાહેબ અમે ચેન્નાઈ અગત્યના કામથી જઈએ છીએ. અહીં ઊતરી જઈશું તો કેવી રીતે ચેન્નાઈ પહોચીશું? થોડો તો વિચાર કરો?

‘હું સમજી શકું છું તમારી વાત. તેમ છતાં ય આમાં હું કંઈ ના કરી શકું.’

ટી સી પેસેન્ઝર્સની કોઈ વાત સંભાળવા તૈયાર નહોતો. હવે એ જ કંપાર્ટમેન્ટના સાઈડ બર્થમાં બેસેલ વ્યક્તિએ બાજી સંભાળી. એની વાતચીત પરથી જણાઈ આવતું હતું કે તેને ટ્રેનમાં સફર કરવાનો બહોળો અનુભવ હતો.

‘આ લોકો સાચું બોલી રહ્યા છે. હમણાં જ એક ટી સી એમની જોડેથી ટિકિટ લઈને જતો રહ્યો છે. લાગે છે કે તમે બધા મળેલા છો. ટ્રેન ઉપડ્યાની થોડી મિનિટમાં ટિકિટ કેન્સલ કરાવવાથી મોટાભાગના રૂપિયા પરત મળી શકે છે અને આ લોકોની દસ જણાની મુંબઈથી ચેન્નાઈ સુધીની થ્રી ટાયર એ. સી.ની ટિકિટ છે એટલે તમે સમજી શકો છો કે કેટલા રૂપિયા મળી શકે. તમે કંઈ કરો છો કે હું પોલીસને બોલાવું.?

હવે ટી સી ને સમજાઈ ગયું કે મામલો શું બન્યો હશે. એણે તરત જ રેલ્વે અધિકારીને ફોન કરીને સ્થિતિથી માહિતગાર કર્યા.

રેલ અધિકારીએ યોગ્ય કરી છૂટવાની ખાતરી આપી. તેણે પેસેન્જર્સને મુસાફરી ચાલુ રાખવાની પરવાનગી પણ લઇ લીધી અને બીજા પેસેન્ઝર્સની ટિકિટ તપાસવાનું ચાલુ કર્યું. ટી સી નિશીથ પાસે આવ્યો ને પૂછ્યું..

‘ટિકિટ?’

નિશીથે વેઈટરે આપેલી ચાની કીટ આપીને કહ્યું.. ‘લો આ ટી-કીટ.’ નિશીથ સસ્મિત બોલ્યો.

‘અરે સાહેબ હું ટી સી છું વેઈટર નથી....’ ટી સી પણ નિશીથના સ્મિત પરથી પારખી ગયો કે તે ટીખળ કરી રહ્યો હતો.

‘સોરી... સોરી.... ‘ કહી નિશીથે સાચી ટિકિટ અને આઈ કાર્ડ બતાવ્યા.

મિષ્ટીની નિશીથ સાથે આ મુંબઈ બહારની પહેલી સફર હતી. એ વાતને લઈને તે રોમાંચિત પણ હતી. એમાં સફરની શરૂઆતમાં જ નિશીથની ટિકિટ વાળી સિક્સરથી એને મજા પડી ગઈ.. તે નિશીથને લઈને કોઈક વિચારમાં પડી ગઈ. આમ તો નિશીથ તેને પહેલા દિવસથી જ પસંદ હતો પણ ધીમે ધીમે તેને એ ખાસ ગમવા લાગ્યો હતો.

થોડી વાર પછી ટી સી એ શુભ સમાચાર આપ્યા કે પેસેન્ઝર્સ જોડેથી ટિકિટ લઇ જનારો શખ્સ કોઈ ટી સી નહિ પણ ઠગ હતો અને દાદર સ્ટેશનેથી ટિકિટના પૈસા કેશ કરતો ઝડપાઈ ગયો છે. ટી સી અને પેલા આઠે પેસેન્જરસે પેલા વ્યક્તિનો આભાર માન્યો કે જેના કારણે આ શક્ય બન્યું. નિશીથ પણ એની જોડે જઈને એનો આભાર માની આવ્યો.

