Gujarati Bhashanu Ghatatu Prabhutva books and stories free download online pdf in Gujarati

ગુજરાતી ભાષાનું ઘટતું પ્રભુત્વ

ગુજરાતી ભાષાનું ઘટતું પ્રભુત્વ... – પરમ દેસાઈ

“ઓહ ! રીયલી ! મેં તો ફસ્ટ ટાઈમ સાંભળ્યું...”

“હાઉ સ્વીટ ! તમે કેટલા ગુડ પર્સન છો ! તમે તમારા સન માટે કેવી બ્યુટીફૂલ સાઇકલ બાય કરી આવ્યા, ઓન્લી એની એક રિક્વેસ્ટ પર.”

“ઓહ માય ગુડનેસ ! ના હોય ! હું કઈ જ અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતો.”

“એ હું જરા આઉટીંગ એન્ડ શોપિંગ માટે ડેડીની કારમાં લોંગડ્રાઈવ પર ગઈ હતી...વ્હોટ હેપન ?”

***

ઉપરનાં સંવાદો જરા હજમ નથી થતાં, નહીં ? બીલકુલ સાચી વાત છે. તમે આવા જ બીજા પણ ઘણા સંવાદો આધુનિક લેખકો-લેખિકાઓનાં પુસ્તકોમાં વાંચ્યા જ હશે. અલબત્ત, મારો હેતુ એ લેખકો-લેખિકાઓની કલમને નુકસાન પહોચાડવાનો નથી(!) પણ, મારી વાત તમારી સમક્ષ મૂકવાનો છે.

ઉપર્યુક્ત સંવાદોથી તમને એવું નથી લાગતું કે આ ‘આપણી’ ભાષા નથી ? એનો લ્હાવો, એનો રંગ, એનો રોમાંચ એમાંથી લુપ્ત જણાય છે. હું તો એને ગુજરાતી ભાષાનું રીતસરનું ‘ખૂન’ કહું છું. તમે જે કહેતા હો, જે માનતા હો એ માનજો !

યુગોનાં યુગોથી ગુજરાતી સાહિત્ય રચાતું આવ્યું છે. વાલ્મિકીના રામાયણ અને વેદવ્યાસના મહાભારતથી માંડીને આજનાં આધુનિક લેખકો (ઘણા બધાં છે, નામ નથી આપતો)-સુધીની સફર ગુજરાતી સાહિત્યએ ખેડી છે.અસંખ્ય ગ્રંથો રચાયા, પુષ્કળ કાવ્યો રચાયાં, અનેક નવલકથાઓ બની. આજે એકવીસમી સદી આપણને ગુજરાતી સાહિત્યનુ નવું જ- જુદું જ રૂપ દેખાડી રહી છે. અંગ્રેજી સાહિત્યનું વધતું જોર અને એને પાછું ગુજરાતી ભાષામાં મારી-મચડીને ઘુસેડવાની પ્રવૃત્તિ આજનાં ઘણાંખરાં યુવા લેખક-લેખિકાઓ કરી રહ્યા છે. કરે, સૌ સૌનું કામ કર્યા રાખે. આપણે કોઈને અટકાવી શકવાનાં નથી, અગર તો એઓની વિચારસરણી બદલાય !

આજે ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ ધીમે-ધીમે ઓસરાતો જાય છે. આનું કારણ શું ? ગુજરાતી લોકો ગુજરાતી ભાષાથી જ વિમુખ થઈ રહ્યા છે. પોતાનાં બાળકોને શરૂથી જ ‘અંગ્રેજી માધ્યમ’માં ભણાવવાની લાલસા રાખતાં લોકો શું એ ભૂલી ગયા કે પોતે જે ભૂમિ પર જન્મ્યા છે એ ગરવી ગુર્જર ભૂમિ છે. માતાનાં ઉદરમાંથી જનમ્યા બાદ એ સૌથી પહેલો અક્ષર કે શબ્દ બોલે છે એ અક્ષર કે શબ્દ પણ ગૌરવવંતી માતૃભાષાનો જ હોય છે ! આજે ‘માં’ શબ્દનું સ્થાન ‘મધર’ અને ‘મોમ’એ લીધું છે. તો શું એ આપણા જેવા ગુર્જરવાસીને શોભા અપાવે છે ? નહી...હરગિજ નહી. ‘માં’ શબ્દમાં જેટલી તાકાત છે તેટલી શક્તિ ‘મધર’ કે ‘મોમ’માં હોઈ જ ન શકે.

હમેશા થોડું હોય એ મીઠું લાગે એ કહેવત મુજબ લેખકો પોતાની વાર્તાઓ કે નવલોમાં ‘થોડા’ પ્રમાણમાં આવા શબ્દો ઉમેરે તો એ શોભનીય ગણાય. કલ્પનાને અનુરૂપ પાત્રોને જીવંત તથા વાસ્તવિક સ્વરૂપ આપવા એવા શબ્દો ઉમેરવા એ હું પણ માનું છું. પણ...એની ક્ષમતા પૂરતા જ, આવા શબ્દપ્રયોગો દીપી ઊઠે છે.