ટ્રેન આગળ ધપી રહી હતી.. બધા પોત પોતાના કંપાર્ટમેન્ટના સહપ્રવાસીઓ જોડે સેટ થઇ રહ્યા હતા. નિશીથની સામેની સીટ પર એક કપલ બેઠું જેની જોડે એક દસેક વર્ષની ક્યુટ છોકરી બેઠેલી હતી. નિશીથને આશ્ચર્ય થયું કે આજે બધા બાળકોને વેસ્ટર્ન આઉટફીટ પહેરવાનો શોખ છે ત્યારે આ છોકરીએ સલવાર કમીઝ પહેર્યા હતા. નિશીથને એની જોડે વાત કરવામાં રસ પડ્યો.

‘શું નામ છે તારું બકા?’

‘દ્વિજા’

‘વાહ... સરસ નામ છે તારું તો.... અને આ શું પહેર્યું છે? તને ફર્ક, સ્કર્ટ મીડી કે ટી શર્ટ પહેરવાનું નથી ગમતું? ‘

‘ન... મને ભારતીય કપડા જ પહેરવાના ગમે છે.... મને આ પહેરવાની બહુ જ મજા આવે છે... નાની આંટી લાગુ છું ને?’

‘નાની આંટી?’ નિશીથ માટે આ કંઇક નવું અને આશ્ચર્યજનક હતું. ‘

નિશીથ, મિષ્ટી, દ્વીજાની મમ્મી-પપ્પા બધા એકસાથે હસી પડ્યા. નિશીથે મિષ્ટીને તેમની આગામી એડ માટે આ છોકરી પરફેક્ટ હોવાની વાત કહી.. મિષ્ટીને પણ વાત યોગ્ય લાગતાં એણે દ્વિજાની મમ્મી જોડે વાત કરીને કંપનીનું વિઝીટીંગ કાર્ડ આપ્યું. અણધાર્યો ચાન્સ મળવાથી દ્વિજાના મમ્મી પપ્પા પણ ખુશ હતાં કેમ કે તેઓ આવી જ કોઈ તક શોધી રહ્યા હતા... દ્વિજાને એક્ટિંગ નો ખૂબ શોખ હતો.

ટ્રેન આગળ ધપી રહી હતી. નિશીથનું ધ્યાન હવે તેના જ કંપાર્ટમેન્ટના સાઈડ બર્થ પર ગયું. આમ તો એ શરૂઆતથી જ જોઈ રહ્યો હતો કે મુંબઈથી બેઠા ત્યારથી ભારે શરીરવાળી સ્ત્રી અને એના જેવું જ શરીર ધરાવતી એની છોકરી બંને કંઇકનું કંઈ ખાઈ રહ્યાં હતાં. હવે દ્રાક્ષનો વારો હતો.. છોકરી સીટ ઉપર મૂકીને દ્રાક્ષ ખાઈ રહી હતી. નિશીથને લાગ્યું કે હમણાં એની મમ્મી કદાચ એને વઢશે કે ‘સીટ પર એમના પહેલાં કેટલા અને કોણ જાણે કેવી પ્રકારના લોકો બેઠા હશે. આ રીતે સીટ પર મૂકીને ખાવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે’

પણ ખાતાં ખાતાં એ છોકરીના હાથમાંથી એક દ્રાક્ષ નીચે ફર્શ પર પડી ગઈ કે જેના પરથી લોકો અવિરત આવન જાવન કરી રહ્યા હતા.. નિશીથના આશ્ચર્ય વચ્ચે એ દ્રાક્ષ એ છોકરીની મમ્મીએ ઉપાડીને લૂછવાની તસ્દી લીધા વગર મોંઢામાં મૂકી દીધી. મિષ્ટી અને નિશીથે એકબીજા સામે જોઇને અણગમો વ્યક્ત કર્યો.. લોકોની સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી પ્રત્યેનો અણગમો હતો એ. નિશીથ વિચારતો રહ્યો કે જો લોકો પોતાના ખોરાકની સ્વચ્છતા અંગે આટલા બેદરકાર હોય તો પછી આસપાસની ગંદકી વિષે જાગરૂકતા તો જોજનો દૂરની વાત થઇ.

મિષ્ટી મુસાફરી દરમ્યાન થઇ રહે એટલું જમવાનું અને નાસ્તો ઘરેથી તૈયાર કરીને જ લાવી હતી એટલે નિશીથને પણ એ અંગે શાંતિ હતી. હા... છેલ્લા ઘણા સમયથી નિશીથ મિષ્ટીના ટીફીનમાંથી જ બપોરનું ભોજન પતાવતો હતો એટલે એ મિષ્ટીના ઘરના ભોજનના સ્વાદથી પરિચિત હતો.

એક એવું સ્ટેશન આવ્યું જ્યાં ટ્રેન અડધો કલાક ઊભી રહેવાની હતી. મિષ્ટી અને નિશીથ બંને પ્લેટફોર્મ પર ઊતર્યા. એક વ્યવસ્થિત જણાતા સ્ટોલ પર કોફી અને બિસ્કીટને ન્યાય આપ્યો. થોડી વાર પ્લેટફોર્મ પર ટહેલ્યા અને ટ્રેનને ગ્રીન સિગ્નલ મળતાં પાછા કોચમાં ગોઠવાયાં. બીજા મુસાફરો દિવસના સમયે પણ ઊંઘ ખેચી લેવામાં મસ્ત હતા ત્યારે આ બંને જણા ટ્રેનની બારીમાંથી બહારના કુદરતી સૌન્દર્યને મન ભરીને માણી રહ્યા હતા.

આખરે ચેન્નાઈ સ્ટેશન પણ આવી ગયું. અહી બે દિવસનું રોકાણ હતું. સ્ટેશનની બહાર નીકળી બંને ટેક્સી કરીને પહેલાથી જ બુકિંગ કરેલ ફાઈવ સ્ટાર હોટલે પહોચ્યાં. નિશીથ અને મિષ્ટી પોત પોતાના રૂમની સ્માર્ટ કી લઇ રૂમમાં પહોચી ગયા. નિર્ધારિત કાર્ય મુજબ બંને જણા થોડી વાર રેસ્ટ કરી નોહી ધોઈને તૈયાર થઇ ગયા અને બ્રેક ફાસ્ટ માટે હોટેલની જ રેસ્ટોરન્ટમાં પહોંચી ગયાં. બ્રેકફાસ્ટ પતાવીને બંને જણા સીધા જ સમિટ ના સ્થળે જવા નીકળી ગયાં. દિવસભરના કાર્યક્રમમાં ઘણું જાણવા અને શિખવાનું મળ્યું. બંને ને લાગ્યું કે અહીં ના આવ્યા હોત તો એ ઘણી મોટી ભૂલ હોત. સાંજે હોટલે પરત ફરતાં મિષ્ટીએ સુવિખ્યાત મરીના બીચ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. નિશીથને પણ એ યોગ્ય લાગ્યું.

ટેક્ષી પકડીને બંને જણા મરીના બીચ પહોંચ્યાં. ખૂબ જ રમણીય વાતાવરણ હતું. ઘૂઘવતો દરિયો કિનારે રમી રહેલાં સૌને સમયાંતરે ભીંજવીને રોમાંચિત કરી દેતો હતો. મિષ્ટી અને નિશીથ પણ એમાં જોડાયાં. એક જગ્યાએ થોડા બાળકો રેતીનું ઘર બનાવી રહ્યાં હતાં અને બીજાનું બનાવેલું ઘર તોડી પાડવાની મજા પણ માણી રહ્યાં હતાં. મિષ્ટી અને નિશીથ એ તરફ જ જઈ રહ્યાં હતાં. હવે બાળકોએ રમત બદલી. તેઓ રેતીના લાડુ બનાવી એકબીજાને મારવા લાગ્યા. એક બાળક નિશાન ચૂકી ગયું અને રેતીનો એક લાડુ મિષ્ટીના ચહેરા પર પડીને વિખેરાઈ ગયો. બાળકો એકદમ ગભરાઈ ગયા પણ મિષ્ટીએ પોતાનો ચહેરો લૂછ્યા બાદ બાળકો તરફ સ્મિત વેર્યું જે બધા જ બાળકોના ચહેરા પર ફેલાઈ ગયું. બધા જ બાળકોએ નમસ્કાર કરી મિષ્ટીનો આભાર માન્યો.

બંને જણ માંડ થોડાં ડગલાં આગળ વધ્યાં ને નિશીથ બોલ્યો.

‘સન ઓફ બીચ.’