ગુજરાતી ભાષા પ્રત્યે તો આપણને આપ્તજન જેવો સંબંધ હોવો જોઈએ. એનું કૌશલ્ય, એની મીઠાશ, એનો થનગનાટ...આહાહા...! સાચું ગુજરાતી સાહિત્ય આપણને આ વિશ્વથી દૂર, અગોચર વિશ્વની સફર કરાવતું હોય છે. સ્વપ્નદ્રષ્ટા લેખકો અને કવિઓ તો ગુજરાતીને સંગ, છંદો, ઉપમાઓ, અલંકારોને સાથે રાખીને ‘કંઈક’ અલગ જ...પોતાની કલ્પના દુનિયામાં વિચારતા કરી મુકે છે. તમે પણ અનુભવી જોજો ! તમને પણ ‘આહા !’ નો સ્હેજેય અહેસાસ થશે.

આના માટે વચગાળાનાં ગુજરાતી સાહિત્ય પર નજર માંડવી પડે. ચંદ્રકાન્ત બક્ષી, રા. વિ. પાઠક, ચં. ચી. મહેતા, જયંત પાઠક, મકરંદ દવે, રમેશ પારેખ, રઘુવીર ચૌધરી, મનુભાઈ પંચોળી(દર્શક), મોહમ્મદ માંકડ, ઉમાશંકર જોશી, ઉશનસ, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા વગેરે જેવા સાહિત્યકારોએ આ સમયગાળો ધમધમતો રાખ્યો. તે ઉપરાંત હાસ્ય ક્ષેત્રે જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, તારક મહેતા વગેરે એ પોતાની ઉત્કૃષ્ઠ શૈલી દ્વારા ગુર્જરવાસીઓને મન ભરીને હસાવ્યા છે. આ સમયમાં રચાયેલા કાવ્યો, સોનેટો, હાઈકુ, વગેરે તો રીતસર ‘સોનામાં સુગંધ’ જેવા લાગે છે.

ગુજરાતી ભાષાનું બીજું એક અંગ ‘રહસ્યકથા’ ક્ષેત્રનુ છે જેમાં અત્યાર સુધી ખૂબ ઓછું સાહિત્ય રચાયું છે. સામાન્યતઃ આ ક્ષેત્ર વિવેચકો અને ઘણા વાચકવર્ગને પસંદ નથી હોતું. તો આ બાબતની સામી નમ્ર દલીલે એટલું જ કહેવું છે કે જેમ હાથ-પગ વિના શરીર પાંગળું છે, તેમ ‘રહસ્ય ક્ષેત્ર’ વિના ગુજરાતી સાહિત્ય પાંગળું છે.

ભાષાકીય બાબતમાં લોકપ્રિય અને જાણીતા રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ યાદ આવે. તેઓ કહેતા કે, “મને વાંચક ‘વાચક’ જ બની રહે તેમાં રસ છે. પછી એ અમીર હોય કે સામાન્ય, શિક્ષિત હોય કે અશિક્ષિત. આથી જેમ બને તેમ અંગ્રેજી હાઈસોસાયટીનાં શબ્દો ટાળું એવા પ્રયત્નો મારા હશે, જેથી દરેક પ્રકારનો વાચકવર્ગ નિર્દોષ આનંદ માણી શકે !” એમની આવી વૃત્તિ મને ખરેખર ગમી છે. એમને છેક સુધી પોતાનાં નિશ્ચય મુજબ પોતાની કલમને અંગ્રેજી શબ્દોથી ઘણી જ દૂર રાખી છે.

માતૃભાષાએ આપણને બોલતાં શીખવ્યા છે તેથી એ જ આપણને હસાવશે, રડાવશે, વિવિધ પરિસ્થિતિઓનો અનુભવ કરાવશે. આજ છે આપણું ગુજરાતી સાહિત્ય કે જે માનવીના વિચારોને બદલી નાખે છે. એને વિદ્વતા નો અનુભવ કરાવે છે. શરીરનાં રુંએ રુંઆ ખડા કરી દેવાની ક્ષમતા ધરાવતી આપણી માતૃભાષા એ કંઈ ભૂલવાની ચીજ તો નથી જ. ગમે તેટલો મોટો માણસ કેમ ન હોય, એ માતૃભાષાને પોતાનાં હ્યદયમાંથી છોડી શકતો નથી.

આ નાનકડા લેખ દ્વારા મારે એટલું જ કહેવું છે કે આજે ગુજરાતી સાહિત્ય પર થઇ રહેલા અત્યાચારો સારા પરિણામ નહી લાવે. એ અટકશે તો જ ઊંડાણમાં ડૂબી રહેલી ગુજરાતી ભાષાને નાના-સરખાં તણખલાંનો સહારો મળશે અને એના સહારે એ ફરી પાછી બેઠી થઇ શકશે.

એવી આશા રાખીશ કે આવનાર ભવિષ્ય ગુજરાતી ભાષાને માનભેર જોશે, અંતઃકરણથી ચાહશે અને એનો અકસીર ઉપયોગ સાહિત્યમાં કરશે જેથી એક અદભુત સૃષ્ટિનું સર્જન થશે. સાહિત્યકારોની પોતાની કલ્પ્નાસૃષ્ટિનું...!

*-*-*

- પરમ દેસાઈ (8469141479)