‘અરે નાનાં બાળકો છે.... તું તો ક્યારેય ગુસ્સે નથી થતો... ને આટલા માસૂમ બાળકોને ગાળ દે છે?’ મિષ્ટી નીશીથથી ખરેખર નારાજ થઇ.

‘વાઉ...... સન ઓફ બીચ’

‘ગાળમાં પણ વાઉ???!!!!!!! તું તો સાવ વિચિત્ર છે!!!!!!!’

નિશીથનું ધ્યાન હવે મિષ્ટીની વાત પર ગયું.

‘જોને મિષ્ટી..... આ બીચ પરનો સૂર્ય કેટલો સુંદર લાગે છે?..... વાઉ...... સન ઓફ બીચ!!!!!!’

મિષ્ટીને હવે સમજાયું કે નિશીથ શું કહેવા માગે છે.. “નિષ્ટિ.... તું પણ....’ ખરેખરનો ગુસ્સો હવે બનાવટી બનીને મનભાવન બની રહ્યો. તેણે નિશીથને સમંદરના ખારા પાણીની છાલકો મારીને નવડાવી દીધો ને એ સાંજ જાણે નમકીન બની ગઈ. પછી તો બંને એ એકબીજાને મન મૂકીને નવડાવ્યાં. નિશીથ અચાનક ગંભીર બની ગયો. તેણે તરત જ મિષ્ટને હોટલે જવા માટે ઈશારો કર્યો અને ટેક્ષી કરી હોટેલ જવા માટે નીકળી ગયાં. નિશીથના ચહેરા પરથી એ કળવું મુશ્કેલ હતું કે નારાજ હતો કે ક્રોધિત. હોટલે પહોચ્યાં ત્યાં સુધી એ એક પણ શબ્દ ના બોલ્યો. હોટલે પહોચ્યા પછી પણ એ માત્ર એટલું જ બોલ્યો....

‘મારી જમવાની ઈચ્છા નથી.... તું જમી લેજે’... આમ કહી તે જેમ બને એમ જલ્દીથી પોતાની રૂમમાં ઘૂસી ગયો. એકાદ કલાક પછી તેને લાગ્યું કે તે પોતાની જવાબદારી પર મિષ્ટીને અહી લાવ્યો છે. મિષ્ટી તેની એકદમ બેસ્ટ ફ્રેન્ડ છે. તેણે મિષ્ટી સાથે આવું વર્તન ના કરવું જોઈએ. તેણે ફોનનું રિસિવર ઊપાડી મિષ્ટીના રૂમનો નંબર ઘૂમાવ્યો.

‘હેલ્લો.. મિષ્ટી... સોરી... આઈ એમ વેરી સોરી... મારે તારી સાથે આવું નહોતું કરવું જોઈતું. પંદર મિનિટમાં તૈયાર થઈને બહાર આવી જા. આપણે ડીનર માટે જઈએ છીએ.’

‘સ્યોર...... એક મિનિટ.... પણ તને કઈ રીતે ખબર પડી કે હું હજુ જમવા નથી ગઈ?’

‘બસ એમ જ..’

મિશ્ટીને એ નહોતું સમજાતું કે પાણી ઉડાડવાની શરૂઆત તો તેણે પોતે કરી હતી તો નિશીથ શાના માટે સોરી કહી રહ્યો હતો.... પણ અત્યારે એ વિચારવામાં સમય વ્યર્થ કરીને નિશીથ સાથે ગુજારવા મળી રહેલી પળોનો આનંદ ગુમાવવા નહોતી માગતી. તે ત્વરાથી તૈયાર થઈને બહાર નીકળી. બંને જણાએ ડીનર પતાવ્યું ને પોત પોતાની રૂમમાં જઈ સૂઈ ગયાં.

બીજા દિવસે સમિટ પતાવીને બંને જણા એરપોર્ટ પર પહોંચી મુંબઈ પરત થવા રવાના થયાં...

મુંબઈ પહોચ્યા પછી એરપોર્ટની બહાર નીકળતાં મિષ્ટી બોલી.

‘એક વાત કહું.. નિષ્ટિ?.....

‘હા બોલને નિષ્ટિ??’

‘હું ક્યારનીય એક વાત કહેવા માગતી હતી....’

ક્રમશ:.......